હું તમને ગમું છું ? Ashoksinh Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું તમને ગમું છું ?

કિરણ નામ પ્રમાણે જ સવારનાં સોનેરી કોમળ કિરણ જેવી જ હતી. તેની મોટી ભાવવાહી આંખો, લિપસ્ટિક ની જાહેરાત માં બતાવે તેવા હોઠ,કાળા ભમ્મર લાંબા વાળ,ગોરો વાન, સાદા પણ સુંદર લાગે તેવા વસ્ત્રોમાં તે વધુ સુંદર લાગતી હતી. તે જ્યાંથી નીકળે ત્યાં આખા રસ્તે જાણે મેગ્નેટિક ઇફેક્ટ લાગી જતી.યુવાનો તેને તાકી જ રહેતા. કિરણ અને તેની સખી રોજ કોલેજ જવા માટે બસ સ્ટેન્ડ ઊભી હોય.

કિરણ ની મેગ્નેટિક ઇફેક્ટ ની અસર સુરજ પર પણ થઈ રહી હતી. તે પણ રોજ કોલેજ જાય ત્યારે અહીં બસ સ્ટેન્ડ પર કિરણ ને જોયા કરતો.તેને કિરણ ખૂબ ગમતી હતી.પણ આ વાત તેને કેમ કરવી? તેને લઈ તે મૂંઝાતો હતો.

ધીમે ધીમે કિરણ પણ સુરજ ની સામે જોવા લાગી.તેને પણ સુરજ ગમતો હોય તેમ લાગતું હતું.સવારમાં કૉલેજ ટાઈમે બસ સ્ટેન્ડ પર બીજા પણ ઘણા સ્ટુડન્ટ્સ હાજર હોય. એટલે વાત કરવાનો તો કોઈ ચાન્સ જ ન રહેતો.ઘણા દિવસો સુધી આવી રીતે બંને એકબીજાને જોયા કરતાં.કિરણ કંઈ બોલતી નહી પણ તેની આંખો બધું કઈ જતી હતી.એક દિવસ તેણે બધાની નજર ચૂકવી ને સુરજ ને સ્માઈલ આપી.સુરજ તો ઘાયલ થઈ ગયો.

હવે તે રોજ વહેલો સીટી બસ સ્ટેન્ડે આવી જતો. કિરણ ને આવવામાં વહેલું મોડું થાય. તો તે અધીરો થઈ જતો. બસમાં પણ કિરણની નજીક જ રહેવાય તેમ ગોઠવાઈ જતો. કિરણ ની કૉલેજ વહેલા આવતી એટલે તે પહેલાં ઉતરી જતી. બસ ઉપડી જાય એટલે કિરણ પાછું ફરી સુરજ સામે જોઈ લેતી.કેટલાય દિવસો સુધી બંને ની મૌન લવ સ્ટોરી આવી રીતે ચાલી.

એક દિવસ કિરણ ની સખી નહોતી આવી.બસમાં પણ કિરણ ની બાજુ માં સીટ ખાલી હતી. સુરજ ધીમે રહી બેસી ગયો. બંને એક બીજાની સામે જોયા કરે છે. બસ રસ્તાનો ટ્રાફિક ચીરતી આગળ ચાલ્યે જાય છે.સુરજ આજે કિરણને કંઇક કહેવા માંગે છે. સુરજ ખૂબ શરમાળ અને સીધો છોકરો છે. યુવાનીનાં ઉંબરે ઊભો છે.તેની છાતીમાં ધડકન જોર..જોરથી ચાલી રહી છે.એક સ્ટેશન આવ્યું મુસાફરો ચડવા ઉતરવાની ધમાલમાં પડ્યાં છે. સુરજે ધીમે રહી કિરણ ને કહ્યું, " તમે મને ગમો છો." કિરણના મખમલી ગાલ લાલચોળ થઈ ગયાં. તે સુરજની સામે જોઈ રહી. આંખમાં ઝળઝળીયાં આવી ગયાં. તે નીચું જોઈ ગઈ.

સુરજને લાગ્યું કે તેણે ઉતાવળ કરી નાખી લાગે છે.કદાચ કિરણ તેને એવી દ્રષ્ટિથી કે જે પોતે વિચારે છે, ના પણ જોતી હોય.તેના મનમાં કિરણની આંખોના ઝળઝળીયાં જોઈને અનેક વિચારો આવ્યાં.એટલામાં કિરણનું સ્ટેશન આવી ગયું તે ઉતરી ગઈ.આજે તો તેણે પાછું ફરીને પણ ના જોયું.સુરજને લાગ્યું તેણે નક્કી ઉતાવળ કરી નાખી છે.

બીજા દિવસે સુરજ વહેલો બસ સ્ટેશન આવી ગયો.આજે પણ કિરણ એકલી જ હતી.સુરજે ડરતાં.. ડરતાં...તેની સામે જોયું તો કિરણ તેની સામે જ તાકી રહી હતી.સૂરજના જીવમાં જીવ આવ્યો.બસ આવી ભીડમાં સુરજ ચડ્યો.જોયું તો આજે કિરણે તેની બાજુમાં સુરજ માટે જગ્યા રોકી હતી.સુરજ ત્યાં જઈ બેસી ગયો. આજે તેની હિંમત વધી. તેણે સીધું કિરણ ને પૂછી લીધું, " કાલની વાતનું ખોટું તો નથી લાગ્યું ને?" કિરણે કંઈ જવાબ ના આપ્યો.મૌન રહી સુરજને તાકી રહી. સુરજે હિંમત ભેગી કરી આજે ફરી કહ્યું, " તમે મને ગમો છો." આજે પણ કિરણ મૌન રહી. ઘડીક સુરજ સામે જોઈ રહી.આંખમાં ઝળઝળીયાં આવી ગયા. ઝળઝળીયાં આંસુ બની ટપકું...ટપકું... થાય ત્યાં કિરણ નીચું જોઇ ગઈ.ત્યાં તેનો સ્ટોપ આવી ગયો. તે નીચે ઉતરી ગઈ.

સુરજ ને કઈ સમજાતું નથી.રોજ બસ સ્ટેશન મળે ત્યારે કિરણની આંખો વાંચવા મથે.તેમાં તેને પોતાનાં પ્રત્યે પ્રેમ દેખાય પણ કિરણ સાથેની બે નાની મુલાકાતમાં કોઈ જવાબ ના મળ્યો.

આમને આમ દિવસો જવા લાગ્યાં. હવે તો કિરણ એકલી પણ નહોતી પડતી. તેની સખી સાથે જ હોય.કાલે વેલેન્ટાઇન ડે છે. સુરજ બસની ભીડ વચ્ચે ધીમે રહી કિરણને એક ચિઠ્ઠી અંબાવી દીધી. જેમાં તેણે કાલે વેલેન્ટાઇન ડે નાં દિવસે મળવા એક કોફી કાફે નું એડ્રેસ ને સમય લખ્યો હતો.

સુરજ આજે તેના પપ્પા નું બાઈક લઈને ક્યારનો કોફી કાફેમાં એક ખુણાના ટેબલ એ આવીને બેસી ગયો છે. ટેબલ પર તાજુ ડાળી સાથેનું એક ગુલાબ પડેલું છે. સુરજને વિશ્વાસ નથી કે કિરણ આવશે. જેમ-જેમ સમય જતો જાય છે.તેમ તેનો ઉચાટ વધતો જાય છે. તે ઘડી..ઘડી દરવાજા તરફ તાકે છે. વેઇટર ચાર વખત આવીને, " સાહેબ કોફી લાવું? " એવું પૂછી ગયો છે.

એટલામાં દૂરથી આસમાની કલરનો ડ્રેસ પહેરીને કિરણ આવતી નજરે પડી.સુરજ તો ટેબલે થી ઉભો થઇ ગયો. કિરણને સામેની ચેર પર બેસાડી. એટલામાં વેઈટર આવ્યો, " સાહેબ લાવું કોફી? " સુરજે કહ્યું, " હા લાવ. " કોફી આવી ગરમ...ગરમ..કોફીના કપમાંથી વરાળ નીકળતી હતી.સુરજે વાત ચાલુ કરી. " હું ક્યારનો તમારી રાહ જોતો હતો." કિરણ સુરજની સામે જોઈ રહી. કંઈ બોલી નહીં, નીચું જોઈ ગઈ.સુરજને કિરણ નું આ ભેદી મૌન હવે ખૂબ અકળાવે છે.સુરજે કહ્યું, " તમે મને કેમ કઈ જવાબ નથી આપતા? તમે મને ગમો છો."

કિરણે પર્સ માંથી લખેલી ચિઠ્ઠી કાઢી સુરજને આપી. ચિઠ્ઠી ખોલી સુરજ વાંચવા લાગ્યો. " તમે મને કહ્યાં કરો છો કે " તું મને ગમે છો." તો સાંભળો હું દેખાવમાં જ સુંદર છું. કુદરતે મારી સાથે ક્રૂર મશ્કરી કરી છે. મને આટલું રૂપ આપ્યું છે.હું બધાને ગમુ છું.પણ જ્યારે મારી હકીકત ખબર પડે ત્યારે બધા મારાથી દૂર ભાગે છે.હું બધું સાંભળી શકું છું પરંતુ જન્મ થી બોલી શકતી નથી. હું મૂંગી છું. બોલો હવે હું તમને ગમું છું? " સુરજ ફટાફટ આખી ચિઠ્ઠી વાંચી ગયો. કિરણ સુરજની સામે જોઈ રહી છે.તેની મોટી આંખોમાં આવેલા ઝળઝળીયાં આંસુ બનીને સુરજે લાવીને ટેબલ પર મૂકેલા ગુલાબને ભીંજવી રહ્યાં છે. ગરમા...ગરમ..કોફીના કપમાંથી વરાળના ધૂમાડા નીકળી રહ્યા છે.........