ત્રણે જણા શું બોલવું એ ના સૂઝતા પૂતળા જેવા બનીને બેઠા હતા. ક્રિષ્ના, જશોદાબેન અને મુરલી ત્રણે જણા પોતાની રીતે સાચા હતા, બસ બીજાને એમની વાત મંજૂર નહતી!
ત્રણેને જાણે આ કપરી સ્થિતિમાંથી બહાર કાઢવા જ આવ્યો હોય એવો ગાડીના હોર્નનો અવાજ આવ્યો. પાર્થ આવી ગયો લાગે છે. જા બેટા જો તો જરાં." જશોદાબેનના મોઢા પર સ્મિત ઝળકી ગયું.
ક્રિષ્ના માંડ ઊભી થઈ. જાણે શરીરમાં પ્રાણ જ ના હોય. ઘસડાતા પગે એ બારણાં સુંધી ગઈ અને બારણું ખોલ્યું. સામે પાર્થ હતો. એ હસ્યો પણ, ક્રિષ્ના એની સામેય નજર ના મેળવી ન શકી. પાર્થનું સ્મિત પણ અડધું રહી ગયું, એ અંદર આવ્યો. બધાની સામે થોડો વિવેક કર્યો અને ક્રિષ્નાને લઈને નીકળી ગયો.
મુરલીએ વાસુદેવભાઇને ઉઠાવીને ગાડીની પાછલી સીટ પર જશોદાબેન પાસે બેસાડ્યા અને પોતે ગાડી ચલાવી એમને હોસ્પિટલ ભેગા કર્યા. હોસ્પિટલ પહોંચતા જશોદાબેનને યાદ આવ્યું કે, વાસુદેવભાઇની કેસ ફાઈલ એ ઘરે ભૂલી ગયેલા. આજે મોટા ડોક્ટર એમને તપાસવાના હતા. ફાઈલ વગર ચાલે એમ જ ન હતું. મુરલીએ કહ્યું કે પોતે ઘરે જઈને ફાઈલ લઈ આવશે પણ, જશોદાબેન ના માન્યા. ફાઈલ કબાટમાં પડી હતી અને એ જ કબાટમાં દાગીના અને થોડા રૂપિયા રાખેલા હતા. સાવ અજાણ્યાં હાથમાં ઘરની ચાવી કેમ અપાય મુરલીને હોસ્પિટલમાં રોકાવાનું કહી એ પોતે ઘરે ગયા.
બે કલાક રહીને ક્રિષ્નાને ફોન આવેલો. મમ્મીએ જલદી હોસ્પિટલ આવવા જણાવેલું. કંઇક અનહોનીની આશંકાએ એ તરત પાછી આવી હતી. પપ્પા આઇ.સી.યું. માં દાખલ હતા. એક ખૂણામાં મુરલી ઊભેલો અને બીજા ખૂણે ખુરસીમાં જશોદાબેન બેઠેલા. ક્રિષ્નાને જોતાજ જાણે એની રાહ જ જોતા હોય એમ એ દોડીને એને ભેંટી પડેલા. રડતાં રડતાં એમણે મુરલી તરફ હાથ લંબાવીને કહ્યું,
“આણે જ એમને કંઇક કરી દીધું. નક્કી કશુંક પીવડાવી દીધું લાગે છે. ઘેરથી લઈને આવી ત્યારે તો સાજા જ હતા હું મૂઈ ફાઈલ ઘેર ભૂલી ગયેલી, એ લેવા ગઈ અને આવીને જોવું છું તો એમની આંખો ફાટી ગયેલી, આખું શરીર ધ્રુજતુતું, મોંમાથી ફિણ નીકળતુતું.... આણે જ એમને ઝેર આપી દીધુ લાગે છે!”
મુરલીતો આ સાંભળીને છક થઇ ગયો. એને બરોબરનો ગુસ્સો પણ ચઢ્યો, “આ શું બકવાસ કરે છે. શું બોલે છે એનું એમને જરીએ ભાન છે કે નહિ હું શું કરવા એમને મારી નાખું મે કશું નથી કર્યું ક્રિષ્ના પ્લીઝ મારો વિશ્વાસ કર.”
એક બાજુ મુરલી અને બીજી બાજુ મમ્મી, બંને જણાં હોસ્પિટલના નિયમ ભૂલીને જોર જોરથી ચિલાઈ રહ્યા હતા. ક્રિષ્નાનું મગજ ચકરાઈ ગયું. મુરલી પર એને પૂરો ભરોસો હતો એ કોઈ દિવસ આવું કામ ના જ કરે અને એની મમ્મી પર પણ પૂરો ભરોશો હતો એ હવે કોઈ દિવસ મુરલીને નહિ સ્વીકારે!
ક્રિષ્ના આંસુ ભરી આંખે, હાથ જોડીને મુરલી સામે ઊભી રહી અને ધીરેથી બોલી,
“તું જતો રે!”
“એ જ બરોબર છે. એક અનાથ શું જાણે માબાપની કિંમત તે બરોબર કર્યું બેટા!” જશોદાબેન રડતાં રડતાં બોલતા હતા.
“અનાથ! આ દુનિયામાં કોઈ એની મરજીથી અનાથ નથી થતું! પણ, આજે થાય છે કે તમારા જેવી મા હોવી એના કરતા અનાથ હોવું સારું!”
આંસુ ભરેલી આંખે મુરલી આટલું બોલ્યો જ હતો કે એના ગાલ પર એક તમાચો પડ્યો. ક્રિષ્નાએ મુરલીના ગાલે લાફો મારી દીધેલો હજી બીજો મારવા એનો હાથ લાંબો જ થયો હતો કે, ક્યારનાય ચૂપ ચાપ ઊભેલા પાર્થે આવીને ક્રિષ્નાને પકડી એને રોકી લીધી.
મુરલી ક્રિષ્ના સામે જોઈને હસ્યો, આજ સુંધીનું સૌથી ઉદાસ હાસ્ય ક્રિષ્નાને એના દિલ પર જાણે કરવત ફરતી હોય એમ લાગ્યું, એ આંસુભરી આંખોએ ધૂંધળા દેખાતા મુરલીને જોઈ રહી અને એ જતો રહ્યો...!
×××××××××××××××××××××××××××××××××××
એના છ મહિના પછીની એક સાંજ. મુંબઇના જુહુ બીચ પર વાસુદેવભાઇ, જશોદાબેન અને ક્રિષ્ના બેઠેલાં. દરિયા પરથી વહીને આવતો ખારો, ભેજવાળો પવન ક્રિષ્નાના સુકાવાળની લટોને આમાંથી તેમ હવામાં જુલાવી રહેલો... એના દુપટ્ટામાં ભરાયેલો પવન જાણે એની બધી તાકાત અહીં જ દેખાડવા માગતો હોય એમ એને દૂર દૂર સુધી ઉડાડી રહેલો... દુપટ્ટાના એક છેડાનો નાનકડો ભાગ એકલો મરણિયો બનીને હજાર સૈનિકો સામે બાથ ભીડી રહ્યો હોય એમ હજી ક્રિષ્નાની છાતિ આગળ ચીપકી રહેલો. જાણે પવન આજે હાર ન માનવાનું નક્કી કરીને ઘરેથી નીકળ્યો હોય એમ થોડી વધારે શક્તિનું પ્રદર્શન કરીને એ નાનકડા છેડાને ક્રિષ્નાની છાતિ પરથી ઉડાડીનેજ માન્યો. ક્રિષ્નાને આ બધાથી કશો ફરક જ ન હતો પડતો. દૂર ક્ષિતિજને તાકી રહેલી એની આંખો જરાકે ફરકી સુધ્ધા નહિ!
“અરે આ ઓઢણી ઊડી....”વાસુદેવભાઇ તરત ઊભા થયા અને એક હાથમાં લાકડાની ઘોડીના સહારે, લંગડાતા ઓઢણી પાછળ ભાગ્યા.
“અરે....સાચવજો.....” એમની પાછળ જ જશોદાબેન પણ ઉઠ્યા.
રેત ઉપર ભાગી રહેલાં વાસુદેવભાઇને રેતીમાં પડેલો મોટો પથ્થર ના દેખાયો. એમને ઠોકર વાગી ને એ નીચે ગબડી પડ્યાં. પેલી નફ્ફટ બની ગયેલી ઓઢણી પવનની સંગે ઉડતી ઉડતી જઈને એક મોટા ખડકને છેડે બેઠેલા, ચાલીસ પિસ્તાલીસ વરસના ભરતભાઈની ઉપર હરખભેર ચાદરની જેમ પથરાઈ. પણ, એ ઓઢણીથી ભરતભાઈને કંઈ ખુશી ના ઉપજી, ઊલટાનો ગુસ્સો આવ્યો. એક જ હાથે એમણે એને પકડીને ગોળ ગોળ ગુમાવી, ગોળ ડૂચો વાળી દીધો. આ ક્યાંથી ઉડીને આવી એ જોવા એમણે નજર દોડાવવી તો દૂર વાસુદેવભાઇ ને પડી જતાં એમણે જોયા. એ તરત જ ભાગીને એ તરફ ગયા.
“અરે અરે વડીલ! જરા સંભાળીને.”
વાસુદેવભાઇનો હાથ પકડી એમણે એમને ઊભા કર્યા. “આ ઉંમરે આમ ન દોડાય કાકા, કહો કે બચી ગયા. જો આ પથ્થર સાથે માથું અફળાયું હોત તો નારિયેળની જેમ વધેરાઇ જાત.”
“હજી મારવાનું મને પાલવે એમ નથી ભાઈ. નારિયેળની જેમ માથું વધેરાયું હોત તોય મને કંઈ ન થાત. “કપડાં પર ચોટેલી ધૂળ ખંખેરતા વાસુદેવભાઇ બોલ્યા, “મદદ કરવા માટે આભાર. આ ઓઢણી મારી દીકરીની છે.”
“ઓહ, હું એ આપવા જ આવેલો. મારેય ઘરે એક દીકરી છે એની ઓઢણી જો ઊડી જાય તો હું પણ એને પકડવા આમ જ ભાગુ. પણ, મારી પેલા તો એજ એને મારાથી તેજ ભાગીને પકડી લેય. ”
“મારી દીકરીય મારી પેલા પકડી લેત પણ હાલ એ માંદી છે.એની સારવાર માટેજ અહી મુંબઈ સુધી લાંબા થયા છીએ.”
“ભગવાન તમારી દીકરીને જટ સારી કરી દે. જય જિનેન્દ્ર!”
“જૈન વાણિયા લાગો છો! ”
“હા."
“અહી આજની રાત રોકાવાય એવી કોઈ સારી અને સસ્તી હોટેલ બતાવી શકશો, માફ કરશો હું તમને પરેશાન કરી રહ્યો છું પણ દીકરી અને વાઇફને સાથે લઈને નીકળ્યો છું એટલે થોડો ચિંતામાં છું. ”
“પણ અહીં બીચ પર તમે લોકો શું કરતા હતા છોકરી માંદી હોય તો એને દવાખાને લઈ જવી જોઈએને .”
“તમારી વાત બરોબર છે એની કાલની એપોઇન્તમેંટ છે. આજે અમે અમારા એક વડીલ મિત્ર હિંમતભાઈને ત્યાં રોકાવાના હતા. પણ, એ બહાર ગામ ગયેલા છે. આજે એ આવી જવાના હતા પણ, રસ્તામાં એમને એમના કોઈ ફેસબુકના મિત્રની મળી ગયા અને એમની સાથે વાતોમાં એ ટ્રેન ચૂકી ગયા.”
“ઓહ! ચાલો એક કામ કરો આજની રાત મારા ઘરે રોકાઈ જાવ.”ભરતભાઈ એકદમ જ બોલી ઉઠ્યા.
“અરે ના, ના. અમે લોકો હોટેલમાં રહી લઈશું. તમને આટલી તકલીફ આપી હવે વધારે નહી.”
“સાચુ કહું છું વડીલ મને જરાય તકલીફ નહિ પડે ઊલટાની મજા પડશે. વાત એમ છે કે અહીં હું એકલો જ છું મારું ફેમિલી ચેન્નઈમાં છે, નાનોમોટો ધંધો ચાલે છે આપણો એટલે કામસર વારંવાર મુંબઈ આવવાનું થાય. દાદરમાં નાનકડું ઘર છે આપણું ચાલો આજની રાત ગુજરાત વિશે ચર્ચા કરવામાં વિતસે, મજા પડશે!”
ભરતભાઈ કોઈનું માને એવી માટીના ન હતા. ઘણી આનાકાની છતાં ક્રિષ્ના અને એના માબાપને એમના ઘરે લઈ જ ગયા. ક્રિષ્નાને જોઈને એમને થયું કે આ છોકરીને ક્યાંક જોઈ છે પણ, કંઈ યાદ ન આવ્યું. છેલ્લે એમણે એમ વિચારીને મન મનાવ્યું કે, એ રોજ રોજ શાયરીમાં સુંદર છોકરીઓના ફોટા મૂકે છે ફેસબુક પર એમાથી જ કોઈની સાથે આનો ચહેરો મળતો આવતો હશે......!