સવારે જશદાબેન જેવા બેઠકખંડમાં આવ્યા એવી એમની નજર સોફામાં ઊંઘી રહેલા મુરલી પર પડી હતી. એના શરીર ઉપર ક્રિષ્નાની ચાદર ઓઢેલી જોતા જ જશોદાબેનને ગુસ્સો આવી ગયો. એમણે ક્રિષ્નાને ના કહેલી રાતે જાગવાની, એમના જોતા જ એ એના રૂમમાં ગયેલી તો પછી આ ચાદર અહીં કેવી રીતે આવી રાતના ક્રિષ્ના આને મળવા અહી આવી હશે કે પછી આવો આ જ એના રૂમમાં ગયો હશે અને ઠંડીનું બહાનું કરી આ ચાદર લેતો આવ્યો હશે તરબુજ ચાકૂ પર પડે કે, ચાકૂ તરબુજ પર શું ફરક પડે! કપાવાનું તો તરબુજ જ છે! કેમ કરી સમજાવું આ નાદાન છોકરી ને!
એ ક્રિષ્નાને જગાડવા એના રૂમમાં ગયા ત્યારે ક્રિષ્ના ઉઠી ગઈ હતી અને બાથરૂમમાં હતી. જશોદાબેન રસોડામાં ગયા અને ચા મૂકી શાક સમારવા લાગ્યા.
“જય શ્રી કૃષ્ણ મમ્મી!”
ક્રિષ્નાએ રસોડામાં આવી મમ્મીને સ્મિત સહ કહ્યું.
“જય શ્રીકૃષ્ણ બેટા!”
જશોદાબેન દીકરીને નિહાળી રહ્યા. હાલ જ નાહીને આવેલી ક્રિષ્ના ખીલેલા ફૂલ જેવી તરોતાજા લાગતી હતી. એના વાળ હજી ભીના હતા એમાંથી પાણી ટપકતું હતું. આછા વાદળી રંગના પંજાબી ડ્રેસમાં એ ખૂબ સુંદર લાગતી હતી.
“આમ કેમ જોઈ રહી છે?”
“જોઈ રહી છું કે તું કેટલી જલદી મોટી થઈ ગઈ. હજી કાલ સુંધી તો આવડી નાનકડી હતી અને હવે થોડા દિવસોમાં તો પારકી થાપણ બની જઈશ!” જશોદાબેને હાથ વડે ઈશારો કરીને કહ્યું.
“મમ્મી એ જમાનો ગયો હવે. પારકી થાપણ અને પેલું સૌથી ભંગાર તો કયું હતું જેનાથી હું ખૂબ ચિઢતી હતી! હા, દીકરીને ગાય દોરે ત્યાં જાય! હવે તો દીકરી મનમળે ત્યાં જાય!” ક્રિષ્ના હસી પડી.
“ચૂપ કર! એ બધું સંસ્કારી ઘરની છોકરીઓનું કામ નથી." જશોદાબેનના અવાજમાં અચાનક પલટો આવી ગયો.
“સંસ્કારી હોય એટલે એની કોઈ મરજી ના હોય એને દિલ જેવું કંઈ ન હોય?”
ક્રિષ્ના બસ એમ જ બોલી ગયેલી પણ જશોદાબેનને એની વાતો પરથી એવું લાગ્યું કે જો સમયસર એ કોઈ મોટા પગલાં નહિ લે તો આ છોકરી બગાવત પર ઉતરી આવશે. હજી એ પોતાના કહ્યામાં છે ત્યાં સુંધી એનું ઠેકાણું પાડી દેવું પડશે. આવો આ મુરલી જ એમની ભોળી પારેવડાં જેવી છોકરીને ખોટા રસ્તે દોરી રહ્યો છે, એમ માનું દિલ કહી રહ્યું. પાર્થ જેવા સારા મુરતિયાને એ કોઈ કિંમતે ખોવા નહતા માંગતા. કંઇક વિચારીને એમણે બેઠકરૂમમાં જઈ ફોનનું રિસિવર ઉઠાવી પાર્થના ઘરે ફોન જોડ્યો.
“હલો...કોણ બોલે છે...હું, હું જશોદા બોલું છું. જય શ્રી કૃષ્ણ બેટા! મમ્મી ઘેર નથી શું... પૂજા કરે છે...સરસ, સરસ! મેં બસ એ જણાવવા જ ફોન કરેલો કે વેવાણે કઢાવેલા મૂરત પર સગાઈ નક્કી જ છે હોં! ક્રિષ્નાના પપ્પાની હાલત તો હજી એવી ને એવી જ છે. સુધારો થાય છે થોડો થોડો પણ હજી બૌ ફરક નથી લાગતો. હવે મેં બધું ભગવાન પર છોડી દીધું છે જેવી વાલાની મરજી! એમની હાજરીમાં ક્રિષ્નાને એના સાસરે સુખી જુએ તો એય રાજી જ થવાના ને!” સામે છેડે વાત પાર્થ સાથે ચાલતી હતી પણ, એમની નજર સામે સોફા પર પડેલા મુરલી પર જ હતી. એ જાગી ગયો હતો. બધી વાતો એણે સાંભળી હતી...
“ક્રિષ્ના બેટા આજે તારા પપ્પાની સાથે હું છું તું પાર્થકુમાર સાથે જઈને સગાઈની વીંટી પસંદ કરી આવજે. આ તારો દોસ્ત ઉઠી ગયો હોય તો એનેય કહે જટ પરવારીને ચા નાસ્તો કરી લે.”
જશોદાબેન પોતાની ચાલ પર ખુશ થઈને મનમાને મનમાં મલકાઈ રહ્યા હતા. એમને એમ કે એમણે એક કાંકરે બે પક્ષી માર્યા! મુરલી અને ક્રિષ્ના બંનેને ઠેકાણે પાડી દીધા! પણ, એમનો મલકાટ નિયતિ કેટલા દિવસ ટકવા દેશે એ કોને ખબર?
“મમ્મી...”
ક્રિષ્ના કંઇ બોલવા જતી હતી. એની નજર મુરલી પર ગઈ. એ ઉઠી ગયો હતો. એને સાંભળતાં મમ્મીને કંઈ કહેવું ક્રિષ્નાને યોગ્ય ના લાગ્યું. એણે હોઠ સિવી લીધા!
એક ઉદાસ સ્મિત ક્રિષ્ના તરફ ફેંકીને મુરલી બાથરૂમમાં ઘૂસ્યો. હવે એને આ ઘરની ભૂગોળ ખબર હતી. એ તૈયાર થઈને રસોડામાં ગયો. બધાને ગુડ મોર્નિંગ વિશ કર્યું. એણે આછા પીળા રંગની ટીશર્ટ અને કાળું જિન્સ પહેરેલું. જશોદાબેનને એમાં એ વધારે કાળો લાગ્યો, ક્રિષ્નાને વધારે મોહક! જેવી જેની દૃષ્ટિ!
“તમને વાંધો ન હોય તો આજે પણ ક્રિષ્નાના પપ્પાને લઈને મારી સાથે આવશો?”
“હા. ચોક્કસ. એમાં પૂછવાનું ના હોય.”
જશોદાબેને આજે પહેલીવાર પોતાને કોઈ કામ બતાવ્યું હતું. મુરલી હા જ બોલેને.
“તો સરસ. બેટા તું તારે પાર્થ સાથે રહે આજનો દિવસ. આજે એ લોકોનો બધી ખરીદી કરવાનો પ્લાન છે. મારાથી તો બહાર નહિ અવાય પણ, તું જઈ આવ. પાર્થકુમાર માટે સારી એવી ભારે વીંટી પસંદ કરજે. રૂપિયાની કોઈ ચિંતા ના કરતી. બેંકમાં વાત થઈ ગઈ છે. હવે મારી સહી ચાલશે. તારા કપડાં તારી સાસુની પસંદ પ્રમાણે લેજે, હવે એમનેય તારી મમ્મી જ સમજવાનું! તારી જેઠાણીને જો એ દરેક પગલું તારી સાસુને પૂછીને ભરે છે એને એ કેટલું સાચવે છે. વારે તહેવારે સોનાના દાગીનાથી મઢી દેછે એને. હું ઇચ્છું છું કે તું પણ એમ જ ખુશ રહે.”
બધી સ્ત્રીઓ શું બસ ઘરેણાં અને કપડાં પાછળ જ ઘેલી હશે પોતે પણ તો એક સ્ત્રી છે તો આ ઘરેણાં અને કપડાંની લાલચ એને કેમ લલચાવતી નથી. એક સ્ત્રી હોવું એટલે શુંઘરેણાં અને સુંદર કપડાનો ઠઠારો કરીને, શોભાની ઢીંગલીની જેમ બેસી રહેવું એ ક્રિષ્નાને ઘણું કહેવું હતું પણ, મુરલીની હાજરીમાં એ મમ્મી સાથે તકરાર ટાળવા માંગતી હતી. થોડી મમ્મીની બિક પણ હતી ના કરે નારાયણ અને એ જો મુરલીને કંઇ આડુંઅવળું બોલીને ઘરમાંથી ચાલ્યા જવાનું કહી દે તો પછી ના, ના એવું હરગીઝ ના થવું જોઈએ. એ મુરલીની આંખો સામે જોવાનું ટાળતી રહી. એણે ખબર હતી કે મુરલી અત્યારે શું વિચારતો હશે....પોતે આ સગાઈ માટે સાફ સાફ ના કેમ નથી કહી દેતી ના, કહી જ હતી. એ આવ્યો એના થોડા કલાકો પહેલાં જ. પણ, મમ્મી માનતી નથી અને અત્યારે એની સામે થવાની કે પાર્થને ના કહેવાની પોતાનામાં હિંમત નથી! પ્રેમ માટે થઈને આખી દુનિયા સામે લડી લેવાય પણ અહી તો ઘરમાંજ લડવાનું હતું, પોતાનાજ લોકો સામે! કુરુક્ષેત્રના મેદાનમાં જે વેદના અર્જુન અનુભવી રહ્યો હશે એ આજે ક્રિષ્નાને સમજાતી હતી. કૃષ્ણ જેવો મિત્ર એ ક્યાંથી લાવે!
“તમારે મોડું તો નહિ થાય ને અમને હોસ્પિટલ છોડીને પછી તમે જતા રહેજો.” જશોદાબેન મુરલીને કહી રહ્યા.
“મને જરાય ઉતાવળ નથી. તમે બેફિકર રહો.”
મુરલીએ હસીને જવાબ આપ્યો હતો. એ જશોદાબેનની વાત, એમનો પોતાના પ્રત્યેનો અણગમો, ખીજ સમજતો હતો, ગમે તેમ કરીને એ પોતાને અહીંથી ભગાડી દેવા ઇચ્છતા હતા. એના હસવામાં એના મનનો ભાવ જીલાઈ ગયો. એનું એ ઉદાસ હાસ્ય જોઈ ક્રિષ્નાની આંખો ભીની બની. એના દીલમાં ભાર લાગી રહ્યો. કંઇક ના સમજાય એવી પીડા થવા લાગી હતી શરીરમાં પણ, ક્યાં કઈ જગાએ એ ખબર નહતી!
સવારનો તાજગી ભરેલો ચહેરો અત્યારે સાવ નીરસ લાગી રહ્યો હતો એ વાત મુરલીએ નોંધી પણ સગી જનેતાએ નહિ! કે પછી એ નોંધવા માગતી જ ન હતી. પાળી પોષીને આટલા લાડકોડથી ઉછેરેલી દીકરી આમ અચાનક જ ભાર રૂપ કેમ લાગવા માંડતી હશે? જલદીથી એને વળાવી દો, બસ વળાવી દો! સારું ઘર એટલે માબાપની પસંદનું, સારો વર એટલે માબાપની પસંદનો અને જો છોકરીને પસંદગીનો મોકો આપેતો એ પણ એમણે ચૂનેલા ચાર પાંચ નંગમાંથી એકને ચુનવાનો અને જો છોકરી પ્રેમ કરવાની ભૂલ કરી બેસે તો એ એનો સૌથી મોટો ગુનો! સમાજની, પરિવારની, ખાનદાનની ઈજ્જત આબરૂની કેટ કેટલી દુહાઈ આપીને એને મજબૂર કરવાની, એને જીવતે જીવ એની ઈચ્છાઓને પોતાને હાથે જ મારી નાંખીને કોઈક બીજાને પરણી જવાનું અને જીવનભર નાટક કર્યા કરવાનું આદર્શ દીકરી, પ્રેમાળ પત્ની અને ખાનદાની વહુ હોવાનું! મુરલી વિચારી રહ્યો. એકવાર બસ, એકવાર કહી દે ક્રિષ્ના કે હું તને ચાહું છું! ભગવાનના સમ હું તને આ બધી તકલીફમાંથી ઉગારી લઈશ. તે કે તારા માબાપે કલ્પ્યું પણ નહિ હોય એટલું સુખ હું તમારા પર રોજ ન્યોછાવર કરતો જ રહીશ. બસ, એકવાર કહી દે, આઇ લવ યુ મુરલી! મુરલી ક્રિષ્નાની એક નજર માટે તડપી રહ્યો અને ક્રિષ્ના હાથે કરીને માથું નીચે ઢાળીને બેસી રહી....