નક્ષત્ર (પ્રકરણ 26)

અમારી તરફ આવતી એ કાળી સ્કોર્પીઓમાં કોઈ મદદ કરનાર મળી રહેશે. મને આશા હતી પણ મારી બાકીની આશાઓ જેમ એ પણ ઠગારી નીકળી. એ કાળી સ્કોર્પીઓમાં અમારી નહી પણ સામે પક્ષની મદદ કરનાર હતા. એ કાર ત્યાજ થોડેક દુર પુલ ઓફ થઇ પણ એમાંથી ઉતરીને કોઈ બહાર ન આવ્યું. હું સમજી ગઈ કે એ ડોક્ટર અને એના માણસોની જ કાર હતી. હજુ આ બધા ડોકટરના જ માણસો હતા કે એનાથી એ ઉપર કોઈ હતું એ મને ખયાલ ન હતો. એ મહત્વનું પણ ન હતું. સામે જે ચહેરો હોય તે પણ બાજી એમના હાથમાં હતી એ નક્કી હતું.

એ કાળી કાર અમારાથી વીસેક યાર્ડ દુર પુલ ઓફ થઈ. કારની વિન્ડો પર કાળા ગ્લાસ લગાવેલ હતા. એમાં કોણ હશે એ જોઈ શકવું અશકય હતું. એમાં કોણ હશે એ વિચારવાનો કોઈ અર્થ નહોતો. મારી સામે જે ચહેરા ખુલ્લા હતા એ જ અજાણ્યા હતા. હું એ ખુલ્લા ચહેરાઓ કોના છે એ જાણવામાં નિષ્ફળ હતી તો એ છુપાયેલા ચહેરા કોના હશે એ જાણવાનો તો કોઈ પ્રશ્ન જ ન હતો.

“તમે મારી પાસેથી શું ઈચ્છો છો?” મેં ડોક્ટર તરફ જોઈ કહ્યું. મેં અન્ય ચીજોમાં સમય વેડફવાને બદલે સીધા મુદ્દા પર આવવાનું પસંદ કર્યું. મને છેકથી વાતને ગોળ ગોળ ફેરવવાની આદત નહોતી. પેલી અંગ્રેજી કહેવત ડોન્ટ બીટ એબાઉટ બુસ કમ ટુ ધ પોઈન્ટ એ મને વધુ સારી રીતે લાગુ પડતી.

“તાવીજ..” ડોક્ટર માથુરે કહ્યું, “તારા ગાળામાં છે એ તાવીજ..”

એ સાંભળતા જ મારી આંખો પહોળી થઇ ગઈ. મને નવાઈ લાગી આ બધું એક મામુલી તાવી જ માટે કર્યું? એ લોકોને મારી પાસેથી એ નાનકડા કાપડના ટુકડાને સીવીને બનાવેલ એ તાવીજ જોઈતું હશે? પણ બીજી પળે થયું કપિલે મને એના પ્રેમની નિશાની રૂપે આપ્યું હતું. હું કઈ રીતે એ તાવીજ ઉતારી શકું? તો શું હું મારા પવિત્ર પ્રેમને એક નિર્દોષના લોહીથી ખરડાવા દઉં? કપિલનો પ્રેમ મારા શ્વાશમાં છે. મારા વિશ્વાસમાં છે.

હું આ તાવીજ ઉતારી દઈશ તો કઈ પ્રેમ ચાલ્યો નથી જવાનો. એ પ્રેમ તો મારા શ્વાસ અને વિશ્વાસ સાથે જોડાયેલ છે. હવે મારા દિલમાં છે અને મારી સાથે જ જશે.

“શું ખાતરી કે તમે ત્યારબાદ અમને છોડી દેશો?” મેં મારા મનમાં ઉઠેલ સવાલ એને સંભળાવ્યો.

“આ કાર તમને અહીંથી સુરક્ષિત શહેર સુધી પહોચાડવા માટે જ છે.” ડોક્ટર માથુરે કહ્યું પણ એના અવાજ પરથી મને લાગ્યું નહી કે એ લોકેટ લઈને પણ અમને જવા દેશે. જો એને ખાલી લોકેટ જ જોઈતું હોત તો નીલ અને જેમ્સ મારી પાસેથી એ બઝારમાંથી જ લઈ લેત મને અહી સુધી લાવવાની જરૂર જ કયાં હતી?

મારા મને એની વાત પર વિશ્વાસ ન કરવા કહ્યું પણ એની શરત માન્યા વિના કોઈ છૂટકો નહોતો. મારી સાથે જીંદગી હમેશા એવું કરતી. મને કયારેય ઓપશન ન આપતી. હમેશા મને એક જ વિકલ્પ મળતો.

મેં ફરી કિંજલ તરફ નજર કરી. એ કઈક બોલવા માંગતી હતી પણ એના મો પર ડકટેપ મારેલી હતી. એ લોકોએ એના હાથ બાંધવા માટે નાયલોન દોરી અને મો પર જે ટેપ લગાવેલી હતી એ જોઈ મેં તર્ક લગાવ્યો કે એ જરૂર પ્રોફેશનલ હતા. હું તત્વજ્ઞાનની વિધાર્થીની હતી. દરેક વસ્તુને તર્ક વિતર્કથી સમજતી પણ મને એક જ વસ્તુ સમજાઈ નહી કે એ લોકો મારી પાસે એ તાવીજ માગી કેમ રહ્યા છે? એ સુમશાન જગ્યાએ હું એમને મારું એ તાવીજ છીનવી લેતા કઈ અટકાવી શકું એમ નહોતી. મારું કોઈ લોજીક એ પ્રશ્નનો જવાબ મેળવવામાં સફળ ન રહ્યું. પણ મેં એમને એ સવાલ ન કર્યો. મને એ પૂછવું યોગ્ય ન લાગ્યું.

“હું તમારા શબ્દોનો વિશ્વાસ કઈ રીતે કરું?” મેં ડોક્ટર તરફ એક બે ડગલા જતા કહ્યું.

“તારી પાસે બીજો કોઈ રસ્તો નથી.” એણે કહ્યું. એના હોઠ એક ઘાતકી સ્મિતમાં મલક્યા.

“મને કઈક ખાતરી જોઈએ...”

“ખાતરી તો મને પણ નથી કે એ તાવીજ ખરેખર મને બચાવી શકશે કે નહી. તો તને ખાતરી કેમ આપું?” માથુર સ્વામીએ કહ્યું. મને એના કહેવાનો મતલબ ન સમજાયો પણ એટલું જરૂર સમજી ગઈ કે એ તાવીજ જરૂર કઈક રહસ્ય ધરાવતું હતું. કમ-સે-કમ ડોક્ટરને તો એમ લાગતુ હતું કે તાવીજમાં કોઈ તિલસ્મી શક્તિ છે.

“શેનાથી નહી બચાવી શકે?” મેં કહ્યું.

“એ તારે ફિકર કરવાની જરૂર નથી.” માથુરના અવાજ પરથી મને એ બીમાર લાગ્યો કેમકે એ માંડ બોલી શકતો હતો, “તારે એ વિચારવું જોઈએ કે તાવીજ તને અને તારી  દોસ્તને બચાવી શકશે કે નહી.”

મેં નીલ અને એના મિત્રો તરફ નજર કરી. એ લોકો શાંત બની બધું સાંભળી રહ્યા હતા. મેં વિવેક તરફ નજર કરી એ હજુ ત્યાજ ઉભો હતો અને બધું જોઈ રહ્યો હતો. પેલી કાળી કાર પણ ત્યાજ હતી. એમાં કોણ હશે મેં વિચાર્યું પણ મને જીવનમાં કયાં કોઈ સવાલના જવાબ મળ્યા હતા તે એ સવાલનો જવાબ પણ મળે.

મેં આકાશ તરફ એક ઉદગ્રીવ દ્રષ્ટી કરી. એક ખુશનુમા સવાર હોય એવું મને જરાય ન લાગ્યું. જોકે સુરજ આકાશમાં ખાસ્સો એવો ઉપર આવેલો હતો અને આખો જંગલ વિસ્તાર સજીવ થઈ ગયેલ હતો. આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા હતા અને ભેડા પરના દરેક વ્રુક્ષની ડાળીઓમાં છુપાઈને બેઠેલ નાનકડા જીવો ગાઈ રહ્યા હતા. સામાન્ય પરિસ્થિતિમાં સવારમાં દરેક એ ચીજ હતી જે મને ખુશ કરી નાખે પણ એ દિવસે નહી.

હું તો માત્ર કોઈ નાનકડા પક્ષીને હમિંગ કરતી જોઇને પણ ખુશીથી ઉછળી પડતી હતી તો શું થયું એ હજારો પક્ષીઓના ગીતો પણ મને કેમ ખુશ ન કરી શક્યા? કોઈ ફૂલની ઉપર હોવરીંગ કરતું નાનકડું પતંગિયું પણ મારા મનને પ્રસન્ન કરવા માટે પુરતું હોતું. તો આખું જંગલ સજીવ થયેલ હતું છતાં મારા મનને કેમ પ્રસન્ન કરી શકતું નથી? કદાચ હું જાણતી હતી કે હવે મારે સજીવો સાથે કોઈ નિસ્બત રહેવાની નથી. કદાચ હું જાણી ગઈ હતી કે હું પોતે જ નિર્જીવ બનવા જઈ રહી છું.

માથુરે પોતાના એક માણસને કઈક ઈશારો કર્યો, એ કિંજલ તરફ જવા લાગ્યો.

“એ શું કરવા જઈ રહ્યો છે?” મેં રાડ પાડી.

“એ જે એને કરવું જોઈએ. મને લાગે છે જે હું નથી ચાહતો એ મારે કરવુ જ પડશે.” ડોકટરે પોતાના કોટના ખિસ્સામાંથી ઈનહેલર નીકાળી ખેચ્યું એ જોઈ મને ખાતરી થઈ એ ચોક્કસ બીમાર છે - શારીરિક અને માનસિક બંને રીતે.

“હું તાવીજ આપું છું. કિંજલને કઈ ન કરતા.” મારી પાસે ફરી કરગરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. હું સમજી ગઈ તાવીજ આપવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

“વલય..” ડોકટરના શબ્દો સાંભળી  કિંજલ તરફ જઈ રહ્યો હતો એ વ્યક્તિ અટકી ગયો. એનું નામ વલય હશે. એ પાછો ફરી એના બોસ તરફ જવા લાગ્યો.

હવે ખરાખરીનો ખેલ હતો. એ તાવીજ ઉતાર્યા સિવાય બીજો કોઈ રસ્તો જ ન હતો. બસ જોવાનું એ હતું કે એ લોકો તાવીજ આપ્યા પછી પોતાના શબ્દોને સાચવે છે કે નહિ. એ જાણવાનો એક જ રસ્તો હતો. એ તાવીજ ઉતારી એમને આપવું.

“આશા છે તમે તમારા શબ્દો ને સાચવશો.” મેં તાવીજ ઉતારી હાથમાં લીધું.

“નીલ એ તાવીજ મારી પાસે લઇ આવ.” માથુર સ્વામીએ નીલને આદેશ કર્યો.

મેં નીલ તરફ જોયું. એના ચહેરા પર એક કચવાટ હતો. એનો ચહેરો જોતા મને એમ લાગ્યું કે એને ડોકટરનો હુકમ પસંદ નથી આવ્યો. એ પણ આ તાવીજને જાદુઈ માનતો હશે અને એને અડતા ડરતો હશે. એને થતું હશે આટલા બધા માણસોમાંથી મને જ એ તાવીજ લેવા કેમ કહ્યું? એને એ તાવીજ પોતાના હાથે અડકે એ ડર હશે? જે હોય તે એ મારો વિષય ન હતો. મારે એની ચિંતા કરવાની જરૂર ન હતી. મારી પાસે ચિંતા કરવા માટે બીજું ઘણું બધું હતું.

નીલ મારી પાસે આવ્યો. એના ધીમા ડગલા જોઈ હું સમજી ગઈ હતી કે મારો શક સાચો હતો એ ખરેખર એ તાવીજને હાથમાં લેતા ડરતો હતો. કદાચ એટલે જ આ અંધશ્રદ્ધામાં માનનારા લોકો એ તાવીજ છીનવી લેતા ડરતા હતા. કદાચ એટલે જ અહી સુમસાન જગ્યા પર મને લઈ આવવા છતાં તેઓ એ તાવીજ છીનવી લેતા ડરી રહ્યા હતા.

“એમ નહી કિંજલના હાથ ખોલો પછી જ હું એ તાવીજ આપીશ.” મેં માથુર સ્વામી સામે શરત મૂકી.

“મને નથી લાગતું તું કોઈ શરત મુકવાની સ્થિતિમાં છે. એનાથી ખોટી તારી ફ્રેન્ડની તકલીફોમાં વધારો થશે.” સ્વામીએ ઠંડા કલેજે અને શાંત અવાજે કહ્યું પણ હું એ શાંત અવાજ પાછળની ભયાનકતા સમજી ગઈ. એની વાત સાચી હતી હું એ સમયે કોઈ જ શરત મુકવાની સ્થિતિમાં ન હતી.

નીલે મારી તરફ હાથ લંબાવ્યો. મેં એના હાથમાં એ તાવીજ મૂકી દીધું. એ સમયે મેં એના ચહેરાના ભાવ જોયા. એ કઈક અલગ જ હતા. એકદમ ન સમજાય તેવા. કદાચ એ ડરતો હતો કે પછી એને એણે જે કર્યું એનો પસ્તાવો હતો. કે પછી એને કોઈનો ઓડર માનવાનું નહી ગમતું હોય. એ એની ટીમનો બોસ હતો અને અત્યારે એની ટીમ સામે જ એને કોઈકનો હુકમ માનવો પડ્યો હતો.

નીલ મારી પાસેથી એ તાવીજ લઇ ડોક્ટર તરફ ગયો. એણે એ તાવીજ ડોકટરના હાથમાં આપ્યું. ડોક્ટર એ તાવીજને આમતેમ ફેરવી થોડીક વાર સુધી જોતો રહ્યો. ત્યારબાદ કઈક બબડ્યો પણ એ એટલું ધીમેથી બોલ્યો કે મને સંભળાયુ નહિ. આમેય મારા અને એની વચ્ચે ખાસ્સું એવું અંતર હતું.

મને ફરી થયું કાશ! મને કિંજલ જેમ લીપ રીડીંગ આવડતું હોત. હું એ શું બબડ્યો એ સમજી શકોત. એ શું બોલ્યો એ જાણી લોત અથવા મારી જગ્યાએ કિંજલ ઉભી હોત તો પણ એ સમજી જાઓત પણ એ મહત્વનું ન હતું મહત્વનું હતું હવે એ લોકો શું કરે છે.

“તમને જે જોઈતું હતું એ મળી ગયું છે હવે હું કિંજલને લઇ જઈ શકું છું?” મેં ડોક્ટરને પૂછ્યું. મારા વાકયથી એ એકદમ ચોકી ગયો હોય એમ મારી તરફ જોયું.

“ઈચ્છા તો નથી થતી પણ વચન આપ્યું છે માટે જવા દેવા જ પડશે ને?” એણે પોતાની બાજુમાં ઉભેલા એ બદસુરત માણસ તરફ જોઈ કહ્યું.

“હા, આપણે આપણો નિયમ કઈ રીતે તોડી શકીએ કોઈને કિડનેપ કર્યા પછી એને જીવિત ન છોડવાનો નિયમ? મને યાદ નથી આપણે ત્યાંથી કોઈ જીવતું ગયું હોય.” એ બદસુરત માણસે એને જવાબ આપ્યો.

મારું હૃદય એક વાર ધબકારો ચુકી ગયું. મને થયું એ લોકો ફરી કોઈ રમત રમી રહ્યા છે. પણ હું ચુપ રહી કેમકે એવા સમયે તમે દગો કર્યો છે. તમે પોતાની વાતથી ફરી ગયા છો. એવી બુમો પાડવાથી કોઈ જ ફાયદો નથી થતો. હું સમજતી હતી. તત્વજ્ઞાન મારો ફેવરીટ વિષય નહોતો છતાં હું એમાં જે શીખી હતી એ મને કહી રહ્યુ હતું કે હજુ કઈક એમને મારી પાસેથી જોઈતું હતું કેમકે એ લોકો હજી મને ડરાવવાનો પ્રયાસ જ કરી રહ્યા છે. નહિતર એ લોકો પોતાની વાતચિત એ રીતે પણ કરી શકતા હતા જેથી મને એ સંભળાય જ નહી. એમને એટલું ઉતાવળું બોલની જરુર જ ન હતી. જો તેઓ મને ડરાવવા માંગતા ન હોય.

“હવે હું કિંજલને લઇ જઈ શકું?” મેં ફરી પોતાના ડર પર કાબુ મેળવતા પૂછ્યું. મેં મારા અવાજને બને એટલો મજબુત રાખવાનો પ્રયત્ન કર્યો અને સદનસીબે હું એમાં સફળ રહી. પૂરી નહી તો આંશિક પણ હું સફળ રહી. મારો અવાજ ડરને લીધે ધ્રુજ્યો નહિ.

“હા.” માથુરે હકારમાં જવાબ આપ્યો એ સાંભળી મને નવાઈ અને ખુશી બંને થયા. નવાઇ એ માટે કે એ લોકો મને એટલી આસાનીથી કિંજલને લઇ જવા દેવા રાજી થઈ ગયા અને ખુશી પણ એ કે હું કદાચ કિંજલને બચાવવામાં સફળ રહી હતી.

હું ઉતાવળે ડગલે કિંજલ તરફ જવા લાગી. ફરી મને મારી આસપાસનું વાતાવરણ ખુસનુમા લાગવા માંડ્યું. ફરી સુરજના એ કિરણો મને શીતળ લાગવા માંડ્યા અને ફરી ભેડા પર ખીલેલા ફૂલોની સુવાસ મારું મન મહેસુસ કરવા લાગ્યું.  

“હું મારો નિયમ તોડી રહ્યો છું અને શબ્દોને સાચવી રહ્યો છું મને આશા છે કે તમે પણ પોલીસ પાસે જઈને મને ગુસ્સો નહી અપાવો.” માથુરે ફરી ઈનહેલર વાપર્યું.

મેં સુકા પાંદડા ઉપર ચાલતા ચાલતા જ એની તરફ જોઈ જવાબ આપ્યો, “અમે એવું નહી કરીએ. બસ અમને જવા દો. અમે પોલીસ તો શું કોઈને નહી કહીએ.”

મે એને એ કહેતી વખતે ચાલવાનું બંધ કર્યું નહી પણ હજુ હું કિંજલથી કેટલાક કદમ દુર હતી. હું કિંજલ પાસે પહોચી. એના પાસે જઈ બેસી ગઈ. એના ચહેરા તરફ જોયું પણ એની આંખોમાં હવે દર્દ નહોતું. કદાચ એ પણ મારી જેમ એ લોકોએ અમને જવા દીધા એ બાબતથી ખુશ હતી. એનું મો બંધ હતું પણ એણીએ બધું સાંભળ્યું તો હતુ જ.

મેં મારો હાથ એની પીઠ પાછળ જવા દીધો. મને ત્યાં એના હાથ મળ્યા. હું એની સામે બેઠી અને એના હાથ ખોલવાનો પ્રયાસ કરવા લાગી. મારા હાથ એના કાંડા પર ગયા મને રાહત થઇ કે એ ભીના નહોતા. એના પર લોહી ન હતું. એ નાયલોનની દોરી કિંજલને વાગી નહોતી પણ અચાનક હું એનાથી એક ડગલું દુર હટી ગઈ. એના કાંડા પર લોહી નહોતું. હોય જ કયાંથી?

એના કાંડા પર કોઈ દોરી જ નહોતી.....

એના હાથ બાંધેલા નહોતા. એ માત્ર પોતાના હાથને પોતાની પીઠ પાછળ રાખીને આરામથી બેઠી હતી.

“શું થયું? નવાઈ લાગી?” કિંજલે પોતાના હાથ પીઠ પાછળથી આગળ લાવી, એના મો પર લગાવેલ ટેપ હટાવી. હું કઈ બોલી ન શકી. શું બોલી શકું? ફાટેલી આંખે એને જોઈ રહી. મારા કાનમાં ત્યાં ઉભેલા દરેક હરામીના હસવાનો ગીધ જેવો અવાજ ગુંજવા લાગ્યો.

“નવાઈ તો મને પણ લાગી છે તું આટલી જલ્દી માની ગઈ એ જોઈને. બીજા તો કોઈ આટલા જલ્દી નહોતા માન્યા.” કિંજલ આછું હસી પણ એ સ્મિત એના રોજના સ્મિત જેવું નહોતું. એમાં મીઠાશને બદલે ઝેર હતું - કાતિલ ઝેર.

બીજા તો કોઈ આટલા જલ્દી નહોતા માન્યા. એના એ વાકયનો પડઘો મારા મનમાં ગુંજવા લાગ્યો. એ શું કહેવા માંગે છે? બીજા કોઈ એટલે કોણ? અને શેના માટે નહોતા માન્યા? એ સવાલો મનમાં દરેક વખતની જેમ ઉઠ્યા...

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Tejal ba 2 અઠવાડિયા પહેલા

Verified icon

aarohi patel 4 અઠવાડિયા પહેલા

Verified icon

vishal desai 2 માસ પહેલા

Verified icon

Anjan 2 માસ પહેલા

Verified icon

bhakti thanki 2 માસ પહેલા