નક્ષત્ર (પ્રકરણ 25)

બીજી સવારે દિમાગમાં એ જ સવાલો સાથે હું ઉઠી. બારી બહાર નજર કરી તો સુરજ ખાસ્સો એવો ઉપર દેખાતો હતો. પોતાની દિનચર્યા પર નીકળ્યાને સુરજને ખાસ્સો એવો સમય થઈ ગયો હોય એમ લાગતું હતું. એનો અર્થ એ હતો કે આજે ફરી હું મોડે સુધી ઊંઘી રહી હતી.

મેં ફટાફટ નીચે જઈ મમ્મીના હાથની એ જ કડક ચા પીધી. ત્યારબાદ થોડીકવાર ફ્રેશ થઇ બધા જ સવાલોને બાજુ પર મૂકી મેં સાયકોલોજીનો પ્રોજેક્ટ પતાવ્યો. સાયકોલોજી મને ન ગમતા વિષયોમાનો એક હતો એટલે જ એ વિષય પ્રોજેક્ટ હું છેલ્લે પૂરો કરી રહી હતી. એવુ જ થતું જયારે હું કંટાળેલી હોઉં એ વખતે જ મારે મારું અણગમતું કામ કરવું પડતું.

પ્રોજેક્ટ પતાવી હું રૂમ બહાર નીકળી ત્યારે દસ વાગી ગયા હતા. હું ફટાફટ પંદર મિનીટમાં તૈયાર થઇ અને કોલેજ તરફ રવાના થઇ. રાત્રે વરસાદ થયો હતો એટલે રસ્તા હજુ ભીના હતા. ખરેખર બહાર રસ્તા પર ચાલવાની મજા આવે એવું વાતાવરણ હતું. વાદળો આમતેમ દોડી રહ્યા હતા. તેમના વચ્ચે કયારેક ગેપ વધતી હતી તો કયારેક ગેપ ઘટતી હતી અને એ લવચીક ગેપને લીધે આકશમાં અલગ અલગ ભાત અને આકારો રચાતા હતા.

મને બાળપણથી જ આકાશમાં રચાતા અવનવા આકાર જોવાનું ગમતું. હું છેક નાની હતી ત્યારે આકાશના વાદળોમાં હાથી અને અન્ય પ્રાણીઓના આકારો શોધતી.

પૂર્વ તરફથી વાદળ ખસતા સુરજના કિરણો રેલાવા લાગ્યા અને પશ્ચિમ તરફ એક અદભુત મેઘધનુષ્યની રચના કરી.

વાતાવરણમાં હજુ કોઈ ફેરફાર ન હતો. સવારથી જ આકાશમાં વાદળા પોતાની સેના એકઠી કરવા લાગ્યા હતા. ગમે તે સમયે વરસાદ પોતાનું આગમન કરી શકે તેમ હતો. એકંદરે વાતાવરણ ખુશનુમા હતું. પણ મને એકલું લાગી રહ્યું હતું.

કિંજલ કોલેજથી પાછા ફરતી વેળા મારી સાથે હોય છે એમ જતા પણ મારી સાથે હોય તો કેટલું સારું. આજે તો એને કહી દઈશ કે તું સોસાયટીના દરવાજે ઉભી રહેજે, હવેથી આપણે સાથે સાથે કોલેજ જઈશું.

મારા મનમાં કયારેક કપિલના તો કયારેક કિંજલ અને એના પરિવારના. કયારેક કૃણાલ અને ભાવનાના તો કયારેક અશોક અને રોહીણીના વિચારો આવવા લાગ્યા. એ બધા આવીને જાણે મને એ જ સવાલો પૂછતાં હતા જેના જવાબ મારી પાસે ન હતા. આ દુનિયામાં કોઈની પાસે ન હતા. કયારેક મનમાં થતું હતું શું ખરેખર કિંજલ જેવું વિચારે છે એમ એની શરત માની એની સાથે લગન કરનાર કોઈ મળશે...?? પણ એવું તો કઈ છોકરી નથી વિચારતી..? બધી છોકરીઓ જીવનભાર પોતાના મમ્મી પપ્પા સાથે જ રહેવા માંગે છે. પણ એક દિવસ એમને જવુ જ પડે છે... ફરી મનમાં થતું હતું કિંજલની વાત અલગ છે એની મમ્મીને એની જરૂર છે... ખરેખર એને કોઈ એવો છોકરો મળી જાય તો સારું જે જીવનભર કિંજલના ઘરે એની સાથે રહેવા તૈયાર હોય.

હું શગુન પાસેથી પસાર થઇ એટલે મનમાં આવ્યું મને નિશા એ દિવસે અહી મળી હતી. કપિલે કહ્યું તે આમ જોવા જઈએ તો સાચુ જ હતું. હું વરસો સુધી એ જંગલના કિનારે રહી હતી પણ મને વિછીએ નહોતો કરડ્યો અને એ દિવસે નિશાના ચહેરા વિશે વિચાર્યા પછી કોણ જાણે મેં એ સાપને કેમ ન જોયો? હું જંગલમાં કામ કરનાર વ્યક્તિની પુત્રી હતી અને મને પપ્પાએ સાપ અને અન્ય જોખમી એવા દરેક જાનવર વિશે બધી જ માહિતી આપેલી હતી તો પછી હું બેધ્યાન કેમ રહી?

હું ફરી થોડીક અંધશ્રદ્ધા તરફ ઢળી. પરંતુ અંધશ્રદ્ધા શું છે? એ જયાં સુધી આંધળી રીતે માનવામાં આવે ત્યાં સુધી જ એ અંધશ્રદ્ધા છે પણ અહી તો બધું અજવાળામાં હતું. કઈક એવું હતું જે માનવ સમજની બહાર હતું. જે ફિલોસોફીથી સમજી શકાય તેમ નહોતું. કઈક અસામાન્ય તો હતુ એ શહેરમાં - ખાસ તો એ કોલેજમાં.

હું શગુનથી થોડીક આગળ ગઈ. હવે વિસ્તાર એકદમ નિર્જન હતો મને એ બધી ઘટનાઓને લીધે ડર લાગવા માંડ્યો હતો. હું કેમ ડરતી હતી એ મને ખબર ન હતી. આજે મને બજારનો ભીડવાળો વિસ્તાર પણ ભેકાર લાગતો હતો તો આ તો એકદમ નિર્જન વિસ્તાર હતો.

મને થયું જમીનોના આટલા ભાવ વધી ગયા છે અને છેક હાઈવે પર પણ કોમ્પ્લેક્ષ અને દુકાનો બની ગઈ છે તો આ સ્થળ શહેર વચ્ચે હોવા છતાયે કેમ નિર્જન હશે? કદાચ જમીનોને પણ એમનું સારું અને ખરાબ નસીબ હોતું હશે? આ જમીનનું નશીબ ખરાબ હશે. એ જમીનની જેમ મારું પણ નસીબ ખરાબ હોય એમ મેં સામેથી નીલ અને એના મિત્રોને એમની કારમાં આવતા જોયા.

એમને જોઈ મને વધુ ડર લાગવા માંડી. છતાં મેં હિંમત એકઠી કરી વિચાર્યું હું વિવેકના પપ્પાનું નામ આપીશ જો એ લોકો મને સતાવશે તો અને આમેય મારા પપ્પા પણ ફોરેસ્ટ ઓફિસર છે. હું મારી જાતને હિંમત આપવા લાગી પણ હું જાણતી હતી કે મારી આ દલીલો મારી જાતને હિંમત આપવાયે પુરતી નથી તો એ લોકોને કયાથી ડરાવી શકે? જે વ્યક્તિ પોતે ડરેલુ હોય એ બીજાને ડરાવી નથી શકતું. લોકો એનો ડર એની આંખમાં જોઈ લે છે અને તેના શ્વાસમાંથી સુંઘી લે છે. મને પણ મારો ડર મહેશુસ થવા લાગ્યો.

મારો શક સાચો નીકળ્યો એમની કાર મારાથી જરાક આગળ જઈ ઉભી રહી. હું ડરતી હતી પણ છતાં પાછળ જોયા વિના હું આગળ વધતી રહી. ગમે તેટલુ મેં એ તરફ ધ્યાન ન આપવાની કોશિશ કરી. હું મારી છઠ્ઠી ઇન્દ્રિયને કામ કરતા રોકી ન શકી. મારા સિકસ્થ સેન્સે મને કહ્યું કે એમની કાર રીવેર્સમાં મારી તરફ આવી રહી છે.

“આજે તો લોંગ રાઈડ પર આવવું જ પડશે...” કાર મારા બાજુમાં લઇ ઉભી રાખતા નીલે કહ્યું. નીલ રેડ ટી-શર્ટમાં હતો. એના અવાજમાં એ દિવસ કરતા પણ વધુ મક્કમતા હતી જાણે કે એને ખાતરી હોય કે આજે મારે એની વાત માનવી જ પડશે. મેં કાર તરફ નજર કરી કારમાં એ આખી ટીમ હતી જે એ દિવસે ત્યાં હાજર હતી.

“હું વિવેકના પપ્પાની પરિચિત છું.” મેં મારા ડરને છુપાવતા અને એમને ડરાવવાની કોશિશ કરતા કહ્યું. પણ હું નિષ્ફળ રહી.

“એ પણ હવે અમારી સાથે છે.” નીલના શબ્દો સાંભળતા જ મારા પગ નીચેની જમીન ખસી ગઈ. હું જે પારકા બ્રહ્માસ્ત્રના ભરોસે હતી એ પણ નિષ્ફળ ગયું.

“મારા પપ્પા સરકારી અધિકારી છે મને હેરાન કરશો તો તમે છૂટી નહી શકો.” મેં કહ્યું, મેં બીજો પ્રયત્ન કર્યો પણ હું જાણતી હતી એ મુજબ એ પણ નિષ્ફળ ગયો. મને ખબર જ હતી કે મારા પપ્પાના નામથી એ નહી ડરે. મને જીવનમાં પહેલી વાર થયું કાસ પપ્પા નીચલા વર્ગના અધિકારીને બદલે કોઈ મોટા ઓફિસર હોત તો સારું. જીવનમાં મને ક્યારેય મારા પપ્પાના સ્ટેટ્સને લઈને ફરિયાદ નહોતી થઇ બસ એ દિવસે પહેલીવાર મને થયું કે પપ્પા પણ અન્ય ઓફિસરોની જેમ લાંચ રુસવત લઇ અમીર બન્યા હોત તો આજે એમના નામની આ ગુંડાઓ પર જરાક ધાક હોત! તેમની મને આમ સતાવવાની હિમ્મત ન થાત!

“તારે મમ્મી પપ્પા કે સગા વહાલાને બદલે બિચારી કિંજલ વિશે વિચારવું જોઈએ.” એના ચહેરા પર જીતનો ગર્વ હતો.

“કિંજલ કયાં છે?” હું બેબાકળી બની ગઈ, “તમે એની સાથે શું કર્યું છે?” એક પળમાં મારા મનમાં અનેક વિચારો વીજળી વેગે આવીને જતા રહ્યા. મને એ પણ થયું કે કિંજલને કઈ થઈ ગયું હશે તો હું એની મમ્મીને સમજાવીશ પણ કઈ રીતે. મને તો ઈશારાની ભાષા પણ નથી આવડતી. 

“લે ખુદ જ વાત કરી લે?” નીલે ફોન ડાયલ કરી મારા હાથમાં આપ્યો.

“કિંજલ... કિંજલ... તું કેમ છે?” મેં કહ્યું. મારું મન એ હેમખેમ છે એવું સંભાળવા માંગતું હતું.

“નયના...”

“હા...”

“તું એમની શરત ન માનીશ. એ લોકો ગમે તે ધમકી આપે સીધી પોલીસ પાસે  જજે.”  તેણીએ કહ્યું. મને નવાઈ લાગી. આવી પરીસ્થીતીમાં પણ કિંજલ આટલી મજબુત કઈ રીતે રહેતી હશે?

“કિંજલ... કિંજલ... કિંજલ...” મે ફોનમાં નકામુ ગળું ફાડયું. કિંજલે સામો જવાબ ન આપ્યો. ફોન કપાઈ ગયો હતો.

“તું શું ઈચ્છે છે?” મેં નીલ તરફ જોયુ. મેં મારો અવાજ બને એટલો મજબુત રાખવાની કોશીશ કરી પણ એમાં ડરની ધ્રુજારી ભળી ગઈ.

“હું શું ઈચ્છું એ મહત્વનું નથી. બધું તું શું ઈચ્છે એના પર આધાર રાખે છે.” નીલની બીજા સાથી ચુપચાપ એને વાત કરતા જોઈ રહ્યા. મને સમજાયું નહી બોસ તો જેમ્સ હતો. એ કેમ ચુપચાપ બેઠો હતો. શું બોસ બદલાઈ ગયો હતો?

“મતલબ?” હું ખરેખર એ શું કહેવા માંગે છે એ સમજી શકી નહિ.

“મતલબ એ જ કે તું પોલીસ પાસે જઈ એમની મદદથી કિંજલની લાશ જંગલમાંથી મેળવી શકે છે. જો જંગલી પ્રાણીઓ એના સુંદર શરીરને ફાડીને ખાઈ ન ગયા હોય તો? અથવા તારી મરજીથી આ કારમાં બેસી એક લોંગ ડ્રાઈવ પર આવી એને બચાવી શકે છે.”

હું એ કારમાં બેસવાનો મતલબ જાણતી હતી. એકવાર એમાં બેઠા પછી મને કયારેય એમાંથી ઉતરવાનો મોકો નહી મળે - જીવતે જીવ તો નહી. નીલ અને એના સાથીઓ મને કિડનેપ કરી રહ્યા છે એ સ્પસ્ટ હતું. એક કોલ્ડ બ્લડ કીડનેપીગ જે જોનારને ખબર પણ ન પડે કે કોઈનું કીડનેપીગ થઇ રહ્યું છે. એ લોકો મને લઇ ગયા પછી શું કરશે એ પણ મને અંદાજ હતો. પણ બધી ભૂલ મારી હતી. કિંજલ તો બિચારી એમનાથી ડરતી હતી. એમના સામે કરગરતી હતી એમના સામે જવાબ પણ આપતી નહોતી. બધુ મે જ કર્યું હતું. હવે હું કારમાં ન બેસી મેં કરેલ ભૂલની સજા કિંજલને કઈ રીતે ભોગવવા દઉં?

મારા વિચારો મને કારમાં બેસવા કહેતા હતા તો મારો ડર મને એ કારમાં બેસતા રોકતો હતો. મને લાગ્યું મારા લીધે કિંજલને કઈ થયું તો હું જીવી નહી શકું. એના મોતનો બોજ મારા માથા પર લઇ હું નહી જીવી શકું. એની મૂંગી બહેરી માની માફી પણ નહી માંગી શકું. અરે! એ માફ કરી દેશે તો પણ હું સમજી નહી શકું.

આખરે વિચારોનો વિજય થયો. જીવનમાં પહેલીવાર મેં મારા ડર પર કાબુ મેળવી લીધો. હું એ કારમાં બેસી ગઈ અને કાર જંગલ તરફ જવા લાગી. એ જ રસ્તા પર જયાં હું અને કપિલ ગયા હતા. એ મને ભેડા લઇ જતા હતા અને ભેડા એક એવી જગ્યા હતી જયાં લગભગ તહેવાર સિવાય તો આખા દિવસમાં કોઈ એક વ્યક્તિ પણ ન આવે.

ભેડા પર કિંજલ હતી તો એનો અર્થ હતો એનું જીવન જોખમમાં હતું અને હવે મારુ પણ જીવન જોખમમાં હતું. કદાચ લોકોને મારી અને કિંજલની લાશ પણ અશ્વિની અને રોહિતની જેમ ત્યાંથી મળશે? પણ બીજી પળે થયું શું અમને પણ એ રીતે મારવામાં આવશે?

ના. એ શકય નથી. એમના કાંડાની નસો કાપી નાખવામાં આવી હતી. અમારી સાથે નીલ અને જેમ્સનો કઈક વધુ ભયાનક કામ કરવાનો ઈરાદો હોય એમ મને લાગ્યું. એક છોકરી માટે પોતાની ઈજ્જત લુટાયા પછી મરવા કરતા કાંડાની નશો કપાઈ મરવું શું આસાન મોત ન કહી શકાય....?

પણ શું અમને એટલી આસાન મોત મળશે? મેં એવું વિચાર્યું કેમકે ત્યારે હું એ સચ્ચાઈ નહોતી જાણતી કે અશ્વિની અને રોહિતને કેટલા તડપાવીને મારવામાં આવ્યા હતા. કેમકે ત્યારે હું એ નહોતી જાણતી કે એમને એવી રીતે બ્લેકમેઈલ કરવામાં આવ્યા હતા જેથી તેમણે પોતાની જાતે જ પોતાના હાથની નસો કાપી લીધી હતી.

મને હવે ડર નહોતો. મેં મન મક્કમ કરી લીધું હતું. હું પણ કિંજલની સાથે જ મરીશ. એના મોતનો બોજ માથે લઈને જીવવા કરતા એ સારું હતું. મેં ડરને મનમાંથી ફગાવ્યો પણ બીજી જ પળે એ ડર બીજું સ્વરૂપ ધારણ કરી મારી સામે આવ્યો. મારા મને મને કહ્યું શું આ કીડનેપીંગને કપિલથી કોઈ લેવા દેવા હશે? માય ઇન્સ્ટીકટ કીક્ડ મી એન્ડ આઈ સીવરડ બાય ફીઅર.

છતાં મેં પોતાની જાતને દિલાશો આપ્યો કે એવું હશે તો મારી પાસે એ લોકેટ છે. પણ મને એવા તાવીજ અને દોરા-ધાગામાં વિશ્વાસ જ કયાં હતો? છતાં કહે છે ને કે ડૂબતે કો તિનકા ભી સહારા લગતા હે એ કહેવત મુજબ મેં મારા ગાળામાં રહેલા એ લાલ કાપડના ટુકડાને સીવીને બનાવેલ તાવીજ તરફ એક નજર કરી. એ મારા ગળામાં કાળા દોરાની મદદથી લટકી રહ્યું હતું.

શું અમને એ તાવીજ બચાવી શકશે? મેં પોતાની જાતને એ સવાલ કર્યો જેનો જવાબ હું જાણતી હતી અને ચોક્કસ પણે જવાબ નકારાત્મક હતો. મેં તાવીજ તરફથી નજર હટાવી કારમાં એક નજર ફેરવી નીલ, જેમ્સ અને એની આખી ગેંગ શાંત હતી. કદાચ એ તુફાન પહેલાની શાંતિ હતી. કદાચ એ શાંતિ આવનારી મોટી આફતનું એધાણ હતી. હું શિકાર બની એમની સાથે જઈ રહી હતી. કપિલ, કિંજલ, નિશા, હું. મારા મનમાં વિચાર ઉથલાવા લાગ્યા...

                                          *

જેટલી સ્પીડથી કાર દોડી રહી હતી એટલી જ ગતિથી મારા વિચારો દોડી રહ્યા હતા. હવે શું થશે? નીલ અને એના મિત્રો કઈ હદ સુધી જઈ શકશે? શું તેઓ અમારી સાથે બળજબરી કરશે? એ બધા સવાલોના જવાબ મારું મન જાણતુ હતું. હું જાણતી હતી હવે શું થશે. કિંજલને કિડનેપ કરીને અને મને એમ શહેર વચ્ચેથી ઉઠાવીને તેઓ કઈ હદ સુધી જઈ શકશે એનો અંદાજ પણ મને આવી ગયો. અને મારા છેલ્લા સવાલનો જવાબ પણ હું જાણતી જ હતી અને એ હકારમાં હતો. એમના ઈરાદા સાફ દેખાઈ આવતા હતા.

કઈ નહી થાય કે બધું ઠીક થઇ જશે એવી ખોટી દલીલો કરવા માટે કે મારી જાતને ખોટો દિલાસો આપવા માટે મારી પાસે કઈ નહોતું.

કાર ભેડા પાસે પહોચી. હું નીલ અને અન્ય લોકોના ચહેરા જોતી રહી. મને એમના ચહેરા પરથી જ સમજાઈ ગયું હતું કે હવે શું થશે. પણ મને નવાઈ તો એ વાતની લાગી કે એ બધા ચુપ કેમ છે. કોઈએ મને ઉઠાવ્યા પછી એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહોતો.

ભેડા જવા માટે નીલે એ જ ટૂંકો રસ્તો વાપર્યો જે મેં અને કપિલે વાપર્યો હતો. એણે લગભગ એ જ જગ્યા પર કાર પુલ ઓફ કરી જયાં કપિલે કરી હતી. ત્યાં બાજુમાં જ એક વડનું ઝાડ હતું જેથી મને એ જગ્યા યાદ હતી.

નીલ સૌથી પહેલા ઉતર્યો. ત્યારબાદ એ દિવસે વિવેકની માર ખાનાર એ બીજો સાથી અને ત્યારબાદ બાકીની ટીમ જેની પૂરી ઓળખાણ મને પણ ન હતી. એમના નામ હું નહોતી જાણતી.

હું કારમાંથી નીચે ઉતરી. હવે ડરવાનો કોઈ મતલબ ન હતો. એ લોકો બાવડાથી પકડી નીચે ઉતારે કે હું જાતે જ ઉતરું કોઈ જ ફર્ક ન હતો. દુશ્મનો એવી રમત રમ્યા હતા કે મારે મારી મરજીથી એ બધું સ્વીકારવું પડ્યું. કદાચ હું એવી પહેલી છોકરી હતી જે બજારમાંથી બુમ બરાડા, ચીસો પાડ્યા વિના કે ખુદના બચાવનો કોઈ જ પ્રયત્ન કર્યા વિના કિડનેપ થઇ હતી.

અમે એ જ રસ્તે ચાલવા લાગ્યા જે પગદંડી પર હું અને કપિલ ચાલ્યા હતા. આ રસ્તા સાથે મારે કોઈ જુનું વેર હોય એમ આ રસ્તે મને બે વાર બોલાવી હતી અને બંને વાર દુ:ખ પહોચાડવા માટે જ. હું મમ્મી પપ્પા સાથે ભેડા આવતી ત્યારે અમે ઉપરને નદી તરફને રસ્તેથી જ આવતા. એ રસ્તો લાંબો પણ સારો હતો.

એ દિવસે મારે કેટલું સંભાળીને ચાલવું પડ્યું હતું. પણ કહે છે ને કે સંકટ સમયે મગજ વધુ કામ કરે છે. કદાચ એ દિવસે મેં જેમ સંભાળીને પગ મુક્યા હતા એમ આજે નહોતી મુકતી. કદાચ આજે ખુદને સંભાળવાની કોઈ જરૂર જ ન હતી.

અમે ભેડા પર પહોચી ગયા ત્યાં સુધી મને ડર નહોતો લાગ્યો પણ હવે જરા ડર મહેસુસ થતો હતો. મેં ત્યાં કિંજલને હાથ બાંધેલી પેલા ઝાડ નીચે જોઈ જે ઝાડ નીચેના ઘાસ પરથી અશ્વિની અને રોહિત ચીર નિદ્રામાં સુતા જોયા હતા. એની પાસે બે અજાણ્યા ઈશમો ઉભા હતા. જે યુવાનીયા લાગ્યા. એનાથી થોડેક દુર વિવેક અને એક બીજો છોકરો ઉભા હતા.

મેં વિવેક તરફ એક નફરતભરી નજર કરી. સારી અને મોટી વાતો કરનાર એ મારો બાળપણનો સાથી જ દગાબાજ નીકળ્યો હતો. હું અને એની બહેન ભેગું રમ્યા હતા અને એ બાળપણમાં મને કેટલી સારી રીતે રાખતો હતો. એ અમારી સાથે દોડ પકડ અને એવી કેટલીયે રમત રમ્યો હતો અને આજે એ કઈ રમત રમ્યો.?

મને ત્યાં ઉભેલ બાકી બધા કરતા એના પ્રત્યે વધારે નફરત થઇ. હું એને કહેવા માંગતી હતી કે આ દુનિયામાં તારાથી ખરાબ કોઈ વ્યક્તિ ભગવાને નહી જ બનાવ્યુ હોય પણ કહેવાનો કોઈ મતલબ ન હતો એટલે હું ચુપ રહી. બિચારી કિંજલ. એ તો પહેલી જ મુલાકાતમાં એનાથી ઈમ્પ્રેસ થઇ ગઈ હતી. એનાથી બીજી એક બે મુલાકાત થઇ હોત અને એણે પોતાનો અસલી ચહેરો ન બતાવ્યો હોત તો કિંજલ એને ચાહવા લાગી હોત. સારું થયું એનો અસલી ચહેરો સામે આવી ગયો. એક ગુંડાને જીવનભર ચાહવા કરતા એના હાથે એકવાર મરવું સારું. કિંજલનો કયાં વાંક જ હતો. મે જ તો તારીફના પુલ બાંધ્યા હતા. વિવેક મારો બાળપણનો મિત્ર છે. એ આવો છે ને એ તેવો છે. મે જ તો કિંજલને ભરોસો અપાવ્યો હતો કે વિવેક સારો છે અને એટલે જ એ  છેતરાઈ ગઈ હશે. એને છેતરીને એ જ અહી લઇ આવ્યો હશે. બધી ભૂલ મારી જ હતી.

હું ફરી એકવાર ભૂતકાળમાં ખોવાઈ ગઈ... ભેડા જોવા માટે હું મમ્મી પપ્પાથી જીદ કરતી. મને યાદ છે એકવાર તો પપ્પા મારા જનમ દિવસની ઉજવણી કરવા મને રશ્મી અને વિવેકને અહી લઇ આવ્યા હતા અને આજે વિવેક મને અહી લઇ આવ્યો હતો કદાચ મારા મરણ દિવસની ઉજવણી કરવા.

હું નાની હતી એટલે મમ્મીને ફિકર રહેતી કે હું ભેડા પર જાઉં એ ઠીક નથી. ભેડા  ઉંચાઈ વળી જગ્યા હતી. જેને અડીને જ નાગમતી નદી કોતર બનાવીને વહેતી હતી. ભેડા પર ઉભા રહી મને એ નદીના ઉછળતા પાણીને જોવું ખુબ ગમતું અને મમ્મીને ડર રહેતી કે કદાચ હું ત્યાંથી ચુકી જાઉં અને એ પાણીમાં પડી ન જાઉં. કદાચ આજે એ જ થવાનું હતું. એ લોકો મને અને કિંજલને ત્યાંથી નીચે ફેકી દેશે તો... એમના બદ ઈરાદા પુરા કર્યા પછી એમને અમારી લાસને છુપાવવાની પણ જરૂર નહી પડે... હંમેશા મનોરંજક લાગતો ભેડા મને ડેથ પોઈન્ટ જેવો લાગવા માંડ્યો.

“એને છોદી દે નીલ. હું તારી વાત માનીને અહી સુધી આવી છું.” મેં નીલ તરફ જોઈ કહ્યું.

“કિંજલને છોડવી કે નહી એ હવે મારા હાથની વાત નથી.” નીલ મારા તરફ જોઈ રહ્યો.

“વોટ?” હું ડઘાઈ ગઈ, “તે કહ્યું હતું તું એને છોડી દઈશ..”

“હા, મને યાદ છે?” એણે ફ્લેટ એક્સપ્રેશનથી કહ્યું.

“નીલ...” હું હાથ જોડી કરગરવા લાગી, “કિંજલની મમ્મી બોલી કે સાંભળી નથી શકતી. એની મમ્મીને એની જરૂર છે. એને જવા દે..”

“હવે એ હું નક્કી નહી કરી શકું.” નીલનો અવાજ સીરીયસ હોય એમ મને લાગ્યું. પહેલીવાર જયારે એણે કહ્યું ત્યારે મને એમ લાગ્યું કદાચ એ નાટક કરી રહ્યો છે.

“તો કોણ નક્કી કરશે?” મારા સવાલમાં કાકલુદી હતી.

“જે તને અને કિંજલને અહી લાવ્યું છે તે.”

“કોણ લાવ્યું છે અમને?” મને નવાઈ લાગી કે આ વાર્તામાં આ વળી નવું પ્રકરણ કયાંથી ઉમેરાયું? બીજું કોણ હોઈ શકે જે અમને અહી આ રીતે લાવે? હું તો અહી બીજા કોઈને ઓળખતી પણ નહોતી તો કોઈ મને અહી આ રીતે કેમ લાવે?

મારું ધ્યાન કિંજલ બાંધેલી હતી એ તરફ ગયું. હવે ત્યાં પાંચ છ અજાણ્યા ચહેરા હતા જેમને મેં પહેલા કયારેય જોયાં નહોતા. એટલા અજાણ્યા કે કદાચ મેં એમને સપના કે કલ્પનામાં પણ જોયા નહોતા. બધા મોટી ઉમરના હતા. લગભગ બધા મારા પપ્પા જેટલી ઉમરના હતા.

“કોણ છો તમે?” મેં હિંમત ભેગી કરી પૂછ્યું, “અમને કેમ અહી લાવ્યા છો?”

“લોકો મને ડોક્ટર માથુર સ્વામી કહે છે.” ગ્રે-શર્ટ અને કાળા પાટલુનવાળા વ્યક્તિએ બે કદમ આગળ આવી કહ્યું. એના દાઢી અને મૂછના અડધા વાળ સફેદ હતા.

મેં ડોકટર માથુર સ્વામી નામ સાંભળેલું હતું. હું છેક નાની હતી ત્યારે.. હું પ્રાથમિકમાં ભણતી ત્યારે.. એ અમારા શહેરના પ્રતિષ્ઠિત ડોકટરમાંથી એક હતો.

“ડોક્ટર તમે?” એવો ફાલતું પ્રશ્ન પૂછવાને બદલે મેં કહ્યું, “અમને કેમ લાવ્યા છો અહી?”

“કેમકે તારી પાસે કઈક એવું છે જેની અમને જરૂર છે...” માથુરની બાજુમાં ઉભેલા વ્યક્તિએ જવાબ આપ્યો. એણે કાળો જભ્ભો પહેરેલ હતો. એનો અવાજ એકદમ ખોખરો અને ભારે હતો. એ ડોક્ટર સાથે શું કરતો હશે એ મને નવાઈ લાગી. એના દેખાવ પરથી એ શહેરના કોઈ વ્યક્તિ પાસે ઉભો હોય તો મેળ ખાય એમ નહોતું. એ રીતસર જંગલી જાનવર જેવો હતો.

નવાઈની વાત તો એ હતી કે એમને મારી પાસેથી શું જોઈતું હોય? મારી પાસે તો એવી કોઈ ચીજ હતી જ નહિ કે જેની એ જંગલી કે એ ડોક્ટર બેમાંથી કોઈને જરૂર હોય. એમના અવાજ અને વર્તન પરથી હું સમજી ગઈ હતી કે એ લોકો મારી ઇજજતની વાત કરતા નહોતા. એ લોકો ખરેખર મારી પાસેથી કોઈ વસ્તુ ઇચ્છતા હોય એવો એમનો ટોન હતો.

એ કઈ જવાબ આપે એ પહેલા જ અમને ઉપરને નદી તરફના રસ્તેથી એક કાળા રંગની બંધ કાર આવતી દેખાઈ. હું દુરથી જ ઓળખી ગઈ કે એ સ્કોર્પીઓ ગાડી છે. મારા મનમાં એક આશાનું કિરણ જાગ્યું કે કદાચ કોઈ પોતાના પરિવાર સાથે અહી જન્મ દિવસ મનાવવા આવતું હશે અથવા જંગલ ખાતાના અધિકારીઓ કિંજલે કહ્યું એ સિક્યુરીટી કેમેરા તપાસવા આવી રહ્યા હશે.

હું એ આશાના કિરણ જેવી કારને જોતી હતી ત્યાજ મને અવાજ સંભળાયો, “એ કારને બદલે તારે કિંજલ તરફ જોવું જોઈએ.” એ જ જભ્ભાવાળો રાક્ષસી માણસ બોલ્યો.

“એ બિચારી તકલીફ સહન કરી રહી છે. એના હાથ પર બાંધેલ નાયલોનની દોરી એ જેટલું જોર લગાવે એટલી કડક થઇ રહી છે.” બીજાએ પણ પોતાનો ડાયલોગ નિર્દય બની પૂરો કર્યો, “એ દોરીથી મેં ઘણા લોકોને બાંધ્યા છે એનો ફાયદો એ છે કે જેમ વ્યક્તિ છૂટવાનો પ્રયાસ કરે તેમ દોરી કડક થતી જાય છે. મને ખાતરી છે હમણા સુધી તારી દોસ્તના કાંડાની ચામડી છોલાઈ ગઈ હશે અને ત્યાંથી લોહી વહેવા લાગ્યું હશે.”

હું જાણતી હતી એ લોકો મારી પાસેથી જે ચીજની જરૂર હતી એની માંગણી કરતા પહેલા મને પુરેપુરી ડરાવવા માંગતા હતા એટલે હું કોઈ જ આનાકાની વગર એ વસ્તુ એમને આપી દઉં. ડરેલી વ્યક્તિ બને એટલો ઓછો પ્રતિકાર કરે છે. હું તત્વજ્ઞાન ભણતી હતી એટલે એ બધું સમજતા મને વાર ન લાગી. એમના વિધાનોની સત્યતા પણ પુરેપુરી હતી. એ લોકો જે કહી રહ્યા હતા એ સાચું હતું. અને એટલે મારે ડરવું જોઈએ અને હું ડરી રહી હતી. બસ મેં બહારથી મજબુત દેખાવાનો પ્રયાસ કર્યો. કમ-સે-કમ મને તો એમ લાગ્યું.

“હવે એ ચામડી ઉતરેલા કાંડા પર દોરી ચપ્પુની ધાર જેમ વહી રહી હશે. કયાંક અશ્વિની અને રોહિતની જેમ એનું પણ બધું લોહી આ ઘાસ પર નકામું વહી ન જાય.” ત્રીજાએ કહ્યું. એના વાકયથી હું ડરી ગઈ. મને થયું શું આ લોકોએ જ અશ્વિની અને રોહિતને...? તો પછી કોઈ સબુત કેમ ન મળ્યું...?

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Tejal ba 2 અઠવાડિયા પહેલા

Verified icon

aarohi patel 4 અઠવાડિયા પહેલા

Verified icon

Anjan 2 માસ પહેલા

Verified icon

Mukesh 3 માસ પહેલા

Verified icon

tushar trivedi 3 માસ પહેલા