નક્ષત્ર (પ્રકરણ 22)

હું ઉઠી ત્યારે પાંચ વાગ્યા હતા. ખરેખર મેં કયારેય બપોરે ન લીધી હોય એટલી લાંબી ઊંઘ મેં લીધી. મને બપોરે ઊંઘવાની આદત નહોતી. આ શહેરમાં આવ્યા પછી મારી આદતોનું કયા કોઈ મહત્વ રહ્યું હતું? મને કોઈ ઇગ્નોર કરે એની ફિકર કરવાની પણ મને આદત ન હતી છતાં હું કપિલની ચિંતા કરતી હતી. મારી જાત કરતા પણ વધુ ફિકર મને એની રહેતી.

બપોરની લાંબી ઊંઘે કોઈ ચમત્કાર કર્યો. મારું મન હળવું ફૂલ બની ગયું. હું ઉઠીને બહાર ગઈ. કિંજલ હજુ ટીવી સામે જ બેઠી ફિલ્મ જોતી હતી. હું એના બાજુમાં સોફા પર ગોઠવાઈ. મેં ટીવી સ્ક્રીન તરફ નજર કરી. કોઈ જુનું ફિલ્મ ચાલતું હતું. એમાં જુના હીરો - હિરોઈન હતા. હું એ કલાકારોને ઓળખતી નહોતી.

“આઈ શૂડ ગો નાઉ.” મે કિંજલની રજા માંગી.

“સ્ટે લીટલ મોર..” કિંજલે રીક્વેસ્ટ કરી, “હવે થાય છે. જવાય છે...”

“કોલેજ છૂટી ગઈ હશે.” મેં જવાનું કારણ આપ્યું, “મમ્મી ઘરે આવશે તો ચિંતા કરશે.”

“કેમ તે ફોન નથી રાખતી?”

“રાખે છે...”

“મમ્મી ફોન કરી લેશે. ચિંતા ન કર. આમ પણ તું કયા કપિલ સાથે ડેટ પર ગઈ છે.” કિંજલ મજાક કરવાનો એક ચાન્સ પણ ન ચૂકતી, “ડરે છે કેમ? તું બહેનપણીના ઘરે છે.”

“ફરી તું ચાલુ થઇ ગઈ?”

“હજુ ઊંઘમાં હોય એવો તારો અવાજ છે. હું ચા બનાવી લાવું. તું  મજાક કરવાના કઈક મૂડમાં આવે.”

“હમમ...” મેં કહ્યું.

કિંજલ ચા બનાવવા ગઈ. મેં એને રોકી નહી. મને ઊંઘમાંથી ઉઠ્યા પછી ચા પીવાની આદત હતી. ચા ન પીવું તો એમ લાગતું જાણે હજુ પથારીમાં જ સુતી છું.

કિંજલ ચા બનાવવા ગઈ એટલે વોસરુમ જઇને મેં હાથ મો ધોયા. આયનામાં ચહેરો જોયો. મારો ચહેરો નાગપુર આવ્યા પછી મૂંઝવણ અને વિચિત્ર ભાવોથી ઘેરાઈ ગયો હતો. હાથ મો લુછી હું ફોયરમાં ગઈ. સોફામાં બેસી ટીવી તરફ જોઈ સમય પસાર કરવા લાગી.

“તારા ચહેરાનો રંગ કેમ બદલાઈ ગયો?” ટીવીમાંની અભિનેત્રીએ એના પ્રેમી તરફ જોઈ પૂછ્યું.

“એક પછી એક લોકો મરી રહ્યા છે?” અભિનેતાએ જવાબ આપ્યો. એ જુનું હિન્દી ફિલ્મ હતું. હું અભિનેતાને નહોતી ઓળખતી. હું ખાસ જુના ફિલ્મો ન જોતી પણ મારા અંદાજ મુજબ એ રિશી કપૂર હતો.

“પણ કેમ?” અભિનેત્રીના એક્સપ્રેશન એકદમ બદલાઈ ગયા.

“નાગીન બદલો લઇ રહી છે.” અભિનેતાએ ફ્લેટ વોઈસમાં કહ્યું.

“મને તારી ફિકર થાય છે. તને એ નગીન કઈ કરશે તો?” અભિનેત્રી ગભરાઈ રહી હતી.

“જયાં સુધી મારા ગાળામાં આ તાવીજ છે નાગણ મારું કઈ બગાડી શકે નહિ.” એ અભિનય કરનાર પુરુષે એવા મક્કમ અવાજે કહ્યું જાણે એને તાવીજ પર ખરેખર ભરોસો હોય. મને નવાઈ થઈ કે તેઓ એવો અભિનય કઈ રીતે કરતા હશે.

“બધાના ગાળામાં એ તાવીજ હતુ જ ને?” અભિનેત્રીએ પોતાનો ડાઉટ રજુ કર્યો.

“નાગીને એમનું તાવીજ છળથી ઉતરાવી નાખ્યું હશે.” વળી એક નવી સંભાવના અભિનેતા દ્વારા રજુ કરાઈ. મને ફિલ્મમાં કઈ રસ ન પડ્યો. મેં ચેનલ બદલી. બી ફોર યુ મ્યુઝીક ચેનલ લગાવી. મને ફિલ્મ જોવા કરતા સીરીયલ અને નવા ગીતો સંભાળવા ગમતા પણ મોટા ભાગે સવાર-સાંજ નવા ગીતો આવે બાકી દિવસભર જુના ગીતો જ આવે. છતાં અધૂરું ફિલ્મ જોવા કરતા ગીતો સાંભળવા સારા. પછી ભલે એ જુના હોય.

“તેરે સંગ પ્યાર મેં નહિ....” કોઈ એકદમ જુનું ગીત સંભળાયું. મને લાગ્યું કદાચ જી-મ્યુઝીક પર નવા ગીત હશે. મેં રિમોટ હાથમાં લીધું અને ચેનલ ફેરવવા ગઈ ત્યારે જ મારા ધ્યાનમાં આવ્યું આ તો એ ગીત છે જેની રીંગટોન કપિલના મોબાઈલમાં હતી.

મેં ચેનલ ન ફેરવી. હું એ ગીત સાંભળવા લાગી. ગીત સંભાળવામાં તો સારું હતું. મ્યુજિક પણ સારું હતું. જોકે વીડિયો કંટાળા જનક હતો. બસ નાગ નાગીનની કહાની. આજે કોઈ નાગનો પોતાનો દિવસ હતો કે શું? મને થયું.

“લે ચા પી અને ફ્રેશ થા...” કિંજલે આવીને કપ આપ્યો અને મારી બાજુમાં ગોઠવાઈ.

“ફિલ્મ બદલી કેમ નાખ્યું?”

“હું ફિલ્મ અધૂરું જોઉં તો મને પછી એના જ વિચારો આવે કે આગળ ફિલ્મમાં શું થયું હશે? મને પૂરું ફિલ્મ દેખાવાનો સમય મળે તો જ હું જોઉં છું.”

“તો પૂરું જોઇ લે.”

“ના, મારે હવે નીકળવું પડશે.”

“હા, પણ ચા તો પીશ કે? યાદ કરાવ્યું એટલે ઉભા થઈને ચાલવા માંડવાનું.” કિંજલ ફરી હસી પડી.

મેં ચા પીધી. ચાથી હું જરા વધુ ફ્રેશ થઇ. અમે કોલેજ વિશે રેન્ડમ વાતો કરી અને મેં રાજા લીધી. કિંજલ મને દરવાજા સુધી વળાવવા આવી. ખરેખર કિંજલ એક સારી દોસ્ત છે, સ્વભાવમાં સારી અને સમજવામાં સરળ છે મેં મનોમન વિચાર્યું. 

કિંજલને બાય કહી હું રોડ તરફ જવા લાગી. એમની શેરી છોડતા પહેલા ઉત્સુકતાવશ મેં એક નજર કિંજલના બાજુના ઘરમાં કરી. કિંજલની મમ્મી શું કરતા હતા એ જોવાની મને ઈચ્છા થઇ.

આંટી બાજુના ઘરમાં બહારથી દેખાય એમ બેઠા હતા. તેઓ પડોશી સાથે કઈક વાત કરી રહ્યા હતા. પહેલા તો હું ચોકી ગઈ પણ પછી યાદ આવ્યું કે એ લીપ રીડીંગ જાણતા હતા. વર્ષોથી સાથે રહેવાને લીધે પડોશી પણ કિંજલની જેમ લીપ રીડીંગ જાણતા હશે.

હું મુખ્ય રોડ પર આવી. એસ્પન ત્યાંથી ખાસ દુર નહોતી. હવે માથું પણ ભારે નહોતું એટલે હું ચાલતા જ ઘર તરફ જવા લાગી. મને ઓટોમાં બેસવું ન ગમતું. એક તો મને એકલા ઓટોમાં બેસતા ડર લાગતો. મુંબઈમાં ભણતી ત્યારે ઘણા કિસ્સા સાંભળેલા હતા એટલે બંધ ગાડીમાં અને ઓટોમાં બેસતા મને ડર લાગતી.

એ દિવસે ચાલતા જવામાં મજા આવે એમ હતી. વાતાવરણ એકદમ આહલાદક હતું. આકાશ વાદળોથી ઘેરાયેલું હતું અને ગમે ત્યારે વરસાદ ચાલુ થઇ જશે એમ લાગતું હતું. ઠંડો પવન મનને પ્રફુલિત કરી રહ્યો હતો. હવામાં વરસાદ આવવાનો છે એ ખુશીમાં એક ગજબની સુગંધ ભળેલી હતી.

કાશ! કપિલ મારા સાથે હોત! આવા આહલાદક વાતાવરણમાં હું અને એ એકબીજાના હાથમાં હાથ નાખી ફીન્ગરલોક કરી ચાલતા વાતાવરણનો આનંદ ઉઠાવોત. મારા વિચારો એકદમ અટકી ગયા. મને લાગ્યું સામેથી કપિલ આવે છે.

મારો ભરમ છે. મેં વિચાર્યું. ફરી હું ઈમેજીનેસન કરવા લાગી છું. એ કયાથી અહી આવે....?  એ અશ્વિની અને રોહિતની અંતિમવિધિમાં વ્યસ્ત હશે. અશ્વિની અને રોહિતને યાદ કરી મારું મન ઉદાસ થઇ ગયું.

કપિલ સાચે જ સામેથી મારા તરફ આવી રહ્યો હતો. સો ટકા મારો ભ્રમ હતો. હું ઘર તરફ જતી હતી. કપિલ મારા ઘર તરફથી કઈ રીતે આવી શકે.? એનું ઘર મારા ઘરની બિલકુલ વિરુદ્ધ દિશામાં હતું.

“નયના.” એણે નજીક આવતા જ કહ્યું.

હું મારી આંખો પર વિશ્વાસ ન કરી શકી. મને મારા કાન પર પણ ભરોષો ન થયો. પણ કપિલ ખરેખર મારી સામે હતો. એ મારો ભરમ ન હતો. હું ઈમેજીનેસનમાં નહોતી.

“કપિલ...” મને નવાઈ લાગી, “તું અહીં?”

કપિલે સફેદ શર્ટ અને એ જ કલરનું પાટલુન પહેરેલું હતું. અમારા વિસ્તારમાં કોઈ નજીકના સગાના મૃત્યુ બાદ લોકો સફેદ કપડા પહેરતા.

“હું તારા ઘરે ગયો હતો.”

મને લાગ્યું જાણે એ મને જ શોધી રહ્યો હતો. એની આંખો જરૂર કરતા વધારે આયનો હતી.

“કેમ?” એ મારા ઘરે કેમ ગયો હશે એ મને ન સમજાયું.

“તને મળવા માટે, તું સુરક્ષિત નથી.” એણે કહ્યું, એની આંખો તડકાને લીધે કે કેમ પણ આજે ફિક્કી નહોતી.

“હું કોનાથી સુરક્ષિત નથી?”

“હું તને પછી સમજાવીશ. હમણાં હું તને તાવીજ આપું એ પહેરી લે.” કપિલના અવાજમાં જરા ડરની ધ્રુજારી ભળી. હું એને પોતાના જીન્સ પોકેટમાંથી એક લાલ કલરના કાપડને સીવીને બનાવેલ પહેરવા માટે કાળી દોરીવાળું તાવી જ બહાર નીકાળતા જોઈ રહી.

“તું જયા સુધી મને નહી કહે શું બાબત છે હું આ તાવીજ નહી પહેરું.”

“કેમ?”

“કેમકે મને એવા એમ્યુલેટમાં વિશ્વાસ નથી.”

“મને ટેલીસમેનમાં વિશ્વાસ છે.”

“તને કોણે કહ્યું કે એ લકી ચાર્મ મારી રક્ષા કરી શકશે?”

“એ લકી ચાર્મ નથી. એ એમ્યુલેટ છે જેના પર મને ભરોષો છે.”

“પણ હું કોઈ એમ્યુલેટ, લકીચાર્મ, માસ્કોટ જેવી ચીજોમાં નથી માનતી.” મેં જોરથી કહ્યું કારણ મને ખરેખર એવી ચીજોમાં વિશ્વાસ નહોતો.

“તને મારા પર તો વિશ્વાસ છે ને?”

“મારી જાત કરતાં પણ વધુ...” મારા દઢ અવાજમાં કપિલ પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ છલકતો હતો. મને એ તાવીજમાં વિશ્વાસ નહોતો પણ કપિલની આંખોમાં કઈક જાદુ હતું. મારા હાથ આપમેળે કામે લાગ્યા. મેં તાવીજ પહેરી લીધું.

“તારા પરિવારથી કોઈ નાગીન બદલો લઈ રહી છે? મેં પૂછ્યુ, “શું તમે કોઈ નાગીનના ગુનેગાર છો?”

એ પૂછવાની મારામાં હિંમત કયાંથી આવી? કદાચ એ દિવસનો કપિલનો પ્રેમ જોઇને આવી હતી.

“કેમ?” એણે એકદમ ચોકીને કહ્યું, “તને એવું કેમ લાગ્યું?” તેની આંખો પહોળી થઇ ગઈ, તેના એક્સપ્રેશન બ્લર હતા સમજી ન શકાય તેવા ધૂંધળા.

“મેં આજે એક ફિલ્મમાં લોકોને તાવીજના સહારે નાગીનથી બચતા જોયા હતા. તું મને એવુ જ તાવીજ પહેરાવી રહ્યો છો..” મેં ચોખવટ કરી.

“એ બધું ફિલ્મોમાં હોય. હકીકતમાં એવું કઈ ન હોય.” એણે જરાક આછા સ્મિત સાથે કહ્યું પણ મને ખાતરી હતી કે એ બનાવટી સ્મિત હતું.

“ના એ બધી હકીકત છે. જો નાગીન સાથે કઈ ખરાબ કર્યું હોય તો તે ઇંતકામ લઈને જ રહે છે. જો એવું હોય તો આ તાવીજ મને નહિ બચાવી શકે. તારે મને કઈક હકીકત તો કહેવી જ પડશે.” મેં નાગિનનો બનાવટી ડર બતાવ્યો. ખરેખર તો હું નાગ-નાગીન એવામાં માનતી નહોતી પણ કપિલને લાગે કે હું તાવીજની બાબતમાં સીરીયસ છું એટલે મેં કહ્યું.

“એવું કંઈ નથી.” કપિલે ખાતરી આપી.

“મારા માથા પર હાથ મૂક....” મેં એના પર દબાણ કર્યું, “આપણા પ્રેમના સોગન લે.”

“હું આપણા પ્રેમના સોગન લઇ કહું છું એવું કંઈ નથી.” કપિલે પોતાની તરફથી વિશ્વાસ અપાવવાની પૂરી કોશિશ કરી.

“તો આખરે છે શું કપિલ?” મેં તેનો હાથ પકડ્યો અને વિનંતીભર્યા સ્વરે પૂછ્યું.

“એ હું કહી શકું તેમ નથી. તું વાર-વાર એ વાત પર જ કેમ આવે છે?” કપિલ જરા કંટાળ્યો. 

“કેમકે મને તારી ફિકર છે.” ખરેખર મને ડર લાગી રહ્યો હતો. મારા મનમાં કઈક ખરાબ બનશે એવો ડર હતો.

“કોઈકને મારી પાસેથી કઈક જોઈએ છે. એ મેળવવા માટે એ આ બધું કરી રહ્યું છે. એ એના માટે તારો પણ ઉપયોગ કરી શકે માટે તું સુરક્ષિત નથી.”

“તો આ તાવીજ મને એનાથી સુરક્ષિત રાખશે?”

“હા, રાખશે. મને ખબર છે તને વિશ્વાસ નથી. તારા આવાજમાં અવિશ્વાસ દેખાઈ રહ્યો છે.” એ જરા ઉદાસ થયો..

“મને વિશ્વાસ નથી. હું કોલેજમાં ભણતી આજની છોકરી છું.”

“તને મારા પ્રેમ પર તો વિશ્વાસ છે ને?”

“પોતાની જાત કરતા પણ વધુ.”

“આ તાવીજ કયારેય ન ઉતારીશ. તાવીજને મારા પ્રેમની નિશાની સમજી પહેરી રાખજે.” કપિલના એ શબ્દો મને સ્વર્ગનું સુખ આપી ગયા. એ મને પ્રેમનું પહેલું નજરાણું આપી રહ્યો હતો.

“આપણા પ્રેમ માટે આ તાવીજ તો શું હું ફાંસો પણ ગળે બાંધવા તૈયાર છું.”  મારા અવાજ અને આંખોમાં કઈક અલગ જ હતું જે મને મહેસુસ થતું હતું પણ શું હતું એ મને ખબર ન હતી કે કદાચ એ કહેવા મારી પાસે કોઈ શબ્દો નથી.

“ગમે તે થાય તું તાવીજ ઉતારીશ નહિ. હું કહું તો પણ નહીં.” એણે મારી એકદમ નજીક આવી મારો હાથ પોતાના હાથમાં લઇ ઉમેર્યું, “બીજીવાર કયારેય ફાંસાની વાત ન ઉચ્ચારીશ.” એની આંખોની ચમક એક પળ માટે ઓછી થઈ. હું સમજી ગઈ એ મને કેટલું ચાહતો હતો. એની આંખો બધું કહેતી હતી.

કાશ! એ બધી સમસ્યાઓ ન હોત! હું એની એ આંખોને વાંચતી જ રહોત... વાંચતા વાંચતા જ એમાં ડૂબી જાત.. કાયમને માટે... ટાઈટેનીક દરિયામાં ડૂબ્યું એમ જ....!

“નયના....” એણે મને એમ ખોવાયેલી જોઈ ખભા પકડી હચમચાવી દીધી, “હું કહું તો પણ તાવીજ ન ઉતારીશ. નયના, હું શું કહું છું એ તને સમજાય છે?”

“ખાસ તો નથી સમજાતું પણ તું કેમ મને તાવીજ ઉતારવાનું કહે?” મેં એની આંખોથી નજર હટાવી લીધી. એ આંખોમાં જોઈ હું લોજીક સાથે જવાબ આપી શકતી નહોતી. એ આંખો મને કલ્પનાની દુનિયામાં લઇ જતી હતી.

“એ હું નહિ.....” એ અટકી ગયો, “એ તું નહિ સમજે. બસ યાદ રાખજે તાવીજ આપણા પ્રેમની નિશાની છે. એ કયારેય ઉતારીશ નહિ.”

“ઓ.કે. બાબા, જીવની જેમ સાચવીશ. બસ.”

“હવે મારે જવું પડશે. કોલેજમાં નિશાથી બને એટલી દૂર રહેજે.” એણે કહ્યું મારું છેલું વાકય સાંભળી એને રાહત થઇ હોય એમ મને લાગ્યું.

“કેમ?” મને થયું હવે નિશામાં એના બદસુરત ચહેરા ને છોડીને શું પ્રોબ્લેમ હતો તે મને સમજાયું નહી.

“એ દિવસે પણ...”

“શું એ દિવસે?” એ વચ્ચે જ અટકી ગયો એટલે મેં કહ્યું.

“કઈ નહિ..”

“મને કહે શું વાત છે?”

“તે એના ચહેરા વિશે વિચાર્યું ત્યારે તને સાપ કરડ્યો હતો.”

“તને કઈ રીતે ખબર કે અમે સગુન પાસે મળ્યા હતા?”

“હું તમારી પાછળ જ હતો.”

“તું નહોતો.”

“હું ત્યાં હતો. ત્યારે તું મને ઓળખતી નહોતી એટલે તારું ધ્યાન મારા પર ગયું નહોતું.”

“માન્યું કે તું ત્યાં હતો પણ મેં એના વિશે શું વિચાર્યું એ તને કઈ રીતે ખબર?”

“હું તને ચાહું છું. તને પ્રેમ કરું છું. તારા દિલ અને મન બંને ને સમજુ છું. તું શું વિચારે એ હું જાણી શકુ છું.” એણે મજાક કરતો હોય તેમ કહ્યું.

મને ખબર હતી કે એ કઈક છુપાવી રહ્યો છે. પણ એ મને ચાહે છે એ શબ્દો એના મોએ સંભળાતા જ હું પાગલ થઇ ગઈ. શું બોલવું એ નક્કી કરી શકી નહિ. આમ પણ હું જાણતી હતી હું પૂછીશ તો એ કઈ કહેશે નહિ. હું કઈ ન બોલી.

“મારે હવે જવું જોઈએ, મમ્મી એકલી છે.”

“કેમ પપ્પા?”

“મુંબઈ ગયા છે.”

“મુંબઈ...?” મને નવાઈ લગી ઘરે આવો પ્રસંગ થઇ ગયો હોય ને કોઈ મુંબઈ કેમ જાય.

“અમારા ટ્રાન્સપોર્ટના બિઝનેસના કામે મુંબઇ ગયા છે, એક ટ્રકનો અકસમાત થયો છે.”

“કોઈ જાનહાની તો નથી થઈ ને?”

“ના. માત્ર કાનૂની કાર્યવાહી. ટ્રકના માલીક તરીકે ત્યાં સાઈન કરવા જવું પડ્યું છે. તો હવે હું જાઉં.”

“હા.”

“બાય...” કપિલ પીઠ ફેરવી એના ઘરની ડાયરેકસનમાં જવા લાગ્યો.

“બાય..” હું ત્યાંજ ઘણીવાર ઉભી રહી. હું એને જતો જોઈ રહી.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

aarohi patel 1 માસ પહેલા

Verified icon

Mukesh 3 માસ પહેલા

Verified icon

tushar trivedi 3 માસ પહેલા

Verified icon

mittal thakkar 3 માસ પહેલા

Verified icon

Nita Mehta 3 માસ પહેલા