નક્ષત્ર (પ્રકરણ 17)

દિવસના અંતે ફાઈનલ બેલ સંભળાયો ત્યાં સુધી મારા ઓવર એક્ટીવ માઈન્ડે મને મારી વિઝન વિશેના વિચારોમાં વ્યસ્ત રાખી. ફાઈનલ બેલ સંભળાતા હું બધાની સાથે બેગ લઇ ઉભી થઇ. કપિલ મારાથી પહેલા એક્ઝીટ સુધી પહોચ્યો હતો. એણે ફેસ પોસ્ટરથી મને ગૂડ બાય કહ્યું અને મારું હ્રદય અમારા ઘર પાછળના જંગલમાં જેટલા ફૂલો હતા એ કરતા પણ વધુ રંગ અને ખુશબોથી ભરાઈ ગયું.

મેં એને પાર્કિંગ લોટમાં જોવા એ તરફ નજર કરી હતી પણ એ ત્યાં નહોતો. એ નીકળી ગયો હતો. મેં મારી જાતને ફટાફટ બહાર ન આવવા બદલ કોસી. મને નવાઈ લાગી કે એ દિવસે પાર્કિંગમાં ટુ- વિલર અને ફોર- વિલર એકદમ ઓછા કેમ હતા.

મેં જે. એમ. વોહારનું સાઈન બોર્ડ ક્રોસ કર્યું અને કોલેજ ગેટ બહાર નીકળી.

“નયના...” મેં કિંજલનો અવાજ સાંભળી પાછળ જોયું. એ મારા પાછળ જ ઉતાવળી ચાલે આવતી હતી.

“હાય, કિંજલ.”

“હેય, આર યુ એન્ગ્રી વિથ મી?” કિંજલે નજીક આવતા જ ફિલ્મી અદાથી કહ્યું.

“નોપ.” મેં પણ આધુનિક ટ્રેડીસન જાળવ્યાં.

“તો મારી રાહ કેમ ન જોઈ?” કિંજલ પણ દરેક કોલેજીયન છોકરી જેમ બે વાકયો અંગ્રેજી બોલીને માતૃભાષા પર આવી ગઈ.

“સોરી યાર, આજે હું જરાક કન્ફ્યુઝનમાં છું.” મેં માફી માંગી. મને ખરેખર દુખ થયું કે હું એની રાહ જોવાનું કેમ ભૂલી ગઈ. એટ લીસ્ટ આખી કોલેજમાં મારી પાસે એ એક જ ફ્રેન્ડ હતી. મારા એરીયાની એક માત્ર કોલેજમેટ હોવાનું શ્રેય પણ એને જ મળતું હતું.

“ઇટ્સ ઓકેય. છોટી છોટી કોલેજોમે એસી બડી બડી બાતે હોતી રહેતી હે.” કિંજલે કીંગ ખાનના એક ફેમસ ડાયલોગમાં થોડા ઘણા મોડીફીકેશન કરી સંભળાવ્યો. મને ખબર નહોતી કે એ ડાયલોગ પરફેક્ટ બોલી હતી કે નહિ પણ મને એટલી ખાતરી હતી કે એ મારા ચહેરા પર સ્મિત જોવા માંગતી હતી. એ પણ મારા જેમ એકદમ સિમ્પલ હતી. કિંજલ એક સારી ફ્રેન્ડ હતી.

અમે વાતો કરતા કરતા લગભગ કોલેજથી એકાદ કિલોમીટર દુર ગયા. ફરી એ જ પહેલા દિવસવાળી કાર આમારી પાછળ હોર્ન વાગાડતી આવી પણ એ દિવસે કારની સ્પીડ એકદમ ધીમી હતી. એટલી ધીમી કે કદાચ એ કાર પહેલા ગીયરમાં હશે.

કાર અમારી પાસેથી પસાર થઇ ત્યારે એમાં ડ્રાયવર સીટની બાજુમાં બેઠેલ કાળા શર્ટવાળા એક છોકરાએ કારની વિન્ડો બહાર ડોકિયું કર્યું. અમે એના તરફ તાકી રહ્યા. એના ચહેરા પર લાલચી કુતરા જેવા ભાવ હતા. બસ એના મોમાંથી લાળ ટપકતી નહોતી એ સિવાય એક લાલચી કુતરામાં અને એના ચહેરાના ભાવમાં કોઈ ફર્ક નહોતો.

“હાય, પીસ ઓફ સ્વીટ, લેટ્સ ગો ફોર રાઈડ.” એ થોડીવાર અમને જોઈ રહ્યા બાદ ભસ્યો.

કિંજલ કઈ ન બોલી. કદાચ એ ડરતી હતી. જરૂર કરતા થોડુક વધારે ડરતી હતી. પણ એવા નાલાયક છોકરાઓ મારી જૂની કોલેજમાં હતા. હું જાણતી હતી કે એમને કેવો જવાબ આપવો જોઈએ. એ ફરીથી નામ ન લે એ માટે એમને કયા શબ્દો સંભળાવવા એ હું જાણતી હતી.

“તારી મમ્મીએ કોઈ પીસ ઓફ સ્વીટને જન્મ આપ્યો હોય તો એને રાઈડ પર લઇ જા.” મેં જોરથી કહ્યું. એટલા જોરથી કે મને ખાતરી હતી કે એણે સાંભળ્યું હતું. કેમકે એમની ક્રિટા અમારાથી માંડ દસ કદમ જેટલી આગળ નીકળી હતી.

કિંજલે મારા તરફ જોઈ કહ્યું, “આ તે શું કર્યું?” એના અવાજમાં એકદમ ગભરાહટ હતી.

“વોટ..?” મને નવાઈ લાગી મેં શું કર્યું હતું. બસ એક વધુ પડતું ભસતા કુતરાને ચુપ કરવાનો પ્રયાસ કર્યો હતો.

“યુ જસ્ટ રુઇન...” કિંજલ પોતાનું વાકય પૂરું ન કરી શકી. અમને એ કારના વિલની ચિચિયારી સંભળાઈ. ડ્રાયવર સીટ પર બેઠેલ રેડ ટી-શર્ટવાળા છોકરાએ પોતાનો પગ પૂરી તાકાતથી બ્રેક પર દબાવી દીધો હતો. એણે કારને ત્યાજ રસ્તાની વચ્ચે પુલ ઓફ કરી. એના પરથી નક્કી હતું કે એમને ત્યાં કોઈનો ડર ન હતો.

મને એકપળ માટે થયું મારે નહોતું બોલવું જોઈતું. બીજી જ પળે થયું કાશ મારી સાથે કપિલ હોત તો? અને ત્રીજી પળે જયારે મેં એમને કારમાંથી ઉતરતા જોયા બધા વિચારો અદ્રશ્ય થઇ ગયા અને એક જ વિચાર રહ્યો. હવે શું થશે? એ લોકો શું કરશે?  મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું.

મેં એક નજર કિંજલ તરફ કરી. એ પણ મારા જેટલી જ ગભરાયેલી લાગતી હતી. સાચું કહું તો એ મારાથી પણ વધારે ગભરાયેલી લગતી હતી. એના ખભાના હલન ચલન પરથી જ દેખાઈ આવતું હતું કે એ ઉતાવળે શ્વાસ લઇ રહી હતી. કદાચ એના હ્રદયને પણ મારી જેમ જ વધુ ઓક્સીઝનની જરૂર હતી અને એ પૂરો પાડવા માટે એ હાંફતી હોય એ રીતે શ્વાસ લઇ રહી હતી. એની ગભરાહટ પરથી જ હું સમજી ગઈ કે એ કારમાંથી ઉતરેલા છોકરાઓ કેટલા ખરાબ હશે.

કિંજલ એક વરસથી એ કોલેજમાં હતી અને એમને સારી રીતે જાણતી હતી. મને ફરી એકવાર થયું કાશ હું ચુપચાપ ચાલ્યે ગઈ હોત તો સારું હતું. મેં આસપાસ નજર કરી કદાચ કોઈ એવું દેખાઈ જાય જેની હાજરીમાં એ લોકો કઈ વધારે હિંમત ન કરે પણ મારી એ આશા નઠારી નીવડી. અમારી જ કોલેજની એક બે છોકરીઓ અમારાથી થોડીક આગળ જઈ રહી હતી પણ મને ખબર હતી કે એ મારા જેટલી મુર્ખ નહી હોય કે વચ્ચે આવે.

મેં ફરી એક નજર ફેરવી અમે સરકારી હાઈસ્કૂલથી થોડાક આગળ હતા. એ શાળાના બે ચાર છોકરાઓ બહાર ફરી રહ્યા હતા. શાળાના ગણવેશમાં બહાર ફરતા એ છોકરાઓમાંથી એક છોકરો બારમાં ધોરણનો હોય એવું લાગતું હતું. બાકીના તો દસમાં કે નવમાં ધોરણમાં હોય એવા લાગતા હતા.

કદાચ મારા નસીબ એ દિવસે મારી સાથે ન હતા. એ હાઈસ્કુલના છોકરાઓમાંથી કોઈ એવું નહોતું જેની હાજરીમાં એમને અમારી સાથે બદસલુખી કરતા અટકાવી શકે. મેં મારી લકી પર્પલ ટી-શર્ટ પહેરી હતી છતાય એ દિવસ મારા માટે અનલકી લાગ્યો.

કારમાંથી ઉતરી બે છોકરાઓ અમારી તરફ આવવા લાગ્યા. તેઓ એકબીજા સાથે જોઈ બદમાસની જેમ હસતા હતા, એકબીજાના ખભા પર હળવા મુક્કા મારતા ત્યાં એમને કોઈનો ડર નથી એ સાબિત કરતી ચેષ્ઠાઓ તેમણે આચરી. હું સમજી ગઈ કે મેં ધાર્યા એના કરતા તેઓ વધુ બદમાશ હતા. મેં એમને માત્ર ખરાબ બેકગ્રાઉન્ડ અને બગડેલા કોલેજ બોય ધાર્યા હતા પણ એ મારા અંદાજ બહારના નીકળ્યા. નાનાં શહેરની આજ સમસ્યા હોય છે ત્યાં ખાસ બદમાશો ન હોય પણ જે હોય તે અવલ્લ નંબરના હોય અને મારી સામે ઉભેલા એ બદમાશો અવલ્લ નંબરના હતા એમાં કોઈ બે મત નહોતો.

એ ચોટલીવાળો મારી સામે આવી ઉભો રહ્યો. એ મારી સામે ઉભો રહ્યો એ એક મિનીટ પણ મને એક કલાક જેટલી લાગી. મેં એક નજર આસપાસ કરી. લોકો અમારી તરફ જોવાનું ટાળતા હતા. એક બે દુકાનદારો એમના આંખને ખૂણેથી એ તમાસાની મજા લઇ રહ્યા હતા પણ મને એમના ચહેરા પર કોઈ ભાવ ન દેખાતા ખાતરી થઇ ગઈ કે તેઓ અમારી મદદે નહિ આવે. કોઈ પોલીસને ફોન કરશે એવું પણ મને ન લાગ્યું. મને થયું મારે મમ્મીની સલાહ માનવી જોઈતી હતી. હું મમ્મીની સલાહ ભૂલીને ચીલી સ્પ્રે લીધા વિના જ કોલેજ જતી. મમ્મી હમેશા મને એ સાથે રાખવાની સલાહ આપતી. મેં ચીલી સ્પ્રે સાથે ન રાખવા બદલ પોતાની જાતને જ ઠપકો આપ્યો. આઈ શૂડન્ટ નેગલેક્ટ મોમ’સ અડવાઈઝ.

“વોટ યુ વેર બાર્કિંગ?” કાળા શર્ટવાળા છોકરાએ કહ્યું. એના લાંબા વાળ એણે ગરદન પાછળ ચોટલીમાં બાંધેલા હતા. દેખાવ પરથી જરાયે ન લાગે કે એ એવા ગંદા નેચરનો હશે. એ સ્ટોકી ડાર્ક હેર વાળા છોકરાના અવાજે મને ડરાવી નાખી. હું જાણે મારી જગ્યાએથી કુદી હોઉં એમ મને લાગ્યું. આખા બાઝાર વચ્ચે પણ હું જાણે એકલી હતી. મને અઘોરીના સપના જેટલો જ ડર ત્યાં લાગ્યો. મારા હૃદયના ધબકારા વધવા લાગ્યા.

“નથીંગ.” મેં ગભરાતા કહ્યું.

આસપાસ ચાલતી રોજની ભીડ જાણે અમારા સાથે શું થઈ રહ્યું છે એ બધાથી અજાણ હોય એમ ચાલ્યા જતા હતા. મેં સાંભળ્યું હતું કે આપણા દેશની પ્રજા મૂંગી બહેરી છે પણ આંધળી છે એ ખબર મને એ દિવસે જ પડી. ત્યાંથી પસાર થનાર અનેક લોકોમાંથી કોઈને એ તરફ જોવાની તસ્દી પણ ન હોય એમ મને લાગ્યું.

“નો, નો, નો, ડીયર યુ વોઝ બાર્કીંગ સમથીંગ...” પેલા રેડ ટી-શર્ટવાળા છોકરાએ કહ્યું. એના ગંદા શબ્દો એના ચહેરા સાથે મેળ ખાઈ રહયા હતા. એ મારી નજીક આવવા લાગ્યો હતો.

“મારાથી દુર જ રહેજે..” મેં હતી એટલી હિમ્મત ભેગી કરીને કહ્યું. મને હતું કદાચ એ અવાજમાં મજબુતાઈ દેખાશે પણ મને મારું જ ગળું છેતરી ગયું. અવાજ માંડ નીકળી શક્યો હતો અને એમાં મજબુતાઈને બદલે માત્ર ભય હતો.

“પ્રતિકાર કરવાનો કોઈ ફાયદો નથી...” એ મારી વધુ નજીક આવ્યો, “તને ખબર નથી તે કોનાથી દુશ્મની બાંધી લીધી છે.” એના ઘાતકી ચહેરા પર હાસ્ય ફેલાયું.

“સોરી, જેમ્સ... સી ઇઝ ન્યુ... સી ડોન્ટ નો યુ.... સોરી...” કિંજલ તેની સામે કરગરવા લાગી.

“બટ યુ નો અસ..” એ કિંજલ તરફ ગરદન ફેરવીને બોલ્યો. બોલતી વખતે એના ચહેરા પરના ભાવ સતત ક્રુઅલ બન્યે જતા હતા.

“યા.. સોરી, નીલ...” કિંજલે પેલા બ્લેક શર્ટવાળા છોકરા તરફ જોઈ કહ્યું ત્યારે મેં મારી જાતને કરાટે કલાસ પુરા ન કરવા બદલ કોસી. મેં મુંબઈમાં કરાટે કલાસ જોઈન કર્યા હતા પણ એ અધૂરા જ છોડી દીધા હતા. એ છતાં ત્રણ મહિનાની એ ટ્રેનીંગમાં કોચે કહેલા અમુક શબ્દો અને ત્યાં શીખેલા અમુક દાવ મને યાદ હતા. મને કોચની સેલ્ફ ડીફેન્સ માટેની એક તકનીક યાદ આવી. હિલ ઓફ ધ હેન્ડ થ્રુસ્ટ અપવાર્ડ, એન્ડ બ્રોક યોર ઓપોનેન્ટ’સ નોઝ, શોવ ઈટ ઇન ટુ હીઝ બ્રેઈન. મેં ક્લાસમાં શીખેલો પહેલો દાવ યાદ કર્યો પણ એ મને કયાં બરાબર આવડ્યો જ હતો? બીજો કોઈ દાવ... મેં યાદ કરવાનો પ્રયાસ કર્યો. હા, મને યાદ આવ્યું - કટારીયા સરે કહ્યું હતું - ફિંગર થ્રુ ધ આઈ સોકેટ - ટ્રાય ટુ હુક અરાઉન્ડ એન્ડ પોપ ધ આઈ આઉટ. કોઈની આંખ ફોડી નાખવી કે બહાર નીકાળી દેવી? હું કલ્પના માત્રથી ધ્રુજી ઉઠી. મેં એ લેસન માટે જ કલાસ છોડી દીધા હતા. મને એવી ઘાતકી ચીજો શીખવી પસંદ નહોતી. કાશ! મને ખબર હોત કે કયારેક એવા ઘાતકી લોકો ભટકાય છે કે એ ઘાતકી દાવ જ કામ આવે. એ સમયે એ દાવ મને ગંદો લાગેલો. મને કોઈ મુવીમાં પણ એવું દ્રશ્ય જોઈ ચીતરી ચડી જતી.

ત્રીજો દાવ - ધ ની ટુ ધ ગ્રોઈન. મેન પાર્ટ પર લાત ઠોકી દેવી. ઓફ કોર્સ એ સારો અને ચીતરી ન ચડે એવો દાવ હતો પણ મારી સામે એક કરતા વધુ વિલન હતા માટે એ દાવ પણ નકામો હતો.

સામે એક વ્યક્તિ હોત તો પણ તું હુમલો ન જ કરી શકોત કેમકે તું ડરપોક છે. મારા ઓવર એક્ટીવ માઈન્ડે કહ્યું. ચુપ! હું મનમાં જ બરાડી. નિરાશાવાદી નહિ આશાવાદી બન. મેં મારી જાતને કહ્યું. તું એક પર હુમલો કરીશ તો બાકીના એને જમીન પર પડતો જોઇને જ ડરી જશે. મેં મારા મનને સમજાવ્યું.

એ બધું માત્ર ફિલ્મોમાં જ હોય છે. તે માત્ર બોલીને પણ આટલી મોટી સમસ્યા ઉભી કરી છે હવે કઈ નવું ન કરતી બિચારી કિંજલ એમની સામે કરગરી રહી છે એને સંભાળવા દે - એ જૂની છે. બધું સંભાળી લેશે. મારુ ઓવર એકટીવ માઈન્ડ દલીલોમાં મને ક્યારેય જીતવા ન જ દેતું અને એ વખતે પણ મેં એની સામે હાર સ્વીકારી લીધી. હું ચુપચાપ ઉભી રહી.

“સી ઇઝ ગર્લ ફ્રેન્ડ ઓફ સ્ટેચ્યુ...” ત્રીજા એકે કહ્યું. જે ગાડીમાંથી હમણા જ ઉતર્યો હતો. હું એનો ચહેરો ઓળખતી હતી. એ મારા કલાસમાં જ હતો. એ છેલ્લેથી ત્રીજી બેંચ પર બેસતો. કલાસમાં મેં એને જોયો ત્યારે મને એ જરાયે એવો નહોતો લાગ્યો. મને ફરી એકવાર થયું પપ્પા સાચું કહે છે કોઈને માત્ર ચહેરો જોવાથી ઓળખી શકાતું નથી.

“પેલા પૂતળાની ગલફ્રેન્ડ છે એમ... મને ડર લાગી ગયો એ પુતળાનું નામ સાંભળી...” રેડ ટી-શર્ટે કહ્યું. એ હસ્યો એના હસવા અને બોલવામાં મને એક અજીબ ભાવ દેખાયો.

“પણ બોસ બિચારીનું બ્રેકઅપ થઇ ગયું છે.” ત્રીજાએ જવાબ આપ્યો જે મારો કલાસમેટ હતો.

“બિચારી દુ:ખી છે જેમ્સ, જવા દે એને..” સ્ટાઇલીસ સન ગોગલ્સ અને પિંક સ્કીન ટાઈટ ટી-શર્ટમાં પોતાની એવરેજ ફિગરનો શો કરતી એક છોકરીએ કહ્યું. એ બોલી ત્યારે જ મારું ધ્યાન એના તરફ ગયું. એ કારમાંથી કયારે ઉતરી એ ડરને લીધે મારા ધ્યાનમાં નહોતું આવ્યું.

“સોનિયા પ્લીઝ, તું તો સમજ, એ નવી છે.” કિંજલે એની તરફ જોઈ વિંનતી કરી.

“નવી છે તો જેમ્સનું ઇન્સલ્ટ કરશે, મારા જેમ્સનું?” એ બીચે પોતાના ભૂરા વાળમાં હાથ ફેરવતા કહ્યું. એ કોલેજ ગર્લ હતી પણ એની બધી જ સ્ટાઈલ મુંબઈની કોલગર્લ જેવી હતી. મુબઈમાં મેં એવી ઘણી વેશ્યાઓ જોઈ હતી જે હોટેલો આગળ પાર્ક કરેલી મોઘી ગાડીઓ પાસે સિગારેટ ફૂંકતી હોતી. એ સોનિયા તદ્દન એવી જ લાગી.

“સી ડઝન્ટ નો હીમ... પ્લીઝ...” કિંજલે ફરી આજીજી કરી. મને નવાઈ લાગી કે આ રોડ પર લોકોની અવર જવર કેમ નથી.

“લેટ્સ ગો ટુ રાઈડ બેબી...” કહેતા એ ચોટલીવાળો છોકરો જેનું નામ જેમ્સ હતું એ મારી તરફ આવ્યો. એ મારી એકદમ નજીક ઉભો રહ્યો. એટલો નજીક કે એના શ્વાશમાંથી આવતી સિગારેટની વાસ હું મહેસુસ કરી શકું.

“સોરી...” મેં ફરી કહ્યું. મારા મનમાં હજારો ઇચ્છાઓ હતી એને નાલાયક અને સન ઓફ બીચ જેવી ગાળો દેવાની પણ મારા મોમાંથી સોરી સિવાય એક પણ શબ્દ ન નીકળ્યો. કદાચ ડર કોને કહેવાય એ હું સમજી ગઈ હતી.

“પરહેપ્સ યુ સુડ ટોક વિથ અ મેન..”

એ નાટકના અવાજોમાં એક અજાણ્યો અવાજ ઉમેરાયો. એ અવાજ અલગ હતો.  મારી આંખો એ અવાજની દિશામાં આપમેળે ફેરવાઈ ગઈ. અમારાથી કેટલાક યાર્ડના અંતરે હાલ્ફ સ્લીવ ટીશર્ટ અને નેવી બ્લુ જીન્સ પહેરેલ એક છોકરો ઉભો હતો. એની ટીશર્ટ હાલ્ફ સ્લીવ હતી એ છતાં એણે એ અડધી બાયોને પણ રોલ કરીને ખભા સુધી ઉપર ચડાવેલી હતી. જોકે એના મજબુત બાંધા છતાં એ તમાશામાં દાખલ કરવા માટે એ બહુ નાનો હતો.

મેં જેમ્સ અને એના ટોળાને ઉદેશીને બોલાયેલા એના શબ્દો ન સાંભળ્યા ત્યાં સુધી એને પણ નોટીશ કર્યો નહોતો. એ કઈ દિશાથી આવ્યો હશે એ કોઈએ નોટીશ કર્યું નહોતું. બધાનું કોઈ મશાલા ફિલ્મ જેવા અમારા તમાશા જોવામાં જ ધ્યાન હતું. એ અમારાથી થોડેક દુર ઉભો રહ્યો. એ કયારે ત્યાં આવ્યો એ કિંજલે પણ નોધ્યું નહોતું. કદાચ એનું ધ્યાન ગંદા જેમ્સ તરફ હતું.

જેમ્સ અને તેના મિત્રોએ ગુસ્સા ભરી નજરે એ છોકરા તરફ જોયું.

“વિથ અ મેન બટ યુ આર અ કીડ.” નીલ એ છોકરા તરફ જોઈ હસ્યો. બીજા બધા પણ હસ્યા.

મને પણ લાગ્યું નીલ સાચો છે. એ હજુ કીડ જ હતો. માંડ સોળ કે સતર વરસનો હશે. કદાચ મારાથી પણ નાનો હોય તો નવાઈ નહી. એની મુછ પર જરાક વાળ ફૂટેલા હતા બાકી દાઢીના વાળ તો હજી આવ્યા પણ નહોતા. એની હડપચીનો આકાર પણ હજી તરુણ છોકરા જેવો જ હતો. તે દેખાવડો સુવાળી ચામડીવાળો તરુણ હતો.

“એ છોકરીઓને જવાદે અને મારી પાસે આવ. હું તને સમજાવીશ મર્દ કોને કહેવાય.” એ તરુણ છોકરાએ અમારી તરફ ડગલા ભરતા કહ્યું.

એણે એટલું ડેરિંગ ન કરવું જોઈએ એવું મને થયું. ચોક્કસ એને આ બધા ધોઈ નાખશે એવું મને લાગ્યું. એની ઉમર જોતા એનું શરીર મજબુત હતું અને હાઈટ પણ સારી હતી. લગભગ મારા જેટલી જ હાઈટ હતી. હદમાં હદ પાંચ પાંચ હશે. પણ એ જે રીતે જેમ્સ, નીલ અને તેના ત્રીજા સાથી સામે વાત કરી રહ્યો હતો એ જોતા મને લાગ્યું એને વચ્ચે ન આવવું જોઈએ. કેમકે જેમ્સ અને નીલના ચહેરા પર પૂરી દાઢી મુછ આવી ગયા હતા. તેઓ જામેલા યુવાન હતા. એમનું શરીર જોતા એમ જ લાગતું હતું કે ત્રણ ત્રણ વાર કોલેજમાં ફેલ થયા હશે અને પચીસ વરસના તો હશે.

એ છોકરો એમના માટે મેચ કે ફાઈટ માટે ઇકવલ ઓપોનન્ટ નહોતો.

“નીલ, જરા એને બતાવી આવજે મર્દ કોને કહેવાય.....” જેમ્સે નીલ સામે ખુખાર ભેડિયા જેમ રાડ પાડી.

નીલે મારા તરફ જોયું, એના ચહેરા પર ઘાતકી હાસ્ય છવાયું, એ મને બતાવવા માંગતો હતો કે મારી મદદે આવનારની શું હાલત થાય છે. એ છોકરા તરફ જવા લાગ્યો. હું ગભરાતી હતી મને હતું કે હમણા નીલ એનું નાક તોડી નાખશે કે પછી એને એ ડામરના રોડ પર પછાડી એના ધૂંટણ અને કોણી છોલી નાખશે. મેં એક પળ માટે વિચાર્યું એ છોકરો વચ્ચે ન આવ્યો હોત તો સારું... હું કાઈ બોલી જ ન હોત તો સારું... આ બધું થાત જ નહિ ને એ વચ્ચે જ ન આવત.. મારા લીધે કોઈ તરુણ છોકરાને શારીરિક નુકશાન થાય એ મને પસંદ નહોતું.

હું એ બધું વિચારતી હતી ત્યાં સુધીમાં નીલ ત્યાં પહોચી ગયો હતો. મેં નીલના જમણા હાથની મુઠ્ઠીને અક્કડ બંધ થતા જોઈ. એનો હાથ ઉંચકાતા જોયો. એની મુઠ્ઠી એ છોકરાના જડબા પર...

ના, એની મુઠ્ઠી એ છોકરાના જડબા સાથે ન અથડાઈ એને બદલે મેં નીલને એક ચીસ સાથે ફસડાઈ પડતા જોયો... એ છોકરાનો હાથ ક્યારે મુઠ્ઠીમાં વળ્યો એ મને ખબર જ ન પડી. કદાચ હું ગભરાહટમાં હતી એટલે મારા ધ્યાનમાં નહોતું આવ્યું અને ચોકસ નીલે પણ એ જોયું નહોતું.

“નીલ...” જેમ્સે એ તરફ જોઈ રાડ પાડી.

નીલે અમારી તરફ જોયું અને ઉભો થયો. એના નાકમાંથી લોહી વહી રહ્યું હતું... એના નાક પર એટલો જોરદાર ફટકો લાગ્યો હતો કે જાણે એનું નાક એના ચહેરામાં ધુસી ગયું હોય. તે હજુ પહેલા પંચના શોકમાંથી બહાર આવે એ પહેલા જ એની છાતી પર બીજો પંચ હથોડાની જેમ ઝીંકાયો. એ પંચ એની છાતી પર ડાબી તરફ એના હ્રદયની આસપાસ જ કયાંક અથડાયો હતો.

નીલ જાણે એનાથી બમણા વજનના કોઈ રેસલરના હથોડા જેવા પંચનો શિકાર બન્યો હોય એમ જમીન પર ઢળી પડ્યો.

“નીલ..” જેમ્સે જાણે એના દોસ્તની છાતી પર પડેલા ઘણ જેવા ઘાનું વેઇટ અને વાયોલન્સ અનુભવાયું હોય એવી રાડ પાડી અને એ તરુણ તરફ દોડ્યો, “યુ સન...”

જયારે જેમ્સ ગાળો બોલતો તરુણ નજીક પહોચ્યો, છોકરો એક સાઈડ સ્ટેપ લઇ બાજુ પર થઇ ગયો, એણે બાજુમાં જ રહી અર્ધચક્રા કારે ફરી જેમ્સના પેટમાં એક પંચ માર્યો.

જેમ્સ વાંકો વળી ગયો, એ જરા વાર આગળ નમી રહ્યો અને કોઈ કુમળો છોડ ભાગી પડે એમ નીલની બાજુમાં જ જમીન પર પડ્યો. એ તરુણ છોકરો સ્ટાઈલથી ચાલીને અમારા તરફ આવવા લાગ્યો ત્યારે જેમ્સ ભાંખોડિયા ભેર ઉભા થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.. નિષ્ફળ પ્રયત્ન... એ જમીન પર ત્યાજ બેસી રહ્યો... તેનામાં પોતાનું ખુદનું શરીર ઉભું કરી શકવાની પણ તાકાત નહોતી રહી. પેલી સ્ટાઈલીશ સન ગલાસીસ લેડી એની તરફ દોડીને ગઈ ને એની પાસે જઈ બેસી ગઈ.

અચાનક નીલનો ત્રીજો મિત્ર એ તરુણ સામે જઈ ઉભો રહી ગયો. તરુણ એને એક પળ સુધી જોઈ રહ્યો, પોતાનું માથું નકારના ઇશારે હલાવ્યું.

“તને વચ્ચે પાડવા બદલ અફસોસ થશે.” તરુણ છોકરાને પોતાની પાછળની તરફ પણ એક અવાજ સંભળાયો. નીલ ફરી ઉભો થઇ ગયો હતો અને ભસ્યો હતો. જેમ્સે પણ એ સ્ટાઇલીસ લેડીની મદદથી ઉભા થવામાં સફળતા મેળવી હતી.

તરુણ છોકરાનો ચહેરો એકદમ તંગ થયો. પણ બીજી જ પાળે એ એકદમ રીલેક્સ થઇ ગયો હોય એમ એના ચહેરા પર સ્મિત આવ્યું. જેમ્સના જે ત્રીજા મિત્રે રસ્તો રોક્યો હતો એ એકદમ ઉંચો અને તગડો હતો.

“અબે! લડકે! બીચ મેં કયું આ રહા હે....” એ હિન્દીમાં બરાડ્યો. મતલબ એ ગુલામ નગર આસપાસનો હશે ત્યાના લોકલ લોકો હિન્દી બોલતા. ત્યાં કેટલાક મરાઠી પણ બોલતા.

“તરુણ છોકરો એ તગડા યુવાન તરફ જવા લાગ્યો, એના ચહેરા પર એક એન્ગ્રી સ્મિત આવ્યું.

“હાય, નયના મેવાડા, હાઉ આર યુ?” એ છોકરાએ મારી સામે જોઈ કહ્યું, “હું તને ઓળખું છું.”

મને નવાઈ લાગી એ મને કઈ રીતે ઓળખતો હશે? તગડો યુવાન છોકરા તરફ એને પકડી લેવા ધસ્યો, પણ તરુણ હવામાં કુદ્યો અને તગડા યુવકના ચહેરા પર એક લેફ્ટ હુક લગાવી. એ લેફ્ટ હુક યુવાનના લમણા પર કાન પાસે અથડાઈ. એનો ચહેરો એક તરફ નમી ગયો અને એ જ સમયે એમની નજીક પહોચેલા નીલ સાથે એ અથડાયો. નીલ એના મિત્રના બાઉન્સ થયાના ઘામાંથી બહાર આવે એ પહેલા જ છોકરાએ રાઈટ હેન્ડનો અપર કટ નીલની હડપચી પર ચોટાડી દીધો. નીલનું માથું એકદમ ઉપર થઇ ગયું. એ બંને યુવાનો હોવા છતાં પણ જાણે એ તરુણ માટે કઠ પુતલી કરતા વધુ કઈ નહોતા. તરુણે વીજળીની ઝડપે બે સોલીડ પંચ નીલની છાતી પર ફટકાર્યા. એ પંચ નીલની બધી હવા નીકાળી દેવા કાફી હતા. જોકે છોકરાએ એ મરી ન જાય એનું ધ્યાન રાખતા ત્રીજો પંચ રોકી લીધો હતો કેમકે નીલના ડોલા ફરી ગયા હતા. નીલ ઘુટણ પર થઇ ગયો અને જમીન પર લાંબો થઇ ગયો.

જેમ્સે પાછળથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો. એણે પોતાનો ડાબો હાથ છોકરાને પાછળથી પંચ લગાવવા હવામાં ફેરવ્યો પણ છોકરો નીચો નમી ગયો અને જેમ્સને શિકારી જાનવરની જેમ ગળાથી પકડી લીધો. જેમ્સ છૂટવા તરફડીયા મારતો રહ્યો અને એ છોકરે એમ જ પકડી રાખી ઝાટકો આપી રોડ પર પછાડ્યો. મને નવાઈ લાગી એ તરુણ છોકરામાં એટલી તાકત કઈ રીતે હોઈ શકે?

એણે પંચોતેર કે એસી કિલોના જેમ્સને ગળાથી ઊંચકી રોડ પર ઘાસની ગંજીની જેમ પછાડ્યો હતો. એ કઈ રીતે શક્ય હતું? અને જેમ્સ પાછળથી કયાંરે અને કયાં હુમલો કરશે એની જાણે એને ખબર હોય એમ એ ખરા સમયે નીચે નામી ગયો હતો- એણે તો પાછળ જોયું જ નહોતું. એ કઈ રીતે શકય હતું?

શું એ પણ કપિલ જેવો હશે? એ મન જાણી શકતો હશે અને જેમ્સ કયારે હુમલો કરશે એ જાણી લીધું હશે? હું પાગલ થઇ ગઈ હતી. મને બધે જ સુપરનેચરલ ચીજો દેખાતી હતી.

“તું નયના મેવાડા છો ને?” એ મારી નજીક આવ્યો. એનો આવાજ હજુ તરુણ છોકરા જેવો જ હતો, પણ એનો અવાજ એટલો શાંત હતો જાણે કશુ થયુ જ ન હોય.

હું કાંઈજ જવાબ આપ્યા વિના એને જોઈ રહી. જેમ્સ અને એના દોસ્તોમાં હવે લડવાની હિમત કે શક્તિ એકેય નહોતા. તેઓ ઉભા થવા કરતા રોડ પર પડ્યા રહેવામાં પોતાની જાતની વધુ સલામતી અનુભવતા હોય એમ રોડ પર જ પડ્યા રહ્યા.

“એન્ડ યુ વોન્ટ ટુ નો વોટ ઇઝ મેન?” એણે એક સાથી તરફ જોઈ હસીને કહ્યું, એ સાથીમાં હજુ ઉભા રહેવાની શક્તિ હતી કેમકે એ કારમાં જ રહ્યો હતો એણે ફાઈટમાં ભાગ લીધો નહોતો. ફાઈટમાં ભાગ લીધા વિના જ એ તરુણની શક્તિનો ખયાલ આવી ગયો હોય એમ જવાબ આપવાને બદલે પોતાની કાર તરફ ચાલ્યો ગયો.

“તું મારું નામ કઈ રીતે જાણે છે?” મેં એની તરફ જોઈ કહ્યું.

“તને યાદ નથી પણ આપણે એકબીજાને ઓળખીએ છીએ.” એણે હસીને કહ્યું.

“વોટ..?”

“તને રશ્મી યાદ છે?” એણે પૂછ્યું, “હું એનો નાનો ભાઈ છું.”

“મને રશ્મી યાદ છે.. હું એની સાથે ઘણીવાર તારા ઘરે આવતી - તું વિવેક છો?”

“હા, હું વિવેક છું.” એણે કહ્યું અને હું એને ધારીને જોવા લાગી. એ નાનપણથી જ ખુબ દેખાવડો હતો. અત્યારે તો એ ઓર વધારે રૂપાળો ક્યુટ ચોકલેટ બોય જેવો લાગતો હતો. કોઈ માની જ ન શકે કે આ છોકરો મારામારી કરી શકે.

“રશ્મી કયાં છે હમણાં? અમારી કોલેજમાં છે?”

"બારમાં પછી તેણે ભણવાનું છોડી દીધું.”

“કેમ?” મને ખુબ નવાઈ થઇ કારણ મને યાદ હતું તે એકદમ હોશિયાર હતી.

“એને કોલેજ જવું ન ગમ્યું. એક બે વાર કોઈક આવા જ છોકરાઓએ એને સતાવી એટલે એણીએ ભણવા જવાનું બંધ કરી દીધું.”

“એમ કાઈ ભણવાનું થોડું છોડી દેવાય.” મેં કહ્યું.

“મેં અને પપ્પાએ પણ સમજાવી હતી. પપ્પાએ ઘણુંએ પૂછ્યું હતું કે એ છોકરાઓ કોણ હતા બસ નામ આપી દે એ તારું તો શું પણ કોઈનુંયે નામ નહિ લે.” એણે જેમ્સ તરફ એક નજર કરી અને કહ્યું.

જેમ્સ પેલી સ્ટાઈલિશ ગર્લના સહારે એની કાર તરફ જઈ રહ્યો હતો. મને નવાઈ લાગી કહેવાતા એ કોલેજના ડોને હું તને જોઈ લઈશ કે આ તને બહુ મોંઘુ પડશે એવો કોઈ ડાયલોગે ન સંભળાવ્યો.

“પછી એણીએ નામ આપ્યું?”  મેં ફરી વિવેક તરફ જોઈ પૂછ્યું.

“ના એણીએ કહ્યું હવે મને ભણવામાંથી રસ ઉઠી ગયો છે અને વાતને વધારીને શુ ફાયદો. એને ખબર હતી પપ્પા પોતાના ગુસ્સા પર કાબુ નથી રાખી શકતા એટલે એણીએ નામ ન આપ્યા.”  વિવેકે કહ્યું અને એક નફરતભરી નજર જેમ્સ અને તેના સાથીઓ તરફ કરી. એ લોકો ગાડી સ્ટાર્ટ કરી જઇ રહ્યા હતા.

મારુ ધ્યાન અચાનક કિંજલ તરફ ગયું. એ હજુ ડરેલી હતી.

"આર યુ ઓલરાઇટ..?”  મેં કિંજલને પૂછ્યું.

"યા..." એનો જવાબ એના એક્સપ્રેશન સાથે મેળ નહોતો ખાતો.

“શુ થયું? હવે એ લોકોનો કોઈ ડર નથી.” વિવેકે કિંજલને કહ્યું.

“પણ હવે એ લોકો આ ગુસ્સો અમારા પર કોલેજમાં કાઢશે.....” કિંજલે કહ્યું.  હજુયે એના અવાજમાં એક ધ્રુજારી હતી જે બતાવતી હતી કે એ ડરેલી છે.

“એ ફરી તમને નહિ સતાવે અને જો એ ફરી કઈ બોલે તો એમને કહેજો કે તમે જાદુગર સોમરના સગા છો... એ ફરી તમારી નજીક પણ નહિ ફરકે.”  વિવેકે કઈક ગર્વથી કહ્યું. અને તે સાચો હતો. તેના પપ્પા જાદુગર સોમર અંકલનું નામ કાફી હતું.

“તું એમને ઓળખે છે?”  કિંજલ પૂછયું.

“એ એના પપ્પા છે.”  વિવેક જવાબ આપે એ પહેલા જ મેં કહ્યું.

“ઓહ! આઈ સી.” કિંજલને રાહત થઇ કેમકે જાદુગર સોમરનું નામ નાગપુરમાં ખતરનાક માણસોમાં ગણાતું.

“ધેન લેટ્સ ગો.”  વિવેકે હસીને કહ્યું.

“બટ આઈ ડોન્ટ અંડરસ્ટેન્ડ.” મેં કહ્યું.

“વોટ?”

“એ તારા પપ્પાને કઇ રીતે ઓળખશે?” મેં નવાઈથી પૂછ્યું.

“પપ્પાએ એમને એમના બે સિનિયરો અને એમનો સાથ આપતા એક કોલેજ પ્રોફેસર બધાને ખોખરા કર્યા હતા.”

“પણ કેમ?”

“નીલમનું ભણવાનું છોડાવ્યું એટલે.”

“પણ તે હમણાં જ કહ્યું કે નિલમે નામ નહોતું આપ્યું એ લોકોનું....”

“તને ખબર છે ને મારા પપ્પા શુ છે?”  વિવેકે પૂછ્યું, પણ એ પ્રશ્નમાં એક જવાબ હતો જે હું જાણતી હતી.

“જાદુગર.”  મેં કહ્યું, મને યાદ હતું તેઓ ટીવી સ્ટેજ પર જાદુના ખેલ કરતા.

“હા તો એમને કેટલીવાર થાય એ ખબર પાડતા.”

“ઓહ! આઈ સી.” મેં કહ્યું અને અમે ત્રણે ત્યાંથી ચાલ્યા. રસ્તામાં મેં કિંજલ અને વિવેકનો એકબીજાથી પરિચય કરાવ્યો.

"તને ડર ન લાગયો...? તું એકલો હતો ને એ ત્રણ હતા." થોડોક પરિચય થયા પછી કિંજલે પૂછ્યું.

"અમે મદારી પરિવારમાંથી છીએ. ગમે તેવા ઝેરી સાપનેય હાથથી પકડી લઈએ છીએ. આ તો બસ મામુલી છોકરા હતા જે કોલેજ ભણવાને બદલે બીજાનું ભણવાનું બગાડવા આવે છે.”

“તારી ઉમર કેટલી છે?” કિંજલે એની તરફ જોઈ પૂછ્યું. કિંજલ એનાંથી ખુબ રસ લઈને વાત કરી રહી હતી. મને કાઈ બોલવાનો મોકોય નહોતી આપી રહી. મને લાગ્યું તે વિવેકથી ઈમ્પ્રેસ થઇ છે. કદાચ પહેલી જ મુલાકાતમાં એને પસંદ કરવા લાગી હોય.  મારી જેમ એ પણ કદાચ લવ એટ ફર્સ્ટ સાઈટ...

“મને સોળ વરસ પુરા થયા છે. ઓક્ટોમ્બર સાતના દિવસે મારો સત્તરમો જન્મદિવસ છે.”

“આટલી નાની ઉમરમાં આટલી બધી શક્તિ કઈ રીતે?” કિંજલે પૂછ્યું. કિંજલના પ્રશ્ને મને પણ વિચારતી કરી મૂકી. હા, જરાક વાત અજીબ હતી. એની ઉમર મુજબ એનામાં વધારે શક્તિ હતી - ઘણી વધારે. અહી વધારે એટલે એક હદથી વધારે એમ કહી શકાય. મને એક પળ માટે થયું, કપિલ અને વિવેક બંનેમાં કાઈક સામ્યતા છે, કપિલ પણ કઈક ન સમજાય તેવી શક્તિ ધરાવે છે, જયારે મને સાપ કરડ્યો ત્યારે એ મને કાર સુધી એ રીતે ઊંચકીને લઇ ગયો હતો જાણે કે મારું વજન પંચાવન કિલો નહી પણ પાંચ કિલો હોય.

“કેમ શક્તિને ઉમરથી લેવા દેવા હોય એવું કોણે કહ્યું? એવું હોત તો વૃદ્ધોમાં જ સૌથી વધારે શક્તિ હોત.” વિવેકે હસીને જવાબ આપ્યો. એ જ હસવાની રીત, કપિલની જેમ જ એ પણ કઈક છુપાવતો હોય એવું મને લાગ્યું.

મને એકાએક થયું જો એ કપિલ જેવો જ હશે તો એના હાથમા પણ વીંટી હશે. એ નક્ષત્રવાળી ચાંદીની વીંટી. મેં એના હાથ તરફ જોયું, એના હાથ પર વીંટી ન હતી, મેં ફરી નિરાશ થઇ એના હાથ તરફથી નજર હટાવી ત્યાજ મારા મગજે મને જાટકો આપ્યો. મારા મનમાં એક જબકારો થયો. મેં એના હાથ પર કઈક તો અલગ જોયું હતું. શું હતું? મેં ફરી એના હાથ પર નજર કરી. એના હાથ પર પહેલી આંગળી અને અંગુઠાના સાંધાથી થોડાક ઉપરના ભાગેમાં લખેલું ટેટુ દોરેલ હતું અને કાંડાથી જરાક ઉપરના ભાગે એક ત્રિશુળનું ટેટુ હતું.

આ એ જ ટેટુ હતું જે મેં નિશાના હાથ પર જોયું હતું. બે વ્યક્તિના હાથ પર ત્રિશુળનું ટેટુ હોય એ સામાન્ય વાત હતી પણ બંનેના હાથ પરનું ત્રિશુલ એક જ જેવું હતું. ટેટુ બનાવનાર તો અનેક સ્ટાઇલ જાણતા હોય છે, એ લોકો તો એકનું એક નામ પણ અલગ અલગ પચાસથીયે વધુ રીતે લખી શકતા હોય છે. તો ત્રિશુળ એક જ જેવું અને એક જ સાઈઝનું કેમ બનાવે.

“તે આ ટેટુ ક્યાં બનાવડાવ્યું છે?” મેં તેને પૂછ્યું.

“કેમ?” એને એકદમ નવાઈ લાગી હોય એમ એણે કહ્યું. ખરેખર આ સવાલથી કોઈને નવાઈ લાગે એ જરા નવાઈની વાત હતી.

“મારે પણ બનાવવવું છે, લાગે આ ટેટુની ફેસન છે. મેં કોલેજમાંયે એક બે જણના હાથ પર એ જોયું છે.” મેં કહ્યું. હું એટલું સામાન્ય રીતે બોલી કે એને ખબર ન પડી કે હું જુઠ્ઠું બોલી રહી છું.

“એ ફેશન નથી.”

“તો?”

“એ અમારા સમાજનું પ્રતિક છે. અમારા પૂર્વજો એ ટેટુ દોરાવતા અને હજુયે અમારામાંથી મોટા ભાગના જુના રીવાજોમાં માનનારા એ દોરાવે છે.”

“તું એ જુના રિવાજોમાં માને છે?” મને એના સ્ટાઈલ અને કપડા જોતા તેનું ટેટુ ઓડ લાગ્યું.

“પપ્પા જાદુગર છે અને હું પણ જાદુગર બનવા માંગું છે. એ શીખવા માટે જુના રિવાજોમાં માનવું પડે છે.”

“તો શું તમે સ્ટેજ પર સાચે જ છોકરીનું ગળું કાપો છો?”

“ના...” એ ખડખડાટ હસ્યો, “એમાની મોટા ભાગની ટેકનીક અને હાથ ચાલાકી હોય છે.”

“તો અસલી જાદુની જરૂર કયા પડે?”

“ગાયબ થવામાં, પિતાજી એ તકનીક નથી જાણતા પણ મને અમારા એક વૃદ્ધ મદારી પાસે એ તકનીક શીખવા મોકલે છે. જેમાં અસલી જાદુની જરૂર પડે છે. પિતાજી ઈચ્છે છે કે હું સ્ટેજ પર પહેલો શો ગાયબ થવાનો કરું.” વિવેકે ઉત્સાહમાં આવી કહ્યું, એ પોતે અસલી જાદુ શીખી રહ્યો છે એ બાબત પર કદાચ એને ગર્વ હતો.

“તો આ શક્તિ એ જાદુની હતી?” મેં પૂછ્યું.

“ના, એ હું જૂની લડાઈની કલારીપુકમ કળા શીખું છું એનાથી.”

“તો એ ત્રિશુળ?”

“એ અમને દરેક નાગથી બચાવે છે. જ્યાં સુધી અમારા શરીર પર આ ત્રિશુલ હોય નાગ અમારું કઈ બગાડી શકતો નથી.”

“પણ તમે હવે ક્યાં સાપ પકડવાનું કામ કરો છો?”

“એ સાપ નહી..”

“મતલબ? કયા સાપ...?”

“એ જ પણ જે એકદમ ઝેરી હોય તે એન્ડ બાય ધ વે અમે જરૂર પડે તો હજુયે સાપ પકડવાનું કામ કરી લઈએ. ભણવાથી કઈ અમે અમારી જૂની કળા ભૂલી નથી ગયા. મારા પપ્પાને હજુયે બીન વગાડતા આવડે છે.” વિવેકે એમની પરંપરાઓ પર ગર્વ લેતા કહ્યું પણ એણે જે ‘એ સાપ નહી’ કહ્યું હતું એ પરથી મને લાગ્યું કે ખરેખર એ કોઈ બીજા જ સાપની વાત કરી રહ્યો હતો પણ પછીથી એ ભૂલમાં બોલી ગયો હોય એમ ફેરવી નાખ્યું હતું.

“રશ્મીના લગન થઇ ગયા?” મેં પૂછ્યું.

“ના, સગાઇ કરી છે આવતા વરસે લગન છે.”

“કયા?”

“જોગ નગરમાં.”

વાતોવાતોમાં અમે ઝવેરી નગર ચાર રસ્તા સુધી પહોચી ગયા હતા. ઝવેરી નગરમાં વિવેકનું ઘર હતું. હું એના ઘરે રશ્મી પાસે ઘણીવાર ગઈ હતી. એમનું ઘર ખાસું મોટું છે. એના પપ્પા ખાસ અમીર તો નથી પણ જાદુગર તરીકે મુંબઈની કોઈ કંપનીના જાદુના-શોમાં કામ કરતા એટલે એમની આવક સારી એવી હતી.

એ અમને બાય કહી ઝવેરી નગર તરફ વળ્યો. કાદંબરી આવતા હું કિંજલને બાય કહી એસ્પનમાં દાખલ થઇ.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Tejal ba 2 અઠવાડિયા પહેલા

Verified icon

Ranjna 3 અઠવાડિયા પહેલા

Verified icon

aarohi patel 3 અઠવાડિયા પહેલા

Verified icon

Mukesh 3 માસ પહેલા

Verified icon

tushar trivedi 3 માસ પહેલા