Naxatra - 16 books and stories free download online pdf in Gujarati

નક્ષત્ર (પ્રકરણ 16)

હું એકદમ પલળી ગયેલી હતી. વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો. આકાશમાં જાણે કોઈ અલગ જ તુફાન ઉઠ્યું હતું. નાગપુરમાં વરસાદ અનિયમિત અને અનિશ્ચિત હતો પણ એવું તુફાન અને એવો વરસાદ મેં પહેલા ક્યારેય જોયો નહોતો. આકાશમાં જાણે વાદળા નહિ પણ તોફાન પોતે જ એકઠું થઇ રહ્યું હતું. હું ક્યાં હતી એનો મને કોઈ અંદાજ નહોતો.

મને આઠ દશ ફૂટ કરતા આગળનું કઈ જ દેખાતું નહોતું કેમકે વરસાદના લીધે બધું બ્લર થઇ ગયું હતું. એકાએક કાળા આકાશ પર ગુસ્સે હોય એમ વીજળી આખા આકાશને બે ભાગમાં ચીરી નાખતી દોડી. ઇન્દ્રે જાણે આકાશમાં પોતાનું વજ્ર ભોકી નાખ્યું હોય એવો આકાશના દર્દભર્યા ચિત્કાર જેવો કડાકો થયો.

મને કોઈ અંદાજ નહોતો કે મારે કયાં જવું અને શું કરવું? હું કયાં હતી એ જ મને ખબર નહોતી. મારા પર હથોડાની જેમ વરસાદ ઝીંકાઈ રહ્યો હતો. એ વરસાદના આટલા મોટા અવાજમાં પણ મને પેલી સંગીતની અજબ ધૂન સંભળાવા લાગી. એ જ ધૂન જે મારા મોબાઈલમાં આવીને ગાયબ થઇ ગઈ હતી. એ જ ધૂન જે મારા સિવાય કોઈ સાંભળી શકતું નહોતું. એ જ ધૂન જે મને પાગલ બનાવી જતી હતી.

હું જંગલમાં હતી. હું એક નાનકડી પગદંડી પર ઉભી કઈ તરફ જવું એની અવઢવમાં હતી. મને માર્ગ સુજી રહ્યો નહોતો. છતાં હું એક તરફ ચાલવા લાગી પણ મને કોઈ આઈડિયા નહોતો કે એ પગદંડી મને કયાં લઇ જશે. હું કયાં જઈ રહી હતી એ મને ખબર નહોતી.

ફરી એકવાર આકાશને ચીરી નાખવા વીજળીએ પોતાનું ખંજર ચલાવ્યું. આસમાનનો સીનો ચિરાઈ ગયો હોય એવો ચિત્કાર સંભળાયો. આખું આકાશ વિદ્યુતમય થઇ ગયું. એ ઈલેક્ટ્રીફાયિંગ ઉજાસમાં મને મારી આસપાસની ચીજો એકદમ દિવસ જેવી દેખાઈ.

મારા શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઇ ગઈ. એ વરસાદના લીધે, વીજળીના કડાકાને લીધે કે હવામાં રહેલી ઠંડકને લીધે નહોતી કેમકે એ દરેક ચીજથી હું ટેવાયેલી હતી. તોફાની વરસાદ પણ નાગપુર માટે કોઈ નવી વાત નહોતી.

મને એ આસમાની ઉજાસમાં એક ચહેરો દેખાયો જે મારા શરીરમાથું લખલખું પસાર કરી ગયો. એ ચહેરો અઘોરીનો હતો. એ મારાથી કેટલાક યાર્ડસ દુર એક જાડી નજીક ઉભો હતો. વરસાદનું એક ટીપું પણ એના પર પડતું નહોતું. વરસાદ એની આસપાસ અન્ય દિશાઓમાં વાંછટની જેમ ફેકાઈ જતો હતો. કદાચ વરસાદ પણ એ ભયાનક ચહેરાને સ્પર્શતા ડરી રહ્યો હતો. ભય મને અંદરથી ઘેરી વળવા લાગ્યો. આકાશમાં ફરી એક કડાકો થયો અને એને અનુસરતા વીજળીના ચમકારામાં મેં એક બીજો ચહેરો જોયો.

જંગલમાં એ અઘોરી સિવાય પણ કોઈ હતુ. એ કોણ હોઈ શકે? દુરના એક ઝાડને વીજળી પોતાનું લક્ષ બનાવી ગઈ. વીજળી એના પર થઇ, એના ઝાડના સો વર્ષોથી પણ વધુ સમયથી મજબુત ઉભેલા થડને બે ભાગમાં ચીરી જમીનમાં ઉતરી ગઈ. આખું ઝાડ આગની લપેટોમાં ઘેરાઈ ગયું.

ત્યાં આગ અને પાણી બંને ચીજો એકસાથે હાજર હતી. જેમ કપિલ સામે હોય ત્યારે મારા હ્રદયમાં એ બન્ને ચીજોની હાજરી હોય છે બિલકુલ એવી જ રીતે એ બંને વિરોધાભાષી તત્વો ત્યાં હાજર હતા.

સળગતા ઝાડના અજવાળામાં મને એ બીજો ચહેરો દેખાયો. એ ચહેરો એક યુવકનો હતો. એ યુવકે એના ચહેરાને પોતાની બ્લેક ટી- શર્ટના હુડથી છુપાવી રાખેલો હતો. એણે એક નજર અઘોરી તરફ કરી પછી મારા તરફ જોયું અને જમણા હાથથી હૂડ હટાવી પોતાનો ચહેરો ખુલ્લો કર્યો.

જાણે વરસાદને એના ચહેરા પર નીતરી પડવા આમંત્રણ આપતો હોય એમ એણે એક નજર આકાશ તરફ પણ કરી અને વરસાદે એના પ્રપોઝલને વાર્મ એપ્રુવલ સાથે વધાવી લીધો હોય એમ એના ચહેરા પરથી વરસાદનું પાણી નીતરવા લાગ્યું.

યુવક અઘોરી તરફ જવા લાગ્યો. હમણાં સુધીમાં આકાશમાં થયેલ વીજળી કરતા ચમકતો અને લાંબો લીશોટો આકાશમાં થયો. મને લાગ્યું કદાચ આજે વીજળી આકાશને ચીરી નાખવામાં સફળ રહેશે. મને એ યુવકનો ચહેરો લાઈટનીંગના ઉજાસમાં એકદમ ચોખ્ખો દેખાયો, એ કપિલ હતો પણ એકદમ અલગ હતો. એના વાળ લાંબા હતા, અઘોરી જેટલા જ લાંબા, એની જ લંબાઈના બસ એના વાળ અઘોરી જેમ ડ્રેડલોકમાં બંધાયેલા નહોતા.

અઘોરી પણ એની તરફ જવા લાગ્યો. કેટલીક સેકન્ડોમાં બંને એકબીજાની નજીક પહોચી ગયા. જેવા તેઓ એકબીજા સાથે ભીડ્યા એ જ સાથે એમનાથી માંડ દશેક ફૂટ દુર એક ઝાડ આગની જવાળાઓમાં ઘેરાઈ ગયું. આકાશી વીજળી પણ એ બંનેની જેમ રોષે ભરાયેલી હોય એમ બીજા ઝાડને તબાહ કરી ધરતીની ગોદમાં સમાઈ ગઈ. અને ફરી એક વીજળીનો ચમકારો મેં અનુભવ્યો પણ એ આકાશમાં નહોતો થયો એ વીજળી અઘોરીના હાથમાં ઉદભવી હતી. અઘોરીએ કોઈ પ્રાચીન યોધ્ધો અસ્ત્ર ફેકતો હોય એમ એનો છુટ્ટો ઘા કપિલ તરફ કર્યો. વીજળી કપિલ સાથે અથડાઈ એ સાથે જ વીજળીના વેઇટ અને વેલોસીટીને લીધે કપિલ અધ્ધર ઉચકાઈ ગયો. વીજળીએ એને કેટલાક યાર્ડ દુર ફેકી દીધો.

“રન... નયના.. રન...” એણે જમીન પર પડ્યા જ મારી તરફ જોયું, કદાચ એનામાં હવે ફરી ઉભા થવાની શક્તિ નહોતી બચી. વીજળી એની શક્તિઓ લઇ ગઈ હતી.

“રન....” એના અવાજમાં ડર હતો, “નયના... રન....”

મેં અઘોરીને મારી તરફ આગળ વધતો જોયો. કપિલ ઉભો થવા પોતાની જાત સાથે સંઘર્ષ કરી રહ્યો હતો પણ એ ઉભો ન થઇ શક્યો. કદાચ વીજળી એ જે અસર ઝાડ પર કરી હતી એ જ અસર કપિલના શરીર પર કરી ગઈ હતી. કદાચ એનું ઝાડના જુના થડ કરતા પણ વધુ મજબુત શરીર ઝાડ જેમ સ્પ્લીટ નહોતું થયું પણ એની શક્તિ ક્ષીણ થઇ ગઈ હતી.

હું દોડવા ઈચ્છતી હતી પણ મારા પગ નકામા થઇ ગયા. મારા પગ મારો હુકમ માનવા તૈયાર નહોતા. મારી છાતીમાં શ્વાસ બેસતો નહોતો. અઘોરી મારી નજીક આવ્યો અને એણે પોતાનો હાથ ઉપર ઉઠાવ્યો.

હું પલંગમાં બેઠી થઇ ગઈ. મારું નાઈટ ટીશર્ટ એકદમ પલળી ગયું હતું. મારું ઓશિકું પણ ભીનું થયેલું હતું. મારા વાળ અને ચહેરા પર પણ પાણીના બિંદુઓ હતા. મને સમજાયું નહી કે એ પરસેવો હતો કે સપનાના વરસાદની અસર હતી. મને શું થયું હતું?

મેં એલાર્મ કલોક તરફ નજર કરી. સવારના છ વાગ્યા હતા. મને દરેક સપનું સવારે જ કેમ આવતું હશે? સવાલો થયા પણ મારી પાસે કોઈ જવાબ નહોતા. મારી જિંદગીમાં આ બધું શું થાય છે કેમ થાય છે તેમાંનું કશું જ મને સમજાતું નહોતું. હું એવી પરિસ્થિતિમાંથી પસાર થતી હતી જે કોઈને કહું તો મને પાગલ સમજે.

હું ઉભી થઇ અને સીધી જ નહાવા ચાલી ગઈ. મને શાવરની એકદમ જરૂર હતી. જે રૂમમાં એ બિહામણું સપનું જોયું એની ડર લાગતી હોય એમ બાથરૂમ બહાર આવતા જ મેં ફટાફટ ટીશર્ટ અને એની મેચિંગ પેરની જીન્સ પહેર્યું અને નીચે ફોયરમાં ચાલી ગઈ.

મમ્મી જાગી અને ચા નાસ્તો બનાવ્યા ત્યાં સુધી હું ફોયરમાં જ બેસી રહી. મમ્મીએ મને પૂછ્યું કેમ નહિ કે બેટા કેમ વહેલી ઉઠી ગઈ એ મને જરાક નવાઈ લગાડી ગયું હોત પણ હું બીજા વિચારોમાં વ્યસ્ત હતી એટલે એ મારા ધ્યાનમાં ન આવ્યું.

મમ્મી સાથે બ્રેકફાસ્ટ ટેબલ પર જ મેં બની શકે એટલો વધુ સમય વિતાવ્યો કેમકે હું મારા મનને નવરું પાડવા દઉં તો એ સપનામાં જોયેલી ચીજો વિશે વિચારવા લાગતું હતું. એ વિચારો દિવસના અજવાળામાં પણ મારા શરીરમાંથી ધ્રુજારી પસાર કરી જતા હતા.

સાડા નવ વાગ્યા ત્યારે હું બ્રેકફાસ્ટ ટેબલ પરથી ઉભી થઇ અને બેગ લઇ કોલેજ જવા નીકળી ગઈ. મારા સપનાનો ડર હજુ મારા મનમાં ફરી રહ્યો હતો છતાં મને એક અલગ પ્રકારની રાહત હતી – કદાચ કપિલ મને ચાહે છે એ જાણવાને લીધે એ રાહત મારું મન અનુભવી રહ્યું હતું.

અમારી કોલેજનો સમય સાડા દશનો હતો. પણ હું એ દિવસે વહેલી ગઈ માટે મારે કિંજલ સાથે કેફેટેરીયામાં બેસી વાતો કરવી પડી. એન્ટ્રીનો બેલ વાગતા જ હું અને કિંજલ કલાસમાં જઈ ગોઠવાયા. હું એ જ ખાલી બેંચ પર બેઠી. કપિલ હજુ કલાસમાં આવ્યો નહોતો. જોકે મને આશા હતી કે આજે એ કલાસમાં મારી બાજુમાં જ બેસશે.

પણ એ આવશે કે કેમ? મારું મન બહુ અળવિતરું હતું એ ન કરવાના વિચારો જ કરતુ. હું એના જ વિચારોમાં વ્યસ્ત હતી. ગઈ કાલે એણે કહ્યું હતું કે એ મને ચાહે છે એ યાદ કરતા જ મારા ગાલ ટોમેટો રેડ થઇ ગયા. આ પણ મમ્મી તરફથી મને વારસામાં મળ્યું હતું. મમ્મી કહેતી દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક જે ડરપોક અને શરમાળ હોય છે મારા જેવા અને એક પપ્પા જેમ બહાદુર અને ખાસ શરમ ન રાખનારા લોકો હોય છે. મને મમ્મીની એ વાત સાચી લાગી.

કપિલ કલાસમાં દાખલ થયો એ મારી નજીક તો ન બેઠો પણ છેલ્લી બેંચ પર જતા પહેલા એણે મને એક સ્માઈલ આપી જે મને પાગલ કરી નાખવા માટે પુરતી હતી. તમે ક્યારેય આમ સપનામાં આવતા પુરુષને પ્રેમ ન કર્યો હોય તમને હું પાગલ જ લાગીશ પણ મારી કહાની પૂરી સાંભળ્યા પછી તમારા માટે હું ચોક્કસ રોલ મોડેલ બનીશ તેની મને ખાતરી છે.

પહેલું લેકચર શીતલ મેમનું હતું. મેમ કલાસમાં દાખલ થયા અને બધાને ગુડમોર્નિંગ કહીને હિસ્ટરીના એ ટોપિક પર ચર્ચા કરવા લાગ્યા જે સિમ્બોલિકલી મારા હ્રદયને જ લાગુ પડતો હતો. મેમ તાજ મહેલ કોણે અને કેમ બનાવ્યો એ વિશે સમજાવવા લાગ્યા.

મને પણ એમ જ લાગતું હતું કે કદાચ જેને ચાહીએ એના માટે તાજ મહેલ કરતા પણ મોટી ઈમારત ચણી નાખવી કોઈ મોટી વાત નથી. હું એ ટોપિક ચાલતો હતો ત્યારે જેટલી વાર કપિલ તરફ તાકી એના ચહેરા પર દરેક વખતે અલગ રહસ્યમય સ્મિત રમતું મને દેખાયું. બસ એનું સ્મિત જ મારી દુનિયા હતી. એનું એક સ્મિત મારા માટે દુનિયાભરની ખુશીઓ બરાબર હતું.

મને સમજાતું નહોતું કે કેમ હું એના પ્રત્યે ચકોર જેમ ચંદ્ર સાથે જોડાઈ જાય એમ જોડાઈ ગઈ હતી. કેમ ચકોરની જેમ મને એને વારે વારે તાકી રહેવાનું મન થતું હશે? એને જોવાની મારી લાલચ હર પળે વધતી જ જતી. હું એના તરફથી એક પળ માટે પણ નજર ખસેડવા માંગતી નહોતી. હું બીજું કઈ નહી બસ એને જોઈ રહેવા માંગતી હતી. એના ચહેરાનું કામણ મને પાગલ બનાવી રહ્યું હતું. પણ મને એ પસંદ હતું. કદાચ મેમના ધ્યાનમાં આવી જશે કે હું એને તાકી રહી છું તો? કદાચ કલાસના ધ્યાનમાં આવી જશે તો? મને ડર લાગવા લાગ્યો.

મેં એને ન તાકવા ઘણો પ્રયાસ કર્યો પણ એ અશક્ય હતું. એનું કામણ પ્રતિકાર ન કરી શકાય એમાનું હતું. જ્યારે પણ અમારી આંખો એકબીજાને મળતી મારી આંખો સામે એક તાજમહેલ ચણાઈ જતો.

એ દિવસે જાણે હું કોલેજમાં નહોતી પણ સ્વર્ગમાં હતી. શીતલ મેમ એમના લેક્ચરમાં વ્યસ્ત હતા અને હું મારા સપનાના મહેલ ચણી રહી હતી. લંચ ટાઈમ દરમિયાન હું એની સાથે શું વાત કરીશ? મને નવાઈ લાગતી હતી કે લંચ ટાઈમે શું વાત કરીશ એ પણ હું કેમ પહેલાથી નક્કી કરી રહી છું પણ એ જરૂરી હતી કેમકે જયારે એ સામે ઉભો હોય ત્યારે તો શું બોલવું એ હું નક્કી કરી શકતી નહોતી. મારે એનાથી શું વાત કરવી એ મારે પહેલેથી વિચારી રાખવું પડે એમ હતું.

આઈ વોઝ સ્પેલબાઉન્ડ.

શીતલ મેમ પછી શર્મા સરનો નંબર હતો. એમણે આવતા જ એમની ફોલોસોફી શરુ કરી દીધી પણ મારું ધ્યાન આજે એમના તત્વજ્ઞાનમાં નહોતું કેમકે આજે મારું મન દુનિયાનું સૌથી મોટું તત્વ ચિંતક બની ગયું હતું.

ધ ગ્રેટેસ્ટ ફિલોસોફર ઓફ ધ વર્લ્ડ વોઝ માય માઈન્ડ.

પોથી પઢ કર જગ મૂવો, ભયો ન પંડિત કોઈ,

ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત હોય.

મને કયાંક હિન્દી ફિલ્મમાં સાંભળેલા એ ડાયલોગ સિવાયની દરેક ફિલોસોફી નકામી લાગતી હતી. લંચ ટાઈમનો બેલ વાગતા જ હું ઉભી થઇ અને કેફેટેરીયામાં જઈ પહેલા દિવસે જે ટેબલ પર બેઠી હતી ત્યાં જ ગોઠવાઈ. કોણ જાણે ખુશીમાં કેમ વધારે ભૂખ લાગતી હશે?

હું ફૂડ ઓર્ડર કરવા માંગતી હતી પણ કિંજલ આવે એની રાહ જોતી હતી. મારે ખાસ રાહ જોવાની જરૂર ન પડી. કિંજલ એની બે ત્રણ બહેન પણીઓ સાથે આવી, એ બધી છોકરીઓ મારા ટેબલ આસપાસ ખુરશીઓ પર ગોઠવાઈ.

કિંજલ કાઉન્ટર પર ફૂડ ઓર્ડર કરીને જ ટેબલ પર આવી હતી માટે ફૂડ ન આવે ત્યાં સુધી અમારી પાસે વાતો કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. હું કપિલના આવવાની રાહ જોતી હતી પણ એ કેફેટેરીયામાં ન આવ્યો. હું જાણતી હતી એ રોજ જેમ ગાર્ડનમાં જ હશે.

“અમે ભેડા પર પીકનીક જવાના છીએ.” વેઈટર ટેબલ પર પેપેરડીશ ગોઠવી ગયો એટલે કિંજલે જાહેરાત કરી.

“એકાએક પીકનીક?” મેં પૂછ્યું.

“કેમ ગઈ કાલે જ તો કલાસમાં હિસ્ટ્રી મેમે કહ્યું હતું કે એ નાગપુરનું જોવા લાયક સ્થળ છે.” કિંજલે કહ્યું, “અમે ત્યાના મંદિરો અને વોટર ફોલની મુલાકાત લેવાના છીએ.”

“વોવ! ઈટ વિલ બી વન્ડરફૂલ.” મેં મારી ખુશી વ્યક્ત કરી.

“તું આવશે?” શ્વેતાએ પેપર ડીશમાં વેઈટરે હમણાં જ મુકેલા સમોસાનો ટુકડો મોઢામાં મુકતા મને પૂછ્યું.

‘તારે પીકનીકમાં જોડાવું ન જોઈએ...’ હું કઈ જવાબ આપું તે પહેલા જ મને આકાશવાણી અવાજ સંભળાયો. મેં આસપાસ છોકરીઓ તરફ જોયું. તેઓ પીકનીકની ડીસકશનમાં વ્યસ્ત હતા. મારી આંખો કપિલને શોધવા લાગી પણ એ આસપાસ કયાંય નહોતો. એ કેફેટેરીયામાં નહોતો.

“માલતી, તે મને કઈ કહ્યું?” મને કિંજલની બહેનપણીઓના નામ યાદ રહી ગયા હતા. મેં માલતીને પૂછ્યું.

“નો, યુ આર ડ્રીમીંગ ડીયર.” માલતીએ મારી તરફ જોઈ એક મીઠું સ્મિત આપ્યું.

“બસ નયના, હમણાથી સપના જોવા લાગી છે તો ભેડા જઇને શું કરીશ. એવું હોય તો કપિલને પણ સાથે લઇ લઈએ?” મંજુલાએ કહ્યું અને એ બધી સહેલીઓ હસવા લાગી. હું બલ્સ થઇ, ફરી મારા ગાલ ટોમેટો રેડ બની ગયા.

“તને વોટર ફોલ પસંદ છે?” મંજુલા મારા તરફ ફરી.

“ઓફકોર્સ.”

‘એમને કહે કે તું પીકનીક પર નથી જવાની...’ મને ફરી આકાશવાણી સંભળાઈ. મને ખાતરી થઇ ગઈ કે મેં કોઈ કલ્પના નથી કરી.

મેં મંજુલાને ખુરશી મારા તરફ ખસાવતા જોઈ, ખુરશી કેફેટેરીયાના ફ્લોર પર ખાસી એનાથી થતો અવાજ મને ડીસ્ટર્બ કરી ગયો.

“હવે કોઈ આઈસક્રીમ મંગાવશે?” મંજુલાએ શ્વેતા તરફ ખુરશી લઈ જઈ કહ્યું.

“હજુ કેટલી ચરબી ચડાવવી છે?” કીંજલ એના પર હસવા લાગી પણ એમની દોસ્તી એવી હતી કે મંજુલા કયારેય ખોટું ન લગાડતી. તે આઈસક્રીમણી હાર્ડકોર ફેન હતી પણ કિંજલની કોમેન્ટ પછી એનું મન બદલાઈ ગયું, “કઈ નહિ મારી ચરબીની ફિકર હોય તો થમ્સ કેન લઇ આવ.”

‘તે હજુ એમને કહ્યું નથી કે તું પીકનીક પર નથી જવાની?’ મને ફરી અવાજ સંભળાયો. ભેડાઘાટના પાતાળ પ્રવેશ ઝરણા જેવો એ અવાજ જાણે કપિલનો જ હતો પણ કપિલ આસપાસ કયાંય નહોતો. મેં આસપાસ જોયું, બધા હસી રહ્યા હતા, કિંજલ થમ્સ કેન લેવા ગઈ હતી અને રીમા જાણે હું પાગલ હોઉં એમ મને જોઈ રહી હતી.

“આર યુ...”

‘ઈનફ...’ મને આકાશવાણી અવાજ સંભળાયો. હવે અવાજ એકદમ ઉતાવળો હતો, મેં મારા કાન પર હાથ મુક્યા પણ અવાજ બંધ ન થયો. કઈક થયું હતું. એ ઈનફ શબ્દ એટલા જોરથી બોલાયો હતો કે એની કોઈ ગંભીર અસર થઇ હતી. કેફેટેરીયામાં બેઠેલા બધા ઉભા થઇ ગયા હતા.

અમે જે કાચની સ્લાઈડીગ બારી નજીક બેઠા હતા એ બારીના કાચ ધમાકો થયો હોય એમ તૂટીને જમીન પર વિખેરાઈ ગયા હતા. શું એ આકાશવાણીના અવાજની અસર હશે?

અમારા બરાબર સામેની બારીનો કાચ ફૂટીને જમીન પર પડ્યો હતો. કિંજલ કાઉન્ટર તરફથી દોડતી મારી પાસે આવી.

“આર યુ ઓકે?” એના અવાજમાં મારી સલામતી માટેની ચિંતા હતી.

કિંજલ સિવાયના બાકીના બધા એકદમ શોકમાં હતા. મોટાભાગના એમની ખુરશીમાંથી ઉભા થઇ ગયા હતા. મને સમજાયું એ ઇનફ શબ્દો કેટલા ઉતાવળે બોલાયા હતા. શું થયું હતું એ સમજી શકવું બધા માટે મુશ્કેલ હતું પણ હું જાણતી હતી કે એ મને સંભળાયેલી આકાશવાણીણી અસર હતી.

એકાએક મારું ધ્યાન તૂટેલી બારી બહાર ગયું. કપિલ બગીચામાં ઉભો હતો. એ કેફેટેરીયા તરફ જ જોઈ રહ્યો હતો. એ મને જોઈ રહ્યો હતો. શું એ આકાશવાણી અવાજ એનો જ હતો? એના અવાજથી એ કાચ તુટ્યો હતો?

“નયના, ત્યાં શું જોઈ રહી છે?” કિંજલ હજુ મારી પાસે જ ઉભી હતી.

“ત્યાં...” મેં એ તરફ જોયું. કપિલ ત્યાં ન હતો. એ હવે બગીચામાં નહોતો, “કઈ નહિ.”

મેં મારી જાતને શાંત કરવા પ્રયાસ કર્યો. કદાચ કોઈ છોકરાએ દડો ફેક્યો હશે અને કાચ ફૂટી ગયો હશે અથવા બહાર વધુ પવન હશે અને એ બાબા આદમ કોલેજના કેફેટેરિયાની બારી પણ ખાસ નવી તો ન જ હતી.

મેં મારી જાતને ભલે એ સમજુતી આપી પણ હું જાણતી હતી કે વિન્ડો અને વાઈન્ડ એ થીયરી બંધ બેસતી નહોતી. કદાચ એ સમજી શકાય તો મારા સપનાના અઘોરી અને મદારીનું શું? કઈક તો હતું જે રહસ્ય રચી રહ્યું હતું. પણ શું?

ગઈ રાતે જ મેં સપનામાં તુફાન જોયું હતું અને આજે દિવસે પવનને લીધે કે ખબર નહી કેમ પણ બારીના કાચ તૂટ્યા હતા. કદાચ મને સપનામાં દેખાતી ઘટનાઓ મારા ગયા જીવન સાથે સબંધ ધરાવતી હતી અને મારા આ જીવનમાં પણ એ જીવન જેવી જ ઘટનાઓ થતી હતી અને મને સપનામાં ચેતવણી રૂપે ગયા જન્મની ઘટનાઓ દેખાતી હતી.

એક ચીજ તો નક્કી હતી કે ગઈ કાલે સપનામાં મેં જેવું વાતાવરણ જોયું એવું તોફાની વાતાવરણ આજે સવારથી જ હતું. જે સામાન્ય નહોતું. બિલકુલ સામાન્ય નહોતું કેમકે નાગપુરમાં ક્યારેય એવું વાતાવરણ મેં જોયું નહોતું. વાતાવરણ કોઈક આવનારી આફતના એધાણ આપી રહ્યું હતું.

હું કેફેટેરીયા છોડી ઉતાવળે બગીચામાં ગઈ. મને કપિલ બગીચાની બીજી તરફ જતો દેખાયો. હું એની પાછળ જવા લાગી. ખબર નહિ કેમ પણ મારું મન કહેતું હતું કે મારે એની સાથે હોવું જોઈએ. બસ હું એટલું જ જાણતી હતી કે ગમે તે ભોગે હું એની પાછળ જવા માંગતી હતી.

મેં એક નજર પાછળ કરી મને નવાઈ લાગી મને કે કપિલને બગીચાની બીજી તરફ જતું કોઈ જોઈ રહ્યું ન હતું. એ કઈ રીતે શકય હતું? કોલેજના બે જુવાન છોકરો છોકરી બગીચાના એક તરફના ખૂણા બાજુ જતા હોય અને બધાની નજર એ તરફ ન હોય એ કઈ રીતે શકય હતું? લોકોના મનમાં તરહ તરહની કલ્પનાઓ ન આવે એ કઈ રીતે શકય હતું?

થોડાક સમયમાં તો હું કપિલને ફોલો કરતી એની પાછળ જંગલ વિસ્તારમાં દાખલ થઇ. કોલેજ પાછળનો બગીચો જંગલના જ એક ભાગને આવરીને બનાવેલો હતો ત્યાંથી સીધા જંગલમાં દાખલ થઇ શકાતું હતું.

એ એકદમ અટકી ગયો અને મારા તરફ જોયું, “મેં જે કહ્યું એ તારે સંભળવું જોઈતું હતું.”

“તે કેમ કેફેટેરિયાના કાચ તોડી નાખ્યા?” મેં એના પ્રશ્નનો જવાબ આપવાને બદલે સવાલ કર્યો.

“મેં કઈ નથી કર્યું. એ બધું મારા કાબુ બહાર હતું.” એણે સ્વીકાર્યું.

“તારા કાબુ બહાર?” મને નવાઈ લાગી.

“હા, મારા મનમાં ગુસ્સો ઉદ્ભ્વ્યો અને એ આપમેળે જ થઇ ગયું. મારી ઈચ્છા વગર જ એ બધું થયું છે.” તે બોલ્યો પણ તેના ચહેરા ઉપર ભયાનક મૂંઝવણ હતી. એના ચહેરા પર એકદમ અજબ ભાવ હતા. એ ડરેલો લાગતો હતો. હું એની નજીક ગઈ, મને એના નાકમાંથી લોહી આવતું દેખાયું.

“તારા નાકમાંથી લોહી વહે છે.” હું એની એકદમ નજીક ખસી, મારા કપડા એના શરીર સાથે બ્રશ થાય એટલી નજીક, “યુ આર બ્લીડીંગ.”

“મેં કહ્યુંને આ બધા પર મારો કોઈ કાબુ નથી.” એના અવાજમાં પણ ભય હતો. એ એકદમ ગભરાયેલો હતો.

“આઈ એમ સોરી.” મેં મારી ભૂલ સ્વીકારી.

“નો પ્રોબ્લેમ.” એણે કહ્યું, “તને શું લાગ્યું હું તને કેમ રોકવા માંગતો હતો?”

“મને ખબર નથી.”

“હા, અહી તારે કારણ નથી જાણવું. જયારે કારણ જાણવાથી તને ફાયદો થતો હતો ત્યાં તે કારણ જાણવાની ચિંતા ન કરી.”

“શું ફાયદો?”

“હું તને વિગતે સમજાવું.” એણે કહ્યું, “તું આ સ્થળ વિશે શું વિચારે છે?”

એણે પ્રશ્ન કર્યો એટલે મેં આસપાસ નજર કરી. અમે જંગલના મધ્યમાં ઉભા હતા.

“એક શાંત અને સુંદર સ્થળ.”

“નો. મેં તને પહેલા પણ કહ્યું હતું કે બહારના દેખાવને ધ્યાનમાં લઈને કોઈ નિર્ણય ન કર. બહારનો દેખાવ હમેશા છેતરામણો હોય છે.”

“હું કઈ સમજી નહિ.”

“આ શહેર રહસ્યમય છે. બસ એટલું યાદ રાખ કે જો તું ભેડા પર જઈશ તો એ તારા માટે જોખમી છે.”

“ભેડો મારા માટે જોખમી કેમ છે?”

એને નવાઈ લાગી હોય એમ એણે મારા બંને હાથ પોતાના હાથમાં લીધા અને કહ્યું, “નાઉ, આઈ નીડ યુ ટુ ક્લોઝ યોર આઈઝ,”

મેં હકારમાં માથું હલાવ્યું અને આંખો બંધ કરી.

“હવે એક ઊંડો શ્વાસ લે અને આસપાસની હવાને મહેસુસ કર.”

“હમમ..” મેં એક ઊંડો શ્વાસ ભરી આસપાસની હવાની ખુશબોને મહેસુસ કરી.

“હવે તારા મનમાંથી બીજા બધા વિચારો નાબુદ કરી માત્ર અને માત્ર ભેડા વિશે વિચાર, બસ તારી આંખો બંધ રાખજે. હું કહું એ પહેલા આંખો ન ખોલીશ.” એણે મારો હાથ એના હાથમાં લીધો.

“ઓકેય.” મેં કહ્યું. મારા હાથથી પસાર થઇ એક ઇલેક્ટ્રિક પ્રવાહ મારા આખા શરીરમાંથી પસાર થઇ ગયો. હું વિધુતમય બની ગઈ.

“શ્વાસ લેવાનું ભૂલી ન જતી.” એણે ધીમા અવાજે કહ્યું, એ અવાજ એકદમ ઠંડો હતો. ત્યાં વહેતા પવન કરતા પણ વધુ ઠંડો એ અવાજ જાણે મારી આત્માને ઠંડક આપી રહ્યો હતો.

મેં ફરી ઊંડો શ્વાસ લીધો અને મારા મનને દરેક વિચારથી આઝાદ કરવા પ્રયાસ કર્યો પણ મારું મન એના હાથના હુંફાળા સ્પર્શ સિવાય કોઈ ચીજ પર ફોકસ કરી શકે એમ નહોતું.

“હું તારો હાથ છોડી રહ્યો છું...” એણે મારો હાથ છોડ્યો.

“તે ફરી મારા વિચારો સાંભળ્યા.” મેં કહ્યું.

“એ જરૂરી હતું.” એ ધીમા અવાજે બોલ્યો, “માત્ર ભેડા પર ફોકસ કર, તારે જે જાણવું છે એ રહસ્ય પર ફોકસ કર.”

મેં ભેડા વિશે વિચાર્યું. મેં સપનામાં કેટલીયે વાર એ સ્થળ જોયું હતું. મને ત્યાની દરેક ચીજ યાદ હતી. ત્યાના ખંડેર મંદિરથી લઈને નજીકના ધોધ સુધી બધું હું આબેહુબ કલ્પી શકતી હતી.

“હવે આંખો ખોલ.”

મેં આંખો ખોલી. મને મારા આસપાસનું જંગલ એકદમ ગ્લો થતું દેખાયુ. આસપાસના ઝાડ, પાન અને ફૂલોના રંગો મેગ્નિફાઇડ થઇ ગયા. અમારા પગ નીચેનું ઘાસ પણ એકદમ ચમકવા લાગ્યું.

બીજી જ પાળે હું ભેડા પર હતી. કપિલ મારી સાથે જ હતો. હું ભેડાને જોવા લાગી. એ મારા સપના કરતા જરા અલગ દેખાતો હતો. એ હકીકત કરતા પણ અલગ હતો કેમકે મેં ભેડાને બાળપણમાં જોયો હતો. એક્ચ્યુઅલ ભેડો જરા અલગ હતો. એક પળ હું ભેડાને જોતી રહી અને ત્યારબાદ કપિલ તરફ પલટી, “હવે શું?”

“જસ્ટ વેઇટ.”

એક પળ સુધી કઈ ન થયું. આકશમાં વાદળો આમતેમ દોડી રહ્યા હતા. ચારે તરફ ફ્રેશ ફૂલોની સુગંધ ફેલાયેલી હતી. હું ભેડાની સુંદરતાને માણવામાં ખોવાઈ ગઈ. અને બીજી પળે મને કોઈ ટનલમાંથી હવા એકદમ ઘસારા સાથે દોડી આવતી હોય એવો અવાજ સંભળાયો. એ અવાજ કપિલે પણ સાંભળ્યો હતો. મારી પાછળ એક ઝાડ એકાએક સળગવા લાગ્યું. એ જાણે એકદમ ઇગનાઈટ થયું. છેક થડથી લઈને એની ઊંચામાં ઉંચી ટોચ બધે જ આગ ફેલાઈ. મેં રાતે સપનામાં જે જોયું હતું એ જ રીતે ઝાડ સળગવા લાગ્યું. આગ થડને સળગાવી આગળ વધતી દરેક ડાળી અને પાંદડા તરફ રેસ લગાવી રહી હતી.

મેં કોઈ વસ્તુને એટલી ઝડપથી સળગતા નહોતી જોઈ. એ ઝાડ કોરા કાગળ કરતા પણ વધુ ઝડપે સળગી રહ્યું હતું.

અને...

અને ભેડા જાણે ધુમાડો ઓકવા લાગ્યો. કપિલે એકદમ મને એની તરફ તાણી લીધી નહિતર એ આગ મને ભડથું બનાવી ગઈ હોત.

“તું ઠીક તો છો ને?” કપિલે મને પૂછ્યું. જોકે એ પોતે પણ ખાંસી રહ્યો હતો.

અને એકાએક પવન ફૂંકાવા લાગ્યો.

ભેડા પરની દરેક ચીજને પોતાની સાથે ઉડાડી લઇ જવા માંગતો હોય એ ઝડપે પવન ફૂંકાવા લાગ્યો. કપિલે મારો હાથ પકડી રાખ્યો હતો, એના હાથની પકડ એકદમ મજબુત હતી નહિતર એ પવન મને પોતાની સાથે તાણી ગયો હોત.

એ પવન મને આગ તરફ ખેચી જવા મથવા લાગ્યો અને કપિલ એ પવનમાં ખેચાઈ જતી રોકવા દમ લગાવવા લાગ્યો. મેં સપનામાં જોયેલા તુફાન કરતા પણ ત્યાં વધુ પવન હતો.

પવન ભારે ગતિમાં હતો છતાં કપીલમાં મને રોકી રાખવાનું બળ હોય એમ એના પગ જમીન સાથે જડાયેલા હતા પણ પનવ દર સેકન્ડે વધી રહ્યો હતો - કદાચ દર સેકન્ડે એ બમણો થઇ રહ્યો હતો.

પવન મને પોતાની સાથે તાણી ન શક્યો. કપિલે મને પોતાની તરફ તાણી લીધી, હું એને ગળે વળગીને ઉભી રહી અને એ પવન ફૂંકાતો બંધ થઇ ગયો. મને હવામાં કશુંક રહસ્યમય લાગ્યું. કોઈ અલગ વાસ અનુભવાઈ. મેં સળગતા ઝાડ તરફ જોયું. જ્યાં સળગતું ઝાડ હતું બરાબર એ સ્થળે મેં સપનામાં જોયેલો અઘોરી ઉભો હતો. એનો દેખાવ સપના કરતા પણ વધુ ડરાવણો હતો. એ કઈક બબડી રહ્યો હતો, એ કોઈ મંત્રો ગણગણી રહ્યો હતો. એણે પોતાના ખભે ભરાવેલી સેક ક્લોથથી બનેલી ઝોળીમાંથી કઈક બહાર નીકાળ્યું અને એને ઝાડની રાખથી બનેલા ઢગલા પર મુક્યું. એ હાડકા હતા.

મારી કરોડરજ્જુમાં ઉદભવી ઠંડું લખલખું મારા આખા શરીરમાં ફેલાઈ ગયું. એણે પોતાના મંત્રોનો ગણગણાટ ચાલુ જ રાખ્યો અને ધુમાડામાંથી એક સ્ત્રી બહાર આવી. એનો દેખાવ પણ અઘોરી જેવો જ ભયાવહ હતો. એ આંખો બાળી નાખતા ધુમાડામાંથી નહિ પણ જાણે એરકંડીશનર રૂમમાંથી બહાર આવી હોય એટલી સ્વસ્થ હતી. તેણીએ કોઈ વિધવા જેવા કાળા કપડા પહેરેલા હતા.

ચારે તરફ ધુમાડો ફેલાયેલો હતો પણ એ બંને ઉપર એની કોઈ અસર નહોતી. તેઓ બંને ધુમાડા વચ્ચે એ રીતે સ્વસ્થ ઉભા હતા જે માનવું અશક્ય હતું. એકાએક ધુમાડો જતો રહ્યો અને ભેડા સોનેરી રંગે ચમકવા લાગ્યો, બીજી જ પાળે હું કેફેટેરિયામાં હતી.

કિંજલ અને એની બીજી ફ્રેન્ડસ મારી આસપાસ જ ટેબલ પર બેઠી હતી.

નથીંગ. નથીંગ હેડ હેપન્ડ. કઈ થયું જ નહોતું. મેં કેફેટેરીયાની સ્લાઈડીગ બારી તરફ નજર કરી. એ એકદમ ઠીક હતી. એનો કાચ એની મૂળ જગ્યા પર એમનો એમ હતો. કાચમાં એક નાનકડી તિરાડ પણ નહોતી.

કેફેટેરીયામાં બધા મેં જોયું એનાથી અજાણ પોતપોતાના ફૂડમાં વ્યસ્ત હતા. કિંજલ અને એની સહેલીઓ હજુ ભેડા જવાનો પ્લાન બનાવી રહી હતી. હું ખુરશીમાંથી ઉભી થઇ બારી પાસે ગઈ. મેં બારી બહાર જોયું. કપિલ બરાબર ત્યાં જ ઉભો હતો જ્યાં મેં એને ઉભેલો જોયો હતો. એણે મારા તરફ નજર કરી અને એક મીઠું સ્મિત આપ્યું. બાકીના બધા જેમ કપિલને પણ મેં જે જોયું એની બિલકુલ ખબર ન હોય એમ એ બારી પેલે પારથી મને જોઈ રહ્યો હતો.

હું ઉતાવળે કેફેટેરીયા છોડી બગીચામાં ગઈ. કપિલ હજુ ત્યાં જ એ જ જગ્યાએ ઉભો હતો જ્યાં એ વિઝનમાં દેખાયો હતો.

“હાય..” મને જોતા જ એણે ગ્રીટિંગ કર્યું.

“આ બધું શું છે?” હું એની એકદમ નજીક ધસી ગઈ.

“તું ઠીક તો છો ને?” એ બે ડગલા પાછળ ખસી ગયો.

હું હજુ જાણે ઊંઘમાં જોકા ખાતી હોઉં એમ મને લાગ્યું, મારું મો એકદમ સુકાઈ રહ્યું ગયું, “મને નથી લાગતું કે હું ઠીક છું...” મેં કહ્યું.

“મને ખુશી છે કે તને એ બધું યાદ છે.” એ બોલ્યો ત્યારે એના ચહેરા પર કોઈ ભાવ નહોતા.

“મને યાદ છે?” મેં મારી છાતી પર હાથ મુક્યો, “એ વાતને કોઈ કઈ રીતે ભૂલી શકે?” હું મારા હર્દયને હથોડાની ઝેમ ધબકતું અનુભવી શકી, “તને ખુશી છે મતલબ?”

“ઓહ! આઈ એમ સોરી બટ હું કયારેય લાંબી વિઝન યાદ નથી રાખી શકતો.”

“વોટ ઈઝ ગોઇંગ ઓન વિથ મી?” મેં એક ડગલું એની નજીક ખસતા પૂછ્યું, “કેમ મને જ એ યાદ છે, તું પણ ત્યાં હતો?”

“હું તને બધું સમજાવીશ પણ અત્યારે તો આપનણે કલાસમાં હોવું જોઈએ.”

“આ લંચ ટાઈમ છે.” મેં એને યાદ અપાવ્યું.

“લંચ ટાઈમ પતી ગયો છે.” એણે કહ્યું એ સાથે જ મને બેલ સંભળાયો.

“કેન યુ સી ફ્યુચર?” હું આભી બની ગઈ, “તું ભવિષ્ય જોઈ શકો છે?”

“સમય આવ્યે હું તને બધું સમજાવીશ.” એણે કહ્યું, “હવે એક નોર્મલ વ્યક્તિ જેમ બિહેવ કર.”

“તને લાગે છે કે આજે મેં જે જોયું છે એ જોઇને હું નોર્મલ વ્યક્તિ જેમ બિહેવ કરી શકું?” મારા ભવાં તંગ થયા, “મારા સાથે જે વીતી રહી છે એ જોયા પછી કઈ રીતે સામાન્ય વ્યક્તિ જેમ વર્તી શકું?” હું થોડીક ઉશ્કેરાઈ ગઈ.

“અહી વધુ વાત કરવી જોખમી છે.” એણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને મારા આખા શરીરમાં વીજળી દોડી ગઈ - ફરી ઈલેકટ્રીક ગુઝબમ્પ.

“એક્સક્યુઝ મી?” મેં મારો હાથ એના હાથમાંથી ખેચી લીધો, “જોખમી? તું શું કહેવા માંગે છે?”

“મને ખબર નથી તે વિઝનમાં શું જોયું હશે, પણ હું એટલું જાણું છું કે એ બધા વિશે અહી વાત કરવી જોખમી છે. બધું બહારથી દેખાય એવું નથી હોતું.” એણે ફરી મારો જમણો હાથ પોતાની હથેળીમાં લીધો અને એને પ્રેમથી પંપાળતા કહ્યું, “કોલેજમાં ઘણા એવા પણ છે જે વિશ્વાસને લાયક નથી. તારે એકદમ નોર્મલ બિહેવ કરવું પડશે અને મહેરબાની કરીને તું જે વિઝન જુએ છે એના વિશે કોઈને વાત ન કરીશ.”

“અને તું મને બધું કયારે સમજાવીશ?”

“આઈ પ્રોમિસ યુ, આઈ વિલ, જસ્ટ ટ્રસ્ટ મી.”

“તું મને હમણાં જ બધું કહી દે તો તારો વિશ્વાસ કરવો મારા માટે સહેલું રહેશે.” મેં દરેક છોકરી જેવો સવાલ કર્યો પણ એ નરી મૂર્ખાઈ હતી. દરેક છોકરી અને મારી વાત અલગ હતી.

“હજુ એવું ઘણું છે જે તારા માટે તદ્દન અજાણ્યું છે, હજુ તો તારે ઘણી ચીજો જાણવાની છે. એ બધું જાણવામાં ઉતાવળ કરવી ફાયદા કારક નથી, હું જે કહું છું એ વિશ્વાસ કરીને તું એ બધું જાણી શકીશ. ટ્રસ્ટ મી બધું સમજવાનો એ એક જ રસ્તો છે.”

“આઈ ટ્રસ્ટ યુ.” મેં કહ્યું, “તું મને કહી તો જો?”

“ઇફ આઈ ટેલ, યુ વુડ નોટ બીલીવ ઈટ.”

“આઈ વિલ.”

“યુ કાન્ટ, નો વન કેન.”

“વાય?”

“કેમકે એ બધું તને દેખાતા સપના અને વિઝન કરતા પણ વધુ ગુંચવણભર્યું છે.”

“ઓકેય, તો તને જયારે યોગ્ય સમય લાગે ત્યારે કહેજે, પણ યાદ રાખજે કે મારી સાથે જે થઇ રહ્યું છે એ જાણવા હું પાગલ થયેલી છુ.”

“પ્રોમિસ, એઝ સુન એઝ પોસીબલ.” હસીને એ મને હાથ પકડીને કલાસ તરફ લઇ ગયો.

જયારે અમે કલાસમાં પહોચ્યા લેકચર શરુ થઇ ગયું હતું. મને નવાઈ લાગી કેમકે મને કે કપિલને જાણે કોઈએ કલાસમાં દાખલ થતા જોયા જ ન હોય એમ બધા લેકચરમાં જ ધ્યાન આપી રહ્યા હતા. સર લેકચર આપવામાં વ્યસ્ત રહ્યા એમણે અમારી હાજરી નોધી જ નહી. સરે એકવાર અમારી તરફ જોયું પણ નહિ.

મને એકદમ નવાઈ લાગી. શું કપિલે આખા કલાસને હિપ્નોટાઈઝ કર્યો હશે? હોઈ શકે? એની આંખોમાં અજબ સંમોહન શક્તિ તો ચોક્કસ હતી

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED