કાબુલી ચણાની ચટપટી વાનગીઓ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાબુલી ચણાની ચટપટી વાનગીઓ

કાબુલી ચણાની ચટપટી વાનગીઓ

સંકલન- મિતલ ઠક્કર

આપણે જાત-જાતના કઠોળ ખાઇએ છીએ. જેમાં એક મનભાવતું કઠોળ એટલે ચણા. કાબુલી ચણામાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. સૂકવેલા કાબુલી ચણા સહેલાઇથી મળતાં હોવાથી તેની જાત-જાતની વાનગીઓ બનાવી શકીએ છે. ધોઇને આખી રાત પલાળેલા કાબુલી ચણામાંથી વિવિધ વાનગીઓ બનાવી શકાય. પલાળેલા ચણાને ફ્રીજમાં સાચવીને રાખીને જ્યારે ઉપયોગમાં લેવા હોય ત્યારે લઇ શકાય છે. સૂકા ચણા વર્ષો સુધી બગડતાં નથી. પલાળીને બાફેલા કાબુલી ચણામાંથી અનેક વાનગીઓ બનાવી શકાય. તો અનેક વાનગીઓમાં તેને ઉમેરી વધારાનો સ્વાદ માણી શકાય છે. કહેવાય છે કે ઘોડો ચણા ખાય છે એટલે જ તેના પગ આટલા મજબૂત હોય છે. આવા સ્વાસ્થ્ય માટે ઉપયોગી ચણાની વેબ સોર્સથી મેળવેલ અવનવી વાનગીઓની સાથે સાચવવાની રીત અને રસોઇમાં વપરાશની ટિપ્સ આ બુકના અંતમાં આપી છે એ વાંચવાનું ભૂલશો નહીં.

*ચણા-પાસ્તા*
સામગ્રી: ૪૦૦ ગ્રામ બાફેલા કાબુલી ચણા, ૫૦૦ ગ્રામ ફુસીલી પાસ્તા, ૨ ચમચી ઍાલીવ ઍાઇલ, ૭૫ ગ્રામ સમારેલા ક્યોર્ડ ઍાલીવ, એક ચમચો તાજા પાર્સલી, એક ચમચો ઍારીગેનો, ૧ ઝૂડી બારીક સમારેલા લીલા કાંદા, ૫૦ ગ્રામ ચીઝ, ૧ ચમચી કાળા મરી, મીઠું.

રીત : એક પહોળા વાસણમાં પાણી લો. તેમાં મીઠુ નાંખી પાસ્તા નાંખો. ત્યારબાદ તેને બાફી લો. સહેજ ચડી જાય એટલે તુરંત જ ઠંડુ પાણી રેડી દો. એક કડાઇમાં ઍાલીવ ઍાઇલ ગરમ કરો. તેમાં ઍારીગેનો, ક્યોર્ડ ઍાલીવ, પાર્સલી, લીલા કાંદા, અને ચણા નાંખી સાંતળો. ઠરવા દો. એક મોટા વાસણમાં પાસ્તા અને ચણાના મિક્સરને મિક્સ કરો. તેમાં વિનેગર, ખમણેલું ચીઝ, કાળા મરી અને મીઠું નાંખો. એક રાત ફ્રીજમાં રાખી મુકો. જ્યારે ખાવાના ઉપયોગમાં લેવું હોય ત્યારે ફરીથી વિનેગર, ઍલિવ ઍાઇલ અને મીઠું-મરી નાંખી પીરસો.

*બટર ચણા*

સામગ્રી: કાબુલી ચણા, બટાકા, ગાજર, બીટ, ટામેટા, શિમલા મિર્ચ, લીલા મરચાં, ડુંગળી, કાચી કેરી, બટર, ચાટ મસાલો, મીઠું, લીંબુ.

રીત: સૌપ્રથમ પહેલેથી પલાળેલા ચણા અને બટાકાને કુકરમાં બાફવા મુકી દેવા. ત્રણથી ચાર સીટી વગાડી લેવી. બીજી તરફ બીટ અને ગાજરને ખમણીથી છીણી લેવા. શિમલા મિર્ચ, ડુંગળી, કાચી કેરી અને ટામેટાના ઝીણા ટુકડા કરી લેવા. લીલા મરચાના બારીક ટુકડા કાપી લેવા. બફાયેલા બટાકાના થોડા મોટા (ડાઈસ પ્રકારના) ટુકડા કાપી લેવા. હવે એક પેનને ગેસ પર ધીમી આંચ પર મૂકીને તેમાં એક ચમચી બટર મુકવું. જેવું બટર પીગળે તેવું જ તેમાં બાફેલા ચણા ઉમેરી દેવા. તેને હલકા હાથે બટર સાથે મિક્સ કરવા, પણ ચણા તળવા કે શેકાવા ના માંડે તેનું ધ્યાન રાખવું. ત્યારબાદ તેમાં મરચાંના ઝીણા ટુકડા નાંખવા. પછી બટાકાના ટુકડા અને શિમલા મિર્ચના ટુકડા ઉમેરી દેવા. સ્વાદ અનુસાર ચાટ મસાલો અને મીઠું નાખી દેવું. મિશ્રણને સારી રીતે મિક્સ કરવું. છેલ્લે ટામેટા, ડુંગળીના ટુકડા અને બીટ-ગાજરનું છીણ ઉમેરી દેવું. ખટાસ માટે સ્વાદ અનુસાર કાચી કેરીના ઝીણા ટુકડા પણ ઉમેરી લેવા. બીટ અને ગાજરના છીણને લીધે મિશ્રણનો રંગ ઘેરો થાય અને તેમાંથી પાણી પણ છુટશે. પણ પુરા મિશ્રણને પૂરી રીતે હલાવતા રહેવું અને બધી સામગ્રી નાખ્યા બાદ ત્રણથી ચાર મિનિટના સમય પછી ગેસ પરથી લઇ લેવું. જરૂર મુજબ ઉપરથી લીંબુનો રસ નાખીને ગરમા ગરમ પીરસવું.

*ચણા-હમસ*

સામગ્રી: ૪૦૦ ગ્રામ બાફેલા કાબુલી ચણા, ૪ ચમચી લીંબુનો રસ, ૨ કળી લસણ, ૨ ચમચી તાહીની, કાળા મરી, ૨ ચમચી ઓલીવ ઍાઇલ, મીઠું સ્વાદાનુસાર.

રીત: એક મુઠ્ઠી ચણાને બાજુમાં મૂકી બાકીના ચણાને મિક્સરમાં વાટી લો. ત્યારબાદ તેમાં લીંબુ, તાહીની, લસણ અને મીઠું નાંખી ફરીથી વાટો. એક બાઉલમાં કાઢી તેમાં ઉપરથી મરી નાંખો. ઍાલીવ ઍાઇલ અને વધેલા ચણા નાંખી પિટા બ્રેડ અથવા બ્રેડ સ્ટીક સાથે સર્વ કરો.

*ચણા ચટપટા*

સામગ્રી: 200 ગ્રામ કાબુલી ચણા, 40 ગ્રામ ઝીણી સમારેલી ડુંગળી, 10 ગ્રામ કાપેલું આદું, 10 ગ્રામ ઝીણું કાપેલું લસણ, 2 ઝીણા કાપેલા લીલાં મરચાં, 50 ગ્રામ કાપેલા ટામેટાં, થોડી કાપેલી કોથમીર, 1 ચમચી પીસેલું લાલ મરચું, 1 નાની ચમચી શેકેલું જીરું, ચપટી ખાવાનો સોડા, મીઠું સ્વાદાનુસાર, 150 ગ્રામ ગોળ, 150 ગ્રામ આંબલી, 1 નાની ચમચી કાળુ મીઠું, 1 નાની ચમચી ગરમ મસાલો, 1 ચમચી તેલ.

રીત: સૌ પ્રથમ કાબુલી ચણાને સાફ કરી બે કલાક પાણીમાં પલાળી રાખો. પછી એમાં ખાવાનો સોડા અને તેલ નાખી ચણા બાફી લો. ચણા બફાઈ જાય એટલે પાણી કાઢી નાખો. હવે ચણામાં આદુ, ડુંગળી, લીલાં મરચાં અને ટામેટાં નાખી બરાબર હલાવો. એકરસ કરી નાખો. પછી તેમાં સ્વાદ મુજબ મીઠું, પીસેલું લાલ મરચું, જીરું વગેરે નાખીને એકરસ કરી નાખો. એની ઉપર આંબલીની તૈયાર કરેલી ચટણી નાખી બરાબર હલાવી નાખો. ચટણી બનાવવા માટે વાસણમાં આંબલી, ગોળ અને ખજૂર નાખી દો. ધીમા તાપે મૂકી રાખો. ખજૂર બરાબર ગળી જાય ત્યારે ઉતારીને ગાળી નાખો. આ ચટણી નાખ્યા પછી સંચળ અને ગરમ મસાલો નાખો. એટલે સ્વાદિષ્ટ ચણા ચટપટા તૈયાર થઈ જશે.

*કાબુલી વેજ પુલાવ*

સામગ્રીઃ 1 કપ કાબુલી ચણા, 2 ચમચી ઘી, 1 ચમચી જીરૂ, 5 લવિંગ, 1 ઈંચ તજ, 1 કાળી ઈલાયચી, 2 કપ બાસમતી ચોખા, 1 ડુંગળી સમારેલી, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 1 ટમેટુ, 2 લીલા મરચા, અડધી ચમચી લાલ મરચુ, અડધી ચમચી પુલાવ મસાલો, મીઠુ સ્વાદ મુજબ.

રીતઃ કાબુલી ચણાને આખી રાત પલાળી રાખો. સવારે આ ચણાને બાફી લો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો. તેમાં જીરૂ, લવીંગ, ઈલાયચી અને તજ નાંખીને હલાવો. થોડીવાર પછી તેમાં લીલા મરચા અને ડુંગળી નાંખીને 3-4 મિનીટ પકાવો. ત્યારબાદ આદુ-લસણની પેસ્ટ નાંખો અને થોડી વાર સુધી હલાવો. હવે ટમેટા અને મીઠુ નાંખી ચાર-પાંચ મીનીટ પકાવો. ટમેટા મેશ થઈ જાય એટલે તેમાં બાફેલા ચણા નાંખી દો. પછી તેમાં લાલ મરચું અને પુલાવ મસાલો નાંખો. 2-3 મિનીટ ફરી પકાવો. હવે તેમાં ધોયેલા બાસમતી ચોખા અને 3 કપ પાણી નાંખીને ઢાંકી દો. 15 મિનીટ સુધી ધીમા તાપે પુલાવને પાકવા દો.

તૈયાર છે તમારો ચણા પુલાવ. ઉપરથી સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો.

*અમૃતસરી છોલે*

સામગ્રી: 500 ગ્રામ કાબુલી ચણા (આખી રાત પલાળેલા), 4 ઝીણી સમારેલી ડુંગળી, 10 કાળા એલચી, 2 ચમચી આમચૂર, 3 ચમચી લસણની પેસ્ટ, મીઠું સ્વાદ મુજબ, 1 ચમચી ઝીણી સમારેલી કોથમીર, 3 ચમચી વાટેલું જીરું, 2 ચમચી ગરમ મસાલો, 4 ચમચી ધાણાજીરું, 6 ટી બેગ, 4 ચમચી દાડમના દાણા, 3 ચમચી આદુંની પેસ્ટ, 6 લીલા મરચાં, 4 ચમચી ઘી, 2 મોટા ચમચા લાલ મરચું, 2 ચમચી હળદર પાઉડર, 4 તમાલપત્ર, 6 કપ પાણી.

રીત: સ્વાદિષ્ટ અમૃતસરી છોલે ઘરે બનાવવા માટે સૌથી પહેલા પલાળેલા છોલેને પાણીમાંથી કાઢી લો. હવે ઊંડા પેનમાં છોલે નાખો. તેમાં પાણી ટી બેગ અને એલચી ઉમેરો. પછી તે મધ્યમ તાપ પર રાખો અને 30થી 40 મિનિટ સુધી ઉકાળો. તેને ત્યાં સુધી રાંધો જ્યાં સુધી છોલે સોફ્ટ ન થઈ જાય. છોલેને પાણીમાંથી કાઢી લો. ટી બેગ અને એલચીને પાણીમાં જ રહેવા દો. આમચૂર પાઉડર, આદુ-લસણની પેસ્ટ, લીલા મરચાં, મીઠું, ધાણાજીરું, લાલ મરચું, હળદર અને ગરમ મસાલાને બ્લેન્ડરમાં મિક્સ કરો. આ બધી સામગ્રીને આશરે 1થી દોઢ કપ પાણીમાં ઉમેરો અને ચીકાસવાળી પેસ્ટ બનાવી લો. પછી મધ્યમ તાપ પર એક પેન ગરમ કરો. તેમાં છોલે અને વાટેલી પેસ્ટ ઉમેરો અને સરખી રીતે મિક્સ કરી લો. હવે તેને એક તરફ રાખી દો. એક ફ્રાઇંગ પેનમાં ઘી ગરમ કરો. ડુંગળી અને તમાલપત્રને થોડી વાર સાંતળો. હવે તેમાં ટામેટા ઉમેરી સરખી રીતે સાંતળો. થોડું પાણી ઉમેરી તેમાં છોલે મિક્સ કરી દો. છોલેની ગ્રેવીમાં પાણી ઓછું થઈ જાય ત્યાં સુધી રાંધો. થોડી સમારેલી ડુંગળી અને કોથમીરથી ગાર્નિશ કરો. ચોખા, રોટલી અથવા નાન સાથે ગરમ ગરમ સર્વ કરો.

*પીંડી છોલે*

સામગ્રી: એક કપ કાબુલી ચણા, બે ટીસ્પૂન ચણા દાળ, બે નંગ કાળી એલચી, એક ટુકડો તજ, પા ટીસ્પૂન બેકિંગ સોડા, બે ટીસ્પૂન ચા પત્તી, અડધો કપ ડુંગળી સમારેલી, અઢી ટીસ્પૂન અનારદાના પાઉડર, એક ટીસ્પૂન આદું પેસ્ટ, એક ટીસ્પૂન લીલાં મરચાં સમારેલા, એક ટીસ્પૂન ધાણા પાઉડર, એક ટીસ્પૂન પંજાબી ગરમ મસાલો, અડધી ટીસ્પૂન લાલ મરચું પાઉડર, પોણો કપ ટામેટાંની પ્યોરી, બે ટીસ્પૂન છોલે મસાલો, ચાર ટીસ્પૂન તેલ, બે ટીસ્પૂન ગ્રેટેડ પનીર, મીઠું સ્વાદ અનુસાર, કોથમીર.

રીત: સૌપ્રથમ કાબુલી ચણાને આખી રાત પલાળી રાખો. ત્યારબાદ ચણા અને દાળ બંને ધોઈને પાણી નીતારીને સાઈડમાં રાખો. હવે તજ, કાળી ઈલાયચી અને ચા પત્તીને મિક્સ કરીને એક પોટલી બનાવી લો. હવે પ્રેશર કૂકરમાં કાબુલી ચણા, ચણા દાળ, બનાવેલી પોટલી, સોડા, મીઠું અને લગભગ અઢી કપ જેવું પાણી ઉમેરીને બાફી લો. ત્યાર બાદ કૂકર ઠંડુ થાય એટલે તેમાંથી પોટલી કાઢી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખીને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં અનારદાના પાઉડર, આદુંની પેસ્ટ, લીલાં મરચાં, ધાણા પાઉડર, પંજાબી ગરમ મસાલો અને લાલ મરચું પાઉડર નાખીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ટામેટાંની પ્યોરી અને મીઠું નાખીને ફરીથી બરાબર મિક્સ કરીને ચઢવા દો. ગ્રેવીમાંથી તેલ સાઈડમાં નીકળે ત્યારબાદ તેમાં કાબુલી ચણાવાળું મિશ્રણ નાખીને બરાબર હલાવો. છેલ્લે તેમાં કાબુલી ચણાનો મસાલો નાખી બરાબર મિક્સ કરીને લગભગ પાંચ મિનિટ સુધી ચઢવા દઈને ગેસ બંધ કરો. કોથમીર અને પનીર વડે ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

*કાબુલી ચણાનો સલાડ*

સામગ્રી: ૨ કપ પલાળેલા અને બાફેલા કાબુલી ચણા, ૧/૨ કપ બાફીને છોલેલા બટાટાના ટુકડા, ૩/૪ કપ ઝીણા સમારેલા ટમેટા, ૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર, ૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં, ૧/૨ ટીસ્પૂન સંચળ, ૧ ટેબલસ્પૂન લીંબુનો રસ, ૨ ટીસ્પૂન પીસેલી સાકર, ૨ ટીસ્પૂન ચાટ મસાલો, મીઠું , સ્વાદાનુસાર.

રીત: બધી વસ્તુઓ એક ઊંડા બાઉલમાં ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો. આ સલાડને એકાદ કલાક ઠંડુ થવા રેફ્રિજરેટરમાં મૂકો. ઠંડું પીરસો.

.......રસોઇમાં ચણાના વપરાશની ટિપ્સ.....

* કાબુલી ચણાને બાફી છૂંદીને તેનાં નાના ગોળા બનાવી તળી લો. તેમાં મસાલા નાંખી હમસ બનાવી શકાય. બાફેલા ચણાનું ખીરૂ તૈયાર કરી તેમાંથી બેક્ડ વાનગીઓ પણ બનાવી શકાય છે.
* બાફેલા આખા કાબુલી ચણાને સલાડ તથા સૂપમાં ઉમેરી શકાય.

* તેમાં રહેલાં પ્રોટીનનો ભરપૂર ફાયદો મળી રહે એ માટે દહીં સાથે લેવું.

* મસાલાવાળા તીખા ચણા બ્રેડ સાથે સ્વાદિષ્ટ લાગે છે.

* પુલાવમાં ઉમેરી કમ્પલીટ મીલનો સ્વાદ માણી શકાય.

* બાફેલા ચણામાં પીસેલા આદુ-મરચાં, કાંદા ટમેટા અને લસણની પેસ્ટ, જીરૂ, ગરમ મસાલો વગેરે નાંખી સ્વાદિષ્ટ શાક બનાવો. તેમાં દહીં ઉમેરો.

.........સાચવવાની રીત....

* સૂકા ચણાને હવાચુસ્ત ડબ્બામાં મૂકવા.

* રાંધેલા ચણાને ઢાંકીને ફ્રીજમાં પાંચ દિવસ સુધી સાચવી શકાય.

* સૂકા ચણાને ફ્રીજમાં ક્યારેય ન રાખવા.

* કઠોળને હમેશાં ધોઇને પલાળવા.

* ચણાને શક્ય હોય ત્યાં સુધી એક વર્ષની અંદર વાપરી નાંખવા, ત્યારબાદ ભેજ લાગવાથી જલ્દી ચડતાં નથી.