The Author Kanu Bhagdev અનુસરો Current Read ભેદ - - 12 By Kanu Bhagdev ગુજરાતી ફિક્શન વાર્તા Share Facebook Twitter Whatsapp Featured Books ફરે તે ફરફરે - 37 "ડેડી તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ... પ્રેમ સમાધિ - પ્રકરણ-122 પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ... સિંઘમ અગેન સિંઘમ અગેન- રાકેશ ઠક્કર જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી... સરખામણી સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક... ભાગવત રહસ્ય - 109 ભાગવત રહસ્ય-૧૦૯ જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Kanu Bhagdev દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા કુલ એપિસોડ્સ : 15 શેયર કરો ભેદ - - 12 (227) 4.7k 7k 23 ભેદ કનુ ભગદેવ ફોર્મ્યુલાની ચોરી...! આનંદે આપેલા આશ્વાસનના ફળરૂપે જ બળવંતના મન પરથી દુઃખનો આવડો મોટો બોજો હળવો થયો હતો.એ હવે પોતાની ફેક્ટરીમાં પણ રસ લેવા લાગ્યો હતો.એની ફેક્ટરીમાં એલ્યુમિનિયમના પતરાઓ બનતા હતા અને પછી ઑર્ડર પ્રમાણે તેના ઉપર જુદી જુદી જાતનો રંગ ચડાવવામાં આવતો હતો.એની ફેક્ટરીનાં પતરાં એટલાં બધાં મજબૂત અને ચોક્સાઈપૂર્વક બનતાં હતાં કે હિન્દુસ્તાન એર ક્રાફ્ટ જેવી મશહુર વિમાન બનાવનારી કંપની પણ તેની પાસેથી માલ ખરીદતી હતી.પોતાના મૃત્યુ પહેરાં જ સર દિનાનાથે કેન્દ્ર સરકારના એક કોન્ટ્રેક્ટ પર સહી-સિક્કા કર્યાં હતા.આ કોન્ટ્રેક્ટ પ્રમાણે તેમણે સરકારને છ માસની અંદર જ દસ હજાર ટન શીટ્સ ખાસ રંગો લગાડીને સપ્લાય કરવાની હતી.સર દિનાનાથના અવસાન અને પછી તેમના કુટુંબમાં એક પછી એક એવા બનાવો બનવા લાગ્યા કે કોન્ટ્રેક્ટનું કામ ઘણું પાછળ રહી ગયું હતું.આ ખાડો પૂરવા માટે બળવંત ત્રણ ત્રણ શીફ્ટ ચલાવીને કામ પૂરું કરવા પાછળ લાગી પડ્યો હતો જેથી સમયસર માલની ડીલવરી આપી શકાય.બપોરના બે વાગ્યા હતા.સવારે છ વાગ્યે શરૂ થયેલી શિફ્ટનું કામ પૂરું થઈ ગયું હતું.એ શિફ્ટના લોકો પાછા જઈ રહ્યાં હતા.બીજી શિફ્ટના મજૂરો પોત-પોતાનાં ટીફીનો સંભાળીને સાયકલો ઉપર તથા ફેક્ટરીની બસોમાંથી ઉતરતા હતા.સૌ કોઈ ફાટક પાસે એકઠા થતા હતા.ફેક્ટરીમાં દાખલ થવા અને બહાર નીકળવા માટે જુદા જુદા ફાટકો હતા.બંને ફાટકો પરનું વાતાવરણ ગરમ હતું.બહાર નીકળવાનું ફાટક ઉઘડ્યું અને તલાશી લેનાર ઑફિસરોની વેધક નજર હેઠળ તલાસી આપીને મજૂરોના ટોળા બહાર નીકળતા હતા. તેમના થાકેલા ચહેરા પર કામ પૂરું કરીને આવવાનો તથા જલ્દી જલ્દી પોતપોતાના બાળકોને મળવાનો ઉત્સાહ તરવરતો હતો.ધીમે ધીમે બધા મજૂરો બહાર આવી ગયા.બહાર નીકળવાનું ફાટક બંધ થઈ ગયું.અલબત્ત, તેની બારીઓ ફોરમેનો માટે હજુ પણ ઉઘાડી જ હતી. આ ફોરમેનો બીજી શિફ્ટના ફોરમેનોને ચાર્જ સોંપવા માટે અંદર જ રોકાઈ ગયા હતા.છેવટે અંદર આવવાનું ફાટક ઉઘડ્યું. તાજામાજા મજૂરો હસીખુશીથી અંદર પ્રવેશવા લાગ્યા.અચાનક એક બસ ફાટક પાસે આવીને ઊભી રહી અને તેમાંથી દસ-બાર મજૂરો ઊતર્યાં.આ નવા માણસો હતા અને તેમના માટે ટાઈમકીપરોને સૂચના મળી ગઈ હતી.આ લોકો એક નવું પેટન્ટ મીક્ષ્ચર બનાવવાના હતા. જે આજે પહેલી વખત સરકારી રીતે તૈયાર થવાનું હતું.પેટન્ટની ફોર્મ્યુલા લઈને ટેકનીશીયનો અગાઉથી જ આવી ગયા હતા.આ ગૃપ આવનારાઓમાં સૌથી છેલ્લું હતું.અચાનક એક ઑફિસર ટાઈમકીપર રાઠોડની ઑફિસમાં પ્રવેશ્યો.એણે જલ્દી જલ્દી તેના કાનમાં કશુંક કહ્યું.‘આપને નાહક જ ભ્રમ થયો છે શીંદે સાહેબ...!’ રાઠોડ હસીને બોલ્યો.‘ભ્રમ...?’‘ત્યારે બીજું શું....?’ આ પેટન્ટ ગુપ્ત રાખવા જેવી કોઈ ચીજ નથી. આપ આજે સાવચેતી રાખવાની વાત કરો છો. એ તો ફક્ત સરકારી સ્ટંટ છે ! ગમે તેમ તો ય આ લોકો આમ જનતાથી જુદા છે એવું જાહેર કરવા માટે કંઈક તો કરવું જ જોઈએ ને? બસ, આ કારણસર જ તેઓ આમ કરે છે. પોલીસ બોલીસની વાત વિચારવી પણ નકામી છે અને આ વાત તો મેનેજમેન્ટે વિચારવાની છે. આપણે આમાં માથું મારવાની શું જરૂર છે?’‘તમારી ઈચ્છા...! મેં તો મારો મત વ્યક્ત કર્યો હતો. આગળ તમે જાણો ને તમારું કામ જાણે...! જો કે મારી તો ડ્યુટિ પણ પૂરી થઈ ગઈ છે એટલે હું તો ઘેર જઉં છઉં.’ શીંદે પોતાની ટાઈની ગાંઠ સરખી કરતાં બોલ્યો, ‘મને જરા આડું-અવળું લાગ્યું એટલે તમને કહી દીધું. હું તો હવે જઈને આરામથી સૂઈ જઈશ.’‘આજે ભાભીએ આપને જલ્દી જલ્દી ઘેર બોલાવ્યા લાગે છે, શીંદે સાહેબ!’ રાઠોડે સ્મિત ફરકાવતાં કહ્યું, ‘પણ સાહેબ, જો તેમણે જલદી જલ્દી બોલાવ્યા હશે તો આરામ કેવી રીતે કરી શકેશ? કંઈક ને કંઈક ફરમાઈશ ઊભી જ હશે...! મોટે ભાગે તો ફિલ્મની જ ફરમાઈશ હશે...!’‘ના એવી કોઈ વાત નથી...’‘તો કેવી વાત છે?’‘તમારી ભાભીના ભાઈ સાહેબ આવ્યા છે એ તો તેના સાથે ખરીદી કરવા માટે ગઈ છે. એટલે ઘેર પહોંચ્યા પછી આરામ જ આરામ છે. પરંતુ તમારે હવે ક્યાં સુધી બહાના કાઢવા છે?’‘કંઈ બાબતમાં...?’‘તમારા મિસીસને લઈ ને મારે ઘેર આવવાની બાબતમાં...! આજે આવીશું ને કાલે આવીશું એમ કરતાં કેટલા મહિના પસાર થઈ ગયા. પરંતુ તમે આવતા જ નથી!’ શીંદે બોલ્યો, ‘તમે બંને આવશો તો હું કંઈ ચા-પાણી કે નાસ્તો કરાવ્યા વગર કંઈ એમ ને એમ નહીં કાઢી શકું...! મારી શક્તિ પ્રમાણે તમારી મહેમાનગતિ જરૂર કરીશ એની ખાતરી રાખજો...!’ વાત પૂરી કરીને એ હસી પડ્યો.રાઠોડ પણ હસીને કંઈક કેહવા જતો હતો ત્યાં જ સહસા ફેક્ટરીનું ઈમરજન્સી જોખમનું એલાર્મ કર્કષ અવાજે ગુંજી ઊઠ્યું.એ ઝડપથી ઑફિસના દ્વાર પાસે આવ્યો.‘અભેસંગ...!’ એણે ઊંચા અવાજે જોરથી બૂમ પાડી, ‘ફાટક મજબૂતીથી બંધ કરી દે...અને હું ન કહું ત્યાં સુધી કોઈનેય બહાર જવા દઈશ નહીં...! એક પંખી પણ નહીં સમજ્યો...?’ફાટકની એક માત્ર બારી પણ બંધ થઈ ગઈ.ચોકીદારોએ બંદૂકના સેફ્ટી કેચ ખસેડી નાખ્યા.રાઠોડે ફાટકનું ઈલેક્ટ્રીક લોક ઈમરજન્સી સ્વીચ દબાવી દીધી.હવે ફાટકને અડકવું કે દીવાલ કૂદવી એ હાથે કરીને મોતને આમંત્રણ આપવા સમાન હતું.‘શીંદે સાહેબ...! હાલ તુરત તો ઘેર જવાનો વિચાર તમારે માંડી જ વાળવો પડશે...!’ રાઠોડ બોલ્યો, એના કપાળ પર પડેલી કરચલીઓ તેના ચિંતાતુર હોવાની ચાડી ખાતી હતી.‘કંઈ વાધો નહીં...!’ શીંદેએ કહ્યું, ‘માત્ર એક ટપાલ પોસ્ટ કરવી હતી. મારા ભાઈને એ કાલે મળી જાત. હવે તે પરમ દિવસે મળશે. બીજું શું? તમે તપાસ તો કરો કે શું વાત છે?’‘આપની ટપાલ આજે જ પોસ્ટ થઈ જશે.’‘એમ...?’‘હા...’‘કેવી રીતે...?’‘પેલી ટ્રેમાં આપની ટરાવ મૂકી દો...! એ ટ્રેની બધી ટપાલો અહીંથી સીધી પોસ્ટ ઓફિસે જ જવાની છે.’ કહેતાં કહેતાં રાઠોડે ટેબર પર પડેલ ઈન્ટરકોમ ટેલિફોનનું રિસીવર ઊંચકીને એક બટન દબાવ્યું. પછી કહ્યું, સર હું ટાઈમકીપર રાઠોડ ટેબલ બોલું છે. આ એલાર્મ શા માટે વાગ્યું છે?’‘એક ખૂબ જ ભયંકર બનાવ બની ગયો છે મિસ્ટર રાઠોડ...!’ જવાબમાં સામે છેડેથી ચીફ એન્જીનીયર જોગલેકરનો ચિંતાતુર અવાજ તેના કાને અથડાયો, ‘તિજોરીમાંથી એક સિક્રેટ ડોક્યુમેન્ટ ગુમ થઈ ગયું છે. તમે ફાટક બંઘ કરાવી દીધું છે ને?’‘એ કામ તો એલાર્મ શરૂ થતાંની સાથે જ કરાવી નાખ્યું છે. અહીં ચિંતા કરવા જેવું કશું જ નથી. સર, જે ડોક્યુમેન્ટ ગુમ થયા છે, તે શું નવા પેટન્ટ વિશે છે?’ ‘રાઠોડે અમસ્તુ જ પૂછી લીધું.’રાઠોડના આ સવાલથી ચીફ એન્જીનીયર જોગલેકર જેટલો ચમક્યો, એટલો કદાચ તેના રૂમમાં બોંબ ફૂટ્યો હોત તો પણ ન ચમક્ત!’એના હાથમાંથી રિસીવર છટકતું છટકતું રહી ગયું.‘મિસ્ટર રાઠોડ, આ વાતની તમને કેવી રીતે ખબર પડી...?’ સામે છેડેથી આવતા અવાજમાં ભરપુર આશ્વર્ય હતું. ‘આ વાત તો અત્યારે હું અને બે સરકારી ઑફિસરો જ જાણીએ છીએ.’‘સર...!’ રાઠોડે જવાબ આપતાં કહ્યું, ‘અત્યારે મારી સામે પ્રોડકશન આસિસ્ટન્ટ શીંદે સાહેબ બેઠા છે. એલાર્મ વાગ્યો તે પહેલાં તેમણે આવી શક્યતાનો ઉલ્લેખ કર્યો હતો. પણ...પણ મને મેનેજમેન્ટ પર એટલો બધો ભરોસો હતો કે મેં તેમની વાત હસવામાં કાઢી નાખી. પરંતુ મને એ વાતનો અફસોસ થાય.’‘ખેર, ડોક્યુમેન્ટ અત્યારે પણ ફેક્ટરીમાં જ છે! અમે તે જરૂર શોધી કાઢીશું. હાલ તુરત તો સિક્યોરીટી ઑફિસર ઝાલા, પોલીસ સુપ્રિન્ટન્ડેન્ટ અને સી.આઈ.ડી.ની એક મહિલા આવે છે! તમે શીંદે સાહેબને જરા રોકી રાખજો...! ક્યાંય જવા દેશો નહીં કદાચ તેમની જરૂર પડશે.’ એ અવાજમાં જે ગર્ભિત ધમકી છૂપાયેલી હતી. તેના કારણે રાઠોડને પોતાની ભૂલ સમજાઈ ગઈ.પરંતુ હવે તો તીર કમાનમાંથી છૂટી ગયું હતું.થોડી વાર પછી શીંદેને બોલાવવામાં આવ્યો.એ રૂમમાં પહોંચીને એણે ત્યાં મોજુદ સૌ કોઈ પર ઊડતી નજર ફેંકી.પછી તે ચૂપચાપ એક ખુરશી પર બેસી ગયો.સૌની નજર એના ચહેરા પર મંડાયેલી છે એવો તેને ભાસ થયો.‘મિસ્ટર શીંદે...’શીંદેએ માથું ઊંચુ કરીને ચીફ એન્જીનીયર જોગલેકર સામે જોયું.‘ડોક્યુમેન્ટ ગુમ થઈ શકે તેમ છે એવી શંકા તમને કેવી રીતે ઉપજી? શું તેનું કોઈ કારણ છે તમારી પાસે?’‘ના...કોઈ કારણ નથી...’‘તો પછી...?’‘આને તમે મારી વૃદ્ધાવસ્થાનો સનેપાત અથવા તો પછી મારું કમનસીબી પણ કહી શકો છો.’ શીંદેએ જવાબ આપ્યો. એની આંખો ટેબલ પર પડેલા પેપરવેઈટર તથા તેની આજુબાજુના ભાગ પર ફરતી હતી.‘બીજુ કંઈ નહીં....? કોઈકની વાતચીતને કારણે કે પછી કામગીરીના પરિણામે તો તમારા મનમાં એવી શંકા નહોતી ઉપજીને કે કોઈક ગુપ્ત ડોક્યુમેન્ટ ચોરવાનો પ્રયાસ કરે છે? બરાબર વિચારી, યાક કરીને જવાબ આપોય મિસ્ટર શીંદે! તમારી આ સૂચનાને કારણે સ્વ.સર દિનનાથ અને બળવંત સાહેબની પ્રતિષ્ઠા ધૂળધાણી થતી બચી જશે.’ એન્જિનિયર જોગલેકરનો અવાજ ધ્રુજતો હતો.‘દિનાનાથ સાહેબની પ્રતિષ્ઠા ખાતર તો હું મારો જીવ પણ આપી દેવા તૈયાર છું સર! પરંતુ અત્યારે હું મારી જાતને ખૂબ જ લાચાર અને નિઃસહાય અનુભવું છે.’ શીંદેનો અવાજ ગંભીર હતો.‘મિસ્ટર શીંદે...! દેશની ભાવિ સુરક્ષાનો સવાલ પણ આની સાથે સંકળાયેલો છે. શું હજુ પણ તમે તમારી શંકાનું કારણ જણાવી શકો તેમ નથી?’ એસ.પી.ભગવતી અને રજનીની વચ્ચે બેઠેલા એક ઓફસિરે પૂછ્યું.‘હું જાણું છું સાહેબ... પરંતુ શંકાનું કારણ મળ્યું હોય એવી કોઈ વાત મને યાદ નથી આવતી.’ શીંદે બોલ્યો.‘આ સોદો વાસુસેના સાથે સંકળાયેલો છે, એ વાત પણ અમે ખાનગી રાખી હોત...! કોઈનેય તેની જાણ ન થતાં એની પૂરેપૂરી સાવચેતી રાખવામાં આવી હતી. તો પછી આ વાતની તમને કેવી રીતે ખબર પડી?’ સૈનિક ઓફિસર રણજીતસિંગે અચરજભર્યા અવાજે પૂછ્યું.‘મારી સામાન્ય બુદ્ધિથી સર...!’ શીંદે આંખનું મટકુંય વગર બોલ્યો.‘એટલે..?’ રણજીતસિંહે ચમકીને પૂછ્યું.‘દસ હજાર ટન પ્લેટ અને પતરાં લઈ શકે એવી કોઈ કંપની ભારતમાં હોય એવું મારા ધ્યાનમાં નથી. મારી બચતના થોડા રૂપિયા કોઈક સારી કંપનીમાં રોકવા માટે દેશની બધી મોટી મોટી કંપનીઓમાં પ્રોસ્પેક્ટસ મેં વાંચ્યા છે અને નિકાસ વેપારના આંકડાઓ પણ હિન્દુસ્તાન એલ્યુમિનિય કોર્પોરેશન અવારનવાર પ્રકાશિત કરે જ છે. એમાં પણ એવા કોઈ સંકેત નથી કે જેના કારણે એમ સમજી શકાય કે કોઈક વિદેશી કંપનીની માંગ પૂરી કરવા માટે સરકાર આ માલ તૈયાર કરાવે છે. હવે આવડો મોટો ઓર્ડર આપી શકે એવી એક વાયુસેના જ બાકી રહે છે અને સુરક્ષાનો કોઈ નવો દરવાજો ન ખુલતો હોય તો તે પણ એક ખાસ રંગનાં પતરાં માટે પોતાની બજેટનો મોટો ભાગ ખર્ચ ન કરે! બસ, આ તર્ક ઉપર જ મારા જ્ઞાનનો બધો આધાર હતો.’એના આ તર્કભર્યાં વિશ્ર્લણથી સૌ ચમકી ગયા. મિસ્ટર શીંદે...!’ થોડી પળો ચૂર રહ્યા બાદ રણજીતસિંહે પૂછ્યું, ‘જ્યારે તમારી તર્કશક્તિ આટલે સુધી પહોંચી ગઈ છે, ત્યારે તમે એ પણ જરૂર વિચા્ર્યું જ હશે કે આ વિશેષ રંગના પેટન્ટ પાછળ રાજકીય આગ્રહ શા માટે છે?’‘જી, હા...! મેં આ બાબતમાં પણ વિચારવાનો અનાધિકાર પ્રયાસ કર્યો હતો અને વિચાર્યા પછી કંઈક પરિણામ પર પણ આવ્યો છું.’ શીંદેનો વાણીસંકોચ હવે દૂર થઈ ગયો હતો.જાણે આ બુદ્ધિ ચમત્કાર માટે પુરસ્કાર મળવાની આશા હોય એવા ઉત્સાહ સાછે તે આ બધું કહેતો હતો.‘તેમ શું પરિણામ પર આવ્યો છો, એ જણાવશો તો અમને આનંદ થશે.’‘જરૂર...કેમ નહીં...!’ શીંદે માથું ધુણાવતાં બોલ્યો, ‘રંગની ઉપયોગિતા એનામા બે રીતે આંકવામાં આવે છે. સૌથી પહેલાં તો એકરૂપતા અને બીજું કૈમો ફલેજ અર્થાત્ દષ્ટિભ્રમ ઉત્પન્ન કરવાની ક્ષમતા...! આપણા ભૂમિદળનો પહેરવેશ વૃક્ષ જેવા રંગનો હોવાને કારણે તે ધૂળ અને વનસ્પતિ સાથે ભળી જાય છે જેથી દુશ્મનો સહેલાઈથી તેમને જોઈ શકતા નથી. પરંતુ આ વાત વાયુસેનાની ચાલે છે એટલે તેની જ ચર્ચા કરીશ. વાયુસેનામાં રંગ દ્રવ્યનું આટલું મહત્વ એક ત્રીજી વાત ઉત્પન્ન કરે છે. આ વિશેષ રંગનો સંબંધ, માઈલો દૂર અને હજારો ફૂટ ઊંચે ઉડતા વાયુસેનાનું યથાવત ચિત્ર રડાર સ્ક્રોન પર અંકિત કરવા માટે સમર્થ છે, તેની સાથે હોય એ બનવાજોગ છે. મારા અનુમાન મુજબ આ વિશેષ રંગ દુશ્મનોની રડાર પ્રણાલીને એ કાર્યથી વંચિત કરવાની ક્ષમતા ધરાવતો હશે. કદાચ એટલા માટે જ સરકાર તેનો આગ્રહ કરે છે!’‘મિસ્ટર રણજીતસિંહ...!’ અત્યાર સુધી ચૂપચાપ તેમની વાતો સાંભળી રહેલી રજની પરમાર સેનાધિકારીને ઉદ્દેશીને બોલી, ‘છેલ્લી વખત તમે એ કવર ક્યારે જોયું હતું?’‘દોઢ વાગ્યે...! મારી નજર સામે જ મિસ્ટર જોગલેકરે એ કવરને કોમ્બીનેશન ફેસમાં મૂક્યું હતું. બે વાગ્યે સેફ પાછી ઉઘાડવામાં આવી ત્યારે તે કવર અંદરથી ગુમ થઈ ગયું હતું.’‘વારૂ, આ ત્રીસ મિનિટ દરમિયાન આ રૂમમાં કોણ કોણ આવ્યું હતું?’‘કુલ ચાર જણ આવ્યા હતા. એક તો હું પોતે, બીજા ચીફ એન્જિનીયર મિસ્ટર પાંડે, ત્રીજા સીક્યોરીટી ઓફિસર મિસ્ટર ઝાલા અને ચોથા હેડ કલાર્ક મિસ્ટર નાસીરખાન...!’‘વારું, સેફના કોમ્બીનેશન વિશે કોણ કોણ જાણે છે?’‘ફક્ત બે જ જણ...! એત તો મિસ્ટર જોગલેકર અને બીજા મિસ્ટર નાસીરખાન...! દોઢથી બે વાગ્યાની વચ્ચેના અર્ધા કલાક દરમિયાન આ ચાર સિવાય બીજું કોઈ જ અહીં નથી આવ્યું.’‘પોણા બે વાગ્યે હું પણ અહીં આવ્યો હતો.’ સહસા શીંદે બોલ્યો.‘શા માટે?’‘પહેલી શિફ્ટમાં જે માલ તૈયાર થયો હતો, એનો રિપોર્ટ મેં પોતે નાસીરખાનને આપ્યો હતો. એ વખતે બરાબર પોણા બે વાગ્યા હતા.’રજનીએ પાછળ ફરીને વેધક નજરે શીંદે સામે જોયું.‘તમે જાણીજોઈને જ શંકાની જાળમાં તમારો પગ મૂકો છો મિસ્ટર શીંદે...!’ ચીફ એન્જિનીયર જોગલેકર બોલ્યા વગર ન રહી શક્યો.‘આ વાતની મને ખબર છે જોગલેકર સાહેબ...!’ શીંદેએ કહ્યું, ‘પરંતુ જે તથ્ય તપાસ દરમિયાન સામે આવી જવાનું છે, એને છૂપાવીને હું શંકાનાં વાદળો વચ્ચે શા માટે ઘેરાઉં?’‘તમારું સાહસ પ્રશંસનીય છે.’ સિક્યોરીટી ઓફિસર ઝાલા બોલ્યો.‘એ તો મારી ફરજ છે.’ શીંદેની આંખો ફરીથી પેપરવેઈટ પર સ્થિર થઈ ગઈ હતી.‘આટલા લોકોની હાજરીમાં પણ કવર ગુમ થઈ ગયું ે ખરેખર આશ્વર્યજનક વાત છે!’ રજની, બોલી, ‘સંજોગો એ તરફ સંકેત કરે છે કે ચોર બહારનો કોઈ માણસ નથી અને આપનામાંથી કોઈના પર શંકા થઈ શકે તેમ નથી. કમસે કમ હું તો શંકા ન જ કરી શકું!’‘એ તો આપની મહેરબાની છે, પરંતુ મુદ્દાની વાત તો હજુ જ્યાં છે, ત્યાં જ છે કે કવર ક્યાં ગુમ થઈ ગયું? એ ચોરાઈ ગયું છે, એમાં તો શંકાને જરા પણ સ્થાન નથી પરંતુ એ ચોર્યું કોણે...?’રજની કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગઈ.‘કવરને સેફમાં મૂકતાં પહેલાં એક તાળાવાળા નાના ડબ્બામાં મૂકવામાં આવ્યું હતું.’ થોડીપળો સુધી વિચાર્યા બાદ એ બોલી, ‘એ ડબ્બાની ચાવી કોની પાસે છે?’‘એ ચાવી મારી પાસે હતી...!’ સૈનિક અધિકારી રણજીતસિંહે જવાબ આપ્યો.‘એ ડબ્બો હું જોવા માંગુ છું...’‘જરૂર...’ ચીફ એન્જિનીયર જોગલેકરે કહ્યું.એ પોતાના ટેબલ પરથી ઊભો થઈ બાજુમાં જ આવેલી મોટી બારીમાંથી ડબ્બો અને ઢાંકણું બંને છૂટાછૂટા ઉપાડી લાવ્યો. ડબ્બો એકદમ ખાલી હતો.રજનીએ બે-ત્રણ મિનિટ સુધી ડબ્બાને આમતેમ ફેરવીને બારીકાઈથી તેનું નિરીક્ષણ કર્યું.એણે ડબ્બાનું ઢાંકણ બંધ કરીને સૈનિક અધિકારી રણજીતસિંહ તરફ લંબાવ્યો.‘લો...હવે આને જરા ઉઘાડો તો...’ એણે કહ્યું.રણજીતસિંહે ઢાંકણ ઉઘાડીને ટેબલ પર મૂકી દીધું અને ઉત્સુકતાથી અંદર જોવા લાગ્યો.એ ડબ્બો હજુ પણ ખાલી હતો.એના ચહેરા પર નિરાશાના હાવભાવ છવાઈ ગયા.‘આપ સૌ એક વાત બરાબર રીતે સમજી લો કે કવર તિજોરીમાંથી ગુમ નથી થયું...!’ છેવટે રજની ગંભીર અવાજે બોલી, ‘એ કવર આ ટેબલ પરથી આ બારીના રસ્તેથી ગુમ થયું છે. અને આપ સૌ ડબ્બો ખાલી જોયા પછી સેફ પાસે જઈને ઊભા રહ્યા હશો ત્યારે જ આ બનાવ બન્યો હશે. ચોર એ વખતે આ બારી પાસે ઊભો હશે.’રજનીના આ ધડાકાથી સૌ એકદમ ચમકી ગયા.‘શું...!’ રણજીતસિંહના મોંમાંથી આશ્વર્યોદગાર સરી પડ્યો.‘હા...’ ‘પણ...પણ આવું કેવી રીતે બને...?’‘બહુ મામૂલી વાત છે.’‘એટલે...?’‘મિસ્ટર રણજીતસિંહ, આપે હમણાં જ કહ્યું છે તમે ડબ્બાની ચાવી આપના કબજામાં હતી એટલે સ્પષ્ટ છે કે એને ઉઘાડ્યો પણ આપે જ હશે. ઉઘાડ્યા પછી એનું ઢાંકણ ચેક કર્યા વગર જ પેલી બારી પાસે મૂકી દીધું હશે. જેમ આપે હમણાં જ કર્યું છે તે રીતે...! અને પછી ડબ્બો ખાલી જોઈને આપ સેફ તરફ દોડી ગયા હશો. મિસ્ટર જોગલેકર તથા મિસ્ટર ઝાલા પણ આપની પાછળ જ ત્યાં પહોંચ્યા હશે.’ રજનીએ એ સ્મિત ફરકાવતાં કહ્યું, ‘મારી વાત સાચી છે ને? આમ જ બન્યું હતું ને?’‘એકદમ સાચી છે...! એમ જ બન્યું હતું...!’ રણજીતસિંહ બોલી ઊઠ્યો.‘રાઈટ... હવે જરા ઢાંકણના અંદરના ભાગમાં નજર કરો...!’ રજનીએ કહ્યું.જોગલેકરે તરત જ ઢાંકણ ઊંચું કર્યું.રણજીતસિંહ અને ઝાલા પણ અંદર જોવા લાગ્યા.‘અરે...આ તો સરેસ છે કે જેના વડે કવરને પેક કરવામાં આવ્યું હતું.’ જોગલેકર બોલ્યો.‘બસ હવે કંઈ સમજાયું...?’ત્રણેય મુંઝવણભરી નજરે રજની સામે તાકી રહ્યાં.પછી તેમણે નકારમાં માથાં હલાવ્યાં.‘તો સાંભળો...એ જ સરેસની સાથે ઢાંકણાની સાથે ચોંટીને કવર બારી પાસે પહોંચી ગયું હતું અને ચોર કે જે કદાચ ફક્ત ડોકું કાઢવા માટે જ આવ્યો હતો, તેને એ કવર તફડાવવાની તક મળી ગઈ અને આ તકનો આબાદ લાભ ઊઠાવીને એ કવર લઈ ગયો.’‘ઓહ...કેટલી મામૂલી વાત...!’ રણજીતસિંહ બબડ્યો.‘પરંતુ આપ સૌની બેદરકારી ગેરમામૂલી વાત છે, જેની આપ સૌ જેવા જવાબદાર માણસો પાસેથી આશા ન રાખી શકાય!’ રજની બોલી, ‘હા, અહીં આવતી વખતે મેં જોયું હતું કે ફાટક બંધ છે...! ચોકીદારો પણ સાવચેત છે!’‘હા...કવર ચોરાયાની જાણ થતાં જ ફાટક બંધ કરી દેવામાં આવ્યું હતું.’‘ઓહ...તો આનો અર્થ એ થયો કે ચોરી થયા પછી કોઈ જ બહાર નથી નીકળી શક્યું...!’‘શું...?’‘એ જ કે કવર હજુ સુધી બહાર નથી જઈ શક્યું. આપ એમ કરો...લોકોને જવાની રજા આપી દો...!’ રજની બોલી, ‘આપ પણ જઈ શકો છો મિસ્ટર શીંદે...! જરૂર પડશે તો ફરીથી આપને બોલાવીશું...!’‘જરૂર...હું ગમે ત્યારે સેવા આપવા તૈયાર છું...!’ શીંદે ઊભો થતાં બોલ્યો.‘મિસ્ટર ઝાલા...!’ રજની સિક્યોરીટી ઑફિસર ઝાલાને ઉદ્દેશીને બોલી, ‘બહાર જનારાઓની ચોકસાઈપૂર્વક તલાશી લેવડાવો. આપ પોતે જ ફાટક પર ઊભા રહો...! અને એક પણ કાગળ બહાર ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો.’ઝાલાએ હકારાત્મક ઢબે માથું હલાવ્યું.ત્યારબાદ તે તથા શીંદે ચાલ્યા ગયા.‘ફોન મળતાં જ અમે અહીં આવી પહોંચ્યા છીએ...!’ તેમના ગયા પછી રજનીને ચીફ એન્જિનીયર જોગલેકરને ઉદ્દેશીને કહ્યું, ‘જો એ ડોક્યમેન્ટવાળું કવર નહીં મળે તો લાચારીવશ અમારે રિપાર્ટ કરવો પડશે, એ શોધી કાઢવા માટે આપ સૌએ આપની બધી જ શક્તિઓને કામ લગાડી દેવી પડશે. નહીં તો એ સંજોગોમાં અહીંનું કામ બંધ પડી જશે ઉપરાંત આપ સૌને જેલ...’‘મેડમ...!’ જોગલેકર કંપતા અવાજે બોલ્યો, એ ડોક્યુમેન્ટની બીજી નકલ પણ હશે જ એટલે કામકાજ તો નહીં અટકે!’‘આપ ઉંમરમાં મોટા છો...મારા વડીલ જેવા છો એટલે આપને બીજું તો શું કહેવું...? એ ફોર્મ્યુલા કોઈ મામૂલી ચોરે ચોરી છે એમ આપ માનો છો? ના, જોગલેકર સાહેબ...! જો આપ આમ માનતા હો તો આપની માન્યતા ભૂલભરેલી છે. એ ફોર્મ્યુલા કોઈક દુશ્મન દેશના સંકેતથી ચોરવામાં આવી છે અને જો તે દુશ્મન દેશના હાથમાં પહોંચી જશે, તો આપ એ ફોર્મ્યુલાના આધારે જે કંઈ બનાવશો, એનું શું મહત્વ રહેશે? યુદ્ધ થાય, ત્યારે તો તે લોકો આપણા વિમાનોને એક સેકન્ડમાં જ બરબાદ કરી નાખશે.’‘ઓહ...’‘મિસ્ટર જોગલેકર...!’ સહસા કંઈક યાદ આવ્યું હોય એમ ભગવતી બોલ્યો. સમગ્ર વાતચીત દરમિયાન પહેલી જ વાર એણે મોં ઉઘાડ્યું હતું.જોગલેકરે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.રજની પણ ઉત્સુકતાથી તેની સામે તાકી રહી હતી.‘ફેક્ટરીના કંપાઉન્ડમાં કોઈ લેટર-બોક્સ છે...?’ ભગવતીએ પૂછ્યું.‘ના...’ જોગલેકરે નકારમાં માથું હલાવતાં જવાબ આપ્યો. અહીંથી બધી ટપાલો એક ખાસ બેગમાં ભરીને સીધી જ હેડ ઓફિસે પહોંચાડવામાં આવે છે!’જોગલેકરની વાત સાંભળીને સહસા રજનીની આંખોમાં ચમક પથરાઈ ગઈ.‘બધી ટપાલો હેડ ઓફિસે મોકલતાં પહેલાં ક્યાં રાખવામાં આવે છે?’ એણે પૂછ્યું.‘મિસ્ટર રાઠોડ પાસે...!’‘તો પછી આપણે તાબડતોબ ત્યાં પહોંચવું જોઈએ...!’ રજની ઊભી થતાં બોલી.‘કેમ...?’‘આપ ચાલો તો ખરા...’‘ચાલો...’ત્રણેય બહાર નીકળ્યાં.પરંતુ જ્યારે તેઓ રાઠોડના રૂમ પાસે પહોંચ્યા, ત્યારે તેમને ચમકી જવું પડ્યું.ત્યાં રાઠોડનો મૃતદેહ પડ્યો હતો.તલાશી દરમિયાન ટપાલોની બાસ્કેટમાંથી ફોર્મ્યુલાવાળું કવર મળી આવ્યું.એ કવર પર લખેલું સરનામું વાંચીને રજની એકદમ ચમકી ગઈ.એ સરનામું હતું--અરૂણ દેશપાંડે, સ્યૂટ નંબર ત્રણ, હોટલ સુપ્રિય, શાંતિનગર...!ફોર્મ્યુલા કવરમાં હોવાને કારણે ચોરાઈ જવા નથી પામી એ વાત રજની સમજી ગઈ.પરંતુ આ બાબતમાં એણે કોઈને કશું જ ન જણાવ્યું.‘આ બિચારાનું ખૂન કોણે ને શા માટે કર્યું હશે?’ જોગલેકર દુઃખદ અવાજે બોલ્યો.‘ચોર અને ખૂની એક જ માણસ છે!’ રજનીએ કહ્યું, ‘મિસ્ટર રાઠોડ પાસે કોણ કોણ આવ્યું હતું. એની જરા તપાસ કરાવો. ઝાલા સાહેબને પણ બોલાવો. હવે ફાટક પર તેમની જરા પણ જરૂર નથી.’ઝાલાએ આવીને જણાવ્યું કે તેમની પાસેથી નીકળીને શીંદે પોતાની થેલી લેવા માટે અહીં આવ્યો હતો.‘શીંદેની તાબડતોબ તપાસ કરાવો...!’ આ કામ ખૂબ જ જરૂરી છે.’પરંતુ શીંદેનો ક્યાંયથી પત્તો ન લાગ્યો.એ પોતાના ઘેર પણ નહોતો પહોંચ્યો.છેવટે ભગવતી તથા રજની નાગપાલના નિવાસસ્થાને પહોંચ્યા.‘કોણ જાણે એ ક્યાં ગુમ થઈ ગયો છે.’ ભગવતી ચિંતાતુર અવાજે બોલ્યો.‘શીંદે પોતાની જાતને ખૂબ જ ચાલાક અને હોંશિયાર માને છે! અને આવા માણસોથી ભૂલ થઈ જ જતી હોય છે. એટલે તો એ લોકો સહેલાઈથી પક્કડમાં આવી જાય છે. એની ચાલાકીના કારણે જ એ ફોર્મ્યુલા આપણને આટલી સહેલાઈથી મળી આવી. અને એની ચાલાકીના પરિણામ રૂપે જ એણે રાઠોડનું ખૂન કરવા જેવુ મૂર્ખાઈભર્યું પગલું ભર્યું અત્યારે એ ક્યાં હશે તેની મને ખબર નથી!’‘ક્યાં છે?’‘આપ તેના સુધી નહીં પહોંચી શકો કાકા...! હું તેને જોઈ લઈશ...! અને હા, હું શાંતિનગર જઉં છું. આ દરમિયાન આપ બળવંત અને આનંદનું ધ્યાન રાખજો...! હું શાંતિનગર ગઈ છું. એ વાત પમ કોઈનેય કહેશો નહીં!’ભગવતી રજનીના ચહેરા સામે તાકી રહ્યો.રજનીનો ચહેરો બેહદ ગંભીર હતો. *** ‹ પાછળનું પ્રકરણભેદ - - 11 › આગળનું પ્રકરણ ભેદ - - 13 Download Our App