ભેદ - - 8

ભેદ

કનુ ભગદેવ

8: બેવડું રૂપ...!

બીજી તરફ કિશોર તથા મીનાક્ષી ફરતાં ફરતાં ઘણું દૂર નીકળી ગયાં.
એક સ્થળે મીનાક્ષીનો પગ સાડીમાં ફસાઇ જવાને કારણે લપસ્યો અને વાંકીચૂકી સડક પર તે લથડીયું ખાઇને ગરબડી પડવા જેવી સ્થિતિમાં મૂકાઇ ગઇ.
પરંતુ બાજુમાં ચાલી રહેલા કિશોરે તેને પોતાના બાહુપાશમાં લઇને બચાવી લીધી.
‘થેક્યૂં...’
કિશોર એકીટશે તેના ચહેરા સામે તાકી રહ્યો હતો.
એ રાતવાળી મીનાક્ષી તેના માનસ ચક્ષુઓ સમક્ષ તરવરી ઊઠી.
એ મીનાક્ષી- કે જેણે ત્યારે પોતાની જાતને મધુ તરીકે ઓળખાવી હતી, જે એને પ્રેમ કરવા માટે વ્યાકુળ હતી અને સદીઓથી તરફડતી હતી.
આ વિચાર આવ્યા બાદ અજાણતાં જ એના હાથે મીનાક્ષીની કમ્મર વધુ જોરથી કસી લીધી.
મીનાક્ષીને પણ તેની આ પક્કડનો અનુભવ થયો.
વળતી જ પળે એનાં ભવાં સંકોચાયા.
‘ આ...આ શું માંડ્યું છે...?’ એ ક્રોધથી તમતમતા અવાજે બોલી, ‘ છોડ મને...નહીં તો..’
‘ આમ મને શા માટે તડપાવે છે મધુ...?’ કિશોરે ઘાયલ પ્રેમી જેવા અવાજે કહ્યું, ‘ આ ખુશનુમા વાતાવરણ...મધુરે એકાંત...! હું અને તું...! બીજું કોઇ જ નહીં...! મધુ, તે જ મને રાત્રે કહ્યું હતું કે મારો પ્રેમ મેળવવા માટે તું સદીઓથી તરફડે છે !’
‘ બદમાશ...નીચ...લફંગા...!’ મીનાક્ષીનો અવાજ ક્રોધના અતિરેકથી ધ્રુજતો હતો, ‘ મધુ...? કોણ મધુ...? તમે ગાંડા થઇ ગયા છો કે શું...? મારું નામ મધુ નહીં પણ મીનાક્ષી છે. હું તમારા મિત્ર બળવંતની માતા છું...!’
અને જાણે સપનામાંથી ચમકીને જાગ્યો હોય એવો શાનદાર અભિનય કિશોરે કર્યો.
એણે તરત જ મીનાક્ષીને પોતાના આલિંગનમાંથી મૂકત કરી દીધી.
‘ હે ભગવાન...!’ એ મીનાક્ષી સામે જોઇને અત્યંત પશ્ચાત્તાપભર્યા અવાજે બોલ્યો, ‘મે...મેં આ શું કરી નાખ્યું...? મિત્રની મા...એ મારી પણ મા કહેવાય...! મને...મને માફ કરી દો આંટી...! હું તમારી માફી માગું છું...! વાસ્તવમાં વાત એમ છે કે તમારો ચહેરો આબેહૂબ મારી મધુ જેવો છે. હું એના જ વિચારમાં ગુમસુમ થઇ ગયો હતો એટલે જ મારાથી આ ભૂલ થઇ ગઇ છે. શું તમે મને માફ નહીં જ કરો...?’
‘ આ મધુ કોણ છે...?’ મીનાક્ષીએ પોતાનો ક્રોધ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતાં પૂછ્યું.
‘ છે એક...એને હું ખૂબ જ ચાહું છું...! પરંતુ પામી નથી શકતો. એની વાત ઘણી લાંબી છે. ! કિશોરનો અવાજ પૂર્વવત્ રીતે પશ્ચાત્તાપથી ભરપૂર હતો, ‘ પહેલાં તમે મને મારી બદતમીઝી માટે માફ કરી દો નહીં તો...’
‘ તમે જાણીજોઇને તો એમ નથી જ કર્યું એની હવે મને ખાતરી થઇ ચુકી છે.’ કિશોરને બોલતો અટકાવીને વચ્ચેથી જ મીનાક્ષીએ ક્હયું, ‘ એટલે માફ કરું છું બસ ને ?’
‘ બસ, હવે મારા માથા પરથી પહાડ જેવડો બોજો ઊતારી ગયો હોય એવું મને લાગે છે. આ મહેરબાની માટે તમારો ખૂબ ખૂબ આભાર ! જો તમે મને માફ ન કર્યો હોત તો હું કોઇને મોં બતાવવાને લાયક પણ ન રહેત !’
‘ ઠીક છે...ઠીક છે...’ કહેતી કહેતી મીનાક્ષી એક ઘટાદાર વૃક્ષ નજીક બેસી ગઇ. પછી બોલી, ‘ હવે એ વાતને ભૂલી જાઓ. હું ઘણી થાકી ગઇ છું, એટલે જરા આરામ કરી લઉં, પછી આપણે પાછા જઇશું. આ દરમિયાન રાધાઓ પણ ભોજનની તૈયારી કરી રાખી હશે. હું પણ તેને થોડી મદદ કરીશ. હા, હવે તમે તમારી મધુની જ વાત જણાવી દો!’
‘ હમણાં રહેવા દો...!’
‘ કેમ...?’
‘ નાહક જ તમારા મૂડ ઓફ થઇ જશે.’ વાતને ટાળવાના હેતુથી કિશોર બોલ્યો, ‘ ફરી કોઇક વાર સમય મળ્યે જરૂર કહીશ. અત્યારે તો માફ જ કરો.’
‘ ના...મારો મૂડ આવો જ રહેશે.’ મીનાક્ષીએ આગ્રહભર્યા અવાજે કહ્યું, ‘ આવી વાતો વાંચવા-સાંભળવવામાં મને ખૂબ જ રસ છે, માટે સંભળાવી જ નાખો.’
થોડી પળો સુધી ચૂપ રહ્યા બાદ કિશોર કોઇક કલ્પિત વાત કહેવા જતો હતો ત્યાં જ દૂર ગોળી છૂટી હોય એવો અવાજ તેના કાને અથડાયો.
વળતી જ પળે તે એકદમ ચમકયો.
‘ તમે કશું સાંભળ્યું...?’ મીનાક્ષીએ આટલું પૂછીને તે ઉત્તેજનાથી ઊભો થઇ ગયો.
‘ હા, ગોળી છૂટવાનો અવાજ લાગે છે.’ મીનાક્ષીએ ગભરટભર્યા અવાજે બોલી.
‘ સાથે જ કોઇની ચીસ નથી સંભળાઇ ?’
‘ ના...’
‘મારા કાન ક્યારેય મને દગો નથી આપતાં, ક્યાંક બળવંત કે આનંદ ઉપાધિમાં ન મૂકાઇ ગયા હોય...આવો...’
વાત પૂરી કરીને કિશોર પીઠ ફેરવી અને ઝડપથી દોડવા લાગ્યો.
મીનાક્ષીએ અને મધુની વાત એકદમ તેના મગજમાંથી નીકળી ગઇ હતી.
મીનાક્ષી એની સાથે છે અને તેના પર હુમલો થાય એવી શક્યતા છે. એ વાતને પણ તદ્દન ભૂલી ગયો હતો.
એ પૂરી તાકાતથી દોડતો જ રહ્યો.
અને જ્યારે તે ઝરણા પાસે પહોંચ્યો ત્યારે એણે જોયું તો આનંદ લોહીથી ખરડાયેલી રાધાને ઊંચકીને ચાલ્યો આવતો હતો.
‘ આ...આ...શું થયું...?’
‘ કોઇ કે રાધાને ગોળી ઝીંકી દીધી છે...’ આનંદ નંખાઇ ગયેલા અવાજે બોલ્યો, ‘ અલબત્ત, નિશાન મને બનાવવામાં આવ્યો હોય અને તે ચૂકી જવાના કારણે ગોળી રાધાને વાગી હોય એ બનવાજોગ છે !’
કિશોર થોડી પળો સુધી આનંદના હેબતાયેલા ચહેરા સામે તાકી રહ્યો.
‘ હવે તો જોખમો આપણને ચારે તરફથી પોતાની જાળમાં માટે ફરતાં હોય એવું લાગે છે.’ એ ચિંતાતુર અવાજે બોલ્યો.
‘ હું...’ આનંદના ગળામાંથી હૂંકાર નીકળ્યો.
આ દરમિયાન બળવંત પણ ત્યાં આવી પહોંચ્યો હતો.
રાધાનો મૃતદેહ જોઇને એનો ચહેરો ધોળો પૂણી જેવો થઇ ગયો.
ભયને કારણે તે કશું જ બોલ્યા વગર ફાટી આંખે રાધાના મૃતદેહ સામે તાકી રહ્યો.
‘ હે ઇશ્વર...! આ શું થઇ ગયું...ᣃ?’ સહસા મીનાક્ષીના ગળામાંથી ચિત્કાર સરી પડ્યો, ‘ આ ગરીબને કોણે મારી નાખી...? એણે કોઇનું શું બગાડ્યું હતું ᣃ?’
‘ દિનાનાથ સાહેબ તથા માલતીભાભીનો ખૂની પડછાયાની માફક આપણો પીછો કરતો હોય એવું મને લાગે છે.’ આનંદ બોલ્યો, ‘ જે જે પૂરાવાઓ મારફત પોલીસ તેના સુધી પહોંચી શકે છે, એ તમામ પુરાવાઓનનો તેચોકસાઇથી એક પછી એક નાશ કરતો આવે છે. રાધા એ ગુનેગારો વિશે ઘણુ ઘણું જાણતી હતી એમ હું માનું છુ. એ ગુનેગારનો ભેદ મને જણાવવાની તૈયારી કરતી હતી, ત્યાં જ કોઇ કે તેને ગોળી ઝીંકી દીધી.’
‘ છતાં પણ, ગુનેગાર વિશે કંઇક તો કહ્યું જ હશેને એણે...?’ મીનાક્ષી ઉત્સુક અવાજે બોલી, ‘ એના એકાદ-બે વાક્યો જ પોલીસને ગુનેગાર સુધી પહોંચાડી દે એ બનવાજોગ છે.’
‘ તે કશું જ નથી કહી શકીએ જ તો મોટું દુ:ખ છે !’ આનંદના અવાજમાં નિરાશાનો સૂર હતો, ‘ પરંતુ રાધાના ખૂન પરથી એક વાત સ્પષ્ટ થઇ જ ગઇ છે.’
‘ કઇ વાત...?’
‘ એ જ કે આપણા બધા પર જોખમની તલવાર લટકે છે અને આપણે કોઇ પણ પળે માર્યા જઇ શકીએ તેમ છીએ.’
આનંદની વાત સાંભળીને બળવંત તથા મીનાક્ષી પગથી માથા સુધી ધ્રુજી ઊઠ્યા.
‘ હવે...હવે તો સલામત રહેવા માટે આ શહેર છોડવા સિવાય અમારી પાસે બીજો કોઇ જ માર્ગ બાકી નથી રહ્યો. અહીંની પોલીસ અમારું રક્ષણ કરી શકે તેમ નથી.’
‘ મારી સલાહ માનો અને તમે તથા બળવંત અમારી સાથે મુંબઇ જ ચાલો...!’ આનંદે કહ્યું.
મીનાક્ષી આનંદની વાતનો કંઇ જવાબ આપે એ પહેલાં જ એક જાડીયો ઇન્સ્પેક્ટર ચારેક સિપાહીઓ સાથે ત્યાં આવી પહોંચ્યો.
‘ અહીં ગોળી છૂટી છે...!’ એ પોતાના જમણા હાથમાં પકડેલી રૂલને ડાબા હાથની હથેળી પર ટપટપાવતાં બોલ્યો.
ત્યારબાદ એણે જમીન પર પડેલ રાધાના મૃતદેહ તથા આનંદના લોહીથી ખરડાયેલા કપડાં સામે જોયું.
જાણે સમગ્ર બનાવ સમજી ગયો હોય એમ એણે ધીમેથી માથુ હલાવ્યું.
‘ ગોળી માર્યા પછી મૃતદેહને પાસે રાખે એવો કોઇ જ બેવકૂફ ખૂનીને મેં આજ સુધી નથી જોયો...!’ તે આનંદને ઉદ્દેશીને ઊંચા અવાજે બોલ્યો, ‘ તમે ઘણાં જ કાચા ખેલાડી લાગો છો મિસ્ટર...!’
‘ઇન્સ્પેક્ટર સાહેબ...!’ આનંદે કટાક્ષભર્યા અવાજે કહ્યું, ‘ અહીંની પોલીસ ગુનેગાર તો ઠીક, મૃતદેહનો પણ પત્તો નથી મેળવી શકતી એવું મેં સાંભળ્યું છે. એટલે તમારી સરળતા ખાતર મેં મૃતદેહને મારી સાથે જ રાખ્યો છે.’
‘ અહીંની પોલીસ કેવી છે એ તો જ્યારે તમે અંદર પૂરાશો ત્યારે જ ખબર પડશે મિસ્ટર...!’ ઇન્સ્પેક્ટર ગરજતા અવાજે બોલ્યો, ‘ પોલીસની નબળાઇ વિશેના તમારા બધા જ ભમ્ર અંદર પુરાઇ ગયા પછી આપોઆપ જ દૂર થઇ જશે.’ કહીને તે એક સિપાહી તરફ ફર્યો, ‘ પાંડુ...આ સાહેબને અટકમાં લઇ લે...!’
‘ ઇન્સ્પેક્ટર...!’ સહસા મીનાક્ષી કર્કષ અવાજે બોલી, ‘ રાધાનું ખૂન કોઇક બીજાએ જ કર્યું છે છતાં પણ તમે આને શા માટે...’
‘ મને રૂઆબમાં લેવાનો પ્રયાસ નકામો છે મેડમ ! હું તમારા પ્રભાવમાં નથી આવવાનો...!’ ઇન્સ્પેક્ટર વચ્ચેથી જ તેની વાતને કાપી નાખતાં પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘ હું પચ્ચીસ વર્ષથી પોલીસ વિભાગમાં નોકરી કરું છું. કંઇ ઢોર નથી ચારતો સમજ્યા ? હું ચહેરો જોતાં જ ગુનેગારને ઓળખી શકું છું. અને આ માણસ તો ખાનદાની ગુનેગાર લાગે છે.’ કહીને એણે આનંદ તરફ સંકેત કર્યો.
‘ પોલીસ વિભાગમાં તમારા જેવા લાયક માણસ છે. એટલે...’ કિશોર કંઇક કહેવા માંગતો હતો.
પરંતુ ઇન્સ્પેક્ટર હાથ ઊંચો કરીને તેને અટકાવ્યો. પછી તીવ્ર અવાજે કહ્યું, ‘ તમારે વચ્ચે ડફાડા મારવાની જરૂર નથી મિસ્ટર...! તમારા જેવા કેટલાંયને મેં ઠેકાણે લાવી દીધા છે. તમે તો હજુ બાળક છો ! થોડી વાર પછી જ્યારે લોકઅપની ચાર દીવાલો વચ્ચે પધારશો ત્યારે તમારું મગજ એવું સરસ રીતે ઠેકાણે આવી જશે કે તમને દિવસે પણ ચંદ્ર અને તારા દેખાવા માંડશે. પાંડુ, આ બધાને અટકમાં લઇ લે...! આ ખૂન સૌએ એકઠા મળીને ભેગા થઇ એક સંપથી કર્યું હોય એવું મને લાગે છે. પોલીસસ્ટેશને પહોંચતાંની સાથે જ બે-ચાર માણસોને બોલાવીને આ બધાંના ચોકઠાં દેખાડી દેજો જેથી ઓળખરેડ વખતે જુબાનીમાં કોઇ જ ગરબડ ન થઇ શકે...!’
‘ તમારે પસ્તાવું પડશે ઇન્સ્પેક્ટર...!’ મીનાક્ષી ક્રોધથી તમતમતા અવાજે બોલી.
‘ મેડમ...!’ ઇન્સ્પેક્ટરે એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું, ‘ અત્યારે જે સરકારનું રાજ ચાલે છે, તે અંગ્રેજ સરકાર કરતાં પણ વધુ સારી છે. અમને ગમે તે કરવા માટેની સ્વતંત્રતા મળી છે, એટલે પસ્તાવાનો અમને સમય ન નથી મળતો. હા, જો તમે અને તમારા સાથીઓને પસ્તાવું ન હોય તો ચૂપચાપ મારી સાથે પોલીસસ્ટેશને ચાલો...!’
વધી રહેલ ભીડમાં કદાચ ઇન્સ્પેક્ટર અપમાન કરી બેસશે એવો ભય લાગતાં મીનાક્ષી ચૂપ રહી.
તેઓ ચૂપચાપ ઇન્સ્પેક્ટર સાથે આગળ વધ્યા.
ઇન્સ્પેક્ટરે બે સિપાહીઓને ત્યાં જ મૃતદેહ પાસે રહેવાની સૂચના આપી.
પોલીસ ચોકીમાં પહોંચતાં જ આનંદ, કિશોર તથા બળવંતને લોકઅપમાં પૂરી દેવામાં આવ્યા.
બળવંતની મતિ મુંઝાઇ ગઇ હતી. એ કશું જ વિચારી શકતો નહોતો એટલે તેના વિરોધની તો કોઇ શક્યતા નહોતી.
કિશોર તથા આનંદ પણ મૌન રહ્યા, એટલા માટે કે એમને પૂરી ખાતરી હતી કે મીનાક્ષી કોઇપણ હિસાબે સૌને અહીંથી છોડાવશે જ !’
‘ ઇન્સ્પેક્ટર...!’ ટેલિફોનની ડિરેક્ટરીનાં પાનાં ઉથલાવતી મીનાક્ષી બોલી, ‘ શું તમે મને મારા વકીલને ફોન કરવાની રજા આપશો ?’
મીનાક્ષીની લાંબી, કીમતી, વિદેશી કાર જોઇને ઇન્સ્પેક્ટર થોડો પ્રભાવિત જરૂર થઇ ગયો હતો.
‘ એ કાયદાવિરુદ્ધ છે છતાં પણ તમે સ્ત્રી છો એટલે રજા આપું છું. છેવટે એણે કહ્યું, ‘ પરંતુ વકીલને અહીં બોલાવવાથી કશો જ લાભ નહીં થાય એની ખાતરી રાખજો. આ ખૂનનો મામલો છે. અને હાલ તુરત તેમાં જામીન પર કોઇ જ છૂટી શકે તેમ નથી.’
મીનાક્ષી એની વાત પ્રત્યે ધ્યાન આપ્યા વગર ચુપચાપ ફોન કરવા લાગી.
ફોન કરીને એણે ધીમા અવાજે એકાદ-બે મિનિટ સુધી કશુંક કહ્યું પછી રિસીવર મૂકી દીધું.
એના ચહેરા પર રાહતના હાવભાવ છવાઇ ગયા.
અને પંદર મિનિટ પછી જ્યારે રજની સાથે ભગવતી પણ ત્યાં આવી પહોંચ્યો ત્યારે જાડીઓ ઇન્સ્પેક્ટર તો એકદમ હેબતાઇ ને ઊભો જ થઇ ગયો.
ગભરાટના અતિરેકને કારણે તે સરખી રીતે સેલ્યુટ પણ ન કરી શક્યો.
અને એમાંય જ્યારે મીનાક્ષી વિફરેલી વાઘણની માફક ભગવતી પર વીફરી પડી ત્યારે તો એવા રહ્યાસહ્યા હોંશ પણ ઊડી ગયા.
‘ તો આવી જ છે તમારી વ્યવસ્થા એમ ને ?’ મીનાક્ષી જોરથી બરડી, ‘ ધોળે દિવસે મારી કામવાળીનું ખૂન થઇ ગયું અને ખૂનીને પકડવાને બદલે તમારા આ શૂરવીર ઇન્સ્પેક્ટરે જાણે મોટો ગઢ જીતી લીધો હોય એવી અદાથી અમને અહીં પકડી લાવ્યા તથા બળવંત અને તેમાં બંને મિત્રોને લોકઅપમાં પૂરી દીધા.’
‘ શું વાત છે ઇન્સ્પેક્ટ...?’ ભગવતીએ ઇન્સ્પેક્ટરને ઉદ્દેશીને પૂછ્યું:
‘ જી...જી...પેલું ખૂન...’ ઇન્સ્પેક્ટર થોથવાયો.
‘ તમે એને નહીં મને પૂછો...! અસંખ્ય લોકોની સામે તમારા આ બહાદુર ઇન્સ્પેક્ટરે અમારું કેવું ખરાબી રીતે અપમાન કર્યું અને કઇ રીતે અમને અહીં લઇ આવ્યા, તે એને નહીં પણ મને પૂછો...!’ મીનાક્ષીના અવાજમાં કારમો રોષ ગાજતો હતો, ‘ જરા જઇને નજર કરો...એ ત્રણેય છોકરાઓના ચહેરા જુઓ. હું હું તમારા સૌ પર માનહાનિનો દાવો માંડીશ !’
‘ તમારા વિશે મને ઘણી ફરિયાદો મળી છે ઇન્સ્પેક્ટર...!’ ભગવતી ગંભીર અવાજે બોલ્યો, ‘ તમારા દિવસો હવે પૂરા થઇ ગયા હોય એવું મને લાગે છે.’
જાડીયો ઇન્સ્પેક્ટર પરસેવાથી નીતરતો હતો.
એના ચહેરા પર નર્યો ગભરાટ છવાયો હતો.
‘ હવે ઊભા ઊભા મારા મોં સામે શું જુઓ છો ?’ ભગવતી જોરથી બરડયો, ‘ જાઓ...જઇને એ ત્રણેયને પૂરા માન સાથે અહીં લઇ આવો...’
‘ જી, હમણાં જ...’
‘ હું એ લોકો સાથે એકાંતમાં થોડી વાત કરવા માગું છું.’ સહસા રજની બોલી, ‘ ચાલો ઇન્સ્પેક્ટર...! હું પણ તમારી સાથે આવું છું. વાતો કર્યા પછી હું જ એ ત્રણેયને મારી સાથે લઇ આવીશ.’
‘ જી, મેડમ...!’
બંને લોકઅપ તરફ આગળ વધી ગયા.
ભગવતીના અણધાર્યા આગમનથી પોલીસસ્ટેશનમાં સન્નાટો છવાઇ ગયો હતો.
એક એક સિપાહીઓ સાવચેત થઇને તત્પર બની ગયા હતા.
ત્યાં ભેંકાર ચુપકીદી છવાઇ ગઇ હતી.
‘ મારો...મારો જરા પણ વાંક નથી મેડમ...!’ કંપતા હાથે લોકઅપનું તાળુ ઉઘાડતા ઇન્સ્પેક્ટર કરગરતા અવાજે બોલ્યો, ‘ એ લોકો જે સ્થિતિમાં હતા, તે જોઇને કોઇ પણ માનવી મારી માફક જ તેમને ગુનેગાર સમજી બેસે ! ઉપરાંત કાયદાવિરુદ્ધ મેં કશું જ નથી કર્યું.’
‘ તમારા જેવા અક્કલના બારદાઓના કારણે જ પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થઇ ગયું છે ઇન્સ્પેક્ટર !’ રજની કડવા અવાજે બોલી, ‘ તમારી મૂર્ખાઇની સજા જરૂર તમને મળવી જોઇએ.’
આજે પોતાનું આવી બન્યું એવું ઇન્સ્પેક્ટરને લાગ્યુ.
હવે અહીં શા માટે ઊભા છો...? એસ.પી.સાહેબ પાસે જાઓ...!' રજનીએ ક્હયું.
ઇન્સ્પેક્ટર જી...જી...કરતો ચાલ્યો ગયો.
રજની પર નજર પડતાં જ બળવંતનો ચહેરો ખીલી ઊઠ્યો.
કિશોર તથા આનંદના ચહેરા પર પણ સ્મિત ફરકી ગયું.
આનંદ સાથે થોડી વાતો કર્યા પછી રજની જ્યારે એ ત્રણેયની સાથે લોકઅપથી બહાર નીકળી ત્યારે એનો ચહેરો બેહદ ગંભીર હતો.
કિશોર ખૂબ જ પરેશાન હતો.
રાધાના ખૂનથી તે હેબતાઇ ગયો.
બળવંત, મીનાક્ષી ઉપરાંત પોતાનાં તેમજ આનંદના માથા પર પણ મોતનું ચક્કર ફરી રહ્યું છે, એવું તેને લાગતું હતું.
સર દિનાનાથ, માલતી તથા રાધાના ખૂન વિશે વિચારતાં વિચારતાં એનું માથું દુ:ખી આવ્યું.
અચાનક તેને લાગ્યું કે ખૂનના આ બનાવો, આ કુટુંબ સાથે જ સંબંધ ધરાવે છે.
ક્યાંક મીનાક્ષીને કારણે તો આ ખૂન નહીં થાય હોય ને ? એવી શંકા પણ તેને ઉપજી .
મીનાક્ષી તથા તેના પતિ સર દિનાનાથની ઉંમરમાં ઘણો જ તફાવત હતો. આજકાલની યુવતીઓ પોતાના કરતાં બે-ત્રણ વર્ષ મોટી વયનાં માણસો સાથે જ લગ્ન કરે છે.’
તો મીનાક્ષીએ આટલી મોટી વયના દિનાનાથ સાથે માટે લગ્ન કર્યા હશે ?
શું કોઇ લાચારીને કારણે આ લગ્ન કર્યા હશે ?
જો હા, તો એવી કઇ લાચારી હતી ?
કિશોરની વિચારધારા દોડતી હતી.
અને અત્યારે તેના બધા જ વિચારો મીનાક્ષી પર કેન્દ્રિત થયા હતા. એ લગ્ન પહેલાં નાટકમાં કામ કરતી હતી, તેની સૌ કોઇને ખબર હતી. નાટક ફિલ્મોમાં કામ કરતી કલાકાર કેવી હોય છે. એ સૌ કોઇ જાણતું હતું. ઉત્સુક સ્વભાવ, દિલ અને શરીરના નીત નવા ખેલ...અને એ ખેલમાં નવા નવા પાત્રો...!
બનવાજોગ છે કે મીનાક્ષીએ આ ખેલમાં કોઇકની જિંદગીના તમામ સુખચેન હણી લીધા હોય અને એ “કોઇક” જીવતો હોવા છતાંય લાશ જેવી સ્થિતિમાં મૂકાઇ ગયો હોય! અને મીનાક્ષીએ જ્યારે વૃદ્ધ દિનાનાથ સાથે લગ્ન કરી લીધાં ત્યારે આ “કોઇક” પોતાની લૂંટાઇ ગયેલી જિંદગીનું વેર વાળવા માટે મેદાનમાં આવીને મીનાક્ષીના કુટુંબના સભ્યોને એક પછી મોતને ઘાટ ઉતારતો ગયો હોય એ બનવાજોગ હતું.
જરૂર આમ જ હોવું જોઇએ એવી ર્દઢ માન્યતા તેના મનમાં બંધાઇ.
આ બાબતમાં વધુ જાણવા માટે મીનાક્ષીના લગ્ન પહેલાંનો ભૂતકાળ તપાસવો જોઇએ એમ તેને લાગ્યું. એ પછી જ તેની તથા તેના સાવકા પુત્ર બળવંતની જિંદગી બચાવી શકાશે.
કિશોર ખૂબ જ થાકી ગયો હતો.
અને હવે તે વિચારતાં વિચારતાં એનું મન તથા મગજ પણ થાક્યા હતા.
એની પાંપણો ભારે બની ગઇ હતી.
એને સખત ઊંઘ આવતી હતી.
થોડી વારમાં નિદ્રાદેવી તેને ઘેરી વળી.
પછી સહસા અર્ધતંદ્રાવસ્થામાં એણે પોતાના ચહેરા પર ગરમ ગરમ શ્વાસનો સ્પર્શ અનુભવ્યો.
તે એકદમ ચમકી ગયો.
એણે માંડ માંડ, પરાણે પરાણે ઊંઘથી ભારે થઇ ગયેલી પાંપણો થોડી ઉઘાડી.
એક પડછાયાને પોતાના ચહેરા પર નમેલો જોઇને એના દિમાગમાં ખતરાની ઘંટડી રણકી ઊઠી.
ખૂની પોતાના રૂમમાં છે અને હવે તે કોઇપણ પળે હુમલો કરશે એવો વિચાર તેને આવ્યો.
એનું હ્રદય ધબકવા લાગ્યું.
જ્ઞાનનું તુઓ શિથિલ પડતા ગયા.
પરંતુ એણે ઓસરી જતા સાહસને એકઠું કર્યું.
અને એ હજુ તો પડછાયાની ગરદન પર પંજો ઉગામવાનો વિચાર કરતો હતો ત્યાં જ એક અવાજ તેના કાને સંભળાયો, ‘સૂઇ ગયા કે શું...?’
કિશોરની તમામ શંકા નિર્મૂળ થઇ ગઇ.
પરંતુ એથી એની મૂંઝવણ બેવડાઇ.
એ અવાજને તે ઓળખી ગયો હતો.
એ અવાજ મીનાક્ષીનો નહીં પણ મધુનો હતો !
‘ ક્યાંથી ઊંઘ આવે મધુ...?’ એ ધીમા, દુ:ખી અવાજે બોલ્યો, ‘ તારી રાહ જોતાં જોતાં ઊંઘ જ નથી આવતી.’
‘ ઓહ...! ખરેખર...? સાચેસાચ જ તમે મારી રાહ જોતા હતા ?’
‘ હા, મધુ...!’ કિશોરે ભાવુક અવાજે કહ્યું, ‘ હું તારી જ રાહ જોતો હતો.’
‘ બરાબર છે, પણ...’
‘ પણ, શું...?’
‘ તમે મારાથી વધુ રાહ નહીં જોઇ હોય ! અને હવે તો હું ખૂબ જ થાકી ગઇ છું.’ કિશોરના શ્વાસ નજીક આવતી મીનાક્ષી ઊર્ફે મધુ બોલી, ‘ હવે વિયોગની આ હારમાળાને સમાપ્ત કરો અને મને તૂટી જતી બચાવી લો...! હવે...હવે હું વધુ રાહ જોઇ શકું તેમ નથી.’
કિશોરની મુંઝવણ વધતી જતી હતી.
સહસા તેને યાદ આવ્યું કે દિવસના સમયે પીકનીક પર પોતે ઇરાદાપૂર્વક જ જ્યારે મીનાક્ષીએ આલિંગનમાં જકડી હતી ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઇ ગઇ હતી અને ક્રોધની સાથે સાથે તેની આંખોમાં પોતાના પ્રત્યે નફરતના હાવભાવ છવાઇ ગયા હતા.
અને હવે એ જ મીનાક્ષી રાતના સમયે પોતના રૂમમાં પોતાની મેળે જ આલિંગનમાં જકડાઇ જવા માટે આવી છે.
બે મિનાક્ષી...!
એક દિવસની...!
બીજી રાતની...!
રાત ઔર દિન...!
કોણ સાચું છે...?
આ બંનેમાં મીનાક્ષી કોણ છે...?
‘ હા...હું...હું પણ એમ જ ઇચ્છું છું મધુ...!’કિશોર બોલ્યો, ‘ મારાથી પણ હવે વધુ રાહ જોઇ શકાય તેમ નથી...’
‘ તો આવો...વિયોગની આ ઘડીઓને વિદાય કરીને આપણે એકમેકમાં ખોવાઇ જઇએ !’
‘ આવી જા...’ કિશોરે સૂતાં સૂતાં જ બંને હાથ પહોળાં કર્યા.
‘ ના...અહીં નહીં...! અહીં તો કોઇ પણ આવી ચડે તેમ છે. તે દિવસે પણ પણ કોઇક આવી ચડ્યું હતું’ મીનાક્ષી બોલી, ‘ ચાલો બહાર ચાંદનીમાં જઇએ. આપણે અત્યારે ત્યાં હોઇશું એવી તો કોઇને કલ્પના પણ નહીં આવે!’
‘ એ વધુ સારું છે. અહીં હું તારો ચહેરો પણ બરાબર નથી જોઇ શકતો. ત્યાં ચાંદનીમાં તારા ખૂબસૂરત ચહેરાનું ધરાઇ ધરાઇને પાન કરીશ. ચાલ...’
અને મીનાક્ષીનો હાથ પકડીને તે ઊભો થયો.
‘ પહેલાં તું જ જા...! કિશોર બોલ્યો, ‘ આપણને એક સાથે બહાર નીકળતાં કોઇક જોઇ જશે તો ફરીથી આપણે જુદા થવાનો વખત આવશે.’
‘ તમે સાચું કહો છો...પરંતુ વધુ રાહ જોવડાવશો નહીં... જલ્દી આવજો...’
‘ બસ, એકાદ મિનિટમાં જ આવી પહોંચુ છુ.’
મીનાક્ષી બહાર નીકળી ગઇ.
પાંચેક મિનિટ પછી કિશોર પણ તેની પાસે પહોંચી ગયો.
‘ બહુ મોડુ કર્યું...!’
‘ કોઇકની ઊંઘ ઊડી ગઇ છે, એવો આભાસ થતાં હું રોકાઇ ગયો હતો.’ કિશોર બોલ્યો.
‘ વારૂ, ચાલો...’ મીનાક્ષીનો તેનો હાથ પકડયો.
કિશોરે તેની સામે જોયુ, દૂધ જેવી સજ્જ સફેદ સાડીમાં સજ્જ થયેલી મીનાક્ષી એકદમ અપ્સરા જેવી લાગતી હતી. એની આંખોમાં ઉલ્લાસભરી જિંદગીની ચમક હતી અને ચહેરો પણ ઓજસભર્યો હતો. એની ચાલમાં માદકતા હતી.
કિશોરની મુંઝવણ વધતી જતી હતી.
છેવટે આ મીનાક્ષી કોણ છે...? આ બધું શું છે...! કર્યું રહસ્ય છે તેનામાં...?
બંને બંગલાના પાછળના ભાગમાં પહોંચ્યા.
પરંતુ ત્યાં પહોંચતા જ એક અણધાર્યો બનાવ બની ગયો.
અચાનક કોણ જાણે ક્રોધથી થોડા માણસો ભૂતના ઓળાની જેમ ફૂટી નીકળીને તેમના પર તૂટી પડ્યા.
કિશોરે પડતાં પડતાં જોયું તો એક માણસ મીનાક્ષીના મોંએ ડૂચો દેતો હતો. મીનાક્ષીના કંઠમાંથી બહાર નીકળવા મથતી ચીસ ગળામાં જ રૂંધાઇ ગઇ છે એવું તેને લાગ્યું.
એ સ્ફૂર્તિથી જમીન પરથી ઊભો થઇને ત્યાં ઘસી ગયો અને મીનાક્ષીનો પકડી રાખેલા માણસ પર તૂટી પડ્યો.
સહસા તેના માથાના પાછળના ભાગ પર કોઇકે વજનદાર વસ્તુનો ફટકો ઝીંકાયો.
એના મોંમાંથી ચીસ નીકળીને શાંત વાતાવરણમાં પડધો પાડતી ગુંજી ઊઠી.
વળતી જ પળે એ ત્યાં જ ઢગલો થઇ ગયો.
બળવંતના ગભરાયેલા, ભયભીત મનને હળવું કરવા માટે આનંદ તેના રૂમમાં આવ્યો હતો. તેઓ વાતો કરતાં હતાં ત્યાં જ વાતાવરણને ધ્રુજાવતી કોઇકની ચીસ તેમના કાને અથડાઇ.
બંનેએ અર્થસૂચક નજરે એકબીજાની સામે જોયું.
અને પછી આનંદ એકદમ ઉછળીને ઊભો થઇ ગયો. એક હાથમાં ટોર્ચ અને બીજા હાથમાં રિર્વોલ્વર લઇને તે બહાર દોડી ગયો.
એ ચીસથી બળવંતનો ભય વધી ગયો હતો છતાંય તે ઉતાવળા પગલે આનંદની પાછળ જવા લાગ્યો.
બધા નોકર-ચાકર પણ ઊઠીને બંગલાના પાછળ ભાગમાં પહોંચી ગયા હતા.
પરંતુ ત્યાં સન્નાટા સિવાય કશું જ નહોતું:
કિશોર તથા મીનાક્ષી પર હુમલો થયો હતો, એ સ્થળે લોહીના તાજા ડાઘ દેખાતા હતા.
‘ અહીં હમણાં જ કેટલાક માણસોએ કોઇક પર હુમલો કર્યો હોય એવું લાગે છે.’ ટોર્ચના પ્રકાશમાં આમતેમ નજર દોડાવ્યા પછી આનંદ ચિંતાતુર અવાજે બોલ્યો, ‘ પરંતુ એટલી વારમાં તેઓ ક્યાં ગુમ થઇ ગયા...? ક્યાંક કિશોર પર તો...’
એ પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં જ બળવંતે નીચા નમીને જમીન પરથી કોઇક વસ્તુ ઊંચકતા કહ્યું, ‘ આ ડાયરીમાં અહીં પડી હતી. જુઓ તો કોની છે ?’
‘ અરે...આ તો કિશોરની છે...!’ આનંદ ડાયરીનું નિરીક્ષણ કરતાં બોલ્યો, ‘ જરૂર તેના પર જ હુમલો થયો છે પરંતુ તે આટલી મોડી રાત્રે અહીં શા માટે આવ્યો હશે અને તેને...’
આ વખતે તેની વાતે એક નોકરના વચ્ચે બોલવાથી તૂટી ગઇ, ‘ સાહેબ, આ સેન્ડલ અહીં પડ્યું હતું અને તે મીનાક્ષી મેમસા’બનું લાગે છે. બંગડીના તૂટેલા કાચ પણ પડ્યા છે.’
‘ ઓહ...આ તો ઘણું ખોટું થયું. ગુનેગારો કિશોર તથા મીનાક્ષી આંટીને ઘાયલ કરીને ઉઠાવી ગયા લાગે છે. પરંતુ તેઓ હજુ બહુ દૂર નહીં ગયા હોય !’ આનંદ બોલ્યો, ‘મિસ્ટર બળવંત, તમે તાબડતોબ એસ.પી. ભગવતીને ફોનથી આ બનાવની જાણ કરી દો. એ દરમિયાન હું આ લોકો સામે બદમાશોની તપાસ કરું છું. બનવાજોગ છે કે તેઓ આટલામાં જ ક્યાંક છૂપાયા હોય !’
બળવંત દોડતો દોડતો બંગલામાં પહોંચ્યો.
એણે ધ્રુજતા હાથે રિસિવર ઊંચકીને ભગવતીને આ બનાવની જાણ કરી.
ત્યારબાદ એણે કંઇક વિચારીને રજનીને પણ ફોન કરી દીધો.
જવાબમાં રજનીએ પોતે થોડી વારમાં જ આવે છે એવું જણાવ્યું.
બળવંતે રિસિવર મૂક્યું ત્યારે એનો ચહેરો ભયથી પીળો પડી ગયો હતો.
રહી રહીને એની આંખો સામે અંધકાર છવાતો જતો હતો.


***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Suresh 2 અઠવાડિયા પહેલા

Verified icon

dayaljikacha624@gmail.com 4 અઠવાડિયા પહેલા

Verified icon

Jyotika Thakkar 1 માસ પહેલા

Verified icon

Karnelius Christian 3 માસ પહેલા

Verified icon

Gopi 3 માસ પહેલા

શેર કરો