ભેદ - - 10

ભેદ

કનુ ભગદેવ

(10) વિચારવમળ...!

કિશોર ભાનમાં આવ્યો ત્યારે એણે પોતાની જાતને એક આરામદાયક પલંગ પર પડેલી જોઈ.
એણે સૂતાં સૂતાં જ જ્યાં સુધી પહોંચી, ત્યાં સુધી નજર દોડાવી.
એણે જે જોયું, એનાથી તેના અચરજનો પાર ન રહ્યો.
એ એક શાનદાર પલંગ પર મલમલ જેવા નરમ અને મુલામય ગાદલા પર સૂતો હતો.
અંદરના ભાગમાં ગુલાબી છત પર નકશીકામ કરેલું હતું.
ગોળ અને ખૂબસૂરત કુદરતી દશ્યોવાળી સુંદર છબીઓ દીવાલ પર લટકતી હતી.
ત્રણ દીવાલો પર બારીઓ હતી અને દરેક બારી પર સુંદર પડદા લગાડેલા હતા.
સામે એક મોટો દરવાજો હતો. જે અત્યારે બંધ હતો.
દરવાજા પર પણ પડદો લટકતો હતો.
હવાના સપાટાથી પડદા આમથી તેમ ઝુલતા હતા.
કિશોરે ચમકીને પોતાની આંખો મસળી.
પછી એના હાથ આપોઆપ જ પોતાના મસ્તક પર પાછળના ભાગ પર ગયો.
ત્યાં એક ગોળ સોપારી જેવું ઢીમચું ઊપસી આવ્યું હતું.
એને હાથ લગાડતાં જ તેના મોંમાંથી વેદનાભર્યો ચિત્કાર સરી પડ્યો.
એ પાછો તકીયા પર માથું ગોઠવીને સૂઈ ગયો.
થોડી વાર પછી એની પીડા ઓછી થતી ગઈ.
ધીમે ધીમે તેને બધું યાદ આવવા લાગ્યું.
મીનાક્ષીનું તેના રૂમમાં આવીને મધુના રૂપમાં પ્રેમ જાહેર કરવો...! મીનાક્ષીની જ સલાહથી તેની સાથે બગીચામાં ચાંદનીના પ્રકાશમાં ફરવા નીકળવું...એને છેવટે એક વૃક્ષ પાસે તેના પર અચાનક હુમલો થયો...જની યાદગીરી રૂપે આ ઢીમચું આવ્યું હતું.
અને પછી શું થયું એ તેને બિલકુલ યાદ ન આવ્યું.
ત્યારબાદ એ અત્યારે જ ભાનમાં આવ્યો હતો.
પણ...પણ આ સ્થળ ક્યું છે...?
એ વિચારમાં ડૂબી ગયો.
એક વાત તો ચોક્કસ જ હતી કે મીનાક્ષી પર પણ હુમલો થયો હતો.
બેભાન થતાં પહેલાં એણે મીનાક્ષીની ચીસો પણ સાંભળી હતી.
એને મીનાક્ષીની ફિકર થવા લાગી.
એ ક્યાં ને કેવી હાલતમાં હશે?
ક્યાંક હુમલોખોરોએ દિનાનાથ અને માલતીની માફક એનું પણ ખૂન તો નહીં કરી નાખ્યું હોય ને?
એના હ્લદયમાં શૂળ ભોંકવા લાગી.
એ પલંગ પરથી નીચે ઉતરવાનો વિચાર કરતો હતો ત્યાં જ દરવાજા પાસેથી એક નરમ, કોમળ સ્ત્રીસ્વર તેના કાને અથડાયોઃ
‘આપના ઊંઘ ઊડી ગઈ...?’
એણે ચમકીને દરવાજા તરફ જોયું.
ત્યાં એક બેહદ લાવણ્યમયી અને ખૂબસૂરત યુવતી ઊભી હતી.
કિશોર ચૂપચાપ એકીટશે એ યુવતી સામે તાકી રહ્યો.
પોતે ક્યાં છે અને આ ખૂબસૂરત યુવતી કોણ છે, એ તેને નહોતું સમજાતું.
‘આપની તબિયત હવે કેવી છે અને હા...ઊંઘ તો સરસ સરખી રીતે આવી હતી ને...?’ કે પછી કંઈ તકલીફ પડી હતી?’ એ યુવતીએ ત્યાં જ ઊભા રહીને પૂછ્યું.
‘ના...કંઈ તકલીફ નથી પડી...સરસ ઊંઘ આવી હતી...!’ કિશોર પલંગ પર બેઠો થઈને ખમચાતા અવાજે બોલ્યો.
‘અરે...આવો જુલમ ન કરો...સૂતાં જ રહો નહીં તો પીડા વધી જશે. મેં હમણાં જ પીડીને કારણે આપના મોંમાથી નીકળેલો ચિત્કાર સાંભળ્યો હતો.’ કહીને તે અંદર પ્રવેશીને પલંગ પાસે આવી.
ત્યારબાદ એણે કિશોરને સૂવડાવી દીધો.
‘હું ક્યાં છું...? આ જગ્યા કઈ છે...?’ કિશોરે ગભરાતા અવાજે પૂછ્યું.
‘આપ કશી યે ફિકર ન કરો...! આપ આપના મિત્રોની વચ્ચે જ છો! હમણાં ડોક્ટર સાહેબ આવીની આપના માથા પર થયેલા ઝખમનું ડ્રેસિંગ કરી આપશે. ત્યાં સુધીમાં હું આપને માટે થોડું ગરમ ગરમ દૂધ લઈ આવું.
અને કિશોરને કંઈ બોલવાની તક આપ્યા વગર જ એ યુવતી ત્યાંથી ચાલી ગઈ.
કિશોર આશ્વર્યચક્તિ નજરે પોતાની આજુબાજુના વાતાવરણનું નિરીક્ષણ કરવા લાગ્યો. આ વાતાવરણ એણે અગાઉ માત્ર ફિલ્મોમાં જ જોયું હતું. આ એક જ રૂમમાં સામાનના રૂપમાં જ ધન પડ્યું હતું, એટલું ધન રોકડના રૂપમાં મળે તો, આ રકમની સલામતી માટે કોઈક બેંકની ફિકર કરવી પડે તેમ હતી.
અલબત્ત, પોતાને હુમલાખોરોએ કેદ કરી લીધો છે, ેટલું તો તે જરૂર સમજી ગયો હતો. આ કેદખાનામાં તેના આરામ અને મનોરંજન માટે ખૂબ જ ચીવટ રાખવામાં આવે છે, એ વાત પણ તેને સમજાઈ ગઈ હતી.
પણ શા માટે...? એ તેને નહોતું સમજાતું. મોટે ભાગે કેદ કરેલા માણસ પ્રત્યે આવી વર્તણુંક દાખવવામાં નથી આવતી. તો પછી પોતાની સાથે આવું વર્તન શા માટે દાખવામાં આવ છે?
સાથે જ એક બીજો સવાલ પણ તેને અકળાવતો હતો.
હુમલાખોરોએ મીનાક્ષીનું શું કર્યું?
જો એ લોકોએ મીનાક્ષીનું ખૂન ન કર્યું હોય તો તેને પણ પોતાની જેમ જ કોઈક સ્થળે કેદ કરી રાખવામાં આવી હશે.
જો તેને કેદ કરવામાં જ આવી હોય તો કઈ જગ્યાએ? અહીં જ કે પછી બીજે ક્યાંય...?
જો અહીં રાખવામાં આવી હોય તો તે દેખાતી કેમ નથી?
કિશોર ખૂબ જ વ્યાકુળ બની ગયો.
પછી તેને બળવંત તથા આનંદ યાદ આવ્યા.
કોણ જાણે એ લોકોની શું હાલત હશે?
પોતાને તથા મીનાક્ષીને શોધવા માટે આનંદે શું પગલાં ભર્યાં હશે?
શું તે આ સ્થળે કોઈ દિવસ પહોંચી શકશે ખરો...?
શું પોતે આ કેદમાંથી છૂટકારો મેળવી શકશે ખરો...?
પછી એની નજર પોતાનાં વસ્ત્રો પર ગઈ. એનો વસ્ત્રો બદલી નાખવામાં આવ્યાં હતાં. જૂના સામાનના રૂમમાં અત્યારે ફક્ત તેની કાંડાઘડિયાળ જ બાકી રહી હતી.
ઘડિયાળ બચી ગયેલી જોઈને એણે રાહતનો દમ ખેંચ્યો. એના હોઠ પર હળવું સ્મિત ફરકી ગયું.
‘સાહેબ...આપ હાથ-મોં ધોઈ લો...! હું દૂધ લઈ આવી છું...!’ ફરીખી પેલો અવાજ સંભળાયો.
કિશોરની વિચારધારા તૂટી. તે એ યુવતી સામે જોવા લાગ્યો.
એ યુવતી તેની એકદમ નજીક ઊભી હતી.
‘હાથ-મોં...? હા...પણ...પહેલાં હું જરા બાથરૂમ....’ કહેતાં કહેતાં કિશોર અટકી ગયો.
‘ઓહ...ભૂલ માટે માફી માગું છું. એ વાતનું મને ધ્યાન જ ન રહ્યું. મારે પહેલાં જ વિચારવું જોઈતું હતું. ‘એ યુવતીએ પશ્વાતાપભર્યાં અવાજે કહ્યું, પછી પીઠ ફેરવીને સહેજ ઊંચા અવાજે બોલી, ‘અરે, શકીના...સાહેબને જરા બાથરૂમનો રસ્તો બતાવ...! તેમને પરથી જરા પણ નજર ખસેડીશ નહીં...! તેઓ હજુ ઘણા કમજોર છે.’
‘તમે બેફિકર રહો...! હું બરાબર ધ્યાન આપીશ...!’ તેની બરાબર થોડે દૂર ઊભેલી બીજી યુવતી બોલી.
એ યુવતી પર અત્યાર સુધી કિશોરની નજર પડી ન જ નહોતી.
એ તરત જ કિશોર પાસે આવીને ઊભી રહી.
એ કિશોરનો હાથ પકડીને તેને બાથરૂમમાં લઈ ગઈ. બાથરૂમ ઘણું સુંદર હતું. આરસપહાણની જમીન...બાથટબ...ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા...માણસના કદ જેવડો છ ફૂટનો અરીસો...જાતજાતના સુગંધિત સાબુ... શેમ્પુ... તેલ... અત્તર... ક્રીમ... પાવડર... રેશમના ચાર-પાંચ ટુવાલો...!
કિશોર એકાએક ચીજવસ્તુઓ સામે આશ્વર્યથી તાકી રહ્યો. આશ્વર્યમાં તે આંખ ઉઘડી, એ પળથી જ તે જ ડૂબેલો હતો.
પોતે કેદમાં છે, એ સમજવામાં તો કોઈ કાળે એણે ભૂલ નહોતી કરી. પરંતુ કોની કેદમાં છે, એ તેને નહોતું સમજાતું.
પોતાને આટલો આરામથી શા માટે રાખવામાં આવે છે, એ પણ તેને નહોતું સમજાતું.
તે અત્યાર સુધી મીનાક્ષીને જોઈ શક્યો નહોતો. એની પમ તેને ચિંતા થતી હતી.
રહી રહીને એના મનમાં શંકા જાગતી હતી કે ક્યાંક મીનાક્ષીનું ખૂન તો નહીં કરી નાખવામાં આવ્યું હોય ને? પરંતુ આ શંકાને તે તરત જ પોતાના મનમાં કાઢી નાખતો હતો.
એ બાથરૂમનું નિરીક્ષણ કરવા લાગ્યો. દરવાજો બંધ થઈ ગયો હતો અને હવે બહારનો જરા પણ અવાજ અંદર નહોતો આવતો.
બીજી તરફ એક વેન્ટીલેશન હતું પણ તે ઘણું ઊંચું હતું. અને તેમાં લોખંડના સળીયા ફીટ કરવામાં આવ્યા હતાં.
પોતે ક્યાં કેદ છે અને તેની આજુબાજુમાં શું છે અને અહીંથી નાસી છૂટવાનું શક્ય છે કે નહીં, એ બધુ જાણવા માટે વેન્ટીલેશન સુધી પહોંચવું જરૂરી હતું.
એ માંડમાંડ વેન્ટીલેશન સુધી પહોંચ્યો.
પરંતુ બહાર નજર કરતાં જ એ નિરાશ થઈ ગયો.
એ મકાન ઊંચા પહાડ ઉપર બનાવવામાં આવેલું હતું અને નીચેના ભાગમાં સમુદ્ર ઘૂઘવતો હતો.
વેન્ટીલેશનના સળીયા કાપવામાં સફળતા મળે તો પણ કંઈ લાભ થાય તેમ નહોતું, કારણ કે બહારના પહાડ ઉપર એ કોઈ કાળે સ્થિર ઊભો રહી તેવી શક્યતા નહોતી.
એ નીચે ઉતરીને એક ખૂણામાં ગયો.
એણે પોતાની કાંડાઘડિયાળની ઉપરનો કાચ એક તરફ સરકાવી નાખ્યા.
ત્યારબાદ ધીમો ઘરઘરાટીનો અવાજ આવતાં જ એ ઘડિયાળને હોઠ પાસે લઈ ગયો.
કહેવાની જરૂર નથી કે ઘડિયાળ ટ્રાન્સમીટરયુક્ત હતી.
***
એક મોટા રૂમમાં આછું અજવાળું પથરાયેલું હતું.
કિશોર આરામદાયક પલંગ પર ચૂપચાપ પડ્યો હતો.
એની નજર શૂન્યમાં ભટકતી હતી.
અચાનક એણે પોતાના ચહેરા પર કોઈકનો ગરમ શ્વાસ અથડાતો અનુભવ થયો.
‘સોનાના આ પીંજરામાં પણ તું મારી સાથે છો...!’ ચાંદીની ઘંટડી જેવો મુલાયમ સ્ત્રીવર તેને સંભળાયો, ‘ઓહ...તમને જોઈ ને હું કેટલી ખુશ થઈ છું. હવે...હવે મને જરા પણ ચિંતા નથી...કોઈ વાતનું દુઃખ નથી...!’
એ જ ચિરપરિચિત નશીલી આંખો અને પ્રેમભર્યો ગુલાબી સ્મિત ફરકાવતો ચહેરો..!
‘ઓહ...મધુ...તું...? પણ તું...?’ કિશોર ચમકીને પલંગ પર બેઠો થઈ ગયો.
‘હા...હું તમારી મધુ...!’ કેટલા દિવસોથી તમને નહોતા જોયા એટલે હું અધમૂઈ જેવી થઈ ગઈ હતી...!’ મીનાક્ષી ઊર્ફે મધુ તેની પાસે બેસતાં બોલી, ‘પણ...પણ હવે હું જીવી ગઈ છું. અને જીવતી જ રહીશ...!’
‘મને પણ તારી ખૂબ જ ચિંતા થતી હતી હવે...’
‘મારા વગર તમારી હાલ, કેવી થશે એ હું જાણતી જ હતી!’ મધુ એના ખભા પર માથું મૂક્તાં બોલી, ‘પણ હવે...હવે કંઈ જ નહીં થાય...! નહીં તમને કે નહીં મને....!’
‘હા, મધુ...હવે કશું જ નહીં થાય...!’ કિશોરે કહ્યું, ‘પણ...પમ આપણે ક્યાં છીએ...? હુમલાખોરોએ આપણને ક્યાં કેદ કરી રાખ્યા છે...?’
‘એ તો હું નથી જાણતી...! મારે જાણવું પણ નથી. તમે મારી સાથે છો, એટલું જ મારે માટે પૂરતું છે. મારું સ્વર્ગ તમારી પાસે જ છે...! તમને બહુ વાગ્યું તો નથીને?’
‘માથામાં વાગ્યું છે...!’
‘બહુ પીડા થાય છે....?’
‘હા...ખેર, તને તો ક્યાંય નથી વાગ્યું ને ? એ વખતે મેં મારી પણ ચીસ સાંભળી હતી.’
‘મને પણ માથામાં વાગ્યું હતું. પરંતુ હવે સારું છે.’ મીનાક્ષી બોલી, ‘તમે ખોટી ચિંતા કરશો નહીં!’
‘કાશ...જો હું એ કમજાતોને જોઈ શક્યો હોત તો ચોક્કસ જ તેમને મારી નાખત...! કિશોરના અવાજમાં ક્રોધનો સૂર હતો.
‘અરે...આવી હલકી વાત...?’ મીનાક્ષીએ એના હોઠ પર આંગળી મૂક્તાં કહ્યું.
‘આ હલકી વાતો છે...?’
‘હા...’
‘કેવી રીતે...?’
‘આપણા મિત્રોને આમ ગાળો ન અપાય!’
‘આ તું શું કહે છે મધુ...?’
‘હું સાચું જ કહું છે...!’
‘પરંતુ આપણા પર હુમલો કરનારા, આપણને કેદ રાખનારાઓને તું મિત્ર માને છે?’
‘હા...શંકાશીલ જમાનાથી દૂર આપણે આવા સરસ આરામગૃહમાં પહોંચાજનારા આપણા દુશ્નો કેવી રીતે હોઈ શકે?’ કહીને મીનાક્ષીએ સ્મિત ફરકાવ્યું.
‘પણ તેઓ કોણ છે? મધુ...આપણને આમ કેદીની હાલતમાં રાખવા પાછળ તેમનો હેતુ સારો નહીં હોય, એ તો સ્પષ્ટ છે!’
આવી નકામી વાતો વિચારવા પાછળ નાહક જ ભેજાનું દહીં ન કરો! હું પણ આ બાબતમાં કશું જ નથી વિચારતી. હું ઊલટું ખૂબ જ ખુશ છું...!’
‘કેમ...?’
‘એટલા માટે કે આપણી વચ્ચે કોઈ ન આવી શકે એવી જગ્યાએ આપણને રાખવામાં આવ્યા છે.’ મીનાક્ષી હસીને બોલી, ‘તમને પામવા માટે હું વરસોથી તરફડતી હતી. હવે મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. પ્લીઝ...કશું જ બોલશો નહીં...! ચૂપ જ રહેજો...! આ એકાંત અને ચૂપકીદી ખૂબ જ સારી લાગે છે!’
વળતી જ પળે મીનાક્ષીના બંને હાથ કિશોરની ગરદન ફરતાં વીંટળાઈ ગયા.
એ તેની એકદમ નજીક સરકી આવી.
કિશોર ફરીથી મુંઝવણમાં મૂકાઈ ગયો.
આ બધો અને મધુનું શું રહસ્ય છે?
શું અત્યારે પોતાની પાસે જ મીનાક્ષી બેઠી છે, તે ખરેખર મીનાક્ષી જ છે?
કે પછી આ સપનું છે...?
‘મારી સામે આમ ડોળા તતડાવીને ન જુઓ...!’ મીનાક્ષી પોતાના થરથરતા હોઠ કિશોરના ચહેરા પાસે લાવતાં બોલી, ‘હું તારી મધુ જ છું. એમાં શંકા નથી. આ એક હકીકત છે.’
કિશોરને વર્ષો પહેલાં પોતે જોયેલી એક ફિલ્મ યાદ આવી ગઈ.
મીનાકુમારીના ભૂતપૂર્વ પતિ કમાલ અમરોહીની ફિલ્મ ‘મહલ’માં મધુમાલા પણ અશોકકુમારને આમ જ કહેતી હતી-- ‘મેં વહમ નહીં, હકીકત હું..’
કિશોરના મગજમાં તીવ્ર ઝણઝણાટી વ્યાપી ગઈ.
પરંતુ એણે પોતાની જાતને બેભાન ન થવા દીધી.
સાચી હકીકત જાણવા માટે એણે મીનાક્ષીને પોતાના આલિંગનમાં જકડી લીધી.
સહસા મીનાક્ષીનો દેહ સૂકા પાંદડાની જેમ થરથરવા લાગ્યો.
એનું શરીર ઢીલું પડી ગયું. કિશોરે જોયું તો એ બેભાન થઈ ગઈ હતી.
***
છેલ્લા થોડા દિવસોમાં કિશોર જેટલો પરેશાન થયો હતો, એટલો તેની જિંદગીમાં ક્યારેય નહોતો થયો.
કોઈએ તેને મીનાક્ષી જેટલો હેરાન નહોતો કર્યો.
મીનાક્ષી વાસ્તવમાં શું છે એ જ તેને નહોતું સમજાતું.
જ્યારે એ મધુના રૂપમાં તેની સામે આવતી, પોતાની જાત સોંપવા માટે આકુળ-વ્યાકુળ દેખાતી.
એ વખતે એના ચહેરા પર કંઈક જુદો જ રંગ દેખાતો અને એના અવાજમાં એટલી મદહોશી રહેતી કે સાંભળનાર બેભાન જ થઈ જાય...!
પરંતુ મધુના રૂપમાં મીનાક્ષી વધુ સમય ન રહી શકતી. એ પછી જ્યારે મીનાક્ષીના રૂપમાં આવતી, ત્યારે તેના મનને એક નવો આઘાત આપતી--એટલા માટે કે એ તેના ચહેરાને ગમગીન હાલતમાં વધુ વખત નહોતો જોઈ શકતો.
અંગ્રેજોનું શાસન આવ્યું પહેલાં નવાબો જેવા મહેલમાં કોણ જાણે કેટલાય દિવસોની કેદ પછી રાતના મીનાક્ષી પહેલી વખત જ આવી હતી.
અભિસારીકાનું રૂપ...વાસનાના જ્વરથી કાંપતા-તપતા શરીર અને સ્વર...!
--અને એ જ્યારે એના હાથમાં જ બેભાન થઈ ગઈ હતી, ત્યારે ખૂબસૂરત સેવિકાઓ તેને તેના રૂપમાં લઈ ગઈ હતી.
કિશોરની એ આખી રાત મીનાક્ષીના વિચારમાં જ પસાર થઈ હતી.
વચ્ચે વચ્ચે તેને બળવંત તથા આનંદ પણ યાદ આવ્યા ત્યારે એને ઘણી વેદના થઈ હતી.
કોણ જાણે એ લોકોની શું હાલત થશે?
પોતાનો આ કેદમાંથી છૂટકારો થશે કે નહીં, એની પણ તેને ખબર નહોતી.
આનંદ કે બીજા કોઈને આ સ્થળનો પત્તો મળશે કે ેકમ એ પણ તે નહોતો જાણતો.
‘સાહેબ...ચા-નાસ્તો...’ અચાનક તેના કાને ફરીથી પેલો મીઠ મધુરો અવાજ અથડાયો.
એણે પીઠ ફેરવીને જોયું.
સવારે આવી હતી, એ જ ખૂબસુરત યુવતી સ્મિત ફરકાવતી ઊભી હતી.
એના હાથમાં ટ્રે જકડાયેલી હતી.
‘મૂકી દો...!’ કિશોર ભાવહીન- ઠંડા અવાજે કહ્યું.
એ યુવતીએ નકશીદાર ટેબલ પર ટ્રે મૂકી દીધી.
ત્યારબાદ કશુંક કહેવા માટે એણે હેઠ ફફડાવ્યા, ત્યાં જ સહસા દરવાજા તરફથી એક ક્રોધસભર, તીખો, કર્કશ અવાજ ગુંજી ઊઠ્યો.
‘દૂર ખસ...મારા માર્ગમાંથી દૂર ખસી જા...’
કિશોર ચમકીને દરવાજા તરફ જોયું તો શકીના મીનાક્ષીને અંદર અટકાવતી હતી.
એ બંને બહાર ચાલી ગઈ.
વળતી જ પળે મીનાક્ષી ધુંવાફૂંવા થતી અંદર ધસી આવી.
‘તું... તું... તારા ગંદા હેતુમાં ક્યારેય સફળ નહીં થઈ શકે!’ એ કિશોરને ઉદ્દેશીને ક્રોધથી તમતમતા અવાજે બોલી, ‘કેદ કરીને તેમ લોકો મને લાચાર બનાવી શકશો એવા ભ્રમમાં રાચશો નહીં... તું...તારા જેવા માણસ મારા શરીરનો સ્પર્શ સુદ્ધાં નહીં કરી શકે સમજ્યા?’
કિશોરે મીનાક્ષી સામે જોયું.
એના હાથમાં એક કવર જકડાયેલું હતું અને ખભા પર કેમેરો લટકતો હતો.
અત્યારે પોતાની સામે મધુ નહીં પણ મીનાક્ષી ઊભી છે, એવું તેને લાગ્યું.
‘શું...શું...કહ્યું તેં...?’ એ હેબતાયેલા અવાજે બોલ્યો.
‘એ જ કે મને કેદ કરીને તું તારો મલિન હેતુ પાર નહીં પાડી શકે!’ મીનાક્ષી વીફરેલી અવાજે બોલી.
‘મેં તને કેદ કરી છે...?’
‘નથી કરી....?’
‘ના...મેં તને કેદ નથી કરી...! હું પોતે પણ ઊલટું કેદમાં જ છું તો તને કેદ કરવાનો સવાલ જ ક્યાં ઊભો થાય છે?’
‘નીચ...કમજાત...હું તને બરાબર રીતે ઓળખી ગઈ છું...! તારા મલિન હેતુની પણ મને ખબર પડી ગઈ છે. તેં મને અહીં કેદ કરીને મારા પર ચોકી પહેરો ગોઠવી દીધો છે એટલે હું બહાર પણ નથી નીકળી શકતી.’ મીનાક્ષી પૂર્વવત્ રીતે કાળઝાળ રોષથી બોલી, ‘પરંતુ એનો અર્થ એવો નથી કે હું કમજોર બની ગઈ છું અને તારા પાપનો શિકાર બની જઈશ. આવું કંઈ બનશે એ પહેલાં હું મારો જીવ આપી દઈશ. તું મારા મૃતદેહને અડકી શકે છે, મને નહીં સમજ્યો...?’
‘તારી...તારી... જરૂર કંઈક ગેરસમજ થાય છે...!’ કિશોરે વ્યાકુળ અવાજે ક્હ્યું, ‘મારા પર ભરોસો રાખ...! હું પણ તારી જેમ જ પરેશાન છું. એ રાત્રે, જ્યારે આપણે બંને સાથે તારા બંગલાના પાછળના ભાગમાં ચાંદનીમાં ફરતા હતા. ત્યારે કોઈ કે આપણા પર હુમલો કર્યો હતો અને જ્યારે હું ભાનમાં આવ્યો, ત્યારે અહીં હતો. તારા માટે હું ખૂબ જ ચિંતાતુર...’
‘એ...એ બુધ ખોટું છે...!’ મીનાક્ષી ચીસ જેવા અવાજે બોલી, ‘હું રાત્રે ક્યારેય તારી પાસે નહોતી આવી. આ બધું તું તારા પાપને ઢાંકવા માટે કહે છે.’
‘તને...ભરોસો કેમ નથી બેસતો? આપણે દુશ્મનોના ષંડયંત્રનો શિકાર થઈ ગયાં છીએ...!’
‘તારા રૂમમાં બેભાન હાલતમાં પાડવામાં આવેલા આ ફોટાઓ પણ શું દુશ્મનોએ જ પાડ્યા છે?’ મીનાક્ષીએ કવરને એની સામે ફેંકતાં પૂછ્યું.
એ કવરમાંથી નીકળેલા ફોટા પલંગ પર વિખેરાઈ ગયા.
કિશોર એ ફોટા ઊંચકીને આશ્વર્યથી તેનું નિરીક્ષણ કર્યું. દરેક ફોટામાં મીનાક્ષી તેના પલંગ પર સૂતી હતી. એમાંથી અમુક ફોટા તો ખરેખર વાંધાજનક હતા.
‘મે...મેં આ ફોટા નથી પાડ્યાં...!’ એ થોથવાજા અવાજે બોલ્યો.
‘સાથે સાથે એ પણ કહી દે આ કેમેરો તારો નથી.’ મીનાક્ષીએ ખભા પરથી કેમેરો કાઢીને તેની સામે ફેંકતાં કહ્યું.
કેમેરો જોઈને કિશોર ચમક્યો કારણ કે એ તેનો જ હતો. આ કેમેરો અહીં ક્યાંથી આવ્યો? દુશ્મનો ચાલાકી વાપરીને પોતાની તથા મીનાક્ષી વચ્ચે પહાડ જેવડા મતભેદ ઊભા કરવા માંગે છે. જેથી કરીને પોતે તથા મીનાક્ષી સંપીને અહીંથી નાસવાનો પ્રયાસ ન કરે, એવું તેને લાગ્યું.
‘તારી ચુપકીદી જ એ વાતની ચાડી ફેંકે છે કે આ કેમેરો તારો જ છે અને હું જે કંઈ કહું છું તે સાચું જ છે, એ પણ સાથે સાથે એનાથી પુરવાર થઈ જાય છે. હું ભૂતપૂર્વ કલાકાર છું. લોકોની નજરને ઓળખવાનો મને બહોળો અનુભવ છે. પહેલાં દિવસે જ મેં તારી આંખોમાં પાપ જોયું પરંતુ મને એમ હતું કે તારા મિત્રની માતા સમજીને પણ તું તારા મનના પાપને બહાર નહીં આવવા દે. ત્યાં જ મારી ભૂલ થઈ અને હું તારી કેદમાં ફસાઈ ગઈ.’
કિશોર પોતાના બચાર માટે કશું જ ન બોલી શક્યો. તેનું મને આંશંકાથી ભરી દીધું હતું કે જરૂર મીનાક્ષી અને બળવંતના જીવ જોખમમાં છે. ગમે તે પળે તેમના ખૂન થઈ શકે તેમ છે. પોતે પણ જોખમથી બહાર નથી જ!
‘હવે મારી છેલ્લી વાત સાંભળી લે...’
કિશોરે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.
‘મને કેદ કરીને પણ તું તારો નાપાક હેતુ પાર નહીં પાડી શકે. તારા આ કેદખાનામાં ગમે તે રીતે નીકળી જઈશ અને જો નહીં નીકળી શકું તો મારો જીવ આપી દઈશ.’
વાત પૂરી કર્યા પછી મીનાક્ષી ક્રોધથી પગ પછાડતી ચાલી ગઈ.
કિશોર પથ્થના પૂતળાની જેમ સ્થિર બેસી રહ્યો.
પલંગ પર મીનાક્ષીએ ફેંકેલો કેમેરો અને તેના આપત્તિજનક ફોટા જેમના તેમ વિખરાયેલી હાલતમાં પડ્યા હતા.

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Tushar 4 કલાક પહેલા

Verified icon

Suresh 3 અઠવાડિયા પહેલા

Verified icon

dayaljikacha624@gmail.com 4 અઠવાડિયા પહેલા

Verified icon

Dilip Raval 6 માસ પહેલા

Verified icon

Jagruti Vithlani 3 માસ પહેલા

શેર કરો