ભેદ - - 3 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેદ - - 3

ભેદ

કનુ ભગદેવ

પ્રકરણ - 3

બીજું ખૂન...!

-ભગવતી એકદમ ધૂંધવાઈ ગયો હતો.

-કારણ...!

કારણ, તેને સવારના પહોરમાં જ ફોન પર સર દીનાનાથના બંગલામાં એક વધુ ખૂન થઇ ગયાના સમાચાર મળ્યા હતા.

આ સમાચાર મળતાં જ તે એકદમ હેબતાઈ ગયો હતો.

હજુ તો દીનાનાથના ખૂનની તપાસમાં રજમાત્ર પણ પ્રગતિ નહોતી થઇ શકી, ત્યાં આ બીજા ખૂનના સમાચારે એના મગજની એકેએક નર્સને ખળભળાવી મૂકી હતી.

દીનાનાથ પછી તેની પુત્રવધુ માલતીનું ખૂન કોણે, કેવી રીતે અને શા માટે કર્યું, એ તેને જરાયે નહોતું સમજાતું .

ખૂનની આ પરંપરા છેવટે ક્યાં સુધી ચાલુ રહેશે?

પોતે જો બને તેટલી જલ્દીથી આ ખૂનનો ભેદ નહીં ઉકેલી શકે તો ઠપકો મળશે

જ એની તેને પુરી ખાતરી હતી.

એ જ ગભરાટમાં એ જેમતેમ ચા પુરી કરીને, તૈયાર થઈને, જીપમાં બેસીને તે સીધો જ લેડી વિલાસરાય રોડ પર સ્થિત નાગપાલના નિવાસસ્થાન “કિરણ સદન” માં પહોંચી ગયો.

પરંતુ જયારે તેને જાણવા મળ્યું કે નાગપાલ તો બહાર ગયો છે, ત્યારે તેની બેચેની જોરજોરથી ઉછાળા મારવા લાગી.હવે શું કરવું...! કોની પાસે જવું...?

ત્યાં જ તેની નજર બંગલાનું ફાટક ઉઘાડીને અંદર પ્રવેશતી એક યુવતી પર પડી.

ભગવતી એ યુવતીને સારી રીતે ઓળખતો હતો.

નાગપાલે જ એ યુવતી સાથે પરિચય કરાવ્યો હતો. યુવતીની કામગીરી જાણ્યા પછી એને તેના પ્રત્યે બેહદ માન ઉપજ્યું હતું.

એ હતી રજની પરમાર...! એક જમાનામાં હોંગકોંગ ખાતેની ભારતની સિક્રેટ એજન્ટ...! (રજની પરમારના પરાક્રમો વિષે જાણવા માટે વાંચો - “વિષચક્ર”)

રજનીને જોતા જ ભગવતીના ચહેરા પર ખીલેલા ફૂલ જેવી તાજગી પથરાઈ ગઈ.

‘અરે આપ…?’ નજીક આવીને પહોંચેલી રજની ભગવતીને જોતા જ ચમકીને બોલી, ‘અહીં શા માટે ઉભા છો…? અંદર ચાલો ને…!’

‘તું કેમ છે એ કહે…!’ ભગવતી લાગણીસભર અવાજે બોલ્યો.

‘બસ, મજામાં છું.’ રજનીએ અદબભેર કહ્યું, ‘પરંતુ ખબર અંતર પછી પૂછજો, પહેલા અંદર ચાલો. ચા-પાણી પતાવ્યા વગર સીધા ઊંઘમાંથી જ ઉઠીને આવ્યા હો એવું લાગે છે. ચાલો, પહેલા ચા પી લો…!’

બંને અંદર પ્રવેશ્યા.

રજનીના સંકેતથી હાકલો ચા બનાવી લાવ્યો.

બંનેએ ચા પીધી.

‘શું વાત છે ભગવતી સાહેબ...! આપ આટલા ચિંતાતુર શા માટે દેખાઓ છો? રજનીએ ભગવતીના ચહેરા પર છવાયેલા હાવભાવ પારખીને કહ્યું.

‘ચિંતાની તો વાત જ જવા દે…! એક તો પેલો વાંદરો દિલીપ પહેલાથી જ ક્યાંક વંજો માપી ગયો છે અને અહીં આવતા જાણવા મળ્યું કે નાગપાલ પણ ક્યાંક ચાલ્યો ગયો છે. એ બંને હોત તો હું કદાચ આટલો...’

‘પરંતુ થયું છે શું, એ તો કહો…!’ રજની વચ્ચે જ બોલી ઉઠી, ‘એ બંને જલ્દીથી પાછા આવશે એવી આશા પણ નથી, બનવાજોગ છે કે હું જ આપને માટે કંઈક કરી શકું! આમેય કોઈ કામ ન હોવાથી એકલી બેસીને હું ખુબ જ કંટાળી ગઈ છું. એ બહાને મારો પણ ટાઈમ પાસ થઇ જશે.’

‘જરૂર...તું પણ ઘણું બધું કરી શકે એમ છે.’ ભગવતી બોલ્યો, ‘થોડા દિવસો પહેલા-કદાચ દિલીપ જે દિવસે મારી કાર લઈને શાંતિનગર ગયો હતો, તે જ દિવસે સર દીનાનાથનું ખૂન કોઈકે તેના જ શયનખંડમાં કરી નાખ્યું છે અને લાખ લાખ પ્રયાસો કરવા છતાં પણ એ ખૂન અંગે કશું જ જાણવા નથી મળ્યું. હવે અધૂરામાં પૂરું કરવું હોય તેમ આજે સવારે જ ફરીથી એક સમાચાર આવ્યા છે કે એ જ બંગલામાં, અગાઉની માફક જ દીનાનાથીની પુત્રવધૂનું ખૂન થઇ ગયું છે. મારી સ્થિતિ તું બરાબર સમજતી હોઈશ. આ કેસમાં મારુ તો માથું જ ભમી ગયું છે.’

‘સર દીનાનાથના ખૂનના સમાચાર તો મેં પણ અખબારોમાં વાંચ્યા હતા.’ રજની વિચારવશ અવાજે બોલી, ‘પરંતુ ખૂની અત્યાર સુધીમાં તો જરૂર પકડાઈ ગયો હશે એમ જ હું તો માનતી હતી. ખેર, એ દિવસે સર દીનાનાથના ખૂનની તપાસ માટે તો આપ પોતે જ ત્યાં ગયા હતા ને? જો આપ પુરી વિગત જણાવો તો આ કેસને સમજવામાં મને સરળતા રહેશે.’

ભગવતીએ શરૂથી અંત સુધીની બધી વિગતો તેને કહી સંભળાવી.

‘ઓહ...આ તો ખરેખર વિચિત્ર વાત કહેવાય!’ ભગવતીની વાત સાંભળ્યા પછી રજની આશ્ચર્યસહ બોલી, ‘કોઈક આવે અને ખૂન કરીને ચાલ્યો જાય છતાંય કોઈની નજર જ પડે એ વાત જ ખરેખર નવાઈ પમાડે તેવી છે. આના પરથી તો એક જ અર્થ નીકળી શકે કે ખૂની કાં તો એ બંગલામાં રહેનારાઓમાંથી જ કોઈક છે, અથવા તો ખૂની સાથે અંદરનો જ કોઈક માનવી ભળેલો છે.’

‘મને પણ એમ જ લાગતું હતું. પરંતુ અત્યાર સુધીની શોધખોળ પછી કોઈ શંકાની પરિધિમાં નથી આવતું. અત્યારે હું સર દીનાનાથના બંગલે જ જઉં છું, તું પણ સાથે ચાલ…!’

‘જરૂર...!’ રજની ઉભી થતાં બોલી.

બંને જીપમાં બેસીને દીનાનાથના બંગલે જવા રવાના થઇ ગયા.

તેઓ જયારે ત્યાં પહોંચ્યા ત્યારે તેમના કાને કોઈક પુરુષના ધ્રૂસકા ભરવાનો અવાજ સંભળાયો.

ધ્રૂસકા ભરનાર માલતીનો પતિ બળવંત હોવો જોઈએ એવું અનુમાન ભગવતીએ કર્યું.

બંને માલતીનો મૃતદેહ પડ્યો હતો એ ખંડમાં પહોંચી ગયા.

પહેલી જ નજરે ભગવતી સમજી ગયો કે જે રીતે સર દીનાનાથનું ખૂન થયું હતું, એ જ રીતે માલતીનું પણ ખૂન થયું છે.

નજીક પહોંચીને રજનીએ મૃતદેહના ચહેરાનું નિરીક્ષણ કર્યું.

પછી સહસા તે નીચે નમીને તેની જડ્વત બની ગયેલી આંખોની કિકી સામે તાકી રહી.

માલતીનો ચહેરો એક તકિયા પર ઢળેલો હતો.

રજનીની નજર ચહેરા પરથી ખસીને છેવટે તકિયાના ખૂણે પહોંચી ગઈ.

એ ખૂણામાંથી કાગળનો એક ટુકડો દેખાતો હતો.

હાથ લંબાવી, કાગળ ઊંચકીને રજનીએ તેનું નિરીક્ષણ કર્યું.

એ કાગળ પર એક લાઈન લખેલી હતી. લીટી અધૂરી હતી અને તેમાંથી કોઈ જ અર્થ નહોતો નીકળતો.

એ લીટી પરથી માત્ર એટલું જ સમજાતું હતું કે માલતી પોતાના સસરા દીનાનાથના ખૂનીને ઓળખી ગઈ હતી.

એણે ખૂની વિષે લખવાનું શરુ કર્યું હતું, ત્યાં જ એનું ખૂન થઇ ગયું.

ખૂની સુધી પહોંચવામાં મદદરૂપ થઇ પડશે એમ માનીને રજનીએ એ કાગળ પોતાની

પાસે રાખી લીધો.

ખૂની કદાચ કોઈક પુરાવા મૂકી ગયો હશે એવી આશાએ ભગવતી કાળજીપૂર્વક ચારે તરફ નજર કરતો હતો.

પરંતુ આ વખતે પણ તેને નિરાશા મળી.

‘ચાલો, હવે જઈએ…!’ રજની ટટ્ટાર થતા બોલી, ‘અને હા...મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની વ્યવસ્થા પણ કરો કાકા...!’

બહાર આવતા આવતા દરવાજા પાસે રજનીના પગ અટકી ગયા.

નીચા નમીને એણે દરવાજા પાસેની ફર્શનું નિરીક્ષણ કર્યું. પછી હેન્ડલ પર નજર ફેરવી.

‘કાકા...!’ છેવટે એ બોલી, ‘આ હેન્ડલ પરથી પણ ફિંગરપ્રિન્ટ લેવડાવવાની સૂચના આપજો.’

‘ભલે…!’ ભગવતીએ હકારમાં માથું હલાવતા કહ્યું.

બંને મૃતદેહ વાળા ખંડમાંથી બહાર નીકળ્યા કે તરત જ ત્યાં ઉભેલી દીનાનાથની પત્ની મીનાક્ષી ભગવતી સામે જોઈને તાડુકી ઉઠી, ‘આ બંગલામાં એક પછી એક ખૂન થતાં જાય છે અને તમારા લોકોની હજુ ઊંઘ પણ નથી ઊડતી. જયારે અમારા બધાના ખૂન થઇ જશે, ત્યાર પછી જ તમારી ઊંઘ ઉડશે કે શું?’

ભગવતીનો ચહેરો લાલઘૂમ બની ગયો. પરંતુ તે કશું જ ન બોલી શક્યો.

‘મીનાક્ષીદેવી...!’ રજનીએ ગંભીર અવાજે કહ્યું, ‘અત્યાર સુધી અમે કશું જ નથી કરી શક્યા, એનું અમને પૂરેપૂરું દુઃખ છે. પરંતુ ખૂનીને પકડવામાં અમારા તરફથી કોઈ કસર નહીં રાખીએ અને હવે પછી આ બંગલામાં કોઈનુંય ખૂન નહીં થાય તેની પણ સાથે સાથે ખાતરી રાખજો.’

‘પહેલા હું વિધવા બની…!’ મીનાક્ષી ઢીલા અવાજે ધ્રૂસકા ભરતાં બોલી, ‘પછી મારી વહાલી વહુનું ખૂન થયું. આ બંગલો છોડીને ચાલ્યા જવા સિવાય હવે અમારી પાસે બીજો કોઈ માર્ગ બાકી નથી રહ્યો. અહીં રહેવાથી કાલે કદાચ મારું ખૂન થાય! બનવાજોગ છે કે મારા પુત્રનું જ…’ વાક્ય અધૂરું મૂકીને તે આગળ બોલી, ‘મને હવે જરાપણ ભરોસો નથી રહ્યો.’

‘પોલીસ ડિપાર્ટમેન્ટ હવે તમારા સૌની સલામતીનો ભાર પોતાના માથા પર લઇ રહ્યું છે મીનાક્ષીદેવી!’ રજનીએ સહાનુભૂતિપૂર્વક કહ્યું, ‘તમારે હવે જરા પણ ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી. આ જાતનો બનાવ હવે અહીં નહીં જ બને એની હું ખાતરી આપું છું.’

‘તમે ભલે ગમે તે કહો…!’ મીનાક્ષી થાકેલા અવાજે બોલી, ‘પરંતુ હવે મને મારી તથા બળવંતની સલામતીની ચિંતા અનહદ સતાવે છે.’

પોલીસ ડિપાર્ટમેન્ટ હવે પુરી કાળજી રાખશે એ વાત રજનીએ માંડ માંડ તેને સમજાવી.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એમ્બ્યુલન્સમાં મૂકી દેવામાં આવ્યો હતો.

ધ્રુસકે ભરતો બળવંત કેમેય પોતાની પત્નીના મૃતદેહ પાસેથી ખાસતો ન હતો.

‘એને અટકાવવાથી જરા પણ લાભ નથી થવાનો કાકા...!’ રજની ભગવતીને ઉદ્દેશીને બોલી, ‘એ પણ ભલે સાથે જ આવે.’

‘પણ એની માનસિક હાલત અત્યારે બરાબર નથી…!’ ભગવતીએ મૂંઝવણભર્યા અવાજે કહ્યું, ‘નાહક જ કઈંક અવિચારી પગલું ભરી બેસશે તો આપણી મુશ્કેલી વધી જશે.’

‘એની માનસિક હાલત જોઈને જ હું તેને સાથે લેવાનું કહું છું.’ રજની બોલી.

‘ઠીક છે…!’

એમ્બ્યુલન્સ ચાલી ગઈ.

ભગવતી અને રજની જીપમાં બેસીને રવાના થઇ ગયા.

‘રજની...’ રસ્તામાં ભગવતી બોલ્યો, ‘તે કોઈને કશી પૂછપરછ શા માટે ન કરી…?’

‘પૂછપરછ કરવાની મને જરૂર નહોતી લાગી કાકા...!’ રજનીએ ગંભીર અવાજે કહ્યું.

‘એટલે...! હું સમજ્યો નહીં...?’ ભગવતીએ પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતા પૂછ્યું.

‘કાકા...હાલ તુરત તો મને થોડો સમય આપો એટલે મેં આમ શા માટે કર્યું એ આપોઆપ સમજાઈ જશે. અલબત્ત એક વાત તો ચોક્કસ જ છે.’

‘શું?’

‘એ જ કે માલતી પોતાના ખૂનીને બહુ સારી રીતે ઓળખતી હતી.’

‘ઓહ…’ ભગવતી બબડ્યો.

ત્યારબાદ એણે વધુ કંઈ જ ન પૂછ્યું.

જીપ પુરપાટ વેગે પોતાની મંઝિલ તરફ દોડતી રહી.

***

સાંજની ટ્રેનમાં આવેલા પોતાના સાવકા પુત્ર બળવંતના બંને મિત્રો સામે મીનાક્ષી તાકી રહી.

આજ પહેલા બળવંતના આ બંને મિત્રો વિષે તેણે કશું જ સાંભળ્યું નહોતું.

તેમના વિષે સાંભળવાની વાત તો એક તરફ રહી, એણે ક્યારેય તેનું નામ સુદ્ધા પણ નહોતું સાંભળ્યું.

કોઈવાર બળવંતના મોંએથી તેમનો ઉલ્લેખ પણ નહોતો સાંભળ્યો.

બળવંતના ચહેરા પર શોકમિશ્રિત ગંભીરતાના હાવભાવ છવાયેલા હતા.

એના મગજમાં એક જ સવાલ હથોડાની માફક ઝીંકાતો હતો.

પોતાના પિતાજી તથા માલતીના ખૂન કોણે કર્યા?

એ કોઈ પણ હિસાબે તેમના ખૂનીને ફાંસીના માંચડે લટકતો જોવા માંગતો હતો.

જે દિવસે ખૂની ફાંસીના માંચડે લટકશે, એ દિવસે જ પોતાના હૃદયને ઠંડક વળશે એવું તેને લાગતું હતું.

બળવંતના બંને મિત્રો ચુપચાપ બેઠા હતા.

બળવંત કરતા માલતીના અવસાનથી તેમને વધારે દુઃખ થયું હોય, એવા હાવભાવ તેમના ચહેરા પર ફરકતા હતા.

સૌ ડ્રોઈંગરૂમમાં બેઠા હતા.

એ જ વખતે બંગલાની કામવાળી ચા-નાસ્તાની ટ્રે સાથે ત્યાં આવી.

તે ચાના કપ તૈયાર કરીને એ લોકોની સામે સ્ટુલ પર મુકવા લાગી.

બળવંતની નજર શૂન્યમાં ભટકતી હતી.

જયારે એના બંને મિત્રો ચોરીછૂપીથી ક્યારેક કામવાળી પર તો ક્યારેક મીનાક્ષી પર નજર નાખી લેતા હતા.

કામવાળી અને મીનાક્ષી!

બંનેમાં વધારે યુવાન અને ખુબસુરત કોણ છે, તેની તુલના એ બંને કદાચ મનોમન કરતા હતા.

ચા તૈયાર થઇ જતાં અત્યાર સુધી ચૂપ રહેલી મીનાક્ષી ધીમા અવાજે બોલી. ‘બળવંત, તારા આ મિત્રો વિષે તે તો કદીયે મને વાત પણ નથી કરી!’

એના અવાજથી બળવંતની વિચારધારા તૂટી.

‘મમ્મી...!’ એને જવાબ આપતાં કહ્યું. ‘માલતીના અવસાનના સમાચાર આ લોકોએ અખબારમાં વાંચ્યા હતા. આજે બપોરે જ તેમના અહીં આવવાનો ટેલિગ્રામ મને મળ્યો હતો. હું તમને આ બાબતમાં જણાવવાનો હતો. પરંતુ મગજ ઠેકાણે ન હોવાથી કહેતા ભુલાઈ ગયું. માફ કરજો...!’

‘વાંધો નહીં...!’ બળવંતના બંને મિત્રો તરફ નજર કરતા મીનાક્ષી બોલી, ‘આ લોકો આવ્યા એ ઘણું સારું થયું છે, થોડા દિવસ તેમને રોકજે એટલે તારો જીવ પણ આનંદમાં રહેશે. હું તો કેટલાય દિવસથી તને કહું છું દીકરા, તું થોડા દિવસ ક્યાંય હવાફેર કરી આવ. પણ તું માનતો જ નથી એટલે હું લાચાર છું.’

‘ના, મમ્મી...!’ બળવંતે ઉતાવળા અવાજે કહ્યું, ‘હું અહીં જ બરાબર છું. બીજે ક્યાંય મારુ મન નહીં ચોંટે!’

‘ખેર, જેવી તારી ઈચ્છા!’ મીનાક્ષી એક ઊંડો શ્વાસ લેતા બોલી, ‘હા, તારા મિત્રોનો પરિચય તો આપ…!’

‘આ છે કિશોર દેસાઈ...!’ બળવંતે પોતાની જમણી તરફ બેઠેલા ગોરા શશક્ત બાંધાના યુવાન તરફ સંકેત કરતા કહ્યું, મુંબઈમાં તેને ઇલેક્ટ્રોનિક સ્પેરપાર્ટ બનાવવાની ફેક્ટરી છે અને આ…!’ તેણે ડાબી તરફ બેઠેલા એક સપ્રમાણ બાંધો અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા યુવાન તરફ સંકેત કર્યો, ‘આનંદ મેહતા છે! એ પણ મુંબઈમાં જ ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું કામકાજ કરે છે.’

બળવંત કહેતો હતો એ દરમિયાન મીનાક્ષી બંનેનું નિરીક્ષણ કરતી હતી.

પરંતુ બંનેના ચહેરા ભાવહીન રહ્યા.

ત્રાંસી નજરે કામવાળી સામે તાકી રહેલો આનંદ ધીમેથી હસ્યો અને પછી તેની ડાબી આંખ અચાનક જ બંધ થઇ ગઈ.

કામવાળીના હોઠ પર ભુંડુંભટાક સ્મિત ફરકીને બીજી જ પળે વિલીન થઇ ગયું.

એ બીજી તરફ જોવા લાગી.

પરંતુ પલભર માટે એના હોઠ પર ફરકેલું સ્મિત આનંદની ચકોર નજરથી છૂપું નહોતું રહ્યું.

ચારેયે ચા-નાસ્તો કર્યો.

‘તમે લોકો મુસાફરીથી થાક્યા હશો એટલે હવે આરામ કરો…!’ છેવટે મીનાક્ષીએ એ બંને ઉદ્દેશીને બોલી, ‘રાત્રે ભોજનના સમયે વધુ વાતો કરીશું.’

કિશોર તથા આનંદ માટે અલગ-અલગ કમરાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પરંતુ બંને કમરાની વચ્ચેની દીવાલમાં એકબીજાના કમરામાં આવ-જ કરી શકાય એવું દ્વાર હતું.

ભોજન પછી કામવાળી આનંદના રૂમમાં દૂધનો ગ્લાસ લઈને પ્રવેશી.

‘આવ…!’ આનંદે ખુબ જ નરમ અને મુલાયમ અવાજે પૂછ્યું, ‘શું નામ છે તારું?’

‘રાધા…!’ કામવાળીએ ત્રાંસી નજરે આનંદ સામે જોતા કહ્યું. એના હોઠ પર હળવું સ્મિત ફરકતું હતું.

‘ભણેલી-ગણેલી છો…?’

‘દસમા ધોરણ સુધી...! ત્યારબાદ બીમાર પડી જવાને લીધે અભ્યાસ છોડી દીધો હતો.’

‘અહીં કેટલા વખતથી કામ કરે છે?’

‘પાંચ વર્ષથી...!’

‘તારી શેઠાણીને તારા પ્રત્યે ખુબ જ લાગણી હોય એવું લાગે છે. મારી વાત સાચી છે ને?’

‘હા...પરંતુ આપ શા માટે આ બધું પૂછો છો?’ રાધા સહેજ ચમકી, સાથે જ સાવચેત પણ થઇ ગઈ. એની આંખોમાં શંકાના કુંડાળા રચાયા.

‘રાધા...!’ આનંદ ઉતાવળા અવાજે બોલ્યો, ‘તારો જન્મ કામવાળી બનવા માટે નથી થયો.’

‘તો…?’

‘તું ફિલ્મની હિરોઈન થઇ શકે છે. તું શ્રીદેવી, માધુરી અને પૂજા કરતા પણ વધારે ખુબસુરત છે…!’

‘આપને બનાવટ કરતા બહુ સારી આવડતી લાગે છે…! ક્યાં એ બધી ને ક્યાં હું મામૂલી કામવાળી...!’ રાધાએ કહેવા ખાતર તો કહી નાખ્યું પણ મનમાં તો તેને મીઠા મીઠા ગલગલીયા થતા હતા.’

‘હું બનાવટ નથી કરતો...!’

‘ખરેખર જો હું હિરોઈન બની શકું તેમ હોત તો મારા શેઠાણીએ જરૂર મને કહ્યું હોત! તેમણે પણ ઘણા બધા નાટકોમાં કામ કર્યું છે, એટલે આવી વાત તેમના ધ્યાન બહાર હરગીઝ ન રહે!’

‘આમ જો...મારી આંખોમાં નજર કર…!’ આનંદ તેનો કોમળ હાથ પકડતા ભાવુક અવાજે બોલ્યો, ‘હું ખોટું બોલતો હોઉં એવું તને લાગે છે? ના, રાધા...એવું નથી. તને જોતાં જ મને લાગ્યું હતું કે અહીં તું નાહક જ તારી જિંદગી બરબાદ કરે છે. મારી સાથે મુંબઈ ચાલ…! તને હિરોઈન બનાવવાનું કામ મારુ...પછી તો સેંકડો નોકર-ચાકરો તારો પડ્યો બોલ ઝીલી લેશે. તારા દરેક હુકમનું પાલન કરવા માટે ખડે પગે તૈયાર રહેશે. તારો પોતાનો બંગલો હશે. આલીશાન વિદેશી કાર હશે. રૂપિયાનો વરસાદ વરસશે. ચારે તરફ તારું નામ ચમકી જશે.’

જાણે પોતે સ્વપ્નલોકમાં પહોંચી ગઈ છે એવું રાધાને લાગ્યું.

એની આંખો સામે બંગલા, કાર અને નોકર-ચાકરની ફોજ તરવરી ઉઠી.

મનમાં રંગબેરંગી ફૂલઝડીઓ છૂટવા લાગી.

‘તો તું તૈયાર છો ને…?’ આનંદે ધીમે તેને પોતાની નજીક ખેંચતા કહ્યું, ‘આઠ-દસ દિવસમાં જ હું મુંબઈ પાછો જવાનો છું. એ વખતે તું મારી સાથે આવીશને?’

‘હા…!’ અનાયાસે રાધાથી બોલાઈ ગયું. પછી સહસા આનંદની પોતાના હાથ પરની પકડ મજબૂત થયેલી અનુભવીને એણે કહ્યું, ‘હવે મારો હાથ તો છોડો...!’

‘જવું છે…?’

‘હા, હજુ બધા જાગતા હશે…!’

‘તો ભલેને જાગે...!’

‘ના…!’

‘કેમ…?’

‘જો કોઈ જોઈ જશે તો હું મુસીબતમાં મુકાઈ જઈશ.’

‘તો પછી આવીશ ને?’ આનંદે તેનો હાથ છોડતા પૂછ્યું.

‘હા…’

‘ક્યારે...?’

‘બધા સુઈ જાય પછી…!’ રાધા પહેલા કરતા પણ શરમાળ અવાજે બોલી.

‘ભલે, જા…’

રાધા ચાલી ગઈ.

બીજી તરફ પોતાના ખંડમાં સુતેલા કિશોરને કેમેય કરીને ઊંઘ નહોતી આવતી.

એનું મગજ ઠેકઠેકાણે ભટકીને છેવટે બળવંત પર કેન્દ્રિત થઇ જતું હતું.

એ જ વખતે મીનાક્ષીની આકૃતિ પણ તેની નજર સામે તરવરવા લાગતી હતી.

-અને ત્યારબાદ તે કોઈક બીજા જ વિચારમાં અટવાઈ જતો હતો.

એ વિચારતો હતો-

-મીનાક્ષી અને બળવંતની ઉમર વચ્ચે ખાસ ખાસ કોઈ તફાવત નથી લાગતો. બંને લગભગ સરખી જ વયના છે અને છતાંય માતા-પુત્ર?

બળવંતના પિતાજીએ કદાચ પોતાના તન-મનને યુવાન સમજવાના ભ્રમને ટકાવી રાખવા માટે બીજા,ત્રીજા લગ્ન કેમ કર્યા હશે.

ચા અને ભોજનના સમયે આનંદને કામવાળીમાં અટવાયેલો જોઈને એનું તમામ ધ્યાન મીનાક્ષી પર જ કેન્દ્રિત થઇ ગયું હતું.

-અને આ દરમિયાન કેટલીયે વાર તેને મનોમન ચમકવું પડ્યું હતું.

કારણ...?

કારણ કે મીનાક્ષીનો ચહેરો તો ઠીક, એનો અવાજ સુદ્ધા બદલાઈ ગયો હતો.

પછી અચાનક જ તે એકદમ ચમકી ગયો.

દરવાજાની બહાર કોઈક દબાતા પગલે પસાર થઇ ગયું છે, એવો તેને ભાસ થયો.

એણે પોતાની કાંડાઘડિયાળના રેડિયમથી નજર કરી.

રાતનાં એક વાગ્યો હતો.

આ બંગલામાં બબ્બે ખૂન થઇ ગયા છે, એ વાતની કિશોરને ખબર હતી.

ક્યાંક આજે પણ…

આનાથી વધારે તે કંઈ જ ન વિચારી શક્યો.

એ ઝપાટાબંધ ઉભો થયો.

પછી સ્લીપર પહેરીને, ટાકિયા નીચેથી રિવોલ્વોર કાઢીને ગજવામાં સરકાવી.

ત્યારબાદ તે દ્વાર ઉઘાડીને બિલ્લી પગે બહાર નીકળી આવ્યો.

બહાર ચાંદનીનો આછો પ્રકાશ હતો.

પરંતુ કારણે દૂર સુધી કશું જ સ્પષ્ટ રીતે નહોતું દેખાતું.

થોડી પળો બાદ બંગલાના પાછળના ભાગમાં તેને ત્રણ આકૃતિઓ દેખાઈ.

તે સાવચેત બનીને શિકારી ચિત્તની માફક પોતાની જાતને છુપાવતો એ તરફ આગળ વધ્યો.

આ કામમાં તેને ધુમ્મસે ઘણી મદદ કરી હતી.

એ લોકોની જાણ બહાર પોતે સરળતાથી તેમની નજીક પહોંચી જશે એની પણ તેને ખાતરી હતી.

ધુમ્મસનું આવરણ ક્રમશ: ગાઢ જતું હોવાથી આગળ વધવામાં તેને ઘણી તકલીફ પડતી હતી.

પરંતુ તે જેમ બને તેમ જલ્દીથી એ લોકોની નજીક પહોંચી જવા માંગતો હતો.

-અને આ જ ઉતાવળ તેને ભારે પડી ગઈ.

ઉતાવળમાં તેનો એક પગ રસ્તામાં પડેલા ટીનના કેન સાથે અથડાયો.

એના કારણે જે અવાજ ઉત્પન્ન થયો, એનો પડઘો હજુ શમે તે પહેલા જ તેના માથા પર જબરદસ્ત ફટકો પડ્યો.

એના મોંમાંથી પીડાની ચીસ નીકળીને સમગ્ર બંગલામાં પડઘો પાડતી ગઈ.

એ લથડીને નીચે પટકાઈ પડ્યો.

બંગલામાં અમુક ખંડમાં લાઈટ ઝબકી ગઈ.

અને પછી કોઈકના દોડવાના પગલાં સંભળાયા.

ઘડીભર પહેલા ખામોશ થઇ ગયેલો સન્નાટો ફરી એકવાર પગલાંના અવાજથી તૂટી ગયો.

***