Bhed - - 4 books and stories free download online pdf in Gujarati

ભેદ - - 4

ભેદ

કનુ ભગદેવ

પ્રકરણ - 4

ભયંકર માનવી...!

કાવેરીના રૂમની બહાર દિલીપ તથા કાવેરી વાતો કરતા ઉભા હતા.

‘હું તમારાથી ખુબ જ નારાજ છું મિસ્ટર કૈલાસ...!’ સહસા કાવેરી બોલી.

‘કેમ…?’ દિલીપે પૂછ્યું, ‘મારાથી શું ભૂલ થઇ ગઈ?’

‘તો હવે તમારી શું ભૂલ થઇ છે, એ પણ મારે જ કહેવું પડશે એમ ને?’

‘હું નથી જાણતો એટલે કહેવી તો પડશે ને?’ દિલીપ બોલ્યો, ‘કોઈ સુંદર અને ખુબસુરત યુવતી કારણ વગર જ નારાજ થાય, એવું તો મારી જિંદગીમાં આ પહેલી વાર જ બન્યું છે.‘

‘એમ…?’

‘હા…’

‘તો રાત્રે તમે મને શું વચન આપ્યું હતું એ યાદ કરો…!’

‘ઓહ...એ...એ તો..’

‘હું તમારી રાહ જોતી હતી. કંટાળીને બે-ત્રણ વખત તમારાં રૂમમાં પણ આવી પણ તમે તો ઉઠાડવા છતાંય ન ઉઠ્યા. તમારી ઊંઘ તો કુંભકર્ણ જેવી લાગે છે.’

‘હું ખુબ જ થાકી ગયો હતો. ઉપરાંત પેલા સાલ્લા કૂતરાઓએ પણ મને ખુબ જ દોડાવ્યો હતો. કેટલીયે જગ્યાએ પડી જવાથી ઇજા થઇ હતી. એની પીડા ભૂલવા માટે હું ઊંઘની ગોળી ખાઈને સુઈ ગયો હતો અને હવે ખુબ જ પસ્તાઉં છું.’

‘કેમ…?’

‘દવાના રૂપમાં તું તો મોઝુંદ હતી જ…! પરંતુ પીડાને કારણે એ વાત મારા મગજમાંથી જાણે કે સાવ નીકળી જ ગઇ હતી.’ દિલીપ સ્મિત ફરકાવતા બોલ્યો, ‘આજે બપોરનો પ્રયોગ તો આબાદ રીતે...’

દિલીપ હજુ પોતાની વાત પુરી કરે એ પહેલા જ કાવેરીના રૂમમાંથી જાણે સેંકડો મધમાખી એકથી થઈને ગણગણતી હોય એવો અવાજ સંભળાયો.

‘તમે નીચે જાઓ મિસ્ટર કૈલાસ...!’ કાવેરી ઉતાવળા અવાજે બોલી, ‘ત્યાં અરુણ પણ આવ્યો હશે. હું પણ થોડી વારમાં નીચે આવું છું.’

મધમાખીના ગણગણાટ જેવો અવાજ સાંભળીને દિલીપ ચમક્યો હતો.

એ ત્યાંથી ખસવા નહોતો માંગતો.

પરંતુ કાવેરીએ તેને જવા માટે લાચાર બનાવી દીધો હતો.

જો એ ન જાય તો કાવેરીને તેના પર શંકા ઉપજવાનો ભય હતો અને એના મનમાં કોઈ જાતની શંકા ઉભી થાય એમ દિલીપ નહોતો ઈચ્છતો.

તે બીજા માળ પર આવ્યો.

અહીં બાર તથા ડાન્સ ફ્લોર હતો.

એણે ચારેય તરફ નજર દોડાવી.

પરંતુ અરુણ ક્યાંય ન દેખાયો.

એ ચુપચાપ દૂર ખૂણામાં પડેલ એક ખાલી ટેબલ પર જઈને બેસી ગયો.

બપોરના બાર વાગ્યાનો બનાવ હજુયે તેની આંખો સામે સજીવ બનીને છવાયેલો હતો.

એની આંખો હજુ પણ બળતી હતી અને માથા પર ઝેરી ગેસના ધુમાડાનો ભાર છવાયેલો હતો.

આ બધું શું છે ને શા માટે થાય છે, તે એને કેમેય કરીને નહોતું સમજાતું.

કાવેરી, અરુણ દેશપાંડે તથા તેના સાથીદારોની શું યોજના છે, એ સવાલ તેને અકળાવતો હતો.

અલબત્ત, એટલું તો ચોક્કસ હતું કે કોઈ ભયંકર યોજના આકાર લઇ રહી છે. પરંતુ એ શું યોજના છે અને અત્યારે તેમાં કેટલી પ્રગતિ થઇ છે, એની વિગતો અંધકારમાં જ હતી.

બધું જ ઝાંખુંધબ અને ગડબડ ગોટાળા જેવું હતું એટલે કોઈ પણ તસ્વીર સ્વચ્છ બનીને આંખો સામે નહોતી આવતી.

અને પછી વિચારતા વિચારતા અચાનક જ તેને નાગપાલ પર રોષ ચડ્યો.

-એ નાગપાલ, કે જેણે ફરી એકવાર અંધકારની ખીણમાં ફેંકી દીધો હતો અને એ પોતે તો હજુ પડદા પાછળ જ હતો.

સહસા તેની વિચારધારા તૂટી.

એક વેઇટ્રેસ ટેબલ પાસે આવી પહોંચી.

‘આપને માટે શું લાવું સર…?’ એણે દિલીપને ઉદ્દેશીને મધુર અવાજે પૂછ્યું.

‘એક પ્લેટ લાગણીની...!’ દિલીપ તેની સામે જોયા વગર જ બોલ્યો.

‘જી…!’ ખુબસુરત વેઇટ્રેસ ડઘાઈને બોલી ઉઠી, ‘શું ફરમાવ્યું આપે…?’

હવે દિલીપે માથું ઊંચું કરીને જોયું.

એની સામે એક અત્યંત સ્વરૂપવાન અને યુવાન વેઇટ્રેસ ઉભી હતી. એના ભૂરા રેશમી વાળ છુટા હોવાથી હવામાં ઉડતા હતા. આંખોમાં ગુલાબી શરાબનો શબાબ છલકાતો હતો. હોઠ પર હમણાં જ તાજા તાજા ખીલેલા સુગંધી ગુલાબ જેવું સ્મિત ફરકતું હતું.

‘એક પ્લેટ પ્રેમની લઇ આવો…!’ થોડી પળો સુધી તેની સામે તાકી રહ્યા બાદ દિલીપ તેના પરથી નજર ખસેડી લેતા બોલ્યો.

‘જી...આપ…’

‘જુઓ મિસ, આ હોટલમાં બધું જ મળે છે એવું મને કહેવામાં આવ્યું હતું.’ દિલીપ ઉતાવળા અવાજે બોલ્યો, ‘અને એટલા માટે જ આઠસો માઈલ દૂરથી હું અહીં દોડી આવ્યો છું. હું સદીઓથી પ્રેમનો ભૂખ્યો છું અને હવે તમને જોયા પછી એ ભૂખ બમણા વેગથી સતાવી રહી છે. મારા પર કૃપા કરીને ઝપાટાબંધ એક પ્લેટ પ્રેમની લઇ આવો. કોઈનો ના મળે તો છેવટે તમારો જ લઇ આવો…! જાઓ…’

દિલીપની ઉટપટાંગ વાતો સાંભળીને ગોરીચટ્ટી એ વેઈટ્રેસનો ચહેરો લાલઘૂમ થઇ ગયો.

એના નાકમાં નસકોરા ક્રોધથી ઉછળવા લાગ્યાં.

‘મિસ્ટર...!’ એ રોષભર્યા વેજે બોલી, ‘આ શરીફ હોટલ છે અને અહીં શરીફ લોકો જ…!’

‘હોટલ શરીફ છે અને શરીફ માણસો જ આવે છે એ વાત હું જાણું છું.’ દિલીપ વચ્ચેથી જ તેને અટકાવીને બોલ્યો, ‘અને એટલા માટે જ કદાચ અહીં શરાબ અને રાત માટે યુવતીઓ પણ…! પરંતુ યુવતીઓમાં મને હવે જરા પણ રસ નથી રહ્યો. હા, એકમાં એવી આશાએ રસ હતો કે મારી વૃદ્ધવસ્થાની લાકડીની ગરજ સારી, શકીલપરસાદોની એક ફોજ મને ભેટ તરીકે આપશે પણ એના માથા પર તો બર્થ કંટ્રોલનું ભૂત સવાર થઇ બેઠું છે એટલે તેની સાથે મારા અબોલા થઇ ગયા છે અને…’

‘હું મેનેજર સાહેબને આપની સેવા માટે મોકલું છું.’ દિલીપના લેક્ચરથી વિફરી પાડીને વેઇટ્રેસ વચ્ચેથી જ બોલી ઉઠી, ‘આપણે માટે જે કંઈ કરવું હશે, તે તેઓ જ કરશે.’

‘વાંધો નહીં મિસ, પણ તેમની સાથે એક પ્લેટ પ્રેમની મોકલી આપવાનું ભૂલશો નહીં, અને હા, પ્રેમનો સ્ટોક ખલાસ થઇ ગયો હોય તો છેવટે લાગણીની પ્લેટ જ મોકલજો. એનાથી પણ હાલ તુરત હું ચલાવી લઈશ.’

વેઇટ્રેસ જવાબ આપ્યા વગર પગ પછાડતી ત્યાંથી ચાલી ગઈ.

દિલીપ સ્મિત ફરકાવીને તેને જતી જોઈ રહ્યો.

થોડી વાર પછી એ વેઇટ્રેસ મેનેજર સાથે ત્યાં આવી પહોંચી,

પાતળા પાતળા પગ પર ભારે-ભારેખમ શરીર...કાન ઉપર વાળના મોટા મોટા ગુચ્છ...!

જાણે પોતાની સામે કોઈક બુલડૉગ આવીને ઉભો રહી ગયો છે એવો ભાસ દિલીપને થયો.

‘હા, બોલો મિસ્ટર આપણે શું જોઈએ છે?’ આવતાની સાથે જ એને દિલીપને પૂછ્યું.

‘આવડી મોટી હોટલ તમે ગ્રાહકોની મજાક ઉડાવવા માટે જ ઉઘાડી છે કે શું?’ વેઇટ્રેસ સામે ત્રાંસી નજરે જોઈ, મેનેજરને ઉદ્દેશીને દિલીપ રુઆબભર્યા અવાજે બોલ્યો, ‘તમારે ત્યાં ફરિયાદ બુક તો હશે જ ને! ન હોય તો આ હોટલના માલિકનું નામ-સરનામું મને લખાવો. હું હમણાં જ તેમને ફોન કરીને તમારા બંનેની ફરિયાદ કરું છું.’

વેઇટ્રેસ મનોમન બેચેન બની ગઈ.

અને મેનેજર તો સાચે જ તેના પ્રભાવમાં અંજાઈ ગયો.

‘પણ સાહેબ...!’ એનો અવાજ ઢીલોઢફ થઇ ગયો, વેઇટ્રેસ તો આપની જ ફરિયાદ કરતી હતી.’

‘ફરિયાદ...?’

‘હા…’

‘કઈ બાબતની...!’

‘એ જ કે આપે તેને એક પ્લેટ પ્રેમની લાવવાનું કહ્યું હતું.’

‘શું…?’ દિલીપ બરાડ્યો, ‘શું કહ્યું એણે…? તમારું મગજ તો ઠેકાણે છે ને મેનેજર...?’

‘જી...હું...હું...તો નહીં, આ વેઇટ્રેસ કહેતી હતી.’ મેનેજર થોથવાતા અવાજે બોલ્યો.

વેઇટ્રેસ એકદમ હેબતાઈ ગઈ.

કોઈક અજ્ઞાત ભયથી એની આંખો ચકળવકળ થવા લાગી.

‘ઓહ...તો આવું આ વેઈટ્રેસે કહું હતું ખરું ને?’

‘હા…’

‘કંઈ વાંધો નહિ…! એમાં બધો વાંક તેનો નહિ પરંતુ તેની યુવાની અને ખુબસુરતીનો છે. આજકાલની યુવતીઓ તો પ્લેટમાં લઈને જ બધું લઈને ફરે છે. આની પણ એ જ હાલત હોય એવું મને લાગે છે અને એટલે જ કદાચ તમારી આ વેઈટ્રેસે મારા કોફીના કપના ઓર્ડરને પ્રેમની પ્લેટનો ઓર્ડર સમજી લીધો લાગે છે.’ દિલીપ પૂર્વવત રીતે રુઆબભર્યા આવજે બોલ્યો, ‘યુવાન અને ખુબસુરત છોકરીઓને હોટલમાં રાખશો તો આવી ફરિયાદ તો રોજેરોજ તમારે સાંભળવી પડશે, મેનેજર સાહેબ! વારૂં મોં જોઈ લીધું હોય તો હવે જલ્દીથી કોફી મોકલો.’

‘જી...જી...હમણાં જ મોકલું છું.’ કહીને બુલડૉગ જેવા મેનેજરે વેઇટ્રેસ સામે ક્રોધિત નજરે જોઈને ઝેરી સર્પના ફૂંફાડા જેવા અવાજે બોલ્યો, ‘હજુ તું અહિં નવી નવી આવી છો એટલે આ વખતે જવા દવ છું. હવે પછી આંખ, કાન અને મન પર કાબુ રાખીને કામ કરજે. હવે પછી જો મને ફરીવાર આ જાતની ફરિયાદ આવશે તો નોકરીમાંથી પાણીચું આપી દઈશ એટલું યાદ રાખજે.’

ખુબસુરત વેઈટ્રેસની આંખોમાં આ અપમાનથી આંસુ ઘસી આવ્યા.

તેનો તાજા ખીલેલા ગુલાબ જેવો ચહેરો શરમાઈ ગયો.

દિલીપ મનોમન હસી પડ્યો.

આ શરારતથી એનું ભારે બની ગયેલું મન થોડું હળવું થઇ ગયું હતું.

એની આંખો સામે ફરીથી કાવેરીની આકૃતિ ઉપસી આવી અને સાથે જ મધમાખીના ગણગણાટ જેવો અવાજ પણ કાનના પડદા પર ગુંજી ઉઠ્યો.

એ અવાજ ટ્રાન્સમીટરનો હતો એટલું તો તેને જરૂર સમજાઈ ગયું હતું.

અને હવે તે મનોમન ટ્રાન્સમીટર સુધી પહોંચવાની યોજના બનાવતો હતો.

એ જ વખતે વેઇટ્રેસ કોફીની ટ્રે તથા કાચના ગ્લાસમાં પાણી લઈને આવી.

એને એ બંને વસ્તુઓ દિલીપના ટેબલ પર મૂકી દીધી.

‘થેંક્યુ...!’ દિલીપ બોલ્યો, ‘એક વાત કહું...?’

વેઇટ્રેસ પ્રશ્નાર્થ નજરે તેની સામે તાકી રહી.

‘અત્યારે તમે ખુબ જ સુંદર લાગો છો!’

‘મિસ્ટર...તમારા કારણે આજે મારે જે અપમાન સહન કરવું પડ્યું એનું પરિણામ તમારે ભોગવવું જ પડશે. હું નોકરી જરૂર કરું છું પરંતુ તમારા જેવા મુફલિસની અક્કલ ઠેકાણે લાવતા પણ મને આવડે છે!’ એના અવાજમાં નારાજગીનો સુર હતો.

‘એમ…!’ દિલીપ ઠાવકા અવાજે બોલ્યો.

‘હા…’

‘મારી સ્વર્ગીય પૂજ્ય મામી બે દિવસ પહેલા જ કહેતી હતી કે હું દિવસે દિવસે બગાડતો જાઉં છું. મારી અક્કલ કોઈક સુંદર યુવતી જ ઠેકાણે લાવી શકે તેમ છે એમ તેઓ પણ માને છે. તો તેમના આત્માની શાંતિ માટે હવે તમે જ મારી અક્કલ ઠેકાણે લાવી દો! અહીં જ લાવશો કે પછી બીજા કોઈક સ્થળે જવું આવું? અક્કલ ઠેકાણે આવતી હોય તો તમે કહો ત્યાં આવવા માટે હું તૈયાર છું.’

‘ગભરાઓ નહીં...! તમારી મામીની સાથે હું તમારાં આત્માને પણ શાંતિ પહોંચાડી દઈશ.’ વાત પુરી કરીને તે ઉતાવળા પગલે ત્યાંથી ચાલી ગઈ.

દિલીપ સ્મિત ફરકાવીને તેની પીઠ પાછળ તાકી રહ્યો.

પછી તેણે પાણી પીવા માટે જેવો ગ્લાસ ઊંચક્યો કે તરત જ તેને ચમકવું પડ્યું.

ગ્લાસનાં તળિયામાં કાગળનો એક ટુકડો ચોંટ્યો હતો.

પાણી ભરેલું હોવા છતાં પણ એ કાગળ પરનું લખાણ સહેલાઈથી વાંચી શકાતું હતું.

એમાં લખ્યું હતું:

-તમે કૈલાસ મહેતા નથી. તુરંત જ મને દસ નંબરના રૂમમાં મળો.

લખાણ વાંચતા જ દિલીપની બધી જ મસ્તી કપૂરની માફક ઉડી ગઈ.

એ ખુબ જ વ્યાકુળ થઇ ગયો.

પોતાનો ભેદ જાણનાર કોણ છે? આ સવાલ તેને અકળાવવા લાગ્યો.

ગમે તે હોય એ કાવેરી કે અરુણ દેશપાંડેના ગ્રુપનો તો નથી જ એ વાત દિલીપ તરત જ સમજી ગયો હતો.

તો શું બીજું કોઈ ગ્રુપ પણ મેદાનમાં ઉતર્યું છે કે પહેલાથી જ ઉતરેલું હતું?

એણે સાવચેતી થી આજુબાજુ નજર દોડાવી.

કોઈનુંય ધ્યાન તેના તરફ નહોતું.

સૌ પોતપોતાનામાં મશગુલ હતા.

એણે ગ્લાસનાં તળિયેથી લાખણવાનો કાગળ ઉખેડીને તેના નાના ટુકડા કરીને બે-ત્રણ દિશામાં ફેંકી દીધા.

ત્યારબાદ તે ચુપચાપ કોફી પીવા લાગ્યો.

પરંતુ તેનું દિમાગ તો પોતાનો ભેદ જાણી જનાર માણસમાં જ અટવાયેલું હતું.

કોફી પીને તે ઉપર આવ્યો તેને આશ્ચર્યનો વધુ એક આંચકો લાગ્યો.

દસ નંબરનો રૂમ, તેના રૂમની બરાબર સામે જ હતો.

એણે એ રૂમના દ્વાર પર ટકોરા માર્યા.

‘આવી જાઓ...દરવાજો ઉઘાડો જ છે…!’ અંદરથી ઘેરો,પહાડી અવાજ સંભળાયો.

દિલીપ બારણાને ધક્કો મારીને અંદર પ્રવેશ્યો.

‘બારણું બંધ કરી દો…’ ફરીથી એ જ અવાજ સંભળાયો.

દિલીપે બારણું બંધ કરી દીધું.

‘આવો, નકલી કૈલાસ મહેતા સાહેબ..!’ રૂમના અંધારા ખૂણામાંથી રોશની તરફ આગળ વધતો અવાજ સંભળાયો, ‘મારો સંદેશો વાંચતાની સાથે તમે દોડ્યા આવશો એની મને પુરી ખાતરી હતી માટે જ મેં બારણું ઉઘાડું રાખ્યું હતું.’

દિલીપ ચૂપ રહ્યો.

પછી એ પરિચિત માનવી જયારે અજવાળામાં આવ્યો ત્યારે એના ચહેરા સામે જોતા જ દિલીપને ધ્રુજારી છૂટી ગઈ.

અગાઉ એણે ક્યારેય આવો ખતરનાક ચહેરો નૃશાંશ ચહેરો નહોતો જોયો.

જાણે આગમાં નાખીને બહાર કાઢ્યો હોય એવો કાળો ચહેરો!

વાળ પણ લગભગ સળગેલા...!

આંખો જાણે લોહીના ખાડામાં તરતી હોય એવી!

ડાબા ગાલ પર એક લાંબા અને જુના જખમનું નિશાન...!

દિલીપે બારીકાઈથી તેનું અવલોકન કર્યું.

એ માનવી ભારતીય નથી એવું તેને લાગ્યું.

પરંતુ રાષ્ટ્રીયતાનું અનુમાન તે ન કરી શક્યો.

સામે ઉભેલો માણસ શરાબી છે, ઐયાશીમાં ડૂબેલો છે અને ગમે તે ઘડીએ કોઈનું પણ ખૂન કરી નાખે તેમ છે, એવું પણ તેને લાગ્યું.

એ માનવીના ચહેરા પરથી નજર ખસેડીને એણે આખા રૂમમાં શોધપૂર્ણ નજર દોડાવી અને પછી આવનારા જોખમનો સામનો કરવા માટે મનોમન તૈયાર થઇ ગયો.

‘બેસો...!’ એ માનવી એક ખુરશી પર બેસીને, તેને પણ બેસવાનો સંકેત કરતા ઘેરા અવાજે બોલ્યો.

દિલીપ ચુપચાપ તેની સામે એક ખુરશી પર બેસી ગયો.

‘મિસ્ટર...હું નકામી વાતો કરવા માટે હરગીઝ ટેવાયેલો નથી એટલે સ્પષ્ટ છે કે મારા દરેક સવાલોના જવાબ મને સીધેસીધા અને સાચા મળવા જોઈએ.’ એ માનવી બોલ્યો, ‘મારી ચિઠ્ઠી વાંચીને તમે કશીયે ચૂં-ચા કાર્ય વગર અહીં મારી પાસે ચાલ્યા આવ્યા એ પરથી જ સ્પષ્ટ થઇ ગયું કે તમે સાચા કૈલાસ મહેતા નથી. હરગીઝ નથી. તો પછી તમે કોણ મૂઆ છો?’

‘તમારી કઈંક ગેરસમજ થાય છે મિસ્ટર...!’ દિલીપે હિમ્મત એકઠી કરીને કહ્યું, ‘હું કૈલાસ મહેતા જ છું. તમારી ગેરસમજને જો તમારે દૂર કરવી હોય તો…’

‘ભાષણ બંધ કરો તમારું...!’ એ માનવી એટલા જોરથી તાડૂક્યો કે રૂમની દીવાલો ગુંજી ઉઠી. ‘આ સંજોગોએ જ તમને કૈલાસ મહેતા બનાવ્યા એના તમે જ સંજોગોનો લાભ લેવાના ચક્કરમાં છો અને બનવાજોગ છે કે કદાચ ઉઠાવી પણ જાઓ પરંતુ એ લાભ તમે એકલા હરગીઝ નહીં ઉઠાવી શકો એટલું યાદ રાખજો.’

‘તમારી એકેય વાત મને નથી સમજાતી જનાબ! અને સાથે જ મને આ રીતે બોલાવીને ઉટપટાંગ વાતો પૂછવાનો તમને શું હક છે એ પણ નથી સમજાતું.’ દિલીપ નીડર અવાજે બોલ્યો.

‘થોડી ધીરજ રાખો હમણાં જ તમને બધું જ સમજાઈ જશે.’ એ માનવીએ હસીને કહ્યું, ‘પરંતુ સમજવાનો પ્રયાસ પછી કરજો. હમણાં તો એટલું જ સાંભળો કે અસલી કૈલાસ મહેતા પોતાની કાર સાથે પહાડી રસ્તાના એક ખતરનાક વળાંક પરથી નીચેના સૂકા નાળામાં ઉથલી પડ્યો હતો. હવે આ અકસ્માત કેવી રીતે થયો એ જાણવું હોય તો તે પણ જાણવું?’

જાણે પોતાના પગ નીચેથી જમીન સરકી ગઈ છે અથવા તો પછી ધરતીકંપ થયો છે એવું દિલીપને લાગ્યું.

પરંતુ તરત જ એ સ્વસ્થ થઇ ગયો અને ચહેરાને નિર્વિકાર બનાવી દીધો.

પોતાની સામે બેઠેલો ખૂંખાર માનવી અત્યંત ખતરનાક છે તેનો આભાસ થતા જ તે વધુ સાવચેત બની ગયો.

કૈલાસ મહેતાના મૃત્યુની વાત આ માણસ કેવી રીતે જાણી શક્યો હશે?

એ સમયે તો ત્યાં પોતાના તથા કૈલાસ મહેતા સિવાય ચકલુંય નહોતું ફરકતું.

અરે, હજુ સુધી તો શાંતિનગરની પોલીસને પણ એ વાતની ખબર નહોતી પડી. એ માણસની જાણકારી પ્રત્યે દિલીપને ખરેખર ખુબ જ આશ્ચર્ય થતું હતું.

‘મિસ્ટર...મને હવે પુરીપુરી ખાતરી છે કે હું જ કૈલાસ મહેતા છું. એવી બનાવટી વાતનું પુનરાવર્તન કરવાનું સાહસ તમે નહીં જ કરો.’ દિલીપની સામે બેઠેલો માનવી ખૂંખાર ઢબે ગળામાંથી હાસ્ય કરતા બોલ્યો, ‘અલબત્ત, એટલું તો હું જરૂર કાબુલ કરું છું કે તમે ખુબ જ હિમ્મતવાળા, નીડર, હોશિયાર અને ચાલાક માણસ છો. કબુલ એટલા માટે કરું છું કે તમે કોણ છે એ લાખ પ્રયાસો પછી પણ હું નથી જાણી શક્યો. તમે જે કારમાં બેસીને દરિયાકિનારા પરના આ શહેરમાં આવ્યા હતા, એ કાર વિશાળગઢના પોલીસ સુપ્રિટેન્ડન્ટ ભગવતીની છે અને તેથી મને શરૂઆતમાં થોડી શંકા ઉપજી કે તમે સી.આઈ.ડી ના કોઈ જાસૂસ છો પરંતુ જયારે મને એવું જાણવા મળ્યું કે તમે ભગવતીની કર તાડફડાવીને લાવ્યા છો, મારે તમને ચાલાક માનવા પડ્યા. પોતાની કાર ચોરાઈ ગઈ છે એવી ફરિયાદ તેમણે લખાવી દીધી છે. એટલે પછી તમારા જાસૂસ હોવાની શંકા મારા મગજમાંથી નીકળી ગઈ. તમે કદાચ કેપ્ટન દિલીપ હશો એમ મેં માન્યું હતું પણ પાછળથી તાપસ કરતા જાણવા મળ્યું કે નાગપાલ તથા તેનો સહકારી કેપ્ટાન દિલીપ તો મુંબઈમાં છે. એટલે તમારા પરની એ શંકા પણ મારા મગજમાંથી દૂર થઇ ગઈ. તમે સી.આઈ.ડી ના જાસૂસ નથી એની મને પુરી ખાતરી થઇ ગઈ છે. હવે તમે પોતે જ તમારો પરિચય આપો તો સારું..!’ કહીને એ ભયંકર માનવી ચૂપ થઇ ગયો.

આ બે સમાચારોથી દિલીપને જાણવા મળ્યું કે નાગપાલ ગેનેગારોની પાછળ સાચા રસ્તે પડી ચુક્યો છે.

આ વાતથી એણે મનોમન સંતોષ અનુભવ્યો.

‘હું ગમે તે હોઉં એની તમારે શી પંચાત કરવાની જરૂર છે?’ દિલીપ અક્કડ અવાજે બોલ્યો, ‘જ્યાં સુધી હું તમારા માર્ગમાં આડો ન આવું, ત્યાં સુધી આવી પૂછપરછ કરવાનો તમને કોઈ હક નથી સમજ્યા મિસ્ટર?’

‘તમે મારા માર્ગમાં નથી એ સાચા, પણ જે લોકો મારા માર્ગમાં આવે છે તેઓની સાથે તમે પણ શામેલ થઇ ગયા છો એનું શું?’ એ માનવી કરડાકીભર્યા અવાજે બોલ્યો, ‘એક વાત તમે બરાબર રીતે કાન ખોલીને સાંભળી લો. જે માણસ પાસેથી અમારે કંઈક જાણવું હોય એ હું ગમે તેમ કરીને જાણી શકું છું.’

‘એમ…?’

‘હા…’

‘કેવી રીતે...?’

‘ઘણી બધી રીતે...! જેઓ મારા માર્ગમાં આડા આવે છે તેમને મોતને ઘાટ ઉતારી દેતા પણ હું જરાય નથી અચકાતો.’

‘તો તમે પણ મારી એક વાત બરાબર કાન બંધ રાખીને...ભુલ્યો...ઉઘાડા રાખીને સાંભળી લો મિસ્ટર...!’ દિલીપ નીડર અને સ્વસ્થ અવાજે બોલ્યો.

એના અવાજમાં ગભરાટનું કે ભયનું નામો-નિશાન નહોતું.

‘કહી નાખો...’ એ માનવી બેદરકારીભર્યા અવાજે બોલ્યો.

‘મિસ્ટર...’ જાણે લોખંડ સાથે કાનસ ઘસાતી હોય એવો અવાજ દિલીપના ગળામાંથી નીકળ્યો, ‘અત્યાર સુધી હું જે રીતે જીવ્યો છું, એમાં ધમકીઓથી ડરતા નથી શીખ્યો. આવી ધમકીઓ તો હું એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખવાનું તો એક તરફ રહ્યું. હું તેને કાં સુધી પણ પહોંચવા નથી દેતો. હું તેને કાનમાં પહોંચવા દઉં તો મારે બીજા કાનમાંથી કાઢવાની મહેનત કરવી પડે ને? અને એમાંય તમે તો સૂકી દમદાટી જ આપો છો. એટલા માટે જ તમે કોઈ ને કોઈ, એક ય બીજા કારણોસર તમારી જાતને લાચાર અને પરવશ અનુભવો છો.’

દિલીપની વાત સાંભળીને એ માનવીના જડબા ભીંસાયા.

‘મને ઉત્તેજિત ન કરો મિસ્ટર!’ એ સુશળતા અવાજે બોલ્યો, ‘એકવાર જો મને ગુસ્સો ચડ્યો તો…’

‘તો શું થશે…?’ દિલીપે એક-એક શબ્દ પર ભાર મુક્તા પૂછ્યું.

‘તો એ તમને જ ભારે પડી જશે.’

એની વાત સાંભળીને દિલીપ ખડખડાટ હસી પડ્યો.

એ માનવી અચરજ મિશ્રિત નજરે તેની સામે તાકી રહ્યો.

‘તમે હસો છો શા માટે...?’

‘તમારી કાયરતા જોઈને...!’

‘એટલે...?’

‘મારા જેવા નિશસ્ત્ર માનવીથી તમે ડરો છો, એટલા માટે જ પેલા અંધારા ખૂણામાં ત્રણ માણસો ઉભા રાખ્યા છે ખરુંને? એ ત્રણેયના હાથમાં કાળના દૂત સામી રિવોલ્વરો જકડાયેલી છે એની મને ખબર છે પરંતુ એટલું જાણી લો કે એ ફટાકડીઓનો મને જરા પણ ભય નથી. મારી જવાની ઈચ્છા હશે તો હું ચાલ્યો જઈશ. અને તમે કે તમારા આ ત્રણમાંથી એકેય સ્પુનો એટલે કે ચમચાઓ મને નહીં અટકાવી શકો. છતાંય મારી વાત પર ભરોસો ન હોય તો પ્રયાસ કરીને ખાતરી કરવાની મારા તરફથી પુરેપુરી છૂટ છે.’ કહેતા દિલીપ ઉભો થઇ ગયો.

એ ભયંકર માનવી થોડી પળો માટે એકદમ હેબતાઈ ગયો.

પરંતુ એ રૂમના અંધારા ખૂણામાં ઉભેલા ત્રણેય ચમચાઓની રિવોલ્વરો તો કોઈ પણ ક્ષણે આગ ઓકવા માટે તૈયાર થઇ ગઈ.

આ હાલત પુરી એક મિનિટ સુધી રહી.

પછી એ માનવી સ્વસ્થ થઇ ગયો.

‘તમારા જેવા નીડર, બાહોશ અને ઝિંદાદિલ માણસોની હું કદર કરું છું મિસ્ટર! એ દિલીપના પ્રભાવથી અંજાઈ ગયો હોય એમ હાથ લંબાવતા બોલ્યો, ‘હું તમારી સામે દોસ્તીનો હાથ લંબાવું છું. તમારા પરાક્રમની જાણ થઇ ત્યારે તમને જોયા-જાણ્યા વગર જ હું સમજી ગયો હતો કે તમે મારા સાથીદાર બનવાને લાયક છો, હવે મારી લાયકાત વિષે પણ સાંભળો. તમે ભગવતીની તાડફડાવેલી કારને જે ગેરેજમાં રીપેરીંગ માટે મોકલી હતી, ત્યાંથી હું તેને તાડફડાવી લાવ્યો છું. અને હવે કારનો માત્ર દેખાવ જ નહીં સાથે સાથે એન્જીન, ચેસીસ અને રજીસ્ટ્રેશન નંબર પણ બદલાઈ જશે. પોલીસ ભલે ગમે તેટલા ધમપછાડા કરે, એ ના તો તમને પકડી શકશે કે ન તો તમારી કારને...! આવો...મારા મિત્ર બની જાઓ.’

‘તમે મારે માટે જે કંઈ કર્યું એ બદલ તમારો ખુબ ખુબ આભાર!’ દિલીપ બોલ્યો. અલબત્ત તેણે હાથ મિલાવવાનો જરા પણ પ્રયાસ નહોતો કર્યો.

‘તો પછી…?’

‘મિસ્ટર હું તમને ઓળખાતો નથી, તેમ તમારા હેતુની પણ મને કશી જ ખબર નથી. આ સંજોગોમાં...’

‘ઓહ…!’ એ હસી પડ્યો. પછી અંધારામાં ખૂણા તરફ ફરી પોતાના માણસોને ઉદ્દેશીને બોલ્યો, ‘તમે લોકો નીચે જાઓ પરંતુ ત્યાં આંખ-કાન ઉઘાડા રાખજો. શરાબના નશામાં ચકચૂર બનીને ભાન નહીં ગુમાવતા સમજ્યાને?’

ત્રણેય અંધકારમાંથી બહાર નીકળીને પ્રકાશમાં આવ્યા.

પછી આજ્ઞાંકિત ઢબે હકારમાં માથું હલાવીને તેઓ ચુપચાપ બહાર નીકળી ગયા.

તેમના ગયા પછી એ માનવી પુન: દિલીપ તરફ ફર્યો.

‘તમે મારા મિત્ર બનશો અને આપણે બંને સાથે મળીને કામ કરશું એવી આશા રાખીને હવે હું તમને મારા વિષે કહું છું.’ એ સ્મિત ફરકાવતા બોલ્યો.

કાવેરી તથા અરુણ દેશપાંડેના ગ્રુપ વિષે પોતે ફક્ત જાણી જ નહિ શકે, સાથે સાથે તેઓના હેતુઓને પણ ચાલાકીથી ધૂળમાં મેળવી શકાશે એવા વિચારથી દિલીપ એ ભયંકર માનવી સાથે હાથ મિલાવવા તૈયાર થઇ ગયો.

પાછળથી આ ભયંકર માણસને પણ જોઈ લેવાશે એમ પણ એણે વિચારી લીધું હતું.

ટૂંકમાં, પડશે એવા દેવાશેના નિર્ણય પર તે આવ્યો હતો.

પરંતુ તેમ છતાંય તે વિચારવાનો ડોળ કરવા લાગ્યો.

સામ માણસને ભ્રમમાં રાખવા માટે આમ કરવું જરૂરી હતું.

‘ઠીક છે..!’ થોડી પળો બાદ એ બોલ્યો, ‘મને નુકસાન થાય તેમ નહીં હોય તો કામ કરવામાં વાંધો નથી.

‘મારી સાથે રહીને કામ કરવાથી તમને નુકસાનને બદલે ઉલટું લાભ જ થશે તેની તમે ખાતરી રાખજો.’

‘તો ભલે...હવે સૌથી પહેલા તમે તમારી રામાયણ સંભળાવો. એ પછી હું કોણ છું ને શું છું તે તમને જણાવી દઈશ.’

એ માનવીએ સિગરેટ સળગાવીને તેના લાંબા ખાસ ખેંચ્યા.

દિલીપ તેના બોલવાની રાહ જોવા લાગ્યો.

‘સાંભળો...’ છેવટે એ બોલ્યો, ‘મારુ નામ માઈકલ છે અને હું…’

એની વાત અધૂરી રહી ગઈ.

એ પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલા જ બહારથી જબરો શોરબકોર સંભળાયો.

બહારના ભાગમાં મારામારી થઇ હોય એવો ભાસ થયો.

પછી એ શોરબકોરમાં ગોળીઓ છૂટવાના અવાજો સંભળાયા.

બંને જણા ચમકીને એકબીજાના મોં સામે તાકી રહ્યા.

તેમના ચહેરા પર આશ્ચર્યમિશ્રિત મૂંઝવણના હાવભાવ છવાઈ ગયા હતા.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED