ભેદ - - 6

ભેદ

કનુ ભગદેવ

પ્રકરણ - 6

દેશપાંડેનુ ખૂન…!

દિલીપના મગજ પરનો ઘણો બોજો હળવો થઇ ગયો હતો. તસ્વીરનું ઘણું ખરું રૂપ આંખો સામે સ્પષ્ટ બનીને ઉપસી આવ્યું હતું.

પરંતુ છતાંય હજુ એ તસ્વીર ઝાંખી હતી. કારણ કે એની કેટલીય કડીઓ હજુ પણ તૂટેલી હતી.

સૌથી મહત્વનો સવાલ તો એ કે આ ગુનાની પાછળ દોરીસંચાર કોનો છે? તે હતો.

મૃત્યુ પામેલો કૈલાસ મહેતા, કાવેરી તથા અરુણ દેશપાંડે તો પોતાના બોસના સંકેતો પર નાચતા હતા.

પડદા પાછળનો આ અપરાધી કોણ હશે?

આ બાબતમાં દિલિપનો નવી મિત્ર, ખૂંખાર ચહેરાવાળો ભયંકર માનવી માઈકલ પણ અજાણ હતો. ખેર, એ ગુનેગારની પાછળ પાડવા માટે આતુર હતો.

સીડી પરથી ઉતરી રહેલા દિલીપને એ વાત પણ નહોતી સમજાઈ જે ગુના તરફ સંકેત કર્યો હતો, તેમાં પણ વિસ્ફોટની શું જરૂર હતી?

બપોરે થયેલા ધડાકા પછી સમુદ્રકિનારે વસેલા આ ખુબસુરત શાંતિનગરમાં ભય અને આતંકનો ગોઝારો પડછાયો ફરી વાળ્યો હતો.

કેટલાય લોકો નાસી છૂટ્યા હતા.

ત્યારે ખુદ પોલીસ પણ નાસી ગઈ હતી.

પરંતુ આ વિસ્ફોટની વાત જયારે ચારે તરફ પ્રસરી જશે અને વધારાની પોલીસ તથા સી.આઈ.ડી ના ઓફિસરો અહીં તપાસમાં લાગી જશે એવી કલ્પના ગુનેગારે નહીં કરી હોય?

હાથે કરીને સી.આઈ.ડી ને પોતાની તરફ આકર્ષવા પાછળ ગુનેગારનો શો હેતુ હશે?

એ બીજા માળ પર આવ્યો હતો.

ત્યાં હજુ પણ ભીડ હતી.

ભીડમાં એકઠા થયેલા લોકો ભયથી થરથરતા હતા.

સૌના ચહેરા ભય અને ગભરાટથી ધોળા પુની જેવા બની ગયા હતા.

તેઓ કદાચ હસવાનું સુદ્ધા ભૂલી ગયા હતા.

સ્ત્રીવર્ગની હાલત સૌથી વધુ ખરાબ હતી. એ બધી ભયભીત હરણી જેવી દેખાતી હતી.

ડાન્સ ફ્લોર ઉજ્જડ હતો.

ઓર્કેસ્ટ્રા પણ જાણે મૃત્યુ પામ્યું હોય એમ ખામોશ હતું.

પોલીસ આવી પહોંચી હતી અને લોકોની પૂછપરછ શરુ કરી દીધી હતી,

હેબતાઈ ગયેલો મેનેજર પોતાના સૂકા, પાતળા પગ પર આમતેમ દોડાદોડી રહ્યો હતો.

કયા કયા માણસો વચ્ચે ઝઘડો થયો, એ જાણવા માટે દિલીપ આતુર હતો.

ગોળી શા માટે છૂટી હતી? કોણ કોણ એ ગોળીનો ભોગ બન્યું, તે બધું જ એને જાણવું હતું.

એણે ચારેય તરફ નજર દોડાવી.

પરંતુ કાવેરી તથા અરુણ દેશપાંડે તેને ક્યાંય ન દેખાયા.

ખૂંખાર માઈકલના ત્રણ માણસો પણ ત્યાં નહોતા.

બીજા કોઈને પૂછવું નકામું હતું એટલે તે ચુપચાપ એક ટેબલ તરફ આગળ વધ્યો.

અહીં ગમખ્વાર બનાવો ઝડપથી બનતાં જાય છે એવો તેને ભાસ થતો હતો.

પોતે કશું જ કરી શકવાને બદલે એ બનાવોનું એક અંગ બની ગયો છે, એમ પણ તેને લાગતું હતું.

પોતે તાપસ કરે તો ક્યાંથી અને કેવી રીતે શરુ કરે એ વિષે તેને કશું જ નહોતું સૂઝતું.

ખુરશી પર બેસીને હજુ તો તે સિગરેટ સળગાવતો હતો ત્યાં જ પેલી ગોરી ચિટ્ટી ખુબસુરત વેઇટ્રેસ તેની સામે આવીને ઉભી રહી.

દિલીપે માથું ઊંચું કર્યું.

પછી તે સિગરેટના બે-ત્રણ કસ ખેંચીને એની સામે તાકી રહ્યો.

‘અત્યારે તો તમે થોડી વાર પહેલા લાગતા હતા, તેના કરતા પણ વધુ સુંદર લાગો છો મિસ વેઇટ્રેસ!’ દિલીપ સ્મિત ફરકાવતા શરારતભર્યા અવાજે બોલ્યો, ‘રાતનાં સમયે યુવતીઓ શા માટે ખુબસુરત લાગે છે, એ તો ખુદ યુવતી પોતે, બીજો ભગવાન અને ત્રીજો કદાચ સૌંદર્યપ્રસાધનના સાધનો બનાવનાર જ જાણતા હોવા જોઈએ. ખેર, જે હોય તે, પણ શા માટે લગતી હશે એ બાબત પર તમે જરા લાઈટ અર્થાત પ્રકાશ ફેંકી શકશો મિસ…?’

‘વન્ડરફુલ...વેરી ગુડ…!’ આ વખતે એ સુંદર વેઇટ્રેસ મોં બગાડવાને બદલે હસીને બોલી, ‘ક્યારેક તક મળી તો પ્રકાશ નહીં પણ સર્ચલાઈટ ફેંકીશ. હવે કૃપા કરીને તમારો ઓર્ડર જ ફરમાવો! વળી પાછા તમે ક્યાંક મેનેજરને ઊંધું-ચતુ કહેશો તો પછી મારે નોકરીથી હાથ ધોઈ નાખવા પડશે એવો ભય લાગે છે. અને જુઓ, લાગણી કે પ્રેમનો ઓર્ડર આપશો નહિ.’

‘એ બંને વસ્તુઓનો સ્ટોક હજુ સુધી નથી આવ્યો?’ દિલીપે આંખો પટપટાવતા પૂછ્યું.

‘ના…’

‘વારું, તું કેટલા દિવસથી અહીં કામ કરે છે?’ દિલીપે તેને એકવચનમાં સંબોધતા પૂછ્યું.

‘આજે છઠ્ઠો દિવસ છે. બનવાજોગ છે કે કદાચ સાતમો દિવસ પણ હોય!’

‘હા...બનવાજોગ તો ઘણું બધું છે અને તું પણ બનવાજોગ કે “બનવાજોગ” હો…!’

‘જી…’ વેઇટ્રેસ આશ્ચર્યથી બોલી, ‘બીજું બનવાજોગ શું હોઉં?’

‘હમણાં તો જે હો તે…!’ દિલીપે કહ્યું, ‘એમ જ બની રહે...છે એનાથી વધારે કંઈક બનવા જઈશ તો પછી આ શહેરની સડકો પર અને સમુદ્રમાં યુવાનોની લાશો જ તરતી નજરે ચડશે. હા, તો મિસ વેઇટ્રેસ, હવે કૃપા કરીને તારું નામ પણ જણાવી દે!’

‘રુબી...!’ વેઇટ્રેસ સ્મિત ફરકાવતાં બોલી, ‘એનાથી આગળ પૂછવાની તમારે તકલીફ ન લેવી પડે માટે સાથે સાથે એ પણ જણાવી દઉં કે ક્રિશ્ચિયન છું. ગોવાની વાતની છું અને અત્યાર સુધીમાં છ વખત લગ્ન કરી ચુકી છું.’

‘બસ…?’ દિલીપ લહેકાથી બોલ્યો, ‘ફક્ત છ વખત જ…?’

‘હા...મારા છએય પતિ ત્રણ-ત્રણ દિવસના અંતરે ઈશ્વરના ધામમાં ચાલ્યા ગયા અને હવે સાતમા...’

‘સાતમી વખત એ મહેરબાની ભલા થઈને મારા પર કરીશ નહીં.’ દિલીપ વચ્ચેથી જ બોલી ઉઠ્યો.

‘કેમ…?’

‘એટલા માટે કે જો તારી આ સાતમી મહેરબાની મારા પર થશે તો હું ક્યાંક શકીલપરસાદોની ફોજ તૈયાર કર્યા વગર જ આગળ છએયની પાછળ ઈશ્વરના દરબારમાં પહોંચી જઈશ. માટે એ કૃપા મારા પર કરીશ નહીં, કારણ કે ફોજ તૈયાર કર્યા વગર આ પવિત્ર ભૂમિમાંથી કુચ કરી જવાની મારી જરા પણ ઈચ્છા નથી. હાલ તુરત મારાથી દૂર જ રહેજે...હવે જા, અને મારા માટે ગરમ ગરમ શરબત, સોરી, કોફી લઇ આવ…!’

‘હું તો તમને ખુબ જ બહાદુર માનતી હતી પરંતુ, તમે તો…’

‘રામનું નામ લે રામનું નામ…!’

‘કેમ…?’

‘મારા કુટુંબમાં આજ સુધી કોઈ બહાદુર માણસ નથી પાક્યો અને ભવિષ્યમાં પણ પાકશે નહીં...!’ દિલીપ ઉતાવળા અવાજે બોલ્યો, ‘મારા હૃદયના ધબકારા હવે બમણા થઇ ગયા છે. માટે તું જલ્દીથી અહીંથી વંજો માપી જા તો સારું!’

રુબી સ્મિત ફરકાવતી ત્યાંથી ચાલી ગઈ અને થોડે દૂર ઉભેલા એક ઇન્સ્પેક્ટર સાથે વાતો કરવા લાગી.

વચ્ચે એણે બે-ત્રણ વખત દિલીપ તરફ સંકેત પણ કર્યો.

અને પછી થોડી જ પળોમાં જયારે એ ઇન્સ્પેક્ટર દિલીપની સામે આવીને ઉભો રહ્યું, ત્યારે જ તેણે રૂબીના સંકેતનો અર્થ સમજાયો.

‘તમારું નામ શું છે મિસ્ટર...?’ ઈન્સ્પેક્ટરે દિલીપનાના ચહેરા સામે તાકીને પૂછ્યું.

‘જી કૈલાસ મહેતા...!’ દિલીપ બોલ્યો, ‘પરંતુ આ પૂછપરછ તમે કયા કારણસર કરો છો સાહેબ?’

‘મને સવાલ કરવાની જરૂર નથી મિસ્ટર! હું જે પૂછું એનો જ જવાબ આપતા જાઓ.’

‘પૂછો...’ દિલીપ સાવચેત થઇ ગયો.

‘અહીં જયારે ગોળીના ધડાકા થયા ત્યારે તમે ક્યાં હતા?’

‘અહીં જ હતો…!’

‘તો તો તમે એ લોકોને જરૂર જોયા હશે કે જેઓ…’

‘જી...વાત એમ છે કે…’ દિલીપ વચ્ચેથી બોલી ઉઠ્યો, ‘રાતનાં મને ઓછું દેખાય છે...જુઓને તમારો ચહેરો પણ તમે આટલા નજીક હોવા છતાં બરાબર નથી દેખાતો. એટલે તેમના ચહેરા પણ નથી જોઈ શક્યો. અલબત્ત, મારા કાન આંખથી વિપરીત એકદમ સરવા છે એટલે ગોળીઓ છૂટવાનો અવાજ જરૂર સાંભળ્યો હતો.’

‘તમારી આંખો કમજોર છે અને છતાંયે તમે ચશ્મા નથી પહેરતા?’

‘ના…’

કેમ…?’

‘આજે સવારના જ ખોવાઈ ગયા છે…!’

‘ખેર, મને એવો રિપોર્ટ મળ્યો છે કે તમે એ લોકોને બરાબર ઓળખો છો. એ લોકો જરૂર તમારા સાથીદાર હોવા જોઈએ.’

‘ના...આ વાત તદ્દન ખોટી છે…!’ દિલીપનો અવાજ એકદમ સ્વસ્થ હતો.

‘તમે ખોટું બોલો છો…!’ ઈન્સ્પેક્ટરે કરડાકીભર્યા અવાજે કહ્યું, ‘અને તમારા ગજવામાં અત્યારે પણ રિવોલ્વોર છે. જરા બહાર કાઢો તો…’

ઇન્સ્પેક્ટરની ચકોર નજરને દિલીપે મનોમન દાદ આપી.

‘રિવોલ્વોર તો મારી છે જ!’ એ પૂર્વવત રીતે સ્વસ્થ અવાજે બોલ્યો, ‘પરંતુ એ મારી પોતાની માલિકીની છે. હું એ લોકોનો સાથીદાર છું એવી તમારી માન્યતા ભૂલભરેલી અને…’

‘રિવોલ્વોર કાઢો...!’ ઇન્સ્પેક્ટરનો અવાજ વધુ કર્કશ થયો.

દિલીપે ગજવામાંથી રિવોલ્વોર કાઢીને તેના હાથમાં મૂકી દીધી.

‘આનું લાઇસન્સ ક્યાં છે? અને આમાં તો એક ગોળી ઓછી લાગે છે. ઉપરાંત... ઉપરાંત...આ તો સરકારી રિવોલ્વોર છે. ખેર મિસ્ટર કૈલાસ તમે ચુપચાપ ઉભા થઈને મારી સાથે ચાલો...!’

અહીં દલીલબાજી કરવાથી વાત વધુ વણસી જશે એવો ભય દિલીપને લાગ્યો.

એ શાંતિથી ઉભો થયો.

એ જ વખતે રુબી કોફી લઈને આવી પહોંચી.

‘મિસ્ટર...!’ એ કટાક્ષભર્યા અવાજે બોલી, ‘કોફી તો પી લો...જેલમાં પછી નહીં મળે...!’

દિલીપે ક્રોધથી સળગતી નજરે તેની સામે જોયું.

પછી તે કોફી પીધા વગર જ ઇન્સ્પેક્ટર સાથે ચાલતો થયો.

બંને બહાર નીકળી આવ્યાં.

ત્યારબાદ દિલીપને લાચારીવશ પોતાનો સાચો પરિચય ઈન્સ્પેક્ટરને આપવો પડ્યો.

ખાતરી માટે એણે તેને પોતાનું આઇડેન્ટીકાર્ડ પણ બતાવ્યું.

‘માફ કરજો મિસ્ટર દિલીપ...!’ એનો પરિચય જાણ્યા બાદ ઇન્સ્પેક્ટર દિલગીરીભર્યા અવાજે બોલ્યો.

‘કંઈ વાંધો નહીં, પણ મારા સાચા પરિચયનો ભેદ જાળવી રાખજો નહીં તો મારી બાજી ઉંધી વળી જશે.’

‘આપ બેફિકર રહો…!’

‘ઠીક છે…!’ દિલીપે કહ્યું, ‘અહીં રોકવાથી તમને કશો જ લાભ નથી થવાનો. માટે જાઓ…!’

‘જી…!’

‘હા, તમારું નામ શું છે ઇન્સ્પેક્ટર...?’ દિલીપે પૂછ્યું.

‘જી, રાજન લાડવા...! હમણાં જ ડિપાર્ટમેન્ટમાં આવ્યો છું.’

‘છતાંય જૂનાં કરતા તમે ઘણા સારા છો. તમે ચોક્કસ પ્રગતિ કરશો એની મને ખાતરી છે.’

‘થેંક્યુ...’

ત્યારબાદ દિલીપ થોડી વાર સુધી ધીમા અવાજે તેની સાથે વાતો કરતો રહ્યો.

‘આપ બેફિકર રહો…!’ છેવટે ઇન્સ્પેક્ટર લાડવાએ કહ્યું. ‘મારાથી જરા પણ ભૂલ નહીં થાય!’

‘વેરી ગુડ…!’

દિલીપ જયારે ફરીથી અંદર પ્રવેશ્યો, ત્યારે રુબી ચમકી ગઈ.

અને એમાંય દિલીપને પોતાની તરફ જ આવતો જોયો ત્યારે તેના ગભરાટનો પાર ન રહ્યો.

‘મારે વિષે તે એક વાત છુપાવી રાખી હતી. રુબી ડિયર!’ નજીક આવીને દિલીપ બોલ્યો, ‘હું નવ લગ્નો કરી ચુક્યો છું. અને લગ્નના બીજા દિવસે જ મારી પત્નીના ખૂન કરતો આવ્યો છું. કહેવાનું તાત્પર્ય એટલું જ કે મારી દસમી પત્ની તરીકે મેં તારા પર પસંદગી ઉતારી છે.’

‘એમ…!’ રુબી ઠાવકા અવાજે બોલી.

‘હા…!’

‘અરે, જાઓ...જાઓ...પહેલા મોં જોઈ આવો અરીસામાં!’ પરેશાન હોવા છતાં રૂબીએ તેની મજાક ઉડાવતાં કહ્યું, ‘હા, આ લો...કાવેરી મેડમ આ ચિઠ્ઠી તમને આપવા માટે કહી ગયા છે.’

‘ઓહ...કાવેરી...માય મિસિસ નંબર ઇલેવન...એટલે કે મારી અગિયારમી પત્ની...?’ દિલીપ એના હાથમાંથી ચિઠ્ઠી લેતા બોલ્યો, ‘પરંતુ તું ગભરાઈશ નહીં...! દસમો નંબર તારો જ રહેશે. લગ્નની તારીખ નક્કી કરવાનું હું તારા પર જ છોડી દઉં છું. તારીખ નક્કી કરીને મને જણાવી દેજે એટલે હું મિત્રો, સ્નેહીઓ, સગાસંબંધીઓ વિગેરેને લઈને બેન્ડવાજા સાથે આવી પહોંચીશ...!’

‘આ મોં અને મસૂરની દાળ…!’

‘દાળ મસૂરની હોય કે બીજી કોઈ…! આપણે તો ગમે તે ચાલે...!

‘અરે, જાઓ...જાઓ…! મારી સાથે લગ્ન કરવા માટે તો ગજ એક કલેજાંની જરૂર છે સમજ્યા? તમારાથી કાચો પાપડ પણ ભાંગી શકાય તેમ નથી તો શેકેલાની તો વાત જ દૂર રહી…! તમે શું ધૂળ મારી સાથે લગ્ન કરશો...!’

‘તારે મારું કલેજું કેવું છે, એ જ જાણવું છે ને?’

‘હા…’

‘તો બહાર નજર કરી આવ…!’

‘કેમ…? ત્યાં વળી શું છે?’

‘તું જોઈ આવ એટલે તને સમજાઈ જશે.’

‘તમે પોતે જ કહી નાખો ને!’

‘તો સંભાળ...હોટલના ફાટકની બહાર દસ ફૂટ ઊંડા ખાડામાં પેલો ઇન્સ્પેક્ટર બેભાન હાલતમાં પડ્યો છે!’ દિલીપ રુઆબભેર બોલ્યો, ‘મેનેજરે કરેલ અપમાનનું વેર વાળવા માટે તે મને પોલીસની ચુંગાલમાં ફસાવી દેવાનો દાવ ખેલ્યો હતો. પણ રુબી ડાર્લિંગ આવા તો કેટલા ઇન્સ્પેક્ટરોને હું ગજવામાં રાખીને ફરું છું સમજી તું…?’

‘જરૂર ફરતા હશો પણ હું તમારા પ્રભાવથી જરા પણ નહિ અંજાવ એની તમે ખાતરી રાખજો.’

આ દરમિયાન દિલીપે કાવેરીની ચિઠ્ઠી વાંચી લીધી.

એણે તાબડતોડ દિલીપને બહાર બોલાવ્યો હતો.

‘હું તમને ફરીવાર મળીશ મિસ રુબી...!અત્યારે હું ઉતાવળમાં છું નહીં તો હમણાં જ લગ્ન કરીને તારી બધી હોશિયારી ભુલાવી દેત!’ છેવટે તે બોલ્યો, ‘આ બાબતમાં હું તને ચોક્કસ જ મળીશ.

ત્યારબાદ રુબી કશો જવાબ આપે તે પહેલા જ એ બહાર નીકળી ગયો.

બહાર ટીનના શેડ નીચે ઉભેલી કાવેરી ખુબ વ્યાકુળતાથી તેની રાહ જોતી હતી.

દિલીપ આવ્યો કે તરત જ એ તેનો હાથ પકડીને એને તદ્દન એકાંતમાં લઇ ગઈ.

‘શું વાત છે કાવેરી...?’ દિલીપે પૂછ્યું.

‘મિસ્ટર કૈલાસ, અરુણને ગોળી વાગી છે!’ એ ધીમા અવાજે બોલી.

‘શું…?’ દિલીપ એકદમ ચમક્યો, કેવી રીતે...? ક્યારે લાગી?’

‘ભગવાન જાણે...!’ કાવેરી ચિંતાતુર અવાજે બોલી, ‘એ લોકો કોણ હતા ને કઈ બાબતમાં તેમણે અરુણ સાથે ઝઘડો થયો, એની પણ મને ખબર નથી.’

‘તમે બધા મૂર્ખ છો...બેવકૂફ છો…!’ દિલીપે કુત્રિમ રોષથી કહ્યું, ‘બપોરે થયેલા પ્રયોગથી હવે પોલીસની જબરદસ્ત જાળ પથરાઈ જશે. મને તો લાગે છે કે ચોક્કસ આપણા કોઈક વિરોધીઓ મેદાનમાં પડ્યા છે. એટલે જો આપણી યોજના નિષ્ફળ જશે તો એની ચૂકતે જવાબદારી તમારા લોકોની જ રહેશે.’

‘મેં પણ અરુણને ઘણી ના પડી હતી, પરંતુ એ કોઈ પણ ભોગે પોતાની શોધનો ચમત્કાર નજરોનજર જોવા માટે આતુર હતો.’ કાવેરી બોલી, ‘ખેર પડશે એવા દેખાશે, સૌથી પહેલા તો અરુણને કોઈક ડોક્ટર પાસે લઇ જવાની જરૂર છે.’

‘પરંતુ અત્યારે તેને ડોક્ટરને ત્યાં લઇ જવામાં ઘણું જોખમ છે.’ દિલીપે મૂંઝવણભર્યા અવાજે કહ્યું, ‘ઉપરાંત હું અહીંના એકેય ડોક્ટરને નથી ઓળખાતો.’

‘એને કોઈ પણ સંજોગે લઇ જ જવો પડે તેમ છે મિસ્ટર કૈલાસ! જો નહીં લઇ જઈએ તો એ મરી જશે.’ કાવેરી બોલી, ‘તમારી મદદ માટે કે છોકરી પણ સાથે આવશે. તે એક ડોક્ટરને ઓળખે છે.’

‘છોકરી...?’

‘હા...અને તે વિશ્વાસુ પણ છે.’

‘કોણ છે એ?’

‘રુબી...! તે આ હોટલમાં વેઇટ્રેસ છે. મેં એને ફોડી નાખી છે. ગુપ્ત રીતે આપણું કામ કરશે. તમારી સાથે આવવા માટે તેને પુષ્કળ રૂપિયા આપવામાં છે. અરુણ અત્યારે તેના જ રૂમમાં છે.!’

દિલીપને પોતાની ખોપરી હવામાં ઊડતી લાગી.

અને એમાંય જયારે તે કાવેરી તથા રુબી સાથે, રૂબીના રૂમમાં પહોંચ્યો ત્યારે તો એનું માથું જ ભમી ગયું.

કાવેરી તથા રૂબીના મોંમાંથી પણ અચરજભર્યા ચિત્કાર સરી પડ્યા.

કારણ...?

એ રૂમમાં ઈજાગ્રસ્ત અરુણ નહીં, પણ તેનો મૃતદેહ જ પડ્યો હતો!

લોહીમાં ડૂબેલો મૃતદેહ.

કોઈકે ચોરીછૂપી થી અંદર પ્રવેશીને સાઈલેન્સરયુક્ત રિવોલ્વર માંથી તેને ફરીવાર ગોળી ઝીંકી દીધી હોય તેવું લાગતું હતું.

દિલીપની નજર સામે પળભર માટે ખૂંખાર માનવી માઈકલનો ચહેરો તરવરીને અદ્રશ્ય થઇ ગયો.

‘હવે...હવે...શું થશે…?’ રુબી ભયથી થરથરતા અવાજે બોલી.

‘થવાનું શું હતું...?’ દિલીપ તેની સામે ડોળા તાંતળાવતા બોલ્યો, ‘આનાથી વધારે ઉત્તમ તક ક્યારે મળશે? હવે તો તારી સાથે લગ્ન કરીશ જેથી તારો મૃતદેહ પણ અરુણ જેવો જ બની જાય!’

રૂબીના ચહેરાનો રંગ ઉડી ગયો.

‘આ...આ મજાકનો સમય નથી મિસ્ટર કૈલાસ...!’ કાવેરી ચિંતાતુર અવાજે બોલી, ‘મારી મતિ મૂંઝાઈ ગઈ છે. આ બધું શું થાય છે એ જ મને તો નથી સમજાતું.’

‘બીજું શું…? બેવકૂફીનું પ્રદર્શન કરવાથી જે થવું જોઈએ, એ જ થાય છે!’ દિલીપે બનાવટી રોષનું પ્રદર્શન કરતા કહ્યું, ‘પોલીસની સાથે કમ્બખ્ત દુશ્મનો પણ મેદાનમાં આવ્યા લાગે છે. હવે આ કામ પહેલા જેટલું સરળ લાગતું હતું, એટલું નથી રહ્યું. ઉપરથી બોસની નારાજગી તો વળી જુદી જ…!’ દિલીપે અંધકારમાં જ તિર છોડી દીધું, ‘એમના રોષને પણ તમે જ ભોગવજો.’

‘હાલ તુરત આપણને આપણને પ્રોગ્રામ પડતો મુકવાનો હુકમ મળ્યો છે. બનવાજોગ છે કે કદાચ આ હોટલ પણ છોડવી પડે!’ કાવેરી બોલી, ‘પરંતુ પહેલા અરુણનાં મૃતદેહનું તો કંઈક કરો. એને વધુ વખત સુધી અહીં રાખવામાં જોખમ છે.’

‘હા...આ મૃતદેહ...! તેનું હવે શું કરવાનું છે?’

‘સમુદ્ર અહીંથી દૂર નથી…!’

‘એ તો નથી જ…!’

‘સદભાગ્યે રાતનો સમય છે…! ગમેતેમ કરીને આ મૃતદેહને ઠેકાણે પડી આવો…!’

‘એ તો મારે માટે મામૂલી વાત છે, પણ…!’

‘પણ શું…?’

‘હું અહીંના રસ્તાઓથી પરિચિત નથી…!’ દિલીપ રૂબીના ચહેરા સામે તાકી રહ્યો, ‘જો રુબીને મારી સાથે મોકલો તો મને ઘણી સરળતા રહેશે.’

‘હું...પણ...હું…’ રુબી બબડવા લાગી, ‘હું ખૂનના ચક્કરથી તો દૂર જ રહેવા માંગુ છું. આવું બધું મને કહેવામાં નહોતું આવ્યું. મને તો માત્ર એટલું જ જણાવવામાં આવ્યું હતી કે કોઈક ડોક્ટર...’

‘રાઈટ...ડોક્ટરને ત્યાં લઇ જવાની વાત જરૂર થઇ હતી. જો તારો એ ડોક્ટર આ મૃતદેહમાં મન્ત્રોચ્ચાર દ્વારા જીવ ફૂંકી શકે તેમ હોય તો ત્યાં લઇ જઈએ.’ દિલીપના અવાજમાં કટાક્ષનો સુર હતો.

‘પણ...પણ…’

‘બકરીની માફક બેં...બેં..કરવાથી કામ નહીં ચાલે! હવે તો તું પણ આ ચક્કરમાં સંડોવાઈ જ ગઈ છો રુબી ડિયર!’ દિલીપ વચ્ચેથી જ બોલી ઉઠ્યો, ‘કદાચ આ લોકો તને છોડી દે તો પણ આ બંદો કૈલાસ મહેતા હરગીઝ નથી છોડવાનો!’ પછી એણે કાવેરીને ઉદ્દેશીને કહ્યું, ‘તું તાબડતોડ કારની વ્યવસ્થા કર કાવેરી! મારી દસ નંબરની ભાવિ પત્ની પણ સાથે જ આવશે.’

રુબિએ રોષભેર દાંત કચકચાવ્યા.

કાવેરી બહાર ચાલી ગઈ.

થોડી વાર પછી એક લાંબી કાર ઝડપથી વાંકી-ચૂંકી સડક પર દોડતી હતી.

ડ્રાઇવિંગ સીટ પર દિલીપ બેઠો હતો,

રુબી તેની હતી.

પાછળની સીટ પર અરુણનો મૃતદેહ બેઠો હતો.

બેઠો હતો…!

હા, એ બેઠો હોય એ રીતે એને ગોઠવવામાં આવ્યો હતો. ચાંદની રાત…! ભેંકાર સન્નાટો...!’ ઉજ્જડ સડક…!

કાર પુરપાટ વેગે પોતાની મંજિલ તરફ દોડતી હતી.

બંનેના મોં માં જાણે જેભ જ ન હોય એમ તેઓ ચુપચાપ બેઠા હતા.

પરંતુ દિલીપ વધુ સમય સુધી ચૂપ રહેવાના સ્વભાવનો ન હતો.

‘પેલો ઇન્સ્પેક્ટર તારી વાતોથી ઉશ્કેરાઈને જ મારી પાછળ રુઆબ છાંટવા માટે આવ્યો હતો.’ એ ત્રાંસી નજરે રુબી સામે તાકી રહેતા બોલ્યો, ‘જો તે મને જેલમાં લઇ જાત અને પાછળ આ લોકોને ખબર પડત કે તારા કારણે જ મારે જેલમાં જવું પડ્યું છે, તો ચોક્કસ જ તેઓ તને ગોળી ઝીંકી દેત અને એમાં શંકાને કોઈ સ્થાન નથી.’

‘અહીંના રસ્તા ઘણા ખરાબ છે.’ રુબિએ રુક્ષ અવાજે કહ્યું, ‘જો તમારાથી સહેજ પણ ગફલત થશે તો આપણે બંને જીવલેણ અકસ્માતનો ભોગ બની જઈશું માટે કૃપા કરીને તમારી નજરને આડી-અવળી ન રાખતાં સડક પર જ સ્થિર રાખો.’

રૂબીના અવાજનો ટોન દિલીપને જરાપણ માફક ન આવ્યો.

પરંતુ એ કંઈ બોલ્યો નહીં.

વરસતી ચાંદનીમાં કાર સાઠ કિલોમીટરની રફ્તારથી દોડતી હતી.

સમુદ્રકિનારાથી બીજી તરફ જતી સડક પર કાર થોડીવાર માટે ધીમી પડી.

પછી પુન: તે ગતિમાં આવી ગઈ.

બંદરથી ખુબ દૂર આવ્યા બાદ રુબી બોલી, ‘બસ, કારને અહીં જ ઉભી રાખી દો…!’

‘કેમ…?’

‘મૃતદેહને ઠેકાણે પાડવા માટે આ સ્થાન બરાબર છે…! મૃતદેહને અહીં જ ઠેકાણે પાડી દો…!’

‘અને તું…? તું અહીં શા માટે આવી છો…?’ દિલીપ ઘૂંઘવાતા અવાજે બોલ્યો, ‘તું આ સન્નાટાભરી ચાંદનીમાં પ્રેમ કરવા આવી છો કે શું…?’

‘ના…’

‘તો શા માટે આવી છો?’

‘હું તો તમને ફક્ત માર્ગ બતાવવા માટે જ સાથે આવી છું.’

‘અને આ મૃતદેહ...?’

‘મૃતદેહનું વળી શું છે?’

‘એને ઠેકાણે તો પાડવો જોઈશે ને?’

‘મિસ્ટર...આપણે તેની આરતી ઉતારવા માટે અહીં નથી લાવ્યા...!’

‘તો તું મને મદદ નહીં કરે?’

‘મૃતદેહને ઠેકાણે પાડવામાં...!’

‘ના…’

‘કેમ…?’

‘કપાળ તમારું...! મૃતદેહને ઠેકાણે પાડવાનું કામ મારુ નહીં, તમારું છે.’ રુબી ઘૂંઘવાઇને બોલી, ‘તમારા જેવા માણસ છે, એ ઓછું છે? જાઓ જલ્દી કરો…!’

દિલીપે ક્રોધથી દાંત કચકચાવ્યા.

પરંતુ અત્યારે ઝઘડો કરવાનો સમય ન હતો.

એ પાછળની સીટ પરથી અરુણનાં મૃતદેહને ખભા પર ઊંચકીને સમુદ્ર તરફ આગળ વધ્યો.

કિનારા પર પહોંચીને એણે પાછળ જોયું.

કાર ઘણી દૂર હતી, અને ત્યાંથી રુબી કશું જ જોઈ શકે તેમ નહોતી.

એણે ઝપાટાબંધ મૃત અરુણનાં ગજવાની તલાશી લેવી શરુ કરી અને તેના ગજવામાંથી જે કંઈ હતું. તે બધું જ બહાર કાઢીને પોતાના ગજવામાં સરકાવી દીધું.

ત્યારબાદ મૃતદેહ ઘસી આવતાં મોજમાં ન ખેંચાઈ જાય તથા બીજે દિવસે લોકોની નજર સરળતાથી તેના પર પડે, એ રીતે ગોઠવી દીધો.

ટૂંકમાં પોલીસ મૃતદેહ સુધી પહોંચી જાય એમ કરીને તે કાર પાસે આવ્યો.

‘મૃતદેહને ઠેકાણે પાડી આવ્યાં...?’ રુબિએ પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતા પૂછ્યું.

‘હા, અને હવે તારો વારો છે!’ દિલીપ એક એક શબ્દ પર ભાર મુકતા બોલ્યો, ‘પણ તું જરા પણ ગભરાઈશ નહીં. ઠેકાણે પાડ્યા પહેલા હું છેવટે એક દિવસ માટે તો જરૂરથી તારી સાથે લગ્ન કરીશ. તું પણ મને યાદ કરીશ.’

‘એમ…?’

‘હા…’

‘એવા ખોટા ભ્રમમાં રાચશો નહીં મિસ્ટર...!’ રુબી ક્રોધથી ટમટમતા અવાજે બોલી.

‘આ ભ્રમ નથી…’

‘જે હોય તે…! ભ્રમ નહીં હોય તો સપનું હશે…! જો મારી સામે હાથ લંબાવશો તો નાહક જ તમારા આ અસ્થિપિંજરમાં જીવ રૂપે પૂરાયેલું પંખી પાંખો ફડફડાવતું ઉડી જશે અને હજુ તો તમારા દુધિયા દાંત પણ નથી તૂટ્યા...! એટલે મારવાની તો તમને ઈચ્છા નહીં જ હોય…! વારું હવે અંદર બેસી જાઓ…! અહીંથી જલ્દી ચાલો...! આ સ્થળ સલામત નથી. અહીં રહેવામાં સોએ સો ટકાનું જોખમ છે. અહીં આપણે કોઈ પણની નજરે ચડી શકીએ તેમ છીએ.’

દિલીપની અવળચંડાઇનો રુબિએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

દિલીપે પણ તેની પાસેથી આ જાતના અવાજની આશા નહોતી રાખી.

એ મનોમન સમસમીને રહી ગયો.

‘ચાલો...હવે જલ્દી કરો…!’

દિલીપ ચુપચાપ ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયો.

એણે કાર સ્ટાર્ટ કરીને પાછી વાળી.

બે મિનિટ પછી કાર પુન: મેરીના હોટલ તરફ દોડતી હતી.

દિલીપે પોતાનો રોષ કારનાં એક્સિલેટર પર ઠાલવ્યો હતો.

પાછા ફરતી વખતે એણે કારની ગતિ એકદમ વધારી દીધી હતી.

રુબી એકદમ ગભરાઈ ગઈ હતી.

જયારે કોઈ વળાંક આવતો ત્યારે એનો ગભરાટ વધી જતો.

હૈયું બે-ત્રણ ધબકારા ચુકી જતું.

‘મિસ્ટર...?’

‘શું છે…?’

‘સ્પીડ ઓછી કરો...સ્પીડ ઓછી કરો…’ એ ધ્રુજતા અવાજે બોલી, ‘અકસ્માત થઇ જશે…!’

‘હું તો ચાલુ કારમાંથી કૂદી પડવાં માટે ટેવાયેલો છું.’ એની સામે નજર કર્યા વગર દિલીપ બોલ્યો, ‘અને જો તું ચુપચાપ નહીં બેસી રહે તો પછી હું સ્પીડને બેવડી કરી મુકીશ! અને હા, આમ વારંવાર મારા પર ન ઢાળી પડો. તમારા શરીરનો મને જરા પણ મોહ નથી સમજ્યા તમે? માટે એ ભ્રમ હોય તો મનમાંથી કાઢી નાખજો અને જો હવે મારા પર ઢાળી પાડશો તો દરવાજો ઉઘાડીને ચાલુ કારે બહાર ધકેલી દઈશ.’

રુબીની જીભ ભયના કારણે તાળવે ચોંટી ગઈ.

કાર દોડતી રહી.

ક્યારેક એંસી તો ક્યારેક નેવું કિલોમીટરની ઝડપે! રુબિએ ગભરાઈને આંખો બંધ કરી દીધી.

અને કાર જયારે મેરીના હોટલ પહોંચીને થોભી ત્યારે જ એણે આંખો ઉઘાડી.

એના મોંમાંથી છુટકારાનો શ્વાસ નીકળી પડ્યો.

‘કારને જ્યાં લઇ જવી હોય ત્યાં લઇ જ…!’ દિલીપ નીચે ઉતરીને બોલ્યો, ‘અને સંભાળ, હવે પછી ક્યારેય રાતનાં સમયે મારી પાસે આવીશ નહીં, નહીં તો પશ્ચાતાપ કરવાની પણ તક નહીં મળે સમજી...!’

રુબી ચૂપ રહી.

એણે કાર સ્ટાર્ટ કરીને દોડાવી મૂકી.

કાર જયારે થોડે દૂર પહોંચીને દેખાતી બંધ થઇ ગઈ ત્યારે જાણે સહેલ કરીને પાછો ફર્યો હોય એ રીતે દિલીપ કોઈક ગીતની કદી ગણગણતો હોટલ તરફ આગળ વધ્યો.

મધરાત વીતી ગઈ હતી.

પરંતુ બાર અને ડાન્સફ્લોર પર હજુ પણ ભીડ હતી.

ઓર્કેસ્ટ્રાનો મધુર અવાજ, શરાબનો ગ્લાસનો ધ્વનિ તથા યુવતીઓના રણકતા હાસ્યોથી વાતાવરણ મહેંકતું હતું.

દિલીપે આમતેમ નજર દોડાવતો આગળ વધી રહ્યો.

પછી અચાનક તેને સીડી પાસે ઉભેલો માઈકલ દેખાયો.

દિલીપ ઝડપથી તેની પાસે પહોંચ્યો.

‘હલ્લો...’

‘હલ્લો...’ પોતાના ચહેરા જેવા જ અવાજે માઈકલે જવાબ આપ્યો, ‘અરુણ દેશપાંડેના મૃતદેહને બરાબર રીતે ઠેકાણે પાડી દીધો છે ને?’

માઈકલે પગ પાસે બૉમ્બ ફેંક્યો હોય એ રીતે દિલીપ ચમકી ગયો.

એ ફાટી આંખે, નર્યા અચરજ અને અવિશ્વાસના હાવભાવ સાથે માઇકલના ચહેરા સામે તાકી રહ્યો.

માઈકલ ચહેરો જાણે કશુંય ન બન્યું હોય એમ ભાવ-હીન હતો.

-અને બીજી તરફ વિશાળગઢમાં...?

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Ravikumar Shrimali 1 દિવસ પહેલા

Verified icon

Arpan 1 માસ પહેલા

Verified icon

Jyotika Thakkar 1 માસ પહેલા

Verified icon

bharti 1 માસ પહેલા

Verified icon

Bhkhu Solanki 3 માસ પહેલા

શેર કરો