ભેદ - - 7

ભેદ

કનુ ભગદેવ

પ્રકરણ - 7

રાધાનું ખૂન…!

ફરવા જવાનો પ્રોગ્રામ મીનાક્ષીએ જ બનાવ્યો.

બળવંત તો કેમેય કરીને તૈયાર જ નહોતો થતો.

પરંતુ છેવટે તેને કિશોર તથા આનંદના અનહદ આગ્રહ સામે નમતું જોખવું પડ્યું હતું.

એ લોકો નીકળવાની તૈયારી કરતા હતા ત્યાં જ ભગવતી અને રજની આવી પહોંચ્યા.

કિશોર તથા આનંદ પર થયેલા હુમલાના સમાચાર બળવંતે ફોન કરીને રજનીને આપી દીધા હતા.

એ બંનેનો સત્કાર કરવાને બદલે તેઓને જોતાં જ મીનાક્ષી તેમના પર વિફરી પડી.

‘તો તમે લોકો ફરીવાર અમને ખોટું આશ્વાસન આપવા અને તમારા રજિસ્ટારના પાનાં ભરવા માટે આવી જ પહોંચ્યા ખરું ને…? હું એમ પૂછું છું કે તમે લોકો શું કામના છો? મારા પતિ તથા પુત્રવધુના ખૂનીને શોધવાનું તો એકતરફ રહ્યું પરંતુ હવે પછી આવા બનતા બનાવો અટકાવવાની વ્યવસ્થા પણ તમે નથી કરી શક્યા. એ દિવસે તો તમે મોટી મોટી ડંફાસો હાંકીને ગયા હતા.’

‘કેમ શું થયું? રજનીએ અજાણ થવાનો ડોળ કરતાં પૂછ્યું, ‘ફરીથી કંઈ નવા-જૂની થઇ છે કે શું…?’

‘ના રે ના…! કશી જ નવા જૂની નથી બની…!’ મીનાક્ષીનો અવાજ ખુબ જ તીવ્ર અને કર્કશ બની ગયો, ‘ફક્ત બળવંતના મિત્રો, કે જે મુંબઈથી આવ્યા છે, તેમના પર જીવલેણ હુમલો જ થયો છે!’

‘ઓહ...એનું અમને દુઃખ છે!’ રજની નરમ અવાજે બોલી, ‘બીજું, આ બનાવથી અમને ખાતરી થઇ ગઈ છે કે સર દીનાનાથ તથા તમારી પુત્રવધુના ખૂન તથા બળવંતના મિત્રો પર થયેલા જીવલેણ હુમલાઓ પાછળ બંગલામાં રહેતા જ કોઈક માણસનો હાથ છે. ખેર, હવે કૃપા કરીને બંગલામાં કામ કરતાં નોકર-ચાકરને બોલાવો. અમારે તેમની થોડી પૂછપરછ કરવી છે.’

‘આ તમે શું કહો છો…?’ મીનાક્ષી પોતાના દિમાગ પરથી કંટ્રોલ ગુમાવીને જોરથી બરાડી, ‘તમે લોકો તમારી નબળાઈ તથા નિષ્ફળતા છુપાવવા માટે મારા નોકરો પર શંકા કરો છો? તો પછી કાલે ઉઠીને તમે મારા તથા બળવંત પર પણ શંકા લાવશો. આ નાટકથી તમને શું લાભ થવાનો છે, એ જ મને તો નથી સમજાતું. આના કરતા તો અમારામાંથી મરજી પડે તેના નામ પર વોરંટ કાઢવો. ખોટી જુબાની, સાક્ષી, પુરાવા વિગેરે એકઠા કરવામાં તો તમે લોકો કાબેલ છો જ! એ તો તમારે માટે રમત વાત છે. કરી નાખો એટલે આ મામલો જ થાળે પડી જાય!’

ભગવતી ક્રોધથી થરથરતો હતો.

આજ સુધી કોઈએ તેની સાથે આવી અપમાનજનક ભાષામાં વાત નહોતી કરી.

પરંતુ મામલો બિચકવાના ભયથી તે ક્રોધ અને અપમાનનો કડવો ઘૂંટડો ગળે ઉતારીને ચૂપ રહ્યો હતો.

અલબત્ત રજનીના ચહેરા પર જાણે કશુંય ન બન્યું હોય એમ સ્મિત ફરકતું હતું.

‘મીનાક્ષીદેવી...!’ એ કોમળ અવાજે બોલી, ‘મારી વાતથી તમને દુ:ખ થયું હોય તો હું માફી માંગુ છું પરંતુ મારા કથનનો અર્થ તમે કહ્યો એવો હરગીઝ નથી. નોકરોને તો હું એટલા માટે પૂછપરછ કરવા માંગતી હતી કે કદાચ...’

‘મારા નોકર-ચાકરને હું તમારા કરતાં વધુ સારી રીતે ઓળખું છું.’ મીનાક્ષીએ વચ્ચેથી જ તેને અટકાવીને રોષથી થરથરતાં અવાજે કહ્યું, ‘એની ચિંતા તમે છોડી ડો. મારા નોકરો કારણ વગર જ વારંવાર હેરાન થાય એમ હું નથી ઇચ્છતી.’

‘તમારી વાત બિલકુલ સાચી છે આંટી...!’ આનંદ તેની વાતને સમર્થન આપતાં બોલ્યો, ‘આ પોલીસવાળાઓ પોતાના રજિસ્ટારના પાનાં ભરવા માટે નિર્દોષ માણસોને પણ હેરાન કરી મૂકે છે. કામ કરવું તો એક તરફ રહ્યું, પરંતુ હજુ સુધી તેમની વાતો કરવાની ટેવ પણ નથી ગઈ.’

આનંદની વાત સાંભળીને ભગવતીથી ન રહેવાયું.

‘તમે ચૂપ રહો મિસ્ટર...!’ એ ક્રોધથી ટમટમતા અવાજે બોલ્યો.

‘ચૂપ શા માટે રહુ સાહેબ...! આપ સુપ્રિટેન્ડેન્ટ હો તો એ પોલીસના...! મારા નહીં સમજ્યા...! આ ભારત છે, એટલે જ આપ કામ કરવાને બદલે ખોટો રુઆબ મારી શકો છો. અહીં તો પોલીસ કેટલી આળસુ છે, એ તો સૌ કોઈ જાણે જ છે! તે માત્ર હથિયારવિહોણા માનવીઓ, વિદ્યાર્થીઓ અને હડતાળીયાઓ લાઠીચાર્જ અને ગોળી વરસાવી શકે છે અને કોઈનો ગુનો ભળતા જ માણસના માથે ઓઢાડી દે છે…!’ કહીને આનંદ પળભર માટે અટક્યો.

એક પળ પછી એ પૂર્વ્રત રીતે ઉત્તેજિત અવાજે બોલ્યો, ‘જો તમે કોઈ બીજા દેશમાં હોત તો અત્યાર સુધીમાં ક્યારનિયે તમે પહેરેલી વર્દીને છેલ્લી સલામ ભરી દીધી હોત!’ત્યારબાદ મીનાક્ષી તરફ ફરીને તેણે કહ્યું, ‘આ લોકોની સાથે મગજમારી કરીને સમય બગાડવા જેવું છે આંટી! આના કરતા તો તમે ફરીવાર આઈ.જી સાહેબને લખી મોકલો અને જણાવો કે આ કેસની તાપસ સી.આઈ.ડી ને સોંપી દેવામાં આવે.’

ભગવતીનો ચહેરો લાલઘૂમ થઇ ગયો.

એના જડબા સખ્તાઈથી ભીંસાયા.

હાથની મુઠ્ઠીઓ વળી ગઈ.

એ કોઈક કઠોર વચનો ઉચ્ચારવા જતો હતો ત્યાં જ રજની વચ્ચેથી બોલી ઉઠી, ‘તમારી વાત મુદ્દાની છે. અમારી ભૂલ જરૂર છે પરંતુ અમે અમારાથી બનતા પ્રયાસો કરીએ છીએ અને જ્યાં સુધી ખૂની નહીં પકડાય ત્યાં સુધી તમારી નારાજગી દૂર નથી થવાની એની પણ મને ખબર છે એટલે હું ફરી એકવાર તમને ખાતરી આપું છું કે બહુ જ ટૂંક સમયમાં જ અમે ખૂનીને કાયદાના હવાલે કરી દેશું અને તેના અનુસંધાનમાં જ અમને તમારા સૌના સહકારની જરૂર છે.’

‘તમને સહકાર આપતાં અમે અમારો જીવ જ ગુમાવી બેસીશું.’ મીનાક્ષીના અવાજમાં કારમો રોષ ગાજતો હતો. અત્યારે તો મારા પુત્રના મિત્ર પર હુમલો થયો છે પણ છેવટે એક ને એક દિવસ અમારા પર પણ થશે અને એ વખતે અમારો સહકાર જ માગ્યા કરશો. આનંદ સાચું જ કહે છે. હવે તમે લોકો અહીંથી ચાલ્યા જાઓ. આ કેસ સી.આઈ.ડી ને સોંપી દેવા માટે હું ટૂંક સમયમાં જ ઉચ્ચ ઓફિસરોને વિનંતીપત્ર લખી નાખીશ.’

‘ચોક્કસ વાત…!’ કિશોર ધીમેથી માથું હલાવતાં બોલ્યો, ‘અમે લોકો ફરવા જવાનો પ્રોગ્રામ બનાવી તૈયાર થઈને બેઠા છીએ. હવે જો આપ બંને જાઓ તો અમે…’

રજની તથા ભગવતી કશું જ બોલ્યા વગર ચુપચાપ ચાલ્યા ગયા.

‘સવારના પહોરમાં જ મૂડ બગાડી નાખ્યો...!’ મીનાક્ષી બબડી.

‘પોલીસ પાસેથી આ સિવાય બીજી આશા પણ શું રખાય!’ આનંદ બોલ્યો, ‘ખેર, એ વાતને પડતી મુકો. હજુ બધી તૈયારી કરવાની બાકી છે.’

મીનાક્ષી હોઠ કરડીને રહી ગઈ.

બીજી તરફ બંગલામાંથી બહાર નીકળતા જ ભગવતી બબડ્યો, ‘ખુબ જ ચીડિયા અને સડેલા મગજની બાઈ છે અને આનંદ નામના પેલા છોકરાએ તો એવી બદતમીઝી કરી કે તેના ગાલ પર એક સણસણતો તમાચો ઝીંકી દેવાની મને તીવ્ર ઈચ્છા થઇ હતી પરંતુ તારા કારણે જ હું ગમ ખાઈ ગયો.’

‘કાકા...એ બધાની માનસિક હાલત બરાબર નથી એટલે તેમની વાતો પર આપણે બહુ ધ્યાન ન આપવું જોઈએ.’ રજની સ્મિતસહ બોલી, ‘અને એ લોકો આપણા પર નારાજ થાય તે સ્વાભાવિક જ છે. આપણે અત્યાર સુધી આ કેસમાં શું ઉકાળીશક્યા એ આપ પોતે જ વિચારી જુઓ.’

ભગવતીનો બગડેલો મૂડ કંઈક ઠીક થયો.

‘તારી વાત પણ સાચી જ છે!’ એણે જીપમાં બેસતાં કહ્યું, ‘સાધારણ ખૂનનો આ મામલો એવી આંટીઘૂંટી ભરેલો થઇ ગયો છે કે મારી તો અક્કલ જ કામ નથી કરતી.’

‘આપ બેફિકર રહો કાકા...! જે રીતે બળવંતના મિત્રો પર હુમલાઓ થઇ રહ્યા છે એના પરથી એક વાતતો નક્કી જ થઇ ગઈ છે.’

‘કઈ વાત?’

‘એ જ કે ગુનેગાર હેબતાઈ ગયો છે એટલું જ નહીં, તે આપણા હાથમાં આવશે જ એમાં પણ શંકાને કોઈ સ્થાન નથી.’

‘પણ એ દિવસ ક્યારે આવશે?’

‘ટૂંક સમયમાં જ…!’

‘સંભાળ...હું ખુબ જ પરેશાન થઇ ગયો છું. જો તું ન હોત તો હું ક્યારનોય નિરાશ થઇ ગયો હોત!’

‘મેં આપણે કહ્યું તો ખરું કે આપ બેફિકર રહો. મારુ કામ આગળ ધપી રહ્યું છે. અલબત્ત, થોડો સમય જરૂર લાગશે કારણ કે ગુનેગાર ખુબ જ હોશિયાર અને ચાલાક છે. આપણું કામ સરળ થાય, એવો એક પણ પુરાવો તે પોતાની પાછળ નથી મૂકી ગયો.’

‘ઠીક છે…!’ ભગવતી બોલ્યો. પછી સહસા કંઈક યાદ આવ્યું હોય એમ એણે રજની સામે જોતા કહ્યું, ‘તારી સૂચનાથી મેં બારણાંના હેન્ડલ પરથી ફિંગરપ્રિન્ટ લેવડાવવાનું કહ્યું હતું. પરંતુ એમાં તો કશું જ નથી આવ્યું. કાં તો હાથમોજા પહેરીને બારણું ઉઘાડવામાં આવ્યું કે અથવા તો પછી પાછળથી હેન્ડલને સાફ કરી નાખવામાં આવ્યું છે.

‘બંનેમાંથી કશું જ નથી બન્યું.’ રજની સ્મિત ફરકાવતા બોલી.

‘તો...તો પછી શું બન્યું હશે…?’ બારણું ઉઘાડ્યાં વગર ખૂની અંદર કેવી રીતે દાખલ થયો હશે?’

‘ચોર-દરવાજાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.’ રજનીએ જવાબ આપ્યો, ‘અને ચોર-દરવાજા વિષે તો માત્ર બંગલાના માણસોને જ ખબર હોય! એટલા માટે જ હું બધા નોકરોની પૂછપરછ કરવા માંગતી હતી.

ભગવતી થોડી પાલો સુધી પ્રશંસાભરી નજરે તાકી રહ્યો.

‘વાહ...તને પણ નાગપાલનો રંગ લાગતો જાય છે!’

રજની સ્મિત ફરકાવીને રહી ગઈ.

‘હા, નાગપાલ વિષે કોઈ સમાચાર નથી મળ્યા. ક્યાં છે એ…?’ ભગવતીએ પૂછ્યું, ‘અને દિલીપ પણ હજુ સુધી શાંતિનગરથી પાછો નથી ફર્યો. ક્યાંક એ કોઈ મુસીબતમાં તો નથી ફસાઈ પડયોને? એની કાકી આજકાલ કોણ જાણે કેમ તેની ખુબ જ ચિંતા કરે છે.’

‘મને પણ જયારે દિલીપ તથા અંકલ (નાગપાલ) બહાર જાય છે ત્યારે ચિંતા વળગેલી જ રહે છે પરંતુ સાથે જ મને દિલીપ તથા અંકલના નસીબ પર પુરેપુરો ભરોસો છે.’ રજની બોલી, ‘અલબત્ત, આ વખતે તેઓ ખુબ જ ખતરનાક કામે ગયા છે એટલે કશું જ અશક્ય નથી. તેમ છતાંયે મને ઊંડે ઊંડે ખાતરી છે કે તેઓ જરૂર સફળ થઈને જ પાછા ફરશે.’

‘ખતરનાક કામ…?’ ભગવતી ચમક્યો, ‘હું કશું સમજ્યો નહીં...!’

‘મામલો શું છે, એ તો હું પણ નથી જાણતી. અલબત્ત, આપણા દેશની આઝાદીને ફરીથી ગુલામીની જંજીરોમાં જકડીને ખાતરના વિકરાળ જડબામાં હડસેલી દેવાના કૂચક્રો ગતિમાન થયા છે અને તેની પાછળ દેશી-વિદેશી તાકતોનો હાથ છે, એવો સંકેત અંકેલે વાતચીત દરમિયાન એકાદ-બે વખત કર્યો હતો.’ રજની બોલી, ‘પૂરો મામલો તો તેમના આવ્યા પછી જ જાણવા મળશે. વારું જરા જીપને થોભાવો...!’

‘કેમ…?’

‘મીનાક્ષી, બળવંત તથા તેના બંને મિત્રો ફરવા માટે ચાલ્યાં ગયા હશે. બંગલામાં અત્યારે ફક્ત નોકર-ચાકર જ હશે એટલે આપણે તેમને બરાબર ચેક કરી શકીએ તેમ છીએ.’ રજનીએ કહ્યું, ‘ઉપરાંત એ બંગલો હું પોતે પણ એકવાર ઝીણવટથી જોવા માંગુ છું. એમાં ચોર દરવાજા અને ગુપ્ત માર્ગો ઘણા છે. એવું મને જાણવા મળ્યું છે.’

ભગવતીએ ફરીથી એક વખત રજનીની બુદ્ધિને દાદ આપી.

ત્યારબાદ એણે ફરીથી કારણે પુન: સર દીનાનાથના બંગલા તરફ વાળી.

***

સ્થળ અત્યંત ખુબસુરત તથા રમણીય હતું.

ત્યાં પહોંચ્યા બાદ થોડીવાર પછી કિશોર તથા આનંદને લાગ્યું કે પોતે આવા શાંત તથા સુંદર સ્થળે ન આવ્યા હોત તો પસ્તાવાનું જ રહેત.

પરંતુ બળવંત પર એ સ્થળની રમણીયતાનીની જાણે કે કશી જ અસર નહોતી થઇ.

મીનાક્ષી સાધારણ મૂડમાં હતી.

અલબત્ત રાધા પુરેપુરા મૂડમાં હતી.

એ સ્થળે પહોંચતા જ તે હરિણીની માફક મોજથી ઉછળતી કૂદતી હતી.

‘સવારના પહોરમાં નાસ્તો કર્યા વગર જ નીકળ્યા છીએ…!’ મીનાક્ષી બોલી, ‘ચાલો, સૌથી પહેલાં આપણે નાસ્તો કરી લઈએ. ત્યાર પછી જ કોઈક પ્રોગ્રામ બનાવીશું.’

આનંદને મીનાક્ષીની આ વાત ખુબ જ ગમી.

‘આંટી...!’ એ બોલ્યો, ‘જો તમે આ વાત કહેવામાં ફક્ત એક જ મિનિટ મોડું કર્યું હોત તો પછી હું જ કહી નાખત! ચાલો જલ્દી કરો! ભૂખ સહન નથી થતી!’

મીનાક્ષીના ચહેરા પર હળવું સ્મિત ફરકી ગયું.

‘મુંબઈમાં તો તું આટલો ભૂખાવળો નહોતો આનંદ...!’ કિશોર બોલ્યો, ‘તો પછી અહીં કેવી રીતે બની ગયો?’

‘ભાઈ કિશોર, માણસ જયારે કામધંધામાં ફંસાયેલો હોય છે ત્યારે તેને ખાવા-પીવાનું ધ્યાન નથી રહેતું.’ આનંદે સ્મિત ફરકાવતા કહ્યું, ‘અને તેમાંય ફિલ્મ ઉદ્યોગમાં ઝંપલાવ્યું છે ત્યારથી તો એક મિનિટની પણ ફુરસદ નથી મળતી. અહીં આવ્યા બાદ આરામ સિવાય બીજું કોઈ જ કામ નથી રહ્યું એટલે ઊંઘી ગયેલી ભૂખ જાગે તે સ્વાભાવિક જ છે.’

‘તો તમે ફિલ્મો પણ બનાવો છો એમ ને?’ નાસ્તાની પ્લેટ તૈયાર કરી રહેલી મીનાક્ષીએ પૂછ્યું.

‘આજકાલના બીજા જુવાનિયાંની માફક આનંદને પણ શોખ વળગ્યો છે. બે-ત્રણ ફિલ્મોને ફાયનાન્સ કાર્ય બાદ એ પોતે જ હવે ફિલ્મ બનાવવા માંગે છે. અહીં આવ્યા પહેલા તે એક વાર્તાના સંવાદો પણ ગોખી રહ્યો હતો. મને તો લાગે છે કે આ નંગ પચીસ-પચાસ લાખ ખોઈને જ જંપશે.’ કિશોર બોલ્યો.

‘મેં તને એ વખતે પણ મૂર્ખ કહ્યો હતો અને અત્યારે પણ ફરીથી કહું છું. ખુબ કાળજીપૂર્વક અભ્યાસ કાર્ય પછી જ મેં આ લાઈનમાં ઝંપલાવ્યું છે. સારી અને સફળ ફિલ્મ માટે જોરદાર વાર્તા, જાણીતા અભિનેતા-અભિનેત્રીઓ, સરસ સાંભળવા ગમે તેવા કર્ણપ્રિય, મર્માળા શબ્દોવાળા ગીતો તથા કાબેલિયતભર્યું નિર્દેશન હોવું જોઈએ અને આ બધાની વ્યવસ્થા હું કરી ચુક્યો છું. તું જોજે...એવી અપ ટુ ડેટ ફિલ્મ બનાવીશ કે ફિલ્મઉદ્યોગમાં સનસનાટી મચી જશે. બોક્સ-ઓફિસમાં મારી આ ફિલ્મ વર્ષની સુપરહિટ ફિલ્મ પુરવાર થશે.’

બળવંતને તેમની વાતોમાં રસ નહોતો.

તે દૂર વૃક્ષોના એક ઝુંડ સામે તાકી રહ્યો હતો.

‘તું વાત કરે છે જાણીતાં પાત્રોની...અને સાથે જ હિરોઈન તરીકે નવી જ છોકરીને રજૂ કરવા ઈચ્છે છે. આ વાત બરાબર જામતી નથી.’ કિશોર બોલ્યો.

‘ એ તો સમજનારા જ સમજે, સમજ્યો? કોઈક ટોચના અભિનેતાની સાથે હિરોઈન તરીકે નવી છોકરીને રજુ કરીશ ત્યારે તે રાતોરાત પોતાની મેળે જ મશહૂર બની જશે.ઉપરાંત એ નવી હિરોઈનનો પ્રચાર શરૂઆતથી જ જોરદાર કરવા માંડીશ.’ આનંદ બોલ્યો, ‘આ ભાગ્યશ્રીનો જ દાખલો લો…! એ પહેલી વાર “મૈને પ્યાર કિયા” માં આવી ત્યાર પહેલા તેને કોણ ઓળખતું હતું. એ જ રીતે “સડક” ની પૂજા ભટ્ટ તથા “સૌદાગર” ની મનીષાનો દાખલો છે…! આજે એ બધી પાતાળમાં...ભુલ્યો આસમાન પર છે પરંતુ એ સૌની પ્રથમ ફિલ્મ પહેલા તેઓને કોણ ઓળખતું હતું અને આજે તો નવો ચહેરો રજુ કરવાનો ફિલ્મ-ઉદ્યોગમાં ચીલો પડી ગયો છે. ફિલ્મને તો આપોઆપ જ પબ્લિસિટી મળી જાય છે.’

રાધાની આંખો સામે રંગ-બેરંગી સપનાં તરવરવા લાગ્યાં.

સૌની તરફ નાસ્તાની પ્લેટ સરકાવતી મીનાક્ષી પીઢતાથી બોલી, ‘તમે પણ બરાબર કહો છો અને તમારા મિત્ર પણ સાચું કહે જ છે. માટે જે કંઈ કરો એ સમજી-વિચારીને કરજો.’

‘તમે બેફિકર રહો આંટી...! હું તમને ખાતરી આપું છું કે મારે જરા પણ નુકસાન નહીં ભોગવવું પડે!’ કહેતા કહેતા આનંદ પળભર અટક્યો. પછી ત્રાંસી નજરે રાધા સામે જોતાં બોલ્યો, ‘આંટી તમને ફરીથી સ્ટેજની દુનિયામાં આવવા માટે કેટલાક માણસો આગ્રહ કરે છે તથા તમે ના પાડો છો એવું મેં સાંભળ્યું છે. તમે સ્ટેજ પર ન આવો...ફિલ્મમાં આવો…!’

પોતાનું રંગીન સપનું ભાંગીને ભુક્કો થઇ ગયું છે એવો ભાસ રાધાને થયો.

એના કાળજા પર જાણે કોઈકે છૂરી ફેરવી દીધી હતી.

પરંતુ એ કશુંય ન બોલી શકી.

‘ના…!’ મીનાક્ષી નકારમાં માથું હલાવીને ઉદાસ અવાજે બોલી, ‘એ બધું હવે અશક્ય છે! તેઓ (સર દીનાનાથ) આજે હોત તો કદાચ આ બાબતમાં હું વિચાર પણ કરત…! પરંતુ હવે તો તદ્દન અશક્ય છે! કુટુંબની આબરૂ...જવાબદારી...’

‘એ બધાને બચાવવા માટે તમારા તથા બળવંતના જીવતા રહેવું જરૂરી છે આંટી...!’ આનંદ વચ્ચેથી જ બોલી ઉઠ્યો, ‘હું તો એમ જ માનું છું કે એ બંગલામાં હજુ પણ જોખમ છે! પોલીસ અત્યાર સુધીમાં કશું જ ઉકાળી શકી નથી. ખૂની માતેલા આખલાની જેમ પુરી સ્વતંત્રતાથી ફરી રહ્યો છે. તમારા તથા બળવંત પર ક્યારે ને કઈ ઘડીએ હુમલો થશે તેનું કંઈ નક્કી નથી એટલે મારી સલાહ તો એવી છે કે તમે બંને એ બંગલો છોડી દો અને અમારી સાથે મુંબઈ ચાલ્યા આવો. ત્યાં તમને રજ માત્ર પણ તકલીફ નહિ ભોગવવી પડે અને તમારી આબરૂને પણ આંચ નહીં આવે. ઉપરાંત એ બહાને હવાફેર પણ થઇ જશે.’

‘ન તો હું કમજોર છું કે ન તો મારી દીકરો બળવંત...! અમે કાયર નથી એટલે બંગલો છોડવાનું મન નથી થતું. જ્યાં સુધી ખૂની ન પકડાય, ત્યાં સુધી અમે એ બંગલો હરગીઝ નથી છોડવાના!’ મીનાક્ષી ગંભીર અને મક્કમ અવાજે બોલી, ‘ખેર, એ વાતને પડતી મુકો. આવી નકામી વાતો માટે આપણે અહીં નથી આવ્યા. ચાલો નાસ્તો શરુ કરવા માંડો!’

આનંદ કંઈ ન બોલ્યો.

કિશોર પણ ચૂપ હતો.

પરંતુ એનું તમામ ધ્યાન મીનાક્ષી તરફ જ હતું.

તે દિવસે રાત્રે એના કમરામાં અપ્સરા બનીને આવેલી એ “મીનાક્ષી” તો ક્યાંક ચાલી ગઈ હતી અને અત્યારે પોતાની સામે એના રૂપ તથા યૌવનમાં એ રાતની તીખાશ, ઉત્તેજના અને આકર્ષણનો અંશમાત્ર પણ નથી.

આ બધું શું છે અને શા માટે છે, એ કિશોરને જરા પણ નહોતું સમજાતું.

મીનાક્ષીમાં આ જાતનું પરિવર્તન શા માટે થાય છે?

શું એ ફક્ત કોઈ અભિનય છે કે પછી બીજું જ કંઈક...?

અને એ રાત્રે એણે પોતાનું નામ મધુ શા માટે જણાવ્યું હતું? મીનાક્ષી જ જણાવ્યું હોત તો શું વાંધો હતો?

આ એક વિચિત્ર બખેડો છે એવું તેને લાગતું હતું.

સ્ત્રીની માયાને ખરેખર કોઈ જ નથી સમજી શકતું.

નાસ્તા દરમિયાન પણ સૌ ચૂપ હતા.

પરંતુ રાધાનું મન ઘવાયું હતું. એને આનંદ પર ગુસ્સો પણ આવતો હતો. એના પર વિફરી પાડવાની અનુકૂળ તકની તે મનોમન રાહ જોતી હતી.

‘આંટી...!’ છેવટે આનંદે ચુપકીદીનો ભંગ કરતા બોલ્યો, ‘તમારે બંગલો ન છોડવો જોઈએ એ વાત સાથે હું પણ સહમત છું પરંતુ મનની શાંતિ માટે થોડા દિવસ પૂરતા તો તમે તથા બળવંત જરૂર અમારી સાથે આવી શકો તેમ છો.’

‘આ બાબતમાં હું જરૂર વિચારીશ અને જો કોઈ કારણસર મારાથી નહીં અવાય તો બળવંતને તો ચોક્કસ જ તમારી સાથે મોકલીશ.’ મીનાક્ષીએ કહ્યું, ‘બળવંતને મોકલવો જરૂરી પણ છે. મારુ શું…? જીવતી રહું કે ન રહું, બધું સરખું જ છે પરંતુ બળવંત તો જીવતો રહેવો જ જોઈએ.’

***

‘માત્ર બળવંત જ નહીં. સાથે સાથે તમારા જીવતાં રહેવું પણ જરૂરી છે આંટી..!’ કિશોરે બોલ્યો, ‘ અમે ભલે બીજું કશું ન કરી શકીએ પણ મુંબઇમાં તમારી સલામતિની જવાબદારી તો લઇ જ શકીએ તેમ છીએ.’
‘ હમણાં તો હું કશું કહી શકું તેમ નથી પરંતુ તમારા આમંત્રણ પર વિચારીશ જરૂર...!’ મીનાક્ષીએ કહ્યું, ‘ જોકે આમ તો તમારી વાત પણ સાચી જ લાગે છે, જીવ બચાવવા માટે અમારે મા-દિકરાને એ બંગલો છોડવો જ પડશે.’
‘ તમે કેવી વાત કરો છો આંટી...! અમારો બંગલો, તે તમારો જ છે ને ?’
નાસ્તો પૂરો થઇ ગયો હતો.
આનંદે સિગારેટ સળગાવીને રાધાના ગંભીર બંગલો, તે તમારો જ છે ને ?’
રાધા જ્યારે ખાલી પ્લેટો ખસેડી ચૂકી, ત્યારે મીનાક્ષીએ કહ્યું, ‘પહેલાં આપણે થોડું ફરી આવીએ. એ પછી જ ભોજન બનાવવાનું વિચારીશું.’
‘ આપ સૌ ફરી આવો.’ રાધા બોલી, ‘ હું અહીં ધીમે ધીમે રસોઇની વ્યવસ્થા કરું છું.’
‘ મારી પણ ક્યાંય જવાની ઇચ્છા નથી.’ બળવંતે કહ્યું, ‘હું પણ અહીં જ રહીશ.’
‘ ના, બળવંત...!’ મીનાક્ષી બોલી, ‘હું તને એકલો રાખવા નથી માંગતી. હવે તો એક મિનિટ માટે પણ તને એકલો મૂકતાં મને ભય લાગે છે. હું કોઇ પણ હિસાબે, કોઇપણ સંજોગોમાં તને એકલો મૂકી શકું તેમ નથી.’ એના અવાજમાં રહેલી બળવંત પ્રત્યેની લાગણી સ્પષ્ટ રીતે દેખાઇ આવતી હતી.
‘તને નાહક જ ગભરાઓ છો મમ્મી...!’ બળવંતે હસવાનો પ્રયાસ કરતાં કહ્યું, ‘ આમ તો હું એકલો જ બે-ચારને પહોંચી વળું તેમ છું. બીજું, અહીં આટલા લોકોની હાજરીમાં મારા પર હુમલો કરવાની કોઇની હિંમત નહીં ચાલે !’
‘ છતાં પણ હું તને...‘ છતાં પણ હું તને...’
‘ તમે બેફિકર રહો આંટી...!’ આનંદ વચ્ચેથી જ મીનાક્ષીની વાતને કાપી નાખતાં બોલ્યો, ‘તમે થોડી વાર ફરી આવો. હું બળવંત પાસે રહીશ અને તમે પણ એકલા જશો નહી. કિશોર તમારી સાથે આવશે.’
‘ એ બરાબર છે...!’
ત્યારબાદ કિશોર તથા મીનાક્ષી ચાલ્યાં ગયાં.
‘ તમે નાહક જ અહી રોકાયા...!’ તેમના ગયા પછી બળવંત આનંદને ઉદ્દેશીને બોલ્યો, ‘ફરવા ગયા હોત તો મજા આવત. અહીં તો કંટાળી જશો.’
‘ આવી રમણીય સ્થળે જરા પણ કંટાળો આવે તેમ નથી.’ આનંદે કહ્યું, ‘ચાલો પાના રમીએ.’
‘ પ્લેઇંગ-કાર્ડની રમતમાં મને ખાસ રસ નથી.’
‘ સમય પસાર કરવા-મન બહેલાવવા માટે આનાથી વધારે ઉત્તમ સાધન બીજું કોઇ જ નથી મિસ્ટર બળવંત ! પરંતુ તમારી ઇચ્છા ન હોય તો રહેવા દો.’ કહીને આનંદ રાધા તરફ કર્યો, ‘ આજકાલની સ્ત્રીઓ તો પાના ઉપરાંત બીજી ઘણી ઘણી રમત જાણે છે. તું જ આવી જા રાધા...!’
‘ મને તો તમે માફ જ કરો.’
‘ કેમ...?
‘ શેઠ સાથે રમવાની હેસિયત નોકરો નથી ધરાવતા હોતા એ શોભે પણ નહીં.’
રાધા પોતાનાથી નારાજ થઇ ગઇ છે એ વાત આનંદ સમજી ગયો હતો. એની નારાજગીનું કારણ પણ તે સમજતો હતો.
‘ તારી વાત સાચી છે રાધા...!’ એ મનોમન હસીને બોલ્યો, ‘ પરંતુ અહીં શેઠ-નોકરો સંબંધ હરગીઝ નહીં ચાલે. હું પોતે પણ એવા સંબંધમાં નથી માનતો. ચાલ, તને તારા કામમાં મદદ કરું...!’
પ્લેટ ઊઠાવી રહેલી રાધાએ કહ્યું, ‘ મારું કામ તમે કરો એ શોભાસ્પદ નથી. તમે બળવંત સાહેબ પાસે બેસો. હું આ પ્લેટો સાફ કરવા જઉં છું. ત્યાંથી પાણી પણ લાવવાનું છે.’
‘ ઠીક છે...પ્લેટો તું સાફ કરજે અને પાણી હું લાવીશ.’ આનંદ પ્લાસ્ટિકની બાલદી ઊંચકતં બોલ્યો, ‘ ચાલ જઇએ ગભરાઇશ નહીં...!’ મિસ્ટર બળવંત કશું જ નહીં કહે...!’
‘ હા...હા...જા રાધા...!’ બળવંતે હકારમાં માથું હલાવતા કહ્યું,
ખૂબ દૂર ગયા પછી ઘટાટોપ વૃક્ષોની વચ્ચે એક નાનકડું ઝરણું હતું.
ત્યાં પહોંચીને રાધા પ્લેટો સાફ કરવા લાગી.
તેનો ચ્હેરો ગંભીર હતો.
બાજુમાં બેઠેલા આનંદનું જાણે અસ્તિત્વ જ ન હોય એવા હાવભાવ તેના ગંભીર ચહેરા પર છવાયેલા હતા.
છેવટે એણે પ્લેટો સાફ કરી નાખી.
‘ તું ખૂબ જ નારાજ લાગે છે ? આનંદે તેનો હાથ પકડીને પૂછ્યું.
‘ કેમ...? એક કામવાળીને વળી કોઇના પર નારાજ થવાનો શુ હક છે ?’ રાધા એની પકકડમાંથી પોતાનો હાથ છોડાવવાનો પ્રયાસ કરતાં બોલી.
‘ આ તો તું ઊલટું ચોર કોટવાળને દંડે એવી વાત કરે છે !’
‘ એટલે...?’
‘ એટલે એમ કે નારાજ તો મારે થવું જોઇએ, એના બદલે તું થાય છે !’
‘ કેવી રીતે...?’
‘ એટલું ય ન સમજી...?’
‘ મારો હાથ છોડી દો...!’ રાધા ક્રોધભર્યા અવાજે બોલી.’
‘ કેમ...?’
‘ પુરુષની જાત સરવાળે એક જ હોય છે, એ વાત હું સમજતી હોવા છતાં પણ થાપ ખાઇ ગઇ. પહેલાં મને વચન આપ્યું અને હવે મેમસા’બને આપી રહ્યા છો.’
‘ શાનું વચન...?’
‘ હીરોઇન બનાવવાનું...!’ રાધા કડવા અવાજે બોલી, ‘ જોકે એ વ્યાજબી પણ છે.ક્યાં મીનાક્ષી મેમસા’બ અને ક્યાં હું...?’
‘ તમારા બંને વચ્ચે તને શું ફર્ક દેખાય છે ?’
‘ તેઓ મારા કરતાં વધુ સુંદર અને યુવાન છે !’
ત્યાં આજુબાજુમાં કોઇ જ નહોતું અને કોઇના આવવાની શક્યતા પણ નહોતી.
‘ અરે...!’ આનંદે રાધાને પોતાની તરફ ખેંચતાં કહ્યું, તારા જેવી બુદ્ધિશાળી અને સમજદાર છોકરીએ એ જ વખતે સમજી જવું જોઇતું હતું કે તારી મેમસા’બ સાથે તો હું ફક્ત બોલવા ખાતર જ વાતો કરતો હતો. તારી મેમસા’બ સુંદર અને અને યુવાન છે, તે વાત સાચી, પણ એ તારા જેટલી ખૂબસૂરત તો નથી જ...! તારી સુંદરતા કોમળ છે જ્યારે એની કઠોર ! તારામાં જે જાદુ છે, એ તેનામાં ક્યારેય આવી શકે તેમ નથી. હું સાચું જ કહું છું રાધા...હું બનાવટ નથી કરતો, તેમ તને ફોસલાવતો પણ નથી. મારા પર ભરોસો રાખ...! જો હું ક્યારેય પણ ફિલ્મ બનાવીશ તો હિરોઇનનો રોલ તને જ આપીશ. મારી ફિલ્મની હીરોઇન તું જ હોઇશ અને જો તેં ઇન્કાર કર્યો તો હું ફિલ્મ બનાવવાનું જ માંડી વાળીશ !’
રાધાના સપના તેની પાસે પાછા ફર્યા.
પરંતુ એણે તેને મનમાં જ સંઘરી રાખ્યા.
મનના ભાવ એણે ચહેરા પર ન કળાવા દીધા.
‘ તમારા પુરુષોનાં શું ભરોસો...!’ એ બનાવટી રોષથી બોલી.
‘ કેમ...?’
‘ આજે તમે મારી સાથે આવી વાતો કરો છો અને કાલે ઊઠીને મારા કરતાંય કોઇ વધુ સારી મળી ગઇ તો એની સાથે પણ...’
‘ મારા કલેજાને ઠંડક વળે અને આત્માને સંતોષ થાય, એવી કોઇ છોકરી હજુ સુધી મને નથી મળી.’ આનંદ તેને અટાકાવીને વચ્ચેથી જ બોલ્યો, ‘અને એટલા ખાતર હજુ સુધી મારા લગ્ન પણ નથી થયા. તને જોઇને મને થોડી આશા જાગી હતી પરંતુ તું પણ મારું દિલ તૂટી જાય એવી વાતો કરે છે.’
‘ પણ લગ્નને અને મારા હિરોઇન બનવાને શું સંબંધ છે ?’
‘ હજુ પણ ન સમજી...?’
‘ ના...’
‘ તો એ પણ મારે જ તને સમજાવું પડશે એમ ને ?’
‘ હા, તમે જ સમજાવી દો...!’
‘ તો સાંભળ...!’ આનંદનો અવાજ એકદમ ગંભીર હતો, ‘ હું તને માત્ર મારી ફિલ્મની જ નહીં, સાથે સાથે મારા દિલની પણ હિરોઇન બનાવવા માગું છું.’
આનંદની આ વાત સાંભળીને રાધાનો તમામ ક્રોધ અને રોષ બરફની જેમ પીગળી ગયો.
એણે પોતાનું માથું આનંદના ખભા પર ઢાળી દીધું.
‘ રાધા...!’ આનંદે તેને પોતાના આલિંગનમાં જકડતાં કહ્યું, ‘ હું તને સાચા હ્રદયથી અને અનહદ ચાહું છુ. પરંતુ તને મારી જરા પણ ફિકર છે પરવાહ હોય એવું મને નથી લાગતું.’
‘ કેમ...?’
‘ હવે દાખલા તરીકે પેલી રાતની જ વાત કરું...! આપણે બંને, તારા ફોટા પાડ્યા પછી ચાલ્યાં જતા હતાં. ત્યારે મને એક આકૃતિ દેખાઇ હતી. હું એ આકૃતિ તરફ એકલો જ આગળ વધ્યો, ત્યારે તું મને છોડીને ચાલી ગઇ. મને એકલો જોઇને એ આકૃતિઓ મારા પર હુમલો કર્યો હતો. એ તો મારા નસીબ એટલા સારા કે હું બચી ગયો નહીં તો એ વખતે જ વગર ટિકિટે પરલોકની યાત્રાએ નીકળી જાત !’
રાધાનો ગુલાબી ચહેરો પીળો પડી ગયો.
‘ હું...હું તો ગભરાટના કારણે નાસી છૂટી હતી અને ભયના કારણે પછી આખી રાત મારા ક્વાર્ટરમાંથી બહાર જ નહોતી નીકળી.’
કદાચ જાણે કે આનંદને એવો ભાસ થયો કે રાધા ખોટું બોલે છે.
કદાચ ખોટું ન બોલતી હોય તો કોઇક વાત છૂપાવે છે.
‘ તે આકૃતિ એમ માને છે કે હું તેને ઓળખી ગયો છું. એટલે જરૂર એ મારા પર બીજી વાર હુમલો કરે છે. ઉપરાંત...’ કહીને આનંદ પળભર માટે અટકીને રાધાના ચહેરા સામે શોધપૂર્ણ નજરે જોયું, પછી બોલ્યો, ‘ઉપરાંત તું મારાથી કશુંક છૂપાવતી હો એવું પણ મને લાગે છે. હવે જો હું મરી જઉં એમ જ તું ઇચ્છતી હોય તો જરૂરથી જે કંઇ જાણતી હો, તે તારા મનમાં જ સંઘરી રાખ...છૂપાવી રાખ...’
રાધાનો ચહેરો એકદમ કરમાઇ ગયો.
હોઠ કંપવા લાગ્યા.
‘ કહી નાખ રાધા, કહી નાખ...!’ આનંદ તેને ઉશ્કેરતાં બોલ્યો, ‘ હજુ પણ જો તું છૂપાવીશ તો તને મારી બનાવી શકું એ પહેલાં જ હું માર્યો જઇશ.’
‘ હું...હું તમને મરવા નહીં દઉં...! રાધા ધ્રુજતા અવાજે બોલી, ‘ કહીશ...હું તમને બધું જ જણાવી દઇશ...!’
‘ તો કહી નાખ...! તારા સિવાય અહીં મારું બીજું કોઇ જ નથી.
મનોમન હિંમત એકઠી કરતી હોય એવા હાવભાવ થોડીપળો માટે રાધાના ચહેરા પર છવાયાં.
‘ આવો...બેસો...!’ છેવટે એ મક્કમ અવાજે બોલી, ‘ હવે હું તમારાથી કશું જ નહીં છૂપાવું...પછી ભલે એનું ગમે તે પરિણામ આવે...!’
‘ તારે જરા પણ ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી. રાધા ! હું જીવતો છું ત્યાં સુધી કોઇ ઊંચી આંખ કરીને પણ તારી સામે નહીં જુએ.’ આનંદ બોલ્યો.
બંને જણ એક મોટા પથ્થર બેસી ગયા.
‘ સાંભળો...!’ રાધાએ એક ઊંડો શ્વાસ લેતા કહ્યું, ‘ બંગલામાં જે કંઇ બની રહ્યું છે અને દિનાનાથ સાહેબ તથા માલતી મેડમનાં ખૂન થયાં છે, એની પાછળ બીજા કોઇ નો નહીં, પણ...’
પરંતુ રાધા પોતાનું વાક્ય પૂરું ન કરી શકી.
સહસા વાતાવરણમાં છવાયેલા સન્નાટાને કાપતી-ચીરતી ભીષણ શોર મચાવી કોઇક રિર્વોલ્વરમાંથી છૂટેલી ગોળી સીધી જ રાધાની છાતીમાં પ્રવેશી. એના દેહને લોહીના ફુવારાથી ખરડાવીને બહાર નીકળી ગઇ હતી.
રાધા ત્રાટક અવાજે ફક્ત એટલું જ બોલી- ‘ હે ભગવાન...’-અને પછી એનું તરફડતું શરીર આનંદ સંભાળી શકે, તે પહેલાં જ પથ્થર ગબડી પડ્યું તથા એકાદ-બે વખત હાથપગ પછાડીને શાંત થઇ ગયું.
અંતિમ સમયે પણ જાણે બાકીનું વાક્ય પૂરું કરવું હોય એ રીતે તેનું મોં ઉઘાડું રહી ગયું હતું.
લોહીથી ખરડાયેલી એની આંખોના નિર્જીવ ડોળા આનંદ સામે જ સ્થિર થઇ ગયા હતા.
આનંદે જે દિશામાંથી ગોળી આવી હતી, એ તરફ નજર કરી. દૂર એક ભેખડની ઓટમાં તેને એક આકૃતિ દેખાઇ.
વળતી જ પળે એણે એ દિશા તરફ દોટ મૂકી.

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Jaydeep R Shah 5 દિવસ પહેલા

Verified icon

જયેશકુમાર 4 અઠવાડિયા પહેલા

Verified icon

Ritin 2 માસ પહેલા

Verified icon

Gopi 3 માસ પહેલા

Verified icon

Sonal 4 માસ પહેલા

શેર કરો