ભેદ - - 1

ભેદ

કનુ ભગદેવ

પ્રકરણ - 1

રહસ્યમય ખૂન…!

સર દીનાનાથની ઉંમર બાસઠ વર્ષની હોવા છતાં પણ શારીરિક દ્રષ્ટિએ તેઓ એકદમ સ્વસ્થ હતા.

દીનાનાથનો બે માળનો આલીશાન બંગલો વિશાળગઢ શહેરથી એકાદ કિલોમીટર દૂર હતો. ચારે તરફ ખેતર, ખુલ્લા મેદાન અને બગીચાઓ હતા. તેમની કાપડની બે મિલો હતી જેનું તમામ કામકાજ તેઓ જાતે જ સાંભળતા હતા.

તેઓ દરરોજ સવારે 7 વાગ્યે ઉઠતા, સ્નાન પછી પૂજા કરતા. સાડા આઠ વાગ્યે નાસ્તો કરીને બરાબર નવ વાગ્યે ફેકટરીએ પહોંચી જતા. બપોરનું ભોજન ત્યાં જ લેતા અને સાંજે બરાબર સાત વાગ્યે મિલેથી સીધા ઘેર પાછા ફરતા, સ્નાન કરતા એના પછી ક્લ્બમાં જતા. ત્યાં મિત્રો સાથે ગપ્પા મારતાં. ક્યારેક પત્તે રમતા. બરાબર અગિયાર વાગ્યે પાછા આવતા, ભોજન કરતા અને પછી સુઈ જતા.

તેમની આ દિનચર્યામાં કોઈ દિવસ ફરક નહોતો પડ્યો.

સમયપાલનના તેઓ અત્યંત આગ્રહી હતા.

લોકો તેને જોઈને ઘડિયાળ મેળવતા હતા.

પરંતુ આજે…?

આજે આ ક્રમમાં ફેર પડી ગયો હતો.

કારણ...?

કારણ તેઓ મૃત્યુ પામ્યા હતા.

દરરોજ સવારે છ વાગ્યે ઉઠી જનારા દીનાનાથ સવા છ વાગ્યા સુધી પણ ન ઉઠ્યા ત્યારે તેમની પત્ની કે જેની સાથે તેમને તાજેતરમાં બીજા લગ્ન કર્યા હતા, તેમણે તેમના શયનખંડનો દરવાજો ઉઘાડ્યો. એનું નામ મીનાક્ષી હતું.

દરવાજો ઉઘાડતાંની સાથે મીનાક્ષીના મોંમાંથી કાળજગરી ચીસ સરી પડી.

એનું શરીર એટલું બધું થથરવા લાગ્યું કે એ ગબડી પડવા જેવી થઇ ગઈ.

પરંતુ લથડિયાં ખાતા-ખાતા એણે દરવાજાનું હેન્ડલ પકડી લીધું.

બંગલામાં સૌ જાગી ગયા હતા.

મીનાક્ષીના કંઠમાંથી નીકળેલી ચીસ બંગલાના એક ખૂણામાંથી બીજા ખૂણા સુધી ફરી વળી હતી.

થોડી પળોમાં જ તેનો પુત્ર અને પુત્રવધુ માલતી અન્ય નોકરો સાથે ત્યાં આવી પહોંચ્યા.

અને એ બધાની નજર જયારે શયનખંડમાં ગઈ ત્યારે તેમના કંઠમાંથી પણ મર્મભેદી ચીસો નીકળી પડી.

અંદર અત્યંત ખુબસુરત પલંગ પર મીનાક્ષીના પતિ એટલે કે સર દીનાનાથનો લોહીથી ડૂબેલો મૃતદેહ પડ્યો હતો.

એની છાતીમાં પ્રવેશી ગયેલી છૂરીની મુઠ ત્યાંથી પણ સ્પષ્ટ રીતે નજરે ચડતી હતી.

પુત્ર બળવંતે પોતાની માતા મીનાક્ષી અને પત્ની માલતીને સંભાળી અને નોકરને કહીને તાબડતોડ એ રૂમનું બારણું બંધ કરાવી દીધું.

મીનાક્ષી ધ્રુસકે-ધ્રુસકે રડતી હતી, ‘મને..મને અહીંથી શા માટે લઇ જાઓ છો…? હું એમની પાસે રહેવા માંગુ છું.’

બળવંતની આંખોમા આંસુ ચમકતા હતા.

રુદનને તે મહાપ્રયાસે અંદર જ દબાવી રાખતો હતો. કારણ કે એ જાણતો હતો કે જો પોતે પણ નર્વસ બની જશે તો પછી પોતાની માતા મીનાક્ષી માથા પછાડી પ્રાણ ત્યજી દેશે.

‘મમ્મી...સ્વસ્થ થાઓ…!’ એ ધ્રુજતા અવાજે બોલ્યો, ‘તમે તમારા ખંડમાં જાઓ…! હું પોલીસને ફોન કરીને આવું છું.’

અને મીનાક્ષી તથા પોતાની પત્નીને માંડ-માંડ સમજાવીને તેણે એ બંનેને પોતાના રૂમમાં પહોંચાડી.

ત્યારબાદ એણે નજીકના પોલીસસ્ટેશનને ફોન કરી દીધો.

ફોન કર્યા પછી એ બંને હાથે માથું પકડીને બેસી ગયો.

બંગલામાં પ્રવેશીને કયા નરાધમે પોતાના પિતાજી દીનાનાથનું ખૂન કર્યું એ તેને નહોતું સમજાતું.

દીનાનાથનો સ્વભાવ અતડો અને રુક્ષ હતો અને છેલ્લા બે-ત્રણ મહિનાથી તો એનો સ્વભાવ અતડો હોવાની સાથે અત્યંત ચીડિયો પણ બની ગયો હતો. પરંતુ બળવંત જાણતો હતો, ત્યાં સુધી તેના પિતાએ આજ દિવસ સુધી કોઈનેય નુકસાન નહોતું પહોંચાડ્યું.

પોતાના પિતાજીનું કોઈ ખૂન કરી નાખશે એવું તો તેણે સપનામાં ય નહોતું ધાર્યું.

સહસા કોઈકના વજનદાર બુટના પગલાંનો અવાજ સાંભળીને તે ચમક્યો.

એણે માથું ઊંચું કર્યું.

એની સામે ચાર સિપાહીઓ, એક ઇન્સ્પેક્ટર અને હોમિસાઇડ વિભાગના એસ.પી.ભગવતી ઉભા હતા.

બળવંત ઉભો થઈને ઉતાવળા પગલે તેમની પાસે પહોંચ્યો.

‘ઇન્સ્પેક્ટર સાહેબ...જુઓ...કોઈકે પિતાજીનું ખૂન કરી નાખ્યું છે…!ઉફ...આપણે શું કહું એ જ મને તો નથી સમજાતું...’

‘તમારા પિતાજીનું જ ખૂન થયું છે…?’ ભગવતીએ પૂછ્યું.

‘હા...મારુ નામ બળવંત છે…!’ કહીને બળવંત અટક્યો. પછી તેણે પાગલની માફક રુદન કરતી મીનાક્ષી તરફ સંકેત કર્યા, ‘આ મારી માતા મીનાક્ષીદેવી છે.’

ભગવતીની સાથે સાથે ઇન્સ્પેક્ટર તથા ચારેય સિપાહીઓ મીનાક્ષી તરફ તાકી રહ્યા.

એ ક્યારેક જોરથી ચીસો પડતી તો ક્યારેક અચાનક જાણે મોમાં જીભ જ ન હોય એ રીતે ચૂપ થઇ જતી. જાણે બધું સાંભળી અને જોઈ શકે છે…! માત્ર બોલી શકતી નથી.

બળવંતની પત્ની માલતી પોતે જ દુઃખમાં ડૂબેલી હોવા છતાં પણ મીનાક્ષીને સખ્તાઈથી બંને હાથમાં પકડી રાખીને ઉભી હતી.

થોડી પળો સુધી મીનાક્ષી તથા માલતી સામે તાકી રહ્યા પછી ભગવતી સિવાય સૌની નજર પુન: બળવંત પર સ્થિત થઇ ગઈ.

તેઓ દીનાનાથનો મૃતદેહ તથા ઘટના સ્થળને જોવા માટે આતુર હતા.

પરંતુ ભગવતી હજુ પણ મીનાક્ષી સામે જ એકીટશે તાકી રહ્યો હતો.

સહસા મીનાક્ષી પાગલની માફક ભગવતી સામે ઘસી આવી.

‘તમે...તમે લોકો કોણ છો...?’ એ હાંફતા અવાજે બોલી.

ભગવતી જાણે કે ભાનમાં આવ્યો.

એ પગની એડી પર અર્ધ-વૃતાકારે ફરી, બળવંત સામે જોઈને બોલ્યો, ‘મિસ્ટર બળવંત, તમારા પિતાજીનો મૃતદેહ ક્યાં છે?’

બળવંતે ચુપચાપ તેમને પોતાની પાછળ આવવાનો સંકેત કર્યો.

પછી તે દીનાનાથનો મૃતદેહ પડ્યો હતો, એ ખંડ તરફ આગળ વધ્યો.

બંધ દરવાજાની સાંકળ ખોલીને તે એક તરફ ખસી ગયો.

બારણાંનું પટ ઉઘાડીને સૌથી આગળ ભગવતી અને તેની પાછળ બીજા લોકો પણ અંદર પ્રવેશ્યા.

પછી અચાનક જ ઇન્સ્પેક્ટર વામનરાવ સિપાહીઓને ઉદ્દેશીને બોલ્યા, ‘તમે લોકો બહાર જ રહો.’

ચારેય સિપાહીઓ ધીમેથી માથું હલાવીને ધીમેથી બહાર નીકળી ગયા.

‘સર સાહેબના મૃત્યુને ઘણો સમય વીતી ગયો લાગે છે!’ ભગવતી મૃતદેહ પર ઊડતી નજર ફેંકતા બોલ્યો.

વામનરાવ કંઈ જવાબ આપે તે પહેલા જ ધ્રુસકાં મારતી મીનાક્ષી ત્યાં આવી પહોંચી.

આ વખતે તેની પુત્રવધુ માલતી સાથે નહોતી. કદાચ મીનાક્ષીના આક્રંદનો પાર ન રહ્યો.

પરંતુ આ વખતે ભગવતીએ તેની સામે નજર સરખીયે ન કરી.

વામનરાવ બેચેનીભરી હાલતમાં આમતેમ, જમીન પર દીનાનાથના પલંગ પર, ખંડની બારી પર ક્યાંયથી કોઈ જાતના ચિન્હો મળે તો તે શોધવા લાગી ગયો હતો.

જો ખૂન કમરામાં જ થયું હશે તો જરૂર ખૂનીને શોધવામાં મદદરૂપ થાય, તેવો કોઈ મુદ્દો મળી આવવાની તેને પુરી આશા હતી.

પરંતુ તેની આ આશા નિરાશામાં પલટાઈ ગઈ.

એ નિરાશ થઈને માથું નહોતું દુખતું છતાંય બંને હાથે માથું દબાવીને ભગવતી સામે જોવા લાગ્યો.

‘શું થયું...?’ ભગવતીએ પૂછ્યું.

‘ખૂની ક્યાંથી આવ્યો અને ક્યાં ગયો એ જ કંઈ નથી સમજાતું સર…!’ એને જવાબ આયો. એના અવાજમાં ભારોભાર આશ્ચર્ય હતું.

મીનાક્ષી હવે જોરજોરથી રડતી હતી.

કદાચ આ લોકો પોતાની જાસૂસી વિદ્યાથી ખૂની કોણ છે એ જણાવી દે એ આશાએ બળવંત, ભગવતી તથા વામનરાવ સામે ઉત્સુક નજરે તાકી રહ્યો.

ભગવતીએ દીનાનાથના તકિયા પાસેથી ચાદરનો એક છેડો પકડ્યો અને મૃતદેહ પર પુરેપુરી રીતે ઓઢાડી દેવાના હેતુથી આંચકો માર્યો.

‘કોને મારા પતિને...’ બરાબર એ જ વખતે મીનાક્ષીએ ચીસ જેવા અવાજે કહ્યું.

બાકીના શબ્દો એના કંઠમાં જ રૂંધાઇ ગયા હતા.

તે પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલા જ તેને ચક્કર આવ્યાં.

વળતી જ પળે એ જ્યાં ઉભી હતી ત્યાં જ ફસડાઈ પડી.

ભગવતીએ બળવંત સામે જોયું.

પછી વામનરાવને ઉદ્દેશીને બોલ્યો, ‘હોસ્પિટલે ફોન કરીને એમ્બ્યુલન્સ મંગાવી લે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ.’

‘મેડમ...! સર સાહેબ સાથે દુશ્મનાવટ હોય એવા કોઈ માણસ વિષે તમે કંઈ જાણો છો?’ એણે પૂછ્યું.

મીનાક્ષીએ પોતાની લાલઘૂમ બની ગયેલી આંખે તેની સામે જોયું. પણ તે કશું બોલી નહીં.

‘જુઓ મેડમ...!’ ભગવતી ફરીથી બોલ્યો, ‘રડવા-કકળવાથી હવે કશો જ લાભ નથી થવાનો...! હું જે કંઈ પૂછું, એનો જવાબ જો તમે આપો તો સર સાહેબના ખૂનીને શોધવામાં અમને સરળતા રહેશે.’

ભગવતીની વાત સાંભળીને મીનાક્ષીના ધ્રુસકાં વધી ગયા.

પછી અચાનક જ તે પુન: જોરથી રડવા લાગી.

ભગવતી પરેશાન થઇ ગયો.

જો મીનાક્ષીની આવી જ હાલત રહે તો કંઈ માહિતી સાંપડવી તો એક તરફ રહી, ઉલ્ટી તેની ફિકર કરવી પડે.

અત્યાર સુધીની તપાસમાં ખૂનનું કારણ સમજાય એવો એકપણ મુદ્દો નહોતો મળ્યો.

એને એટલી આશા હતી કે છુરીથી ખૂન થયું છે એટલે જરૂર તેની મુઠ પરથી આંગળાની છાપના નિશાન મળી આવશે.

પરંતુ ખૂની ખુબ જ ચાલાક હતો. છૂરીની મુઠ પર એણે કપડાનો પાટો બાંધ્યો હતો.

પોતાની જાતને કાયદાની ચુંગાલમાંથી દૂર રાખવાની એક એક સાવચેતી એણે રાખી હતી.

અત્યાર સુધીમાં એકેય એવો પુરાવો નહોતો મળ્યો કે જેનો છેડો પકડીને ખૂની સુધી પહોંચી શકાય.

ભગવતી વધુ કંઈ વિચારે એ પહેલા જ બળવંત અને વામનરાવ ત્યાં આવી પહોંચ્યા.

એણે પ્રશ્નાર્થ નજરે વામનરાવ સામે જોયું.

‘મેં ફોન કરી દીધો છે સર…!’ એની નજરનો અર્થ પારખીને વામનરાવ બોલ્યો, ‘એમ્બ્યુલન્સ રવાના થઇ ગઈ છે.’

‘ઠીક છે…!’ ભગવતીએ પોતાના માથા પર હાથ ફેરવતાં કહ્યું, ‘તું મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની વ્યવસ્થા કર. હું થોડી વાર પછી ત્યાં આવી જઈશ.’ પછી એ બળવંતને ઉદ્દેશીને બોલ્યો, ‘આ બંગલામાં કામ કરતા નોકર-ચકારોને બોલાવો. તેમાંથી જ કોઈકે ખૂનીને અહીં આવતો અથવા તો જતો જોયો હોય એ બનવાજોગ છે. ખૂની કંઈ હવાનું રૂપ ધારણ કરીને તો નહીં આવ્યો હોય!’

બળવંત ધીમેથી માથું હલાવીને ચાલ્યો ગયો.

થોડીવારમાં જ ત્યાં બંગલામાં કામ કરતા નોકર-ચાકરો આવી પહોંચ્યા.

ચાર નોકર અને ત્રણ કામવાળી!

સૌના ચહેરા ઉદાસ અને આંખો ભીની...!

ભગવતીએ સૌને પૂછપરછ કરી.

પરંતુ કશું જ જાણવા જેવું ન મળ્યું.

એ રાત્રે કોઈ પણ અપરિચિતને બંગલામાં આવતો-જતો નથી જોયો એમ સૌએ જણાવ્યું.

‘કમાલ કહેવાય...!’ ભગવતી આશ્ચર્યસહ બબડ્યો, ‘ખૂની બંગલામાં પ્રવેશી, ખૂન કરીને ચાલ્યો ગયો તેમ છતાંય કોઈને તેની ખબર પણ ન પડી.’

બળવંત, એની પત્ની માલતી અને બળવંતની સાવકી માં મીનાક્ષી તો સાક્ષાત શોકની પ્રતિમા બની ગયા હતા.

કોઈ કશું જ નહોતું બોલી શકતું.

છેવટે ભગવતી ઉભો રહ્યો.

‘મેડમ...!’ એ મીનાક્ષી સામે જોતા બોલ્યો, ‘અત્યારે મને રજા આપો…! જરૂર પડશે તો ફરીથી આવીશ...! હા દીનાનાથ સાહેબનો મૃતદેહ તમને બપોર પછી જ અંતિમ સંસ્કાર માટે સોંપવામાં આવશે.’

સૌ ચૂપ રહ્યાં.

ભગવતી વામનરાવને જરૂરી સૂચનાઓ આપીને બંગલામાંથી બહાર નીકળ્યો.

આખા રસ્તે તેનું દિમાગ જાતજાતના સવાલો વચ્ચે અટવાતું રહ્યું.

દીનાનાથનું ખૂન કોણે અને શા માટે કર્યું?

બંગલામાં સૌ કોઈ હાજર હોવા છતાં પણ કોઈએ એ ખૂનીને શા માટે ન જોયો?

દીનાનાથનું ખૂન જે રીતે થયું છે, એ જોતા એના મોંમાંથી મોતની અંતિમ ચીસ જરૂર નીકળવી જોઈતી હતી.

તો શું તેની ચીસ કોઈના કાને નહીં પડી હોય?

ખૂની કયા માર્ગેથી બંગલામાં પ્રવેશ્યો અને ખૂન કર્યા પછી કયા માર્ગેથી પાછો ગયો?

સૌથી મહત્વનો સવાલ એ દીનાનાથના ખંડમાં કેવી રીતે પહોંચ્યો?

જાતજાતના સવાલો હથોડાની માફક તેના દિમાગમાં ઝીંકાતા હતા.

પરંતુ હાલ તુરંત આ બધા સવાલોમાંથી એકેયનો જવાબ તેની પાસે નહોતો.

બધા સવાલો તેને એક કોયડા જેવા લગતા હતા.

અને આ વિચારોમાં અટવાતો ભગવતી જયારે પોતાના બંગલે પહોંચ્યો ત્યારે ત્યાં પોતાની પત્ની પાસે કેપ્ટન દિલીપને નાસ્તો કરતો જોઈને તે ધૂંધવાઈ ગયો.

‘તું અહીં સવારના પહોરમાં શા માટે ગુડાણો છે?’ એણે પૂછ્યું.

‘નાસ્તો કરવા માટે!’ દિલીપે માથું ઊંચું કરીને જવાબ આયો.

‘કેમ…? તારા પૂજ્ય પિતાશ્રીનું ઘર છે આ…? જયારે જુઓ ત્યારે અહીં કંઈ દાટ્યું હોય એ રીતે દોડ્યો આવે છે!’

‘પિતાજીનું તો નહીં પણ મારા કાકા-કાકીનું ઘર જરૂર છે સમજ્યા ભગવતીકાકા...? મારે આજે જ અંકલ ધી ગ્રેટના ઓર્ડરથી વનવાસ જવાનું છે. એટલે મને થયું કે સૌ પહેલા કાકીના દર્શન કરી, મીઠું મોં કરી, તેમના આશીર્વાદ લઈને પછી પ્રસ્થાન કરી જઉં !’ દિલીપ પ્લેટમાંથી ગાજરના હલવાની ચમચી ભરીને મોમાં મુકતા બોલ્યો, ‘પણ કાકા, તમારા દિમાગનો પારો આજે સવારના પહોરમાં સામાન્ય કરતા બે-પાંચ ડિગ્રી વધી ગયેલો શા માટે છે? શું જાડકીએ કંઈ કહ્યું છે…?’

ભગવતીની પત્ની નિર્મલાના કાન ઉભા થઇ ગયા.

‘કોણ જાડકી...?’ એને દિલીપ સામે જોતા પૂછ્યું, ‘તું કોની વાત કરે છે દીકરા...?’

‘એક જાડી-તગડી સ્ત્રી છે કાકી...! અને આ ઉંમરે મારા ભગવતીકાકા...’ કહેતા કહેતા દિલીપ અટકી ગયો. પછી ભગવતીના ચહેરા પર નજર ફેરવતા બોલ્યો, ‘કાકા...કોઈકના ખૂનના બનાવ સામે બાથ ભીડીને આવ્યા હોય એવું તમારા ચહેરા પરથી લાગે છે.’

ભગવતીનો ચહેરો ધૂંધવાયેલો જ રહ્યો. અલબત્ત, એ બોલ્યો ત્યારે એનો અવાજ એકદમ નરમ થઇ ગયો.

‘હા...સવારના પહોરમાં જ સર દીનાનાથના ખૂનની તાપસ માટે જવું પડ્યું. ખૂન થઇ ગયું અને બંગલામાં કોઈને તેની ખબર ન પડી. ખૂની પણ એટલો ચાલાક છે કે એકેય પુરાવો નથી મુકતો ગયો.’

‘આજકાલના ખૂનીઓ પણ સાલ્લા દીર્ઘદ્રષ્ટિ વાળા બની ગયા છે પરંતુ કાકા, આ કેસમાં તમે પોતે છો એટલે તેની દીર્ઘદ્રષ્ટિ કંઈ જ કામમાં નથી આવવાની. બે-ચાર દિવસમાં જ ખૂનીની ગરદન તમારા પંજામાં હશે.’ દિલીપે મસ્કો લગાવતા ચાસણી જેવા અવાજે કહ્યું.

‘એ તો હશે જ…!’ દિલીપના મસ્કાની ભગવતી પર ધારી અસર થઇ. એ ખુશખુશાલ અવાજે બોલ્યો, ‘અરે...તારો હાથ કેમ અટકી ગયો…?’

‘કેમ કાકા...તમારે નાસ્તો નથી કરવો કે શું…? તમે નાસ્તો પતાવીને જ આવ્યા હો એવું લાગે છે. ખેર, હું પોતે જ આ બધું સાફ કરી જઈશ…!’

‘હા,દિલીપ...!’ સહસા યાદ આવ્યું હોય એમ નિર્મળા બોલી, ‘તું કોઈક જાડકી સ્ત્રીની વાત કરતો હતો ને?’

‘અરે હા, કાકા...!’ જાણે તેનો સવાલ સાંભળ્યો જ ન હોય એમ દિલીપે ભગવતીને ઉદ્દેશીને કહ્યું, ‘મારે થોડા દિવસ માટે તમારી કાર જોઈએ છે. અંકલ ઘી ગ્રેટનો હુકમ છે કે મારે કારમાં જવું પણ તે મારી કારમાં નહીં. એટલા માટે જ મારે ન છૂટકે સવારના પહોરમાં અહીં આવવું પડ્યું. આમ તો અહીં આવવા પાછળ બીજા પણ ઘણા કારણો હતા. જેમ કે કાકીના આશીર્વાદ મેળવવા...મોં મીઠું કરવું...વિગેરે...’

‘જરૂર...જરૂર...!’ ભગવતી ક્રોધના ઘુટડાને ગળે ઉતારતા બોલ્યો, ‘ખુશીથી લઇ જા…! મારી કાર પણ તારા પિતાશ્રીની માલિકીની જ છે ને? બીજું તો કશું નથી જોઈતું ને…?’

‘કાકા...!’ દિલીપ ઓડકાર ખાઈ, પાણી પીને મોં લૂંછતા બોલ્યો, ‘ભગવાન જાણે આજકાલ મારા ગજવાને શું થયું છે…! કમ્બખ્ત ચોવીસેય કલાક ખાલી જ રહે છે. આમ તો કાકી પાસેથી જ લઇ લેત, પણ હવે જયારે તમે આવી જ ગયા છો તો પછી કાકીને શા માટે તકલીફ આપવી?’

ભગવતી હવે પોતાના ક્રોધને કાબુમાં ન રાખી શક્યો.

એ ફાટેલ વાંસ જેવા અવાજે તાડૂક્યો:

‘તારા દાદા મારી પાસે કમાઈને કોઈ અનામત નથી મૂકી ગયા સમજ્યો...કે જેથી તું…’

‘અરે તમને બોલવાનું કંઈ ભાન છે કે નહીં...?’ ભગવતી પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલા જ તેની પત્ની નિર્મલા બોલી ઉઠી, ‘દિલીપ બિચારો ક્યારેય કશું જ માંગતો નથી. આજે પહેલી વાર તે બોલ્યો એમાં આટલા બધા લાલ-પીળા શા માટે થાઓ છો?’

‘આ લાયક છોકરાનું તને એટલું બધું દાઝતું હોય તો તું તારી પાસેથી જ આપી દે…! અમારી પાસે પાંચ પૈસા પણ નથી…’

‘હજુ રાત્રે તો તમારી પાસે ઘણા રૂપિયા હતા, એ બધા ક્યાં ગયા…?’ નિર્મલાએ આશ્ચર્યસહ પૂછ્યું.

ભગવતી જવાબ આપે, એ પહેલાં વચ્ચેથી જ દિલીપ બોલી ઉઠ્યો, ‘હવે તો કાઢી જ આપો કાકા...નહિ તો…’

ભગવતીએ ગજવામાંથી પર્સ અને કારની ચાવી કાઢીને તેની સામે ફેંક્યા.

પછી બડબડાટ કરતો તે અંદરના ખંડમાં ચાલ્યો ગયો.

દિલીપે બંને વસ્તુ ઊંચકીને ગજવામાં મૂકી.

ત્યાબાદ તે ઉભો થયો.

‘સારું કાકી...નમસ્તે...! હવે હું પણ જઈશ. પાછો ફરીશ ત્યારે સૌ પહેલા અહીં જ તમારી પાસે આવીશ!’

‘હા...હા...જરૂર આવજે દીકરા...!’ નિર્મલાએ લાગણીભર્યા અવાજે કહ્યું.

દિલીપ તેને પગે લાગ્યો. નિર્મલાએ આશીર્વાદ આપ્યા.

પછી ટટ્ટાર થઈને તે બહાર નીકળી ગયો.

***

એક ભયંકર અવાજ સાથે કારનું આગલું ટાયર બર્સ્ટ થયું. અને જાણે કોઈક રાક્ષસી તાકાતથી કાર હવામાં ઉછળી હોય એવો અનુભવ દિલીપને થયો.

લથડિયાં ખાતી, નાચતી, ડોલતી કારણે એણે માંડ માંડ સાંભળી.

પરંતુ રોકાતાં રોકાતાંયે એટલાં જોરથી આંચકો લાગ્યો કે એનું માથું સ્ટિયરિંગ વ્હીલ સાથે અથડાયું.

માથામાં ફૂટ થઇ પરિણામે લોહી નીકળ્યું.

ગજવામાંથી રૂમાલ કાઢીને લોહી લૂંછતો લૂંછતો તે દરવાજા ઉઘાડીને બહાર નીકળ્યો અને ચારેય તરફ નજર ફેરવવા લાગ્યો.

સાંજ આથમતી હતી.

એ પહાડી રસ્તો એકદમ ઉજ્જડ ભાસતો હતો.

દૂર દૂર સુધી કોઈ માનવી દેખાતું ન હતું કે ન તો કોઈ વાહન, કે જેની તે મદદ લઇ શકે.

અધૂરામાં પૂરું કરવું હોય તેમ ડેકીમાં લોક પણ નહોતી.

મનોમન એણે ભગવતી ખટારા બ્રાન્ડ કારને ખાટી-મીઠી ચોપડાવી.

પછી પુન: તે ચોમેર દ્રષ્ટિપાત કરવા લાગ્યો.

સાંજ લગભગ ઢળી ગઈ હતી અને અંધારું પ્રત્યેક પળે વધતું જતું હતું.

સામે ખુબ દૂર અને ખુબ જ ઊંચાઈવાળા વિસ્તારમાં એને રોશની દેખાઈ.

એના પગ એ તરફ આગળ વધવા લાગ્યા.

ત્યાં પહોંચતા પહોંચતા એ હાંફી ગયો કારણ કે એ સ્થળ ખુબ જ ઊંચાઈ પર હતું.

ઊંચાણવાળા ભાગમાં તેને તદ્દન નવી બંધાયેલી ઇમારત હવે સ્પષ્ટ દેખાઈ.

દરવાજે પહોંચીને તેણે ડોરબેલ દબાવી. અંદરના ભાગમાં થોડી જ પળો બાદ કોઈના પગલાં આવીને અટક્યાં.

બીજી જ પળે દરવાજો સહેજ ઉઘડ્યો.

ઉઘાડા દ્વારમાંથી એક દુબળો-પાતળો ચહેરો દેખાયો.

ચહેરાની એ આંખોમાં અનેક પ્રશ્નો છવાયા હતા.

‘માફ કરજો...!’ દિલીપ બોલ્યો, ‘મારી કારનું ટાયર બર્સ્ટ થઇ ગયું છે. શું મને મદદ મળી શકશે?’

એ દુબળો-પાતળો ચહેરો નિરુત્તર રહીને પાછળ ખાંસી ગયો.

પછી ધીમેથી દરવાજો બંદ થઇ ગયો.

દિલીપના ગુસ્સાનો પાર ન રહ્યો.

પરંતુ ડોરબેલ પર ફરીથી આંગળી મુક્યા સિવાય બીજો કોઈ માર્ગ જ ન હતો.

થોડી વાર બાદ ફરીથી દરવાજો ઉઘડ્યો અને એ જ ચહેરો નજર સામે આવ્યો.

દિલીપે પુન: પોતાની રામાયણ સંભળાવી.

દુબળો-પાતળો ચહેરો ધરાવનાર માનવી જવાબ આપે તે પહેલા જ એક અવાજ આવ્યો :

‘અંદર આવી જાઓ…’

વળતી જ પળે દરવાજો પુરેપુરો ઉઘડ્યો.

દિલીપે અંદર પ્રવેશીને જે તરફથી અવાજ આવ્યો હતો, એ તરફ નજર કરી.

પરંતુ કોઈ જ ન દેખાયું.

દિલીપ દરવાજો ઉઘાડનાર માનવીને પૂછવા જતો હતો ત્યાં જ ફરીથી એ રણકતો અવાજ સંભળાયો, ‘આવી જાઓ…! હું તમારી જ રાહ જોતી હતી પરંતુ તમે પાંચ મિનિટ મોડા પડ્યા છો. તમારે સમયનું ધ્યાન રાખવાની જરૂર હતી.’

વિમૂઢ બની ગયેલો દિલીપ એ અવાજ તરફ આગળ વધ્યો અને લોબી વટાવીને આરસના એક સ્તંભ પાસે પીઠ ટેકવીને ઉભેલી એક યુવતી પાસે પહોંચીને ઉભો રહી ગયો.

એકવાડીયા બંધાણી એ ગોરી, સ્વરૂપવાન યુવતી દિલીપ સામે હસ્તી આંખે અને સ્મિતભર્યા ચહેરે તાકી રહી.

પછી પોતાનો જમણો હાથ તેની સામે લંબાવતા બોલી:

‘તો તમે છેવટે આવી જ ગયા. હું કેટલીયે વારથી તમારી રાહ જોતી અહીં ઉભી છું અને જો હવે તમને આવતાં એકાદ-બે મિનિટનું જ મોડું થાત તો હું માની લેત કે કદાચ આખી યોજના જ બદલાઈ ગઈ છે.’

જાણે પોતે કોઈ સ્વપ્નલોકમાં પહોંચી ગયો છે એવું દિલીપને લાગ્યું.

તે ચુપચાપ તાજા જ ખીલેલા ફૂલ જેવા ચહેરાવાળી એ યુવતીને તાકી રહ્યો.

‘તમારે વિષે મેં સાંભળ્યું છે કે…’ એ તેની એકદમ નજીક આવતાં બોલી, ‘સુંદર યુવતીઓ, એ તમારી મોટામાં મોટી કમજોરી છે એટલે અત્યાર સુધીમાં કોણ જાણે કેટલીયે યુવતીઓ તમારી જિંદગીમાં આવી ગઈ હશે. તો પછી તમે મારી સામે આ રીતે શા માટે જુઓ છો, એ જ મને તો નથી સમજાતું. જાણે આજે પહેલી જ વાર કોઈ છોકરીને જોતા હો એવો ભાસ મને થાય છે.’

કોઈક ભયંકર ગોટાળો થઇ ગયો છે એ વાત હવે દિલીપ સમજી ગયો હતો.

યુવતીએ પોતાને કોઈક ભળતો જ માણસ ધારી લીધો છે એ વાત પણ તેના મગજમાં ઉતરી ગઈ હતી.

‘હું તો એ જોઈ રહ્યો હતો કે તું આટલી સુંદર શા માટે છે? જો ખરેખર મને પહેલેથી જ ખબર હોત કે તું આટલી સુંદર છે તો…’

‘તો, શું…?’

‘તો હું ક્યારનોય અહીં આવી પહોંચ્યો હોત!’ એ ધીમેથી બોલ્યો.

‘તમે વાતો કરવામાં પણ ઉસ્તાદ છો એ હકીકત પણ મેં સાંભળી છે.’ યુવતી સ્મિત ફરકાવતા બોલી, ‘પરંતુ તમે જે લાઈનમાં છો, તેમાં બીજાઓ આવી મીઠી મીઠી વાતો નથી કરતા અને તેમના ચહેરા પણ તમારા જેવા તપસ્વી, સ્વચ્છ અને કોમળ નથી હોતા. આવું શા માટે છે એ મને સમજાતું નથી. તમે જ કહો...આવું શા માટે છે?’

આશ્ચર્યચકિત દિલીપને હવે પુરેપુરી ખાતરી થઇ ગઈ હતી કે તે યુવતીને પોતાના વિષે કંઈક જુદો જ ભ્રમ થઇ ગયો છે. તે નક્કી પોતાને કોઈક ભળતો જ શખ્શ માની રહી છે.

આ ભ્રમને ટાળવાનું હાલ પૂરતું તેને મોકૂફ રાખ્યું.

આ સુમસામ ઇલાકામાં પોતાનો સમય આનંદથી પસાર થઇ જશે એમ એણે માન્યું.

‘પહેલા તો એ જણાવ કે તું મને શું સમજે છે?’ દિલીપ બોલ્યો, ‘એ પછી જ “આવું શા માટે હોય છે” એનો હું તને જવાબ આપી શકું ને?’

જવાબ આપતા પહેલા એ યુવતી ખડખડાટ હસી પડી.

‘વાહ…!’ એણે કહ્યું, ‘તો તમે આવતાની સાથે જ સ્વભાવ પ્રમાણે બનાવટ શરુ કરી દીધીને? હવે મારે કહેવું જ પડશે કે તમે કૈલાસ મહેતા છો અને તમારે બરાબર સવા સાત વાગ્યે અહીં આવી પહોંચીને અગાઉથી જ નક્કી થયેલી યોજના મુજબ કહેવાનું હતું કે- મારી કારનું ટાયર બર્સ્ટ થઇ ગયું છે. આ સાંકેતિક વાક્યથી મારે સમજવાનું હતું કે તમે પોતે જ કૈલાસ મહેતા છો. હવે એ પણ કહું કે મારુ નામ કાવેરી છે. વારુ ચાલો, મેં તો બધું જ કહી નાખ્યું છે. હવે મારા સવાલનો જવાબ આપો કે તમે આવા કેમ લાગો છો?’

તસ્વીર હવે નેવું ટાકા સાફ થઇ ગઈ હતી.

પોતાને દિલીપ તરીકે નહીં પણ કૈલાસ મહેતા તરીકે ઓળખવામાં આવી રહ્યો છે એ વાત દિલીપ સમજી ગયો.

પરંતુ આ તસ્વીરમાં કયા કયા અને કેટલા રંગ છે, એ હજુ અંધારામાં જ હતું. હાલ પૂરતું પોતાને કાવેરી સામે કૈલાસ મહેતા જ રહેવું એમ એણે નક્કી કર્યું.

‘મારી એકસો અગિયારમી પ્રેયસીએ પણ મને આવો જ સવાલ પૂછ્યો હતો.’ એ માથું ખંજવાળતા બોલ્યો, ‘એને હું જવાબ નહોતો આપી શક્યો એટલે સ્પષ્ટ છે કે તને પણ નહીં આપી શકું. તું જ વિચાર કે આ વાતનો હું કેવી રીતે જવાબ આપી શકું? આ સવાલ તો તારે તેને બનાવનારને પૂછવો જોઈતો હતો. જો ક્યારેય તેની પાસે જઈ પહોંચે તો જરૂર પુછજે અને કદાચ કોઈક જવાબ મળે તો મને પણ લખી મોકલજે. કહે તો એક કોરું પોસ્ટકાર્ડ પણ આપું. બનવાજોગ છે કે ત્યાં હજુ સુધી કદાચ કોઈ પોસ્ટ ઓફિસ ન પણ ખુલી હોય!’

કાવેરી હસી પડી અને હસ્તી જ રહી.

‘અરે…’ અચાનક તે ચમકીને બોલી, ‘તમારા માથામાંથી તો લોહી નીકળે છે, શું સાચે જ તમે કોઈ અકસ્માત કરી બેઠા છો.’

‘હું માત્ર નાટક ભજવવામાં નથી માનતો!’ દિલીપે ઉતાવળા અવાજે કહ્યું, ‘વાસ્તવિકતાનો મને શોખ છે જેથી કોઈને શંકા પણ ન આવે અને આ જ કારણોસર કોઈને મારા પર રજ માત્ર પણ શંકા નથી આલી.’

‘તમારા વખાણ એટલા બધા સાંભળ્યા છે કે હવે વધારે સાંભળવાની જરા પણ ઈચ્છા નથી.’ કાવેરી બોલી, ‘ચાલો, પહેલા તમારા જખમ પર ડ્રેસિંગ કરી આપું. પછી તમે આરામ કરો. વધારે વાતો કાલે કરીશું.’

‘અને મારી કાર…’

‘એની ચિંતા છોડો. એ ગેરેજમાં પહોંચી જશે.’ કાવેરીએ કહ્યું, ‘ચાલો જલ્દી કરો. આ હોટેલ છે અને અહીં આ રીતે વધુ વાર ઉભા રહેવામાં જોખમ છે.’

‘હોટલ...?’

‘કેવા માણસ છો તમે…?’ કાવેરીના અવાજમાં સહેજ ચીડ હતી, ‘આ મેરીના હોટલ નથી તો શું તમને કોઈ થીએટર લાગે છે? તમારા ઓરડામાં જાઓ.’

‘તારો રૂમ મારા રૂમની બાજુમાં જ છે ને?’ દિલીપે એની આંખોમાં આંખ પરોવતાં પૂછ્યું, ‘જો એ નહીં હોય તો પછી હું…’

કાવેરીના ગાલ શરમને કારણે લાલચોળ બની ગયા.

‘તમારો રૂમ બરાબર મારી બાજુમાં જ છે!’ એ સ્મિત ફરકાવતા બોલી.

‘બંને રૂમોની વચ્ચે કોઈ દરવાજો છે કે નહીં?’

‘દરવાજાનું શું કામ છે?’

‘એ તને અત્યારે નહીં સમજાય! ચાલ, હવે જઈએ.’

કાવેરી પહેલા તેને પોતાના રૂમમાં લઇ ગઈ.

એણે દિલીપના માથા પર ડ્રેસિંગ કરી આપ્યું.

‘અત્યારે તમને કોઈ વસ્તુની જરુર તો નથી? બ્રાન્ડી...વહીસ્કી...’ છેવટે એણે પૂછ્યું.

‘અત્યારે તો બસ એકાદ ગરમાગરમ કોફીની જરૂર છે.’ દિલીપ બોલ્યો, ‘અકસ્માતના કારણે મારુ મગજ જ બહેર મારી ગયું છે. નાહી-ધોઈને જરા સુસ્તી ઉડાડવા માંગું છું. પછી યોજના વિશે તારી સાથે વાતો કરીશું.’

‘તમે તમારાં રૂમમાં જાઓ. હું કોફી મોકલાવું છું.’ કાવેરીએ ઉભા થતા કહ્યું.

‘અને તું ક્યાં જાય છે?’

‘નીચે ડાન્સનો પ્રોગ્રામ છે. ત્યાં એક માણસને મળવાનું છે.’

‘કોણ છે એ…’

‘અરુણ દેશપાંડે...! નૃત્ય પછી હું તેને તમારી પાસે લઇ આવીશ. ત્યાં સુધી તાજા-માજા થઇ ગયા હશો એવી આશા છે.’

‘ભલે…’

ત્યારબાદ દિલીપ પોતાના રૂમમાં આવ્યો.

એનું દિમાગ ચકરાવે ચડી ગયું.

આ કૈલાસ મહેતા કોણ છે?

‘એની કાવેરી તથા અરુણ દેશપાંડે સાથે શું યોજના છે?’

નાગપાલે પોતાને અહીં શા માટે મોકલ્યો છે?

સૌથી વધારે ગુસ્સો તેને નાગપાલ પર આવતો હતો.

પોતાને અહીં શું કરવાનું છે એની કશી જ વિગતો આપ્યા વગર નાગપાલે તેને અહીં નાદીરશાહી હુકમ સંભળાવીને અંધકારમાં જ હાથ-પગ પછાડવા મોકલી આપ્યો હતો.

પછી વિચારતાં વિચારતાં અચાનક જ તેને કૈલાસ મહેતા યાદ આવ્યો.

વળતી જ પળે તે ચમકીને ઉભો થઇ ગયો.

કાવેરી જે કૈલાસ મહેતાની રાહ હોતી હતી હતી એ પણ કદાચ હવે આવતો જ હશે .

અને એક વાર તે અહીં કાવેરી પાસે પહોંચી ગયો તો પછી પોતાની પોલ છતી થઇ જતા વાર નહીં લાગે.

બનવાજોગ છે કે મુશ્કેલીમાં પણ મુકાવું પડે અને પોતાને જે કંઈ જાણવા મળવાનું હોય, તે પણ એક તરફ રહી જાય.

એ ઝડપથી પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો.

થોડી વાર પછી એ પુન: સડક પર હતો.

ફેલાતો અંધકાર ઝડપથી વધતો અને દિલીપ એના કરતા પણ વધુ ઝડપે આગળ ધપતો હતો.

અત્યારે એના મગજમાં એક જ વાત હતી.

સાચા કૈલાસ મહેતાને કોઈ પણ ઉપાયે કાવેરી પાસે પહોંચતો અટકાવવો જોઈએ.

એક વળાંક પર પહોંચીને તે અટક્યો, અને સિગારેટ સળગાવીને ધીમે ધીમે તેના કસ ખેંચવા લાગ્યો.

ખુબ દૂર એક કારની હેડ લાઈટ ચમકતી હતી.

હેડ લાઇટનો પ્રકાશ પ્રત્યેક પળે નજીક આવતો જતો હતો.

દિલીપના ચહેરા પર સ્મિત ફરકી ગયું.

હવે પછીનો કાર્યક્રમ એણે નક્કી કરી લીધો.

એ વળાંક પાસે પહોંચીને તે કાર જાણે કંઈક ખોટકો થયો હોય એ રીતે શરાબીની માફક લથડિયાં ખાવા લાગી.

પછી થોડું આગળ વધીને ઉભી રહી.

હેડ લાઈટના પ્રકાશથી આખી સડક ચમકતી હતી.

કારની ડ્રાઇવિંગ સીટ પર બેઠેલો માણસ દ્વાર ઉઘાડીને બહાર નીકળે તે પહેલા જ દિલીપ તેની પાસે પહોંચી ગયો.

‘મિસ્ટર કૈલાસ મહેતા...?’ એણે આગળ દરવાજાના હેન્ડલ પર હાથ મૂકતાં પૂછ્યું.

એ માનવીના ચહેરા પર આશ્ચર્યની રેખાઓ ઉપસી આવી.

શંકાને કારણે એની આંખો સહેજ સંકોચાઈ.

‘હા…’ છેવટે એના મોંમાંથી ભારે ભરખમ અવાજે આ એક અક્ષર બહાર આવ્યો.

‘મારુ નામ અરુણ દેશપાંડે છે!’ દિલીપ તેની સામે હાથ લંબાવતા બોલ્યો, તમે બહુ મોડું કર્યું. ખેર જે થયું તે થયું. યોજનામાં પણ થોડો ફેરફાર થયો છે.’

કૈલાસ મહેતાની શકોરાં જેવી આંખો પણ દિલીપના ચહેરા પર ચોંટી હતી.

એને શંકા ઉપજી છે, એવા હાવભાવ તેના ચહેરા પર છવાયેલા હતા.

‘મિસ્ટર કૈલાસ...!’ દિલીપે પોતાના મનોભાવ છુપાવવાનો પ્રયાસ કરતાં કહ્યું, ‘કાવેરી હવે મેરીના હોટલમાં નહીં, પણ બીજા જ સ્થળે મળશે. હોટલમાં આપણે માટે થોડું જોખમ ઉભું થયું છે.’

‘જોખમ...? કેવું જોખમ...?’

‘હવે એ તો હું નથી જાણતો હું તો કાવેરીના હુકમથી જ અહીં ઉભો ઉભો તમારી રાહ જોતો હતો.’ દિલીપ એકદમ સ્વસ્થ અવાજે બોલ્યો, ‘ચાલો, ઢીલ ન કરો…! આમેય તમે પહેલાથી જ મોડા પડ્યા છો.’

કૈલાસ મહેતાને દિલીપની વાતથી પુરેપુરો સંતોષ નહોતો થયો.

પરંતુ તેમ છતાંયે તે તેની વાત ન ટાળી શક્યો.

દિલીપ દરવાજો ઉઘાડીને તેની પાસે બેસી ગયો.

‘કારને સીધી જ હાંકજો...!’ એણે કહ્યું, ‘આપણે લગભગ ત્રણ કિલોમીટર દૂર જવાનું છે.’

કૈલાસ મહેતાએ હકારમાં માથું હલાવ્યું.

કર ફરીથી વાંકી-ચોંકી સડક પર આગળ વધવા લાગી.

થોડીવાર પછી અચાનક કૈલાસ મહેતા ચમકી ગયો.

એની પાંસળી પર એણે કઈંક ઠંડી વસ્તુનો સ્પર્શ અનુભવ્યો.

એ સ્પર્શ શાનો છે, તે સમજતા એને વાર ન લાગી.

વળતી જ પળે તેના જડબાં એકદમ ભીંસાયા.

‘આ...આ શું છે…?’ એણે દાંત કચકચાવતાં પૂછ્યું.

‘સાઇલેન્સરયુક્ત રિવોલ્વોર...!’ દિલીપના અવાજમાં કારમી ઠંડક હતી, ‘તમે જરા પણ ટીડીબાજીનો પ્રયાસ કરશો તો પછી આ અવાજ રહિત રિવોલ્વોર પોતાની ફરજ બજાવશે અને પરિણામે તમે સીધા જ વગર ટિકિટે પરલોકની યાત્રાએ પહોંચી જશો. તમે મારી સામે નહીં પણ સડક સામે જ નજર રાખો. નહીં તો નાહક જ અકસ્માત કરી બેસશો.’

કૈલાસ મહેતા ચૂપ થઇ ગયો.

પરંતુ તેના શરીરની એક-એક ગ્રંથિઓ આવેશ અને ઉત્તેજનાથી ભરાઈ ગઈ.

તે યોગ્ય તકની રાહ જોવા લાગ્યો.

થોડે દૂર એક વળાંક આવતો હતો.

ત્યાં પહોંચતાની સાથે જ કૈલાસ મહેતાનો હાથ ઊંચો થયો અને વીજળીવેગે દિલીપના લમણા પર જઈ પડ્યો.

પરંતુ દિલીપ સાવચેત હોવાને કારણે એનો પુરેપુરો હાથ ધારેલા સ્થળે ન પડ્યો.

અલબત્ત એના વજનને કારણે ઘણી સાવચેતી રાખવા છતાંય ટ્રીગર દબાઈ ગયું.

ગોળી કૈલાસ મહેતાની પાંસળીને બદલે જમણા હાથમાં ચોંટી ગઈ.

એના મોંમાંથી ચીસ સરી પડી.

એણે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો.

કાર પોતાની પુરી રફ્તાર સાથે વળાંક પર હતી.

તેને રોકવાનું હવે લગભગ અશક્ય બની ગયું હતું.

અચાનક જ આવી પડેલાં આ જોખમનું દિલીપને ભાન થયું.

એ વીજળી જેવી સ્ફૂર્તિથી કારનો દરવાજો ઉઘાડીને સડક પર કૂદી પડ્યો.

વળતી જ પળે એ કાર કૈલાસ મહેતાને ખાડા-ટેકરાવાળા ભયંકર ઢોળાવમાં સરકતી-ઉછળતી, લથડિયાં અને ગડથોલાં ખાતી દોડી ગઈ.

થોડી ઇજા અને થોડા આકસ્મિક અણધાર્યા બનેલ બનાવે દિલીપને થોડી વાર માટે કિંકર્તવ્ય વિમૂઢ બનાવી દીધો હતો.

કૈલાસ મહેતાને મારી નાખવાનો તેનો જરાય ઈરાદો નહતો.

એ તો તેને કોઈક એવા સ્થળે કેદ કરવા માંગતો હતો કે જેથી કરીને તે થોડા દિવસો માટે કાવેરીને મળી શકે.

ઉપરોક્ત બનાવ બાદ વિસ મિનિટ પછી તે ફરીથી મેરીના હોટલમાં પોતાના રૂમમાં મોઝુંદ હતો.

ત્યાં અગાઉથી જ અરુણ દેશપાંડે અને કાવેરી તેની રાહ જોતા બેઠાં હતાં.

‘તમે ક્યાં ચાલ્યા ગયા હતા?’ દિલીપને જોતાં જ કાવેરી બોલી ઉઠી, ‘અને આ તમારાં વસ્ત્રોની હાલત તો જુઓ…! કોઈની સાથે ઝઘડો કરીને આવો છો કે શું?’

દિલીપે પહેલા પોતાના વસ્ત્રો અને પછી અરુણ દેશપાંડે તથા કાવેરી સામે જોયું.

‘હું એકલો એકલો કંટાળી ગયો હતો એટલે મને થયું કે ચાલ થોડી વાર બહાર ખુલ્લી હવામાં ફરી આવું...!’ છેવટે એ બોલ્યો, ‘પણ…’

‘પણ શું…?’ કાવેરીએ ઉત્સુક અવાજે પૂછ્યું.

‘પણ અંધારામાં કુતરાઓ મારી પાછળ પડ્યા. મારે જીવ બચાવવા માટે દોડવું પડ્યું. પરિણામે વસ્ત્રો પણ બગડ્યા અને થોડી ઇજા પણ થઇ. ખેર એ વાતને પડતી મૂકીને મુદ્દાની વાત કરીએ, બરાબરને મિસ્ટર અરુણ...?’ વાત પુરી કર્યા પછી દિલીપ પ્રશ્નાર્થ નજરે અરુણ દેશપાંડે સામે તાકી રહ્યો.

અરુણ દેશપાંડે આશરે ચાલીસેક વર્ષની વય તથા આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો માણસ હતો.

‘આજે તો આરામ જ કરો. આવતીકાલે બપોરે બરાબર બાર વાગ્યે આ ખુબસુરત શહેરમાં આપણા પ્રયોગનો નમૂનો જોઈ લેજો. ત્યારબાદ જ આપણે બાકીની વાતો કરીશું.’ અરુણે જવાબ આપ્યો.

‘ઓ.કે…’ દિલીપ બોલ્યો.

પરંતુ બીજા દિવસની બપોરનો બાર વાગ્યાનો સમય એના મગજમાં ફેવિકોલની જેમ ચોંટી ગયો.

‘તો હવે હું જાઉં છું…!’ અરુણ દેશપાંડેએ ઉભા થતા કહ્યું, ‘હવે કાલે સાંજે જ આપણી મુલાકાત આ રૂમમાં થશે.’

બંનેએ ધીમેથી માથા હલાવ્યાં.

દેશપાંડે ચાલો ગયો.

‘હા, હવે તમારો શું પ્રોગ્રામ છે?’ એના ગયા પછી કાવેરીએ દિલીપ સામે જોતાં પૂછ્યું.

‘ભોજન કર્યા બાદ ઊંઘી જવાનો...! કારણ, બનવાજોગ છે કે આવતીકાલથી કદાચ આરામ કરવાનો સમય ન પણ મળે!’

‘હા, એ તો છે જ! વારુ, હવે તમને કોઈ ચીઝની જરૂર તો નહીં પડે ને?’

‘રાત્રે તો ઘણી બધી વસ્તુઓની જરૂર પડે છે!’ દિલીપે કાવેરી સામે જોઈને સ્મિત ફરકાવતાં કહ્યું.

‘ઠીક છે…!’ કાવેરી હસીને બોલી, ‘ઊંઘ ન આવે તો મારા રૂમમાં આવજો. આપણે વાતો કરીશું.’

‘ઓ.કે…’ દિલીપ બોલ્યો.

ત્યારબાદ કાવેરી પણ ચાલી ગઈ.

દિલીપ એક સિગરેટ સળગાવીને ધીમે ધીમે તેના કસ ખેંચતો વિચારમાં ડૂબી ગયો.

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Bharat Saspara 3 દિવસ પહેલા

Verified icon

Ravikumar Shrimali 1 અઠવાડિયા પહેલા

Verified icon

જયેશકુમાર 1 માસ પહેલા

Verified icon

tick tok king 2 માસ પહેલા

Verified icon

Ritin 2 માસ પહેલા

શેર કરો