જબાલ અખધર - ઓમાન નું પર્વતીય પ્રવાસ સ્થળ SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જબાલ અખધર - ઓમાન નું પર્વતીય પ્રવાસ સ્થળ

રણમાં ખીલ્યાં ગુલાબ- જબાલ અખધર
------------–---------------------------------
ઓમાન કહેવાય રણ પ્રદેશ. અને મસ્કત તો પાઘડી પટટે વસેલું કોન્ક્રીટનું જંગલ કહેવાય એવું નગર.
અમે ગયાં ઓમાનની પર્વતની ટોચે વસેલી ફળદ્રુપ ભૂમિ જબાલ અખધર.
આ જગ્યાએ જવા સરકારે જ 4x4 કાર ફરજીયાત બનાવી છે.
મસ્કતથી સવારે સાડા આઠે નીકળી સવા કલાક 120ની સ્પીડે ડ્રાઈવ કરી ઇઝકી શહેર પહોંચ્યાં. ત્યાંથી બરકત એ મૌજ ગામ પહોંચ્યાં. તેને જબાલ અખધરની તળેટી કહી શકો. આગલા લેખમાં મેં જણાવેલું તેમ અરેબિકમાં જબાલ એટલે પર્વત.
અહીં એક સરખી બાંધણીનાં ક્રીમ , લગભગ તો આછા ગુલાબી કહેવાય એવા રંગનાં બેઠા ઘાટનાં મકાનો હતાં. ફરતી નાની ઊંચી દીવાલ, નાના ઢાળ પર થઇ અંદર જવાનું. એક જાળીવાળી ઓસરી, અંદર બે રૂમ અને રસોડું હશે. મકાનોમાંથી જ દાડમ અને તુવેર જેવાં રંગીન ફૂલો વાળાં નાનાં વૃક્ષો ડોકાય. રસ્તા કપચીના અને ખૂબ સાંકડા પણ એક મોટી પજેરો જેવી કાર પસાર થઈ શકે.
આગળ ચેકપોસ્ટ. ત્યાં તમારી સાદી 2x2 કાર હોય તો મૂકી દેવાની અને 4x4 હવે ફરજીયાત. ROP (રોયલ ઓમાન પોલીસ) તમારો પાસપોર્ટ કે રેસિડેન્ટ કાર્ડ તથા લાયસન્સ જોઈ ફોટો પાડે, નોટ કરે. કાર નો નંબર નોટ કરી દંડો ઊંચો કરે એટલે ભુ.. અવાજ સાથે તમારું ચડાણ શરૂ. એકદમ steep ચડાણ, શાર્પ વળાંકો. નીચે ઊંડી ખીણ. અમુક જગ્યાએ તો ખીણ ડ્રાઇવરને દેખાય નહીં એટલે રસ્તાની પાળી 6ફૂટ જેવી ઊંચી કરેલી. તમારી એક બાજુ વળાંકવાળા રસ્તાઓ અને સામે એકદમ ઊંચા પર્વતો દેખાય તો બીજી બાજુ એટલી ઊંડી ખીણ કે મકાનો પણ ટપકાં જેવાં લાગે. સામે ક્યારેક રસ્તો એટલો ઊંચો કે ડ્રાઈવરને કે આપણને આકાશ દેખાય નહીં, ખાલી પથરાળ કાળો પર્વત અને વચ્ચે પીળો કથ્થાઈ રસ્તો. અમુક સ્ટેજ પર પ્લેનના ટેઇક ઓફ વખતની જેમ રીતસર કાન વધુ ખુલ્યા. અમે હાઈટ પર હતાં.
આ સ્થળ 3000 મીટર ઊંચાઈએ આવેલું છે. જબાલ શામ સહુથી ઊંચું પોઇન્ટ પણ ત્યાં સાદી કાર એલાઉ છે. અહીં કદાચ એકદમ સીધાં ચડાણ ઉતરાણને કારણે નહીં હોય.
રસ્તે અમુક જગ્યાએ વ્યુપોઇન્ટ આવ્યાં ત્યાં કાર થોભાવી ઠંડી હવા શ્વાસમાં લીધી. કાર 28 સે. બહારનું બતાવતી હતી. મસ્કત 40 અને નીચે ઇઝકીમાં અમદાવાદની જેમ 42સે. હશે જ.
દર પાંચેક મિનિટ ડ્રાઇવ ને અંતે એક lay by બોર્ડ આવે. એટલે ત્યાં નાનું અર્ધ વર્તુળ જ્યાં કાર એક સાઈડમાં લઈ સામેની કારને જવા રસ્તો કરી શકાય. અહીં વ્યુપોઇન્ટની જેમ ઉભવાની મનાઈ છે. સામેથી સીધી, મોં જમીન સામે તાકી કાર ઉતરતી હોય ને આપણી આકાશ સામે જોતી ચડતી હોય ત્યારે સામસામે જગ્યા આપવા આ એક જ રસ્તો.
લગભગ 45 કી.મી. એક કલાકમાં ચડાવી અગિયાર વાગ્યે જેબલ અખધરના કાર પાર્કિંગ માટેની સમથળ જગ્યાએ પહોંચ્યાં.
અહીં ઉત્તર અને દક્ષિણ બે જગ્યાએ પાર્કિંગ છે. ઉત્તરનું હજી વધુ ઊંચું છે અને દક્ષિણનું થોડું નીચું.
રસ્તે જબાલ અખધરના રિસોર્ટ અને ત્યાં રહેતી વસ્તી માટે પાણીનું ટેન્કર, લોટની થેલીઓ ભરી જતી 4x4 ટ્રકો જોઈ અને શેરડી, સંતરા, શાક ભરી ઉતરતી ટ્રકો પણ. કમાલ છે. આવા રસ્તે એ બેલેન્સ કેમ કરી જાળવતા હશે!
અમે દક્ષિણ બાજુના નીચે તરફના પાર્કિંગમાં થોડા આગળ પાછળ ફરી પાર્કિંગ ની જગ્યા મળતાં કાર પાર્ક કરી. હવે વ્યુપોઇન્ટ્સ ઉપરાંત નાની ટ્રેકિંગની કેડીઓ આવે છે. તેમાં થઈ ઉપર જવાનું અને પગથીયાની જેમ ગોઠવેલ પથ્થરો પર થી બેસતા ,ટેકો લેતા નીચે જવાનું. વચ્ચે પથ્થરની નીક જેવી ફલાજ સિસ્ટીમ જેમાંથી પાણી વહેતુ હોય અને પોતાના જ ફોર્સથી ઉપર જતું હોય. ક્યાંક તો ફલાજ માં પગ મૂકી ગયા વગર છૂટકો ન હતો. નીચે દસેક ફૂટ નીચે ખેતરની ક્યારીઓ અને બીજી બાજુ ખડકો અથવા રસ્તો રોકતી ડાળીઓ.
બેય બાજુ એપ્રિકોટ, દાડમ, અંજીર અને કોઈ ગુજરાતી આગળ જતાં હતાં તેમણે કહ્યા મુજબ અખરોટનાં પણ વૃક્ષો હતાં. અંજીર તો વડના ટેટા જેવાં, લાલ ને બદલે કથ્થાઈ સહેજ મોટા ટેટા દેખાય. લીંબુ અને ક્યાંક સંતરા અને એક જગ્યાએ દ્રાક્ષના વેલા માંડવાપર ચડાવેલા જોયા. રણ માં, 3000 મીટર ઊંચે!!
ખેતરો પહાડ પર પગથીયાની જેમ બનાવેલાં. નીચે ઉતારી ખેતરમાં જવા એક ફૂટ જેવા બે એક પગથિયાં અને નાની કેડી. એક લાંબો ક્યારો દાડમડીઓનો હોય તો ત્રણેક ફૂટ નીચે શાકભાજી કે ગુલાબનો.
જ્યાં ઉત્તરથી steep કેડીએથી નીચે અથવા અમારી જેમ દક્ષિણથી ઉપર આવવાના રસ્તા મળે ત્યાં ગુલાબના ખેતરોની માદક સુગંધથી ફેફસાં ભરાઈ ગયાં. આ દમાસ્કસ ગુલાબ હોય છે જે એકદમ ગુલાબી રંગનાં, સ્નિગ્ધ પાંખડીઓ વાળા સહેજ મોટાં અને ખૂબ સુગંધવાળા હોય છે. પહાડની હવા તેમને માફક આવી ગઈ હતી. જતન પણ ખૂબ માગી લે.
કોઈ ઉત્સાહી ખેડૂત ગોરી ત્વચા વાળા યુરોપ અમેરિકન ટુરિસ્ટોને ઉત્સાહથી કંઈ સમજાવતા હતા પણ તેમનું અંગ્રેજી અમને ન સમજાય તો ધોળીયાઓ તો ક્યાંથી!
અહીં પહાડ પર ટેમ્પરેચર 18 થી 20 સે. હતું. કહે છે ફેબ્રુઆરીમાં તો.માઇનસ હતું!

એક રમુજી ઘટના બની. ક્યાંક ઉભવાને બદલે આગળ જવા શ્રીમતીએ કાઠિયાવાડી શબ્દ મોટેથી કહ્યો 'હાલો હાલો'. સામેથી આવતો પચાસેક વર્ષનો ધોળીયો કાકો ખીલી ઉઠ્યો. એકદમ ઝૂકી શ્રીમતીને કહે 'હેલ્લો'! પાછળનો શબ્દ શ્રીમતીએ કહેલો 'આગળ જાઓ'. અમને. તે સમજ્યો 'enjoying' તે વળી ઝુકીને કહે 'ઓવ, યે..સસ. એન્જોયીગ' મચ'. અમારું હસવું રોકાય નહીં.
ગુલાબી હવામાં લાલ મોઢાવાળો કાકો રોમેંટિક થઈ ગયો!!
ગુલાબના ખેતરમાં ઉભી, સુગંધ લઈ (અહીં કશું તોડવાની મનાઈ છે. સજા તો થાય પણ લોકો શિસ્તબદ્ધ છે.) ટ્રેકિંગના એન્ડ પર આવ્યાં.
જબાલ અખધર ગુલાબના અત્તર અને અર્ક માટે પ્રખ્યાત છે. એક ટાંકી જેમાં પાણી ભરી ગુલાબની પાંદડીઓ ભરે અને એને ગરમ કરી ટાવર જેવી જગ્યામાંથી થઈ પસાર કરે. પછી પાઈપમાંથી એ વરાળ એકઠી કરી કોઈ પ્રોસેસ કરે એટલે અર્ક તૈયાર.
કોઈ આવું વેંચતુ એમ્પોરિયમ જેવું દેખાયું નહીં. રિસોર્ટમાં હશે. ઓમાન તેલ અને ટુરિઝમ (વૈભવી) પર જ ચાલતું લાગે છે. ધોળાઓ અહીં મોંઘી જગ્યાએ આવે છે પણ ખરા.
ફરીએ જ ટ્રેકિંગની.કેડીએથી થઈ હવે એ નાના ગામમાંથી પસાર થયાં. બપોર. લોકોનો વિરામ નો સમય. એક બંધ ઘરમાંથી હિન્દી ફિલ્મ ચાલતી હતી, અમીતાભનો અવાજ ગાજતો હતો. કોઈ જગ્યાએ ઇફતાર કે સામાજિક પાર્ટી હશે. રંગીન અબાયામાં ખુલ્લા મોંએ ઓમાની સ્ત્રીઓ કિલકીલાટ કરતી હતી. પુરુષોનાં ચપ્પલો બહાર પડેલાં.
એક ત્યજી દેવાયેલા ઘરમાં ડેલીના બારણાંમાં ઉભી ફોટો પડાવ્યો. વાસણની અભેરાઈઓ અને એક લોખંડના સળિયાઓ વાળું નાનું પારણું પણ હતું. ઝુલાવ્યું તો કોઈ ઓમાની ટુરિસ્ટ કહે ખાલી પારણું ઝુલાવવું અપશુકન કહેવાય.
સીધા પાર્કિંગમાં ગયાં અને થોડા, 10 મિનિટ કારથી ઉતરી એક બગીચા જેવી જગ્યાએ. અહીં રેસ્ટોરાંમાં બિરયાની, સમોસા જેવું મળે છે. અમે તો એક છત્રીમાં ગોળ બાંકડે ગોઠવાઈ ઘેરથી લાવેલ ભોજન કર્યું. છાશને અહીં લબાન કહે છે તેનાં પેકેટ લીધાં.
થોડો આરામ કરી વળી કાર નોઝ ડાઈવ કરતી સમાલતા, વળાંકો વળતા ખીણના અંતિમ દર્શન કરી એક કલાકે પેલી ચેકપોસ્ટ, ઉપર જતા લોકોની ફરી ચેકીંગ અને લાઈન જોઈ. ફરી બરકત મૌજ ગામ, ઇઝકી ટાઉન અને હાઇવે, 125 થી130ની સ્પીડ અને 180 કીમી દૂર મસ્કત. સવા કલાકમાં.
જબાલ અખધર ગુગલ મેપ no road available કહે છે. લોકલ here નામનો મેપ વાપરવો પડે. બરકત મૌજ ગામ બતાવે....
આમ પહાડની ટોચે ગુલાબના અને સુકામેવાના ખેતરોની યાદગાર મુલાકાત લઈ આવ્યાં.
-સુનીલ અંજારીયા