મંગળાષ્ટક SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મંગળાષ્ટક

મંગળાષ્ટક

લગ્નોમાં હસ્તમેળાપ બાદ વર કન્યાને આશિષ આપવા ગવાતું ગીત. મંગલાષ્ટક હંમેશ શાર્દુલ વિક્રિડિત છંદમાં રચાય છે. રાગ આપણા પ્રખ્યાત શિવ સ્તોત્ર ' રત્ને કલ્પિતમાસનં હિમજલૈ ..' ના જેવો છે. મોટે ભાગે વર પક્ષના લોકો ગાય છે. એક સમુહમાં લયબદ્ધ ગાવાથી અદભુત વાતાવરણ ઉભું થાય છે.

શરૂમાં ગણેશ અને શિવ પાર્વતીનું સ્મરણ થાય છે. ત્યાર બાદ સુંદર પંક્તિઓમાં નવપરણિત વર-વધુનાં બન્ને પક્ષના મા બાપ, ભાઈ ભાભી, કાકા કાકી, મામા માસીઓ વગેરેનાં નામ વણી લેવાય છે. એ નામોને ઉપયુક્ત કોઈ કડી પણ ઉમેરાય છે. જેમ કે અહીં ' સુનીલ રંગી કુમુદ ખીલ્યું સરવારે' મુળ પંક્તિ હતી જે લેખક તથા તેમની પત્નીના નામો હતાં. એ સાથે વર કન્યાને હળવી શિખામણ પણ ક્યાંક જોવા મળે છે તો ક્યાંક ફક્ત સુંદર વાતાવરણનું વર્ણન કરતી પંક્તિઓ. પંક્તિઓ સાથેની કડી પુરી થાય એટલે 'કુર્યાત સદા મંગલમ્ ' બોલી નવદંપત્તી પર ફૂલોની પાંખડીઓ ફેંકવામાં આવે છે. સાત ફેરા સાથે એક એક કરી સાત પંક્તિઓ અને છેલ્લે આઠમી એમ આઠ પંક્તિઓ ગવાતી હોઈ એને મંગલાષ્ટક કહેવાય છે. આ ગીત હવે આ લુપ્ત થતું જાય છે. સમયનો અભાવ અને હવે હોલમાં એક બાજુ વિધિ શરુ થતી હોય ત્યાં બીજી બાજુ જમવાનું ચાલુ થઇ ગયું હોય એટલે મંગલાષ્ટક ઓછું જોવા મળે છે.
લેખકે પોતાના પુત્રના લગ્ન પ્રસંગે લખેલું જે સગાઓનાં નામો કાઢી નાખી અત્રે પ્રસ્તુત છે.

તો માણો, શેર કરો.

========================

પ્રાર્થું સહુ પ્રથમે હું ગણેશને, રિદ્ધિ સિદ્ધિ આપજો

આપો મા સરસ્વતી મને સદા, વિદ્યા ,સંગે રાખજો

કૈલાસેેથી વરસતા ફૂલો સુગંધનાં , ઉમા મહેશ વેરતાં

યુવાન યુવતી પરે કહી રહે દેવો ,

કુર્યાત સદા મંગલમ... 1


ઉગે છે ગિરિવર પરે ઉષા, હસ્તે કિરણ વેરતી

કન્યા મૃદુ હાસ પલ્લવ શી, સૌભાગ્યને કાંક્ષતી,

ભ્રાતા રહ્યો ઈચ્છે ભરી ખુશી, અખંડ સૌભાગ્યની,

પિતા રંગે રાચી રહયા સહુ સંગે ,

કુર્યાત સદા મંગલમ.. 2


જો આ સ્નિગ્ધ કમળ ખીલ્યું છે સરવરે , ગાયે ,ઝૂલે પ્રેમ થી

ગાઓ સહુ ગીતો હર્ષ તણાં, જાઓ સહુ મંડપ ભણી

ગાઓ સહુ મલ્હાર આજ ભરી ઉરે, ગીતો દીર્ઘ આલાપ માં

યુવાન યુવતી તણા મિલનના,

કુર્યાત સદા મંગલમ… 3


આપે આશિષ આજ દાદા જો પૌત્રને, દાદી સ્મિતે નિરખતી

કાકા સહુ સાથ જો વદી રહ્યા, ઈચ્છા પૂરો સકળ ની

મામા આ વંદી રહ્યા ગગનને, વહે વાદળી લહેરતી

મંદે વેગે વહે છે નભ પરે, મામી ગતિ પ્રેરતી,

કુર્યાત સદા મંગલમ… 4


ખીલી સોળ કળા એ રે જો નભ માં, પૂર્ણિમા દામ્પત્ય ની

પગલાં હસ્ત ગ્રહી ભરે યુગલ એ, દામ્પત્યના માર્ગ થી

સ્વાસ્થ્ય ધન પ્રેમ સંતતિ રહે સદા, સુખમાં ,આશિષ આપજો

ઉલ્લાસ ઉમંગ ઉરે ભરી કહો સહુ,

કુર્યાત સદા મંગલમ.. 5


સાધી જે પરબ્રહ્મ ઉન્નતસ્થિતિ , શંભુ ઉમા સંગથી,

રાધા-માધવ રાસમાં રત બન્યાં , જે પ્રીતના રંગથી,

સોહ્યું રામ સીતાનું યુગલ જે, સત્કર્મના યોગથી,

એ પ્રીતિ, રસઐક્ય દંપતી વરો, ઉત્કર્ષ ને ઉન્નતિ,

કુર્યાત સદા મંગલમ.. 6


સાથી સપ્તપદી કહે બની રહો , સુખ દુઃખ માં એ ઉભયના

માણો સુખો ધર્મ અર્થ ને કામ થી, પ્રેરો કુટુંબ ભાવના

જન્મો તણું મિલન છે ફરી થયું, આ જન્મના સાથમાં

ઐક્ય મન વચન કાયા તણું રહો,

કુર્યાત સદા મંગલમ..7


દીર્ઘાયુષ વરો સદા, સતત હો, ઉત્કર્ષ સૌભાગ્યનાં

વિદ્યાના સુવિલાસ હો, નિત નવાં , સ્ફુરો સ્મિતો સ્વાસ્થ્યનાં

કીર્તિ, વિત્ત, ક્ળા પ્રભુ ભરી રહો, સત્યમ શિવમ સુંદરમ

બ્રહ્મા, વિષ્ણું મહેશ રક્ષણ કરો…

“કુર્યાત સદા મંગલમ”..8