Rajkaranno Jems bond books and stories free download online pdf in Gujarati

રાજકારણનો જેમ્સ બોન્ડ

#GreatIndianStories

"શું ચાલ્યા આવો છો? ઇન્ટરવ્યુ, મુલાકાત.. અહીં પણ પીછો નથી છોડતા.” કડકાઈ ભર્યા સ્વરે મને કહેવામાં આવ્યું.

“ઇન્ટરવ્યુ કહો તો એમ, નહીંતો આપની પાસે આવેલો એક જિજ્ઞાસુ સમજો. આપનો વિદ્યાર્થી ગણો.ગુજરાત વિદ્યાપીઠનો હું મુલાકાતી છું અને ત્યાં કોઈ કોર્સ પણ કર્યો છે”. મેં ચરણ વંદના કરતાં કહ્યું. ચરણ તો સ્પર્શ કરવા ન મળ્યાં પરંતુ માથે એક મુલાયમ હથેળી વાળો કડક હાથ મુકાયો. મેં ઊંચે જોયું. હવે એક કડક વ્યક્તિની આંખોમાંથી એક શિક્ષક ડોકાયો. મુખમુદ્રા તો એવી જ તંગ. ગુજરાત વિદ્યાપીઠના ઉલ્લેખે એની અંદરનો સુષુપ્ત ગુરુ જાગૃત કરેલો.

“પહેલાં સરખો બેસ, મારી સામે પડેલો રેંટિયો કાંતવા લાગ. પરિશ્રમ એ જ પારસમણિ. બોલ, શાની જિજ્ઞાસા કે વિદ્યાપ્રાપ્તિ જોઈએ છીએ?”

“સાહેબ, આપની પાસેથી કેટલીક વાતો જાણી જેમ્સ ઓફ ઇન્ડિયા નામની શ્રેણીમાં લખવી છે.”

“જેમ્સ? હા.. હા.. હા. હું ભારતીય રાજકારણનો જેમ્સ બોન્ડ કહી શકાઉં. મરદ. જેમ્સ બોન્ડનાં પિક્ચરો જુઓ છો? મેં સાંભળ્યું છે પણ હું ફિલ્મો જોતો નહીં. બતાવવા જેવું એ લોકો સંતાડતા અને સંતાડવા જેવું બતાવતા. પહેલાં જેમ્સનો અહીં ઉચ્ચાર સાચો કર. જિમ જેવો ધીમો. બોલ જોઉં, જેમ્સ ઓફ ઇન્ડિયા? હમ. ચાલ. આ ગીતાના રચયિતા મોરારીનો પ્રશંસક અને ગીતાજીમાં અખૂટ શ્રદ્ધા ધરાવતો મોરારજી દેસાઈ રાજકારણનો જેમ્સ બોન્ડ, તારી સાથે વાત કરે છે. ચરખો ચાલુ રાખ.”

“હું એક શિક્ષક પુત્ર, અને આજીવન શિક્ષક છું. સંયોગોએ કડક હેડમાસ્તર બનાવી સોટી વીંઝવાની વખતોવખત ફરજ પાડી છે.પણ માંહ્યલો એક શિક્ષકનો.”

“મારો જન્મ 28 ફેબ્રુઆરી 1869 ના રોજ થયેલો. લીપ ઈયર જાણે છે ને? શું? બરાબર. તેથી 29 ફેબ્રુઆરીએ જન્મેલો એટલે તારીખ લેખે મારા સો વરસમાં 25 જન્મદિવસ આવેલા. સ્વભાવ 25 વર્ષીય યુવાન જેવો જ. હું વલસાડ પાસે ભડેલી ગામે જન્મેલો.મારા પિતા એક શિક્ષક હતા અને પછી હેડમાસ્તર. મારું શિક્ષણ મારા પિતા ભાવનગરની એ.વી. સ્કૂલના હેડમાસ્તર હોઈ મિડલ સ્કૂલ સુધી ત્યાં. એ પછી હું વલસાડ ભણવા ગયો. ખબર છે? બહુ ઓછા જાણે છે, મારો મેટ્રિકમાં બોર્ડમાં પ્રથમ નંબર આવેલો અને એ વખતે મેં અમુક રેકોર્ડ તોડેલા. પછી મુંબઈની વિલ્સન કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયો. મારી શૈક્ષણિક કારકિર્દી એટલી તેર્જસ્વી હતી કે મને પ્રોફેસરોએ જ સિવિલ સર્વિસ માં જોડાવા તૈયારી કરવા કહ્યું. એ માટે અંગ્રેજો સાથે હરીફાઈ કરવા અંગ્રેજી ઉપરાંત સ્વચ્છ ,પ્રતિભાશાળી પહેરવેશ અને અમુક રીતભાત જોઈએ. એ મેં કેળવી. ભલભલા મોટી બોર્ડિંગ સ્કૂલના વિદ્યાર્થીઓને હંફાવી હું શિક્ષકપુત્ર સિવિલ સર્વન્ટ બન્યો.

પિતાજીએ ગીતાના પાઠ નાનપણથી જ આત્મસાત કરાવેલા અને યોગ કર્મસુ કૌશલં હું સમજતો હતો. મેં પુરી ધગશથી મારી ફરજ બજાવી.30મેં વર્ષે તો હું ગોધરાનો કલેક્ટર હતો. સ્વભાવ કડક એટલે ફરજનિષ્ઠા અને શિસ્ત નો આગ્રહી. ગોધરામાં રમખાણો ફાટી નીકળ્યાં. મેં કડક હાથે દબાવી દીધાં. તોફાનીઓને તો સોટી ફટકારવી પડે. એમાં થાબડભાણાં ન ચાલે. કલેક્ટરને કોઈ ધર્મ હોતો નથી સિવાય કે સરકાર. અને “કઈં ન કર્યું, અમને માર્યા, હેરાન કર્યા એવી બૂમો રાડો મુસલમાનોએ પાડી. મુસલમાન શેના? એ વખતે પણ તોફાની તત્વો કાયદો હાથમાં લેતા હતા.એમને કોઈ ધર્મ ન હતો. તોફાનો તો કડક હાથે ડાબી દીધા, અમુક તત્વોને જેલભેગા કરી દીધા અને શહેરમાં કર્ફ્યુ નાખ્યો. આગ લગાડે એટલે એ ગયો. જાહેર મિલકત કોઈના બાપની નથી. બાપની તો આપણે સાચવીને વાપરીએ.

પછી શું? મારી સામે ફરિયાદ, રાડારાડી કે મેં હિંદુઓ પ્રત્યે પક્ષપાત રાખ્યો. એ તો મારામાંનો શિક્ષક સજા કરતો હતો. હળવા તોફાન માટે ઉભા રહેવાની, સહેજ ભારેમાં અંગુઠા પકડવાની, વધુમાં તડીપાર કરવાની અને અંતિમ સોટી વીંઝવાની. જવો જેનો ગુનો. બે દિવસમાં તો તોફાનો શાંત થઇ ગયેલા પણ મને હિન્દુ તરફી નું લેબલ લાગ્યું. એ બધા કોણ? મારે એ લોકોના લેબલે ચાલવાનું? મેં થોડા વખતમાં નોકરી મૂકી દીધી. યતો ધર્મ તતો જય. સમજે છે ને? ચાલ. નવી પુણી લે અને કાંત.

હું રાજકારણમાં જોડાયો. વારુ ,મારું પુસ્તક “મારું જીવનવૃતાંત” વાંચ્યું છે? બહુ ઓછાએ વાંચ્યું છે. નવજીવન ટ્રસ્ટએ પ્રકાશિત કરેલું. મેં સીધું ને સટ નામ આપ્યું.મારું જીવન વૃતાન્ત. કોઈ જાતના પ્રયોગો નહીં , કોઈ ડિસ્કવરી નહીં , કઈં રૂપાળું લેબલ નહીં. વાંચવું હોય એ વાંચે. કોઈ ન વાંચે તો પણ શું? માણસ નાશવંત છે, કામ રહી જાય છે. એ પુસ્તકમાં મારાં કામો મેં જેમના તેમ મારા જ શબ્દોમાં વર્ણવ્યાં છે.

એક બીજી વાત યાદ આવી. 1972 માં ઇલસ્ટ્રેટેડ વીકલીએ લોકોના ઇન્ટરવ્યુ લીધેલા.” why I am a hindu” વિષય પર. મેં સ્પષ્ટ કહેલું કે હું હિંદુમાં જન્મ્યો એટલે નાનપણથી હિંદુ છું અને પૂજા વગેરે જે એક હિંદુ કરે છે એ કરું છું. જો મુસ્લિમ હોત તો અલ્લાની બંદગી પણ એટલી જ શ્રદ્ધાથી કરતો હોત .પારસી હોત તો અગ્નિને સાક્ષી માની કર્મો કરતો હોત . હું ક્યારેય ધર્મનો જાહેર દાખડો નથી કરતો અને કોઈ પોતાનો ધર્મ પાળવા ઉપરાંત બીજા ધર્મમાં આસ્થા ધરાવે છે એ કહેતા લોકો પર મને ચીડ છે ને રહેશે. જે છે એને પાળો અને બીજાનો આદર કરો. બીજાને ખુશ કરવા તમારું સ્વત્વ ન ગુમાવો.

રાજકારણમાં પણ મારું નેતૃત્વ ઝળક્યું. જેસી જિનકી ચાકરી વેસા ઉનકો દેત ચાલ્યું. હા, કેટલાકને સાચે ઉપર આવવાના, નેતાગીરીના પાઠ શીખવ્યા કેટલાકને ઉચિત પાઠ ભણાવ્યા. હું કોંગ્રેસમાં લોકપ્રિય નેતા બની ગયો. મારા સિદ્ધાંતો, જે ગીતામાં કૃષ્ણએ જ કહેલ છે એને ચુસ્ત પણે વળગી રહ્યો. હું સારી બહુમતીથી ચૂંટાઈ મુંબઈ રાજ્યનો રેવન્યુ અને હોમ મિનિસ્ટર બન્યો.

મારું જીવન વિવાદોથી ઘેરાયેલું રહ્યું છે. પત્રકારો અને કોંગ્રેસીઓ મઝાક પીઠ પાછળ તો કરતા. સામે ઉભા તો મુતરી જાય. એ વખતે સેનાપતિ બાપટ.. સેનાપતિ હું નહિ કહું. મોટાં ટોળાંને સાથે લઇ એણે ભાષાના ધોરણે મહારાષ્ટ્ર અને ગુજરાત જુદાં પાડવા આંદોલન કર્યું. બે રાજ્યો જુદાં થાય તો વહીવટ સરળ બને પણ મુંબઈ ગુજરાતીઓ, પારસીઓ, કચ્છીઓએ ઉભું કરેલું અને કાળક્રમે એ લોકોને જ અહીંના મરાઠી લોકો ધક્કા મારી તગડી મુકે એટલે મેં મુંબઈ સુધી ગુજરાત અને એની દક્ષિણે મહારાષ્ટ્ર એમ સુચવ્યું. મુંબઈનો લાડવો કોણ જવા દે? આ બાજુ ગુજરાતમાં ઇન્દુલાલ યાજ્ઞિકે ચળવળ ઉપાડી. ચળવળો લોકશાહીમાં હોય પણ મેં કહ્યું એમ જાહેર મિલ્કતો કોઈના બાપની નથી. નિર્દોષ લોકોને મરાતા જોઈ મેં કડક પગલાં લીધાં. અનેક લોકો મુંબઈમાં મારા આદેશે ગોળીબારમાં મર્યા,એક 11 વર્ષની દીકરી સુદ્ધા. પણ ટોળાશાહી સામે તો તાનાશાહી કહો તો એ, પછી વત્તુ ઓછું નુકસાન થાય જ. મેં એક વખત તો કહ્યું કે મારા શબ ઉપર ચાલી બે રાજ્યો છુટાં પાડો. કેન્દ્ર પણ અત્યારે એ જુદાં પડે એમ ઇચ્છતું ન હતું. આખરે એ ગોઝારી જગ્યા ફ્લોરા ફાઉન્ટન ને હુતાત્મા એટલે શહિદ ચોક નામ અપાયું, બે રાજ્યો જુદાં પડયાં . મેં આખરે મુંબઈને એની પચરંગી પ્રજા અને દેશભરની પ્રવૃત્તિઓ જોતાં કેન્દ્ર શાસિત કરવા સુચવ્યું પણ નહેરુની સરકારે કદાચ ધરાર એ મંજુર ન રાખ્યું. હું આમેય સામા પ્રવાહે તરનારો ખરો ને? પણ હું નોસ્ત્રાદેમસ નથી તો યે મારી ભવિષ્યવાણી સાચી પડી, એક વખત શીવસેનાએ આમચી મુંબઈ કહી ગુજરાતી અને બધાજ પરપ્રાંતીઓને બહાર ધકેલવા આંદોલન કર્યું જ. મહેનત કોઈની અને ખાય બીજો? હશે. કૃષ્ણને કરવું હોય તે કરે.

ક્યાં ધ્યાન છે? ઠીક વાતના પ્રવાહમાં? ભલે. સામા પ્રવાહની વાત પરથી યાદ આવ્યું. હાઈસ્કૂલમાં જવા મારે મિત્રો સાથે નદી તરીને જવું પડતું. આવવા જવાના પુરા આઠેક કિલોમીટર હશે. મને તરવાનો સારો મહાવરો. વિદ્યાપીઠમાં સ્નાનાગારનું ઉદ્ઘાટન મારે હસ્તે. હું કુલપતિ હતો. મેં ઉદ્ઘાટન સ્વિમિંગ ચડ્ડી પહેરી, પુલ ઉપરથી બે હાથ જોડી નીચે ડાઇવ મારી કર્યું. અખબારોમાં મારો એ ફોટો પ્રસિદ્ધ થયો. કેટલાકે મારા સાથળના મસલ્સના વખાણ પણ કર્યાં . પણ હું જે છું એ છું. એ જ લોકો ગુસ્સાખોર કહે છે. મારો આંતરિક તાપ લોકોની બુરાઈઓને બાળી ઠેકાણે લાવે છે. ગાયત્રીનો ઉપાસક ખરો ને? “

મેં યાદ દેવરાવ્યું કે દ્વારકાના દરિયાકાંઠે ગાયત્રી શક્તિપીઠનું ઉદ્ઘાટન 1982માં આપના વરદ હસ્તે થયેલું. એ વખતનું આપનું પ્રવચન કે “ગાયત્રી બુદ્ધિ શુદ્ધ કરવાનો મંત્ર છે. જગતનાં મોટા ભાગનાં ખરાબ કામ બુદ્ધિ બગડવાથી જ થાય છે.”

“ હા. સારું યાદ છે. બગડેલી બુદ્ધિ માટે એ વખતે મેં આડકતરો ઈશારો ઇન્દિરા ઉપર કરેલો.મને એની કે એના બાપની સાથે સૈદ્ધાંતિક રીતે બનતું ન હતું પણ એ મને બરાબર યાદ છે. ” એમના હોઠ પર આછું સ્મિત આવ્યું અને વિલસી ગયું.

“ હું કોઈનો વિરોધી નથી કે નથી કહેવાઉં છું તેવો દુર્વાસા જેવો ક્રોધી. દેશ માટે જે યોગ્ય હતું એ મેં કરવા આગ્રહ રાખ્યો.પછી ભલે બધા મોં ખોલી જેમ ફાટવું હોય એમ ફાટે.

રાષ્ટ્રીયકરણનો હું ખાસ હિમાયતી ન હતો કેમ કે એ શા માટે કરવામાં આવે છે એની મને ગંધ આવેલી. સામાજિક સુધારાઓના નામે રાજકારણીઓના લાગતાવળગતાનાં ઘર ભરવાં અને ગરીબનાં ખિસ્સાં ખાલી કરવાં. ડોશી મરશે અને જમ પણ પેધા પડી જશે. આ મારા મર્યાના 20 વર્ષે શું થયું?

વિરોધ કરવા જતાં મારા હાથમાંથી નાણા ખાતું આંચકી લેવામાં આવ્યું. મેં કહ્યું કે મને કાંદા બટાકાની જેમ ફેંકી દીધો. 14 બેંકો રાષ્ટ્રીયકૃત થઇ.

આની સાથે કામ નહીં થાય. મારી સાથે થોડા મારી જેમ વિચારતા, થોડા સત્તાના લાલચુઓ જોડાયા અને ઈન્દીરાની ઈન્ડિકેટ અને મારી સિન્ડિકેટ એમ કોંગ્રેસના બે ભાગ પડયા . મને ન તો ભારત પાકિસ્તાન ના ભાગલા ગમેલા, સરદાર પટેલને પણ નહીં કે ના એ કોંગ્રેસના; જેની ખાદી ટોપી મારે શિરે રાજાના મુગટ કરતા પણ વધુ સોહે છે એમ લોકો કહે છે. એ ટોપી, એ કોંગ્રેસ તો મારો પ્રાણ છે. એને બચાવવા અને મને ન ફાવવાથી હું જુદો પડયો.

ચૂંટણીમાં કરેલી ગેરરીતિઓને કારણે ઇન્દિરા વિરુદ્ધ અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો આવ્યો. એણે રાજીનામુ ધરવા ને બદલે રાતોરાત કટોકટી લાદી દીધી અને દેશદ્રોહીઓ ( એટલેકે એના દ્રોહીઓ) ને જેલભેગા કરી દીધા. મેં તો આઝાદી માટે ગાંધી ચિંધ્યા રાહે જેલવાસ કરેલો.આઝાદ ભારતમાં થોડા સમય પહેલાના નાયબ વડાપ્રધાનને જેલ ! વળી ગીતાજી યાદ કર્યાં . જે થાય છે એ સારું જ થાય છે. હું જેલમાં ગયો.

હવા તો એવી ફેલાવી કે જાણે હું સુકા મેવાઓ કિલોના હિસાબે ખાતો હોઉં. જેલના ખોરાકમાં કઈં ઉમેરી મારો ઘડો લાડવો થાય કે મારી તંદુરસ્ત તબિયતને પણ નડે એવું ખાવાને બદલે પોષણ માટે મેં બેય ટાઈમ એક મુઠ્ઠી બદામ,અંજીર અને માત્ર એક નાનો કપ દૂધ લેવાનું રાખ્યું. એ ખોરાકની કિંમત દેશને વધુ તો પડવાની જ નહોતી. આ તો પ્રચાર એવો કે હું મેવાઓ ખાઈ જલસા કરું છું.

આ પણ જવાનું છે જ. ફરી બહાર આવું ત્યારે સક્ષમ રહેવા મારે જેલમાં તો બીજી કઈ કસરત થાય? ચાલવાનું રાખ્યું. સવારે મોડા મોડા બે માંદલા પોલીસો આવ્યા. મારી પાછળ મુડદાલની જેમ ચાલ્યા. હું પાછળ હાથ રાખી ચાલ્યો એ એ લોકો માટે દોડવા બરાબર હતું. મેં જ બીજા અધિકારી માગ્યા. આમ તો હું ભાગી જાઉં તો પણ એ લોકો હાંફતા ઉભા રહે! વલસાડની નદીમાં રોજ 8 કી.મી. તરેલો હું તો ખડતલ છું જ. નવા અધિકારીઓ બધા ‘ખેલ ખેલેલા‘ આવ્યા પણ એ લોકોને પણ મેં એમના પ્રમાણે દોડાવ્યા. પછી સલાહ આપી કે પરેડ ભરો અને રોજ ઝડપથી ચાલો. ગુનેગારનો પીછો આમ કરશો? અને હું તમારો ગૃહમંત્રી થયો તો? પણ હું એમને પુત્રવત ગણતો. હું કોઈ પર કિન્નાખોરી રાખતો નથી. સત્યના પક્ષે જ હોઉં છું. એ યાદ હશે કેટલાક ને, જયારે નવનિર્માણ આંદોલનના સમર્થનમાં, એ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર વિરુદ્ધ હતું તો પણ મેં આમરણાંત ઉપવાસ કરેલા.

1977 ની ચૂંટણીઓમાં હું ફરી ચૂંટાઈ આવ્યો. એક ચોખાવાલા સુરતમાં મારી સામે બીજા પક્ષમાંથી પાટલી બદલી ઉભેલા. સુરત સ્ટેશને ખુબ તોફાન થયાં અને એમનાં કપડાં ફાડયાં . બીજે દિવસે હું એ જ સુરત ઉતર્યો ત્યારે મારું ભવ્ય સ્વાગત થયું. હું પણ ગાંધી માર્ગે મોટે ભાગે ત્રીજા વર્ગમાં જ મુસાફરી કરતો જે થોડા વખતમાં મધુ દંડવતેએ બે વર્ગ કરી નાખ્યા. હું વડાપ્રધાન થયો. ગુજરાતી ઉદ્યોગપતિઓ તો હરખાતા દોડી આવ્યા કે પહેલીવાર આપણા ગુજરાતી વડાપ્રધાન મળ્યા, હવે અમારો બેડો પાર. મેં કહ્યું કે હું પ્રથમ ભારત દેશનો છું અને પછી ગુજરાતી. મારી પાસેથી ગુજરાતી તરીકે વધુ મેળવવાની અપેક્ષા ન રાખતા. તેઓ નિરાશ થઇ પરત ફર્યા. વળી અખબારોએ મને વગોવ્યો. મેં ગુજરાતને અન્યાય કરવાનું નથી કહ્યું પણ કોઈને વહાલા દવલાં ગણવાનું હું નહિ કરું. બધાને સરખો ન્યાય.”

“આંદામાન ગયો છે?”

મેં હા પડી.

“એ માત્ર કાળા પાણીની સજા પામેલાઓની યાદગીરીનો ટાપુ હતો. મેં એનું સંવેદનશીલ સ્થાન જોઈ તુરત તેને યોગ્ય રહેણાંક તરીકે વિકસાવવા નક્કી કર્યું. 1978માં પોર્ટબ્લેરમાં 1 રૂ. વાર ના ટોકન ભાવે જમીન આપી, અને આસપાસના શહેરો વિકસાવવા એથી પણઅર્ધા , પા ભાવે. ખેતી અને પ્લાન્ટેશન વિકસાવવા એ ક્ષેત્રના નિષ્ણાતો મોકલ્યા. ત્યાં આધારભૂત ચીજો જેવા કે રસ્તા, લાઈટ, પાણી, શિક્ષણ,પોલીસ એવું દેશ ભરમાંથી વસાવ્યું. પંજાબી, મારવાડી ,અરે આપણા ગુજરાતીઓ પણ વસ્યા. આજે છે ને યાત્રા સ્થળ અને જમીન કરોડો ના ભાવમાં?

મને વધુમાં વધુ ગાળો મળી ગોલ્ડ કંટ્રોલ એક્ટ માટે. હું નાના માણસોને મરવા પડે એવું કરું? સ્થિતિ જ એવી હતી કે હું નાણાં પ્રધાન. વિદેશી હૂંડિયામણ એટલી ઓછી થઇ ગઈ કે દેશ એક તબક્કે નાદાર થતો બચી ગયો. સરકારે 40 ટન સોનુ ખરીદી દેવું ચુકવ્યું. દેશમાં સોનાની માંગ અકલ્પ્ય હતી સામે ઉત્પાદન તો નહીંવત હતું. રૂપિયો ભયંકર રીતે તળિયે હતો અને પરમાણુ પરીક્ષણ પછી અમેરિકા ભડકેલું ,ક્યાંય અર્થતંત્રને બચવા આરો કે ઓવારો નહોતો રહ્યો.લોકોનાં પેટ ભરવા અનાજ તો મંગાવવું જ પડતું અને સોનુ સસ્તું, અનાજ અતિ મોંઘું. મેં ઠરાવ્યું કે સોનું બાર , સિક્કા કે બિસ્કિટના સ્વરૂપમાં રાખી શકાશે નહીં અને ઘરેણાં કેટલાં છે એ જાહેર કરવું પડશે. વેપારીઓએ રજીસ્ટર થઇ પોતાનો સ્ટોક જાહેર કરવો પડશે જે 2 કિલોથી વધુ ન હોઈ શકે. સોનીઓ લોકોનાં ઘરેણાં માટે લીધેલ સોના સિવાય 100 ગ્રામ થી વધુ સોનું રાખી શકશે નહીં . ગામે ગામ ટ્રકો ફરી અને સોનું એકત્ર કરી એના ગોલ્ડ બોન્ડ આપી એના વ્યાજમાંથી દેવું ચુકવવું અને હૂંડિયામણ સ્થિર કરવું એમ ઈરાદો હતો. પણ એમાં ઉલ્ટી દાણચોરી વધી. હું હજી માનું છું કે એ સંજોગોમાં મારો નિર્ણય ખોટો ન હતો, એનો અમલ કરતી મશીનરી મોળી પડી.અને લોકોને પેટની આગ કરતાં સોનાની ચમક વધુ આકર્ષક દેખાઈ. સત્તામાં બેઠેલાએ bouquet અને brickets બંને માટે તૈયાર રહેવું પડે.

મેં જોયું કે એક રિસર્ચ એનાલિસિસ વિન્ગ વિદેશીઓની હિલચાલ પર નજર રાખવા કરતાં ઇન્દિરા વિરોધીઓ ઉપર વધુ ધ્યાન આપતી હતી અને એનું ખાસ કઈ યોગદાન પણ ન હતું. મેં એને રાતોરાત વિખેરી નાખી. સોપો પડી ગયો. બીજી આંતરિક સંસ્થાઓ એ કામ સારી રીતે કરે જ છે.

1962 ના આક્રમણ પછી ચીન સાથે સંબંધો સુધારવા જરૂરી લાગ્યા. હું નાનો દેશ છું એટલે નહીં પણ અહિંસાનો સાચો અર્થ સમજું છું એટલે સંબંધ સામાન્ય કરવા પહેલ કરી. પાકિસ્તાન સાથે ઉચિત મંત્રણાઓ કરી. એક વખત મેં જ જાહેરમાં કહેલું “ બહુ ટેં ટેં કરે તો એના ઘરમાં જઈ બે ધોલ મારી આવો” એ જ દેશે મને નિશાન એ પાકિસ્તાન, એનો સર્વોચ્ચ ખિતાબ આપ્યો અને અહીં ભારતમાં જીવતાં જ ભારત રત્ન પણ મળ્યો. મળે કે ન મળે, ગીતા ઉપદેશ મુજબ હું તો નિસ્પૃહ છું.

સારું કામ કર્યું, એનું પરીક્ષણ પછી ભવાં ચડાવતા અમેરિકાને દેશના હિતમાં કેટલીક માહિતી આપી દેશની સુરક્ષા મજબૂત કરી. તો પણ કોઈ અમેરિકન લેખકે મને સી.આઈ. એ., (એ દેશની ગુપ્તચર સંસ્થા) નો એજન્ટ છું એવો આરોપ મુક્યો. મારે 94 વર્ષની ઉંમરે મારો બચાવ કરવા અમેરિકન કોર્ટમાં જવું પડયું . દેશભક્તિનો ખિતાબ!! હું તો વિવાદોથી ઘેરાયેલું જ જીવન જીવ્યો છું, સત્યને ખાતર.

નહેરુ અને એની દીકરી સામે મને એ જ વાંધો હતો કે એ લોકો સામ્યવાદી એટલે કે કોમ્યુનિસ્ટ વિચારસરણી પસંદ કરતાં હતાં . દેશનો વિકાસ સર્વગ્રાહી રીતે જ થાય. ધંધો તો બધા કરી ખાય ને એમાંથી પેટિયું રળી ખાય. એના લીધેલા જોખમ, એની મહેનત અને રોકાણનું વળતર બીજાને આપી એને બેઠા બેઠા ખાવાની, એ થી પણ ખરાબ, કમાય એને દબડાવી ધમકાવી એનું પડાવી લેવાની ટેવ પડે એ રીતે તો દેશ આગળ ન જ વધે, પણ ગુંડાગર્દી, અંધાધુંધી વ્યાપી રહે. મને વળી એક છોગુ લાગ્યું કે હું મૂડીવાદીઓની તરફેણ કરું છું પણ પછીની કોંગ્રેસની જ અને આજે ચાલી રહેલી સરકાર પણ એમ જ વિચારે અને કરે છે ને? હું છીંડે ચડયો ચોર!

સિન્ડિકેટમાં ઘણા જનસંઘમાં પણ ભળેલા હતા અને કેટલાક આર એસ એસ સાથે છે એમ કહી સંસદમાં હોબાળો મચ્યો, એવાઓને હું મારી સરકારમાં ચલાવી લઉ છું એ બંધ કરી એક માણસ એક હોદ્દો કરવો એ વાત ઉછળી. બીજા મુદ્દાઓ ઉમેરાયા. ચરણસીંઘ અને રાજનારાયણએ ટેકો પાછો ખેંચી લીધો. મારી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ. એવી તો હું ઘોળીને પી જાઉં એવો છું. પણ મારી? કોઈ નહીં ને મારી સામે અવિશ્વાસ? એ પણ.. જવાદો કોઈ શબ્દ નથી વાપરવો, એવા લોકો દ્વારા? દરખાસ્ત પર મતદાન પહેલાં જ મેં રાજીનામુ આપી દીધું. લો ખાઓ લાડવો. એ લોકોને લાડવો પચ્યો નહીં . કોંગ્રેસ ટૂંક સમયમાં ચૂંટણીમાં હારી સત્તાથી દૂર થઇ.

હું તો પેલી વાર્તાના સાધુની જેમ, ધ્યાન કરતાં સેનાપતિ અને રાજા અને પદભ્રષ્ટ થતાં ફરી તપ કરવા! સાધુ તો ચાલતા ભલા! મારું વાંચન, ધર્મ, કાંતણ એ બધું ચાલ્યું.

100મુ વર્ષ બેઠું. 1લી માર્ચ 1995 ના મારો ઇન્ટરવ્યુ લેવાયો. દેશને 21મી સદી માટે સંદેશ, લોકોને સંદેશ વગેરે. એમાં થોડો વખત બહુચર્ચિત બન્યો મારો દલિતો અને પછાત લોકોને સંદેશ. પહેલાં તો મેં ના પડી પછી કહ્યું કે નદી જેમ ક્યાંક પડી રહે તો ગંધાઈ ઉઠે, એનું કામ જ સમુદ્રના મુખ્ય પ્રવાહમાં ભળી જવાનું છે. 50 વર્ષ બાદ હવે તો મુખ્ય પ્રવાહમાં ભળી જાઓ! પોતાને ઉતરતા માનશો તો તમે પાછળ જ રહેશો. કોઈને પણ એમ જ લાભ આપવાથી એ લેવાની આદત પડી જાય છે.એટલે જ મેં દરેક પોતે પોતાની શક્તિ મુજબ ઊંચો આવે એવું કહેલું. આજે ભળ્યા છે? નહીંને? નવા ઉભા થયા ને? થવાનું જ હતું .

અને મારો અંત આવ્યો. જન્મદિવસના મહિના બાદ મને શરદી થઇ, કફ વધતો ચાલ્યો અને શ્વાસ અટકી જતાં હું દેહથી મૃત્યુ પામ્યો.

ચાલ. આ મારુ વૃતાંત પુરું. તેં જોયુંને કે મેં એક પણ બિનજરૂરી અંગ્રેજી શબ્દ નથી વાપર્યો અને બોલચાલમાં એ શબ્દ હોય તો અતિ ગુજરાતી શબ્દ નહીં ? મને મારી સહી હિન્દી લખાણમાં હિન્દીમાં, અંગ્રેજી હોય તો અંગ્રેજી અને ગુજરાતી હોય તો એમાં કરતો જુઓ છો.મારું સંસ્કૃત ઉપર પણ પ્રભુત્વ છે. મારી વિદ્યાપીઠ શુદ્ધ ભાષાનો પ્રચાર કરે છે.

સ્વમૂત્ર વિષે મારી મઝાક પુરતી થતી. મેં ટોનિક કે સુવર્ણની જાહેરાતમાં આવતા એક અભિનેતાની જેમ એ વાપરવા કોઈને ભલામણ નથી કરી. હું સ્વમૂત્રપાન કરતો હતો અને માનતો હતો કે એનાથી ફાયદો થાય છે. કરવું હોય તે કરે. સમયાંતરે ખોરાક, રોગો,ઉપચાર બદલાય જ. એ પણ દોઢ સદી જેટલા સમયમાં. હું તો ઉચ્ચતમ પદ શોભાવનાર રાજકારણીઓ પૈકી વિશ્વનો સહુથી વધુ જીવનારો હતો. સાદગી, સ્વચ્છતા, કસરત,નિર્મલ હૃદય અને વિચારો,ઈશ્વર પ્રત્યેની આસ્થા લાબું અને સ્વસ્થ જીવાડે જ છે. એને અષ્ટાંગ યોગ કહ્યો છે.

લે પ્રાર્થનાનો સમય થયો. ચાલ હું પણ આંખ મીચું, તું પણ. ૐ શાંતિ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED