Impression books and stories free download online pdf in Gujarati

ઇમ્પ્રેશન

આજે રવીવાર.મારો ઊંચી પોસ્ટનો ઇન્ટરવ્યુ. હાલની ઓફિસથી છાનું રાખેલું કે હું નવી જોબ માટે ઇન્ટરવ્યુ આપું છું. ત્યાં પસંદ ન થવાય તો બાવાના બેય બગડે. નહીં, ખાસ્સું કમાતો હું બાવો બની બાળપણમાં પાઠ્યપુસ્તકમાં આવતી કવિતા ‘બની ગયો હું બાવો’ ગાતો બેસું.

ઓનલાઈન ઇન્ટરવ્યુ માટે ઘેર કોમ્પ્યુટર ચેક કર્યું,નેટ ચલાવી જોયું,સ્કાઈપ ટેસ્ટ કર્યું. મોં પર ભીનો હાથ ફેરવી નવો શર્ટ ને ઉપર નવો સુટ, મેચિંગ ટાઈ લગાવી મેં મને અરીસામાં નિરખ્યો. હાઈ હેન્ડસમ! મેં મારી જ સામે હાથ હલાવ્યા. મેં સ્મિત આપ્યું. સ્મિત અર્ધી બાજી જીતે છે. Smile.It Increases your face value. વાક્ય યાદ કરી, લેપટોપ પાર સ્કાઇપ ઓન કરી હું ટેબલપર ગોઠવાયો. અપટુડેટ. જોરદાર ઇમ્પ્રેશન પાડવા તૈયાર.

ઉપર સુટ, ટાઈ, નીચે શોર્ટ એટલેકે ચડ્ડો. કોણ જોવાનું છે નીચે? શબ્દશ: નીચે જોવું નહીં, દ્રષ્ટિ ઉંચે રાખવી. જે જિંદગી ગઈ એ વીતી ગઈ. પર્વત ચડતાં નીચે જુઓ તો આહા.. હું કેટલું ગયો? કહી થાક ખાવાનું ને પોતાની પીઠ થાબડવાનું મન થાય.થાકી પણ ગયાનો અનુભવ થાય. ઉપર જુઓ તો કેટલું બાકી રહ્યું એ જોઈ મંઝિલ જલ્દી કપાય.

મારા લેપટોપ પર સ્કાઇપની રીંગ વાગી. “હેલો ગુડ મોર્નિંગ મી….” સામેથી અવાજ. અમેરિકન ઇન્ટરવ્યુઅર દેખાયો. એ પણ ટીપટોપ,કલીન શેવ,સજેલો ધજેલો.


“વેરી ગુડ મોર્નિંગ સર.” હું યોગ કરતો હોઉં એમ કરોડ સ્થિર કરી ટટ્ટાર થયો. અરીસાને આપેલું સ્મિત હવે એકદમ બ્રોડ સ્માઈલ કરી આપ્યું.

“ આય એમ રોબસ્ટાર લોબસ્ટાર (સમથિંગ) .” જવાદો.જે હોય એ.what is there in a name? An american repels smell (of deodorant) by whichever name you call.

ઇન્ટરવ્યુ આગળ વધ્યો.


આ કંપનીમાં શુ કરું છું, કેમ નવી કંપનીમાં આવવું છે

આજે આ કંપનીમાં કેટલો પગાર અને શું કોસ્ટ ટુ કંપની છે (એમાં કુલરનું પાણી ને યુરીનલનો ઉપયોગ પણ આવી જાય. કેમ કંપનીને એ ઠંડુ રાખવાના ને સાફ કરવાના પૈસા ન પડે?) અને એવું પુછી આ તલમાં કેટલું તેલ છે એ ચકાસવા ટેક્નીકલ રાઉન્ડ ચાલુ થયો. તલ ઘાણીમાં પીલાઈ ચુકેલો.તૈયારી પણ હતી. એના દેશના પ્રોબ્લેમ અને એ પ્રકારના અહીં કેવા હોઈ શકે એની ચર્ચા થઈ. એની કંપની માટે હું શું કરી શકું છું અને કેવી રીતે પ્રોબ્લેમ સોલ્વ કરીશ એ પૂછ્યું. એ હોઠો કો કરકે ગોલ.. કરી સીટી બજાકે.. મનમાં બોલતો લાગ્યો ' ઓલ ઇઝ વેલ...' વચ્ચે વાવ કહેતા હોય એમ એના હોઠ પહોળા થઇ મને એના મુખમાં બ્રહ્માંડ તો નહિ, મારી નવી જોબની આશા દર્શાવતા હતા.વાહ હું. બરાબર જઈ રહ્યો છું. બસ થોડા વખતમાં તારી કંપનીનો એમ્પ્લોયી કોડ લઈશ.

બે ચાર ટેક્નિકલ વાતો થઇ અને મને ક્યારેક એના દેશના ડિઝની વર્લ્ડના ચકડોળમાં બેઠો હોઉં એમ હું ગોળ ફરતો લાગ્યો। એ જ ફેરવતો હતો. મેં આપણા ઢાલ તલવાર ધરી મહારાજાઓની અદા થી એનો સામનો કર્યો. આ લોકો દેખાય છે ખુબ માયાળુ અને ફ્રેન્ડલી પણ એની હસ્તી આંખો તમને સ્કેન કરી લેતી હોય છે.

ધીમે ધીમે વાત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ગઈ. રોબોટ ના પ્રોગ્રામ કેવી રીતે કામ કરે અને એનું પ્રોગ્રામિંગ સામાન્ય લેંગ્વેજમાં ન થાય એમ એને કહ્યું। મેં એક કોમ્પ્યુટરની સૂચના મૂળ લેંગ્વેજમાં હોય એને એની ભાષામાં ટ્રાન્સલેટ કરી સમજાવાય એમ કહ્યું. મેં દાખલો આપ્યો કે તમારી ને મારી ભાષા અલગ છે પણ કોઈ માધ્યમ આપણને વાત કરાવી શકે છે ને?

અમુક કામ માટે આપણું વાતાવરણ કામ કરે કે એમનું એ ચર્ચા થઇ. મેં કેટલાક મોડિફિકેશન સાથે એના નિયમો અહીં કામ કરે જ એમ છાતી ઠોકીને ( ભાઈ, ત્યાં છાતી કૂટવા ન બેસાય, મક્કમતાથી) કહ્યું. ગો ઇસ્ટ ઓર વેસ્ટ, ઇન્ડિયા ઇસ ધ બેસ્ટ.

“ આય ડુ નોટ એગ્રી. કેન યુ શો સમ રેફરન્સ?” એક ટેક્નીકલ પ્રશ્નમાં એણે પુછ્યું. રેફરન્સ નજીકમાં લેપટોપ સામે ઉપરની સેલ્ફ પર પડેલી બુકમાં જ હતો. હું ભણીને ટેક્સટબુક શીખવે એટલેથી સંતોષ નથી પામતો. કોઈએ ન પામવો જોઈએ.

“સ્યોર.વેઇટ એ મિનિટ.” ઇન્ટરવ્યુ સુંદર જતો હતો એ ઉત્સાહમાં મેં ઉભા થઇ ઊંધા ફરી સેલ્ફ પર હાથ લંબાવ્યો અને બુક લીધી. ખોલવા ગયો ત્યાં એનો ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. મેં પાછળ ફરી જોયું. સુટ,ટાઈ નીચે મારો ચોળાયેલો ચડ્ડો સ્ક્રીનમાં દેખાતો હતો! પાછળ ગોળ કુલાઓ. મારી હવા નીકળી ગઈ. રૂઢિપ્રયોગમાં તેમ જ સાચે પાછળથી. મર્યા. ઇમ્પ્રેશનની ધુળઘાણી થઈ ગઈ.

મેં પરાણે સ્માઈલ આપી પાદરી બાઇબલ ખોલી વર્સીસ વાંચે તેમ રેફરન્સ વાંચ્યો. એ સંમત થયો.

બસ.હવે એક બે પ્રશ્નો. આમેય પાછળ ચડ્ડાનાં અને ગોળ કુલાઓનાં દર્શન કરાવ્યા પછી બાકી શું રહે? ઇમ્પ્રેશન ની તો.. રેવડી દાણ દાણ થઇ ગઈ.પહેલાં હું હવામાં ઉડતો હતો. મારે હવામાં ઉડી દૂર દેશ જવું હતું. પણ હવે હું જ હવા વગરના ફુગ્ગા જેવો થઇ ગયેલો.

હું શું માગું છું, કેટલો પગાર અહીં મળે છે, શું મેડિકલ,પી એફ વગેરે તેઓ આપશે એવી ચર્ચા ટૂંકમાં થઈ.

એ રોકાયો અને એણે હળવા થતાં કહ્યું :“વેલ મી. … ,હેવ એ ગુડ ડે.” એણે હાથ લંબાવ્યો.કેમ જાણે પેલી ત્રિવાગો ની જાહેરાત ની જેમ હાથ બહાર નીકળવાનો હોય? ઇન્ટરવ્યુ પુરો. અને એ ઉભો થયો. સ્કાઇપ હજુ ચાલુ હતું એ એને કદાચ ખબર ન હતી. એનો શનિવાર અને સાંજ. એ પણ રજાના મૂડમાં હશે.એણે સુટનાં બટન ખોલ્યાં.

હું હસી શકું એમ ન હતો. એણે મારાથી પણ મોંઘા એક્દમ ઇસ્ત્રીબંધ સુટ નીચે કોલરવાળા ટીશર્ટ પર ટાઈ પહેરેલી.નીચે ચડ્ડો પહેરેલો જેમાંથી એની થાંભલા જેવી સાથળો દેખાતી હતી! કોણ કોને કહે?

જો હું ચડ્ડો પહેરી બેઠેલો તો એ તો ટીશર્ટ પર ટાઈ બાંધી બેઠેલો. આ સૂટ ટાઈ ની પ્રથા જ ખોટી. ફીટ દેખાવા ટીશર્ટ માં ફ્લેક્સ થતા મસલ ફાટ ફાટ થતું યૌવન બતાવે. પછી તો દરેક કંપનીમાં કબડ્ડી કબડ્ડી રમવાનું હોય છે. ટાંટિયાખેંચ થી કોઈ બાકી ન રહે. વિદેશી કાગડા કઈ એ લોકોની જેમ ધોળા ન હોય. તો પહેલેથી જ અમારી બાહ્ય તાકાત કેમ ન બતાવીએ? આ સૂટ બુટ ની સરકાર શબ્દોએ તો ઉપાડો લીધો છે. અહીં આ દેશમાં. તો ઇન્ટરવ્યૂ માં સૂટ બુટ કેમ? મેં મનમાં મારી સાથે વાત કરી.

કોણે કહેલું નીચે ચડ્ડો પહેરવાનું? અને પહેર્યો તો ભલે, લેપટોપ અવળું ફેરવી ઉભો થયો હોત તો? અધૂરી ડ્રેસ સેન્સ મને છ આંકડામાં પડશે.

કોણ જાણે મારી સ્વગતોક્તિઓ એ ટેલીપથી થી સાંભળતો હશે.કંટાળ્યો હોય એમ એણે મોટેથી બગાસું ખાધું.અરે ભાઈ! આ બગાસું તારા મોં માં પતાસું આપી શકે એમ છે. નજર અંદાજ કર. તેં જે જોઈ ખડખડાટ અટ્ટહાસ્ય કર્યું એ નથી જોયું એમ કર. તારી કંપની માં હું પતાસું જ સાબિત થઈશ.

આમ તો મને સફળતાની આશા હવે ન હતી. ઇન્ટરવ્યૂમાં જે ઇમ્પ્રેશન ગયેલી!


થોડા દિવસો બાદ એના HR દ્વારા મને એપોઇન્ટમેન્ટ લેટર મળી ગયો. હવે હું એ લોકોને ,કમ સે કમ જેનું નામ પણ સમજ્યો નથી એને મહાન ગણતો થઇ ગયો.

શાળામાં ભણેલું વાક્ય યાદ આવ્યું, ‘મહાપુરુષો કોઈના વસ્ત્રો નથી જોતા, તેના અંતરને તપાસે છે.’

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED