Jagine jou to books and stories free download online pdf in Gujarati

જાગીને જોઉં તો

મેં ધીમેથી આંખ ખોલી. બે ચાર ઊંડા શ્વાસ ભર્યા. વહેલી સવારની તાજગી હતી. મને લાગ્યું મારા સ્થિર શરીરમાં કોઈ સંચાર થઇ રહ્યો છે. હળવેથી મેં આગળ કદમ માંડયાં. કોઈ દરવાજામાં મને બંધ કરવામાં આવેલી. મને મારાં વસ્ત્રો તંગ પડતાં હતાં. એક પ્રાણી પર મને સવાર કરવામાં આવી હતી. હું નીચે ઉતરી. દરવાજો હચમચાવ્યો. બહાર સુશોભિત સોનેરી જાળી હતી અને મોટું તાળું માર્યું હતું. એ પ્રાણી ચટાપટા વાળું વાઘ કે શ્વાન જેવું પણ બે માંથી એક પણ ન લાગતું. મેં બહાર હાથ લંબાવ્યો, ભારે કંકણ વચ્ચેનડ્યાં. મેં કડી ખોલી, ખુલી ગઈ.

કોઈ પંપથી હવા ભરે એમ મારું શરીર મોટું થયું. હવે હું બહાર નીકળી.સાવ શાંત પાછલી રાત્રી હતી. અહાહા ..શું મંદ પવન હતો.. આસપાસ કોઈ હોય એમ લાગ્યું નહીં.

મારાં અતિ ભારે વસ્ત્રો મને જ અજુગતાં લાગતાં હતાં.ઉપર રેશમી લાલ ચટક ,રૂપેરી કોરની સાડી, નીચે કોઈ પગરખું નહીં. મારૂં માથું પિત્તળના ઘંટ સાથે અથડાયું. મંદિરની બહાર રસ્તે નીકળી,પગ ગંદા છાણમાં પડ્યા. નારિયેળનાં છોતાં, પ્લાસ્ટિકની કોથળીઓ, વાસી ફૂલો. હું આસપાસ ગંદકી વચ્ચે રહું છું? મેં ચાલી શકાય એટલે મંદિરની બહાર પડેલ કોઈ ભૂરી પટ્ટી વાળાં પગરખાં પહેર્યા અને આગળ મુખ્યમાર્ગ પર આવી.

એક સ્ત્રી કાગળના ડુચાઓ વીણીને એક કોથળામાં ભરતી હતી. “ઓ બાઈ, કુણ સો? આટલી રાતે એકલી નેકળી સે તે ભો નથી લાગતો?”

મેં હાથ ઊંચો કર્યો. “અંબે” ઓળખાણ આપવા કહ્યું. એક રત્નજડિત કંકણ એ ચીંથરેહાલ સ્રી સામે ધર્યું. એણે કહ્યું ‘લે બાઈ, આ તારું પડી ગયું. મું તો કસરાવાળી, મને ડુસા કસરા વના કોય નો ખપે.”

મેં કંકણને રાખી એને મોટા કાગળના ડૂચા આસપાસ ગંદાં ફૂલમાંથી પ્રગટ કરી વેર્યા . તેણી “ ઓય તું તો હારા પગલાંની સો, મુરતમાં હારુ મળ્યું” કહી મારી સામું મધુરું હસી.

“જય અંબે. આ હામે અંબાના મંદિરનું સાચ સે. તું ઝે માંગીશ ઇ પૂરું થાહે. તઈ તું યે કસરો વીણવા આવી સો? હેંડ મારી હારે. “

હું શું કામ જીવિત થયેલી એ મને જ ખબર નહોતી. ચાલો. નગરચર્યા કરી લઉં. મારાં અનેક બાળ પોઢી ગયાં છે, સુતાં અને જાગતાં બન્નેની ખબર પૂછું. મને જોઈ કોઈને નવું ન લાગે એટલે પહેલાં તો મારો પહેરવેશ બદલવો પડશે. મેં નવી સહચરીને પૂછ્યું “ કોઈ સારું વસ્ત્ર છે મારે ધારણ કરવા?”

“ ઓય રે મુઈ. આ તો ઊંચા માયલની ભાહા બોલે સે. આ સાડી ચ્યોથી આવી? હમ.. ઓલી માતાજીને સડાવેલી માલિપાની. ઠેક, ઇમ કર, ઓલી દુકાન પર એ ટીંગાય એ ચાદર પાતળી છે. ઑય ખાંચામાં જઇ બદલી લે. આ મને આલ.પસી પાસી તને જ આલિશ. હોવે, ન્યા શેરીમાં અંધારું સે. હું આંય ઉભી સુ. ઝા, બદલીયાવ લૂગડું”

હું અંધારી શેરીમાં ગઈ. મારા વાહન જેવું ,એનાથી હૃષ્ટપુષ્ટ કૂતરું મને જોઈ ભસ્યું અને કાન ઊંચા કરી જોઈ રહ્યું. મેં હાથ ઊંચો કરી ઉત્પન્ન કરી એક અન્નનો ટુકડો આપ્યો. એણે પૂંછડી ઊંચી કરી એ સુંઘ્યો. એને સડેલું વાસી જ ખાવાની આદત હશે એટલે એ ટુકડો એમ જ મૂકી એ થોડે દુર જઈ સુઈ ગયું. મેં દુકાનને ઓટલે ત્રણ વાંસ પર થી ચાદર ઉતારી મને વીંટી અને ઝાકઝમાળ રેશમી ચૂંદડી નીચે ઉતારી.

ત્યાં તો પાછળથી મને કોઈ સખત સ્પર્શ થયો, બીજી બે બાજુથી વિચિત્ર નજરે જોતા લાળ ટપકવતા બે પુરુષોએ મને ઘેરી. એને ક્યાં ખબર હતી હું વિચારો વાંચી શકું છું! મને પાછળથી પકડી અને પેલા પુરુષે બાથ ભીડી.બીજા બે આવીને મને સ્પર્શ કરવા લાગ્યા.મારી પાસે ત્રિશુળ તો ન હતું. થોડી ઝપાઝપી કરી.

માનવ દેહ માં હોઉં ત્યારે શું કરી શકું? તો અનેક સ્ત્રીઓની, નારી શક્તિની આવી દશા થતી જ હશે ને? સ્ત્રી એટલે શક્તિ, પુરુષ એટલે બળ. ઋણ અને ઘન શક્તિ. વિશ્વ ચલાવવા બેય જોઈએ. તેથી સ્ત્રી દેહ શું માત્ર ભોગવવા જ છે? પદાર્થ પાઠ શીખવું. પહેલાં તો હું શાંત રહી. ડરી ગઈ છે એમ માની પાછળ વાળો આગળ આવ્યો અને મને ઊંચકી નીચે નાખી. ઓચિંતો મેં એકદમ પ્રહાર કર્યો.એટલું તો માનવ દેહમાં હોવા છતાં હું કરી શકી.ત્રિશુલ ફેંકવાની આદત કામ આવી.પેલા ત્રણેય દૂર ફેંકાઈ રાડ નાખી ગયા. હવે તેઓ વાસના ભર્યા પુરુષ સહજ કંઈજ કરી શકશે નહીં. એવા પાપીઓનો વંશ આપોઆપ બંધ થવો જોઈએ .


રાડ સાંભળી પેલી સ્ત્રી દોડતી આવી. એણે બે ચાર ગાળો સાથે એમની દિશામાં નાના પથરા ફેંક્યા.

“વાલામૂઇ, અંધારે જવાનું કીધુંતું પણ આસપાસ થોડું દૂર તો અજવાળું જોવું તું ને? આ રોયાઓ કોઈને છોડે એમ નથી. હામેના મંદિર વાળી માતા એને પુગે ..”

“પુગી ગઈ” મેં કહ્યું. એ સ્ત્રી કોઈ દુકાન પાસેથી વચ્ચે વચ્ચે કાણાં વાળા મોટા કાગળોની થપ્પી લઈને આગળ વધી. “ હવાર પડે એટલે મગુજી ને વેસીયાવું. સોકરાં રોટલા હાક ભેળાં થાહે.”

“ક્યારે મળશે મગુજી?” મેં પૂછ્યું.

“ ઈ બે ત્રણ કલાક કેડે.હમઝો ને સૂરજદાદા ઓલા મંદિરની ધજા ઉપર આવે એટલે.ઓ હામે ઓટલે એની દુકાન રહી.

“ સારું. હું એ વખતે તારી સાથે આવીશ.”

“ બાઈ, તું તો ભારે રૂપાળી છે ને ભાહા પણ હારી બોલે સે. તારે હું દખ પૈડાં તે કસરો વીણવા આવી?”

લોકોને શું દુઃખ પડે છે એ તો જોવા આવી. મેં મનમાં કહ્યું,

હું સાચવીને રાજમાર્ગપર આવી. એક બાઈ સુગંધી ફૂલોની ટોપલી લઇ મંદિરની બહાર બેઠી અને લાંબી દોરી લઇ ફૂલો ગૂંથવા લાગી. એક ખાખી કપડાંવાળો પુરુષ આવ્યો અને એની સામે હાથ લાંબો કર્યો.લે, પુરુષ વેણી નાખશે? એની ભાર્યા માટે હશે. એ સ્ત્રી અખંડ સૌભાગ્યવતી થાઓ. ના. પેલી બાઈએ કહ્યું “ જમાદાર, હાથ જોડું છું. કોઈ વકરો કાલે થયો ન હતો. થાય એટલે આપું.”

“ ચાલ કાઢ. આ શું મંદિર પાસેનો રસ્તો બાપનો હોય એમ દબાવી બેઠી છો?”

“ બાપ કાંઈ નથી. આ લોકોને આવવા દો. પછી આપું.”

“ આ શું મઇથી ડોકિયાં કાઢે છે? કાઢ.” એણે ડંડો ઉગામવાનો ડોળ કરી પેલીના બ્લાઉઝમાંથી ડોકાતી નાની નોટ તરફ ઈશારો કર્યો.

મારે બસ જોવાનું જ? પેલીએ એ ખાખી વસ્ત્રોને નોટ આપવા બ્લાઉઝમાં હાથ નાખી, રડમસ ચહેરે નોટ બહાર કાઢી. મારી નજર ખાખીના હાથ પર સ્થિર થઇ.. અને.. એનો હાથ પથ્થરની જેમ સ્થિર થઇ ગયો.

એ ડરીને ભાગ્યો.એણે બચવા માટે મંદિર તરફ હાથ જોડવા પ્રયત્ન કર્યો પણ ઠોકર ખાઈ પડ્યો.લાકડી ઉડી અને પેલી બાઈના ટોપલા આગળ પડી. એ લાકડી લઇ ખાખી પાછળ દોડી.પણ પેલું કૂતરું ટોપલા તરફ આવતું જોઈ પાછી વળી બેસી ગઈ.

એના મન માં શું ચાલે છે? મેં વાંચ્યું.

“ બચી ગઈ. રોજ હપ્તો આપવાનો.. મારો વાળો હાલી મળ્યો છે. ઠીક. આ કાલના વાસી ફૂલોને તાજાં કરી દઉં. આ ઢોરના અવાડાનું પાણી ઠીક છે.” એ નજીક પડેલી ગંદી નારિયેળની કાચલીમાં પાણી ભરવા ગઈ. હવે હું એને પણ શીખવું. કાચલીમાં ગંદુ પ્રવાહી ભરાઈ ગયું.એણે એ પ્રવાહી પહેલાં ફુલોપર છાંટવા ધાર્યું પણ પછી એને દૂર મંદિર તરફ જ ફેંકી અવાડા તરફ ગઈ. એ પાણી ભરવા જાય અને કાચલી નીચે ડૂબી જાય. એના હાથ ઝબોળવા છતાં કાચલી હાથ ન આવી. એ આખરે થાકીને પછી આવી, સડેલાં ફૂલો એણે રસ્તાની ધારે ફેંક્યાં. એક ગાય આવી અને ફૂલો ખાવા લાગી.ગાય ના મનમાં મેં દ્રષ્ટિ કરી. “ ચાલો.બ્રેકફાસ્ટ મળ્યો.નવો સ્વાદ, નવી સુગંધ. શું ખોરાક છે? એક નું એક લીલું ઘાસ જે ખાતાં જીભે વાગે છે, હમણાં લોકો એવું ખવરાવશે”.

ફૂલવાળીએ તાજા ફૂલોની થોડી માળા અને એક હાર કર્યો.

ત્યાં તો મંદિરનો પુજારી આંખો ચોળતો આવ્યો.એનું મન વાંચ્યું.“ આ રોજની વેઠ. કોઈ સરખા પૈસા ની દક્ષિણા આપતું નથી.નથી મંદિર ચલાવતાઓને પડી. ભક્તો એક હાર પણ નથી ચડાવતા.ચાલો આ હાર લઇ માતાજીને ચડાવું. રોજ એ ની એ આરતી.. ક્યાં માતાજી જાગે છે?”

“ એ બાઈ, લાવ આ હાર માતાજી માટે.”

“ મારાજ, સારું.લાવો 100 રૂ. ( મનમાં : પૂજારી હોય તો માતાજીનો.મારે શું? 50 નો હાર એને 100 કહી 70 માં ભટકાડું.)”

“ માતાજીને તો મફત આપવો જોઈએ”

“ તારી માતાજી કાંઈ મારું પેટ ભરવા આવવાની છે? સો આલવા હોય તો લે નકર જા ”

તુરત એના પેટમાં ચૂંક ઉપડી.પેટ પર હાથ દાબી એ કહે “ મારાજ, લઇ જાઓ 70 માં. વોય રે.. લો 50 માં.”

એનું મગજ સાફ કર્યું પણ ગરીબીએ એમાં છેતરપિંડી, મફત પડાવવું , તિરસ્કાર અને એવી અનેક ખોટી લાગણીઓના સ્તર ના સ્તર ભરેલાં જે આ વાસી હારની જેમ ગૂંથાઈ ગયેલાં.અત્યારે તો એક ગુનો કરતાં અટકી.એનું દળદર ફીટતું હોય તો મેં પેલું કંકણ એના ટોપલાઓ પાસે મૂક્યું.એણૅે આજુબાજુ જોઈ હળવેથી સાડીના છેડે વીંટ્યું.

પૂજારી કચવાતો 50 રૂ આપી હાર લઇ મંદિરમાં ગયો. પહેલાં જ એણે પેટી ખોલવા ધોતિયાના છેડે થી ચાવી કાઢી.“ ત્રીજો ભાગ રાખી ચડાવો ઓફિસમાં આપવાનો હોય. પહેલાં મારા હાથમાં આવે એટલા કાઢી લઉં પછી તળિયું દેખાય એટલે એનો ત્રીજો ભાગ રાખી તળિયું ઓફિસમાં.”

એણે લાઈટ કરી અને પેટી ખોલી.તળિયું જ દેખાયું.એ મનમાં ભક્તોની મા ને ગાળ બોલ્યો.બધામાં મા ને જ ભાંડવાની? મા છે તો તમે છો.

એ પૈસાનો મુઠો ભરવા ગયો પણ હાથ બે સળિયા વચ્ચે અટવાઈ ગયો. એ જેમ જોર કરે એમ દુખવા માંડ્યું.એણે મંદિરમાં તો ન જ બોલાય,ત્યાં;જ્યાં એ આરતી પછી આદ્યશક્તિ ગુંજાવતો ત્યાં જ ભયંકર અશિષ્ટ શબ્દથી ઘુમ્મટ ગુંજાવતો રહ્યો.એનો હાથ મરડાઈ ગયો.

“ માડી રે.. હવે દાનના પૈસામાં ગફલો નહીં કરું” એ બોલ્યો ને હાથ બહાર કાઢી શક્યો.

એણે મંદિરની લાઈટ કરી.પડદો ખસેડ્યો.એણે મોટેથી બુમ પાડી “ ચોર.. ચોર.. માતાજીની મૂર્તિ ચોરાઈ ગઈ..”

બહારથી એક લઘરવઘર માણસ દોડતો આવ્યો.“ શું વાત છે? મારી ચા ની દુકાન પર નાખેલું કપડું પણ કોઈ ઉપાડી ગયું.મૂર્તિ એમાં વીંટી હશે. ”

પુજારીએ મંદિરના ઓટલેથી જ બમ પાડી “ એય જમાદાર...” ( મનમાં: ચાલવાનું જોર કોણ કરે? આવશે એ તો. મંદિરમાં ચોરી થઇ એમાં મારા કેટલા ટકા?) એને પગમાં ખુબ કળતર થઇ અને એ પગ પછાડવા ગયો પણ પગ ઊંચો જ થાય નહીં . એ મૂર્તિની ખાલી જગ્યા સામે જોઈ બોલ્યો “ ઓ માડી રે.. ઓ જમાદાર..”

જમાદારને બોલાવ્યો પણ પહેલાં મા ને યાદ કરી. મેં મા એ એનો પગ ચાલતો કર્યો.એ જમાદાર તરફ દોડયો.

જમાદારે આવી બુટ ઉતાર્યા.મંદિરમાં જોયું.“ આ નવું! ચોર મૂર્તિ લઇ ગયો અને ઘરેણાં મુકી ગયો!”

“ ઓ બામણ, મુર્તિ શેની હતી, સોનાની? પંચ ધાતુની?”

“ સફેદ પથ્થરની.ટ્રસ્ટીઓએ આરસની કહી પ્રાણ પ્રતિષ્ઠા કરાવેલી.મારવાડી કર્મકાંડી પાસે. મેં ઘણું કહ્યું.”

“ બસ બસ. ટુંકમાં મુર્તિ કિંમતી ન હતી.”

જમાદારે આસપાસ જોયું.ઘરેણાં સોનાનાં લાગ્યાં. એક ચમકતો રત્નોનો હાર.હાથમાં લીધો. (મનમાં : પોલીસ ની નોકરીમાં કેમ ખબર પડે આ રત્ન કયું છે કે કાચ જ છે? એ તો મોટા ચોર નીરવ મોદીને ખબર પડે.)

એમ કરો મહારાજ, (પૂજારી મનમાં: ઠીક. બામણ પર થી મહારાજ પર આવ્યો.લાલો લાભ વગર લોટે નહીં )

આ ઘરેણાં પણ ચોરાઈ ગયાં એમ કહી આપણે વેંચી લઈએ”

“ પેલો ચા વાળો જોઈ ગયો છે”

“ એને આ એક કંકણ આપી દે. આમેય સહેજ ખેંચાઈ ગયું છે. બાકી હું એની દવા કરીશ.”

હે આદ્ય શક્તિ... લોકો મને પોકારે, હું કોને? બધા જ સડી ગયા છે. પૈસા માટે નાનાં મોટાં પાપ સહજ રીતે કરે છે.કોને કેમ પરચો બતાવવો? બધાને દર્શન આપવા, યાતનાઓ દૂર કરવી, માંગણીઓ સાચી ખોટી પણ સાંભળવી, એ સાથે બધાને એક સાથે સુધારવા. ચાર નહીં, આઠ હાથ જોઈએ, પણ મસ્તક તો એક જ છે! પેલું ત્રિશુલ ઉપાડી સંહાર કરવાનો સમય થતો આવે છે.

મેં દૂર ઊભાં ઘરેણાઓને ઉષ્ણ કર્યાં. જેવો પૂજારી અડવા ગયો કે હાથ દાઝી ગયો. એક હાથ મરડાયેલો, બીજો દાજેલો.

“ શું કરો છો મહારાજ? અર્ધું અર્ધું તો કહ્યું છે.”

જમાદારે હાથમાં ઘરેણાં પકડવા અને દાઝવા પહેલાં રત્નજડિત હાર લેવાનું યોગ્ય ગણ્યું.રત્નની ચમક થી એની આંખો અંજાઈ ગઈ. તો પણ બંધ આંખે એ રત્ન પકડવા ગયો. એને હાર નું અણીદાર પેન્ડન્ટ વાગ્યું.એ લોહી નીકળતા હાથને દબાવી “ રેવા દે બામણ.સાહેબ આવે એટલે વાત” કહી ચા વાળા પાસે ઘા પર ચા ની ભૂકી લગાવવા ગયો.

એક વૃદ્ધ સ્ત્રી મંદિર પાસે આવી. રોતલ મોં કરી હાથ દબાવતા પુજારીએ કહ્યું “ માજી, ચોરી થઇ એટલે મંદિર બંધ છે.”

“તે ભઈલા , મૂર્તિ હતી ત્યાં દીવો ફેરવી લે ને? ચોરી તો અંદર થઇ છે.”

“ વાટ . દીવી, બાક્સ બધું અંદર છે.”

“ બહાના નહીં. ઓ ચાવાળા, લે તારી પાસે ગાભો છે એ આ દીવી માં મૂક, ઘાસલેટ તો ઘાસલેટ.પ્રાઈમસ માંથી પ્રગટાવ.”

“ માડી , ઘી જોઈએ”

“ તે બધું પતે એટલે લેજે.મા ને તો આરતી જોઈએ.”

પુજારીએ આરતીના ઢોલક,ઘંટ વગાડતા મશીનની સ્વિચ ઓન કરી. ગરમ મશાલ જેવી જ્યોત થી આરતી શરુ કરી. ખાખી જમાદાર અને વૃદ્ધા ઊભાં રહ્યાં. હવે મારે નજીક છુપાઈને ઉભવું જરૂરી હતું.હું એ સહુની સામે ને બદલે સહેજ ખૂણામાં ઉભી. જ્યોત ખાલી ગોખ ઉપરાંત મારા મુખ પર પણ પડી.આજે આરતી પછી કાંઈ ધરાવાયું નહીં. મારી નજર બહાર પડી. કચરો વીણતી બાઈ દૂર ઉભેલી.હું એની નજીક સરી ગઈ.

“ કેમ અંદર ન આવી?” મેં પૂછ્યું.

“ લે પૂછ મારી આ બેનપણી વાળવાવાળી ને.”

મેં તીણી આંખોવાળી, પાતળી શ્યામ વર્ણી ,પ્રભાતે હાથમાં ઝાડુ લઇ, મોં ઢાંકી ફરતી ‘બેનપણી ‘ ને એ જ પૂછ્યું.

“ અમે તો. .. વરણ.અમારાથી મંદિરમાં અવાય?”

“ હું કહું છું ને? આવ. આશીર્વાદ મળશે.પણ નહાઈ સ્વચ્છ થઈને આવવાનું ”

“ બુન મારી, હું ઓલાવની જેમ ફોટા પડાવવા નોય, હાચે જ હંધુંય સાફ કરવા આવું સુ, મારો તો આ રોટલો સે. નાયા વના શેં અવાય?”

“અને તું પણ સ્વચ્છ છે. મનથી. અવાડામાં હાથ ધોઈ લે.”

“ અરે મારી ઉજળી બુન , આ ચા વાળાના લોટાથી હાથ મોં ધોઈ આ આવી.”

એ બંનેએ નત મસ્તકે મૂર્તિ હતી ત્યાં વંદન કર્યાં. કચરાવીણવા વાળી મનમાં બોલી “ મારા સોકરાંને ઓલા મગુજી જેવો શેઠિયો બનાવજે.ઈ.. આ ચાવાળા , ફૂલવાળી, આ કચરાવાળી , જમાદાર, આ નવી બુન સહુને સારી બુદ્ધિ આપજે, સારું ખાવા પહેરવા બોલવા. .. “

બસ. બહુ લાબું બોલી.તથાસ્તુ.તું બીજાનું પણ વિચારે છે. બધું થશે.” મેં કહ્યું.અને હું કહું એટલે થાય જ ને?

સફાઈવાળી બોલી “ આ રોયા કસરો ફેંકી ભાગે સે ઈને બુદ્ધિ આપ, રસ્તા આખો દી સારા લાગે ઈવું કર.હવારમાં તો હું સું જ.” હું તથાસ્તુ કહેવા ગઈ. અટકી ગઈ. એ કોઈને ગાળ આપતી હતી.એની જીભ મોં માં જ થોથવાઈ.બે દાંત વચ્ચે જોરથી ચવાઈ.એ ફરી મનમાં બોલી “ કોઈ નું બૂરું વાંછીએ તો પેલું આપણું થાય. હાજર પરચો માડી. હું રોજ અંદર નહીં તો બારથી તને નમીશ. કોઈ નું બૂરું નઈ ઈચ્છું.“


કચરાવાળી મને મગુજીની દુકાને લઇ ગઈ. ખુલ્લી દુકાનમાં મગુજી અગરબત્તીની ઝૂડી પ્રગટાવી મારી, એટલે કે અંબાની છબી સામે ફેરવતો હતો.

“ હું લાઈ, મોટો દલ્લો?”

“ આજે મારાં ભાગ ખુલી ગ્યાં. દલ્લો જ ક્યે.”

મગુજીએ મનમાં વિચાર્યું “ આ માલ કોમ્પ્યુટરવાળા સાબને વેંચી દઈશ તો 500 તો મળશે.આને તો 150 માં રવાના કરી દઉં. તગડો નફો”.

“ બાઈ, આ ગંદા છાંટા ઉડેલા ઉધઈ વાળા કાગળના કોઈ સો પણ ન આપે. લે તું કાયમની છો એટલે સવાસો.રાજી થા.”

એણે ગલ્લો ખોલ્યો.આ શું? 500 ની એક નોટ. કાગળ ઉપાડવા જાય તો દ્રૌપદીના ચીર ની જેમ અનંત ઢગલામાં ફસકી જાય. એણે પોતાની ફાંદ સાથે કાગળ દબાવ્યા તો એમાં વચ્ચે ફસાયેલી કોઈ તીક્ષ્ણ ચીજ વાગી.એણે ગંજીના ખિસ્સામાં હાથ નાખ્યો.પાંચસોની જ નોટ. એ ગુસ્સામાં બીડી સળગાવવા ગયો તો બીડી એની ધોતી પર પડી. મેં મનોમન એના મનને આદેશ આપ્યો “ સમજી જા નહીતો હું તો તારી દુકાન સળગાવી દેત .”

“ હવાર હવાર માં આવ્યાં.. લે લઇ જા પાંચસો.”

એને માથામાં જોરદાર સણકો ઉપડ્યો.મેં મનોમન એને તતડાવ્યો “ ગરીબને છેતરી ધંધો કરીશ તો આ દુકાન નહીં રહે.” એ કદાચ સમજ્યો.

“ બુન હારી દેખાતી, આ મંદિર વાળી માવડી તારું ભલું કરે. લે હું રોટલાનો લોટ લેવા જાઉં.”

એ ગઈ. એ એકજ સાચી અને સહુનું સાચું ઇચ્છતી મળી. એટલે તો એ ગરીબ હતી.

“ પુન્ય કમાવ.ગાય ને ઘાસ આપો”. પેલી ગાયને બીજાના પૈસે ઘાસ ખવરાવવા એનો માલિક ઉભેલો.એનું મન જોયું.એ ગોવાળ ન હતો. “ આ પેલો ધનો રબારી મને આ ગાય આપી જાય છે. તૈણ કલાક બેહી જે ફદિયાં મળે એ એને આપી દેવાના.મને હું મળે? પચીસ તીસ રૂપિયા.એક ભારો દસ નો વેચું તારે 50 પૈસા મારા છૂટે.એ તો ઠીક છે દસની બે ભારીની હું તૈણ કરું છું”

ઠીક આ પણ કોઈને છેતરે છે. જો ત્યારે.

મેં ગાય સામે જોયું.એણે ધરાર કોઈના ‘દાન ‘ થી આપેલું ઘાસ ન ખાધું.પેલાએ ગાયને બળજબરીથી મોમાં પુળો મુક્યો તો ગાય એને મારવા દોડી.શિંગડું મારતી હતી ત્યાં મેં જ એનું મસ્તક નમાવ્યું, અદ્રશ્ય રીતે, એ ઢીંક મારી આગળ ભાગી.

એને સમજાયું નહીં શું થઇ રહ્યું છે.

“ મૂઓ આ ધંધો.કાલથી આ મંદિરની બાર દૂધ વેંચીશ પણ આ કોઈને પુણ્યને નામે છેતરવાનું નહીં કરું.આજે તો ગાયથી બચ્યો.પાપથી બચીશ જ.”


મંદિરની બહાર હવે ભિખારીઓ બેસવા લાગેલા.એક વળી બીજાને કહે “ લે પેલા ત્યાં પડેલાં કોઈના ચપ્પલ પેરી લે. બપોરે ગરમીમાં પગ ધગે છે. એ તો ગોતીને ચાલ્યો જશે.”

બીજો “ માઈ બાપ આપજો” … કરી બૂમો પાડતો મનમાં કહેતો હતો “ આ પાઇ પૈસા માગવાથી વળતું નથી. ઓલા બાબુઓ આવે ને કોઈ માટે વોટ આપવાના પૈસા ને દારૂ બારુ આલે તો..”

મારે કાંઈ કરવાનું ન હતું.ચોરાઈ રહેલી ચપ્પલ મોંમાં ઉપાડી કૂતરું દોડ્યું અને દૂર ફેંકી દઈ ભિખારી પાસે બેસવા ગયું.ભિખારીએ એને મારવા કોશિશ કરી તો એને જોરથી ભસી કરડ્યું.મેં મનોમન આદેશ આપ્યો કે ખોટાં કામ કરીશ તો દુઃખી થઈશ. પણ એના મગજના દ્વાર જ બંધ હતાં.એ ચપ્પલ તરફ જવા ગયો પણ ગબડી પડ્યો.વળી મંદિર બહાર એ કોઈ ગંદી ગાળ બોલ્યો પણ અર્ધી ગાળે કોઈ આવતું જોઈ “માઈ બાપ આલો” બોલ્યો.


એક પોલીસની જીપ આવી સાહેબે પહેલા તો એ ભિખારીઓંને લાકડીથી ઢીબ્યા. “ સાલાઓ,રાત ના અહીં ગુડાણાતા, બોલો કોણ આવેલું રાતે અહીં? …નાઓ, તમારો બાપ ગુડાણોતો ? બોલો નહીતો ઢીંઢા ભાંગી નાખીશ.”

“ સવારે પહેલાં કોણ આવેલું?” એણે ચાવાળા ને પૂછ્યું.

“ સાયબ, મેં પાંચ વાગે ગલ્લો ખોલ્યો.એક આ ફૂલવાળી હતી. એ તો બેઠેલી એક ખૂણે.એક ડોશી.એણે તો આરતી પહેલા જ ચોરી થઇ એ જોયું છતાં મારા સ્ટવમાંથી આરતી પ્રગટાવી ગયેલી.”

એનું મન વાંચ્યું “ આ લોકો મફતની ચા પીશે.હે માતાજી, મારો ગલ્લાનો સ્ટવ સળગતો રાખ તો મારા ઘરનો ચૂલો સળગે.”

નેકીથી કમાનાર અને મા ના શરણે જનારને તથાસ્તુઃ કહ્યા વિના મારો છૂટકો ન હતો.

“ ઓલી કચરો વિણનારી વહેલી આવીતી.ક્યાં ગઈ?” પુજારીએ કહ્યું.

“મગુજી ની ભંગારની દુકાને આજ તો વહેલી વહેલી ગઇ’તી”. ફૂલવાળીએ કહ્યું.એને ઈર્ષ્યા હતી કે પેલી કેમ કમાય ને હું નહીં ?

જમાદારે એ ચા વાળા ને પૂછ્યું.એણે કહ્યું કે મેં તો પહેલી આ ફૂલવાળીને જ જોયેલી.પુજારીએ પણ એ જ કીધું.ફૂલવાળીને ઉભી કરી ત્યાં કંકણ ડોકાયું.

“ રાંડ ચોરટી? કયો તારો સગલો અહીં આવેલો, બોલ” જમાદાર તાડુુક્યો. એ ટોપલો ઊંચકી ભાગવા ગઈ. સાહેબે એને પકડી બેસાડી વાનમાં અને યાત્રાએ લઇ ગયા.


ટ્રસ્ટી આવ્યા.ચા પાણીનો દોર ચાલ્યો.આજે તો ચાવાળાને રોકડી થઇ. સાહેબે મફત પીવાની ના પડી.

ટ્રસ્ટી મનમાં કહે “ તક છે. રોકડા બનાવવાની “.

“ મુર્તિ શુદ્ધ આરસની હતી સાહેબ.રાજસ્થાનના આરસની.”

“ ક્યાંથી મગાવેલી? ”

“ સાહેબ, એ તો.. એ તો.. રોકડેથી.બિલ કેવું? જે સસ્તું પડ્યું..”

“ તોયે.. જગ્યા કહો”.

ટ્રસ્ટી પાસે જવાબ ન હતો

પુજારીએ કહ્યું ” કદાચ પથ્થરની મૂર્તિ સફેદ ઓઇલ પેઇન્ટ કરી બેસાડેલી. મેં ઘણું કહ્યું કે મને કહો, સાચી મૂર્તિ લઇ આવું..”

ટ્રસ્ટી વચ્ચેથી બોલ્યા:”ઘરેણાં લોકોએ ચડાવેલાં .સાચાં શુદ્ધ સોનાનાં. મંદિરને કહો બે એક લાખ ની ખોટ ગઈ..”

સાહેબ:“ ઘરેણાં તો અહીં જ છે. ચોરાઈ એકલી મૂર્તિ છે.સારું, બીજું કોઈ આસપાસ દેખાયેલું?”

કોઈ કહે “ એક સુંદર દેખાતી બાઈ હતી. પેલી ગલીમાં બુમાબુમ થયેલી એટલે મેં બારીમાંથી જોયેલું.બાઈ જબરી.પેલાઓએ કદાચ એની લાજ લૂંટવા પ્રયાસ કરેલો.બાઈએ મારીને ભગાડી મુક્યા “

“ તો આપ શ્રી શું જોતા રહ્યા? ફિલ્મ હતી? તાળી પાડી કે તાબોટા ?”

કોઈ જવાબ નહીં .

હવે હું સફાળી જાગી.જાગીને જોઉં તો સદાચાર દીસે નહીં . મારાં બાળકો ખોટું, હળાહળ ખોટું જ વિચારી આચરી રહ્યાં છે, મારે ત્રિશુલ ઉગામવું પડશે.

પવનમાં દ્વાર પરનો પડદો હલ્યો.મેં લઘુ સ્વરૂપ લઇ અંદર પ્રવેશ કર્યો અને મારી જગ્યાએ ઉભી રહી ગઈ. અધર્મનો વિનાશ કરવા કેશવ આવે, પણ મારે કાંઈ બેસી રહેવાય? મેં પેલા ફાટેલા કપડે જ જગ્યા લીધી.ત્રિશુલ લઇ એકાદને નિશાન બનાવું ત્યાં તો પેલાં વાઘ અને શ્વાન વચ્ચેનાં પ્રાણીએ ઘુરકાટ કરી મને બોલાવી.મેં આસન લીધું.

એક છુટા વાળ વાળી , આધુનિક,લોકો આછકલો કહે એવો પહેરવેશ પહેરેલી યુવતીએ ભક્તિભાવથી નમન કર્યું અને પ્રાર્થના કરી. કોઈ માંગણી નહીં. એક સ્મિત.મને એ ગમી ગઈ. શક્તિસ્વરૂપ યુવાન હોય તો એવું જ હોય. લોકોની દ્રષ્ટિ ખામીવાળી હોય. સુંદરતા તો શાશ્વત છે.એને મેં ‘સુખી થા, આજીવન પ્રમાણિક થા ‘કહ્યું.

“ અરે માતાજી તો આ રહ્યાં ” પુજારીએ મોટેથી કહ્યું.

“ પથરાની મૂર્તિઓ રાખો છો પછી કોણ ચોરે? “ કહી સાહેબ બહાર નીકળ્યા.

“ અહીં કોણ ચોર નથી? જ્યાં જુઓ ત્યાં ચોર. દુનિયા ગુનેગારોનો અડ્ડો બની ગઈ છે ,સહુમાં એક રીઢો ગુનેગાર બેઠો છે. એ બધા છુટા ફરે છે અને કેદમાં રાખે છે આ માતાજીને . આ માતાજી જાગીને જુએ તો..” સાહેબે જમાદાર ને કહ્યું.

હું ફરી મારા ગર્ભદ્વારમાં કેદ થયેલી ,બહારની દુનિયા જોતી રહી.


-સુનીલ અંજારીયા

9825105466

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED