રોજ સવારે SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રોજ સવારે

રોજ સવારે

રાત રહે જ્યારે પાછલી ષટ ઘડી

સાધુ પુરુષ હોય એણે સુઈ જ રહેવું.


ના. ટાઈપ ભૂલ નથી. હું કહું છું. શાસ્ત્રો કે શાસ્ત્રોના નામે કે ફોરવર્ડ મેસેજો ગમે તે કહે, મેડિકલ સાયન્સ તો કહે જ છે કે છેલ્લી પાછલા પહોરની એટલે કે કહેવાતા બ્રહ્મ મુહૂર્તની ઊંઘ રાત્રીમાં કરેલ રિપેરિંગ પર ફિનિશીંગ ટચ આપે છે અને એ ઊંઘ ન મળવાથી ઘણું નુકસાન શરીર, મગજ,મન, એ બધાના માલિકના કુટુંબીઓને સહન કરવું પડે છે.

ચાલો, 7 કે 8 કલાકની ઊંઘ પતાવી તમેઉઠયા. કેટલા વાગે? 5? 6.30? 8.30? અરે ભાઈ, જાગ્યા ત્યાંથી સવાર ગણો. આ કહેવતવાળા બુમો પાડી કહી ગયા છે. પણ કોઈ 12 વાગે ઉઠી કાર કે સ્કૂટર સર્વિસમાં આપવા જાય, નિરાંતે ચા પી નહાઈ બેંક, પોસ્ટ ઓફિસ કે કોઈ ઓફિસમાં બે વાગે લંચ પડે ત્યારે પહોંચી કહે ‘લો સવાર પડી. હું પહેલો ગ્રાહક.’ તો શું થાય? સવાર તો ક્યારની ચડી, પડી પણ ગઈ અને દિવસ જાય ભાગ્યો ! ‘પકડો પકડો યારો ઘડી કે કાંટે ભાગે’


મહત્વનું છે સવાર ક્યાંથી ક્યાં સુધી ગણવી. સૂર્યોદય થાય ત્યારે કે આપણે મોં સૂઝણું કે ‘ભળું ભાંખળું ‘ કહીએ ત્યારથી કે 9 કે 10 વાગ્યાથી? અને તેનો અંત 9 વાગે, 12 વાગે કે ક્યારે?


‘સવાર સવારમાં’ કરવાના કાર્યોની અગણિત લોકોએ અનંત યાદી ગણાવી છે. જોઈએ એ યાદી અને એ બધું કરવા બેસીએ તો કેટલું થઈ શકે, શું થાય.


એ સલાહોની યાદી.

‘બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી ધ્યાન કરવું,’ આશરે કોઈ કહે 10 મિનિટ કોઈ કહે 1 કે દોઢ કલાક. પણ ધ્યાન માટે ઉઠવું જ અઘરું નથી? “નિદ્રા સમાધિ સ્થિતિ” મુજબ નસકોરાં એ મારો ૐકાર કે જપ અને ગાઢ નિદ્રા એ ધ્યાન. વળી ગંદા મોંએ તો ધ્યાન કે કશું કરવું ગમે નહીં. બ્રશ કરીએ તો ચા પીવાનું મન થાય. પત્નીએ કાંઈ મીરાની જેમ “ મને ચા કર રાખો જી” ગાયું ન હોય. એ ભવોભવ સાથ દેતી હોઈ શકે, સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ચા બનાવી દેવા સિવાય !
“ દોઢ થી બે કલાક” (!!) યોગાસનો કરવાં.” હા. હું ખુદ કરું છું અને 24 કલાક સ્વસ્થ રહેવા 24 મિનિટ આપીએ એમાં ફાયદો છે જ. પણ કોઈએ “ Rapid asanas” કે “ Power asanas” ને નામે 10 મિનીટમાં આસનો, પ્રાણાયામો અને સૂર્ય નમસ્કાર કહેલા ! યોગ એ ભાગભાગ કરતાં કરવાની વસ્તુ નથી. તો કોઈએ દોઢ, બે કલાક કહેલા ! શું ફક્ત આસનો કરીને જ સવાર પસાર કરવાની? એટલું તો બાવાઓ પણ નહીં કરતા હોય. બાબા રામદેવ 3 કલાક આસનો જ કર્યે રાખે તો ટીવી સામે ક્યારે આવે?
‘અનુભવી વડીલો (?) ની એક સલાહ એક્યુપ્રેશરથી ‘ રોજ સવારમાં મફત ચેકઅપ’ કરવાની હતી. હાથપગના જુદા જુદા 32 પોઇન્ટ પર. કોઈ 30 સેકન્ડ કહે કોઈ અધધધ.. 3 મિનિટ ! એ હિસાબે 96 મિનિટ એટલેકે 3 કલાક તમારો ”સવારમાં મફત ચેકઅપ’ કર્યા કરવાનો! 30 સેકન્ડ લેખે પણ 16 મિનિટ તો ખરી. બીજી રોજ સવારે આમ ને તેમ કરવાની સલાહો સાથે.
‘છાપામાં બધા જ મુખ્ય સમાચારો સાથે તંત્રીલેખ વાંચવા.’ તમે છાપું કેટલીવાર વાંચો છો? ઉંમર મુજબ કોઈ શેરના ભાવ જુએ, કોઈ યુવાન નોકરીની જાહેરાતો અને કોઈ વડીલ બેસણાંની જાહેરાતો જુએ. પણ આ બધું સાંજે જોઈએ તો શું ફેર પડે? અથવા બધાં કામો પતાવીને જોઈએ તો? એ કશું ન વાંચીએ, બલ્કે છાપું જ ન વાંચીએ તો ખાસ ફેર ન પડે, શું કહો છો ?
‘રોજ સવારે ગાજર, એલોવીરા, લીંબુ, આમળાં અને એવા નયણા કોઠે એટલે કે ભૂખ્યા પેટે જ્યૂસ પીવા.’ વધુ ઉત્સાહી વડીલો વળી કરિયાતું, સુદર્શન વગેરે પીવા આગ્રહ કરે અને થોડો યોગ શીખી દુકાન ખોલેલા ‘ગુરુજીઓ ‘ એની આવાં ‘આરોગ્યપ્રદ પીણાંઓ’ની દુકાન યોગના ક્લાસ બહાર ખડકી દે. સ્વ. મોરારજી દેસાઈના નામે વીસેક વર્ષ પહેલા સ્વમુત્ર રોજ સવાર સવારમાં પીવાનું એવો પ્રચાર ચાલેલો. અખબારોમાં એના માર્ગદર્શનના સેમિનારોની જાહેરાતો આવતી અને કહેવાય છે કે કાર્યકરો પહેલાં તેમનું સ્વમુત્ર પ્રેક્ષકોને પાઇ પછી તેમનું પોતે પીશે કહી પોતાનો વારો આવે એટલે છટકી જતા. કોઈ રોજ સવારે તાંબા, રૂપું કે ઇવન સોનાનાં પાત્રમાં સ્વમુત્ર પીવાનું પુસ્તકમાં લખતા એ વંચાતું ને ખરીદાતું પણ ખરું. ( સોનાની કિંમત એ સંત પુરુષોને ખબર નહિ હોય. સોનું એવું પીવાના પાત્ર માટે વાપરવાનું?) મોરારજીએ ખુદ કહેલું કે હા, હું પીઉં છું પણ બધા પીવે એવો પ્રચાર નથી કરતો. એમને 100મે વર્ષે અવસાન પામે પણ 22 વર્ષ થયાં. સદ્ભાગ્યે સ્વમુત્ર ભુલાઈ ગયું છે. (એમાંથી કમાણી કોણ કરી શકે?) પણ જ્યુસમાં કમાણી છે એટલે જોર શોરથી પ્રચાર ‘રોજ સવારે ‘ પીવાનો અને પોતાની પાસેથી લઈને જ.
એ જ નયણા કોઠે એક ગ્લાસથી માંડી બે કે કોઈના મતે 3 લોટા પાણી પીવું. પછી ‘અગત્સ્ય મુનિ આપણે સહુ’ એમ કહેવું પડે.
તો કોઈ વળી સવારે યોગ, કસરત, જે કરતા હો તે કરી કાંઈક જરૂરથી ખાઈ લેવાનું ભાર પૂર્વક કહે છે. સાચું લાગે છે, ગ્લુકોઝ મળતાં શરીરનું મશીન ધમધમવા લાગે એટલે. પણ પહેલાં નક્કી કરો- કરિયાતું, જ્યુસ, પાણી, ખાવું એ બધામાંથી શું કરવાનું?
‘સવારે જાતે કાર સાફ કરવી, બાઈક સાફ કરવું.’ એક જુના લેખમાં તો દર અઠવાડીએ પ્લગ સાફ કરવાનું ને એવું હતું! એમાંથી કસરત થાય. સમય? ગણી લો. જેવી પક્ષીઓની ચરક, પાંદડાં ખરવાં ને તમારે જોઈતો ચળકાટ !
સવારે બાગ હોય તો પાણી સીંચવું, ક્યારા ગોડવા વગેરે બાગકામ. શોખ સારો છે પણ નોકરીએ 10 વાગે પહોંચી જવાનું હોય, ત્યારે ગણી લો કેટલો સમય લાગે.
‘સુબહ સવેરે યે કામ કર લીયા , સબ રોના ધોના કર લીયા. . મેરે સૈયાજીસે આજ મેને બ્રેકઅપ કર લીયા ‘ જેવું આવી પડે તો? આપણા ફેસબુક ને વૉટ્સએપ ને એવાં તેવાં સ્ટેટસ ચેક તો કરવાં પડે. કોઈની દસ મિનિટ, કોઈનો અર્ધો કલાક. કદાચ પાંચ મિનિટ શ્વાસ રોકી શકાય, ખાધા વગર એક વીક રહેવાય પણ વૉટ્સએપ કે ફેસબુક વગર તો શ્વાસ રૂંધાવા લાગે. એમાં જ સવારે કરવાની ખુબ સલાહો ફરતી હોય છે.
અરે હા. પુજા. સલાહો છે કે કોઈ ષોડશોપચાર પૂજા કરવી કે અગરબત્તી કરવાથી માંડી દીવો, ફુલ ઉતારવાં ચડાવવાં, સ્નાન,અભિષેક, આરતી, પ્રસાદ, માળા, જાપ કરવા , બધું મળી એકાદ કલાક તો જાય જ. નિવૃત્તને પણ એટલો એ એક જ પ્રવ્રુતિ માટે સમય મળેછે ખરો? અત્રે જશોદાબેન મોદી યાદ આવ્યાં. મોદીજીએ પોતે પરિણીત છે એ જાહેર કર્યું એટલે એમને મળવા પત્રકારો દોડવા લાગ્યા. કામચલાઉ જાહેર કરવું પડ્યું કે તેઓ સવારે ચાર કલાક પુજા કરે છે. પછી હમણાં કોઈ મુલાકાતમાં એમણે કહ્યું કે હું યથોચિત સમય જ પુજા કરું છું અને મારા પતિ જે પણ કામ કરે છે એ 24 કલાક દેશની પુજા છે. શાબાશ. ગુફામાં તપ કરતા સન્યાસીઓ પણ ‘રોજ સવારે ‘ આવી લાંબીલચ પુજા કરવા બેસે તો એમના ‘બાર વાગી જાય.’

આ બધું એને સુલભ બને જેને પુરી નવરાશ હોય કે સમય પસાર કરવો પ્રશ્ન હોય. એક પંક્તિ યાદ આવે છે- “ મારાં બાલુડાં પરોઢે ઉઠીને માગશે ભાત વિચારી એ દેહ દમે ત્યારે ભાઈ રે ભાઈ , પંખી ને પાણી તણાં શેને ગીત ગમે?” શ્રમજીવીની સોનેરી સવાર તો કાળી મજૂરી સાથે જ ઉગે છે.

અને એ બધાં કામ તો પુરુષપ્રધાન જ લાગે છે. પત્નીઓએ શું કરવું? ખુદ નરસિંહ મહેતાએ જ સોલ્યુશન આપ્યું છે “પતિવ્રતા હોય એણે કંથ ને પુછવું , કંથ કહે તે ચિત્ત ધરવું” અહીં આપણી પતિવ્રતા જે કહે તે ચિત્ત ધરવાથી સવાર તો સારી જશે જ, પણ દિવસ, અને દિવસો મળી જીવન પણ સારું જશે.

સવારે કરવાનાં કામોની અગણિત યાદીઓ છે. સરવાળો કરો. બધું કરવા સવારે પાંચ વાગે ઉઠો તો પણ બીજી સવારે પણ પુરું નહીં થાય.

આપનારનું શું જાય? એને માત્ર અહમ સંતોષાય કે મેં લોકોને કઈંક કીધું. “ હે વિશ્વના લોકો, સાંભળો, સોક્રેટિસ બોલું છું” ને બદલે હું અમુક વડીલ બોલું છું”.

એટલે જ આ બધી સલાહો કરતાં હું તો કહું છું, “ સાધુ પુરુષ હોય તેણે સુઈ જ રહેવું”.

સરખી રીતે દૈનિક ક્રિયાઓ માટે એક કલાક તો જોઈશે જ. બાકી નિવૃત્ત હો તો પણ કોઈ ને કોઈ પ્રવૃત્તિ તો હોય જ. રોજ સવારે આવું ને તેવું કરવાની સલાહ આપતા વડીલો ( એ સલાહ માત્ર ઉંમરમાં વડીલો જ આપી શકે.) તેઓ પોતે પણ અમલ કરે. તે માટે જે કોઈ પણ સલાહ વૉટ્સએપ, ફેસબુક કે કોઈ પ્રિન્ટ મીડિયામાં આપે એટલે એવા લોકોને પકડી પકડી તેમની સલાહ એક કાગળમાં લખાવવી. તે સલાહોનું લિસ્ટ કરી એ લિસ્ટની બધી જ સલાહોનું તેમની પાસે ચુસ્ત પણે પાલન એક અઠવાડિયું કરાવવું- માત્ર 3 દિવસની સલાહો પૂર્ણ કરી ચાર દિવસનો બેકલોગ ચડયો હશે. ફરી સલાહ આપવા કરતાં ‘હે ઈશ્વર, મને તારે શરણે લઈ લે’ એવી સલાહ ઈશ્વરને આપવા લાગશે.

પણ ઈશ્વર સર્જન કરે છે પછી વિસર્જન પર્યંત આપણને આપણી રીતે જીવવા છોડી દે છે. એ કાર્ય જ કરે છે, સલાહ ક્યારેય આપતો નથી કે રોજ સવારે શું કરવું.

બાય ધ વે, બ્રહ્માના દિવસની સવારના કેટલા કલાક ગયા? એ એમની રોજ સવારે શું કરતા હશે?