Antim divas books and stories free download online pdf in Gujarati

અંતિમ દિવસ

અંતિમ દિવસ

“ મેં મારી દશા, મહાદશા,અંતર્દશામાં પ્રત્યંતર દશા ગણી લીધી છે.

આજથી પંદરમે દિવસે રાત્રે 1 ને 5 મિનિટે મારું અવસાન થશે. હવે સહુ મારી સામે બેસો અને હું કહું તે સાંભળો.”

કુટુંબમાં સોપો પડી ગયો. વડીલ જ્યોતિષમાં એક્કા હતા,સમાજમાં એમની જબરી એવી શાખ હતી પણ પોતાનું મૃત્યુ ભાખવાની જરૂર કેમ પડી? ખુદ સહદેવે પણ લાક્ષાગૃહમાંથી નીકળવાનો માર્ગ બતાવ્યો પણ હિમાલય ચડતાં ક્યારે એનો પોતાનો દેહ પડશે એ તો એને પણ ખબર નહોતી. ખુદ વરાહમિહિરે પોતાનું મૃત્યુ ભાખ્યું હશે ? એવુ તે શું થઈ ગયું?

“મારા સમવયસ્ક મિત્ર…ની દશા મહાદશા જોતો હતો. એની મુશ્કેલીઓના અંત માટે. એમાં મેં મારી કુંડળી લઈ મારી ગણતરી માંડી. મારૂં તો મૃત્યુ જ નજીક છે એ જોયું. જે છે એ છે. હવે સાંભળો અને તૈયારી કરો.”

વડીલે તો પોતાની વિમા પોલિસી કાઢી તૈયાર રાખી.પોતે જ ડિસ્ચાર્જ લેટર પર સહી કરે તો વારસોને અંગુઠો મળે. ચોકડી મારી પત્નીને બતાવ્યું. પુત્રને કઈ ફિક્સ ક્યારે પાકે છે, એનું વ્યાજ કેટલું છે અને 26as માં ટેક્સ જમા થયો કે નહીં એ કેવી રીતે જોઈ લેવું એ બતાવ્યું.

પુસ્તકો ઉપરથી ધૂળ સાફ કરી. ક્યાં કોને શું દાન આપવું એ કહ્યું. વીલ તો બનાવી રાખેલું. બાળકોને ટીવી જોવા મોકલી પત્ની,પુત્રને પોતાનું વીલ જાતે ખોલીને બતાવ્યું.

બસ. ઊંડો શ્વાસ લઈ વડીલ નિરાંતે સુવા ગયા.

સવારે વડીલનાં પત્ની ઉઠીને જુએ છે તો વડીલ તો મોર્નિંગ વૉકમાં નીકળી ગયા છે. પત્નીને તો ધ્રાસકો પડેલો. આખી રાત ઊંઘ નહોતી આવી. આ એ પતિ હતો જેણે પોતે પોતાના ગ્રહ એની સાથે મેળવેલા, રોજના પાંચેક ગ્રહ તો મેળવતા જ. એ ક્યારેય ખોટા પડતા નહીં. પત્નીને ગર્વ હતો કે પતિ એક અચ્છા જ્યોતિષી ઉપરાંત કુશળ ગણિત શિક્ષક હતો. પોતે પણ એક નિવૃત શિક્ષિકા હતી અને ગણિત રસપ્રદ બને એ માટે પતિએ પોતાને કેટલીક ટેક્નિક શીખવેલી. ખરેખર પોતે વિધવા થશે? ખૂબી ખામીઓ સાથે, વત્સલ મોભી તરીકે કુટુંબમાં સહુએ તેમને માનપૂર્વક સ્વીકારેલા. શું હવે પોતે રાંડી રાંડ એટલેકે શ્વેત વસ્ત્રોધારી વિધવા, સૌભાગ્ય ચિહ્નો વગરની.. પોતાને મંદિરે કે ઘરમાં બેસી ભજનો ગાવા ફાવશે? સહેજ વહેલું છે,નહીં?

પોતે વાંચ્યું કે જોયું એ સંતાનો અને હવે તેમના સંતાનોને ધરાર ધ્યાન ખેંચી કહેતા, કે ક્યારેક શિક્ષક સહજ મોટા અવાજે ઘરમાં કે અડોશપડોશમાં કોઈને ધમકાવી લેતા એ પતિ હવે માત્ર 15, ના હવે 14 જ દિવસ? તેણી અંદરથી ખૂબ ગભરાઈ ગઈ. એમ આંખે કંકુના સુરજ આથમતા જોવા સરળ નથી. ને આ પતિ ક્યારેય ખોટો પડ્યો નથી. વૈધવ્યની કલ્પના કરતાં તે ધ્રુજી ગઈ.

ફોન રણક્યો. વડીલના મિત્ર હતા. “ભાભી, ..સર ને ઓચિંતું કઈંક થયું છે. અમને વગર દશેરા કે જન્મદિવસે ગાંઠિયા જલેબી ખવરાવ્યા. મઝા પડી. પણ કહે છે આજથી 14મા દીવસે એ મરી જશે. તેમના તરફથી આ અંતિમ નાસ્તો એમ કહી સહુને રામ રામ કર્યા. તેઓ આમ તો સન્માનનીય ગ્રુપ સભ્ય છે. કોઈની ખોટી મઝાક સહન કરતા નથી કે કરવા દેતા નથી. આમ તો નોર્મલ છે, તમે એને … સાઈકીઆટ્રીસ્ટ પાસે લઈ જાઓ.કાંઇ ઘરમાં તો બન્યું નથી?’

“ના રે ના. એ ખબર નહીં ક્યાંથી આવું જોઈ આવ્યા. ટેઈક લાઈટલી.”

“લાઈટ તો એટલી હદે કે ગ્રુપમાં સહુ પીઠ પાછળ હસે છે. એક બે એ તો પોતે ક્યારે મરશે એ જોવા મઝાકમાં હાથ પણ ધર્યા. તેમણે ‘જ્યોતિષની મશ્કરી કરો નહીં, હું ન હોઉં ત્યારે પણ ન કરશો’ કહી રોજ જે ખીજાય એ આજે ખાલી મોં બગાડ્યું.”

વડીલ આવ્યા.પત્ની જોઈ રહી પણ કઈં બોલી શકી “નહીં. આજે તેમણે પૂજા થોડી વધુ કરી.

ક્લાસમાં છોકરાઓ ભણવા આવ્યા એમને કહ્યું કે અમુક પછીનાં પ્રકરણો તૈયાર કરી રાખે અને આવતા મહિનાથી બીજા ક્લાસ ગોતી લે. છોકરાઓએ પૂછ્યું કે સર, તમારો પુત્ર અને પુત્રી તો આ શહેરમાં જ છે. વિદેશ ફરવા કે જાત્રાએ જાઓ છો? તો પ્લીઝ પરીક્ષા પતે પછી જાઓને! વડીલે કહ્યું “ હવે 13 દિવસ પછી તેઓ અવસાન પામશે. સહુને બોર્ડની એક્ઝામ માટે બેસ્ટ લક. અને મહિનાની ફી બાકી છે એણે જમા કરી દેવી જેથી મારા કુટુંબને તકલીફ ન પડે.”

ક્લાસમાં જાણે વીજળી પડી. પણ પછી કલાસ છૂટતાં તેઓ તાળી દઈ સરની મશ્કરી કરવા લાગ્યા.

વડીલ કાંઈ બન્યું નથી એમ રાત્રે કે.બી.સી. જોવામાં મગ્ન થઈ ગયા. પૌત્ર સાથે વીડિયો ગેઇમ રમ્યા.

બીજે દિવસે પૌત્રને વહાલથી બેસાડી કેટલીક એટીકેટ, મિત્રોમાં શું ધ્યાન રાખવું, ડ્રેસ સેન્સ કેવી રાખવી જેવી સામાન્ય વાત કરી. સાથે વીડિયો ગેમ રમતા પૌત્રએ કહ્યું “દાદા, ચાલો ડિસ્કવરી જોઈએ.” દાદાએ સિરિયલ જોતાં ક્રાયોજેનિક અને શરીર કે કોષો થીજવી ભવિષ્યમાં ઉપયોગની વાત કરી. ડરતાં ડરતાં પૌત્રએ પૂછ્યું “ દાદા, લોકો કહે છે તમે હવે 11 દિવસ પછી અવસાન પામશો? આવતા જન્મ કે એનો તમને ખ્યાલ આવે?”

“ ના બેટા, આવતા જન્મનું કોઈ સાચું જાણતું નથી.અને એ અવસાનનું મેં જ લોકોને કહ્યું છે. જ્યોતિષ તારા પપ્પાને પણ થોડું શીખવ્યું છે. મેં જ જોયું છે કે હું મરી જઈશ.. 11 દિવસ પછી રાત્રે 1 ને 5 મિનિટે. તને જ્યોતિષ તો ન શીખવી શક્યો પણ ઉપર મારા કબાટના ત્રીજા ખાનામાં અમુક પુસ્તકોમાંથી ગ્રહ, એની રાશિઓ, મિત્ર શત્રુ, દ્રષ્ટિ ને એવું જોઈ લેજે. હા,આધુનિક વિજ્ઞાન પહેલાં શીખવું પણ મારું જ્યોતિષ એ બકવાસ નથી. આવડે તો એ પણ શિક્ષક કે એન્જીનીયર જેટલી આવક આપે. બાકી તારો રસ.”

પૌત્રને દાદાની બુદ્ધિપર માન હતું.પણ આ મરવાના સમયનું સાંભળી મનોમન એણે પણ દાદાની મઝાક કરી. પ્રગટ તો કડક શિક્ષક દાદાને કેમ કહી શકાય? પહેલાં બે પડે પછી એ જ હાથ પંપાળે.

વડીલે સહુ મિત્રોને રામરામના ફોન કરવા માંડ્યા. બચેલી કમાણીમાંથી પત્નીને સાડી, પૌત્રને ટેબ્લેટ અને કીંડલનું લવાજમ, પુત્રને સુંદર મ્યુઝિક સિસ્ટિમ અને કાર માટે એક્સેસરી અપાવી, ફેમિલી ડીનર ખૂબ વખણાતી અને મોંઘી રેસ્ટોરાંમાં આપ્યું.

વડીલની તબિયતને કાંઈ ન હતું. મોર્નિંગ વૉકના હવે મઝાક કરતાં ગ્રૂપને સમજાવ્યું કે ગૃપના કેટલાક મિત્રો કેવા ઓચિંતા એટેક, અકસ્માત કે કોઈ પણ રીતે ગુજરી ગયેલા. ’રહના નહીં દેશ બિરાના હૈ.. સંસાર હૈ કાગજકી પુડીઆ,બુંદ પડે ધુલ જાના હૈ..’ જેવી પંક્તિઓનાં જ દ્રષ્ટાંત હવે તેઓ આપવા લાગેલા.

અંતિમ દિવસે રાત્રે તેમણે ભજન કીર્તન પોતાને ઘેર રાખ્યાં.

બેંકમાં જઇ ક્યારેક મદદરૂપ થયેલા મેનેજરને કહ્યું કે આવતો મહિનો નવેમ્બર છે પણ પોતે લાઈફ સર્ટિ. સહી કરવા હાજર નહીં હોય. ફેમિલી પેન્શન હક્કદાર અને ખાતાઓમાં નોમિની પત્ની છે તેની ખાતરી કરી હાથ મિલાવી કહ્યું “બોલ્યું ચાલ્યું માફ.આપણી છેલ્લી મુલાકાત છે.તમને આગળ કેરિયર માટે બેસ્ટ લક“

મેનેજરે પૂછ્યું “ સર,અહીં તકલીફ પડી હોય ને ખાતું બંધ કરતા હો તેવું નથીને?”

વડીલે કહ્યું “ના રે ના. અહીં તો સારી સર્વિસ છે. આપનો સહકાર છે. મારા મર્યા પછી કુટુંબને એવો જ સહકાર આપજો. એ લોકો પ્રાઇવેટ બેંકમાં જતાં હતાં, મેં જ અહીં ટકાવ્યાં છે.કોઈ કામ હોય તો છેવટનું બોલો.” એનેજરને નવાઈ તો લાગી પણ ગરજે..ને પણ બાપ કહેવો પડે. અને વડીલ હતા પણ બાપની ઉંમરના!

“સર, એજ્યુકેશન ટ્રસ્ટનો એકાઉન્ટ લાવવા આપની મદદ લેવી હતી. “

વડીલે કહ્યું ” તો આજે જ ચાલો રૂબરૂ મળી લઈએ. 5 દિવસ પછી તો હું .. (સામે બેંકના સંસ્થાપકના ફોટા સામે આંગળી ચીંધી) આમની જેમ છબીમાં કેદ હોઈશ. હું 5મે દિવસે રાત્રે મૃત્યુ પામું છું.”

મેનેજરને થયું, આ માસ્તર સાહેબ આમ તો સામાન્ય છે. સિનિયર સીટીઝન ડે પર એમણે ઉપસ્થિત ગ્રાહકોની કુંડળીઓ જોઈ તેમનું સમાધાન પણ કરેલું. હશે. રોજ એવા સહેજ ધુની કે અસંબદ્ધ બોલતા વૃદ્ધ ગ્રાહકો આવે છે.. ભગવાન કોઈને વૃદ્ધાવસ્થા લાંબી ન આપે ,આપે તો બધી ઇન્દ્રિયો સતેજ રાખે. પાગલપન. ના, આ વડીલનું ચસકે તો નહીં. તેમણે ફોન ઉઠાવી એક માનવંતા કસ્ટમર, પોલીસ ઓફિસરને વાત કરી કે કદાચ હતાશા કે કોઈ પણ કારણે એક શિક્ષક ગ્રાહક આપઘાત કરશે કે એને કોઈ મારી નાખશે એવી એમને દહેશત છે.

પોલીસે સરને જ ચાલુ કલાસે ફોન કર્યો “ માસ્તર, આ તે શું માંડ્યું છે? તારો આપઘાત કરવાનો વિચાર છે? જેલ થાય એ ખબર છે?”

વડીલે કહ્યું “ સાહેબ, પબ્લિક સર્વિસમાં છો.માનથી બોલાવતાં શીખો. નહીતો હજુ 5 દિવસ છે,હું દેહથી મરીશ પણ તમને નોકરીમાં મરવું પડશે. અને હા, હું આપઘાત નથી કરતો, મૃત્યુ આવી રહ્યું છે.’

“મારવા વાળી ન જોઈ હોય તો. કરી લે ભડાકા. તો પહેલાં એ ફાટી મર, કોણે મરવાની પ્રેરણા આપી અને સંતાનો દુઃખ દેતાં હોય તો હેલ્પલાઇન હાજર છે. હું પણ એલોકોની … ટાઈટ કરી દઈશ.”

વડીલનો જવાબ “કુટુંબ કાંઈ કહેતું નથી. હું પોતે જ જ્યોતિષને આધારે કહું છું. હું 4 દિવસ પછી મૃત્યુ પામીશ. અને ભડાકા આપ જોઈ લેજો.” સાંભળી પોલીસ અધિકારી ચકરી ખાઈ ગયા.પછી “ડોહાનું ચસકી ગયું છે. આ તો બેન્ક મેનેજરે કહ્યું એટલે.બાકી નવરા છીએ આવા ચસકેલ ડોસાઓની સુવાવડ કરવા!” કહી કામે વળગ્યા.

આગાહીનો 15મો દિવસ.એટલે કે આખરી દિવસ. વડીલે આજે વહેલું નાહી લીધું, ફટાફટ ગ્રૂપને રામ રામ કહી પીઠ પાછળ એમના હાસ્યનો અવાજ સાંભળી ‘ઠીક છે.એ તો લાફિંગ એક્સરસાઇઝ છે’ એમ મન માનવી ઘેર આવ્યા.

પત્નીને આજે પોતાને ભાવતી ડીશ ચૂરમા લાડુ અને મેથી ગોટા, રાયતાની ફરમાઈશ કરી. આજે બપોરે આસ્થા ચેનલ જોયા કરી. જાણે બેગ બિસ્તરા બાંધી પ્લેટફોર્મ પર ગાડીની રાહ જોતા હોય એમ ઉચાટ જીવે આંટા મારતા ફર્યા કર્યા. સાંજે પત્ની સાથે પહેલાં દર્શને પછી ઉબેર કરી ગામ નજીક સમુદ્ર કિનારે જઈ, પત્ની પણ વિચારે કે શું થઈ રહ્યું છે એમ હાથમાં હાથ લઈ પંપાળતા ચાલતા રહ્યા.એકાદ ક્ષણે પત્નીની કમરે પણ હાથ રાખી ગલી કરી પત્નીને ‘વાઉ’.. કરવી દીધું!

રાત્રે જમતી વખતે પૌત્ર સાથે જોક કરતાં પણ તેઓ નર્વસ તો થઈ જતા. દેહ છૂટવાનો જ છે પણ દુનિયા એમ જ છોડવી સહેલી છે? સહુને આશીર્વાદ આપી આરામખુરસીમાં મુખવાસ ચગળતા બેઠા, કોઈ વાત પર કૃત્રિમ હસવા ગયા અને ગળામાં મુખવાસ અટક્યો. પત્નીને ‘એ.. ગયા..’ એવો ફડકો પડ્યો. બે ધબકારા એ ચુકી ગઈ. પુત્ર અને પૌત્રએ પાછળથી હળવી થપ્પી લગાવી. પૌત્ર પાણી લઇ આવ્યો.

“હું એક ને પાંચે જઈશ.હજુ નવ વાગ્યા છે” કહી મોટેથી હસ્યા. પણ એ હાસ્ય કૃત્રિમ હતું એ સહુ જોઈ શક્યાં.

ભજનો ગાવા લોકો, સગાં વહાલાં અને પાડોશીઓ આવ્યાં. પત્નીએ પણ ભજન ગાયું, પોતે કોઈ સ્તુતિ બોલ્યા. બાર વાગવા આવ્યા એટલે ઉભા થઈને કહે “આવજો સહુ. આપણો ઋણાનુબંધ પૂરો થયો. સર્વે ભવંતુ સુખીના:” સહુને વિદાય કર્યા. દીકરાને શબવાહીનીનો નંબર ગોતી રાખવા અને બેસણું રાખવું નથી એવી સૂચના આપી. પોતાના રૂમમાં ગીતાપાઠની પેનડ્રાઈવ વગાડવા કહ્યું. “ચાલો.આવજો. સહુ સુઈ જાઓ” કહી પથારીમાં પડ્યા. કેટલી વાર? એક વાગશે? ચાલો શવાસન. આમેય થોડીવારમાં શબ જ બનવાનું છે ને?

બંધ આંખે વડીલે મોટેથી મનમાં પાઠ કર્યા.શરીર શિથિલ થતું લાગ્યું.આંખ ઘેરાઈ. માથું ભારે લાગ્યું. ઘડીમાં હૃદય ના ધબકારા ઝડપી તો ઘડીમાં ધીમા.. અને ધીમા.. અને સાવ ધીમા.. શ્વાસ પણ ધીમા.. હું દેહ છોડી રહ્યો છું. ભગવાન, તારા આગોશમાં લઈ લે. સુખપૂર્વક શાંત મૃત્યુ. આવું છું.. આવું છું.. ઓમ શાંતિ.. શ્વાસ એકદમ ધીમા, ધબકારા માંડ સંભળાય એવા ધીમા..


ઓચિંતા ધબકારા વધી ગયા. વડીલ ઝડપથી ઉભા થવા ગયા, ટેકો લઈ મુશ્કેલીથી બારણાં તરફ થઈ શકે એટલી ઝડપથી ગયા. ડોરબેલ વાગતી હતી, કોઈ ખોલતું ન હતું. તેમણે દરવાજો ખોલ્યો. દુધવાળો કુપન માગતો હતો,રાત્રે ધમાલ અને ટેન્શનમાં થેલી અને કુપન મુકવી પત્ની ભૂલી ગએલી. તેમણે લાઈટ કરી.સાડા પાંચ. હજુ અંધારું હતું.. ફ્રિજમાં થેલી મૂકી તેઓ ટોયલેટ ગયા, બહાર આવી પાણીનો ઘૂંટડો ભર્યો. ઓચિંતું યાદ આવ્યું.. પોતે ખુદ જોએલ તેમ ગઈરાત્રે 1 ને 5 તો અંતિમ ક્ષણ હતી! તેઓએ લાઈટ કરી અને મોટેથી બોલ્યા “અરે સહુ જાગો છો?”

પત્ની સફાળી બેઠી થઈ ગઈ. બેડરૂમમાંથી પુત્ર અને ગાઉન પહેરેલ પુત્રવધુ દોડી આવ્યાં.”બાપુજી, લે, તમે હજુ જીવો છો?” પોણી ઊંઘમાં પુત્રવધુથી બોલાઈ ગયું પછી કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ઉભી રહી. સાઈડના નાના રૂમમાંથી દાદાનો બહાર અવાજ સાંભળી ચોંકીને પૌત્ર દોડી આવ્યો અને “હેઈ.. દાદા, તમે જીવો છો ને !” કરતો દાદાને વળગી પડ્યો.વડીલ બોલ્યા ”હઉં. તો ચા મુકો. એક દિવસ વધુ. એમ કેટલા દિવસ હશે? આજે જીવ્યાનો આનંદ છે. હું કદાચ પહેલી વાર મારા જ્યોતિષમાં ખોટો પડ્યો. પણ એ બને કેમ?”

ત્યાં તો ફોન રણક્યો.પેલા ગાઢ મિત્રનો ફોન હતો. “હેલો ભાભી.. હું..”

વડીલે પોતે ફોન હાથમાં લીધો અને ખડખડાટ,રોકી ન શકાય તેવું હસતાં બોલ્યા “ગુડ.. મોર્નિંગ,…..”

“માસ્તર સાહેબ, કાંટ બિલિવ. ચાલો આપણા ગ્રુપમાં.”

“જરૂર.આ જોગિંગ શૂઝ પહેર્યા અને આ ચાલ્યો.આમેય પાછળ મશ્કરીઓ થતી જ હતી. ભલે બે દિવસ વધુ આનંદ લે.”

તેઓ ચાલવા ગયા.ચાલતાં ચાલતાં વડીલના મગજમાં બચ્યાના આનંદ સાથે પોતે ખોટા કઈ રીતે પડ્યા એ વિચારો ચાલતા હતા. ઘેર જઈ એમણે જૂની બેગ ખોલી. પોતાની કુંડળી ચકાસી.પોતે ગણતરી કરેલી એ કાગળ ચકાસ્યો. પોતાનું તો બરાબર હતું.

“હું જાઉં છું પેલા … જ્યોતિષી પાસે. એના બાપે મારી કુંડળી બનાવેલી.ખોટી બનાવી છે. તમને સહુને ડરાવ્યાં એ ન ચાલે.”

“મુકો હવે. તમે જીવ્યા ને એટલે પત્યું.” પત્ની બોલી.

“ ના.ભલે એના બાપે બનાવી,એનો ખુલાસો તો પૂછીશ જ. હું ક્યારેય ખોટો ન પડું.”

વડીલ પેલા જ્યોતિષી પાસે ગયા. બેય સારા જ્યોતિષી. સમય મુજબ ગણતરીઓ માંડી, એ પુસ્તક જેમાં મૃત્યુની આગાહી કેમ કરાય એ જોયું. ક્યાંયે ભૂલ નહીં. ઓચિંતો તે મિત્ર કહે “હા,તમારા પિતા અમારા યજમાન પણ હતા.તમારા લગ્નના ગ્રહ તો તમે મેળવેલ પણ તમારાં મા બાપના એમણે મેળવેલ. જોઈએ ક્યાંક કઈંક મળે.”

બે કલાકની ખાંખાખોળા ને અંતે એક લોખંડની ટ્રંકમાંથી એક કાગળ નીકળ્યો. ”... યજમાનને આશીર્વાદ. બહેન .. ને સવારે .. ઘડી પળ, સ્ટાન્ડર્ડ ટાઈમ .., લોકલ ટાઈમ .. મુજબ ..ચોઘડિયાંમાં પુત્રરત્નની પ્રાપ્તિ થઈ તે બદલ ખુશી. આ સાથે કુંડળી મોકલું છું.“

જન્મનાં ચોઘડિયાં ઉપર જોઈ વડીલના મગજમાં ફ્લેશ થયો. એમણે ક્યારેય ન બદલાતાં દિવસ અને રાત્રીનાં ચોઘડિયાં જોયાં. આ ચોઘડીયું તો ત્રીજું હતું!! એમણે પોતાની મા એ પોતે સૂર્યોદયના એક કલાક બાદ જન્મેલા એ કહેલું. ઠીક, બે ચોઘડિયાંનો ફેર પડી ગયેલો. તો લગ્નભાવ પણ સુધરે.. ના.સહેજમાં એ જ રહે. અરે ચંદ્રના અંશ, તેને કારણે દશા,મહાદશા, અંતર્દશા બધું સુધરે. તો પણ અમુક રાશિમાં અમુક ગ્રહ એમ જ રહેતો હોઈ ફલાદેશ ન સુધરે,વસ્તુ બને ખરી પણ ક્યારે બનશે એ લાંબુ ખેંચાય.

એમણે મિત્રને કહ્યું,”તેં ત્રિભેટો જોયો છે? રસ્તો બે ફાંટા પડતો દેખાય, બેય ફાંટા નજીક હોય પણ આગળ જતાં ખૂબ દૂર. અમે ત્રિકોણ શીખવીએ તેમ શરૂમાં ભુજ નજીક નજીક પછી પાયા તરફ જતાં ખૂબ દૂર. આમ અહીં અંતિમ દિવસ નક્કી છે પણ આપણી ગણતરી થી ખૂબ લંબાય.”

તેઓ ઘેર કાગળો લઈ ગયા. રાત્રે વળી ઊંઘ ન આવી.”તો હવે હું ક્યારે મરીશ? લાવો દશા મહાદશા યુતિ પ્રતિયુતિ જોઉં.” તેમણે ઉઠી બેગ ખોલી પણ કાગળો કે કુંડળી મળી નહીં. ક્યાં ગયાં? પોતે સાવ ખોટા કેમ પડ્યા? તેમણે અજંપામાં રાત કાઢી. સવારે ઉઠતાવેંત કાગળ ગોત્યા. બેગની બહાર બીજા ખૂણામાંથી મળ્યા.

કુંડળીની ગણતરીઓના કાગળો ઉપર પૌત્રએ તેમનો ફોટો ચિટકાવી અને કલર મારી દીધેલો. મોટા અક્ષરે લખેલું ,’અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા..”. અંદરનાં પાનાંઓની જગ્યાએ ક્રાફટપેપર પર કોમ્પ્યુટર પ્રિન્ટ આઉટ હતો: “દાદા, રોજ આજનો દિવસ અંતિમ દિવસ છે તેમ માની જીવવાનું તમે તો શીખવ્યું છે.”

વડીલ એ પુસ્તિકા હૈયાંસરસી ચાંપી રહ્યા.


પછી એવા જ આનંદ સાથે વડીલ લાંબા સમય બાદ મર્યા પણ એમણે સાચો અંતિમ દિવસ ગણેલો કે નહીં, ગણ્યો હોય તો કોઈને કહેલું કે નહીં તે ખબર નથી.


-સુનીલ અંજારીયા


(કથાબીજ એક સાંભળેલી સત્ય ઘટના)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED