ભેદ - - 2 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેદ - - 2

ભેદ

કનુ ભગદેવ

પ્રકરણ - 2

ભેદી જાહેરાત...!

શાંતિનગર…!

પહાડી ક્ષેત્રમાં વસેલો એક ખુબસુરત અને રળિયામણો વિસ્તાર...!

શાંતિનગર પર સોનુ વરસાવી રહ્યો હતો.

થોડા વર્ષો પહેલા આ સ્થળ એકદમ ઉજ્જડ અને સુમસામ હતું.

પછી સમય જતા અહીં સભ્યોનો રંગારંગ ધીમે ધીમે વધવા લાગ્યો.

જોતજોતામાં જ શાંતિનગરની વસ્તી બે લાખ પર પહોંચી ગઈ.

સુંદર વિશાળ બંગલા, સીધી સપાટ પાકી સડક, ખુબસુરત બાગ-બગીચા અને આધુનિક બજાર વસી ગઈ.

લોકોના કથન મુજબ અહીં જેટલા માણસ વસે છે એ બધા લાખોપતિ-કરોડપતિ છે.

સૌને પોતપોતાના આલીશાન બંગલા છે, વિદેશી કાર છે અને મોટી બેંકબેલેન્સ છે…!

શાંતિનગરમાં પગ મુકતા જ દિલીપે જાણી લીધું હતું કે અહીંની એક-એક ઇંટમાં ગરીબોનું લોહી અને પરસેવો સિમેન્ટ બનીને ભર્યા છે.

નવી આધુનિક ડિઝાઇનના બનેલા આ બંગલામાં રહેનાર લોકોના ધંધા-રોજગાર વિષે તે જાણી ચુક્યો હતો.

અહીં મોટાભાગે કાળા બજારિયા, દાણચોરી કરનારા, લાંચ-રુશ્વત લેનારા સરકારી ઓફિસરો જ રહેતા હતા.

ખેર, જે હોય તે...!

શાંતિનગર સાચે જ સ્વર્ગલોક છે એ વાત દિલીપને કબુલ કરવી પડી.

તે પાંપણ ફરકાવ્યા વગર બંગલાઓની હારમાળા જોતો આગળ વધતો હતો.

સવારના આઠ વાગ્યા હતા.

શાંતિનગરમાં રહેતા લોકો જાણે ઊંઘની ખુમારીમાં જ ડૂબેલા હતા.

એકલ-દોકલ રાહદારીઓ જ જાણે નજરે ચડતા હતા. આ રાહદારીઓ ખાસ કરીને દૂધ અને અખબારવાળા જ હતા.

સહસા તે એક બંગલા પાસે ઉભો રહી ગયો.

તેની નજર બંગલાના ફાટક પર ચોંટાડેલી સિનેમાના પોસ્ટર જેવી એક જાહેરાત પર સ્થિર થઇ ગઈ.

એ જાહેરાતમાં લખ્યું હતું-

-શાંતિનગરના નાગરિકો સાવધાન...!

-આજે બપોરે બરાબર બાર વાગ્યે અહીં અવાજરહિત બૉમ્બ ફૂટશે.

-બૉમ્બ ફૂટ્યા પછી ધરતીમાં ઊંડા અને ભયંકર ખાડા પડી જશે.

-બૉમ્બ ફૂટવાથી ચારે તરફ ઝેરી ગેસ ફેલાઈ જશે.

-સ્વર્ગલોક જેવું શાંતિનગર નર્કલોકમાં ફેરવાઈ જશે.

-જેમને આ વાત મશ્કરી લગતી હોય, તેઓ કૃપા કરીને બરાબર બાર વાગ્યે અહીં હાજર રહીને પોતાની સગી આંખે ઉપરોક્ત કથનની ખાતરી કરી લે!

બસ, એ જાહેરાતમાં આટલું જ લખ્યું હતું.

નીચે કોઈનુંય નામ-ઠામ લખ્યું ન હતું.

જાહેરાતનું મોટર મોટા સફેદ કાગળ પર લાલ શાહીથી છપાયેલું હતું.

એ જાહેરાત વાંચીને દિલીપ કશાય નિર્ણય પર પહોંચે તે પહેલા જ તેની નજર ત્યાર પછીના બંગલા પર પડી.

ત્યાં પણ એ જ જાહેરાત વાળું પોસ્ટર લગાડેલું હતું.

એ સાવચેતીથી નજર દોડાવતો ગયો.

જે તરફ એની નજર પડી એ બધી જ તરફ આવા પોસ્ટર ચોંટાડેલા હતા.

એના મગજમાં બેચેની ભરાઈ ગઈ.

તો શું આવું બનવાનું છે, એ હકીકત અંકલ(નાગપાલ) પહેલાથી જ જાણતા હતા?

શું આ માટે જ પોતાને અહીં મોકલવામાં આવ્યો છે?

શું આ જ પ્રયોગ વિષે અરુણ દેશપાંડે ગઈ કાલે હતો?

આ અરુણ દેશપાંડે અને કાવેરી કોણ છે?

વિચારતા વિચારતા સહસા તેની નજર એક ખુબસુરત યુગલ પર પડી.

એ યુગલના ચહેરા પરના હાવભાવ જોતા તેમના લગ્ન તાજેતરમાં જ થયા છે, એ વાત દિલીપ તરત જ સમજી ગયો.

બંને પતિ-પત્ની બનીઠનીને પોતાના આવેલ ગેરેજના દ્વારની પાસે ઉભા હતા.

બંનેની નજર ફાટક પર ચોંટાડેલા પોસ્ટર પર જકડાયેલી હતી.

પુરુષની આંખોમાં વિસ્મય અને કુતુહુલ છવાયેલું હતું.

જયારે સ્ત્રીની આંખોમાં ભય ડોકિયાં કરતો હતો.

‘આ પોસ્ટર આપણા ગેરેજ પર કોણે ચોંટાડ્યું છે ડીયર...?’

પત્નીએ પતિનો હાથ પકડતાં પૂછ્યું.

‘કોઈકે મશ્કરી કરી હોય એવું લાગે છે.’ તેની પર હાથ મુકતા કહ્યું, ‘લે, હું હમણાં જ એને ફાડીને ફેંકી દઉં છું.’ કહીને તે ફાટક પરથી પોસ્ટર ઉખાડવા લાગ્યો.

દૂર ઉભેલો દિલીપ આ તમાશો જોતો હતો.

જાહેરાતનું પોસ્ટર ઉખાડતી વખતે પુરુષનો હાથ ધ્રૂજતો હતો એ એણે સ્પષ્ટ રીતે જોયું હતું.

બાજુમાં ઉભેલી યુવતીની આંખોમાં ભયની લહેર દોડી ગઈ હતી.

દિલીપ આગળ વધ્યો કે તરત જ તે યુવતીનો અવાજ તેના કાને અથડાયો. એ પોતાના પતિને કહેતી હતી:

‘ડીયર, જો તો ખરો આપણી બાજુવાળા પરમારના બંગલામાં પણ આવું જ પોસ્ટર લગાડેલું છે. અરે...આ શું…? મિસિસ પરમાર આંખો બંધ કરીને પોતાના દરવાજા પર શા માટે બેઠી છે…? તેને કદાચ હીસ્ટીરયાનો હુમલો આવો લાગે છે…!’

‘હા, એમને પોસ્ટર પરનું લખાણ વાંચ્યું લાગે છે. એટલે જ તેમની આવી હાલત થઇ છે.’ પતિએ કહ્યું.

ત્યારબાદ એ બંને પતિ પત્ની શ્રીમતી પરમાર પાસે દોડી ગયા.

સવારનો સોનેરી તડકો શાંતિનગરના બાહુપાશમાં પુરેપુરી રીતે ફેલાઈ ગયો હતો.

લગભગ દરેક બંગલાના ફાટક ઉઘડી ગયા હતા અને એક-એક ફાટક પર પેલી જાહેરાતનું પોસ્ટર દિલીપની નજરે ચડતું હતું.

નવી સવારના જાગેલા ચહેરા પોત-પોતના બંગલા અને કોટેજોની બહાર દ્રષ્ટિગોચર થવા લાગ્યાં.

આ વિચિત્ર જાહેરાત વાંચીને કેટલાક મોટી ફાંદવાળા, ઠોબડાં જેવા ચહેરા વાળા માણસોની આંખો સંકોચાઈ...ભરાવદાર ગાલમાં કરચલીઓ પડી ગઈ. આંખોમાં ભય છવાઈ ગયો.

કેટલાક લોકોએ જાહેરાત વાંચીને પછી ઉપેક્ષાથી મોં ફેરવી લીધું. પરંતુ જેવી તેમને ખબર પડી કે આવી જ જાહેરાત અન્ય બંગલા પર પણ છે તો તેમની આંખો અકળ-વકળ થવા લાગી..

દિલીપ સૌથી અલગ ઉભો રહીને આ ખુશખુશાલ શાંતિનગર પર આવી પડેલ આકસ્મિક આઘાતનો અનુભવ કરતો હતો.

સહસા એના કાને એક દુબળા-પાતળા સજ્જનનો અવાજ સંભળાયો.

‘ભાઈ મને તો આ કોઈક મશ્કરાનું જ કામ લાગે છે. શરીફ લોકોને ડરાવવા-ધમકાવવા માટે જ એણે આ અખતરો કર્યો હોય એમ હું માનુ છું. આ કામ એણે રાતનાં જ કર્યું લાગે છે.’

‘એવું નથી માયાદાસ સાહેબ! હું તો એમ માનુ છું કે ફક્ત લોકોને ડરાવવા-ધમકાવવા ખાતર આ કામ નથી થયું લાગતું પણ…’

‘પણ, શું…?’ એક ખાદીધારીએ શુદ્ધ ખાદીના ઝભ્ભાની બાંય ચડાવતા પોતાની સામે ઉભેલા ઠીંગણા માનવીને ઉદ્દેશીને કહ્યું, ‘વનરાજભાઈ, શું આજે બપોરે ખરેખર જ જાહેરાતમાં લખ્યા મુજબ અવાજરહિત બૉમ્બ ફૂટશે એમ તમે માનો છો?’

વનરાજ નામધારી ઠીંગણો કંઈ જવાબ આપે એ પહેલા જ ત્યાં બીજા બે-ત્રણ માણસો આવી પહોંચ્યા.

એ સૌ ચહેરા અને પહેરવેશ પરથી ધનાઢ્ય લાગતાં હતા.

હાથની આંગળીઓમાં સાચા હીરાની ત્રણ-ત્રણ વીંટીઓ પહેરી રાખનાર એક માણસે હવામાં પોતાનો હાથ લહેરાવતા કહ્યું, ‘માયાદાસ સાહેબ તમે ગમે તે માનો...હું તો પોલીસને ફોન કરવા માટે જાઉં છું.’

‘હા, પેસ્તનજી સાહેબ...! તમે ફરિયાદ નોંધાવીને આખા વિસ્તારમાં પોલીસની જાળ પથરાઈ જાય એવી વ્યવસ્થા કરી આવો. પછી કોણ અહીં આવીને બૉમ્બ ફોડે છે. એ પણ જોઈ લઈએ.’ ત્રણ વીંટી પહેરેલા પેસ્તનજીની બાજુમાં ઉભેલો ટાલ અને ચપટા નાકવાળો વિલયમ બોલ્યો, ‘વનરાજભાઈ, તમારી વાત સાચી છે. આપણે ખુબ જ સાવચેતી રાખવી જોઈએ.’

‘ભાઈ, હું તો આમેય આજે અગિયાર વાગ્યાની ટ્રેનમાં દિલ્હી જાઉં છું. મંત્રીશ્રીએ બોલાવ્યો છે. સાથે મિસિસ અને બાળકો પણ આવે છે. મારી સાળી હાલમાં અમેરિકાની સફર ખેડીને પછી ફરી છે. તે દિલ્હીમાં ઉતરી છે એટલે મિસિસ અને બાળકોને તેની મુલાકાતે લઇ જાઉં છું.’ માયાદાસે કહ્યું.

પછી ગજવામાંથી રૂમાલ કાઢીને કપાળે પરસેવો લૂછતાં લૂછતાં એ પોતાના બંગલામાં ઘુસી ગયો.

‘જોયું...કેવો ઉસ્તાદ છે આ માયાદાસ...! હાજી ગઈકાલે જ તો કહેતો હતો કે મારે અઠવાડિયા પછી દિલ્હી જવાનું છે અને હવે આજે જ રફુચક્કર થઇ જવાની વેતરણમાં પડી ગયો છે. ઉપરથી મારો બેટો તોપ મારે છે કે મારી સાળી અમેરિકાથી પછી ફરી છે. અરે...એ તો ચંદનપુરનાં એક વાળંદ સાથે બે વર્ષ પહેલા જ નાસી છૂટી છે.’

વનરાજની તો જાણે કે જીભ જ સિવાય ગઈ.

તે એકીટશે સામેની જાહેરાત સામે ફાટી આંખે તારી રહ્યો હતો.

માયાદાસ વિષે પેસ્તનજીએ જે વાત કરી હતી, એમાંનો એક પણ શબ્દ એણે નહતો સાંભળ્યો.

એનો જમણો હાથ ધીમે ધીમે ધ્રૂજતો હતો અને ડાબો હાથ જનોઈ સાથે બંધાયેલી ચાવી પર હતો.

વનરાજે દક્ષિણ રોડ પર બની ગયેલા બંધનો કોન્ટ્રાકટ લઈને લાખો રૂપિયાની કમાણી કરી હતી.

આ શાંતિ નગરમાં એનો ત્રણ માળનો આલીશાન બંગલો હતો.

આધુનિક વિસ્તારમાં આવ્યા હોવા છતાંય એની રહેણી-કરણી જરા પણ નહોતી બદલાઈ.

હજુ પણ એ ઝભ્ભો અને ધોતિયું જ પહેરતો હતો.

થોડી વાર બાદ ત્યાં બેગી કાતનું પેન્ટ, લાંબો-પહોળો ખૂલતો શર્ટ અને સ્પોર્ટ્સ શૂઝમાં સજ્જ થયેલો એક યુવાન આવી પહોંચ્યો.

એણે એકવાર ત્યાં ઉભેલ માનવીઓ તરફ નજર ફેરવી.

‘આ કોમ્યુનિસ્ટોનું તરકટ લાગે છે. ચીનમાં માઓ “સાંસ્કૃતિક ક્રાંતિ” કરાવી રહ્યો છે અને આપણે ત્યાં બોમ્બમારી કરાવીને લૂંટ તથા ધાડ પડાવી રહ્યો છે. અથવા તો પછી આ ખાલિસ્તાનવાદની માંગણી કરી રહેલા પંજાબના ખૂંખાર ત્રાસવાદીઓનું જ કામ છે. આ વિસ્તારનું નામ શાંતિનગર છે. એટલે સૌથી પહેલા તેઓ અહીં જ અશાંતિનું સામ્રાજ્ય સ્થાપવા માંગતા લાગે છે.’

‘શું…? લૂંટ...? ધાડ…? ત્રાસવાદી...?’ પેસ્તનજીનો અવાજ ફાટેલા વાંસની જેમ તરડાઈ ગયો.

એની આંગળીઓ લાચારીથી બીજા હાથમાં રહેલી વીંટીઓ પર ફરવા લાગી. પછી એ બોલ્યો ત્યારે એનો અવાજ ભયના અતિરેકથી ધ્રૂજતો હતો, ‘અભય...આ લૂંટ-ધાડ અને ત્રાસવાદીઓનો વિચાર તારા મગજમાં કેવી રીતે આવ્યો?’

‘તો શું આજે બપોરે અહીં જે અવાજ રહિત બૉમ્બ ફૂટશે તે લોકોના મનોરંજન ખાતર ફૂટશે એવી તમે આશા રાખો છો?’ અભય નામધારી યુવાને પેન્ટની ફ્રીઝ પર પોતાની આંગળી ફેરવતા જવાબ આપ્યો, ‘પેસ્તનજી સાહેબ, મારી વાત માનો અને મંત્રીશ્રીને ટ્રંકકોલ કરીને તાબડતોડ મિલિટરી બોલાવી લો. બાકી મારે શું…?એકલો છું...અને ઘર-ગૃહસ્થીના નામ પર બંગલો અને કાર છે. તથા બેન્ક-બેલેન્સ...’વાક્ય અધૂરું મૂકીને અભયે હોઠ સંકોચીને સીટી વગાડી અને પછી ત્યાંથી ચાલતી પકડી.

‘આ અભય પણ વિચિત્ર માણસ છે!’ પેસ્તનજી જઈ રહેલ અભયની પીઠ સામે તાકી રહેતા બોલ્યો, ‘ભગવાન જાણે એમ્બેસીની કઈ પોસ્ટ પર છે કે છ મહિના ભારતમાં અને છ મહિના યુરોપ અને અમેરિકાની ટ્રીપ મારતો રહે છે. માશાલ્લા...પણ છે ઉત્તમ માણસ. ત્રીસ પાંત્રીસની ઉંમરમાં જ અહીં પોતાનો બંગલો બનાવી લીધો. આલીશાન કાર વસાવી અને સાંભળ્યું છે કે બેન્ક-બેલેન્સ પણ જબરી ભેગી કરી નાખી છે. અને ઘર-ગૃહસ્થી તો એ અંગે સાંભળ્યું છે કે દર છ મહિને નવી છોકરી સાથે લગ્ન કર્યે જાય છે અને જલ્દીથી છુટા છેડા પણ મેળવી લે છે!’

‘પણ હવે આપણે શું કરવું પેસ્તનજી સાહેબ...?’ અત્યાર સુધી ચુપચાપ વાર્તાલાપ સાંભળી રહેલ વિલિયમે કહ્યું, ‘મારી પત્ની અને દીકરીઓ વિશાલગઢથી અહીં આવી છે.’ એના અવાજમાં ગભરાટનો સુર હતો.

વિલિમની પત્ની અને પુત્રીઓ અત્યંત ખુબસુરત છે અને પોતાની ખુબસુરતીના જોર ઉપર પોતાના દેહનો વેપાર કરે છે તથા એના જ અનુસંધાનમાં દેશભરમાં ફરીને મોટા મોટા બોકડા ફસાવતી રહે છે, એ વાત પેસ્તનજી જાણતો હતો.

પરંતુ તેમ છતાંય આ નાજુક સંજોગોમાં પોતાની સહાનુભૂતિ દર્શાવતા બોલ્યો, ‘હું તો એમ માનું છું કે આપણે સમયસર જ આપણા બાલ-બચ્ચાને કોઈ બીજા સ્થળે મોકલી આપવા જોઈએ. મારા કુટુંબની સાથે તમે પણ તમારા કુટુંબીજનોને મોકલી આપજો. આપણે બધા અહીં જ રહીશું.’

‘અહીં રહીને શું જીવ ગુમાવવો છે?’ વનરાજે ભયભીત અવાજે કહ્યું.

‘તમારી વાત તો સોળ આના સાચી છે વનરાજ સાહેબ, પણ આપણી આ જમીન, બંગલા, સમાન વિગેરે છોડીને જવાનું પણ નથી ગમતું.’ પેસ્તનજી ઊંડો શ્વાસ લેતા બોલ્યો, ‘અરે...ત્યાં સામે જુઓ...માયાદાસ સાહેબની હિન્દુસ્તાન જ લાગે છે! ઓહ...એમાં તો ઠાંસી ઠાંસીને સામાન ભર્યો છે. અને અંદર પણ ઘણા માણસો બેઠા છે. આ જાહેરાતના પોસ્ટરની તેમના પર ખુબ જ અસર થઇ હોય તેવું લાગે છે. કદાચ આ કારણોસર જ તેમણે બોરિયા-બિસ્તરા સમેટ્યા લાગે છે.’

‘ઠીક, હવે હું પણ ઉપડું ત્યારે!’ વનરાજે રૂંધાતા અવાજે કહ્યું.

અને પછી પોતાની ભયથી થરથરતી કાયા લઈને તે પોતાના બંગલા તરફ રવાના થઇ ગયો.

આશંકા અને પરેશાની હોવા છતાં પણ દિલીપના ચહેરા પર સ્મિત ફરકી ગયું.

વનરાજના ગયા પછી તેણે ભયભીત પગલે પેસ્તનજી અને વિલયમને પણ પોતપોતાના બંગલા તરફ દોટ મુકતા જોયા.

થોડી પળો બાદ એ પણ આગળ વધ્યો.

આ બધું શું છે, એ હજુ પણ તેને નહોતું સમજાતું.

અહીં બરાબર બાર વાગ્યે શું થવાનું છે?

તેને નાગપાલ પર પારાવાર ક્રોધ ચડતો હતો.

પોતાને અહીં મોકલ્યો તો ખરો પણ કશુંયે જણાવ્યું નહીં.

હવે અહીં પોતે અંધકારમાં જ હાથ-પગ ઉછાળવા વગર શું કરી શકે…?

થોડે દૂર લગભગ એક એકર જમીનમાં ફેલાયેલો એક આધુનિક બંગલો તેને દેખાયો.

બંગલાના નિર્માણ પાછળ કેટલો ખર્ચો થયો હશે તેની કલ્પના કરતા જ તે આશ્ચર્યચકિત બની ગયો.

એ આખો બંગલો ખુબસુરત આરસપહાણથી બનાવવામાં આવ્યો હતો. લાંબી-પહોળી ભૂમિમાં એ બંગલો નવી અને જૂની વાસ્તુકલાનો જીવતો-જાગતો નમૂનો હતો.

પથ્થરમાં પરોવાયેલા સંગેમરમરી ફૂલ, પાંદડા, નવી ડિઝાઈનની ચિત્રકળા અને વિભિન્ન પ્રકારની શૈલીઓથી સુસજ્જિત એ બંગલાનું નામ હતું ‘સ્નો વ્હાઇટ...!’

દિલીપ હજુ તો ‘સ્નો વ્હાઇટ’ની ઇમારતના નિર્માણકાળના નિરીક્ષણમાં મશહુલ હતો ત્યાં જ તેની નજર બંગલામાંથી જલ્દી બહાર આવી રહેલાં કેટલાક માણસો પર પડી.

એમાં બે યુવાનો, બે યુવતીઓ અને એક વૃદ્ધ સજ્જન હતા.

એમની પાછળ ચાર નોકરો હતાં.

એ સૌના હાથમાં નાની-મોટી બેગો હતી.

એમના ચહેરા પર પરેશાની નાચતી હતી અને તેમના હાવભાવમાં એક કારમા ભયનો આભાસ મળતો હતો.

બંને યુવતીઓ અત્યંત સુંદર અને સુકોમળ હતી. એમાંથી એક અમેરિકન અને બીજી બંગાળી જેવી લાગતી હતી.

મહિલા વૃદ્ધ સજ્જનની પત્ની લાગતી હતી.

એણે નોકરોને સમાન બહાર ઉભેલી બે કારમાં ગોઠવવાનો સંકેત કર્યો.

વૃદ્ધ સજ્જને પોતાના હાથમાં પકડેલી હાથીદાંતની લાકડી જોરથી પકડી. પોતાની બાજુમાં ઉભેલી મહિલાને ઉદ્દેશીને કહ્યું, ‘એક કારમાં તો આપણે બધા હરગીઝ નહીં સમાઈ શકીએ.’

‘સાચી વાત છે.’ મહિલા બોલી, ‘આપણે આપણી બીજી કારનો ઉપયોગ કરીશું. કારણકે આજે આપણે અહીં આવેલા ધરતીકંપમાં આપણી કારને છોડી શકીએ છીએ તેમ નથી. કેટ-કેટલી તકલીફ વેઠીને, વિનંતી કરીને, મુખ્યમંત્રીશ્રીની લાગવગ...’ વાક્ય અધૂરું મૂકીને એ ચૂપ થઇ ગઈ.

‘ઓહ, મમ્મી...!’ સહસા એક યુવાને કહ્યું.

‘બોલ શશીકાંત...!’ આધેડ મહિલાએ યુવાનને ઉદ્દેશીને બોલી.

‘તને તો બસ કારની જ પડી છે!’ શશીકાંતે અપલક દ્રષ્ટિએ બાંગ્લા સામે તાકી રહેતા કહ્યું, ‘સ્નો વ્હાઇટ’ ને કંઈ થશે તો મારો તો જીવ જ નીકળી જશે મમ્મી...! એની ખુબસુરતી પર હું હજુ સુધી જીવતો રહી શક્યો છું.’

‘તું એની ખુબસુરતી પર નહીં પણ એની કિંમતનું અનુમાન કરીને જીવી રહ્યો છે શશીકાંત...!’ એની બાજુમાં ઉભેલો બીજો યુવાન બોલ્યો.

‘આ તું શું કહે છે દલસુખ...?’ શશીકાંતએ અચરજભર્યા અવાજે પૂછ્યું.

‘હું સાચું જ કહું છું…!’ દલસુખ ઉદાસ અવાજે બોલ્યો, ‘એક ને એક દિવસ તું ચોક્કસ આ ‘સ્નો વ્હાઇટ’ ને રેસના ઘોડા તથા શરાબ-શબાબ પર એક ભેટ ચડાવી દઈશ એના પછી…’

‘મારા દીકરા શશીકાંત વિષે તું કશું બોલ્યો તો પછી મજા નહીં આવે દલસુખ...ખબરદાર...જો આજ પછી ક્યારેય બોલ્યો છે તો…’ મહિલાએ ક્રોધભરી નજરે દલસુખ સામે તાકી રહેતા કહ્યું.

‘કામિની, આ દલસુખ પણ છેવટે એક રીતે તો તારો પણ પુત્ર જ છે ને?’ વૃદ્ધ દરમિયાનગીરી કરતા બોલ્યો, ‘સાવકો છે તેથી શું થઇ ગયું? તારા પર તો બિચારો પ્રાણ પાથરે છે!’

‘વારુ...વારુ...આ સમય આદર્શ બતાવવાનો કે વેદિયાવેડા કરવાનો નથી.’ કામિનીએ પોતાના વૃદ્ધ પતિ સામે કઠોર નજરે તાકી રહેતા કહ્યું, ‘બેન્કની પાસબુક તો સલામત રાખી છે ને?’

‘ઓહ ડાર્લિંગ...!’ સહસા અમેરિકન યુવતી શશીકાંતના ગાળામાં પોતાનો હાથ પરોવતાં બોલો, ‘શું આજે આપણે અહીં બાર વાગ્યા સુધી નહીં રોકાઈ શકીએ? હાઉ વન્ડરફુલ...! મને અવાજરહિત બૉમ્બ ફૂટતો જોવાની ખુબ જ ઈચ્છા છે…! કેટલું અદભુત...કેટલું રોમાંચક હશે તે વખતનું દ્રશ્ય...!’

‘હા...હા...કેમ નહીં મેમસા’બ…! આમેય તમારે તો નર્કમાં જ જવાનું છે ને?’ બંગાળી યુવતી કે જે દલસુખની પત્ની હતી, એ બોલી, ‘ચાલો પિતાજી...જલ્દી કરો…! નાહકમાં જ આપનું બ્લડપ્રેશર વધી જશે.’

આ દરમિયાન નોકરોએ બંને કારમાં સામાન મૂકી દીધો હતો.

સૌ કારમાં બેસી ગયા.

અને પછી વંટોળિયાની માફક બંને કાર અજ્ઞાત દિશા તરફ વહેતી થઇ.

“સ્નો વ્હાઇટ” ના ભવ્ય ગેટ અને મુખ્ય દરવાજા ઓટોમેટિક વિદ્યુત લોકથી બંધ થઈ ગયા હતા. અંદર લાખો રૂપિયાનો કિંમતી માલ હજુ પણ ભર્યો પડ્યો હતો.

શાંતિનગરના મોટા ભાગના બંગલાઓને તાળા લાગી ગયાં હતાં અને હજુ પણ કેટલાકને લાગી રહ્યા હતા.

લોકો ટપોટપ બારણાં બંધ કરીને પોતાના બંગલામાંથી બહાર નીકળતા હતા.

સૌના ચહેરા પર શોકનું કાળું કફન લપેટાયેલું હતું.

એમની આંખોમાં ભય,ખોફ,અચરજ અને દહેશતના હાવભાવ છવાયેલા હતા.

પુરુષોમાં ફડફડાટ વ્યાપી ગયો હતો.

જયારે સ્ત્રીઓ ગભરાટભર્યા સવારે ની:શ્વાસ નાખતી હતી.

શાંતિનગરનો એક-એક નાગરિક જાહેરાત વાંચીને બેચેની અનુભવતો હતો.

સૌ પોતાની મમતાભરી નજર પોત-પોતાના બંગલા પર નાખતા હતા.

-એ બાંગ્લા કે જેમાં પોતાની હરામની કમાણીનો કાળો પૈસો બોલી રહ્યો હતો.

-એ બંગલા કે જેમાં મોટા માણસો ની ગંદી અને બીભત્સ જિંદગીનો રોપ ઉછરીને હવે વિશાળ આકારમાં પોષાતા હતા.

-એ બંગલા કે જેમાં પાપલીલાની લાંબી દાસ્તાન શરુ થઇ હતી અને પૂરું થવાનું નામ જ નહોતી લેતી!

આજની સવાર પહેલા આ બંગલાના ભગવાનો પોતાની જાતને સંપૂર્ણ સલામત સમજતા હતા.

-અને સવાર પછી જાણે એ જ બંગલો તેમને ભભૂકી રહેલા જ્વાળામુખી જેવો લાગતો હતો.

અલબત્ત, બાળકોમાં જરૂર કઈંક વધારે જોશ, ઝિંદાદિલી, ઉત્સુકતા અને ઉમંગનાં ભાવ દેખાતો હતો.

તેઓ ટોળે વળીને જાણે કોઈક મદારીનો ખેલ નિહાળતા હોય એ રીતે વારંવાર જાહેરાત વાંચતા હતા.

અંદરોઅંદર વાતચીત કરતા હતા.

અને પછી પોતાના પિતા કે માતાની બુમ સાંભળતા જ ચહેરાને ગંભીર બનાવીને સરકી જતા હતા.

દિલીપે કાંડાઘડિયાળમાં સમય જોયો.

સાડાદાસ વાગ્યા હતા.

શાંતિનગરની વસ્તી અર્ધ ઉપરાંત ખાલી થઇ ગઈ હતી.

જે લોકો નહોતા ગયા, તેઓ અત્યારથી જ જાણે બંગલાની બહાર સેંકડો સાપ એકઠા થઇ, ફેણ ચડાવીને બેઠા હોય એ રીતે અંદરના ભાગમાં ઘુસી ગયા હતા.

દિલીપે સવારના માત્ર એક કપ કોફીનો પીધો હતો અને હવે તેને ભૂખ સતાવતી હતી.

સામે જ શાંતિનગરની બજાર દેખાઈ.

તે એ તરફ આગળ વધ્યો.

મોટાભાગની દુકાનો બંધ હતી જે ખુલ્લી હતી ત્યાં દુકાનદારો બંધ કરવાની વેતરણમાં પડ્યા હતા.

સોના-ચાંદીનો એક ભવ્ય શો-રૂમ ઉઘાડો હતો.

શો-રૂમનો મારવાડી જેવો દેખાતો મલિક અંદર પોતાના બે નોકરોની મદદથી શો-કેસ અને બોક્સમાંથી ઝપાટાબંધ કિંમતી ઝવેરાત કઢાવીને પગ પાસે પડેલી એક મોટી સૂટકેસમાં ભરતો હતો.

એના ચહેરા પરથી પરસેવાના મોટા મોટા બિંદુઓ ટપકતા હતા અને તે તરસ્યા ઘોડાની જેમ હાંફતો હતો.

સૂર્યનો ગોળો આસમાન પર ચમકતો હતો. પરંતુ સાગરની ઠંડી હવા એની ગરમીને વધવા નહોતી દેતી.

દિલીપે ચારે તરફ નજર દોડાવી.

કેટલાય દુકાનદારો ગભરાટથી પોતાનો માલ સગેવગે કરી રહ્યા હતા.

પછી તેની નજર એક ઉઘાડી ઝૂંપડી જેવી દુકાન પર પડી.

દુકાનમાં તેનો ગરીબ મલિક બાજુમાં સળગતી સગડી પર ચા ઉકળતો હતો.

દિલીપ લાંબા-લાંબા ડગલાં ભરતો ત્યાં પહોંચી ગયો.

‘ભાઈ...એક કપ ચા…’પછી કાચની બરણીમાં ખારી બિસ્કિટ જોઈને બોલ્યો, ‘થોડા બિસ્કિટ પણ આપજો.’

‘સાહેબ...!’ દુકાનદારે આશ્ચર્યથી દિલીપ સામે જોતા કહ્યું, ‘શું ખરેખર જ તમે અહીં- મારી દુકાને ચા પીવા માટે આવ્યા છો!’

‘તો, શું તમારી દુકાનમાં લૂંટ ચલાવવા માટે આવ્યો છું એમ તમે માનો છો?’ દિલીપે સ્મિત ફરકાવતા પૂછ્યું.

‘એવી વાત નથી સાહેબ...’

‘તો પછી કેવી વાત છે?’

‘સાહેબ, તમે પહેલા જ એવા માણસ છો જેને સવારથી માંડીને અત્યાર સુધીમાં મારી દુકાનમાં પગ મુક્યો છે. આજના દિવસના તમે પહેલા ગ્રાહક છો.’ આટલું કહીને દુકાનદારે ટીનના એક બોર્ડને ફેરવ્યું. આ મનહૂસ જાહેરાતે આજે મારા વેપારને જબરો ફટકો માર્યો છે.

‘મને પણ એ જ વાતની નવાઈ લાગે છે!’ દિલીપે હસીને કહ્યું, ‘આ જ મનહૂસ જાહેરાત વાંચી વાંચીને લોકો ઉડન છું થતા જાય છે.જયારે તમે એકલા જ અહીં, તમારી દુકાનમાં આરામથી બેઠા છો. શું તમને ભય નથી લાગતો?’

‘ના…’

‘કેમ…?’ દિલીપે ત્યાં પાથરેલી લાકડાની એકબેન્ચ પર બેસ્ટ પૂછ્યું.

‘જેને પોતાની જિંદગીનો મોહ હોય એને જ રફુચક્કર થવાની ઉતાવળ હોય સાહેબ...!’ દુકાનદારે તેના હાથમાં ચાનો કપ તથા કાચની રકાબીમાં સાત-આઠ બિસ્કિટ આપતા કહ્યું, ‘જેમની પાસે જીવવા માટે સુખ સગવડભર્યા સાધનો છે, છે, મોટા માણસો છે, બંગલા-કોટેજો અને સુંદર કારના માલિકો છે, એ બધાના જીવ કિંમતી છે? મારી પાસે શું છે? આ જ હાડમાંસનું શરીર, જે નિત-નવા નખરા કરે છે. મારે માટે તો જિંદગી જ મોત કરતા વધુ ભયંકર છે, સાહેબ!’

દિલીપ ચા-બિસ્કિટનો નાસ્તો કરતા અચરજભરી નજરે દુકાનદારના ચહેરા સામે તાકી રહ્યો.

પછી પૈસા ચૂકવીને તે શાંતિનગરમાં ચક્કર લગાવવા માટે નીકળી પડ્યો.

થોડે દૂર એક બંગલાની ત્રણ ફૂટની કમ્પાઉન્ડ વોલની પેલે પાર તેને પેસ્તનજી, વિલિયમ અને બીજા-બે ચાર માણસો ઉભેલ દેખાય!

એ સૌની નજર દૂર ફેલાયેલી લાંબી સડક પર જામી હતી.

તેઓ પોલીસના આગમનની રાહ જુએ છે, એવું દિલીપને લાગ્યું.

બાર વાગવામાં હવે માંડ પાંત્રીસ મિનિટની વાર હતી.

એણે પણ સામેની સડક પર નજર સ્થિર કરી.

થોડી વારમાં જ એ તરફથી પોલીસની ચાર જીપ દોડી આવતી દેખાઈ.

દિલીપ એક બંગલાના ફાટક પાસે ઉભો રહીને જીપમાંથી ઉતારતા પોલીસદળ સામે તાકી રહ્યો.

સૌથી આગળની જીપમાંથી ઇન્સ્પેક્ટર ઉતર્યો.

આ દરમિયાન પેસ્તનજી, વિલિયન તથા બીજા કેટલાય માનવીઓ બહાર નીકળીને પોલીસોની વચ્ચે પહોંચી ગયા હતા. એ લોકોએ આજુબાજુના બંગલાના ફાટકો પર ચોંટાડેલા પોસ્ટરો તરફ આંગળી ચીંધીને પોતાની સલામતીની માંગણી કરી.

ઈન્સ્પેક્ટરે આગળ વધીને એક પોસ્ટરનું લખાણ વાંચ્યું.

પછી એ પુન: તેમની પાસે પહોંચ્યો.

આ પોસ્ટર ચોંટાડનારને કોઈએ જોયો છે.

સૌએ નકારાત્મક ઢબે માથું હલાવ્યું.

‘જુઓ મહેરબાનો...!’ એ પોતાની હેટ આગળના ભાગમાં નમાવતા બોલ્યો, ‘મને તો આ કોઈક માણસના ગાંડપણ સિવાય બીજું કશું જ નથી લાગતું.’

‘પણ સાહેબ, આવું ગાંડપણ કરવાનો શું અર્થ છે?’

‘મહેરબાન...ગાંડપણ એ ગાંડપણ જ છે…! ગાંડપણનો કોઈ અર્થ નથી હતો…!’ ઈન્સ્પેક્ટરે પછી પોતાની સાથે આવેલા સિપાહીઓને ઉદ્દેશીને આદેશાત્મક અવાજે બોલ્યો, ‘તમે બધા આ વિસ્તારમાં ચારે તરફ ફેલાઈ જાઓ અને જો કોઈને સડક પર કશુંયે ફેંકતા જુઓ તો તાબડતોડ તેની ધરપકડ કરી લેજો. મારી સૂચનાની રાહ જોશો નહિ. જાઓ જલ્દી કરો…!’

સિપાહીઓ તાબડતોડ ચારે તરફ ફેલાઈ ગયા.

‘ઇન્સ્પેક્ટર સાહેબ...!’ સહસા પેસ્તનજી વિવેકભર્યા અવાજે બોલ્યો, ‘બાર વાગવામાં હજુ થોડી વાર છે!’

‘હા, તો…?’

‘ત્યાં સુધીમાં મારા બંગલે પધારીને એક કપ ચા…’

‘ના...થેંક્યુ...!’ ઈન્સ્પેક્ટરે માથું ધુણાવતા કહ્યું, ‘હું અહીં સડક પર જ રહીશ. હા, બાર વાગ્યા પછી હું જરૂર તમારે ત્યાં પધારીશ અને ચા ની સાથે સાથે તમારી ઈચ્છા હોય તો નાસ્તો પણ કરીશ.’

‘જરૂર...જરૂર...!’ પેસ્તનજી હસીને બોલ્યો.

દિલીપે ચારે તરફ નજર દોડાવી.

જે લોકો હજુ નહોતા ગયા તે સૌ પોતપોતાના બંગલાના દરવાજા અને બારીની તિરાડમાંથી સડક પર ચોકી કરેલા સશસ્ત્ર સિપાહીઓ સામે તાકી રહ્યા હતા.

દિલીપે પોતાની કાંડાઘડિયાળમાં સમય જોયો.

બાર વાગવામાં હવે ફક્ત પાંચ મિનિટની વાર હતી.

થોડે દૂર ઊંચા સ્થાન પર તેને એક કોટેજ દેખાયું.

કોટેજની બહાર એક ઊંચો પાકો ચાન્ટરનો ઓટલો હતો.

દિલીપે ત્યાં પહોંચીને સડક પર નજર રાખવાનું નક્કી કર્યું.

એ ઝપાટાબંધ ઉતાવળા પગલે તે ઓટલા પર પહોંચી ગયો.

એ સ્થાને પહોંચીને એણે જેવી પહોંચીને એણે જેવી પોતાની ગરદન નમાવી, ત્યાં સહસા જ તેનું કાળજું થરથરી ઉઠ્યું.

એના શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ.

એક ભયંકર અવાજ સાથે કોઈક ચીજના ફાટવાનો ધડાકો સંભળાયો.

જાણે પગ નીચેથી જમીન ખસી રહી છે એમ દિલીપને લાગ્યું.

એણે આંખો ઊંચી કરીને સડક સામે જોયું.

વળતી જ પળે જાણે પોતાની નજર સામે ગધેડાના માથા પર શીંગડા ફૂટી નીકળતા જોતો હોય એવા નર્યા અચરજના હાવભાવ તેના ચહેરા પર છવાયા.

સિમેન્ટ કોંક્રેટની ફોલાદી સડક વચ્ચેથી ફાટી ગઈ હતી.

ફાટી ગયેલી સડક વચ્ચેથી લાલ ગેસની મોટી લકીર ઉપર ઉઠતી હતી.

દિલીપે દોડીને એ સ્થાને પહોંચવાનો પ્રયાસ કર્યો.

પરંતુ પછી એણે જોયું-

એ ધમાકાથી જે લાલ ગેસ નીકળી રહ્યો હતો, તે એક મોટી અને અભેદ ચાદરણું રૂપ ધારણ કરીને સમગ્ર વિસ્તાર પર ફેલાતો જતો હતો.

એ ચાદરની આરપાર કશું જ દેખાતું ન હતું. ચારે તરફથી લોકોની ચીસાચીસ, કોલાહલ અને ગભરાટભર્યો શોરબકોર આવતો હતો.

જે તરફ એ લાલ ગેસ નહોતો છવાયો એ તરફ આગળ-પાછળ કશાયનો વિચાર કર્યા વગર દિલીપ દોડવા લાગ્યો.

દોડતા દોડતા એણે જોયું તો પોલીસના માણસો પણ ગેસથી બચવા માટે હદથી બહાર ધસી જતા હતા.

ઇન્સ્પેક્ટર સીટની નીચે માથું નમાવીને, રૂમાલથી નાક દબાવીને બેઠો હતો.

દિલીપ જેમ જેમ આગળ વધતો ગયો એમ એમ એને અનુભવ થતો ગયો કે વાતાવરણમાં લાલ ગેસ સંપૂર્ણ રીતે છવાઈ ગયો છે.

ગેસની અસર હવે તેના પર પણ થવા લાગી હતી.

એની આંખો બળતી હતી.

ગાળું સુકાતુ હતું.

સમગ્ર દેહમાં એક ન સમજાય તેવી બેચેની વ્યાપી ગઈ હતી.

અચાનક જ તે પરસેવાથી રેબઝેબ થઇ ગયો હતો.

પોતાના શરીર પર આ ઝેરી ગેસની જ અસર થઇ છે, એ વાત તે તરત સમજી ગયો હતો.

હવે ત્યાં વધારે રોકાવું એ હાથે કરીને મોતને આમંત્રણ આપવા જેવું હતું.

એના કાને જીપ દોડવાનો અવાજ અથડાયો.

એ જીપ કે જેમાં જીવ બચાવ ખાતર ઇન્સ્પેક્ટર તથા સિપાહીઓ નાસી જતા હતા.

દિલીપના હોઠ પર હળવું સ્મિત ફરકી ગયું.

સહસા તેને સામેની દિશામાં ફેલાતા ગેસના બારીક આવરણની પેલે પાર કેટલાક માણસો દેખાયા.

બે પુરુષ અને એક સ્ત્રી.

ત્રયેણનો પહેરવેશ ખુબ જ વિચિત્ર હતો.

તેમના મોં પર બારીક જાળીવાળા નકાબ હતા.

દિલીપ એક ખૂણામાં સરકી ગયો.

એની સામેથી પસાર થઈને એ ત્રણેય નકાબપોશ થોડે દૂર આવેલા એક બંગલામાં પ્રવેશતા દેખાયા.

તેમનો પીછો કરવાના આશયથી દિલીપે એ દિશામાં પગને આગળ ધપાવ્યા.

પરંતુ એકાએક લાલ ગેસ સુ...સુ...સુસવાટા નાખતો તેના ચહેરા પર ઘસી આવ્યો.

એની આંખોમાં જાણે કોઈ લાલ મરચાનો ભુક્કો છાંટ્યો હોય એવી કાળી વેદના તેને થવા લાગી.

કાનમાં સિસોટીઓ ગુંજવા લાગી.

દિમાગ પર જાણે હથોડા ઝીંકવા લાગ્યા.

એ આંખો બંધ કરીને, બંને હાથે માથું પકડીને ત્યાં જ બેસી ગયો.

***