શનિરવિ Raeesh Maniar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શનિરવિ

શનિરવિ

રઈશ મનીઆર

ધોમધખતો ઊનાળો હોય. દૂરદૂર સુધી કોઈ વસ્તી ન હોય, ક્યાંય છાંયડો ન હોય એવા ભેંકાર વગડામાં સડક બનાવવાનું ભીષણ કામ કરતાં મજૂરોનાં જીવન મોતથી ય બદતર હોય એમ લાગે પણ આવા જ એક મજૂરીના કામમાં વાલજી અને કમલા ક્યાંક ભેગા થઈ ગયા હતા. બાકી ક્યાં પંચમહાલ જિલ્લાનો વાલજી અને ક્યાં ઉત્તર કર્ણાટકના કોઈ જિલ્લાની કમલા! કમલાના બાપુ સુવ્વર પકડવાનું કામ કરતા. એના નવ બાળકોની જિંદગી સુવ્વરોથી બહેતર નહોતી. કમલા એમાં સૌથી મોટી. વાલજી 14 વરસની ઉંમર પછી ઘરે ગયો નહોતો. કમલાએ જોયું કે વાલજીને કોઈ લત કે વ્યસન નહોતું. એ પોતાના બાપ જેવો નહોતો. કપચી ઊંચકતાં, ડામર પાથરતાં બન્નેની આંખ મળી અને કોઈ વિધિ વગર બન્ને એક થયા.

ત્રીજા વરસે કમલાને બીજું બાળક અવતર્યું, ત્યાં સુધી વાલજીની જિંદગી ખાસી બદલાઈ ચૂકી હતી. બદતર હાલતમાં બાળપણ વીતાવનાર માટે કોઈ પણ સંઘર્ષ પ્રગતિ જ લઈને આવે. તકદીરના ધક્કે થોડાં ઠેકાણાંઓ બદલી તેઓ શહેરમાં આવ્યા. અહીં દેશના અલગ અલગ પ્રાંતમાંથી આવેલા લોકોની બે પાંદડે થવાની અદમ્ય ઝંખનાને કારણે નદીના પટમાં એક વસાહત સરજાઈ હતી. શહેરના સુધરેલા લોકો એને ઝૂંપડપટ્ટી કહેતા, પણ વાલજી અને કમલા માટે એ અત્યારે સુધીનો શ્રેષ્ઠ આશરો હતો. આખી વસાહત રાજકીય પક્ષ માટે મતબેંક હતી, એટલે સહુ માટે રેશન કાર્ડ, આધારકાર્ડ, વીજળી માટે સરકારી બલ્બ, આખી ઝૂંપડપટ્ટી વચ્ચે 4 નળ અને બે સ્ટ્રીટલાઈટ... આટલી સુવિધા વડે વસાહત સજ્જ હતી. મુખ્ય રસ્તા પર નેતાનું ઝાડુ સાથેનું મોટું બેનર આવી ગયું હતું. અને સૌ કહેતા હતા કે બેનર આવ્યું એટલે હવે સુલભ શૌચાલય પણ બનવાનું જ.

કમલાના પહેલા બાળકનું નામ શનિ. બાજુવાળા દાદા હરમાનજીના ભગત હતા, એમણે પાડ્યું આ નામ. બીજું બાળક જન્મ્યું ત્યારે કોઈ મજાકમાં બોલ્યું, “રવિ આવ્યો!” દિવસો સુધી આ સિવાય બીજું કોઈ નામ સત્તાવાર રીતે પાડવામાં ન આવ્યું, એટલે ‘રવિ’ નામ જ ફાઈનલ થયું.

વાલજી હવે મજૂરમાંથી કડિયો બની ગયો હતો. કમલા બે બાળકની મા હતી. એ બે બાળકોને ઉછેરવાનું કામ કોઈ પૂરા સમયના કામ કરતાં ઓછું કામ નહોતું. જોતજોતાંમાં શનિ અઢી વરસનો થયો, અને રવિ 1 વરસનો થયો. બન્ને બાળકોને આજુબાજુના ઘરની કિશોરીઓ રમાડીને કમલાનો ભાર હળવો કરતી. છોકરીઓ રવિને દીવાલને ટેકે બેસાડવા મથતી હતી અને રવિ નમી પડતો એટલે ખૂબ હસતી. એ જોઈ એક દિવસ પડોશણ જીવી ડોશીએ કહ્યું, “રવિ વરસનો થયો, એના ચાલતો થવાનો સમય થયો, પણ હજુ બેસતો ય નથી!”

કમલા પોતાના આઠ નાનાં ભાઈબહેનને આપોઆપ ઉછરતાં જોઈને બાળઉછેર શીખી હતી. બાળક તો આપમેળે બોલતું-ચાલતું થાય એવી જ એની સમજ હતી. પણ આ જીવીદાદીએ એના મનમાં ચિંતા નાખી. પંદરેક દિવસ સુધી એણે પોતે પણ જોયું કે રવિ ટટ્ટાર બેસતો નથી, એના કમર અને પગ પર એણે ચકાસી જોયા. કંઈ સમજાયું નહીં. એણે વાલજીને વાત કરી. વાલજીની સીધીસરળ જિંદગીમાં આ પ્રશ્નનો કોઈ જવાબ નહોતો. ભીંત ટટ્ટાર રાખવાની એને આવડત હતી. વરસના બાળકની કમર ટટ્ટાર ન હોય તો શું કરવું, એની એને ખબર નહોતી.

કોઈએ સિવિલ હોસ્પીટલ જવા કહ્યું. વાલજીને એટલી જ ખબર હતી કે મજૂર પાલખી પરથી પડી જાય, માથું ફાટી મરી જાય ત્યારે પોસ્ટમોર્ટમ માટે સિવિલ જવાનું થાય. સિવિલ જીવતા માણસો માટે પણ છે, એવો એને આજે ખ્યાલ આવ્યો.

અમાસના દિવસે વાલજીને રજા હોય. એ દિવસે એક સામાજિક કાર્યકર મોનાબહેન રવિ અને એના માબાપને લઈને સિવિલ હોસ્પીટલ ગયાં. મોનાબહેન જેવા વગદાર કાર્યકર સાથે હતા તો ય કલાક કેસ કઢાવતા થયો અને બે કલાકે ઓપીડીમાં નંબર લાગ્યો. રવિને તપાસી મોટા ડોક્ટરે વિદ્યાર્થીઓને કહ્યું, “અ કેસ ઓફ સેરિબ્રલ પાલ્સી!” આવતા અઠવાડિયે એમ. ડી.ની પરીક્ષા હતી. એની પ્રેક્ટીકલ પરીક્ષા માટે આ એકદમ ઉચિત કેસ હતો. મોટા ડોક્ટર બોલ્યા, “આને દાખલ કરી દો.” કાર્યકર મોનાબહેને પોતાની રીતે સમજાવ્યું, “આ લોકો રવિને ચાલતો કરી દેશે, બેચાર દિવસ દાખલ કરી દો!”

મેડીકલના વિદ્યાર્થીઓ રોજરોજ આવી રવિના હાથપગ મચડતાં. કમલાને પૂછતાં, “જન્મ વખતે બાળક તરત રડેલું કે વાર લાગેલી? જનમ વખતે નાળ એના ગળા ફરતે વીંટળાયેલી હતી?” છોકરાઓની પરીક્ષામાં રવિનો કેસ મૂકાયો. બહારગામથી પરીક્ષકો આવ્યા હતા. આખી ઘટનાના કેંદ્રમાં રવિ રહ્યો ખરો, પણ એને કોઈ ફાયદો ન થયો. એક મહિનો થયો. કમલાને થયું હવે રજા મળી જાય તો સારું. પણ સિવિલનું સીટીસ્કેન મશીન બગડેલું હતું તેથી એ મુખ્ય તપાસ હજુ બાકી હતી. છેક બીજી અમાસે વાલજી ફ્રી થયો ત્યારે એણે આવીને બળજબરીથી રજા લેવડાવી. કમલાને તો અહીં સિવિલમાં જમવાનું મળતું પણ વાલજી સવારસાંજ દસ રુપિયાવાળું સેવ-મમરાનું પડીકું ખાઈને કંટાળ્યો હતો. રજા આપતી વખતે શિખાઉ ડોક્ટરે રજાનો કાર્ડ બનાવી સિસ્ટરને અંગ્રેજીમાં કંઈ કહ્યું, સિસ્ટરે કમલાને ગુજરાતીમાં કહ્યું, “આ બિમારીની કોઈ દવા નથી. રોજ કસરત કરાવવા કસરતના વિભાગમાં અગિયાર નંબરમાં લઈ આવવાનું. અને મહિને મહિને એકવાર અહીં આવવાનું. ધીમે ધીમે આવી જશે!”

આ બધી પળોજણનો કોઈ અનુભવ નહોતો એટલે વાલજીએ તો હાથ ઊંચા કરી દીધા. બે મહિનામાં રવિના પગ વધુ કડક થવા લાગ્યા. એક દિવસ કાર્યકર મોનાબેન આવી કમલાને ખૂબ ખિજાયા, “છોકરું લૂલૂં-લંગડું થઈ જશે! તમે તો જનમ આપી છૂટી ગયા! આ છોકરાની જિંદગી શું?” કમલાએ એમના દબાણથી કસરતના વિભાગમાં જવાનું શરૂ કર્યું. બે કલાક વારો આવે એની રાહ જોવાની. પંદર મિનિટની કસરત. આ 15 મિનિટની કસરત માટે સવારની નીકળેલી કમલા મોડી બપોરે ઘરે પહોંચતી. ધીમેધીમે ઘરમાં બપોરનું ભોજન બનવાનું બંધ થયું. બપોરે જમવાના સમયે કમલા સિવિલમાં હોય, વાલજી કામ પર હોય. દસ રુપિયાના સેવમમરાના પડીકાથી બન્નેનું ટાણું સરવા લાગ્યું. કમલા શનિ માટે પાર્લે-જીનું બિસ્કીટ પડોશની છોકરીને આપી જતી.

રવિને રોજ 15 મિનિટ કસરત કરાવતી સરકારી ફિઝિયોથેરાપિસ્ટે ફોન પર વાત કરવાની અને કસરત કરાવવાની બન્ને ક્રિયા એક સાથે સમાંતરે કરી શકવાની કુશળતા સાધી લીધી હતી. કમલા એને કોઈ સવાલ પૂછી શકતી નહીં. વાલજી ઘરે રાતે કમલાને પૂછે ત્યારે “મહેનત ચાલુ રાખીશું તો રવિ એક દિવસ ચાલતો થઈ જશે” એ મોનાબહેને શીખવાડેલા જવાબ સિવાય બીજો કોઈ જવાબ એ આપી શકતી નહીં.

બાળકોના વિભાગમાં દર મહિને બતાવવા જતી ત્યારે શિખાઉ વિદ્યાર્થીઓ રવિનો પગ એ રીતે મચકોડતાં જાણે એ કોઈ નિર્જીવ રમકડું હોય. પછી ‘મસલ ટોન’ અને ‘પાવર’ ‘સી.પી.’ વગેરે શબ્દો કમલાને કાને પડતા. અભણ કમલાને એટલો ખ્યાલ આવ્યો કે રવિના પગના સ્નાયુ કડક છે અને તાકાત ઓછી છે. પછી તો ડોક્ટરોને સાંભળી સાંભળી એ સમજી ગઈ કે રવિના પગમાં ‘મસલ ટોન’ નામની વસ્તુ વધારે છે અને ‘મસલ પાવર’ નામની વસ્તુ ઓછી છે.

આ બધા પૂતળા જેવા એક્સરખા વિદ્યાર્થીઓ અને ડોક્ટરોની વચ્ચે માત્ર એક મેડીકલ સ્ટુડન્ટની આંખો જીવંત હતી. બિંદી એનું નામ. એ કમલાને અને રવિને ‘માણસ’ સમજીને જોતી. છોકરી બહુ સહાનુભૂતિવાળી અને સેવાભાવી હતી. ક્યારેક કમલાના ખોળામાં પાર્લેનું પડીકું કે કેળાં મૂકી જતી. બિંદીને જ્યારે ખબર પડી કે આજ સુધી કોઈ ડોક્ટરે કમલાને સરખું સમજાવ્યું જ નથી કે એના બાળકને શું બિમારી છે અને એનો ઈલાજ શું છે, ત્યારે એ હતપ્રભ થઈ ગઈ. એણે રવિનો કેસપેપર બરાબર સ્ટડી કરીને કમલાને રવિની બિમારી માટે વિગતે સમજાવ્યું.

કમલા માટે આ એક નવો જંગ હતો. અપંગ બાળકો એણે નહોતા જોયાં એવું નહોતું. એના કાકાને બાળપણથી પોલિયો હતો. મામાનો એક પગ એક્સીડંટમાં કપાઈ ગયેલો. પણ જે સ્વસ્થ હોય એ સ્વસ્થ હોય અને અપંગ હોય એ અપંગ હોય! એવી સાદી સમજ એને હતી. અપંગ માટે માબાપે કંઈ જવાબદારીથી કરવાનું હોય, એવી એને ખબર નહોતી. પોતાના બાળકની અપંગતા જોઈ ત્યારે એને સમજાયું કે બહુ પાતળી આશા હોય તો પણ સારા માબાપે અપંગને સક્ષમ બનાવવા માટે પ્રયાસ કરવો પડે. બિંદીએ એને સમજાવ્યું, “આ ફિઝિકલી ચેલેંજ્ડ બાળક છે!” કમલાને ખ્યાલ આવ્યો કે કાર્યકર જેને ‘લૂલૂં-લંગડું’ કહે છે એને આ લોકો ‘ફિઝિકલી ચેલેંજ્ડ’ કહે છે. પછી તો સરકારી મદદ માટે બિંદીએ અરજીઓ કરાવી ત્યારે એણે ‘દિવ્યાંગ’ નામનો શબ્દ સાંભળ્યો. જો કે એની વસાહતમાં આ ‘દિવ્યાંગ’ શબ્દ કોઈ સમજતું નહીં, માત્ર સરકારી માણસો જ આ શબ્દ સમજતાં.

બિંદી રવિને મગજના અને હાડકાના ડોક્ટરો પાસે લઈ ગઈ. બિંદીએ મોનાબહેન સાથ વાત કરી, એક અમાસના દિવસે વાલજી સાથે પણ વાત કરી. બિંદી કમલાને કાયમ કહેતી, “મારા પપ્પા લાયન્સ ક્લબમાં છે. એ હેલ્પ કરશે.” કમલાને સમજાતું નહીં કે એ કેવી રીતે મદદ કરશે. કોઈ પોલિસમાં હોય કે મંછીપાલ્ટી(મ્યુનિસિપાલિટી)માં હોય, તો મદદ કરે, પણ આ ક્લબ એટલે શું? અંગ્રેજી માધ્યમમાં ભણેલી બિંદીને ‘ક્લબ’ શબ્દનું ગુજરાતી શોધતાં બહુ તકલીફ પડી. એ બહુ વિચારીને ક્લબનું ગુજરાતી શોધી લાવી, “ટોળકી!” કમલા એક દિવસ કસરતમાં વારો આવે એની રાહ જોતી ત્યારે બાજુમાં એક ભણીલી મમ્મી એની છોકરાને ઈંગ્લિશ દેશી હિસાબ શીખવતી એમાં અછડતું ધ્યાન પડતાં એને ખ્યાલ આવ્યો હતો કે લાયન એટલે સિંહ. પણ પછી પ્રશ્ન એ થયો કે ‘સિંહની ટોળકી’માં માણસ શું કામ હોય, અને એ લોકો શિકાર કરે કે મદદ કરે? આ બધું એની સમજની બહાર હતું. છતાં એ આશા રાખતી કે ધીમેધીમે સમજાશે અને સમજાતું ય ખરું.

બિંદીના પપ્પા કમલા અને રવિને એક સભામાં લઈ ગયા ત્યાં સિંહ તો એક પણ નહોતો પણ માણસોની ટોળકીએ રવિને પગમાં પહેરાવવાના કેલિપર્સ આપ્યા અને એ આપતી વખતે બહુ બધા ફોટા પાડી લીધા. પછી તો વસાહતમાં કોઈ કહેતું હતું કે રવિનો ફોટો કોઈ પેપરના અંદરના પાને એક ખૂણામાં આવ્યો હતો.

ધીમે ધીમે રવિ બે રીતે હલનચલન કરતો થયો. કેલિપર્સ પહેરેલા હોય તો બન્ને હાથ પકડવાથી ધીમેધીમે થોડુંક ચાલી શકતો અને કેલિપર્સ ન પહેરેલા હોય તો કોઈની મદદ વગર પૂંઠ ઘસડીને આખી વસાહતમાં ફરી વળતો.

પછી તો કસરત વિભાગમાં એક સારા બહેન આવ્યા. એમણે ખૂબ મહેનત કરી. કોઈ ડોક્ટરે એના રિસર્ચના ભાગરૂપે રવિને સ્નાયુમાં ઈંજેક્શનો પણ મૂકયા. ત્રણેક વરસ પછી હાડકા વિભાગના ડોક્ટરોએ એમને એક કેમ્પમાં મોકલ્યા. એમાં પગની ઘૂંટી પાસે સ્નાયુનું નાનું ઓપરેશન થયું. આ બધું કરવાથી રવિ તો ચાલતો થયો નહીં પણ સમય સરકતો રહ્યો.

કમલા હવે એકલી બસમાં બેસી શકતી. બસના નંબરનો આકાર જોઈને એને ખ્યાલ આવી જતો કે આ બસ સિવિલ જશે કે નહીં. સિવિલના સ્ટાફમાં નેવું ટકા પૂતળાં જેવા હતા. બાકીના દસ ટકા રસ લેતા. એમાંથી પાંચ ટકાની દાનત સારી હતી. આ બધું કમલા ધીમેધીમે સમજી ગઈ. વાલજી એને સિવિલના ધક્કા ખાવાની ના પાડતો. કેમ કે ધક્કા ખાઈને થાકેલી કમલા પથારી પડતાં જ સૂઈ જતી. અને વાલજી એના એકમાત્ર મનોરંજનથી વંચિત રહી જતો. એ કમલાને સમજાવતો કે પાંચ વરસ થયા; છે કોઈ ફરક? કમલા કહેતી, “સિવિલ ગયા ન હોત તો આપણો રવિ “લૂલોલંગડો” કહેવાત. પણ ડોક્ટરો એને માનથી “સીપી ચાઈલ્ડ” કહે છે અને સરકારી ચોપડે એને ‘દિવ્યાંગ’ કહેવામાં આવે છે. એ ઓછું છે?”

વાલજીની પણ વાત થોડી ખોટી હતી. રવિમાં ફરક તો પડ્યો જ હતો. બિંદીનો ઉત્સાહ, મોનાબેનની પહોંચ અને કમલાની ધીરજ આ બધાના સમન્વયથી રવિના જીવનમાં કંઈને કંઈ હકારાત્મક ઘટના ઘટતી રહેતી.

રવિ સાત વરસનો થયો ત્યાં સુધીમાં તો તંત્ર એ રીતે ગોઠવાયું કે કમલા અને વાલજીને દિવ્યાંગ બાળકના વાલી હોવા બદલ પેંશન મળવા લાગ્યું. વાલજી અને બીજા કડિયાઓ કામમાં વિરામ લઈ બીડી પીતાં હોય ત્યારે ચર્ચા કરતાં કે સબળું બાળક હોય તો અઢાર વરસ પછી બાપને કમાણી આપે અને વાલજીની જેમ નબળું બાળક હોય તો સાત વરસની ઉંમરથી કમાણી આપે! પછી આ અચંબાભરેલી વાત પર સહુ બહુ હસતા!

સ્પેશ્યલ બાળકોની સરકારી સ્કૂલમાંથી રવિ અને કમલાને લેવા માટે ખાસ અપટુડેટ વાન વસાહતમાં આવતી ત્યારે વસાહતીઓ ટોળે વળી જતા. વાનમાં વળી બીજા બે-એક સવર્ણ દિવ્યાંગ બાળકો હોય અને એની માતાઓ પણ હોય. જો કે કમલા પણ હવે તો બિંદીની મમ્મીની જૂની પણ સ્વચ્છ સાડીઓ પહેરતી થઈ હતી. એટલે ગભરાયા વગર આ મહિલાઓની બાજુમાં બેસતી. ગુજરાતી વાંચતા તો એને નહોતું આવડતું પણ થોડા બોલચાલના અંગ્રેજી શબ્દો એ સમજવા લાગી હતી, એટલે આ મમ્મી સાથે બહુ શાંતિથી મસલ પાવર, મસલ ટોન, ફિઝિયોથેરાપી, કેલિપર્સ, હાયપર, ઇરિટેબલ વગેરે શબ્દો વાપરી “યા” અને “નો” તેમજ ‘ઓલરાઈટ’ ઉદગારો સાથે વાત કરી શકતી. સ્પેશ્યલ સ્કૂલમાં દિવ્યાંગ બાળકો નાનામોટા અલગઅલગ બુદ્ધિમત્તાવાળા હતા. એટલે ઝાઝું ભણવાનું તો હોય નહીં, આખી સવાર રવિ ચોગાનમાં રમતો, સહેજ તડકો થાય એટલે અંદર આવી કાગળપૂઠાં કાપી એક્ટીવીટી કરતો. ચોસલાં ગોઠવી ઘર બનાવતો. બપોરે એક વાગ્યે રવિને સ્કૂલ તરફથી વ્યવસ્થિત ભોજન મળતું. કમલા બીજા તોફાની બાળકોને સાચવવામાં સ્ટાફને મદદ કરતી એટલે મોટા બેનના કહેવાથી મોટેભાગે એને માટે ય બચેલા ભોજનમાંથી પેટ ભરવાનો જોગ થઈ જ જતો. હવે દસ રુપિયાના પડીકા ફક્ત વાલજી માટે હતા. રવિની શાળા આમ તો પોતે જ એક હરવાફરવાના સ્થળ સમી હતી, ઉપરથી સેવાભાવી સંસ્થાઓ વારતહેવારે ફળફળાદિ, મિઠાઈઓ લઈને આવતી. બાળકોને નદીકિનારે, મોલમાં તથા અન્ય હરવા ફરવાના સ્થળે લઈ જતી.

સરકારની દિવ્યાંગ બાળકો માટેની વિવિધ યોજનાઓ કઈ? આ સવાલ તમે કમલાને પૂછો તો એ તરત જવાબ આપે.. દિશા, સમર્થ, વિકાસ, નિરામય, સહયોગી, જ્ઞાનપ્રભા, પ્રેરણા, સંભવ, બઢતે કદમ..! દરેકનું ફોર્મ ક્યાં મળે? અરજી કેવી રીતે કરવાની? કયા કાગળ જોડવાના? એ બધું એને સમજાવા લાગ્યું. નવી મમ્મીઓને તો એ માર્ગદર્શન પણ આપી શકતી. દિવ્યાંગ બાળકોની માટેની સરકારી તેમ જ બિનસરકારી યોજનાઓ થકી મળતી રકમ જમા કરાવવા કમલાએ પોસ્ટમાં અને બેંકમાં ખાતું પણ ખોલાવ્યું. વાલજીને ય નવાઈ લાગતી કે રેશન કાર્ડ અને આધાર કાર્ડનો આટલો પાવર! કમલાને તો એ ય ખબર હતી કે અઢાર વરસ પછી રવિને કેવી કેવી નોકરી ‘પેશ્યલ કોટા’માં મળી શકે અને કયા વ્યવસાય માટે એક લાખ રુપિયા સુધીની લોન મળી શકે. વાલજીને આ બધી વાતમાં એટલી જ સમજ પડતી હતી કે અત્યારે નાનાનાના લાભ થઈ રહ્યા હતા, પણ એ ઉપરાંત આગળ જતાં રવિને કોઈ સરકારી લોટરી લાગવા જેવું પણ થશે.

શહેરના એક કરોડપતિએ પોતાની પંચોતેરમી વરસગાંઠે પચાસ દિવ્યાંગ બાળકોને હવાઈ મુસાફરી કરાવવાનું નક્કી કર્યું. એમાં રવિનો નમ્બર લાગી ગયો. સહુ દિવ્યાંગ બાળકો સજીધજી વિમાનમાં મુંબઈ ગયા. અલબત્ત મમ્મીઓ પણ એમની સાથે ગઈ. મુંબઈમાં બાળકોને જુહુની ચોપાટી પર લઈ જવામાં આવ્યા. વળતાં રસ્તે ટીચર બોલ્યા, “જુઓ આ અમિતાભ બચ્ચનનો બંગલો!” અમુક બાળકોને જરાતરા સમજ પડતી હતી, એમણે તાળીઓ પાડી. બાકીના મોં વકાસી જોઈ રહ્યા કે આંય! આ બંગલામાં બતાવવા જેવું શું છે!

કમલા વસાહતમાં આવી પડોશીઓને આવી બધી વાતો કરતી ત્યારે વસાહતીઓને કમલા ખુદ જયા બચ્ચન જેવી દેખાતી. અને રવિમાં અભિષેકના દર્શન થતાં! કેટલાક લોભીઓએ તો પોતાની ઐશ્વર્યા આમના ઘરે પધરાવી શકાય કે કેમ એ વિચાર પણ કરી લીધો. દીકરો અપંગ છે, હાલતો ચાલતો નથી, તો શું થયું, ઘર તો ‘ચાલે’ છે ને!

હવે આજે રવિ બાર વરસની ઉંમરે ખાસો સમજદાર થઈ ગયો છે. ચાલતો તો હજી નથી જ થયો. પણ આવતા વરસે એને ઈલેક્ટ્રીક વ્હીલ ચેર મળવાની છે. લખતાં-વાંચતાં આવડી ગયું છે. દિવ્યાંગ બાળકોની રમતગમત સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ગોળાફેંકમાં ભાગ લે એટલો મજબૂત છે. સ્વભાવે હસમુખો છે. કેટલાક દિવ્યાંગ બાળકો જિદ્દી હોય. અહીં સહેજે એવું નથી. ઊલ્ટું, ઘરમાં એનાથી દોઢ વરસ મોટાભાઈ શનિનો સ્વભાવ ખૂબ ચિડિયો છે, તો ય એ સહન કરી લે છે.

એનો મોટો ભાઈ શનિ કંઈ ચૌદ વરસનો થયો એટલે તરુણાવસ્થાને કારણે ચિડિયો થયો છે એવું નથી. પહેલેથી જ એવો છે એ. દોઢ વરસનો હતો ત્યારથી રવિ જ કમલાના ખોળામાં રહેતો અને શનિ આખી વસાહતમાં ખોળા બદલતાં ફર્યો. કોઈ ખોળામાં એને રાહત ન મળી. પાર્લેની બિસ્કીટથી પેટ ન ભરાયું ત્યારે ઉકરડાં ય ફંફોસ્યા. મધ્યાહ્ન ભોજનની લાલચે સ્કૂલ તો ગયો, પણ કદી એણે નોટમાં કશું લખ્યું નહીં અને સરકારી શિક્ષકોએ કદી એની નોટ ચેક કરી નહીં. કદાચ નોર્મલ બાળકો માટે સરકારની કોઈ ખાસ યોજના જ નહોતી. અથવા એના સુધી એ યોજના પહોંચી નહીં. ઘરનો વ્યવહાર તો પહેલેથી જ રવિની આસપાસ જ રહ્યો.

બન્નેની એક જ પથારી હતી. બાજુમાં રવિ પોતાના અપંગતાભર્યા જીવનની પળેપળને જીવી ઘસઘસાટ સૂઈ જતો અને એને પડખે જ પોતાના ‘નોર્મલ’ હોવાને કોસતો શનિ સરખું ઊંઘી પણ નહોતો શકતો. ગઈ કાલે નિશાળની વંડીનું લોખંડ ચોરીને ભંગારમાં વેચતાં એ પકડાયો. પોલિસ એને લઈ ગઈ.

પકડાયેલા શનિને મળવા વાલજી અને કમલા પોલિસ સ્ટેશનથી ‘જુવેનાઈલ હોમ’માં ગયા, ત્યારે હમણાં હમણાં જ વાંચતા શીખેલી કમલાએ બોર્ડ વાંચ્યું, “બાળ સુધારણા ગૃહ”! કમલાને ઘડીભર વિચાર આવી ગયો, “શનિને અહીં જ રહેવા દેવાય? કદાચ સુધરી જાય!”

આખરે મોનાબેનની ઓળખાણથી શનિને છોડાવી ઘરે આવ્યા. વાલજી ધુંઆપૂંઆ થઈ રહ્યો હતો. શનિના બખેડાને કારણે અમાસ નહોતી તોય રજા પાડવી પડી. ઘરે આવી વાલજીએ શનિને ઢીંકપાટુનો માર મારવાનું શરૂ કર્યું. રવિએ કમલાને કહ્યું, “મા! છોડાવ ને ભાઈને!”

કમલા વચ્ચે પડે એ પહેલા વાલજીએ શનિને જોરદાર થપ્પડ મારી અને શનિ ગબડ્યો, એના ઘૂંટણ પાસે ઉંબરાનો પથ્થર ટકરાતાં શનિ પીડાથી ચિત્કારી ઊઠ્યો.

કમલા બોલી, “અરે! જરા તો ખમ્મા કરો! હાથ-પગ ભાંગી જશે એના!”

શનિ બોલી ઊઠ્યો, “મારો! હજુ મારો! લૂલો થઈ જાઉં ને તો...”

આગળના શબ્દો એને સૂઝ્યા નહીં પણ કદાચ એ કહેવા માંગતો હતો કે લૂલો થઈ જાઉં ને તો મારો ય ભવ સુધરી જાય!”

***