Ek arsa pachhi books and stories free download online pdf in Gujarati

એક અરસા પછી

એક અરસા પછી

નવલિકા

રઈશ મનીઆર

વીતરાગ એક ચેર પર બેસીને, બીજી ચેર પર પગ લંબાવી નદીની દિશામાં જોઈ રહ્યો હતો. સમય નદીને જેમ વહી ગયો હતો. વહી રહ્યો હતો. વહી જવાનો હતો. પાછળ ચાલી રહેલી પાર્ટીમાં ડી.જે. કદી ચાલુ તો કદી બંધ થઈ રહ્યું હતું એના અવાજો એની વિચારધારામાં ખલેલ પાડી રહ્યા હતા.

એંજીનિયરીંગ કોલેજમાંથી 1995માં બી. ઈ. થયેલા બેચ 26ની એલ્યુમની પાર્ટી હતી. ત્યારે 1995માં વીતરાગને ખબર નહોતી પણ હવે ખબર પડી કે એલ્યુમની એટલે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, અને એન આર આઈએ એનો “અલમનાઈ” જેવો ઉચ્ચાર કરે, એપણ અનુભવાયું. લગભગ 45ની ઉમરના બેચમેટ્સ એક ફાઈવસ્ટાર હોટેલની રિવરસાઈડ લોનમાં ભેગા થયા હતા. જેમના રમવાના ઓરતા બાકી રહી ગયા હતા, એવી કેટલીક ઉત્સાહી છોકરીઓ (45 વર્ષની) ઊભી ખો રમવી કે મ્યુઝિકલ ચેર, એ વિશે ઉત્સાહથી ગંભીર ચર્ચાઓ કરી રહી હતી. અને બીજી તરફ કેટલાક છોકરાઓ (45 વર્ષના) લેટેસ્ટ ‘ઓનલી ફોર મેલ જોક્સ’ની આપલે કરી રહ્યા હતા. એક બે ચુલબુલી છોકરીઓ એમના મોબાઈલ્સમાં ડોકિયા કરી કહી રહી હતી, “હજુ પણ એકલા એકલા? હવે તો જોવા દો! વી આર મેચ્યોર નાવ!”

સહુ ઉન્માદની હદે પહોંચતા ઉમંગથી થનગની રહ્યા હતા. ઉન્માદનું એક કારણ તો એ હતું કે ઘણા વર્ષો પછી સહુ એકબીજાને મળી રહ્યા હતા. પણ આ ઉન્માદનું બીજું પણ એક કારણ હતું. પાર્ટી માટે કોઈ સાદી હોટેલ નક્કી થઈ હતી એના બદલે અણધારી રીતે ફાઈવસ્ટાર હોટેલની લોન મળી ગઈ હતી.

વાત એમ હતી કે બેચના વિદ્યાર્થીઓને શોધી શોધી વોટ્સ એપ ગ્રુપથી એક્ટીવ કરનાર રસેશ પટેલ નવરો કહી શકાય એવો ધૂની એંજીનીયર હતો. એની નકામી પોસ્ટ્સના મારાથી બચવા વીતરાગ બે વાર તો ગ્રુપમાંથી નીકળી ગયો. પણ રસેશ અપમાનભાવ વગર એને ફરી ફરી એડ કરતો. સ્નેહમિલન કેવી રીતે અને ક્યાં કરવું એ વિશે રોજ 20-20 સૂચનો આવતાં હોવાથી આખરે વીતરાગે વોટ્સ એપ ગ્રુપ મ્યુટ પર મૂક્યું હતું. વરસમાં સાડા છ મહિના નોકરી વગર રહેનાર રસેશે પોતાની આર્થિક સ્થિતિ અનુસાર અને ખાસ તો પોતાની માનસિકતા અનુસાર પહેલા તો એક સાદી હોટેલમાં ભાવતાલ કરી કરીને 150 રુપિયામાં ડીનર ફિક્સ કર્યું હતું. આમ તો વીતરાગ આવા ડીનરમાં કદી ન જાય, પણ રસેશ ચાર બેચમેટને લઈ વીતરાગને ઈન્વાઈટ કરવા આવ્યો હતો. જેમાંની એક છોકરી એ દિવસોમાં વીતરાગને મનોમન ગમતી. એટલે વીતરાગે એનામાં વીતેલી યુવાની શોધતાં શોધતાં બાકીનાંની વાત સાંભળી.

વીતરાગની વૈભવી ઓફિસમાં સહુ સાંકડી હોટેલમાં સસ્તુ ડીનર લેવાની વાત કરી રહ્યા હતા. વીતરાગે ચોંકીને ફાઈવ સ્ટાર હોટેલની રિવર સાઈડ લોન પોતાના ખર્ચે બૂક કરી લગભગ પરહેડ સાતસો રુપિયાનું બુફે સ્પોંસર કરવાની તૈયારી બતાવી. ગ્રુપમાં તો છેલ્લા 15 દિવસથી અત્યાર સુધી ડિનર દોઢસોનું હોવું જોઈએ કે અઢીસોનું એવી ચર્ચા ચાલી રહી હતી. સહુના બેફામ મંતવ્યો આવી રહ્યા હતાં. એક જ ગ્રુપમાં અમીર અને ગરીબના બે ગ્રુપ પડી જાય એવી સ્થિતિ હતી. ત્યાં અચાનક આમ સાતસો રુપિયાનું ડીનર સ્પોંસર થઈ જતાં, એ ભેદ મટી ગયો. અમીર ગરીબ સહુ ઉલ્લાસમાં આવી ગયા હતા.

આજે એ પાર્ટી હતી. આવીઆવીને પાર્ટી સ્પોંસર કરવા બદલ આભાર માનનારાઓથી કંટાળી એ આમ કોરાણે બેઠો હતો.

બિલ્ડર તરીકેનો બિઝનેસ, ચાર કંપની અને રિટેઈલ શોપ્સની ચેઈન હેંડલ કરનાર વીતરાગને પાર્ટીઓમાં જવાનો સમય નહોતો મળતો એવું તો નહોતું કેમ કે માણસો જ એનું કામ સંભાળતા. પણ સમાજના આવા મહિને વીસ હજારથી વીસ લાખ કમાનારા વેરાઈટીઝ ઓફ ક્લાસ સાથે ભાગ્યે જ સમય પસાર કરવાનું બનતું.

પાર્ટીમાં કોઈ પરમીટવાળા ભાઈઓની કૃપાથી ‘બંદોબસ્ત’ પણ થઈ ગયો હતો. અને એ લોકો હવે હની સિંગના ગીતો પર ડાંસ કરવાના મૂડમાં હતા. વીતરાગે જોયું કે ડીનર લાગી ચૂક્યું હતું. એક બે ચીજ જરાતરા ચાખીને કઈ ઘડીએ પાર્ટીમાંથી સરકી જાઉં, એની વેતરણમાં એ હતો.

ત્યાં જ લોનના બીજા છેડેથી બૂમાબૂમનો અવાજ સંભળાયો. વીતરાગને લાગ્યું કે હોટેલના સ્ટાફ સાથે ડીનર બાબતે કોઈને બોલાચાલી થઈ. એણે મેનેજરને ઈશારાથી બોલાવી હેંડલ કરવા કહ્યું. પછી નજીક બોલાવીને કહ્યું કે કોઈ મેનુ સિવાયનું કંઈ માંગે તો એ ચાર્જેબલ હોય તો ય સર્વ કરવું પણ ફરિયાદ ન આવવા દેવી.

મેનેજર ગયો. ત્રણેક મિનિટ પછી શાંતિ થવાને બદલે બૂમાબૂમ વધી. ખાદીની કફની પહેરી આવેલો પ્રસાદ બૂમાબૂમ કરી રહ્યો હતો. વીતરાગ ઊભો થયો, અને ત્યાં પહોંચ્યો. એણે પ્રસાદ સાતેકરને ઓળખ્યો. બાવીસ વરસ પહેલા પણ પ્રસાદ આવી જ કફની પહેરતો. સહુ ભેગા મળ્યા ત્યારે કોઈએ કોમેંટ પણ કરી,”આ ‘એવી જ’ કફની નથી, ‘એ જ’ કફની છે, જે હોસ્ટેલના રૂમની બહાર સૂકાતી તો એને ચાડિયો સમજી કબૂતર એ બાલકનીમાં નહોતા આવતા!” અને ત્યારથી પ્રસાદ સાતેકરનું નામ પ્રસાદ ચાડિયો પડી ગયું હતું.

પ્રસાદ પોતાના ‘મૂળભૂત હક્ક’ વિશે કંઈ વાત કરી રહ્યો હતો. અને હોટેલ મેનેજર એને ‘અગેઇંસ્ટ અવર પોલિસી’ કહીને રોકી રહ્યા હતા. વીતરાગે હકીકત જાણી તો ખબર પડી કે પ્રસાદ હોટેલનો ફૂડ કેમિકલ, પ્રિઝર્વેટીવ, કૃત્રિમ ખાતર વગેરેના ઉપયોગથી બનેલા હોવાથી ખાઈ શકે એમ ન હતો. તેથી એ પોતાનું ટીફીન લઈને આવ્યો હતો. એમાંથી એણે જમવાની શરૂઆત કરી. હોટેલ સ્ટાફે એને રોક્યો કેમ કે અહીં આઉટસાઈડ ફૂડની મંજૂરી નથી. વીતરાગે સમજાવ્યું, “આ ફૂડ બહારથી ઓર્ડર કરીને નથી મંગાવ્યો, ઘરેથી લાવેલ ટિફિન છે ને! એમાં શું વાંધો હોય?” મેનેજરે નમ્રતાથી કહ્યું, “સર અમારી ભારતમાં બત્રીસ હોટેલ છે, આ વીડિયો કેમથી એના ફૂટેજ અમારી સેંટ્રલ ઓફિસમાં જાય છે, આઉટસાઈડ ફૂડ ઈઝ નોટ અલાઉડ ઇન એની ઓફ અવર રેસ્ટોરાં ઓર લોન્જ ઓર લોન્સ. એ નિયમનું પાલન ન કરાવીએ તો અમારી નોકરી જાય.”

પરંતુ મેનેજરના આવવા પહેલા એકાદ ગરમ મગજના સ્ટાફે એલફેલ વાત કરી તેથી બીજા બે એક બેચમેટ પ્રસાદની સાથે જિદે ચડ્યા હતા કે પ્રસાદ પોતાનું ટિફિન જ ખાશે. અને અહીં જ ખાશે.

વીતરાગે મેનેજરને પૂછ્યું કે રૂમમાં ખવાય? મેનેજરે હા પડી. વીતરાગ તરત બોલ્યો, “બૂક અ રૂમ ફોર મી” સહુ ચોંકી ગયા, પ્રસાદ ડીનર કરી શકે એ માટે સાડા છ હજારની રૂમ! પણ વીતરાગે ‘મારી કંપની પાસે વરસની હંડ્રેડ રૂમ્સનું પેકેજ છે’ એમ કહી વાત વાળી લીધી.

વીતરાગ આગ્રહ કરીને પ્રસાદને રૂમમાં લઈ ગયો. મામલો સુખરૂપ સમેટાઈ જતાં હોટેલ મેનેજમેંટે એક કલાક માટે કોમ્પ્લીમેંટરી રૂમ આપી. જમતી વખતે માત્ર ચાવવા પર ધ્યાન આપી, વાત ન કરવાનો પ્રસાદનો નિયમ હતો એટલે બન્ને ચૂપ રહ્યા. પછીની બે મિનિટમાં વીતરાગે જાણ્યું કે પ્રસાદ શહેરથી 90 કિલોમીટર દૂર એક સેવા સંસ્થામાં નોકરી કરે છે. વીતરાગે વિદાય લેતી વખતે પોતાનું પર્સનલ કાર્ડ પ્રસાદને આપ્યું, અને આવતી મુલાકાતમાં મળવા આવવા કહ્યું. પ્રસાદે કહ્યું, “અમારી સેવા સંસ્થાની આ શહેરની શાખામાં રોકાયો છું. કાલે જ આવીશ, ક્યારે આવું ને ક્યાં? ઓફિસ પર આવું કે ઘરે?”

“સવારે ઊઠીને તરત મળીએ. કામ શરૂ કરતાં પહેલા” વીતરાગે કહ્યું.

“હું તો પોણા ચારે ઊઠું છું”

વીતરાગે હસીને કહ્યું, “મારી સવાર નવ વાગ્યે પડે, મારા ઘરે નવ વાગ્યે મળીએ.

“સારું નવથી પોણાદસ મળીએ, દસ વાગ્યે મારો લંચનો સમય છે, ત્યાં સુધી સંસ્થા પર પહોચવું પડશે.”

બીજા દિવસે સવારે સાત વાગ્યે ઊઠી જવાયું, વીતરાગને થયું કે પ્રસાદને ઓફિસે બોલાવ્યો હોત તો સારું થાત. ઘરમાં સ્વીમીંગ પુલ અને ટેનિસ કોર્ટ જોઈને એ મને આર્થિક અને સામાજિક સમાનતા વિશે લેક્ચર આપશે તો હું દુ:ખી થઈશ. અને લેક્ચર નહીં આપી શકે તો એ દુ:ખી થશે.

ત્યાં જ રસોઈયો ‘બ્રેકફાસ્ટ શું લેશો?’ એમ પૂછવા આવ્યો. પહેલા મહારાજ આવતા, હવે છ મહિનાથી શેફ હતો. વીતરાગે પૂછ્યું, “ઓર્ગેનિક ફૂડ બનાવતાં ફાવશે? દસ વાગ્યે, બે માણસ માટે?” વીતરાગને ખાતરી હતી કે ‘સામગ્રી નથી’ એવો જવાબ મળશે. શેફે કહ્યું, “સર, હું પોતે તો ઓર્ગેનિક ફૂડ જ ખાઉં છું, સામગ્રી બધી જ અવેલેબલ છે, રસોઈ થઈ જશે.”

અદિતિ બાળકો સાથે પિયર હતી. એટલે બધા મુક્ત પતિઓની જેમ વીતરાગ પણ મોડે ઊઠીને મોડે નહાતો. પણ આજે એણે નહાઈ લીધું. પોતાની સાથે જ એને રમૂજ કરવાનું મન થયું એટલે કેમિકલ્સવાળો વિદેશી સાબુ વાપરવાને બદલે અદિતિએ સ્ક્રીન સ્ક્રબ કરવા લાવી મૂકેલા પ્યુમાઈસ નામે ઓળખાતા (ઓર્ગેનિક!) પોલા પથ્થરથી ઘસીને ન્હાયો.

નવને બે મિનિટે બેલ વાગ્યો. વીતરાગે કહ્યું, “પ્રસાદ! તું બે મિનિટ મોડો પડ્યો!” પ્રસાદે કહ્યું, “બે મિનિટથી બહાર જ ઊભો હતો. બરાબર નવ વાગ્યે બેલ માર્યો. તમારું ઘડિયાળ બે મિનિટ આગળ છે.”

વાતો થઈ. પ્રસાદ વીસ વરસથી સંસ્થામાંથી પગાર નહોતો લેતો પણ માત્ર ઉપાડ લેતો. એમાંથી બચેલા પૈસા જમા કરાવતો. પાસે બચત રાખતો નહીં. આમ આખી દુનિયા મારી ને આમ કશું નહીં. લગ્ન પહેલા સંસ્થાના જ એક રૂમમાં બીજા કોઈ સાથે શેર કરી રહેતો. લગ્ન થયા પછી આખી રૂમ એની પોતાની થઈ. એની પત્ની પણ એને એવી જ મળી હતી. વિચારો સરખા અને બન્નેના કુરતા ય લગભગ સરખા! લગ્ન પછી વરસો સુધી બન્ને એક જ રૂમમાં રહ્યાં. બે બાળકો થયાં, એ પણ એ જ રીતે ઘડાઈ રહ્યા હતા. હવે ટ્રસ્ટીના આગ્રહથી બાળકોને બીજી એક રૂમ મળી હતી.

સંસ્થા આદિવાસી વિસ્તારમાં શિક્ષણ અને આરોગ્યનું કામ કેવી રીતે કરતી, વીતરાગે એની માહિતી મેળવી. કેટલું કષ્ટ વેઠી સાધનો, વાહનો, મકાનોની અછતમાં સંસ્થા સર્વોદયનું કાર્ય કરતી એ જાણ્યું. વીતરાગ માટે તો આ જાણે કોઈ બીજી દુનિયાની વાત હતી. એને માટે પ્રસાદ જાણે ‘એલિયન’ હતો, એવો પરગ્રહવાસી જેની ભાષા એને સમજાઈ રહી હતી, પણ એનું વિશ્વ નિરાળું હતું, એ વિશ્વનાં ચાલકબળો જુદાં હતાં.

વીતરાગથી પૂછાઈ ગયું, “આ બધું તો બરાબર પણ તારા જેવા અંતરિયાળ ગામડે કામ કરનારા કાર્યકરના દીકરાને ત્યાં સાપ કે એવું કંઈ કરડે તો સારવાર મળે?” સવાલ મોંથી નીકળી તો ગયો, પણ પછીની પળે આવો સવાલ પૂછ્યા બદલ વીતરાગને બહુ પસ્તાવો થયો.

જાણે કંઈ બહુ ગંભીર વાત ન હોય એમ પ્રસાદે જવાબ આપ્યો, “બીજા આદિવાસીઓના બાળકોનું જે થાય, તે મારા બાળકોનું થાય!”

એમને તો સાત-સાત બાળકો હોય, એમ હોઠે આવેલું વાક્ય ગળી જઈ વીતરાગ વિચારવા લાગ્યો, પ્રસાદ કદાચ ઘર જોવાની માંગણી કરે તો સાતમાંથી બે-ત્રણ કમરા બતાવી દઈશ, અંડર ગ્રાઉંડ જીમ, પાર્ટી હોલ, વગેરે બતાવીશ જ નહીં, જેથી એ દુ:ખી ન થાય. એને યાદ આવ્યું કે કોલેજની ઈલોક્યુશન કોમ્પીટીશનમાં એ જોરદાર ભાષામાં ધનિકો વિરુદ્ધ બોલ્યો હતો! વીતરાગે પૂછ્યું, “પૈસાદારોથી હજુ નફરત કરે છે?”

“નફરત નહીં, પણ..”

“તમારી સંસ્થા આમ તો ડોનેશનથી જ ચાલે ને?”

“હા.. પણ અમારી જરૂરિયાતો ઓછી.. મહત્વ કામગીરીનું, વિકાસ અને ઉત્થાન માટેની વિચારણાનું, નાનપણથી જ બુનિયાદી કેળવણી આપી બાળકોને સ્વનિર્ભર..”

“પણ આ બધું કરવા માટે ય પૈસા તો જોઈએ ને?”

“જરૂરી હોય એટલા જ..”

“વધુ પૈસા મળે તો સેવાનું વધુ કામ ન થાય?’

“એ થાય પણ..”

“એટલે આમ તો ધનવાનો જ તમારો ખર્ચ ઉપાડે ને?”

“બધા ધનવાનો નહીં, જે અમારી વિચારસરણીમાં વિશ્વાસ ધરાવે એવા જ ધનવાનો અમને ડોનેશન આપે!”

વીતરાગ હસી પડ્યો, “જે તમારી વિચારસરણીમાં વિશ્વાસ રાખે એ નફો કઈ રીતે કરી શકે? જે નફો ન કરે એ ધનવાન કેવી રીતે બની શકે?” વીતરાગે તરત વાત વાળી લીધી. બેલ માર્યો, એકાઉંટંટ રોઝમીના ચેકબૂક સાથે તૈયાર હતી. આંકડો લખવાનો બાકી હતો. મનમાં 5 લાખનું વિચાર્યું હતું, પણ છેલ્લી વાતચીત દ્વારા પ્રસાદને ક્ષોભમાં મૂક્યો એની કિંમત ચૂકવતો હોય, એમ પશ્ચાતાપની ભાવના સાથે સાત લાખનો ચેક લખ્યો. એણે પ્રસાદને પૂછ્યું, “ઉપર સંસ્થાના એકાઉંટનું નામ શું લખું?” પછી નામ ખાલી રાખીને કહ્યું, “એમ કરો ને તમે જ લખી દેજો!”

પ્રસાદે ચેક પાછો વાળી કહ્યું, “હું સંસ્થા માટે દાન માંગવા નથી આવ્યો.” પ્રસાદે ઘડિયાળ જોઈ 9 40 થવા આવ્યા હતા. 10 30 વાગ્યે સંસ્થાની શાખાનો ભોજનખંડ બંધ થાય.

“મને ખબર છે કે તું દાન માંગવા પણ નથી આવ્યો અને ભોજન લેવા પણ નથી આવ્યો, પણ દાન અને ભોજન બન્ને લઈને જવું પડશે. આ પૈસા ઓર્ગેનિક છે કે નહીં એ ખબર નથી, પણ ફૂડ સો ટકા ઓર્ગેનિક છે.” ટેબલ સજાવીને આવેલા શેફે હકારમાં ડોકું ધુણાવ્યું.

“આટલું મોટું દાન લેવાની મને સત્તા નથી, પણ તમારી સાથે જમીશ ખરો!”

“તો પ્રસાદ! આ દાનનો અસ્વીકાર કરે છે તું?”

“ના, અમારી સંસ્થા દાનથી જ ચાલે છે. પણ એ મારું ડિપાર્ટમેંટ નથી. હું અમારી સંસ્થાના ઉપરીને તમારો નમ્બર આપીશ, એ તમારી ઓફિસનો સામેથી સમ્પર્ક કરશે.”

નાસ્તાના સમયે ઓર્ગેનિક ફૂડ ‘બ્રંચ’ તરીકે લીધા પછી વીતરાગને ઓફિસ જવાનું હતું. ફોરેનની એક પાર્ટી સાથે મીટીંગ હતી એટલે એણે પ્રસાદને એની સંસ્થાના મકાન પર ઉતારી દેવાની ઓફર કરી. સંસ્થાનું મકાન એણે જોયું હતું. એનો એક બિલ્ડર ફ્રેંડ એક કોમર્શિયલ પ્રોજેક્ટ માટે એ જરીપુરાણું મકાન ખરીદવા માટે સોર્સ શોધી રહ્યો હતો.

પ્રસાદે કહ્યું, “મારી પાસે થોડો સમય છે, તમારું ઘર જોઈ વીસેક મિનિટમાં ચાલતો નીકળી જઈશ.

વીતરાગ ગૂંચવાયો.

એ જોઈ પ્રસાદે જ ઉકેલ કાઢ્યો, “કોઈ માણસ ઘર બતાવવા માટે ફ્રી છે?”

વીતરાગે હાઉસકીપર નેપાળીકાકાને ઘર બતાવવા કહ્યું, અને પ્રસાદનો હાથ દાબીને વિદાય લીધી.

*

બીજા દિવસે વીતરાગ સવારે ફરી વહેલો ઊઠી ગયો. પ્રસાદની મુલાકતની અસર હશે! પણ કોઈ કામ સૂઝ્યું નહીં. ફોન પણ કોને કરે? બધા મિત્રો મોડા ઊઠે. અમુક સાયકલીંગ કે જીમ માટે ગયા હોય, એ ફોન ઘરે મૂકી ગયા હોય. એને થયું, ચાલ કોઈ કામ નથી તો પ્રસાદની સંસ્થા પર જાઉં. ત્યાં જઈ તપાસ કરી તો ગેસ્ટ રૂમ ઉપર હતો. જર્જરિત દાદરથી એ ઉપર ચડ્યો. એક ન વપરાતી લાયબ્રેરી જેવા ધૂળિયા રૂમમાં ચાર પથારી પાથરેલી અને બે વાળેલી હતી. બધા પથારી પર બેસી કોઈને કોઈ કામ કરી રહ્યા હતા. પૂછતાં ખબર પડી કે પ્રસાદ સાડા ચારની બસમાં ગામડે જવા નીકળી ગયો.

*

બે દિવસ પછી રોઝમીનાએ કહ્યું કે સંસ્થામાંથી કોઈ રણછોડભાઈ દેસાઈ આવીને ચેક લઈ ગયા, અને સંસ્થાની શાખાને વિઝિટ કરવાનું ઈંવીટેશન આપી ગયા છે. રિસેસમાં એણે ફોન ખોલ્યો. રસેશ પટેલે વોટ્સ એપ ગ્રુપમાં ફોટાઓ મૂક્યા હતા. નદી કિનારે પગ લાંબા કરી બેઠેલા વીતરાગની તસ્વીરને નીચે કોઈએ લખ્યું હતું, “ટાયકૂન થીંકીંગ ઓફ બાયીંગ રિવર!” વીતરાગ હસ્યો, શહેરમાં એના જેવા પચ્ચીસ હતા. પછી એને ખ્યાલ આવ્યો કે હવે છેલ્લા પાંચ વર્ષમાં એને જે પ્રગતિ થઈ એ પછી તો એના જેવા દસેક જ હશે. પચાસ લાખ વસ્તીવાળા શહેરમાં એ ટોપ ટેનની અંદર હતો યા જરાક જ બહાર હતો. એના બેચમેટ્સને એ ખ્યાલ આવી ગયો. જો કે એમાં પોરસાવા જેવું નહોતું. હવે એનો રૂઆબ જોઈ રસેશ પટેલ નોકરી માંગવા માટે આવવાનો હતો, અમુક લોકો પોતાના છોકરાં-છોકરીને ઠેકાણે પાડવા આવવાના હતા. એને અકળામણ થઈ રહી હતી. એ વોટ્સ એપ ગ્રુપમાંથી ફરી એકવાર નીકળી ગયો.

*

સાત લાખનો ચેક લઈ ગઈ છે એ વ્યક્તિ કેવી છે, એ જાણવાની વીતરાગને ઈચ્છા થઈ. રણછોડભાઈને ફોન કરી એ મળ્યો. 84 વરસની ઉમર હતી. પણ ટટ્ટાર હતા. સંસ્થાની શાખા બતાવી. વરસોથી પેલી છ પથારીમાંથી જ એક પથારી પર જ એ રહેતા હતા. લગ્ન કર્યા નહોતા. એમણે 25 વરસની ઉમરે ગામમાં દોઢસો વીઘા જમીન ભૂદાનમાં આપી હતી. ચાર દાયકા ગામડામાં રહ્યા બાદ હવે સંસ્થાની શહેરની શાખા સંભાળતા હતા.

“પ્રસાદભાઈ કહી ગયા હતા કે વીતરાગભાઈ આવે તો એમને સંસ્થાની પ્રવૃત્તિઓ બરાબર બતાવજો.” રણછોડભાઈએ વિવેક અને ઉત્સાહના મિશ્રણથી કહ્યું. સંસ્થાના મકાનમાં આમ જોવા જેવું કંઈ નહોતું પણ લાયબ્રેરી જેવા રૂમના કબાટમાંથી એણે અમુક પુસ્તકો, જો વેચાણથી મળતા હોય તો, લેવાની તૈયારી બતાવી. રણછોડભાઈએ કહ્યું, આ પુસ્તકો વેચાણ માટેનાં જ છે, પણ આજકાલ વેચાતાં નથી. રણછોડભાઈએ સૂચવેલાં સર્વોદયને લગતાં સાત પુસ્તકો એકસો બાર રુપિયામાં ખરીદી રસીદ લઈને વીતરાગ નીકળ્યો. જતાં જતાં રણછોડભાઈએ એમની સંસ્થાના વૃતપત્રની છેલ્લા બે અંકોની એક એક નકલ ફ્રીમાં આપી. વીતરાગે કારમાં બેસી પાના ઉથલાવ્યા. બન્ને અંકમાં પ્રસાદ ચાડિયાનો, સોરી, પ્રસાદ સાતેકરનો એક એક લેખ હતો. લેખ વાંચવો શરૂ કર્યો. ઓફિસે પહોંચ્યા એટલે ડ્રાઈવરે ધ્યાન દોર્યું કે ઓફિસ આવી ગઈ. એણે ડ્રાઈવરને કારમાં એસી ચાલુ રાખવાની સૂચના આપી. પોતાની મલ્ટીસ્ટોરી ઓફિસ બિલ્ડીંગના પાર્કિંગમાં જ લેખના બે પાનાં બાકી હતાં તે પૂરાં કર્યાં. સામાન્ય સંજોગોમાં એ આવા લખાણને વાયડા રાઈટરના વાયડા લખાણ ગણાવી વાંચતો નહીં. પણ પ્રસાદનો બીજો લેખ પણ એણે બ્રેકમાં પૂરો કર્યો. બીજી સવારે ડ્રાયવરને મોકલી બાકીના અંક પણ મંગાવી લીધા.

*

એ દિવસે રાતે અદિતિ આવી. બે દિવસ એ ફેમિલીને ડીનર પર લઈ ગયો.

પેલા સાત પુસ્તકો રોજ રાતે વાંચવા વિચારતો પણ કાયમ લીસાં પૂઠાંવાળાં ફોરેનનાં મેગેઝિન વાંચતી અદિતિ આ વીસ વરસ જૂનાં બાઈડીંગવાળાં ખખડી ગયેલાં પુસ્તકો જોઈ મોં મચકોડશે, એવો ડર એને લાગ્યો.

સવારે એણે અદિતિને કહ્યું, સાત દિવસ આઉટીંગ માટે જવું છે. અદિતિ માટે આ નવાઈની વાત નહોતી. વીતરાગ વારેઘડીએ ‘બિઝનેસ એક્સેલંસ’ માટેની કોંફરંસ એટેન્ડ કરવા માટે વિદેશોની ય નાની ટૂર કરતો. હી વોઝ અ લાઈફટાઈમ લર્નર. અદિતિએ હાઉસમેઈડ પાસે બેગ પેક કરાવી એક નજર પોતે નાખી લીધી. વીતરાગને ય પેકિંગ જોઈ લેવા કહ્યું. વીતરાગે બેગમાંથી બે ત્રણ ડ્રેસ કાઢીને પેલા સાત પુસ્તકો અને થોડા અંકો બેગમાં નાખ્યા.

*

ઘરથી નીકળ્યા પછી એણે ડ્રાઈવરને કહ્યું, “ખંડાલા લઈ લો.”

ખંડાલા પહોંચી એણે ફોન સ્વીચ ઓફ કર્યો. ડ્રાઈવરને પાંચ દિવસ પછી આવવા કહ્યું. ડ્યુક રીટ્રીટમાં જઈ રૂમ બંધ કરી, રૂમ સર્વિસમાં કોલ કરી, સ્ટ્રોંગ કોલ્ડ કોફી ઓર્ડર કરી. ગુજરાતી કે હિંદીમાં ઝીણાં અક્ષરોમાં લાંબુ લાંબુ વાંચતાં એને ઊંઘ આવી જતી. અમુકવાર તો એ ઊંઘવા માટે જ પુસ્તકો હાથમાં લેતો. લોકો જેનો મોટીવેશનલ ગુરુઓ સમજતા એવા રાઈટર્સ અને સ્વામીઓના પુસ્તકો એને માટે માત્ર ઊંઘવાનો સરંજામ હતા. એ વાંચવા લેતો એની દસેક મિનિટમાં આ ગુરુઓ એની છાતી પરથી ગબડી જતાં. વીતરાગ નસકોરાં બોલાવતો અને પુસ્તકના ફ્રંટ કવર પર ગુરુઓ નિસહાય થઈ એને તાક્યા કરતાં. સવારે કામવાળી ગુરુઓને વીણી લેતી અને ફરી બેડની બાજુની ડેસ્ક પર માનપૂર્વક મૂકતી. એ એરપોર્ટ પરથી જ્યારે જ્યારે નવું પુસ્તક ખરીદતો ત્યારે અદિતિ દીકરી સાથે મજાક કરતી, “પપ્પાએ ઊંઘની ગોળી લીધી!”

પણ આજે એણે ધ્યાનથી વાંચવું હતું, એટલે સ્ટ્રોંગ કોલ્ડ કોફી ઓર્ડર કરી.

*

સાતમા દિવસે એ પાછો આવ્યો ત્યારે ક્લબમાં એના મિત્ર નિસંગને મળ્યો. નિસંગ પણ હતો તો મિલિયોનેર પણ થોડો બૌદ્ધિક પ્રકારનો હતો. એની વાતો સાથે એ કદી સહમત ન થતો પણ એની કંપની એને ગમતી. એણે નિસંગને પૂછ્યું, “મોટા મોટા ઉદ્યોગપતિઓ સેવા સંસ્થાઓને દાન આપે, એ ચેરિટીને સર્વોદય કહેવાય?”

નિસંગ બોલ્યો, “નામની આશા વગર કરેલી ચેરિટી મોટી કહેવાય પણ નામની આશા સાથે કરેલી ચેરીટી પણ આખરે કોઈને મદદરૂપ તો થાય ને! પેલા ઈંટરનેશનલ સોશિયલ ક્લબ્સવાળા ફોટા પડાવવા માટે અહીંથી દાન મેળવી ત્યાં આપે છે, એ પણ સેવા તો ગણાય જ!”

વીતરાગ બોલ્યો, “માણસ મહેનત કરીને રોજગારીરૂપે જેટલા પૈસા કમાઈ શકે, એ જ પૈસા એની સાચી પ્રમાણિક આવક કહેવાય, બાકી તમે કોંટ્રેક્ટ લઈને, કમિશન લઈને, માણસોનું મેનેજમેંટ કરીને, કોમોડીટીઝની લેવેચ કરીને ખૂબ પૈસો કમાઓ તો એ પૈસો કોઈના હક્કનો પૈસો છે, કોઈનું શોષણ કરીને મેળવેલો પૈસો છે!”

વીતરાગના મોઢે અનપેક્ષિત વાત સાંભળી ચોંકી ગયેલો નિસંગ બોલ્યો, “હું સમજ્યો નહીં!”

વીતરાગે કહ્યું, “મારો એક સેવાભાવી મિત્ર મને મળવા આવ્યો, ત્યારે હું મજાક મજાકમાં બોલી ગયો કે સર્વોદયની વિચારધારા જેની હોય એ નફો કઈ રીતે કરી શકે? એ તો નફો વહેંચી દે! અને જે નફો ન કરે તે ધનવાન કઈ રીતે બને? અને જે ધનવાન ન હોય એ દાન કઈ રીતે કરે?”

નિસંગ દલીલોમાં ભાગ્યે જ ચૂપ થાય. પણ અત્યારે ચૂપ હતો.

“એક માણસ એક હદથી વધુ ધનવાન થાય, તો એની પાછળ ક્યાંકને ક્યાંક નાના માણસનું શોષણ છુપાયેલું હોય છે!” વીતરાગે પોતાની વાત પૂરી કરી.

*

એ પછીનો દોઢ મહિનો અદિતિ માટે બહુ ખરાબ હતો. દુસ્વપ્ન સમાન હતો. વીતરાગના મિત્રો, અદિતિના ભાઈઓ કોઈની સમજાવટ કામ ન આવી. વીતરાગે પોતાની સડસઠ ટકા પ્રોપર્ટી દીકરી અને અદિતિને નામે કરી દીધી. બાકીની તેત્રીસ ટકા પ્રોપર્ટીનું ટ્રસ્ટ બનાવવાનું નક્કી કરી રણછોડભાઈને મળવા ગયો. પ્રસાદ અને એ નક્કી કરે એમને ટ્રસ્ટી બનાવવાનું સૂચન કર્યું. રણછોડભાઈએ જણાવ્યું, “પ્રસાદ તો નોકરી છોડીને કોઈ ગામડામાં બીજી કોઈ આવી જ સંસ્થામાં જોડાયો છે! એનું પાકું સરનામું મારી નથી.” વીતરાગ દાનની વિધિ પતાવ્યા વગર પાછો ફર્યો.

ઘરે આવી વીતરાગે પ્રસાદને ફોન લગાવ્યો. ફોન તો સંસ્થાનો હતો તેથી બીજા કોઈને આપવામાં આવ્યો હતો. પ્રસાદનો કોંટેક્ટ મળે તો આપવાની વિનંતી કરીને ફોન મૂક્યો.

વીતરાગે વિચાર્યું કે કોઈ ચોક્ક્સ માણસને જ સેવાકાર્ય માટે રકમ આપવી એ પણ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનો ભંગ ગણાય. એટલે એ ફરી રણછોડભાઈ પાસે ગયો, એમની પસંદગીના ત્રણ ટ્રસ્ટી નીમવા કહ્યું. પોતે એ ટ્રસ્ટમાં કે કોઈ મેનેજમેંટમાં ન રહ્યો, એ જોઈ રણછોડભાઈને પણ જરા આશ્ચર્ય થયું.

બધા કાગળિયાની ફોર્માલિટી પૂરી કરી, એ એક મહિનો ચાલે એટલા, દસ હજાર રુપિયા લઈ નીકળી પડ્યો. ફોન એ જ નદીમાં ફેંકી દીધો જેના કિનારે બેસી એણે પોતાનો પ્રત્યેક મેગાપ્રોજેક્ટ ડિઝાઈન કર્યો હતો. ટ્રેન એને પોતાના શહેરથી પાંચસો કિલોમીટર દૂર આવેલા પથરાળ વિસ્તારમાં લઈ ગઈ. જ્યાં એ સ્થાયી થયો એ ગામમાં એણે પહેલીવાર પગ મૂક્યો હતો. અહીં કોઈને કશી ખબર નહોતી કે આ ભાઈ કોણ છે. બે હજાર રુપિયામાં ખોલી ભાડે લઈને એણે કામ શરૂ કર્યું.

*

નજીકના ગામોના લોકોને મળી સમજાવી, સરપંચ વગેરે સાથે બેઠકો કરી, એણે સોલાર લાઈટ, દેશી પવન ચક્કી, ખાળકૂવામાંથી બાયોગેસ, કોમ્પોસ્ટ ખાતર, નાના માનવસર્જિત તળાવો, ચેકડેમ, રેઈન વોટર હાર્વેસ્ટ સિસ્ટમ જેવી પ્રવૃત્તિ શરૂ કરી. પોતાના એંજીનીયરીંગના પ્રકારના જ્ઞાનનો વિસ્તાર કરીને, લોકોની મહેનતથી લોકોના સહિયારા ખર્ચે, આ બધી સુવિધાઓ ઊભી કરી. એક પ્રોજેક્ટમાં એ જેટલા દિવસ કામ કરતો એમાંથી ચારસો રુપિયા પ્રતિ દિવસ જેટલું મહેનતાણું લેતો. ધીરે ધીરે એની સાથે કેળવાયેલા કારીગરોની ટીમ ઊભી થઈ. એ બધા આ કામ કરી દિવસે ચારસો રુપિયા મેળવતા થયા. બે વરસમાં આખા જિલ્લામાં સેંકડો સોલાર પ્લાંટ, ડઝન બંધ ચેક ડેમ, બીજી નાની મોટી સવલતો ઊભી કરી. એનું નામ ફેમસ થવા લાગ્યું. જિલ્લાના એક અખબારના પત્રકારે એનો ઈંટરવ્યૂ લેવાનો આગ્રહ રાખ્યો. એણે ખૂબ ના પાડી પણ પેલો માન્યો નહીં. એને ટાળવા માટે, એ આવે એ પહેલા, વહેલી સવારે વીતરાગ બસમાં બેસી ફરી કોઈ બીજી દિશામાં છસો કિલોમીટર દૂર નીકળી ગયો.

*

છ વરસ એકધારું રવિવારની ય રજા પાડવા વગર કામ કરવાથી, ખાસ તો સિમેંટ ધૂળ વગેરેના સંસર્ગમાં રહેવાથી એને કફની તકલીફ થઈ. ડોક્ટરે થોડી દવાઓ બદલી. ખાસ સુધારો ન દેખાયો. રિપોર્ટમાં ટીબીનો ટેસ્ટ પોઝીટીવ તો નહોતો આવતો, પણ લક્ષણો ટીબીનાં હતાં. ડોક્ટર ટીબીની દવા ચાલુ કરવી કે કેમ એ બાબતે મૂંઝાતા હતા. વીતરાગે પહાડી ઈલાકામાં જવાનું નક્કી કર્યું. ત્યાં કામ પણ થાય અને હવાફેર પણ થાય.

*

એ હિમાચલપ્રદેશના સિમલાથી આગળ આવેલા એક ગામમાં એ ઉતર્યો. અને ત્યાં કામ શરૂ કર્યું. પણ તબિયત હવે સાથ નહોતી આપતી. ગામેગામ દોડાદોડી કરવી, નવા ગ્રામવાસીઓ અને નવા સરપંચોને આ યોજના સમજાવવી અત્યારે, તબિયત સુધરે ત્યાં સુધી મોકૂફ રાખવાનું નક્કી કરવું પડ્યું. પણ બચત હતી નહીં એટલે નોકરી જરૂરી હતી, અને આમ એટલી ખરાબ તબિયત પણ નહોતી કે રુટિન 10 થી 6ની સુપરવાઈઝરની નોકરી ન કરાય! રોડ બનાવવાના કામમાં એને પંદર હજારના પગારે નોકરી મળી ગઈ. અને આગામી છ મહિના આ કામમાં કાઢી નાખવાનું એણે નક્કી કર્યું.

*

એના કામમાં પ્રામાણિકતા જોઈ એક બે કોંટ્રાકટરોએ ચીફ કોંટ્રાક્ટરને એના નામની ફરિયાદ કરી. તો એની ચીવટ જોઈને અમુક એંજીનિયરોએ ચીફ કોંટ્રાકટરને એનું નામ, નજીક સોલાનમાં શરૂ થનારી નવી સાઈટના ચીફ સુપરવાઈઝર તરીકે સજેસ્ટ કર્યું.

ચીફ કોંટ્રાકટરને સહુ માલિક કહેતા. માલિકે વીતરાગને ચીફ સુપરવાઈઝર તરીકે એપોઈંટ કરતાં પહેલા ઈનફોર્મલ ઈંટરવ્યૂ માટે બંગલે બોલાવ્યો. પહાડી ઈલાકાની શુદ્ધ હવામાં વીતરાગની તબિયત સુધરવા માંડી હતી એટલે એણે નક્કી કર્યું કે છ મહિના સુધી જ આ કામ કરીશ. ફરી પાછું ગામડાંઓમાં જઈ સેવા કાર્ય શરૂ કરીશ. એ વાતની સ્પષ્ટતા થઈ જાય તો એ ચીફ સુપરવાઈઝર બનવા તૈયાર હતો.

ચીફ કોંટ્રાકટરનો કોટગઢની હીલ પર બંગલો હતો. જુનિયર એંજીનિયર્સના ક્વાર્ટરસથી કંપનીની જીપ એને કોટગઢ હીલ પર મૂકવા આવી. ચેરીના બગીચાઓ વચ્ચે એક પછી એક વૈભવી ફાર્મ હાઉસ વચ્ચેથી પસાર થતાં ટોચે પહોંચ્યા ત્યાં સુધી ડ્રાઈવરે જણાવ્યું કે માલિકના સત્તરેક પ્રોજેક્ટ ચાલે છે અને આ બંગલા ઉપરાંત માલિકનો સિમલામાં પણ વીકે-એંડ બંગલો છે.

વિશાળ બંગલો જોઈ એક પળ વીતરાગને પોતાની ભૂતકાલીન સમૃદ્ધિ આછીપાતળી યાદ આવી ગઈ.

બંગલા પર માલિકનું નામ વાંચ્યું, “પ્રસાદ સાતેકર”

*

પંદર મિનિટ પછી પ્રસાદ સાતેકર ઉર્ફે પ્રસાદ ચાડિયો બાલકનીમાં વીતરાગ સાથે બેસી કથા સંભળાવી રહ્યો હતો, “વીતરાગ, તારા ઘરે આવ્યો ત્યારે તેં ટોણો માર્યો હતો, કે અમારું કામ આખરે તો ધનવાનના ડોનેશનના પૈસાથી ચાલે છે. હું એ જ ઘડીથી વિચારતો થઈ ગયો. સાત દિવસ ઊંઘ ન આવી. વિનાકારણ તારો વૈભવી બંગલો એની સાત રૂમ. પેલા નેપાળી કાકાએ ફરીફરીને બતાવેલ જીમ, સ્વીમીંગ પુલ, ટેનિસ કોર્ટ બધું સપનામાં આવે. હોટેલમાં સહુ જમતાં હતાં એ ફૂડની સ્મેલ રાતે આવે અને જાગી જવાય. પત્ની બાળકોને કંઈ કહી ન શકું પણ મને સમજાતું નહોતું કે હું કઈ વાતથી હચમચી ગયો હતો.

મારી સબકોંસિયસ બેચેની સાત દિવસ પછી એક આકસ્મિક ઘટના રૂપે બહાર આવી. આશ્રમશાળાના ચોગાનમાં મારો દીકરો આદિવાસીઓ સાથે સાતોડિયા રમતો હતો, દડો બાજુના ખેતરમાં ગયો, એ લેવા જતાં એને સાપ કરડ્યો. દીકરાના મોંએ ફીણ આવતું હતું. સંસ્થાની જીપ કેમ્પ માટે ગઈ હતી. બીજુ કોઈ વાહન નહોતું. મારી પાસે સ્કૂટર પણ નહોતું. નછૂટકે એક લાંચિયા તલાટીના બાઈક પર દીકરાને લઈ નજીકના સ્વાસ્થ્ય કેંદ્ર પર ગયા. સાથે મારી પત્ની પણ આવી. દીકરો પૂછતો હતો, “હું મરી તો નહીં જાઉં ને?” ડોક્ટર રવિવારે એની પત્ની-બાળકને મળવા શહેર જતા એટલે સોમવારે મોડા આવ્યા. મારા દીકરાને આરામથી તપાસી રહેલા ડોક્ટર સાથે હું લગભગ ઝઘડી પડવાની તૈયારીમાં હતો. ત્યાં જ પાછળ ગ્રામવાસીઓ, ના પાડી હતી તો પણ, સાપને મારીને લાવ્યા. ડોક્ટરે જોઈને જ કહી દીધું કે સાપ બિનઝેરી છે. મારી પત્ની હાશ થઈ. દીકરાને કપાળે એણે ચૂમીઓ ભરી. ગભરાયેલો દીકરો પણ હસતો થયો.

પણ કોણ જાણે કેમ હું સ્વસ્થ નહોતો. મેં ડોક્ટરને એ જ સવાલ કર્યો, જે તમે મને પૂછ્યો હતો, “આ સાપ ઝેરી હોત તો તમે મારા દીકરાને બચાવી શક્યા હોત?” ડોક્ટર બોલ્યા, “એન્ટી-સ્નેક-વિનમથી બચાવી તો લેવાય પણ હમણાંથી એન્ટી-સ્નેક-વિનમ ગવર્નમેંટ સ્ટોકમાં આવતું નથી. એટલે..” દીકરો બચી ગયો છતાં ‘એ મરી ગયો હોત તો..’ એવી કલ્પનાથી ફફડીને મેં વિનાકારણ ડોક્ટરની ફેંટ પકડી લીધી. પણ ગુસ્સાના એ પ્રદર્શન પછી મારી બેચેની દૂર થઈ. મેં નિર્ણય લઈ લીધો. વીતરાગે છેલ્લા વીસ વરસમાં ધનનું જે સુરક્ષાચક્ર ઊભું કર્યું છે એ હું આવતાં વીસ વરસમાં કરીશ. એ વાતને છ વરસ થયા અને આયમ ઓન માય વે!

વીતરાગ! મારી પ્રગતિ કરનારી આ બેચેની મારા મનમાં રોપનાર તું હતો. “તારા દીકરાને ઝેરી સાપ કરડે તો?” એ વિચાર મારા મનમાં નાખનાર તું હતો. મારે તને મળવું હતું. પણ હું વિચારતો હતો પહેલી વાર હું તારે ઘરે રિક્ષામાં આવી ચાલતો પરત ગયો હતો. તો આ વખતે ચાર્ટર્ડ ફ્લાઈટમાં આવું, એમ વિચારતો હતો.

પણ તું અહીં શું કરે છે?”

*

વીતરાગે વિચાર્યું, પોતે ય ખુશ તો હતો જ. પણ આને કઈ રીતે જવાબ આપું? પોતાની ‘એલિયન’ જેવી વાતો આને સમજાશે? પ્રસાદની બાલકનીમાં રોજની જેમ એક બુલબુલ આવીને બેઠું. પણ અજાણ્યા લાગતા વીતરાગનો કાબરચીતરો ઝભ્ભો જોઈને ગભરાઈને ઊડી ગયું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED