Sava tranni Bus books and stories free download online pdf in Gujarati

સવા ત્રણની બસ

નવલિકા

સવા ત્રણની બસ

રઈશ મનીઆર

બે હજાર દસની સાલમાં હું એગ્રીકલ્ચર કન્સલ્ટંટનું કામ કરતો હતો. એ પછી તો મેં બીજા બે ધંધા બદલ્યા. પણ તે અરસામાં મારે કામ અર્થે વારંવાર કચ્છ જવાનું થતું.

બપોરના બે-સવા બે વાગ્યાનો સમય હતો. કચ્છની ધોમધખતી ગરમીમાં મોરબીથી ભૂજ તરફ જતા હાઈવે પર ભૂજ જતી બસની હું રાહ જોઈ રહ્યો હતો.

હાઈવે મુજાપર ગામથી ત્રણેક કિલોમીટર દૂર હતો. મુજાપર ગામના મારા ક્લાયંટનો દીકરો મને હાઈવે પર ઉતારી ગયો હતો. “બસ આવે ત્યાં સુધી બેસું?” એવો વિવેક એણે કર્યો. અને મેં વિવેકપૂર્વક ના પાડી. મારો અનુભવ હતો કે ક્લાયંટ સાથે કામ પતી ગયા પછી બેસી રહેવાથી બિનજરૂરી નિકટતા બંધાય છે. ‘તમે ક્યાંના? કઈ જ્ઞાતિના, આને ઓળખો કે?’ આવી બેમતલબ વાતો કરી લોકો સંબંધ વધારે છે અને મોટાભાગના ક્લાયંટ્સ એનો ગેરલાભ ઉઠાવતા હોય છે. આવી વ્યર્થ નિકટતાને જોરે ક્યાં તો બીજીવાર પેમેંટ ઓછું આપે, ક્યાં તો કસમયે ફોન કરી ફોન પર જ મફત સલાહ લઈ લે.

આમેય મને એકલા રહેવાનું ગમતું. ઉપર ધખતો સૂર્ય, ડામરના લીસા કાળા હાઈવેની બન્ને બાજુ રેતી મિશ્રિત જમીન. થોડે દૂર, આશરે બસો મીટરના અંતર પર એક હાઈવે હોટેલ હોય એવું કળાતું હતું, ખબર નહીં કદાચ કોઈ ફેક્ટરી પણ હોય. એ સિવાય આખો વિસ્તાર સાવ નિર્જન હતો. સુરતથી સ્લીપર બસમાં બેસી આજે સવારે જ અહીં આવ્યો હતો. મુજાપર પાટિયા ઉતરી મુજાપર ગામ ગયો. ત્યાંના ક્લાયંટનું કામ પતાવી હવે ભુજના ક્લાયંટ પાસે જવાનું હતું. અહીંથી બસમાં બે કલાક થાય. ભીડભાડ ભરેલી એસ ટીમાં બેસવાને બદલે મુંબઈ કે સુરતથી આવતી સ્લીપર બસને રોકીને એમાં ભુજ જાઉં તો જરા ઘેરાતી આંખોને આરામ મળી જાય, એમ વિચારી રહ્યો હતો. કાયમી મુસાફર હોય એ બસમાં જ આરામ કરે. સુરતથી આવતી બસ તો વહેલી આવે પણ મુંબઈથી આવતી બસ પોણાત્રણે આવતી. પચીસેક મિનિટ આ નિર્જન વિસ્તારમાં મારે રાહ જોવાની હતી.

આવા પાટિયા પર વાહનની રાહ જોવા માટે સામાન્ય રીતે એકાદ છાપરું હોય. કોઈ મરી ગયેલાની યાદમાં એકાદ બાંકડો હોય. પણ અહીં કંઈ નહોતું. બે’ક વૃક્ષો દેખાતાં હતાં. વગર ખાતરપાણીએ ઊગી નીકળેલા ઘટાદાર વૃક્ષ હતા પણ વૃક્ષની નીચે હું કદી બેસું નહીં. નીચે પંખીઓની ચરક પડેલી હોય, પાંદડા ખરી માથા પર પડે. પણ પચીસ મિનિટ તડકામાં ન રહેવાય એટલા માટે મેં વૃક્ષની નીચે બેસવાનું નક્કી કર્યુ.

મને પહેલા લાગ્યું કે અહીં હું એકલો છું, પણ પહેલા વૃક્ષની નીચે એક થોડાં ઘરડાં જણાતા બહેન બેઠેલા હતાં. પંચાવનની ઉંમર હોય તો ય ગામડાના લોકો સાઠનાં દેખાય. મને આવતો જોઈ એમણે મારા બેસવાની જગ્યા કરી. પણ હું એમને પસાર કરી બીજા વૃક્ષ નીચે ગયો. બેસવા લાયક જગ્યા નહોતી એટલે થડને અઢેલી ઊભો રહ્યો. બાજુના વૃક્ષની નીચે એક જૂની સિમેંટની પાઈપ પડી હતી જેના એક છેડે પેલી સ્ત્રી બેઠી હતી. પણ ઘરડાં માણસો સવાલ બહુ પૂછે, ‘ક્યાં જવાના?’થી શરૂ કરી “લગ્ન થયા છે કે કેમ, બાળકો છે કે નહીં, નથી તો કેમ નથી અને ક્યા દેરાં પર દર ગુરુવારે જવાથી બાળકો થાય” ત્યાં સુધીની લપ્પનછપ્પન કરે. એટલે હું બાજુના વૃક્ષ નીચે ઊભો હતો.

બે જ મિનિટમાં બીજા એક ભાઈએ મારી નજીક આવીને “બસ ક્યારે આવશે?” જેવા સવાલથી વાત શરૂ કરી અને એ વાત આગળ વધારે એ પહેલા હું બાજુના વૃક્ષ નીચે પેલી સ્ત્રીની બાજુમાં જઈને બેઠો.

ત્રણેક મિનિટ સુધી સ્ત્રીએ કોઈ વાત કરી નહીં એટલે મને મારા સફળ નિર્ણય પર માન થયું. હવે બસ સમયસર હોય તો માત્ર બાવીસ મિનિટ પસાર કરવાની હતી. ત્યાં પેલો બીજો કચકચિયો મુસાફર હું એને છોડીને આવતો રહ્યો એટલે જરા દુભાયેલો હતો. બસની રાહ જોવાને બદલે છકડામાં બેસી નીકળી ગયો.

બીજી ત્રણેક મિનિટ નિશબ્દ વીતી ગઈ. સ્ત્રીએ કોઈ વાત માંડી નહીં. મોટાભાગની યુવાન સ્ત્રીઓ અજાણ્યા પુરુષો સાથે વાત કરવાનું ટાળે, પણ આ તો ઘરડી હતી. એ વાત ન કરે એ મને જરા અજુગતું લાગ્યું. પંદરેક મિનિટ રહીને મેં સમય જોયો. ત્રણને તેંતાલીસ. હવે બે-ચાર જ મિનિટ પસાર કરવાની હતી. સમય પસાર કરવો એ જ જીવન છે. આપણે સહુ સમય પસાર કરીએ છીએ એ જ મૂળવાત છે, બાકી સમય ક્યાં અને કેવી રીતે પસાર કરવો એના વિકલ્પો હોય છે. એને આપણે કારકિર્દી જેવું મસમોટું નામ આપીએ છીએ.

હું મનોરુગ્ણ નથી. કોઈ પણ કામ હું રિસર્ચ જેવી ધગશથી કરી શકું છું. કામને લગતી વ્યવસાયની લગતી વાતચીત હું સફાઈદાર રીતે કરું છું, પણ મિત્રતા, સંબંધો, સહાનુભૂતિ, સ્મરણ, વિરહ આ બધા શબ્દોની મને ભયંકર ચીડ છે. મને નવું નવું કરવાનો શોખ છે એટલે દર ત્રણ ચાર વર્ષે ધંધા બદલું છું એ તો સાચું જ છે પણ એની પાછળ એક નાનું કારણ એ પણ ખરું કે ધંધા બદલવાથી સંપર્કમાં આવનાર માણસો બદલાઈ જાય, એટલે લાંબા ગાળાના સંબંધોની કડાકૂટમાંથી બચી જવાય.

આ સ્ત્રી બિલકુલ બોલી નહોતી. એ ન બોલી, એથી પહેલા મેં રાહત અનુભવી, પછી એના પર માન અનુભવ્યું. અને હવે મને અકળામણ થવા લાગી હતી. સાવ નિર્જન જગ્યા પર બે મુસાફરો વીસપચીસ મિનિટ વાત કર્યા વગર બસની રાહ જુએ, એ કેવું લાગે! સ્ત્રી પણ મારા જેવી એકલપેટી જ હશે. મને અચાનક એ જ પળે ખ્યાલ આવ્યો કે મને જેમ લપલપિયા માણસો નથી ગમતાં, તેમ સાવ મારા જેવા માણસોની પણ મને ચીડ છે. મને અચાનક એવું થયું, ક્યાંક મારા પ્રત્યેની ચીડ હું બીજા પર વ્યક્ત નથી કરતો ને? બહુ વિચારવાથી ફિલોસોફર બની જવાય. ફિલોસોફરોને પઈની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં. એટલે હું મારું મગજ ટેકનિકલ બાબતોમાં ખૂંપેલું રાખું છું.

હવે બસ આવી જાય તો સારું એમ વિચારી હું હાઈવે પર લાંબી નજરે તાકી રહ્યો. હાઈવે વળાંક લઈને આવતો હતો એથી આવતું વાહન દેખાય એ પહેલા એનો અવાજ સંભળાતો. કોઈ વાહનનો અવાજ સંભળાય એ પહેલા પેલી સ્ત્રી બોલી, “સવા ત્રણ પહેલા નહીં આવે”

પાકી આગાહી કરનારા માણસો મને નથી ગમતા. કોઈ લારીવાળાએ કહ્યું હોત તો મેં માની લીધું હોત, પણ એક ઘરડી સ્ત્રી પોતે એસ ટી ડેપોની ટ્રાફિક કંટ્રોલર હોય એવા વિશ્વાસથી બોલી, “સવા ત્રણ પહેલા નહીં આવે.”

હવે બે કારણસર હું બસની રાહ જોવા લાગ્યો. એક તો પચીસ મિનિટની એકવિધતા તોડવા અને બીજું આ સ્ત્રીની આગાહી ખોટી પાડવા.

જરાવાર હાઈવે પર તાકી રહ્યા પછી મારાથી બોલી જવાયું, “મુંબઈથી આવતી સ્લીપર તો પોણા ત્રણે આવે છે.”

સ્ત્રી બોલી, “હું એની જ વાત કરું છું. એ સવા ત્રણે આવશે.”

મને થયું કે હવે એ પૂછશે, “ક્યાં જવાના?”

પણ એણે પૂછ્યું નહીં. એક છાબડી સિવાય એની પાસે કોઈ સામાન નહોતો, એ મેં જોયું.

બીજો સંભવિત સવાલ હતો “શું કામ કરો છો તમે?”

પણ એ ય એણે પૂછ્યું નહીં. પણ તો ય હું મનોમન જવાબ વિચારવા લાગ્યો. આ સવાલ મારે માટે સૌથી મુશ્કેલ સવાલ હતો. કેમ કે સતત નવો ધંધો સેટલ કરવાનો સંઘર્ષ એ જ મારા જીવનનો મુખ્ય પડકાર. પછી એમાં કંટાળો અનુભવી ફરી કોઈ નવી આવડત, નવું જ્ઞાન, નવું ક્ષેત્ર.. એમાં ઊંડા ઉતરી એને વ્યવસાય તરીકે વિકસાવવાની મથામણ શરૂ થઈ જતી. અત્યારે હું એ જ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. કચ્છની બંજર જમીન પર અંજીર દાડમ જેવા ફળોનો એકર દીઠ વધુ પાક કઈ રીતે લઈ શકાય એની સિંચાઈ અને ખાતરની નવી પદ્ધતિઓ વિકસાવી મેં અહીંના જમીનદારોને ખૂબ ફાયદો કરાવ્યો હતો. સુરત શહેરની અમારી બાપદાદાની લીલીછમ વાડીઓ ભાઈઓને સોંપી હું મહિને બે વાર કચ્છ તરફ નીકળી આવતો. ત્રણ વરસમાં સિત્તેર વાર કચ્છના અલગ અલગ આવ્યો હોઈશ. પણ કદાચ કચ્છની આ મારી છેલ્લી વિઝિટ હતી.

લીલી અને સૂકી બે પ્રકારની જમીનો વારાફરતી જોઈ જોઈને કંટાળી ગયો હતો. જે સિમેંટના પાઈપ પર બેઠો હતો, એવા ભારેખમ પાઈપની પણ મને ચીડ હતી. આજકાલ મારા મનમાં એ રિસર્ચ ચાલી રહ્યો હતો કે પ્લાસ્ટિક કે પીવીસીના કયા મિશ્રણથી હળવી પાઈપ બનાવી શકાય. લાગણી, ભાવના વગેરે ફાલતુ વિચારોથી બચવા સતત હું કોઈ યંત્રો બનાવવાનો વિચાર કરતો. આવડત તો એવીય હતી કે દેશી બંદૂક કે વિસ્ફોટક બોંબ પણ બનાવી શકું, પણ યાંત્રિક હળ, બોરીંગ, પાઈપ એવા ખેતી ઉપયોગી સાધન જ બનાવતો.

એ બહેને નહીં પૂછેલા સવાલનો આવો લાંબો જવાબ વિચારી કંટાળ્યો. પછી એ બહેનને નિરખવા લાગ્યો. નજર નીચે હતી પણ કાન સરવા હતા. દૂરથી વાહનનો અવાજ ઘરઘરાટી જેવો સંભળાયો. હું ઊભો થવા લાગ્યો. સ્ત્રી બોલી, “ટ્રક છે!”

‘ટ્રક હશે’ એમ બોલનારને હું સહન કરી શકું પણ ‘ટ્રક છે!’ એ કેવા પ્રકારનું વિધાન કહેવાય? હું ‘બસ પણ હોઈ શકે’ એમ ધારી ઊભો થયો. મારી ચીડમાં વૃદ્ધિ કરતી એક ટ્રક સામેથી પસાર થઈ ગઈ. હું ફરી મને ન ગમતી પાઈપ પર ન ગમતી સ્ત્રીની બાજુમાં બેઠો.

સ્ત્રીએ છાબડી ખોલી. પ્લાસ્ટિકની થેલીમાં છાશ હતી અને બેત્રણ રોટલા હતા. મને થયું હવે એ પેલી તરફ ફરીને ખાશે. પણ એ તો મારી તરફ ફરી. અને છાબડી લાંબી કરી. આવી ઓછાબોલી સ્ત્રી સાથે વાત કરવાનો મને વાંધો નહોતો, પણ 35 વરસના જીવનમાં કોઈના ટિફિન કે ભાથામાંથી ખાવાનો મને પ્રસંગ આવ્યો નહોતો. મેં મોં ફેરવી કહ્યું, “તમે ખાઓ.”

એ બોલી, “મારી તો અગિયારસ છે!”

ઓત્તારીની! અગિયારસ છે તો રોટલા અને છાશ કોના માટે લાવી?

મારા ન પૂછાયેલા સવાલનો જવાબ આપતાં એ બોલી, “બસમાં મુંબઈથી મારો દીકરો આવે છે, એને માટે લાવી.”

“મને ભૂખ નથી, હું જમીને આવ્યો છું.”

રોટલાની આડશમાં એક-બે સુખડીના ટુકડા પણ હતા. એમાંથી એક એણે ધર્યો. રોટલો નહોતો ખાવો પણ સુખડીનો એક ટુકડો મેં લીધો. સુખડી નામ મને નહોતું ગમતું, એમાં ‘સુખ’ શબ્દ આવે એટલે. પણ સુખડીનો સ્વાદ મને ભાવતો. મેં એ ટુકડો લીધો.

“નામ શું તમારા દીકરાનું?” જેના નામની સુખડી હું ખાઈ રહ્યો હતો એનું નામ જાણવાની જિજ્ઞાસા થઈ અને મારાથી પૂછાઈ ગયું.

“રોહિત! મુંબઈ શેરબજારનું મોટું બિલ્ડીંગ છે અઠ્ઠાવીસ માળનું, એમાં વોચમેનનું કામ કરે છે!”

મને ખ્યાલ આવ્યો કે બોમ્બે સ્ટોક એક્સચેંજના બિલ્ડીંગમાં એનો દીકરો સિક્યોરીટી ગાર્ડ હતો. ભરબપોરના તડકામાં એની મા એને લેવા આવી હતી. મારી મા તો સ્કૂલમાં મને લેવા આવે તો ય હું ચીડાઈ જતો. માના દેખાવ કે કપડાં બાબતે સ્કૂલના છોકરાઓ ચીડવે, એવો ડર લાગતો.

મને થયું આ સ્ત્રી કોઈ વાહન તો લાવી નહોતી, પછી લેવા આવવાનો શું મતલબ? બન્ને છકડામાં જ બેસી મુજાપર જશે. મેં પૂછ્યું, “દીકરાની વહુ લેવા ન આવે?”

સ્ત્રી હસી, “હજુ એના લગ્ન ક્યાં થયા છે? એ તો બાવીસ વરસનો છે!”

પંચાવન-સાઠ વરસની લાગતી સ્ત્રીને બાવીસ વરસનો દીકરો હોય? પૌત્ર હોય? બન્ને શક્યતાઓ ઓછી સાચી લાગતી હતી.

“એના બાપા એને સવા વરસનો મૂકીને ને ગુજરી ગયા. એ મારો એકનો એક દીકરો છે. આ વરસે છોકરી બતાવીશ. આવતે વરસે પરણાવીને મુંબઈ મોકલીશ.” સાસુ કે દાદી બનવાના ઓરતાથી એના ગાલ લાલ થયા.

હું મારી ગણતરીમાં થાપ ખાઈ રહ્યો હતો. પળોજણ પડતી મૂકીને બસની રાહ જોવા લાગ્યો. બસની રાહ જોવી પડે. માણસની રાહ જોવાય? મારા ધંધામાં હું સમયનો પાકો હતો. બધે સમયસર પહોંચું. કોઈ મારા માટે રાહ જુએ કે હું કોઈ માટે રાહ જોઉં એ બન્ને મને ન ગમે. કોઈની સાથે મળવાનો સમય નક્કી કર્યો હોય તો એને કહું કે તારી ઘડિયાળ મારી ઘડિયાળ સાથે મેળવી લે. જેથી સહેજે સમયફેર ન થાય.

ઘણીવાર સુધી રાહ જોયા પછી ઘરઘરાટી સંભળાઈ. હવે ઊભા થવાને બદલે મેં એ સ્ત્રી સામે જોયું. એ બોલી, “ટેમ્પો છે.”

જરાવાર પછી ટેમ્પો પસાર થયો એટલે મારાથી સવાલ પૂછાઈ ગયો, “દર મહિને આવે છે?” સ્ત્રી આ હાઈવેની, એના પરથી પસાર થતાં વાહનોના અવાજની અનુભવી હતી એટલે મેં ધાર્યું કે એ અહીં નિયમિત આવતી હશે. પણ મુંબઈ નોકરી કરતો દીકરો કંઈ દર અઠવાડિયે તો ન આવે!

“ના, એક વરસ પહેલા નોકરીએ લાગ્યો, આજે પહેલી વાર જ આવે છે!”

આમ જ આપણી ધારણાઓ ઘણીવાર ખોટી પડતી હોય છે. એટલે હું ધારણાઓ બાંધવા માંગતો હોતો નથી. પણ વાત કરી ખુલાસો મેળવવાની કુટેવ મને ન હોવાથી ધારણા બાંધવાની કુટેવ મારા મનમાં વિકસી હતી. ખેતરમાં નિંદણ ઊગે તેમ મારા મનમાં ધારણાઓ ઊગતી. આજકાલ યાંત્રિક દાતરડું બનાવવાનું પણ હું વિચારી રહ્યો હતો.

અગિયારસનો ઉપવાસ હતો છતાં આ સ્ત્રી રોટલા છાશ ને સુખડીનું ભાથું કોના માટે લાવી એ ખ્યાલ આવી ગયો. પણ ત્રણ કિલોમીટર દૂર ગામ હોય છકડામાં સાત આઠ મિનિટ થવાની હોય તો ભાથું લાવવાની શી જરૂર?

મારો સવાલ વાંચી લીધો હોય એમ એ બોલી, “મુજાપર સુધીનો પાકો રસ્તો પૂરો થાય પછી સીમમાં પગદંડી પર દોઢ માઈલ ચાલીએ ત્યારે મારું ઘર આવે. દોઢ વીઘા જમીન છે અમારી.”

દસ વીઘા કરતાં નાની જમીનમાં કંસલ્ટેશનનું કામ હું કરતો નહોતો. આમેય નાની જમીનોવાળાં જમીનની એવી સરસ માવજત કરતાં હોય કે એમને કદી અમારા જેવા કંસલ્ટંટની જરૂર ન પડે. હાથથી બધું કામ કરે એટલે અમે બનાવીએ એવા મશીનોય એમને માટે નકામા. એ રીતે જોઈએ તો આવા માણસો અમારા જેવા માટે નકામાં. મારા ખિસામાં પડેલો વિઝિટીંગ કાર્ડ હું દસ વીઘાથી વધુ મોટી જમીન હોય એને જ આપતો. આ પળે એ વિઝિટીંગ કાર્ડ પણ નકામો.

પણ અત્યારે હાઈવે પર કયું વાહન આવી રહ્યું છે એની આગાહી કરવામાં આ બાઈ કામ આવી રહી હતી. સવા ત્રણ થવામાં ચાર મિનિટની વાર હતી.

“એકનો એક દીકરો હોય, દોઢ વીઘા જમીન હોય તો દીકરાએ વોચમેનની નોકરી કરવા મુંબઈ શું કામ જવું જોઈએ?” એ સ્ત્રી બોલી. તમે માનશો? એની એક સેકંડ પહેલા જ મારા મનમાં આ જ વિચાર આવ્યો હતો. જો કે મને અને કોઈ બીજાને સરખા વિચારો આવે એ ય મને ન ગમે. ખાસ કરીને મારી માને મારા મનમાં શું ચાલી રહ્યું છે, એની ખબર પડી જાય તો મને ખૂબ ગુસ્સો આવતો. જો કે હું માને છ વરસમાં ચારેક વાર જ મળ્યો હતો. હું સુરત ફ્લેટમાં રહેતો, એ ગામડે ભાઈ સાથે રહેતી. દીવાળી પર બોલાવે. પણ ભાઈનો જ્યારે ફોન આવે કે બાને દવાખાને દાખલ કરી છે, બચે એમ લાગતું નથી. છેલ્લીવાર મળી લે. ત્યારે હું મળવા જતો, દર વખતે એ બચી જતી. એ જીવી જતી અને એની શોકસભામાં કેટલા બધા લોકોને મળવું પડશે એની ચિંતા ટળી જતી.

હું ગામડેથી સુરત ભાગ્યો, એમ એનો દીકરો પણ..

ત્યાં જ એ બોલી, રોજ એનો ફોન આવે, “બા તારે માટે સાડી લઈને આવીશ. કાલે સવારે જ ફોન આવ્યો, રાતની સ્લીપર બસમાં ટિકિટ લીધી છે, બસ હવે તૈયારી..”

ખિસામાંથી મારો ફોન કાઢી હું બોલ્યો, “એનો નંબર યાદ છે? એને ફોન કરીને પૂછી લઈએ કે બસ ક્યાં પહોંચી? કેટલીવારમાં આવશે?”

એ હસી પડી, “એમ કરીએ તો રાહ જોવાની મઝા મરી જાય ને!” એણે એનું પાકીટ કાઢ્યું, એમાંથી એના બાવીસ વરસના દીકરાનો ફોટો કાઢ્યો. ફોટો કદાચ પર્સમાં મૂકવાને કારણે ચોળાયેલો અને સાવ જૂનો લાગતો હતો. પહેલા મારી પાસે પણ મારો પોતાનો આવો જ એક જૂનો ફોટો હતો. પણ છ વરસ પહેલા બાના પગ ચાલતા હતા ત્યારે એ છેલ્લીવાર સુરત રહેવા આવેલી, ત્યારથી એ ફોટો ગાયબ હતો.

સત્તર વરસ પહેલા હું પણ આવો દેખાતો હોઈશ. અમારી જનરેશનના છોકરાઓ આવા ફોટો પડાવતાં. મૂઢતા અને મુગ્ધતાના સમન્વયવાળું હાસ્ય. એમાંથી સત્તર વરસમાં મુગ્ધતા ચાલી ગઈ. મારા જેવા આડત્રીસ વરસની ઉંમરના અપરિણિતને પણ એ ફોટો જોઈ દૂધમલ યુવાની યાદ આવી.

પણ આજકલના છોકરા કંઈ આવો ફોટો પડાવે? આ સ્ત્રીનો છોકરો કદાચ એંટિક પીસ હશે. નામ પણ કેવું હતું ‘રોહિત’! સ્ત્રી બોલી, “બસમાંથી રોહિત ઉતરે ને, તો એને બે શબ્દ કહેજો. પોતાની દોઢ વીઘા જમીન હોય તો દીકરાએ માને છોડી મુંબઈ વૈતરું કરવા શું કામ જવું જોઈએ?”

“એ તો જેવી એની મરજી!” હું બોલ્યો તો ખરો, પણ મને થયું કે એક અજાણ્યા યુવકને એવું કહેવાય ખરું? કયા સંબંધથી આવું કહેવાય?

ઘરઘરાટી સંભળાઈ. મેં ધારણા કરે કે હવે એ બોલશે, “બસ આવી” મારી ધારણા ફરી જરાક ખોટી પડી. એ બોલી, “રોહિત આવ્યો!”

બસ આવી. ધીમી પડી બસમાંથી ડોકું કાઢી રહેલા યુવાનોમાંથી કોણ રોહિત હશે એ હું વિચારવા લાગ્યો. બસ થોભી. એક પંચોતેર વરસના કાકા સાથે દસેક વરસની એક દીકરી ઉતરી. એક યુવાન દરવાજા પાસે આવ્યો. મેં ધારી લીધું કે આ જ રોહિત હોઈ શકે. પણ એના હાથમાં સામાન નહોતો. દરવાજે આવી મને પૂછવા લાગ્યો, “અહીં મિનરલ વોટર મળશે?” આ રોહિત નહોતો. મેં ના પાડી, એ સીટ પર બેસી ગયો. પછી કોઈ ઉતરતું દેખાયું નહીં. કંડક્ટર મને જોઈ બોલ્યો, “એ ભાઈ ઊભા શું છો? આવવું હોય તો ચડી જાઓ!”

મેં કહ્યું, “બધાને ઉતરી જવા દો ને!” કંડક્ટર હસ્યો, “મુજાપરવાળા તો ઉતરી ગયા. તમે કહો તો ભુજવાળાને ય અહીં જ ઉતારી દઉં!” હું બસમાં ચડી ગયો. મારી આંખો રોહિતને શોધતી રહી.

કંડક્ટરે બેલ માર્યો. સ્ત્રી બસમાં ચડી ગઈ. એની આંખો રોહિતને શોધતી હતી, “અરે એનો ફોન હતો. એ આજ બસમાં આવવાનો હતો.”

કંડક્ટર બોલ્યો, “ડાહીના પેટની! ઉતરે છે કે મારું લાત?”

હું વિસ્ફારિત આંખે એ સ્ત્રીને જોતો રહ્યો. કંડક્ટરે હડસેલીને એને ઉતારી અને બસ ઉપડી. બારીમાંથી ડોકું કાઢીને હું સ્ત્રીને જોતો રહ્યો. બસે વળાંક લીધો અને એ દેખાતી બંધ થઈ.

કંડક્ટરે પૂછ્યું, “ભૂજ? અહીં સત્તર નંબર પર બેસો!”

“પેલા બેન?” મારો સવાલ અસ્પષ્ટ હતો પણ કંડક્ટર સમજી ગયો.

“કોણ પેલી ગાંડી?” પછી સોળ નંબર પર બેઠેલા ભાઈને બતાવી કહ્યું, “આ શેખરભાઈ તમને એની વાત કહેશે.”

શેખરભાઈએ મારા મુખભાવ જોઈ પહેલા તો પાણીની બોટલ આપી, પછી કહ્યું, સત્તર વરસથી રોજ સવાત્રણ વાગ્યે આ બાઈ અહીં એના દીકરાની રાહ જોતી હોય છે. એક પણ દિવસ ખાલી ન જાય!”

મેં ધારણા બાંધી, “એનો કોઈ દીકરો છે જ નહીં? એને માત્ર ભ્રમણા છે?”

મારી ધારણા ફરી ખોટી પડી, “સત્તર વરસ પહેલા 1993માં મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા. એમાં પહેલો સ્ટોક એક્સચેંજના બિલ્ડીંગમાં થયો હતો. એમાં આનો દીકરો રોહિત વોચમેન હતો. એ દિવસે રાતની બસમાં એ ગામ આવવાનો હતો. એ જ સવારે પાર્ક કરેલી બિનવારસી કાર કોની છે એ જોવા ગયો ત્યાં જ બ્લાસ્ટ થયો અને એના શરીરના એવા ચીંથરા ઊડ્યા કે એનું શરીર પણ ન મળ્યું.” શેખરભાઈ બોલ્યા.

“થોડા દિવસ તો આ વિધવાને આઘાત લાગશે એમ વિચારી કોઈએ સાચી વાત કહી નહીં.” શેખરભાઈ ઊંડો શ્વાસ લઈ બોલ્યા, “અને થોડા દિવસ પછી એણે સાચી વાત માની નહીં! તે દિવસથી રોજ ભાથું લઈને દીકરાને લેવા આવે છે”

શેખરભાઈએ કોઈ કવિ કે લેખકની જેમ વાત પૂરી કરી, “આજની બસ દીકરાને ન લઈ આવી એની નિરાશા રાત સુધી રહેશે. કાલનો સૂરજ એને માટે નવી ઠગારી આશા લઈને ઊગશે.”

ભૂજ ઉતર્યો ત્યાં સુધી હું કંઈ બોલી ન શક્યો. હું સવા ત્રણની બસમાંથી ઉતર્યો પણ સવા ત્રણની બસ મારા મનમાંથી કદી ન ઉતરી.

હું સુરત જતો હતો ત્યારે ભાઈનો ફોન આવ્યો. બા બીમાર છે. સીધો ગામ આવજે. બા આ વખતે ખરેખર ગામતરે ઉપડી ગઈ. શોકસભા પણ ધાર્યા કરતાં સરળ રીતે ઉકલી ગઈ. કચ્છની મારી એ મુલાકાત છેલ્લી ન નીવડી. મેં મહિને બે વાર કચ્છ જવાનું ચાલું જ રાખ્યું. જ્યારે જ્યારે કામની વચ્ચેથી સમય મળે ત્યારે બપોરે પોણા ત્રણે મુજાપર પાટિયા પર પહોંચી એ સ્ત્રીની સાથે સવા ત્રણની બસની રાહ જોવામાં એને સાથ આપું છું.

રઈશ મનીઆર

6 બી રત્નસાગર એપાર્ટમેંટ

ચાંદની ચોક પાસે

પીપલોદ સુરત 395007

ફોન - 9825137077

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED