લિખિતંગ લાવણ્યા.- સંપૂર્ણ Raeesh Maniar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લિખિતંગ લાવણ્યા.- સંપૂર્ણ

લઘુનવલ

લિખિતંગ લાવણ્યા

- લેખક -

રઈશ મનીઆર

READ MORE BOOKS ONwww.matrubharti.com

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

પ્રકરણ એક

હું સુરમ્યા છું. મારા માટે લોકોની એવી છાપ છે કે હું વાતોડિયણ છું. પણ માનશો? આજકાલ મને લોકોને મળવાનું બહુ ગમતું નથી. તો ય વાત કરવાની ટેવ કંઈ છૂટી નથી. જેને એકલા એકલા વાત કરવાની ટેવ હોય એ આમ ડાયરી લખે.

હું સુરમ્યા. (મારું નામ મને ગમે છે, એટલે બીજીવાર કહ્યું.) અત્યારે મારા હાથમાં હું એક ડાયરી લઈને બેઠી છું. જો કે એ મારી ડાયરી નથી. ડાયરી કવર વગરની છે, બાઈંડીંગમાંથી છૂટી પડેલી છે, પાના પણ પૂરેપૂરા નથી. મને આ ડાયરી અનુરવ આપી ગયો છે.

અનુરવ અને હું એક જ ફર્મમાં કામ કરીએ છે. જો કે સાચું કહેવું હોય તો એમ કહી શકાય કે અનુરવ આ ફર્મમાં કામ કરે છે અને હું ત્યાં ટાઈમ પાસ કરું છું. વકીલાતની આ ફર્મ છે. આમ તો બોસ સ્ટ્રીક્ટ છે પણ એ પોતાની એકની એક દીકરી સાથે સ્ટ્રીક્ટ રહે તો જાય ક્યાં? જી હા, હું એમની દીકરી છું. વકીલાતની ડિગ્રી લીધા પછી અમારી ઓફિસના ચોખ્ખા તાજા લીલા લેજર પેપર વાંચવાને બદલે મને સ્ટોરીબૂક્સના પીળા પાનાં વાંચવાનું બહુ ગમે છે. હજુ તો બાવીસની છું. અને મને હમણાથી જ લાગવા માંડ્યું છે કે હું ખોટી લાઈનમાં ભરાઈ પડી છું. વકીલાતના તાજા લીલા પેપરની વાસ કરતાં મને સાહિત્યના પુસ્તકના વાસી પીળા પાનાની વાસ માદક લાગે છે. બસ એ જ કારણથી મને લાગે છે કે મારે પહેલાથી જ, છેક લાયબ્રેરિયનની તો નહીં, પણ સાહિત્યકારની લાઈન લેવાની જરૂર હતી. પણ જે થયું તે સારું થયું. આ વકીલાતના ફિલ્ડમાં ન આવી હોત તો અનુરવ ન મળ્યો હોત. ઘણીવાર કારકિર્દી માટે તમે જે લાઈન પસંદ કરો તે તમને તમારો ‘પ્રોફેશન’ નથી આપતી પણ તમારો ‘પર્સન’ તમને આપી દે છે. જો કે મેં અને અનુરવે હજુ એકબીજાને પ્રપોઝ કરવા વિશે સિરિયસલી વિચાર્યું નથી.

કેમ કે હાલપૂરતું મારા મનમાં પ્રેમિકા નહીં પણ લેખિકા બનવાનું ભૂત સવાર થયું છે. મારા દરેક વિચાર પહેલા હું પપ્પા સામે વ્યક્ત કરતી. હવે અનુરવ સામે કરું છું. પણ આજે હું તમને મારી વાત નથી કરવાની. આમ જો કે મારી વાત પણ રસપ્રદ છે પણ એ પછી ક્યારેક. આજે તો હું જે ડાયરી હાથમાં લઈને બેઠી છું એનું પહેલું પાનું મારે તમને વંચાવવું છે.

ગઈ કાલે મેં અનુરવને કહ્યું, “મારે એક મહાન નવલકથા લખવી છે.” એણે કહ્યું, “પહેલા એક હાઈકુ લખ!” હું હસી નહીં, એટલે એણે સમજાવ્યું કે હાઈકુ એટલે માત્ર સત્તર અક્ષરનું કાવ્ય.

“તુ શું એમ માને છે કે હું લાંબુ લખી ન શકુ?” મેં ઝઘડો કરવાની પૂર્વભૂમિકા બાંધવા માંડી. (‘પૂર્વભૂમિકા’ શબ્દ મને અનુરવના પરિચયને કારણે જાણવા મળ્યો, મારા જેવી છોકરીઓને મન ‘ઝઘડો’ એટલે ‘ટાઈમપાસ’ એવું અનુરવને મારા કારણે જાણવા મળ્યું.)

“સારા સાહિત્યમાં લંબાણ ન હોય, ઊંડાણ હોય!” અનુરવ પણ બાવીસ વરસનો હોવા છતાં આવુ ભારે ભારે બોલે છે એ જોઈને મને ઘણીવાર થાય છે કે એક દિવસ ક્યાં તો એ મેન્ટલ અસાયલમમાં જશે, ક્યાં તો એને એક દિવસ જ્ઞાનપીઠ એવોર્ડ કે એવું કંઈ મળશે. આમાંથી પહેલી શક્યતા તો જો કે, મારે માટે પણ ખુલ્લી જ છે.

“સાહિત્યમાં ઊંડાણ ક્યાંથી અને કેવી રીતે લાવી શકાય?” મેં એવી રીતે નાદાનીથી સવાલ કર્યો જાણે એમ પૂછતી હોઉં કે ચૌટાપુલમાં અમુક પ્રકારનું હેર-બેંડ ક્યાં મળે?

“માણસોના જીવનમાં ઊંડા ઉતરવું પડે. એના આશા-નિરાશા, સુખ દુખ, મોહ –ડર ને રસ અને સમભાવથી જોવા પડે. શોધતાં આવડે તો દરેક જીવનમાં એક નવલકથાનો પ્લોટ હોય છે.”

મેં પૂછ્યું, “ખોટી વાત, સારો રાઈટર જીવનમાંથી નવલકથા ન શોધે, એ તો નવલકથામાં જ જીવન ઊભું કરે!” વકીલાતનું ભણવાનો ફાયદો એ છે કે તમને ખરીખોટી દલીલો વિશ્વાસપૂર્વક કરતાં આવડી જાય.

અનુરવ કંઈ ન બોલ્યો એટલે મેં ઉત્સાહમાં આવી આગળ ચલાવ્યું, “લોકો જીવનથી કંટાળેલા હોય એટલે એમને ફિક્શનમાં રસ પડે. ફિક્શન જીવનમાંથી ન લવાય. એ તો એલિયનનું કે એવું હોય તો મજા પડે”

“પરગ્રહવાસીની પણ નોવેલ લખો તો એને પણ જીવનના જ કોઈ નિયમો લાગુ પડે! માણસોને સમજાય અને ગળે ઉતરે એવા નિયમો, માણસો અનુભવે એવી લાગણીઓ વગર વાર્તા ન થાય. આભાસ વાસ્તવિકતાના આધાર વગર ટકી ન શકે”

“વાસ્તવિકતા ઈંટેરેસ્ટીંગ ન હોય.” મેં દલીલ ચાલુ રાખી.

એ બોલ્યો, “હોય”

મને નવલકથા લખવાની ઈચ્છા થઈ ત્યારથી કનૈયાલાલ મુનશીથી લઈને ચાર્લ્સ ડિકન્સ અને સ્ટેફન કિંગથી લઈ આર. કે. નારાયણ સુધીનું બધું અનુરવે જ મને વાંચવા આપ્યું હતું. છતાં જરા ફાંકા સાથે મેં કહ્યું, “ ભલે મેં આજ સુધી કંઈ લખ્યું નથી પણ હું એક (મહાન) નવલકથાકાર બનવા માંગુ છું, કમિટેડ છું. રાતદિવસ લખવા વિશે વિચારું છું. અને તું.. કંઈ લખ્યું છે તેં આજ સુધી?

“ના. પણ એટલું જાણું છું કે ટ્રુથ ઇઝ સ્ટ્રેંજર ધેન ફિક્શન. આજ સુધી મેં તને નવલકથાઓ જ વાંચવા આપી હતી. કાલે તને એક ડાયરી આપીશ.”

“મારે કોઈની ડાયરી વાંચવી નથી.” એમ કહી હું ઊભી થઈ.

આ ગઈકાલની વાત.

આજે એ આવ્યો એ પહેલાથી હું એની રાહ જોતી હતી. રોજની જેમ. કદાચ રોજ કરતાં વધારે. એ આવ્યો એટલે હું કામે વળગી ગઈ. અને ત્રાંસી નજરે જોતી રહી કે એ કોઈ ડાયરી લાવ્યો છે કે નહીં. પહેલા મને વાંચવાનો શોખ નહોતો ત્યારે એ મારે માટે કંઈ ને કંઈ નાસ્તો લઈ આવતો. પહેલા હું સાવ પાતળી હતી. ઓફિસમાં બધા કહે છે કે અનુરવે નાસ્તો કરાવી કરાવી તારું વજન વધાર્યું. જેટલી જરૂર હતી એના કરતાં ય ચાર કિલો ઉપર વધી ગયું. હવે કદાચ વજનને બદલે મારી સમજ વધારવાની જરૂર છે, એવું એને લાગતું હશે. એટલે એ કંઈને કંઈ વાંચવા લાયક લઈ આવતો.

એ અમુક નવલકથાઓ તો પસ્તીવાળા પાસે પણ લઈ આવતો. એમાંની એક બે નવલકથાના તો છેલ્લાં બે પાનાં ફાટી ગયા હતા. સારું થયું, એ નોવેલ ઓ હેન્રીની ન હતી. હવે એ કદાચ કોઈ પસ્તીવાળા પાસેથી મળેલી ડાયરી મને આપવાનો હતો.

ઓફિસનું કામ પતાવી સ્ટાફને થોડી સૂચના આપીને એણે આખરે આ ડાયરી મારા હાથમાં મૂકી.

મેં એને ખોલ્યા વગર બાજુએ મૂકી પૂછ્યું, “મારે આને નવલકથા તરીકે વાંચવાની છે કે ડાયરી તરીકે? આ છે શું?”

“એ શું છે, એ પછી નક્કી થશે, પણ તું એક માણસ તરીકે એને વાંચવાનું શરૂ કર..”

કદાચ અનુરવ એમ માને છે કે જ્યારથી મને લેખનમાં રસ પડ્યો છે ત્યારથી મારી ભાવક તરીકે વાંચવાની આવડત ઓછી થતી જાય છે. અને વિવેચક તરીકેની હોશિયારી વધતી જાય છે. ભલે એ એમ માને હું તો મારી રીતે જ વાંચીશ.

તો આજે અનુરવ મને આ ડાયરી આપી ગયો. એને કોર્ટમાં હિયરીંગ છે એટલે એ ભાગી ગયો. ઉતાવળમાં હતો એટલે એવું પણ કહ્યું નહીં કે પહેલા પાનાનું ગુજરાતી જરા હેવી છે. અને એવું પણ કહ્યું નહીં કે આગળ પછી ઈઝી છે. અને મેં ડાયરી ખોલી. આ રહ્યું એનું પહેલું પાનું.

*

હું લાવણ્યા.. લાવણ્યા એટલે ખારાશવાળી સુંદરતા. કહો કે વહેલી પરોઢના ઝાકળમાં મોડી રાત સુધી જાગેલી વિરહિણીનું આંસુ ભળી જાય એ ઘટના એટલે હું.

સમયના એક ઝપાટે આ ડાયરીના બાળપણના પાના તો ફરફરી ગયા. ઘૂઘરો ફેંકી દોરડા હાથમાં લીધા. સાતતાળી રમવાની ઉમર વીતે એ પહેલા બેડલું લઈ પનઘટ ગઈ અને ત્યાં કોઈ પાંખાળા ઘોડા પર બેસી દૂર દેશનો ઘોડેસવાર આવે એ પહેલાં તો તમારે ત્યાંથી માંગુ આવ્યું. સૂરજપૂરના દીવાન ચુનીલાલનું ખાનદાન. વહાણવટાનો ધંધો. સાસુ વગરનું ઘર. બે દીકરા. ઉમંગ અને તરંગ. પપ્પા વગરની દીકરીને દાદાએ કહ્યું, આમાં વિચારવાનું હોય નહીં, આવું માંગુ વારંવાર ન આવે. અને 1991ની 16મી એપ્રિલે હું તમને પરણી ગઈ. લિખિતંગ લાવણ્યા..

*

તમને બે વાર વાંચવું પડ્યું ને? હું તો લિખિતંગ સુધી પહોંચતા જ ‘તંગ’ થઈ ગઈ. લિટરેચરને ગુજરાતીમાં સાહિત્ય કહેવાય એ ખબર હતી, પણ સાહિત્ય આવું હોય એ ખબર નહોતી. એની વે, આ ડાયરીમાં લખેલી વાત 1993ની વાત હતી. મારા જન્મ પહેલાની. પહેલો વિચાર એ આવ્યો કે ત્યારે આ લાવણ્યાની જનરેશન પાસે મોબાઈલ નહોતા. એમનો ટાઈમ કેવી રીતે પાસ થતો હશે! પછી તરત ખ્યાલ આવ્યો કે ડાયરી લખીને.

મેં મારી નાનકડી સ્ટડીબૂક (જે અનુરવે ગિફ્ટ આપી છે) ખોલીને એમાં નોંધ કરી, “લાવણ્યાએ ડાયરીમાં પોતાના વિષે ફર્સ્ટ પર્સનમાં લખ્યું છે. અને સેકંડ પર્સનને સંબોધીને લખ્યું. આ ‘તમે’ એટલે કે સેકંડ પર્સન લાવણ્યાનો પતિ છે. એને સંબોધીને ડાયરી શું કામ લખી? એનો જવાબ મળવો જોઈએ. એક પત્ની પોતાના પતિને સંબોધીને શું કામ ડાયરી લખે? આવી ઉભરતા લેખકને શોભે એવી ઈંટેલિજંટ ક્વેરી લખ્યા પછી મેં ડાઉન ટુ અર્થ આવીને લખ્યું, “આ ‘ઘૂઘરો’, ‘સાતતાળી’, અને ‘પનઘટ’ના મીનિંગ ગુજરાતી લેક્સીકોનમાં જોવા પડશે.” આ બધું જરા ટફ છે, જરા ઈઝી હોવું જોઈએ, મેં સ્ટડીબૂક બાજુ પર મૂકીને આગળ વાંચવાનું શરૂ કર્યું.

*

મારા લગ્નનો એ દિવસ હતો. દિવસ તો પૂરો થયો, રાત પડી ચૂકી હતી. શરણાઈ અને ઢોલના અવાજો ધીમા પડવાનું નામ નહોતા લેતા. ઘરેણા, ઝાંઝર અને બંગડીના રણકાર લઈને દોડતી સ્ત્રીઓ થાકતી નહોતી. બાળકો મંડપ નીચે ગાદલા પર ઉછળકૂદ કરી રહ્યા હતા. ભોજનવાળા મહારાજના માણસો પાસે પોતાનો અસબાબ સંકેલી રહ્યા હતા. રસોઈયા મહારાજને પૂરું પેમેંટ તો કાલે મળશે પણ માણસોને ચૂકવવા માટે એ દીવાનના મુનીમ પાસે ઉપાડ માંગી રહ્યા હતા. મુનીમ એની વાત સાંભળતા નહોતા કેમ કે એ કોઈની સાથે બડાશ હાંકવામાં વ્યસ્ત હતા, “સૂરજપૂર ગામમાં વરસો પછી લોકોએ આવું ભોજન ખાધું હશે!”

હું જોઈ રહી છું કે જે પરિવારમાં હું પરણીને આવી એ તમારો પરિવાર સમૃદ્ધ છે. પરિવારનો પરિચય થઈ ગયો. હવે તમારો પરિચય કરવાની મને ઈંતેજારી છે. નવવધુના વસ્ત્રોમાં સજેલી હું તમારી રાહ જોઈ રહી છું. મનમાં અને મનમાં હું બોલી, “નવપરિણિત લાવણ્યા અને તરંગની પહેલી મુલાકાત” પછી મનમાં ને મનમાં મેં સિરિયલોમાં વાગે એવું મ્યુઝિક વગાડ્યું. સમય પસાર કરવાનો સવાલ હતો. ગામના ટાવરમાં થોડીવાર પહેલા બારના ડંકા સાંભળ્યા હતા, હવે ફરી એક ડંકો થયો. એટલે સાડાબાર થયા હશે. મેં મારી ઘડિયાળમાં જોયું. રાતનો એક થયો હતો.

ઘડીઓ વીતી રહી છે. અવાજો મંદ પડી રહ્યા છે. પથારીથી બારી સુધી અને બારીથી પથારી સુધી આંટા મારી રહી છું. તમને ડેલીમાં આવતાં જોવાની એક ઝલક લેવા માટે બારીએ રાહ જોઉં તો કામ સમેટવા આવતી જતી સ્ત્રીઓ લુચ્ચું હસે છે. અને પથારી પર જાઉં છું તો એ ઝલક ગુમાવી દેવાનો ડર રહે છે.

ઘડિયાળમાં વારે વારે જોવાથી એ કંઈ ઝડપથી નથી ચાલતી. અને ‘તમે ક્યારે આવશો?’ એવું પૂછવાનો હક્ક તો પત્નીને ધીમેધીમે મળે છે. આજે તો પહેલો દિવસ. ના! પહેલી રાત. આવા વિચારો કરતી હું તમારી બેચેનીથી રાહ જોઈ રહી છું.

મેડીએ પગરવ સંભળાયો. તમે આવી ગયા!

અરે ના, આ તો મારા જેઠ ઉમંગભાઈ આવ્યા. એ બોલ્યા “તરંગ નથી આવ્યો ને હજુ? આવતો જ હશે. મિત્રો સાથે બેઠો હશે.”

હું કંઈ ન બોલી, આ પુરુષો આવું કેમ કરતા હશે? લગ્નની રાતે ય મોડા!

ઉમંગભાઈ બોલ્યા, “હું પણ એવો જ હતો લગન પહેલા. નવા નવા લગ્ન છે ને, જવાબદારી આવશે ને એટલે આપોઆપ..

મારી સાથે આંખ મેળવ્યા વગર એ વાત કરી રહ્યા હતા. મને એમ થયું કે ઘરમાં આવેલી નવી વહુની સાહજિક આમન્યા હશે. એ તો ખરું જ, પણ વાત પણ કંઈ એવી હતી કે એ આંખ ન મેળવી શકે.

“હવે તમારે જ એને સીધો દોર કરવાનો છે.” એમના અવાજમાં જરા અકળામણ પ્રવેશી.

આ વાતના જવાબમાં શું કંઈ પૂછું કે કંઈ કહું? એ વિચારું એ પહેલા ફરીવાર મેડી પર પગરવ થયો.

હું ઉત્સાહથી ઊભી થતાં જ બોલી ઊઠી લો, “એ આવી ગયા!”

અને જેઠ ઉમંગભાઈ દરવાજા પાસે જ ઊભા હતા છતાં એમને ઓળંગીને હું દરવાજા સુધી ગઈ. તમને પ્રવેશતા જોવાનો લહાવો મારે જવા દેવો નહોતો. પણ એ તમે નહોતા. આ તો મારા સસરા ચુનીલાલ દીવાન સામે ઊભા હતા.

“દીકરા તારાથી કંઈ નહીં છુપાવું. મારો તરંગ છેલ્લા ચાર વરસથી અમારા હાથથી સરી રહ્યો છે.” એમ કહી લગ્ન પહેલા જે છુપાવ્યું હતું તે કહેવાનું એમણે શરૂ કર્યું.

પ્રકરણ બે

અનુરવે મને કહ્યું, “સુરમ્યા, આ ડાયરી વાંચ!” અને હું બહુ સવાલો કર્યા વગર વાંચવા લાગી.

અનુરવે મને જે ડાયરી વાંચવા આપી હતી, એ આમ તો ત્રેવીસ વરસ જૂની હતી, પણ એમાંની કોઈ કોઈ વાત, પચાસ વરસ જૂની લાગતી હતી. આજના ચેટિંગ અને ડેટિંગના સમયમાં એ સ્વીકારવાનું ય બહુ એબ્સર્ડ લાગે કે કોઈ છોકરી પરણીને સાસરે આવી જાય અને એનો પતિ શું કરે છે, કેવો છે એની એને ખબર જ ન હોય! માત્ર રિસ્પેક્ટેબલ, પૈસાદાર ખાનદાન જોઈને છોકરી અને એના ઘરવાળા હા પાડી દે! બુલશીટ! પણ સાવ મેલોડ્રામા જેવી સ્ટોરી તો અનુરવ મને વાંચવા ન જ આપે. એની ચોઈસની વસ્તુ સાવ નકામી તો ન જ હોય, એટલો મને વિશ્વાસ હતો.

વળી આ ડાયરી સાવ ડાયરી જેવી ય ન હતી. સંવાદો વર્ણનો લગભગ નોવેલ જેવાં જ હતાં. પણ તો ય બપોર પછી અનુરવ આવશે એટલે “સાવ બકવાસ છે” કહીને આ ડાયરી એના માથે મારીશ! ના ના, એવું કરીશ તો બધા રહ્યાસહ્યા પાના પણ છૂટા પડી જશે. શરૂ કરી છે, તો હવે પૂરી કરું.

*

હું લાવણ્યા. દાદાજીની ડેલીમાં એકલવાયા પતંગિયાની જેમ અહીંથી ત્યાં ઊડીઊડીને મોટી થઈ. હવે વિચારું છું તો લાગે છે કે એ ડેલીની અંદરનું જીવન બહુ રોમાંચક પણ હતું ને બહુ બોરિંગ પણ હતું. ઘરમાં બે જ જણાં. હું ને દાદા. મને મળો એટલે તમને ખ્યાલ આવે કે એકલા ઉછરનાર બાળકો બહારથી થોડા અબુધ હોય અને અંદરથી થોડા વિચારશીલ. બહારની દુનિયાનો સારો કે નરસો પવન ડેલીને વટાવી અંદર આવતો નહીં. પણ એક દિવસ એ જ રસ્તે ડેલી વટાવી અચાનક માંગુ આવ્યું. અને મને ઉડાવી તમારી ડેલીમાં લઈ આવ્યું. આજે એનો પહેલો દિવસ. ના, ના, પહેલી રાત.

જેની સાથે આખી જિંદગી વિતાવવાનું નક્કી કર્યું હોય એની સાથે પહેલી રાતની કલ્પના કેવી હોય? મને હતું કે આખી રાત હું તમારો પરિચય કેળવું. બસ વાતો જ કર્યા કરું. મારું દિલ ખોલી દઉં અને તમારું દિલ જીતી લઉં.

પણ મારી સામે તમારો પરિચય આપવા માટે તમે પોતે નહીં, તમારા પિતાજી ચુનીલાલ દીવાન ઊભા હતા. જે ઘરમાં હું વહુ બનીને આવી એ ઘરના મોભી, તમારા પપ્પા ચુનીલાલ દીવાન, મારા દાદા જગમોહનદાસના મિત્ર હતા, એ સિવાય એમના વિશે હું કશું જાણતી નહોતી. જો કે, એક વખતના બરોબરિયા મિત્ર ધનવાન થઈ જાય પછી પણ એને મિત્ર કહેવાય?

એક ધનિક, આબરુદાર માણસ પોતાની પુત્રવધુની સામે, લગ્નની પહેલી જ રાતે, એના જેઠની હાજરીમાં અને પતિની ગેરહાજરીમાં ગળગળો થઈને વાત કરે તો તમને સમજ ન પડે કે શું પ્રતિભાવ આપવો!

“બેટા તું જેની સાથે પરણીને આવી છે એ તરંગની જિંદગીમાં આજની તારીખે એના ગોઠિયાઓ, પત્તા-દારુ, ઐયાશી અને ટંટાફસાદ સિવાય બીજું કંઈ નથી. બાર વરસનો હતો ત્યારે મોટાભાઈના ક્લાસના એક છોકરાનું માથું ભાંગ્યું. બે વરસ પછી શિક્ષક પર કંપાસ ફેંકીને શાળાથી ભાગ્યો તે ભાગ્યો. ત્યારથી રખડે છે. અમારા સંસ્કારી પરિવારની બાર પેઢીની વંશાવલિમાં કોઈ આવો દુર્ગુણી પાક્યો નથી.”

પપ્પાજી આટલું બોલતાં બોલતાં ગુસ્સાથી ધગધગી ગયા. એમની આંખો તગતગી ગઈ. આવા સમયે મારે શું કરવાનું હોય, એનો કોઈ અનુભવ કે ખ્યાલ મને હતો નહીં. હું મૂઢની જેમ સાંભળતી રહી. એમનો ચહેરો જોઈ લાગતું હતું કે એ હજુ ઘણું ઉમેરી શક્યા હોત, પણ મારી સામે જોઈ કોણ જાણે કેમ એમની જીભ અટકી. બધા કહે છે, મારી આંખો સાવ નાદાન અને નિર્દોષ છે. એમને પણ કદાચ એવું જ લાગ્યું હશે.

આગળ નીકળી ગયેલી વાતને પાછી વાળતા હોય એમ બોલ્યા, “આમ પાછો ભોળો છે, પણ જરા આડે માર્ગે છે. બસ એટલું જ.”

પપ્પાજીને ડૂમો ભરાયો એટલે હવે ઉમંગભાઈ બોલ્યા, “મેં તો ના જ પાડી હતી કે આ કુલખ્ખણીના લગન ના કરાવાય! એ પોતાની ભેગી બીજા કોઈની ય જિંદગી બગાડશે!”

મને ખ્યાલ આવ્યો, એ ‘બીજું કોઈ’ હું હતી.

પપ્પાજી જરા સ્વસ્થ થયા, “તરંગને સીધે રસ્તે લાવવાનો કોઈ રસ્તો કારગત ન નીવડ્યો, ત્યારે આખરે રામપુર આશ્રમ જઈ સ્વામીજીના ચરણમાં પાઘડી ઉતારીને કરગર્યો તો સ્વામીજી એટલું બોલ્યા, “દીવાનજી! એને સુધારવાનો એક રસ્તો છે. છેલ્લા પ્રયાસ તરીકે એને પરણાવી દો. કદાચ સુધરી જાય.”

સ્વામીજીએ પોતાના જીવનમાં પોતે જે રસ્તો પસંદ ન કર્યો એ રસ્તો એમણે તમને સુધારવા માટે સૂચવ્યો!

“સ્વામીજી તો કહી દીધું પણ બાર ગાઉ સુધી તો તરંગના અપલખ્ખણની હવા પ્રસરેલી હતી. એને કોણ છોકરી આપે?” પપ્પાજી હવે દીવાન ઓછા અને લાચાર વધુ દેખાતા હતા.

તો મારા દાદાએ કેમ આ ઘરમાં છોકરી આપી? હું સાથેસાથે મનમાં વિચારી પણ રહી હતી. હું બે કામ એક સાથે કરી શકતી. સાંભળવાનું અને વિચારવાનું.

પપ્પાજીએ આગળ ચલાવ્યું, “સ્વામીજીની વાત મારા મનમાં ઘોળાતી રહી. તરંગ માટે કોણ કન્યા આપશે, એ વિચારમાં મારી નિંદર હરામ થઈ ગઈ. ત્યાં એક દિવસ તારા દાદા પાસે લેણું માંગવા તારે ગામ આવવાનું થયું. બેટા લાવણ્યા! તારા દાદા જગમોહનદાસ દવે મારા જિગરી દોસ્ત. પણ સોમાલિયામાં એમનું વહાણ લૂંટાયું અને એ રાતોરાત ફૂટપાથ પર આવી ગયા. લેણદારો લોહીના તરસ્યા થયા હતા. એમના દીકરા-વહુએ તો બેઈજ્જતીના ડરથી વખ ઘોળ્યું.”

દસ- અગિયાર વરસ પહેલા, મમ્મી પપ્પાને ડેલીમાં સફેદ ચાદર ઓઢીને સૂતેલા છેલીવાર જોયેલા ત્યારે હું તો આઠ નવ વરસની હતી. એ ઘટનાની વાત ચુનીલાલ દીવાન કરી રહ્યા હતા. એની પાછળની ખરી હિસ્ટરી આજે ખબર પડી.

પપ્પાજીએ વાત આગળ ચલાવી. મેં હમણાં જ કહ્યું કે હું સાંભળવા અને વિચારવાનું કામ એક સાથે કરી શકું છું. પણ આ શું થયું? હવે વિચારું છું તો સાંભળી નથી શકતી અને સાંભળું છું તો વિચારી નથી શકતી.

કાનમાં ચુનીલાલ દીવાનનો અવાજ અથડાઈ રહ્યો હતો. અને મગજમાં બે સફેદ ચાદરો નાચી રહી હતી. “તે વખતે મેં અણીના ટાંકણે બે કરોડની રકમ ઉધાર આપી. પાંચ વરસ વીત્યા, દસ વરસ વીત્યા, પણ તારા દાદાથી ઉધારી ચૂકવાઈ નહીં. મૂળ રકમ તો હજુ ત્યાંની ત્યાં હતી, પણ વખતોવખત વ્યાજ માંગવા હું મુનીમજીને લઈને તમારે ડેલે જતો.”

એક ઊંડો શ્વાસ લઈને ચુનીલાલે વાત આગળ વધારી, “ત્યારે તારા દાદાને પૈસાની એવી જરૂર હતી કે હવેલી લખી આપેલી. દસ વરસમાં રકમ ન ચૂકવાય તો શરત મુજબ તમારી હવેલી મારી થાય. એટલે તારા દાદાએ ગઈ દીવાળીએ હવેલીના કાગળ મારી સામે મૂકી દીધા. કહેવા લાગ્યા, “તમારી મૂડી તો શું વ્યાજ પણ ચૂકવી શક્યો નથી. આ લો હવેલીના દસ્તાવેજ.” ત્યાં જ તું મહેમાન માટે પાણી લઈને આવી. દાદાએ તને કહ્યું, “લાવણ્યા, બેટા અંદર જા અને કાકા માટે ચા મૂક.” દાદાએ હવેલીના દસ્તાવેજ હાથમાં મૂક્યા. પણ હું તને જોઈ રહ્યો હતો પણ મારું મન કંઈ દેવાની વસૂલીમાં નહોતું, મારું મન તો... મેં તરત કહ્યું, “આ હવેલીના દસ્તાવેજ મારે ન જોઈએ. મેં તો તમને દોસ્તીદાવે મદદ કરી હતી. પણ તમારે કંઈ આપવું જ હોય તો તમારી મૂડીનું વ્યાજ મને આપી દો એટલે કે મારા તરંગ માટે તમારી પૌત્રી લાવણ્યાનો હાથ આપી દો.”

હું યાદ કરવા મથી રહી હતી. દાદાજીએ ક્યારે અને કયા શબ્દોમાં આ માંગાની વાત મને કરી હતી? મેં કઈ સ્થિતિમાં એને સાંભળી? લગ્ન વિશેની મારી કલ્પના શું હતી? હું મારા લગ્નની વાત સાંભળીને હું શરમાયેલી કે ગભરાયેલી? મેં ક્યારે અને કેવી રીતે દાદાજીને હા પાડેલી? મેં હા પાડી હતી ખરી? આ બધું અચાનક હું ભૂલી ગઈ હોય એવું લાગવા માંડ્યું. જાણે મગજમાંથી સ્મૃતિનો એક ટુકડો લોચાની જેમ ખરી પડ્યો. અચાનક મગજમાં સફેદ ચાદરો લહેરાતી બંધ થઈ. જાણે એમણે શરણાગતિ સ્વીકારી લીધી. ભૂતકાળ બેમતલબ હતો. ભવિષ્ય કંડારવાનું બાકી હતું, અને વર્તમાન દીવાન ચુનીલાલ શેઠના અવાજમાં બોલી રહ્યો હતો, “દીકરા! આ ખાનદાનની ઈજ્જત હવે તારા હાથમાં છે.” પપ્પાજીએ વાત જાણે પૂરી કરી હોય એમ બે પળ ચૂપકીદી છવાઈ ગઈ.

ત્યાં જ મેડી પર ફરી પગરવ થયો. આજની રાતનો આ ત્રીજો અને છેલ્લો પગરવ હતો. લાકડાના દાદર પર લય વગર પડતી મોજડીની ઠક ઠક સંભળાઈ, ત્યારે એ દિવસે તો ખબર નહોતી પડી કે આગલા બે પગરવ કરતા જુદો, આ નશામાં ધૂત માણસનો પગરવ છે.

તમે આવ્યા. દરવાજાનો ટેકો લીધો. મોટાભાઈ અને પિતાજીને સામે ઊભેલા જોઈને લથડવા પર મહામહેનતે અંકુશ મેળવ્યો.

લથડવા વગર કદાચ આગળ નહીં વધી શકાય અને લથડશો તો તમાશો થશે એવી આશંકાથી તમે દરવાજે જ જરા બારસાખનો ટેકો લઈ ઊભા રહ્યા.

પપ્પાજી ગર્જ્યા, “રાહ કોની જોઈ રહ્યો છે?”

આ શું? પપ્પાજીએ મારી સાથે વાત કરી ત્યારે એમના અવાજમાં જે નરમાશ હતી તે અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ?

તમે દરવાજા પાસે સંકોરાઈને રસ્તો કર્યો, અને એ બન્નેને ઈશારો કર્યો કે આપ જઈ શકો છો.

ઉમંગભાઈ તમારી નજીકથી પસાર થયા અને નાક બંધ કરી આગળ નીકળી ગયા. તમારા પપ્પા તમારી પાસેથી પસાર થયા અને અચાનક એમણે તમાચો ઉગામ્યો,

“તેં ફરી શરાબ પીધો? આજના દિવસે પણ..”ઉમંગભાઈ સમયસર પાછા વળ્યા અને પપ્પાજીનો હાથ પકડી લીધો. સારું થયું. નવવધૂ કદી ન જોવા માંગે એ ઘટનાને આકાર લેતી અટકી.

ચુનીલાલના ધ્રુજી રહેલા શરીરને શાંત પાડતાં ઉમંગભાઈ કહી રહ્યા હતા, “તમે રહેવા દો, હવે લાવણ્યા એને સાચવશે.”

ઉમંગભાઇ ચુનીલાલને દોરીને મેડીને નીચે લઈ ગયા.

તમારા લથડતા દેહને ટેકો આપી પથારી સુધી લઈ જવાનું કામ મારે કરવાનું હતું. તમે તો પડતાંવેંત સૂઈ જ ગયા અને મેં ડાયરી ખોલી અક્ષરો પાડ્યા.

હું લાવણ્યા, પથ્થર નીચે દબાયેલું પતંગિયું. અરમાન તો એવાં હતાં કે કોઈ મને જ ફૂલની જેમ ઊંચકી લે પણ ભાગ્યમાં લખ્યું હતું કે બન્ને ખાનદાનની ઈજ્જતનો ભાર મારે મારા નાનકડા ખભા પર ઉઠાવવાનો હતો. આ એની શુભ શરૂઆત હતી.

પ્રકરણ ત્રણ

લાવણ્યાની આ વાતમાં મને, સુરમ્યાને, ઈંટ્રેસ્ટ ન જ પડવો જોઈએ. ખાસ કરીને એક મોડર્ન અને મુક્ત છોકરી તરીકે, આ સિચ્યુએશન રિડિક્યુલસ લાગવી જોઈએ.

મેં અનુરવને કોલ કર્યો, “લાવણ્યા જેવી સામાન્ય સ્ત્રીના જીવનમાં વળી શું ફિક્શન જેવું હોય? એ કોઈ ઝાંસીની રાણી કે મેરી કોમ કે નિરજા ભણોત નથી!”

એ બોલ્યો, “સુરમ્યા, કોઈ પણ સામાન્ય વ્યક્તિના જીવનમાં પણ નવલકથા હોય, શોધતાં આવડે તો” અનુરવને સામાન્ય માણસોનું બહુ લાગે!

ત્યાં જ, પરભુ, અમારો પટાવાળો, મારે માટે ચા અને સમોસા લઈને આવ્યો.

“આ પરભુના જીવનમાં ઊંડા ઉતરાય?” મેં દલીલ કરી. મને અંદર અંદર એ વિચારી હસવું આવતું હતું, કે આ પરભુ જેણે સારી ચા અને સારા સમોસા ક્યાં મળે, તેમ જ, કઈ ફાઈલ ક્યાં મૂકી છે, એ જાણવા સિવાય કશું કામ નથી કરવાનું એ પરભુના જીવનમાં કંઈ નવલકથા હોય?

અનુરવ બોલ્યો, “હોય.”

હું મોટેથી હસી, “પરભુની નવલકથા! અરે આ પરભુને એ ખબર નથી કે એનું સાચું નામ ‘પ્રભુ’ છે. અને પેલા ઉપર બેઠેલા પ્રભુ પણ ભૂલી ગયા હતા કે એ પરભુ નામના એક માણસને લાઈફ(!) આપીને ફાઈલ અને ચા ના કપ રકાબીને વચ્ચે નોંધારો છોડી દીધો છે.”

“એટલે જ એની નવલકથા થાય!” અનુરવ બોલ્યો. “આપણે માણસોને ઉપરછલ્લી રીતે જોઈને પસાર થઈએ છીએ, બાકી દરેક વ્યક્તિમાં એક અલગ વિશ્વ ધબકતું હોય છે.”

એણે સંસ્કાર ચેનલ ચાલુ કરી એટલે મેં ફોન ટૂંકાવ્યો. પરભુને ચા અને સમોસા લઈ જવા કહ્યું. આજે આ મીડમોર્નિંગ સ્નેક્સ ખાવાની જરૂર ન લાગી. આજે વાંચનથી જ ભૂખ સંતોષાઈ રહી હતી.

ખાનગીમાં કહું? આ લાવણ્યા પ્રત્યે મને જરાજરા સિમ્પથી થાય છે, એવું શું છે એના કેરેક્ટરમાં? એને પણ ડાયરી લખવાની ટેવ છે અને મને પણ! આમ પણ મને ડાયરી લખનારા માણસો ગમે છે. મારે ડાયરીથી આગળ વધી નોવેલ લખવી છે અને લાવણ્યાની ડાયરી તો ઓલરેડી નોવેલ જેવી છે એટલે કદાચ લાવણ્યા મને ગમવા માંડી. પણ મારો ગમો ક્યારે અણગમામાં ફેરવાઈ જાય એ કહેવાય નહીં.

એક એસ્પાયરીંગ નોવેલિસ્ટ તરીકે હું વિચારતી રહી કે લાવણ્યા જેવી અબુધ છોકરીને કુપાત્ર સાથે પરણાવી દેવામાં આવી, પછી શું થઈ શકે? ઘટના તો ઘટી ગઈ, હવે લાવણ્યાનું રિએક્શન શું હશે, એની પાસે અવેલેબલ ઓપ્શન્સ કયા કયા? એમાંથી એની ચોઈસ શું હશે? એ ચોઈસ જ વાર્તાને આગળ વધારશે. (આવું “હાઉ ટુ રાઈટ નોવેલ” નામની ચોપડીમાં મેં વાંચ્યું હતું) એ ચોઈસ ક્યાં તો નવી અન-પ્રેડિક્ટેબલ ઘટના માટેનું બીજ રોપશે અથવા આ ચોઈસે રોપેલા પ્રેડિક્ટેબલ બીજને અચાનક બનનારી ઘટના ઉખેડી નાખશે.(આ મારો પોતાનો વિચાર છે, “હાઉ ટુ રાઈટ નોવેલ” ચોપડીમાં આટલું બધું ડિટેઈલમાં ન હતું.)

લાવણ્યા આ સ્થિતિને સ્વીકારી લે, તો એની વાર્તા એક છોકરી તરીકે મને ન ગમે. પણ લાવણ્યા જો બળવો કરે તો એ જ સ્ત્રીમુક્તિની બાંગ પોકારતી ચીલાચાલુ નવલકથા થાય. એટલે મને એ વાર્તામાં પણ રસ કદાચ નહીં પડે.

પણ તો ય હું કેમ ક્યારની આ ડાયરી લઈને બેઠી છું. છેલ્લા એક કલાકથી મેં વોટ્સએપ કે ફેસબૂક ખોલ્યું નથી. હવે જરા વોટ્સએપ ખોલું? દર પંદર મિનિટ યંત્રવત ઓનલાઈન થવાની મને ટેવ છે. પણ એ તીવ્ર પરવશતાને ( એક્યુટ ડિજિટલ ડિપેંડંસ – મારી જનરેશનને થયેલી બિમારી, એનું અનુરવે આપેલું નામ) મેં ટાળી. સફળતાપૂર્વક. અને લાવણ્યાએ લખેલા બીજા થોડાં પાનાં વાંચી નાખ્યા.

*

લગ્નનો બીજો દિવસ. હું મારી બેગ ખોલી એમાંથી કપડાં કાઢીને કબાટમાં ગોઠવી રહી હતી. તમને ઘસઘસાટ ઊંઘતા મૂકી હું નહાવા ગઈ એટલીવારમાં તો તમે ક્યારે જાગીને ક્યારે નીકળી ગયા એ ખબર ન પડી. ન્હાયા નહીં, નાસ્તો ય નહીં જ કર્યો હોય. વિચાર આવ્યો કે જેઠાણીને પૂછું. પછી થયું કે અત્યારે બહાર નથી નીકળવું. તેથી મેં કબાટમાં કપડા ગોઠવવાનું નક્કી કર્યું. પપ્પાજીએ આપણા લગ્ન પહેલાં જ મેડી પર આપણો નવો બેડરૂમ બનાવ્યો હતો. ત્યાંથી દાદર ઉતરો એટલે પરસાળ આવે અને નીચે પરસાળની પાછળ ઉમંગભાઈનો બેડરૂમ અને પરસાળની આગળ રસોડું. સંબંધોની દૃષ્ટિએ ઘર કદાચ ખોખલું હશે પણ મકાન તરીકે મને આ રચના ગમી.

જેઠાણી ચન્દાબા ધોવા માટેના કપડા કાઢી રહ્યા હતા. કામવાળીને કંઈ લેવા બજારે દોડાવી હતી. ત્યાં જ મને લાગ્યું કે પપ્પાજી પરસાળમાં આવ્યા. હું તો ઉપર રૂમમાં જ હતી, પણ હવે ઘરના ત્રણે પુરુષોના પગરવ ઓળખી ગઈ હતી. હું બારી પાસે ગઈ.

ચુનીલાલે પૂછ્યું, “ચંદાબા, તરંગ?”

ચંદાબાએ સાડીનો છેડો સહેજ માથે લઈ રોષથી કહ્યું, “સવારની પહોરમાં નીકળી ગયો, પાછળનું બારણું ખુલ્લુ મૂકીને, તે બિલાડી બધું દૂધ પી ગઈ.”

મેં જોયું કે કોઈ પણ વડીલ આવે એટલે ચંદાબા સાડીનો છેડો માથે લેતાં. ઘણીવાર ઉતાવળે છેડો માથે લેવામાં પાલવ છાતી પરથી ખસી જતો. એ બહુ કઢંગુ દેખાતું.

હવે ખ્યાલ આવ્યો, તમારે વાંકે બિલાડી દૂધ પી ગઈ એટલે ચંદાબાએ બૂમાબૂમ કરીને કામવાળીને સવારની પહોરમાં દૂધ લેવા મોકલવી પડી હતી.

પપ્પાજીએ પૂછ્યું, “નાની વહુ?” પપ્પાજી મારી કેર કરતા હતા. પણ એમાં થોડો વાત્સલ્યભાવ અને થોડો અપરાધભાવ હતો.

હું બહાર આવીને પ્રણામ કરવા વિચારું એ પહેલા ચંદાબા બોલ્યા, “સૂતી છે હજી!”

જેઠાણીજી ખોટા ન પડે એ માટે હું રૂમમાં જ રહી.

પપ્પાજી બોલ્યા, “ચંદાબા, તમે તો જાણો છો કે તરંગ..

બે ક્ષણ એ ચૂપ થઈ ગયા. પપ્પાજીનો અવાજ ગળગળો થઈ ગયો. ચંદાબા કપડા ડૂચો વાળીવાળી એક તરફ ફેંકી રહ્યા હશે, એનો હડફડ હડફડ અવાજ આવી રહ્યો હતો. કદાચ એમાં તમારા ય કપડાં હશે.

“તમે તો જાણો છો કે તરંગ પાસે કોઈ આશા રખાય એમ નથી. લાવણ્યા વહુને આ ઘરમાં આવકારો આપવાનું. સધિયારો આપવાનું કામ મારે ને તમારે જ કરવાનું છે.”

હવે ચંદાબા કંઈ બોલશે. કપડા ચોકડીમાં ફેંકાવાનો અવાજ બંધ થયો.

“તે આપીશું જ ને સધિયારો! તકલીફ શું છે ઘરમાં, સુખ જ સુખ છે, ભોગવતાં આવડે તો!”

ચંદાબાએ કમ સે કમ એમ વિચારી ખુશ થવું જોઈએ કે આ કપડાં ધોનારું બીજું કોઈ આવી ગયું.

પપ્પાજી બોલ્યા, “મારે વધારે કંઈ કહેવાનું નથી. અભાગણી છે બિચારી, જરા માયા રાખજો, સાચવી લેજો!”

સસરાજીના દૂર જતા પગરવ હું સાંભળી રહી. અને પાછલા દરવાજેથી કામવાળી દૂધ લઈને આવી.

ચંદાબાનો અવાજ સંભળાયો, “અમે વહુ બની ઘરમાં આવ્યા ત્યારે કોણ હતું સાચવવાવાળું!”

હવે ચંદાબા વધુ બળાપો કાઢે અને એમની જાણ બહાર હું મેડીએ બેસીને સાંભળ્યા કરું તે ઠીક ન કહેવાય એટલે હું તો નીચે ઉતરી આવી.

“ચંદાબા, ચા બનાવવામાં મદદ કરું કે કપડા ધોવામાં?”

ચંદાબાએ મને ઉપરથી નીચે સુધી જોઈને કહ્યું, “ઓહો, બધું પિયરથી શીખીને આવ્યા છો! તો તો મારે શીખવવાની કડાકૂટ નહીં”

“ના ના, આ ઘરની રીત તો તમારી પાસે જ શીખવી પડે.”

ચંદાબાની નજર મને માપી રહી હતી, હું ખરેખર નમ્ર છું કે નમ્રતાનો દેખાવ કરું છું!

“મેંદીનો રંગ ઉતરે ત્યાં સુધી નવી વહુ પાસે કામ ન કરાવાય! જો કે સાસુ વગરના ઘરમાં અમે તો આવ્યા તે દિવસથી આમ જ જોતરાયેલા છઈએ, બળદને જેમ ધૂંસરી નાખી તે નાખી!”

હવે એ ધૂંસરી બે બળદ ઉપાડશે, હું હસી. અને મેં એક તપેલી લીધી.

ચંદાબાએ એ તપેલી મુકાવીને મને ચાની સાચી તપેલી આપી. કહ્યું, “સસરાજીની ખાંડ વગરની અને તમારા જેઠની ડબલ ખાંડવાળી.”

“એ કેવી ચા પીએ છે?” મન થયું કે ‘તરંગ કેવી ચા પીએ છે?’ એમ તમારું નામ લઈને જ પૂછું પણ પહેલા જ દિવસે વરનું નામ બોલું તો કદાચ જેઠાણીને ન ગમે.

જેઠાણી હસી પડ્યા, “કોણ તરંગ? એ તો લારીની ચા પીએ! એની તો સવાર ચાની લારી પર ઊગે અને રાત આમલેટની લારી પર થાય!”

“એ આવે તો નાસ્તો બનાવું એમના માટે.. શું નાસ્તો ભાવે એમને?”

“પૌઆ ભાવે. પણ મારા હાથના. પણ એ નાસ્તા માટે નહીં આવે.”

જેઠાણીજીએ સહજતાથી કારણ પણ કહી દીધું, “નાસ્તાના ટેબલ પર બે ભાઈ અને પપ્પાજી ભેગા થયા તો ઝઘડો થયો જ સમજો! વહુ! તમે નાસ્તો કરી લો!. એ નહીં આવે, નાસ્તો શું, જમવા ય આવે કે નહીં એનું નક્કી નહીં.”

અમે બન્ને કામે વળગ્યા. હું કામમાં મદદ કરતી રહી. મારી એક નજર ડેલીના દરવાજા તરફ હતી. માણસ ઘરમાં નાસ્તા કે જમવા માટે ય ન આવે, એવો વર્ષોનો ક્રમ હોય, એવું બની શકે. પણ એ ક્રમ બદલાઈ ન શકે? ખાસ કરીને લગ્ન પછીના પહેલા દિવસે તો એ ક્રમ બદલાવાની પૂરેપૂરી શક્યતા હોય.

‘જમાનાના ખાધેલ’ આ શબ્દ મને બહુ નથી ગમતો. કોઈને માટે હું આ શબ્દ ન જ વાપરું પણ જેઠાણી ચંદાબા માટે આ સિવાય બીજો કયો હળવો શબ્દ વાપરી શકાય તે હું વિચારી રહી હતી. એ મારી નજરથી જ પારખી ગયા કે હું તમારી રાહ જોઈ રહી છું. ચન્દાબા અંતે બોલી જ પડ્યા, “વહુ, પૈસાદારોના ખાનદાનમાં વરની રાહ ન જોવાય, વરમાં જેટલું જિગર હોય પૈસા કમાય અને વહુમાં જેટલું જિગર હોય એટલા પૈસા ખરચે.”

હું આંખ ફાડીને એમને જોઈ રહી.

“વહુ થયા એટલે રોજ રોજ ઘરનું ખોરડું સાચવવાનું અને વારેતહેવારે વર કહે ત્યાં બનીઠનીને પરિવારની વહુ બનીને જવાનું.”

એમની વાતો ચાલતી જ રહી. નોર્મલ વાતોમાં ય કડવાશ ભેળવીને રસપ્રદ રીતે કહેવાની એમને આદત પણ હતી અને ફાવટ પણ હતી.

જેઠાણી એમની તળપદી ગુજરાતીમાં કહી રહ્યા હતા કે મોટા ઘરની વહુ તરીકે તમારે વર્કિંગ મશીન અને શો પીસ એમ બેવડી જવાબદારી નિભાવવાની. મને થયું કે ઉમંગભાઈ તો સારા છે. જો કે એનો અર્થ એ નથી કે ‘તરંગ ખરાબ છે’ એવા તારણ પર હું અત્યારથી પહોંચી ગઈ છું. પણ કમ સે કમ, આ ઘરમાં 24 કરતાં ઓછા કલાક રહ્યા બાદ એવી છાપ પડી કે પરિવારના મોટા પુત્ર ઉમંગ જવાબદાર વ્યક્તિ છે અને વૃદ્ધ થઈ રહેલા પપ્પાજીની ઘણીબધી જવાબદારી એમણે ઉપાડી લીધી છે. ચંદાબાને ઉમંગભાઈથી કદાચ કોઈ ફરિયાદ નહીં હોય! અમુક બહેનોને બળાપો કાઢવાની મજા પડે. બીજી રીતે વાત કરતાં શીખ્યાં જ ન હોય!

ચંદાબાનું પારાયણ ચાલુ જ હતું, “ આ ઘરમાં ગમે ત્યારે મહેમાન આવી ચડે, બાર વાગ્યે સંદેશો આવે તો ય એકદોઢ વાગ્યા સુધી હસતાં મોઢે મેહમાનો માટે રસોઈ બનાવી તૈયાર રાખવાની અને એમાં એકે વાનગી આઘીપાછી થાય તો ન ચાલે.”

મને થયું કે કામ તો ઘણું હશે, પણ ઘરમાં નોકર ચાકરો ય હતા અને જેઠ કે સસરા બેમાંથી એક ગુસ્સાવાળા ન લાગ્યા. છતાંય મેં મનને સમજાવ્યું કે ચંદાબાનો પ્રલાપ સહાનુભૂતિથી સાંભળવો. કોઈ પૂર્વગ્રહ બાંધ્યા વગર.

મેં જોયું કે આ વ્યસ્તતા વચ્ચે ય બપોરે જેઠાણીજીએ ઊંઘ પણ ખેંચી. વચ્ચે ઘડીક નસકોરાં ય સંભળાયા. અને હા, તમે તો ન જ આવ્યા. સસરાજી અને ઉમંગ જમીને ફરી પેઢીએ ગયા.

એકાદ સિરિયલ જોઈને, આળસ મરડીને સાંજનું કામ શરૂ કરતાં જેઠાણી બોલ્યા, “ચાલો ફરી કામે લાગો, બીજું હોય શું આપણી કિસ્મતમાં..”

મારા મોઢેથી નીકળી ગયું, , “સારું છે કે ઘરમાં બાળક નથી, નહિતર તમને આટલીય નવરાશ ન મળત” બોલ્યા પછી જ ખ્યાલ આવ્યો કે મારાથી બફાટ થઈ ગયો.

ચન્દાબાને બાળક નથી એ મેં નોંધ્યુ, પણ સાવ આવી રીતે એનો ઉલ્લેખ ન કરવો જોઈતો હતો. ચંદાબા એકદમ ચૂપ થઈ ગયા. હવે ‘સોરી’ કે એવું બોલીને વાતને ચૂંથવાનો કોઈ અર્થ નહોતો.

મને એકાએક ખ્યાલ આવ્યો ચંદાબાની વાતોમાં જે અભાવ અને જે કડવાશ છે એનું ખરુ કારણ કદાચ આ જ હોઈ શકે. લગ્ન નવ વરસ પછી ય એમને સંતાન નહોતું.

રાત સુધીમાં તો એ ત્રણવાર બોલી ગયા, “તું દેખાય છે ભોળી, પણ બહુ જબરી છે!” દિવસભર એમને ચૂપચાપ અનુસરીને જે કંઈ ગૂડવીલ મેં ઊભી કરી હતી એ અજાણતાં જ ‘ઘરમાં બાળક નથી’ એવા ઉલ્લેખથી કડડભૂસ થઈ ગઈ. અને ‘બાળકનો અભાવ’ અમારી વચ્ચે પહાડ બનીને ઊભો રહી ગયો.

સાંજ પડતાં મેં મારાં લગ્નનાં ઘરેણાં એમને આપી દીધાં, તિજોરીમાં મૂકવા માટે. એ તિજોરી ખોલતાં હતા ત્યારે હું ત્યાથી નીકળી ગઈ. એ હાથમાં થોડા ઘરેણાં લઈ બહાર આવ્યા.

“લગ્નનાં ઘરેણાં તો મૂકી દીધા, પણ આ રોજ રોજ પહેરવા માટે!”

મેં કહ્યું, “હું રોજ ઘરેણાં પહેરતી નથી. મને શોખ જ નથી.”

મેં જોયું કે ચંદાબા લગનના નવ વરસે ય ઘરેણાંથી લદાયેલાં હતા.

ચંદાબાએ કહ્યું, “અરે ગાંડી, ઘરેણા તારા શોખ માટે નથી પહેરવાના! તું દીવાન ખાનદાનની વહુ છે, તારા ઘરેણાં પરથી લોકો દીવાન પરિવારની સમૃદ્ધિનું માપ કાઢશે!”

મને થયું, આવું કંઈ ન હોય. અને સમાજમાં આવું ચાલતું હોય તો ય આપણે એને અનુસરવાનું બંધ કરીએ તો લોકો આપણા પૂરતું એ સ્વીકારી લે!

પણ હવે ઘરેણાંની વિરુદ્ધ કંઈ બોલીશ તો મારા જેઠાણીજીની બાહ્ય સમૃદ્ધિ પર હુમલો થયેલો ગણાશે, આંતરિક સમૃદ્ધિ પર તો અજાણતાં હુમલો થઈ જ ગયો હતો.

મેં કહ્યું, “આ ઘરેણાં તમને ખૂબ શોભે છે” હું સાવ ખોટું નહોતી બોલી. અમુક લોકોની પર્સનાલીટી જ એવી હોય કે ઘરેણાંથી એ ઝળહળ ઝળહળ થઈ જાય. જેઠાણી વધુ મલકાયા, અને મારી સામે ઘરેણાં ધર્યા.

મેં કહ્યું, “પણ મારા શરીરે ઘરેણાં સારા નથી લાગતા.”

“આય હાય, દીવાન ખાનદાનની વહુ શણગાર વગર, સાવ ચમક દમક વગર ફરશે?”

મારા ઘરમાં કરતી હતી એમ, પરસાળના ક્યારામાંથી એક ફૂલ તોડી મેં વાળમાં નાખ્યું. બીજું ફૂલ હાથમાં લઈ સૂંઘતાં અચાનક હું બોલી ગઈ, “મારે મારો સંસાર ચમકાવવો નથી, મહેકાવવો છે!”

જેઠાણીજી એક ક્ષણ તો ચૂપ થઈ ગયા, પણ પછી મોટા અવાજે હસી પડ્યા, “સંસાર મહેકાવશો! તરંગ સાથે?” એમનું હસવાનું અટકી શકે એમ નહોતું એટલે બોલવાનું અટક્યું, હાસ્યને અધવચ્ચે તોડીને એ બોલ્યા, “અલી, ચમ્પા સાંભળે છે? આ કહે છે એણે તરંગ સાથે સંસાર મહેકાવવો છે!” પછી એ શાંત થઈ ગયા. છરીની ધાર જેવા શાંત! મેં ચૂંટેલા બીજા ફૂલને હાથમાં લઈ, ફગાવતા બોલ્યા, “તરંગ સાથેના સંસારની મહેક આવી નહીં હોય, એ મહેક તો નશીલી હશે નશીલી!”

પછી એ જરા લથડ્યા. ખબર નહીં એ તમારી નશાની હાલતની નકલ કરવા લથડ્યા કે મારી સાથે સંતાનવાળો હિસાબ ચૂકતે થઈ ગયો એની ખુશીના નશામાં લથડ્યા.

પ્રકરણ ચાર

અનુરવ ઘણીવાર મને પૂછે છે, “સુરમ્યા, તુ નોવેલ લખવા તો માંગે છે પણ એ તો કહે, કે તારામાં નવલકથાકારનો કયો ગુણ છે?”

તમને થશે કે અનુરવ મારી મશ્કરી કરે છે. પણ એવું નહીં હોય. એ કદાચ મને ઇંટ્રોસ્પેક્શન કરાવવા માંગતો હોય. (ઈંટ્રોસ્પેક્શનને ગુજરાતીમાં ‘આંતર-તપાસ’ કહેવાય? હવે દરેક વસ્તુ માટે આપણી પાસે બે ચોઈસ છે, ગુજરાતી અને અંગ્રેજી. ડબલ ફેસિલીટી. જો કે થોડા ટાઈમ પછી ગુજરાતી લેંગવેજમાં મોસ્ટલી વર્ડ્સ અંગ્રેજી રહેશે અને ગ્રામર ગુજરાતી.)

મૂળ વાત પર આવું. મને લાગે છે કે સારા નવલકથાકાર બનવા માટેની એક લાયકાત તો મારામાં છે. હું પોતે વાચક તરીકે બહુ જલદી બોર થઈ જાઉં છું. (ચાલુ નવલકથાએ લેખકને કહું છું, પતાવ ને યાર, ટૂંકમાં) એટલે હું નવલકથાકાર બનીશ ત્યારે મારા વાચકને કદી (વધુ) બોર નહીં કરું.

લાવણ્યાની ડાયરીમાં હવે જો એક પાનાની અંદર અંદર લાવણ્યા અને તરંગની ડાયરેક્ટ વાતચીત નહીં આવે તો હું એ ડાયરી મૂકી દઈશ, એવા નિર્ધાર સાથે મેં ડાયરી ખોલી.

*

આજે જેઠ-જેઠાણી અને સસરા એક સામાજિક પ્રસંગમાં ગયા છે. મેં કહ્યું કે તરંગ સાથે આવશે તો હું પ્રસંગમાં આવીશ. આછું હસીને જેઠાણી ગયા, “લાવણ્યા, વહેલામોડા એકલા મહાલવાની આદત પાડવી પડશે.”

દિવસ પસાર થઈ ગયો. કોઈને નવાઈ લાગે પણ મને એકલા રહીને સમય પસાર કરતાં બહુ તકલીફ થતી નથી. એકલી એકલી વિચાર્યા કરું. વિચારથી જ મન અશાંત પણ થાય અને વિચારથી જ મન શાંત પણ થાય. મનમાં થોડી ઉથલપાથલ તો રહેવાની, પણ બહુ બહાવરા ન થઈએ તો વાંધો ન આવે.

બપોર વીતી અને સાંજ હજુ પડવાની બાકી હતી ત્યાં તમે આવ્યા. “હું તમારી જ રાહ જોતી હતી.” “મારી રાહ જોવાની નહીં” એટલું કહીને તમે ઝડપથી મેડી ચડી રૂમ તરફ જઈ કબાટ ફંફોસવા લાગ્યા.

હું પાછળ પાછળ આવી, “રસોઈ તૈયાર છે.”

મારી સામે જોયા વગર, પણ, તમે જવાબ તો આપ્યો, “જમીને આવ્યો બહાર”

“તો શું લાવું તમારા માટે?” નજીક પડેલી પાણીની બોટલ ધરતા મેં કહ્યું.

“કંઈ નહીં, મારા માટે કોઈએ કંઈ કરવાની જરૂર નથી. સમજી?” તમે ઊભા થઈને ક્યાંક બીજે જવા લાગ્યા.

“બેસો તો ખરા, આજે પપ્પાજી કે જેઠજી ઘરમાં નથી.”

“મને ખબર છે, તને એમ છે કે ભરી બપોરે હું તારું મોઢું જોવા આવ્યો છું?”

મને થયું કે તમને રોકવાનો મતલબ નથી. બપોર તો બગડી, લાવ, સાંજ સુધારવાની ટ્રાય કરું.

“સાંજે તો જમવા આવશો ને?”

“હું ઘરે જમતો જ નથી.”

“તમને શું ભાવે? હું સાંજે એ બનાવીશ..”

તમે પહેલી વાર થોડો લાંબો જવાબ આપ્યો, “એ ય નામ શું છે તારું?

હું કંઈ ન બોલી. તમને નામ તો યાદ હતું. તમે જ આગળ ચલાવ્યું.

“હં, લાવણ્યા કે તુ જે હોય તે.. બોલ, શું બનાવશે તુ મારે માટે? ભાજી-પાલો? અરે મને તો મુન્નીબાઈની ભુરજી ભાવે, અને બે બોઈલ ને એક કાચાનો ખીમો ભાવે! એ બનાવશે તું?

મને મૂંઝાતી જોઈ તમે આગળ વધતાં બોલ્યા, “કેમ નથી આવડતું? મુન્નીબાઈની ઈંડાની લારી પર શીખવા આવશે?”

મને ખ્યાલ આવી ગયો કે તમે જાણીજોઈને મારા મનમાં નફરત ઊભી થાય એમ વર્તી રહ્યા છો. જેથી હું તમારી કાળજી લેવાની કોશિશ ન કરું. કેમ કે કોઈ કાળજી કરે એની તમને આદત જ નથી.

તમારા જેવા ‘આડે માર્ગે’ ગયેલા યુવાનની કાળજી કેવી રીતે કરાય એ ય મને આવડવું જોઈએ ને! તો ય હું વાતાવરણની ગરમી અનુસાર ઠંડક કરી શકે એવું જે સૂઝ્યું તે બોલી, “ફ્રીઝમાં આઈસક્રીમ પડ્યો છે, લઈ આવું?”

તમે ડેલીની બહાર નીકળી ચૂક્યા હતા, પાછા વળ્યા. અને મુખરેખાઓ થઈ શકે એટલી તંગ કરીને બોલ્યા, “જો, છોકરી, તને ખબર ન હોય તો જાણી લે, મારી મરજી વિરુદ્ધ મારા તારી સાથે લગ્ન કરાવવામાં આવ્યા છે. તું આ પરિવારની વહુ થઈને આવી છે. વહુ બનીને રહે. તું મારી પ્રેમિકા નથી. એવો પ્રયાસ પણ નહીં કરતી.”

તમે તો જાણે ફાઈનલ જજમેંટ આપી દીધું. ચારેક વાક્યમાં તો મારા મનની આખી ઈમારત હચમચી ગઈ. હવે સારું સારું બોલવાનો અર્થ નહોતો. છતાં મારે વાત પૂરી નહોતી કરવી.

એટલે હું હિંમત એક્ઠી કરીને બોલી, “લગ્ન તો મેં પણ મારી મરજીથી કર્યા નથી.”

તમે આ વાક્યની ધારણા નહોતી રાખી. હવે આગળનું વાક્ય સાંભળવા વગર તમે નહીં જાઓ એની મને ખાતરી હતી. તમને સાંભળો છો એની ખાતરી થતાં હુ ય સહેજ મક્કમ થઈ બોલી.

“અત્યારે ભાગો છો, એના કરતાં તો લગ્નની ચોરીમાંથી જ ભાગી જવું હતું ને! અને ત્યારે ચૂપચાપ બેઠા, તો અત્યારે ય બેસો.”

ખબર નહીં, ક્યાંથી મારામાં હિંમત આવી ગઈ, તે મેં તમને હાથ પકડીને ઢોલિયા પર બેસાડી દીધા. તમને બેસાડ્યા પછી ય તમારા હાથ છોડ્યા નહીં.

બે પળ હું તમારી આંખોમાં જોઈ રહી. એ આંખોમાં ક્યાંય કશું પરિચિત, અડકી શકાય એવું, પોતાનું કરી શકાય એવું શોધી રહી હતી, ત્યાં જ તમારો અવાજ સંભળાયો,

“જો તું મરજીથી ન આવી હોય, તારા દાદાએ તને મજબૂરીમાં આ મવાલી સાથે પરણાવી હોય, અને તને આ ઘરની માત્ર વહુ બનવાની લાલચ ન હોય તો બહેતર છે કે તું ભાગી જા!”

હું તમારી સામે જોઈ રહી. મને ખબર હતી કે તમારી સાથે ખુલ્લાદિલે વાત કરવાની આવી તક ફરી જલદી નહીં મળે. તેથી અજાણતાં જ મારાથી વાતને ઝડપથી રોમેંટિક વળાંક અપાઈ ગયો.

“વહુ તો બની જ ગઈ છું. હવે એ કહી દો કે તમારી પ્રેમિકા બનવા માટે શું કરવું પડે?”

ફાવટ નહોતી કે અનુભવ નહોતો, તો ય મેં હાથ તમારા ગળે વીંટાળવાનો પ્રયાસ કર્યો.

તમે ઝાટકો મારીને ઊભા થઈ ગયા, “કેટલીવાર કહેવાનું કે હું સાવ મવાલી છું અને પ્રેમબ્રેમ જેવી વસ્તુ પર મને વિશ્વાસ નથી.”

હું મનોમન વિચારવા લાગી, એ તો જેઠાણી અને પપ્પાજી પણ કહેતા હતા કે તમે મવાલીગીરીની તમામ હદ વટાવી દીધી છે, પણ સામે બેઠેલી યુવાન રૂપાળી પત્ની સાથે મળેલા એકાંતને કામચલાઉરૂપે પણ માણી લેવા જેવી મવાલીગીરી તમારામાં નહોતી, એટલું તો મેં નોંધ્યું.

તેથી આ હડસેલાનું અપમાન મને અપમાન જેવું ન લાગ્યું, અને હું પૂછી બેઠી, “ પ્રેમેબ્રેમ જેવી વસ્તુ પર તમને વિશ્વાસ નથી, તો શેના પર છે?”

અત્યાર સુધી તમે વિચાર્યા વગર મનમાં આવે તે જવાબ આપતાં હતાં પહેલીવાર તમે સહેજ વિચારીને જવાબ આપ્યો.

“ખબર નહીં. પ્રેમ એટલે શું તે ખબર નથી. હા, મુન્નીબાઈની વચલી દીકરી સિગારેટ સળગાવીને હાથમાં આપે છે તે સારું લાગે છે.”

તો તમારો પ્રેમનો અનુભવ આવો હતો. તમારી સાથે ‘પ્રેમલીલા’ ભજવવી હોય, એમાં નાયિકાનું કેરેક્ટર જોઈતું હોય તો મંચસામગ્રી તરીકે ઈંડા અને સિગરેટનો ઉપયોગ સ્વીકારવો પડે એ વિચારી હું જરા ઠંડી પડી. રોમાન્સનો ઉભરો બાદ કરીને તમને સારા શબ્દોમાં મનની વાત જણાવી, “હું મારા અને તમારા વડીલો પર, સમાજ પર, લગ્નની આ વ્યવસ્થા પર અને ઈશ્વર પર શ્રદ્ધા રાખીને હું આ ઉંબરે આવી છું.” ડાયરી લખવાની ટેવને કારણે આવા ડાહ્યાડાહ્યા વાક્યો મારી બોલચાલમાં ય આવી જતાં. ઘણીવાર લાગે છે કે મારી ડાયરી એ ખરેખર ‘ડાહ્યરી’ છે. ડાહીડમરીની દમ વગરની ડાહ્યરી!

પણ મને ધીમેધીમે ખ્યાલ આવ્યો કે તમને ચીડવવા હોય તો જ વડીલ, ઈશ્વર કે સમાજ જેવા શબ્દો બોલવા. તમે ચીડાયા અને ‘સેતુ બંધાશે’ એવી જરાતરા આશા હતી તે તૂટી પડી.

“આ ભારે ભારે વાત છોડ ને મારું દિલ જીતવું જ હોય ને તો તારાં ઘરેણા મને આપી દે. ઉધારી ખૂબ વધી ગઈ છે.”

“ઘરેણાં તો જેઠાણીજીને આપી દીધા.” હું સાચું જ બોલી હતી, છતાં તમે કહ્યું, “જૂઠી!..”

તમારી નજર મારી સોનાની બંગડીઓ પર પડી. “લાવ આ બંગડી ઉતારી આપ”

તમે મારા હાથ પકડ્યા. બંગડીઓ કાઢી. લઈને ગયા.

હવે ખ્યાલ આવ્યો કે ઉધારી ચૂકવવાની હશે તેથી તમે ઘરેણાં શોધવા માટે ઉતાવળે કબાટ ફંફોસતા હતા. તમને ઉતાવળ હતી અને હું તમારો સમય માંગતી હતી.

મેં સાંભળ્યું હતું કે લગ્ન પછી પતિ પત્નીની મીઠી નોંક ઝોંકમાં કાચની બંગડીઓ નંદવાય, લોહી પણ નીકળે. પણ અહીં તો તમે, મારા પતિ, સોનાની બંગડી સેરવી ગયા. એવી સિફતથી કે લોહી પણ ન નીકળ્યું.

*

સાંજે આવતાવેંત જેઠાણીની પારખુ નજર મારા સૂના હાથ પર પડી.

“લ્યો, આપણે અડધો દિવસ બહાર શું ગયા, તરંગભાઈ જુગાર માટે ઘરની બંગડી લઈને ગયા. એમણે માંગી અને આમણે આપી પણ દીધી!”

ચુનીલાલ દીવાન અને ઉમંગભાઈ બન્ને મને ખિજાયા, “ખબરદાર જો બીજીવાર એને એક પાઈ પણ આપી છે તો!”

હું મેડીએ જઈ અંદર રડવા લાગી. જો કે હું બહુ મોટેથી કે બહુ લાંબો સમય રડી શકતી નથી.

મોજડીના અવાજથી ખબર પડી કે પરસાળમાં પપ્પાજી ચિંતામાં આંટા મારી રહ્યા હતા, ઉમંગભાઈ ટેબલ પર તાલ વગર આંગળીઓ ઠોકી રહ્યા હતા.

બે ઘડીના મૌન પછી બાપદીકરાની વાતચીત મારે કાને પડી. “તરંગ જુગાર માટે વહુ પાસે બંગડી લઈ જાય એ વાત મગજમાં નથી ઉતરતી!”

ઉમંગભાઈએ બાતમી આપી, “પપ્પા, એણે પેલા ટપોરી કામેશ કહાર પાસે ઉધારી કરી છે, ખબર નહીં ટુકડે ટુકડે કેટલા લીધા હશે, પણ કામેશ કહે છે કે ચાર લાખ લેવાના થાય છે. હવે કામેશના ગુન્ડા એની પાછળ પડ્યા છે. એકાદ વાર તો હાથાપાઈ પણ થઈ ગઈ છે. આ કંઈ પહેલીવારનું છે?” ઉમંગભાઈ કડવાશથી બોલ્યા.

પપ્પાજી બોલ્યા, “ઘરમાં વહુ આવી છે, હવે આવું બધુ ન શોભે, પતાવટ કરી દે, કોઈપણ રીતે!

ઉમંગભાઈ બોલ્યા, “મેં કામેશને સંદેશો મોકલ્યો કે દોઢ બેમાં પતાવી દે, એ નથી માનતો..”

હવે પપ્પાજીનો અવાજ આવ્યો, “તો અસ્લમભાઈને વચ્ચે પાડો ને! એની ધાકથી માની જશે”

“અસ્લમભાઈને પણ પ્રેસરની બિમારી છે એટલે હવે એ પતાવટના કેસ હાથ પર લેવાની પાડે છે. આપણે જાતે જ કામેશ સાથે મિટીંગ કરવી પડશે.”

પપ્પાજી તરત બોલ્યા, “ના, એ ગુન્ડાનો પગ આપણે ત્યાં નહીં જોઈએ..” ઉમંગભાઈ બોલ્યા, “તો શું આપણે એના એરિયામાં જઈશું? “ભલે પેઢી પર નહીં, અહીં ઘરે બોલાવ, પણ તું નહીં હું મળીશ”

“ના પપ્પા તમે પેઢી પર જ રહેજો, હું જ ઘરે આ મેટર પતાવીશ.”

“સંભાળીને! મેટર વાતચીતની હશે ત્યાં સુધી વાણિયા ફાવે, મારામારી પર જાય તો..” પપ્પાજી શાંતિપ્રિય હતા. ”એ કામેશ કહાર કે સૂરજપુર પંથકના બીજા કોઈ ટપોરીની તાકાત નથી કે દીવાન ચુનીલાલના ડેલા સામે આંખ ઊંચી કરે..” ઉમંગભાઈનું લોહી જરા ગરમ હતું.

*

વિચારોમાં ને વિચારોમાં આંખ લાગી ગઈ. તમારી ટેવ મુજબ રાતે તમે મોડા આવ્યા. અને હું નહાવા ગઈ એટલી વારમાં નીકળી ગયા. હવે આખો દિવસ મારી રાહ જોવાની હતી. આખો દિવસ કે પછી આખી જિંદગી?

મારે નિર્ણય કરવાનો હતો. જેણે હાથથી બંગડી સેરવી લીધી એ હોઠથી હંસી પણ સેરવી લેશે? મારા દાદાને આ બધી ખબર હશે? કે ખાલી મોટું ઘર જોઈને દીકરી આપી દીધી? મારે દાદાને ફોન કરવો જોઈએ?

હું કંઈ ટેલિપથીમાં માનતી નથી, પણ એ જ ઘડીએ દાદાનો ફોન આવ્યો. એમને લગ્ન થયા પછી જ કોઈએ તમારા વિશે, તમારી કુટેવો વિશે વિગતવાર વાત કહી. “બેટા ઉતાવળમાં તારા લગ્ન કુપાત્ર સાથે કરવાની ભૂલ થઈ ગઈ, ઘરે પાછી આવી જા!”

મને સારું લાગ્યું, કે એટલિસ્ટ ઘરે પાછા જવાનો દરવાજો ખુલ્લો હતો.

તો ય મેં કહ્યું, “પણ તમારું દેવું..”

“જે થશે એ જોયું જશે! જે ઘરમાં કપૂત હોય એને હવેલી દઈ દેવાય, દીકરી ન દેવાય”

હું બે જ દિવસમાં જ પિયર પાછી જઈશ તો? લોકોની તો મને બહુ પરવા નહોતી, પણ દાદા? એ લોકોને શું મોં બતાવશે?

એ જ પળે મનમાં વિચાર આવ્યો કે આ જ ઘરમાં રહેવાનો નિશ્ચય દાદાને જણાવી દઉં. પછી થયું કે આ ઘરમાં ટકી જ શકાશે એની ખાતરી તો નથી જ. પણ આજે ને આજે પાછા જવું પડે, એવી સ્થિતિ ય નથી.

મેં હસીને કહ્યું, “દાદા, તમે વિચારો છો એટલી ખરાબ હાલત નથી. મારી ફિકર ન કરશો!”

નાની હતી. ઘરમાં એકલી હતી ત્યારે પઝલથી ટાઈમ પાસ કરતી. બહુ મજા પડતી પઝલ સોલ્વ કરવાની.

હું હસી, હવે ટાઈમ પાસ કરવાનો છે. અને સામે પઝલ તો છે જ. માત્ર એમાં મજા શોધવાની બાકી છે.

પ્રકરણ પાંચ

વકીલાતની ફર્મ્સનો જો તમને અનુભવ હોય તો તમને અમારી કામકાજની રીતનો ખ્યાલ હશે. અમારું કામ કંઈ એ રીતે ચાલતું હોય છે કે જો અમે 11 થી 5 જો કોર્ટ પર ન ગયા હોઈએ તો પછી અમારી ઓફિસમાં ખાસ કંઈ કામ હોય નહીં. અને હું પાછી આળસુ. એટલે એકવાર પપ્પા અને અનુરવ કોર્ટ જવા નીકળી જાય પછી પ્યૂનને ‘આજે મારે બહુ કામ છે’ કહી કોઈ રડ્યું ખડ્યું ક્લાયન્ટ ભૂલથી આવી ચડે તો એ ક્લાયંટને મળવાની ના પાડી દઉં. અને મારી કેબિનમાં બેસી કોઈ નવલકથા વાંચ્યા કરું. બહુ મૂડ ના હોય તો ચેતન ભગત કે દુર્જોય દત્ત પણ વાંચી નાખું, બાકી સામાન્ય રીતે સારી નવલકથા વાંચું. અનુરવનો ફોન આવ્યો કે એ લંચ માટે આવી શકશે નહીં. એ કયા કેસ માટે કોર્ટ ગયો હતો, એ ય હું ભૂલી ગઈ અને હિયરીંગમાં શું થયુ એ પૂછવાનું હું ભૂલી ગઈ. પણ એ બીઝી હોવા છતાં ય પૂછવાનું ન ભૂલ્યો કે ડાયરીનું વાંચન કેટલે પહોંચ્યું.

મેં ખોટેખોટું કહ્યું, “તું અને તારી આ ડાયરી બન્ને બહુ બોરીંગ છે.” નોવેલ તરીકે આ કેવી થાય એ હજુ મેં વિચાર્યું નહોતું, પણ રીડીંગ મટિરિયલ તરીકે તો સારી જ હતી.

પણ ‘સારી છે’ એવું કહેવાને બદલે મેં ઘણાં પ્રશ્નો સામટા રજૂ કરી દીધા, “આ તારી લાવણ્યાએ ડાયરી પતિને સંબોધીને લખવાની શું જરૂર? એનો પતિ અત્યારે છે ક્યાં? એનું કોઈ ઠામઠેકાણું છે કે લાપતા છે? જીવે છે ખરો? અને લાવણ્યા એના પતિ સાથેના પ્રસંગો ડાયરીમાં કેમ લખે છે, જ્યારે વાંચનાર પતિ હોય, તો એને તો ખબર જ હોય ને! હા, એની યાદદાસ્ત ચાલી ગઈ હોય તો એને યાદ અપાવવું પડે. અને ફોર ગોડ્સ સેક એવું ન નીકળે તો સારું. સવાલ એ છે કે લાવણ્યા કોના માટે ડાયરી લખે છે? આ પત્ર છે કે ડાયરી છે? કોઈ આવી ડાયરી લખે?

અનુરવ હસતાં હસતાં બોલ્યો, “આ બધા જ સવાલોના જવાબ તને મળશે. ડાયરી પૂરી તો કર!” એણે ફોન મૂક્યો.

મેં ફરી ડાયરી જોઈ, ફોર્ચ્યુનેટલી બહુ જાડી ન હતી. પાનાં જર્જરિત હતા પણ અક્ષર ચોખ્ખા અને મરોડદાર હતા. લેંગ્વેજ સારી અને ચોટદાર હતી. પહેલાં પાના પછી આગળ કદી લાવણ્યાએ ખોટેખોટા અલંકારો વાપર્યા નથી. વચ્ચે વચ્ચે લાવણ્યાએ ચિત્રો ય જાતે બનાવ્યા હતા. કોઈ કોઈ પાનાના ખૂણે ભરતગૂંથણ જેવી ડિઝાઈન દેખાતી. શાહીનું ટપકું પડ્યું હોય કે છેકછાક થઈ હોય (એવું બહુ ભાગ્યે જ હતું) તો એ શાહીના ટીપાની આસપાસ ડિઝાઈન બનાવેલી જોવા મળતી. આપણને એમ જ લાગે કે ફૂલ દોર્યું છે. ધ્યાનથી જુઓ તો ખબર પડે કે આ તો શાહીનો ડાઘો પડી ગયો હશે એનું બ્યુટિફિકેશન કર્યું છે! આ તો એકવાર એણે લખ્યું હતું એના પરથી ખબર પડી, “કોરા પટ પર શાહીનો ડાઘો પડી જ ગયો છે એ વાસ્તવિકતા છે, પણ હવે ડાઘને બળપૂર્વક ભૂંસવાની કોશિશ કરી પાનું બગાડવું કે એ ડાઘને સૂકાવા દઈ એની આજુબાજુ ડિઝાઈન બનાવવી તે આપણા હાથમાં છે.” મારા સ્વભાવ પ્રમાણે મને આ વાત કોમ્પ્રોમાઈઝ કે સરેંડર જેવી સાઉંડ થવી જોઈએ, પણ કોણ જાણે કેમ મને લાવણ્યાની વાત સેંસીબલ લાગી. ડાયરી વાંચીને જ નહીં, ડાયરીને માત્ર જોઈને પણ હવે લાવણ્યાનું કેરેક્ટર પકડાવા લાગ્યું હતું.

હું અને લાવણ્યા સાવ જુદા હતા. ખરેખર જુદા હતા? કે પછી માત્ર અમારા સંજોગ અને ઉછેર જુદા હતા? એ પોતાની મુગ્ધ ચંચળતા આજુબાજુના જગતથી છુપાવવાનો પ્રયાસ કરીને ગંભીર રહેતી, તો ય ક્યાંક ક્યાંક અલપઝલપ એની ચંચળતા દેખાઈ જ જતી. અને અહીં મારી બિંદાસ ચંચળતાને કોઈ લગામ નહોતી, અને એમાં રહેલી ગંભીરતા કદી પ્રગટ થતી નહીં! બાકી ધ્યાનથી જોશો તો તમનેય સુરમ્યાની અને લાવણ્યાની કલ્પનાજગતમાં વિહરવા પદ્ધતિ તો ક્યાંક ક્યાંક મળતી આવતી લાગશે જ!

મને મારી પહેલી નોવેલમાં લખવા માટે પંચ લાઈન મળી, “દરેક યુગની મુગ્ધાનું કલ્પનાજગત તો એકસરખું ગુલાબી ગુલાબી હોય છે. માત્ર વાસ્તવિક જગતના કાળાંધોળાં યુગે યુગે બદલાયા કરે છે..” નહીં જામ્યું? ઓ કે. પછી જોઈશું.

વાત લાવણ્યાના કેરેક્ટરની હતી. કેરેક્ટર સ્પષ્ટ થવા માંડ્યું. લાવણ્યા એટલે પોતાની અનોખી મેન્ટાલિટી અને અણધારી રિયાલટી વચ્ચે સતત મેળ બેસાડવા મથતી એક સેન્સીટીવ છોકરી. પણ માત્ર કેરેક્ટરથી નવલકથા ન બને. ઘટના જોઈએ. (ફરી પાછું પેલી ‘હાઉ ટુ રાઈટ નોવેલ’વાળી બૂકનું જ વાક્ય!) લો, એ ઘટના પણ બની.

*

લગનને અઠવાડિયું થયું પણ હજુ આપણને એકસાથે લાંબો સમય રહેવાની તક નહોતી મળી. આજે એ પણ મળી ગઈ.

એક દિવસ વહેલી સવારે ફોન આવ્યો, “તરંગને હોસ્પીટલ દાખલ કર્યા છે, જલદી પહોંચો”

હું પહોંચી ત્યારે તમને ઓપરેશન થિયેટરમાંથી રૂમમાં લાવવામાં આવ્યા હતા. માથે પાટો અને પગે પ્લાસ્ટર. પોલિસ કોંસ્ટેબલ તમારું નિવેદન લેવા માંગતો હતો. તમે કહ્યું, “સ્કૂટર પરથી પડી ગયો.” ઉમંગભાઈએ અમુક લીલી નોટ એના ખિસ્સામાં સરકાવીને એને મોડેથી આવવા કહ્યું.

ઉમંગભાઈએ મને ટૂંકમાં સમજાવ્યું કે કામેશના માણસોએ તમારા પર મોડી રાતે હોકી-સ્ટીકથી હુમલો કર્યો હતો. તમને માથામાં હોકી સ્ટીકનો ફટકો માર્યો હતો અને એ જ હોકી સ્ટીકના બીજા ફટકાથી તમારા પગની નળીનું પણ ફ્રેક્ચર થયું હતું.

ચુનીલાલ દીવાનના પુત્ર પર હીચકારો હુમલો થયો એટલે કોંસ્ટેબલ તરત કામેશ કહારને પકડી લાવ્યા પણ તમે કામેશ વિરુદ્ધ જુબાની આપવાની ના પાડી.

પપ્પાજી અને ઉમંગભાઈએ પોલિસ સાથે મળીને પરિસ્થિતિ હેંડલ તો કરી પણ બન્ને ખૂબ અકળાયેલા હતા. અકળામણને કારણે તેઓ કંઈ ને કંઈ બોલી દેતા. તમારા ત્રણ જણા વચ્ચે વાતાવરણ તંગ થતું. તમે કોઈ જવાબ નહોતા આપતા તો ય તમારી ચૂપકીદી એ બન્નેને એક નફ્ફટની ચૂપકીદી લાગતી.

હું કહેતી, “હું આમનું ધ્યાન રાખીશ, તમે ચિંતા ન કરો.” બન્ને મારી સામે જોઈ રહ્યા. પછી માંડ માંડ એવી ગોઠવણ કરી કે તેઓ માત્ર ખબર લેવા જ આવે અને માત્ર ડોક્ટર સાથે જરૂર પૂરતી વાત કરે. બાકી હું સંભાળું. એ જ સૌને માટે સારું હતુ.

જો કે દિવસ રાત રૂમની બહાર સુરક્ષા માટે પોલિસના માણસોની ચોકી રહેતી. પણ રૂમમાં અંદર તમારી સરભરામાં હું જ રહેતી. ઘરેથી મારે માટે ટિફિન આવતું. તમારે માટે સૂપ રાબ વગેરે. પણ માંદા માણસ માટે ખાસ અલગથી બનાવેલું ફીકું ભોજન એટલિસ્ટ, માંદા માણસને તો ન જ ભાવે. એ ભોજન હું ખાતી અને હું મારું ભોજન તમને આપતી. જેમ તેમ ત્રણ દિવસ નીકળ્યા.

આજે ચાર દિવસે તમે બેઠા થયા. તમારી નજર બારીની બહાર છે. ડોક્ટરે પગ પર વજન લેવાની ના પાડી છે છતાં ઘોડીના સહારે તમારે લિફ્ટ સુધી જવું છે તેથી તમે વોર્ડબોય સાથે માથાકૂટ કરી રહ્યા છો. હું કશું સમજી. મેં નાનું પણ હિંમતભર્યું પગલું ભર્યું.

સાંજે હું ટીફીન લેવા ઘરે ગઈ. આવતી વખતે મારા હાથમાં એક પાર્સલ હતું.

મેં પૂછ્યું, “જુઓ આ શું છે?”

મેં ગમે તેમ કરી ચમ્પાના વર પાસે મુન્નીબાઈને ત્યાંથી ઈંડાની ભુરજીનું પાર્સલ મંગાવ્યું હતું, પપ્પાજીને કે ચંદાબાને ખબર ન પડે એની તકેદારી રાખીને.

મને ગભરાટ થઈ રહ્યો હતો, ક્યાંક કોઈ ઓળખીતું ખબર લેવા ન આવી જાય. રૂમનું બારણું અંદરથી બંધ કરી કહ્યું, “જલદીથી ખાઈ લો”

ઘણા દિવસે મનગમતો આહાર મળ્યો એટલે તમે આરામથી ભોજન લીધું. તમે જમી પરવાર્યા એટલે રૂમનું બારણું ખોલવા ગયા. હું વચ્ચે આડી ઊભી રહી, મેં તમારી સિગારેટનું પાકીટ ધર્યું, કહ્યું, “લો, જો કે, મુન્નીબાઈની દીકરીને જેમ સળગાવીને નહીં આપી શકું”

સવારે બારીમાંથી તમારી નજર પાનબીડીના ગલ્લા પર પડી હતી, એટલે જ તો તમે લિફ્ટ સુધી જવાની મગજમારી કરતા હતા. તમને અપેક્ષા ન હતી કે હું તમારી આ બન્ને જરૂરિયાત પૂરી કરીશ.

તમે સામે ચાલીને વાત શરૂ કરી, “મારામારીને કારણે આ પાંચમી વાર હોસ્પિટલમાં આવવાનું થયું.”

જેઠાણીજીએ તો કહ્યું હતું, પંદરવાર. પણ મને લાગ્યું કે એમના કરતાં એમના દિયરની વાત પર વિશ્વાસ કરવો જોઈએ. તમને મારામારી કરવાની ટેવ હશે, જૂઠું બોલવાની ટેવ નહોતી.

જો કે હું કંઈ બોલી નહીં.

“તેં આવું પહેલીવાર જોયું હશે નહીં?” પોતાની પાટાપીંડી બતાવી તમે બોલ્યા.

મેં શાંતિથી ડોકું હલાવ્યું. ખરેખર તો હું હચમચી ગઈ હતી. પણ એ દેખાડાય થોડું?

તમે બોલ્યા, “તુ ગભરાઈ ગઈ હશે, નહીં?”

તમને પુરુષોને ખબર નથી હોતી કે સ્ત્રીઓ દુર્ઘટનાથી નહીં, માત્ર દુર્ઘટનાની એંધાણીથી ગભાય, દુર્ઘટના ઘટી ગયા પછી તો સ્ત્રી જ પુરુષને હિંમત આપે!

ઘણાં પુરુષ દુર્ઘટનાના અણસારને ગણકારે નહીં અને દુર્ઘટના આવી પડે ત્યારે પાણીમાં બેસી જાય.

પણ મેં ટૂંકમાં કહ્યું, “તમારો જીવ બચ્યો એટલે બસ!”

“અરે જીવને શું કરવો છે? અને મારા જેવા નકામા માણસો તો બહુ લામ્બો સમય આ ધરતી પર ભાર બનીને જીવે. જલદી જાય નહીં!”

“ટચ વુડ” કરવા માટે હું લાક્ડું શોધતી હતી, પણ આજકાલ હોસ્પીટલોમાં બધું ફર્નિચર મેટલનું હોય છે.

તમે આગળ ચલાવ્યું, “અને કામેશ મને મારવા થોડો માંગતો હતો? એ તો એક બે ફટકા મારીને પપ્પા અને ભાઈને ગભરાવવા માંગતો હતો, જેથી એ લોકો જલદી મારી ઉધારીના પૈસા આપી દે!”

મારાથી પૂછાઈ ગયું, “કેટલી ઉધારી છે?”

“તું આમાં ન પડ” કહીને એ સૂઈ ગયા.

હું વિચારે ચડી, “પપ્પાજી અને ઉમંગભાઈ કેમ તમારાથી આટલા ત્રાસી ગયા હશે? અને તમારાથી ય વારે ઘડીએ થઈ જાય છે કંઈ એવું કે..”

હું આખી રાત ચાંદનીના પ્રકાશમાં તમારો ચહેરો જોતાં જોતાં વિચારતી રહી, માણસ પહેલાથી જ ખરાબ હોય? જન્મથી જ? કે પાછળથી થાય? તમે ક્યારથી ખરાબ થયા હશો?

સવારે તમે જાગ્યા ત્યારે હું ડાયરી લખતી હતી. તમે પૂછ્યું, “શું લખે છે? મારા કારનામા?”

જવાબ આપવાને બદલે સ્મિત કરીને મેં ડાયરી તમારી સામે ધરી દીધી. એમણે કહ્યું, “વાંચવાનો શોખ હોત તો શિક્ષક પર કંપાસ ફેંકીને ભાગી ન ગયો હોત ને!”

હું હસી પડી મેં કહ્યું, “લગ્ન પછી પહેલીવાર તમે રમૂજ કરી.”

રમૂજ કરીને ય તમે હસતાં તો નહોતા જ, ઉપરથી મારી વાત સાંભળીને અચાનક તમારા મુખભાવ બદલાયા અને તમે બોલ્યા, “લગ્ન પછી નહીં, આજે તેર વરસ પછી પહેલીવાર રમૂજ કરી!”

મેં ડાયરી ખોલીની ગળું ખોંખાર્યું, “તમારે નથી વાંચવું પણ મારે સંભળાવવું જ છે” મેં કહ્યું.

તમે ગભરાયા, “આખી ડાયરી?”

મેં કહ્યું, “ના, માત્ર છેલ્લો ફકરો!”

અને મંજૂરીની રાહ જોયા વગર હું વાંચવા લાગી ગઈ “માણસ પહેલાથી જ ખરાબ હોય? જન્મથી જ? કે પાછળથી થાય? તમે ક્યારથી ખરાબ થયા હશો? કેલેન્ડરો ફેરવી ફેરવી સમયના વનમાં પાછળ પાછળ જાઉં તો એમાં કોઈ પડાવ કોઈ દિવસ તો એવો હશે, જ્યારે તમારો રેકર્ડ એકદમ ચોખ્ખો હોય!”

તમે સિગરેટ સળગાવી. મારી હાજરીમાં, અને તેય મારી મૂક સંમતિથી, કોઈ પહેલીવાર સિગરેટ પી રહ્યું હતું. તમે એક બે કશ લીધા, તમારી મુખરેખાઓ તંગ થઈ, પછી ખબર નહીં કેમ, તમે અચાનક સિગરેટ ઓલવી નાખી, “મારો રેકર્ડ? ચોખ્ખો ક્યારે હતો એમ? ખબર નહીં. પણ નવ વરસની ઉંમરે મેં પહેલી મારામારી ઉમંગભાઈ માટે કરી. ઉમંગભાઈ મારાથી સાત વરસ મોટા. ઉમંગભાઈને એક એના ક્લાસનો એક છોકરો કાયમ ચીડવતો. અને ઉમંગભાઈને રડાવતો. એટલે..”

હું હસી, “આપણાથી સાત વરસ મોટાભાઈનું ઉપરાણું આપણાથી ન લેવાય. એટલે, શરૂઆતથી જ મગજથી સુપર હીરો હતા તમે, એમ જ ને?” મેં મારાં સાયકોલોજીકલ તારણ બાંધવાના શરૂ કર્યા.

તમે બોલ્યા, “ના, હું ય ડરપોક હતો. મને ય મારા ક્લાસના છોકરા ચીડવતાં. પણ એ હું સહન કરી લેતો. પણ મોટાભાઈને કોઈ..”

તરત મેં સાયકોલોજીકલ તારણો બાંધવાના બંધ કર્યા અને માત્ર સાંભળવાનું શરૂ કર્યું. વડીલ, વકીલ કે જજ થયા વગર આ ‘માત્ર સાંભળવું’ બહુ મુશ્કેલ છે. પણ મેં પ્રયાસ કર્યો.

સદભાગ્યે તમે બોલવાનું બંધ ન કર્યું, “પપ્પા સતત ઉમંગ સાથે મારી સરખામણી કરતા. મને કાળા અક્ષરથી નફરત, તેથી પપ્પા મારા નબળા રિઝલ્ટથી કાયમ નારાજ રહેતા અને વારેઘડીએ દરેક વાતે પપ્પા ઉમંગનો દાખલો આપતા. ઉમંગની દરેક વાત પપ્પાને રાજી કરતી અને મારી દરેક વાત પપ્પાને નારાજ કરતી.”

“હું ત્રણેક દિવસથી જોતો હતો કે ઉમંગભાઈ પર ત્રાસ વધી ગયો છે, અને ઉમંગભાઈ ડાહ્યા છોકરાની જેમ પપ્પાને કે શિક્ષકને ફરિયાદ કરવાના નથી. મને થયું કે લાવ, ઉમંગભાઈનો પ્રોબ્લેમ હું સોલ્વ કરી આપું! કેવી મૂર્ખામી હતી! હું ચોથા ધોરણને સાડાત્રણ ફૂટનો પાતળો છોકરો અને ઉમંગભાઈને ચીડવનાર પોણા છ ફૂટનો છોકરો અગિયારમામાં ભણે. પણ આમ કરવાથી મને શાબાશી મળશે. એવા વિચારથી મારા શરીરમાં એવું ઝનૂન સવાર થયું કે એક હાથથી એ મોટા છોકરાને ગળે લટકી ગયો ને બીજા હાથે એના મોં પર મુક્કા માર્યા. વાગ્યું તો મને પણ હતું, પણ મારામારીમાં એના ચશ્મા ફૂટી ગયા. મને થયું કે મેં ઉમંગભાઈનો પ્રોબ્લેમ સોલ્વ કર્યો, એટલે મારી કદર થશે. પણ કાયમ ટ્રસ્ટીમંડળના સભ્ય તરીકે માનભેર સ્કૂલ જતા પપ્પાને એ દિવસે ચશ્મા તોડનાર તોફાની છોકરાના વાલી તરીકે સ્કૂલ જવું પડ્યું. મને હતું કે ઉમંગભાઈ બધી વાત કરીને મને સ્કૂલની સજા અને પપ્પાની ફિટકારમાંથી બચાવશે. પણ ઉમંગભાઈ તો કોઈની આગળ કંઈ બોલ્યા જ નહીં. જાણે કે એમને કોઈ ફરિયાદ જ નહોતી.”

“તમે ઉમંગભાઈને કહ્યું નહીં કંઈ?”

તમે કહ્યું, “શું કહું? એમ કહું કે તમને રાહત થાય એ માટે જ મેં મારામારી કરી? એમને ખબર નહોતી? અને જો મેં કંઈપણ કહ્યું હોત તો એમણે એમ જ કહ્યું હોત, “પણ આમ કોઈના ચશ્મા ન તોડાય!”

તમે શ્વાસ લેવા અટક્યા. સિગરેટ સામે જોયું. હાથથી ઠેસી મારી પેકેટ જરા દૂર ખસેડ્યું.

“બાળપણમાં આવી ફરિયાદો તો આપણા બધાની હોય,” મેં એવી રીતે કહ્યું જાણે મેં પણ કોઈના ચશ્મા તોડ્યા હોય! મને યાદ આવ્યું કે મારી સ્કૂલમાં ય એવી ઘણી છોકરી હતી, જેને ગળે લટકી મોં પર મુક્કો માર્યો હોત તો મજા પડી જાત. મેં વિરામ પૂરો કરતાં કહ્યું, “આ કોઈ મોટો ગુનો નથી.”

એ હસ્યા, “ આ વાતના ત્રણ વરસ પછી મેં એક શિક્ષક પર કંપાસ છુટ્ટો ફેંક્યો. કેમ કે એ દેશી ભાષામાં એવું બોલ્યા હતા કે મારા પપ્પાને કોઈ વિધવા સાથે આડો સંબંધ છે. પપ્પા મને પૂછીને થાક્યા, કે કંપાસ કેમ ફેંક્યું? પણ હું કેવી રીતે કહું કે બાર વરસને ઉમ્મરે આડો સંબંધ એટલે શું તેની મને સમજ પડવા માંડી હતી..” સહેજ અટકી તમે કહ્યું, “ત્યારથી સ્કૂલ છૂટી તે છૂટી.”

ડોક્ટર રાઉંડ પર આવ્યા અને આપણી વાત બહુ મહત્વના વળાંકે અટકી. ડોક્ટરની નજર ન પડે એ માટે મેં સિગરેટનું પડીકું મારી સાડીના પાલવ નીચે સંતાડ્યું. તમે એ જોયું અને આછું મલકાયા. પહેલીવાર.

પ્રકરણ છ

ડોક્ટર કહીને ગયા, “લાવણ્યાબેન, તમારા પતિની રિકવરી બહુ સારી છે.” મને પૂછવાનું મન થયું, “ઈંડા ખાવાને કારણે હશે?” હું છાનું હસી. મન ગુલાબી ગુલાબી થઈ ગયું.

ડોક્ટર બોલ્યા, “બહુ જલદી હોસ્પીટલમાંથી રજા મળશે.” અહીંથી રજા લેવાની વાત સાંભળી મારા ગુલાબી મનમાં જરા ભૂખરાશ પથરાઈ ગઈ. કાયમ આ રૂમમાં ન રહી શકાય? હું અને તમે. તમે અને હું. બે માણસ માટે મોટી હવેલીની જરૂર શું છે?

ડોક્ટર ગયા એટલે તમે વાતનો તંતુ આગળ ધપાવ્યો, “ કંપાસ ફેંક્યો, સ્કૂલ છૂટી, ભણવાનો યોગ પૂરો થયો. તોય બીજી રીતે પપ્પા અને ભાઈનું દિલ જીતવાના તમામ પ્રયત્નો પછી મને ખબર પડી કે મારા હાથે કોઈ એવું સારું કામ થવાનું નથી કે જેનાથી ભાઈ અને પપ્પા રાજી થાય. એમનું ધ્યાન ખેંચવા માટે, એમની નજરમાં રહેવા માટે હું કંઈ ને કંઈ નવું કારસ્તાન ઊભો કરતો રહેતો જેથી એ લોકો ભલે ઠપકો આપવાના બહાને પણ મારા ઉપર ધ્યાન તો આપે અને હું ભલે ‘સોરી’ કહેવાના બહાને એમના પરની લાગણી તો વ્યક્ત કરી શકું! પણ દિલથી વાતચીત કરવાને બદલે માત્ર સલાહોનો ધોધ. મને સુધારવાના ખોટા ખોટા નુસ્ખા અને અને મારી મરજી પૂછ્યા વગરના અખતરા. મને ક્યાંય એમાં હૂંફ ન દેખાતી. હું ધીમે ધીમે ઘરથી દૂર થતો ગયો. ઠપકો સાંભળવાનું અને સોરી કહેવાનું નાટક બંધ કર્યું. એવા લોકો સાથે, એવી જગ્યાઓએ બેસવાથી જ મને સારું લાગતું જે મને સલાહ ન આપે, જે મારી ખામીઓ ન બતાવે. હું જેમની સાથે બેસતો થયો એ લોકો મારી જેમ જ અંદરથી ધગધગતા હતા. દુનિયાથી નારાજ હતા. બધા કંઈ સારા ન હતા. સાવ ખરાબ પણ નહોતા. પણ કોઈને બીડીનું વ્યસન હતું, તો કોઈએ શરાબ ચાખેલો હતો. કોઈ આક્રમક સ્વભાવના બાવડાબાજ અને લડાકુ હતા તો કોઈ છોકરીઓને આકર્ષવાની બધી ટ્રીક્સમાં માહેર હતા. કોઈને લોટરી-જુગારમાં જ રોમાંચ મળતો. બે વરસ અમે બધાં અમારો એક એક નાનો-મોટો દુર્ગુણ લઈને સાથે રહ્યા. દોસ્તી થઈ. બધાએ દોસ્તીયારીમાં એકબીજાના કૃત્યોમાં બિનશરતી ખુલ્લાદિલે સાથ આપ્યો. બે વરસ પછી બધાં બધી વાતે પારંગત થઈ ગયા હતા.”

તમારી વાત સાંભળતાં મને થયું, “સદગુણો શીખતા વાર લાગે અને જલદી ભૂલી જવાય. દુર્ગુણોનું સાવ ઊલટું. શીખતા વાર ન લાગે અને કદી ન ભૂલાય!”

તમે વાત આગળ ચલાવી, “આ બધાંમાં હું એકમાત્ર પૈસાવાળાનો દીકરો હતો અને પાછો ઉદાર હતો. એટલે પપ્પા પાસેથી પૈસા મળશે એ આશાથી આ મિત્રો માટે ખર્ચ કરતો ગયો. ઉધારી કરતો ગયો.”

હું બહુ વિચારીને, અચકાઈને બોલી, “ભાઈ અને પપ્પાજીએ લોહીપસીનો એક કરીને આ સંપત્તિ એકઠી કરી હોય એટલે આવા કામ માટે કદાચ ન જ આપે..”

“બરાબર છે, ન જ આપે.. હજુ પણ આજની તારીખેય હું સામે ચાલીને પૈસા માંગતો નથી. પણ એ લોકો કોઈ ધંધો શરૂ કરવા રકમ આપે તો હું કમાતો થાઉં ને!”

“પપ્પાજીએ તમને કહ્યું હશે, ‘અમારી સાથે પેઢી પર બેસ..અનુભવ લે’ બરાબર છે?”

તમે જે રીતે મારી સામે જોયું એ પરથી ખબર પડી કે મારું અનુમાન સાચું હશે.

એટલે મેં પ્રોત્સાહિત થઈને મારી શાણી વાણી આગળ વધારી, “સમાજમાં માન્ય હોય એ રીતનો, ઈમાનદારીથી ધંધો કરવો હોય તો આવો અનુભવ કામ ન લાગે? એમની પેઢી પર બેસવામાં તમને શું વાંધો છે?”

તમે ઉખડ્યા, “એમની પેઢી પર બેસી એ લુચ્ચા લોહીતરસ્યા વેપારીઓ સાથે ધંધો કરવા કરતાં મુન્નીબાઈની લારી પર મવાલીઓ સાથે બેસવાનું મને વધારે સારું લાગે છે. કમ સે કમ એ જેવા છે તેવા દેખાય તો છે!”

હું ચૂપ થઈ ગઈ. જરા અવિશ્વાસથી તમને જોતી રહી, “તમારા વાતમાં કોઈ તથ્ય હતું? કે પછી હું ખોટી દલીલો કરનાર ખડક સાથે માથાં પછાડી રહી હતી?”

*

“સુરમ્યાબેન ટીફીન ઠંડુ થાય છે.” અમારા પ્યૂન પરભુનો અવાજ સંભળાયો. મને ખ્યાલ આવ્યો કે હું સુરમ્યા છું, લાવણ્યા નથી. હું લાવણ્યાની વાતમાં ખૂંપી ગઈ હતી.

અમારી ઓફિસમાં માઈક્રોવેવ છે. એટલે જમવાનું ગરમ તો થાય. પણ માઈક્રોવેવમાં વારેવારે ગરમ કરીએ તો રોટલી કડક થઈ જાય. જોકે, હું જે રોટલી બનાવું છું એ તો પહેલાથી જ કડક હોય છે. પણ હૂ કેર્સ? લગન થતાં સુધી આવડી જશે. શીખવાનો ટાઈમ કોની પાસે છે? અને નવલકથા શીખું કે રસોઈ?

જો કે અનુરવ કહે છે, “નવલકથા અને રસોઈ બન્નેમાં નવ રસોનો મહિમા છે. રસોઈ અને નવલકથામાં બીજું સામ્ય એ છે કે બન્ને ધીમી આંચે પાકે છે.” લાવણ્યાની સ્ટોરી પણ ધીમી આંચે પાકી રહી છે. હું વિચારી રહી હતી, એક કાચી ઉંમરની છોકરી અને એક મવાલીગીરીને રસ્તો ચડેલો યુવાન.. આ બે વચ્ચેની ચર્ચા રંગ લાવશે? મારા મનમાં ઉથલપાથલ ચાલી રહી હતી. બ્રેક જરૂરી હતો. ત્યાં જ જમવાનું આવ્યું. આગળ વધતાં પહેલા જમી લઉં.

આગળ વાંચવાની ચટપટીમાં મેં થાળી અડધી છોડી દીધી. આમ હું ડાયેટીંગ કરી શકતી નથી. પણ આજે આપોઆપ ડાયેટીંગ થયું, થોડીવાર પહેલા ચા અને સમોસાનો પણ મેં ત્યાગ કરેલો. એટલે મેં મારી કમર જોઈ. પા એક ઈંચ ઘટી? ના, કેમ કે ડાયરી વાંચતા વાંચતા હું બે વેફર્સના પેકેટ ખાઈ ચૂકી હતી, એ યાદ આવ્યું. વાંચવાની ટેવ સારી છે પણ વાંચતા વાંચતા ફાકા મારવાની ટેવ ખરાબ છે.

હાથ ધોતાં ધોતાં હું વિચારી રહી છું, લાવણ્યા જેવી કાચી ઉમરની, કાચા અનુભવોવાળી છોકરી તરંગ જેવા આડે માર્ગે ગયેલા યુવાનના મનના ખડક સાથે માથાં પછાડી રહી હતી? કે પછી એ ખડકને તોડીને લાવણ્યા કોઈ નાજુક કૂંપળ ઉગાડી શકશે? મેં જલદી જલદી ડાયરી પકડવાની લ્હાયમાં ઝડપથી કમર પર હાથ લૂછી લીધા. (લેડીઝ રૂમાલનો જમાનો ગયો!).

*

તમે મારી સામે જોઈ બોલ્યા, “શું કહ્યું તે? લાવણ્યા?”

તમે મારું નામ ‘લાવણ્યા’ તમારા હોઠે બોલ્યા એ મને એટલું બધું ગમ્યું કે મેં અગાઉ શું કહેલું તે ભૂલી ગઈ. મારા જેવી (અરે, કદાચ કોઈ પણ) છોકરીના જીવનમાં પ્રથમવાર કોઈ પુરુષ આવે, એનો રોમાંચ જ એટલો બધો હોય છે કે એ સારો છે કે એ આડે માર્ગે છે, એ વિચારવાના હોશ રહેતા નથી.

લગ્ન પહેલા પ્રેમ કરવાની ગતાગમ નહોતી મને. છતાં મુન્નીબાઈની દીકરીની જગ્યાએ મેં મારી જાતને કલ્પી જોઈ. ઘડીભર મજા આવી. હું તમારા પ્રત્યે ઝડપથી ખેંચાવાનો અનુભવ પણ કરી રહી હતી અને એ વિચારી પણ રહી હતી કે મુગ્ધ વયે પ્રેમનું આકર્ષણ દુર્ગુણના ભય કરતાં કેટલું શક્તિશાળી હોય છે! મારા તો લગ્ન થયા હતા, તમારી સાથે. એટલે નછૂટકેય તમને સમજવા માંગું છું. પણ આવું બધું સામાજિક કશું ન હોત અને આમ જ હું તમારા પ્રેમમાં પડી હોત તો? તમારી આવી ખરડાયેલી છબી જોઈનેય પ્રેમ કર્યો હોત તમને? મને થયું, દુનિયાની કેટલી બધી મુગ્ધાઓ ‘પછી એને સુધારી દઈશ’ એવા વિશ્વાસથી થોડી ધૂમિલ છબીવાળા યુવકોને દિલ દઈ બેસતી હોય છે!

સારું થયું તમને યાદ હતું કે વાત ક્યાં પહોંચી હતી. તમારા અવાજે મારી વિચારધારા અટકાવી, “લાવણ્યા તું કહે છે કે મારે સમાજમાન્ય રીતે, ઈમાનદારીથી ધંધો કરવાનો અનુભવ લેવા માટે બે એક વરસ પપ્પાની પેઢી પર બેસીને પ્યૂન જેવું કામ કરવાની જરૂર હતી?”

“પ્યૂન જેવું?” હું ચોંકી.

“હા, બે દિવસ પેઢી પર બેઠો. પપ્પાએ મારી પાસે જુનિયર પ્યૂન જેવું કામ કરાવ્યું.”

હું હસી, “પ્યૂન તો સમજ્યા, પણ જુનિયર પ્યૂન?”

“હા, સો રુપિયાની નોટનોય વહીવટ કરવાનો હોય તો સિનિયર પ્યૂન મંગુને કામ સોંપવાનું. માત્ર ચોપડા અને પડીકાં લાવવા લઈ જવાના હોય તો જુનિયર પ્યૂન તરંગને કામ સોંપવાનું.” તમે એક શ્વાસ લીધો, સિગરેટ સળગાવી અને કહ્યું, “ત્રીજે દિવસે સવારે ઘરથી પેઢી જવા નીકળ્યો પણ ગયો મુન્નીબાઈની લારી પર!”

તમે ફરીથી એક કશ લઈ સિગરેટ ઓલવી નાખી, પેકેટ પણ રૂમના ખૂણામાં દૂર ફેંકી દીધું, “મારા પપ્પાએ વ્હાણવટાના ધંધામાં પગ કેવી રીતે જમાવ્યો ખબર છે તને? પહેલા પપ્પા એક મામૂલી નોકરી કરતા હતા. પણ જૂનું સ્ક્રેપમાં આવેલું એક ખાલી વહાણ ડૂબાડી એનો માલસામાનનો બાર કરોડનો વીમો પકવ્યો હતો મારા પપ્પાએ. ત્યારથી દગા અને લાલચના પાયા પર આ સમૃદ્ધિનો મહેલ ઉભેલો છે! એમના કરતા મુન્નીબાઈ પોતાનો ઈંડાની લારીનો ધંધો ઈમાનદારીથી કરે છે.”

મને આંચકો તો લાગ્યો, પણ મેં કહ્યું, “એ તો પપ્પાજીએ ધંધામાં આગળ આવવા માટે જરાતરા..” એકંદરે સજ્જન લાગતાં પપ્પાજીના બચાવમાં આગળ શું બોલવું તે મને સૂઝ્યું નહીં.

તમે ધીમે રહીને બોલ્યા, “મેં જેમના માથે કંપાસનો ઘા કર્યો, એ શિક્ષક સાચું બોલતા હતા, એવી મને પાછળથી ખબર પડી. પપ્પાને માત્ર એ એક વિધવા સાથે નહીં, બીજા ઘણા આડા સંબંધ હતા.”

હું ચૂપ થઈ ગઈ. મારા સસરાજીની દાનવીર, ધર્મપ્રેમી, સમાજહિતચિંતક તરીકેની બહુ મોટી નામના હતી. એમનો મવાલી કહેવાતો દીકરો એ નામના પરદા ચીરી રહ્યો હતો.

“જે નાલાયકીઓ હું ધોળેદાડે કરું છું, એવા જ કરતૂતો પપ્પા અને ભાઈ પણ, રાતના અંધારામાં કરી, દિવસે નાહીધોઈ પૂજાપાઠ કરી ચોખ્ખા થઈ ફરે છે. એ મંદિરમાંનો ઈશ્વર તો દેખાવનો છે, બાકી એમને મન તો પૈસો જ પરમેશ્વર છે. પણ મને એમનાથી ફરિયાદ નથી. કેમ કે આખી દુનિયા જ એવી છે.”

મેં જોયું કે ઓલવેલી સિગરેટ પાછી સળગાવી શકાય કે કેમ એ તમે વિચારતાં હતાં. પણ તમે નહોતાં જ સળગાવવાના એ પણ મને ખબર હતી. પણ હવે હું કોઈ સારી વાત કરું તો તમારા મનમાંથી ધુમાડો હટે.

“તરંગ, તમે અલગ ધંધો કરો. તમારી રીતે કરો. નાનો ધંધો કરો. ઓછી મૂડીએ કરો.”

“મારા જેવા કુપાત્ર કે કુસંસ્કારી છોકરાને કોઈ એક લાખ પણ ન આપે.”

મેં કહ્યું, “તમે તમારી વેલ્યૂ બહુ ઓછી આંકી છે તરંગ!””વેલ્યૂ? આ ઘરમાં ન્યૂસંસ વેલ્યૂ સિવાય મારી કોઈ વેલ્યૂ નથી! કંઈ પણ કરો મીંડું!”

“પણ હવે તો આપણા બન્નેની વેલ્યૂનો સવાલ છે.” હું એવી રીતે બોલી જાણે મીંડાની આગળ એકડો લગાવવા મારો જન્મ થયો હોય.

“લાવણ્યા, જેઓ પ્રેમ નથી આપી શક્યા એ પૈસા શું આપશે?”

મારાથી કહેવાઈ ગયું, “જુઓ, મારા પિયરના જે દાગીના છે, એ સહેજે દસેક લાખના હશે, તમે કોઈ નાનું કામ શરૂ કરો. પછી જુઓ તમારી અને ભેગીભેગી મારી વેલ્યુ થાય છે કે નહીં!”તમે લલચાયા નહીં, “નહીં થાય. જો જે તું મને દસ લાખ આપતીબાપતી નહીં, હું ઉડાવી જઈશ. પૈસાવાળાઓની અને પૈસાની બન્નેની કોઈ કિંમત નથી રહી મારા મનમાં, જેમ ચાલે છે તેમ ચાલવા દે. લાવણ્યા! ઈંડા અને સિગરેટ બદલ આભાર પણ મારી નજીક આવવાનો પ્રયાસ છોડી દે, હું સુધરવાનો નથી.” આમ કહી તમે સાવ પીઠ ફેરવી લીધી.

મને થયું, લો ગઈ બધી મહેનત પાણીમાં. પણ હુંય આટલી મહેનત પછી હાર ન માનું. મને શું સૂઝ્યું કે હું અચાનક બોલી, “આ ઘરમાં આપણી વેલ્યુ વધારવાની બીજી એક રીત છે. ઉમંગભાઈ અને ચંદાબાના લગ્નને નવ વરસ થઈ ગયા હજુ પારણુ બંધાયું નથી. દીવાન પરિવારને આપણે વારસ આપીએ તો કદાચ... શું કહો છો..?”

મેં પીઠ પાછળથી બન્ને હાથ વીંટાળ્યા.

તમે “હેં.. હા..” કરતા રહ્યા, પણ મેં મારા દેહમાં જેટલી તાકાત હતી એટલી તાકાતથી ભીંસ બનાવી રાખી. આવેશમાં ને આવેશમાં મારો હાથ તમારા માથાના ઘા પર વાગી ન ગયો હોત તો ત્યાં જ આપણું મચ અવેઈટેડ હનીમૂન થઈ જાત.

પણ હવે મને હનીમૂનની ઉતાવળ નહોતી. ઉતાવળ હતી નાનો ધંધો શરૂ કરવાની. હોસ્પીટલમાંથી રજા મળી કે તરત મેં ઉત્સાહથી અને તમે અવિશ્વાસથી અધકચરા મને દુકાનની તપાસ શરૂ કરી.

રાતે મેડીમાં મેં ગણતરી માંડી. ધંધાની આવકમાંથી પેલા ટપોરી કામેશનું દેવું પણ વરસેકમાં ચૂકવી દેવાનો નિર્ધાર કર્યો. દીવાના અજવાળે સાવ પાકો નહીં અને સાવ કાચો નહીં એવો પ્લાન તૈયાર કર્યો, અને મેં સંતોષથી દીવો બુઝાવ્યો. અને તમારી નજીક સરકી.

મારા મનના સ્થિર જળ જેવા પારદર્શક સરોવર પર પ્રેમનું એક બિન્દુ ટપાક કરી ટપક્યું અને હું તરંગિત થઈ ગઈ. મન હિલોળે ચડ્યું. અત્યાર સુધી ખોબામાં સાચવી રાખેલો શાંત સલિલનો કળશ, મદીલી મદિરાનો જામ બની નસેનસમાં રેલાઈ ગયો. પ્રેમના એક નશાની એ એકએક ક્ષણ શાશ્વત હતી તરંગ! દિવસો ઘેનભર્યા અને રાતો ઉજાગરાભરી. સતત ઝરમરતાં વરસાદને પીને ખુદ સમય લડખડી રહ્યો હતો. પહેલા વરસાદને ઝીલી ધરતીના અંકુર ફૂટું ફૂટું થઈ રહ્યા હતા.

*

આ પણ પહેલા પાના પર હતું એવું ભારેખમ ગુજરાતી! લેખકોએ હવે સમજવું પડશે કે આવનારી પેઢીમાં તમને આ સુરમ્યા જેવા જ વાચકો મળવાના છે. લાવણ્યાએ લખેલો આ આખો ફકરો મારે બે વાર વાંચવો પડ્યો. મજા પડી એટલા માટે નહીં. બરાબર સમજ પડે એટલા માટે. જો કે આ ફકરો વાંચવાથી મારું લેવલ થોડું ઉપર આવ્યું. ચલચિત્રમાં આવું દૃશ્ય જોઈએ એની મજા જુદી અને આવું વાંચીએ એની મજા જુદી. નહીં?

પણ આની સાથે જ લાવણ્યાની કથામાં નવમો રસ પણ આવી ગયો. ગુજરાતીમાં શું કહેવાય? હા, શૃંગાર રસ! પણ આ રસ આટલો જ છે. આગળ ફરી પાછી કામની વાત દેખાય છે. એટલે કે ‘કામ’ની નહી, કામની.

*

બે દિવસની દોડધામભરી તપાસ અને શોધખોળ પછી આપણે તારણ પર પહોંચ્યા કે સસ્તામાં સસ્તી દુકાન બાર લાખની છે. અને મારા ઘરેણા પર કોઈપણ સોની દસ લાખની લોન આપશે. તમારે પપ્પા કે ભાઈ પાસે પૈસા માંગવા નહોતા. તમે હજુ સસ્તી દુકાન શોધવા માટે રાહ જોવા માંગતા હતા.

મેં બહુ અધિકારપૂર્વક કહ્યું, “બાર લાખ રુપિયામાં મળે છે તો લઈ લો, પણ બણ નહીં. મોકાની જગ્યાએ ઓફિસ છે. મેં તમને કહ્યું ને વધારાના બે લાખની પણ વ્યવસ્થા થઈ જશે.”

પિયરમાં મારા ખાતામાં સવા બે લાખ રુપિયા હતા. હું નાહીને તૈયાર થઈ. તમે બહાર જ ઊભા હતા. તમારો મૂડ ફરીથી મસ્તી કરવાનો હતો. પણ બસનો ટાઈમ થઈ ગયો હતો.

મેડીથી ઉતરી, ત્યાં જ ચંદાબા આવ્યા, “ ક્યાં જવા નીકળ્યા?”

પહેલા હું જૂઠું બોલતી નહોતી. પણ આજે મોંથી અસત્ય નીકળી ગયું, “મારા પિયર.. દાદાની ખબર લેવા. આજે જાઉં છું કાલે તો આવી જઈશ.”

ચંદાબા આંખ ફાડીને જોતા રહ્યા, કેમ કે મારા મોં પર તમે કરવા ધારેલી મસ્તીમાંથી માંડ છટકી, એના રમતિયાળ ભાવ હજુ આથમ્યા નહોતા, અને એવા રાતાચોળ મોં સાથે હું ધરાર બોલતી હતી કે દાદા બહુ બીમાર છે. કોણ વિશ્વાસ કરે?

પ્રકરણ સાત

સાડા ત્રણે અનુરવ કોર્ટથી આવી ગયો. હું ટેબલ પર પગ લાંબા કરી વાંચતી હતી. જો કે એ તો રોજનું હતું. પણ આજે અનુરવ આવતાં જ હું ઊભી થઈ ગઈ અને પરસેવો લૂછતા અનુરવને ફ્રીઝમાંથી પાણીની બોટલ કાઢીને આપી. અનુરવ મારી સામે અજબ રીતથી જોવા લાગ્યો. હું સુરમ્યા, લાવણ્યાની જેમ વર્તી રહી હતી?

મરજી વિરુદ્ધ લગ્ન કરવાનું, ટિપિકલ સાસરિયાઓ સાથે કામ પાર પાડવાનું મને તો આજના જમાનામાં ‘બુલશીટ’ જેવું લાગે, પણ પચીસ વરસ પહેલા લાવણ્યાએ જે કંઈ કર્યું, એની સામે મારા મનમાંથી આવવું જોઈએ એવું નેગેટીવ રિએક્શન આવતું નહોતું.

આમ તો હું જિદ્દી અને મનમૌજી છું. સ્વતંત્ર મિજાજની. 2016ની છોકરીઓ હોય, એવી છું. મારી જનરેશનની ગર્લ કદી લાવણ્યા સાથે આઈડેંટીફાય ન કરે. અમારી જનરેશનને સાદગીનું એક્ઝામ્પલ આપવા માટે મમ્મીઓ કહે કે અમે લગન પહેલા હોટલમાં કદી ખાધું નહોતું કે પપ્પાઓ કહે કે અમે બે જ જોડ કપડા પર કોલેજ લાઈફ કાઢી નાખી, તો કહેવાનું મન થાય, “ભોગ તમારા!” ટૂંકમાં મારી જનરેશનની જેમ જ હુંય સબમિસિવ નથી. તોય મેં અનુરવને ફ્રીઝમાંથી પાણી કેમ આપ્યું? જો કે બોટલ જ આપી. ટ્રે અને ગ્લાસ સાથે સર્વિસ નથી આપી. પણ તોય, શું લાવણ્યાનો સ્પીરીટ મારામાં આવી ગયો? જો કે તરંગની જેમ અનુરવને કોઈપણ પ્રકારના સ્પીરીટ કે નિકોટીનનો શોખ નથી. હી ઈઝ એન આઈડિયલ મેરેજ મટિરિયલ. પણ વધારે મહત્વનો સવાલ એ છે કે હું મેરેજ મટિરિયલ છું ખરી? આ સવાલ ફની પણ છે અને ડિસ્ટર્બિંગ પણ. પણ એ વાત પછી.

અનુરવને પરસેવો થતો હતો એટલે મેં પંખો ફાસ્ટ કર્યો. એ સેવા લે એવો નથી. સેવા આપે એવો છે. લિબરેટેડ વુમન તરીકે મેં વિચાર્યું, આને સેવા કહેવાય કે આને ‘કેર કરી’ કહેવાય? છોડો લપ. અનુરવ જેવા સેવાભાવીને પણ મારી આ સેવા ભાવી, એ મેં જોયું.

પંખો ફાસ્ટ થતાં પવનથી પાના ઊડે એ પહેલા મેં ખુલ્લી ડાયરીમાં બૂક માર્ક મૂક્યું.

“આ ડાયરી ક્યાંથી લાવ્યો?” એમ મારે પૂછવુ ન હતું. મારી અંદર ઉભરી રહેલી લેખિકા કહેતી હતી કે સુરમ્યા, ડાયરીમાં છે એનાથી વધુ ઈંફોર્મેશન તારે લેવાની નથી. જાતે જ બધી ગડ બેસાડવાની છે.

જો કે મેં પહેલાથી ધારણા કરેલી જ હતી કે અનુરવ પસ્તીની દુકાનમાંથી આ ડાયરી ઉંચકી લાવ્યો હશે. હું બ્રાંડેડ વસ્તુઓનું જ શોપિંગ કરતી અને અનુરવ તો શનિવારી કે પસ્તીની દુકાનમાં જ ખરીદી કરવા જતો. કદાચ અમારા બે વચ્ચે આ બહુ મોટો ડિફરંસ છે, તોય એ આઈડિયલ મેરેજ મટિરિયલ કહેવાય? અરે પાછી આ વાત ક્યાંથી આવી? આઈ સે, સ્ટોપ ઈટ. મેં મને રોકી. અગાઉ એક-બે વાર અનુરવને ડાયરેક્ટલી પ્રપોઝ કરી દેવાનું મન થતું. ત્યારે મનમાં ને મનમાં હું મારા પર આમ જ ચિલ્લાતી, “આઈ સે, સ્ટોપ ઈટ..”

અનુરવે પૂછ્યું, “ક્યા પહોંચી?”

મેં ડાયરી આપી. એણે બૂક માર્કની જગ્યા જોઈ.

એણે બૂક માર્કની આગળના પાનાં ફરફરાવ્યા. આગળના ચારપાંચ પાના કોરાં હતાં.

મને નવાઈ લાગી, મારી નજર કોરા પાના પર નહોતી પડી. “ડાયરી પૂરી થઈ ગઈ? આટલી જ વાત હતી? આગળ શું થયું?”

અનુરવે કહ્યું, “ના, વાત તો ઘણી બાકી છે.”

“તો આ ડાયરીના પાના કોરા છોડીને આગળ વાંચું?”

મેં ડાયરી હાથમાં લઈ કોરા પાનાં ઉથલાવ્યા. બરાબર ચોથા કોરા પાના પછી ગડી વાળીને લેટરની જેમ છૂટાં ચાર પાનાં મૂકેલા હતા.

“આ શું છે?”

“હવે આ ચાર પાના વાંચવાના છે, પછી ડાયરી આગળ વાંચવાની છે.”

“તને કેવી રીતે ખબર?” અધવચ્ચે આવું ગતકડું આવ્યું એની અકળામણ મેં અનુરવ પર કાઢી.

“મેં આખી ડાયરી વાંચી છે એટલે..”

આ ચાર પાના જુદા, પ્રમાણમાં નવા કાગળ પર હતા. અનુરવને એમ લાગ્યું કે આ જુદા પ્રકારના ચાર પાના જોઈ હું પ્રશ્નોની ઝડી વરસાવીશ. પણ પણ મેં એમ ન કર્યું. છોકરીઓએ હંમેશા પ્રેડિક્ટેબલ બિહેવિયર ન કરવું જોઈએ. જરા અનપ્રેડિક્ટેબલ રહીએ તો જ લોકોને આપણામાં ઈંટેરેસ્ટ રહે.

અનુરવ બોલ્યો, “કંઈ પૂછવું નથી?”

મેં ગંભીરભાવ ધારણ કરીને કહ્યું, “કોઈ મને ભણાવે અને હું ભણું એ મારો સ્વભાવ નથી. હું જાતે શીખવામાં માનું છું.”

બઘવાઈ ગયેલા અનુરવને મેં હસતાં હસતાં કહ્યું, “તું કોફી મૂક ત્યાં સુધી હું આ ચાર પાના વાંચી લઉં.” લાવણ્યાના જમાનાની સ્ત્રીઓ પતિ માટે ચા બનાવ્યા જ કરે. મારા જમાનાની સ્ત્રીઓને કોફી બનાવી આપે એવો સાથી જોઈએ. ‘પાણી માંગો તો દૂધ આપે’ એવો નહીં પણ પાણી આપો તો બદલામાં કોફી આપે એવો તો એ હતો જ.

હું આ નવા ચાર પાના જોઈ રહી હતી. એ પણ હતા તો લાવણ્યાના જ અક્ષરમાં, પણ બેચાર લીટી વાંચતા જ મને સવાલો થવા લાગ્યા. આખી ઘટનામાં લાવણ્યા હાજર ન હતી. તો એને આ બધી કેવી રીતે ખબર પડી? પાછળથી ખબર પડી? ચંદાબાએ વાત કરી કે ઉમંગભાઈએ? પપ્પાજીએ વાત કરી કે મંગુએ? અને આ પાના પાછળથી ઉમેરાયા? અને વળી આ ચાર પાના તરંગને સંબોધીને નહોતા લખાયા. એટલે સ્ટાઈલ બદલાઈ ગઈ. મને થયું અનુરવને પૂછું કે આ બધું શું છે? આ પાના ક્યાંથી આવ્યા? ડાયરીમાંથી નીકળ્યા? પસ્તીમાં ગેરવલ્લે ન થઈ ગયા? પણ ત્યાં સુધી અનુરવ કોફી બનાવવા ચાલી ગયો હતો. મને થયું, પૂરું વાંચી જ લઉં. ચાર જ તો પાના છે.

*

ઉમંગભાઈ બપોરે પેઢીએથી જમવા આવ્યા, મંગુએ એમની પૈસા ભરેલી ચામડાની બેગ અંદર મૂકી, અને એ રોજના ક્રમ પ્રમાણે દરવાજે ચોકીદારની જેમ ઊભો રહ્યો. ચંદાબાએ જમવાનું પીરસી, વીજળીકાપ હતો એટલે, હાથપંખો નાખવાનો શરૂ કર્યો.

ઉમંગભાઈની ટેવ હતી કે એ જમતી વખતે ઊડતી નજરે સામાજિક બાબતોનો તાગ મેળવી લેતા, “મંગુ કહેતો હતો, કે લાવણ્યા વહુ તૈયાર થઈને એકલા બસમાં નીકળ્યા!”

ચન્દાબાએ એમની સ્ટાઈલમાં જવાબ આપ્યો, “ભણેલી છે ને! મારી જેમ નવમી ફેલ નથી. અહીં તો વરને ફૂરસદ નથી ને વહુને છૂટ નથી.”

“ફરી ચાલુ થઈ ગયું તારું પુરાણ!”

“અરે તમને ક્યાં ખબર છે, તમે તો એય પેઢી એ બેઠા, અહીં કોઈ ઘરનું વહાણ ડૂબાડી જશે ને તમને ગંધેય નહીં આવે!”

ચંદાબાએ જોયું કે હવે ઉમંગભાઈના કાન સરવા થયા. એમના પતિ આર્થિક નુકસાની સિવાય બધું જ સહી શકે એવા પુરુષ હતા.

“આ લાવણ્યા વહુ આપણે ધારીએ છીએ એના કરતાં વધારે હોશિયાર લાગે છે. હમણાંની તરંગભાઇના બધા બેંકના અને વીમાના કાગળિયા તપાસતી રહે છે. જો જો તરંગભાઇની વીમાની પોલિસીઓ પર વારસમાં એનું નામ ઉમેરાવવાની વેતરણમાં ન હોય!”

“અરે મૂરખ! લગ્ન થયા એટલે એ આપોઆપ તરંગના ભાગની વારસ ગણાય. એમાં તારું કે મારું કંઈ ન ચાલે. પણ તું તારે છાની રે’ ને. વાપરને પૈસો! મગજ શું કામ ચલાવે છે?” ”હાય હાય, હવે હું તમને એમ કહું કે ‘આ દારૂડિયાઓ લાંબુ ન જીવે’ તો તમે કહેશો કે અશુભ અશુભ બોલે છે! પણ ન કરે નારાયણ ને તરંગને કંઈ થઈ જાય તો અડધી મિલકતની વારસ આ કાલની આવેલી છોકરી થઈ જાય!”જમીને હાથ ધોઈ રહેલા ઉમંગભાઈ ચંદાબાની આ સ્ત્રીબુદ્ધિથી ચિડાયા કે પછી લાવણ્યાને વારસો મળવાની શક્યતાથી ચિડાયા એ ખબર નહીં, પણ ખૂબ ચિડાયા.

“અરે શું વારસો વારસો કરે છે? વારસની આટલી ચિંતા છે તો વારસ આપ ને કુટુંબને!”

ચંદાબાએ પણ સમસમીને રિએક્શન આપ્યું, “બધાં ડોક્ટરો એમ જ કહે છે છે કે બેન તમારામાં કોઈ ખામી નથી, તમારા વરની તપાસ કરાવો. બોલો શહેર આવશો ચેક અપ માટે? ક્યારની એપોઈંટમેંટ લઉં?”

ઉમંગભાઈ હાથ ઉગામે તે પહેલાં, અપરિચિત અવાજ સંભળાયો.

“ઉમંગ સેઠ!”

ઉમંગભાઈએ જોયું કે રોકવા મથતા મંગુને હડસેલી, કામેશ કહાર પરસાળમાં ધસી આવ્યો હતો.

ચંદાબા આવનારને જોતાં જ બોલી ઊઠ્યા, “આ વળી કોણ આવ્યું?”

ચંદાબાને સમજતાં વાર ન લાગી એ આ જ કામેશ છે, “જુઓ કહી દઉં છું તરંગની ઉધારી આપણે નથી ચૂકવવાની, એક ભાઈ ઉડાવતો ફરે અને એક ભાઈ મહેનત કરી ચૂકવ્યા જ કરે!” ઉમંગભાઈને સમજ નહોતી પડતી કે પરિસ્થિતિ પર અકળાવું કે પત્ની પર!

એ બરાડ્યા, “તું અંદર જા ને હવે! કશી સમજ પડતી નથી ને બડબડ કરે છે.” ચંદાબાએ ઉમંગભાઈની આંખો જોઈને ત્યાંથી ખસી જવાનું મુનાસીબ માન્યું. કામેશે ચાર લાખનો હિસાબ ગણાવી ઉઘરાણી કરી.

“અત્યારે જેટલા આપું છું એટલા લઈને ચાલતી પકડ!” કહી ઉમંગભાઈએ અંદરના રૂમમાં જઈ તિજોરી ખોલી. બહાર આવીને બે લાખ કામેશના હાથમાં પટક્યા.

કામેશ બોલ્યો, “આટલા જ?”

ઉમંગભાઈને યાદ આવ્યું કે તિજોરી બંધ કરવાની બાકી છે.

કામેશ પાછળ પાછળ લગભગ અંદર સુધી ગયો.

અને ઉમંગભાઈ ચિલ્લાયા, “બહાર ઊભો રહે!”

“ચિંતા ન કરો, હું મારા હાથે તમારી તિજોરી નહીં ખોલું, તમે જાતે એમાંથી થોકડીઓ કાઢીને જ આપશો.”

કામેશ ઠંડકથી જ બોલ્યો હતો, પણ ગુસ્સે થવાના ઘણા બધાં કારણો ઉમંગભાઈના મગજમાં ધમધમી રહ્યા હતા, “સાલા, સમજે શું તારા મનમાં! તડીપાર કરાવીશ, પાસામાં પકડાવી દઇશ!”

કામેશ ગુસ્સે ન થયો, એણે રકમ વધારી દીધી, “ ધમકી આપી? કામેશ કહારને? હવે ચાર ને બદલે છ લાખ લઈશ.” પછી અમસ્તું લાગે એ રીતે બાંયો ચડાવી બાવડાં દેખાડ્યાં.

અચાનક જ મામલાએ ગરમી પકડી લીધી.

ઉમંગભાઈ હજુ સંતાનહીનતાના ટોણાંની અસરમાં હતા, “આમ બાંયો ન ચડાવ, અમે બંગડી નથી પહેરી. લાયસંસવાળી પિસ્તોલ છે મારી પાસે! નીકળ અહીંથી નહિતર..” બારીમાંથી આવતા પ્રકાશને કારણે ઉમંગભાઈની વણવપરાયેલી રિવોલ્વર તિજોરીના અંધકારમાં પણ ચમકી રહી હતી.

જાણે જરાય ડર્યો ન હોય એમ કામેશ બેફિકરાઈથી ટહેલતો ટહેલતો બહાર જવા લાગ્યો. એને જતો જોઈ રાહતનો શ્વાસ લઈ ઉમંગભાઈએ તિજોરી બંધ કરી. પણ એમ કરતાં પહેલા ઉમંગભાઈએ રિવોલ્વર કાઢી અને ટેબલના ડ્રોઅરમાં મૂકી.

પીઠ પાછળની આ હિલચાલનો અણસાર પામી કામેશ અટક્યો. બહાર નીકળવાને બદલે કામેશ જ્યાં ઊભો હતો ત્યાં જ ખુરશી ખેંચી એના પર બેઠો. કામેશ માટે આ નવું ન હતું, “પિસ્તોલ? ફોડતાં આવડે છે? છે જિગર? વાણિયાના બચ્ચા!”

ઉમંગભાઈના મનમાં કદાચ આ પડકારનો તત્કાળ પ્રતિભાવ અને વાણિયાવૃત્તિ પરસ્પર વિરુદ્ધ દિશામાં ખેંચાતાણી કરી રહ્યા હશે. એ પોતાનું રિએક્શન આપે એ પહેલા ડેલીમાંથી પપ્પાજી અને પાછળ પાછળ તરંગ આવી પહોંચ્યા.

પપ્પાજી ગુસ્સામાં હતા, તરંગ કહી રહ્યો હતા, “પપ્પા, પૂરી વાત સાંભળો તો ખરા!”

પપ્પાજીને હતું કે ઉમંગભાઇ અંદરના રૂમમાં છે. કામેશ પણ ત્યાં છે એવી એમને ખબર ન હતી. ડેલીમાં પ્રવેશતાં જ એમણે મોટા અવાજે બોલવાનું શરૂ કર્યું, “ઉમંગ આને કહી દે. આશિષભાઈ કહેતા હતા કે એમના નવા શોપિંગ સેંટરમાં આ દુકાનનો ભાવ પૂછતો હતો. લે હું કહું ભાવ, બાર લાખ રુપિયા! બોલ ક્યાંથી લાવશે?”

ત્યાં જ એમની નજર કામેશ પર પડી.

“ઓ હો... આગલા કરતૂતોનો રેલો ઘર સુધી આવી ગયો અને આ ભાઈ નવું પરાક્રમ કરવાના મૂડમાં છે! અરે પહેલા આ ઉધારી તો પતાવ! એને ય છોડ, અરે એકવાર સો રુપિયા કમાઈને તો બતાવ!”ઉમંગભાઇએ હેવાલ આપ્યો, “પપ્પા, તમે દોઢ બેમાં પતાવટ કરવા કહો છે પણ આ તો ચારના બદલે હવે છ માંગે છે.”

તરંગે જઈને કામેશના ખભે હાથ મૂક્યો, “કામેશ તું અહીંથી નીકળી જા. મારી ઉધારી છે હું પતાવીશ. આ લોકોને વચ્ચે ન પાડ!”

કામેશે તરંગનો હાથ ખંખેરી નાખ્યો. એને લાડવો મોટો અને હમણાં જ જોઈતો હતો. એને મન તો આ મોટી માછલી ગલમાં આવી હતી. પપ્પાજી તરંગને વચ્ચેથી હડસેલતાં બરાડ્યા, “અરે તું પતાવવાનો હોત તો અમારે આંગણે આવા ગલીચ માણસના પગલા ન પડત.” એક હારેલા માણસની જેમ લાચારી અને તુમાખીના અજબ મિશ્રણ સાથે એમણે કામેશને કહ્યું, “બોલ કેટલા જોઈએ તારે?”“પપ્પા સવા લાખથી વધારે ઉધારી નથી મારી. એય કામેશ, અહીંથી જા અત્યારે, સાંજે મુન્નીબાઈની લારી પર મળજે!” તરંગ બોલ્યા. પપ્પાજી ગુસ્સામાં હતાં, “ના, આ મેટર આજે અહીં જ પતશે, ઉમંગ.. સવાને બદલે અઢી એના મોંમા ઠૂંસ, પણ આ માણસને અહીંથી કાઢો.”

કામેશનું ગણિત જુદું હતું, “સવા લાખ ઉધારીની રકમ. સવા લાખ વ્યાજના. આ તમારા કપૂત પાસે ઉઘરાણી કરાવવા જે ખરચ થયો તે ઉમેરતાં ચાર લાખ અને આ તમારા સપૂતે મને તડીપારની ધમકી આપી એના બીજા બે લાખ!”

ઉમંગભાઈએ કામેશનું બાવડું પકડીને કહ્યું, “આ બે લાખ લે અને બહાર નીકળ! સાલા..”કામેશ નફ્ફટની જેમ હસીને કહેવા લાગ્યો, “મોટા ખાનદાનને શોભે નહીં ગુસ્સો. મોટા ખાનદાને તો ચૂકવવા જ પડે પૈસા, ઉધારીના અને ઈજ્જત બચાવવાના!” પૈસા ભરેલી ચામડાની બેગ પર કામેશે હાથ મૂક્યો.

બેગમાં મોટી રકમ હશે કદાચ એટલે પપ્પાજી બોલ્યા, “છોડ એ બેગ, લે આ બે લાખનો ચેક લખીને આપું છું. પહેલી ને છેલ્લીવાર...”કામેશે સો રુપિયાની નોટ લેતો હોય એમ ચેક લીધો અને કહ્યું, “તોય બે લાખ તો બાકી રહ્યા, વાંધો નહીં પાછો આવીશ, અને ઉમંગ શેઠ! એક સલાહ આપું? તમે આમ નાનાભાઈને ખિસ્સાખરચીના પૈસા ન આપો એ ઠીક ન કહેવાય! પછી તો અમારા જેવાએ તો મદદ કરવી જ પડે ને! પછી થાય આવી બબાલ! સમજ્યા તમે? વાંક મારો નથી.”

જતાં જતાં કામેશને યાદ આવ્યું કે ભલે ચાર લાખ લઈને નીકળી રહ્યો હતો, પણ આ ખેંચતાણ દરમ્યાન ઉમંગભાઇએ ધમકી આપી અને એનું બાવડું પકડ્યું અને ગામનો મામૂલી માણસ મંગુ એ જોઈ ગયો. આ ઈજ્જત ગઈ એનો હિસાબ તો સરભર કરવો પડે. એટલે એ પાછો ફરી ઉમંગભાઇ તરફ આવ્યો. ઉમંગભાઈ ટેબલના ડ્રોઅરને અઢેલી ઊભા હતા. ઘડીભર લાગ્યું કે કામેશ હાથ ઉપાડશે. ઉમંગભાઈના શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યા હતા. પણ કામેશે ઉમંગને હડસેલી ટેબલના ડ્રોઅરમાં મૂકેલી રિવોલ્વર એમના હાથમાં પકડાવી અને બોલ્યો, “આ રમકડું વાપરતાં ન આવડતું હોય તો વેચવું છે તમારે? બાકી રહેલા બે લાખની માંડવાળી કરી દઈશ!”

ઉમંગભાઈએ ખબર નહીં કેમ ગુસ્સામાં આવી રિવોલ્વરનો ઘોડો દબાવી દીધો. કામેશ ઢળી પડતાં પહેલાં આગળ વધી ઉમંગભાઈ તરફ હાથ લંબાવ્યો એટલે ઉમંગભાઈએ ભીંતસરસા થઈને બીજી ગોળી ધરબી. કામેશ ઢળી પડ્યો.

ચંદાબા અંદરથી દોડી આવ્યા. ઉમંગભાઈના હાથમાં રિવોલ્વર જોઈ.

કામેશની છાતીમાંથી વહીને ફરસ પર રેલાઈ રહેલા લોહી સિવાય બધું જાણે ફ્રીઝ થઈ ગયું હતું. બે પળ પછી ચન્દાબાએ તરંગ સામે જોઈ બોલવાનું શરૂ કર્યું, “થઈ ગયો સંતોષ? રાહત થઈ ગઈ? વળી ગઈ ટાઢક? ભાઈના હાથ લોહીથી રંગીને! અરે આવા કપૂતને તો એની માના પેટની અંદર જ રહેંસી નાખ્યો હોત ને તો સારું થાત! બસ જનમ્યો છે ત્યારથી આ ઘર પર બોજ બોજ અને બોજ બનીને રહ્યો છે! હવે થઈ હળવાશ! તારા મોટાભાઈને ફાંસીને માંચડે ચડાવીને સફળ થઈ ગયો ને તારો અવતાર!”

હવે ચંદાબાની નજર હતપ્રભ થયેલા ઉમંગભાઈ તરફ ગઈ, “અરે આ શું કર્યું તમે? એના કરતૂતમાં તમારા હાથ કાં નાખી બેઠા! ક્યાં ગઈ તમારી સમજદારી? તમારી બુદ્ધિના તો ગામ વખાણ કરે છે, આજે એક કપાતર ભાઈ માટેનો પ્રેમ તમારી બધી હોશિયારીને ગળી ગયો!”

પપ્પાજીની આંખમાં આસુંનો રેલો હતો, ચંદાબા એમની સામે જોઈને કહ્યું, “પપ્પાજી! ચિંતા ન કરશો. મોટો ભલે ફાંસીએ ચડતો! જે સાપને તમે દૂધ પાઈપાઈને ઉછેર્યો છે ને હવે એ આ ઘરનો તારણહાર બનશે. તમારી પેઢી ચલાવશે. બન્ને વહુઓને ઘરેણાંથી લાદેલી રાખશે, દેશવિદેશના બંદર પર દીવાન ખાનદાનના વાવટાં આ ફરકાવશે આ સપૂત!”પપ્પાજી ફોન ઉપાડી નંબર લગાડ્યો, “ઈંસપેક્ટર સાહેબ! મારા ઘરમાં હત્યા થઈ ગઈ છે. હિસ્ટ્રીશીટર કામેશ કહારની. લાશ મારા ડ્રોઈંગરૂમમાં પડી છે. મારા દીકરાએ ખૂન કર્યું છે, ઈંસપેક્ટર સાહેબ!”

પપ્પાજી એક પળ અટકી બન્ને દીકરા સામે વારફરતી જોયું.

અને પછી અચાનક બોલ્યા, “મારા નાના દીકરા તરંગે રિવોલ્વરથી બે ગોળી છોડીને કામેશને પતાવી દીધો છે. ઈંસપેક્ટર! તરંગના હાથે ખૂન થઈ ગયું.”

બધાંએ એકબીજા સામે જોયું. એક સેક્ન્ડ જાણે બધું થીજી ગયું. અને બીજી સેકન્ડે બધાંને આપોઆપ પરિસ્થિતિ સમજાઈ ગઈ હોય એમ તરંગ ચાર પગલા આગળ વધ્યો. ઉમંગભાઈએ પણ બે પગલા આગળ વધી તરંગ તરફ રિવોલ્વરવાળો હાથ લંબાવ્યો. તરંગે રૂમાલથી રિવોલ્વર સાફ કરી પોતાના હાથમાં લીધી.

સાવ અચાનક જ બગડેલા દીકરાને પરિવારને રાજી કરવાની, રાજી રાખવાની એક તક મળી ગઈ.

પોતાને ગામ લાવણ્યા ઓફિસ ખરીદવા માટે બંગડીઓ ઉતારી સોનીને આપી રહી હતી. બરાબર એ જ સમયે પોલિસ તંરગના હાથને બેડીના શણગારથી સજાવી રહી હતી.

પ્રકરણ આઠ

“લાવણ્યા ક્યાં છે અત્યારે?” પચીસ વરસ પહેલા બનેલી ઘટના જાણે ગઈકાલે જ બની હોય એ રીતે મારાથી કોફી લઈને આવેલા અનુરવને સવાલ પૂછાઈ ગયો.

મારા મનમાં ઘડીભર તો એમ થયું કે આજે લાવણ્યા બસમાં બેસી સાસરે આવશે અને એને જાણ થશે કે તરંગ જેલમાં છે. એને માટે આભ તૂટે પડશે. એને સધિયારો આપવા મારે જવું જોઈએ. અલબત્ત અનુરવ સાથે આવે તો જવાય. પણ પછી ખ્યાલ આવ્યો કે આ તો બહુ જૂની વાત છે. કંઈ સુરમ્યા અને અનુરવના સમયની વાત નથી.

વહી ગયેલા સમયની દર્દને સમેટીને ફરફરતાં ચાર પાના મારા હાથમાં હતા. લાવણ્યાની પીડાની અસરમાંથી બહાર આવીને હું મારી સેંસમાં આવી. તોય ફરી મેં અનુરવને એ જ સવાલ પૂછ્યો, “લાવણ્યા ક્યાં છે અત્યારે?”

લાવણ્યા જીવે છે? તરંગ જીવે છે? આગળ શું થયું? આવા બધા ઢગલાબંધ સવાલો હું પૂછું એ પહેલા જ

અનુરવે કોફીનો કપ મૂક્યો અને કહ્યું, “જાતે જ વાંચી લેજે!”

“ખાલી એક વાત કહી દે. તરંગે લાવણ્યાને કહી દીધું, કે મોટાભાઈથી થઈ ગયેલી હત્યાનો આરોપ નાનાભાઈએ માથે ઓઢી લીધો છે?”

અનુરવ હસ્યો.

કોઈ માણસ શા માટે હસે છે એની તમને ખબર ન પડે તો તમારે એની સાથે લગ્ન ન કરવા જોઈએ. જો કે એના હાસ્ય પરથી મને ખબર પડી ગઈ કે અનુરવ કહેવા માંગતો હતો કે લાવણ્યાને આ વાતની જાણ થઈ કે ન થઈ, એના પર જ આગળની વાતનો બધો આધાર છે.

હું રાત્રે રોજ પપ્પા સાથે સિરિયલ જોઉં છું. ખૂબ કામ કર્યા પછી રાતે પપ્પાનો વાત કરવાનો મૂડ હોતો નથી. વાત કરીએ તો વિચારીને જવાબ આપવો પડે એટલું મગજ ચલાવવાની ઈચ્છા એમની હોતી નથી. એટલે પપ્પા સિરિયલ જુએ છે. મમ્મી એફ. બી પર બેસે છે. મને સિરિયલો ઈનટોલરેબલ લાગે છે. પણ મારે રાતે પપ્પાની કંપની જોઈએ, એટલે હું પણ સિરિયલ જોઉં, અથવા એવો દેખાવ કરી પપ્પાની નજીક રહું. એમને અડક્યા કરું. એમની કાબરચીતરી મૂછોને જોઉં. એમના કાન પર ઊગેલા લાંબા વાળને કાતરથી કાપી નાખવાનું મન થાય. પણ હવે મોટી થઈ ત્યારથી એવું કરતી નથી. હજુય એમને જરાતરા હેરાન કરી એમનું ધ્યાન મારી તરફ ખેંચું. સિરિયલમાં બ્રેક પડે ત્યારે પપ્પા મારી સાથે મસ્તી કરે. જો કે ત્યારે કોઈ સરસ જાહેરાત આવતી હોય તો મારું ધ્યાન ટી.વી પર ચાલી જાય. તમને એવું લાગે કે આ બન્નેનો સમય વેડફાય છે. પણ આ અમારો બાપદીકરીનો ફેમિલી ટાઈમ છે.

આજે મારી પાસે ડાયરી હતી. ચાર કોરા પાનાની આગળનું લખાણ મને પોકારી રહ્યું હતું, એટલે હું જમીને સીધી બેડરૂમમાં ગઈ. સિરિયલ જોવા ન ગઈ. સિરિયલનું મહાબોરીંગ ટાઈટલ મ્યુઝિક સંભળાયું અને મેં દરવાજો બંધ કર્યો. મને થયું કે પપ્પા આજે શાંતિથી સિરિયલ જોશે. પણ હજુ તો બ્રેક પડે એ પહેલા જ પપ્પા ઉપર આવ્યા.

“કેમ સુરમ્યા, તબિયત સારી નથી?”

હું જવાબ આપતાં ઊભી થઈ ગઈ, “ના, એકદમ ઘોડા જેવી છે..”

“એવું તો છોકરાઓ કહે, છોકરીઓએ તબિયત સારી હોય તો ‘ઘોડી જેવી છે’ એમ ન કહેવું જોઈએ?” પપ્પાએ મને સારા મૂડમાં જોઈ મજાક કરી.

સારા મૂડમાં હતી એટલે મેં માત્ર તકિયો ફેંક્યો. બાકી બાજુમાં ફ્લાવરવાઝ પણ હતું. ફ્લાવરવાઝ એટલે વાંસની ટોપલી. એ હું ફેંકી શકું. કાચનું ફ્લાવરવાઝ તો મમ્મી ફેંકે. પપ્પા સામે. જો કે હવે નથી ફેંકતી. હવે એમની વચ્ચે એટલોય સંબંધ નથી. પણ પપ્પા માનતા કે સારા વકીલો ડાયવોર્સ અપાવે, લે નહીં.

તકિયો ઝીલીને પપ્પાએ કહ્યું, “ઈઝ એવરીથીંગ ઓલરાઈટ?”

મેં કહ્યું, “એબસ્યોલ્યુટલી!”

“આ 14 ફેબ્રુઆરી તો નીકળી ગઈ, લાગે છે, હજુ એક વરસ મારે માથે રહેવાની છે?”

મેં કહ્યું, “ના આખી જિંદગી! ઘરજમાઈ લાવવાની છું.”

મેં કલ્પના કરી હતી કે મારે લગ્ન પછી દીકરી જન્મે તો હું ઘરજમાઈ લાવીશ, પણ મારા ઘરે કોઈને લાવવાની કલ્પના ન કરાય. મમ્મીપપ્પા નામના બે ડબ્બાની વચ્ચે અથડામણ ન થાય એ માટે આખી જિંદગી બફર થઈને કોણ જીવે? અને હું સાસરે જઈશ પછી તો આ બે ડબ્બાની ગાડી સાવ ખડી પડવાની છે!

મને ઉદાસીમાં સરતી જોઈને પપ્પાએ બીજો વિચિત્ર લાગે એવો સવાલ કર્યો, “કોણ પ્રપોઝ કરવાની પહેલ કરશે? અનુરવ કે તું?”

આમ કંઈ આવી વાતથી હું શરમાઈ ન જાઉં, તો ય, મેં ડાહ્યો ડાહ્યો જવાબ આપવાનો પ્રયાસ કર્યો, “આ બાબતમાં ઉતાવળ ન કરાય. પપ્પા હમણા એક રિયલ સ્ટોરી વાંચી રહી છું, એમાં એક છોકરી છોકરા વિશે કંઈ પણ જાણ્યા સમજ્યા વગર એને પરણી જાય છે, પછી છોકરો જરા પ્રોબ્લેમેટિક નીકળે છે!”

પપ્પા બોલ્યા, “એવી ચિંતા તો અનુરવે કરવાની છે!” મેં ફ્લાવરવાઝ હાથમાં લીધું. એટલે પપ્પા સોરી સોરી કરવા લાગ્યા. સામાન્ય સંજોગોમાં હું આ વાંસની ટોપલી એમના પર (નિશાન ચૂકીને આજુબાજુમાં પડે એ રીતે) ફેંકીને જ જંપી હોત, પણ હવે ખબર નહીં કેમ મને પપ્પાની અંદર અનુરવ દેખાય છે, અને હું નથી ઈચ્છતી કે એ ‘સોરી સોરી’ કહે! પછી હું જ મારી મમ્મી જેવી ન લાગું? એટલે મેં વાંસની ટોપલી મૂકી દીધી.

“હું પ્રોબ્લેમેટિક છું, એ અનુરવને ખબર છે, અને એને પ્રોબ્લેમ સોલ્વ કરવાનો શોખ હશે તો એ આ પ્રોબ્લેમને હાથ પર લેશે.”

પપ્પા એમના આ યુનિક અને વનપીસ પ્રોબ્લેમને માથે હાથ ફેરવી ગુડનાઈટ કહી નીકળી ગયા. એ કેવું કે પત્ની પ્રોબ્લેમેટિક હોય તો પુરુષ બગડી જાય પણ દીકરી પ્રોબ્લેમેટિક હોય તો પુરુષ સુધરી જાય. પણ પુરુષ કે પુત્ર કોઈપણ પ્રોબ્લેમેટિક હોય તો સ્ત્રીએ તો દેવી બનીને જ રહેવું પડે. લાવણ્યાની ડાયરી ખોલી આગળ વાંચતા પહેલા મને છેલ્લો વિચાર આ આવ્યો.

*

મેડીથી ઉતરીને ગામ ગઈ ત્યારે તમે ઘરમાં હતા.

પાછા આવીને જોયું તો તમે ઘરમાં નહોતા.

એક જ દિવસમાં એવું તે શું બની ગયું?

હવે? ખોટકાયેલું વાહન તમે પરિશ્રમથી ચાલુ કર્યું હોય અને એ સડસડાટ ચાલી પણ રહ્યું હોય, તમે સફરનો આનંદ લેવા માંડો અને અચાનક સામેથી આખો રસ્તો જ ઓગળી જાય તો?

પપ્પાજીના તો બોલવાના હોશકોશ ન હતા. ઉમંગભાઈ ગુમસુમ હતા. ચંદાબાએ બધી વિગતવાર વાત કરી કે કઈ રીતે તમારા હાથે...

હું બોલી, “મારા માનવામાં નથી આવતું કે..”

મારે કહેવું હતું કે સુંદર જીવનનું આટલું સરસ સપનું જોયા પછી તમે રિવોલ્વર કઈ રીતે ચલાવી શક્યા એ મારા માનવામાં નથી આવતું. પણ સપનું તૂટી ગયા પછીય ચંદાબા સાથે મારે એ શૅર નહોતું કરવું, તેથી બાકીના શબ્દો હું ગળી ગઈ.

મેં કહ્યું, “કદાચ કામેશ કહાર પપ્પા કે ઉમંગભાઈ વિશે અજુગતું બોલ્યો હશે.”

“ના રે! એ તો બસ ઉઘરાણી માટે આવ્યો હતો. ગરમાગરમી થઈ અને તું તો આટલા વખતમાં જાણી જ ગઈ છે કે કેવું છે તરંગનું મગજ!”

તમારા મગજ અને હૃદય બન્નેને હું જેટલું જાણું છું, એના આધારે મને એમણે વર્ણવેલી ઘટનાથી પૂરો સંતોષ ન થયો.

પૂરી સુધબુધ નહોતી એટલે મારાથી બોલાઈ ગયું, “તમે ગમે તે કહો તોય, મારે એમને મળીને એકવાર પૂછવું છે કે.. આ બધું કેવી રીતે બની ગયું!”

ચંદાબા બોલ્યા, “વકીલ છે તું? ગાંડી! આ સિચ્યુએશનમાં સ્ત્રીઓથી કોર્ટ કે જેલ ન જવાય. પુરુષો બધુ પતાવશે.”

ત્યાં જેલમાં તમારી શું દશા હશે, એ જોવાય મારાથી ન અવાય?

આ એક દિવસમાં જે કંઈ બની ગયું, જેને માટે ડાયરીમાં કંઈ લખવું મારે માટે શક્ય નહોતું. એટલે ચાર પાના કોરા છોડવાનું મેં નક્કી કર્યું. પણ આ કોરા પાનાં કંઈ શૂન્યાવકાશ નથી. કોરી જગ્યાની પોતાનો મરતબો છે. એ ભલે ખાલી રહે. એ ભરાશે ત્યારે ભરાશે.

મૂઢ દશામાં ક્ષણો, કલાકો પસાર થયા, દાદાને ખબર પડી એટલે દાદા આવ્યા. દાદાએ કોઈ આજુબાજુ નહોતું ત્યારે કહ્યું, “બેટા લાવણ્યા, કુદરતે તને બીજી તક આપી છે.. ”

હું સમજી નહીં.

“હવે આ ઘરમાં તારા અંજળપાણી નથી.”

“મારે અહીં જ રહેવું છે.” હું બીજું શું કહુ?

“વારુ, તરંગને સજા જાહેર થઈ જાય ત્યાં સુધી રાહ જો. ત્યાં સુધી અહીં સાસરે રહે, પછી..”

દાદા ગયા. આજથી ફરી ડાયરી લખવી શરૂ કરી પણ દાદાએ મને સાથ આપવા માટે ગામની એક દૂરના સગાની દીકરી કમલાને મોકલી છે. એ મને ડાયરી લખવા માટેય એકલી પડવા દેતી નથી. દાદાએ પોતાના પુત્ર અને વહુને આપઘાતથી ગુમાવ્યા હતા. પૌત્રીની નિયતિમાં એ વારસો તો નહીં હોય ને, એ ચિંતા એમને કોરી ખાતી હશે. નહીં તો શું કામ કમલાને મોકલે?

પપ્પાજી અને ઉમંગભાઈ દોડતા થઈ ગયા હતા.

સામાન્ય રીતે તમારાથી નાનકડી પણ ભૂલ થઈ જાય તોય પપ્પાજી અને ઉમંગભાઈ ખૂબ જ અકળાઈ જતા. તમારા કારનામાને હેંડલ કરવામાં એમણે બહુ હીણપત લાગતી. પૈસો અને સમય બગડે એના કરતાં સમાજમાં ઈજ્જત જાય એને કારણે તેઓ તમારી સાથે અપમાનજનક વર્તન કરી પોતાનો ઉભરો કાઢતા. પણ આ વખતે તમને ગાળો આપવાને બદલે સાવ ચૂપ રહીને તમારો કેસ લડવાની તૈયારી કરી રહ્યા હતા. ગુનો બિનજામીનપાત્ર હતો, એટલે કેસ ચાલે ત્યાં સુધી તમારે અંદર જ રહેવાનું હતું. અને કેસ ચાલે પછીય,.. છૂટવાની કોઈ આશા નહોતી. કદાચ તમારાથી આ રીતે કાયમ માટે દૂર થઈ જવાની એમને કલ્પના નહોતી. કદાચ એટલે બન્ને ઢીલા થઈ ગયા હતા.

પપ્પાજીએ એમની તમામ ઓળખાણો કામે લગાડી. મને એ પણ ખબર પડી કે તમને ઓછી સજા થાય એ માટે પૈસાની થેલી ખુલી મૂકી દીધી. અને ઉમંગભાઈએ તો રોકટોક ન જ કરી પણ ચંદાબાએ પણ એ બાબતે બળાપો ન કર્યો. તમારી માન્યતા હતી કે તમારી ફેમિલી માટે પૈસો સર્વસ્વ છે. અને મારે માટે તમારી માન્યતા સર્વસ્વ છે, તોય, મને લાગ્યું, કે કદાચ તમારી માન્યતાથી વિરુદ્ધ વર્તીને આ વખતે તમારી ફેમિલીએ પૈસાની સામે વ્યક્તિને મહત્વ આપ્યું.

જે હોય તે, મારે તમને મળવું હતું. કોઈપણ ભોગે મળવું હતું. હું સ્વીકારવા તૈયાર નહોતી કે આપણો સાથ અમુક અઠવાડિયાનો જ હતો. છેલ્લા થોડા દિવસોમાં આપણે સાથે મળીને કરેલા આયોજને મારા મનમાં એટલો બધો ઉત્સાહ ભરી દીધો હતો કે ન પૂછો વાત. એવામાં ખબર નહીં કઈ રીતે અચાનક આ ઘટના બની! દિવસભર તો આસપાસ ઘટના જ પડઘાતી, અને મારી અધૂરી રહી ગયેલી આશા પર અંધકાર છવાઈ જતો, પણ રાતે હજુ મને સપના આવતા. આપણી દુકાનનાં સપનાં. તમારી ઓફિસનાં સપનાં. તમે કામથી થાકીને ઘરે આવો છો એવાં સપનાં. અને હું કંઈ એવી સ્ત્રી નહોતી કે પતિની રાહ જોઈ ઘરે બેસી રહું. એટલે બપોરે ટીફીનને બહાને તમને મળવા આવું છું અને પછી સાથે બેસી રહી તમારા કામમાં સાથ આપું છું એવા સપનાં. તમે જેલમાં ગયા એ પછી ખબર નહીં કેટલા સમય સુધી આવા બેમતલબ સપનાં આવ્યાં. કાશ દિવસની સચ્ચાઈને અવગણીને રાતના એ સપનાઓમાં જ જીવી શકાયું હોત!

પછી તો એવું બનવા લાગ્યું કે કમલા બાજુમાં સૂતી હોય અને હું આવું કોઈ સપનું જોતા જોતાં બોલી ઊઠું, “તરંગ! તરંગ!” હું ઊંઘમાં ડરી ગઈ હોઉં તો કમલા વાંસો થાબડી પાણી પીવડાવે, પણ હું તો બહુ પ્રેમથી બોલતી હોઉં. “તરંગ. તરંગ!” આ જોઈને કમલા જાતે જ ઊઠીને ગભરાઈને પાણી પી લેતી હશે.

મને આવી ભ્રમદશામાંથી બહાર કાઢવા કમલા વાતો કરાવતી. થોડી ચંદાબાની, થોડી ચંપાની અને થોડી લોકોની વાતો સાંભળી એણે આખી ઘટના વિશે તારણ બાંધ્યું હતું. એટલું જ નહીં એ તારણ એ મારા મનમાં ઠસાવવાની રાતદિવસ કોશીશ કરતી.

કમલા કહેતી, “લાવણ્યા, સમજવાની કોશીશ કર કે થોડા દિવસોનો આ સંસાર છેતરામણો હતો. તારા પતિ તરંગનો એવો મિજાજ જ નહોતો કે સ્થિર રહી સંસારનું સુખ માણી શકે. વહેલી મોડી આવી કોઈ આફત આવવાની જ હતી. સારું થયું કે જલદી આવી તો તારા બાર લાખ બચી ગયા. બાકી તરંગે એક જ વરસમાં તારી એ બચતના અને તારા આ સપનાના ફુરચા ઉડાવી નાખ્યા હોત.”

દાદા અને કમલાનો કહેવાનો ભાવાર્થ સ્પષ્ટ હતો, વહેલી તકે મારે આ મેડી છોડી ગામભેગા થવું.

પણ હું એ મેડી હું કેવી રીતે છોડું? એ મેડી જ્યાં મને પહેલીવાર ખબર પડી કે મારા જીવનની ગાંઠ કયા માણસની સાથે જોડાઈ છે, એ મેડી જ્યાં આ અબળા મુગ્ધાએ ખબર નહીં કયા બળથી તમારી અવગણના અને નફરતના પહાડને પસાર કર્યો, એ મેડી જ્યાં તમારા હોઠના ફોલાદી તાળા ઉઘડ્યા, એ મેડી જ્યાં મેં તમારા કહેવાતા ખડકાળ વ્યક્તિત્વની પાર કશુંક લીલુંછમ જોઈ લીધું, એ મેડી જ્યાં આપણે થોડી રાતો સાથે મળીને સૂવાને બદલે જાગતી આંખે ભવિષ્યના સપનાં જોયાં.

હું ભાવનાશાળી હતી. સમાજની કાળી બાજુનો મને અનુભવ નહોતો. તમારી સાથે જીવન જોડાયું, બધાએ અને ખુદ તમે, તમારી કાળી બાજુથી મને ડરાવી, પણ હું તો જીવનની મારી જે સમજ હતી, એ જ ક્ષેત્રમાં તમને ખેંચી લઈ આવી. મહેનતનું ક્ષેત્ર. સારું કરીએ તો સારું થાય એવી શ્રદ્ધાનું ક્ષેત્ર. હું બહુ ચાલાક હોત તો તમે કદી મેડી તરફ પાછા ન વળ્યા હોત. પણ હું ભોળી અને નાદાન હતી, તેથી તમે તમારે માટે નહીં, તો કદાચ મારા ભોળપણની શરમે મેડી તરફ પાછા ફર્યા. છેલ્લા થોડા દિવસોથી આપણે બન્ને મેડીના પગથિયા સાથે સાથે ચડતાં અને ચંદાબા અવિશ્વાસથી જોઈ રહેતા. મારે માટે એ મેડી નહોતી, એ આપણું સાતમું આસમાન હતું. આ ખુશી ક્યાંક સરકી ન જાય એ માટે મારી મેડીનો દરવાજો મારે અંદરથી બંધ જ કરી દેવો હતો, પણ એ પહેલા માત્ર એક દિવસ, હા, માત્ર એક દિવસ, સ્વપ્નને હકીકતમાં પલટાવવા માટેનો સરંજામ એકઠો કરવા મારે ગામ જવું પડે એમ હતું.

પાછા આવીને જોયું તો તમે નહોતા.

તમે જેલમાં હતા. ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.

*

“સુરમ્યા, લાઈટ બંધ કરીને સૂઈ જા તો!” મમ્મીની બૂમ સંભળાઈ. મારા ઘરમાં મને ઉદ્દેશીને બૂમ પાડવામાં આવે તો ઘણીવાર એ બૂમ ઈનડાયરેક્ટલી પપ્પા માટે પણ હોય છે. એટલે મેં અડધી આજ્ઞાનું પાલન કર્યું. રૂમ લાઈટ બંધ કરી પણ રિડીંગ લાઈટ ચાલુ કરી. આગળ વાંચતા પહેલા મેં વિચાર્યું, મેં વાંચેલા ચાર પાનાને કારણે વાચક તરીકે હું કશું એવું જાણું છું, જેની મુખ્ય પાત્ર લાવણ્યાને હજી સુધી ખબર જ નથી! લાવણ્યાની ડાયરી આગળ વાંચતાં વાંચતાં મારા મનમાં સહદેવની જેમ અતિજ્ઞાનનું અભિમાન અને અતિજ્ઞાનનો અભિશાપ વારફરતી ઉધમ મચાવતાં રહ્યા.

પ્રકરણ નવ

ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. તમે પોલિસને આપેલા નિવેદનમાં ગુનો કબૂલી જ લીધો હતો, એટલે ન્યાયાધીશે તો સજા આપવાની ફોર્માલિટી જ કરવાની હતી.

સૌએ મને ખૂબ સમજાવી કે હવે તરંગને મળવાની કે એની રાહ જોવાની કોઈ જરૂર નથી.

તેથી જ એકવાર કોઈપણ ભોગે તમને મળવાનો મેં પાક્કો નિર્ધાર કર્યો.

મેં પપ્પાજી સામે જિદ કરી કે તમારી સાથે મુલાકાત ગોઠવો. તમને સજા જાહેર થાય એ પહેલા. પપ્પાજીએ બહુ કહ્યું કે તરંગ તને મળવા માંગતો નથી. પછી ઉમેર્યું કે કદાચ તારો સામનો કરવાની હિંમત નથી. પણ મારી જિદ સામે એ ઝૂક્યા.

મારે તમારો કોઈ ખુલાસો જોઈતો નહોતો. મારે તો માત્ર તમારી આંખો સાથે આંખો મેળવવી હતી. તમારી આંખો વાંચવી હતી.

પણ મુલાકાત દરમ્યાન તમે મારી આંખો સિવાય બધે જ જોઈ રહ્યા હતા.

તમને મળવા જેલના પ્રાંગણમાં આવી ત્યારે મારા મનના આંગણમાં “શું થયું અને કેવી રીતે થયું” એ બે સવાલો ઉત્તર મેળવવા ઝઝૂમી રહ્યા હતા.

થોડા દિવસથી ન ધોવાયેલા કપડામાં થોડી વધેલી દાઢી સાથે તમને જોયા ત્યારે મને ખ્યાલ આવ્યો કે અમે સૌ અત્યાર સુધી અમારા પર શું વીતે છે એના પર જ ધ્યાન આપી રહ્યાં હતાં, જેલમાં તમારા પર શું વીતી રહી છે એ વિચારવાની અમને કોઈને ફુરસદ જ નહોતી.

તમારા શરીરની ભાષા જોઈ મેં મારા સવાલોનું ગળું ઘોંટી દીધું. તમે ચૂપ હતા. તમને ચૂપ જોઈ હું પણ બે ઘડી ચૂપ થઈ ગઈ.

અમુક ઘડી વીતી અને તમારા ગળેથી માંડ અવાજ નીકળ્યો, “સોરી.”

ગળગળા થયા વગર, મુશ્કેલીથી ભાવના છુપાવીને બહુ સપાટ અવાજમાં તમે ‘સોરી’ બોલ્યા.

મેં પણ ઈમોશનલ ન થવાનું નક્કી કયું, “પપ્પાજીને કહો કે મને વકીલો સાથે મળવા દે, વાત કરવા દે. તમને ઓછામાં ઓછી સજા થાય એ હું જોઈશ.”

“ફાંસી અથવા જનમટીપ”, તમે બોલ્યા.

“આવેશમાં આવીને ઝપાઝપી કરવામાં કોઈ મરી જાય એમાં ફાંસી ન થાય!” મેં મારી સમજ વ્યક્ત કરી.

તમે કંઈ બોલ્યા નહીં. પણ મારી આ દલીલ હું અગાઉ કમલા સામે રજૂ કરી ચૂકી હતી ત્યારે એણે લોકચર્ચા મારા સુધી પહોંચાડી હતી. કામેશ પાસેથી કોઈ શસ્ત્ર મળ્યું ન હતું. એટલે તમારે એનો સામનો શસ્ત્રથી કરવાની જરૂર નહોતી. વળી અગાઉ કામેશે હુમલો કરાવેલો ત્યારે તમે જ ફરિયાદ નહોતી કરાવી, એટલે રેકર્ડ પ્રમાણે તો કામેશે તમને ઉશ્કેર્યા હતા, એવું ન કહી શકાય. વળી, કામેશ તમારા અગાઉના નાના છમકલાંઓનો સાથી હોવાથી તમારો મિત્ર જ હતો. જે રિવોલ્વરથી તમે કામેશ પર ગોળી ચલાવી, એ રિવોલ્વર તો ઉમંગભાઈ પોતાના રૂમની તિજોરીમાં રાખતાં. પોલિસની ધારણા હતી કે એ તિજોરીની ચાવી તમે પહેલાથી ચોરીછુપીથી મેળવીને રિવોલ્વર કાઢી રાખી હશે. એટલે આ ઉઘરાણી માંગનાર મિત્રને દગાથી ઘરે બોલાવીને કરેલી પૂર્વનિયોજિત હત્યા છે.

આવી બધી સરકારી વકીલની દલીલો પેપરમાં પણ આવતી.

તમારા હાથે હત્યા થાય એ કદાચ હું મુશ્કેલીથી માની શકું પણ તમારા જીવનમાં કશું પૂર્વનિયોજિત હોય એવું હું માની ન શકું.

પપ્પાજી કહેતા હતા કે દસ વરસથી આ જ પબ્લિક પ્રોસિક્યૂટર અશોક આચાર્ય ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં છે, દસ વરસમાં સાત વાર અલગઅલગ ગુના માટે તરંગ એના ટપોરી મિત્રો સાથે આ જ કોર્ટના પાંજરામાં ઊભો રહી ચૂક્યો છે, દરેક વખતે ગુના નાના હોવાથી અને વગ મોટી હોવાથી છૂટી ગયો. આ વખતે સરકારી વકીલ અશોક આચાર્ય આ કેસમાં કડકમાં કડક સજા કરાવી જૂનો હિસાબ ચૂકતે પણ કરવા માંગતા હતા, અને એમને માટે મોટા પ્રમોશનનો રસ્તો ખૂલે એ માટે પણ ન્યાયની વેદી પર તરંગનો બલિ ચડાવવો જરૂરી હતો.

પપ્પાજીએ ના પાડી છતાં હું ઈંસપેક્ટરને મળીને આવી હતી. મારી માહિતી મેં તમને આપી, “પબ્લિક પ્રોસીક્યુશનના કાગળિયા મુજબ કામેશ ઈમાનદાર ઉઘરાણી કરનાર હતો અને અને તમે, પૈસા ચૂકવવા ન પડે એ માટે એનું ઠંડે કલેજે કાસળ કાઢનાર કાતિલ છો.”

“મને ખબર છે.”

“તમને મંજૂર છે આ આરોપ?”

“આ કોઈ એક ગુનાની સજા નથી. છેલ્લા વીસ વરસથી જે ભૂલો કરતો આવ્યો છું એની કુદરતે કરેલી સામટી સજા છે. જે થઈ રહ્યું છે તે બરાબર છે.”

હવે મને ડૂમો ભરાયો અને હું રડી પડી, “પણ આપણાં સહિયારા સ્વપ્નનું શું?”

જે હાથની આંગળીમાં આંગળીઓ પરોવી આ સપનું જોયું, એ આંગળીઓથી રિવોલ્વર કેવી રીતે ફૂટી, એમ મારે હોઠ પર લાવવું નહોતું તેથી હું તરત ચૂપ થઈ ગઈ પણ અંદર અંદર હીબકાં, ડૂસકાં અટકવાનું નામ નહોતા લેતા. મારે બીજે ક્યાંય રડવું નહોતું, તેથી કદાચ અહીં રડાઈ ગયું.

‘જે થઈ રહ્યું છે તે બરાબર છે’ એમ તમે કહી જ કઈ રીતે શકો?

તમને તમારા પોતાના સુંદર ભવિષ્યના સપનાં વિશે તો આમેય ઓછી જ શ્રદ્ધા હતી. પણ એ આપણું સહિયારું સપનું હતું, એટલે કદાચ બુદ્ધિ કરતાં વિશેષ લાગણીથી અને અપેક્ષા કરતાં વિશેષ કુતૂહલથી તમે મને સાથ અપાતાં હતા?

તમે કંઈ ન બોલ્યા એટલે મેં પૂછ્યું, “તમે મારી સાથે ખોટેખોટું તણાતાં હતા?”

“એ તારી સારપ હતી, જેમાં હું થોડા દિવસ તણાયો, પણ મારી હકીકત આ જ છે.”

“મારી સામે જોઈને બોલો.”

“હું તને મોઢું બતાવવાને લાયક નથી.”

“તમારે હાથે જે સંજોગોમાં આ હત્યા થઈ હોય, એ અનુસાર તમને જે સજા મળે એ મને મંજૂર છે, હું એટલા વરસ રાહ જોઈશ. પણ મને બધી વાત કરો.”

જેલની દીવાલોમાં જે રોજ રોજ તમે હજારોવાર વિચાર્યા હશે એવા બે ત્રણ વાક્ય તમે બોલ્યા.

“મેં તારા મનમાં કોઈ આશા બંધાવા દીધી હોય, તો એ મારી ભૂલ હતી. મારી સાથે રહીનેય તને શું મળવાનું હતું, લાવણ્યા? ..અને હવે મારી રાહ જોઈને તને શું મળશે?”

મેં પૂછ્યું. “એટલે?”

“તું તો જ્યાં રહેશે ત્યાં સુખી રહેશે અને જેની સાથે જીવન જોડશે એને સુખી કરશે.” બસ આટલું વિશ્વાસપૂર્વક બોલીને પછી વધુ ઈમોશનલ થઈ જવાય એ પહેલા તમે ચૂપ થઈ ગયા.

તમે શું કહી રહ્યા હતા? મારે તમારાથી છેડો ફાડી લેવો અને નવું જીવન શરૂ કરવું? એમ?

આગળ જે ત્રૂટક ત્રૂટક શબ્દોમાં વાત થઈ એનાથી ખ્યાલ આવ્યો કે તમારા મનના માંડ ખુલેલા દરવાજા ફરીથી ભીડી દેવાની તમે કોશીશ કરી રહ્યા હતા. મને સમજાયું કે કદાચ તમારાથી આ અપરાધ થઈ ગયો, પછી તમે એમ મનને મનાવી રહ્યા હતા કે જે થયું તે સારું થયું. ‘તમે મને નોંધારી મૂકી દીધી છે’ એવું તમે વિચારવા જ નહોતા માંગતા. તમે મારા મગજમાંય એ ઠસાવવા માંગતા હતા કે એક ભોળીભાળી સીધીસાદી છોકરી માટે જીવનનો રસ્તો આવો કઠિન ન હોય. હવે કોઈ બીજો જ રસ્તો ખૂલશે, જે ફૂલોભર્યો હશે.

આ બધું તમે થોડી ઉપરછલ્લી બેરુખીથી બોલી રહ્યા હતા. તમે ઈચ્છતા હતા કે આ આપણી છેલ્લી મુલાકાત હોય, એ મુલાકાત જરાય ઈમોશનલ ન થાય, એટલું જ નહીં ભવિષ્યમાં એ મુલાકાતની સ્મૃતિ મને જ્યારે જ્યારે આવે ત્યારે તમારો આ ઠંડો, સપાટ અને લાગણીહીન ચહેરો જ મારા મનોપટ પર તરવરે, જેથી તમને હું તમને બહુ સહેલાઈથી ભૂલીને નવું જીવન શરૂ કરી શકું.

સારા-ખરાબની, હિતઅહિતની દુન્યવી સૂઝ મારામાં હોત તો મેં એમ જ કર્યું હોત.

ઘરે આવી ત્યારે સહુ કોઈ તત્પર હતા, એ જાણવા નહીં કે તમે મને શું કહ્યું. પણ એ જાણવા કે મારો પ્રતિભાવ શું છે? કેમ કે, કદાચ કોઈએ આપણી વાત સાંભળીને એમને રિપોર્ટ આપી પણ દીધો હતો. મુલાકાત પહેલા સહુના મોં પર જે તાણ હતી, એ ગાયબ હતી, સૌના ચહેરા હળવા હતા. અને સૌ મારી પાસે કશાક નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા.

બધા ધીરેધીરે નોર્મલ થઈ રહ્યા હતા. ઘરમાંથી એક જણ ઓછું થયું અને એકના મનને ઓછું આવ્યું, તેથી કંઈ દુનિયા અટકે! થોડો સમય માટે લોકલાજે દબાયેલા હાસ્યો ધીરેધીરે ખિલખિલાટ બનીને બહાર આવવા લાગ્યા. સૌથી પહેલા તો ચંદાબાની ચાલમાં સ્ફૂર્તિ આવી. પછી ઉમંગભાઈ પણ એમના અસલ રંગમાં આવવા લાગ્યા. ‘ભાઈ જેલમાં છે’ એવી ક્ષોભ શરમને ત્યજીને એ બન્નેએ સામાજિક પ્રસંગોમાં હાજરી આપવાની શરૂ કરી. હા, પપ્પાજી થોડા ઢીલા થઈ ગયા હતા. જો કે, ઉમરની પણ અસર કહેવાય પણ આ ઘટના પછી જાણે એમનું ઘડપણ વરસે ત્રણ વરસ જેટલી ગતિથી વધવા લાગ્યું.

તમને મળી પછી અઠવાડિયામાં જ કમલાએ મને અણસાર પણ આપ્યો કે છૂટા થવામાં તારા સાસરિયા કોઈ રોડું નાખે એવું નથી લાગતું, એ લોકો ઉદારદિલે તારા ભવિષ્યનો રસ્તો ખોલી આપશે. કમલા પણ હવે અહીં પારકા ગામમાં રહીને કંટાળી હતી. અને ખાસ તો મારી સાથે એક રૂમમાં રહેવાનું. એ સિરિયલોના રિટેલિકાસ્ટ સુદ્ધાં જોનારીનો મેળ મારા જેવી અવ્યવહારુ વિચારક સાથે ક્યાંથી બેસે? હું પણ ઈચ્છતી હતી કે કમલા ગામ જાય તો સારું. પણ કમલાને મને અત્યારે સાથ આપી પછી એક દિવસ મને હંમેશ માટે ગામ લઈને જવાનું કામ સોંપાયું હતું. એટલે દિવસેદિવસે એનું બ્રેઈનવોશિંગ વધી રહ્યું હતું. એ તો મને એમ જ સમજાવી રહી હતી કે તમને ફાંસી થશે. પણ એ ફેંસલો આવતા તો કેટલો સમય નીકળી જશે! ત્યાં સુધી તું રાહ જોશે? થોડા અભ્યાસ અને થોડા સામાન્ય જ્ઞાનને કારણે મને ખબર હતી કે આઝાદ ભારતમાં ફાંસીની સજા બહુ ઓછા લોકોને થઈ હતી. બહુ મોટો અપરાધ હોય એને જ દેહાંતદંડ થાય. છતાંય કોઈ કોઈવાર નારીસહજ ડર તો લાગતો.

તમારા વગરના ઘરમાં મારી હાજરી, મારી અવરજવર પપ્પાજી, ઉમંગભાઈ અને ચંદાબાને પણ જાણે કોઈ પ્રકારના અપરાધભાવ કે બોજનો અનુભવ કરાવતી હશે કદાચ. પરંતુ મારી ચેતનાનો પ્રત્યેક તંતુ, મારા તનનો રોમરોમ આપણા બેના ભાવજગત સાથે જોડાઈ ગયો હતો. આ જોડાણ કોઈ લોજિક વગરનું હતું. તેથી કોઈ લોજિકથી એ તૂટે એમ નહોતું. આ મનને હવે બીજુ કોઈ અને બીજું કંઈ રુચે એમ ન હતું. આસપાસના લોકો જેની પ્રતીક્ષા કરી રહ્યા હતા એ નિર્ણય જુદો હતો અને મારું મન જાહેર કરવા માંગતું હતું એ નિર્ણય જુદો હતો.

પણ હું શું કહું? હું એમ કઈ તાકાતથી કહું કે જે દાયકાઓ સુધી જેલમાં રહેવાનો છે એવા પતિની રાહ જોઈને મારે અહીં જ રહેવું છે? એકલા?

પણ એકલા જીવવા માટેય નવું સપનું જોઈએ. જૂના સપનાના કાટમાળની વચ્ચે હજુ તો ખીલા, પતરાં, તૂટેલા ટેકા વાગી બેસવાનો ભય હતો. આશાનું કોઈ કિરણ નહોતું, તમારા જલદી પાછા આવવાની કોઈ શક્યતા નહોતી. તમે પોતે જ બહાર નીકળવાની ઈચ્છા ત્યજીને બેઠા હતા. આ બધા સંજોગ સામે જીતવું તો દૂરની વાત હતી, જીવવું જ દુષ્કર હતું.

જીવન અટકી ગયું હતું. ટકી જવા માટે તમારી સાથે વીતેલા થોડા દિવસોની રમ્ય સ્મૃતિ સિવાય બીજી કોઈ મૂડી મારી પાસે ન હતી. એને ચગળીને એમાંથી સ્વાદ ન લઉં તો જીવન નીરસ લાગે. જે રસ્તો દાદા અને કમલા, મારા સાસારિયા અને ખુદ તમે.. બતાવી રહ્યા હતા, એ વિકલ્પ મારે માટે હતો જ નહીં.

કોને કહું? કે મારી પાસે બે જ વિકલ્પો હતા. આ ભાવજગતમાં તરંગિત થઈ જીવી જવું અથવા અથવા અનંતલોક પહોંચી ગયેલા મારા મમ્મીપપ્પાની પાસે, એ જ રીતે, એ જ રસ્તે પહોંચી નિશ્ચલ થઈ જવું.

પણ ના! બીજો વિકલ્પ હું નહીં જ લઉં. એટલા માટે નહીં કે હું કંઈ બહાદુર છું. એટલા માટે કે બીજા વિકલ્પનો વિચારમાત્ર મને થરથરાવી મૂકે છે.

મારું મન પોકારી રહ્યું હતું કે સંસારસમુદ્રમાં આવેલ આ તોફાન હજુ સુધી તો લાવણ્યાના વહાણને ડૂબાડી નથી શક્યું. અરે આ તોફાન લાવણ્યાનો રસ્તોય નહીં બદલી શકે. એ એને ફાળે આવેલા આ વિશાળ સમુદ્રના એક તરંગ સાથે એ વહેશે. એ ડૂબશે કે કિનારે પહોંચશે પણ આ જ તરંગ સાથે એ વહેશે.

લગભગ લેવાઈ ચૂકેલો નિર્ણય વ્યક્ત નહીં કરી શકવાની બેચેનીથી હું પડખા ઘસી રહી હતી. આ વાત હું કોની સામે કહું? કોણ સાંભળે? કોણ માને? હું કયા શબ્દોમાં કહું? આજુબાજુમાં અડખેપડખે એવું કોઈ નહોતું જે મારા આ તરંગી નિર્ણયની પડખે રહે.

ત્યાં જ મારા પડખામાં સળવળાટ થયો. માનશો? એ સળવળાટ આપણા આવનારા બાળકનો હતો. બુદ્ધિશાળી માણસોની આ દુનિયા એ એકમાત્ર અબુધ બાળક ચૂપચાપ મારા નિર્ણયને સમર્થન આપવા માટે પગલી પાડી રહ્યું હતું. હવે મને બીજા કોઈ સહારાની જરૂર ન હતી.

પ્રકરણ દસ

લાવણ્યાની આ કથાનું પાનું હું આગળ ફેરવું એ પહેલા તો બાજુના બેડરૂમમાંથી કશુંક ફેંકાવાનો અવાજ આવ્યો. બારણું જોરથી પછડાયું અને મમ્મી પોતાના હાથમાં પોતાની રજાઈ લઈને મારા રૂમમાં આવી..

અમારા ઘરનો વણલખ્યો નિયમ હતો. પપ્પા બારણું પછાડીને બહાર નીકળે તો સોફા પર સૂએ. અને મમ્મી બારણું પછાડીને નીકળે તો મારા રૂમમાં સૂએ.

મેં ડાયરી સાઈડ પર મૂકી. વાંચતી હતી એ કથાના રસમાં ભંગ થયો એટલે મારાથી બોલાઈ ગયું, “મમ્મી તમારા લોકોનું આ ક્યાં સુધી ચાલશે? તમે ઝઘડો છો તો મને ઉંઘ નથી આવતી”

મમ્મીએ ગુસ્સો મારા પર ઠાલવ્યો, “મારા કારણે તો તારી એકાદ જ રાત બગડે છે ને! પણ તારા કારણે મારી આખી જિંદગી બગડી છે, એ યાદ રાખજે!”

પડખું ફરી રજાઈ માથે તાણતાં મમ્મી બોલી, “લગનના એક જ વરસમાં ખ્યાલ આવી ગયો હતો કે સાવ ખોટા માણસ સાથે ભટકાઈ પડી છું, પણ પેટમાં તું હતી ને, એટલે સૌએ કહ્યું, શું વારેઘડીએ પિયર દોડી આવે છે, આ બાળકના ભવિષ્યનો તો વિચાર કર! ત્યારે જ છૂટા જ થઈ જવું હતું મારે! તારા કારણે, સુરમ્યા, તારા કારણે પચ્ચીસ વરસથી તારા બાપ સાથે પથારી શેર કરું છું. મારા જીવના દુશ્મન સાથે..”

થોડીવારમાં એના ડૂસકાં બંધ થયા, હવે નસકોરાં શરૂ થશે.

હું વિચારે ચડી.

ત્યાં લાવણ્યાના પડખામાં એક બાળક ઉછરવાનું હતું. એ પથારી શેર કરવા કોઈ પિતા આવવાનું નહોતું. છતાં લાવણ્યા કાળજીપૂર્વક કડવાશનો ઓછાયો પડવા દીધા વગર એ કૂંપળની માવજત કરવા કટિબદ્ધ હતી.

અને અહીં? પરિવાર એક હતો. પણ સાથે સૂવામાં પીઠ ટકરાતી એટલે પથારીઓ ઘણી હતી. વિરુદ્ધ દિશામાં ફેરવાયેલી બે પીઠની વચ્ચે મારે ભીંસાવું ન પડે એ માટે મેં બહુ જલદી અલગ બેડરૂમમાં સૂવાનું શરૂ કરી દીધું હતું.

બે પથ્થર વચ્ચેની ચકમક પોતે આગિયો બનીને ઊડવા માંડે એમ હું અસ્તિત્વમાં આવી હતી. અને છતાં મારી પાંખો પર પતંગિયા જેવા રંગો મારે જોઈતા હતા.

ડાયરી મારે આજે જ વાંચી નાખવી હતી પણ હવે રીડીંગ લાઈટ લાંબો સમય ચાલુ રાખુ તો ગમે તે સમયે મમ્મી ગરજી ઊઠે એવી સંભાવના હતી. હું લાઈટ બંધ કરી ઊંઘી ગઈ. સોરી, સૂઈ ગઈ. તમે થોડીવાર ચૂપચાપ સૂઈ રહો એટલે ના ના કરતાં ઊંઘ આવી જાય. શરૂશરૂમાં ન આવે, પછી રોજનું થાય એટલે આવી જાય.

સવાર પડી. કુદરતનો નિયમ છે, રાતે ગમે તે થયું હોય સવાર તો પડે જ. મમ્મી તો રસોડામાં કામવાળી સાથે કચકચ કરી રહી હતી એ સંભળાયું એટલે જાગી. જાગી ખરી પણ ઊઠી નહીં. લાંબા હાથે પડદો ખોલ્યો. સૂર્યના કિરણો માથે હાથ ફેરવી ઊઠાડતા હોય એવી કલ્પના રોમેંટિક લાગે. પણ મૂડ સારો નહોતો. રાતની વાતો યાદ આવી. જેટલી સરળતાથી સોશિયલ સ્ટડીઝની અણગમતી શોર્ટનોટ ભૂલી જવાતી, એટલી સરળતાથી અણગમતી વાતો કેમ ભૂલી નથી જવાતી?

રોજની જેમ ફોન તરફ નજર કરી. પણ રોજની જેમ યાદ આવ્યું કે અનુરવ સવારે કદી વોટ્સ અપ ન ખોલે. અને બીજા કોઈ ફ્રેંડ્સ સાથે સવારની પહોરમાં તો મારે વાત ન જ કરવી હોય.

એકદમ યાદ આવ્યું કે બાજુમાં ડાયરી છે. અને ઓફિસ જવાને વાર છે હજી. મમ્મી ખિજાઈને બેચાર બૂમ પાડે પછી જ નહાવા અને નાસ્તા માટે ઉતરવાનું નક્કી કર્યું. ત્યાં સુધી થોડું વાંચી લેવાનો નિર્ધાર કર્યો.

*

ખુશખબર કંફર્મ થઈ. લેડી ડોક્ટરે તપાસીને, રિપોર્ટ જોઈને ફાઈલ હાથમાં લીધી, “લાવણ્યા? સરસ નામ છે! ગૂડ ન્યૂઝ કોને આપુ? એકલી આવી છે?”

મેં કહ્યું, “હા, ચુનીલાલ દીવાનના પરિવારની વહુ છું અને મારા પતિ જેલમાં છે.”

“ઓહ!” લેડી ડોક્ટર ખ્યાલ આવ્યો.નાના ટાઉનમાં બધાને બધી ખબર હોય. બે ઘડી એ ચૂપ થઈ ગયા.

એમના ગળા સુધી આવેલા ગૂડ ન્યૂઝ બહાર ન આવ્યા અને સ્તબ્ધતા બનીને એમના ચહેરે પથરાયા.

પછી એમણે એક શબ્દનો સવાલ કર્યો, “અબોર્શન?”

મેં એક અક્ષરનો જવાબ આપ્યો, “ના”

માન્યામાં ન આવતું હોય એવી નજરે એ બોલ્યા, “કોઈ વડીલને પૂછવું નથી?”

મેં ફરી એ જ એક અક્ષરનો જવાબ આપ્યો

“જો જે, પાછળથી વિચાર ન બદલાય, એટલું યાદ રાખજે, કે ચાર મહિના પછી ગર્ભપાત ન કરાય!”

લેડી ડોક્ટરને મેં મારો નિર્ધાર અડગ છે એમ જણાવ્યું. એમ પણ કહ્યું કે તમે પિતા બનવાના છો. એ સમાચાર મારે પહેલા તમને આપવા હતા, અને પછી બીજાને. તેથી હમણાં આ વાત ખાનગી રાખજો.

મારી વાત સાંભળીને ડોક્ટરે હસતાં હસતાં કહ્યું, “આમ તો તું લોખંડી મહિલા છે, પણ તોય યે પ્રેગ્નેંસીમાં લોહતત્વની ગોળી લેવી પડે” એમ કહી આયર્નની ગોળીઓ લખી આપી.

ઘરે આવી મેં એમ વિચાર્યું કે તમને મળવાનું ગોઠવાય પછી સૌને જાણ કરીશ. આ ઘરને વારસ મળશે એ વિચારથી સૌ કેટલા ખુશ થઈ જશે. આવનાર બાળક કદાચ ચુનીલાલ દીવાનના ખાનદાનની ત્રીજી પેઢીનું એકમાત્ર સંતાન હશે. વર્ષો પછી ઘરમાં કિલકારીઓ સાંભળીને ઉમંગભાઈ અને ચંદાબા તો ખુશીથી.. જો કે, મને તરત ખ્યાલ આવ્યો કે એમને દુખ ન થાય એ રીતે મારે વર્તવું પડશે.

પછી એકદમ વિચાર આવ્યો કે કદાચ, મારા પોતાના દાદા જ આ બાળકને જન્મ આપવાની વિરુદ્ધ હોય તો? કદાચ પપ્પાજી અને ઉમંગભાઈ ના પાડે દે તો? કદાચ તમે પણ.. ખુશખબર સૌથી પહેલા તો તમને જ આપવી છે, પણ તમને પણ ખુશ્ખબર આટલી વહેલી આપવાનો મોહ નથી કરવો.

મેં નક્કી કર્યું, હું નહીં બોલું. મારું પેટ બોલશે ત્યારે બોલશે.. એક્વાર ચાર મહિના થઈ જાય પછી તો કોઈ ડોક્ટર ગર્ભપાત માટે તૈયાર નહીં થાય! એટલે ચાર મહિના આ ખુશીને ગોપિત રાખવાનું દુ:ખ મારે ભોગવવાનું હતું. જો કે, ખુશીને છુપાવવાનું દુ:ખ એટલું ભયંકર નથી હોતું!

મેં કમલાને કહી દીધુ કે કેસના હિયરીંગ ચાલે ત્યાં સુધી હું અહીંથી ડગવાની નથી. કંટાળેલી કમલાએ કહ્યું, હું ગામ જઈ આવું. થોડા દિવસ પછી પાછી આવીશ. સારું થયું કે મહિનાઓ પૂરા થયા પણ કમલાના એ થોડા દિવસ પૂરા ન થયા.

ચાર મહિના અમસ્તા ય પેટ પર પાલવ ઢાંકી ઢાંકી મેં પસાર કર્યા. ચાર મહિના કેસના હિયરીંગ ચાલ્યા. દરેક હિયરીંગ પહેલા મેં અમારા બચાવ પક્ષના વકીલને ત્યાં જવાનું શરૂ કર્યું. એમની કેબિનમાં બે જ જણની જગ્યા હોય. એટલે પપ્પાજી અને ઉમંગ અંદર જાય, હું બહાર બેસું. દર વખતે પપ્પાજીનો એક જ સવાલ હોય, તમને ફાંસી તો નહીં થાય ને! વકીલ હસતાં હસતાં સમજાવતાં. તરંગ ગુસ્સામાં આવીને જજસાહેબ સામે જૂતું ન ફેંકે તો, વધુમાં વધુ જનમટીપ થશે.

મેં બહાર બેઠાબેઠા વકીલની રિસેપ્શનીસ્ટ માયાની સાથે દોસ્તી કરી. માયા સાથેની દોસ્તીના કારણે કેટલું જાણવા મળ્યું! રિમાંડ પર હોય, દોષી જાહેર ન થયો હોય એને અંડર ટ્રાયલ કહેવાય, અને સજાનો ચુકાદો જાહેર થઈ જાય, પછી કેદીને કન્વીક્ટેડ અથવા સેન્ટેન્સ્ડ કેદી કહીવાય. કાયદાની ભાષામાં જજે કરેલ સજાના ચુકાદાને સેંટેંસ કહેવાય. જજને માટે એક સેંટેંસ અને કેદીને માટે આખી જિંદગી!

જનમટીપ એટલે ચૌદ વર્ષ એવું ફિલ્મો જોવાને કારણે બધાની જેમ હું ય સમજતી, પણ પછી ખબર પડી કે જનમટીપ એટલે ચૌદ વરસ નહીં, જીવનભરની કેદ. સરકાર એ સજાને ઘટાડીને મીનીમમ ચૌદ વરસ સુધી કરી શકે, પહેલા કોઈ સારા દિવસે જનમટીપના કેદીઓને ચૌદ વરસ પૂરા થયા હોય તો સાગમટે છોડી મૂકવામાં આવતા હતા. પણ હમણાં હમણાં જ દરેક જનમટીપના કેદી આ કાયદાનો ખોટો લાભ ઉઠાવી નીકળી જતાં હોવાથી હવે સુપ્રિમ કોર્ટ તરફથી સરકારોને ઠપકો મળે છે. હવે આ રાહત મળવી થોડી મુશ્કેલ છે. હવે કેસ ટુ કેસ સ્ક્રુટીની કરીને યોગ્ય જણાય તે જ કેદીને જ છોડવામાં આવે છે. તેથી શબ્દશ: આ સજા મૃત્યુ સુધીની ગણાય.

ડિસ્ટ્રીક્ટ કોર્ટનો ચુકાદો લગભગ આવતા સોમવારે કે પછીના સોમવારે આવવાનો હતો. અંડર ટ્રાયલ અને કંવીક્ટેડ કેદીને મળવાના નિયમો જુદા હોય. જેલ પણ જુદી હોય. તેથી સજા જાહેર થઈ જાય એ પહેલા ફરી એકવાર મારે તમને મળવું હતું. અને ખાસ તો તમને એવા સમાચાર આપવા હતા કે જે સૌથી પહેલા આવનાર અતિથિના પિતાને જ અપાય.

કાચા કામની જેલના પ્રાંગણમાં આવી. કંઈ કેટલાય સ્ત્રીઓ, વૃદ્ધો, બાળકો એમના સ્વજનોને મળવા આવ્યા હતા. વોર્ડનને મેં નામ લખાવ્યું. મારે થોડો સમય રાહ જોવાની હતી. સામે બેઠી. દાદાની ડેલી અને ચુનીલાલ દીવાનની ડેલીની બહારની આ દુનિયા મારે માટે સાવ નવી હતી.

સામે રેક ઉપર મૂકેલા ગુજરાતી પેપરના પાનેપાનાં તો મુલાકાતીઓએ વહેંચી લીધા હતા અને ન્યૂઝપેપર રેકમાં એક અંગ્રેજી અખબાર નધણિયાતું પડ્યું હતું. એવું નથી કે મને અંગ્રેજી બહુ સરસ આવડે છે, પણ થોડુંઘણું તો આવડે એટલે સમય પસાર કરવા ‘ટાઈમ્સ’ હાથમાં લીધું.

વોર્ડનને મને જોઈ કદાચ થયું હશે કે અંગ્રેજી પેપર વાચનાર આ બહેન સાંકડેમાંકડે પંખા વગર બેઠા છે એટલે એણે મને પોતાના ટેબલની બાજુમાં એક અલગ સ્ટૂલ આપીને બેસાડી. એના ટેબલની પાછળ બોર્ડ જોઈને હું મરકી, એના પર લખ્યું હતું, “હિંદી કા પ્રયોગ કરે”. અને મને આ સ્ટૂલ અને પંખો અંગ્રેજીના પ્રયોગને કારણે મળ્યા.

પરિચય કેળવાતાં વોર્ડનને મેં પૂછ્યું, “કેદીઓને મળવા આવનારામાં વૃદ્ધો, સ્ત્રીઓ અને બાળકો કેમ વધારે છે?

વોર્ડન હસ્યો, “કેમ કે એમના પરિવારના યુવાનો તો જેલમાં છે!”

વોર્ડને મને પૂછ્યું, “તમે કોને મળવા આવ્યા છો?”

મેં તમારું નામ આપ્યું.

એ બોલ્યા, “તરંગ દીવાન બહુ શાંત અને ડાહ્યોડમરો કેદી છે પણ...”

“પણ શું?” એમ મેં પૂછ્યું હોત તો “જવા દો એ વાત” એમ કહી એ કામમાં પડી જવાનો દેખાવ કરીને વાત પડતી મૂકી દેત. તેથી હું ચૂપ રહીને માત્ર હસી.

હવે એને જ વાત ચાલુ રાખવાનું મન થયું, “એ તમારા હસબંડ છે?”

મેં હકારમાં ડોકું ધુણાવ્યું.

“અહીં મોટેભાગના ગુનેગારો વ્યસની હોય છે. જેલમાં એમને ખાવા કરતાં પીવાની ચિંતા વધુ હોય છે અને ઊંઘ આવે એ માટે સારી ગોદડી નહીં પણ સિગારેટના એક બે કસ જોઈતા હોય છે.”

પત્રકારોને જે વાત કઢાવતાં દમ નીકળે, એવી વાત એ સહજતાથી મને કહી રહ્યો હતો.

“અમે ગમે એટલી કડકાઈ રાખીએ અમારો ક્લાસ ફોર સ્ટાફ આ બધી વસ્તુઓ પૂરી પાડવામાં પાવરધો થઈ ગયો છે. અને એમને કંઈ કહેવા જઈએ તો એમના યુનિયન લીડર અમને એટ્રોસીટી એક્ટની ધમકી આપે છે”

આ બધી વાતો સાથે મારે કોઈ લેવાદેવા ન જ હોય, તેથી મને બગાસું ન આવી જાય એ માટે હું હાથ ઢાંકીને મોઢાના સ્નાયુ પર કાબૂ મેળવવાની કોશીશ કરી રહી હતી.

ત્યાં જ વોર્ડન બોલ્યો, “કામેશ મર્ડર કેસના આરોપી, તરંગ દીવાન, આવ્યો ત્યારે સૌ કેદીઓએ અમને કહ્યું કે એ તો બેવડો છે. પણ ત્રણ મહિનામાં ન એણે સિગારેટ માંગી, ન શરાબ! અમે સૌ નવાઈ પામતાં..”

મેં સુધાર્યું, “ત્રણ નહીં ચાર મહિના થયા, સાહેબ!”

“હા, મને ખ્યાલ છે, પણ છેલ્લા એક મહિનાથી એણે ફરી દારુ પીવાનું શરૂ કરી દીધું છે, તે ય દેશીની પોટલી! અને સિગરેટ ન મળે તો બીડી!”

હું વધુ કંઈ પૂછું એ પહેલા મારું નામ બોલાયું, મુલાકાતનો સમય થઈ ગયો હતો.

તમારો પહેલો એ સવાલ હતો, “શું કામ મળવા આવી?”

જવાબની રાહ જોયા વગર તમે બોલ્યા. મારા પપ્પા અને તારા દાદા વચ્ચે વાત થઈ ગઈ છે. ફાંસી થાય તો કોઈ સવાલ નથી. બધુ ઉકલી જશે. પણ જનમટીપ થાય તો હું છૂટાછેડાના કાગળ પર સહી કરી આપીશ.”

શરાબ અને બીડી વાત સાંભળીને મને આઘાત લાગ્યો હતો એ સાચું, પણ તમે આ જ રીતે વાત શરૂ કરશો, એની મને ખાતરી હતી. તેથી જવાબ હું તૈયાર કરીને લાવી હતી.

“તમે સહી કરી આપશો, એ ખરું, પણ રાજીખુશીથી થયેલા ડાયવોર્સના કાગળ પર પતિપત્ની બન્નેની સહી જોઈએ ને!”

તમે મને જોતા રહ્યા.

મેં આગળ ચલાવ્યું, “ઓકે, તમને ડાયવોર્સ જોઈતા જ હશે તો હું પણ સહી કરી દઈશ. પણ પહેલા મારી વાત સાંભળી લો!”

હવે મારી વાત સાંભળ્યા સિવાય તમારો છૂટકો ન હતો.

બદલાયેલી પરિસ્થિતિમાં નવેસરથી સેટ થવાની મારી આવડત વિશે મારે કંઈ કહેવું હતું. અને મારી પાસે પચ્ચીસ રોકડી મિનિટ હતી. તમને બરાબર સમજાવવું જરૂરી હતું એટલે મેં વિસ્તારથી વાત કરી.

“ગયા વરસે આ સમયે તો હું કુમારિકા હતી. ગામની ડેલીમાં ઉછળતી કૂદતી હતી. બેચાર વરસ સુધી પરણવાનો કોઈ નક્કર વિચાર ન હતો. પણ અચાનક દાદાજીએ મારા લગ્ન ગોઠવ્યા. મેં એ ફેરફાર સ્વીકારી લીધો. ‘બધુ બરાબર જ હશે’ એમ માની હું પરણવા તૈયાર થઈ ગઈ.

સાસરે આવી જોયું ત્યારે મારા ઉત્સાહી મનને ખ્યાલ આવ્યો કે તમારી તો મરજી નહોતી. તમારી ઈચ્છા વિરુદ્ધ, તમે કદાચ સુધરી જશો એવી પાતળી આશાથી આ લગ્ન કરવામાં આવ્યા હતા. “જોઈએ, કોઈ સુધારો આવે છે કે કેમ!” એવી આશાથી મેં પણ એ પરિસ્થિતિ સ્વીકારી લીધી.

સૌ કહેતા કે મારા પરિવાર કરતાં સો ગણા સમૃદ્ધ પરિવારમાં મારા લગ્ન થયા છે, એક જ મહિનામાં ખ્યાલ આવ્યો કે આત્મશ્રદ્ધા ગુમાવી બેઠેલા પતિને બેઠો કરવાનો છે, તે ય મારા સ્ત્રીધનથી મદદથી. આ ફેરફાર પણ મેં સ્વીકારી લીધો, અને દુકાન શરૂ કરવાની તૈયારી કરી.

સારી મહેનત કરીશું તો સારું ફળ મળશે જ, એવી શ્રદ્ધા સાથે નવું સપનું જોયું, અને ત્યાં જ તમારા હાથે આ થઈ ગયું.

અને તમે એમ ધારી લીધું કે હું આ પરિસ્થિતિ નહીં સ્વીકારું અને છૂટાછેડાના કાગળ પર તમારી સહી લઈ, ભાગી જઈશ. તમે મને ઓળખી નથી તરંગ!”

“તો? મારી રાહ જોશે. પચીસ વરસ? કે પછી ફાંસી થાય તો સફેદ સાડી પહેરવી છે મારા નામની?”

તમારા અવાજ અને ટોન સાંભળી હું ચમકી. થોડા દિવસના મદ્યપાન અને ધુમ્રપાનને કારણે ફરી તમારો સ્વભાવ વંકાઈ ગયો કે શું?

ત્યાં તો તમે જ બોલ્યા, “અને સાંભળી લે, મેં ફરી દારુ અને સિગરેટ ચાલુ કર્યા છે.”

કોઈ સત્યવાદી અને કોઈ મવાલીનો ટોન મિક્સ કરીને તો તમે જ બોલી શકો!

“બીજું?” મેં પૂછ્યું.

તમને થયું હશે કે આ ખરી માથાની મળી છે!

મહામહેનતે છોડેલું વ્યસન ફરી શરૂ થયું છે એ જાણ્યા પછી, કોઈ પત્ની એ વાતનું ચૂંથણું કરવાને બદલે “વોટ નેક્સ્ટ” પૂછે તો પતિ બધી મનોવૈજ્ઞાનિક રમતો પડતી મૂકીને સીધી વાત પર આવી જાય. એવું જ થયું.

“બહુ તકલીફ થઈ છે પપ્પાને અને ઉમંગભાઈને મારે કારણે. હું જ ન હોત તો એમનું જીવન આવું હોત? હું મારો રસ્તો લઈ ખસી જાઉં છું, તું તારો રસ્તો લઈ ખસી જા એટલે..”

“એટલે પપ્પા અને ઉમંગભાઈના જીવનની બધી ઉથલપાથલ શાંત થઈ જાય, અને મારા જીવનમાંથી પણ..”

“…તરંગ શમી જાય!” તમે મારું અધૂરું વાક્ય પૂરું કર્યું

“તો જાણી લો મારા જીવનના તરંગ એમ શમવાનાં નથી!”

અને મેં સમાચાર આપ્યા, “તમે પિતા બનવાના છો. એક તરંગનું જીવન ભલે જેલ અંદર વીતે, એ જીવનનો એક અંશ જેલની બહાર પણ પાંગરવાનો છે.”

ત્યારે તમારી હાલત જોવા જેવી હતી. ચહેરાના રંગો લહેરોની જેમ બદલાતા રહ્યા, અડધી મિનિટ એમ જ વીતી.

મુલાકાતનો સમય પૂરો થયો, અને તમે મને પૂછ્યું, “લાવણ્યા, ફરી ક્યારે મળવા આવશે?”

પ્રકરણ અગીયાર

મમ્મી બૂમ પાડી રહી હતી, “સુરમ્યા, નાહી લે!”

મેં કહ્યું, “મોડેથી આવું છું.”

એણે કહ્યું, “તો નાસ્તો કરી લે..”

મેં કહ્યું, “ભૂખ નથી!”

પછી એ દરવાજે આવીને રડી ગઈ, “કમ સે કમ બેમાંથી એક નાહી લે અને નાસ્તો કરી લે, તો અડધો ઢસરડો તો પૂરો થાય!”

આ વાક્યમાં કંઈ નવું નહોતું. પણ મને ખ્યાલ આવ્યો કે પપ્પા પણ ઝઘડા અને ઉજાગરાના કારણે નહાવા કે નાસ્તો કરવાના મૂડમાં નહોતા. અને મમ્મીને મન આ બધું રુટિન કામની યાદી જેવું હતું. જેમાં સમયસર એક પછી એક કામ પતી ટિક થવી જ જોઈએ, નહીં તો એ ટોપલો એના મગજ પર જ રહે.

મારી પાસે બે ઓપ્શન હતા. મમ્મીની વાત માની લેવી અને પથારીમાંથી ઊભા થઈ જવું અથવા એની સાથે એના જેવા જ બરાડા પાડી ઝઘડી લેવું.

પહેલો ઓપ્શન લઉં તો મમ્મીને હું વહાલી લાગું. નહાતી વખતે બહારથી “શેમ્પૂ કરજે દીકરા!” એમ કહે. પછી વાળ હોળી આપે અને જબરદસ્તીથી ચીકણું તેલ લગાડે. તેલ ચોપડતી જાય અને એની પિયરિયા કેટલા સારા અને સાસરિયા કેટલા ખરાબ એની કેસેટ ચાલુ કરે. અને પપ્પા માટે ગમે તેમ બોલે. મારા વાળ એના હાથમાં હોય એટલે ભાગીને ક્યાં જાઉં? આ ઓપ્શન મને મંજૂર નહોતો.

એટલે મેં બરાડો પાડ્યો. અમે બન્નેએ જુદા જુદા પ્રાણીઓના નામથી એકબીજાને સંબોધ્યા.

આખરે “પેટમાં હતી ત્યારે જ કેમ ન મરી ગઈ, મારે માથે છાણાં થાપવા જીવતી રહી!?” એમ કહીને મમ્મી ટળી.

“યે જીના ભી કોઈ જીના હૈ લલ્લુ!” મિસ્ટર નટવરલાલના બચ્ચનનો ફેવરીટ ડાયલોગ મોટેથી બોલવાથી મને થોડી શાંતિ થઈ અને ખરેખર કશેકથી ગાયનું છાણ લાવી મમ્મીના માથે છાણાં થાપવાની કલ્પના કરી ખૂબ હસી. એટલું હસી કે હસતાં હસતાં રડી પડી. અને ફરી લાવણ્યાની ડાયરી હાથમાં લીધી.

*

તમે મને પૂછ્યું, “લાવણ્યા, ફરી ક્યારે મળવા આવશે?”

એ પરથી બે વાત નક્કી થઈ. એક કે હવે દિવસો કપાતાં વાર નથી લાગવાની. અને બીજું કે હવે આ ખુશીના સમાચાર ઘરે આપવાનો સમય થઈ ગયો હતો.

પણ એ એટલું સહેલું નહોતું.

એ સોમવારે કેસ ન ચાલ્યો. વાત બીજા સોમવાર પર ગઈ.

જેમજેમ તમારા ચુકાદાનો દિવસ નજીક આવવા લાગ્યો તેમતેમ પપ્પાજીની બેચેની વધતી ચાલી. એવામાં પપ્પાજી આ પ્રેગ્નેંસીના સમાચારનું શું રિએક્શન આપશે, એ હું કલ્પી નહોતી શકતી.

એક સવારે ઉમંગભાઈ અને ચંદાબા એમની માનતા પ્રમાણે મહાદેવના મંદિરે ગયા હતા ત્યારે પપ્પાજીએ સામેથી વાત છેડી, “હવે એક બે અઠવાડિયા છે.”

મેં એમને ચા આપી. એમની આંખો તગતગ થતી જોઈ મારી આંખોમાં પણ પાણી આવ્યું.

એ આગળ બોલતાં બોલતાં ભાવવશ થઈ ગયા, “બધી સાંકળો ખખડાવી ખખડાવી મારા આ હાથ જૂઠા પડી ગયા છે. મને એમ હતું કે એને છોડાવી લઈશું, આગળ બહુવાર છોડાવ્યો છે. આ દીવાન પરિવારને એવો ફાંકો હતો કે સૂરજપૂરમાં રોજ સવારે સૂરજ એમની ડેલીએ સલામી ભરવા આવે છે પણ આ ડોસો આજે લાચાર છે. લાવણ્યા વહુ! તારા આંસુ સૂકવી શકે એવો કોઈ સૂરજ એ ઉગાડી શકે તેમ નથી.”

હું શું કહું એમને? મેં કહ્યું, “પપ્પાજી, વાંક તમારો નથી. તમે તો એમને છોડાવવાની કોશિશ કરી જ રહ્યા છો. ઉલટું મારા પતિથી થઈ ગયેલી એક ભૂલ માટે તમારે બધે પાઘડી ઉતારવી પડે છે. અમારે કારણે, અમારા કારણે જ આખા પરિવારની બદનામી થઈ.”

હું ‘તરંગને કારણે’ બોલવાને બદલે ‘અમારે કારણે’ બોલી એ સાંભળી દાદા ચોંક્યા.

“અરે વહુ. તું ક્યાં તારી જાતને સંડોવે છે આ કરમકઠણાઈમાં? કઈ પળે મને એવી દુર્બુદ્ધિ સૂઝી કે મારા દીકરાનો ભવ સુધારવાની લ્હાયમાં હું તારો ભવ હોમી બેઠો.”

“તમારો ઈરાદો સારો જ હતો, પપ્પાજી..” મને એમની મનોસ્થિતિ પૂરેપૂરી તો સમજાતી નહોતી તોય હું એમને સમજવાની કોશિશ કરી રહી હતી.

એમનો ચહેરો કહી રહ્યો હતો કે એમણે ઘણું કહેવું હશે. પણ કોઈક લગામ મૂકીને એ ચૂપ થઈ ગયા. થોડો વિરામ લઈ સ્વસ્થ થઈ એ બોલ્યા, “વહુ, બેટા, હવે.. હવે તારી સામે આખી જિંદગી પડેલી છે.”

એ અટકીને બોલ્યા, “તારે ગામ જવું હોય તો..”

“ના.. ગામ નથી જવું મારે. એક દિવસ ગામ ગઈ એમાં તો જીવનનું સઘળું સુખ છિનવાઈ ગયું. હું અહીં હોત, તો મેં એમને વારી લીધા હોત. એમના હાથ લોહીથી ખરડાવા ન દીધા હોત.”

અમે બન્ને થોડું રડ્યા. એકબીજાના આંસુ લૂછી શકાય, એવું તો સસરા- વહુના સંબંધમાં ન આવે પણ ઉમંગભાઈ અને ચંદાબા આવે ત્યાં સુધી અમે પોતાના આંસુ લૂછવાનીય ચિંતા ન કરી.

એ જ દિવસે બપોરે પપ્પાજી તમને મળવા જેલ પહોંચ્યા. આગલા અઠવાડિયે પણ એ જ ગયા હતા. આ વખતે મારે જ આવવું હતું, પણ કદાચ ચુકાદો નજીક હોવાથી આ જેલમાં તમારું આ છેલ્લું અઠવાડિયું હોય અને પછી પપ્પાજીથી ઉંમર અને તબિયતને કારણે કદાચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ જેલ સુધી તમને મળવા વારેઘડીએ ન પણ જવાય.

ત્યાંથી આવીને એ થોડા ખુશ હતા. મને કહે, “વહુ, તું એની સાથે એવી શું વાત કરીને આવી કે એણે છેલ્લા 15 દિવસથી શરાબ છોડી દીધો!”

તમે શરાબ પીવાનું શરૂ કર્યું એ સમાચાર એમણે નહોતા આપ્યા, પણ શરાબ છૂટ્યાના સમાચાર એ મને આપ્યા વિના ન રહી શક્યા. હવે મારે પણ તમને મળવું હતું, જલદી. પણ મારી તબિયત બગડી.

પ્રેગ્નેંસીના પહેલા ચાર મહિના મને ન વોમિટ થઈ, ન ચક્કર! જાણે કે સમાચાર છુપાવવાના હતા તેથી કુદરતે થોડો સાથ આપ્યો. હવે સમાચાર કહેવાનો સમય આવ્યો અને સમાચાર મારા મોંથી કહેવાતા નહોતા ત્યારેય કુદરતે સાથ આપ્યો.

થોડા દિવસથી આયર્નની ગોળી લેવાનું ભૂલી જતી હતી, તેથી એક સવારે અશક્તિને કારણે મેં ગડથોલિયું ખાધું, ખાસ વાગ્યું નહોતું, પણ ઘૂંટણ છોલાયો. ડ્રેસિંગ કરાવવા ફેમિલી ડોક્ટરને ત્યાં ગયા.

એમણે કહ્યું, “લોહી ઓછું છે.”

સાથે આવેલા ચંદાબાએ કહ્યું, “દવા લખી આપો.”

ફેમિલી ડોક્ટરે કહ્યું, “લેડી ડોક્ટરને બતાવીને દવા લખાવો તો સારું.”

જે લેડી ડોક્ટરને બારણેથી ચંદાબા કાયમ “રડતા જતાં ને મૂઆના ખબર લઈને આવતાં” એ જ ગામના એકમાત્ર લેડી ડોક્ટરને ત્યાં એ મને લઈને ગયા. મને અને લેડી ડોક્ટરને બન્નેને જે સમાચાર ખબર જ હતા, એ સમાચાર આજે ચંદાબાને ખબર પડ્યા.

સમાચાર ખુશીના હતા. પણ અમૃતની ધારા જે પાત્રમાં પડે એ પાત્ર જો મલિન હોય તો કદાચ અમૃત પણ ખુદના ગુણ ગુમાવી બેસે. એ જ રીતે ચંદાબાના ચિત્ત પર પડીને આ સમાચાર એની અંદર રહેલો ઉલ્લાસ ગુમાવી બેઠા. હવે આ સમાચાર ચંદાબાના માધ્યમથી આ જ તાણભર્યા સ્વરૂપે ઘરમાં અને સમાજમાં પહોંચવાના હતા. પણ ચતુર ચંદાબાના ચકરાવે ચડેલા ચિત્તે આ સમાચારની ચકચાર કરતાં પહેલા એને ધરબી દેવાની શક્યતા વિચારી જોઈ.

મને બહાર મોકલીને ચંદાબાએ એમની ભાષા વાપરીને કહું તો “પડાવી નાખવાની” વાત લેડી ડોક્ટરને કરી હશે, પણ લેડી ડોક્ટર આ ‘પડાવવાની વાત’નો શું જવાબ આપશે એ મને ખબર હતી. લેડી ડોક્ટરની કેબિનમાંથી બહાર નીકળતા ચંદાબાનું ‘પડેલું મોં’ જોઈને મને ખ્યાલ આવી જ ગયો કે ડોક્ટરે એમને શું કહ્યું હશે.

ઘરે સન્નાટો છવાઈ ગયો. ઉમંગભાઈ અને ચંદાબા વચ્ચે મોડી રાતે ચડભડ થઈ એ સંભળાયું. સવારે મેડી ઉપર ઊનના મોજા અને સ્વેટર ગૂંથતાં ગૂંથતા સાંભળ્યું કે ઉમંગભાઈ અને પપ્પાજી વચ્ચેય થોડી ઉગ્ર વાતચીત થઈ, ઘરના લોકોને આવી બેચેની શું કામ થવી જોઈએ? ખુશીના સમાચાર આવ્યા હતાં, છતાં ઘરમાં કોઈ ખુશી ન હતી. મને મજાકમાં કહેવાનું મન થતું, “અરે good ન્યૂઝ હૈ, ભાઈ, ‘ગુડ’ તો બાંટો!”

પછી મને ખ્યાલ આવ્યો કે મુદ્દો ‘ગુડ બાંટવા’નો નહીં, મિલકતના બંટવારાનો હોઈ શકે. ક્યાંક એમને એમ તો ન લાગતું હોય ને કે હું બાળકને એટલા માટે જનમ આપવા માંગુ છું કે જેથી એ ચુનીલાલ દીવાનના પરિવારની સંપત્તિનો માલિક બને અને હું એ એકમાત્ર વારસની મા થઈ રાજ કરું!

મેં મનમાં જ મરક મરક હસીને વિચાર્યું, ચંદાબાને આ શંકા વધારે, ઉમંગભાઈને ઓછી, પપ્પાજીને નહીંવત અને તમને બિલકુલ નહીં હોય.

પણ જેઓ પોતાના દીકરાને બાર લાખ આપવા અખાડા કરતા હતા, એ પારકી દીકરીને કરોડો આપવાની કલ્પના માત્રથી ધ્રુજી જાય એ સ્વાભાવિક હતું.

મને ખબર હતી કે આ મોરચો ક્યાંથી શરૂ થશે.

સંતો અને સમાજના હિતચિંતક લેખકો કહે છે કે પરિવારે સવારે નાસ્તાના સમયે અને ડીનરના સમયે હંસીખુશીની વાતો કરવી. મને એ સંતોને પૂછવાનું મન થયું, તો પછી વિવાદો માટે કયો સમય ફાળવવો?

જોકે, ચંદાબાએ આવું કંઈ વાંચ્યુ કે સાંભળ્યું નહોતું એટલે એક દિવસ સવારના શુભ મહૂરતમાં નાસ્તો પીરસતાં ચંદાબા બોલ્યા, “પપ્પાજી કંઈ કહેવા માંગે છે.”

એમ કહીને એમણે પપ્પાજીને બોલવાની ફરજ પાડી અને મને સાંભળવાની.

પપ્પાજી અચકાતાં અચકાતાં બોલ્યા, “વહુ બેટા, અમે એમ વિચારીએ છીએ કે તારા દાદાજીની તબિયત જોતાં તારે ત્યાં રહેવું જોઈએ.”

ઉમંગભાઈ બોલ્યા, “હા, તમે ઈચ્છો તો કાયમ માટે ત્યાં રહી શકો છો!” મને થયું હવે ભરણપોષણનું ય બોલશે.

પણ ઉમંગભાઈ બોલ્યા, “દાદાજીને કાળજીની જરૂર છે.”

હું બોલી, “ત્યાં કમલા વગેરે છે.” અને પછી મારી વાતને વજન આપવા મન કઠ્ઠણ કરીને, સ્ત્રીઓ કદી બોલવા ન માંગે એવું વાક્ય ઉમેર્યું, “દાદાજી હવે કેટલા વરસ?”

આટલીવારમાં ચંદાબા ઉમંગભાઈ પર અકળાઈ ગયા, “સીધેસીધું કેમ કહેતા નથી?”

એટલે મને જરા સીધેસીધો કટાક્ષ કરવાનું મન થયું, “કાયમ દાદા સાથે જ રહેવું જોઈએ, એ વિચાર તો લગ્ન વખતે જ આવેલો. પણ ત્યારે ગોર મહારાજ સંસ્કૃતમાં બોલેલા કે દીકરીનું સ્થાન તો એના પતિગૃહે જ હોય!” પણ હું ચૂપ રહી.

ચંદાબાના તેવર જોઈ ઉમંગભાઈએ કહ્યું, “તો તું જ કહી દે ને!”

ચંદાબા ઉમંગભાઈ પર અકળાયેલા હતા, પણ મારી સાથે તો, એકદમ યૂ ટર્ન લઈ, છલકાતાં વહાલથી શબ્દો ગોઠવીગોઠવી બોલ્યા, “આ તો.. તરંગભાઈ જેલમાં ગયા ત્યારથી જ, અમે તો નક્કી કરેલું કે અમે તો તમને કાયદેસર છૂટાછેડા અપાવી આ ઘરેથી ધામધૂમથી વિદાય કરશું. પણ..”

ઉમંગભાઈ બોલ્યા, “પણ શું, હજુય કરી શકાય! વહુની ઉંમર જ શું છે!”

ચંદાબાએ દોર સાચવ્યો, “તમે ય સમજતાં નથી, વહુને થોડી જ ખબર હતી કે એક મહિનાના સંગાથમાં આમ બાળકની પળોજણ પેટે બંધાઈ જશે.”

એક ક્ષણ ચૂપકીદી છવાઈ ગઈ.

“હવે આ હાલતમાં વહુ નવો સંસાર શરૂ કરવા માંગે તોય કેવી રીતે કરી શકે?” ચંદાબા એકેએક વાક્ય મારા અનુમાન પ્રમાણેનું જ બોલી રહ્યા હતા.

“એક તો બિચારી નાદાન અને વર જેલમાં, એટલે ભારે પગે છે એનીય સમજ મોડી પડી.”

હું મનમાં બોલી, “એ તો તમને મોડી પડી!”

“હવે આજકાલના ડોક્ટરો તો ના જ પાડે, ચાર મહિના વીતી ગયા એટલે હવે તો બાળક રાખવું જ પડે!”

મને થયું, વાહ, આ લોકોએ આપણા બાળકને સ્વીકારી લીધું. પરિવારે પુત્ર કે પુત્રીને અવતરવાની પરમિશન આપી દીધી!

પણ ચંદાબાએ આગળ ચલાવ્યું, “આ ડોક્ટરો ગમે તે કહે, જૂના જમાનાની ડોશીઓ તો હજુય નિકાલ કરી આપે!”

મારા શરીરમાં કમકમાટી ફેલાઈ ગઈ. મારે માટે આ કલ્પના બહારનું હતું. પણ ચંદાબાએ તરત વાત વાળી લીધી, “પણ આપણે એવી જીવહત્યા નથી કરવી.”

મારો શ્વાસ માંડ હેઠો બેઠો.

‘એના કરતાં તો..” એમ કહીને અટકીને આગળ ચંદાબા અને ઉમંગભાઈ જે બોલ્યા, ત્યારે જ ખબર પડી કે ચંદાબાએ સવારની પહોરમાં જેના માટે મોરચો માંડ્યો હતો એ સીધી વાત શું હતી.

“એના કરતાં તો.. મને એમ વિચાર આવે છે કે લાવણ્યાએ આગળ સાત પગલાં માંડવા હોય, પણ બાળકની ચિંતા રહે એટલે બિચારી પગલું ભરતાં મૂંઝાય.”

અબુધની જેમ મેં કહ્યું, “ના રે, ખોળામાં પગલીનો પાડનાર હોય તો મારે બીજા કોઈ પગલાં માંડવાની જરૂર જ શું છે?”

હવે ઉમંગભાઈએ વાત હાથમાં લીધી, “ના.. ના એટલે કે ચન્દા એમ કહેવા માંગે છે કે તમારી ઉમર અને તમારા અરમાન જોઈને વિચાર એવો આવે છે કે જો તમારે જુદો સંસાર માંડવો હોય કે આ બાળકને ઉછેરવાની પળોજણમાંથી મુક્ત થવું હોય તો એક રસ્તો છે.”

ચંદાબા પતિની વાતમાં સૂર પુરાવવા માટે બહુ જોરથી માથું ધુણાવી રહ્યા હતા.

ઉમંગભાઈએ પપ્પાજી પર દાવ નાખ્યો, “પપ્પા.. તમે જ કહો ને!”

હવે પપ્પાજી બોલ્યા, “વાત એમ છે કે તમારા આવનાર બાળકને દત્તક લેવા ઉમંગ અને ચંદાબા તૈયાર છે. કાયદેસર રીતે એ લોકો આવનાર બાળકના મમ્મી પપ્પા બનશે. એ બાળક આખી સંપત્તિનો એકલો વારસદાર બનશે! એટલે એની ચિંતા તમને રહેશે નહીં.”

અટકેલી વાતનો પ્રસવ થઈ ગયો એટલે ઉમંગભાઈ ઉત્સાહમાં આવી ગયા, “અને તમે બિલકુલ એક નિસંતાન સ્ત્રીની જેમ જ નવા લગ્ન કરી શકશો. અને એ લગ્ન કરાવવાની જવાબદારી પણ અમારી!”

ચન્દાબાએ તો મારા ખભે વાત્સલ્યભર્યો હાથ મૂકી દીધો, “હા લાવણ્યા! તું તારું ભવિષ્યનો વિચાર કર અને આ બચ્ચા-કચ્ચાની પળોજણ મને સોંપી દે!”

બચ્ચાકચ્ચાની પળોજણ પોતે લઈ સુંદર ભવિષ્યનો રસ્તો દેખાડનાર આ યુગલને શું સણસણતું ચોપડાવવું, એ માટે મેં બે સેકંડ વિચાર્યું. કંઈ ઉતાવળે બોલાઈ ન જાય એ માટે ચાનો કપ હોઠે માંડી દીધો. ત્રણે એ રીતે મારી સામે જોઈ રહ્યા હતા કે જાણે હું ક્યારે હા પાડું અને ક્યારે એ લોકો ગોળ વહેંચે!

પ્રકરણ બાર

સારીસારી વાતો કરીને ચંદાબા અને ઉમંગભાઇ મારું બાળક છિનવી મને રવાના કરવાનો પેંતરો કરી રહ્યા હતા. મને થયું કે એક દિવસ પણ વિચારવાનો સમય લઈશ તો આ લોકોના મનમાં ખોટી આશા બંધાશે તેથી ના તો અત્યારે જ પાડવી પડશે. એટલે ‘ના’ તો અત્યારે જ પાડીશ, પણ એકદમ ‘ના’ કહી દેવાને બદલે પહેલા હું પાંચ વાક્ય બીજા બોલીશ.

આટલો નિર્ણય લેતાં જ મારું મન શાંત થઈ ગયું. એટલું બધું શાંત કે હું ચંદાબાની દૃષ્ટિએ પ્રોબ્લેમને વિચારી શકી!

હું બોલી, “કુદરત પણ ખરી છે, જે પતિપત્ની નવનવ વરસથી બાળકની રાહ જોતાં હતા, એમનો ખોળો ન ભર્યો અને જેને કોઈ આશા ન હતી, એના ખોળામાં બાળક મૂકી દીધું!”

એક લાંબુ વાક્ય પૂરું થયું, ચંદાબાને હજુ ખબર ન પડી કે ઊંટ કઈ બાજુ બેસશે. ચંદાબાને સહાનુભૂતિ નહીં પણ બાળક જોઈતું હતું.

મેં આગળ ચલાવ્યું, “પણ આજે પહેલીવાર તમે દત્તક બાળકનો વિચાર કર્યો, એ બહુ સારો વિચાર છે.”

ચંદાબાનો હોઠ મલક્યા, પણ ઊંટ એવી તરફ નમ્યું હતું, જે તરફ એ બેસવાનું ન હતું.

“તમે મારા બીજા લગ્નનો વિચાર કરો છો, એ મારા ભલા માટે જ છે, એ ખરેખર સારું જ કહેવાય. વળી જે સ્ત્રીના બીજીવારના લગ્ન કરવાના હોય તો એ બાળક વગરની હોય તે એને માટે અને નવા સાસરિયા માટે, બન્ને માટે એ જ વધારે અનુકૂળ રહે.”

ચાર વાક્ય થઈ ગયા.

“તમે મારો આટલો ખ્યાલ કરો છો, એ મને ગમ્યું. અમુક સંજોગોમાં આ બહુ સારો ઉકેલ કહેવાય.”

મને થયું, બસ હવે લાંબુ થાય છે. એટલે મેં કહી દીધું, “પણ હું વિધવા નથી કે હું ત્યક્તા નથી. આ બાળકના પિતા હજુ જીવે છે અને અને એ જાણે છે કે એ બાપ બનવાના છે. અને એમને એ મંજૂર છે. મારા સંજોગો એવા છે જ નહીં કે મારે પુનર્લગ્ન કરવા પડે અને આ બાળક મારે માટે પળોજણ નથી પણ એ મારા જીવવાનો સહારો છે.”

પછી મેં વાતને જરા વાળી, “મને અને તરંગને બન્નેને કંઈ થઈ જાય, અમે બન્ને ન રહીએ તો આ બાળક તમારું જ છે. પણ જ્યાં સુધી અમે બન્ને છીએ અથવા અમારા બેમાંથી એક પણ છે, ત્યાં સુધી અમે એના માબાપ છીએ અને તમે એના મોટા પપ્પા અને મોટા મમ્મી છો.”

કોઈ ભડકા વગર વાત પતી. એમાં મારી કોશીશનું બળ હતું. પણ તોય આ વાતનો ધૂંધવાટ બહુ સમય રહેવાનો હતો. એમાં મારી નિયતિનું બળ હતું.

જજની બદલી થઈ અને ચુકાદો લંબાયો. એટલે હજુ તમે આરોપી જ હતા, ગુનેગાર નહોતા. છતાંય બીજા જ દિવસથી ચંદાબાની જબાનમાં આવેલી કામચલાઉ મીઠાશ ઓસરી અને એમની સ્વભાવગત કડવાશ બહાર આવવા લાગી, “ઠીક છે, જેવી તારી મરજી, બાકી તારું બાળક એક ગુનેગારના દીકરા તરીકે મોટું થાય એના કરતાં..”

મેં એમની વાત બેચારવાર સાંભળી લીધી પછી એકવાર પપ્પાજીને કહ્યું, “પપ્પાજી, હું ઈચ્છું છું કે આ ઘરમાં હવે આ ચર્ચા બીજીવાર નહીં થાય. અને બાળક જન્મે પછી એના પપ્પાનો ઉલ્લેખ ગુનેગાર તરીકે ન થાય.” આ બોલ્યા પછી મને જ લાગ્યું કે મારી માગણી કદાચ વધુ પડતી હતી! પણ પપ્પાજીએ આ વાત સિરિયસલી લીધી. એમણે ચંદાબાને શું સમજાવ્યું, એ ખબર નથી, પણ ત્યારથી આ ઘરમાં તમારે માટે ‘ગુનેગાર’ શબ્દ બોલાતો બંધ થયો.

એક પુસ્તકમાં વાંચ્યું હતું કે પાંચમા મહિના પછી ગર્ભમાં રહેલું બાળક માતાનો અવાજ સાંભળી શકે છે. ભલે સમજી ન શકે. પણ મને વાત કરવા માટે એક જણ મળી ગયું હતું. એમ પણ વાંચ્યું હતું કે માતાના શરીરમાં સુખદુ:ખ, આશાનિરાશા, તાણતણાવથી ઉત્પન્ન થતાં રસાયણો આવનાર બાળકના શરીરમાં પણ ફેલાય છે. એટલે મનને સ્વચ્છ રાખવાનો અર્થ હતો બાળકના સ્વાગત માટે અમૂલ્ય જાજમ બિછાવવી. મેં કાળજીપૂર્વક એ જાજમ બિછાવી.

ત્યાં ગામમાં એક મહિનામાં દાદા ગુજરી ગયા. એમની ડેલી તો ચુનીલાલ દીવાન પાસે ગિરવે હતી. પણ એ ડેલી વેચી, દેવું પૂરેપૂરું ચૂકવાયા પછીય ખાસી રકમ બચી. એ આખેઆખી રકમ તમારો કેસ લડવા માટે મેં બાજુ પર મૂકી દીધી. હિંમત ખૂટવાની તો ચિંતા નહોતી, પણ વકીલોની કિંમતની પણ હવે તો ચિંતા નહોતી.

નવા જજ આવ્યા, એમની સામે ચારેક મહિના હિયરીંગ ચાલ્યાં. સોમવારે જજમેંટ હતું અને રવિવારે મોડી રાતે મને દુખાવો ઉપડ્યો.

વેળની અપાર યાતના પછી અપાર આનંદની વેળા આવી. સોમવારે બપોરે હોસ્પીટલમાં બાળકનો જન્મ થયો. નવડાવી ધોવડાવી બાળક મારા હાથમાં મૂકવામાં આવ્યું, ત્યારે ચુકાદાનો સમય થઈ ચૂક્યો હતો. પપ્પાજી અને ઉમંગભાઈ આવે એ પહેલા આપણા વકીલની રિસેપ્શનિસ્ટ માયા મળવા આવી. અને અમારી આ સાત મહિનાની ઓળખાણ સાત ભવની હોય એમ મને વળગી ધ્રુસકેધ્રુસકે રડી પડી. ચુકાદો જરા અણધાર્યો આવ્યો હતો.

માયાએ સમજાવ્યું. ડિસ્ટ્રીક્ટ કોર્ટના નવા આવેલા જજ પબ્લિક પ્રોસીક્યુટર અશોક આચાર્યના બેચમેટ હતા. આ જજે તમારા અગાઉના રેકર્ડને ધ્યાનમાં લઈ, તમારા જેવા રીઢા ગુનેગારોને ‘સ્વસ્થ સમાજની રચનામાં નડતું સડેલું અંગ’ ગણી, ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ કહેવાય, એવી ફાંસીની સજા જાહેર કરી હતી. હું રાહ જોવા તૈયાર હતી, કાયમી વિરહ માટે નહીં! અપેક્ષાથી વિપરિત ચુકાદો આવવાને કારણે હું સ્તબ્ધ થઈ ગઈ, કોઈ વકીલે અને કોઈ જજ આવું શું કામ કરે? કોઈને ફાંસી અપાવી એમને શું ફાયદો? માયાએ મને સમજાવ્યું, વકીલનો ફાયદો એ કે પબ્લિક પ્રોસિક્યુટર તરીકે એ સફળતાપૂર્વક એક આરોપીને ફાંસી અપાવી શકે તો એનું પ્રમોશન થઈ જાય, અને જજનો ફાયદો એ કે રિટાયરમેંટ પછી કોઈ પાર્ટીમાં ગર્વથી કહી શકે કે “કામેશ કહાર કેસમાં જેણે ફાંસીનું સેન્‍ટેન્‍સ આપેલું તે હું..” અને સહુનું ધ્યાન એમના તરફ જાય. જો ખરેખર માયાની વાત સાચી હોય તો એ વકીલ અને એ જજે એમના આવા નાનાનાના આનંદો માટે એમણે મારા જીવનનો મોટો આધાર છિનવી લીધો હતો.

દીવાન પરિવારમાં એક ઉમેરાયું અને બીજાની બાદબાકી થવાના સમાચાર આવ્યા. હોસ્પીટલ અને કોર્ટની કામગીરી કંઈ એવા સંતુલનથી થઈ કે પરિવારના સભ્યોની સંખ્યા સરભર રહેવાની હતી.

મેં મારાં આંસુ લૂછી નાખ્યા. માયા હજુ રડતી હતી. મેં બાળકને ખોળામાં ઉપાડ્યું.

મારા નવા જન્મેલા બાળકના કાનમાં મેં વિશ્વાસપૂર્વક કહ્યું, “બેટા, ડિસ્ટ્રીક્ટ કોર્ટની ઉપર હાઈકોર્ટ આવે અને હાઈકોર્ટની ઉપર સુપ્રિમ કોર્ટ આવે! જેમજેમ ઉપર જઈએ તેમ તેમ ઘોંઘાટ ઓછો હોય અને ન્યાયની દેવીના કાન વધુ સરવા હોય! આપણે લડીશું!”

મારા બાળકે જાણે સરવા કાને સાંભળ્યું હોય એમ પોતાની મુખરેખા એવી કરી જેને હું સ્મિત ગણી શકું.

*

લાવણ્યા એના નવજાત બાળકના સ્મિતની વાત કરી રહી હતી. અનુરવ બાજુમાં હોત તો એણે મને કહ્યું હોત, “સુરમ્યા, લોકબોલીમાં આને ‘દેવ હસ્યા’ એમ કહેવાય!” મેં દલીલ કરી હોત, “સાઈંટિફિકલી આવું ખરેખર હોય?” મારા કાકા યુ એસમાં પિડિયાટ્રીશ્યન છે. મેં વિચાર્યું કે નેક્સ્ટ ટાઈમ એમની સાથે ચેટ કરીશ ત્યારે પૂછીશ. પણ ત્યાં જ મારા રૂમનો દરવાજો નોક થયો! પપ્પા તો નોક કર્યા વગર જ આવે, દરવાજા બહારથી જ “મારું સૂરસૂરિયું..” એમ બૂમ પાડતાં આવે, એટલે મસ્તી અને મર્યાદા બન્ને સચવાઈ જાય. પણ મમ્મી આટલું ધીમેથી નોક ન કરે. એ તો ખુદ દ્રવાજાને ય ધ્રાસકો પડે એમ દરવાજો ખખડાવે. હું વિચારવા લાગી, કોણ હશે? મેં ‘કમ ઈન’ કહ્યું. અને અનુરવ દેખાયો. એનું ‘દેવ હસ્યા’ જેવું સ્માઈલ લઈને!

પપ્પાએ કોઈ ડિક્ટેશન આપવા બોલાવ્યો હશે. અથવા રાતના ઉજાગરાને કારણે માથું દુખતું હશે એટલે કોઈ કેસની બ્રીફ માટે બોલાવ્યો હશે. બોસ દોડાવે એટલે જુનિયરે બિચારાએ દોડવું પડે. મેં વિચાર્યું, જુનિયરનું માથું દુખે તો એ ક્યાં જાય?

અનુરવે ઓફર મૂકી કે દસ મિનિટમાં નાહીને તૈયાર થઈ જાય તો લિફ્ટ આપું. તમને જરા સરપ્રાઈઝિંગ લાગ્યું હશે, અનુરવ મને લિફ્ટ આપે? તમને થશે કે અનુરવ પાસે કાર હશે અને મારા પપ્પાએ મને કેળવવા માટે ફરજિયાત બસ કે રિક્ષામાં ઓફિસ જવાનો હુકમ કર્યો હશે. હા, પપ્પા ક્યારેક એવું બોલે છે ખરા કે પૈસાવાળાના છોકરાઓએ પણ બસ-રિક્ષાની ટેવ પાડવી જોઈએ, પણ અઢાર વરસની ઉંમર પછી એ જ મને દર ઓલ્ટરનેટ બર્થડે પર નવી કાર ગિફ્ટ આપે છે. તો મારી પાસે પંદર દિવસ પહેલા જ મળેલી ત્રીજી નવી (ફકત બે ઘસરકાવાળી) કાર છે અને અનુરવ પાસે બાઈક છે અને એવી કઈ છોકરી હશે જેને અનુરવ જેવા સ્યૂટેબલ બોયની બાઈક પાછળ રાઈડ મળતી હોય તો જાતે કાર ચલાવે?

એટલે મમ્મીની કલાકની ‘રાડ’થી જે ન થયું તે અનુરવની ‘રાઈડ’ની ઓફરથી થયું. અગિયારમી મિનિટે હું તૈયાર હતી. અને બારમી મિનિટે અમે બાઈક પર હતા.

“ડાયરી ક્યાં સુધી પહોંચી?”

“ફાંસી સુધી” મેં કહ્યું.

“ઓહો, આખી રાત વાંચી લાગે છે!”

“ના અડધી રાત..”

આમ તો મારો વિચાર હતો કે આજે ઘરે રહીને આખી ડાયરી પતાવી જ દઉં. ઓફિસે ન જવું હોય તો મારા જેવી છોકરી માટે ‘પિરિયડ્સ’નું બહાનું હાથવગું હોય, પણ એ બહાનાનો લાભ હું ગયા અઠવાડિયે જ લઈ ચૂકી હતી. એટલે હવે એ બહાનું આટલું જલદી ન વપરાય. તોય જોકે મારા જેવી નોન-એશેંસિયલ છોકરી રજા પાડે તો ઓફિસમાં કંઈ ફરક ન પડે, પણ હું ઓફિસ આવી કેમ કે મારે બાકીની વારતા અનુરવની સાથે જરા જરા ટચમાં રહીને વાંચવી હતી. યૂ સી, બન્ને ઈંટેરેસ્ટીંગ છે, ડાયરી પણ અને અનુરવ પણ! બેમાંથી એકેય ને ન છોડાય.

હું વિચારોમાં હતી અને એણે બાઈક ઊભી રાખી. મને થયું કે ઓફિસ આવી ગઈ. જોયું તો સામે મદ્રાસ કાફે હતું. હું નાસ્તો કર્યા વગર નીકળી હતી, એનો અનુરવને ખ્યાલ હતો.

ટેબલ પર બેસતાં જ અનુરવને મેં પૂછ્યું, “અનુરવ, તેં પૂછ્યું નહીં, કે ડાયરી કેવી લાગી?”

એણે કહ્યું, “લે પૂછ્યું! હવે કહે.”

“ફાંસી, હાઈકોર્ટ, અપીલ... આ ડાયરી તો આપણા વકીલાતના એરિયામાં ઘૂસી! હવે કેસ જ ચાલશે કે કંઈ જુદુ છે?”

જવાબમાં અનુરવની મુખરેખા કંઈ એવી થઈ જેને હું સ્મિત ગણી શકું.

નાસ્તો કરાવી મને ડ્રોપ કરીને અનુરવ કોર્ટ ગયો. પપ્પા મોડા આવવાના હતા. એટલે મેં અમારી આસિસ્ટંટસની ચેમ્બરમાં જઈ પરભુને ખોટેખોટું પૂછ્યું, “કંઈ કામ છે?”

એ ભૂલથીય કંઈ કામ બોલે એ પહેલા, “કંઈ કામ હોય તો બપોર પછી કરીશ,” એમ કહીને ટેબલ પરથી ફાઈલો ખસાડી ખોળામાં જતનથી મૂકેલી લાવણ્યાની ડાયરી સામે જોયું. મારા ખોળામાં જૂની ડાયરી હતી અને લાવણ્યાના ખોળામાં નવજાત બાળક. બન્ને વિકસી રહ્યા હતાં.

*

સવા મહિના સુધી બાળકને લઈને નીકળાય નહીં. એવું ડોક્ટરોય કહે અને સમાજ પણ. એટલે બરાબર સવા મહિને બાળકને લઈને હું એના પિતાજીને મળવા લઈ આવી.

પિતાજી વસુદેવની જેમ જેલમાં હતા, પણ દેવકી (એટલે કે આ કિસ્સામાં હું, લાવણ્યા) બહાર હતી એટલે જશોદાનો રોલ લેવા ઈચ્છતાં ચંદાબાના ‘નંદ ઘેર આનંદ ભયો’ ધૂન ગવડાવવાના ઓરતા અધૂરા રહ્યા, પણ મેં નક્કી કર્યું હતું કે મારું બાળક મને ‘મા’ કહેશે અને ચંદાબાને ‘બા’ કહેશે.

ઘરમાં સૌએ બાળકને બબલુ કહેવાનું શરૂ કરી દીધું હતું. પણ આ કંઈ રાજકપૂરનું ખાનદાન નથી કે બાળકો ડબ્બુ, ચિંતુ, ચિમ્પુ, અને બેબોના નામ સાથે મોટા થાય! છેલ્લી મુલાકાતમાં જ મેં તમને પૂછી લીધું હતું કે બાળકનું નામ શું રાખું? તમે કહ્યું, તું જે નક્કી કરે તે. મેં તો તમને અમસ્તું જ પૂછ્યું’તુ. બાકી નામ તો મારે જ પાડવું હતું. મારે તરંગ જેવું જ કોઈ નામ જોઈતું હતું. જે સાંભળતાં જ મનહૃદયમાં કંપન થાય.

મેં સૂચવ્યું તે નામ પપ્પાજીને હોઠે ચડ્યું નહીં એટલે પપ્પાજીએ આપણા બબલુને ‘રવિ’ કહેવાનું શરૂ કર્યું. એ ‘બબલુ’ના નામ સાથે મોટો થાય એના કરતાં એનું હુલામણું નામ ‘રવિ’ મેંય સ્વીકારી લીધું.

સવા મહિનાના રવિને લઈ તમને જેલમાં મળવા આવી. તમે રવિને જોયો. રવિ એટલે સૂરજ. સૂરજપૂરનો નહીં તો આપણી મેડીનો સૂરજ. મેડીની ઉગમણી બારીએ ઊગેલો સૂરજ. તમે એના માથે હાથ ફેરવ્યો. તમારી આંખો ઝળઝળ થઈ. કદાચ તમારા મનમાં એવો વિચાર ઝબક્યો કે પુત્રનું આ પહેલું અને છેલ્લું દર્શન છે.

તેથી મેં તમને સમાચાર આપ્યા, “હું આ હાલતમાં હાઈકોર્ટના વકીલને મળવા જઈ શકું એ શક્ય નહોતું, તેથી મેં સ્પેશ્યલ ચાર્જ આપી, એમને સૂરજપૂર તેડાવ્યા અને હાઈકોર્ટમાં અપીલ ફાઈલ કરાવી છે.”

હાઈકોર્ટના વકીલે કહ્યું છે કે ઉપલી કોર્ટમાં કોઈ પણ સંજોગોમાં આ ફાંસીનો ચુકાદો ટકી શકે એમ નથી. પણ કેસ બહુ લાંબો ચાલશે. કદાચ બે પાંચ વરસ લાગે અને કદાચ દાયકોય નીકળી જાય, પણ અપીલ ચાલે ત્યાં સુધી ફાંસી નહીં જ થાય.”

તમે બે મિનિટ આંખ બંધ કરી. રાહતનો શ્વાસ લીધો કે વિચાર કર્યો એ ખબર નથી, પણ તમે બોલ્યા, “લાવણ્યા, મને ફાંસી થાય કે ન થાય, એની મને આમ તો બહુ ચિંતા નથી. કેમ કે હું જીવું કે મરું એનાથી તને કે બાળકને કોઈ ફાયદો કે નુકસાન નથી.”

તમે વાત શરૂ કરો ત્યારે શરૂઆતમાં કંઈ પણ બોલો, માણસો દિલથી બોલતા હોય ત્યારે વાત શરૂ ભલે ગમે ત્યાંથી કરે, પણ પૂરી બરાબર કરે. એટલે વચ્ચે એમને અટકાવી બહુ જવાબો આપવા નહીં, એવું હું અનુભવે શીખી ગઈ હતી.

તમે આગળ ચલાવ્યું, “કેદીઓને અઠવાડિયે એકવાર રિલેટીવ મળી શકે એવો નિયમ છે. છતાં અહીં કેટલાય કેદીઓ એવા છે જેમને વરસોથી કોઈ મળવા નથી આવ્યું. એ લોકો જીવે છે કે મરી ગયા છે, એ એમના રિલેટીવ્સને મન કોઈ વિચારવાનોય વિષય નથી. ત્યારે દર અઠવાડિયે આ પચ્ચીસ-ત્રીસ મિનિટ માટે તું આવે છે તો એને માટે પણ જીવી જવાનું મને મન છે. એટલે અપીલ કર. ફાંસીને બદલે જનમટીપ થાય તો મને ગમશે.”

તમારામાં જીવવાની આશા પ્રગટી, ઝંખના પ્રગટી એ જાણી હું તો રાજીની રેડ થઈ ગઈ. જાહેરમાં આમ તમને ચૂમી ન શકાય, એટલે બાળકને ચૂમવા લાગી.

પણ પછી તમે આગળ જે બોલ્યા, એ મારા માટે અનઅપેક્ષિત હતું, “પણ.. મારી એક વિનંતિ છે. આજે આપણા રવિને તું જેલમાં લાવી છે. એ સારું કર્યું. મેં એને જોયો. જોઈ લીધો. પણ એ પહેલી અને છેલ્લીવારનું હશે. હું નથી ઈચ્છતો કે આ બાળક આજ પછી કદી આ સેંટ્રલ જેલમાં પગ મૂકે. હું નથી ઈચ્છતો કે એને કદીય ખબર પણ પડે કે એનો બાપ ખૂનના ગુના માટે જેલમાં છે.”

આ કેવી રીતે શક્ય બને? જે બાળકના પપ્પા હયાત હોય, એ બાળકને અસત્ય જણાવી પોતાના પપ્પાને મળવાથી વંચિત રાખીને શું લાભ થાય? મેં કહ્યું, “જૂઠું બોલવા માટે મારું મન માનતું નથી.”

હું કંઈ બોલું એ પહેલા તમે મને અટકાવી, “આ વાત હું પપ્પા અને ઉમંગભાઈને પણ કહી ચૂક્યો છું અને એમણે આ વાત છુપાવવાની જવાબદારી પોતાને માથે લીધી છે. એટલે તારે મોઢે તારે કંઈ કહેવાનું નથી.”

મેં વિચાર્યું, ઓહ! અનુકૂળ અસત્ય સૌને રુચે.

એક બાળક સમજણું થઈ “મારા ક્યાં પપ્પા છે?” એવો સાહજિક સવાલ પૂછે ત્યારે એ સવાલના જવાબમાં કશુંક ગોઠવી કાઢેલું અસત્ય બોલવાની જવાબદારી પપ્પાજી અને ઉમંગભાઈના પોતાના શિરે લેતાં હોય તો, મારે ખાસ કંઈ કરવાનું ન હતું. છતાં મેં પૂછ્યું, “વારું, એ લોકો રવિને શું કહેશે?”

એટલે તમે બોલ્યા, “એ લોકો રવિને એમ કહેશે કે એના પપ્પા કોઈ જીવલેણ બિમારીથી ગુજરી ગયા છે!”

પ્રકરણ તેર

જેલમાં સવા મહિનાના રવિને લઈ આવી ત્યારે તમે કહી દીધું કે રવિ સાથે આ તમારી છેલ્લી મુલાકાત છે કેમ કે એના પિતા જેલમાં છે એવી રવિને જાણ થવા દેવી નથી. આ સત્ય મારે આચરવાનું કે ઉચ્ચારવાનું નથી, એ કારણે આ વાત મેં માંડ પચાવી, ત્યાં તમે બોલ્યા “એ લોકો રવિને એમ કહેશે કે એના પપ્પા કોઈ જીવલેણ બિમારીથી ગુજરી ગયા છે!”

“એ મને મંજૂર નથી..” મેં ઘસીને ના પાડી.

“એમ જ કરવું ઠીક છે.” તમે બોલ્યા.

ઘડિયાળનો કાંટો બતાવી રહ્યો હતો કે મુલાકાતની માત્ર ચાર મિનિટ બાકી હતી.

મેં ઉતાવળે કહ્યું, “મને પૂરો વિશ્વાસ છે કે તમારી ફાંસીની સજા વહેલીમોડી ચોક્કસ જનમટીપમાં તબદીલ થશે. વહેલા-મોડા જનમટીપ પૂરી થયા પછી તમે બહાર આવશો. ત્યારે થોડા વરસો આપણી પાસે બચ્યા હશે. એટલે હું બીજું કંઈ ન જાણું, તમારે બહાર આવી રવિને માથે હાથ મૂકવાનો જ છે.”

આ સાંભળતાં જ તમારો હાથ ધ્રૂજવા લાગ્યો, “મને એનો જ ડર છે.”

“મને કોઈ ડર નથી. હું જ તમારો હાથ પકડીને એના માથે મૂકીશ.”

ત્રણ મિનિટની દલીલો પછી તમે હાર્યા, “સારું, પણ અત્યારે, એની નાદાન ઉમરમાં, એના પપ્પા જેલમાં છે એવી ખબર એને ન પડવી જોઈએ.”

તમારી વિનંતિને માન આપીને મેં કમને આ વાતની ‘હા’ પાડી.

પણ પછી મુલાકાતની પચ્ચીસમી મિનિટે તમે જે બોલ્યા એનાથી ફરી મારું મન ખિલી ઊઠ્યું, “પણ દર મહિને રવિની ઝીણેઝીણી વિગત તારે તો મને કહેવાની જ છે!”

એ જ પળે વિગતવાર ડાયરી લખવા ઉપરાંત ઊગતા રવિનું પળેપળનું તેજ ઝીલવા માટે એક સ્ટીલ કેમેરો અને એક વિડિયો કેમેરાનુંય બજેટ મેં મનોમન મંજૂર કરી નાખ્યું. અને મને તો રવિને ઉછેરવા ઉપરાંત તરંગ અને રવિની વચ્ચે એક મજબૂત વનવે બ્રીજ બનાવવાનું વધારાનું કામ મળી ગયું.

મારી જાણ બહાર બીજો પણ એક બ્રીજ બની રહ્યો હતો. તમે નવેસરથી મારા પ્રેમમાં પડ્યા. જોકે તમે તમારે મોઢે એવું બોલ્યા નહીં. પણ મારા બાળપણની ઝીણીઝીણી વિગતો તમે પૂછવાની શરૂ કરી. મહિને માંડ ત્રીસ મિનિટની મુલાકાત પછી આવનારા ત્રીસ દિવસ સુધી તમને સંબોધીને લખેલી આ ડાયરી ઘરે રહેતી અને એની નકલ કરી દર અઠવાડિયે હું ટપાલથી તમને મોકલતી રહી. એમ સમય પસાર થતો રહ્યો. મને સ્મિત સાથે ડાયરીઓ અને પત્રો લખતી જોઈને રવિ મોટો થયો. એના બાળમનને થયું હશે કે ટીવી કે ખરીદી કે લગ્ન કે તહેવારો નહીં પણ લખવું એક એવી ક્રિયા છે જેમાં મમ્મીને એના જીવનનો સૌથી મોટો આનંદ મળે છે. તેથી જ કદાચ એને ય લખવા-વાંચવાની ટેવ પડી. અને હોમવર્ક કે ક્લાસવર્ક કરવાનો એને કદી કંટાળો ન આવ્યો. એનો દિવસ તો ભણવા અને રમવામાં પસાર થઈ જતો. હુંય એની જેમ બાળક બની જતી કેમ કે આ ઘરમાં મોટા બનીને જીવવાનો ભાર લાગે એવું હતું.

તોય મોટાઓ વચ્ચે થતી વાત તો કાને પડતી. મને આ ડેલેથી કાયમ માટે વિદાય કરીને રવિને દત્તક લેવાનો ચંદાબાનો માસ્ટરપ્લાન ફ્લોપ થયો, એ પછી ચન્દાબા અને ઉમંગભાઈ વચ્ચે ચડભડ વધારે ઉગ્ર રહેતી. પૈસાનો બધો વહીવટ એમની પાસે હતો. હું કશું માંગતી નહીં, તોય એ સમૃદ્ધ વર્તમાનનો આનંદ ચંદાબાને આનંદ લાગતો ન હતો. અને ભવિષ્યના આનંદમાં એમને રવિ આડખીલીરૂપ લાગતો. ખાસ તો રવિની મા. એને થતું કે ભવિષ્યમાં આ લોકો ભાગ માંગશે.

એક દિવસ રવિની તબિયત સહેજ ઠીક નહોતી તેથી હું રવિને બાળમંદિરથી સહેજ વહેલી તેડી લાવી, ત્યારે ચંદાબા અને ઉમંગભાઈ વચ્ચેની વાતચીત મેં સાંભળી.

“કરોડોના કારોબારના એકમાત્ર વારસની સગી મા મારી છાતી પર આમ રહે એ મારાથી જોવાશે નહીં.”

“તો શું કરું? મારી નાખું બન્નેને? ને હું પણ ફાંસીએ ચડું?” ઉમંગભાઈ ગુસ્સામાંય આવું બોલે, એ મારે માટે કલ્પના બહારનું હતું.

હું શું કરું, જેથી આ દાવાનળ બૂઝાય? રવિને લઈને બીજે રહેવા ચાલી જવાનોય વિચાર કર્યો, પણ દાદાને પૌત્રની બહુ માયા હતી. એ વહાલમાં અને વહાલમાં બોલી જતાં કે મારો રવિ તો પપ્પા અને કાકા બન્નેના ભાગનો વારસ છે! અને તેથી જ ચંદાબાનું દુ:ખ વધુ ને વધુ અસહ્ય બનતું જતું હતું.

ઉમંગભાઈ ચંદાબા સામે ગુસ્સે થઈ ગમેતેમ બોલી દે પછી એમનાથી પુરુષસહજ બેફિકરાઈ રખાતી નહીં. આડેધડ વેણ ઉચાર્યા પછી એમનું મોં એવું થઈ જતું જાણે સોરી કહેવા માટે તકની રાહ જોતા હોય!

ચંદાબા એમના સ્વભાવની આવી બધી છટાઓને સુપેરે સમજતાં. આવી જ કોઈ પળે એમની અંદર રહેલી કૈકેયી જાગ્રત થઈ, અને બહુ નાનું વરદાન એમણે માંગી લીધું, “મારા ભાઈના બાળક સોહમને દત્તક લઈ લો હવે દલીલ ન કરશો, તમને મારા સમ છે.”

કાયદેસર અને વાજતે ગાજતે ચાર વરસનો સોહમ ઘરમાં આવ્યો. એના ફોઈ એના મમ્મી બન્યા અને સોહમ રવિથી ઉંમરમાં એક જ મહિના નાનો હતો એટલે રવિ એનો મોટો ભાઈ બન્યો. મને તો આનંદ જ થયો.

અચાનક સોહમ પરિવારમાં આવ્યો, એટલે એ કોણ છે એ સમજાવવા માટે અને અને રવિ કાયમી ધોરણે એને સારી રીતે સ્વીકારે એ માટે મેં એની જ એક ચિત્રપુસ્તિકામાંથી એક પરિવારનું ચિત્ર બતાવ્યું, જેમાં એક બાળક એક તરફ મમ્મીનો અને એક તરફ પપ્પાનો હાથ પકડી ઊભેલું હતું. મેં સમજાવ્યું કે જો આ ઉમંગભાઈ ડેડી છે, આ ચંદાબા મમ્મી છે અને આ સોહમ એમનું ચાઈલ્ડ છે.

બીજા દિવસે એ જ બૂક લાવી રવિ સ્ત્રી અને બાળકનું ચિત્ર બતાવી મને કહે છે કે આ તું છે, આ હું છું? તો ડેડી?

આજે પહેલીવાર એણે સવાલ કર્યો, “ડેડી ક્યાં છે?” અચાનક આવી પડેલ સવાલનો જવાબ શું આપવો એ સમજાયું નહીં, ખાસ તો તમે ના પાડી હતી એટલે હોઠ સિવાઈ ગયા.

મેં નક્કી કર્યું કે હવે બીજીવાર રવિ આ સવાલ પૂછશે તો બરાબર વિચારીને જવાબ આપીશ.

ઘરમાં જ સરખી ઉંમરના બાળકના માબાપની સાથે જોઈને એના કુમળા મનમાં વિચાર આવ્યો કે મારા પણ પિતા તો હોવા જોઈએ ને! અત્યાર સુધી આ ક્ષણનો મુકાબલો કરવાનો આવ્યો ન હતો. તમારા કેસની હાઈકોર્ટમાં અપીલો ચાલુ રહી, હિયરીંગ ચાલુ રહ્યા. પણ રવિના બાળપણ પર એની કોઈ અસર હજુ પડી ન હતી.

રવિને બીજા દિવસે સુવાડ્યો પછી મેં જોયું કે એની રફ બૂકમાં એણે એક ચિત્ર દોર્યું હતું, જેમાં બાળકનો એક હાથ સ્ત્રીએ ઝાલેલો હતો, અને બીજો હાથ છૂટ્ટો હતો.

મેં વર્ષોથી ચિત્રકામ છોડી દીધું હતું પણ એ રાતે મેં મહામહેનતે એક એવું ચિત્ર બનાવ્યું કે એક સ્ત્રી બાળકના બન્ને હાથ પકડીને ફેરફુદરડી રમતી હતી. બાળકનો એકે હાથ ખાલી નહતો. પેલા ચિત્ર કરતાં મા અને બાળક બન્ને આનંદિત દેખાતા હતાં. અને ચિત્રની નીચે મેં લખ્યું, “આયમ યોર મમ્મી, એંડ આયમ યોર ડેડી.”

સવારે પોતાની રફબૂકમાં આ નવું ચિત્ર જોઈને એ ખુશખુશાલ થઈ ગયો.

એના સવાલનો જવાબ ક્યાં સુધી ટાળી શકાવાનો હતો? છતાં મેં બાપ બનવાના ક્યારેક મરણિયા તો ક્યારેક ખેલદિલ પ્રયાસો કર્યા. એટલે સુધી કે કોઈવાર રાતે બધા સૂઈ જાય પછી, હું અને રવિ ફાધર-સનની રમત રમતા. હું અલમારીમાંથી તમારા શર્ટ અને પેંટ કાઢીને પહેરતી અને મારા ચોટલાની મૂછો બનાવી રવિ સાથે ઘેરા અવાજમાં વાત કરતી! એને ખૂબ મજા પડતી.

બાળમંદિરના ભૂલકાંઓ એને પૂછે કે તારા ડેડી ક્યાં છે? કેવા છે? તો એ કહેતો મારા ડેડી આવડી આવડી મૂછોવાળા છે અને રાતે ઘરે આવે છે.

ટૂંકમાં તમે છૂટીને આવશો ત્યારે કદાચ તમને નહીં ગમે તોય, તમારે મારા ચોટલા જેવી મૂછો રાખવાની થશે, નહીં તો તમારો દીકરો તમને ઓળખવાની ના પાડી દેશે.

એક દિવસ રવિ, શીખીને આવ્યો હશે એટલે, રમત રમતમાં બોલ્યો, “પપ્પા કમાવા જાય અને મમ્મી રસોઈ કરે.”

મને અમસ્તો જ વિચાર આવ્યો કે તમે જેલમાં જે હાથવણાટ વગેરે કરો છો એમાંથી જ રવિનો અભ્યાસનો ખર્ચ કરવો. અને એના બાકીના ખર્ચ માટે પણ મેં નવરા બેઠા યોજના વિચારી લીધી. ગામમાં વિધવા અને ત્યક્તા બહેનોને એકઠી કરી સિલાઈ મંડળી બનાવી. એકલા રવિના નહીં ગામના બહુ બધા દીકરાઓના ખર્ચ નીકળવા માંડ્યા. મારે તો આવકની ખાસ જરૂર નહોતી તોય આ મહેનતની કમાણી બહુ વહાલી લાગતી. ખબર નહીં કેમ, બચત ગમે તેટલી હોય, બચત પર જીવીને કોઈ રાજી નથી રહેતું.

એક દિવસ પપ્પાજીએ કહ્યું, “હવે રવિ મોટો થશે બહાર રમવા જશે અને બાળમંદિરના ભૂલકાંઓ એને નિર્દોષતાથી પૂછવાને બદલે, એમના માબાપે તરંગ વિશે જે સાચુંખોટું જણાવ્યું હશે તે રવિને જણાવશે.” એમનું કહેવું હતું કે રવિને હોસ્ટેલમાં મૂકી દો.

મેં હસતાંહસતાં કહ્યું, “એક તો છે જ, સરકારી હોસ્ટેલમાં! બીજાને નથી મોકલવો દૂર! હું સાચવી લઈશ મારી રીતે.”

પછીના બેત્રણ વરસ મેં સાચવ્યું. પપ્પ્પાજી રવિને બહાર રમવા જવા ન દે. સોહમ સાથે એ રમવા જાય અને એની સાથે એનો મેળ ન પડે. સોહમ ચીટીંગ કરે, ચંદાબા એનું ઉપરાણું લે. હું રવિનો પક્ષ લેવા જાઉં તો ઘરમાં ઝઘડા થાય. એટલે મારે ચૂપ રહેવું પડે. છતાં રવિ સાથે જ્યારેજ્યારે ચીટીંગ થાય તે રાતે મેડી પર લઈ જઈને હું એને સમજાવું કે તારી સાથે ચીટીંગ થયું છે, એની મને ખબર છે. એનું મને પણ ત્યારે તારા જેટલું જ દુખ થયું. પણ હવે એ ખંખેરી નાખવાનું. ભૂલી જવાનું.

રવિ મોટાભાગની વસ્તુ ખંખેરી નાખતા શીખ્યો પણ સોહમ ચીટીંગ કરવાનું ન ભૂલ્યો.

એક દિવસ રવિ મને કહે, “એ કાલે ફરી ચિટીંગ કરશે!”

મેં એને સમજાવ્યું, “કાલે એ રમવા આવે તો કહેવાનું કે મને બહુ રમવાનું મન નથી.”

“એ મને ખેંચીને લઈ જશે.”

“તારે કહેવાનું કે ચિટીંગ નહીં થાય એવું પ્રોમિસ આપ તો રમવા આવું.”

એણે એવું જ કર્યું.

જવાબમાં સોહમે કહ્યું, “ચીટર તો તારો બાપ છે. એટલે તો મામાને ઘરે છે!”

રવિ બહાર રમવા નહોતો જતો, પણ સોહમ તો જતો હતો. અને આ બધું જાણવા માટે સોહમે બહાર જવાની પણ ક્યાં જરૂર હતી? ચંદાબા હતા ને ઘરમાં! સારું થયું કે ‘મામાને ઘરે’ એટલે ‘જેલમાં’ એવી રવિને સમજ ન પડી. પણ હવે અહીં હીજરાવા કરતાં હિજરતનો સમય આવી ગયો હતો. બે માણસના કાફલાએ નવો પડાવ શોધવાનો હતો.

મેં નિર્ણય લીધો કે હવે ગામ રજાઓમાં જ આવીશું. મા-દીકરો સાથે રહી શકીએ એ માટે અમદાવાદમાં ભાડે ફ્લેટ લેવાનું નક્કી કર્યું. ગામ તો માંડ સિત્તેર કિલોમીટર દૂર હતું એટલે શનિ-રવિ અવાય. અને ડિસ્ટ્રીક્ટ સેંટ્રલ જેલ તો બન્ને જગ્યાથી સાવ સરખા અંતરે હતી.

અમદાવાદના દલાલે પૂછ્યું, “કયા એરિયામાં ફ્લેટ શોધું?”

મેં કહ્યું, “હાઈકોર્ટની નજીક!”

*

હું બાવીસ વરસની મોડર્ન છોકરી છું. અને આ જૂની ડાયરી વાંચી રહી છું. લાવણ્યાએ એના દીકરાને કેવી મુશ્કેલ પરિસ્થિતિમાં, કઈ રીતે બહાદુરીથી અને હસતા મોઢે મોટો કર્યો એ કથા ગમે તેટલી ઇંસ્પાઈરીંગ હોય, એ મારી ઉમરની, મારી જનરેશનની છોકરી માટે થોડી તો બોરિંગ જ ગણાય.

મને રસ એ જાણવામાં હતો કે એના પતિની ફાંસીની જનમટીપ થઈ કે નહીં? વીસપચીસ વરસે પણ એનો છૂટકારો થયો કે નહીં? મને વિચાર આવ્યો કે થોડા પાનાં ગપચાવીને આગળ વધું ત્યાં જ મારો મોબાઈલ રણક્યો. પપ્પાનો કોલ હતો. આજે ઘરમાં રસોઈ નહીં બની હોય. અને પપ્પા બહાર લંચ લેવાના હશે. અને હૂ બેટર ધેન ડોટર ટુ એકમ્પની!

ફોન ઉપાડતાં મેં આમ વિચાર્યું, પણ પપ્પા ડરેલા અવાજે બોલ્યા, “બેટા જલદીથી અપોલો હોસ્પિટલ આવી જા, તારી મમ્મીએ ઊંઘની ઘણી બધી ગોળીઓ પી લીધી છે!”

હોસ્પિટલમાં આઈ.સી.સી.યૂ.ની બહાર પોલિસ ઊભી હતી, નામી વકીલની પત્નીએ સ્યુસાઈડ અટેમ્પ્ટ કર્યો હતો એટલે નાના નાના અખબારોના લાંચિયા પત્રકારો પણ મંડરાઈ રહ્યા હતા. પપ્પાએ મને ઈશારાથી અંદર જઈને મમ્મીને જોઇ આવવા કહ્યું. મમ્મી જાણે મૃત્યુ જેવી ગાઢ નિદ્રામાં હતી. ઓક્સીજન, વેંટીલેટર નળીઓને વચ્ચેથી દૃશ્ય બિહામણું લાગતું હતું. હું ચક્કર ખાઈને પડું એ પહેલા અનુરવ આવી ગયો. અને મને ટેકો આપી બહાર લઈ ગયો.

અનુરવે માહિતી આપી. પપ્પા મોડેમોડે કોર્ટ જવા નીકળ્યા પછી મમ્મીનો મેસેજ આવ્યો “ગૂડબાય!” પપ્પા કેસ અડધો છોડીને ભાગ્યા. જોયું તો મમ્મીની પથારીની બાજુમાં ઊંઘની દવાની છ ખાલી થયેલી પત્તીઓ પડેલી હતી. દસમી મિનિટે તો મમ્મી આઈ. સી. સી. યૂમાં હતી.

બે દિવસ બહુ ખરાબ ગયા. આશ્ચર્યજનક રીતે ધાર્યા કરતાં મમ્મીની વહેલી રિકવરી થઈ. બે દિવસમાં તો એ બેઠી થઈ ગઈ. પણ એ બે દિવસમાં શહેરમાં પપ્પાની ભયંકર બદનામી થઈ. મમ્મીના ભાઈઓએ બે હાથ જોડીને મમ્મીને પપ્પા વિરુદ્ધ નિવેદન ન આપવા સમજાવ્યું, પણ એણે પત્રકારો સામે અસ્પષ્ટ ભાષામાં પપ્પાને જ આ આપઘાતના પ્રયાસ માટે જવાબદાર ઠેરવ્યા. પપ્પાના હરીફ વકીલોને મજા પડી ગઈ. પોલિસે નછૂટકે કેસ દાખલ કરવો પડે એવું દબાણ ઊભું થવા લાગ્યું.

ત્યાં જ લેબોરેટરી રિપોર્ટ આવ્યો. મમ્મીના લોહીમાં ઊંઘની દવાનું પ્રમાણ એક કે બે ગોળી લીધી હોય એટલું જ હતું! મમ્મીએ બાકીની ગોળીઓ બાલ્કનીમાંથી બહાર ફેંકી દીધી હતી, જેમાંથી અમુક ગોળી તપાસ કરતાં બાલ્કનીની બહારના છજા પરથી મળી પણ આવી. પપ્પા પરથી આફત ટળી. મેં કહ્યું, “હવે મમ્મી પર કેસ કરો!” મમ્મીનું આ નાટક પહેલીવારનું ન હતું.

પ્રકરણ ચૌદ

મેં બહુ રોષે ભરાઈને કહ્યું, “પપ્પા! આ વખતે તો મમ્મી પર કેસ કરો.” પણ મામાઓએ વિનંતિ કરી એટલે પપ્પાએ એને સોશિયલ મેટર ન બનાવી. મામાઓએ મને પણ સમજાવી પણ હું કંઈ શાંત ન પડી. મમ્મી ભાનમાં આવી કે તરત એના પર વરસી પડી, “કેમ આપઘાતનું નાટક કર્યું?”

“નાટક નહોતું, બધી જ ગોળી સાથે કેવી રીતે ગળાય? એટલે એક પછી એક લેતી હતી. પણ બે ગોળી લેતાં જ ઊંઘ આવી ગઈ. પછી શું થયું તે ખ્યાલ નથી.”

મેં બરાડો પાડ્યો, “તો ઊંઘની ગોળીઓ જાતે કૂદીને બાલ્કનીના છજા પર પડી? હવે બીજીવાર મરવાનું મન થાય તો મને કહેજે. મારી પાસે બહુ પ્લાન તૈયાર છે મરવાના!”

દરેક માણસે જીવનમાં એકાદવાર તો મરવાનો વિચાર કરેલો જ હોય. મારી પાસે તો અસંખ્ય પ્લાન હતા. પણ હું આવું ત્રાગું ન કરું.

પપ્પાની ઓળખાણોને કારણે મમ્મી પર આપઘાતના પ્રયાસનો પણ કેસ ન થયો. મમ્મીને હોસ્પિટલમાંથી રજા મળી.

મેં મામાઓને કહ્યું, “હવે મમ્મીને તમારા જ ઘરે લઈ જાવ. મને ન જોઈએ આવી મમ્મી!”

મમ્મીને લઈ જવી પડશે એવી કલ્પનાથી મારી મામીઓનું મોઢું જોવા જેવું થઈ ગયું. મામાના હોઠ પણ સીવાઈ ગયા.

મામા મમ્મીને ખિજાઈને બોલ્યા, “ચાલ! સોરી કહી દે સુરમ્યાના પપ્પાને! અને બોલ ક્યાં રહેવું છે હવે?” એ પણ મમ્મીના જ ભાઈ હતા બધા. પપ્પા જેવા ભલા ન હતા. મારી મમ્મી એમને મન કન્યાદાનવેળાએ જ પપ્પાને પધરાવેલી નોન-રિફંડેબલ ગિફ્ટ હતી.

મમ્મીએ જરા ગડમથલ કરીને નિર્ણય જાહેર કર્યો, “મારે મારા પતિના ઘરે જ જવું છે!”

મેં કહ્યું, “જો મમ્મી એ ઘરમાં આવશે તો હું નહીં જાઉં.”

અનુરવ મને સમજાવવા લાગ્યો, “સુરમ્યા, આ પપ્પાની મેટર છે. એમાં તારે એક્સટ્રીમ સ્ટેપ લેવાની જરૂર નથી. અને તું તારા ઘરે નહીં જાય તો ક્યાં જશે?”

હું કંટાળી ગઈ હતી. મેં કહ્યું, “અનુરવ, તું મને ભગાડીને તારા ઘરે લઈ જા!”

અનુરવે મને કહ્યું, “આર યૂ સિરિયસ? પાંચ દિવસમાં આ બીજી વાર તું આવું બોલી રહી છે!”

મને તો યાદ નહોતું!

અનુરવે યાદ કરાવ્યું, “ગયા અઠવાડિયે ફિલ્મ જોવા ગયા ત્યારે તું ચાલુ ફિલ્મે ઊંઘી ગઈ હતી અને તને માંડ ટેકો આપી બાઈક પર બેસાડી ઘરે મૂકવા આવ્યો ત્યારે તું ઊંઘમાં ને ઊંઘમાં બોલી હતી કે ક્યાં આ બોરીંગ ઘરે લઈ આવ્યો, અનુરવ મને તારા ઘરે લઈ જા ને! કાયમ માટે!”

મને યાદ ન આવ્યું. ઊંઘમાં બોલીને ભૂલી જવાની ટેવ છે મને, પણ આજે હું હોશમાં હતી, મેં અનુરવને કહ્યું, “અનુરવ, હું કાયમ માટે ભગાડી લઈ જવા નથી કહેતી! મારે તારા માથે નથી પડવું પણ એટલિસ્ટ આજે મારે મારા ઘરે નથી જવું.”

ત્યાં જ પપ્પા આવ્યા અને એ એવું વાક્ય બોલ્યા જે ઓપ્ટિમિઝમની હાઈટ હતી, “ચાલો બેટા, એવેરીથીંગ વીલ બી ફાઈન!”

મેં કહ્યું, “ના, એ ઘરમાં મારો શ્વાસ ઘૂંટાય છે, મારે થોડા દિવસ બહાર જવું છે.”

“ક્યાં જશે?” પપ્પાએ હમણાં જ ‘ક્વીન’ મૂવી જોયું હતું એટલે ચિંતાતુર થઈ ગયા!

“અનુરવના ઘરે, એક બે દિવસ..” મેં કહ્યું.

પપ્પા એ ‘હા’ પાડી, એટલે મેં ધીમે રહીને કહ્યું, “એક-બે દિવસ એટલે એક વત્તા બે.. ત્રણ દિવસ!” પછી ઉમેર્યું, “અનુરવના ઘરે રહીશ એટલા દિવસ ઓફિસ નહીં આવું!” પપ્પા હા કે ના કહે એ પહેલા અનુરવનો હાથ ખેંચી બહાર નીકળી ગઈ.

મેં અને અનુરવે એક જ કોલેજમાંથી એલ એલ બી કર્યું, પણ કદી એના ઘરે જવાનો પ્રસંગ આવ્યો નહોતો.

ઘરેથી એક રકશેકમાં જરૂરી સામાન લઈ અનુરવની બાઈકની પાછળ બેઠી. એ પળથી મારું ત્રણ દિવસનું વેકેશન શરૂ થયું. રસ્તે મેં અનુરવને પૂછ્યું, “તારા ઘરે પરમિશન લીધી છે ને?”

અનુરવ બોલ્યો, “હા”

“બધી વાત કરી?”

અનુરવ બોલ્યો, “હા મારી મા.. હા”

“મારી મા મારી મા શું કરે છે? પછી તારા ઘરે તારી મા મને કોઈ લાંબુલચક લેક્ચર તો નહીં આપે ને?” મારા સવાલો ખૂટતાં ન હતા.

અનુરવ કંઈ ન બોલ્યો.

“તારા મમ્મી મને એમ તો નહીં કહે ને કે પોતાની સગી મા સાથે આવું વર્તન ન કરાય!”

અનુરવ કંઈ ન બોલ્યો.

“એવું થશે તો હું ત્રણના બદલે એક જ દિવસમાં પાછી ચાલી જઈશ.”

“ઓહ!” અનુરવે ધીમે રહીને ઉમેર્યું, “પણ એવું ન થાય તો?”

“તો રહી પડીશ”

“એક મહિનો?”

“ના, આખી લાઈફ!”

એમ અમે અનુરવના એપાર્ટમેંટ પર પહોંચ્યા, શહેરની બહાર છેક હાઈકોર્ટની આગળનો કોઈ એરિયા હતો.

નીચે ફ્લેટહોલ્ડર્સના નામની યાદી પર અનુરવનું નામ શોધવા નિષ્ફળ પ્રયાસ કરતાં મેં પૂછ્યું, “કયા માળે જવાનું છે?”

અનુરવે લિફ્ટમાં ચોથા માળનું બટન દબાવ્યું, લિફ્ટની જાળી વચ્ચેથી બોર્ડ પર “લાવણ્યા ત..” જેવું કંઈ નામ વાંચુ ન વાંચુ ત્યાં તો લિફ્ટ ઉપડી.

ચોથા માળે ઊભી રહી, જે ફ્લેટનો બેલ વગાડ્યો, એ ફ્લેટ પર “લાવણ્યા તરંગ દીવાન” લખેલું હતું. હવે ગડ બેસી ગઈ. ડાયરી યાદ આવી. લાવણ્યાએ દીકરાનું નામ ‘તરંગ’ જેવું જ રાખવું હતું. સાંભળતા જ કંપન થાય એવું... ‘અનુરવ!’

દાદાને હોઠે ‘અનુરવ’ ન ચડ્યું એટલે જેનું નામ રવિ પડી ગયું એ મારી બાજુમાં હતો.

મને જૂની ડાયરીઓ વાંચવા આપીને, એ ડાયરી પોતાની જ મમ્મીની છે, એ વાત છુપાવનાર અનુરવ હવે એકલામાં મળે એટલે એની વલે થવાની હતી. કોઈ છોકરાને તડાક કરીને ટપલી મારવી એ મારે માટે ડાબા હાથનો ખેલ હતો. પણ અનુરવ તો લાંબો સમય સુધી કંપન થાય એવી લપડાકનો ઘરાક થઈ ગયો હતો.

લપડાક માટે મારા હાથ સળવળી રહ્યા હતા, ત્યાં જ ફ્લેટનો દરવાજો ખૂલ્યો.

મેં લાવણ્યાને જોઈ. મારે મન તો એ વંચાઈ રહેલી નવલકથાનું પાત્ર હતું. બાવીસ-પચીસ વરસની નાયિકાનું ચિત્ર હતું મારા મનમાં. હવે લાવણ્યાની ઉમર ચાલીસની ઉપર હશે. પણ આટલે નજીકથીય એમનો એકેય વાળ સફેદ ન દેખાયો. પગે પડતાં મને ન આવડે. (ગળે પડતાં આવડે, ગળે જ પડી હતી ને!) એટલે નમસ્તે કરવા વિચારતી હતી ત્યાં જ લાવણ્યાએ હેંડ શેઈક કરવા હાથ લંબાવ્યો.

લાવણ્યાનો હાથ હાથમાં હતો ત્યારે મારા મનને હું વિચારતાં રોકી ન શકી કે જે લાવણ્યાએ પતિ તરીકે તરંગ જેવા બદનામ માણસને સ્વીકારી લીધો, એ મારા જેવા ડિફેક્ટીવ પીસને પણ વહુ તરીકે સ્વીકારી લેશે કદાચ! લાવણ્યાનો હાથ મમ્મીઓ જેવો ન હતો. સહેલીઓ જેવો હતો. મારી મમ્મી જેટલી જ ઉંમર હશે એટલે મારે “આંટી” જ કહેવું જોઈએ. મેં એમ જ કહ્યું. પણ મને યાદ આવ્યું કે અનુરવ સાથેની વાતમાં હું એના મમ્મી માટે “લાવણ્યા લાવણ્યા” કહીને તુંકારો કરતી હતી, ત્યારે એને કેવું લાગ્યું હશે?

ત્યાં જ અનુરવ બોલ્યો, “લાવણ્યા, ત્રણ કપ ચા મૂકશે? ત્યાં સુધી હું નાહીને આવું!”

લ્યો, અનુરવ એની મમ્મીને પણ નામથી બોલાવતો હતો! આવો તો પહેલો દીકરો જોયો. લાવણ્યાએ અનુરવ માટે બાપ-મા અને મિત્રની ત્રેવડી ભૂમિકા ભજવી હતી. પછી તો વચ્ચેવચ્ચે મારા મોંથી ય ‘લાવણ્યા’ નીકળી જતું.

“આવ સુરમ્યા! ચા બનાવીએ.” લાવણ્યા બોલી.

વાક્યનો પહેલો હાફ મને ઉષ્માભર્યો લાગ્યો અને બીજો હાફ ધ્રુજાવનારો. ચા બનાવતાં અહીં કોને આવડતી હતી!

બાથરૂમનું ડોર બંધ કરતાં અનુરવે આ સાંભળ્યું અને એ વહારે ધાયો, “સુરમ્યા, તારે કીચનમાં ખાલી જવાનું છે, ચા લાવણ્યા બનાવશે. લાવણ્યાને ખબર છે કે તને તારા પપ્પા કીચનમાં જવા દેતા નથી!”

વાત સાચી હતી, મારા પપ્પાની હું ઓવરપ્રોટેક્ટેડ દીકરી હતી! દીકરી દાઝી જાય એ ભયથી મને એ કીચનમાં પેસવા દેતાં નહીં.

સળગીને મરી ગયેલી પુત્રવધુઓના કેસ એમની પાસે આવતાં. બચાવ પક્ષના એટલે કે સાસરિયાઓના એ જાણીતા વકીલ. બધા સાસરિયા એમને સાચું કે ખોટું એમ જ કહે, “વહુ રસોઈ કરતાં દાઝી ગઈ” અને એ પણ એમ જ સાબિત કરે. ધીરેધીરે વકીલસાહેબ સાસરિયાઓની વાત સાચી માનવા માંડ્યા! એટલે એમના મનમાં રસોઈની એવી ધાક પેસી ગઈ કે દીકરીને કીચનમાં નહોતા પેસવા દેતા.

પણ હું લાવણ્યા સાથે કીચનમાં ગઈ. લાવણ્યાએ ચા માટે દૂધની તપેલી ગેસ પર મૂકી અને મેં મારો કેસ તૈયાર કરવા માંડ્યો. મેં પૂછ્યું, “તમને અનુરવે મારા વિશે પહેલીવાર ક્યારે કહ્યું?”

મને એમ હતું કે ‘ગઈકાલે’ એવો જવાબ મળશે.

લાવણ્યાએ કહ્યું, “ત્રણ વર્ષથી છૂટું છવાયું તારું નામ સાંભળતી હતી, પણ બરાબર છ મહિના પહેલા એક દિવસે તારો વ્યવસ્થિત ઉલ્લેખ થયેલો.”

“ક્યારે?” મેં મારા અવ્યવસ્થિત વાળ સરખા કરતાં ઈંતેજારીથી પૂછ્યું.

“જ્યારે ફાઈનલ એલ. એલ બી.નું રિઝલ્ટ આવ્યું ત્યારે.”

મેં જોયું કે લાવણ્યાને જેમ ડાયરી વિગતવાર લખવાની ટેવ હતી એમ જૂની વાત પણ વિગતવાર સંવાદો સાથે કરવાની એને ફાવટ હતી.

દૂધમાં ચાની પત્તી નાખતાં લાવણ્યાએ રસપૂર્વક એ દિવસની વાત યાદ કરી.

*

એ દિવસ અનુરવ આવ્યો, “લાવણ્યા! હું છઠ્ઠા સેમેસ્ટરમાં પાસ થઈ ગયો, બસ એક માર્ક માટે મેડલ ગયો!” “તને બહુ દુખ થયું, દીકરા?”એ બોલ્યો, “તને દુખ થયું?”

“તારો મેડલ ન આવ્યો એ વાતનું મને કદી દુ:ખ ન થાય! પણ મેડલ ગયું એ વાતે મારો દીકરો જો દુ:ખી થયો હોય તો એના દુ:ખે હું દુખી થાઉં ખરી!” હું બોલી. ”મને સમજાયું નહીં. ચોખ્ખું બોલ ને! પાંચવાર તારા દીકરાનો મેડલ આવ્યો અને છઠ્ઠીવાર મેડલ એક માર્કથી ગયો તો તું દુ:ખી થઈ કે નહીં. યસ ઓર નો?”બેટા એક ફૂલટાઈમ મમ્મીને અંગત દુ:ખ કે સુખ હોતું નથી એનું મન તો દીકરાના સુખ-દુ:ખનો અરીસો હોય.”

“તો અરીસો શું કહે છે?” અનુરવે પૂછ્યું. ”તું મારી પરીક્ષા લે છે? જોવા દે તારી આંખ!”

અનુરવે આમ કરીને એના પપ્પા જેવી એની મોટી મોટી આંખો સામે ધરી, “લે જો!”

અને મેં એના આંખ અને હૈયું વાંચવા માંડ્યા, “ હા...દેખાય છે કે તું ખાસ દુ:ખી નથી. કેમ કે, તારા ક્લાસની સુરમ્યા પાંચપાંચ સેમેસ્ટરથી મેડલ માટે તનતોડ મહેનત કરતી હતી અને તું રમતરમતમાં મેડલ લઈ આવતો. એટલે આ વખતે સુરમ્યા કેટલી ખુશ હશે એમ વિચારીને તને મેડલ ગુમાવ્યાનું બહુ દુ:ખ નહીં થતું હોય! એમ આઈ રાઈટ માય સન?”

*

આમ લાવણ્યાએ એનો અનુરવ સાથેનો સંવાદ આબેહૂબ વર્ણવ્યો.

તો છઠ્ઠા સમેસ્ટરમાં મારો મેડલ આવ્યો હતો, એ વાત લાવણ્યાને ખબર હતી. મારો કેસ મજબૂત થતો જતો હતો.

ત્યાં જ પાછળથી અનુરવનો અવાજ આવ્યો, “લાવણ્યા, એક વાત કહેવાનું ભૂલી ગયેલો.”

ખબર નહીં એ ક્યારે નાહીને આવી ગયો અને છેલ્લા એક બે વાક્ય સાંભળી ગયો હશે, એટલે હોશિયારી મારવા લાગ્યો, “ફાઈનલ એલ. એલ. બીમાં સુરમ્યાનો મેડલ આવ્યો, એમાં થોડી એની મહેનત અને થોડી એના પપ્પાની ઓળખાણોનો પણ ફાળો હતો!”

મારા ડાબા હાથમાં આદુનો ટુકડો અને જમણા હાથમાં ખલદસ્તો હતો. સેફ્ટી માટે પહેલા મેં જમણા હાથને કંટ્રોલ કર્યો. તોય ડાબા હાથમાં સળવળાટ થતો હતો. એનેય કંટ્રોલ કર્યો.

લાવણ્યા મારા પક્ષે બોલી, “મને તો લાગે છે, તું જ જાણી જોઈને એકાદ આન્સર છોડી આવ્યો હશે, જેથી સુરમ્યાનો મેડલ આવે!”

અનુરવ હસ્યો.

લાવણ્યા બોલી, “ચાલો સવાર માટે ઈડલીનો લોટ બોળી દઈએ!”

હું વિચારતી રહી, ઈડલી વળી ઘરે બનાવાય? એ તો ઉડીપીમાં મળે!..

*

મારે લાવણ્યાના રૂમમાં જ રહેવાનું હતું. જેના જીવનની કથા ડાયરીની જેમ વાંચી, એના ઘરમાં, એના બેડરૂમમાં ખરેખરો પ્રવેશ મળ્યો, એ મારે માટે “એલિસ ઇન વંડરલેંડ” કરતાં વધારે રોમાંચક હતું. હવે ડાયરી વાંચવાની ન હતી. ડાયરી ખુદ મારી સામે જીવતી જાગતી ઊભી હતી. અને એને બોલતી કરવા માટે બહુ સવાલો પૂછવાની જરૂર નહોતી પડતી! મેં એક જ સવાલ પૂછ્યો, “તમારી ડાયરી અનુરવે મને આપી એ પહેલાં તમારી પરમિશન લીધેલી?”

રાતે સાથે સૂતાં સૂતાં મને ખ્યાલ આવ્યો કે લાવણ્યાને અનુરવની જેમ જ ખુલ્લા દિલે મોકળા મને વાત કરવાની ટેવ. હું હસી, તરંગ દીવાનના વ્યસનો તો છૂટી ગયા પણ એની વાઈફને બોલતી ડાયરીની જેમ જ વાતો કરવાનું, છૂટી ન શકે એવું વ્યસન હતું. લાવણ્યાએ શરૂ કર્યું, “વાત એમ હતી કે..

*

અનુરવે પાંચ દિવસ પહેલા જ મને કહ્યું, “લાવણ્યા, સુરમ્યા સાથે મારે ફ્રેંડશીપ છે.”

મને તો ખબર હતી જ તમારા બન્ને વચ્ચે છ મહિનાથી તો પાક્કી ફ્રેંડશીપ છે.

મેં કહ્યું, “એમાં તે નવું શું કહ્યું?”

અનુરવ બોલ્યો, “મને એમાં આજે કંઈ નવો એંગલ જાણવા મળ્યો.”

હવે મસ્તી કરવાનો સમય ન હતો. એટલે મેં પૂછ્યું, “શું?”

અનુરવ સિરિયસ થઈ બોલ્યો, “મને એવી ખબર પડી કે સુરમ્યા મારે વિશે ફ્રેંડશીપ કરતાં થોડું આગળ વિચારે છે!”

એણે કહી દીધું એટલે મેં ફરી મસ્તી કરી, “તે વિચારે જ ને! તું છે જ એવો કે કોઈ પણ છોકરી..”

“લાવણ્યા, મજાક નહીં. હજુ મારે માટે આ વહેલું છે. મેં આ વાત વિચારી નથી. અને હમણાં વિચારવાનો પણ નથી”

હું મનમાં બોલી, “એ તારા હાથમાં નથી, બેટમજી! ઉમર ઉમરનું કામ કરે, છોકરીઓ તારા જેવા છોકરાને લામ્બો સમય એકલો ન રહેવા દે!” પણ અનુરવ જરા ગડમથલમાં લાગ્યો એટલે મજાક કરવાને બદલે મેં પૂછ્યું, “તું અત્યારે ‘હા’ કે ‘ના’ નથી કરવા માંગતો, એ તો મને સમજાયું.”

‘હં’ એટલું બોલી એ અટક્યો.

“તો અત્યારે તારા મનમાં શું ચાલી રહ્યું છે?”

“સુરમ્યા એના મનમાં ને મનમાં આગળ વધે એ પહેલા આપણા ફેમિલીનું બેક ગ્રાઉંડ અને ખાસ કરીને પપ્પા વિશેની વાત એને મારે કહી દેવી જોઈએ કે નહીં, એ વિચારી રહ્યો છું.”

“તને એમ છે કે તારા પપ્પાની હિસ્ટરી જાણીને, એ અટકી જશે?”

“એ નિર્ણય તો એણે અને એના ફેમિલીએ કરવાનો થાય, પણ એ ઈમોશનલી આગળ વધે એ પહેલા એને બધી ખબર હોવી જોઈએ.”

મેં કહ્યું, “હં, તારા દાદાએ તો એમની પુત્રવધુથી વાત છુપાવેલી પણ તારી મમ્મી હવે કોઈથી નહીં છુપાવે. એટલે સુરમ્યાને કોઈ પણ રીતે બધું કહી દેવું જરૂરી ગણાય.”

એ મૂંઝાવા લાગ્યો, “હું કેવી રીતે કહું? બધું એકદમ શરૂઆતથી ન કહેવું પડે?”

એટલે મેં જ એને મારી ડાયરી આપી. કહ્યું, “લે આ સુરમ્યાને વાંચવા આપજે!”

એ બોલ્યો, “આખી ડાયરી?”

એણે તો એની અઢારમી વરસગાંઠ પર જ આખી ડાયરી વાંચી હતી.

મેં કહ્યું, “હા, આખી ડાયરી!

*

લાવણ્યા શ્વાસ લેવા અટકી. અને હવે મને સમજાયું, “ઓહ, તો તમારા કહેવાથી અનુરવે મને ડાયરી આપી હતી?”

“હા, સુરમ્યા, અને પેલા પાછળથી ઉમેરેલા ચાર પાના પણ. પણ હું નથી ધારતી કે તને બહુ કંટાળો આવ્યો હોય! કેમ કે અનુરવ જ કહેતો હતો કે તને રીડીંગનો શોખ છે!”

પછી લાવણ્યાએ એક લેખક વાચકને પૂછે એમ પૂછ્યું, “તોય થોડો થોડો કંટાળો તો આવ્યો હશે નહીં?”

જો કે, વચ્ચે વચ્ચે એક બેવાર એકબે પાનામાં કંટાળો આવ્યો હતો.

પણ હું સભ્યતાથી બોલી, “ના, ના, ડાયરી બહુ ઈંટેરેસ્ટીંગ હતી.” ખોટી વાત ન હતી, ઈંટેરેસ્ટીંગ તો હતી જ.

લાવણ્યા બોલી, “હાશ, મારું કામ પૂરું થયું. મારે કહેવાનું હતું એ બધું મેં ડાયરીમાં કહી દીધું. હવે તું જાણે અને અનુરવ જાણે!”

“પણ તો પછી મારે પણ મારા મમ્મી-પપ્પાની બધી વાત પણ તમને લોકોને કરવી પડે ને!” હું જરા નિખાલસતાથી અને વધારે ગભરાટથી બોલી.

“પેપરમાં આવ્યું એટલું મને ખબર છે. અનુરવનેય ઝાઝી ખબર તો નથી પણ હમણાં એ વાતની ઉતાવળ નથી.”

“કેમ?” મને જ ઉતાવળ હતી, બધી લાઈન ક્લીયર કરી નાખવાની!

“કેમ કે તું વેકેશન પર છે..” એમ કહી લાવણ્યાએ મારા ગાલ પર ટપલી મારી અને લાઈટ બંધ કરી. વેકેશન ખરેખર શરૂ થઈ ગયું હતું. ત્રણ દિવસનું આ વેકેશન મારા જીવનનું સૌથી એંજોયેબલ વેકેશન હતું.

પ્રકરણ પંદર

રાતે સૂતી વખતે હું વિચારતી હતી કે હું તો વેકેશન પર હતી જ, પણ અનુરવ પણ કાલે રજા પાડી દે તો તો કેટલું સારું! પણ એ કંઈ મારી જેમ અમસ્તી રજા ન પાડે.

મેં કલ્પના કરી કે એ તૈયાર થતો હશે ત્યારે “ન જાઓ સૈયા..છુડા કે બૈયાં” જેવું કોઈ ગીત ગાઈને એને રોકીશ. ના, ના, આ નહીં કોઈ બીજું ગીત.

પછી વિચાર આવ્યો, નાયિકા નાયકને રોકે, એટલે ચિડાયેલો નાયક બોલે, “ઓફિસે તો જવું જ પડે ને! તારા બાપની ઓફિસ છે? કે રજા પાડીએ તો ચાલે!”

પણ ઓફિસ તો મારા બાપની જ હતી. હું હસતાં હસતાં ઊંઘમાં સરી ગઈ. અનુરવના ઘરમાં પ્રવેશ મળ્યો એટલે મને તો આખી દુનિયા મારા બાપની લાગતી હતી.

મારા ઘરે એવું થાય કે હું સૂતી હોઉં અને નીચેથી બૂમોનો વરસાદ થાય, પછી જ જાગું. પણ અહીં માથે હાથ ફર્યો અને ઊંઘ ઊડી. લાવણ્યા સવારની પહેલી ચા લઈને ઊભી હતી. શરમાઈને જલદી જલદી ઊઠીને નહાઈ લીધું. ત્યાં સુધી ઓફિસે જવા માટે અનુરવ લગભગ તૈયાર હતો. આજે શનિવાર એટલે ઓફિસ હાફ ડે. લંચમાં ઈડલી સાંભાર ખાવા માટે એ પણ જોડાવાનો હતો. અનુરવનું કહેવું હતું કે એના મમ્મી જેવી ઈડલી તો કદાચ કોઈ બનાવીય શકે પણ એના જેવો સાંભાર કોઈ ન બનાવી શકે.

અનુરવ જાય એ પહેલા સવારની બીજી ચા બનાવવાનું બીડું મેં ઝડપ્યું. લાવણ્યાને ગઈ સાંજે એકવાર ચા બનાવતાં જોયા પછી, મેં મારા જીવનની પ્રથમ ચા બનાવી. ટ્રેમાં ત્રણ કપ ચા લઈ હું ડાઇનીંગ ટેબલ પાસે આવી. ચા સરસ હતી. ઘરે મેગી બનાવ્યા અને પાપડ શેક્યા પછીની આ ત્રીજી આઈટમમાં પ્રથમ પ્રયાસે જ મારી માસ્ટરી આવી ગઈ. ત્રણ આઈટમ આવડી ગઈ, એટલે લગ્ન પહેલા બીજી સત્તાણું આઈટમ શીખી લેવાનો મેં સંકલ્પ કર્યો.

ચા સાથે ખાખરાનો નાસ્તો કરતાં કરતાં વાતો ચાલી. અનુરવને બદલે લાવણ્યાએ પૂછ્યું, “ડાયરી ક્યાં સુધી પહોંચી?”

ડાયરી તો મેં બહાર કાઢીને જ રાખી હતી. પાનાં ઉથલાવી મેં કહ્યું, “તમે અમદાવાદ હાઈકોર્ટ નજીક ઘર શોધવાનું નક્કી કર્યું ત્યાં સુધી.”

અનુરવ જતાં જતાં હસ્યો, “તો એ હાઈકોર્ટની નજીકના જ ઘરે તું બેઠી છે.”

લાવણ્યાએ ઉમેર્યું, “બાર વરસથી અમે અહીં છીએ. ત્યારે ઘર મોટું લાગતું હતું, હવે નાનું લાગે છે.”

અનુરવ ગયો પછી હું મૂંઝાઈ. ત્રણચાર દિવસથી ડાયરી વાંચી ન હતી. એટલે એ વાંચવાનું પણ ખૂબ મન હતું. અને બીજી તરફ લાવણ્યા સાથે પણ સમય પસાર કરવાની ઈચ્છા હતી. લાવણ્યા ઈડલીનું ખીરું ચેક કરતાં કરતાં ઈડલી પોચી અને ફૂલેલી બને એ માટે શું કરવું પડે એ વિગતવાર અને સરસ રીતે સમજાવી રહી હતી, પણ એ ચોથા ધોરણના વિદ્યાર્થીને અગિયારમાનું મેથ્સ શીખવવા જેવું હતું. શિક્ષક ગમે તેટલો સારો હોય, પણ વિદ્યાર્થી ચોથા ધોરણમાં છે એ એણે ભૂલવું ન જોઈએ.

મને થયું, સૂરજપૂર જેવા ગામડાંના લોકોએ ઇડલી બનાવતાં શીખવું પડતું હશે, નાના ગામમાં ‘ઉડીપી’ ન હોય ને! રસોડામાંથી બહાર આવીને વાતો કરતાં કરતાં ય મારી નજર રહીરહીને ડાયરી તરફ જતી.

લાવણ્યાએ પૂછ્યું, “ડાયરી વાંચવી છે?”

મેં કહ્યું, “ના રે, હા, પણ તમારી સાથે વાતો પણ કરવી છે.” (મનમાં બોલી, ‘ઈડલી સિવાયની’)

લાવણ્યાએ કહ્યું, “ઓહ, કંફ્યુઝન છે! દ્વિધા! એમ ને!’ સહેજ વિચારીને એણે સોલ્યુશન કાઢ્યું, “આપણે એમ કરીએ ને કે હું જ ડાયરી વાંચીને તને સંભળાવું!”

સરસ ઉકેલ હતો. અને ડાયરીનું વાંચન શરૂ થયું.

*

રવિ હવે આઠ વરસનો થયો હતો. શહેરની સ્કૂલમાં એનું નામ અનુરવ લખાવ્યું, એફિડેવિટ વગેરે કરવી પડી, પણ હવે રવિને મોટા થયા પછી પણ અનુરવ જ નામ ગમતું હતું. સ્કૂલમાં પણ ફોર લેટર વર્ડ્સના બદલે સિક્સ લેટર વર્ડ શરૂ થયા હતા. એનું ધ્યાન ભણવા અને રમવા સિવાય ક્યાંય હતું નહીં. પણ એના ફ્રેંડ પ્રિયાંકના પપ્પા એની સાથે ક્રિકેટના કોચિંગમાં આવતાં એ જોઈ અનુરવને ક્યારેક પ્રશ્ન થતો.

“મમ્મી, મારા પપ્પા ન આવે કોચિંગ માટે?”અનુરવ સાથે ક્રિકેટના કોચિંગમાં જવા માટે મેં સમય કાઢવાનું શરૂ કર્યું. એ દિવસોમાં રસોઈનો ટાઈમ ન રહે તો ઉડીપીમાંથી ઈડલી સંભાર મંગાવી ખાઈ લેતાં.

હું શીખી કે ‘બાળકને શું સવાલ થયો’, એ વિચારવા કરતાં ‘બાળકને આ સવાલ કેમ થયો’, એ વિચારી પગલાં લઈએ, તો પછી સવાલનો જવાબ બિનજરૂરી બની જાય છે.

જ્યારે જ્યારે તમે અને પપ્પાજીને આપેલા વચનને વળગી રહેવાની મને તકલીફ પડતી ત્યારે ત્યારે હું કહી દેતી, “ગામ જઈએ ત્યારે દાદાને પૂછજે.”

પપ્પાજી તો સાવ ધડમાથા વગરની વાત કરતા, “તારા પપ્પા આપણા કારગો શીપમાંથી ઈલ્લીગલી અમેરિકા ઉતરી પડ્યા, કમાવા માટે અને હવે ઈલ્લીગલ હોવાથી આવી શકતા નથી.”

અનુરવ નાનો હતો, ત્યારે માની જતો.

પછી થોડો મોટો થયો પછી એના દાદાને પૂછતો, “પપ્પા અમેરિકા કમાવા ગયા છે તો પૈસા ક્યાં મોકલે છે? ઘર તો કાકુજીના પૈસાથી ચાલે છે!”

દાદાજીની આંખમાં પાણી આવી જતું, “ના બેટા, ખરેખર તો આ ઘર તારા બાપના પૂણ્યથી જ ચાલે છે.” દાદા એવું શું કામ કહેતા એ ન તો અનુરવને સમજાતું, ન તો મને! ઉંમરની સાથે સાથે કદાચ દાદાને બાળપણમાં તમારી સાથે કરેલી કડકાઈ બદલ પસ્તાવો થતો હશે. આ પરિવર્તન માત્ર દાદામાં હતું. ચંદાબા અને સોહમની માનસિકતા સાથે કામ પાર પાડતાં ઘણીવાર મારી ગૂડવીલ ખલાસ થઈ જતી. આઠમા ધોરણની હિસ્ટરીમાં ગાંધીજી અને મહમદઅલી ઝીણા વિશે અનુરવને ભણાવતી ત્યારે ભણ્યા પછી અનુરવ કહેતો, ઝીણા સાથે ખેલદિલી દાખવી દાખવી ગાંધીજી થાકી ગયા પણ ઝીણાનું દિલ મોટું ન થયું! મારી એવી જ હાલત ચંદાબા સાથે હતી.

સોહમ રમત રમતમાંય અનુરવને કહેવાનું ન ચૂકતો, “આ બધું મારા પપ્પાનું છે. તારા પપ્પા તો નકામા છે.” ચંદાબા પણ એ જ રીતે વર્તતા. શનિ રવિ અમે ગામ જઈએ ત્યારે ચંદાબા સોહમને અંદરના રૂમમાં જઈ ડ્રાયફ્રૂટ ખવડાવતાં. જેથી હું જોઈ ન જાઉં! દાદાજી બીમાર થયા પછી તો એમણે એ શરમ પણ છોડી. દરે વેકેશનમાં ચંદાબા સોહમ અને અનુરવની ઉંચાઈ સરખાવતાં.

વરસોના વહાણાં વીતી ગયા. ચુકાદો હાથવેંતમાં લાગે ને જજની બદલી થઈ જાય. જુદા જુદા કારણે કેસ લંબાતો જ રહ્યો. દર અઠવાડિયે તમને મળવાનો ક્રમ લાગલગાટ ચાલુ જ રહ્યો. હું મારા મનને મનાવતી કે ઘણા પતિપત્ની દિવસમાં માંડ એકાદ કલાક સાથે વીતાવે, એમાંય કચકચ થાય. આપણે દર અઠવાડિયે મળતાં, એ બહુ ઓછું નહોતું લાગતું. જેલમાં એક દોઢ કલાક રાહ જોવાની થતી, એમાં તો મેં કેદીઓની પત્નીઓનું એક ગ્રુપ બનાવી ‘સિલાઈ મંડળી’ શરૂ કરી દીધી.

જેલમાં વણાટના તાણાંવાણાં કરીને તમે અનુરવની ફીના પૈસા આપતાં. તોય અનુરવને ખુશ રાખવા મારેય કામ કરીને કમાવું જરૂરી હતું અને ખર્ચ કરવોય એટલો જ જરૂરી હતો. મારે એને લાચાર માના દીકરાની જેમ મોટો નહોતો કરવો. પણ અમે મોજશોખ કરીએ તો તમારો વિચાર આવતાં આંખો ભરાઈ આવે. એટલે અનુરવને પીઝા હટમાં લઈ જતી, એના બીજા દિવસે જેલમાં સહુ કેદીઓ માટે નાસ્તો જતો. એક નવું ફર્નિચર ઘરે આવતું, એ જ કિંમતની કોઈ વસ્તુ જેલમાં દાન આપતી. આમાંથી અમુક વાતો તમને અડધીપડધી તો ખબર જ હશે. આવું બધું કોઈને તો કહેવાય નહીં, પણ ડાયરીમાં લખાય. તમે જ વાંચશો ને!

અનુરવથી છુપાઈને વકીલોને મળવું, કોર્ટમાં હાજરી આપવી, મહિને એકવાર તમને મળવા આવવું. અનુરવને લઈને ગામ જઈએ ત્યારે કાળજી રાખવી કે એ કશું જાણી ન જાય. આ બધા મુશ્કેલ દિવસોમાં આનંદ એક જ વાતનો હતો કે અનુરવ મોટો થઈ રહ્યો હતો.

ડ્રાયફ્રૂટ ખાઈ ખાઈ સોહમ આડી દિશામાં વધ્યો, જાડો થયો. અને અનુરવ માત્ર શિંગચણા ખાઈ ખાઈને ઊભી દિશામાં વધ્યો. તમારી જેમ છ ફૂટ અને બોતેર કિલોનો થયો. એને મોટો થયેલો જોઈને મન ઉલ્લાસથી ભરાઈ જતું.

દુખ પણ એ જ વાતનું હતું કે અનુરવ મોટો થઈ રહ્યો હતો અને સત્ય ક્યાં સુધી છુપાવવું એ મારી સમસ્યા હતી. એ પૂછતો, “પપ્પા, મને ફોન કેમ નથી કરતા?”

પછી તો 2000ની સાલમાં જેલમાં એસ. ટી. ડી બૂથ આવ્યું, અને તમને અઠવાડિયે એકવાર મારી સાથે ફોન પર વાત કરવાની છૂટ મળી. જેલની વ્યવસ્થા પ્રમાણે અનનોન નંબરથી કોલ આવતો. એકાદવાર અનુરવ સાથે તમારી વાત કરાવવાની કોશીશ કરી. તમે ફોન પર મારી સાથે વાત કરતાં પણ દીકરા સાથે ભાગ્યે જ કશી વાત કરી શકતાં, પણ પપ્પાનો અવાજ જરાતરા સાંભળીને પણ અનુરવ રાજી થઈ જતો. મને ફોન પર વાત કરતી જોઈ, ‘ પપ્પા છે જ નહીં’ એવી કદીક શંકા પડી હોય, તો એ દૂર થઈ જતી. કોચિંગ માટે જઈએ ત્યારે પ્રિયાંકને કહેતો, “મારા પપ્પા દર અઠવાડિયે અમેરિકાથી ફોન કરે છે.”

પછી તો તેર-ચૌદ વરસની ઉંમરથી જ અનુરવ કહેવા લાગ્યો, “સ્ટુડંટ એક્સચેઈંજ પ્રોગ્રામમાં સિલેક્ટ થઈ અમેરિકા જવું છે અને પપ્પાને મળવું છે.” સોળ વરસનો થયો ત્યાં સુધી એણે આ જ કેસેટ વગાડી, હું ટાળતી રહી.

એની સોળમી બર્થ ડે પર મેં એને લર્નિંગ લાઈસંસ અને બાઈક અપાવવાની ઓફર કરી, એણે કહ્યું,

“મને બાઈક નથી જોઈતી, મારે અમેરિકા જવું છે.” મેં એ દિવસે એને લાસ્ટ એંડ ફાઈનલ લાગે એવા શબ્દોમાં એમ કહીને ના પાડી દીધી, “તને એકલાને ફોરેન ન મોકલી શકું.”

એ દિવસથી રીસાઈને અનુરવે તમારી સાથે ફોન પર વાત કરવાની બંધ કરી. એ એકવાર એમ પણ બોલી ગયો, “મમ્મી, તને હું વર્લ્ડની બેસ્ટ મમ્મી સમજીને સોમાંથી સો માર્ક આપતો હતો, પણ હવે સોમાંથી નવ્વાણું જ માર્ક આપીશ.” જોકે એ પછી બે દિવસ રહીને જાતે જ “સોરી” પણ કહી ગયો.

તમે એક બાળક સાથે જૂઠું બોલી શકો, એક એડલ્ટ સાથે નહીં. અને અનુરવ મારી વાત માની લેતો હતો, એટલા માટે નહીં કે એ અબુધ કે ગતાગમ વગરનો હતો, એટલા માટે કે એની મમ્મી કદી જૂઠું ન બોલે એવો એને વિશ્વાસ હતો. આખરે મેં નક્કી કર્યું કે અનુરવની અઢારમી વરસગાંઠના દિવસે હું દિલ ખોલીને બધું કહી દઈશ.

એની અઢારમી બર્થ ડે આવતી હતી. તેર એપ્રીલ, 2012, એના આગલા દિવસે, બાર એપ્રિલે, રાત્રે પોણા બાર વાગ્યે મેં વાત શરૂ કરી, “મારે તને કશું કહેવું છે!”

એ કહેવા લાગ્યો, “રહેવા દે હવે. તું શું કહેવાની છે એ મને બે વરસથી ખબર છે. દીવાન ચુનીલાલનો નાનો દીકરો તરંગ મવાલી હતો. વ્યસન કરતો, વાતેવાતે મારામારીમાં ઉતરી પડતો અને એક દિવસ ગુસ્સામાં આવી એમણે કામેશ કહાર નામના એક ગુન્ડાની છાતીમાં બે ગોળી ધરબી દીધી. એને ફાંસી થવાની છે. પણ અપીલો કરી કરીને તું એ દિવસને લંબાવે છે.”

અનુરવ કોઈ દિવસ આ રીતે વાત કરે જ નહીં. એટલે હું સ્તબ્ધ થઈ ગઈ. મારી બધી મહેનત પાણીમાં ગઈ કે શું? એણે કદાચ સોહમ પાસે વાત જાણી લીધી હશે. મને થયું, બે વરસ આ વાત મનમાં રાખી કેટલો મૂંઝાયો હશે? શું એક મા તરીકે હું કાચી પડી?

મેં જોયું હતું કે આજકાલ જે ઘરમાં કોઈ પ્રોબ્લેમ ન હોય એવા ઘરમાંય છોકરાઓ તરુણાવસ્થામાં તોછડા થઈ જતા હતા! જ્યારે આજ સુધી લગભગ સિંગલ ગણાય એવી મમ્મીનો પુત્ર હોવા છતાં અનુરવ ખૂબ નમ્ર, વિવેકી અને સમજુ હતો. મને એનાથી ગર્વ થતો એમ તો નહીં કહું, પણ એ જોઈ મને ધરવ થતો. જીવન સફળ લાગતું.

પણ આજે એની વાત કરવાની રીતમાં તોછડાઈ હતી. એના પપ્પા આવા કલંકિત હોય એ વાત એના મનને રૂચતી ન હતી. અને એવા પપ્પા સાથે હું કેમ સંપર્કમાં રહેતી હતી એ એનો સવાલ હતો.

અનુરવે કહ્યું, “જો મારા પપ્પા એવા જ હોય, તો તારે કે મારે એમની સાથે કોઈપણ પ્રકારનો સંબંધ શું કામ રાખવો જોઈએ? કેમ આટલા વરસ તે મારા પર એમની સારી છાપ પાડવાની કોશીશ કરી? આટલા વરસ તું જૂઠું કેમ બોલી?”

મેં કહી દીધું, “બેટા હું એવું ન જ કરું, પણ તારા પપ્પાની અને દાદાજીની એવી ઈચ્છા હતી. મારી મરજી ન હોવા છતાં એ બન્નેને મેં વચન આપ્યું હતું કે અનુરવ મોટો ન થાય ત્યાં સુધી હું આ વિશે કંઈ નહીં બોલું. પણ હવે તું મોટો છે સમજદાર છે, એટલે હું તારાથી કંઈ નહીં છુપાવું.”

“પહેલા એ કહે કે તારા પતિ ગુનેગાર છે? ઇઝ હી અ ક્રીમીનલ?”

એ જાણી જોઈને ‘મારા પપ્પા’ને બદલે ‘તારા પતિ’ બોલ્યો હતો, એ મારા ધ્યાન બહાર ન રહ્યું. મારે સત્ય જ કહેવાનું હતું, છતાં ખૂબ સાવચેતીથી કહેવાનું હતું. મેં એ જ ક્ષણે નક્કી કર્યું કે હવે એ સચ્ચાઈ જાણવા અને શોધવા જેટલો તેમ જ મારી ડાયરી વાંચવા જેટલો મોટો થઈ ગયો છે.

મેં તમારો એક તાજો ફોટો મોબાઈલમાંથી કાઢ્યો અને કહ્યું, “જો, આ મારા પતિ! એકતાલીસ વરસની ઉમરમાં એમના વાળ પૂરેપૂરા કાળા નથી રહ્યા અને પૂરેપૂરા સફેદ પણ નથી થયા. એવું જ સત્ય અને અસત્યનુંય છે. તું મને તારા પપ્પા વિશે પૂછે તો હું કહીશ કે તારા પપ્પા જેટલો પવિત્ર આત્મા ભાગ્યે જ જોવા મળે. બિલ્કુલ તારા જેવા જ ભોળા, નિર્મળ અને પવિત્ર. અને તું ગામના લોકોને તરંગ વિશે પૂછશે તો ગામ તો કહેશે જ કે એ ખૂની છે.”

“પણ મમ્મી, સત્ય તો એ જ છે ને! છે કે નહીં?”

“બેટા, સત્ય એ પણ છે કે એ માણસે છેલ્લા બાવીસ વરસથી એક કીડી કે મંકોડાનેય માર્યો નથી. જેલમાં રહીને બારમાની પરીક્ષા આપી. બી એ અને એમ. એ. પણ કર્યું. તારી ફી તો તારા પપ્પાની મહેનતના પૈસાથી જ ભરાઈ છે. જેલમાં રાતદિવસ વણાટકામ કરી કરીને એમણે મને પૈસા મોકલ્યા.”

“પણ એમના જીવનના પહેલા બાવીસ વર્ષ... એ રેકર્ડના કારણે તો એમને ફાંસી થઈ.””એમના જીવનના પહેલા બાવીસ વર્ષની મને ખબર નથી. જે બાવીસ વર્ષ મેં જોયા નથી એના વિશે હું શું કહી શકું? પણ તારા આ અઢાર વર્ષની પળેપળ મેં માણી છે એટલે હું ધારી લઉં છું કે તારા પપ્પા પણ એવા જ હશે! તારા જેવા!”

“એટલે તું એમને ગુનેગાર નથી માનતી?””એમનામાં અનેક દોષોની સાથે એવું કંઈક હતું.. નિર્દોષ.. જેણે પહેલી જ મુલાકાતમાં મને બાંધી લીધી. એમના બધા દુર્ગુણો છતાં હું એમને છોડી ન શકી. ત્યારે, વીસ બાવીસ વરસની છોકરીમાં જે ચોખલિયાપણું હોય એ મારામાંય હતું. એમના જૂતાં ઉતારતાં, એમની સિગરેટની ગંધથી ભરેલા કપડા ધોતાં.., શરાબ કે ઈંડાની બૂનો અણસાર આવતાં, મારો શ્વાસ રૂંધાતો. પણ મેં જોયું કે એમના વ્યક્તિત્વમાં આ બધી દુર્ગન્ધોથી ઉપર એક મહેક હતી, એ સારપની આછી મહેકથી જ હું ટકી ગઈ.” અનુરવ વિચારે ચડી ગયો, “આવા પતિ સાથે ટકી ગઈ, એ તારું સાહસ હતું કે તારી મજબૂરી હતી?”

એની આંખોમાં જોતાં મને સૂઝ્યું, તે બોલી ગઈ, “એ સાહસ હતું કે મજબૂરી એ મને ખબર નથી, પણ આજે આ તારી સવા પાંચ ફૂટ ઊંચી માની નજર ઊંચી છે, ઉન્નત છે કેમ કે એની સામે ઊભેલા છ ફૂટના દીકરાની આંખમાં એ જિંદગીને હસતી ખેલતી જોઈ રહી છે.”

*

એકધારી, એક શ્વાસે ડાયરી વાંચી રહેલી લાવણ્યા માટે હું પાણી લઈ આવી.

મેં કહ્યું, “તમારા જમાનામાં યુવાન સ્ત્રીઓને એટલી સ્વતંત્રતા નહોતી, બીજા કોઈ ઓપ્શન નહોતા, એટલે એનું સાહસ કદાચ મજબૂરીનો સામનો કરવા જ વ્યક્ત થાય!”

લાવણ્યા બોલી, “મજબૂરીમાંય તમારી પાસે ચોઈસ તો હોય જ. અને સુરમ્યા, તમારી આજની પેઢી વાણી, વર્તન, વિચારની અને ચોઈસની સ્વતંત્રતા ભોગવ્યા પછીય, કદી મજબૂર દશામાં આવતી જ નથી એમ કહી શકાય?”

મેં મારી સહેલીઓને એક પછી એક યાદ કરી જોઈ. કોઈ લગ્ન અને કરિયર વચ્ચે, કોઈ કરિયર અને બાળક વચ્ચે, તો કોઈ ડાયવોર્સ અને કરિયર વચ્ચે ભીંસાતી હતી. માત્ર છોકરીઓ જ શું કામ, છોકરાઓ પણ ભીંસાતા હતા.

મને થયું, પૂરતી સ્વતંત્રતા પછીય જિંદગી પર કોઈ ભાગ્યે જ સવાર થઈ શક્યું હશે.

મેં લાવણ્યા સાથે મારા મિત્રોની આ વાતો શેર કરીને પૂછ્યું, “શું પ્રોગ્રેસ અને હેપ્પીનેસ જુદી વસ્તુ છે?”

લાવણ્યા વિચારીને બોલી, “એ પેરેલલ પણ નથી અને વિરોધી પણ નથી. ધ્યાનથી જુઓ તો દરેક મજબૂરીમાં એક સ્વતંત્રતાનું બીજ છે. અને વધુ ધ્યાનથી જુઓ તો દરેક સ્વતંત્રતામાં એક મજબૂરીનું બીજ છે!”

ચર્ચા પૂરી કરતાં લાવણ્યાએ કહ્યું, “આવા પ્રશ્નોના જવાબ ડિબેટમાં નહીં પણ બેલેંસમાં છુપાયેલા હોય છે.”

અને આજનું બેલેંસ એ હતું કે હવે ઈડલી બનાવવાનો સમય થઈ ગયો હતો. અનુરવનો ફોન આવ્યો, એ ઘરે આવવા નીકળ્યો છે. સાંભાર બનાવવાનો સમય બચ્યો ન હોવાથી લાવણ્યાએ અનુરવને ઉડીપીમાંથી સાંભારનું પાર્સલ લઈ આવવા કહ્યું. આજના લંચમાં પણ એ બેલેંસ હતું. ઈડલી ઘરની અને સાંભાર બહારનો.

પ્રકરણ સોળ

ભરપેટ ઈડલી સાંભાર ખાધા પછી અનુરવ બોલ્યો, “સુરમ્યા, આયમ ફ્રી નાવ. હવે તું માંગે એટલો સમય તને આપીશ.” ચૌદ ઈડલી સાથે ઉડીપીનો મસાલેદાર સાંભાર ખાવાથી કોઈ પણ નોર્મલ પાચન ક્રિયાવાળા માણસને ધાણાજીરુ, ગરમ મસાલાના ઓડકાર આવે, અને બગાસાં આવે. અનુરવ મારી સાથે વાત કરવાનું કહી રહ્યો હતો, પણ શનિવારે બપોરે એ લાંબી ઊંઘ લેતો. આજે એ ઘરે આવેલા મહેમાનના લાભાર્થે ઊંઘ કુરબાન કરવા તૈયાર થયો હતો. સૌજન્ય બતાવવાનું બીજુ કારણ એ હતું કે રવિવારે એ ક્રિકેટની મેચ રમતો એટલે આવતીકાલે પણ મહેમાનને સમય નહીં આપી શકાય, એની એને અને મને ખબર હતી. વળી સાંજે મા-દીકરાએ એક દોઢકલાક માટે ક્યાંક બહાર જવાનું હતું. પણ મેં એનો સમય માંગતા પહેલા એની ચોખવટ માંગી, “તારે ઊંઘવું છે કે વાત કરવી છે?”

હકીકત એ હતી કે હું પણ દ્વિધામાં હતી. યજમાન બે હતા. અનુરવ અને લાવણ્યા. મને આજની તારીખે બીજા યજમાનમાં વધારે રસ હતો. મા દીકરામાંથી એકની કંપની લઉં તો બીજાની છોડવી પડે. આજની બપોરે અનુરવને ય છોડવો તો નહોતો જોકે એ તો ઓફિસમાં રોજ મળવાનો જ હતો.

લાવણ્યા સમજી ગઈ, એણે ઉકેલ કાઢ્યો, “હું અને સુરમ્યા તુવેરના દાણા ફોલતાં ફોલતાં ડાયરી વાંચીશું અને વાતો કરીશું અને અનુરવ આપણી વાત સાંભળતા સાંભળતાં સોફા પર સૂઈ જશે.”

મેં કોઈ દિવસ તુવેરના દાણા ફોલ્યા નહોતા, એને બાદ કરતાં લાવણ્યાનો આ પ્લાન મને એક્સેપ્ટેબલ હતો.

લાવણ્યા પાસે હું બહુ ઝડપથી શીખી રહી હતી કે જ્યારે જ્યારે દ્વિધા થાય ત્યારે કોઈ એક્સટ્રીમ સ્ટેપ લેવાનું હોતું જ નથી. દ્વિધાનો ઉકેલ હંમેશા દ્વિધાના બે છેડાના વચ્ચેના કોઈ બિંદુ પર જ હોય છે.

વળી આ પ્લાનમાં ઊંઘતો અનુરવ કેવો દેખાય એ જોવાનો લહાવો પણ દસ પંદર મિનિટમાં જ મળવાનો હતો.

તમે જેની સાથે લગ્ન કરવાના હો એને તમે માત્ર સૂટ કે રજવાડીમાં જુઓ એ ન ચાલે, એ ટુવાલમાં અને લૂંગી- બંડીમાં કેવો દેખાય છે, એ ઊંઘે છે ત્યારે નસકોરાં બોલે છે કે કેમ વગેરે પણ તક મળે તો જોઈ લેવું જોઈએ. ડાયરીનું વાચન શરૂ થયું ત્યાં સુધી મેં આવા વાહિયાત વિચારો કર્યા. અને લાવણ્યાએ વાંચવાનું શરૂ કર્યું.

*

મેં મનમાં થોડા ડર સાથે, અને થોડી હિંમત સાથે અનુરવને કહ્યું, “દીકરા, મેં તારા પપ્પાને સ્વીકાર્યા એ કદાચ મારી મજબૂરી હોય તો પણ તારે એવી કોઈ મજબૂરી નથી. તું ચાહે તો એમને એક્સેપ્ટ ન કરવાનો વિચાર કરી શકે છે.”

સાંજે અનુરવ આવ્યો અને કહેવા લાગ્યો, “કોઈને મળ્યા વગર, કોઈના વિશે પૂરું જાણ્યા વગર એને રિજેક્ટ કરાય?”

હું કંઈ ન બોલી.

એ કહેવા લાગ્યો, “મેં પપ્પાને મળવા હોંશે હોંશે અમેરિકા જવાની તૈયારી બતાવી ત્યારે તો તેં ના પાડી, પણ હવે જેલમાં એમને મળવા માંગું તો?”

મેં કહ્યું, “બેટા, હવે ચુકાદો હાથવેંતમાં છે, તારા પપ્પા બહુ વહેલા છૂટી જશે. વધુમાં વધુ છ મહિના કે વરસ! તારા પપ્પાને એ નહીં ગમે કે તું એમને કેદીના વેશમાં જુએ!”

“મમ્મી, હું એક વરસ રાહ જોઈ શકુ એમ નથી, મારે પપ્પાને મળવું છે, અત્યારે જ!”

તરંગ! અત્યાર સુધી મારી જિંદગી એક વણલખ્યો રુટિન બની ગઈ હતી. અઢાર વરસથી દર અઠવાડિયે સેન્ટ્રલ જેલના દરવાજે પોણા અગિયાર વાગ્યે હાજર થવાનું. એકાદ કલાકની પ્રતીક્ષા પછી અડધા કલાકની મુલાકાત. પહેલા એક- બે વરસ તો હું મુન્નીબાઈને ત્યાંથી ઓમલેટનું પાર્સલ બંધાવી લાવતી. પછી એક દિવસ તમે ના પાડી, “બસ હવે આ પાર્સલ નહીં.” તે દિવસથી માતાજીના મંદિરે થઈને પ્રસાદ લઈને સેંટ્રલ જેલ પહોંચવાનું. અઢાર અઢાર વરસથી દરેક મુલાકાતના સમયે અચૂક સમયસર હાજર થવાનો આ ક્રમ તોડી રહી છું. શું કરું? જેલનો નિયમ છે એક અઠવાડિયે એક જ વ્યક્તિને એક મુલાકાત! આ વખતે અનુરવે જિદ પકડી છે. એટલે પત્ની હારી, અને મા જીતી!

અનુરવ જેલમાં ગયો ત્યારે એને વી. આઈ. પી ટ્રીટમેંટ મળી. કેમ ન મળે? તરંગ દીવાનનો દીકરો હતો. અને એની મા લાવણ્યા દીવાન પણ જેલમાં ઓછી ફેમસ નહોતી!

તમે જેલ ગયા ત્યારે શરૂઆતમાં જ ઉમંગભાઈએ જણાવેલું કે મહિને પાંચેક હજાર રુપિયા જેલના અધિકારીઓને ખવડાવીએ તો કેદીને લગભગ વી. આઈ. પી જેવી ટ્રીટમેંટ મળે!

મેં નક્કી કર્યું કે વરસે સાઠ હજાર રુપિયા આ રીતે આપવાને બદલે જેલની સુવિધા માટે આપું તો બધાને લાભ થાય અને એ કાયદેસર કહેવાય.

અનુરવને ખબર પડી કે એના મમ્મીએ ત્યારથી આજ સુધી, જેલમાં ચોખ્ખાં બાથરૂમ ઉપરાંત બાગ બગીચા, શાકભાજીની ખેતી, હાથથી ચાલતા નાનાનાના મશીન, મનોરંજન અને રમતગમતના સાધનો એવી કેટલીય વસ્તુઓ પોતે અથવા બીજાઓ પાસે અપાવી છે.

અનુરવને આ બધું તો માનવામાં આવે એવું હતું. કેમ કે એના મમ્મીને એ ઓળખતો અને મમ્મી આવું કરી શકે એનો એને અંદાજ હતો. છતાંય એને આનંદ તો થયો.

પણ ત્રણેક મુલાકાતના અંતે તો એને તમારા વિશે જે અભિપ્રાય આપ્યો તે બહુ રસપ્રદ હતો, “તારા કરતાં ધીમા અવાજે બોલે છે. તારા કરતાં ઓછું બોલે છે. તારો પહેલી નજરે કોઈ ઉપર પણ પ્રભાવ પડે. એમનો ન પડે. પણ બીજી ત્રીજી મુલાકાતમાં એમના વિશેનું માન વધ્યા વિના રહે નહીં. તારી જેમ બધી વાતના જવાબ ન આપે, ખબર હોય એટલું જ બોલે. જવાબ ન આપવો હોય ત્યારે તારી જેમ જ હસે.” જો કે આ તમારા વખાણ છે મારી ટીકા, એ સમજાય એવું નથી, છતાં હું ખુશ થઈ.

જેલમાં તમે જે પ્રવૃત્તિ કરો છો, જેલર, સ્ટાફ અને બાકીના કેદીઓ તમને જે માન આપે છે એ જોઈને અનુરવ ખુશખુશાલ છે. પણ ચંદાબા ખુશ નથી. એક રવિવારે ચંદાબાએ એમના લાક્ષણિક અંદાજનાં વાત કાઢી.

“લાવણ્યા, અનુરવ વારે ઘડીએ એના પપ્પાને જેલમાં મળવા જાય છે તે કંઈ સારું નથી લાગતું, તું એને ના પાડતી હોય તો!””હવે એ મોટો છે, એનું ભલુબૂરું જાતે સમજે છે.””ગામ લોકો વાત કરે છે. તને તો કોઈ કહેતું નથી, મારે કેવું કેવું સાંભળવાનું થાય છે, લાવણ્યા, જરા તો સમજ! કેટલી મહેનતથી સસરાજીએ અનુરવ પર એના બાપનો પડછાયો પડવા નથી દીધો અને તમે તો...”

“ચન્દાબા, અનુરવ એના પપ્પાને મળે એમાં મને તો કોઈ વાંધો દેખાતો નથી.”

“અરે હોતું હશે અમે આજ સુધી અમારા સોહમનેય જણાવ્યું નથી કે એના કાકા જેલમાં છે.””તમે નહીં કહ્યું હોય કદાચ, પણ સોહમને બધી ખબર છે.”

“હા, ગામને મોઢે તાળાં થોડા મરાય છે! આ બધું એના કાકાનું સાંભળીને સોહમ તો એટલો ગુસ્સે થઈ જાય છે ને કે જવા દો ને વાત! મારો છોકરો તો કહે છે કે આટલી બધી બદનામીની વચ્ચે આપણે ઈંડિયામાં રહેવું જ નથી. ફોરેન જતાં રહેવું છે. કહે છે કે મમ્મી પહેલા હું જઈશ પછી તમને બન્નેને બોલાવી લઈશ અમ્મેરિકા.

અને મારું માનો તો અનુરવને પણ અમ્મેરિકા જ મોકલી આપો.”

ચંદાબા આવી અમૂલ્ય છતાં વણમાગી સલાહ આપતાં હતાં ત્યાં જ અનુરવ આવી ગયો!

અનુરવ ચંદાબાનો જ લહેકો પડઘાવીને બોલ્યો, “વાઉ અમ્મેરિકા! વોટ અ બ્યૂટીફૂલ કંટ્રી. પણ મારે ત્યાં નથી જવું. અરે ચંદાબા! પણ સોહમે ટોફેલની પરીક્ષા આપેલી એનું શું થયું?”“તે થઈ ગયો ને પાસ!” પછી સહેજ અટકીને બોલ્યા, “ના, ના તારાથી શું છુપાવવાનું દીકરા! લાવણ્યા, સોહમ ચોથીવાર ફેલ થયો. બોલ! બહુ ભારે પરીક્ષા હશે. જુઓ ને ટોફેલ..નામમાં જ ફેલ છે!”

હું અને અનુરવ તો હસવું રોકી નહોતાં શકતાં.

પણ ચંદાબા હજી અટક્યા નહોતા, “ ટોફેલ.. મહેનત કરો તો ય ફેલ! લાગવગ લગાડો તો ય ફેલ!તમારા ભઈ તો કહે છે કે મૂકો માયા ટોફેલની ને એન. આર. આઈ છોકરી શોધી કાઢો. જુઓ ને! સોહમ માટે એક એન. આર. આઈ છોકરીની વાત પણ આવી’તી. કુંડળી ને ગોત્ર ને બધું મળી ગયું પછી એમને ખબર પડી કે છોકરાના કાકા તો જેલમાં છે, એટલે...અરે કીચનમાં રાઈસ ગેસ પર છે ને હું તો વાતે ચડી!”

દીકરાને ફોરેન મોકલવા ઘેલા થયેલા ચંદાબા રસોડાને હવે ‘કીચન’ અને ભાતને હવે ‘રાઈસ’ કહેતા થયા હતા!

અનુરવે જરા અકળાઈને પૂછ્યું, “મમ્મી! પપ્પા જેલમાં છે એ વાત કેટલા લોકોને અને કેટલા યુગ સુધી નડશે?”

“બેટા! તને અને મને તો નથી નડી ને! બસ.. તો પછી..”

તરત અનુરવ ઉત્સાહમાં આવી ગયો, અને કહેવા લાગ્યો, “હા, મમ્મી કાલે જ મળી આવ્યો પપ્પાને! અને ત્યાં જેલમાં થોડો કારભાર પણ કરી આવ્યો. જેલ સુપ્રિંટેંડંટની સ્પેશિયલ પરમિશન લઈ પપ્પાને એમની ચુમ્માલીસમી બર્થ ડે પર તબલા ભેટ આપ્યા. અને પપ્પાના સાથી કેદીઓ માટે ક્રિકેટની કીટ ભેટ આપી.”

“પપ્પાએ વાત શું કરી?””મમ્મી, આ મહિનાઓમાં હું ત્રણવાર પપ્પાને મળ્યો, પણ એ ઝાઝું બોલતાં નથી. એમના બાળપણની વાતો પણ તારી પાસે જાણી તે જાણી, બાકી પોતે તો કશું કહેતા નથી. અને જે ઘટનાથી એમને સજા થઈ એની તો વાત છેડતાં જ મોં પર જાણે ફૌલાદી તાળું લગાવી દે છે.”

“હવે સજા પૂરી થવાને આરે છે, ત્યારે એમને એ યાદ કરાવીને શું ફાયદો?”

“એય સાચું. પણ હું તારા જેવો સાવ સીધો નથી, હું જરા ખણખોદિયો છું, તેં અઢાર વરસમાં મેં જે ન જાણ્યું તે મારે ત્રણ મહિનામાં જાણી લેવું છે.”

પછી તો અનુરવે તમારા છૂટકારાની પ્રક્રિયામાં ઊંડો રસ લીધો, મારી સાથે વકીલોને મળવા આવતો. એ દરમિયાન જ એલ. એલ. બી થઈ હાઈકોર્ટના વકીલ બનવાનું એણે નક્કી કરી નાખ્યું. આખરે અનુરવની એકવીસમી વર્ષગાંઠે એ સમાચાર આવ્યા.

તમારી ફાંસીની સજા જનમટીપમાં તબદીલ થઈ અને એકવીસ જેટલા વરસો તમે જેલમાં કોઈ પણ જાતના પેરોલ વગર કાપી ચૂક્યા હોવાથી જજે તમારી તાત્કાલિક મુક્તિનો હુકમ કર્યો.

પપ્પાજી પથારીવશ હોવાથી તમને ફ્લેટ પર લાવતાં પહેલા પપ્પાજીને મળવા માટે સૂરજપૂર લઈ જવાનું નક્કી કર્યું. પણ ચંદાબાએ કહ્યું, “સોહમને જોવા કોઈ એન. આર. આઈ. છોકરી આવવાની છે, એટલે નકામા તરંગભાઈને જોઈને સવાલો કરશે.”

*

એક દીકરો એકવીસ વરસના જેલવાસ પછી પોતાના પથારીવશ પિતાને મળવા જવા માંગે અને મોટી વહુ ધરાર ના પાડી દે, એ દર્દભરી વાત હસતાં મોઢે કરીને લાવણ્યા અટકી.

“અહીં અટકવું પડશે. મારે અને અનુરવે બહાર જવાનું છે, એક દોઢ કલાક માટે, તારે આવવું હોય તો તૈયાર થઈ જા.”

ડાયરીના બચેલા પાના પર નજર નાખતાં મેં કહ્યું, “ત્યાં સુધી આટલા પાનાં પૂરા કરી નાખું?”

બન્ને તૈયાર થયા ત્યાં સુધી મેં ચા બનાવી નાખી.

ઉતાવળે ચા પીતા પીતા અનુરવ બોલ્યો, “તું સાથે આવી હોત તો એરપોર્ટ પર કોફી પીધી હોત.”

મને સમજાયું, અચ્છા, એ લોકો એરપોર્ટ જતાં હતા. એણે કોફીની લાલચ આપી હોત તો હું એરપોર્ટ ગઈ હોત. પણ હવે મોડું થઈ ગયું હતું. અમારી જનરેશનની છોકરી કાં તો પૂરી ટીપટાપ સાથે બહાર નીકળે કાં તો સાવ લઘરવઘર બહાર જાય. હું બેમાંથી એકે અવસ્થામાં ન હતી. એ લોકો એરપોર્ટ જવા નીકળ્યા અને મેં લાવણ્યાની ડાયરી ખોલી.

*

બે દિવસ પછી ચંદાબાનો ગ્રીન સિગ્નલ મળતાં જ ગામ ગયાં. પપ્પાજીને ઉમરના કારણે પેરેલિસીસની અસર હતી. ઉમંગભાઈ પણ પચાસી વટાવી ડાયબીટીસ કોલેસ્ટેરોલ અને પ્રેસરની દવાઓ લેતાં થયા હતા. પહેલા ચંદાબા ગામગામના વૈદ્યો પાસેથી લાવી લાવી સંતાન પ્રાપ્તિ માટેની દેશી દવાઓ યાદ કરી કરી ખવડાવતાં, હવે દવાઓ બદલાઈ હતી. દવા એટલી કડવી નહોતી, પણ ચંદાબા કડવાશથી મૃત્યુનો કે એટેકનો ભય બતાવી બતાવી પીવડાવતાં.

સોહમનો પગ ઘરમાં ઠરતો નહીં. પણ તમે આવવાના હતા, એટલે ઉમંગભાઈ સોહમને શોધવા નીકળ્યા હતા. અમે પહોંચ્યા ત્યારે ઘરમાં પપ્પાજી અને ચંદાબા હતા. પિતાપુત્રની કંઈ વાત થાય એ પહેલા ઉમંગભાઈ ઉતાવળી ચાલે ઘરમાં પ્રવેશ્યા. ધ્રાસકો પડે એવા અવાજે બૂમ પાડી.

“ક્યાં છે ચન્દા?”

ચન્દાબા દોડી આવ્યા, “શું થયું આટલા હાંફળા ફાંફળા કેમ છો? ખબર નથી તમને બ્લડ પ્રેસર ને ડાયાબીટીસ છે તે! કેટલી વાર ના પાડી કે ઊંચા અવાજે બોલવાનું નહીં! ડોક્ટરે કીધું છે હવે સીધો એટેક જ આવશે!”

ચંદાબા પોતે જ ઊંચા અવાજમાં બોલી રહ્યા હતા

ઉમંગભાઈએ એટલા જ ઊંચા અવાજમાં જવાબ આપ્યો, “અરે તારા સાહેબજાદો જંપવા દે છે મને એકે દિવસ! દિવસ ઊગ્યો નથી અને એણે કોઈ નવો તમાશો કર્યો નથી!””તમને તો બધી વાતમાં મારા દીકરાનો જ વાંક દેખાય છે. મને ખબર છે એ તમને કેમ નથી ગમતો તે..”“અરે ઓ દોઢ ડાહી! મારી વાત સાંભળશે? તારા રાજકુમારનું પરાક્રમ સાંભળશે કે એમ જ એને છાવરતી ફરશે! પેલા કામેશ કહારના દીકરા સાથે મારામારી કરી તારા શાહજાદાએ!”

“ક્યાં છે મારો દીકરો? સલામત તો છે ને!””હા સલામત છે પોલિસસ્ટેશનમાં. ફરિયાદ લખાવવાની જિદે ચડ્યો છે! મેં કહ્યું રહેવા દે સામી ફરિયાદ થશે તો તારું અમેરિકા જવાનું અટવાઈ જશે.”

“તો તમે કેવા બાપ છો, દીકરાને પોલિસ સ્ટેશન મૂકી અહીં કેમ આવ્યા છો?”

“અરે તને લેવા આવ્યો છું, મારું તો માનતો નથી. તું જ એ બારદાનને સમજાવ કે માંડવાળી કરે! કેસ થશે ને તો વાટ લાગી જશે.”

“તો ઊભા શું છો? ચાલો ચાલો..”

“કાકુજી! મારી જરૂર હોય તો હું આવું..” એલ. એલ. બીમાં ભણતો તમારો દીકરો કાકુજીને મદદરૂપ થવાના આશયથી બોલ્યો.

“ચાલ, આવવું હોય તો..” ઉમંગભાઈ બોલ્યા. “અરે ના રે! એ શું કરશે ત્યાં આવીને! પારેખ વકીલને ફોન કરો.” એમ બોલી ચંદાબા ઉમંગભાઈ સાથે નીકળી ગયા.

તમારું પિતા અને પુત્રનું મિલન જોવાની ઈચ્છા કરતાં તમને બન્નેને થોડી મિનીટ એકલા પાડવાની ઈચ્છા વધુ બળવાન નીવડી. હું અને અનુરવ બહાર નીકળ્યા.

પ્રકરણ સત્તર

તમને પપ્પાજી સાથે એકલા છોડી અનુરવે બહાર નીકળતાં જ પૂછ્યું, “મમ્મી, કાકુજી આ કામેશ કહારનું નામ બોલતા હતા એટલે એ તો એ જ ને જેની હત્યા..”મેં માથું હકારમાં હલાવ્યું.

અનુરવને સવાલ થયો, “મમ્મી, એ કામેશ કહારના ઘરવાળા કદી તને કે મને ધમકી આપવા કે બદલો લેવા ન આવ્યા?”“ના!”

“જે પ્રકારનું કામેશ કહારનું ફેમિલી અને સોશિયલ બેકગ્રાઉંડ છે એ જોતાં..”

“તું આજે આવું વિચારે છે તો મને થાય છે કે એવું થઈ શક્યુ હોત, પણ ત્યારે તો મારા મનમાં એ વિચાર પણ નહોતો આવ્યો. એકવાર પોલિસ સ્ટેશનમાં કામેશ કહારની વિધવાને જોઈને મને થયું, આ પણ મારા જેવી જ છે ને! કોણે કોને શું કામ માર્યો, એ ભૂલી જઈએ તો, બે સ્ત્રીઓ એકલી બચેલી હતી, બન્નેએ બાળક ઉછેરવાનું હતું. મેં એકાએક નિર્ણય કર્યો, અમારે દુકાન લેવી હતી એના માટે મેં જે રકમ એકઠી કરેલી, એ રકમમાંથી અડધી રકમ મેં કામેશ કહારની વિધવા પત્ની અને બાળકના હાથમાં મૂકી દીધેલી. જેથી હું તારા પપ્પાની ભૂલનું પ્રાયશ્ચિત કરી શકું!”

આંખમાં ભીની ચમક સાથે અનુરવ બોલ્યો, “વેલ ડન! પણ કાકુજી અને ચન્દાબાને આ નહીં ગમ્યું હોય! નહીં?”

“મેં એમને જણાવ્યું નહોતું. કેમ કે એમની વિચારવાની રીત અલગ છે. પણ તોય એમનો ઉપકાર છે આપણા પર. કાકુજીએ આપણને ઠીકઠીક રીતે રાખ્યા. બહુ લોકોએ મારી પણ ભંભેરણી કરીને મારા મનમાં કડવાશ ભરવાની કોશિશ કરી, તેમ બહુ લોકોએ એમની પણ ભંભેરણી કરી હશે. હું પતિ વગરની હતી તો કાકીજી સંતાન વગરના હતા. એમની સ્થિતિ હું સમજી શકતી હતી.”

“મમ્મી, એકવીસ એકવીસ વરસથી હું જોતો આવ્યો છું ચંદાબાએ મનમાં કિન્નાખોરી રાખી પણ તેં મનમાં જરાય કડવાશ રાખી નથી.”“ચલ મોટો હોશિયાર તને ક્યાંથી ખબર!”“મમ્મી, તેં એકેયવાર મને માર્યો નથી. કદી લોભ કે લાલચ શીખવ્યા નથી, જ્યારે જ્યારે સોહમે મારી સાથે ચીટીંગ કર્યું ત્યારે તેં મને રૂમમાં લઈ જઈ શાંત પાડ્યો. મને કહ્યું કે બેટા તારી સાથે ચીટીંગ થયું છે એ મને ખબર છે, તને દુ:ખ પહોંચે છે એ પણ મને ખબર છે પણ બેટા મન મોટું કરી દે! મમ્મી તેં કદી કડવાશ રાખી નથી. યૂ આર ગ્રેટ!””એ કડવાશ રાખીને હું જાઉં ક્યાં? મારે એક બાળકના જીવનમાં મીઠાશ ભરવાની હતી. તેથી જ મેં મારી જાતને કડવાશથી દૂર રાખી. હું તો બસ એક સ્વાર્થી મમ્મી હતી. જરાય ગ્રેટ નહીં!”

ઉમંગભાઈ અને ચંદાબા વગરના ઘરમાં, એ બે કલાક દરમ્યાન, તમારી સાથે જે રીતે પપ્પાજીના મોં પર હાસ્ય જોયું, એ એકવીસ વરસમાં પહેલીવાર જોવા મળ્યું હતું.

પેરેલિસીસની અસર હોવા છતાં પપ્પાજીએ નક્કી કર્યું, “હું તરંગ સાથે ગામના પાદર સુધી એક આંટો મારીશ. ચાલતાં ચાલતાં.” કદાચ જીવનમાં પહેલી વાર શરમ કે સંકોચ મૂકી એમણે દીકરા સાથે ચાલવું હતું. તેય સરેઆમ.

પપ્પાજી તો બાળપણમાં તમારી આંગળી પકડીને તમને ચલાવવાની તક ચૂકી ગયા. પણ તમને તક મળી પપ્પાજીનો હાથ પકડીને ઘડપણમાં એમને ફેરવવાની.

અમે બન્ને તમને એકમેકનો હાથ પકડીને જતા જોઈ રહ્યા. કેમ કે, આ સુખ હાથવગું હોય છે, ત્યારે હૈયાવગું નથી હોતું. અને હાથમાંથી હાથ સરી જાય પછી હાથને ખાલીપો ડંખે છે અને હૃદયને ભાર!

થોડીવાર રહી અનુરવ બોલ્યો, “આપણે આપણા ઘરમાં માત્ર પપ્પાની વ્યવસ્થા કરી છે, પણ મને લાગે છે કે હવે દાદાજીને પણ આપણી સાથે રાખવા જોઈએ. દાદાજી મારા રૂમમાં રહેશે!”

ત્યાં જ ઉમંગ અને ચન્દાબા થાકેલા પગલે ઘરે આવ્યા.

સોફા પર બેઠા. મેં એમને પાણી લાવી આપ્યું, અને ચાનું પૂછ્યું. અનુરવે પૂછ્યું, “કેમ કાકુજી, આટલું મોડું થયું પોલિસ સ્ટેશન? સોહમ ક્યાં છે?”

“વાત એમ છે કે..” કહી ઉમંગભાઈ જવાબ આપે એ પહેલા ચન્દાબા તરત બોલ્યા, ”બે રાત એના ફ્રેન્ડના ત્યાં સૂવા કહે છે. કહે છે કે સોમવારે સવારે અગિયાર વાગ્યા પછી જ આવીશ!”

ઉમંગભાઈ ઉકળી ઊઠ્યા, “કેટલું જૂઠું બોલશે? ક્યાં સુધી છાવરશે તારા લાલને! અરે કહી કેમ નથી દેતી કે તારા લાલે સમાધાનની વાત ચાલતી હતી ત્યારે પોલિસ સ્ટેશનમાં જ કામેશ કહારના દીકરાને ચપ્પુ મારી દીધું!”

પરિવારમાં ફરી સન્નાટો છવાઈ ગયો. એકવીસ વરસ પહેલાની ઘટનાની સ્મૃતિ કંપારી જન્માવી ગઈ.

ત્યાં જ ઉમંગભાઈએ કહ્યું, “ના ના પેલો મરી નથી ગયો, નસીબ સંજોગે! પણ.. હવે હવાલાતની હવા ખાશે સોહમ! મોટામાં મોટા વકીલને લઈ ગયો પણ શનિવારની સાંજ થઈ ગઈ. એટલે સોમવારે સવારે જ જામીન મળશે! બે રાત લોકઅપમાં રહેશે દીવાન ખાનદાનનો વારસદાર!”

ચન્દાબાની આંખો તગતગ હતી, “હાય હાય મારા તો કરમ ફૂટી ગયા. સોહમ તો સાવ સુંવાળો છે, કેમ કરીને ત્યાં બે રાત કાઢશે! તમે કંઈ કરોને, આ બધા નામ ને દામ શું કામના જો પૈસાદારના દીકરાએ નાની એવડી ભૂલ માટે બે રાત જેલમાં કાઢવી પડે!”

ઉમંગભાઇ કંઈ મોટા અવાજે બોલવા ગયા પણ અચાનક એમણે છાતી પર હાથ મૂક્યો.

પછી દબાયેલા અવાજે લગભગ ઝીણી ચીસ પાડતાં હોય એ રીતે બોલ્યા, “અરે તારો એ નાલાયક જેલમાં બે રાત કાઢશે એમાં તારો જીવ કપાઈ ગયો! અને જો આ બાઈ, જો વીસ વીસ વરસથી એનો વર જેલમાં રહ્યો, છતાં જો કેવો દીકરાને મોટો કર્યો, ને એક આ તારો કપાતર!”

આટલું બોલતાં તો એમના હોઠે ફીણ આવી ગયું.

મેં તરત અમંગળ એંધાણ પારખી અનુરવને કહ્યું, “બેટા, ડોક્ટરને ફોન કર ને જલદી એમ્બ્યુલંસ બોલાવો!”લાઈટ નહોતી, મેં ઉમંગભાઈને પંખો નાખવાનું શરૂ કર્યું. અને ચંદાબાને જીભ નીચે મૂક્વાની ગોળી લાવવા કહ્યું. ”ના, કશાની જરૂર નથી હવે. વહાણ છૂટવાની વેળા આવી ગઈ!”

પતિ અને પુત્રના બેવડા ગમમાં ચંદાબા હાંફળાફાંફળા, બેબાકળા અને સુધબુધ વગરના થઈ ગયા હતા. અનુરવ બાજુની ગલીમાંથી ફેમિલી ડોક્ટરને બોલાવી લાવ્યો, એમણે હાર્ટ શેપની ગોળી ઉમંગભાઈના મોંમા મૂકી. અને પ્રેસર માપવાનું શરૂ કર્યું.

એમને ઈશારાથી બોલવાની ના પાડી છતાં ઉમંગભાઈ ભારે કષ્ટ સાથે બોલતા રહયા, “આખું બાળપણ હું પપ્પા સાથે ઝઘડતો રહ્યો કે તમે તરંગને છાવરો છો, એને બગાડો છો, એ તો ભડની છાતીના હતા, પણ આજે મારા સોહમને છાવરી છાવરી મારું હાર્ટ બેસી ગયું.”

અનુરવ બોલ્યો, “હું પપ્પા અને દાદાજીને શોધી લાવું છું.”

ઉમંગભાઈ બોલ્યા, “બધા અહીં રહો. આવ અનુરવ તું પણ આવ.. બેટા, તારા પપ્પાને કહેજે કે..”

ચંદાબા અકળાયા, “ડોક્ટર પ્રેસર માપે છે જરાવાર છાના રહો ને!”

અનુરવ બોલ્યો, “હા કાકુજી, આરામ કરો, હમણાં એમ્બ્યુલંસ આવી જશે!”

“જો પેલો યમરાજનો પાડો ઊભો! એક મિનિટ! ડોક્ટર તમે થોભી જાઓ, આ વાત કહી દઈશ પછી પ્રેસર ઉતરી જશે... કાયમ માટે..”

ઉમંગભાઈ શું કહેવા જઈ રહ્યા હતા?

“મરણ ટાણે જૂઠું નહીં બોલું અનુરવ બેટા! તારા બાપે કામેશ કહારનું ખૂન નથી કર્યું, એ ખૂન મારા હાથે થયું હતું. તરંગે તો મને બચાવવા આરોપ પોતાને માથે...”

એમ્બ્યુલન્સ આવી. પણ મોડી પડી, એ પહેલા યમરાજનો પાડો આવીને જનારને ઉઠાવી ગયો.

કાકુજીની બારમાની વિધિ પતી ત્યાં સુધી હું કે અનુરવ કશું બોલ્યા નહીં. અમે મા-દીકરો હતપ્રભ થઈ ગયા હતા, એ જાણીને કે ઉમંગભાઈને બચાવવા તમે તમારી યુવાનીના એકવીસ વરસનું બલિદાન આપ્યું!

બારમા પછી અનુરવે ચંદાબાની હાજરીમાં જ વાત છેડી, “દાદાજી, જે કંઈ થયું એ થયું. પપ્પાને કે અમને એ એકવીસ વરસ પાછા નથી મળવાના. અમારા એકવીસ વરસ બહુ ખરાબ ગયા છે, એવું પણ નથી. એટલે આમ કંઈ કરવાનું રહેતું નથી, પણ મારા પપ્પાના ‘ઓનર રિસ્ટોરેશન’ માટે, એમનું સન્માન પાછું મેળવવા માટે હું સુપ્રિમ કોર્ટમાં કેસ દાખલ કરાવીશ. તમે જુબાની આપશો?”

“પણ તંરગભાઈ તો હવે છૂટી ગયા છે! હવે મૂકોને પૂળો!” ચંદાબા બોલ્યા.

પણ ઉમંગભાઈના ગુજરી ગયા પછી હવે પપ્પાજીને સત્ય છુપાવવાનું કોઈ કારણ નહોતું.

“ના, રવિ બરાબર કહે છે, મરતાં પહેલાં મારે પણ મારું પાપ ધોવું છે, ને ત્યાં ઈશ્વરની અદાલતમાં હું ને તારા કાકુજી તારા પપ્પાની માફી માંગતા માંગતા ચોર્યાસી લાખ ફેરા ભટકશું ને તોય અમને બાપ દીકરાને મુક્તિ નહીં મળે!”

દાદાજી ઉલટભેર બોલ્યા, “કેસ ચાલે એ દરમ્યાન મને કંઈ થઈ જાય તો આપણો કામવાળો મંગુ આખી વાતનો સાક્ષી છે!”

ચન્દાબા તરત બોલ્યા, “આવો કોઈ કેસ ચાલવાનો હોય તો અમારાથી આ ગામમાં ન રહેવાય!”

તમારી ઈચ્છા કોઈ કેસ ચલાવવાની નહોતી, અને હું તમારી ઈચ્છાને જ માથે ચડાવતી પણ આ વખતે અનુરવની જિદ સામે મેં નમતું જોખ્યું. અને મારી ઈચ્છા સામે તમે નમતું જોખ્યું.

કેસ શરૂ થાય એ પહેલા જ બદનામીના ડરથી દાઝેલા ચંદાબા અને સોહમ ગામ છોડી રવાના થયા. પપ્પાજીએ અડધી મિલકત એમને આપીને રવાના કર્યા.

સુપ્રિમ કોર્ટમાં અપીલ થઈ. કેસ રિઓપન થયો. જુબાની ચાલી. દલીલોય પૂરી થઈ. હવે ફેંસલો થોડા દિવસમાં આવી જશે. પપ્પાજી એ ચુકાદો સાંભળવા થોડા મહિના જીવ્યા હોત તો સારું થાત. પણ તોય, એમના છેલ્લા દિવસો સંતોષની ભાવનાથી આ ફ્લેટમાં જ, અનુરવની રૂમમાં પસાર થયા.

પપ્પાજી, મંગુ અને તમારી જુબાનીને આધારે આખી ઘટના ખરેખર જે રીતે બની હતી, એ ચાર પાનામાં લખી નાખી. અને આ ડાયરીમાં જોડી દીધી.

આ આખી ઘટના બની ત્યારે ઉમંગભાઈને બદલે તરંગને માથે ગુનો નખાય એવો સંજોગો ઊભા કરનાર ચંદાબાને માફ કરીને એમની સાથે સંબંધ રખાય એટલું મોટું હૈયું તો મારું નહોતું. પણ એ આ ડાયરીમાં ઉલ્લેખરૂપે રહ્યા. બાકી દિલની ડાયરી અને અક્કલની અલમારીમાંથી એમને ડિલિટ કર્યા.

તોય ઊડતી ઊડતી વાતરૂપે જાણવા મળ્યું કે સોહમ લાખો રુપિયા ખર્ચી ઈલ્લીગલી મેક્સિકો થઈ અમેરિકા ગયો. ત્યાં બોર્ડર પર ઘૂસણખોરી કરતાં યુ.એસ પોલિસની ગોળી વાગી. પગ કપાવવો પડ્યો અને જેલમાં ગયો.

ચંદાબાનો કોઇ પત્તો નથી. પત્તો હોત તો હું એમને આશ્વાસન આપવા ગઈ હોત? ખબર નથી.

જાણે કેટલીય સળંગ રાતો વીત્યા પછી સવાર પડી. પૂર્વની બારીમાંથી નિયમિત સૂરજ ઊગવાનો શરૂ થયો. આપણને બન્નેને સાથે જોઈને હવે તો બેડરૂમના તુલસીના કૂંડામાં પાંદડા રોજ ખિલખિલાટ કરે છે. આંસુના ખારા ટીપાંમાં પરોઢનું ઝાકળ ધીરેધીરે મીઠાશ ઘોળી રહ્યું છે. જીવનનો આ આછેરો મીઠો સ્વાદ.. ખૂબ લાંબા બેસ્વાદ દિવસો પછી આવ્યો છે.

તમારા ચહેરા પર શાંત સ્મિત ફરફરતું થયું છે અને હું અરીસો બની એને ઝીલી રહી છું.

હવે તો આપણો રોજનો ક્રમ બહુ સીધો સાદો છે, તમે સ્કૂલના છોકરાઓને ક્રિકેટનું કોચિંગ કરાવીને આવો એટલે હું ચા બનાવી તમારી રાહ જોતી હોઉં છું.

શાળામાં ક્રિકેટ કોચ તરીકે તમે મોટી નામના કરી છે. તમારી સ્કૂલની ક્રિકેટ ટીમ અંડરનાઈન્ટીનની નેશનલ ફાઈનલમાં પહોંચી છે.

હવે માત્ર જીવું છું. પળેપળ. ઝાઝું વિચારતી નથી. એટલે હવે ડાયરીય લખવાની નથી. સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવી જાય એટલે બંધ.

*

ડાયરીના આગળના પાનાં ઓબ્વિયસલી કોરાં હતાં. વાંચવામાં હું એટલી ઓતપ્રોત થઈ ગઈ હતી કે થોડીવાર એ કોરા પાનાં પણ વાંચતી રહી. આ ‘ઓતપ્રોત’ શબ્દ મને ક્યાંથી આવડ્યો? એ વિચારતી હતી ત્યાં જ ડોરબેલ વાગતાં હું ઝબકી.

જોયું તો સામે કોઈ ઊભું હતું. કોણ હતું એ? ચહેરો જાણીતો કેમ લાગતો હતો? અનુરવ કોઈ નાટકમાં છેતાલીસ વરસના પાત્રનો રોલ કરે અને વાળ સહેજ ધોળા કરે તો કેવો દેખાય? બસ એવા દેખાવવાળા આ અંકલ ટ્રેક્સૂટમાં હતા. એમના હાથમાં ટ્રોફી હતી. મને પૂછે, “સુરમ્યા?”

પછી કહેવા લાગ્યા, “હું દાદર ચડીને આવ્યો, અનુરવ અને લાવણ્યા લિફ્ટમાં આવે છે.”

એ 1991નું જગત જોઈને જેલમાં ગયા હશે, ત્યારે બહુમાળી મકાનોય ઝાઝા નહોતા અને લિફ્ટ પણ ઝાઝી નહોતી. એકવીસ વરસ પછી બહાર આવ્યા હતા. પોતાના જીવનની ગતિ ઉન્નત કરવા માટે એમને લિફ્ટની જરૂર નહોતી. શરીર અને મનને જાતમહેનતથી ઊંચે ચડવાની ટેવ પાડી નાખી હતી એમણે. ચુસ્તીસ્કૂર્તીથી સભર એવા એ ચાર દાદર વહેલા ચડી ગયા અને પાછળ લિફ્ટમાંથી અનુરવ અને લાવણ્યા આવ્યા. પપ્પાને ભેટતી એમ એમને ભેટું કે પગે પડું? હું પગે પડી.

રવિવાર અમે સાથે વીતાવ્યો. સોમવારે સવારે નાસ્તો કરતાં મેં કહ્યું, “આ ઘરને અને ખાસ તો આ થેપલાને હું મિસ કરીશ.” હું મારા ઘરે જવા નીકળી ત્યારે લાવણ્યાએ થોડા થેપલાં બાંધી આપ્યા. આખેઆખું ઘર તો બાંધીને ન લઈ જવાય. પણ મમ્મી સાથે કઈ રીતે ડીલ કરવું એનું થોડું ભાથું એમની પાસેથી મેં ચોરીછૂપીથી બાંધી લીધું હતું.

હું મારા ઘરેથી કંટાળીને અનુરવના ઘરે આવવા માટે નીકળી હતી ત્યારે થોડો ગુસ્સો મને મારી જાત પર પણ હતો કેમ કે ઘણા વખતથી મને પોતાને જ અંદરઅંદર એવું લાગતું હતું કે મારા સ્વભાવમાંય મમ્મીનો વારસો છે અને કદાચ અનુરવની હાલત પણ મારા પપ્પા જેવી જ થવાની..

આજે અહીં મીની વેકેશન ભોગવીને મારા ઘરે પરત જઈ રહી છું તો શાંત છું, ખુશ છું. કોણ જાણે કેમ મને એવું લાગે છે કે ભલે હું થોડી થોડી મમ્મી જેવી હોઉં, હું થોડી થોડી લાવણ્યા જેવી પણ છું. મારી અંદર રહેલી બન્ને શક્યતામાંથી કોને પોષણ આપવું એ હવે હું બરાબર સમજી ગઈ છું. એટલે જ અનુરવ સાથેનો મારો સંસાર સુરમ્ય હશે અને લાવણ્યમય પણ.

આ બધી વાતોને જોડીને નવલકથા લખવાનું બહુ મન હતું, પણ યૂ સી! હું બીઝી થઈ ગઈ. સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવે એના બીજા દિવસે અમારું એંગેજમેંટ નક્કી થયું. અમારી ફેમિલીની ટ્રેડીશન પ્રમાણે થોડા ખોટા ખરચા અને અનુરવની ફેમિલીની ટ્રેડીશન પ્રમાણે થોડું ડોનેશન-ચેરિટી આ બધી દોડધામ સાથે એંગેજમેંટનો આગલો દિવસ આવી પહોંચ્યો.

ચુકાદો આવ્યો. ‘બાઈજ્જત બરી થવું’ એ કેટલી મોટી વાત છે એ આ ત્રણ જણાને ભેટતાં જોઈને ખબર પડી. ક્યાંય સુધી ત્રણે જણા ભેટીને ગોળગોળ ફરતા રહ્યા. એમને ખુશીથી ઘૂમતા જોઈ બે ઘડી જાણે ગ્રહો નક્ષત્રો તારાઓ પણ અટકી ગયા. હવે હુંય એ ઉજાણીમાં જોડાઈ. મારા પપ્પાને ભેટતી એમ જ અનુરવના પપ્પાને ભેટી.

મેં અને અનુરવે કાવતરું કરીને અમારી એંગેજમેંટની પાર્ટીને એમની સિલ્વર જ્યુબિલીની સરપ્રાઈઝ પાર્ટી બનાવી દીધી. ત્યારે જ લાવણ્યાને ખ્યાલ આવ્યો કે 2016માંથી 1991 બાદ કરીએ તો પચ્ચીસ થાય.

હવે અમારા લગ્નની તૈયારી ચાલે છે.

પપ્પા કહે છે, “સુરમ્યા, તને અને અનુરવને હનીમૂન માટે વર્લ્ડની મોસ્ટ એક્સપેંસીવ અને મોસ્ટ ફેસિનેટિંગ ક્રુઝ કરાવીશ.”

મેં કહ્યું, “નો વે, હું અને અનુરવ તો અમારા જેલસુધારણાના પ્રોજેક્ટ પર કામ કરવાના છીએ. તમે, અને મમ્મી, અનુરવના મમ્મીપપ્પા સાથે જજો ક્રુઝ પર!

(સમાપ્ત)