અનમોલ રતન Raeesh Maniar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનમોલ રતન

અનમોલ રતન

રઈશ મનીઆર

નિમેષ અને અમિતા દિલ્હીની એઈમ્સ હોસ્પીટલમાં બેઠા હતા. કાકાનો ફોન આવ્યો, “રિટર્ન ટિકિટનું શું કરવાનું છે?”

નિમેષે કહ્યું, “કાકા, એમ.આર.આઈ.નો રિપોર્ટ લેવા જ આવ્યા છીએ. રિપોર્ટ આવે પછી ખબર પડે ઓપરેશનનું શું કહે છે!”

ભીડ ખાસી હતી. દિલ્હીમાં આજે એમનો આ પાંચમો દિવસ હતો. રેડિયોલોજી ડિપાર્ટમેન્ટના વેઈટિંગ રૂમમાં ચાઈનીઝ દેખાવવાળી છોકરી કાલે પણ જોઈ હતી. આજે પણ જોઈ. આણંદ નજીકના કોઈ ગામડેથી દિલ્હી જેવા સાવ અપરિચિત એવા મોટા શહેરમાં આવેલા આ નાના ગામના રહેવાસીઓની ચકિત આંખોને કોઈ બીજીવાર મળે તો એ ય સ્વજન લાગે. એમાંય આ ચાઈનીઝ જેવી દેખાતી છોકરીએ જેને કોઈ અનુવાદની જરૂર નથી એવું સ્મિત રેલાવ્યું.

અમિતાએ પણ સ્મિત રેલાવ્યું. એ ચાઈનીઝ જેવી છોકરી અમિતાના બાળકને રમાડવા લાગી.

હિંદી આંતરરાષ્ટ્રીય ભાષા હોય એમ ધારીને અમિતાએ પૂછ્યું, “ચાઈનીઝ હો?”

ત્વચા પરથી તો લાગતું હતું કે એ છોકરી ત્રીસેક વરસની હશે, પણ ઓછી હાઈટ, ખુલતા ટીશર્ટ અને કોટનના પેંટના પહેરવેશને કારણે વધુ યુવાન લાગતી હતી. એ છોકરી પ્રમાણમાં શુદ્ધ હિંદીમાં બોલી, “નહીં, મૈં મણિપુર સે હૂં.”

અમિતાને મણિનગરનો ખ્યાલ હતો, મણિપુરનો નહીં; એટલે એણે નિમેષ સામે જોયું. નિમેષ બોલ્યો, “એ મણિપુર..પેલી સાઈડે.. ચાઈના-નેપાલ સાઈડ પર આવ્યું.”

છોકરી જરા મક્કમ અવાજે બોલી, “મણિપુર ઈંડિયા મેં હૈ.”

નિમેષ જરા થોથવાયો, “હાં, હમને કબ મના કિયા! લેકિન બંગાલ કી ઉસ તરફ જો ભી રેહતે હૈ, દિખને મેં વો સબ ચાઈનીઝ જૈસે..”

છોકરી બોલી, “અચ્છા, આપ ગુજરાત સે હો? મૈં યે કહ સકતી હૂં કે આપ પાકિસ્તાન સાઈડ સે હો?”

બન્ને ચૂપ થઈ ગયા. પછી છોકરીને થયું કે જરા વધારે બોલાઈ ગયું, એટલે એ ફરી બાળકને રમાડવા લાગી, “કિતની પ્યારી બચ્ચી હૈ?”

“બચ્ચી નહીં હૈ, બચ્ચા હૈ!” અમિતા તડાક દઈ બોલી. પછી એને ગેરસમજનું કારણ સમજાયું, “યે તો બાબરી બઢાઈ હૈ ના, ઇસ લિયે! અનમોલ નામ હૈ ઉસ કા! લડકા હૈ.”

પેલી છોકરીને બાબરી મસ્જિદનો ખ્યાલ હતો પણ ગુજરાતી ભાષામાં બાબરી એટલે શું, એ નિમેષે આવડયું એ રીતે સમજાવ્યું અને કહ્યું, “મતલબ જબ અનમોલ કો સબ અચ્છા હો જાયેગા ના, તબ અંબાજી જા કે બાલ કટવા દેંગે!”

કદી અંબાજીથી આગળ ન ગયેલી અમિતાએ વિશાળ અખંડ ભારત દેશ જેવા વેઈટિંગ રૂમમાં નજર ફેરવી. બધા ભાંગીતૂટી હિંદીમાં વાત કરતા હતા. થોડીવારમાં નિમેષે એને સમજાવ્યું. જે કાશ્મીરી કે પાકિસ્તાની જેવા દેખાતા હતા એ પંજાબીઓ હતા. જે શ્રીલંકન જેવા દેખાતા હતા, એ સાઉથ ઈંડિયન હતા. જે તિબેટિયન જેવા દેખાતા હતા એ મોટેભાગે હિમાચલીઓ હતા. સહુ એમ. આર. આઈ.નો રિપોર્ટ લેવા આવ્યા હતા. સહુનું કોઈ સ્વજન બીમાર હતું.

એક પછી એક દર્દી એમ. આર, આઈ રૂમમાંથી એકસરખો ભૂરો ઝભ્ભો પહેરી બહાર આવતાં હતાં. સગાનો પહેરવેશ જોઈને જ દર્દીની નાતજાત ખબર પડે. બાકી ખબર ન પડે. નિમેષને વિચાર આવ્યો કે આપણી આંખો ભેદ જુએ છે બાકી આ એમ. આર. આઈ મશીનની નજરમાં બધા શરીર સરખા હતા. આંખ ચોળીને એણે આખા વેઈટિંગ રૂમમાં નજર નાખી. એક તંતુ બધાની વચ્ચે દેખાયો. બીમારીની પીડા બધાને જોડતી કડી હતી.

અનમોલ રડવા માંડ્યો એટલે નિમેશની વિચારોની માળા તૂટી. નિમેષ અનમોલને શાંત પાડવા મથી રહ્યો હતો ત્યાં ચાઈનીઝ જેવી છોકરીએ અનમોલ માટે ચોકલેટ કાઢી આપી. અનમોલ શાંત થયો. એટલે અમિતાએ વિશ્વાસનું એક સ્મિત રેલાવ્યું. અમિતાને ત્રણ પ્રયાસે સમજ પડી કે એ છોકરીનું નામ ‘લાલયામ્બી’ હતું. સંભળાયું તો એવું જ. પછી કંઈ જુદુ હોય તો ભગવાન જાણે. અમિતાએ ભાંગીતૂટી હિંદીમાં પોતાની કથા સંભળાવી.

એનો સાર લાલયામ્બીને કંઈ આવો સમજાયો. અનમોલ હૃદયની ચાર જન્મજાત ખામીઓ સાથે જન્મ્યો હતો. એક નહીં ચાર-ચાર! બહુ ભાગ્યે જ જોવા મળે એ પ્રકારનો કેસ હતો. બે વરસના આયુષ્યમાંથી એણે પૂરા 4 મહિના હોસ્પીટલોમાં વીતાવ્યા હતા. ડોક્ટરોએ કહ્યું કે અઢી વરસની ઉંમર પહેલા અનમોલની સર્જરી ન કરાવાય તો બાળકનું હૃદય પાંચ વરસની ઉંમર પહેલા ફેલ થઈ જશે. પણ મુસીબત એ હતી કે સર્જરી સહેલી નહોતી, એટલે વડોદરા અને અમદાવાદના મોટીમોટી હોસ્પીટલના ડોક્ટરો તો સર્જરી માટે ના જ પાડી ચૂક્યા હતા. પણ એમના નડિયાદના કોઈ પરિચિત ડોક્ટરે દિલ્હી એઈમ્સવાળા ડોક્ટર સાથે ઈમેલ વ્યવહાર કર્યો. એઈમ્સવાળાએ એમને દિલ્હી બોલાવ્યા, અને અમુક રિપોર્ટ હકારાત્મક આવે તો, એઈમ્સના ડોક્ટરે સર્જરી કરવાની હા પાડી હતી.

આણંદ નજીકના નાના ગામથી દિલ્હી શહેર જઈ, ત્યાં રહીને સર્જરી કરાવવી એટલે આફતનો એક મોટો પહાડ. પણ એ પહાડની પાછળ બાળકને જીવનદાન મળવાની આશાનું એક કિરણ દેખાતું હતું. આખરે નિમેષ અને અમિતા અનમોલને લઈ દિલ્હી રવાના થયા.

દિલ્હી જવા નીકળતી વખતે બહુ સગાઓ ઘરે મળવા આવ્યાં. એમાંથી થોડા અમદાવાદ સ્ટેશન સુધી આવ્યાં. નજીકના બે સગા તો દિલ્હી સાથે આવ્યા અને જરાતરા મદદ કરીને બે દિવસ રોકાઈને પરત થયા. હવે નિમેષ અને અમિતા પાસે સાથીસંગાથી તરીકે એક ડાયરી હતી, જેમાં કદાચ સલાહ લેવા કામ લાગે એવા ફોન નંબરોની યાદી હતી. એ સિવાય પતિપત્ની દિલ્હીના અરણ્યમાં સાવ એકલાં હતાં. અપાર કષ્ટ અને સંઘર્ષના આ દિવસોમાં લોકોની થોડી મદદ, સંસદસભ્યની ચિઠ્ઠી, ગુજરાતભવનમાં રહેવાની સગવડ વગેરે રાહત બનીને આવ્યાં હતાં. હવે મદદ તો જાણે મળતી ઓછી થઈ હતી, પણ સલાહ છેલ્લે સુધી મળવાની હતી.

મણીપુરી લાલયામ્બીએ ધીરજથી અમિતાની કથા સાંભળી. અંતે વાત પૂરી કરતાં અમિતા બોલી, “આજે અનમોલનો રિપોર્ટ આવશે, એ હાર્ટના ડોક્ટરને બતાવીશું, પછી ઓપરેશનનો નિર્ણય લેવાશે. ઓપરેશન કરવાનું હશે તો રોકાઈ જઈશું, નહીં તો જે ટ્રેન મળે એમાં પરત!”

લાલયામ્બીએ આશ્વાસન આપ્યું, “બધુ સારું થઈ જશે!”

આ શબ્દો અમિતાએ સગાઓ પાસે એટલી બધી વાર સાંભળી ચૂકી હતી કે હવે આ શબ્દો સાંભળીને ગુસ્સો આવતો હતો. ડોક્ટરો સિવાય બધા આવું જ કહેતા.

ચોકલેટ પૂરી થઈ ગઈ એટલે અનમોલ ફરી રડ્યો એટલે એને શાંત પાડવાના પ્રયાસમાં અશાંત થઈ ગયેલી અમિતા બોલી, “કેવી કમનસીબી સાથે જન્મ્યો છે! ત્રણ દીકરીઓ પર ભગવાને એક દીકરો આપ્યો. એ ય આવો!”

રિસેપ્શનિસ્ટે નિમેષ-અમિતાને અંદર બોલાવ્યા. એટલે વાત અટકી. અંદર રેડિયોલોજીના મુખ્ય ડોક્ટર એમ.આર.આઈ.ની ફિલ્મ જોઈ રહ્યા હતા. વડોદરા અને અમદાવાદનો રિપોર્ટ માંગી, ત્યાંની ફિલ્મ સાથે સરખાવી, થોડી પૂરક માહિતી કાગળ પર ટપકાવીને કાગળ આસિસ્ટંટને આપ્યો. પછી હૃદયનાં કાણાંઓ વિશે, હદયની ડાબી અને જમણી મુખ્ય ધમનીના પ્રેશર વિશે, ફેફસાંની સ્થિતિ વિશે નિમેષ અને અમિતાને થોડી વાત કરી જેમાં બેમાંથી એકેયને કશી ખબર પડી રહી નહોતી. એટલીવારમાં કાકાની રીંગ આવી. ડોક્ટર જરા ચીડાયા, “બાહર જા કે બાત કરને કા!”

નિમેષે તરત ફોન કટ કરી પૂછ્યું, “ઓપરેશન?”

“સર્જરી કરને કા હૈ યા નહીં, યે જવાબ તો હાર્ટ કે ડોક્ટર સે મિલેગા, કલ સુબહ ઉન સે મિલ લેને કા! ઔર હા, જબ તક રિપોર્ટ ટાઈપ હો જાયે, બાહર વેઈટ કરને કા!” મશીનો સાથે કામ કરતા ડોક્ટરને માણસો સાથે વાત કરવાની ફાવટ ઓછી હતી.

આટલી વાતચીત પછી બન્ને બહાર આવ્યા. રિસેપ્શનિસ્ટે રિપોર્ટ તૈયાર થાય ત્યાં સુધી, લગભગ અડધો કલાક બેસવા કહ્યું.

બહાર ભીડ થઈ ગઈ હતી, નિમેષ અને અમિતાની જગ્યા પર નવા લોકો આવી બેસી ગયાં હતાં. પણ લાલયામ્બીએ ટૂંકા પરિચયની નિકટતાના આધારે આજુબાજુવાળાને જરા સરકવાનું કહી બન્ને માટે જગ્યા કરાવી આપી. થોડા લોકોએ મોં મચકોડ્યા પણ આખરે બધા સમાઈ ગયા. એક-બે જણા ઊભા થયા એટલે ફરી મોકળાશ પણ થઈ.

આવા સહાયકારી બેન સાથે વાત કરવી જોઈએ એમ નિમેષને થયું. પણ શું વાત કરવી એ સૂઝ્યું નહીં.

આખરે થોડું વિચારી નિમેષે પૂછ્યું. “તુમ્હારે મણિપુર મેં તો માબાપ કી મિલકત લડકીઓં કો મિલતી હૈ ના?”

લાલયામ્બી હસીને બોલી, “વો તો મેઘાલયા મેં, ઔર વો ભી સિર્ફ કુછ ટ્રાઈબ્સ મેં. હમારે યહાં તો આપ કે જૈસા હી હૈ. બેટા આંખ કા તારા!”

પરિચિત વાક્ય સાંભળીને અમિતાએ આવડે એવા હિંદીમાં પાદપૂર્તિ કરી. “ઔર દીકરી સાપ કા ભારા..” પછી હસીને ઉમેર્યું, “હમારે યહાં ભી લોગ ઐસે હી હૈ, એકદમ પછાત!”

બન્ને બહેનોની વાત ચાલી. અને નિમેષના મનમાં 14 વરસનો સંસાર આલ્બમના પાનાંની જેમ ફરી ગયો. લગ્નના બે વરસમાં પહેલી દીકરીનો જન્મ. નામ પાડ્યું સિદ્ધિ. ત્રણ પેઢીમાં પહેલી લક્ષ્મી! આનંદ જ આનંદ. બે વરસ પછી બીજી સુવાવડ. ફરી દીકરીનો જન્મ. કોઈ કંઈ બોલ્યું નહીં. થોડી ખામોશી પથરાઈ ગઈ. દીકરીનું નામ પાડ્યું રિદ્ધિ.

નિમેષના મનમાં આલ્બમના પાનાં ફરતાં રહ્યાં. ડોક્ટરની ઓપરેશન કરાવી લેવાની સલાહ. સમાજના શાણાનો આગ્રહ, ‘થોભી જાઓ. અત્યારે ઉતાવળ શું છે?’ ભૂલથી ત્રીજી સગર્ભાવસ્થા. પછાત સગાંઓએ ગર્ભપાત ન કરાવવા દીધો. અને સુધરેલા ડોક્ટરોએ જાતિપરીક્ષણ ન જ કરી આપ્યું. ત્રીજી દીકરી. સન્નાટો. હતાશા. નામ પાડ્યું જ નહીં. દીકરી હતી તો ય અમિતા ‘મુન્નો મુન્નો’ કહેતી રહી. બેચેન યુગલને કોઈએ કહ્યું, અમુક આયુર્વેદની દવાથી પુત્રપ્રાપ્તિ થાય. કોઈ બીજાએ કહ્યું, 14 શુક્રવાર કરો. કોઈ ત્રીજાએ કહ્યું, અમુક ડોક્ટર ગેરંટેડ પુત્રજન્મ માટે શુક્રાણુ છૂટા પાડી આપે છે. જે થઈ શક્યું એ બધું કર્યું. એમાંથી કશુંક કામ તો લાગ્યું અને આખરે ચોથી સગર્ભાવસ્થા રહી. કહે છે કે આઠ અઠવાડિયા પછી ગર્ભની જાતિ નક્કી થાય છે. એટલે એ ગર્ભ પુત્રનો આકાર ધરે એ માટે મરણિયા પ્રયાસો થયા. અમિતાને ઓસડિયારૂપે રોજ કંઈને કંઈ પીવડાવવામાં આવ્યું. આ વખતે એક એવો ડોક્ટર મળી પણ ગયો જેણે જાતિપરીક્ષણ કરી આપ્યું, અને કહ્યું, “દીકરો છે.” અંતે પુત્રપાપ્તિ થઈ, એટલી સફળતા. પણ કદાચ કુદરત સાથે જરા વધુ ચેડાં થયાં એટલે બાળક જન્મજાત ખામીવાળું અવતર્યું. હૃદયના રિપોર્ટ કઢાવવામાં અમદાવાદ અને વડોદરાની હોસ્પીટલોના ધક્કા ખાઈને બે વરસ વીત્યાં.

હવે અનમોલને લઈ તેઓ દિલ્હી એઈમ્સમાં આવ્યા હતા. ત્રણેય દીકરીના જન્મ વખતે જે વધાઈના કવર મળેલા, એમાં થોડીથોડી બચતની રકમ ઉમેરી ત્રણેય માટે એક-એક એફ.ડી કરેલી. મનમાં એવો હિસાબ હતો કે અઢાર વરસે ત્રણે દીકરીઓને ત્રણ-ત્રણ લાખ રુપિયા થઈને મળે. નિમેષની પ્રાઈવેટ કેમિકલ ફેક્ટરીમાં સાધારણ નોકરી હતી. પણ અમિતા કરકસરથી ગાડું ગબડાવતી. થોડી બચત પણ કરેલી. પણ અનમોલની સારવારમાં એ વપરાઈ ગઈ પછી તો દીકરીઓને માટે કરેલી એફ. ડી તોડી નાખવી પડી. એટલું જ નહીં, અનમોલની પાછળ જે ધ્યાન આપવું પડતું હતું એમાં ત્રણેય દીકરીઓ મામા-મામીને ઘરે ઉછરી રહી હતી. મામાની સ્થિતિ બહુ સારી નહીં અને નિમેષ પૈસા મોકલી શકે એવી એનીય હાલત રહી નહોતી. મોટી દીકરી બાર વરસની અને વચલી દસ વરસની હતી એટલે મામીએ કામવાળીને રજા આપી દીધી હતી. ઘરખર્ચ તો મળવાનો નહોતો, છોકરીઓ પાસે કરાવાય એટલું કામ કરાવી લેતી. ત્રીજી ‘મુન્નો’ની ધમાલથી સહુ કંટાળેલા હતા પણ મામીની વેલણથી એ હવે થોડી ડરપોક થઈ હતી. હવે ધમાલ તો નહોતી કરતી પણ પથારીમાં પેશાબ કરે તે દિવસે માર ખાય. આ બધાની ક્યાંકથી ખબર પડે તોય નિમેષ કંઈ કરી શકે એમ નહોતો. અને અમિતાનું ધ્યાન તો અનમોલ કોઈપણ ભોગે સાજો થાય એમાં જ હતું.

લાલયામ્બી સાથેની વાતચીતમાં અમિતા સમાજને પછાત ગણાવી રહી હતી, એટલે નિમેષના મનમાં આ આલબમ ખૂલ્યું. નિમેષે જોયું કે અહીં દિલ્હીમાં સમાજથી, અને દીકરીઓથી આટલે દૂર રહીને દીકરાને સારો કરવાની આશામાં, અમિતા આ બધામાં પોતાની જાતને ક્લીનચીટ આપી રહી હતી.

“તુમ કિસ લિયે આઈ હો મણિપુર સે દિલ્હી?” દિલ્હીમાં આવીને અમિતાની અજાણ્યા સાથે વાત કરવાની હિંમત ખુલતી જતી હતી.

“ઇલાજ ચલ રહા હૈ!” લાલયામ્બીએ જવાબ આપ્યો. ત્યાં જ લાલયામ્બીનો વારો આવ્યો.

“તુમ્હારે હસબંડ કા?” અમિતા કુતૂહલ પૂરુ કર્યા વગર છોડે એમ નહોતી.

“નહીં, મૈંને શાદી નહીં કી!” એમ કહી એ કેબિનમાં ગઈ. એ બહાર આવે ત્યાં સુધી અનમોલનો રિપોર્ટ આવી ટાઈપ થઈ આવી ગયો હતો. એટલે નિમેષ અને અમિતા થોડી રાહ જોઈને નીકળી ગયા. એઈમ્સની કેંટિન સસ્તી હતી એટલે આજે ભોજન ત્યાં લેવાનું નક્કી કર્યું.

ભોજનખંડ ખાસો ભરાયેલો હતો. એક ટેબલ ખાલી થયું ત્યાં સુધી રાહ જોવી પડી. ચાર વ્યક્તિનું ટેબલ હતું. અનમોલ તો ઊંઘી ગયો હતો. બે ખુરશી ભેગી કરી અનમોલને સુવડાવ્યો. બાકીની બે પર બેસી નિમેષ અને અમિતાએ જમવાનું શરૂ કર્યું. પહેલો કોળિયો લે ત્યાં જ લાલયામ્બી દેખાઈ. થાળી હાથમાં લઈ જગા શોધતી હતી. સામાન્ય સંજોગોમાં સૂતા દીકરાને જગાડી અમિતા બીજા કોઈને જગા ન આપે, પણ એણે લાલયામ્બીને બોલાવી. સૂતેલા અનમોલને જરા સંકોરી, એક ખુરશી ખાલી કરીને લાલયામ્બીને આગ્રહપૂર્વક બેસાડી.

જમીને બહાર નીકળી બસની રાહ જોવાની હતી. ‘પૂર્વાંચલ ભવન’માં જવા માટે લાલયામ્બીને પણ એ જ દિશામાં આવવાનું હતું. દર કલાકે એક બસ આવતી. બસને હજુ 35 મિનિટની વાર હતી. બસસ્ટોપ પર બેસવાની જગ્યા મળી ગઈ એટલે વાતચીતનો તંતુ ફરી સધાયો.

લાલયામ્બીએ જોયું કે છૂટક માહિતીથી અમિતાને સંતોષ થાય એમ નહોતું. એણે વિગતવાર કથા કહી.

“હું અને મારો ભાઈ લાલરતન ટ્વીન્સ છીએ. હું એના કરતાં ચાર મિનિટ મોટી. મારા બાળપણની વાત મને તો ક્યાંથી યાદ હોય પણ બીજાઓ પાસે સાંભળી એ તમને કહું છું. મારા મમ્મી-પપ્પાના લગ્નનાં 16 વરસ પછી અમારો જન્મ થયો. ઘરમાં ઉત્સવનો માહોલ થઈ ગયો. બાળક સવા મહિનાનું થાય ત્યારે અમારામાં એક ઉજવણી થાય. દેવું કરીને મારા માબાપે એ ઉજવણી કરી. જલસામાં બસો લોકો ભેગાં થયાં. નાચગાન, મોજમસ્તી, જમણવાર કરી છૂટાં પડ્યાં, મારાં માતાપિતાની ખુશીનો પાર નહોતો.

એ જલસાના ચારેક દિવસ પછી અમને બન્નેને તાવ આવ્યો. સહુનું પહેલું નિદાન હતું ‘નજર લાગી.’ પણ મરચાંની ભૂકીની ધૂપથી કંઈ સારું થયું નહીં. બન્ને વધુ બીમાર થઈ ગયા. ગામના ડોક્ટરે કહ્યું, બન્નેને ન્યૂમોનિયા છે. બન્નેને દાખલ કરો. તપાસ કરાવતાં ખબર પડી, બન્નેનાં હૃદયમાં કાણું છે. માંડ માંડ ન્યૂમોનિયા સારો થયો. પણ બન્ને થોડા થોડા દિવસે બીમાર પડવા લાગ્યાં. છ મહિનાનાં થયાં ત્યાં ડોક્ટરે કહી દીધું, લાલયામ્બી અને લાલરતન બન્નેને બચાવવા હશે તો બન્નેનું હાર્ટનું ઓપરેશન કરવું પડશે. બબ્બે ઓપરેશન! બે લાખ રુપિયા, એ જમાનામાં..!

મારા પપ્પા નીકળી પડ્યા મદદ માંગવા. ગામમાંથી અને સગાઓ પાસેથી ઓપરેશનના ખર્ચનો દસમો ભાગ પણ ન મળ્યો. જમીન તો બહુ હતી નહીં. અને એ સમયે જમીનની કિંમત પણ નહીં. જમીન ગિરવે મૂકતાંય માંડ અડધો જ ખર્ચ નીકળે, એમ હતું.

ત્રણેક અઠવાડિયા ભારે ચિંતામાં વીત્યા. આખરે મારા પપ્પાને વિચાર આવ્યો કે બે ઓપરેશન તો કોઈ કાળે થાય એમ નથી, કોઈ એકનું જ ઓપરેશન કરાવીએ. એક તો બચે!

“બેમાંથી એક? કોણ?”

“સિક્કો ઉછાળીએ!” પપ્પા બોલ્યા. જુગારની ટેવ હતી એમને. મમ્મીએ માંડ છોડાવેલી.

“કાટ પડે તો દીકરાનું ઓપરેશન, અને છાપ પડે તો દીકરીનું ઓપરેશન!” એમ કહીને દ્વિધામુક્ત થવા પપ્પાએ સિક્કો ઉછાળ્યો.”

અમિતાથી રહેવાયું નહીં, “વાહ! તું બચી ગઈ એમ ને? નસીબદાર છે! લાલયામ્બી! સિક્કાએ તને બચાવી!”

લાલયામ્બી શાંતિથી બોલી, “સિક્કો હવામાં અદ્ધર રહી જમીન પર પડયો, ફરતો-સરકતો ચૂલા તરફ ગયો. માએ દોડીને સિક્કો ઉઠાવ્યો, કહ્યું, ‘કાટ!’ કાટ એટલે ભાઈનું ઓપરેશન!”

ધારણા ખોટી પડી એટલે અમિતા ચૂપચાપ સાંભળવા લાગી.

“જમીન શાહુકારને ત્યાં ગિરવે મૂકાઈ, મને ખેતરમાં કામ કરતી મજૂરણને સોંપીને મમ્મીપપ્પા શહેર ગયા. એ જ અઠવાડિયે લાલરતનનું ઓપરેશન થયું. ઓપરેશન કરાવી 14 દિવસ પછી ભાઈને લઈને આવ્યા.

એ દરમ્યાન હું ખૂબ બીમાર પડી હતી, ગામના ચાલુ ડોક્ટરે કહ્યું, આને દાખલ કરો, મજૂરણ મને સરકારી હોસ્પીટલમાં લઈ ગઈ હતી. ત્યાં ઓક્સીજનનો બાટલો સ્ટોકમાં ન હતો. કોઈ સારવાર થઈ નહીં. સિસ્ટરે ચેતવતાં કહ્યું, ‘મોડી રાત સુધી તો ગુજરી જ જશે, પણ અડધી રાતે બેબીનો મૃતદેહને લઈને ઘરે કેવી જશો?’ મોડી સાંજે ગભરાયેલી મજૂરણબાઈ રજા લીધા વગર મને લઈને, ભાગીને ટેમ્પોમાં બેસી ઘરે આવી ગઈ.

ડચકાં ખાતાં ખાતાં રાત નીકળી. સવાર પડી. હું જીવતી હતી. મૃત્યુ એ દિવસે મારા શરીરના દરવાજેથી પાછું ગયું, એ પછી ત્રીસ વરસની થઈ. કદી શરદી પણ નથી થઈ. પછી મોડી ઉમરે કોલકાટાના ડોક્ટરને બતાવ્યું ત્યારે એમણે કહ્યું, ‘કોમ્પન્સેટેડ કોન્જનાઈટલ ડિફેક્ટ. કોઈ સારવારની જરૂર નથી.’

ઓપરેશન કરાવીને આવેલા ભાઈની ખૂબ કાળજી કરવી પડી. નિશાળમાં કોઈ ધક્કો ન મારે એ માટે મા એની પાછળ પાછળ જતી. શિક્ષકોને કહેતી, ‘આને રડાવશો નહીં.’ ભાઈ કંઈ માંગે કે તરત હાજર થઈ જતું. ભાઈને પણ ખ્યાલ આવી ગયો કે કંઈ પણ જોઈતું હોય તો ભેંકડો તાણવાની શરૂઆત કરવાની. ભાઈ મારા પર હાથ ઉગામે, મમ્મીને ફરિયાદ કરું તો મમ્મી એને કંઈ કહે કે કરે નહીં એટલે હું મજૂરણને ત્યાં જ મોટી થવા લાગી.

દેવું વધતું જતું હતું. પપ્પા-મમ્મીને માટે હવે મારો ખર્ચ કાઢવો અસંભવ હતો.

ભાઈ પ્રાઈવેટ સ્કૂલમાં હતો. મને તો શાળામાં દાખલ કરી જ નહોતી. એક દિવસ સરકારી સ્કૂલવાળા મને પકડીને સ્કૂલ લઈ ગયા. રોજ નાસ્તો મળતો એટલે હું રાજીખુશીથી જવા લાગી. ભણવામાં હું ભાઈ કરતાં સારી હતી. મારા એક પ્રૌઢ વયના ટીચરે મને દત્તક લીધી. એમની બદલી થતાં હું એમની સાથે જ ગઈ. ત્યારે મારી ઉંમર સાતેક વરસની હશે. એમણે દીકરી ગણીને જ મોટી કરી. ક્યારેક એ મને ગામ લઈ જવા કહેતાં પણ મમ્મી-પપ્પા-ભાઈ કંઈ યાદ કરવા લાયક હતું નહીં એટલે ફરી કદી ગામ ન આવી. સાંભળ્યુ હતું કે ફટવી મારેલા ભાઈની પાછળ મમ્મી-પપ્પા ખુવાર થઈ ગયાં હતાં. મેં ભણીને ગ્રેજ્યુએશન કર્યું, ટીચરની નોકરી મળી. ત્યાં એક દિવસ ટીચર આંટીએ (મારા પાલક મમ્મીએ) કહ્યું, “તારા ગામથી ફોન હતો, તારા પપ્પા ખૂબ બીમાર છે!”

મોડી રાતે ગામ પહોંચી. ગામ છોડ્યાના 15 વરસ પછી પહેલીવાર ગામમાં પગ મૂક્યો હતો. ખબર પડી કે ભાઈ ફૂટબોલની ટુર્નામેંટ રમવા ગયો હતો, મમ્મી એની સાથે ગઈ હતી, કોઈ કારણે એમનો સંપર્ક ન થયો. પપ્પા અર્ધબેહોશીમાં મારું નામ બોલ્યા, એટલે મને બોલાવવા કોઈએ ટીચર આંટીનો નંબર શોધીને ફોન કરાવ્યો હતો.

ત્રણ કલાકની મુસાફરી કરી હું પહોંચી ત્યારે પપ્પાના છેલ્લા શ્વાસ ચાલતા હતા. ડોક્ટરોએ તો ક્યારનું કહી દીધું હતું. વડીલોએ પણ બધું જલદી પતે એ માટે અંતિમવિધિની તૈયારી કરવા માંડી હતી. પણ પપ્પા શ્વાસ છોડતા નહોતા.

મારો અવાજ સાંભળી એમણે આંખ ખોલી, મારે માટે લગભગ અપરિચિત એવી એ આંખમાં આંસુ આવ્યા.

કોઈ બોલ્યું, “હવે જીવ નીકળે તો સારું!”

બહુ મહેનતથી એમના ગળેથી અવાજ નીકળ્યો, “એક વાતનો ભાર છે. એ ઉતરી જશે પછી જીવ હળવો થઈ ઊડી જશે.”

મેં હિંમત કરી સહુને બહાર જવા કહ્યું. હવે અમે બન્ને એકલાં હતાં. પપ્પા બોલ્યા, “તને એ તો ખબર છે કે બાળપણમાં તમારા બેમાંથી કોનો જીવ બચાવવો, એ બાબતે અમે સિક્કો ઉછાળેલો.”

મને ખબર હતી, એ વાતની. એટલે મેં કહ્યું, “હા એ સિક્કામાં ‘કાટ’ની બાજુ પડી એટલે ભાઈનું ઓપરેશન થયું.”

પપ્પા બોલ્યા, “સિક્કો દૂર જઈ પડ્યો હતો. મેં દૂરથી જોયું કે છાપ પડી હતી. પણ તારી મમ્મી ‘કાટ’ બોલી! એણે ભાઈને બચાવવો હશે, એટલે એ જૂઠું બોલી. હું એને કંઈ કહી ન શક્યો..”

ભાઈને બચાવવા જતાં હું કદાચ મરી ગઈ હોત તો આ વાત મહત્વની થાત. પણ હું જીવતી હતી. એટલે મને કંઈ ખાસ અસર ન થઈ. મેં એ મુજબના હાવભાવ કર્યા. પપ્પાને થોડી શાંતિ થઈ.

એની બે ક્ષણ પછી પપ્પાના મુખથી છેલ્લા શબ્દો નીકળ્યા, “હવે ભાઈનું અને મમ્મીનું ધ્યાન તારે જ રાખવાનું છે!”

પપ્પાની અંતિમવિધિ પતાવી હું નીકળી ગઈ ત્યાં સુધી મમ્મી કે ભાઈ આવ્યા નહોતા. મને થયું, બીમાર પપ્પાને મૂકીને ફૂટબોલની મેચ રમવાનો સાહસિક નિર્ણય લઈ શકે એવા ભાઈ કે મમ્મીને મદદ કે ધ્યાનની શું જરૂર? આમેય ત્યાં ટીચર આંટી પણ બીમાર હતા.

એ વાતને છ વરસ થઈ ગયા. વચ્ચેના અરસામાં ટીચર આંટી પણ ગુજરી ગયા. છ મહિના પહેલા ગામથી ફરી મને કોઈ બોલાવવા આવ્યું.

ભાઈ લાલરતનની બન્ને કીડની ફેલ થઈ ગઈ હતી. એને બચાવવા માટે કોઈ સગાની કીડનીની જરૂર હતી. મમ્મીએ મારી આગળ ખોળો પાથર્યો. “ભાઈને બચાવી લે, ડોક્ટર કહે છે, જોડિયા બહેનની કીડની બરાબર મેચ થઈ જશે!”

બે દિવસ વિચાર કર્યો. લાલરતન બચે નહીં તો મમ્મીની જવાબદારી પણ મારે જ માથે આવવાની હતી. એનો મને વાંધો નહોતો. ટીચર આંટીની જેમ જ, મેં પણ લગ્ન નથી કર્યા અને ખુદ ટીચર આંટી મારે માટે ખાસ્સા પૈસા છોડી ગઈ છે. મને પૈસેટકે કોઈ તકલીફ નહોતી. પણ કીડની?

પપ્પા સાથે થયેલી છેલ્લી બેઉ વાત યાદ આવી.

પહેલી વાત, ‘મમ્મી સિક્કો ઉછળવા બાબતે જૂઠું બોલી હતી ભાઈને બચાવવા માટે!’

બીજી વાત, ‘હવે તારે જ ધ્યાન રાખવાનું છે ભાઈનું અને મમ્મીનું!’

બન્ને વાત બહુ વિરોધાભાસી હતી. પહેલી વાત મન પર લઈ લઉં અને મમ્મીને માફ ન કરું તો બીજી વાત પાળી ન શકું. બીજી વાત માનીને લાલરતનનું ધ્યાન રાખવાનું હોય તો પહેલી ભૂંસવી પડે.”

ત્યાં જ બસ આવી, એટલે લાલયામ્બીએ પોતાની વાત પૂરી કરવી પડી. ઊઠતી વખતે, અડધો કલાક એકધારું બેસવાને કારણે, એને પડખામાં સહેજ દર્દ થયું એવું લાગ્યું.

અમિતાને જોઈને કોઈએ એક જગ્યા કરી. નિમેષ અને લાલયામ્બી ઊભાં રહ્યાં.

બસમાં ભીડ હતી. ઓછી હાઈટ સાથે ઉપરનો બાર પકડવા માટે લાલયામ્બીએ હાથ ઊંચો કર્યો તો ટીશર્ટ નીચે મોટું આઠેક ઈંચનું ડ્રેસિંગ દેખાયું.

અમિતાથી બોલાઈ ગયું, “ઓહ! કીડની આપી દીધી ભાઈને?”

“હા, ભાઈ સારો છે હવે, પણ મારી આ બચેલી કીડની બરાબર કામ નથી આપતી. એની તપાસ કરાવવા આવી છું! ડોક્ટર કહે છે, આમ તો કદી આવું ન બને, પણ મારા કેસમાં બન્યું. ડોક્ટરો કહે છે, હવે આશા ઓછી છે..!”

“ઓહ! આ તો.. આ તો બહુ ક્રૂર અન્યાય..”

“જીવનમાં ન્યાય-અન્યાય જેવું કંઈ હોતું નથી. લાગે છે કે ત્રીસ વરસ પહેલા જે સિક્કો ઉછાળેલો, તે આજે જમીન પર પડ્યો છે. લાલરતનને જીવન મળ્યું અને લાલયામ્બીને..”

નિમેષ અજાણ્યા લોકો પર વિનાકારણ ગુસ્સે થઈ ગયો, “દેખતે નહીં હો, બીમાર હૈ યે!”

અમિતાની બાજુવાળા ભાઈ ઊભા થઈ ગયા, નિમેષે ત્યાં લાલયામ્બીને બેસાડી.

લાલયામ્બી સાથે આગળ કોઈ વાત કરવાની નિમેષ કે અમિતામાં તાકાત નહોતી. ગુજરાતભવનનું સ્ટોપ આવતાં અમિતા લાલયામ્બીનો હાથ સહેજ દબાવીને ઉતરી.

*

બે દિવસ પછી નિમેષ અને અમિતા અમદાવાદ જતી ટ્રેનમાં હતા. નિઝામુદ્દીન સ્ટેશનથી ટ્રેન ઉપડી.

ટ્રેનમાં બેઠા કે તરત અમિતાના ભાઈનો મહેસાણાથી ફોન આવ્યો. નિમેષે જોયું કે અગાઉ એક મિસ્ડ કોલ પણ ગયો હતો.

નિમેષે ફોન ઉપાડી કહ્યું, “રિક્ષામાં તમારી રિંગ સંભળાઈ નહીં. ચિંતા ન કરશો, ટ્રેનમાં બેસી ગયા છીએ. હા, તત્કાલમાં મળી ગયું. ના ના, અમિતાની તબિયત બરાબર છે. એ તો કપડાબજારમાં કપડા ખરીદવા ગયાં હતાં એટલે સ્ટેશન પહોંચતા મોડું થયું. લ્યો અમિતાને આપું!”

ભાઈએ પૂછ્યું, “અનમોલને કેવું છે?”

અમિતા બોલી, “એ તો આ સૂતો. પણ મારી રિદ્ધિ-સિદ્ધિ કેમ છે? બરાબર જમે છે ને? એમ કરો ને, એમને ફ્રૂટ અને નાસ્તો મંગાવી આપજો, ભાભીને કહેજો, પૈસા હું આપી દઈશ અને નાની મુન્નાને સાંજે ફરવા લઈ જજો અને રમકડાં અપાવજો. અને કહેજો કાલે રાતે મમ્મી-પપ્પા ત્રણે માટે નવા ડ્રેસ લઈને આવે છે. અમદાવાદ સ્ટેશને ત્રણે દીકરીઓને લઈને આવજો. અમે છ જણાં સાથે જ ઘરે જઈશું.”

સંતોષ સાથે અમિતાએ ફોન મૂક્યો. અનમોલને સુવાડતાં એ સહેજ જાગ્યો, તો બોલી, “ત્રણ વહાલી બેનોના ભાઈ! પોઢી જાઓ, સવારે તો બહેનો તમને લેવા આવશે!”

નિમેષે જોયું કે સાળાનો ફોન ચાલતો હતો એ દરમ્યાન કાકાનો મિસ્ડ કોલ ગયો હતો. કાકા પરિવારમાં સૌથી વધુ ભણેલા હતા. ઈંસ્યોરંસ કંપનીમાં ડેવલપમેંટ ઓફિસર હતા. નિમેષે કાકાને કોલ કરી સમાચાર આપ્યા, “કાકા, અનમોલના રિપોર્ટ ખરાબ છે. ઓપરેશન થાય એમ નથી. ડોક્ટર કહે છે, એ ત્રણ વરસથી વધુ નહીં ખેંચે!” વાત સાંભળી રહેલી અમિતાએ અનમોલને માથે હાથ ફેરવ્યો. પતિપત્નીના આંખને ખૂણે ચિરપરિચિત આંસુ હતું. પણ એ આંસુ આજે કોઈ અજબ પ્રકારની ચમકથી ચમકી રહ્યું હતું.

સામે છેડે કાકા સ્તબ્ધ થઈ ગયા હશે એટલે કશું બોલી શક્યા નહીં. નિમેષે કહ્યું, “કાકા, સાંભળો છો? પેલી ઓપરેશન માટે ઉપાડેલી ને, એ રકમ ફરીથી દીકરીઓનાં નામે એફ ડી કરાવી દેવાની છે!”

અમિતા મુઠ્ઠીમાંથી સરી રહેલા એક અનમોલ રતનને બચાવવા ગામથી નીકળી હતી. ડોક્ટરો હાથ ઊંચા કરી દીધા તોય ગામ પાછા ફરતી વેળા, કોણ જાણે કેમ એને લાગતું હતું કે એને પાલવડે હજુ ત્રણ અનમોલ રતન બંધાયેલાં છે.

*******