પૂજય ભગવતીકુમાર શર્મા Raeesh Maniar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૂજય ભગવતીકુમાર શર્મા

પૂજય ભગવતીકુમાર શર્માને ગયા વરસે સાહિત્યરત્ન એવોર્ડ મળ્યો, ત્યારે ભગવતીકુમાર શર્માના સુપુત્રી અને જાણીતા કવયિત્રી રીના મહેતા પાસેથી મેળવેલ સામગ્રીને થોડી મઠારી એક લેખ તૈયાર કરેલો, એ લેખ ફરી થોડા ફેરફાર સાથે એમના ભાવકો અને ચાહકો સમક્ષ મૂકું છું

“અમે આંધી વચ્ચે તણખલાંના માણસ”

ગુજરાતી સાહિત્યના સવ્યસાચી

શ્રી ભગવતીકુમાર શર્મા

અમે તો તત્ત્વની સાથેના તાલ્લુકાત છીએ,

અમે અમારાપણા અંગે અલ્પજ્ઞાત છીએ.

અમે સુગંધનો સોના પે દ્રષ્ટિપાત છીએ,

ધરો જો મૂર્તિને ચરણે તો પારિજાત છીએ

અમે ફલાણા ફલાણા નથી, ફલાણા નથી,

અમે તો જે છીએ તેવા જ જન્મજાત છીએ !

છે વ્યર્થ શોધ અમારી સળંગ હસ્તીની,

અમે આ વિશ્વમાં કેવળ પ્રસંગોપાત્ત છીએ.

ગુજરાત શ્રી ભગવતીકુમારના પારિજાતસમા વ્યક્તિત્વથી અલ્પજ્ઞાત પણ નથી, અને માત ગુર્જરીના ચરણોમાં એમનું પ્રદાન પ્રસંગોપાત પણ નથી. છેલ્લાં સિત્તેર વર્ષથી સંપૂર્ણપણે સાહિત્ય અને પત્રકારત્વને સમર્પિત એવા કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર અને વરિષ્ઠ પત્રકાર શ્રી ભગવતીકુમાર શર્માએ આપણી વચ્ચેથી 2018ની સપ્ટેમ્બરની પાંચમી તારીખે વિદાય લીધી છે. એમણે તો લખ્યું જ હતું..

ઉઘાડાં દ્વાર છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ;

જગતથી મુખ મરોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

કિનારો હોય કે મઝધાર : મારે શો ફરક પડશે?

ડુબાડી જાતે હોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

હું માયામાં ઘણો જકડાયેલો છું, પણ વખત આવ્યે,

બધા તંતુઓ છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

સ્મરણ એકેય રહેવા નહિ દઉં હું ઘરની ભીંતો પર;

છબીઓ સર્વ ફોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

નદીકાંઠો, સ્વજનની હાજરી, સૂર્યાસ્તની વેળા,

ચિતામાં યાદ ખોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

આ ઊંચા ગજાના, લોકલાડીલા સાહિત્યકાર શ્રી ભગવતીકુમારના કર્મનિષ્ઠ જીવન, બહુઆયામી ભાતીગળ વ્યક્તિત્વ અને સર્જનયાત્રાનો પરિચય મેળવીએ

શબ્દવિશ્વમાં પ્રવેશ

વર્ષ ૧૯૩૪ની ૩૧મી મે એ સુરતમાં એમનો જન્મ. સામવેદના ઊંડા જ્ઞાતા અને કર્મકાંડી બ્રાહ્મણ પિતા હરગોવિંદદાસ અને વાંચનરસિક માતા હીરાગૌરીના સંસ્કારો ભગવતીકુમારને વારસામાં મળ્યા હતા. તેમના આ જ સંસ્કારો તેમના કાવ્યો- સોનેટ અને ‘સમયદ્વીપ’, ‘ઊર્ધ્વમૂલ’ તથા ‘અસૂર્યલોક’ જેવી નવલકથાઓમાં સોળે કળાએ ખીલ્યાં છે.

૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા થઇ તેથી ઘવાયેલા તેમના ઋજુ હૃદયમાંથી જોડકણા જેવી એક કવિતા સરી પડી હતી. ત્યારથી તે આજ સુધી એમની સાહિત્ય સફર અવિરત અવિરામ રહી છે.

બાળપણથી જ તેમની આંખો ખૂબ નબળી પણ વાંચન તથા સંગીત – ચિત્રકલા – નાટક બધાંમાં ઊંડો રસ. નબળી આંખો વધુ બગડવાના ભયથી એસ.એસ.સી. ભણ્યા પછી ભણતર છોડી દીધું. દેખીતી રીતે નિષ્ક્રિયતાના આ પાંચ વર્ષ દરમ્યાન એમણે વાંચન-લેખન વગેરે શરુ કર્યું જે એમના સાહિત્યપ્રવેશનો પાયો બન્યું. ‘ગુજરાતમિત્ર’ દૈનિકમાં એપ્રવેશ્યા તો પ્રૂફરીડર તરીકે, પણ છ જ મહિનામાં પ્રથમ તંત્રી લેખ લખ્યો. ત્યાર પછી તેમણે પાછું વળીને જોયું નહીં.

એસ.એસ.સી. સુધી અભ્યાસ કાર્ય બાદ પડતો મૂકેલો અભ્યાસ છેક ચાલીસમે વર્ષે ફરી શરૂ કર્યો. અભ્યાસની આ બીજી ઈનિંગમાં એમણે બી.એ.ની ડીગ્રી પ્રથમ વર્ગમાં મેળવી ત્યારે તો તેમના કેટલાક પુસ્તકો યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પણ સમાવિષ્ટ થઇ ગયા હતા.

બે કાંઠે વહેતી નદી : પત્રકારિત્વ અને સાહિત્ય

ભગવતીકુમાર જેટલા વિખ્યાત સાહિત્યકાર છે એટલા જ વરિષ્ઠ – આદરપાત્ર પત્રકાર પણ છે. તેમણે આ બંને ક્ષેત્રોને પોતાના ઉત્તમ સત્વનું પ્રદાન કર્યું છે.

તેઓ ૧૯૫૫માં સુરતના દોઢસો વર્ષ જૂના પ્રતિષ્ઠિત દૈનિક વર્તમાનપત્ર ગુજરાત મિત્રના સંપાદન વિભાગમાં જોડાયા. ‘ગુજરાતમિત્ર’ સાથે તેઓ છેલ્લા ચોસઠ વર્ષથી સતત સંલગ્ન રહ્યા. પત્રકારત્વની લગભગ બધી જ શાખાઓમાં વિપુલ એટલું જ ગુણવત્તાસભર ઉમદા કામ તેમણે કર્યું છે. 84 વર્ષની જૈફ ઉંમરે, સંપૂર્ણ પથારીવશ તથા આંખોની દ્રષ્ટિ પણ સંપૂર્ણપણે ગુમાવી દીધી હોવા છતાં પણ શબ્દનો સાથ તેમણે છોડ્યો નહીં. ‘ગુજરાતમિત્ર’ની ‘આજ-કાલના અક્ષાંશ-રેખાંશ’ની રવિવારીય કોલમ સાતત્યપૂર્ણ રીતે તેઓ લખતા રહ્યા.

રેત છું પણ શીશીમાં ખરતો નથી,

શૂન્યતાને ‘હું’ વડે ભરતો નથી;

મારા પડછાયા કરે છે ઘાવ પણ

હું સમય છું એટલે મરતો નથી.

પત્રકાર તરીકે તો એમણે ઉજળો હિસાબ આપ્યો છે જ. પણ પત્રકાર હોવા છતાં એમણે ભીતરના સર્જકને પત્રકારથી અલગ રાખ્યો છે. સતત શબ્દ સાથે રહેવું ને કવિતા-વાર્તા માટેની સર્જક ચિનગારી ક્યાંય ઓલવાય નહીં અને સદાયે દીપ્ત-પ્રદીપ્ત રહે એની સજાગપણે સાવધાની રાખવી, એ બહુ મોટી વાત છે.

નર્મદ સાહિત્ય સભાનું પ્રમુખપદ તેઓ સુપેરે શોભાવી રહ્યા છે. તેઓ ૨૦૦૯ થી ૨૦૧૧ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા હતા અને એ પદ ઉપર પણ એમણે નેત્રદીપક કામગીરી બજાવી હતી.

શબ્દ સાથેનો સંબંધ

એમની કેફિયત એમના પોતાના જ શબ્દોમાં સાંભળીએ. ‘મારા અત્યાર લગીના અસ્તિત્વની જો કોઈ સૌથી સુખદ, સાર્થક, છલોછલ ઘટના હોય તો તે મારા જીવનમાંનો આ શબ્દપ્રવેશ. આજે હું બેધડક કહી શકું કે શબ્દ જ માત્ર મારા જીવનનું સર્વસ્વ છે. હું માઈનસ શબ્દ એટલે શૂન્ય.’ આ શબ્દો છે સમર્થ શબ્દસ્વામી ભગવતીકુમારના. તેઓ આગળ કહે છે, ‘જાતને ટપલાં મારી મારીને, ભૂલો સુધારી-મઠારીને, આંખ-કાન-મન-અંતરમાં બારીબારણાં સતત ખુલ્લાં રાખીને હૃદયની જે કોઈ સંપત્તિ છે તેને સ્થૂળ આકાંક્ષાઓથી વેરવિખેર થઇ જતી બચાવીને, નગણ્યથી સંતોષ માનવાની વૃત્તિને ટાળતાં રહીને, ક્વોન્ટીટીના મોહથી અલિપ્ત રહેવાની સભાનતા કેળવીને, સતત વિનમ્ર – નિરહંકારી રહેવાનો પ્રયત્ન કરીને, આંખો કામ આપે તેટલે અંશે સારું સાહિત્ય વાંચતા રહીને, મારા સંવિદતંત્રને સૂક્ષ્મ, પ્રત્યગ્ર, સ્થિતિસ્થાપક રાખીને, જેઓના શિષ્ય બનવાનું મને બેહદ ગમ્યું હોય તેવા પ્રાજ્ઞ પુરુષોના માત્ર સાહિત્ય સર્જનને જ નહીં જીવનને પણ મારી નિરીક્ષાનો વિષય બનાવીને, મનુષ્ય માત્ર પ્રત્યે બને તેટલી સહૃદયતા ધરાવીને હું કંઇક શીખતો, મેળવતો, ઘડતો, ઘડાતો રહ્યો છું.’

ભગવતીકુમાર શર્મા: ભાવનાશાળી સવ્યસાચી સર્જક

સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી;

મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી.

સાહિત્યકાર તરીકે તેમની વિશિષ્ટતા એ છે કે તેમણે સાહિત્યનાં બધાં સ્વરૂપોમાં વિપુલ એટલું જ સત્વશીલ યોગદાન કર્યું છે. વિવિધ સ્વરૂપ અને પ્રકારના તેમના અત્યાર સુધીમાં પ્રકાશિત થયેલા ૮૧ પુસ્તકો આ વાતની શાખ પૂરવા પર્યાપ્ત છે.

ભગવતીકુમાર શર્મા નિતાન્તપણે હૃદયજીવી સાહિત્યસર્જક છે. તેઓ ‘અસૂર્યલોક’ કે ‘ઊર્ધ્વમૂલ’ જેવી નવલકથાઓ લખે કે ટૂંકી વાર્તા સર્જે કે ‘શબ્દાતીત’ અને ‘બિસતન્તુ’ જેવા નિબંધસંગ્રહો આપે, ગઝલ-ગીત કે સોનેટ રચે કે સુદીર્ઘ પત્રકારચર્યાના અંગરૂપે હજારો તંત્રીલેખો લખે, સર્વત્ર તેમનું હૃદયદ્રવ્ય તો રેડાય જ.

નવલકથા : દ્વીપથી લોક સુધીનો વ્યાપ

એમણે લખેલી તેર નવલકથાઓમાં નવલકથાઓમાં ભારતીય સંસ્કૃતિ સાથેની તેમની ગાઢ નિસ્બત તથા ચિંતનશીલતા પ્રગટ થાય છે. પ્રથમ નવલકથા ‘આરતી અને અંગારા’ ૧૯૫૬માં પ્રગટ થઇ હતી. તે પછી ‘પ્રેમયાત્રા’, ‘વીતી જશે આ રાત’, ‘મન નહીં માને’, ‘પડછાયા સંગ પ્રીત’, ‘ન કિનારો ન મઝધાર’, ‘રિક્તા’, ‘વ્યક્તમધ્ય’, ‘ભીના સમયવનમાં’, ‘સમયદ્વીપ’, ‘ઊર્ધ્વમૂલ’, ‘અસૂર્યલોક’ અને છેલ્લી ‘નિર્વિકલ્પ’ ૨૦૦૫માં પ્રગટ થઇ છે. જેમાં ‘સમયદ્વીપ’થી તેમને તેમનું ધ્રુવપદ પ્રાપ્ત થયું છે એમ કહી શકાય. આ નવલકથા પરાપૂર્વથી ચાલી આવતી પરંપરા અને નવીન સંસ્કૃતિના અનુસંગે બદલાયેલી નૂતન જીવનરીતિ આ બે વચ્ચેના દ્વીપ પર ઉભેલા નાયકનું જીવન દર્શન કરાવે છે. ‘ઊર્ધ્વમૂલ’ એમની કીર્તિદા નવલકથા છે જે મૂલવિહીનતાની સમસ્યાથી પીડાતા માનવની પોતાના ઊર્ધ્વમૂલની શોધની અભિપ્સાને કલાત્મક ઉઠાવ આપતી આ નવલકથા છે. તો તેમને ખૂબ યશ અપાવનાર વિસ્તૃત ફલક પરની યશસ્વી નવલકથા ‘અસૂર્યલોક’માં ચાર પેઢીની વાત વણી લઈને ભારતીય સંસ્કૃતિનો મહિમા ઉજાગર થયો છે. ચર્મચક્ષુથી જ્ઞાનચક્ષુ સુધીની આ કથામાં તેમનું આંતરસત્વ પૂરેપૂરું ઠલવાયું છે. આ નવલકથા પરથી ધારાવાહિક પણ બની છે અને તેને વર્ષ ૧૯૮૭નો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. ભારતીય જ્ઞાનપીઠ દ્વારા તેનો હિન્દી સંક્ષિપ્ત અનુવાદ તથા ભારતીય સાહિત્ય અકાદમી દ્વારા પણ તેનો હિન્દી અનુવાદ પ્રગટ થયો છે. પરિપક્વ જીવનદૃષ્ટિ અને સબળ સર્ગશક્તિ એમની નવલકથાકાર તરીકેની પ્રતિભાના બે મુખ્ય સ્તંભો છે.

નવલિકા: પરંપરા અને પ્રયોગપ્રીતિના સમન્વયકારી વાર્તાકાર

ભગવતીકુમાર શર્માની સર્જકપ્રતિભાના ઉન્મેષો નવલકથાની જેમ ટૂંકી વાર્તાના સ્વરૂપમાં પણ જોવા મળ્યા છે. ‘દીપ સે દીપ જલે’, ‘હૃદયદાન’, ‘રાતરાણી’, ‘મહેંક મળી ગઈ’, ‘છિન્નભિન્ન’, ‘તમને ફૂલ દીધાનું યાદ’, ‘વ્યર્થ કક્કો છળ બારાખડી’, ‘કંઈ યાદ નથી’, ‘અડાબીડ’, ‘અકથ્ય’ અને છેલ્લે પ્રગટ થયેલો ‘શંખધ્વનિ’ વાર્તાસંગ્રહ તેમણે કરેલા ટૂંકી વાર્તા ક્ષેત્રના ખેડાણની પ્રતીતિ કરાવે છે. તેમની વાર્તાઓ ધીમી ફૂંકે વગાડેલી વાંસળી જેવી આસ્વાદ્ય છે.

ભારતીય જ્ઞાનપીઠ દ્વારા હિન્દીમાં પ્રકાશિત એમનો પ્રતિનિધિ વાર્તાસંગ્રહ ‘દ્વાર નહીં ખૂલે’ નોંધનીય છે. તે ઉપરાંત કેટલીક વાર્તાઓના અંગ્રેજી, મરાઠી, તેલુગુ ઈત્યાદિ ભાષાઓમાં અનુવાદો પ્રકાશિત થયા છે.

નિબંધો: અઢી અક્ષરનું ચોમાસું

લલિત નિબંધ ક્ષેત્રે પણ તેમનું આગવું પ્રદાન છે. તેમના નિબંધોમાં અંગત સંવેદનરસિક સ્પર્શ અને નિરાડંબરી છતાં લાલિત્યપૂર્ણ ભાષાકર્મ ધ્યાનાકર્ષક નીવડ્યાં છે. ‘શબ્દાતીત’, ‘બિસતન્તુ’, ‘હૃદયસરસાં’, ‘પરવાળાની લિપિ’, ‘પ્રેમ જે કશું માંગતો નથી’, ‘માણસ નામે ચંદરવો’, ‘નદીવિચ્છેદ’, ‘સ્પંદનપર્વ’, જેવા આઠેક નિબંધ સંગ્રહ તેમની પાસેથી પ્રાપ્ત થયા છે. તેમના ચૂંટેલા નિબંધોનો હિન્દી અનુવાદ ‘સ્પંદન’ પણ પ્રગટ થયો છે.

કવિતા: છંદોની નૌકામાં ગઝલથી સોનેટ સુધીની સફર

ગુજરાતી ગઝલના વળાંકના યાત્રી બની એ પછીની પેઢીના રાહબર બની એમણે ગઝલમાં તાજગી, શાસ્ત્રીયતા તથા પ્રયોગપ્રીતિનો પુટ ચડાવ્યો છે. કવિતામાં પણ ગઝલ તેમની અભિવ્યક્તિનું મુખ્ય માધ્યમ રહેવા છતાં તેમને છંદોબદ્ધ સોનેટ, ગીત, ભક્તિગીત, અછાંદસ વગેરે સર્વ કાવ્યપ્રકારો પર પોતાની કલમ અજમાવી છે. ‘સંભવ’, ‘છંદો છે પાંદડાં જેનાં’, ‘ઝળહળ’, ‘નખદર્પણ’, ‘અઢી અક્ષરનું ચોમાસું’, ‘ઉજાગરો’, ‘એક કાગળ હરિવર ને’, ‘આત્મસાત’, ‘ગઝલાયન’, ‘એ ક્ષણો ગઝલની છે’ એમના કાવ્ય સંગ્રહો છે. તે ઉપરાંત ‘તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે’, ‘શબ્દનું સાત ભવનું લેણું છે’, ‘ગઝલની પાલખી’, ‘કાવ્યકળશ’ તેમના ઉત્તમ કાવ્યોના નોંધનીય સંપાદનો છે.

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;

ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

હાલમાં જ ‘ભગવતીકુમાર શર્માની સમગ્ર કવિતા’ પુસ્તક પ્રગટ થયું છે.

તેમણે ‘અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા’ જેવો વિવેચન સંગ્રહ તથા ગઝલ વિષયક પરિચય પુસ્તિકા પણ આપી છે.

ઈતર: સ્વથી સર્વ સુધીનો વિહાર

પરભાષી નાટકોના ભાષાંતરો અને રૂપાંતરો, પ્રવાસકથા, આત્મકથા, હાસ્ય-વ્યંગ, વિવેચન – આસ્વાદ વગેરે બધાં સ્વરૂપોમાં તેમની કલમ વિહરતી રહી છે.

‘ગુજરાતમિત્ર’માં તેમની હાસ્ય-વ્યંગની ‘નિર્લેપ’ના ઉપનામથી આવતી કટારમાંથી ચાર પુસ્તકો સંપાદિત થયા છે. આ ઉપરાંત તેમનું ‘અમેરિકા આવજે’ પ્રવાસ પુસ્તક ખૂબ લોકપ્રિય નીવડ્યું છે. ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ શીર્ષકથી તેમણે આત્મકથા લખી છે. જેમાં તેમને સુરતના તત્કાલીન જનજીવનની પડછે પોતાની કથા આલેખી છે. તેમના તંત્રી લેખોના બે સંગ્રહો ‘અયોધ્યા કાંડ: અગ્નિ અને આલોક’ તથા ‘મારા મનગમતા તંત્રીલેખો’ થયાં છે.

સન્માન : સમય સમય પર.. સમયસર..

પ્રલંબ સાહિત્યયાત્રામાં અગણિત વાર સન્માનિત થયેલા આ સર્જકને વહાલું તો પોતાનું માણસપણું જ છે.

કોમળ છું, કાંટાળો છું; માણસ જેવો માણસ છું.

પોચટ છું, પથરાળો છું; માણસ જેવો માણસ છું.

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;

ક્ષણક્ષણનો તરગાળો છું, માણસ જેવો માણસ છું.

તેમને ૧૯૭૭માં કુમાર સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૪માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. તેમને ૧૯૮૭માં ‘અસૂર્યલોક’ નવલકથા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આદિ કવિ નરસિંહ મહેતા પુરસ્કાર ૨૦૧૧માં તથા ૨૦૦૦માં તેમને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી ડી.લિટ્ટની પદવી એનાયત થઇ હતી. ગઝલ ક્ષેત્રમાં જીવનભરના પ્રદાન બદલ ૨૦૦૩માં તેમને આઈ એન ટી તરફથી ‘કલાપી પુરસ્કાર’ તેમ જ વલી ગુજરાતી કેંદ્ર તરફથી ‘વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર’ મળ્યો હતો. ૨૦૧૧માં તેમને પત્રકારત્વ માટે ‘હરીન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર’ ૨૦૦૦માં તેમને તત્કાલીન વડાપ્રધાન શ્રી વાજપેયીજીના હસ્તે નચિકેતા પુરસ્કાર પણ મળ્યો હતો. આ ઉપરાંત નર્મદ સાહિત્યસભા તરફથી નર્મદ ચંદ્રક, દર્શક પુરસ્કાર, ગોવર્ધનરામ ચંદ્રક, મેઘાણી પુરસ્કાર, નંદશંકર એવોર્ડ, નવચેતન ચંદ્રક, સ્વામી સચ્ચિદાનંદ સમ્માન, બટુકભાઈ દીક્ષિત એવોર્ડ અને છેલ્લે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાહિત્યરત્ન સન્માન...! ચંદ્રકો-પુરસ્કારોની આ યાદી લાંબી છતાં અધૂરી છે. એમની એક ગઝલ સાથે એમની સ્મરણયાત્રાને નિરંતર રાખીએ

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;

પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

ફટાણાંના માણસ, મરસિયાના માણસ,

અમે વારસાગત સમસ્યાના માણસ.

‘કદી’ થી ‘સદી’ની અનિદ્રાના માણસ,

પ્રભાતોની શાશ્વત પ્રતિક્ષાના માણસ.

મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે,

હતા આપણે મૂળ તડકાના માણસ.

સંકલન

રઈશ મનીઆર

રીના મહેતા