સૂરજના ગયા પછી હું એણે સમજાવેલ પ્લાનની એક એક વિગતોને યાદ કરવા લાગી. મારે કયા દરવાજા ઓળંગવાના હતા. કયા દરવાજા માટે કઈ કીનો ઉપયોગ કરવાનો, ક્યાં કોનાથી સાવધાન રહેવાનું હતું એ દરેક ચીજ એ મને સમજાવી ચુક્યો હતો અને એ જ બાબત હું મારી જાતને દસેક વાર સમજાવી ચુકી હતી.
મારા મનમાં એક અજ્ઞાત ભય આકાર લઇ રહ્યો હતો. જો હું પકડાઈ જઈશ તો શું થશે...??
કદાચ મારા ભાગી ગયા પછી સુરજનો બોસ કે જે કોણ હતો એ હું જાણતી જ ન હતી એને ખબર પડી જશે કે સુરજે મને ભાગવામાં મદદ કરી છે તો રોશનીનું શું થશે..?? શું એનો બોસ સૂરજને પણ મારી નાખશે..??
મને એક આશા મળી હતી પણ સાથે સાથે એક ભય પણ સતાવી રહ્યો હતો. જો હું પકડાઈ જાઉં તો..? જો સૂરજ પકડાઈ જાય તો તેનું શું થશે..? હું આગળ પણ રાઘવને આઘાત આપી ચુકી હતી મારી જીનલ માટે! હવે સુરજને પણ..? કોઈએ સાચું જ કહ્યું છે કે શેતાનને મારવા માટે શેતાન બનવું જ પડે છે..! એમાય સૂરજે મને એક બીજો ભય આપ્યો હતો કે કોઈ છોકરાને પણ આ લોકોએ ઉઠાવ્યો છે. શું એ રાઘવ હશે? બિચારો રાઘવ!!!!!
હું વિચારોમાં હતી ત્યાજ એકાએક દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. કોણ હશે..?? મને થયું સૂરજ તો હજુ હમણા જ ગયો હતો એ એટલો જલ્દી કેમ આવે?? અને જો એ આવે તો પણ દરવાજા બહાર ઉભો રહી ‘મેં આઈ કમ’ એવું પૂછ્યા વિના ક્યા આવતો હતો?
હું દરવાજો ખુલી કોણ અંદર પ્રવેશે છે એની રાહ જોવા લાગી. પણ એ સુરજ જ હતો. એ દરવાજામાં દાખલ થયો ત્યારે મને નિરાંત થઇ. પણ એનો ચહેરો જોતા જ હું ઉભી થઇ ગઈ.
“શું થયું..?” મેં એના ચહેરા પરના ચિંતાના વાદળને જોતા કહ્યું.
“બોસ આવી રહ્યો છે. એ આજે રાત્રે જ આવવાનો છે એવું મેં બિલીને બીજા માણસો સાથે વાત કરતા સંભાળ્યો. આપણે પ્લાન બદલવો પડશે.” સૂરજ મારી નજીક ધસી આવ્યો અને ઝડપથી બોલવા લાગ્યો.
“પણ તાત્કાલીક શું પ્લાન બનાવી શકાય?” મેં કહ્યું. બાજી હાથમાંથી જાય છે એવું મને લાગ્યું.
“પ્લાન છે.” કહી તેણે પોતાની રિવોલ્વર બહાર કાઢી. મેં રિવોલ્વર ઉપર નજર કરી. તેણે હજુ સુધી મને પિસ્તોલ બતાવી ન હતી.
“આ લઈને અહીંથી તારે નીકળી જવાનું છે, કદાચ કોઈ સામે મળી જાય તો એમના કોઈ પણ સવાલનો જવાબ આપ્યા વગર એમને શૂટ કરી દેવાના છે...” કહી સૂરજે ગન મારા તરફ તાકીને મને કહ્યું, “જો તું નહી મારે તો એ લોકો વિચાર નહી કરે બીજી જ પળે તારી ખોપરી ફૂટેલી પડી હશે..... જરાય દયા નહી એ બધા શેતાન છે.... બસ ધ્યાન રાખવાનું કે એ જે પણ હોય તારે છાતીમાં જ ગોળી ધરબી દેવાની છે. તું ફિલ્મોની જેમ માથામાં ગોળી મારવાનો પ્રયત્ન ન કરતી. એ શક્ય નથી. તું આ રમકડાથી પરિચિત નથી.” સૂરજ ઝડપથી મને બધું સમજાવી રહ્યો હતો.
“પણ તારું શું થશે? એ લોકોને ખબર પડી જશે કે તે મને ભગાડી છે તો પછી રોશનીનું શું થશે?” મેં ગન હાથમાં લીધી અને ચિંતાતુર અવાજે કહ્યું.
“મારી પાસે પ્લાન છે.” સૂરજે એના બંને હાથથી મારા ખભા પકડ્યા.
“શું?” મેં પૂછ્યું. તેની આંખોમાં કોઈ ગજબ ભાવ હતા. તેના દાઢી મૂછોવાળા ભાવ વગરના ચહેરા ઉપર આજે પહેલીવાર મને કોઈ ભાવ દેખાયા હતા.
“તું આ જાકીટ પહેરી લે.” કહેતા તેણે મને તેનું ક્રીમ કલરનું લેધર જેકેટ પહેરાવ્યું.
મેં એનું જાકીટ પહેરી લીધા બાદ એના તરફ જોયું. મારા ચહેરા પર ‘હવે શું?’ એવા પ્રશ્નાર્થ ભાવ હતા.
“હવે આ પ્લેટ ઉઠાવી એને તારામાં જેટલું જોર હોય તેટલા જોરથી મારા ચહેરા પર માર.” એણે મારા માટે જે પ્લેટમાં જમવાનું લાવ્યું હતું એ પ્લેટ તરફ જોતા કહ્યું.
“વોટ??” હું કાઈ સમજી ન શકી, “આર યુ મેડ? તું મારી મદદ કરી રહ્યો છે અને હું તને કઈ રીતે મારી શકું?”
“મને માર.” એણે ગુસ્સાથી કહ્યું. “તને સમજ નથી પડતી, બોસને એવું લાગવું જોઈએ કે તે મારા પર હુમલો કર્યો હતો. હું તારા જમવાની પ્લેટ લઇ જવા આવ્યો અને તે મારા પર હુમલો કર્યો, મને ઘાયલ કરી મારી ગન, ચાવીઓ અને લેધર જેકેટ લઇ નીકળી ગઈ.”
“એ જરૂરી છે?”
“હા.” એના અવાજમાં મક્કમતા હતી.
મેં સ્ટીલ પ્લેટ ઉઠાવી એના ચહેરા પર હળવેથી મારી, કદાચ વધારે જોરથી હું કોઈને એ પ્લેટ ન મારી શકું. કમ-સે-કમ એવા વ્યક્તિને તો નહી જ કે જે મારી મદદ કરી રહ્યો હોય!
“ઓહ ગોડ. બધું મારે જ કરવું પડશે.” સૂરજ ચિલ્લાયો.
તેણે મારા તરફ જરાક નારાજ નજરે જોયું - એક ઊંડો શ્વાસ લીધો અને હું કાઈ વિચારી કે સમજી શકું એ પહેલા એણે પોતાનો ચહેરો મેટલની દીવાલ સાથે અથડાવ્યો.
હું ચીસ પાડી ઉઠી. મને એમ લાગ્યું જાણે કોઈએ મારો ચહેરો એ મેટલ સાથે અથડાવ્યો હોય! મેંટલ સાથે અથડાવાને લીધે એનો જમણી તરફનો ગાલ ચિરાઈ ગયો. ગાલમાં પડેલી એ પાતળી તિરાડમાંથી દડદડ લોહી વહેવા લાગ્યું. મેં જોયું એ લોહી એના સફેદ શર્ટને ભીંજવી રહ્યું હતું.
એ એકાદ પળ સુધી મારી તરફ જોતો રહ્યો અને પછી પોતાના ઘૂંટણભેર જમીન પર બેસી ગયો... હું સમજતી હતી કે દીવાલ સાથેની એના ચહેરાની અથડામણનો ઝટકો એના મગજ પર લાગ્યો હશે જેના લીધે એને ચક્કર આવી ગયા હશે. હું એની મદદ કરવા એની નજીક જવા લાગી પણ એણે પોતાના હાથ વડે ઈશારો કરતા મને રોકી.
“મને અડીશ નહિ. તારા કપડા પર લોહીનો દાગ હશે તો તને જોનારને તારા પર પહેલી જ નજરે શક થઇ જશે.”
એ વાક્ય સાથે જ હું ત્યા થોભી ગઈ. આટલી ઘાયલ હાલતમાં આટલું કોઈ કઈ રીતે વિચારી શકે? શું એ અંદર આવ્યો એ પહેલા જ બધું ઘડીને આવ્યો હશે?
“પણ..... પણ સૂરજ હું તારી કઈ રીતે મદદ કરી શકુ?”
“બસ અહીંથી નીકળીજા અને કોઈના હાથમાં પકડાઈશ નહિ. હું સમજીશ તે મારી મદદ કરી છે. નાઉ ગો.”
“ઓકે.” કહી હું બે ડગલા દરવાજા તરફ ખસી.
“એક મિનીટ એક મિનીટ સંધ્યા...” તેણે ફરી મને રોકી. પહેલી જ વાર તેણે મારું નામ લીધું એ મને એવી પરિસ્થિતિમાં પણ ધ્યાનમાં આવ્યું. હું પાછી ફરી અને એના સામે જોયું.
“આ જગ્યાએથી બહાર નીકળતા જ તને રોડની પેલી તરફ એક કાર્બન બ્લેક રંગની ઇકો સપોર્ટસ દેખાશે જેની ચાવી હવે તારા હાથમાં છે.....” એ બોલતો હતો પણ એને બોલવામાં જાણે તકલીફ પડતી હતી.
“બજાર સુધી પહોચ્યા પછી કાર રોડ પર ગમે ત્યાં મૂકી દેજે અને કોઈ રેડીમેઈડ દુકાનમાં જઈ એક નવી કપડાની જોડ લઈ લેજે. શો-રૂમમાંથી કપડા ચેન્જ કરીને જ બહાર નીકળજે. અને હા ખાસ.... તો આ કોરીડોરમાંથી બહાર જઈને દરવાજો લોક કરી નાખજે.”
“તને હું અંદર લોક કરી લઉં? આર યુ સ્યોર?”
“હા, આઈ એમ સ્યોર કેમકે બોસને વિશ્વાસ અપાવવો જરૂરી છે.”
“પણ જો એ નહિ આવે તો?”
“એ જરૂર આવશે.”
“ઓકે તો દરવાજો બંધ કરવાનો કોડ શું છે?”
“દરવાજાને કોઈ કોડ નથી. તું ભાગવાનો પ્રયાશ ન કરે અને મારે તને કોઈ નુકશાન ન પહોચાડવું પડે એ માટે મેં કહ્યું હતું કે કોડ છે પણ ખરેખર કોડ છે જ નહી.” મને થયું હું કેટલી બેવકૂફ હતી પણ એ સમય એ વિચારવા માટે ઠીક ન હતો.
“થેન્ક્સ સૂરજ...”
“ડોન્ટ થેંક મી એન્ડ ફોરગેટ માય નેમ, ઇવેન વેન યુ ગો ટુ પોલીસ.” એના ચહેરા પર મેં પહેલી વાર સ્મિત જોયું.
“ઓકે.” હું એની તરફ ખસી, મને ખબર નથી કેમ પણ લગભગ હું એને ગળે મળવા માંગતી હતી. એના લાલ લોહીથી ખરડાયેલા સફેદ શર્ટે મને એમ કરતા અટકાવી.
મારા માટે જીવનની બીજી મુશ્કેલ પળ હતી એક જ્યારે મેં જીનલને મરતા જોઈ હતી એના માટે મોતની દુવા માંગી હતી અને આ બીજી જ્યારે હું કોઈને મારા માટે મરતું છોડીને જઈ રહી હતી. સૂરજના ગાલ પરના ઘામાંથી હજુ પણ લોહી વહી રહ્યું હતું. કદાચ એનો બોસ મોડો પડશે તો??? તો એનું બધું લોહી વહી જશે અને એ મરી જશે એ વિચારે મને ધ્રુજાવી નાખી.
“ગૂડ બાય સૂરજ.” મેં કહ્યું પણ તેણે કોઈ જ જવાબ ન આપ્યો.
હું જાણતી હતી કે એ કોઈ જવાબ નહિ આપે માટે એના જવાબની રાહ જોયા વિના જ કોરીડોર બહાર નીકળી ગઈ અને મારી પાછળ મેં એ દરવાજાને બંધ કરી નાખ્યો. કોણ જાણે કેમ જેણે મને દિવસો સુધી કેદ કરીને રાખી હતી એ વ્યક્તિને એની મરજી મુજબ કેદમાં પૂરીને જતા પણ મારું દિલ ખચકાઈ રહ્યું હતું. છતાં મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો! સૂરજે મને કેદ કરી હતી, એ ખરો તપેલો હતો પણ એની જ્વાળા મને સળગાવી ન જ શકી! એણે મને આઝાદ કરી દીધી.
કોરીડોરના બહારનો રસ્તો અંદરના કોરીડોરથી પણ સાંકડો અને અંધારિયો હતો. એક ઝાંખી ટ્યુબલાઈટ એ માર્ગને પ્રકાશિત કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી હતી અને એ મારા માટે ફાયદાકારક જ હતું કે ત્યાં બહુ અજવાળું ન હતું. કોઈ મને જુવે તો પણ એક જ નજરે એ જાણી ન શકે કે હું કેદી છું.
હું એ સાંકડા રસ્તાને ઓળંગી બહાર આવી ગઈ હતી. હવે બહુ મોટું ખુલ્લું મેદાન હતું જે માત્ર અને માત્ર કન્ટેનરોથી ભરેલું હતું. દુર એક કન્ટેનર ઉઠાવવા માટેની પીળા રંગની ક્રેન પડી હતી પણ એની હાલત જોતા જ હું સમજી ગઈ હતી કે એ બંધ હાલતમાં હતી. એનો ઉપયોગ થયે વર્ષો થઇ ગયા હતા. હું આટલા સમયથી કોઈ ઓલ્ડ વેર-હાઉસમાં બંધ હતી.
હું કન્ટેનરો પાછળ લપાતી આગળ વધવા માંડી. મેં પાછળ એક નજર કરી મને કોરીડોરનો એ બંધ દરવાજો દેખાઈ રહ્યો હતો. હું જાણતી હતી એ દરવાજાની પાછળ શું હતું??
એ દરવાજાની પાછળ હું એક વ્યક્તિને મરવા માટી છોડીને જઈ રહી હતી. મને સૂરજ જમીન પર બેસી પોતાની જાતને મહામહેનતે બેભાન થતા રોકી રાખવાનો નિષ્ફળ પ્રયાસ કરતો દેખાઈ રહ્યો હતો. મેં એ ચિત્રને મારા મનમાંથી બહાર કાઢી નાખવાનો છેલ્લો પ્રયાસ કર્યો.
હું સૂરજનું શું થશે એ વિચારોમાં જ બધા કન્ટેનર ઓળંગી ગઈ હતી પણ હવે જે દરવાજો હતો એ ખોલવા માટે હિંમતની જરૂર હતી. એ દરવાજાની પેલે પાર મારી સાથે કિડનેપ છોકરીઓ હતી એ દરવાજાની બાજુમાં રહેલ સાંકડી ગળીમાંથી પસાર થઇ જાઉં તો મારી આઝાદી હતી.
સૂરજે મને સમજાવ્યું હતું કે મારે એ દરવાજાને ટાળવાનો છે કેમકે એ દરવાજાની પેલે પાર બીલી અને તેનો મિત્ર પોતાના હથિયાર સાથે સજ્જ હશે. મારે એ ગળીમાંથી પસાર થઇ મુખ્ય દરવાજાને બદલે ડાબી તરફની દીવાલ કુદીને રસ્તા પર જવાનું હતું જ્યાં ઇકો કાર મને આઝાદી આપવા મારી રાહ જોઈ રહી હતી. પણ શું હું મારી સાથે કિડનેપ થયેલી બીજી છોકરીઓને ત્યાં છોડીને જઈ શકું??
હું ત્યાં ઉભી રહી ગઈ, મારો હાથ દરવાજાના હેન્ડલ પર હતો. મેં એક મીનીટ સુધી વિચાર્યું અને ત્યારબાદ મેં દરવાજાને હળવો ધક્કો માર્યો, દરવાજો અંદરથી લોક ન હતો. એ ખુલી ગયો.
દરવાજો ખુલતાની સાથે જ એ વિશાળ હોલમાં રહેલો પ્રકાશનો અગણિત પુરવઠો મારા ચહેરા સાથે અથડાયો. એકાદ પળ માટે મારી આંખો અંજાઈ ગઈ. હું ઘણા સમયથી આછા અંધારામાં રહી હતી એટલે મારી આંખોને એ અગણિત માત્રામાં આવતા પ્રકાશના જથ્થાથી ટેવાતા બહુ વાર લાગી.
મને આખો હોલ ખાલી નજર આવ્યો બસ હોલમાં મને ગુચવી નાખે તેવા કેટલાય ટ્રીકી દરવાજા હતા. કયા દરવાજાને ખોલવો જોઈએ એ હું નક્કી ન કરી શકી. મેં પોતાની જાતને ગભરાતી હરણીની જેમ ધ્રુજતા અટકાવવાનો પ્રયાસ કર્યો. જલ્દી કર... જલ્દી કર... જલ્દી કર... મારા મનમાંથી સતત આવાજ આવ્યે જતો હતો.
કદાચ હું રસ્તો ભૂલી તો નથી ગઈ ને એ સમજવા માટે મેં પાછળ જોયું. ના હું રસ્તો નથી ભૂલી યોગ્ય સ્થળે જ પહોચી છું. હું સાચા રસ્તા પર હતી એ જાણ્યા પછી મેં હિમ્મત કરી એક દરવાજો ખોલ્યો. કોઈ અંદર હશે તો એ વિચાર સાથે મારો હાથ મારી કમરના પાછળના ભાગે જીન્સમાં ખોસીને તેને સૂરજના જાકીટમાં ઢાંકી રાખેલી પિસ્તોલ પર પહોચી ગયો હતો પણ સદભાગ્યે ત્યાં કોઈ ન હતું.
હું રૂમમાં દાખલ થઇ. મને કોઈ છુપા દરવાજાની તલાશ હોય એમ હું એ રૂમને શોધવા લાગી પણ મને એ રૂમમાં એક પોલીશ કરેલા મોટા ટેબલ પર એક મોટી ગન સિવાય કશું જ ન દેખાયું.
ગન જોતા જ એક પળ માટે મારું હ્રદય બેસી ગયું પણ બીજી જ પળે મેં મારી જાતને તૈયાર કરી લીધી કે આસપાસ કોઈ હશે જ!!! મને લાગ્યું કદાચ અટેચડ બાથરૂમમાં કોઈ હશે તો હું એ તરફ જવા લાગી. એ જ પળે મને બે વ્યક્તિઓ વાતચીત કરતા એ રૂમ તરફ આવી રહ્યા હોય એમ લાગ્યું.
મેં ટેબલ પર મુકેલ એ ગન હાથમાં લીધી અને મારી પીઠ પાછળથી ગન મેં મારા બીજા હાથમાં લઇ સાબદી કરી. હું જાણતી હતી, મને સૂરજે કહ્યું હતું કે એ સ્થળે સુરજ સિવાય માત્ર બીજા બે વ્યક્તિ જ છે એક બીલી અને બીજો તેનો મિત્ર.
હું એ પોલીશ કરાયેલ લાકડાના ટેબલની પાછળ છુપાઈને બીલી અને તેનો મિત્ર રૂમમાં દાખલ થાય તેની રાહ જોવા લાગી. મારે હવે અખિલેશ સરની ટ્રેનીંગની પરિક્ષા આપવાની હતી. મેં ટ્રેનીગના દિવસો એક પળ યાદ કરી લીધા અને મજબુતાઈથી પિસ્તોલ પકડી હું તૈયાર થઇ ગઈ.
***
(ક્રમશ:)