સંધ્યા સૂરજ - પ્રકરણ - 21 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંધ્યા સૂરજ - પ્રકરણ - 21

એ સાંજે મને મોડે સુધી ઊંઘ ન આવી. હું સતત વિચારતી રહી કે મારે બીચ પાર્ટીમાં જવું જોઈએ કે નહિ..? ત્યાં મને કાઈ હાથ લાગશે કેમ..? વર્ષ આખું વીતી ગયું હતું અને હજુ મને કાઈ હાથ લાગ્યું ન હતું.

બીજી તરફ હજુ આરાધના અને બીજા મિત્રો ગુમ થયાને ખાસ દિવસો વીત્યા ન હતા અને આ છોકરીઓ કઈ રીતે હિમ્મત કરી શકતી હશે બીચ પર વિકેન્ડ મનાવવા જવાની? મને એમ પણ થઇ રહ્યું હતું કે કેટલાક અંશે છોકરીઓ પોતાની બદતર હાલત માટે પોતે જ જવાબદાર છે. સાવચેતી શું કહેવાય? એ ચીજ જાણે દરેક માટે અજાણ્યી હોય તેમ મને લાગી રહ્યું હતું.

આખરે હું સાડા અગિયાર વાગ્યે ઊંઘી ગઈ અને ઊંઘતા પહેલા મેં મારો નિર્ણય લઇ લીધો હતો કે સવારે વહેલા બધાને સરપ્રાઈઝ આપીશ. કોલેજ જઈ બધાને એકદમ કહીશ કે હું પણ ત્યાં આવવા માંગું છું. આમ તો છેલ્લી ઘડીએ કોઈ કહે કે હું વિકેન્ડ પાર્ટીમાં આવવા માંગું છું તો તેને આવવા ન મળે પણ મારી વાત અલગ હતી. મેં પહેલે જ દિવસે બધાથી અલગ છાપ ઉભી કરી દીધી હતી અને એ છાપ મુજબ મને કોઈ ત્યાં આવવાની મનાઈ નહિ કરે તેની મને ખાતરી હતી.

એ રાત્રે મોડા સુધી વિચારોમાં જાગતા રહ્યા હોવા છતાં બીજી સવારે મારી ઊંઘ વહેલી ઉડી ગઈ. મારા મનને ઊંઘમાં પણ ખબર હતી કે એ સવારે મારા માટે વહેલું ઉઠવું કેટલું જરૂરી હતું.

મેં પલંગમાંથી ઉભા થઇ બારી પાસે થોડીકવાર ઉભા રહેવાનું પસંદ કર્યું. એ મારી રોજની આદત હતી. મને બારીમાંથી સવારના સુંદર નજારાને માણવાનું ગમતું. સૂરજના કિરણો મારા ચહેરા ઉપર પડે એ મને ગમતું. ત્યારે મને ખબર ન હતી કે અંદરથી આગમાં બળતો સુરજ એક દિવસ મને રૂબરૂ મળશે!

હું જયારે પણ હોસ્ટેલથી ઘરે આવતી ત્યારે સવારે જાગીને આ જ બારી પાસે ઉભી રહેતી અને જીનલ મને પાછળથી આવીને આંખો બંધ કરતી. હું અહી થોડા દિવસો માટે આવતી એમાં ક્યારેય મારી જીનલે મને એક કામ કરવા દીધું ન હતું. હું જાગીને બારી પાસે ઉભી હોતી ત્યારે જીનલ ચા લઈને આવી જતી.

મેં પાછળ ફરીને જોયું. એ ટેબલ સાવ ખાલી હતું જ્યાં જીનલ ચા મુકતી અને કહેતી, “દીદી, બ્રશની આદત છે કે ડાયરેક્ટ ચા...”

કેટલી નિર્દોષ હતી એ? મોટી તો થઇ હતી પણ મારા માટે જીનલ એ જ નાનકડી ફ્રોકમાં ઉછળતી કુદતી જીનલ હતી.

મેં જીનલના વિચાર ખંખેરી નાખ્યા. હું ફટાફટ તૈયાર થઇ ગઈ. આછા ભૂરા રંગની હાફ સ્લીવની સ્કીન ટાઈટ ટી-શર્ટ, એના નીચે મીચિંગ ન લાગતું હોય તેવું ડાર્ક બ્લુ શેડવાળું જીન્સ પહેરી હું ઘરથી નીકળી. મારા ઘરથી થોડેક દુર રોડ પર જ્યાંથી મને ઓટો મળી રહે તે સ્થળે આવી હું ઉભી રહી હતી.

થોડાક સમયમાં મને મેઈન બજાર માટે ઓટો મળી ગઈ. કોલેજ માટે ઓટો મેળવવા મારે એટલી પણ રાહ ન જોવી પડી હોત પણ હું મેઈન બજાર જવા માંગતી હતી કેમકે મારે ચેકમેટમાંથી ઓઇમ્પિક ઓઉટફીટ વિભાગમાંથી સ્વીમ સુટ લેવાનો હતો કારણ બીચ કેબીન પરના વીકેન્ડમાં સ્વીમસ્યુટની જરૂર પડે જ.

હું નવ વાગ્યા સુધીમાં તો બ્લુ બેગમાં નવા આઉટ ફીટ સાથે કોલેજના દરવાજે પહોચી ગઈ હતી. મને જોઈ લગભગ બધા ખુશીથી નાચી ઉઠ્યા હતા.

“તું પણ આવે છે?” નિશાએ મને ઓચિંતી જોતા કહ્યું. મારે એના સાથે ખાસ મિત્રતા ન હતી પણ કોલેજમાં કોઈ એવું હતું જ નહિ જે મને સારી રીતે ન ઓળખતું હોય.

“કેમ મેં તને કહ્યું નથી કે હું પણ આવવાની છું?”

“ના, તે મને તો નથી કહ્યું, કદાચ તે બીજા કોઈને કહ્યું હશે...” તેણીએ નવાઈથી કહ્યું.

“તો તમે કોની રાહ જોઈ રહ્યા છો?” મેં પૂછ્યું.

“બીજા એક બે જણ હજુ આવવાના બાકી છે.” તેણીએ મારી તરફ સ્મિત કરતા કહ્યું.

“હા, હજુ કોઈ કાર લઈને આવવાનું છે કે બસ આ એક કારમાં જ બધાએ જવાનું છે?” મેં પૂછ્યું.

“આવે છે ને રાઘવ તેની કાર લઈને આવવાનો છે. મને ખબર છે તને એની કાર પસંદ નથી પણ તું એમ કરજે નિશાની કારમાં બેસજે.” મનીષાએ પણ વાતમાં ભાગ લીધો. હું એના કહેવાનો મતલબ સમજી ગઈ હતી. એ મારા અને રાઘવના બ્રેકઅપ વિશે જાણતી હતી માટે તેણીએ કારનું બહાનું બતાવ્યું હતું.

મારા ચહેરા પરથી સ્મિત જાણે ક્યાંક ગાયબ થઇ ગયું. એ માટે નહિ કે બ્રેકઅપ પછી મારે રાઘવ સાથે રહેવું પડશે પણ ફરી મારા મનમાં શકનો એક કીડો સળવળી ઉઠ્યો કે રાઘવ કેમ એમની સાથે જોડાઈ રહ્યો હશે?? શું કદાચ ભગવાન તરફથી હું ઈચ્છી રહી હતી એ આ જ અવસર હતો? શું હું રાઘવનો અસલી ચહેરો જોવાની હતી? કે પછી કોઈ બીજી વ્યક્તિ છે જે એ બધું કરે છે?

જે હોય તે એ માટે મારે સમયની રાહ જોવી રહી. મેં નક્કી કર્યું. મેં મનમાં ગણતરી કરવાનું શરુ કર્યું. લગભગ હમણાં સુધી આવેલા લોકોમાં મારા સિવાય ત્રણ છોકરીઓ હતી એટલે જો બીજા વધુ લોકો ન આવે તો મને નિશાની કારમાં આરામથી જગ્યા મળી જાય તેમ હતી. જોકે બધાના સાથે પોતાના હોલ્ડઓન અને સ્વીમસુટ બેગ હતી એટલે ચારેક જણ કરતા વધુ એક કારમાં નહિ આવી શકે તે પણ દેખીતું હતું.

જો મને એ કારમાં જગ્યા ન મળે તો મને રાઘવની કારમાં બેસતા પણ કોઈ વાંધો ન હતો અને ફરી તેની સાથે રમત રમતા પણ મને કોઈ ખચકાટ ન હતો કેમકે એને બીચ પાર્ટીમાં જોડાતો જોઈ મને ફરી એના પર શક થઇ ગયો હતો કે કદાચ તે જ કિડનેપર હશે.

હું ઘણીવાર દરિયાકિનારે ગઈ હતી. હું બીજા લોકોની જેમ દરિયા કિનારા પાછળ એટલી ઘેલી પણ ન હતી. જોકે બાકીની છોકરીઓ બીચ પાર્ટી માટે એટલી ઘેલી હતી કે કદાચ એનું પેકેજ ભેગું કરવાના એમની પાસે પૈસા ન હોય તો પોતાની કીડની વેચીને પણ એ બીચ પાર્ટીમાં જવા તૈયાર થઇ જાય તો કઈ નવાઈ ન કહેવાય!!!

જે બીચ પર અમે પાર્ટી કરવા જવાના હતા એ બીચ પણ મારા માટે પરિચિત જ હતો. હું વેકેશન દરમિયાન જીનલ સાથે ત્યાં જતી. મને યાદ હતું એ દરિયા કિનારે માત્ર નાનકડો રેતીનો પટ્ટો દરિયાના કિનારા પરના હજારોની સંખ્યામાં ફેલાયેલા પથ્થરોને અલગ પાડતી ભેદરેખા જેવો હતો. હું નાની હતી ત્યારે મને એ પથ્થરો સાથે મોજાઓ અથડાતા જોવાનું પસંદ આવતું અને મને ત્યારે થતું કે એ નાનકડા પથ્થરો એ મોજાઓનો માર કઈ રીતે સહન કરી શકતા હશે? મને હવે સમજાઈ ગયું હતું કે એનામાં અને મારા જીવનમાં કોઈ ફરક ન હતો. હું પણ એ પથ્થરોની જેમ જ મોજાઓના પ્રહાર સહન કરવા ટેવાઈ ગયેલ હતી. જો હું એમ કરતા ન શીખી હોત તો હું એ સ્થળે જવાનું ક્યારેય નક્કી ન કરત જ્યાં મેં જીનલ અને પરિવાર સાથે અનેક વિકેન્ડ પસાર કર્યા હતા.

મને ખબર હતી હું એ બિચ પર જઈ જરાય ખુશી મનાવી શકવાની નથી કેમકે જીનલ તેના હેવન સુધી હજુ નહોતી પહોચી. મેં એને ક્યારેય આત્મા સ્વરૂપે જોઈ ન હતી પણ મને હમેશા ભાસ થતો હતો કે તે હેવન સુધી નથી પહોચી. મને એમ લાગતું હતું કે તે હજુ ઘર અને કોલેજ વચ્ચે ભટકી રહી છે, તેના કાતીલોના ચહેરા તેને હેવન તરફ જતા રોકી રહ્યા હતા. કદાચ પરિવારનો પ્રેમ પણ તેને ત્યાં જતા રોકી રહ્યો હોય પણ એવું ન હતું કેમકે હવે તે મને શા માટે પ્રેમ કરે - હું એના મોતનો બદલો લેવામાં હજુ સુધી સફળ નહોતી થઇ તો એ શા માટે મને યાદ પણ કરે? મને યાદ હતું અમારા વચ્ચે કોઈ એવું વચન ન હતું જે અમે પૂરું ન કર્યું હોય બસ એને અપાયેલું એ છેલ્લુ વચન પૂરું કરવામાં હું નિષ્ફળ રહી હતી.

મારી સ્થિતિ ડેન્માર્કના યુવાન રાજકુમાર હેમલેટ જેવી હતી. હું બદલા માટે તડપી રહી હતી. બસ મારા અને હેમલેટ વચ્ચે એક જ તફાવત હતો એ જાણતો હતો કે ગુનેગાર કોણ છે. એણે ખાતરી કરવા માટે દરબારમાં એક નાટક ભજવ્યું હતું અને હું જાણતી ન હતી કે કાતિલ કોણ છે માટે મેં એ જાણવા કોલેજમાં એક નાટક ભજવ્યું હતું. હેમલેટની મેડનેસ બનાવટી હતી તો સામે મારો પ્રેમ બનાવટી હતો.

મને હેમલેટનો એક સંવાદ યાદ આવી ગયો. ઇફ ઈટ બી નાઉ, ટીસ નોટ ટુ કમ. ઇફ ઈટ બી નોટ ટુ કમ, ઈટ વિલ બી નાઉ. ઈફ ઈટ બી નોટ નાઉ, યેટ ઈટ વિલ કમ - ધ રેડીનેસ ઈઝ ઓલ.

મને એ વાત પર વિશ્વાસ પણ હતો કે બધી જ ચીજો નસીબ મુજબ ચાલે છે. જો કઈક હમણાં થવાનું હશે તો હમણાં જ થઇ જશે, જો કઈક પછી થવાનું હશે તો એ હમણાં નહિ થાય, જો તે હમણાં નહિ થાય તો પછી થવાનું હશે બસ મહત્વનું એ છે કે આપણે હમેશા તૈયાર રહેવું જોઈએ. હું પણ હમેશા તૈયાર હતી બસ મને કયારે તક મળે એ મારે રાહ જોવી જ રહી.

“રાઘવ આવી ગયો? તારી સાથે શુનીલ નથી આવવાનો?” નિશાએ જયારે રાઘવને પૂછ્યું ત્યારે હું વિચારોમાંથી બહાર આવી હતી.

“ના, તે નથી આવવાનો તે બે દિવસ માટે શહેર બહાર ગયો છે.” રાઘવે કહ્યું. રાઘવના એ શબ્દો મને વિચિત્ર લાગ્યા. આરાધના ગુમ થઇ એ પછી શુનીલ કોલેજ પણ ન આવતો તો હવે એ બહાર શું કામ જાય?

મેં રાઘવ તરફ કોઈ ધ્યાન આપ્યું નહી. જોકે માત્ર બીજા બધાને જ એવું લાગ્યું હતું. મેં રાઘવને નખ શીખથી જોઈ લીધો હતો. એણે એ દિવસે ચેક્સ શર્ટ અને બ્લેક જીન્સ પહેરી હતી. જો મને લોકોને, લોકોના કપડા, લોકોની આદતો ઉપર નજર રાખવાની આદત ન હોત તો આજે આ વાત કહેવા માટે હું જીવતી ન હોત.

એ લોકોએ થોડીક ઓપચારિક વાતો કરી. ત્યારબાદ બે છોકરીઓએ રાઘવની કારમાં બેસવાનું નક્કી કર્યું. હું અને મનીષા નિશાની કારમાં ગોઠવાઈ. હું રાઘવની કારમાં બેસી એની પર નજર રાખવા માંગતી હતી પણ મને લાગ્યું કે છેલ્લા કેટલાક સમયથી હું અને રાઘવ એકબીજાથી દુર થઇ ગયા હતા. એકાએક તેની કારમાં સામે ચાલીને જઈશ તો તેને શક થઇ જશે એટલે મેં નિશાની કારમાં બેસવાનું જ પસંદ કર્યું.

ઠંડો પવન પોતાની દિશા બદલવાનું નામ ન લેતા સતત ઉત્તરથી દક્ષીણ તરફ જઈ રહ્યો હતો. તેને તેની મંજિલ કઈ તરફ છે એ હમેશા યાદ હોય છે અને તે ક્યારેય પોતાની મંજિલથી ભટકતો નથી. મારું પણ કઈક એવું જ હતું હું પણ ક્યારેય મારી મંજિલથી ભટકી ન હતી બસ મારી મંજિલ કઈ દિશા તરફ હતી એ મને ખ્યાલ ન હતો. છતાં મને એ સમયે એમ લાગી રહ્યું હતું કે મારી મંજિલ એ દરિયાકિનારા તરફ હતી. પછી નસીબ જાણે મને એ સી-કોસ્ટ પર કાઈ હાથ લાગવાનું હતું કે નહિ?

બધાએ કોલેજ કેફેટેરિયામાં હળવો નાસ્તો લીધો અને ત્યારબાદ અમે બીચ પર જવા માટે ફોરેસ્ટ-વે પસંદ કર્યો. લગભગ પાર્ટી કરવાવાળા દરેક માણસો એ જ રસ્તો પસંદ કરતા. મુસાફરી દરમિયાન આખા રસ્તે હું કારની વિન્ડો બહાર તાકી રહી, આકાશમાં સૂરજ ખાસ્સો એવો તેજ હતો એટલે કેટલાક છૂટા છવાયા વાદળો આમ તેમ ફરી રહ્યા હતા એનો ડર ન હતો. છતાં હું ભગવાનને પ્રાથના કરી રહી હતી કે ક્યાંક વરસાદ ન આવી જાય નહીતર ટ્રીપ કેન્સલ થઇ જશે. જોકે બધા એવી જ પ્રાથના કરી રહ્યા હતા કેમકે એમના માટે એ મામુલી બીચ પર જવું ન્યુયોર્કની ટ્રીપ પર જવા જેટલી ખુશીની વાત હતી પણ મારા માટે એ એક મિશનથી વધુ કાઈ ન હતું. બધા એટલા ખુશ હતા જાણે લા-પુશ પર જઇ રહ્યા હોય કે તેમને લા-લા-લેન્ડ મળી ગઈ હોય...!

“શું છે સંધ્યા, કેમ ઓફ દેખાય છે?” નિશાએ કાર હંકારતા પૂછ્યું.

મને એક પળ માટે થયું કે શું એને કાઈ શક પડ્યો હશે? અને પડે જ, એમાં કોઈ નવાઈની વાત ન હતી. બધા બીચ પર જવાની બાબતે ખુસ હતા. દરેકની આંખોમાં ચમક હતી અને મારી આંખોમાં ઉદાસી હોય તો કોઈ પણને શક થાય જ.

હું કશું જવાબ ન આપી શકી પણ સારું થયું કે પાછળની સીટમાંથી મનીષાએ મારા કામને આસાન બનાવી દીધું, તેણીએ નિશા તરફ જોઈ કહ્યું, “શું તુયે નિશા, રાઘવ આવ્યો છે એટલે કદાચ એ મૂડમાં નથી.”

“ના, એવું ખાસ કાઈ નથી.” મેં એના શબ્દો અને એ મોકાને પકડી લેતા કહ્યું અને એમાં પણ ખાસ નથી એમ કહીને એ બાબતનો આછેરો ઉલ્લેખ કરી નાખ્યો કે હા, હું એ બાબતે જ ઉદાસ છું. મને કોન્ટ્રોવર્સી વાક્યો બોલવામાં મહારત છેકથી જ હતી.

“ફરગેટ હીમ એન્ડ ઇન્જોય.” નિશાએ કહ્યું.

મેં એની તરફ એક હળવું સ્મિત આપ્યું અને રાહતનો દમ લીધો. મને મનમાં થયું હાશ, આ દુનિયા કેટલી બેવકૂફ છે! લોકો એમ જ સમજે છે કે દુનિયામાં બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના પ્રેમ કે ઝઘડા સિવાય બીજું કશું જ હોતું નથી. પણ એમાં એમનો વાંક પણ ન હતો આજ કાલ દરેક ફિલ્મો અને દરેક પુસ્તકો એ વિષય પર જ લખાય છે અને એ ફિલ્મો અને એ પુસ્તકો સાથે ઉછરેલ વ્યક્તિઓને બીજી કાઈ ખબર જ નથી હોતી માટે જ કદાચ એ કિડનેપર લોકોનું કામ આસાન થઇ જાય છે પણ એ વાત વિચારવાનો કોઈ ફાયદો ન હતો કેમકે મારે એ વિચારવાનું ન હતું કે એમનું કામ આસાન કઈ રીતે થાય છે પણ મારે એ વિચારવાનું હતું કે એમનું કામ તમામ કઈ રીતે થાય...??

ત્યારબાદ અમારા કોઈના વચ્ચે છેક સી-કોસ્ટ પર પહોચ્યા ત્યાં સુધી કોઈ જ વાતચીત ન થઇ. બધા પોતાનામાં જ વ્યસ્ત રહ્યા.

કિનારે પહોચી, રાઘવે જ્યાં કાર પુલ ઓફ કરી હતી તેના પાછળ જ નિશાએ કાર પુલ ઓફ કરી. અમે બધા કારમાંથી બહાર આવ્યા. રાઘવ કારમાંથી ઉતરી સીધો જ જંગલ તરફ જવા લાગ્યો. હું જાણવા માંગતી હતી કે તે ક્યાં જઇ રહ્યો છે પણ એને એ સમયે પૂછવું યોગ્ય ન લાગ્યું. મને ખ્યાલ હતો એમ પણ મને પછી ખબર પડી જ જવાની હતી કે તે ક્યાં ગયો હશે પણ જયારે એની કારમાં બેઠી હતી એ બાકીની બે છોકરીઓ પણ તેની પાછળ જવા લાગી ત્યારે મને બહુ નવાઈ લાગી.

“રિયા, ક્યાં જઇ રહ્યા છો તમે?” હું કાઈ પૂછું એ પહેલા નિશાએ એ તરફ બુમ પાડીને કહ્યું, મારે એમને કાઈ પૂછવાની જરૂર ન પડી. મને એ છોકરીનું નામ ત્યારે જ ખબર પડી. એ રિયા હતી.

“તે ક્યારેય દરિયા કિનારે વુડ ફાયરની મજા લીધી છે?” રીયાએ વળતો જવાબ આપ્યો.

“ના, મેં ક્યારેય બીચ પર વુડ ફાયર પાર્ટી નથી કરી.” નિશાએ જવાબ આપ્યો.

“તો પછી તને એમાં મજા આવશે. અમે લાકડા લઇ આવીએ.” કહીએ તે રાઘવ પાછળ જવા લાગી.

મેં ચારે તરફ નજર કરી, રાઘવે કાર પાર્ક કરી હતી એનાથી દસેક કદમ દુર જ મને જમીન પર ફાયર સર્કલ દેખાયું. તે પૂરું કાળી રાખથી ભરાયેલ હતું. મને લાગ્યું કે એ સ્થળે રાઘવ પહેલા પણ આવેલો હોવો જોઈએ અને એણે એવી પાર્ટીઓ કરેલી હોવી જોઈએ કેમકે હું પણ ત્યાં પહેલા ગયેલ હતી પણ મને ખબર ન હતી કે ત્યાં કોઈ ફાયર સર્કલ છે કારણ અમે ત્યાં ફેમીલી વિકેન્ડ પર જતા હતા.

રાઘવ એ સ્થળ અને સીન્ડર વિશે જાણતો હતો એ જોયા પછી મારો તેના પરનો શક વધી ગયો. રાઘવ, રિયા અને એ ત્રીજી છોકરી થોડીવારમાં આસપાસથી તૂટેલા સુકી ડાળીઓના ભાગ અને ફોરેસ્ટના કિનારાના ભાગમાંથી સુકા ડાળખાં ભેગા કરીને એ ફાયર સર્કલ પર ગોઠવવા લાગ્યા. નિશા અને મનીષા પણ આસપાસમાંથી બ્રોકેન બ્રાન્ચીસ ભેગી કરવા લાગી. મને થયું તે બીચ પર વુડ ફાયર પાર્ટીના નામે ગાંડી થઇ ગઈ હતી. કોલેજની છોકરીઓમાં મોટે ભાગે એ જ જોવા મળે છે તેમને કોઈ નવું નામ કે નવી પાર્ટી વિશે જાણવા મળે એટલે તેની પાછળ ઘેલી થઇ જાય છે. આમ જ દેખા દેખીમાં જ છોકરીઓ હુક્કાબાર અને નાઈટ કલબમાં જતી હોય છે અને ત્યારબાદ તેમના સાથે શું થાય છે તે ક્યાં કોઈનાથીયે અજાણ્યું છે ? પણ છોકરી જાતે જ પોતાની જાતને જોખમમાં મુકે છે તેઓ બધું જાણતી હોવા છતાં પોતાની આંખ આડા કાન કરે છે બસ તેઓ એમ જ વિચારે છે કે અમારી સાથે એ બધું નહિ થાય અને એમની સાથે પણ એ જ થાય છે!

ખેર! પણ જીનલ એવી ન હતી. તે તો જીવનમાં હર પળ સાવચેતી પૂર્વક ચાલવાવાળી છોકરીઓમાંથી એક હતી. તે ક્યારેય કોઈ પાર્ટીમાં તો રસ લેતી જ નહિ તો એની સાથે એ કેમ થયું?

“સંધ્યા, હવે આ લાકડા ગોઠવવામાં તો મદદ કર.” નિશાએ કહ્યું.

“હમ...... કેમ નહિ?” મેં એકદમ ચોકતા કહ્યું, “પણ મને ક્યાં આવડે છે એ કઈ રીતે ગોઠવાય?” હું બધાની સાથે એ ફાયર સર્કલ પાસે જઈ ઉભી રહી.

“હા, એ હું કરી લઈશ.” રાઘવે કહ્યું અને તે ફાયર પ્લેસ પર ટીપી-શેપ્ડ બાંધકામની જેમ એ ડાળખાંને ગોઠવવા લાગ્યો. થોડીક વારમાં તેણે એક નાનકડા પીરામીડ જેવી રચના એ ડાળખાંમાંથી ઉભી કરી દીધી.

“વોવ! સો નાઈસ.” નિશા એ ટીપી જોઇને જાણે પાગલ થઇ ગઈ.

“થેન્ક્સ.” રાઘવે એના તરફ જોઈ કહ્યું.

“યુ વેલકમ.” બોલતી વખતે નિશાના હોઠ થોડાક અલગ રીતે ગોળ વળ્યા. હું સમજી ગઈ કે તેઓ એક બીજા તરફ વધુ પડતા ખેચાઈ રહ્યા હતા. રાઘવ નિશાને ઈમ્પ્રેસ કરતો હતો અને નિશા ઈમ્પ્રેસ થઇ રહી હતી એ તેના ચહેરા પરથી દેખાઈ રહ્યું હતું.

“મને લાગે તને વુડ ફાયરના રંગો જોવા ગમશે. તને ખબર છે નિશા અહી કિનારા પરના લાકડાઓમાં સોલ્ટ હોય છે માટે એ બ્લુ કલરની જ્યોતથી સળગે છે.” રાઘવે પોતાનું જ્ઞાન બતાવવાનું શરુ કર્યું હતું.

“રીયલી?” કહેતા માત્ર નિશા જ નહિ રિયા, મનીષા અને પેલી છોકરી પણ એ લાકડાના પીરામીડ ફરતે ગોઠવાઈ ગઈ.

મારે પણ તેમની સાથે મને નવાઈ લાગી હોય તેવો દેખાવ કરતા એ પીરામીડ પાસે બેસી જવું પડ્યું. મને છોકરીઓથી નફરત થઇ રહી હતી. કેટલી બનાવટી અને બેવકૂફ હોય છે છોકરીઓ!!! મને તો એ લાકડા વાદળી રંગની જ્યોતથી સળગે છે એ જાણી વોવ! કે રીયલી? જેવા શબ્દો બોલવા જેવું કાંઈજ ન દેખાયું. કઈ છોકરીએ વાદળી જ્યોત નથી જોઈ? દરેકે કિચનમાં ગેસ સટવ લાઈટ કરેલ હોય છે અને એ સમયે તો ક્યારેય એમના મોમાંથી વોવ! કે રીયલી? જેવા શબ્દો નથી નીકળતા. કેમ? ગેસ સ્ટવ પણ બ્લુ રંગની જ્યોતથી જ સળગે છે ને? હું મનમાં છોકરી જાતની બેહુદી હરકતો ઉપર હસતી હતી.

“વોચ ધ કલર.” કહેતા રાઘવે પોતાના ખિસ્સામાંથી સિગારેટ લાઈટર નીકાળ્યું અને એ પીરામીડના છેડા પરના એક લાકડાને સળગાવવા લાગ્યો. છેડો સળગતા જ ભેજ વગરના વાતાવરણને લીધે એ સુકા ડાળખાંઓને આગે લપેટી લીધા. એમના પર સોલ્ટનો પટ હોવાને લીધે તડ તડ અવાજ થયો અને વાદળી જ્યોત દેખાવા લાગી.

“ઈટ ઈઝ એવસમ.” નિશાએ કહ્યું.

“સો નાઈસ.” રિયા પણ બાકી રહેવા નહોતી માંગતી.

મનીષા અને પેલી ચોથી છોકરીએ પણ કઈક એવું જ કહ્યું. મને ગુસ્સો આવી રહ્યો હતો પણ હું કાઈ ન બોલી. ચોથી છોકરી કઈક બોલવા જતી હતી પણ એ કાઈ બોલે તે પહેલા જ મેં એને રેત પર ઢળી પડતા જોઈ.

“શું થયું?” નિશાએ એના તરફ જોઈ કહ્યું પણ એ વળતો જવાબ આપે તે પહેલા નિશા પણ ઢળી પડી. આમ પણ એ છોકરી જવાબ આપી શકે તેમ ન હતી. તે બેભાન થઇ રહી હતી.

શું થઇ રહ્યું છે તે કોઈને સમજાયુ નહી પણ મને અંદાજ આવી ગયો કે કદાચ એ લોકોએ જે ડાળખાં ભેગા કર્યા હતા એમાં કોઈ નશીલા જાડની ડાળી આવી ગઈ હશે જેનો ધુમાડો શ્વાશમાં જવાને લીધે અમે બધા બેભાન થઇ રહ્યા હતા. મેં શ્વાસ રોકી લીધો. મને એક પળ માટે થયું કે રાઘવે એ કર્યું હશે પણ મેં રાઘવ, મનીષા અને રિયાને પણ બેભાન થઇ જમીન પર ઢળી પડતા જોયા.

હું એ વુડ ફાયર પાસેથી ઉભી થઇ ગઈ. મેં એનાથી જરાક દુર જઈ શ્વાસ લીધો પણ ધુમાડો હવામાં ભળી ગયો હતો અને એની કેફી વાસ મને મહેસુસ થઇ રહી હતી. મેં મારો ફોન શોધવા મારા જીન્સ પોકેટ ફંફોસ્યા પણ ફોન કારમાં જ રહી ગયો હતો.

હું કાર તરફ જવા લાગી પણ મને અંદાજ આવી ગયો હતો કે હું કાર સુધી પહોચું તે પહેલા બેભાન થઇ જઈશ કેમકે એ ધુમાડાની અસર મારા પર પણ થઇ ગઈ હતી. મને અંદાજ આવ્યો કે એમાં શું હતું એ પહેલા મારા ફેફસાએ ખાસો એવો ધુમાડો શોષી લીધો હતો!

હું બેભાન થઇ ઢળી પડી અને જયારે જાગી ત્યારે મારી આજુબાજુ ધુમાડો હતો પણ એ વુડ ફાયરનો નહિ, એ ધુમાડો સિગારેટનો હતો. મેં તમને કહ્યું હતું ને કે ધુમાડા સાથે મારે કોઈ અજીબ સંબંધ છે..!! જીનલના અગ્નીસંકાર વખતે જ કદાચ ધુમાડા સાથે મારે સંબંધ બંધાઈ ગયો હતો. ત્યારબાદ મારા જીવનમાં ધુમાડો અને અશાંતી જ રહી હતી..!

***

(ક્રમશ:)