સંધ્યા સૂરજ - પ્રકરણ - 3 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંધ્યા સૂરજ - પ્રકરણ - 3

કોલેજનું પહેલું વર્ષ આર્ટસ કોલેજના એક સામાન્ય વર્ષ જેવુ જ હતું. મેં ક્યારેય કોઈને એવું લાગવા ન દીધું કે હું અંદરથી ભાંગી પડેલ અને ઉદાસ છોકરી છું કેમકે હું જાણતી હતી કે લોકો તમને હમદર્દી સિવાય કશુ જ આપી શકતા નથી અને મારે હમદર્દીની જરૂર ન હતી! મારે મોહરાની જરૂર હતી! મારે બદલાની જરૂર હતી! મારે અન્વેષણની જરૂર હતી! મારે મારા જેવા કોઈ આતીશની જરૂર હતી જેના કાળજામાં પણ આગ સળગતી હોય, જેની પાસે વાઘ જેવું કાળજું હોય! જે તરાપ મારવા તૈયાર હોય!

એ દિવસો હતા જયારે હું મારી જિંદગીને ઇન્જોય કરી રહી હતી. કમ-સે-કમ બધાને તો એવું જ લાગતું કે હું ઇન્જોય કરું છું. ખરેખર કોઈએ સાચું જ કહ્યું છે કે હસતા ચહેરા પાછળ ઘણા રહસ્યો અને દુ:ખો છુપાયેલા હોય છે. હું પણ એવું જ કઈક કરી રહી હતી.

હું સ્પોર્ટ્સમાં રસ ધરાવતી છોકરી હતી અને મારા માટે એન્જોયમેન્ટથી મહત્વનું કઈ જ ન હતું એવું બધાને લાગતું હતું પણ હું એ કોલેજમાં એક અલગ જ ઈરાદાથી ગઈ હતી. મારા ત્યાં જવા પાછળનું કારણ એટલું ખાનગી અને ગુપ્ત હતું કે મારા પરિવારને પણ તેની ખબર ન હતી. ઈવન મારા પપ્પા પણ એમ સમજતા હતા કે હું મુંબઈમાં રહી ભણવા માંગુ છું એટલે જ મેં એ કોલેજમાં એડ્મીશન લીધું છે. એમને ક્યાં ખબર હતી કે જીનલ સાથે શું થયું હતું.?

મારા જીવનને મેં એક જ લક્ષ બનાવી નાખ્યું હતું કે મારે એ કોલેજમાંથી આગળના વર્ષે ગુમ થયેલ ત્રણ છોકરીઓ વિશે માહિતી મેળવવાની કેમકે એ જ રસ્તો મને મારો પ્રતિશોધ પૂરો કરવામાં મદદ કરી શકે તેમ હતો. છેલ્લા એક વર્ષમાં મુંબઈની આવી કેટલીયે કોલેજોમાં થઈને અનેક છોકરીઓ ગુમ થઈ હતી અને એ દરેક કીડનેપીંગ પછી કોઈ જ ટ્રેસ નથી મળ્યો.

કેટલી અજીબ વાત હતી જે એક સુંદર છોકરીને જોવા માટે પણ છોકરાઓના ટોળા વળી જતા હોય છે એવી અનેક છોકરીઓ એકાએક ગુમ થઈ જતી એ પણ કોઈ જ ટ્રેસ વિના!

એ છોકરીઓને કોણ ગુમ કરે છે? કેમ ગુમ કરવામાં આવે છે??? એ બધું જાણવા માટે હું એ કોલેજમાં આવી હતી. આમેય દાદીના મૃત્યુ પછી દાદાજી એકલા ન પડી જાય એ માટે પણ હું મુંબઈમાં જ રહેવા માંગતી હતી.

મેં એવી છોકરીઓનું લીસ્ટ તૈયાર કર્યું હતું. મારા લીસ્ટમાં એક વર્ષમાં પ્રથમ વર્ષમાં જ કોલેજમાંથી ગુમ થનાર તેર છોકરીઓનું લીસ્ટ હતું અને એ પણ માત્ર અમારા એક જ વિસ્તારમાંથી. અમારી આસપાસની કોલેજોમાંથી એકલ દોકલ છોકરીઓ ગુમ થઈ હતી પણ મેં એ જ કોલેજ પસંદ કરી હતી જે કોલેજમાંથી એક સાથે ત્રણ છોકરીઓ ગુમ થઈ હતી.

એ દિવસોમાં મિત્રો મારી દુનિયા હતા. હું મિત્રો માટે બોલતી, મિત્રો સાથે બોલતી, મિત્રો સાથે ખાવું પીવું, મિત્રો માટે ખાવું પીવું, મિત્રો સાથે ઝઘડવું અને મિત્રો માટે ઝઘડવું મારી આદત હતી. મને બધા એક કોલેજના દિવસો માણતી છોકરી જ સમજતા.

હું એ કોલેજમાં એક મોટું નાટક ભજવવા માટે હતી અને મેં એ સફળતાપૂર્વક ભજવ્યું હતું. હું ખરેખર ફ્રેન્ડશીપમાં બ્લાઈંડ ફોલ્ડેડ થયેલ હતી - મિત્રોને બ્લાઈંડ બનાવી રહી હતી. મિત્રો મારા ભગવાન બની ગયા હોય એવું આખી કોલેજને લાગવા માંડ્યું હતું. મને હજુ નથી સમજાઈ રહ્યું ક્યા ચૂક થઇ ગઈ? કોઈને મારા પર જરા સરખોય શક ન હતો કે હું કોણ છું છતાં મને કોઈ કિડનેપ કેમ કરે?

મને કોઈ પણ સામાન્ય છોકરીને કોલેજમાં પ્રથમ વર્ષે મળે તેનાથી વધુ મિત્રો મળ્યા હતા. મેં જાણી જોઇને વધુ મિત્રો બનાવ્યા હતા કેમકે હું જેટલી બને તેટલી વધુ માહિતી મેળવવા માંગતી હતી અને એ માટે મારે બને તેટલા વધુ લોકોના પરિચયમાં આવવાનું હતું. એક રૂપાળી છોકરી માટે મિત્રો બનાવવા કોઈ અઘરી વાત નથી જ પણ એ માટે ફ્રેંક અને બોલ્ડ બનવું પડે છે! ઈજ્જત દાવ ઉપર મુકવી પડે છે! શરમનો ઘૂંઘટ ખોલીને બેશરમી ઓઢી લેવી પડે છે! અને મેં એમ કર્યું, મારે કરવું પડ્યું!

ખાસ તો અમારું પાંચ જણનું ગ્રુપ હતું.

હું - મને તો તમે લગભગ ઓળખવા લાગ્યા જ હશો?

આરાધના - મારાથી જરાક ઓછી દેખાવડી પણ જેની પાછળ લગભગ અડધી કોલજ પાગલ હતી એવી છોકરી. એ પોતાની બે ફ્રેન્ડ સાથે એક મકાન ભાડે રાખી રહેતી. એમનું વતન મુંબઈથી અમુક કિલોમીટર જ દુર હતું.

રાઘવ - મુંબઈનો જ વતની. ગળી ગળી ચપ્પા ચપ્પા નુક્કડ નુક્કડ ઉપર ફરતો હરતો દિનચર..! કોલેજમાં સૌથી હેન્ડસમ તો ન કહી શકાય પણ પ્રથમ મુલાકાતમા જ મારું દિલ જીતી લેનાર કોઈ હોય તો એ રાઘવ જ હતો - એવું બધાને લાગવા માંડ્યું હતું. ફોર્મલ કપડા અને સ્વતંત્ર મિજાજ એ એની ઓળખ હતી. એના ઘણા એવા ફીચર હતા જે એને બધાથી અલગ બનાવતા હતા. નાની આંખો, સુઘડ હોઠ, વ્યવસ્થિત ઓળવેલા વાળ.

શુનીલ - કોલેજના સૌથી ઠોઠ છોકરાઓમાં તેનું નામ આવતું. કોણ જાણે કઈ રીતે પણ એ આરાધનાને પટાવવામાં સફળ થયો હતો.! ખાલી મને જ નહિ આખી કોલેજના છોકરાઓ કે જે આરાધના પાછળ પાગલ હતા એ બધાને નવાઈ થતી કે એણે આરાધનાને કઈ રીતે પટાવી – જરૂર એને કોઈ જાદુની બુટ્ટી મળી ગઈ હશે એવું ઘણી છોકરીઓ માનતી. શુનીલ અને રાઘવ ખાસ સાથે જોવા મળતા.

સોનિયા - કોલેજમાં સૌથી અમીર ઘરની છોકરી – આખી કોલેજમાં સૌથી મોટું શરીર અને સૌથી મોઘી કાર ધરાવનાર - મોટાભાગે એના ચહેરા પર આઈ એમ સમથીંગ એટીટ્યુડ જોવા મળતો પણ કોણ જાણે કેમ અમારા ગ્રુપમાં જોઈન થયા પછી એ એકદમ બદલાઈ ગઈ. એના વાણી અને વર્તન બંનેમાંથી ઈગો ઓછો થઈ ગયો અને એ ફ્રેન્ડલી બની ગઈ હતી! જોકે અમારી ફ્રેન્ડશીપ પણ તેના ઈગોને સંપૂર્ણ દુર કરવામાં નિષ્ફળ રહી હતી.

મને ઘણા મિત્રો મળ્યા તેના બે કારણ હતા. એક તો હું દેખાવે સુંદર અને સ્વભાવે સ્માર્ટ. બીજું જયારે હું પહેલા દિવસે કોલેજ ગઈ ત્યારે નવા આવેલા બધા જ જૂનીયરો રેગીગના ટ્રોમાને સહન કરી રહ્યા હતા. એ સમયે મેં રેગીંગ કરનાર છોકરાને મેનપાર્ટ પર લાત મારી હતી. મને પહેલે જ દિવસે પ્રિન્સીપાલની ઓફિસમાં લઈ જવામાં આવી હતી. અને હું કોલેજમાં પહેલે જ દિવસે મોસ્ટ પોપ્યુલર ગર્લ બની ગઈ. લગભગ ચારેક દિવસ એ અર્ધ મર્દ બનીને ઘરે જ રહ્યો હતો અને પછી કોલેજમાં આવતો ત્યારે એ જાણતો જ નહોતો રેગીંગ એટલે શું? કે પછી મને એમ લાગતું હતું.

“હેય સંધ્યા, યુ આર રોક. આઈ હેવ નેવર ઈમેજીન યુ વુડ ડુ ધેટ!!” મોટા ભાગના લોકોના મુખેથી મને આ વાક્ય સાંભળવા મળતું. લંચ ટાઈમ સુધીમાં તો હું મારો પરિચય બધાને આપતા થાકી ગઈ હતી. હું થાકી ગઈ હતી કેમકે મેં ક્યારેય એક જ દિવસમાં આટલા લોકોને મારો પરિચય આપ્યો ન હતો. લગભગ અડધી કોલેજ મને લંચ ટાઈમ સુધીમાં મારા નામથી ઓળખતી થઈ ગઈ હતી. મને ત્યારે ખબર ન હતી કે સીનીયરથી દુશ્મની બાંધવી મને કેટલી મોઘી પડશે? પણ હું બધાથી અલગ હતી. મને ખબર હોત કે સીનીયર મને પોતાનું ટાર્ગેટ બનાવશે તો પણ મેં એ હરકત કરી જ હોત. કદાચ વધુ જોરથી એ લાત લગાવી હોત. કદાચ એ પ્રિન્સીપાલ ઓફિસને બદલે સીધો જ સરકારી હોસ્પિટલ ગયો હોત.! મારી વાતોમાં દરેક વાક્ય પાછળ તમને ઉદગાર ચિહન લગભગ જોવા મળશે કેમ કે મારું જીવન જ એવું હતું! હું તમને બોલકણી લાગતી હોઈશ પણ ના મારી એક એક વાતને સમજવી પડશે તો જ તમે મને મારી કહાનીને જાણી શકશો. ક્યારે કઈ નાની વાત મોટો પહાડ બની જાય એ મને પણ ખબર ન હતી!

આરાધના ચૌહાણ એ દિવસે મને બસમાં મળેલ અને ફર્સ્ટ ડે ફ્રેન્ડ બની હતી.

હું અને આરાધના થોડાક દિવસોમાં જ કોલેજના વોન્ટેડ લીસ્ટમાં આવી ગયા હતા. એના પણ બે કારણ હતા એક તો અમે બંને બોલ્ડ હતા અને બીજું બ્યુટીફૂલ.

આરાધના પણ મારી જેમ જ બોલ્ડ અને બ્રેવ હતી. કદાચ એ કારણથી જ અમે પહેલા જ દિવસે મિત્રો બની ગયા હતા. પહેલે જ દિવસે કોલેજમાં જયારે આરાધના મને મળી ત્યારે એણીએ મને કહ્યું હતું ‘તે જે કર્યું એ મને ખુબ જ ગમ્યું પણ પ્લીઝ નેક્સટ ટાઈમ તું કાઈ એવું કરવાની હોય તો કહેજે હું પણ તારી સાથે જોઈન થઈશ. મને પણ સીનીયરો પર હાથ સાફ કરવાની ખુબ જ ઈચ્છા છે.’

એ વાક્ય ઉપર અમે બંને ખડખડાટ હસ્યા હતા અને એના એ શબ્દો મને કહી ગયા કે એ મારા જેવી જ હતી. અમે એકબીજાને મિત્રો માની લીધા. સમયની સાથે એ મિત્રતા ગાઢ બનતી ગઈ અને તેમાં નવા કેટલાય મિત્રો ઉમેરાતા ગયા.

આરાધના પછી બીજા નંબરે કોઈ મિત્રને મૂકી શકાય એમ હોય તો એ રાઘવ હતો. એ બધા મને ખાસ સમજવા લાગ્યા હતા.

રાઘવ એક ઇન્ટ્રેસ્ટીંગ છોકરો હતો. એ પણ મારી અને આરાધનાની જેમ જ બીજા બધાથી અલગ હતો. તે ઉંચો, દેખાવડો, સ્માર્ટ અને અમારી કોલેજમાં સીનીયરોથી ન ડરનાર અને જુનિયરોનો સાથ આપનાર એક માત્ર સીનીયર હતો. તેનો અવાજ પણ બોલ્ડ હતો. તેને મારી અને આરાધનાની જેમ ઈંગ્લીશ પણ સારું આવડતું અને સૌથી મહત્વની વાત જયારે પણ હું અને આરાધના કોલેજ બંક કરવા કહેતા બધા મિત્રોમાં સૌથી પહેલા અમારી વાતને ટેકો આપનાર એ જ હોતો. કદાચ રાઘવ અમારા મિત્રોમાં ન હોત તો અમે ક્યારેય એ કોલેજમાં માસ બંક ન કરી શકયા હોત. બધી રીતે જોવા જઈએ તો રાઘવ મારો મિત્ર બનવા માટે પેરફેક્ટ હતો. હા, એનામાં એક વસ્તુ હતી જે મને ન ગમતી. એ કોઈ પણ બાબતમાં ખુબ જ દલીલ કરતો અને હું ક્યારેય એને દલીલમાં પહોચી ન શકતી. એ એની વાતને અમારા સામે લોજીકલી સાબિત કરીને જ રહેતો. એનામાં કોઈ પણ વાતને લોજીક સાથે સમજાવવાની અજબ કળા હતી.

પાર્કિંગ લોટમાં અમારી પહેલી મુલાકાત થઇ અને ત્યારબાદ અમે એકબીજાના સારા મિત્રો બની ગયા. અમે એકબીજા સાથે ખુબ જ વાતો કરતા અને મને ખબર પડી હતી કે તે મુબઈનો તેમજ અમીર ઘરનો છે. અમારી કોલેજમાં માંડ પાંચેક અમીર ઘરના છોકરા હતા. મને હમેશા એનામાં એક સારો મીત્ર દેખાતો. એ મને કેટલા અંશે મિત્ર માનતો હતો એ મને બહુ મોડી ખબર પડી.

હું એની કોઈ ચીજને નફરત કરતી હતી તો એ હતી એની મોઘી કાર. એની પાસે એક ઓડી હતી જોકે એ પણ ઓડી આર. એઈટ. રાખી શકે એટલો અમીર ન હતો તેની પાસે ઓડીનું સ્ટારટીંગ મોડેલ હતું. લગભગ પચાસેક લાખની એની કિંમત હશે. એનામા એ પોતાના પાંચેય મિત્રોને ઘેટા બકરાની જેમ ભરીને કોલેજ લાવતો.

અમારા વચ્ચે કોલને બદલે મોટાભાગની વાતચીત મેસેજથી જ થતી. હું મોટાભાગના લોકો સાથેની વાતચીત મેસેજ પર જ કરતી જેથી વાતચીત પછી હું એમના શબ્દોનું વિશ્લેષણ કરી શકું અને એમણે કોઈ ભૂલ કરી હોય અથવા પહેલી અને બીજી વાતચીત દરમિયાન કોઈ કોન્ટ્રોવર્સી વાક્ય લખ્યું હોય તો હું જાણી શકું.

બીજી એક બાબત એની મને ન ગમતી એ હતી એ હમેશા મારો વડીલ બનવાનો પ્રયાસ કરતો. એ મોટે ભાગે મને સલાહ આપવાનું પસંદ કરતો જયારે મને કોઈની સલાહ લેવાનું ન ગમતું. જોકે એકવાર એની એ આદત મારા કામે લાગી હતી.

“યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ગાયસ. સંધ્યા, ધેય આર બેડ.” તે કહેતો. તેની વાત સાચી હતી પણ મને એ બોરિંગ લાગતી. તે જ્યારે મારા સાથે હોય ત્યારે બસ એનું ધ્યાન એ જ બાબત પર રહેતું કે કયા છોકરાનું ધ્યાન મારા પર વધુ હતું. મને એમ લાગતું હતું કે એ મને ચાહવા લાગ્યો હતો પણ મારો એવો કોઈ આઈડિયા ન હતો.

હું એને કોઈ રીતે સમજાવી શકું તેમ ન હતી કે છોકરીને કોઈ જુવે તો એને ખરાબ નથી લાગતું પણ સારું લાગે છે. કેમ તમે છોકરાઓ છોકરીને જોઈ ખુશ નથી થતા? તો તમને શું લાગે છે છોકરીઓમાં ભગવાને એ જ વિજાતીય આકર્ષણનો ગુણ નહિ મુક્યો હોય? શું ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એકબીજા સાથે સમાન રીતે ન વર્તી શકે? શું એક હાથથી તાળી પડી શકે? અને શું સ્ત્રીઓને સેકસમાં રસ જ ન હોત તો આ દુનિયાનું અસ્તિત્વ જ હોત? જેવા કેટલાય લોજીકલ સવાલો પૂછી હું એને સમજાવવાનો પ્રયાસ કરતી પણ કોણ જાણે કેમ એ મારી એક પણ દલીલ સમજવા ન માંગતો. હું એને એ વાસ્તવિકતા પણ કહી શકું તેમ ન હતી કે કોલેજમાં હું લાઈમ લાઈટમાં આવવા માંગતી હતી જેથી કેટલાક ચોક્કસ લોકોનું ધ્યાન મારી તરફ ખેચી શકું.

“સંધ્યા એ બધું બોલવામાં ને ફિલોસોફીની બુકમાં સારું લાગે છે પણ એ હકીકત નથી. હું જાણું છું છોકરી શું છે અને એનું કેટલું મહત્વ છે.”

“હા, હું બધુ જ જાણું છું, તું શું કહેવા માંગે છે. તું એમ કહેવા માંગે છે કે છોકરીઓને જીવ હોતો જ નથી! તેમનું ચંચળ મન કોઈ ઇચ્છાઓ કરતું જ નથી?”

“તું કશું જ નથી જાણતી. અરે એક છોકરી હોવામાં કેટલું રિસ્ક હોય એ પણ તું જાણતી નથી!”

“હા, જાણે તું તો સાત જનમથી છોકરી હોય અને આ જન્મે પહેલીવાર જ છોકરો બન્યો હોય એમ વાત કરે છે?” હું એની મજાક ઉડાવતા કહેતી.

આવી દલીલો અમારા વચ્ચે થયા કરતી. એ સિવાય અમારા વચ્ચે સારી દોસ્તી હોવા છતાં સ્પોર્ટ્સમાં અમારા વચ્ચે જોરદાર કમ્પીટીશન રહેતી. અમે મોટા ભાગની મિક્ષ સ્પોર્ટ્સમાં ભાગ લેતા અને મોટા ભાગે હું જ જીતતી અને ફરી અમારા વચ્ચે એક નાનકડું યુદ્ધ થઇ જતું.

“યુ હેવ ચીટેડ સંધ્યા.” એ કહેતો અને દર વખતની જેમ એ સાચો પણ હોતો.

પણ મને એ ન ગમતું અને અમારા વચ્ચે નાનકડો ઝઘડો થતો. હા, જોકે એકબીજાને ટેકસ્ટ કરવાનું ચાલુ જ રહેતું. અમારા ઝઘડા અને અમારી દોસ્તી વચ્ચે કોઈ જ લેવાદેવા ન હોય એમ એ એક સાથે ચાલુ જ રહેતા.

હું દોસ્તી કરવામાં અને દોસ્તો બનાવવામાં હાઈસ્કુલથી જ માહિર હતી. હું હોસ્ટેલમાં પહેલા વર્ષે ભણવા ગઈ ત્યારે એ જ વર્ષે અડધી શાળા મારી મિત્ર બની ગઈ હતી. અને અહી તો દોસ્તો બનાવવા એ મારા મુહીમનો જ એક ભાગ હતો. પણ છતાં મેં ક્યાંક થાપ ખાધી હતી અને તેના લીધે ભયાનક આફતમાં પડી હતી.

***

(ક્રમશ:)