Sandhya Suraj - 4 books and stories free download online pdf in Gujarati

સંધ્યા સૂરજ - પ્રકરણ - 4

હું ધીમે ધીમે દીવાલનો ટેકો લઇ દરવાજાની નજીક ગઈ. મેં મારા એક હાથની હથેળીને દીવાલ સાથે ટેકવેલ રાખી હતી અને બીજા હાથને દરવાજા પર જેથી હું ચક્કર આવી મારું સમતોલન ગુમાવું તો પણ દીવાલ અને દરવાજાને સહારે જમીન પર બેસી શકું. કોઈ નકામો અવાજ ન થાય અને બહાર ઉભેલી વ્યક્તિને ખબર ન પડે કે હું અંદરથી એના પર ધ્યાન રાખી રહી છું. જો કે હાલ તો એમ જ લાગી રહ્યું હતું કે હું એના પર કોઈ કાળે ધ્યાન રાખી શકું તેમ ન હતી અને એ મારા પર નજર રાખી રહ્યો હતો એ દેખીતી ચીજ હતી. મેં સ્લાઈડ કરીને દરવાજાના પીપ હોલનું સ્ટીલ કવર હટાવ્યું. હું મારા ચહેરાને બને એટલો દરવાજાની નજીક લઇ ગઈ જેથી મારી આંખો બહારનો વ્યુ ક્લીયર જોઈ શકે. મને ખબર ન હતી હું કોનો ચહેરો જોવાની છું. મને જરા પણ અંદાજ આવી શકે તેમ ન હતો કે એ કોઈ ઓળખીતો ચહેરો હશે કે કોઈ અજાણ્યો ચહેરો. મને ચહેરાનો અંદાજ ક્યાંથી હોય?? કોણ હોઈ શકે??

મને તો એ પણ ખબર ન હતી કે મને કોણે કિડનેપ કરી હતી. મને તો એ પણ ખબર ન હતી કે મને કેમ કિડનેપ કરવામાં આવી હતી.

હું મારી હાલતથી મારી સ્થિતિથી એકદમ અજાણ હતી. મેં ગણી શકાય તેટલો સમય અંદાજ લગાવવામાં વિતાવ્યો હતો પણ પરિણામ શૂન્ય જ મળ્યું હતું. હું કોઈ પણ અંદાજ લગાવવામાં નિષ્ફળ રહી હતી. કદાચ હું દુનિયાની એવી પહેલી વ્યક્તિ હતી જેની યાદદાસ્ત ગુમ થયા વિના જ એ આસપાસની દરેક ચીજથી અજાણ હતી.

છતાં મને કોઈ ઓળખીતો ચહેરો હોવાની સંભાવના વધુ લાગી રહી હતી કેમકે જે રીતે આરાધના અને તેની સાથે રહેતી તેની ફ્રેન્ડસ ગુમ થઇ હતી, ત્યારબાદ મારા પર હુમલો થયો હતો એ જોતા મને એમ લાગી રહ્યું હતું કે કોઈ વ્યક્તિ એ બધું મને એમની તપાસ કરતા અટકાવવા માટે કરી રહ્યું છે. કોઈ મને લાંબા સમયથી ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું પણ હું ડરી ન હતી કદાચ એટલે જ એમણે મને કિડનેપ કરી હશે અને હું કોલેજમાં ગુમ થયેલ છોકરીની તપાસ કરી રહી છું એ વાતની એમને ખબર પડી ગઈ હતી એનો અર્થ એ હતો કે એ કોઈ ઓળખીતો ચહેરો જ હતો. કોઈ અમારી જ કોલેજમાંથી હતું જે એમને ખબર આપી રહ્યું હતું કે હું આરાધના અને અન્ય મિસિંગ ગર્લ્સની તપાસ કરી રહી છું.

જો કોઈ ઓળખીતો ચહેરો એમાં સંડોવાયેલ ન હોય તો એને શું ખબર પડે કે હું આરાધનાની બેસ્ટ ફ્રેન્ડ હતી અને એના મિસિંગ થયા પછી હું જંપીને બેસુ તેમ નથી? કે કદાચ એ ઘટનાને આ ઘટના સાથે કોઈ નિસ્બત ન હોય તેવું પણ બની શકે? હું કોઈ નિર્ણય પર આવી શકું તેમ ન હતી.

પણ હું ખોટી ઠરી, મારો અંદાજ છેતરામણો નીકળ્યો. જયારે મેં પીપ હોલમાંથી બહાર જોયું મને એક અજાણ્યો ચહેરો દરવાજાની બહાર દેખાયો. એ વ્યક્તિ રાઘવની ઉમરનો જ હતો. એ ઉંચો અને દેખાવડો હતો. એના દાઢી અને મૂછના વાળ થોડાક વધેલા હતા અને એણે કાળા રંગનું આખી બાયનું શર્ટ પહેરેલ હતું. એના ચહેરા પરથી એ જરાય કિડનેપર જેવો નહોતો લાગી રહ્યો. એ કોઈ કોલેજીયન યુવક જેવો દેખાઈ રહ્યો હતો. એની ઉમર પણ હજુ કોલેજના બીજા કે ત્રીજા વરસમાં ભણતા છોકરા જેટલી જ લાગતી હતી. એના દાઢી મુછના જથ્થા પરથી જ દેખાઈ આવતું હતું કે એ હજુ વીસ એકવીસનો માંડ હશે.

મને એમ હતું કે એ દરવાજો ખોલી અંદર આવશે પણ એવું ન થયું. એ થોડીકવાર મારા દરવાજા સામે ઉભો રહ્યો. એ કઈક વિચારી રહ્યો હોય એવું મને લાગ્યું. પછી એકાએક એ પાછો ફરી ચાલવા લાગ્યો. એ દરવાજો ખોલી અંદર ન આવ્યો. એ કોરીડોરમાં આગળ તરફ ચાલવા લાગ્યો.

મેં દરવાજો ખોલવા પ્રયાસ કર્યો. હું એને રોકવા માંગતી હતી. હું એનાથી વાત કરવા માંગતી હતી. મેં દરવાજાનું હેન્ડલ ફેરવ્યું. એ દરવાજો ખુલી ગયો. એ દરવાજો બહારથી લોક ન હતો. મને અફસોસ થયો મેં છેલ્લા ત્રણ દિવસમાં એ દરવાજો ખોલવાનો પ્રયાસ ઘણી વખત કર્યો હતો પણ એ દરવાજો ખુલ્યો ન હતો, કદાચ એણે હમણા બહારનું લોક હટાવી નાખ્યું હશે? મને થયું.

પણ કેમ? એ એવું શા માટે કરે?

મારી પાસે કોઈ જવાબ ન હતો. એ જવાબ મેળવવા મારે બહાર એની પાછળ જવું પડે તેમ હતું.

દરવાજાની સેફટી ચેન હટાવી, દરવાજો સ્લેમ કરી હું બહાર નીકળી, દરવાજો એકદમ આરામથી ખુલી ગયો.

“હેય.” મેં બુમ મારી.

“હેય, યુ વેઇટ! હું તારી સાથે વાત કરવા માંગું છું.” મેં ફરી કહ્યું.

પણ તેણે કશું સાંભળ્યું જ ન હોય તેમ તે આગળ ચાલતો રહ્યો. એણે એકવાર પણ પાછળ ફરી મારા તરફ જોયુ નહી. હું કોરીડોરમાં એની તરફ ઉતાવળા પગલે જવા લાગી, એ સમયે મારામાં ચાલવાની હિમ્મત ક્યાંથી આવી ગઈ હતી એ મને ખબર ન હતી. કદાચ કોઈ ઈશ્વરીય શક્તિથી એની પાછળ જવા સક્ષમ બની હોઈશ. બસ હું એની તરફ જઈ રહી હતી. મારું પૂરું ધ્યાન એના તરફ જ હતું.

હું લગભગ દોડવા લાગી હતી. તે એક બીજા લોખંડના દરવાજા સુધી પહોચી ગયો હતો. મેં મારી ચારે તરફ નજર દોડાવી અહી દીવાલો ન હતી. અહી બધે જ એ લોખંડના દરવાજા જેવુ જ મેટલ હતું. બધી જ દીવાલો મેટલની બનેલી હતી. બસ એમના પર દરવાજા જેવો ભુરાને બદલે સફેદ રંગ હતો. કદાચ અંધકારને લીધે મને રૂમની દીવાલો જોઈ ત્યારે એ સમજાયું નહી હોય.

તેણે એ લોખંડના દરવાજા પર કઈક કોડ દબાવવાનું શરુ કર્યું. જ્યારે તેણે દરવાજો ખોલ્યો હું એની નજીક પહોચી ગઈ હતી.

હું એની પાછળ દરવાજા બહાર નીકળવા માંગતી હતી પણ એકાએક એ મારી તરફ પલટ્યો. હું સ્તબ્ધ ઉભી રહી એના સામે જોઈ રહી. મારા પગમાં અશક્તિ હતી એટલે ધ્રુજતા હતા. તેના ચહેરા પર કોઈ જ ભાવ ન હતા. ન ગુસ્સાના ભાવ હતા ન ડરના ભાવ કે ન અપરાધના ભાવ હતા. તેનો ચહેરો કોરા કાગળ જેવો હતો જેના પર વાંચી શકાય તેવું કઈ જ ન હતું. મને એ ભાવશૂન્ય ચહેરો જરાક અજીબ લાગ્યો.

મને એકપળ માટે થયું કે એ મને જોઈ રહ્યો છે, મારી કોલેજના બીજા છોકરાઓની જેમ એ પણ મારા રૂપના સોંદર્યને પી રહ્યો છે. કદાચ તે તેની જાતને મારામાં ખોઈ રહ્યો હતો પણ હું ફરી ખોટી ઠરી. એક ડગલું આગળ વધીને તેણે અચાનક મારા વાળ પકડ્યા અને મને ધક્કો મારી દરવાજાની અંદરની તરફ ફેકી.

મારામાં ખાસ શક્તિ રહી ન હતી. હું એના જરાક ધક્કાથી જ જમીન પર ફસડાઈ પડી. જોકે એ જમીન ન હતી એ ફ્લોરબોર્ડ જેવું કશુક હતું. કદાચ એની નીચે પેલી ચારે તરફ રહેલી મેટલની દીવાલો જેવુ જ મેટલ હોઈ શકે એમ મને લાગ્યું. હું ફરી ઉભી થાઉં એ પહેલા એ દરવાજો બંધ થઇ ગયો. તેણે એક પણ શબ્દ બોલ્યા વગર એ દરવાજો બંધ કરી નાખ્યો. હું સમયસર ઉભી ન થઇ શકી પણ મારી આંખોએ જે જોયું એના પરથી હું સમજી ગઈ કે હું ક્યા હતી.

મને ચારે તરફ અલગ અલગ કન્ટેનર દેખાયા. હું કોરીડોરમાં હતી. એણે બંધ કર્યો એ બેઝમેન્ટ રૂમનો દરવાજો હતો. એ બેઝમેન્ટ રુમનો દરવાજો ખોલી જે રૂમમાં દાખલ થયો એ સ્ટાફ રૂમ હતો. હું એક જુના અને વર્ષોથી બંધ હોય તેવા વેર-હાઉસમાં હોઈશ એમ મને લાગ્યું. મને પહેલી જ વાર અંદાજ આવ્યો કે હું ક્યાં હતી!

એકાએક કોરીડોરમાં અંધકાર વધી ગયો. હું એ અંધારામાં જોવાનો પ્રયાસ કરવા લાગી. મારી આંખો આટલા સમયમાં એ અંધકારથી ટેવાઈ ગઈ હતી કે પછી કોરીડોરમાં મારા રૂમ જેટલું અંધારું ન હતું એટલે પણ મને હવે થોડુક દેખાતું હતું. મારી આંખો એ અંધકારમાં જોઈ શકતી હતી. હું મારા રૂમ તરફ જવા લાગી. હું મારા રૂમના દરવાજે ગઈ. મેં દરવાજો ખોલ્યો કોરીડોર કરતા એ રૂમમાં અંધારું વધારે હતું પણ ખુલ્લા દરવાજાને લીધે મને દેખાયું કે એ રૂમ ન હતો એ કેબીન હતી. મેટલ કેબીન.

મને એ કેબીનમાં જવાની ઈચ્છા ન થઇ. મેં બહારના કોરીડોરમા જ રહેવાનું વિચાર્યું. હું બહારના કોરીડોરમાં ફરી એક એક ચીજો નિહાળવા લાગી, દીવાલો ફંફોસતા મને બે ત્રણ દરવાજા મળ્યા પણ હું જાણતી હતી કે એ ફેક ડોર હતા જેમને ખોલવા માટે કોઈ ચોક્કસ કોડની જરૂર પડે એટલે મેં એમને ખોલવાનો નકામો પ્રયાસ કરી મારામાં રહી સહી ઉર્જાને વેડફવાને બદલે સાચવવાનું નક્કી કર્યું જેથી કદાચ હજુ એકાદ દિવસ સુધી મને ખાવાનું ન મળે તો પણ હું જીવી શકું.

ખાધા વિના હું જીવી શકું તેમ હતી પણ મારું ગળું સુકાઈ રહ્યું હતું, મને પાક્કો અંદાજ ન હતો મેં છેલ્લે ક્યારે પાણી પીધું હતું. કદાચ નિશાની વોટરબેગમાંથી? ના, મનીષાની પ્લાસ્ટિક બોટલમાંથી મને યાદ આવ્યું મેં છેલ્લે મનીષાની પ્લાસ્ટિક બોટલમાંથી પાણી પીધું હતું. સાવ વિના મુલ્યે મળતું પાણી કેટલું કિમતી હતું એ મને સમજાયું. કાશ! મેં એ વખતે થોડુક વધારે પાણી પી લીધું હોત!

હું એ કોરીડોરના અંધકારમાં એકલી હતી. ચારે તરફ બસ મેટલની બનેલી દીવાલો હતી. આખરે અંધારામાં ટેવાયેલી મારી આંખોએ એક બેડ જોયો. મને જરાક રાહત થઇ કમ-સે-કમ મારે એ કોરીડોરમાં જમીન પર એક ચાદરને સહારે સુવાનું ન હતું. મને સુવા માટે એક બેડ મળવાનું હતું. હું રૂમમાં ગઈ અને મારી ચાદર લઈ આવી. હું એ બેડ પર ચાદર ઓઢી સુઈ ગઈ. મારા માથામાં અસહ્ય દુ:ખાવો થતો હતો. મારી આસપાસ ચારે તરફ હજુયે દારૂ અને સિગારેટની વાસ આવતી હતી. આંખોમાં હજુ બળતું હતું અને પગમાં સતત દુ:ખાવો થતો હતો.

હું એક પેન કીલર અને એક ગ્લાસ કોલ્ડ વોટરની સખત જરૂરીયાત અનુભવી રહી હતી. મને લાગી રહ્યું હતું કે મને એ બંને ચીજોની તાત્કાલિક જરૂર છે. પણ એ સમયે એ ચીજો જોવી પણ મુશ્કેલ હતી તો એ મળવાની ઈચ્છા કરવી નરી મૂર્ખાઈ જ કહેવાય અને છતાં હું એ મૂર્ખાઈ કરી રહી હતી!

જે યુવક હમણાં આવ્યો હતો એની એકદમ હું નજીક ગઈ હતી. તેણે શરાબ નહોતો પીધેલ. કદાચ અહી કોરીડોરમાં પહેલા કોઈએ શરાબ અને સિગારેટની મીજબાની કરી હશે. જ્યારે હું એ અંધારી કેબીનમાં હતી ત્યારે અહી કોરીડોરમાં એક કરતા વધુ લોકો હશે. એમણે અહી શરાબ અને સીગરેટની લહેજત માણી હશે. અને એટલે જ મને એ વાસ કેબીનમાં આવી રહી હશે. મેં અંદાજ લાગાવ્યો.

પણ એ યુવકના મોમાંથી સિગારેટ કે શરાબની વાસ કેમ ન આવી? મને અહી કિડનેપ કરી કેદ કરી રાખનાર વ્યક્તિ શરાબી ન હોય એવું કઈ રીતે શકય હતું? ત્યાં કોઈ શરાબને સિગારેટની મહેફિલ મંડાઈ હોય અને છતાં એ એમાંથી કોરો નીકળી જાય એ કઈ રીતે શક્ય હતું? મને ત્યાં ગોધી રાખનાર વ્યક્તિ સારા ઘરનો કોઈ સંસ્કારી વ્યક્તિ તો ન જ હોય ને? જે શરાબ અને સિગારેટને અછૂત માનતો હોય?

કદાચ હોઈ શકે? મને એકપળ માટે થયું. પણ બીજી જ પળે હું સમજી ગઈ કે ફરી મુર્ખ મન મને મૂરખ બનાવી રહ્યું છે કે એ કોઈ સારો વ્યક્તિ હશે અને મને કોઈ જ નુકશાન પહોચાડ્યા વિના ત્યાંથી જવા દેશે. માનવ મન પણ કેવું અજીબ છે તેનામાં કેવી કેવી આશાઓ અને ઉમ્મીદો હોય છે?

પણ હું ઉમ્મીદમાં ક્યારેય માનતી જ ક્યા હતી? લોકો ભલે ઉમ્મીદને માનવ મનની સૌથી મોટી તાકાત માનતા હોય. હું એને માનવ મનની સૌથી મોટી કમજોરી સમજતી. હું ‘જીના યહા મરના યહા ઇસકે સિવા જાના કહા’ ગીતના શબ્દોને માનનારી હતી અને એટલે જ જીવનમાં જે પળ માણવાનો મોકો મળતો હું એને ક્યારેય મિસ ન કરતી. હું જાણતી હતી કે એકવાર ખોઈ નાખેલ પળ ક્યારેય મળતી નથી. માટે આજને જીવી લેવું જોઈએ. કાલ કોણે જોઈ છે? અને હું સાચી જ હતી. કોણે વિચાર્યું પણ હતું કે બીચ પર બિકીનીમાં ફરનાર અને સ્ટેજ પર બમ હલાવી આખી કોલેજને હલાવી નાખનાર બેઝબોલના ગ્રાઉન્ડ પર એક પર એક ગોલ કરી છોકરા છોકરીઓની આંખોને રોલ કરી દેતી છોકરીઓ આવા અંધારા આલમમાં એન્ડ અપ કરતી હશે?

મેં પોતાની જાતને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો પણ એ નિષ્ફળ રહ્યો. મેં એક ઊંડો શ્વાસ લીધો. એક.. બે.. ત્રણ... શ્વાસ છોડ્યો.... એક... બે... ત્રણ.... એક ઊંડો શ્વાસ લીધો...

મને ભૂખ્યા ઊંઘ આવતી ન હતી પણ હું જાણતી હતી કે ઊંધ્યા વિના શરીરમાં વધારે ઉર્જા વપરાય છે અને એ ઉર્જાના ઘસારાને પહોચી વળવા માટે મારી આસપાસ કઈ જ ન હતુ. એટલે મેં શીખેલી ઊંઘવાની ટેકનીક હું અપનાવવા લાગી. હું મનમાં એકથી ત્રણ સુધી ગણી શ્વાસ લેતી હતી અને એકથી ત્રણ સુધી ગણી શ્વાસ છોડી રહી હતી... એનાથી મને કદાચ ઉંધવામાં રાહત મળતી.

ઘરે પણ જ્યારે મને મમ્મી કે જીનલની ખુબ જ યાદ આવતી અને હું ઉઘવામાં નિષ્ફળ રહેતી ત્યારે હું એવુ જ કરતી અને મને ઊંઘ આવી જતી.

મારી આંખ મળી ત્યાં જ એકાએક એ ખુલી ગઈ. મને મેં વાંચેલી સ્ટીગ લાર્સનની ‘ધ ગર્લ વિથ એ ડ્રેગન ટેટુ’ અને પોલ હોકીન્ગ્સની ‘ગર્લ ઓન ધ ટ્રેઈન’ નવલકથાઓ યાદ આવી ગઈ. હા હું અંગ્રેજી નવલકથાઓ વાંચતી કેમ કે મારું અંગ્રેજી સારું હતું અને ખાસ્સી ગુજરાતી નવલકથાઓના પાના મેં ઉથલાવ્યા હતા. મને એકાએક પેલો યુવાન જે રીતે શાંત હતો એ દ્રશ્ય યાદ આવ્યું. આ રીતે કોઈ કિડનેપર ઠંડો કઈ રીતે હોઈ શકે? શું એ કોઈ સીરીયલ કિલર હશે? મારા માનસ પટલ સમક્ષ ‘સાયલન્સ ઓફ ધ લેમ્બ’ના હેનીબલ લેકટરનું ચિત્ર ઉપસી આવ્યું.

મને થયું એ જરૂર સીરીયલ કિલર હોવો જોઈએ. એના કારણો પણ મારા મને મારી આગળ તરત રજુ કરવા માંડ્યા. એક તો એ માણસ દારુ નહોતો પીતો અને એના મોમાંથી સિગારેટની વાસ પણ નહોતી આવતી. બીજું કે એની ઉમર અને દેખાવ પણ કોઈ ક્રિમીનલ સાથે મેળ નહોતા ખાતા! એ જે રીતે બંધ દરવાજા ઉપર હથોડીઓ ઝીંકીને મને ગભરાવતો હતો એ જોતા તો એ સીરીયલ કિલર જ હોવો જોઈએ! છતાં પણ એ સીરીયલ કિલર નહિ હોય કદાચ કોઈ નવશીખીયો ગુનેગાર હશે એમ મન મનાવી ફરી મેં ઊંઘવાનો પ્રયાસ કર્યો. પણ તેનો સપાટ કોઈ ભાવ વગરનો અજીબ ચહેરો મારા પોપચામાં દેખાતો હતો. કોણ હશે એ? સવાલ મનમાંથી ખસતો ન હતો.

***

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED