સંધ્યા સૂરજ - પ્રકરણ - 8

     હું બીચ પાર્ટીમાંથી ગુમ થઈ હતી. ત્યાં મારી સાથે બીજા પણ કેટલાક છોકરા છોકરીઓ હતા. અમે કોલેજ પીકનીક પર હતા. ઘણો સમય હું નહી મળી હોવ એટલે તેમણે કોલેજમાં જાણ કરી હશે અને કોલેજે મારા ઘરે ખબર કરી હશે. મને પોલીસ શોધી રહી હશે. મુંબઈમાં એ લોકો મને શોધી રહ્યા હશે પણ હું તેમને મળીશ નહી કેમકે એ મને ખોટી જગ્યાએ શોધી રહ્યા હશે! મુંબઈ બહારના સ્થળે તો કોઈ વિચારે જ શા માટે?

     પોલીસ મુંબઈના દરેક સ્લમ એરિયા અને રેડ લાઈટ એરિયા ફેદી વળી હશે કે કદાચ કોલેજમાંથી બધાએ મારો રેફરન્સ આપ્યો હશે કે હું કોઈ છોકરા સાથે ભાગી ગઈ હોઈશ તો તેઓ માત્ર ભાગી ગયાનો જ કેસ બનાવી હાથ પર હાથ મૂકી બેઠા હશે? મેં જ મારી એ છાપ ઉભી કરી હતી જે મને હવે નડી રહી હતી. મેં બોલ્ડ અને બેકાર છોકરી બનવા શું શું નહોતું કર્યું? કદાચ એટલે જ કોઈ પોલીસને એમ કહેશે કે સંધ્યા તો કોઈ છોકરા સાથે ભાગી ગઈ હશે અને પોલીસ એ બાબતને હળવી લઇ લેશે!

     કદાચ કોઈએ એ વાત ન કરી હોય એવું પણ બની શકે? કદાચ કોઈએ પોલીસમાં ખબર ન કરી હોય તો? પણ એવું કેમ બને? મારા સાથે જે પીકનીક પર હતા એ લોકો પોલીસને જાણ કેમ ન કરે? કદાચ એ બધા પણ મારી જેમ કિડનેપ થઇ ગયા હશે તો? કદાચ એ બધા પણ મારી જેમ જ આ વેર-હાઉસના કોઈ સ્ટીલ કેબીનમાં કેદ હશે તો?

     તો....??? મારા ધબકારા વધવા લાગ્યા... જો કદાચ એવું થયું હશે તો? તો...? પોલીસ અમને કોઈને ચાર દિવસ સુધી નહિ શોધે કેમકે અમે ચાર દિવસની પીકનીક પર હતા... તો.. અમને કોલેજમાંથી પણ કોઈ નહી શોધે કે ઘરના પણ કોઈ અમને શોધવાનો પ્રયાસ નહિ કરે!!

     એનો અર્થ એ હતો કે ચાર દિવસ પછી જ્યારે બધાને ખબર પડશે ત્યાં સુધીમાં અમને કોઈ એવા સ્થળે પહોચાડી દેવામાં આવ્યા હશે જયા પહોચવું પોલીસ માટે પણ અશક્ય હશે અને અમારા માટે પાછા આવવાના દરેક રસ્તા બંધ થઇ ગયા હશે. એનો અર્થ એ હતો કે જો મારે મારી જાતને બચાવવી હોય તો મારે પોતે જ કઈક કરવું પડે તેમ હતું. મારા સિવાય કદાચ મારી મદદ કરવા માટે કોઈ જ ન હતું! અને કદાચ કોઈ મને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું હોત તો પણ મારે એ ભરોશે બેસી રહી શકાય તેમ તો ન જ હતું!!

     હું વિચારોમાં હતી. મારી આંખ દુખતી હતી. મારું શરીર હવે ભૂખ અને તરશ સહન કરી શકે એમ ન હતું. કદાચ શરીર જેટલી અશક્તિ સહન કરી શકે એટલું દર્દ સહન કરી ચુક્યું હતું. હું માંડ માંડ બેઠી હતી. મેં મારા ચહેરા ઉપર હાથ ફેરવ્યો. મારા હાથમાં ધૂળ આવી. બીચ ઉપર જતા પહેલા લગાવેલ આછા કોમ્પેક્ટ લેયર ઉપર હવે ધૂળ લાગી ગઈ હતી. હું બીચ ઉપર બેભાન થઇ ત્યારે એ ધૂળ લાગી હશે. કદાચ એટલે જ આંખોમાં પણ સોજો હતો કે પછી આંખોમાં એ ધુમાડાથી ઇન્ફેકશન થયું હશે? મને કઈ ચોક્કસ સમજાતું ન હતું.

     એકાએક એ કોરીડોરના એક ખૂણામાં રહેલો ઝાંખો બલ્બ ચાલુ થયો. કોઈ એ કોરીડોરમાં આવવાનું હશે એમ મને લાગ્યું.

     આઈ હેડ ટુ હેંગ ઓન. મેં વિચાર્યું. મારે આવનાર દરેક વ્યક્તિનું ઝીણવટભર્યું અવલોકન કરવું જોઈએ અને જેટલા મળી શકે તેટલા કલુ મેળવવા જોઈએ પણ એ બહુ અઘરું હતું. તમારા મનને શાંત રાખવું અને કોઈ ઉમ્મીદના નાના કિરણને જોવું એ બહુ અઘરું છે. એ પણ જ્યારે પૂરી જગ્યાને અજવાળવા માટે એક ઝીણો અને ઝાંખો બલ્બ હોય જેના અજવાળામાં આવનારનો ચહેરો પણ માંડ દેખાય તેમ હોય!

     મેં મારી આંખો બંધ કરી. એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાતને તૈયાર કરવા લાગી. તે યુવક કોણ હતો? તેણે મારા કેબીનનો દરવાજો કેમ ખુલ્લો છોડ્યો? શું તેણે ઈરાદાપૂર્વક એવું કર્યું હશે?

     જો એણે જાણી જોઇને દરવાજો ખુલ્લો છોડ્યો હોય તો કેમ? એ લોકોએ મને અહી કેમ ગોંધી રાખી છે? શું તેઓ મને મારી નાખવા માંગે છે? પણ જો તેઓ મને મારી નાખવા માંગતા હોય તો એ માટે આટલો બધો સમય લેવાની કોઈ જરૂર જ ન હતી. તેઓ મને આ સુમસાન સ્થળે લાવ્યા પછી તરત જ મારી શકતા હતા.

     એકાએક મને કોરીડોર બહાર પગલાનો અવાજ સંભળાયો. હું મારી જગ્યા પર ગોઠવાઈ અને મેં ચાદર ઓઢી લીધી. હું આવનારને ખબર પડવા દેવા માંગતી ન હતી કે હું હજુ સુધી માનસિક રીતે સ્વસ્થ હતી.

     આંખો બંધ હતી અને ચાદર ઓઢેલી હોવા છતાં જ્યારે દરવાજો ખૂલ્યાનો અવાજ સંભળાયો મારા મને એ પહેલા આવ્યો હતો એ જ યુવકના ચહેરાની કલ્પના કરી. મારા મને એ જ હાથને દરવાજાના હેન્ડલ બાર પર અનુભવ્યા.

    મને અહેસાસ થયો કે કોરીડોરમાં કોઈ આવ્યું છે છતાં હું મારી આંખો બંધ રાખી એમ જ પડી રહી. હું આવનાર વ્યક્તિના એક્સપ્રેશન જોવા માંગતી ન હતી પણ એના એક્સપ્રેસન બદલવા માંગતી હતી. હું ઇચ્છતી હતી કે તેને એવું લાગે હું સાવ તૂટી ગઈ છું.

     આવનાર વ્યક્તિ એ કોરીડોરના દરવાજા પાસે જ અટકી ગયો હોય એમ મને લાગ્યું. મને એક પળ માટે થયું કદાચ એ મારાથી વધુ ચાલાક છે. એ પણ એ જ જાણવા આવ્યો હતો કે મારામાં હજુ કેટલી હિમ્મત બાકી છે. મારામાં હજુ કેટલો જીવ બાકી છે.

     “એય છોકરી, તારા માટે ખાવાનું લાવ્યો છું.” મને અવાજ સંભળાયો. હું એના અવાજનો કોઈ જવાબ આપવા માંગતી ન હતી પણ મેં કેટલા સમયથી ખાધું ન હતું એ મને પણ યાદ ન હતું. મારે શક્તિની જરૂર હતી અને શક્તિ મેળવવા માટે ખોરાકની જરૂર હતી.

     કદાચ હું ન જાગું અને એ ખાવાનું લઈને પાછો ચાલ્યો જાય તો? એ ડરથી મેં ચાદર હટાવી. મેં ચાદર હટાવી, બને તેટલા કમજોર હોવાનો દેખાવ કરતા મારી જગ્યા પરથી બેઠી થઇ. મેં એની તરફ જોયું મારો અંદાજ સાચો હતો. એ એ જ યુવક હતો જે પહેલા પણ આવ્યો હતો. પહેલાની જેમ તેના વાળ વ્યવસ્થિત ઓળેલા ન હતા. દાઢી અને મૂછો એવી જ હતી. કદાચ એણે પંદરેક દિવસ પહેલા સેવ કરી હોય એવું લાગતું હતું. એની આંખો લાલ હતી પણ એણે દારૂ પીધેલો નથી એ હું જાણતી હતી. એ વિચિત્ર હતો. મને યાદ છે ત્યાં સુધી એણે એ જ કાળું શર્ટ પહેરેલ હતું જેનો અર્થ હતો કે એ માણસ પણ અહી જ રાત્રે રોકાયો હશે જે ન્હાયો ધોયો ન હતો. કદાચ એને મળેલી કેબીનમાં પણ મારી કેબીન જેમ જ ટોઇલેટ સિવાય કઈ નહી હોય.

     હું એને જોઈ રહી હતી. તેણે લાવેલી પ્લેટ ફ્લોર પર મૂકી. મેં પ્લેટ તરફ નજર કરી. એમાં શાક અને ચાર રોટલી હતી. શાક શેનું હતું એ મને બરાબર દેખાયું નહી. કદાચ હોટલમાં બનેલ એ ખાવાનું હશે. મેં વિચાર્યું એણે હોટલમાંથી ખાવાનું લાવ્યું હોય તો એનો અર્થ એ હતો કે હું શહેરની આસપાસ જ હતી. મારું મગજ ઝડપથી વિચારી શકતું હતું. કમ-સે-ક્મ હું હાઈવેની આસપાસ તો હતી જ કેમકે એ કોઈ હોટલમાંથી મારે માટે જમવાનું લાવ્યો હશે. એનો અર્થ એ હતો કે એ બોસ નથી, બોસ ઉપરના ભાગે હતો જે તેને ઓર્ડર આપતો હતો. તે માત્ર તેના બોસને ફોલો કરી રહ્યો હતો.

     તેણે પ્લેટની બાજુમાં એક ખાલી ગ્લાસ અને પાણીની બોટલ મૂકી. તેણે મારી તરફ જોયું. તેની આંખોમાં મારા પ્રત્યે ગુસ્સાના ભાવ બિલકુલ ન હતા. જોકે દયા કે સહાનુભૂતિના ભાવ પણ ન હતા. તેની આંખોમાં કોઈક દુ:ખ, કોઈક ઊંડું દુ:ખ મને દેખાયું. તેણે મારા ઉપરથી નજર ફેરવી લીધી અને પોતાની પાછળ દરવાજો બંધ કરી બહાર નીકળી ગયો.

     જેવો દરવાજો બંધ કરી એ બહાર ગયો હું મારા શરીરમાં હતી તેટલી બધી શક્તિનો ઉપયોગ કરી જાટકે ઉભી થઇ એ ડીશ તરફ ધસી. મને એક પળ માટે ગળીની બહાર ખોરાક માટે રખડતા કુતરાની હાલત યાદ આવી ગઈ. મેં એ ડીશ પર એ જ રીતે ઝાપટ મારી જે રીતે કુતરા કોઈએ ફેકેલી રોટલીના ટુકડા પર ઝાપટ મારે છે. જોકે મારી એ ડીશ ઝુંટવી લેવા બીજું કોઈ ત્યાં ન હતું!

     જેવી ડીશ મારા હાથમાં આવી જાણે કે મારી ભૂખ મરી ગઈ. મને થયું હું જે વ્યક્તિ મને કેદ કરી છે એણે આપેલું ખાવાનું કઈ રીતે ખાઈ શકું? કદાચ જીનલને પણ એ જ લોકોએ કિડનેપ કરી હશે તો? કદાચ જીનલને પણ એ જ લોકોએ એ હાલતમાં મોકલી હશે તો? શું મારે જીનલની એ હાલત કરનારા લોકોએ આપેલ ખાવાનું ખાવું જોઈએ?

     મને થયું ના, એમનું આપેલ ન ખવાય! મને મારો જવાબ મળી ગયો હતો પણ ત્યાંજ જાણે મારાથી થોડેક દુર જીનલ ઉભેલ હોય તેમ મને દેખાયું. ખૂણામાં અંધારામાં બલ્બના આછા અજવાળે પરી જેવી જીનલ ઉભી હતી.

     તે તેના ગમતા સફેદ ડ્રેસમાં સજ્જ હતી! કદાચ વાસ્તવિકતામાં લાગતી એનાથી પણ એ સુંદર લાગી રહી હતી. તેણીએ મારા તરફ જોઈ એક હળવું સ્મિત આપ્યું અને કહ્યું સંધ્યા તું ખાઇશ નહિ તો તારા શરીરમાં શક્તિ ક્યાંથી આવશે? જો તારા શરીરમાં શક્તિ નહી હોય તો તું એમનાથી લડીશ કઈ રીતે? તું લડી નહિ શકે તો એમનાથી બચીશ કઈ રીતે? તું એમનાથી બચી નહિ શકે તો એમનાથી બદલો કઈ રીતે લઈશ? તને તો ખબર છે આ દુનિયા કમજોર વ્યક્તિને જીવવાનો હક્ક પણ નથી આપતી. જો તું કમજોર રહીશ તો તને બદલો લેવાનો હક્ક કોણ આપશે?

     મેં ડીશ બાજુ પર મૂકી અને બોટલમાંથી થોડુક પાણી એ ખાલી ગ્લાસમાં ભર્યું. મેં એકી શ્વાશે એ ગ્લાસ ખાલી કરી નાખ્યો. પાણી પેટમાં જતા જ મારા શરીરમાં એક નવી શક્તિનો સંચાર થયો! આપણે જે પાણીને ગમે તેમ ઢોળી દેતા હોઈએ છીએ એ પાણી જો ત્રણ દિવસ સુધી ન મળે તો ખબર પડે કે એની સાચી કીમત શું છે?

     મેં ફરી ગ્લાસમાં પાણી ભર્યું અને પીવા લાગી પણ પહેલા જેટલી ઉતાવળે નહી જરાક શાંતિથી. મને પાણીના બે ઘૂંટડા ભરતા જ ખ્યાલ આવ્યો કે કાશ મારી પાસે મારી સ્ટ્રેસથી દુર રહેવાની ટેબલેટ હોત! હું બહારથી હમેશા આનંદી સ્વભાવની હતી પણ મમ્મીના અને દાદાના ગયા પછી, ખાસ તો જીનલના ગયા પછી અંદરથી એકદમ ભાંગી ગઈ હતી. પપ્પા મોટા ભાગે જે કંપની માટે કામ કરતા હતા એ કંપનીના કામે દિવસો સુધી બહાર રહેતા અને દાદીના ગયા પછી દાદાજી પણ બિલકુલ સુન થઇ ગયા હતા. તેઓ વાતચીતમાં પહેલા જેટલો રસ ન લેતા. હું દુનિયામાં બિલકુલ એકલી હતીં એમ કહો તો પણ ચાલે.

     એ એકલતા મને કોરી ન ખાય એ માટે મારે સ્ટ્રેસથી દુર રહેવાની ગોળી લેવી પડતી. જોકે મેં એ વાતની ક્યારેય કોઈને ખબર પડવા દીધી ન હતી - ન ઘરમાં કોઈને ન કોલેજમાં કોઈ મિત્રોને. માત્ર રાઘવ એ જાણતો હતો કે હું સ્ટ્રેસની ગોળીઓ લઉં છું.

     મને ખબર હતી કે અહી મને એ ટેબલેટ મળી શકે તેમ નથી. કાશ! મને એક પેઈન કીલર મળી ગઈ હોત! એવું વિચારવું પણ મને નકામું લાગ્યું.

     મારા માથાના સણકા બંધ થઇ ગયા હતા છતાં એ ઠંડુ પાણી પણ તેના દુખાવાને એકદમ દુર કરી શક્યું ન હતું. મને હજુ માથુ જરાક ભારે લાગી રહ્યું હતું. મેં ડીશ તરફ નજર કરી, એક પળ માટે હું એ ખાવાનું વિચારતી હતી તો બીજી પળે એમ થતું હતું મને આ રીતે બાંધી રાખનાર લોકોનું આપેલ ખાવાનું મારે ન ખાવું જોઈએ. એક પળ માટે એમ થતું હતું કે ફરી પોતાની જગ્યા પર જઈ સુઈ જાઉં તો બીજી પળે એમ થતું હતું એ ડીશ મારા માટે જ તો છે.

     મને થયું મારે ખાવું જોઈએ. મને ખબર હતી ગમે તે રીતે પણ જો મને એ દરવાજાની પેલે પર જવા મળ્યું તો મારે એક ચીજની જરૂર પડશે - શક્તિ ઉર્જા, એનર્જી...!!

     એ એનર્જી મેળવવા માટે ખાવું જરૂરી હતું. મારી એ સમયની કંડીશન જોતા તો જો કોઈ દરવાજો ખુલ્લો મૂકીદે તો પણ હું એ સ્થળના ઉપરના ભાગ સુધી જઈ શકું તેમ ન હતી.

     હું પલાઠી વાળી ફ્લોર પર બેસી ગઈ. મારા જમણા હાથ વડે એ ડીશને ખસેડી મારા તરફ લાવી. મેં રોટલીનો ટુકડો તોડ્યો. મને એ ખોટું લાગ્યું. જેમણે મને ચારે બાજુ મેટલની દીવાલો અને એની બહાર કન્ટેનરોના ઢગ વચ્ચે કેદ કરીને રાખી હતી એમણે આપેલું ખાવાનું મને યોગ્ય ન લાગ્યું. પણ એ સમય લાગણીઓમાં તણાઈ જવાનો ન હતો.

     કદાચ એ ખોરાકમાં રેટ પોઈઝન હશે તો? કદાચ એમાં ઊંઘની ગોળીઓ હશે તો? કદાચ....? એમાં ઝેર હશે એ વિચાર આવતા જ કોળીયો પકડેલ મારો હાથ ધ્રુજવા લાગ્યો. હું એ હાથ મારા મોં તરફ ન લઈ જઈ શકી.

     એકાએક મારા મનમાં એક કોળીયો પણ ન ભરવાનો વિચાર આવ્યો. એ સમયે કેવી લાગણી થાય છે કેવી મનોદશા થાય છે કેવો ડર લાગે છે એ માત્ર એ સ્થિતિમાંથી પસાર થયું હોય એ જ સમજી શકે છે.

     મેં એ ડીશ ન ખાવાનો વિચાર કર્યો. મેં ડીશ ઉપાડી બહાર ફેકી દેવાનું વિચાર્યું, પણ એય શક્ય ન હતું! કોઈ આવી ફરી એ દરવાજો ન ખોલે ત્યાં સુધી હું એ ડીશને બહાર પણ ફેકી શકું તેમ ન હતી.

     તેઓ મને મારવા નહી માંગતા હોય? મને એકાએક થયું. તેઓ મને શા માટે મારવા માંગે? તેઓ મને શા માટે ઝેર આપે? જો તેઓ મને મારવા જ માંગતા હોય તો મને હજુ એકાદ દિવસ ખાવાનું ન આપ્યું હોત તો હું ભુખથી જ મરી જાત. જો તેઓ કાઈ પણ કર્યા વગર મને મારી શકતા હોય તો તેઓ શા માટે ઝેરના પૈસા બગાડે?

     જયારે મારી લાશ પોલીસને મળે ત્યારે પોસમોર્ટમમાં ઝેર બતાવે અને તપાસ થાય એવું એ લોકો શા માટે ઈચ્છે? અને એક વાત એ પણ હતી કે જો તેઓ મને મારી નાખવા માંગતા હોય તો તેઓ મને અહી લાવ્યા ત્યારે જ મારી શકતા હતા.

     સાચું, તેઓ મને ગમે ત્યારે ગમે તે રીતે મારી શકતા હતા. તેઓ જરૂર મને જીવતી રાખવા માંગતા હતા. પણ કેમ? એ મારે જાણવું હતું. અને એ જાણવા માટે એ ખાવું જરૂરી હતું કેમકે મારે જીવવું હતું. મારે જાણવું હતું કે મને અહી લાવનાર કોણ છે?

     મેં એક કોળીયો ભર્યો અને પાંચેક મિનીટ રાહ જોઈ. કદાચ કાઈ થાય તો? કદાચ તેમાં કોઈ ઝેર હોય તો હું એની અસર અનુભવી શકુ. પાંચ મિનીટ ભયાનક બીકમાં વીતી. ધબકારા જરૂર વધ્યા પણ એ ઝેરની અસર ન હતી માત્ર આશંકાની અસરથી ગભરાહટથી જ એ ધબકારમાં વધારો થયો હતો. ઝેરની પહેલી અસર ઉલટી છે એ હું જાણતી હતી જે મને થઇ નહિ. કઈ જ ન થયું. મેં ધાર્યું હતું તેવું કઈ જ ન થયું. ખોરાકમાં કોઈ ઝેર ન હતું. મને પહેલા કોળીયાના સ્વાદ પરથી જ સમજાઈ ગયું હતું કે એમાં કોઈ અસામાન્ય વસ્તુ હતી નહી, એનો સ્વાદ સામાન્ય ભોજન જેવો જ હતો. મેં કોળીયો સુંઘી પણ જોયો હતો. તેમાં રેટ પોઈઝન તો ન જ હતું કેમકે રેટ પોઈઝનમાં સલ્ફર હોય છે અને તેની વાસ છુપાવી શકાતી નથી.

     જો તેમણે કોઈ ભારે અને ઊંચા લેવલનું ઝેર વાપર્યું હોત તો મેં ભરેલ એક કોળીયાની અસર પાંચ મીનીટમાં થઇ ગઈ હોત. એનો અર્થ એ હતો કે ખોરાકમાં કોઈ જ ઝેર ન હતું.

     મેં બાકી બચેલ ડીસ પૂરી કરવાનું વિચાર્યું. મેં ડીશ તરફ હાથ લંબાવ્યો એ જ સમયે એ દરવાજો ફરી ખુલ્યો. મેં કોઈના આવવાના પગલાનો અવાજ કેમ ન સંભળાયો સંધ્યા?

     કદાચ હું ઝેરના વિચારોમાં ખોવાયેલ હતી... કદાચ આવનારે જાણી જોઈને પોતાના પગલાનો અવાજ નહી થવા દીધો હોય... જો તેણે તેના પગલાનો અવાજ જાણી જોઈને નહી થવા દીધો હોય તો કેમ? એનો જવાબ મેળવવા હું દરવાજામાં કોણ દાખલ થાય છે એની રાહ જોવા લાગી.

***

(ક્રમશ:)

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Ankit 3 અઠવાડિયા પહેલા

Verified icon

Dilip Bhappa 2 માસ પહેલા

Verified icon

Ankita 2 માસ પહેલા

Verified icon

Vasu Patel 4 માસ પહેલા

Verified icon

Urvashi Parmar 4 માસ પહેલા