સંધ્યા સૂરજ - પ્રકરણ - 7

     પહેલા દિવસે કોલેજ લંચબ્રેક પછી બે વાગે શરુ થઈ. અમે બધા અમારા કલાસ તરફ રવાના થયા અને સાંજ સુધી અમારા કલાસમાં વ્યસ્ત રહ્યા.

     હું છેલ્લી પાટલી પર ગોઠવાઈ. મને છેલ્લી પાટલીની આદત હતી. મને છેલ્લી પાટલી પર બેસવું ગમતું. એનો મોટો ફાયદો એક હતો કે આખા કલાસ પર ધ્યાન આપી શકાય અને ભણવામાં ધ્યાન આપવાની બિલકુલ જરૂર ન પડે. છેલ્લી પાટલી પર બેસવાનું એક બીજું પણ કારણ હતું કે હું દરેક અનયુઝઅલ ચીજ પર ધ્યાન આપી શકું. અલબત્ત છેલ્લી બેંચ પણ મારા કામનો એક હિસ્સો જ હતી.

     આખો વર્ગખંડ કોઈ થિયેટરની માફક લાગી રહ્યો હતો. મને થયું કાશ હું થિયેટરમાં હોત! તમને થશે કે હું આવું દષ્ટાંત કેમ આપું છું? પણ એની પાછળ પણ એક કારણ છે. મારા જીવનમાં થીયેટર એક મહત્વનું સ્થળ છે. જ્યારે રાઘવ સાથે મારી મિત્રતા થઈ અને હું મારા મકસદ સુધી પહોચવા એને પ્રેમજાળમાં ફસાવવામાં સફળ રહી હતી. મારા અને રાઘવની લવ સ્ટોરીમાં પણ થીયેટરનું ખુબ જ મહત્વ રહ્યું હતું.

     હા, મેં એક વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. હું કોઈના હ્રદયની લાગણીઓ સાથે રમત રમી હતી કેમકે મારે એક એવા સ્થળેથી જાણકારી મેળવવાની હતી જ્યાંથી પોલીસ પોતાની પુરતી તપાસ પછી પણ કોઈ માહિતી મેળવી શકી ન હતી. હું કોઈને જીનલ કે તેની સાથે શું થયું હતું તે પૂછી શકું તેમ ન હતી કેમકે એનાથી કોઈને પણ મારા પર શક જાય તેમ હતો અને કોઈને પૂછવાનો ફાયદો પણ ન હતો. કોઈને પૂછવાથી મને કાઈ નહિ મળે તે હું જાણતી હતી. મને બિચારી કે બાપડી બનવાથી કોઈ ચીજ મળે તેમ ન હતી. પણ રાઘવ જેવા અમીર, કોલેજમાં વર્ચસ્વ ધરાવતા છોકરાને ફસાવીને હું જરૂર કઈક મેળવી શકું તેમ હતી. અને મારા મત મુજબ એવરીથીંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોર.

     રાઘવ માટે પણ કદાચ હું ફસ્ટ લવ ન હતી. તે અમીર ઘરનો બગડેલ છોકરો હતો. મને ખાતરી હતી કે તેણે એ પહેલા પણ કેટલીય છોકરીઓ સાથે આડા સંબંધો રાખેલ હતા જ. કદાચ તેથી જ તેની સાથે એ રમત રમવી મને અયોગ્ય ન લાગી.  મને તેના ફર્સ્ટ અને સેકન્ડથી કોઈ લેવાદેવા ન હતી, મારા મુહીમથી લેવાદેવા હતી.

     મારા માટે એ પ્રેમ શબ્દનું કોઈ જ મહત્વ ન હતું. હું જાણતી હતી કે પ્રેમ ગમે ત્યારે ગમે તેને ગમે તે વ્યક્તિ સાથે થઇ શકે છે. પણ નફરત સનાતન સત્ય છે. તે પ્રેમ જેમ નકામો શબ્દ નથી. તે કોઈ કારણ વિના નથી થતી. કોઈને ચાહવા માટે કારણની જરૂર નથી પડતી પણ કોઈને નફરત કરવા માટે ચોક્કસ કારણની જરૂર પડે છે. એટલે જ કદાચ નફરત પ્રેમ કરતા એક પગથીયું આગળનો શબ્દ છે! કમ-સે-કમ મારા માટે તો પ્રેમ કરતા નફરત શબ્દ વધુ મહત્વનો હતો!

     મને તેના વર્તન પછી એવું લાગતું હતું કે તે મને પોતાનો લાસ્ટ લવ સમજવા લાગ્યો હતો. મે જોયું કે તેણે ‘કેન લવ હેપન સેકંડ ટાઈમ’ પુસ્તક પણ લાવીને વાંચ્યું હતું. મેં પણ તેની પાસેથી એ પુસ્તક લઇ માત્ર જીજ્ઞાસા ખાતર વાંચ્યું હતું. હું એનામાંથી એ શું શીખ્યો હશે તે જાણવા માંગતી હતી. મને એમાંથી કાઈ ખાસ નવું શીખવા મળ્યું ન હતું. એમાં લગભગ બધી એ જ માહિતી આપેલી હતી જે હું હાઈસ્કુલ સમયથી જાણતી હતી. કદાચ બધા કહે એમ હું બધી ચીજો મારી ઉમર કરતા વહેલી શીખી લેતી. કદાચ બધા સાચા પણ હતા. હું મારા જીવનનો અંત પણ મારી ઉમર કરતા બહુ વહેલો આવે એવું પગલું ભરી બેઠી હતી અને એ પણ અજાણ્યે. મને ખબર પણ ન હતી કે મારો એક મુહિમ મને મોતની એટલી નજીક લઈ જશે કે જ્યાંથી પાછા જીંદગી પાસે જવું મુશ્કેલ જ નહિ અશક્ય બની જશે.!

     દરેક બેંચ પર બે જણ બેઠેલ હતા. મારા બાજુમાં એક છોકરી બેઠી હતી જેણીએ યલો ટી-શર્ટ પહેરેલ હતું. એ જ આરાધના હતી. જે પહેલે જ દિવસે મારી મિત્ર બની હતી. મારા આગળની બેંચ પર બે છોકરાઓ બેઠા હતા. અને મારી બાજુની બેન્ચ પર એક સુઘડ કપડાવાળો હેન્ડસમ છોકરો હતો, જે શુનીલ હતો. જે મારો એક સારો મિત્ર બન્યો હતો. હું એ રીતે હરોળમાં બેઠી હતી કે કલાસનો ક્લીયર વ્યુ મને મળે એમ હતો અને લેકચરરને ભાગ્યે જ મારો ક્લીયર વ્યુ મળી શકે તેમ હતો.

     આર્ટસ કોલેજમાં આ છેલ્લી બેંચ માટે પડાપડી થતી હોય છે. ત્યાં છોકરાઓ જ કબજો જમાવી લેતા હોય છે પણ મારા પહેલા જ દિવસના એ પરાક્રમને લીધે મને એ સીટ પર જગ્યા મળી ગઈ અને આરાધનાને કેમ એ સીટ પર જગ્યા મળી હતી એ તમે આરાધના વિશે વધુ જાણશો એટલે સમજી જશો. મારા રૂમમાં સુંદર દેખાવવાળી છોકરીઓ તો ઘણી હતી પણ મને એમનામાં કોઈ જ રસ ન હતો. મેં આખા કલાસ પર નજર ફેરવી હેન્ડસમ કહી શકાય કે જેમની સાથે વાત કરવાની મજા આવે એવા ગણ્યા ગાંઠ્યા પાંચેક છોકરાઓ જ મને દેખાયા. પણ ચિંતા જેવી કોઈ બાબત ન હતી મારે માત્ર એકની જરૂર હતી અને મને વિશ્વાસ હતો કે એ એકને પણ મારે શોધવાની જરૂર નહોતી પડવાની કેમકે છોકરાઓ આપમેળે જ સુંદર છોકરીઓને શોધી લે છે. અને મારી ધારણા મુજબ જ મને પહેલે જ દિવસે રાઘવ મળી ગયો.

     હું ખરેખર સુંદર હતી. કદાચ તમને નવાઈ લાગશે કે એમ થશે કે હું અભિમાની છું. પણ મેં મોડલીંગમાં કે સિનેમામાં ટ્રાય કર્યો હોત તો આજે મારું હિન્દુસ્તાનમાં નામ હોત!! જોકે દરેક રૂપાળી છોકરીની જેમ બોયફ્રેન્ડ બનાવવો, પ્રેમ મેળવવો કે પોતાના સપના પુરા કરવા એ બધા વિષય મારા જીવનમાં ન હતા. હા દરેક છોકરી માત્ર પ્રેમ કે સપનાઓ માટે નથી જીવતી અમુક જીવે છે બદલા માટે... ક્યારેક ક્યારેક મારું મન પણ એ બધી ચીઝો તરફ ખેંચાઈ જતું હતું પણ એ સમયે હું યાદ કરી લેતી કે જીનલ હજુ સ્વર્ગ સુધી નથી પહોંચી. એ સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે ભટકી રહી છે! એના બદલાનું સપનું પૂરું ન થાય ત્યાં સુધી એ સ્વર્ગ સુધી પહોંચી શકે એમ નથી.

     કલાસમાં મોટાભાગના છોકરા છોકરીઓ એક્બીજાથી પરિચય કેળવી રહ્યા હતા પણ મેં તમને કહ્યું તેમ મને કોઈ એવી ઉતાવળ ન હતી. મેં મારા આગળની બેંચ પર બેઠેલ છોકરા સાથે વાત કરવાનું શરુ કર્યું. એ એવરેજ લુકિંગ ગાય હતો પણ એની પર્સનાલીટી સારી હતી. એ મારા જેટલો જ પાંચ ફૂટ છ ઈંચની ઊંચાઈ અને એકદમ ફ્રેન્ડલી હોય તેવો લાગી રહ્યો હતો. એનું નામ એણે આલોક કહ્યું હતું. મને એ નામ જરા જુનું લાગ્યું હતું પણ આપણે દોસ્તી કરવામાં ગમે તે નામ હોય શું ફર્ક પડે?

     મેં એને મારો પરિચય સંધ્યા શર્મા તરીકે આપ્યો.

     અમે બંનેએ વાત કરવાનું શરુ કર્યું. ત્યારબાદ ધીમે ધીમે બીજા છોકરા છોકરીઓ કલાસમાં આવવા લાગ્યા. મને એકાએક એવું લાગ્યું કે એક છોકરો મને ધારીને જોઈ રહ્યો છે. મને એક પળ માટે થયું એ મને કેમ આમ જોઈ રહ્યો હશે? શું એને મારો ચહેરો જીનલથી મળતો લાગતો હશે? શું એને મારા ઉપર કોઈ શક પડ્યો હશે? પણ બીજી જ પળે મારા મનમાંથી એ ડર ચાલ્યો ગયો. કેમકે મોટાભાગના છોકરાઓ મને તાકી રહ્યા હતા. કોલેજના પહેલા દિવસે છોકરાઓ કોઈ છોકરીને તાકી રહે એમાં ચોકવા જેવું મને કશું જ ન લાગ્યું. આમ પણ ક્લાસમાં બધા નવા આવેલા જ હતા એફ.વાય.નું કોઈ વિદ્યાર્થી જીનલને ઓળખતો જ ન હોય તો મારો ચહેરો જીનલથી મળતો આવે એવો કોઈને વહેમ પણ ક્યાંથી પડે? એ માત્ર મારો ભ્રમ હતો.

     પહેલું લેકચર બધાની ઓળખ કરાવવામાં જ ગયું. કોલેજનો પહેલો દિવસ હતો એટલે પહેલું લેકચર એકબીજા સાથે ઓળખાણ કરવામાં જ જાય એ સ્વાભાવિક હતું. બીજું લેકચર એકદમ બોરિંગ હતું. મેં ખાસ તો પ્રોફેસરે શું કહ્યું એ સાંભળ્યું જ ન હતું. હું મારા જ વિચારોમાં ખોવાયેલી હતી. અમુક અમુક માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને લગતી ચર્ચાઓ તેમણે કરી હતી. મને કહેવાનું મન થયું હતું કે આ લાંબા લાંબા ભાષણો આપવાને બદલે કોલેજમાંથી રેગીગ અને એવા કેટલાય ખોટી રીતે ચાલતા દુષણો દુર કરી નાખો તો દરેક સ્ટુડેન્ટનું માનસિક સ્વાસ્થ્ય સુધરી જશે.

     હું છેકથી રેબલ હતી! ઘરમાં શું કે બહાર શું મને જે યોગ્ય લાગે એ બોલી જતી. હું ક્યારેય ડરતી નહિ પણ એ દિવસે હું ચુપ રહી. હું એક જ દિવસમાં બીજીવાર પ્રિન્સીપાલની ઓફિસમાં જવા માંગતી ન હતી. પહેલે જ દિવસે રસ્ટીગેટ થવું કોને ગમે? એમાય મને એ પરવડે એમ ન હતું.

     મને એ લેકચરના શબ્દે શબ્દથી નફરત થઇ રહી હતી. મને વિચાર આવી રહ્યો હતો કે હું એ કોલેજમાં લેકચરનો સમય કઈ રીતે વિતાવીશ? થેંક ગોડ! હું એ કોલેજમાં ભણવા માટે ન હતી.

     બધાએ પોતાના પહેલા દિવસનો આનંદ બખૂબી ઉઠાવ્યો હતો. મારા કોલેજના પહેલે દિવસે સારું કહી શકાય તેવું કઈ જ થયું ન હતું સિવાય કે મારી આરાધના અને રાઘવ સાથેની મિત્રતા. ત્યારબાદ અમારી મિત્રતામાં શુનીલ અને નિશા પણ ભળી ગયા હતા. જે કદાચ એ કોલેજમાં મારા ટાર્ગેટ તરફ ભરાયેલ એ પ્રથમ પગથીયું હતું.

     અમારી પાંચની ટીમ બની ગયા પછી એ કોલેજ મારા માટે બોરિંગ ચીજ રહી ન હતી. જોકે છતાયે એ લેકચરો તો મારે માટે બોરિંગ જ હતા. મને ક્યારેય એ ન સમજાયું કે ફસ્ટ બેંચ પર બેઠેલ ત્રણ હોશિયાર છોકરાઓ કઈ રીતે એ લેકચર પર એટલું ધ્યાન આપી શકતા હશે? તેઓ લેકચર દરમિયાન પ્રોફેસરને એ રીતે જોઈ રહેતા જાણે તેમના આગળ કોઈ નવું રીલીઝ થયેલ ફિલ્મ ચાલી રહ્યું હોય!!! એ લોકો એ લેકચર એ રીતે ધ્યાનથી સાંભળતા જાણે કે કોઈ નવી મુવી જોઈ રહ્યા હોય! જ્યારે મને એ લેકચર એક વરસ સુધી એક જ થીયેટરમાં એકની એક મુવી જોવા જેવા લાગતા! મોટાભાગે તો લેકચર દરમિયાન હું કલાસમાં હોતી જ નહિ. અને જો હોઉં તો પણ મારા વિચારોમાં જ વ્યસ્ત હોતી.

     મને ખબર પડી કે જો કોલેજમાં આરાધના, શુનીલ, રાઘવ અને નિશા જેવા મિત્રો ન મળે તો ભણવામાં રસ ન હોય એવા છોકરા છોકરીઓ કોલેજનું એક વરસ તો શું એક મહિનો પણ પૂરો ન કરી શકે. અમારી કોલેજમાં જુનીયર તો શું સીનીયર પણ માસ બન્કીંગથી ડરતા હતા એવા સમયે અમે પાંચ મિત્રોએ કોલેજમાં માસ બન્કિંગની પ્રથા ચાલુ કરી હતી. ભલે કોલેજ બીજા કોઈ કામ માટે અમને યાદ રાખે ન રાખે અમારા નામ તેજસ્વી તારલાઓના લીસ્ટમાં આવવા જ જોઈએ કેમકે અમે કોલેજમાં એક નવો ચીલો પાડ્યો હતો. જે ચીલા પર ચાલી કેટલાય વિધાર્થીઓ અનંત સમય સુધી અનહદ આનંદ મેળવતા રહેશે.!

     જોકે મેં એ નવો ચીલો કોઈ આનંદ મેળવવા માટે પાડ્યો ન હતો. બસ હું વાર વાર માસ બંક કરીને કોલેજ છોડી જતી જેથી જે કોઈ પણ કોલેજ ગર્લ્સને કિડનેપ કરતુ હતું એના ધ્યાનમાં આવે કે આ ઉછાછળી છોકરીને કિડનેપ કરવું બહુ આસાન છે અને એ મને કિડનેપ કરવાનો પ્રયાસ કરે.

     નવાઈની વાત હતી પણ એ કોલેજમાં ગયા પછી મને ખ્યાલ આવ્યો કે હું એ બધું જોખમ એક કારણસર ખેડી રહી હતી પણ કોલેજના મોટા ભાગના છોકરા છોકરીઓ પોતાની જાતને રોજ કોઈ કારણ વિના જોખમમાં મુક્ત હોય છે - ક્યારેક બીચ પાર્ટીના નામે તો ક્યારેક બર્થડેના નામે. ક્યારેક જંગલમાં પીકનીકના નામે તો ક્યારેક કોઈ સાથે ડેટિંગ પર જવાને નામે. બસ દરેક વખતે બહાનું અલગ હોય છે બાકી કારણ એક જ હોય છે શરીરની હવસ સંતોષવી અને એમાં જ તેઓ કોઈ એવા હવસખોરના હાથમાં સપડાઈ જાય છે કે જીવનભર તેમની આબરૂ નીલામ થતી રહે છે.

     મેં કોલેજ કાળમાં મીડસમર નાઈટ ડ્રીમ વાંચ્યું હતું. એ અમારા અભ્યાસક્રમમાં હતું એટલે એ વાંચ્યું એવું ન હતું પણ કોલેજમાં બધા કહેતા હતા કે એ બહુ સરસ લવ સ્ટોરી છે એટલે મેં એ પુસ્તક વાંચ્યું હતું. એ પુસ્તક વાંચીને મને કોઈ જ જાતની લાગણી ન થઇ. ભલે લોકો કહેતા હોય કે એ પુસ્તક તમને લવનું ઘેલું લગાડી શકે તેવું છે પણ મારા હ્રદયમાંથી તો નફરત ઓછી કરવાનું કામ પણ તે કરી શક્યું ન હતું! હું મારી જાતને હર્મિઆ સાથે સરખાવવા લાગી હતી એમ રાઘવનું કહેવું હતું પણ મને મારા મિસ એડવેન્ચર હમેશા મિસ ચીવીયસ પક જેવા લાગતા.

     મને એમ લાગતું કે હું એ કોલેજમાં મીડસમર નાઈટ ડ્રીમ જીવી રહી છું...!! મિસિંગ ગર્લ્સનો મુદ્દો મને તદ્દન તીતાનિયા અને ઓબેરોન વચ્ચેના ઝઘડા જેવો જ લાગતો. બસ ચેન્જ્લીંગ બોયમાં કોઈ સેટ થાય એમ હતું ન હતું.

     માસ બન્કીંગમાં મને ખરેખર એટલી બધી મજા ન આવેલી. એ એક અલગ જ અનુભવ હતો પણ એ વખતે અમે પાંચ જ એકબીજાથી પરિચિત હતા જયારે બન્કીન્ગમાં આખો કલાસ જોડાયો હતો એટલે એ એન્જોયમેન્ટ દરમ્યાન મોટા ભાગના અજાણ્યા ચહેરાઓને લીધે મને એટલી બધી મજા ન આવી. જોકે હું એમના માટે અજાણ્યો ચહેરો ન હતી. કેમકે એ બધા મારા નામથી પહેલે જ દિવસે પરિચિત થઇ ગયા હતા. કોલેજમાં તમે ભલે બધાને ન ઓળખતા હોવ પણ તમને બધા ઓળખતા થઇ ગયા હોય અને એમાય પર્સનલી બધા તમને તમારા નામથી ઓળખતા થઇ જાય એ એક અલગ જ અનુભવ હોય છે! એમાય મારા માટે તો એ એક અલગ જ મહત્વ ધરાવતું હતું.

     ત્યારબાદ કોલજમાં જરાક વધુ ઘટનાઓ ઘટવા લાગી. માસ બન્કીંગ પછી હું રાઘવ અને આરાધના કોલેજના મોસ્ટ વોન્ટેડમાં આવી ગયા હતા. મોસ્ટ વોન્ટેડના લીસ્ટમાં આવવાના અનેક ફાયદા હોય છે. એક તો સીનીયરો તમારી સાથે રીસ્પેક્ટથી વાત કરે છે. પ્રોફેસરો તમારી પાસેથી અસાઇનમેન્ટ કે હોમવર્ક જેવી નકામી ચીજોની આશા રાખતા નથી. તમને ક્યારેય નાની નાની બાબતોમાં ધમકાવવામાં આવતા નથી કે તમારી પાસે માફી પત્રો લખાવવામાં આવતા નથી કેમકે પ્રિન્સીપાલ સમજી જાય છે કે એમની પાસે માફી પત્ર લખાવવાનો કોઈ ફાયદો નથી!

     કોલેજમાં બર્થડેનું એક અલગ જ મહત્વ હોય છે. એ વાત જો તમે ક્યારેય કોલેજમાં બર્થડે મનાવ્યો હોય તો જ તમને સમજાય. મને પણ એ શુનીલના જન્મદિવસે સમજાયું હતું. શુનીલના જન્મદીવસે ફરી અમે કોલેજ બંક કરી પણ આ વખતે માસ બન્કીંગ ન હતું. અમે માત્ર ચાર જ હતા. હું સુનીલ, નિશા અને રાઘવ. અમારી સાથે આરાધના પણ નહોતી.

     અમે એ જ ગાર્ડન જવાનું વિચાર્યું. કદાચ તમને નવાઈ લાગશે કે કોઈ પોતાનો જન્મદિવસ મનાવવા ગાર્ડન કેમ જાય? પણ એમાં એક મજાનું લોજીક છે. એ ગાર્ડનમાં  કોઈ જ ભીડ નથી હોતી. સારી હોટલ જેવી સુવિધાઓ પૂરી પાડતી એ જગ્યા તમને મફતમાં વાપરવા મળી જાય છે. એ જગ્યા એવી છે જ્યાં તમે ક્રિકેટ રમી શકો છો. તમારી ગર્લફ્રેન્ડ સાથે ફરવા જાઈ શકો છો અને કોઈ ફ્રેન્ડનો બર્થડે મનાવી જેટલો શોર કરવો હોય તેટલો શોર કરી શકો છો. એ સમયે તમારો કોણ પીછો કરે છે કે તમારી ઉપર કોણ નજર રાખે છે એ ખાતરી કરી શકાય છે. અને એ દિવસે પણ એવું જ થયું હતું. રાજુ અને બીજા એના સાથી જેમને મેં પહેલા જ દિવસે રેગીંગ વખતે પાઠ ભણાવ્યો હતો એ અમારો પીછો કરી રહ્યા હતા પણ મેં એ વાત કોઈને કહી નહી કારણ કે મારે જોવું હતું એ લોકો કઈ હદ સુધી જાય છે. મારે જાણવું હતું શું એ લોકો જ કિડનેપર છે?

     નવી મુબઈના મોટાભાગના ગાર્ડનની જેમ એ પણ એક ક્લીન સ્થળ છે. અમે ગાર્ડન માટે નીકળ્યા. અમારી કોલેજથી માંડ પંદરેક મિનીટનો રસ્તો હતો. અમેં જ્યારે ગાર્ડન પહોચ્યા ગાર્ડન પર ભાગ્યે જ કોઈ સામાન્ય માણસો હતા. હા, કેટલાક જલસા કરવા આવેલા યુવાનીયા હતા. એમની સંખ્યા સામાન્ય માણસો કરતા વધુ હતી. 

     કેટલાક કપલ એકલતાની મજા માણી રહ્યા હતા તો કેટલાક યુવાનીયા પોતાની ગર્લની કમરમાં હાથ વીંટાળી એ કોઈ બોલ ડાન્સ સ્થળ હોય તેમ ટેસથી ફરી રહ્યા હતા. કપલ કરતા તેઓ વધુ ઉત્સાહિત હતા. હોય જ એમાં કોઈ નવાઈ ન હતી. હસબંડ ક્યારેય લવર જેટલો પેસનેટ હોઈ જ ન શકે અને વાઈફ કદી તમારી ગર્લ જેટલી ઇન્ટરેસ્ટેડ હોઈ જ ન શકે - એવું એમના વર્તન પરથી મારું માનવું છે.

     અમે ગાર્ડન પહોચ્યા પછી એ કપલ અને લવર્સને ખલેલ ન પડે એમ જરાક દૂરનું શાંત સ્થળ શોધી અમારી પાર્ટી શરુ કરી હતી.

     “શુનીલ તું એકદમ નર્વસ કેમ છે?” મને શુનીલ જરાક ચિંતામાં હોય એવું લાગ્યું હતું.

     “હા યાર, આજે તારો બર્થડે છે. તારા ચહેરા પર કાયમ કરતા વધુ ખુશી હોવી જોઈએ.” રાઘવે પણ ટાપસી પૂરી.

     “હું... હું એ વિચારું છું કે આરાધના... એ કેમ ન આવી?” શુનીલે કહ્યું, એની આંખોની ઉદાસી ચોખ્ખી વર્તાઈ રહી હતી.

     “તને ખબર છે ને એના માટે ફેન્સીંગ કેટલું મહત્વનું છે? એ સ્પોર્ટ્સ માટે જ તો કોલેજ આવે છે. એનું સપનું ઇન્ટરનેશનલમાં રમવાનું છે.” રાઘવે એના ખભા પર હાથ મુકતા કહ્યું.

     “હા, મને ખબર છે.” શુનીલે જવાબ તો આપ્યો પણ તે મંદ અવાજમાં બોલતો હતો.

     “તો પછી કેમ ઉદાસ છે?” નિશાએ કહ્યું.

     “મને એ અહી ન આવી એની ચિંતા નથી પણ એ કિરણ સર સાથે ખુબ જ હળીમળી રહી છે એની ચિંતા છે.”

     “કેમ?” મેં નવાઈથી પૂછ્યું. હું કહાનીના એ હિસ્સાની એકદમ નજીક હતી જે માટે હું એ કોલેજમાં આવી હતી.

     “કેમ કે કિરણ સર કહેવાના સપોર્ટ ટીચર છે બાકી એમનામાં એક પણ ગુણ ટીચરનો નથી. એમને કોલેજની જ સ્પોર્ટ્સમાં ભાગ લેતી છોકરીઓ સાથે આડા સંબંધ છે.” શુનીલની આંખોમાં ઉદાસી ચોખ્ખી વર્તાઈ રહી હતી.

     “હા, પણ એ તો જે એવી છોકરીઓ હોય તેમના સાથે.. તને તારી આરાધના પર ભરોસો નથી?” રાઘવે કહ્યું.

     અમે કોલેજમાં બધા જાણતા હતા કે શુનીલ અને આરાધના એકબીજાને ચાહે છે. રાઘવના સવાલથી મને રાઘવ પ્રત્યે માન થયું ખરેખર એના અને મારા વિચારો એક જેવા હતા. જો હું એ કોલેજમાં કોઈ ખાસ કારણથી ન હોત તો હું એને ચાહવા લાગી હોત.

     “મને એના પર ભરોષો છે પણ તને ખ્યાલ છે ને કે આ કોલેજમાંથી કેટલીક છોકરીઓ ગુમ થઇ છે અને એ બધી સ્પોર્ટ્સમાં હતી. મેં એના વિષયે નેટ પર રિસર્ચ કરી હતી. લગભગ મુંબઈમાંથી દર વરસે સ્પોર્ટ્સમાં ભાગ લેતી અમેટર અને ચીર લીડર સૌથી વધુ ગુમ થાય છે. તે ક્યારેય એ વિશે વિચાર્યું છે?” શુનીલે પોતાનો રોષ ઠાલવતા કહ્યું.

     “મતલબ?” મેં વધુ જાણવાનો પ્રયાસ કર્યો.

     “મતલબ સાફ છે, કિરણ સર જેવા કોચ શરાબ અને બીજા નાશાઓની લતમાં લાગેલા હોય છે. તેઓ પોતાની જ વિધાર્થીનીઓ સાથે આડા સંબંધ બાંધતા પણ ખચકાતા નથી. મને એ બધી કિડનેપીંગમાં પણ એવા સપોર્ટ ટીચર્સનો હાથ હોય એવું લાગે છે. કેમકે ઘણી વખત તો છોકરીઓ બેડમિન્ટન કે હોકીની પ્રેક્ટીસ માટે ઘરથી નીકળે છે અને ક્યારેય ગ્રાઉન્ડ પર નથી પહોચતી અથવા તો ગ્રાઉન્ડ પરથી સાત વાગે પ્રેક્ટીસ કરીને નીકળેલી છોકરી બીજી સવારે સાત સાત વાગ્યે ગુમ હોય છે. તેઓ કયા સમયે કઈ જગ્યાએ હશે તે માત્ર સપોર્ટ કોચ જ જાણતા હોય છે.” શુનીલ દિવસોથી કે મહિનાઓથી આ બધું ધ્યાનમાં રાખતો હોય એમ એણે વિસ્તારમાં સમજાવ્યું.

     “શું આપણી કોલેજમાંથી પણ?” મેં ટૂંકો પર્શ્ન કર્યો.

     “હા, આપણી કોલેજમાંથી પણ ત્રણ છોકરીઓ ગુમ થઇ હતી અને એક મૃત્યુ પામી હતી. એને કોઈએ ચાલુ કારમાંથી બહાર ફેકી દીધી હતી અને એ બધી જ છોકરીઓ સ્પોર્ટ્સમાં હતી.” શુનીલે કહ્યું અને મારા હાથની નશો ફાટી જાય તેવી ગતિએ મારા હાથમાં લોહી ધસી આવ્યું પણ મેં કાબુ રાખ્યો કેમ કે કાબુ રાખવાની મને ટ્રેનીંગ મળી હતી.  

     “હા, શુનીલની વાતમાં લોજીક છે પણ એમાં આપણે કરી શું શકીએ?” નિશાએ કહ્યું.

     “હમણાં એ વાતને જવાદો. એ બધું સંભાળવા માટે પોલીસ છે. આપણે અહી શુનીલનો જન્મદિવસ મનાવવા આવ્યા છીએ.” રાઘવે અમે જે દીવાલ પર બેઠા હતા એના પરથી નીચે ઉતરતા કહ્યું. અમે બધા ગાર્ડનની બીજી તરફની ચારેક ફૂટ ઉંચી દીવાલ પર બેસીને વાતો કરી રહ્યા હતા.

     હું પણ દીવાલ પરથી નીચે ઉતરી. મેં શુનીલ તરફ જોયું. એ હજુ ખિન્ન હતો.

     “ઓકે, બર્થડે એ ગુસ્સામાં કે ઉદાસ રહેવાનો દિવસ નથી, બર્થડે ઉજવણીનો દિવસ છે, એ દિવસ છે જયારે તમારે પૂરી દુનિયાને ભૂલીને એ દિવસ તમારા માટે મનાવવાનો હોય છે. જયારે તમે આ દુનિયામાં આવ્યા એની ખુશી વ્યક્ત કરવાની હોય છે.” મેં કહ્યું અને તેનો હાથ પકડી મેં એને દીવાલ પરથી નીચે ઉતાર્યો. હું વધુ પૂછપરછ કરવા માંગતી હતી પણ હું જાણતી હતી કે પહેલી જ વાર વધુ પૂછપરછ કરવાથી તેમને શક થઇ શકે તેમ હતો. અને મને ખાતરી હતી કે ફરી પણ ક્યારેક એ મુદ્દો ચર્ચામાં નીકળવાનો જ હતો.

     “ઓકે, હું એ ઉજવવા માટે જ તો તમારી સાથે છું.” શુનીલે જરાક હસીને કહ્યું.

     ત્યારબાદ અમે બધાએ ભેગા મળી સુનીલને વિશ કરી અને અમારી કોલેજ સ્ટાઈલમાં તેનો જન્મ દિવસ ઉજવાયો. કોલેજ સ્ટાઈલમાં જનમ દિવસ ઉજવ્યો એ શબ્દ એ માટે વાપરું છું કેમકે જો એનું વર્ણન કરવા જાઉં તો નકામા ચાર પાના બગડે અને મને તો એક શબ્દ પણ વેડફવો પરવડે તેમ નથી.

     અમે ગાર્ડનથી બહાર આવ્યા અને એ ગાર્ડનની સામેની જ એક ટાપરી પર ગયા. ટાપરી મતલબ ચા નાસ્તાની લારી કે નાનકડું પાર્લર. પણ કોલેજમાં એને ફેશનમાં ટાપરી કહેવાનો ક્રેજ ચાલે છે. શુનીલે ચા અને સમોસાની પાર્ટી આપી. સૌથી વધુ સમોશા રાઘવે ખાધા હતા. શુનીલે ટાપરી પરથી બે ગોલ્ડ ફ્લેક લાવી અને એ બંને મિત્રોએ સળગાવી ટેસથી કશ લેવા માંડ્યા.

     “કેમ મને તમે મિત્રમાં નથી ગણતા?” મેં કહ્યું.

     “કેમ?” નવાઈ લાગી હોય એમ શુનીલ બોલ્યો.

     “કેમકે પાર્ટી આપવી હતી તો પૂરી આપવી હતી, મારા માટે પણ એક વિલ્સ લેતો આવ જા.” મેં એને ધક્કો મારતા કહ્યું.

     “બાપરે... વિલ્સ... તું એટલી આગળ વધેલ છે?” રાઘવે નવાઈ પામી કહ્યું.

     “એમાં ચોકવા જેવું શું છે? ક્યારેય કોઈ હુક્કાબારમાં નથી ગયો કે શું?” મેં કહ્યું.

     “ના, અમે ક્યારેય કોઈ હુક્કાબારમાં નથી ગયા.” શુનીલે એવા ટોનમાં કહ્યું કે હું કન્ફયુઝ થઇ ગઈ એ ખરેખર મને કહી રહ્યો છે કે મારી મજાક ઉડાવી રહ્યો છે.

     “હા, તો તમને નહિ સમજાય હવે મારા માટે સિગારેટ લેવા કોઈ જાય છે કે હું પોતે જ જાઉં?” મેં ચુપ ચાપ ઉભી નિશા તરફ જોઈ કહ્યું.

     “જાઉં છું મારી મા... થોડીક શાંતિ રાખીશ.” કહેતા રાઘવ ઉભો થઇ ટાપરીના કાઉન્ટર તરફ જવા લાગ્યો. ત્યાં એક ચાળીસેકની ઉમરના કાકા કાઉન્ટર સંભાળી રહ્યા હતા.

     “તો તારા બર્થડે વખતે હુક્કાબારમાં પાર્ટી આપવી પડશે?” શુનીલે મારા તરફ જોઈ કહ્યું.

     “હા, એમેય તું એના વિશે બહુ જાણે છે.” નિશાએ મને ટોણો મારતી હોય એમ કહ્યું.

     “કેમ નહિ? હુક્કાબાર શું કામ? આપણે કોઈ નાઈટ કલબમાં જઈશું, મુંબઈ શું ચીજ છે એ તમને ત્યારે સમજાશે.” મેં કહ્યું.

     રાઘવ સિગારેટ લઈ આવ્યો અને મને આપી. મેં રાઘવના હાથમાંથી લાઈટર લીધી અને સ્ટાઈલમાં સળગાવી સિગારેટ ચેતવી અને એક ઊંડો કસ લઈ લાઈટર રાહુલના હાથમાં ફેંકયુ. મને સિગારેટના કસ ખેચતી એ લોકો નવાઈથી જોઈ રહ્યા. હું જાણતી હતી મોડર્ન જમાનામાં પણ કોઈ છોકરી સિગારેટ પીતી હોય એ પણ એના છોકરા દોસ્તો સાથે ત્યારે લોકો એને ખરાબ સમજે છે. લોકોને એના પ્રત્યે એક ઠંડી સુગ જન્મે છે પણ મારે એ જ તો જોઈતું હતું. હું ગમે તેમ કરી બધી રીતે લાઈમ લાઈટમાં આવવા માંગતી હતી. મારે ગમે તેમ કરી ગર્લ્સને કિડનેપ કરનાર એ લોકોના ધ્યાનમાં આવવું હતું અને એ માટેનો એક સરળ રસ્તો હતો ખરાબ દેખાવું. જે લોકો ખરાબ હોય છે તેઓ પોતાના જેવા જ સ્વભાવવાળા સાથીદારોની તાલાસમાં હોય છે! જનમજાત હરામી શોધવા કાઈ સહેલું નથી. એમાય કોઈ યુવતીને કિડનેપ કરવામાં મદદ કરે તેવા હરામી શોધવા કેટલા મુશ્કેલ છે એ હું જાણતી હતી. મને ખયાલ હતો કે એમને જરૂર નવા માણસની જરૂર હશે જ અને એમાય જો એ નવો હરામી કોઈ છોકરી હોય તો બીજી છોકરીને કિડનેપ કરવાનું કેટલું સરળ બની જાય? બસ આજ વિચાર કીડનેપરના મનમાં આવે એ માટે હું બને તેટલી બોલ્ડ અને બેકાર દેખાવા માંગતી હતી. એ લાઈટર એમ સ્ટાઈલથી સળગાવવા મેં એક કલાક પ્રેકટીશ કરી હતી એ માત્ર હું જ જાણતી હતી!

     મેં ક્યાંક વાંચ્યું હતું કે જયારે મેં ખરાબ બનવાનો નિર્ણય કર્યો ત્યારે શેતાને મારી સામે જોયું અને તે નરકની સાંકળોમાં બંધાયેલ હોવા છતાં હસ્યો કેમકે તેને એમ લાગ્યું કે તેની સાથે રહેવા તેને કંપની આપવા માટે એને એક માણસ મળી ગયો છે. પણ મારા કિસ્સામાં અલગ હતું. અહી જો શેતાનનું ધ્યાન મારા પર જાય તો શેતાને નહી પણ મારે ખુશ થવાનું હતું. બસ હવે જોવાનું એ હતું કે હું ખરાબ દેખાવામાં કેટલી સફળ રહું છું અને ક્યારે મારા પર શેતાનનું ધ્યાન જાય છે?

     મને વિશ્વાસ હતો કે ક્યારેક ને ક્યારેક તો શેતાનનું ધ્યાન મારા પર જશે જ. જો જીનલ જેવી સીધી અને સરળ છોકરી તેના ધ્યાનમાં આવી હતી તો હું કેમ નહિ? મને ખાતરી હતી એકવાર મારા તરફ નજર કર્યા પછી તે નજર હટાવી નહિ શકે. એણે મારી નજીક આવવાની ભૂલ કરવી જ પડશે અને એ એના જીવનની છેલ્લી ભૂલ હશે. ધ લાસ્ટ મિસ્ટેક ઓફ હીઝ લાઈફ.....!

***

(ક્રમશ:)

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Ankit 4 અઠવાડિયા પહેલા

Verified icon

Vasu Patel 4 માસ પહેલા

Verified icon

Urvashi Parmar 4 માસ પહેલા

Verified icon

Bhavesh Joshi 5 માસ પહેલા

Verified icon

Nikita panchal 5 માસ પહેલા