Sandhya Suraj - 2 books and stories free download online pdf in Gujarati

સંધ્યા સૂરજ - પ્રકરણ - 2

હું એક અંધારી કોટડીમાં બંધ હતી. હંમેશા વીજળીના ઉજાસમાં રહેવાને લીધે આપણે કદાચ ભૂલી જ ગયા છીએ કે અંધકાર કેટલી ભયાનક ચીજ છે? કદાચ મને પણ એ બાબત ત્યારે જ સમજાઈ કે અંધકાર અને ઉજાશ વચ્ચે કેટલો મોટો તફાવત છે? કહે છે ને દિવસ રાતનો તફાવત. દિવસ અને રાતના તફાવતનું ઉદાહરણ સૌથી મોટું ઉદાહરણ કેમ કહેવાય છે એ મને ત્યારે સમજાયું. મને ચોક્કસ ખ્યાલ ન હતો હું કયા સ્થળે હતી. મને એ પણ ખબર ન હતી કે હું અહી કઈ રીતે પહોચી હતી. મને અહી કેમ ગોંધી રાખવામાં આવી હતી એ પણ મારા માટે વિચારવાનો વિષય હતો. હું છેલ્લા ત્રણ દિવસથી એ જ વિચારતી હતી. મારા પાસે આમેય કાઈ બીજું કરવા માટે હતું જ નહી.

કદાચ થોડાક સમય પહેલાની સંધ્યાને એ અંધકારમાં મુકવામાં આવી હોત તો એ છળી મરત! પણ.. આ સંધ્યાને અંધકાર ગળી શકે તેમ ન હતો. આ સંધ્યાએ અંધકારને ગળી જતા થોડાક મહિનાઓ પહેલા જ શીખી લીધું હતું. જીનલના ગયા પછી આમ પણ મારા જીવનમાં અંધકાર જ હતો. બસ હું દેખાવ કરતી રહેતી કે મારી ચારે તરફ અજવાળું છે અને કદાચ એ સાચું પણ હતું. કહે છે ને કે દીવાની ચારે તરફ અજવાળું હોય છે પણ તેના હ્રદયમાં અંધકાર હોય છે મારી પણ સ્થિતિ કઈક એવી જ હતી. હું લોકોને કોઈ દીવાની જેમ ચારે બાજુથી પ્રકાશિત અને ઝગારા મારતી દેખાતી પણ હકીકતમાં મારા હ્રદય જેટલો અંધકાર કદાચ અમાસની રાત પાસે પણ નહી હોય.

જીવનમાં મેં આવી પરિસ્થિતિ ક્યારેય જોઈ ન હતી. બેઝબોલ ગ્રાઉન્ડ પર અને કોલેજમાં આઝાદ ફરેલ એક યુવતી જ્યારે કોઈ કાળ કોટડીની એકલતામાં હોય છે ત્યારે એના પર શું વીતે છે એ તો માત્ર એ છોકરી જ જાણી શકે જેણે આવી કાળ કોટડીના અંધકારને અનુભવ્યો હોય. ભગવાન ન કરે મારા સિવાય કોઈ યુવતીએ એ અંધકાર ભોગવવો પડે!

કોઈની શું કામ વાત કરું હું પોતે પણ એ બધાથી અજાણ હતી. મેં પોતે ક્યારેય નહોતું અનુભવ્યું કે પૃથ્વી પર એવું કોઈ સ્થળ હોઈ શકે જે નરક કરતા પણ ભયાવહ હોઈ શકે. પણ એનાથી શું ફેર પડે ભલે મેં અનુભવ્યું ન હતું, મેં વિચાર્યું ન હતું પણ એવું સ્થળ હતું અને એ સમયે હું એવા જ એક ભયાવહ સ્થળમાં કેદ હતી. કદાચ નરકની પરિકલ્પના કોઈ વ્યક્તિએ આવા જ કોઈ બિહામણા સ્થળને જોઇને કરી હશે તો નવાઈ ન કહેવાય.

મને નરકનો ડર ક્યારેય ન હતો. જે દિવસે મેં બદલો લેવાનું નક્કી કર્યું, જે દિવસે એ બદલા માટે કોઈ પણ હદ સુધી જવાનું નક્કી કર્યું, જે દિવસે મેં બદલા માટે ખરાબ બનવાનું નક્કી કર્યું ત્યારથી જ મને ખબર હતી કે એક ને એક દિવસ મારે નરકમાં જવાનું છે! જોકે મારે નરકમાં એટલું વહેલું જવું પડશે એ પણ મારો બદલો લીધા પહેલા એ મેં ક્યારેય વિચાર્યું ન હતું.

મને સમયનો પણ પાક્કો અંદાજ ન હતો. ત્યાં હું આદિમાનવના યુગમાં જીવી રહી હોઉં એમ મને લાગી રહ્યું હતું. મારી પાસે આદિમાનવની જેમ સમયને નોધવા કે જાણી શકવા માટે કશું જ ન હતું. ખરેખર જયારે સમયની જાણ ન થાય એ સમયે જ સમજાય છે કે સમય કેટલો ઈલાસ્ટીક છે. લોકો કહે છે કે સમય રેત જેવો છે. મુઠ્ઠીમાંથી ક્યારે વહી જાય છે ખબર જ નથી પડતી પણ અહી મને ‘સમય વહી નથી રહ્યો’ એની સમસ્યા હતી. મારા માટે એક એક પળ કલાકો અને એક એક કલાક દિવસો બની ગયા હતા. દિવસો તો મને મહિનાઓ કે વર્ષ જેવા લાગી રહ્યા હતા. ખરેખર આ સમયના ધીમા અને ઉતાવળા થઈ જવાની રમત બહુ અજબ હોય છે.

મેં મારી રીતે ગણતરી કરી અંદાજ લગાવ્યો હતો કે કદાચ હું ત્રણ દિવસથી એ અંધકારમાં કેદ હતી પણ હું ચોક્કસ ન હતી. કદાચ એનાથી વધુ કે ઓછો સમય પણ હોઈ શકે. બારી વગરનો એ રૂમ અંધારિયો અને ગૂંગળાવી મારનાર હતો. હું જમીન પર પાથરેલી એક છ બાય ચારની ચાદર પર સુતી હતી. મેં આંખો બંધ રાખી હતી, ખુલ્લી રાખવાનો પણ કોઈ અર્થ ન હતો. એ અંધકારમાં કઈ જ દેખાય એમ ન હતું. ઉભા થઇ દરેક ભીત મેં ફંફોસી હતી. લગભગ છેલ્લા કેટલાક સમયમાં મેં એ ભીતો ફંફોસવાનું કામ દશેક વખત કર્યું હતું અને દરેક વખતે નિરાશા મેળવી કઈ જ શોધ્યા કે એ જગ્યા વિશે જરાક અંદાજ મેળવી શકાય તેવી કોઈ જ નિશાની મેળવ્યા વિના પાછી આવી હું એ જ ચાદર પર સુઈ જતી. કદાચ રૂમમાં અંધકાર ન હોત તોયે ત્યાં દેખવા માટે કશું જ ન હતું.

હું મારા ઘરમાં ક્યારેય એક વેત જાડી મેટ્રસ વિના ઊંઘી ન હતી. મને ક્યારેય માથે ઓઢ્યા વિના ઊંઘ ન આવતી અને તકિયા....? પંદરસોની કિમતના રિલાયંસના તકિયા વિના તો મને ઊંઘ જ ન આવતી. અને અહી...? અહી મારી પાસે કશુ જ ન હતું છતાં મને ઊંઘ આવી રહી હતી. મારા માટે આંખ ખોલવું મુશ્કેલ હતું. મારી આંખના સોજામાં સતત વધારો થતો હતો એવું મને લાગતું હતું. શરીરમાં સૌથી નાજુક અંગ કદાચ આંખ જ હોય છે.

મેં મારા હાથ મારા માથા ફરતે વીંટાળેલ હતા. એક હાથ માથાની ઉપર ચાદર તરીકે રાખ્યો હતો તો બીજો હાથ માથાની નીચે તકિયાની જેમ. મને એ દિવસે સમજાયું કે જે લોકો પાસે રૂપિયા નથી, જે ગરીબ છે અને ફૂટપાથ પર, બસ સ્ટેશનમાં કે રેલ્વે સ્ટેશનમાં સુઈ રહે છે એમના પર શું વીતતી હશે? મેં દાદાજીને ઘણીવાર રેડિયો પર ભજન સાંભળતા જોયા હતા. નાની હતી ત્યારે દાદાજી જોડે બેસી સાંભળેલ એક ભજનની મને એક બે લીટીઓ યાદ રહી ગઈ હતી જે મને એકવાર ફરી યાદ આવી. મહેલોના વાસી ગરીબી શું જાણે.....! સાચી વાત છે લોખંડનો સ્વાદ જાણવો હોય તો લુહારને નહિ એ ઘોડાને પૂછો જેના મોમાં લોખંડની નાળ લગાવેલ હોય! અનુભવને કેમ શ્રેષ્ઠ શિક્ષક કહેવાય છે એ હું જાણી ચુકી હતી.

મારી પાસે પાથરવાની ચાદર સિવાય એ રૂમમાં કશુ જ ન હતું. કેવી અજબ વાત હતી જે છોકરીના બેંક એકાઉન્ટમાં લાખોની રકમ જમા હતી એની પાસે ખાવા પીવા, કે સુવા માટે કાઈ જ ન હતું. મુશ્કેલ સમયે ધનનું પણ કોઈ જ મહત્વ નથી રહેતું.

હું મારા મનમાં આવતા ડરને દુર રાખવાનો પ્રયાસ કરી રહી હતી. હું એ સ્થળે છું એ ભૂલી જવાનો પ્રયાસ કરતી હતી પણ એ કાઈ સહેલું કામ ન હતું. પોતાની જાતને નરકમાં કેદ હોય એ સમયે પોતે નરકની બહાર છે એવું વિચારવું કેટલું મુશ્કેલ છે તે તો નરકમાં એક પળ વિતાવી હોય તેને જ સમજાય. મનને કઈ રીતે કાબુમાં રખાય અને મનમાં આવતા વિચારોને કઈ રીતે ડાયવર્ટ કરી શકાય એ વિશેના ઘણા લેકચર અને સેમીનાર મેં એટેન્ડ કર્યા હતા. એ સમયે મને એ બહુ ઉપયોગી લાગેલા પણ હવે સમજાઈ રહ્યું હતું કે એ બધો નકામો બકવાસ હતો. ખરા સમયે એ કાઈ જ કામ નથી આવતું. સાચા ડર અને વાસ્તવિકતાથી ક્યારેય ભાગી નથી શકાતું.

હું મારા મનને ડાયવર્ટ કરવાના અનેક પ્રયાસો કરી રહી હતી. હું કોલેજના વિચારો કરવા મથી રહી હતી. હું રાઘવના વિચારો મારા મનમાં તાણી લાવવા મથી રહી હતી. હું એ સ્થળ સિવાયના કોઈ પણ વિચારોને મારા મનમાં લાવવા મથી રહી હતી. પણ મનને ચંચળ કહે છે અને એને કેમ ચંચળ કહે છે તે હું જાણતી હતી. એને ચંચળ કહે છે કેમકે એ જે ન વિચારવું હોય તે જ વિચારે છે. મને ખબર છે બ્રેકઅપ થયા બાદ જેટલું મન એક્સ બોયફ્રેન્ડ વિશે વિચારે તેટલું એ બોયફ્રેન્ડ હોય ત્યારે તેના વિશે ક્યારેય નથી વિચારતું. મારી પાસે દષ્ટાંત આપવા માટે આ જ છે કેમકે આ એક જ બાબત હું કોલેજમાંથી સમજી છું અને આપણે જે બાબત નજરે જોઈ હોય તે જ બાબતનું ઉદાહરણ આપવું સહેલું પડે છે.

હું એ અંધારી કોટડીમાં છું એ વાસ્તવિકતા મેં હજાર વાર મારા મન સામે સ્વીકારી હતી છતાય ક્યારેક ક્યારેક મારું મન એ વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર જ ન થતું. મને લાગતું આ કોઈ ખરાબ સપનું છે અને હું સવારે ઉઠીશ એટલે એ હું ભૂલી જઈશ. હું જયારે ઉઠીશ ત્યારે મારા ઘરમાં ઉપરને માળે મારા રૂમમાં મારા બેડ પર મારા મેટ્રેસ પર મારી કાશ્મીરી બ્લેકેટ ઓઢીને સુતી હોઈશ. પણ એ વિચાર બેહુદો હતો, ધડ માથા વગરનો હતો.... સાવ નકામો ખોટો અને વધારે દુ:ખ આપનાર હતો!

એ સપનું ન હતું. કાશ એ કોઈ નાઈટમેર કે ખરાબ સ્વપન હોત? પરંતુ મને તો ક્યારેય ડરાવણા સપના આવતા જ ક્યા હતા?? હું છેકથી બોલ્ડ અને બહાદુર હતી ડર અને નાઈટમેર બેડ વેટર બોયસ માટે હોય છે. મેં તો હમેશા મારી જાતને બહાદુર સમજી હતી, અલબત્ત કાળ કોટડીમાં આવ્યા પહેલા.

મને ક્યારેય ભૂતના કે ડરના સપના આવતા જ નહિ. મારી લાઈફ અઘરી હતી અને મને એવાજ અઘરા સપના આવતા. હું સપનાઓમાં પણ બસ પોતાની જાતને લડતી જોતી. મોટા ભાગે મને જીનલ સાથે હોઉં એ જ સપના આવતા.

મારા સપનામાં મારી જીનલ સાથે ન હોય એવું કેમ બને?? ના, એ સપનું તો ન જ હતું.

હું જરાક મારા ભયથી છુટકારો મેળવતી ત્યાજ મને લાગતું જાણે કોઇએ દરવાજા પર ટકોરા માર્યા છે. લોખંડનો દરવાજો રણકતો. કોઈ એ દરવાજો ખોલી હમણા અંદર આવશે મારું હ્રદય જોરથી ધબકવા લાગતું. હું કોઈ યમદૂત અંદર આવી મને મારી નાખે એની રાહ જોતી પણ કાઈ જ ન થતું. કોઈ અંદર ન આવતું એ દરવાજો ખુલતો જ નહી. હું અહી આવી ત્યારથી હજુ સુધી એ દરવાજો એમનો એમ બંધ હતો. હા, મને ઘણીવાર એમ આભાસ જરૂર થતો હતો કે જાણે દરવાજાનું હેન્ડલ જરાક ગોળ ફરી રહ્યું છે અને હમણા દરવાજો ખુલશે. પણ એ માત્ર ભ્રમ હતો. કેદમાં અંધારી કોટડીમાં આવા હજારો ભ્રમ થાય છે – શક્યત: માણસ પાગલ થઇ જાય તે પણ શક્ય છે.

કદાચ એ લોકો મને અહી પૂરીને હું અહી કેદ છું એ વાત ભૂલી તો નહિ ગયા હોય ને? મને એકવાર એવો વિચાર પણ આવેલો. શું એવું હોઈ શકે? મહામહેનતે કિડનેપ કરેલા શિકારને કોઈ કઈ રીતે ભૂલી શકે? એમાય મારા જેવી રૂપાળી છોકરીને કોઈ જુના વેર-હાઉસમાં બંધ કરી ભૂલી જાય તેવો મુર્ખ કિડનેપર કોણ હોય?

હું આવા વિચારોમાં મગ્ન હતી ત્યારે અચાનક બહાર કઈક અવાજ સંભળાયો. બહાર કોઈ વ્યક્તિ જરૂર હોવી જોઈએ, ફરી મને એ ભૂરા રંગના લોખંડના દરવાજા પર કોઈ હથોડી ઝીંકી રહ્યું હોય એવો અવાજ સંભળાયો. એ અવાજ મારા માટે ગન શોટ કરતા પણ વધુ ભયાવહ હતો. મને એ અવાજ વાર વાર સંભળાતો હતો. પહેલા તો મને એમ લાગતું હતું કે એય મારો ભ્રમ છે પણ અમુક સમય પછી મને ખાતરી થઇ ગઈ કે કોઈ હથોડી વડે બહારના દરવાજાને ટીપી રહ્યું છે.

શું કોઈ એ અવાજો જાણી જોઇને કરી રહ્યું હશે? શું કોઈ બહારથી મને પાગલ બનાવવા મથી રહ્યું હશે? શું એ મને તડપાવવાની કોઈ રીત હશે? શું એ મને ડરાવીને મારી નાખવા માંગતા હશે?

મારા મનમાં અનેક સવાલો ઉદભવ્યા પણ એમાંથી એક જ સવાલનો જવાબ મારી પાસે હતો. એ લોકો મને મારી નાખવા નહોતા માંગતા. હું કીડનેપર માટે એ લોકો શબ્દ વાપરું છું જોકે ખરેખર તો મને ખબર જ ન હતી કે કોઈ એક વ્યક્તિએ મને કિડનેપ કરી હતી કે એક કરતા વધારે વ્યક્તિ હતા.

એ સમયે એ બધું વિચારવાનો કોઈ જ ફાયદો ન હતો. કોઈ એક વ્યક્તિએ મને કિડનેપ કરી હોય કે એક કરતા વધારે એનાથી શું ફેર પડે? મેં વિચાર્યું પણ બીજી જ પળે મને થયું ના, હું ખોટી છું. કોઈ એક વ્યક્તિએ મને કિડનેપ કરી છે કે એક કરતા વધારે એ મહત્વનું છે. એનાથી ઘણો ફેર પડે છે.

જો એક કરતા ઘણા વ્યક્તિઓએ મને કેદ કરી હોય તો એનો મતલબ હતો કે એ કોઈ ગેંગ હતી. પણ કોઈ ગેંગ મને કેદ કેમ કરે? મારી સાથે કોઈને શું દુશ્મની હોઈ શકે?

કદાચ પપ્પા સાથે એમને દુશ્મની હોય?

પણ પપ્પા કોઈ સાથે દુશ્મની કરે તેવા હતા જ ક્યાં?

તો કદાચ ફીરોતીની રકમ મેળવવા માટે મને કેદ કરવામાં આવી હોય?

ના, એ પણ શક્ય ન હતું. પપ્પા કોઈ નામાંકિત વેપારી ન હતા જેમના ઘરના કોઈ સભ્યને ઉઠાવી એ લોકો મન ચાહી રકમ મેળવી શકે. એ લોકોએ પૈસા માટે એ બધું કર્યું હોત તો તેઓ મારા કરતા સોનિયાને ટાર્ગેટ બનાવવાનું વધુ પસંદ કરત. કદાચ કિરણ સર.? કદાચ એ માણસ હોઈ શકે? મેં વિચાર્યું પણ ના આટલા મોટા કાવતરામાં એ જ છે એવું માની લેવું યોગ્ય ન હતું..

કોઈ પ્રોફેશનલ હતું. મને મારા સિક્ષ્થ સેન્સથી એવું લાગતું કે એ કોઈ પ્રોફેશનલ હોવું જોઈએ. આરાધના, સ્નેહા અને તેની ત્રીજી પાતળી ફ્રેન્ડને ઉઠાવનાર લોકોની જેમ જ કોઈ પ્રોફેશનલ હોવું જોઈએ.

પ્રોફેશનલની શક્યતા પર જેમ મેં વધુ ભાર મુકયો તેમ તેમ મારો ડર પણ વધતો ગયો કેમકે પ્રોફેશનલ દ્વારા કિડનેપ થયેલ આરાધના, સ્નેહા કે એની પાતળી ફ્રેન્ડ જેનું નામ મને યાદ નથી એ ક્યારેય પાછા નથી આવ્યા અને કદાચ હું પણ ક્યારેય પાછી નહી જઈ શકું. મારા શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઇ ગયું. એ છ બાય આઠની કેબીનમાં પણ મને ઠંડીનો અનુભવ થવા લાગ્યો.. મારા હાથ પગ કાંપવા લાગ્યા.

ઓહ! ગોડ.. આઈ હેવ બિન કિડનેપ!

મેં ઊંડા શ્વાસ લેવાનું શરુ કર્યું હતું.

એક.. બે... ત્રણ... શ્વાસ... એક.... બે... ત્રણ... ઉચ્છવાસ.

એક.. બે... ત્રણ... શ્વાસ... એક.... બે... ત્રણ... ઉચ્છવાસ.

એક.. બે... ત્રણ... શ્વાસ... એક.... બે... ત્રણ... ઉચ્છવાસ.

તમને એમ લાગશે કદાચ કે કિડનેપ થયેલી છોકરીને આવું બધું કેમ સૂજે? પણ મેં એ કર્યું હતું. જ્યાં સુધી હું જરાક સ્વસ્થ ન થઇ મેં એ ક્રિયા ચાલુજ રાખી. દાદાજી સવારે યોગા કરતા ત્યારે મને પણ યોગા કરાવતા અને હું મન પર કાબુ મેળવવા માટેના આ યોગને સારી રીતે જાણતી હતી. હું યોગના બીજા કેટલાય નુસખા જાણતી હતી.

મારા માથામાં એક મોટો જાટકો લાગ્યો હોય એવું મને લાગ્યું. મને લાગ્યું કદાચ બહારની લાઈટો ચાલુ થઇ હતી, હું ઉભી થઇ. મારે ઉભા થવા માટે દીવાલનો ટેકો લેવો પડ્યો. મેં છેલ્લા કેટલા સમયથી ખાધું પીધું ન હતું એ પણ મને ક્યાં ખયાલ હતો! એટલે મારા શરીરમાં અશક્તિ કેમ હતી એ બાબતે મને જરાયે નવાઈ ન લાગી. ઉલટાનું મને તો એ જ નવાઈ લાગતી હતી કે જો ખરેખર મને લાગે એટલા સમયથી હું એ અંધારામાં હતી તો હું ડીહાઈડ્રેશનથી બેભાન થઇ જવી જોઈતી હતી. હું બેભાન કેમ ન થઇ એ જ મને સમજાતું નહોતું. જો હું ત્રણેક દિવસથી ત્યાં હતી તો મારા શરીરમાં એટલું પાણી ક્યાંથી આવ્યું કે હું સતત ત્રણ દિવસ સુધી પાણી વિના રહી શકી હતી? શું હું બેભાન થઇ ગઈ હોઈશ એ વખતે મને કોઈ લીક્વીડ આપવામાં આવ્યું હશે જેના લીધે હું ડીહાઈડ્રેશનથી બચી શકી હોઈશ? કેમકે એ સિવાય અન્ય કોઈ વિકલ્પ મને યોગ્ય નહોતો લાગતો.

મેં પહેલા પણ એક બે વાર અનુભવ્યું હતું કે જાણે બહારની લાઈટો ચાલુ થઈ હોય. કોણ જાણે મને એમ લાગ્યું કે વાર વાર કોઈ બહાર આંટો મારી જતું હતું. તો કોઈ અંદર કેમ ન આવ્યું? મને અહી કેદ કરનારાઓ કેમ મારી સાથે આવો અજીબ વ્યવહાર કરી રહ્યા હતા?

હું ઉભી થઇ, દિવાલના સહારે ઉભી થઇ હું સીધી જ દરવાજા તરફ જવા લાગી. લોન્ગ શુંઝમાં મારા પગ દુઃખતા હતા. એ ઉતારી લેવા હું નીચે નમી પણ ત્યાં જ વિચાર આવ્યો કદાચ ભાગવાનો મોકો મળે તો? એ વિચાર આવતા જ મારું મગજ એ દુઃખતા પગની તકલીફ સહન કરી લેવા તૈયાર થઇ ગયું. હું કી-હોલમાંથી જો બહારની લાઈટ ચાલુ હોય તો બહાર કોણ છે? બહાર શું છે? ને હું ક્યા છું એ જોવા માંગતી હતી. પણ મેં એકાદ પગલું આગળ ભર્યું ત્યાજ મને ખયાલ આવી ગયો કે મને ચક્કર આવી રહ્યા છે. મારા માટે એ સીધા જ રસ્તે દરવાજા સુધી જવું અશક્ય હતું. હું દીવાલ તરફ સરકી, હું દીવાલને સહારે ધીમે ધીમે દરવાજા તરફ જવા લાગી. એ છ બાય આઠની કેબીનમાં પણ મને દરવાજા સુધી જતા ખાસ્સી મિનીટો થઇ હશે.

હું દીવાલને સહારે માંડ દરવાજા સુધી પહોચી એનો અર્થ એ જ હતો કે મેં બે ત્રણ દિવસથી કાઈ ખાધું પીધું ન હતું અને મારી શારીરિક શક્તિ ક્ષિણ થઇ ગઈ હતી. કદાચ કિડનેપર હું ભાગી ન શકું તે માટેનો સહેલો રસ્તો અપનાવી રહ્યો હતો. મારામાં ચાલવાની પણ શક્તિ ન હોય તો મારા ભાગી જવાનો કે તેના પર હુમલો કરવાનો ડર જ ન રહે ને? એટલે જ કદાચ મારા હાથ ખુલ્લા રાખવામાં આવ્યા હતા કેમકે એને મારા તરફથી કોઈ ડર ન હતો.

હું દરવાજા પાસે ગઈ. કી હોલમાંથી મેં બહાર નજર કરી અને ખરેખર મારો અંદાજ સાચો હતો. બહારની લાઈટ ચાલુ હતી.

***

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED