vaividhyapoorn vangio books and stories free download online pdf in Gujarati

વૈવિધ્યપૂર્ણ વાનગીઓ

વૈવિધ્યપૂર્ણ વાનગીઓ

સં- મિતલ ઠક્કર

*ગ્રીન ઉત્તપા*

સામગ્રી : ઉત્તપા માટેનું ખીરું ૫૦૦ ગ્રામ (૧ કપ અડદની દાળ, ૨ કપ ચોખા), બાફેલા વટાણા ૧૦૦ ગ્રામ, લીલી ડુંગળી ૨થી ૩ ચમચી, લીલું લસણ ૨થી ૩ ચમચી, મીઠું સ્વાદ મુજબ, લાલ મરચું પાઉડર ચપટી, તેલ જરૂર મુજબ. સર્વ કરવા માટે : નાળિયેરની ચટણી અને સંભાર.

રીત : સૌ પ્રથમ ઉત્તપાના ખીરામાં મીઠું ઉમેરવું. ત્યાર બાદ વટાણાને તપેલીમાં બ્લાંચ કરવા. પછી તેને એક બાઉલમાં કાઢી તેની અંદર લીલી ડુંગળી અને લીલું લસણ ઉમેરવું. તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી બરાબર મિક્સ કરવું. ત્યાર બાદ એક નોનસ્ટિક તવી ઉપર ખીરું પાથરી ઉત્તપા બનાવવા અને તેની ઉપર બનાવેલું સ્ટફિંગ ઉપરથી એડ કરવું અને તેની ઉપર લાલ મરચું પાઉડર ભભરાવવું અને ઉત્તપાને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી થવા દેવા. ઉત્તપા થઈ ગયા બાદ તેને સંભાર અને નાળિયેરની ચટણી સાથે સર્વ કરવા. તો તૈયાર છે ગ્રીન ઉત્તપા.

*નૂરાની શાકભાજી ભજિયાં*

સામગ્રી : ૧ બટાકું, ૧ ડુંગળી, ૧ કેપ્સિકમ, થોડું કોબીજ અથવા ફ્લાવર, ૧/૨ કપ સોજી, ૧/૨ ચોખાનો લોટ, ૧/૨ કપ ચણાનો લોટ, ૧ ચમચીચાટ મસાલો, ૧/૪ ચમચી અજમો, ૩-૪ લીલાં મરચાં ઝીણા સમારેલાં, ૨ ચમચી સમારેલી કોથમીર અથવા ફુદીનાનાં પાન, ૧/૨ ચમચી બેકિંગ પાઉડર, મીઠું સ્વાદ મુજબ, તળવા માટે પૂરતું તેલ.

રીત : બટાકાં, ડુંગળી ફ્લાવર અને કેપ્કિકમ ધોઈ સૂકવીને છીણી લો. ચણાનો લોટ, સોજી, ચોખાનો લોટ, મીઠું અને બેકિંગ પાઉડર સારી રીતે મિક્સ કરો. પછી છીણેલી તમામ સામગ્રી એમાં મિક્સ કરો. અજમો, લીલાં મરચાં અને કોથમીર પણ તેમાં નાખો. જરૂર મુજબ પાણી ઉમેરો. ખીરુ વધારે પાતળું ન થાય તેનું ધ્યાન રાખો. તૈયાર ખીરામાંથી ઈચ્છાનુસાર નાનાં નાનાં ભજિયા તળી લો. પછી ઉપર ચાટ મસાલો ભભરાવી ખટમીઠી ચટણી સાથે સર્વ કરો. તમારી મરજી મુજબ જે શાકભાજી મળે તે છીણીને ભજિયાં બનાવી શકો છો.

*સ્પાઈસી રોલ્સ*

સામગ્રી : મેંદો ૧૦૦ ગ્રામ, મીઠું સ્વાદ મુજબ, તેલ મોણ માટે જરૂર મુજબ, ઓરેગાનો ૨ ચમચી, ચીલી ફ્લેક્સ ૨ ચમચી, ચીઝ સ્પ્રેડ ૩થી ૪ ચમચી, ટોમેટો કેચઅપ ૨ ચમચી, બટર જરૂર મુજબ.

રીત : સૌ પ્રથમ મેંદો, મીઠું, તેલ ભેગા કરી પરોઠા જેવો લોટ બાંધવો. લોટ બંધાઈ જાય પછી તેનો એક મોટો રોટલો વણવો અને તેને કટરથી કટ કરી ચોરસ શેઈપ આપવો. ત્યાર બાદ તેને ઉપર ચીઝ સ્પ્રેડ અને ટોમેટો કેચઅપ લગાવવો અને તેની ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ભભરાવી રોલ્સ વાળવા અને તેને એક સરખા ભાગમાં કટ કરી બેકિંગ ટ્રેમાં મૂકવા. (ટ્રેને બટરથી ગ્રીસ કરવી). ત્યાર બાદ ઓવનને ૧૦ મિનિટ પ્રિ-હિટ કરવું અને પછી રોલ્સને ૨૫થી ૩૦ મિનિટ માટે બેક કરવા. તૈયાર છે સ્પાઈસી રોલ્સ.

*મિકસ વેજીટેબલ્સ*

સામગ્રી: ૧૦ નંગ ફણસી, ૨ નાના ગાજર, ફ્લાવરના ૨ થી ૩ ફૂલ, ૧-નાના કાકડી, કેપ્સીકમ, કાંદો, ૩ ટેબલ સ્પૂન તેલ, મીઠું, ૪ ટેબલ સ્પૂન વિનેગર, ૫ ટેબલ સ્પૂન ખાંડ, ૧ ટેબલ સ્પૂન ઘઉંનો લોટ, ૨ ટેબલ સ્પૂન સોયા સોસ, ૪ ટેબલ સ્પૂન ટોમેટો કેચપ, ૧ કપ પાણી.

રીત: ફણસી તથા છોલેલા ગાજરના ત્રાંસા કટકા કરવા. કાકડી છોલવી. તેના તથા કેપ્સીકમના ૨ ઈંચ લાંબા કટકા કરવા. કાંદાને છોલીને પાતળી ચીરીઓ કરવી. ફલાવરના નાના ફૂલ કાપવા. પાણીમાં ઘઉંનો લોટ ભેળવી વિનેગર, ખાંડ, સોયા સોસ, ટમાટો કેચપ તથા મીઠું નાંખી ધીરે તાપે હલાવી સોસ તૈયાર કરવો. તેલ ગરમ મૂકી તૈયાર કરેલા શાક વઘારવા. વારંવાર હલાવ્યા કરી અધકચરા ચડાવવા. મીઠું ઉમેરવું. સોસ નાંખી, બરાબર હલાવી, રસાદાર વેજીટેબલ તૈયાર કરવું. વિનેગરમાં નાંખેલા લીલા મરચાં તથા ચીલી સોસ સાથે વાનગી સર્વ કરવી.

*દાળ પકવાન*

સામગ્રી: ૧૦૦ ગ્રામ ચણાની દાળ, ૧ પ્યાલો દૂધ, ૧ પ્યાલો મેંદો, ચપટી અજમો, ૧ ટુકડો પનીર, ૧ ૧/૨ ચમચી તેલ, બે લીલાં મરચાં, ૪ કાળાં આખાં મરી, ૩/૪ ચમચી મીઠું, ૧/૪ ચમચી મરચું, ૧ ચમચી શુદ્ધ ઘી, ચપટી જીરું, ઉપર ભભરાવવા માટે કોથમીર, તળવા માટે તેલ. સજાવટ માટેની સામગ્રી: પનીર, લીલાં મરચાં, ડુંગળી.

રીત: ચણાની દાળને બે કલાક પહેલાં દૂધમાં બાફી રાખો. કડાઇમાં ઘી ગરમ કરી મરી, લીલાં મરચાં, જીરું અને ૧/૪ ચમચી મીઠું નાખી વઘાર કરો. પછી તેને સૂકવી નાખો. ઉપરથી પનીર મસળીને નાખો અને કોથમીર પણ ભભરાવો.મેંદામાં મીઠું, અજમો અને થોડું તેલ નાખી લોટ બાંધો. તેની એકદમ પાતળી પૂરીઓ વણી, ચપ્પુથી કાપા પાડી તેલમાં કડક તળી નાખો. દાળ અને સેલડની સાથે પકવાન જમવા તૈયાર થઇ જાવ.

*શિયાળાના સ્પેશલ રોલ*

સામગ્રી : મેંદો ૪૦૦ ગ્રામ, મેથી પાઉડર ૧/૪ કપ, બેકિંગ પાઉડર એક ચમચી, ચપટી સાજી ફૂલ, સૂંઠ પાઉડર ૧૦૦ ગ્રામ, ચારોળી ૧/૪ કપ, દૂધ ૧/૨ કપ, ઘી ૧/૨ કપ, ટોપરાું છીણ ૫૦ ગ્રામ. સ્ટફિંગ માટે : ખજૂર પલ્પ ૧/૪ કપ, અંજીર પલ્પ ૧/૪ કપ, દળેલી સાકર ચાર ચમચી, કોપરાનું છીણ ૧/૪ કપ, કાજુ-બદામના તળેલા ઝીણા પીસ, જાયફળ પાઉડર એક ચમચી, ઈલાયચી પાઉડર અડધી ચમચી.

રીત : રોલની સામગ્રી મિક્સ કરી કણક તૈયાર કરો. બંને પલ્પને કડાઈમાં ધીમા તાપે ગરમ કરો. ત્યાર બાદ તેમાં બાકીની સામગ્રી મિક્સ કરી પલ્પનું સ્ટફિંગ બનાવો. થોડું ઠંડું થવા દો. થોડા ડ્રાયફ્રૂટ્સના ઝીણા પીસ અલગ રાખવા. કણકમાંથી જાડો રોટલો વણવો. બેકિંગ ડિશમાં રોટલાને ૧૦૦ સે. પાંચથી સાત મિનિટ માટે શેકો. અધકચરા શેકાયા બાદ તેના ઉપર સ્ટફિંગ પાથરી રોલ વાળવો. બંને બાજુ થોડા ડ્રાયફ્રૂટ્સ લગાવવા. ફરી ૧૦૦ સે. પર પાંચ મિનિટ રોલ બેક કરવા.

*લીલી તુવેરની રસમલાઈ*

સામગ્રી : લીલી તુવેરના દાણાની પેસ્ટ ૧ કપ, છીણેલું પનીર, ખાંડ ૨ કપ, દૂધ ૧ લિટર, બદામ સમારેલી ૧ લિટર, ઘી, વરખ.

રીત : પેનમાં ૧ ચમચી ઘી મૂકી તુવેરની પેસ્ટને શેકી લેવી. ઠંડું પડે પછી તેમાં છીણેલું પનીર ભેળવો. નાના ગોળા બનાવી વચ્ચે બદામ મૂકી ગોળા વાળી ઘીમાં તળી લો. ૧ કપ ખાંડમાં ડૂબે તેટલું પાણી નાખી ચાસણી તૈયાર કરો. તેમાં તૈયાર કરેલ ગોળાને અડધો કલાક ડૂબાડી બહાર કાઢી વરખ લગાવો. ૧ લિટર દૂધમાં ખાંડ નાખી દૂધને ઉકાળી ઘટ્ટ થવા દો. દૂધની રબડી તૈયાર થાય એટલે બાઉલમાં લઈ ઠંડી કરી અંદર ગોળા મૂકી બદામની કતરણથી ગાર્નિશ કરો. પનીરની પાતળી સ્ટિક, બદામ અને તુવેરના દાણાથી ડેકોરેટ કરો.

*કેપ્સિકમના કોફતા*

સામગ્રી: ૮ કેપ્સિકમ ૧ કપ વેસણ, ૧/૨ ચમચી શેકીને વાટેલું જીરું, ૧/૨ ચમચી ધાણાનો પાવડર, દોઢ ચમચી મીઠું, તળવા માટે તેલ, ૨ ડુંગળીની છીણ, ૨ બારીક સમારેલા ટામેટાં. થોડી કોથમીર, ૨-૩ સમારેલા લીલાં મરચાં, ૧/૪ ચમચી હળદર, ૧/૨ ચમચી મરચું, ૧/૨ ચમચી ગરમ મસાલો.

રીત : ચાર કેપ્કિસમન ધોઈને છીણી નાખો. તેમાં વાસણ અડધા ભાગનું મીઠું, જીરું નાખી થોડું પાણી રેડી મિક્સ કરો. હવે તેના ગોળ કોફતા બનાવો. તેલ ગરમ કરીને ધીમી આંચે કોફતા તળો. ડુંગળી આદુ, ટામેટા, લીલા મરચાં અને કોથમીરને મિક્સીમાં ક્રશ કરી નાખો. તેમને થોડા તેલમાં શેકી લો. મિશ્રણ શેકાઈ જાય એટલે તેમાં મીઠું, મરચું, ધાણા, હળદર અને ગરમ મસાલો નાખો. બરાબર ચડી જાય એટલે તેમાં થોેડું પાણી રેડી ગ્રેવી બનાવો અને ઉકળતી ગ્રેવીમાં ચાર કેપ્કિસમમાં વાટકીઓ તૈયાર કરો અને તેમાં કોફતા ભરીને પીરસો.

*લીલા વટાણાની કઢી*

સામગ્રી : ૫૦૦ ગ્રામ લીલા વટાણા, ૩ ચમચા રોકેલું વેસણ, ૧ વાટકા ખાટું દહીં, ૧/૨ વાટકી લીંબુનો રસ, ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી જીરું, ચપટી હીંગ, ૧ ચમચો ઘી કે તેલ વઘાર માટે. ૧૫૦ ગ્રામ તાજું પનીર, ૧/૨ ચમચી મરચું,૧ ૧/૨ ચમચી મીઠું, ૨ બારીક સમારેલા લીલાં મરચાં, થોડી કોથમીર, ૧ ચમચી હળદર, ૧ ચમચી ધાણાનો પાઉડર.

રીત : વટાણાના દામા કાઢી તેમને ધોઈ નાખો અને તેમાંથી થોડા દાણા જુદા બાફી નાખો. બાકીના દાણાને મિક્સીમાં ક્રશ કરી નાખો. પનીરને ઘીમાં બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી તળી નાખો. એક તપેલામાં ઘી ગરમ કરીને હિંગ જીરાનો વઘાર કરી હળદર ધાણા પાઉડર, ગરમ મસાલો અને મરચું શેકીને ક્રશ કરેલા વટાણામાં ભેળવી કરકરુ શેકો. તેમાં શેકેલું વેસણ ભેળવી દહીં અને જરૃર પરંતુ પાણી, મીઠું વગેરે નાખી ચડવા દો. બરાબર તૈયાર થઈ જાય એટલે પનીર નાખી આંચ પરથી ઊતારી લો તેના પર લીલાં મરચાં, કોથમીર ભભરાવી તેમાં લીંબુનો રસ રેડી, તેના પર બાફેલા વટાણાની સજાવટ કરી ભાત સાથે પીરસો.

*કોલ્ડ કર્ડ ટોમેટો*

સામગ્રી : ૪-૫ કડક લાલ ટામેટાં, ૧ કપ બરાબર ટાઈટ જામેલું દહીં, ૧ કપ ઘટ્ટ ક્રીમ, ૧/૨ કપ છીણેલી કાકડી, ૧/૨ મોટી ચમચી ખાંડ, ૨-૩ લીલા એલચી, કોઈપણ ફળના ટુકડા કોથમીર ઈચ્છા મુજબ, ૧૦૦ ગ્રામ પનીર.

રીત : ટામેટાને ધોઈ-લૂછીને તેની ઉપરનું ટોપકું કાઢી લો. તેમાંથી બી કાઢીને ઊંધા મૂકો. દહીં, પનીર, ક્રીમ, કાકડી એકસાથે મિક્સ કરો. ખાંડ અને એલચી એકસાથે વાટી લો અને દહીંના મિશ્રણમાં નાખો. ફળના ટુકડા અને કોથમીર ઈચ્છાનુસાર તેમાં નાખો અને મિશ્રણ ઠંડું થવા મૂકી દો. ખાલી ટામેટામાં દહીનું મિશ્રણ ભરો અને કોલ્ડ કર્ડ ટામેટા મહેમાનોને સર્વ કરો.

*મલાઈ પિસ્તા કેક*

સામગ્રી : મેંદો બે કપ, દળેલી કાંડ ૧-૩/૪ કપ, પિસ્તા અથવા બદામ એસેન્સ ત્રણથી ચાર ડ્રોપ્સ, મલાઈ ફ્રેશ એક કપ, પિસ્તા ભૂકો ૧/૪ કપ, ગ્રીન કલર સહેજ (મરજિયાત), બેકિંગ સોડા બે ચમચી, સાજી ફૂલ એક ચમચી, દૂધ એક કપ, ક્રશ કરેલ પિસ્તા ૧/૪ કપ.

સજાવટ : પિસ્તા પીસ-ચાર ચમચી.

રીત : મેંદાને ચાળવો. તેમાં બેકિંગ સોડા તથા સાજી મિક્સ કરી બેથી ત્રણ વખત ચાળો. મલાઈમાં દળેલી ખાંડ હળવે હાથે મિક્સ કરો. તેમાં મેંદો તથા પિસ્તા ભૂકો, એસેન્સ ઉમેરો. ક્રશ કરેલ પિસ્તા, કલર ઉમેરો. દૂધ નાખી એક જ દિશામાં દસ મિનિટ માટે મિક્સ કરો. કેકના મોલ્ડમાં ડસ્ટિંગ કરી મિશ્રણ રેડવું. ઉપરથી પિસ્તાથી સજાવી માઈક્રોવેવમાં દસ મિનિટ માટે બેક કરો.

*ગળ્યા પફસ*

સામગ્રી : ૧ કપ રવો, ૧/૨ કપ દહીં, ૧/૨ કપ ખાંડ, ૧/૨ કપ દૂધ, ચપટી સોડા, ૧ ચમચો સોડા, ૧ ચમચો શેકેલાં તલ, ૧ ચમચો કિસમિસ, ૨ ચમચા સમારેલી ખજૂર, ૧ ચમચો સમારેલી બદામ અથવા પિસ્તાં, તળવા માટે તેલ.

રીત : રવામાં દહીં, ખાંડ, દૂધ અને સોડા નાખી થોડું ઘટ્ટ મિશ્રણ બનાવો. બે-ત્રણ મિનિટ બરાબર ફીણો. તેમાં બાકીની સામગ્રી મિક્સ કરો. નોનસ્ટિક તવા પર તેલ નાખી તેના પર એક ચમચો મિશ્રણ પાથરી દો. ધીમા ગેસ કરી સોનેરી થાય ત્યાં સુધી ચઢવા દો.
આ રીતે બીજા પૂડા પણ બનાવી લો. ગરમ અથવા ઠંડા પીરસો. થોડી મલાઈ અથવા મધ સાથે પણ લઈ શકાય.

*સોયા મિની બર્ગર*

સામગ્રી : ટીક્કી માટે : ૧ નંગ બોઈલ્ડ બટેટું, ૧ કપ સોયા ગ્રેન્યુલ્સ, ૧/૨ કપ પનીર, ૨ ટે.સ્પૂન બોઈલ્ડ સોયાબીન, ૧ ટે.સ્પૂન આદું-મરચાંની પેસ્ટ, ૨ ટે.સ્પૂન કોથમીર સમારેલી, ૨ ટી.સ્પૂન ગરમ મસાલો, ૧/૨ ટી.સ્પૂન લીંબુનો રસ, દ્વ કપ બ્રેડક્રમ્સ, ૨ કપ કોર્નફ્લોરની સ્લરી, તળવા માટે તેલ. બર્ગર ડ્રેસિંગ માટે : ૨ ટે.સ્પૂન મેયોનીઝ, ૨ ટે.સ્પૂન ટોમેટો કેચઅપ, ૧ ટે.સ્પૂન ક્રીમ, ૧ ટે.સ્પૂન ઓલિવ ઓઈલ, ૧/૨ ટી.સ્પૂન રાઈ પાઉડર, ૧/૨ ટી.સ્પૂન મરી પાઉડર, ૧ ટે.સ્પૂન ખૂબ બારીક સમારેલી ડુંગળી, ૧ ટી.સ્પૂન લસણની પેસ્ટ બધું જ મિક્સ કરી તેને વાયરવાળા બીટરથી ખૂબ જ ફીણી લો. ડ્રેસિંગ તૈયાર.

રીત : ટિક્કી માટે બટેટા, પનીર, બોઈલ્ડ સોયાબીન, કોથમીર, આદું-મરચાં, લીંબુ-ગરમ મસાલો મિક્સ કરી તેમાં સોયા ગ્રેન્યુલ્સને ગરમ પાણીમાં ૫ મિનિટ રાખી પછી સ્ક્વીઝ કરી (દબાવીને કોરા કરવા) તેમાં મિક્સ કરી મસળીને મધ્યમ સાઈઝની ટિક્કી બનાવી લો. હવે તેને કોર્નફ્લોરની સ્લરીમાં બોળી, બ્રેડક્રમ્સમાં લપેટીને મધ્યમ ગરમ તેલમાં તળી લો. હવે પાંઉને એક નાની કટોરીથી કટ કરી લો અને વચ્ચેથી કાપી બે સ્લાઈસ કરી લો. હવે તે સ્લાઈસને બટરમાં શેકી લો. ત્યાર બાદ એક નીચેની સ્લાઈસ પર ડ્રેસિંગ લગાવી તેના પર ટિક્કી મૂકો. તેના પર ચીઝ સ્લાઈસ મૂકી ઉપર ટોમેટોની સ્લાઈસ મૂકો અને સૌથી ઉપર અંદરની બાજુ કેચઅપ લગાવી પાંઉની સ્લાઈસ મૂકી બંધ કરો. ફ્રેન્ચફ્રાય સાથે સર્વ કરો.

*લાજવાબ લાપસી*

સામગ્રી : ૧ કપ શેકેલા ચણાનો લોટ, ૧ ચમચો સોજી, દોઢ કપ શેરડીનો રસ, ૧ ચમચી ચારોળી, ૧ ચમચી કિસમિસ, ૧/૨ ચમચી એલચીનો પાઉડર, ૧ ચમચી દેશી ઘી.
રીત : પેનમાં ઘી ગરમ કરીને ધીમી આંચે સોજી શેકો. પછી તેમાં શેકેલા ચણાનો લોટ નાખી અડધી મિનિટ સુધી શેકો. હવે તેમાં શેરડીનો રસ નાખી તેને સતત હલાવતાં રહો. જ્યારે રસ શોષાઈ જાય ત્યારે તેમાં ચારોળી, કિસમિસ અને એલચી પાઉડર નાખીને પીરસો.

*સ્પ્રાઉટેડ મગ સલાડ*

સામગ્રી : સ્પ્રાઉટેડ મગ એક કપ, લીંબું રસ અડધી ચમચી, દળેલી સાકર એક ચમચી, ઝીણો સમારેલ કાંદો એક નંગ, મરી પાઉડર અડધી ચમચી, બાફેલા ગાજર ત્રણ ચમચી, સમારેલ ટમેટાં ૧/૪ કપ, ટોમેટો સોસ અડધી ચમચી, મીઠું સ્વાદ મુજબ, સમારેલ ધાણા, આદું-મરચાં પેસ્ટ અડધી ચમચી, સૂકું ટોપરું ત્રણ ચમચી.

રીત : મગને વરાળે ચારણીમાં દસ મિનિટ બાફવા. ઊંડા બાઉલમાં બોઈલ કરેલ મગ, ટમેટાં, કાંદા, ગાજર મિક્સ કરવા. તેમાં મીઠું, સાકર, મરી, સમારેલ ધાણા, સોસ, લીંબું રસ, આદું-મરચાંની પેસ્ટ, સૂકું ટોપરું મિક્સ કરવું. ચિલ્ડ કરી જમ્યા પછી અથવા જમ્યા પહેલાં અથવા બ્રેકફાસ્ટમાં આ સલાડ આશીર્વાદરૂપ ગણાય છે.

*મસાલેદાર ફાડા*

સામગ્રી : ૧ કપ ઘઉંના ફાડા, ૧/૨ કપ વટાણા, ૧ કપ બટાકા ઝીણા સમારેલા, ૧ ડુંગળી ઝીણી સમારેલી, ૧ કેપ્સિકમ સમારેલું, ૧/૨ કપ ફ્લાવર સમારેલું, થોડા શેકેલા ફોતરા વગરનાં સીંગદાણા, ૨ ટામેટાં સમારેલાં, ૧ ચમચી રાઇ, ૩-૪ સૂકાં લાલ મરચાં, ૨-૩ લીલાં મરચાં સમારેલાં, ૧/૨ ચમચી લાલ મરચું, ૧ ચમચી મીઠું, ૧ ચમચી તેલ, કોથમીર સમારેલી.

રીત : ફાડાને કડાઇમાં કોરા જ આછા ગુલાબી શેકી લો. તેલ ગરમ કરી રાઇ અને આખાં લાલ મરચાંનો વઘાર કરો. એમાં ફાડા નાખી ૧ મિનિટ સુધી શેકો. ટામેટાં સિવાય બીજા બધાં શાક અને મીઠું-મરચું પણ નાખી દો. ૩ વાટકી પાણી નાખી ઊભરો આવે એટલે ઢાંકીને ગેસ ધીમો કરી ૧૦-૧૨ મિનિટ સુધી ચડવા દો. બધું પાણી બળી જાય પછી ગેસ બંધ કરી ટામેટાં અને સીંગદાણા પણ નાખી દો. હવે આ મિશ્રણને એક ગોળ વાસણમાં દબાવીને ભરી ૧૦-૧૫ મિનિટ સુધી ઢાંકી રાખો. છેલ્લે એક સર્વિંગ ડિશમાં મિશ્રણવાળું વાસણ ઊંધું પાડી મોલ્ડ કાઢી લો. કોથમીર, ટામેટાં અને કેપ્સિકમથી સજાવીને પીરસો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED