“ મન ખબરસક લખમી તન લાભુ ભઈ હાર ... મનમેળસ તો તમારા લગને જલદી કરાઈ દઈએ એટલ... મેલાની હેરોન ગતીની બવ ચન્ત્યા નઈ.... હુ કેવુસે લાભુ ભઈ.... લખમી.... બરોબરન.. !” ઝમકુએ શાંતિથી બન્ને આગળ વાત મૂકી...
“ લખમીન વોધોના હોયતો આજ જ ઈના ઘેર જ વાત પાકી કરી દઈએ... “ સત્ય એ વાતને ટેકો આપતા કહ્યું..
લાભુને લક્ષ્મી શરમાતા એક બીજા સામે જોઈ રહ્યા..... લાભુ હળવેકથી બોલ્યો....
“ અમન વોધો નહીં ભઈ.... તું વાત કર તો...! “
“ હારુ તાણ મા ન ઘેર જઈ ન જ કેસુ ક નક્કી કરીન આયા....” સત્યએ વાત આગળ વધારતા કહ્યું....
“ ભઈ ... પણ ઈમ થોડુ કરાય એક વાર ઈમનય પૂસવુ તો પડન.... મા સે ઈ ઈમનો હકસે... “ લાભુએ સહજતાથી કહ્યુ.
" જો પેલા નક્કી કરી દઈએ પસી જ મુ માર રીતના ઘેર જઈ માં ન કયે "સત્યએ વિચારતા કહ્યું.
લક્ષ્મી અને ઝમકુ બન્ને શાંતિથી મૌન ધારણ કરી બેઠા હતાં.
* * * * * * * * *
લક્ષ્મીના ઘર આગળ ગાડુ ઉભુ રહ્યુ.લક્ષ્મી મનમાં ઘરે શું કહેવું વિચારતા વિચારતા ખડકીમાં ગઈ.... ત્યાં તેના બાપા હોક્કો તાણતા બેઠા હતા. લક્ષ્મી તેમને જોઈ.. તેના પગ આગળ બેસી રડી પડી.... ડોહાની નજર તેના પર પડી તે બધો રાતનો ગુસ્સો ભૂલી એના માથે હાથ ફેરવી તેને શાંત કરવા લાગ્યા....એટલામાં લક્ષ્મીના બા પણ ત્યાં આવ્યા અને દિકરીને આમ રડતી જોઈ એની પાસે જઈ બેઠા.... એટલામાં લાભુ... સત્ય... અને ઝમકુ ખડકીમાં આવ્યા...
" રોમ...રોમ બાપા.... " સત્યએ અંદર આવતા જ ડોહા સામે હાથ જોડી સત્કાર કર્યો.સામે ડોહાએ પણ બન્ને ને આવકારો આપી બેસાડ્યા. બન્ને ડોહાની સામે પડેલા ખાટલા પર બેઠા....અને ઝમકુ પણ લક્ષ્મીની જોડે જઈને નીચે બેઠી..
" કોઈ કેસ ક હું થ્યુ...... રાત ચો હતી છોડી..... અન રોવસ... હું કોમ.. . " ડોહાએ... થોડી ચિંતા કરતા કહ્યું.
" ભા.... એક વાત કરવી તી.... " ઝમકુએ મુજાતા કહ્યું.
" બોલ છોડી ઈમ આટલું વિચારસ હું કોમ ...... અન લખમી તું રોવાનું બંધ કર.... સોનીરે...... " ડોહાએ કીધું
" ભા... ઈ આપડા ગોમનો મેલોસે... ઈ ચેટલાય દી ' થી મન અન લખમીન હેરોન કરતો તો .... તમે તો ઓડખોસો ભા ઈન..... એટલે અમે ઘરમ કોઈન કીધુના અન કાલ અમે ડોબોમ જ્યાં તઈ એ લખમીન ઉપાડી જ્યો...... એતો હારુ થાય આ બે ભાઈઓ તઈથી નેકડતા તા તે મારી હારે લખમીન બચાવા આયા અન આખી રાત અમે એક ઘેર આવા મથ્યા .... વરહાદ નડ્યો એટલ રોકાઈ જ્યાં .... અન હવારે એક સજને ગાડુ દિધુ તે એ લઈ આયા...... પણ બાપા તમે જ ક્યો હવ હું કરીએ.... મેલાન હોમ લડવાની આપડી તાકાત નહીં.... " ઝમકુએ બધી વાત સારી રીતે ગોઠવીને કરી..
બધા શાંત બેઠા હતાં. અને લક્ષ્મીના લગન વિશે કેમ વાત કરવી એ ઝમકુ વિચારતી હતી..
" તઈ... હારુ થ્યુ આ બે ભોણાનું તે મદદે આવ્યા નઈ તો રોમ જોણ હું થાત " બે હાથ જોડી ડોહા રોઈ ગ્યાં.
" બળ્યું રોસો ના બધુ હારુ જ થ્યુ ં મું રોધવા કરુ આ ભોણાએ ભૂખ્યા થ્યા હશે..." ડોશી બોલતા અંદર ઘરમાં ગ્યાં
સત્ય ને લાભુતો મૌન ધરી શાંતિથી જે થાય એ જોયે જતાં હતાં . થનાર સાસરી વાળા ગામમાં વધુ બોલવું અવિવેક ગણાય એમ સમજી બન્ને બેસી વાતો સાંભળતા હતાં.
ક્રમશ: