લાગણીની સુવાસ - 7 Ami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીની સુવાસ - 7

લાગણીની સુવાસ

(ભાગ – 7)

અમી પટેલ (પંચાલ)

વર્ષો પહેલાં શું બન્યું હતું. એ જાણવું છે, કે નઈ તમારે તો પછી ચાલો ત્યારે મારી સાથે થોડા વર્ષો પાછળ......

***

પહેલાં વરસાદ પછી પાંચ ગામનાં સીમાળે નક્કી કરેલી તિથિ વારે મેળો ભરાતો. આ મેળામાં દરેક જાતિ વરણના લોકો.... અને ગામે ગામથી માનવ મહેરામણ મેળાનો લ્હાવો લેવા આવતું, મેળો ત્રણ – ચાર દિવસ સુધી ચાલતો..... એમાં કેટલાનુંય સગપણ ગોઠવાતું .

ચારેબાજુ ઉત્સાહ દેખાતો ....માટીના ઢીંગલા ઢીંગલીનાં રમકડાં વાળા....ચકડોળ વાળા.... વાનગીઓના ઠેલાં વાળા..... પોતાના ઘરાઘ કરવા બૂમો પાડે જતા હતા....એક બાજુ ઢોલનાં તાલે લોકો નાચતાં હતાં.નાના ટાબરીયાંઓને એમની માવરૂએ રાજાનાં કુંવર જેવા તૈયાર કરી મેળો મહાલવા લઈ આવ્યા હતાં....ત્યાં ઘણાં ટાબરીયાં કંઈને કંઈ વસ્તું માટે દેકારા કરે..... જતાં હતા....ઘરડાથી લઈ જવાનો પણ ..... તૈયાર થઈ મેળાની મોજ્યું માણતા હતાં. એક બાજુએ ડોહા બેસી હોક્કા બીડી અફીણ ની ઉજાણીયું કરતાં હતાં. જુવાનો એમની મસ્તીમાં જ મસ્ત હતાં. શેમાં મસ્ત હોય ઈ..... મારે કહેવાની જરૂર નઈ...... ઘણાં ગરબા ગાવામાં ઘણાં દોહા ગાવાની શરતોમાં...... તો ઘણાં ઘરેણાં શણગારની વસ્તું લેવામાં લાગ્યા....હતાં.... ગરબા મસ્ત તાલે જામ્યે જતા હતા.... અને બાયું ગરબામાં ફૂદેડી બને એટલી ઝડપી લેતી હતી..... બાજુમાં જુવાનીમાં પગ મૂકુ મૂકુ કરતી જુવાનડી ઓ એકમેકનાં હાથ પકડી ફેર ફૂદેડી ફરતી હતી.......

“ ઝમકુડી આ ફેર જો હાથ મેલ્યોસે તો તારી વાતસે...... તને જીવતીનાં મેલું ને.....”

ફૂદેડી ફરતાં ફરતાં લક્ષ્મીએ આંખો નચાવતાં કહ્યું.

“ આ...લે.… મેલ્યો..... કબૂતરી....” કહી ઝમકુ હાથ મૂકી ભાગી....

હાથ છૂટી જતાં… લક્ષ્મી એ જોરથી.... એક યુવાન સાથે અથડાઈ.... ફૂદેડી ખાતા આમ ... હાથ છૂટી જતાં તેનું મગજ સહેજ સૂન થઈ ગયું હતું. પેલાં યુવાને તેને સંભાળી લીધી .... બે- ત્રણ પળ એમ જ ચાલી ગઈ.... લક્ષ્મી થોડીવારમાં સ્વસ્થ થઈ અને ત્યાંથી ચાલી ગઈ....પેલો યુવાન તો એને જતા જોઈ રહ્યો...

કેવો… ગોરોવાન.… ભૂરી… લીલી આંખ્યું… એમાંય મેશ આંજેલી… ગુલાબી હોઠ.... ચોટલો તો હાલે એટલે જાણે નાગણ જ જોઈલ્યો..... હારૂ... ભગવાનેય.. કેવી કરામત કરે સે..... બબડતો એ.... યુવાનોનાં ટોળા બાજુ ગયો.....

લક્ષ્મી ઝમકુને શોધતી હતી.... એક ઝાડની નીચે ઝમકુને બેઠેલી જોઈને... એ તરફ ગઈ અને તેની પાસે બેસતા બોલી.

“ હાહરી.... જમ..... તને એરુ ઓતરે ..... અને કોઈ પોણીએ નો...દે... “ એમ કહી લક્ષ્મીએ ઝમકુનાં કેડે ચૂટલી ખણી..

“ કોઈ દે ....ના દે ...તું તો સે જને પોણી દેવા અને તું હોઈ તો લગી એરુએ .....મને ના ઓતરે હો.....! “ ઝમકું હસતાં હસતાં બોલી...

“ તારા લીધે આજ .....” આટલું બોલતા લક્ષ્મી શરમાઈ ગઈ....

“ કેમ હું થ્યું.... ચીમ... બોલતી બંધ થઈ જઈ....” ઝમકુએ વાત આગળ વધારતાં કહ્યું.

“ કોય... નઈ....”

“ તારા ગાલ જો.... શરમના શેરડા ફૂઈટા શે..... બોલ હું થ્યું...!

“ કીધું ને કાંઈ નથ થ્યું ...... હાલ ઓલી પા જઈએ મારે .... નવી ચૂંદડી ને .... બંગળીયું લેવીસે...” બોલતી લક્ષ્મી ઉભી થઈ. ઝમકું તેની સાથે થઈ..

બન્ને બજાર જેવી રેકડીઓ હતી .ત્યાં જઈ બંગળીઓ..... જોવા લાગ્યા....બાજુમાં જ છોકરાઓનું ટોળું હતું તેમાં પેલો યુવાન પણ હતો.યુવાનનું ધ્યાન થોડીવાર પછી લક્ષ્મી પર પડ્યું અને તે એનું નિરિક્ષણ કરી રહ્યો.... ભાલે નાનો કંકુનો કોરો ચાંલ્લો... ગળામાં નાનો હાર.... હરણી જેવી ડોક.... હાથમાં ચૂડા ..... કાનમાં નાનાં બે ઝૂમર... પાતળી કેડ.....એમાં ચાંદીનો કંદોરો પહેરેલો....જેમ ઝાડ પર વેલ વિટાય એમ કંદોરો એની કેડે વીંટાયેલો હતો... લાલ મરૂન ઓઢણી.... તેવા જ રંગનો ચણીયોને પોલકું પહેરેલું. જેમાં બાંધણી જેવી ભાત હતી... યુવાન પર કોઈકે આવી હાથ મૂક્યોને એનું ધ્યાન ભંગ થયું.

“ ઓમ.... ચ્યારનો હું જોઈ રહ્યોસ ....તાકી તાકી.....” સત્ય એ આવી ને તેના ખભા પર હાથ મૂકતાં બોલ્યો.

“ કોય ...એ નઈ... ભઈ ઈ..તો એમ જ...” યુવાને નીચું જોતા કહ્યું.

“ જો લાભું ...તું મારો ભાય ખરો પણ ઈ પેલા મારો ગોઠણ પાક્કો .... આમ તું ઓલી છોડીને જુએ ઈ મને નો હમજાય...મૂઆ....બોલ કુણ સએ...ઈ..” સત્ય એ શાંતીથી પૂછ્યું.

લાભુએ બનેલી ઘટના કહી.....અને થોડું શરમાયો....

“ ભાય... હાસુ કવશું ભટકાઈ એટલું જ હું જાણું બાકી ઈનું નોમ ગોમ કોઈ નઈ ખબર ...:” લાભુ એ નીચું જોઈ કીધું.

“ તો હાલ ને ... એની પાહે પૂસી નાખીએ.... “ સત્ય એ લાભુનો હાથ ખેચતા કીધું.

“ ભાય... તું ગાંડો થ્યોસ આમ .. છોડયું ને પૂસાય... મારે નથ આવ્વું...” કહેતાં લાભુએ હાથ છોડાવ્યો..

“ તું આય... રે .. હું હમણાં જ આનું હનધુંય જાણતો આવું.... ઓલો.… રામો ..ગોર નઈ ઈ ગામે ગામ ઘેર ઘેર હનધાયને ઓડખે ઈને પૂસતો આવું ઈ આપણો નાનપણાનો ગોઠીયો...હું આવું ત્યાર... “ કહી સત્ય ત્યાંથી રામાને ગોતવા નીકળ્યો.

“ પણ… ભાય.… ભા..” લાભુ બોલતો જ રહી ગયો ને સત્ય જતો રહ્યો.

***

સાંજ પડવા આવી હતી અને વાદળો ઘેરાયા હતાં. પણ હજી ભોળાનાથની પૂજા બાકી હતી મેળો પતે એટલે અને સવારે ભોળાનાથની પૂજા થતી....

થોડીવાર પછી....

“ લાભુ .... છોડીયુંની આંખી કુંડળી લાઈવોશું તું જોઈ રે...હું કરૂ એ....” સત્ય રૂઆબથી બોલ્યો .....

પૂજા પતી એટલે સત્ય એ ઢોલ ટીપી એક જાહેરાત કરી..... “ જે બાયું છોડીયું એકલી મેળામાં આઈ હોય ઈ હંન્ધાય આજુબાજુના ગામના છોકરાઓ હારે કે વડીલો હંગાથે પોતાને ગામ જાય....લૂંટારૂઓ દેવગઢની પા જ્યાં હોય ઈમ લાગેશે એવા વાવડશે...દેવગઢ કોરની બાયું જે એકલી આઈ હોય એ મારી હારે આવજો..... હું દેવગઢ જાવાનોશું જે કોઈ પોતાના ધણી હારે ..... વડીલો હાંરે આવ્યા હો ઈ ઘરબાજુ વાધો (ચાલો) જેની હાંરે કોઈના હોય ઈ બધા આય રો.....!

સત્યએ વાત પૂરી કરી.

એટલા પંથકમાં લૂંટારુનો ભય ન હતો. પણ પોતાના ભાય ....હારુ જુઠ્ઠુ બોલવુંએ એની માટે નાની વાત હતી.....

ક્રમશ:...