લાગણીની સુવાસ - 10 Ami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીની સુવાસ - 10

લાગણીની સુવાસ

(ભાગ – 10)

અમી પટેલ (પંચાલ)

ખેતરમાં એક મોટા આંબા નીચે ભગત ખાટલો ઢાળી આડા પડ્યા હતા.બે – ત્રણ કૂતરા ભગતની આજુ બાજુ ફરતા હતા. જાણે કૂતરા એમની વાતો સમજતા હોય તેમ તે કૂતરા સામે જોઈ ખાટલામાં પડે પડે સત્સંગની વાતો કરતાં હતાં.વાતો પ્રમાણે એમના હાથ ફરે જતાં હતા.ત્યાં જ લાભુને સત્ય બન્ને ત્યાં આવ્યા.

“ ઓ..… બાપા… રોમ રો..મ” લાભુ ખાટલા નજીક જઈ બોલ્યો.

“ રોમ… રોમ… આયા… ઈમ ...બવ..દા.. ડે બાપો યાદ આયો....” ભગત બોલતાં બોલતાં ખાટલામાં બેઠા થયા....

“ પંદર દિ’ મોર તો આયા તા બાપા ભૂલી જ્યાં સત્યાનું હગ્ગુ કર્યું એ દાડ ....” લાભુ યાદ કરાવતા બોલ્યો.

“ પંદર દિ’ થ્યા બાપાન મલવા દાડા ગણોય....”

“ અમ તો રોજ આઈ શું ....” બીજો ખાટલો લઈ બેસતા સત્ય એ કીધું .

“હમ લાભુનું એ ગોતો એટલ બે ભઈયુંનું હારે થાય....” ભગત લાભુ સામે જોતા બોલ્યા.

“ ઈને તો મેતે જ ગોત્યુંસે બાપા દેવગઢનાં વીરાભા કણબીની છોડીસે....” સત્ય એ વાત કરતા કહ્યું.

“ તઈ હારુ જ સે ને ...છોડીએ આબા તૈયાર સે...ઈ પેલા પૂસજે પસ હું ઝયે માગું કરવા.… કણબીન તો...”

“ પણ બાપા ઈ આપણા હમાજના કણબી નથ ઈ ચરોતરીયાસે .... હમાજ વોધો ઉઠાવ તો...” સત્યએ થોડી ચિંતા સાથે કહ્યું.

“ ગોડા છોડીન છોકરાન ગમ ઘરવાળોન વોધોના હોય તો હમાજ કદી વોધો ના ઉઠાવ આતો હારુ કેવાય ક બીજા સમાજ જોડ સંબંધ હારા રે બાકી ઈએ કણબીને આપણેય કણબી ઈમ વોધો હું હોય....”

“હમ્મ્....બાપા છોડીનીએ હા જ સે ખાલી પૂસવાનું જ બાકી સે....” સત્ય બોલ્યો.

લાભુ થોડો શરમાતો ભગતની બાજુમાં બેઠો હતો. થોડી ઔપચારીક વાતો ચાલીને બન્ને થોડીવાર પછી રજા લઈ નીકળ્યા..

***

બીજા દિવસે....

લાભુ લક્ષ્મીને મળવા ઉતાવળો હતો એટલે વહેલા ઉઠી ડોબા લઈ નીકળી ગયો હતો.ટેકરા પર તેનાં ઢોર ચરતા હતા.ને તે બેઠો બેઠો લક્ષ્મી આવશે કે નઈ એની રાહ જોતો હતો..

થોડીવારમાં અજવાળુ થઈ ગયું પણ લક્ષ્મી ના આવી ...લાભુ નીરાશ થઈ નીચુ જોઈ બેઠો હતો .ત્યાં પાછળથી કોઈ બોલાવતું હોય એમ લાગ્યું.... લાભુએ તે બાજુ જોયું..... થોડે દૂર લક્ષ્મીના ઢોર ચરતા હતાં. ને લક્ષ્મી ત્યાં ઉભી ઉભી થોડા ગુસ્સા સાથે લાભુને બોલાવતી હતી.

“ હું સ.… ચ્યમ બોલાયો.. “

“ આ તારા ઢોર લઈ જા , હું કમ આયો.… આ બાજુ “ લક્ષ્મીએ કીધું

“ લે ના આવું.... તારી એકલી હાટુ ટેકરો થોડોસે હન્ધાય ચરાવા આઈ એકે......”

“ હારુ હારુ બેહ હું ડોબા આ પા લેતી આવું....” લક્ષ્મી થોડી શાંત થતાં બોલી.

લક્ષ્મી કાલની ગુસ્સામાં હતી. એ લાભુ જોડે ઝઘડવાના ઈરાદે જ આવી હતી પણ.... એને જોઈ વધારે કાંઈ બોલી ના શકી ને એની સાથે પ્રેમથી વાત કરવા તેનું મન લલચાવા લાગ્યું અને તે ગુસ્સો ભૂલી શાંતિથી વાત કરવા લાગી.… થોડી વારમાં લક્ષ્મી ડોબા જ્યાં લાભુના ડોબા ચરતા હતાં. ત્યાં લઈ આવી અને તે લાભુ પાસે જઈને બેઠી.....

“લખમી માર.… તન એક વાત પૂસવી તી....!” લાભુ નીચુ જોઈ બોલ્યો.

“ હા ,પૂસને.... હું વાતસે ....”

“ સત્યોસે ઈનુ હગ્ગુ ઈ તમારા ગોમની છોડી હારે પંદર દી’ પેલા થ્યું સે અન ઈ છોડી વિસે સત્યન કૌય ખબર નહીં તું ધાર તો એ બન્ને ન એક વાર મલવાનું ગોઢવવાનું કરવામ ટેકો કરી અક તારો આતમ હા પાડ તો જ ટેકો કરજે.....”

“ તઈ છોડીન બાપનું નોમ તો કે ....”

“ અમથો ભા.....”

“ તઈ તો તમી છોડીને મળ્યાસો.....”

“ લે....ચ્યાર..”

“ કાલ મારી હાર… નતી ઓલી ઝમકુડી ઈ જસે અમથાભાની છોડી... ઈનું હગ્ગુએ પંદર દી’ પેલાઝ થ્યુંસે.... “

“ હાસે.... તો તો ઈ છોડી ...તો હારી....હતી....ભઈનું જામસે.....”

“ જામસે નઈ દોડસ.… છોડી બઉ હારી... “

“આજ તો જઈ પેલા સત્યાન આ હારા હમાસાર આ લે...”

“ ના..ના... એવું નો કરતા કાલ કોય કીધા વગર હોડકોમ સત્યાન લેતા આવઝો હુંય ઝમકુન લેતી આયે ....”

“ હા...ર...”

“ હા...લો ભાથુ ખાવા બપોર થઈ....”

“ મું ભાથુ ખાવા ટેવાયેલો નથ...”

“ લે...હવારનું નેકડેલું મોણહ ...બપોર ભાથું નો ખાય મોન્યામ નો આવ... હાસુ બોલ...” લક્ષ્મી એ લાભુના હાથ પર સહજતાથી હાથ મૂકતા થોડા પ્રેમથી પૂછ્યું.

“ હું કવ લખમી...ઈજ નઈ હમઝાતું....”

“ ઝે હોય ઈ કઈ નાખ.... મન તારી ગોઠણ હમઝી કયે....”

લાભુ એ અત થી ઈતી નું પોતાના વિષે ઘર વિષે ઔરમાન થી લઈ સત્યનાને પોતાના સંબંધ વિષે બધું કહી દીધું .કહેતા કહેતા તેની આંખો ભરાઈ આવી .... એક ઓશીયાળાને ક્યારેય સુખ કે માનો પ્રેમ ના મળનાર લાભુ સામે એ જોઈ રહી...અને એના ઓઢણીના સેડાથી લાભુનાં આંશું લૂછી .... તે ભાથું લઈ તેની સામે બેઠી.… પોતાના હાથે લાભુને ખવડાવતા બોલી..

“ લ્યો ખાઈ લ્યો… આટલા વાલથી તમારી મનગમતીએ નઈ ખવરાવે...” લક્ષ્મીએ કહ્યું.

“ હાસુ કવ લખમી મા જીવત મિલકતમાં કોઈ નઈ આપ ... ખેતરે પડી રેવાનું અન ઈમય ઘર ચલાવા જેટલોય સામાન નઈ કૂણ છોડી કૂવામ પડ...એ ઝાણી જોય...ઈમાય માં મારા લગન નઈ થવા દે..... પણ સત્યો લગન મારા લગન સિવાય કરશે નઈ મું તો સત્યન ચીમનો હમઝાવુ કે મારા હાર લગન કોઈ નઈ કર .....” લાભુ નિશાસો નાખી બોલ્યો.

“ તમારામ થોડી ખોટસ તે છોડી ના પાડ.... ગોડાસો હાવ....ઈતો સત્યો.… હન્ધુય હાચવી લે સે તમી કીધુ ઈ પર થી કવસું....”

“ હમ્મ્....”

ભાથુ ખાઈ બન્ને એ હાથ ધોયા ફરી લક્ષ્મીએ પોતાની ઓઢણીનો છેડો લાભુને હાથ લૂછવા આપ્યો....હાથ લૂછતા લાભુનો હાથ લક્ષ્મીના પેટે અડી ગયો... લક્ષ્મીને વીજળીનો ઝાટકો લાગ્યો હોય તેમ અનુભવી રહી એ સ્પર્શ એને રોમાંચિત કરી રહ્યો.અજાણતા થયેલો સ્પર્શ એ લક્ષ્મીનું ઘણુ બધુ લઈ ગયો .....થોડીવાર કાલે સત્યને ઝમકુને મલાવવાની બધી યોજના બનાવી બન્ને છુટા પડ્યા...

રાત થઈ ગઈ હતી અને બધા જમી પરવાર્યા હતા. ચોમાસાની શરૂઆત હતી એટલે ક્યાંક ક્યાંક વરસાદનાં ઝાપટા પડ્યા હતા એટલે વાતાવરણમાં હળવી ભીનાશ અને માટીની સુગંધ હતી. ધીમે ધીમે ઠંડો પવન લીલા ઝાડના પત્તાઓને હાથ તાળી દેતો આગળ વધતો હતો. એક લીમડા નીચે લાભુ ખાટલો પાથરી આડો પડ્યો હતો અને એની થોડે નજીક સત્યનો ખાટલો હતો.… લાભુના મનમાં વાત હીલોળા લેતી હતી પણ સત્યને કહેવું કઈ રીતે એ સમજાતું ન હતું તેને એ પણ વિશ્વાસ હતો કે સત્ય સાથે આવવાની ના નહીં પાડે પણ જૂઠ્ઠુ બોલી લઈ જવ તો એને કેવું લાગશે એ વિચારોની ગડમથલ તેના મનમાં ચાલતી હતી.… ત્યાં પાછો નવો વિચાર જબક્યો...એપણ તો ખોટુ બોલ્યો હતો મેળામાં મારી માટે હવે એના માટે હું ખોટુ બોલું તો એમાં કાંઈ ખોટુ ના કહેવાય..

“ ભઈ મુ હું કવ સુ કાલ હોડકોમ જાવાનુંસ તે તું આયે માર હારી ત્યો કોઈની અવર જવર હોતી નહીં ઈમય જો વરહાદ આવ તો ડોબો વખા બવ પાડ એટલ કોય હારે હોય તો ટેકો રે.....” લાભુ એ સાચવી વાત સત્ય આગળ મૂકી.

“ હાર ...તે ઈમહું ગોડા મું આયે ચ્યતાં નઈ...”

સત્ય એ તરત હા પાડી.

પછી એમજ ઔપચારીક વાતો પછી બન્ને સૂઈ ગયા.

આ બાજુ લક્ષ્મીએ પણ જૂઠ્ઠુ બોલી ઝમકુને આવવા માટે રાજી કરી લીધી પણ બન્ને માંથી એક પણ ને હકીકતની જાણ કરી નહીં...

***

બીજા દિવસે નક્કી કરેલા સમયે લાભુ લક્ષ્મી બન્ને સમય પર પહોંચી ગયા. એમની બનાવેલી યોજના કામ કરતી હતી....

“ ઝમકુ આઈસે...! “ લાભુ લક્ષ્મીને જોઈ બોલ્યો .

“ ઓવ ઈ પેલા નેરીયામ ...ડોબો પાસડ આવસ મું ડોબો આગળ હતી એટલ... થોડી વેલા આઈ... સત્યો આયો...સ...”

“ ઓવ ...તી કીધું ઈમ ઈનય મેં ડોબોન પાસળ રાખ્યો..સ... ઈન આવત પોંચ મિનિટ થાહે...”

“ તઈ હાલો આપડ ઓઠ જતા રઈએ..... એ બે ઓય ભેરા થ્યા હમઝો....”

બન્ને એક ઝાડ પાછળ સંતાયા અને બન્નેની આવવાની રાહ જોવા લાગ્યા....

ક્રમશ: