ટામેટાંની ટેસ્ટી વાનગીઓ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટામેટાંની ટેસ્ટી વાનગીઓ

ટામેટાંની ટેસ્ટી વાનગીઓ

- મિતલ ઠક્કર

ટામેટાંનો ખાટો-મીઠો એ સ્વાદ જ છે જેને લીધે તે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતી શાકભાજી તરીકે ખ્યાતિ ધરાવે છે. મોટાભાગના શાક -દાળ કે પછી અન્ય વાનગીઓ ટામેટાં વિના અધુરી રહે છે. ટામેટાં વાનગીઓમાં સ્વાદ ઉમેરવાનું કામ કરે છે. સ્વાદ બમણો થાય છે અને સ્વાસ્થય પણ સુધરે છે. ટામેટાંમાં અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ જોવા મળે છે. તેને તળવામાં કે ફ્રાય કરવામાં આવે તો પણ તે અકબંધ રહે છે. શિયાળામાં તેનું નિયમિત સેવન શરીર માટે વિશેષ લાભદાયક રહે છે. જ્યારે પણ ટામેટાં ખરીદવા જાઓ ત્યારે લાલ ટામેટાંની જ પસંદગી કરો. ટામેટાંના ગુણોને લીધે ઠંડીમાં તેને સલાડના રૂપમાં સેવન કરવું જોઈએ. એક અહેવાલ મુજબ ટામેટાં અવસાદને ઓછો કરવામાં મદદ કરે છે. ટામેટાં ખાવાથી કેન્સર થતું નથી. ટામેટાંના નિયમિત સેવનથી પેટ સાફ રહે છે. ટામેટાં લોહીની ઉણપ દૂર કરે છે. મોટાભાગે ટામેટાંને સલાડમાં નાખીને અથવા એકલા ટામેટાં ઉપર મસાલો નાખીને ખાવામાં આવે છે. કોઈપણ બિમારીમાં ખાવાથી તે નડતાં નથી એટલે ચાર ટામેટાં પડયા હોય તો કોઈપણ ગૃહિણીને ગમે ત્યારે ટપકી પડેલા મહેમાનો માટે ભોજનનો પ્રબંધ કરવાનું મુશ્કેલ પડતું નથી. આમ છતાં ટામેટાંનું કચુંબર અથવા ટોમેટો કેચઅપ જેવી એકાદ-બે વાનગીઓ સિવાય અન્ય વાનગીઓ બનાવવાની રીતો ખાસ જાણીતી નથી. એટલે ટામેટાંની કેટલીક સ્વાદિષ્ટ અને સરળ વાનગીઓની રીતો સંકલિત કરીને આપી છે. એક ટિપ્સ નોંધી લો. આપણે ત્યાં હંમેશા ચોખાની પાપડી વગેરે બનાવવામાં આવે છે. તે બનાવતી વખતે તેમાં ટામેટાંનો જ્યુસ ઉમેરી દો. સ્વાદ પ્રમાણે ટામેટાંના જ્યુસનું પ્રમાણ ભરપૂર હોવું જોઈએ. પાપડી પ્રમાણે જ તેને સૂકવીને રાખી મૂકો. જરૂર પડયે તળીને પીરસો. ખુબ જ સરસ સ્વાદની વાનગી બનશે.

આલુ ટમાટર સબ્જી

સામગ્રી: પાંચ બટાટા, બે ટામેટાં, બે લીલા મરચાં, બે ટીસ્પૂન હળદર, બે ટીસ્પૂન લાલ મરચું પાઉડર, બે ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, અડધી ટીસ્પૂન જીરું, મીઠું સ્વાદાનુસાર, તેલ જરૂર મુજબ.

રીત: સૌપ્રથમ બટાટાને ધોઈને તેના ચાર કટકા થાય તે રીતે કાપી લો. ત્યારબાદ તેને કુકરમાં બાફી લો. લગભગ ત્રણથી ચાર સીટી વગાડો. કુકર ઠંડું થઈ જાય એટલે બટાટાની છાલ કાઢી લો. આ દરમિયાન એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાખો. જીરું લાલ થાય એટલે તેમાં ટામેટાં અને લાલ મરચું પાઉડર નાખીને સરખી રીતે હલાવો. ધીમા તાપે લગભગ પાંચેક મિનિટ સુધી ચઢવા દો. હવે તેમાં હળદર અને મીઠું નાખે. હવે તેમાં લીલા મરચાં, હળદર અને ગરમ મસાલો નાખીને સરખી રીતે મિક્સ કરી લો. લગભગ બે મિનિટ બાદ તેમાં બટાટા નાખી સબ્જીને સરખી રીતે મિક્સ કરી લો. જો તમને ગ્રેવીવાળું શાક જોઈતું હોય તો તેમાં થોડું પાણી નાખી શકો છો. આ આલુ-ટમાટર શબ્જીને રોટી કે રાઈસ સાથે સર્વ કરી શકો છો.

ટામેટાંના ભજીયા
સામગ્રી: ૨ નંગ ટામેટાં, ૧ કપ ચણા નો લોટ, ૧ નાની ચમચી હળદર પાવડર, ૧ નાની ચમચી ધાણા પાવડર, મીઠું સ્વાદ મુજબ, ૧ નાની ચમચી ચાટ મસાલા, ૧/૨ કપ લીલી ચટણી, (કોથમીર,લસણ,મરચાં,મીઠું માંથી બનાવેલ), તળવા માટે તેલ.

રીત: ચણાના લોટમાં હળદર પાવડર, ધાણા પાવડર, મીઠું અને પાણી નાંખી મિડીયમ ખીરુ બનાવવું. ટામેટાંની સ્લાઈસ કરવી. લીલી ચટણી લગાવવી. ટામેટાંનો ટુકડો લઈ ખીરામાં તળો. તેલમાં કુરકુરા થાય ત્યાં સુધી તળી લેવા. ઉપર ચાટ મસાલા ભભરાવી મનગમતી ચટણી જોડે પીરસવા.

ટામેટાંની ચટણી

સામગ્રી (ટામેટાની ચટની માટે): ૧ કપ સમારેલાં ટામેટાં, ૫ લીલાં મરચાં, ૧ ટી સ્પૂન આદું-લસણની પેસ્ટ, થોડાં ફુદીનાનાં પાન, થોડી કોથમીર, ૧ ટી સ્પૂન શેકેલા તલનો પાઉડર.

વઘાર માટે: અડધી ટી સ્પૂન રાઈ-જીરું, હળદર પાઉડર અને અડદની દાળ, ૨ આખાં લાલ મરચાં.
રીત: પેનમાં તેલ ગરમ કરીને કોથમીર, ફુદીનાનાં પાંદડાને થોડાં સાંતળીને કાઢી લો. એ જ પેનમાં બીજું તેલ ગરમ કરીને ટામેટાં નાખીને નરમ થાય ત્યાં સુધી ચડવા દો. ઠંડું પાડ્યા બાદ મિક્સરમાં કોથમીર, ફુદીનાનાં પાન, ટામેટાં અને બચેલી બધી સામગ્રી નાખીને બારીક પીસી લો. બીજા પેનમાં તેલ ગરમ કરીને વઘારની બધી સામગ્રી ઉમેરો. ચટણી તૈયાર છે.

ટામેટાં કટ

સામગ્રી : ૫૦૦ ગ્રામ લાલ ટામેટાં, ૨૦ ગ્રામ પલાળેલા કાળા ચણા, ૧ ચમચી લસણની પેસ્ટ, ૧/૨ ચમચી હળદર, ૧/૨ ચમચી મીઠું, એક મોટો ચમચો હીરક્યા ચોખા, ૮-૧૦ પાન મીઠો લીમડો, બે મોટા ચમચાં તેલ, ૨-૩ લીલાં મરચાં, ૧/૨ મોટો ચમચો સરકો, ૧/૨ ચમચી આદુની પેસ્ટ. સજાવટ માટે : ૧ ટામેટું અને બે લીલાં મરચાં.

રીત : ટામેટાંને ધોઈ, સમારી, મિક્સીમાં ક્રશ કરી નાખો, આમ કરવાથી ટામેટાંની પ્યોરી (રસો) તૈયાર થઈ જશે. તેમાં પલાળેલા કાળા ચણા નાખી ફરી ક્રશ કરો. આદું અને લસણની જુદી જુદી પેસ્ટ બનાવો. તેલ ગરમ કરી તેમાં આ આદું-લસણની પેસ્ટને લાલ રંગની થાય ત્યાં સુધી સાંતળો, તેમાં ટામેટાં અને ચણાવાળી પેસ્ટ પણ નાખી દો. ચોખાને મિક્સીમાં ક્રશ કરી તેની પેસ્ટ પણ ચણાવાળા મિશ્રણમાં ભેળવી દો. તેમાં મીઠું તથા હળદર નાખી ૧૫ મિનિટ સુધી ધીમી આંચે ચડવા દો. ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરી મીઠા લીમડાનાં પાન સાંતળો. પછી તેને ચણાવાળા મિશ્રણમાં નાખી બે મિનિટ સુધી ચડવા દો. તેને ગરમાગરમ જ ટામેટાં અને લીલાં મરચાંથી સજાવી ભાત અથવા રોટલી સાથે પીરસો.

સ્ટફ્ડ પનીરી ટામેટાં

સામગ્રી : 8થી 10 ટામેટાં, 100 ગ્રામ પનીર, 2 બટાકા-બાફેલા, 1 લીલું મરચું, આદુ, લાલ મરચું, ગરમ મસાલો, બારીક કાપેલી કોથમીર, જીરુ, તેલ

રીતઃ ટામેટાંને ધોઇને ઉપરની તરફથી ચપ્પુથી થોડા કાપી અંદરનો બધો માવો કાઢી લો. સ્કુપ કરેલા આ ટામેટાને સાઈડમાં મુકી દો. બાફેલા બટાકાને મેશ કરી તેમાં છીણેલું પનીર, મીઠું, લાલ મરચું, ગરમ મસાલો અને લીલી કોથમીર મિક્સ કરી દો. બીજી તરફ પેનમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરી જીરુ નાંખી વઘાર કરો, હવે તેમાં લીલું મરચું, આદુ અને ટામેટાંનો માવો નાંખી દો. પછી તેમાં બટાકા-પનીરનું મિશ્રણ પણ નાંખી દો અને સારી રીતે મિક્સ કરો. ટામેટાંમાં ભરવાનું મિશ્રણ તૈયાર છે. ખાલી ટામેટાંમાં આ મિશ્રણને ભરી દો અને ટામેટાંની જ કેપથી બંધ કરી પ્લેટમાં રાખી દો. હવે પેનમાં ટામેટાં નાંખી તેમાં ચપટી મીઠું નાંખો અને ટામેટાંની ઉપર એક ટેબલ સ્પૂન તેલ નાંખી દો. હવે પેનને ઢાંકી ધીમી આંચે રંધાવા દો. 3-4 મિનિટ બાદ સાવધાનીથી પ્લેટમાં કાઢી લો. સ્ટફ્ડ ટામેટાં તૈયાર છે. ગાર્નિશિંગ માટે ભરેલા ટામેટાની ઉપર કોથમીર અને છીણેલું પનીર ભભરાવી દો.

ક્રીમ ઓફ ટોમેટો સૂપ

સામગ્રી: ટામેટાં, બટાટા, બીટ, તજ, તમાલપત્ર, લવિંગ, લસણ, માખણ, મેંદો, દૂધ, મરી પાવડર, મીઠું, ટોમેટો કેચપ, બ્રેડક્રમ્બ્સ, ક્રીમ.

રીત: ટામેટાં, બટાટા, બીટના મોટા ટુકડા સમારો. તેમાં તજ, તમાલપત્ર, લવિંગ, લસણ નાખી છ કપ પાણી રેડી પ્રેશરકૂકરમાં બાફી લો. બફાઇ જાય એટલે તમાલપત્ર કાઢી લઇ ગ્રાઇન્ડ કરો. ગાળીને સ્ટોક તૈયાર કરો. સોસ બનાવવા માટે પહેલાં માખણ ગરમ કરી તેમાં મેંદાને એક મિનિટ શેકો. દૂધ રેડીને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો. મરીનો પાઉડર, ટોમેટો કેચઅપ, મીઠું અને ખાંડ ભેળવો. પાંચેક મિનિટ ઉકળવા દઇને મલાઇક્રીમ નાખી બ્રેડક્રમ્બ્સ સાથે સર્વ કરો.

સ્ટફડ ટામેટાં સલાડ

સામગ્રી: ૬ નંગ ટામેટાં, ૬ ટેબલ સ્પૂન પલાળેલા છોલે ચણા, કટકો કોબીજ, ૧ ગાજર, ૧ કેપ્સીકમ, મીઠું, મરી, ૨ કળી-લસણ, ૧ ટી-સ્પૂન ઓલિવ ઓઈલ, ૨ ટી-સ્પૂન લીંબુનો રસ, ૧ ટી-સ્પૂન પલાળેલા તલ, કોથમીરના થોડા પાન

રીત: ચણાને પ્રેશરકૂકરમાં બાફી માવો કરવો. મીઠું, મરી, ખાંડેલું લસણ, ઓલિવ ઓઈલ તથા લીંબુનો રસ નાંખવા. તલને વાટીને પેસ્ટ કરી ચણામાં ભેળવવી. ટામેટાંને ઉપરથી થોડા કાપી અંદરના બી તથા રસો કાઢી નાંખવા. તે જગ્યામાં છોલેનો તૈયાર કરેલો માવો ભરવો. કોબીજને પાતળી, લાંબી કાપવી. ગાજરને છોલીને છીણ કરવું. કેપ્સીકમની રીંગ કાપવી. ડિશમાં કોબીજ તથા ગાજર પાથરવા. ચપટી મીઠું તથા મરી ભભરાવવા. ગોળાકારે કેપ્સીકમ રીંગ ગોઠવી દરેક ઉપર તૈયાર કરેલા ટામેટાં મૂકવા. મધ્યમાં કોથમીરનું પાન મૂકવું. સેલાડને ફ્રીઝમાં ઠંડું કર્યા બાદ સર્વ કરવું.

સફરજન- ટામેટાંની ચટણી

સામગ્રી : ૫૦૦ ગ્રામ સફરજન, ૫૦૦ ગ્રામ ટામેટાં, ૩ ડુંગળી, લસણને ૧ કાંદો, ૧ ટેબલ સ્પૂન વાટેલું આદુ, ૧/૪ બાટલી વિનેગર, ૫૦૦ ગ્રામ ખાંડ, તજ, મરીનો બારીક ભૂકો દરેકની અડધી ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું.

રીત : ટામેટાંને ઉકળતા પાણીમાં મૂકો. બે-ત્રણ મિનિટ પછી બહાર કાઢી તેની છાલ કાઢી લો. સફરજન સ્વચ્છ ધોઈ તેના બારીક કકડા કરો. ખાંડ સિવાયની તમામ ચીજો મિક્સરમાં બારીક કરી લો. તપેલીમાં કાઢી ગરમ કરો. થોડું ઘટ્ટ થાય એટલે ખાંડ નાખો. ફરી ગરમ કરો. બાટલીમાં ભરી રાખશો તો પણ ચાલશે.

ટામેટાં-કેળાનું શાક

સામગ્રી: બે નંગ કાચા કેળાં, એક મોટું ટામેટું, અડધી ચમચી જીરું, એક ચમચી ધાણાજીરું, અડધી ચમચી વરિયાળી, એક ચપટી હિંગ, એક નાની ચમચી તેલ, મીઠું સ્વાદ અનુસાર, મરી પાવડર, હળદર.

રીત: સૌપ્રથમ કાચા કેળાને પ્રમાણસર બાફીને એક સમાન ટુકડામાં કાપી લો. હવે ટામેટું છીણી લો. ત્યારબાદ એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરો. ત્યારબાદ તેમાં ટામેટું નાંખી ગ્રેવી તૈયાર કરો. ગ્રેવી તૈયાર થઇ જાય એટલે તેમાં બાફેલા કેળાના ટુકડા ઉમેરો. એકાદ મિનિટ સાંતળ્યા બાદ તેમાં હળદર, મીઠું, કોથમીર, મરી પાવડર નાંખી સારી રીતે મિક્સ કરો. તૈયાર છે ટામેટાં-કેળાનું ટેસ્ટી શાક.

સેવ- ટામેટાનું શાક

સામગ્રી: 1 કપ સેવ, 3 ટામેટાં, 1 ડુંગળી સમારેલી, 1/2 ટીસ્પૂન આદું છીણેલું, 1 લીલુ મરચું, 1 ટીસ્પૂન ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર, 1/2 ટીસ્પૂન રાઈના દાણા, 1/2 ટીસ્પૂન જીરું, હીંગ એક ચપટી, 1/2 ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન જીરુ પાવડર, 2 ટીસ્પૂન તેલ.

રીત: એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરુ, રાઈ, હીંગ અને લીલા મરચાં ઉમેરો. તેમાં સમારેલી ડુંગળી અને આદુ ઉમેરો. ડુંગળી લાઈટબ્રાઉન થઈ જાય અને તેલ છૂટું પડવા લાગે ત્યારે તેમાં સમારેલા ટામેટાં ઉમેરો. તેમાં ગરમ મસાલો, જીરૂ પાવડર, હળદર અને મીઠું ઉમેરો. એક કપ પાણી ઉમેરીને 10 મિનીટ સુધી પાકવા દો. ગ્રેવી તૈયાર થઈ જાય ત્યારે તેના પર સેવ ભભરાવી ગરમા ગરમ સર્વ કરો.

ટામેટાંની કઢી

સામગ્રીઃ પાંચસો ગ્રામ ટામેટાં, પચાસ ગ્રામ ચણાનો લોટ, એક નંગ સરગવાની સીંગ, પા ટેબલ સ્પૂન તજ -લવિંગનો ભૂકો, અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું, આઠ મીઠા લીમડાના પાન, એક ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ, અડધી ટીસ્પૂન હળદર, બે નંગ ડુંગળી, ઘી જરૂર મુજબ, મીઠું સ્વાદાનુસાર.

રીતઃ સૌપ્રથમ ટામેટાંનો રસ કાઢીને તેને ગાળી લો. એક તપેલીમાં ઘી ગરમ કરી તેમાં રાઈ-જીરાનો વઘાર કરો. ત્યાર બાદ તેમાં ંચણાનો લોટ નાખીને શેકી લો. લોટ શેકાઈ જાય એટલે તેમાં મીઠા લીમડાના પાન અને વાટેલી ડુંગળી નાખી ફરીથી સાંતળો. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં ટામેટાનો રસ નાખો. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું. સરગવાની સીંગને બાફીને તેમાં નાખવી. ત્યાર બાદ તેમાં મીઠું, તજ-લવિંગનો ભૂકો, હળદર, આદું-મરચાંની પેસ્ટ નાખીને બરાબર મિક્સ કરી લેવું. સહેજ ખાંડ નાખવી હોય તો છેલ્લે નાખવી. કઢી બરાબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરીને તેમાં કોથમીર નાખીને સર્વ કરવી.

સ્ટફ ટોમેટો

સામગ્રી : મધ્યમ આકારના ૭-૮ ટામેટાં, થોડાં બાફેલા લીલા વટાણા, અડધી વાટકી પનીરનો ભૂકો, એક લીલું મરચું, આદુ અને લસણ (વાટીને) એક ચમચી મીઠું, બારીક કાપેલી ડુંગળી., પોટેટો ચીપ્સ.

રીત : ટામેટાં સ્વચ્છ ધોઈ તેની ઉપર કાપો મૂકી ચમચી દ્વારા અંદરનો ગર કાઢી લો. પનીર, લીલાં વટાણા, ડુંગળી વગેરેથી સૂકી ભાજી બનાવી કાઢો. તેમાં ટામેટાંમાંથી નીકળેલો ગર ઉમેરો. બરાબર હલાવી આ મસાલો પોલાં ટામેટાંમાં ભરો. ઓવનમાં શેકો અથવા નોનસ્ટીક તવા પર થોડું તેલ મૂકી તેની ઉપર ટામેટાં મૂકી ઉપરથી ઢાંકી દો. બરાબર બફાઈ જાય એટલે ઉતારી લો. પિરસતી વખતે ડીશમાં ટામેટાં મૂકી બાજુમાં થોડાં લીલા વટાણા અને પોટેટો ચીપ્સ મુકો.

ટામેટાંનું શાક

રીત: આઠ સરખા કદના ટામેટાંને સ્વચ્છ ધોઈ અંદરનો ગર કાઢી તેમાં મીઠું ચોપડી ઉલ્ટા રાખી મૂકો. અંદર ભરવા માટે બાફેલાં બે બટાટા, અડધો કપ પનીર (બારીક કરેલું) અડધો કપ બાફેલા લીલાં વટાણા, એક ઘોલર મરચું, એક બાફેલું અને બારીક કાપેલું ગાજર આ બધું એકત્ર કરો તેમાં મીઠું-મરચું, ધાણાજીરુ અને કોથમીર (બારીક કાપેલી) નાખો. આ મિશ્રણને પોલા કરી મીઠું લગાડીને મૂકેલાં ટામેટાંમાં ભરી દો. ત્રણ ટેબલ સ્પૂન વનસ્પતિ ઘી ગરમ કરો. તેમાં બે લવીંગ, બે એલચી નાખો, બે ડુંગળી બારીક કાપી તેમાં સાંતળો. એક-એક ચમચી આદુ અને લસણની પેસ્ટ ઉમેરો. થોડું પાણી નાખો. સ્વાદ માટે મીઠું-મરચું નાખો. તેમાં ઉપરોક્ત ભરેલાં ટમેટાં છોડો.

ટોમેટો ભાત

સામગ્રી : ૩ વાટકી બાસમતી ચોખા, ૪ ટામેટાંનો રસ, અડધા લીલા નાળિયેરનું દૂધ, એક ચમચી આદુ અને ૧ ચમચી લસણની પેસ્ટ બનાવી રાખો. ગરમ મસાલો (૩ લવીંગ + ૧ ઈંચ તજ +૩ એલચી+૩-૪ મરી) બે ડુંગળી પાતળી કાતરી બનાવીને રાખો.

રીત : પહેલાં થોડાં તેલમાં ડુંગળીને ગુલાબી સાંતળી લો. ડુંગળી કાઢી લો અને એ જ તેલમાં ગરમ મસાલો નાખો. સ્વચ્છ ધોયેલા ચોખા તેમાં નાખી બરાબર હલાવો ટામેટાંનો રસ અને નાળિયેરનું દૂધ મિશ્રણ કરી ચાર વાટકી થાય તેટલું પાણી ઉમેરીને બનાવો મીઠું, ખાંડ, આદું, લસણ નાખો અને કુકરમાં અથવા તપેલીમાં બાફી લો. આ સ્વાદિષ્ટ વાનગીમાં ઉપરથી એક બીટના નાના કકડા, ડુંગળીની કાતરી અને કાજુ નાખીને સજાવી શકાય.

ટોમેટો સૂપ

સામગ્રી: 1 ટેબલ સ્પૂન માખણ, 500 ગ્રામ ટામેટાં, 1 ડુંગળી, 1 ગાજર, 1 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર ક્રીમ અથવા મલાઈ ટોસ્ટના ટુકડા, મીઠું સ્વાદઅનુસાર, મરીનો ભુકો, ખાંડ જરૂર પ્રમાણે.

રીત: એક વાસણમાં માખણ ગરમ કરો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાંતળો. આછી ગુલાબી રંગની થાય એટલે તેમાં મીઠું ઉમેરો. ગાજર અને ટામેટા બાફી લો. બફાઈ જાય એટલે તેને મીક્સરમાં ક્રશ કરી લો. તેને સૂપના સંચામાં ગાળી લો. બાદમાં તેને ગરમ કરો. તેમાં સાંતળેલી ડુંગળી, કોર્ન ફ્લોર, ખાંડ, સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ ઉમેરો. તૈયાર છે ગરમા ગરમ ટોમેટો સૂપ. તેને સર્વ કરતા પહેલાં તેના પર ક્રિમ અને ટોસ્ટ ઉમેરો. સૂપ માટેના ટામેટાં લાલ પાકેલા અને ઓછા ખાટા પસંદ કરવા. ટામેટાંની ખટાશ મુજબ ખાંડ ઉમેરવી.