“ ગાંઠીયા “ પુરાણ ...!!!!!! Ajay Upadhyay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“ ગાંઠીયા “ પુરાણ ...!!!!!!

“ ગાંઠીયા “ પુરાણ ...!!!

“ સવારમાં ખાવ ચા ને ગાંઠીયા પછી ક્યાંથી હાલે ટાંટિયા ..” આવું કહેવાય છે પણ ગુજરાતીઓ અને ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ માટે આ કહેવત બિલકુલ લાગુ નથી પડતી. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગાંઠીયા ખાધા પછી જ જોમ, જુસ્સો અને તાકાત આવે છે ...!!! મોટાભાગનાની સાચી સવાર જ પચ્ચા ગાંઠીયા ખાધા પછી જ પડે ...!!! ગાંઠીયામાં વિટામીન ભરપુર માત્રામાં હોય અરે ડોકટરો પણ બિ૧૨ ની કમી વખતે પ્રિસ્ક્રીપશનમાં લખ્યા વગર કહી દ્યે કે ‘ હવાર હાંજ દહ દહ ના ફાફડા ખાતા જાવ ....કિરપા આતી રહેગી ....!!!!! ‘ જોક્સ એ પાર્ટ ગાંઠીયા ગુજરાતી નાસ્તો છે એમ કહેવું એના કરતા એમ કહેવું વધારે ઉચિત છે કે ગાંઠિયા એ ગમે ત્યારે કરાતો નાસ્તો છે ..ગાંઠીયા ઘણા માટે લંચ પણ છે ને ડીનર પણ ...!!! એનીટાઈમ ઈઝ એ ગાંઠીયા ટાઈમ વિથ ચા ...!!! યસ્સસ્સ્સ ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં તો સવાર જ ગાંઠિયાથી પડે અને રાત પણ ગાંઠિયાથી જ ...!!! ગમે ત્યારે અને કોઈ પણ સમયે ‘ વીહ ના વણેલા આપજે ‘ કે પછી ‘ હાય્લ પચ્ચા પચ્ચા ફાફડા ખાઈ ..” આવું કહેવું અને સાંભળવું સૌરાષ્ટ્રમાં સાવ એટલે સાવ જ કોમન છે ...!!! ગાંઠીયા સૌરાષ્ટ્રનું ઓફીશીયલ ફૂડ છે એમ કહેવું જરાય અતિશયોક્તિવાળું નથી જ ...!!! ગાંઠીયા એ સૌરાષ્ટ્રનું ઓરીઝનલ ‘ ફાસ્ટ ફૂડ ‘ કહી શકાય ...!!!

ઉપરના આખા પેરેગ્રાફમાં સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર વાંચી વાંચીને એવું રખે માનતા કે ગાંઠિયા ખાલી સૌરાષ્ટ્રમાં જ ખવાય છે ....ના ભૂરા નાઆઆઆ ....!!!! ગાંઠિયા આખાયે ગુજરાતમાં ખવાય જ છે અને એટલું જ નહિ પણ ‘ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ‘ ની જેમ ‘ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં અચૂક હોય ગાંઠીયા ‘ !! અમદાવાદ હોય કે એમ્સટરડેમ ....લંડન હોય કે લાલપુર ....કલકત્તા હોય કે કોડીનાર બધે ગાંઠીયા હાજર છે જ, હા શર્ત એટલી કે ત્યાં ગુજરાતી હોવો જોઈએ ...!!! જગતની માલીપા ગાંઠિયા ઉપરવાળાની જેમ બધે જ હાજરાહજૂર છે ....હા ક્યાંક ગરમાગરમ ..તાજેતાજા ખવાય છે તો જ્યાં આ સગવડતા ઉપલબ્ધ નથી ત્યાં પેક્ડ ખવાય છે પણ ખવાય છે તો ખરા જ ...!!! ગાંઠિયા એ ગુજરાત અને ખાસ તો સૌરાષ્ટ્રવાસીઓએ સ્વાદ-રસિક જનતાને આપેલી અદ્ભુત વાનગી છે ...!!!

હા પણ આગળ લખ્યું એમ સૌરાષ્ટ્રને અને ગાંઠીયાને અતુટ નાતો છે . સૌરાષ્ટ્રમાં પ્રસંગ કોઈ પણ હોય ગાંઠીયા તો હોય હોય ને હોય જ ...!!! લગ્ન હોય તો જાનના નાસ્તામાં એય ને ગરમાગરમ ફાફડા – જલેબી ને એની હાયરે ઘોલર મરચા, કાચી કેરી - ગાજર-ટામેટાનું મસ્ત મજાનું કચુંબર, કોથમીર-ફૂદીનાની લીલી ચટણી ને અમુક જગ્યાએ મસ્ત મજાનું ઠંડું દહીં તો હોય જ . ગાંઠિયા બધે જ છે – સર્વવ્યાપી જ કહી દ્યો ને ...!!! સવારના નાસ્તામાં ગાંઠિયા તો હોય જ....મરણમાં પણ ગાંઠિયા હોય ને જનમમાં પણ ગાંઠિયા જ હોય ..!!! ગાંઠિયા એ સૌરાષ્ટ્રવાસીઓ માટે ખાલી હવારનો નાસ્તો નથી પણ ઓલ ડે એની ટાઈમ સેલિબ્રેશન છે ..!! જી હા સૌરાષ્ટ્રમાં ગમે ત્યારે ગાંઠિયા ખવાય ...વહેલી હવારે ને અર્ધી રાત્રે પણ ..!! રાજકોટ, જામનગર કે જુનાગઢ કે બીજે ક્યાય પણ તમને અર્ધી રાત્રે બીજું કાઈ મળે કે ના મળે પણ ગરમાગરમ ગાંઠીયા અચૂક મળે જ ..!! ગુજરાતમાં બીજે બધે મળતા ગાંઠીયા જો બનાવનાર સૌરાષ્ટ્રવાસી ના હોય તો ઠંડા જ મળવાના પણ રાજકોટ જામનગર કે આખાયે સૌરાષ્ટ્રમાં જો ગાંઠીયા ઠંડા આપવામાં આવે તો અચૂક તલવારું ઉલળે...ધીંગાણા થઇ જાય ભાઈઈઈઈ ...!!! જી હા ગાંઠિયા ગરમાગરમ જ ખાવાની મજ્જો આવે ....ઠંડા તે કાઈ ગાંઠિયા ખવાતા હશે ...???એના કરતા તો ભુય્ખું રે’વું હારું ....!!! હુહહ્હ્હ ..!!!

ગાંઠીયા સૌરાષ્ટ્રવાસીઓ માટે બંધાણ છે... હા તો એમાં ખોટું શું છે ? દરેક પ્રદેશ કે શહેરની પોતપોતાની આગવી વાનગી હોય છે અને એના રહેવાસીઓ એના બંધાણી હોવાના જ . અને આ કાઈ ખાલી સૌરાષ્ટ્રવાસીઓનું બંધાણ થોડું છે હવે તો ‘ સૌરાષ્ટ્ર ફરસાણ ‘ જેવા બોર્ડો લગભગ દરેક શહેરમાં જુલતા થઇ ગયા છે અને સૌરાષ્ટ્ર સિવાયના શહેરોમાં પણ ગાંઠિયાના બંધાણી છે જ. હા એ અલગ વાત છે કે અમદાવાદ જેવા શહેરમાં મોટાભાગના ગાંઠિયાના કારીગરો નોન-કાઠીયાવાડી છે ..!! આમાં ક્યાંથી અસ્સલ ગાંઠીયા ખાવા મળે ...???? બીકોઝ અસલ કાઠીયાવાડી ગાંઠીયા બનાવવા હર કિસી કે હાથ કી બાત નહિ હૈ ....!!! અને ઇટ્સ ફેક્ટ કે સૌરાષ્ટ્ર જેવા ઓથેન્ટિક ગાંઠિયા તો માત્રને માત્ર સૌરાષ્ટ્રમાં જ મળે ..!! ઇવન અમદાવાદ કે વડોદરા કે બીજે ક્યાય પણ ભલે ને બનાવનાર કાઠીયાવાડી હોય તો પણ સૌરાષ્ટ્રમાં મળતા ગાંઠિયાનો અસલ્લ્લ સ્વાદ મિસિંગ લાગે લાગે ને લાગે જ ...!! અને એ તફાવત અનુભવવા માટે એકાદવાર ગોંડલના, રાજકોટના કે સૌરાષ્ટ્રના કોઈ પણ ગામના ગાંઠીયા ખાવા પડે ....!!! આ લખનારના સ્વાદિષ્ટ નિરીક્ષણ પરથી એવું જાણવા મળે છે કે લીંબડીથી જેમ જેમ સૌરાષ્ટ્ર બાજુ જતા જાવ એમ એમ ઉચા માયલા ગાંઠીયા મળતા થાય ...!!! ડોન્ટ લાફ ....આ હકીકત છે ..!!! લીંબડીથી રાજકોટમાં મસ્તીના ગાંઠિયા મળે એનાથી આગળ જાવ તો ગોંડલના ગાંઠીયા ‘ ધી બેસ્ટ ‘ ...એનાથી આગળ કેશોદ કે જુનાગઢ બાજુ એનાથીયે ટનાટન ગાંઠિયા ...!!! અને આવા મસ્ત પોચા અને સ્વાદિષ્ટ ગાંઠીયા બનાવવામાં વોશિંગ પાઉડર વપરાય છે એવી વાતો તો વિરોધીઓનું કાવતરું છે .. સખ્ત વિરોધ આપણો એ બાત પર ...!!! હકીકતે એનું કારણ રો-મટીરીયલ અને બનાવનારની હથોટી જ છે ..!!!

સકલ બ્રહ્માંડમાં તો નહિ પણ સકલ સૌરાષ્ટ્રમાં ગાંઠીયા ‘ હરી તારા નામ છે હજાર ‘ ની જેમ અનેકો સ્વરૂપે મળે છે . આરપાર જોઈ શકાય એવા પારદર્શી અને મોમાં નાખો ત્યાં ઓગળી જાય એવા ફાફડા તો ઓલટાઈમ હીટ ને હોટ છે જ તો કમનીય વળાંકોવાળા વણેલા ગાંઠીયા તો સરેઆમ ઉપલબ્ધ હોય જ છે પણ એ સિવાય પણ ફાફડાના મીની સ્વરૂપ જેવી તીખી અને મોળી બંને સ્વાદમાં ઉપલબ્ધ પાપડી પણ એટલી જ ફેમસ છે . ભાવનગર બાજુ જથ્થાબંધ મરી નાખેલા ભાવનગરી ગાંઠીયા ઉપલબ્ધ છે જે જીણી અને જાડી બંને સાઈઝોમાં મળે છે તો વધુ મોણ નાખીને બનાવેલા ‘ ચંપાકલી ‘ અને લાંબી સેવો જેવા જાડા ‘ તીખા ગાંઠીયા ‘ પણ ગાંઠીયા પરિવારના જ સભ્ય છે ...!!! ફાફડા અને વણેલા સિવાયના ગાંઠીયા ઠંડા હોય તો પણ ચાલે ...!!! કેમકે આ બંને સિવાયના જે લખ્યા છે એ ગાંઠીયાઓ લગભગ ગુજરાતી રસોડામાં બનતા ક્વિક અને ઇઝી ‘ ગાંઠિયા નું શાક ‘ કે પછી ભાવનગરના પ્રખ્યાત ‘ પાવ-ગાંઠીયા ‘ કે રાજકોટના ફેમસ ‘ તીખા-મોરા ‘ જેવી ડીશો બનાવવામાં વપરાય છે ..!!!

હવે રહી વાત ‘ મેરા ફાફડા અને તુમ્હારે ફાફડા’ ની તો અમદાવાદમાં મળતા ફાફડા અને સૌરાષ્ટ્રમાં મળતા ફાફડામાં બેઝીક તફાવત જાડાઈનો છે અને રહેવાનો કેમકે પ્રદેશ બદલાય એમ એમ વાનગીનું સ્વરૂપ બદલાય એ હકીકત છે અને સાથે સાથે બીજો તફાવત અમદાવાદમાં ફાફડા સાથે મળતી કઢી અને સૌરાષ્ટ્રમાં ફાફડા સાથે મળતા મરચા-સંભારો-દહીં જેવા લટકણીયાનો છે તો એના વિષે તો એટલુ જ કહેવું રહ્યું કે અમદાવાદમા ગોટા હોય કે ફાફડા કે દાળવડા હોય કે ખમણ બધા સાથે કઢી જ પીરસાય છે, હા મરચા બંને સાઈડ કોમન ખરા !!! અમદાવાદીઓ સોમનાથ-રાજકોટ કે જામનગર બાજુ જાય ત્યારે ત્યાના ફાફડા દબાવીને ખાય જ છે અને એ જ કાઠીયાવાડીઓ અમદાવાદમાં ‘ અમદાવાદી ફાફડા ‘ પણ ખાય જ છે ...!!! જો ભાઈઓ સ્થળ અને પ્રદેશ બદલાય તો ટેસ્ટમાં અને સ્વાદમાં એટલા ચેન્જ તો રહેંગા હી ક્યાઆઆઆ ....!!!! ઓથેન્ટિક વાનગીઓ જે તે પ્રદેશમાં જ મળવાની .....રાજકોટમાં આ અમદાવાદી ફાફડા ગોત્યા’ય ન મળે પણ હા અમદાવાદમાં ‘ અસલ કાઠીયાવાડી ગાંઠિયા ‘ અવેલેબલ છે જ ....!!!! યુ કેન કમ્પેર ....પણ એ પહેલા બંને ખાવા પડે .....!!!!! અને જે શ્રેષ્ઠ છે એને વખાણવા પણ પડે જ .....!!!!!! એન્ડ ઇટ્સ રાઈટીંગ ઓન ધ વોલ કે અસલ ફાફડા કે ગાંઠિયા તો સૌરાષ્ટ્ર જેવા ક્યાય મળે નહિ ...નહિ ને નહિ જ .....!!! ખોટું લાગે તો પચ્ચા ગાંઠીયા ખાઈ લેવાના શું ...!!!! ઇતિ સિધ્ધમ ....!!!