સાબુદાણાની સરસ વાનગીઓ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાબુદાણાની સરસ વાનગીઓ

સાબુદાણાની સરસ વાનગીઓ

મિતલ ઠક્કર

ઉપવાસમાં અને ખાસ કરીને અગિયારસમાં સાબુદાણાની વાનગીઓ ઘરમાં અચૂક બને છે. સાબુદાણાની ખીચડી અને વડા સામાન્ય રીતે વધુ બને છે. આમ તો સાબુદાણાના વડાની પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે. પરંતુ એ સિવાય પણ બીજી ઘણી વાનગીઓ છે, તેનું સંકલન આ ઇ બુકમાં કર્યું છે. જે તમારા ઉપવાસને યાદગાર બનાવશે. ટેપિઓકા રૂટ નામના કંદમાંથી દૂધ કાઢીને તેની પ્રક્રિયા કરવામાં આવે છે. તેનાથી દાણાદાર સાબુદાણા તૈયાર થાય છે. સાબુદાણા કેટલાય પૌષ્ટિક તત્વથી ભરપૂર એક બેલેન્સ ડાયેટ છે. તેમાં વિટામિન્સ, પ્રોટીન, મિનરલ્સ, કાર્બોહાઇડ્રેટ્સ જેવા તત્વો સામેલ છે. જો તેને ઓછા મસાલા અને ઓછા તેલમાં બનાવવામાં આવે તો તેનાથી શ્રેષ્ઠ ડાયેટ કોઇ હોઇ શકે જ નહીં. સાબુદાણાનું સેવન થાકને દૂર કરે છે. અને થાક ઓછો કરી શરીરમાં જરૂરી ઉર્જાના સ્તરને કાયમ રાખવામાં મદદ કરે છે. સાબુદાણામાં કેલ્શિયમ, આયરન, વિટામીન કે ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જે હાડકાંને મજબૂત બનાવી રાખવામાં અને જરૂરી લચીલાપણા માટે ખૂબ જ ફાયદાકારી હોય છે. તો ચાલો તૈયાર થઇ જાવ સાબુદાણાની વિવિધ ફરાળી વાનગીઓની રીત જાણવા માટે.

સાબુદાણાના ચિલ્લા

સામગ્રી: 1 કપ સાબુદાણા, 2 બાફેલાં બટાકાં, 2-3 લીલાં મરચાં, 2 ટીસ્પૂન ઝીણી, સમારેલી કોથમીર, 1 ટી સ્પૂન જીરું, અડધો કપ શેકેલી મગફળી, 4-5 ટી સ્પૂન દેશી ઘી, મીઠું સ્વાદનુસાર.

રીત: સાબુદાણા ધોઈને એના પર થોડું પાણી છાંટી 1 કલાક માટે ઢાંકીને રાખો. શેકેલી મગફળીને વાટી લો. સાબુદાણાને એક બાઉલમાં લઈ અંદર બાફેલાં બટાકાં, લીલાં મરચાં, કોથમીર, જીરું, મીઠું અને વાટેલી મગફળી મિક્સ કરો. હવે નોનસ્ટિક તવી ગરમ કરી તેના પર મોટા ચમચાથી આ મિશ્રણ ફેલાવો. નીચેથી શેકાઇ જાય એટલે ચારેય તરફ થોડું-થોડું ઘી નાખી તાવેથાથી પલટી દો. બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકવું. તેને ગ્રીન ચટણી સાથે પીરસો.

સાબુદાણા વડા

સામગ્રી: ૧/૨ કપ સાબુદાણા, ૧ કપ બાફી-છોલીને મસળી લીધેલા બટાટા, ૧/૩ કપ શેકેલી મગફળી-હલકો ભુક્કો કરેલી, ૧/૨ ટીસ્પૂન જીરૂ, ૧ ટીસ્પૂન ખમણેલું આદૂ, ૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં, ૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર, ૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ-મરજિયાત, સાકર-મરજિયાત, મીઠું સ્વાદાનુસાર, તેલ તળવા માટે, લીલી ચટણી, તાજા દહીંમાં ૩ ટેબલસ્પૂન પીસેલી સાકર મેળવવી.

રીત: સાબુદાણા સાફ કરી, ધોઇને આશરે ૧/૩ કપ પાણીમાં લગભગ ૪ થી ૫ કલાક અથવા બધું પાણી સાબુદાણામાં શોષાઇને સાબુદાણા ફુલી જાય ત્યાં સુધી પલાળી રાખો. તે પછી તેમાં બાકી રહેલી વસ્તુઓ મેળવીને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણના ૮ સરખા ભાગ પાડી, દરેક ભાગને ગોળ ચપટો આકાર આપી વડા બનાવી બાજુ પર રાખો. એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં મધ્યમ તાપ પર વડા બન્ને બાજુએથી હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને સૂકા થવા ટીશ્યુ પેપર પર કાઢી લો. લીલી ચટણી અને મીઠા દહીં સાથે ગરમ-ગરમ પીરસો.

સાબુદાણાના ફરાળી થેપલા

સામગ્રી: અડધો કપ સાબુદાણા, ૨ નંગ બાફેલા મોટા બટાકા, ૨ ટે. સ્પૂન રાજગરા લોટ, પા કપ શેકેલા શિગંદાણાનો પાઉડર, પા કપ ઝીણી સમારેલી કોથમીર, ૧ ટે.સ્પૂન જીરું, ૧ ટે.સ્પૂન આદું-મરચાંની પેસ્ટ, ૧ ટે.સ્પૂન લીંબૂનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, સાંતળવા માટે જરૂર મુજબ તેલ

રીત: સાબુદાણાને ધોઈને છથી સાત કલાક પલાળવા. સાબુદાણા ડૂબે તેટલું પાણી લેવું. જો સૂકાઈ જાય તેવું લાગે ફરીથી પાણી છાંટવું. બાફેલા બટાકાનો માવો બનાવવો. તેમાં રાજગરાનો લોટ, આદું-મરચાંની પેસ્ટ, લીંબૂનો રસ, જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, સમારેલી કોથમીર નાંખવી. સાબુદાણાને મસળીને ભેળવવા. બરાબર ભેળવીને આડણી ઉપર પ્લાસ્ટિક શીટ ગોઠવવી. તેની ઉપર તેલ લગાવીને નાના ગોળા બનાવીને હળવે હાથે વણી લેવું. નૉન-સ્ટીક તવા ઉપર ધીમા તાપે તેલ કે ઘી મૂકીને સોનેરી રંગનું થાય ત્યાં સુધી સાંતળવું. ગરમાગરમ પરોઠા દહીં કે કોથમીર ફૂદીનાની ચટણી સાથે સર્વ કરવા.

સાબુદાણાની ખીચડી

સામગ્રી: ૧ કપ સાબુદાણા, ધોઇને નીતારી લીધેલા, ૨ ટેબલસ્પૂન તેલ, ૧ ટીસ્પૂન જીરૂ, ૩/૪ કપ બાફીને છોલેલા બટાટાના ટુકડા, મીઠું અથવા સિંધવ મીઠું, સ્વાદાનુસાર, ૧/૨ કપ શેકીને હલકો ભૂક્કો કરેલી મગફળી, ૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર, ૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં, ૫થી૬ કડીપત્તા, ૨ ટીસ્પૂન લીંબુનો રસ, ૨ ટીસ્પૂન સાકર.

રીત: એક ઊંડા બાઉલમાં સાબુદાણા સાથે ૩/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી સાબુદાણાને ૨ કલાક બાજુ પર રાખો. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં બટાટા, સાબુદાણા, મીઠું, મગફળી, કોથમીર, લીલા મરચાં, કડીપત્તા, લીંબુનો રસ અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો. ગરમ-ગરમ પીરસો.

સાબુદાણાના પાપડ

સામગ્રી : ૨૫૦ ગ્રામ સાબુદાણા, ૧ લિટર પાણી, મીઠું સ્વાદ મુજબ.

રીત : સાબુદાણા ધોઈને ૧૦-૧૫ મિનિટ સુધી રાખી મૂકો. પછી એક મોટા તપેલામાં પાણી અને સાબુદાણા નાખી સતત હલાવતાં હલાવતાં પકવો. જ્યારે સાબુદાણા ઓગળી જાય અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે એક સાફ ચાદર પર એક ચમચો મિશ્રણ નાખીને તેનો પાપડ બનાવો. આમ બધા મિશ્રણમાંથી સાબુદાણાના પાપડ બનાવો. તેજ તડકામાં પાપડ સૂકવો. સુકાઈ ગયા પછી તેમને ડબ્બામાં બંધ કરી નાખો. પછી ઈચ્છા થાય ત્યારે તેલમાં તળીને ચા સાથે ખાવ.

સાબુદાણા ચેવડો

સામગ્રી: એક કપ મોટા સાબુદાણા, એક કપ સીંગદાણા, અડધો કપ સૂકા નારિયેળની લાંબી કતરણ, 20-25 સીંગદાણા, અડધી ચમચી સીંધવ મીઠું, પા ચમચી કાળામરી.

રીત: સૌપ્રથમ સાબુદાણામાં બે ચમચી પાણી નાખી મિક્સ કરી એકબાજુ મૂકી દો, જેથી થોડા નરમ પડે. સાબુદાણાને 5 મિનિટ આ જ રીતે રાખી તળવા. તેલ ગરમ થઈ જાય એટલે સાબુદાણા તળવા. સાબુદાણા તળવા માટે તેલ એકદમ ગરમ હોવું જોઇ, ત્યારબાદ ધીમા ગેસ પર સાબુદાણા તળવા. સાબુદાણા તળાતાં તલભગ 2-3 મિનિટ લાગશે. થોડીજ વારમાં અંદર સુધી સાબુદાણા એકદમ ક્રિસ્પી બની જશે. તેલ ઠંડુ લાગે તો ગેસને થોડીવાર માટે મિડિયમ કરી શકાય છે. ત્યારબાદ ધીમા ગેસ પર સીંગદાણા તળી લો. સીંગદાણા બહુ જલદી તળાઇ જશે. બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા ગેસ પર તળવા. ત્યારબાદ બદામ તળી લો. બદામ બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ધીમા ગેસ પર તળવી. સૌથી છેલ્લે કોપરાની કતરણને તળી લો. કોપરાની કતરણ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી જ તળવી. હવે આ બધી જ વસ્તુઓને એક મોટા બાઉલમાં લઈ અંદર સીંધવ મીઠું અને કાળામરી નાખી બરાબર મિક્સ કરી લો. તૈયાર છે સાબુદાણાનો ફરાળી ચેવડો.

સાબુદાણા ફ્રૂટ વડા

સામગ્રી: ચાર બાફેલા બટાકા, એક બાફેલું શકરિયું, અડધી વાટકી સાબુદાણા (પલાળેલા), મીઠું સ્વાદ મુજબ, એક કાચું કેળું, એક સફરજન, બે ચમચી દાડમના દાણા, એક ગાજર, અડધી ટીસ્પૂન મરી પાઉડર, તેલ જરૂર મુજબ.

રીત : એક બાઉલમાં બટાકા મેશ કરી લો. પલાળેલા સાબુદાણામાંથી બધું જ પાણી નિતારી લો. પછી તેમાં બાફેલા બટાકા મિક્સ કરો. હવે કેળાં, સફરજન અને ગાજરને છીણીને મિક્સ કરો. તેમાં દાડમના દાણા, સફરજન, શકરિયાં નાખી સરખી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને હથેળીમાં લઈને વડાનો શેપ આપી તેલમાં તળી લો. વડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી ગરમ ગરમ સર્વ કરો.

સાબુદાણા બિરયાની

સામગ્રી: એક વાટકી સાબુદાણા, એક ગાજર, બે નંગ બાફેલા બટાકા, બે ચમચી મગફળીના દાણા, એક નંગ સમારેલું લીલું મરચું, સમારેલી કોથમીર ગાર્નિશ માટે, અડધી ચમચી સિંધાલૂણ, અડધી ચમચી આમચૂર પાઉડર, એક ચમચી તેલ, જરૂર મુજબ દાડમના દાણા.

રીત: સાબુદાણાને એક કલાક પાણીમાં પલાળી લો. પછી તેમાંથી બધુ પાણી નિતારી લો. હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં મગફળીના દાણા અને ડ્રાયફ્રૂટ્સ નાખીને તળી લો. તેને પ્લેટમાંથી કાઢી લો. હવે પેનમાં તેલ ગરમ કરી લો. તેમાં ઝીણાં સમારેલા લીલા મરચાં અને ગાજર નાખો. ગાજર સહેજ ફ્રાય થઈ જાય એટલે તેમાં સાબુદાણા, મગફળીના દાણા અને ડ્રાય ફ્રૂટ મિક્સ કરો. હવે બટાકા, સિંધાલૂણ, આમચૂર પાઉડર અને મરી પાઉડર નાખી મિક્સ કરો. ઉપરથી કોથમીર અને દાડમના દાણા નાખી સર્વ કરો.

સાબુદાણાની ઈડલી

સામગ્રી: એક કપ સાબુદાણા, એક કપ મોરેયાનો લોટ, એક ટીસ્પૂન તેલ, બે કપ છાશ, અડધી ટીસ્પૂન ખાવાનો સોડા, બે ડુંગળી (ઝીણી સમારેલી), બે ટીસ્પૂન કોથમીર ઝીણી સમારેલી, ચાર ઝીણા સમારેલા લીલા મરચાં, મીઠું સ્વાદ અનુસાર.

રીત: કડાઈમાં તેલ અને સાબુદાણા મધ્યમ તાપે પાંચ મિનિટ શેકવા. સાબુદાણા છાશથી પલાળવા. આઠ કલાક ઢાંકણ ઢાંકી રાખો. ઈડલી ઉતારતા પહેલાં પલળેલા સાબુદાણા વાટી લેવા. તેમાં મોરેયાનો લોટ ઉમેરો અને સ્વાદ અનુસાર મીઠું અને સોડા ઉમેરી હલાવી લેવું. કોથમીર, લીલા મરચા ઉમેરવા. ઈડલીના વાસણમાં તેલ ચોપડી, ખીરું રેડી ઈડલી ઉતારવી. ગરમ ઈડલી કોપરાની ચટણી સાથે પીરસવી.

સાબુદાણાની ખીર

સામગ્રી: દૂધ દોઢ લીટર, સાબુદાણા પા કપ, એલચીનો પાવડર-પા ચમચી, સમારેલો મેવો જરૂર પુરતો, કેસરના થોડા તાંતળા.

રીત : સાબુદાણાને ખીર બનાવવાના અડધો કલાક પેહલા ધોઈ, પાણી નીતારીને રાખી મુકો. જાડા તળિયાવાળી તપેલીમાં દૂધ ગરમ કરો, દૂધ ઉકાળવા લાગે અને તેમાં ચાર પાંચ ઉભરા આવે એટલે સાબુદાણા નાખી દો. આને સતત હલાવતા રહો, સાબુદાણા બરાબર ગળી જવા દો. તે પછી તેમાં ખાંડ નાખો. ખીર ઘટ્ટ થવા લાગે અને સાબુદાણા એકદમ પારદર્શક થઇ જાય એટલે આંચ પરથી નીચે ઉતારી લો. કેસરને થોડા પાણીમાં ઘોળો. હવે ખીરમાં સમારેલો મેવો, એલચીનો પાવડર અને કેસર ભેળવો. તમે ઈચ્છો તો કાજુના ટુકડા અને પીસ્તાના ટુકડા ભભરાવી શકો.

સાબુદાણા અને બટાકાની ચકરી

સામગ્રી : ૫૦૦ ગ્રામ સાબુદાણા (૧ તપેલી), ૧/૨ તપેલી પાણી (સાબુદાણા પલાળવા), ૧ કિલો બાફેલા બટાકા, ૧/૨ ચમચી જીરું, ૨ ચમચી વાટેલા મરચા, મીઠું સ્વાદ પ્રમાણે, ૧ તપેલી પાણી (સાબુદાણા ઉકાળવા માટે)

રીત : સૌથી પહેલાં સાબુદાણાને એક તપેલીમાં સરખા લેવલ એ આવે તે રીતે ભરી દો, પછી તે જ તપેલીના માપથી પાણીને નવસેકુ ગરમ કરો. તેમાં સાબુદાણાને ધોઈને આખી રાત માટે પલળવા મુકો, સવારે સરસ આ રીતે સાબુદાણા પલળી જશે. જે તપેલીથી આપણે સાબુદાણા લીધા હતા એજ એક તપેલી પાણી ગરમ કરવા મૂકી તેમાં મીઠું, જીરું અને મરચા ઉમેરી દો. પાણી ઉકળે એટલે પલાળેલા સાબુદાણા એમાં ઉમેરી મિક્ષ કરી હલાવતા જાઓ. ૭-૮ મિનીટ પછી ૮૦ ટકા જેટલા સાબુદાણા આ રીતે પારદર્શક થઇ જશે. બાફેલા બટાકાને છીણી લો. હવે આ બટાકામાં ઠંડુ થયેલું સાબુદાણાનું મિશ્રણ ઉમેરી બધું સરસ રીતે મિક્ષ કરી લો. સેવ બનાવવા માટે આપણે જે સ્ટાર બનાવવા માટેની જે જાળી આવે છે તે વાપરવાની છે, તો જાળી અને સંચાને તેલ લગાવી તૈયાર કરેલું મિશ્રણ આમાં ભરી દઈશું. પ્લાસ્ટિક પર આ રીતે લાંબા લાંબા સ્ટાર બનાવી લઈશું, જો ચકરી નો જલેબી જેવો શેપ આપવો હોય તો પણ આપી શકાય. ૩-૪ દિવસમાં ચકરી આ રીતે સુકાઈ ને તૈયાર થઇ જશે, તમે તેને તાપમાં કે ઘરમાં ગમે ત્યાં સૂકવી શકો છો.

સાબુદાણાની વેફર

સામગ્રી: 1 કિલો સાબુદાણા, 1 ચમચી આદું-મરચાંની પેસ્ટ, 2 ચમચી જીરું, મીઠું, ખાવાનો લીલો- લાલ કલર.

રીત : સૌપ્રથમ સાબુદાણાને ધોઈ ત્રણ ગણા પાણીમાં પલાળી રાખવા. સવારના એ જ તપેલામાં આદુ-મરચાંની પેસ્ટ, જીરું ને મીઠું નાખી ગૅસ પર ઊકળવા મૂકવું. તવેથાથી હલાવતાં રહેવું જેથી ચોંટી ન જાય. સાબુદાણાનું ખીરું જાડું થઈ જાય એટલે તે ખીરાને અલગ બે તપેલામાં લઈ લાલ-લીલો કલર નાખી તડકામાં મોટું પ્લાસ્ટિક પાથરી ચમચા વડે વેફર પાડવી. સખત તડકામાં એકદમ કડક સૂકવવી.

***