Redlite Bunglow - 30 books and stories free download online pdf in Gujarati

રેડલાઇટ બંગલો ૩૦

રેડલાઇટ બંગલો

રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૦

અર્પિતા સવારે તૈયાર થઇ રચનાની રાહ જોતી રાજીબહેનનો વિચાર કરી રહી હતી. પોતે કોલેજક્વીન સ્પર્ધામાં ભાગ ના લઇ શકી અને રચનાએ સારો પર્ફોમન્સ ના આપ્યો તો પણ રાજીબહેન બહુ નિરાશ કે નારાજ થયા ન હતા. અને બંનેને ફરવા માટે મોકલી રહ્યા હતા. અર્પિતાને એમાં રાજીબહેનની કોઇ ચાલ લાગી રહી હતી. મારે વધારે સાવધ રહેવું પડશે. રાજીબહેનને શંકા જશે તો કિનારે આવી રહેલું વહાણ ડૂબી જશે. રેડલાઇટ બંગલોની લાઇટ બંધ કરવાનું બીડું ઝડપ્યું છે એને પૂરું કરીને જ રહેવાનું છે. જેમના ભવિષ્યને તેમણે અંધકારમય બનાવ્યું છે એવી બધી જ છોકરીઓને તેમના રેડલાઇટમાંથી બહાર કાઢવાની છે. અત્યાર સુધી બધી જ યોજનાઓમાં સફળ રહી છું એટલે રાજીબહેનને હું નુકસાન પહોંચાડી રહી છું એનો અંદાજ આવી શકે છે. કંઇક વિચારીને અર્પિતાએ પોતાના રૂમનું ચારે તરફથી નિરીક્ષણ કરી લીધું અને બધું વ્યસ્થિત ગોઠવી રચનાને બોલાવવા ગઇ. રચના તૈયાર જ હતી.

"રચના, ચાલ જલદી. કેટલી તૈયારી કરી રહી છે..."

"મારે થોડી વધારે તૈયારી કરવી પડી છે. મારી બસ બદલાઇ ગઇ છે.."

"કેમ? તું કઇ બસમાં આવવાની છે? મારી સાથે બસમાં નથી આવવાની?"

"અર્પિ, રાત્રે માનો ફોન હતો. પપ્પાની તબિયત સારી નથી. થોડા રૂપિયા પહોંચાડવા પડશે. સોરી! હું તારી સાથે આવી શકું એમ નથી, પણ તું રાજીબહેનને વાત ના કરતી. બસ ડેપો ગયા પછી આપણે પોતપોતાના ગામની બસમાં નીકળી જઇશું."

"અરેરે! મને એમ કે તું આવશે તો આપણે ગામમાં સાથે બહુ બધી મજા કરીશું."

"કોની સાથે મજા કરાવવાની હતી?"

"ચલ નટખટ ! ગામમાં હરવા-ફરવાની મજાની વાત કરી રહી છું."

"મને એમ કે તારા સાયબા સાથે...!"

"ચૂપ કર! આવું વિચારતા તને શરમ આવવી જોઇએ."

"લાગે છે કે કોઇને દિલ આપી દીધું છે."

"મને ખબર નથી મેં મારું શું શું આપી દીધું છે. પણ વિનયને મળવાની ઉત્સુક્તા ઘણી છે.."

"ઉત્તેજના નથી?"

"એ તો મળીશ ત્યારે જ ખબર પડશે કે કોને કેટલી છે! ચાલ હવે સમય નથી. તારી બસની તો ખબર નથી પણ મોડું થશે તો મારી આઠ વાગ્યાની ઊપડી જશે."

"મારા ગામની સવા આઠની છે...ચાલ તું ઊતર હું આવી..." કહી રચનાએ અર્પિતાની નજીક જઇ બાથ ફરી વહાલ કર્યું. અર્પિતાએ તેને બંને હાથથી દબાવી.

"વિનય માટે રીહર્સલ કરે છે કે શું!" રચનાએ અર્પિતાને ચીડવી.

અર્પિતા હસતી હસતી બેગ લઇને નીચે ઊતરી ત્યારે કાર તૈયાર હતી. રાજીબહેન દેખાતા ન હતા.

રચના આવી એટલે મહિલા કારચાલકે કાર ઊપાડી.

કારમાં બંને મૂંગી જ બેસી રહી. બંનેને ડેપો પર ઊતારી રાજીબહેનની કાર નીકળી ગઇ.

ડેપો પર પહોંચીને બંને એક બાકડા પર બેસી પાછા કઇ બસમાં આવવું તે નક્કી કરવા લાગી. ડેપોમાં ટાઇમટેબલ જોઇને બંને એકસાથે પાછી આવી શકે એવું ગોઠવી દીધું.

થોડી જ વારમાં અર્પિતાની બસ આવી એટલે તે બેસી ગઇ.

બસ આગળ વધી એમ તેના વિચાર આગળ વધવા લાગ્યા. તેને માતા અને કાકાના વિચાર આવી ગયા. બંનેને એકબીજાનો સાથ મળી ગયો છે. એમના દિલને ટાઢક અને શરીરને સંતોષ મળતો હોય તો મારે શું વાંધો છે. આ ઉંમરે બંનેના લગ્ન કરાવી આપવા જોઇએ? ગામલોકો શું કહેશે? પતિ વિદેશ ગયો અને દિયરની સોડમાં ભરાઇ ગઇ? ના હમણાં આ વિશે વિચારવું નથી.

ગામમાં પહોંચીને અર્પિતાએ ઘરનો દરવાજો ખખડાવ્યો.

વર્ષાબેને દરવાજો ખોલ્યો. અર્પિતાને જોઇ ખુશ થઇ ગયા.

"છોડી! શું વાત છે! અચાનક?"

"હા મા, ઘણા દિવસ થયા એટલે થયું કે મળી આવું.."

"ચાલ સારું થયું તું આવી...હાથ-મોં ધોઇ આરામ કર. હું આ રસોઇ પૂરી કરી લઉં. બંને બાળકો સ્કૂલેથી આવશે એટલે પહેલાં જમવાનું માગશે. આમ તો તને જોઇ એમને ભૂખ લાગવાની નથી!"

"હા મા, બંને મજામાં છે ને?"

"ભણી તો રહ્યા છે..."

અર્પિતાએ ઘરમાં નજર નાખી. ઘરમાં મિક્ષ્ચર મશીન અને ટેબલફેન જેવી બે-ત્રણ વસ્તુઓ નવી જોવા મળી. મા પણ ખુશ હતી. તેને લાગતું હતું કે મા આધુનિક બની રહી છે. તે પહેલાંથી વધુ સુંદર લાગી રહી હતી. આઇબ્રો અને ચહેરાનો નિખાર જોઇ તેને થયું કે મા આજકાલ બ્યુટીપાર્લરમાં જઇ રહી છે કે શું? પણ આ બધા પૈસા ક્યાંથી આવ્યા? હરેશકાકા કંઇક વધારે જ મહેરબાન લાગે છે.

તેણે કહ્યું:"મા, હું હરેશકાકાને મળી આવું? ખેતરે ગયા નહીં હોય ને?"

હરેશભાઇની વાત કરી એટલે વર્ષાબેનના ચહેરા પર દુ:ખ ફેલાયું. તે ગંભીર થઇ બોલ્યા:"બેટા, હરેશભાઇની તો શું વાત કરું..."

"કેમ શું થયું?" અર્પિતાના ચહેરા પર ચિંતાના ભાવ આવ્યા.

વર્ષાબેને હરેશભાઇને થયેલા અકસ્માત અને પછી ખેતરમાં લાગેલી આગની વાત કરી.

"મા, આટલું બધું બની ગયું અને તમે મને જાણ જ ના કરી?"

"તારા કાકાએ ના પાડી હતી."

"પણ તું ખાનગીમાં જણાવી શકી હોત."

"મને પણ થયું કે તને દોડાવીશ તો તારું ભણવાનું બગડશે...."

"જીવન જ બગડી ગયું છે ત્યાં ભણવાનું બગડશે તો શું ફરક પડવાનો હતો." માણસોની શરીરભૂખ સંતોષતી અર્પિતાને મનમાં થયું પણ તે બોલી નહી.

"હું હમણાં જ કાકાને મળી આવું છું..." કહી અર્પિતા દોડતી હરેશભાઇના ઘરે પહોંચી ગઇ. તેને જોઇ લાલુ મજૂર બહાર નીકળી ગયો.

"આવ.. અર્પિતા, અચાનક આવી ?"

"એ તો સારું થયું કે આવી. નહીંતર મને થોડું કોઇ કહેવા આવવાનું હતું. તમને હવે કેવું છે?" અર્પિતાના ચહેરા પર નારાજગી હતી.

"સારું છે. થોડું ચાલી પણ શકાય છે." બોલીને હરેશભાઇ લાકડી લઇ ઊભા થયા. થોડુંક ચાલીને બતાવ્યું. પછી બોલ્યા:"હમણાં મારાથી ખેતી થવાની નથી એટલે વિનયને ખેતર સોંપી દીધું છે. આવક ચાલુ થઇ જશે."

વિનયનું નામ સાંભળી અર્પિતા ચમકી. "કોણ વિનય?"

"આ પેલા લાભુભાઇનો છોકરો. બહુ સીધો અને ભલો છે. સાચું કહું તો મને એ તારા માટે ગમી ગયો છે..."

હરેશભાઇની વાત સાંભળી અર્પિતા શરમાઇ ગઇ.

"તને પૂછ્યા વગર જ તારા માટે એને વાત કરી છે..."

"શું?" અર્પિતા ફરી ચમકી.

"તને તો ખબર જ હશે કે ગામમાં વિનયની તોલે આવે એવો એકપણ છોકરો નથી. અને તું પણ ક્યાં કમ છે. આખા ગામમાં દીવો લઇને શોધવા જઇએ તો તારા જેવી સંસ્કારી અને ઘરેલુ છોકરી કોઇ નહીં મળે."

હરેશભાઇની વાત સાંભળી અર્પિતાના દિલમાં એક ટીસ ઊઠી. "જો કોઇને મારા ધંધા વિશે ખબર પડશે તો સંસ્કારી નહીં બદચલન અને ઘરેલુ નહીં બાજારુ છોકરી તરીકે ઓળખશે એની તમને ક્યાં ખબર છે..."

"કાકા, હજુ તો મેં કોલેજ શરૂ કરી છે. શું ઉતાવળ છે? પછી વિચારીશું." અર્પિતાએ વાતને ટાળવાનો પ્રયત્ન કર્યો.

"આવો છોકરો પછી નહીં મળે. સાચું કહું તો વિનયની તારા માટે હા છે. તું એને મળીને તારો વિચાર જણાવી દેજે. મારે તો એના કામ સાથે નિસ્બત વધારે છે. મહેનત કરી જાણે એવો છે. પણ ખબર નહીં તારી માએ કેમ પેલા.... હેમંતને ખેતર સોંપી દીધું..." હરેશભાઇને ત્યારે મનમાં થયું કે ન જાણે બીજું શું સોંપી દીધું હશે.

"હેમંતભાઇ? ગામના છેડે બંગલો છે અને આપણું અનાજ લેતા હતા એ જ ને?"

"હા એ જ. માણસ બહુ સારો નથી. આપણે એને અનાજ વેચ્યું પણ એની ઇજ્જત વેચાઇ ગયેલી છે. કોઇ એને સારો ગણતું નથી પણ..."

અર્પિતાને હરેશભાઇના બાકીના શબ્દોમાં રહેલો ભેદ સમજતા વાર ના લાગી.

"કાકા, તમે તબિયત સાચવજો અને કોઇ મદદની જરૂર હોય તો કહેજો.."

"આ તો મારે તને કહેવાનું હોય.."

"ના કાકા. તમે મારી ચિંતા ના કરશો. હું મારું સંભાળી લઇશ."

અર્પિતા હરેશભાઇ સાથે વાત કરીને નીકળ્યા પછી બીજા અનેક પ્રશ્ન તેને ઘેરી વળ્યા. માએ હેમંતભાઇને ખેતીનું કામ કેમ સોંપ્યું હશે? વિધુર હેમંતભાઇ કાછડીછૂટો માણસ ગણાય છે. ખેતરમાં આગ લાગી ગઇ અને નુકસાન થયું તો પછી મા ઘર કેવી રીતે ચલાવે છે? ભાઇ-બહેનના અભ્યાસનો પણ ખર્ચ આવે છે. અને મા હવે તો વધારે ટાપટીપ કરીને ફરે છે. તો શું આ હેમંતભાઇની મહેરબાની હશે? પોતે તો વિચારતી હતી કે માએ હરેશકાકાનો સહારો લીધો હશે. હવે તે લાચાર છે એટલે બીજા કોઇને પકડ્યો હશે? વિનયને પણ જલદી મળવું પડશે. કાલે સવારે તેણે વિનયને મળવાનું નક્કી કરી લીધું.

ઘરે પહોંચીને તેણે માને સીધો જ પ્રશ્ન કર્યો. "મા, તેં પેલા હેમંતભાઇને ખેતર સોંપી દીધું?"

"એમણે તો હરકદમ પર અમને મદદ કરી હતી. તારા કાકાને બચાવ્યા અને આપણા ખેતરને ફરી લીલુંછમ બનાવવા મદદ કરી. તારા કાકાને એમનું અહેસાન નથી. મને તો ખેતીની નિપજ થાય એ પહેલાં જ થોડા પૈસા આપી દીધા. એમાંથી જ તો આ ઘરસંસાર ચાલે છે.."

વર્ષાબેનના જવાબમાં અર્પિતાને એ જવાબ પણ મળી ગયો જેનો પ્રશ્ન તેણે પૂછ્યો ન હતો. વર્ષાબેને પહેલાં જ ખુલાસો કરી દીધો એ સમજતા અર્પિતાને વાર ના લાગી.

બંને ભાઇ-બહેન શાળાએથી આવી ગયા એટલે અર્પિતા તેમની સાથે વાત કરવા લાગી. સાંજ સુધી અર્પિતાએ બંને સાથે સમય પસાર કર્યો. બંને માટે લાવેલી વસ્તુઓ આપી અને ચોકલેટ-બિસ્કિટ માટે પૈસા આપ્યા.

વર્ષાબેન ખેતરે જવાનું કહી નીકળી ગયા હતા. મોડું થશે એમ કહી ગયા હતા. પણ રાત પડવા આવી એટલે અર્પિતાને ચિંતા થવા લાગી. બંને ભાઇ-બહેનને જમાડીને તે આડી પડી હતી. સહેજ ઝોકું આવી ગયું.

વર્ષાબેન હાંફળાફાંફળા ઘરે આવ્યા અને ઝટપટ કપડાં બદલવા લાગ્યા.

અર્પિતાને કોઇ આવ્યું હોવાનો ખ્યાલ આવ્યો. અર્પિતાએ આંખ ખોલી અને માને કપડાં બદલતા જોઇ એટલે કંઇ બોલ્યા વગર પડી રહી. વર્ષાબેન બ્લાઉઝ કાઢી રહ્યા હતા.

અર્પિતાની નજર વર્ષાબેનની ખુલ્લી પીઠ પર ગઇ. ત્યાં બે જગ્યાએ નહોર જેવા નિશાન જણાયા. અરીસા સામે ઊભેલા વર્ષાબેન છાતી પર હાથ ફેરવી રહ્યા હતા. હાથ સહેજ ખસ્યો એટલે અર્પિતાને અરીસામાં વર્ષાબેનના ગોરા ઉરોજ પર લાલ ચકામા જેવા નિશાન જણાયા. ત્યાં દાંતથી ચામડી લાલ થઇ ગયેલી લાગતી હતી. અર્પિતાએ આંખો બંધ કરી દીધી. તેને થયું કે મા પોતાના રસ્તે જઇ રહી છે કે શું? કેટલાક ગ્રાહકો આક્રમક બની તેની આવી સ્થિતિ કરતા હતા. તો શું મા બીજા કોઇને પણ પોતાનું શરીર સોંપી રહી છે? પોતે આ કીચડમાંથી બહાર આવવા રસ્તો શોધી રહી છે ત્યારે મા એ જ રસ્તે આગળ વધી રહી છે? ઓ મા!

તેણે તરત જ કંઇક નક્કી કર્યું અને આંખો ખોલી એકદમ બેઠા થઇ વર્ષાબેનને પૂછ્યું:"મા, પીઠ પર આ શેના નિશાન છે?"

અર્પિતાનો સવાલ સાંભળી વર્ષાબેન ચોંકી ગયા. શું જવાબ આપવો એ સમજાયું નહી.

***

અર્પિતા વિનયને મળીને લગ્ન અંગે કોઇ વાત કરશે? વર્ષાબેન શરીર પરના નિશાનનો શું જવાબ આપશે? એ બધું જ જાણવા હવે પછીના રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED