રેડલાઇટ બંગલો ૩ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેડલાઇટ બંગલો ૩

રેડલાઇટ બંગલો

પ્રકરણ-૩

રાકેશ ઠક્કર

બીજા પ્રકરણમાં આપે વાંચ્યું....

રૂપવતી અર્પિતા ખુશ હતી. તેને શહેરની જાણીતી કોલેજમાં એડમિશન મળી ગયું હતું. ટ્રસ્ટી મેડમ રાજીબહેનની ભલામણથી તેને સરળતાથી પ્રવેશ મળી ગયો હતો. અર્પિતાના પરિવારની ગરીબી વિશે જાણીને રાજીબહેને તેની ફી માફ કરાવી દીધી હતી. અર્પિતાની માતા વર્ષાબેન ક્યારે અર્પિતા કોલેજમાં આવે અને શહેરમાં આવી જાય તેની રાહ જોતા હતા. ગામમાં તેના માટે જોખમ હતું. સોળ વર્ષે અર્પિતા કળીમાંથી ફૂલ બની રહી હતી. તેનું યૌવન કપડાંમાં સમાતું ન હતું. તેના ફાટફાટ થતા યૌવનને જોઇને ઘણાની આંખમાં સાપોલિયા રમતા હતા. પણ એ તો વિધુર દિયર હરેશભાઇ એવાને નાગ બની ડંખે એમ હતા એટલે કોઇએ અર્પિતા પર હાથ નાખવાની હિંમત કરી ન હતી. રાજીબહેને અર્પિતાને રહેવા માટે રેડલાઇટની જગ્યા કહી એ સાંભળી અર્પિતા ચોંકી ગઇ હતી. પરંતુ એમના બંગલાનું નામ "રેડલાઇટ" હતું એ જાણી રાહત થઇ હતી. અર્પિતાએ તેની બાજુની રૂમની રચના સાથે વાત કરી ત્યારે તેણે તેને કોમ્પીટીટર ગણી તેની નવાઇ લાગી. રચનાની વાત તેને સમજાતી ન હતી. એ તો કોલેજના બીજા વર્ષમાં હતી. તો પછી હું તેની સ્પર્ધક કેવી રીતે થઇ? મારા આવવાથી રાજીબહેનનો તેના માટેનો પ્રેમ ઓછો થઇ જશે એનો ડર હશે તેને?" અર્પિતાને અનેક વિચાર આવી ગયા.... હવે આગળ વાંચો.

***

અર્પિતાને સારી કોલેજમાં પ્રવેશ મળી ગયો, રાજીબહેને ફી માફ કરાવી આપી અને રહેવાની વ્યવસ્થા કરી આપી એ ત્રેવડી ખુશીથી વર્ષાબેનના મનમાં આનંદ સમાતો ન હતો. તેની સાથે એક છૂપી ખુશીથી પણ દિલમાં ઉમંગ ઉછાળા મારી રહ્યો હતો.

રાજીબહેનની કાર બસ સ્ટેશન પર તેમને છોડી ગઇ પછી બસ આવવાને થોડી વાર હતી. વર્ષાબેને ઝટપટ કેટલીક ખરીદી કરી લીધી. અને આવીને બસમાં બેસી ગયા. બસ ઊપડી એટલે તેમણે આંખો બંધ કરી દીધી. દિયર હરેશભાઇને અર્પિતાના ખુશખબર આપવા તેમનું મન ઉતાવળું બન્યું હતું. વર્ષાબેનને લાગ્યું કે તે બસમાં નહીં પણ હવાઇ જહાજમાં ઊડીને જઇ રહ્યા છે. પતિ સોમલાલ જો સાથે હોત તો તેણે દોડવાની જરૂર પડી ન હોત. તે ભૂતકાળમાં ડૂબી ગયા.

તે અઢાર વર્ષની થઇ એટલે તેના પિતાએ સોમલાલ સાથે તેના લગ્ન કરી દીધા હતા. સોમલાલ દેખાવે કસાયેલા બદનવાળો અને આકર્ષક યુવાન હતો. તો પોતે પણ રૂપમાં ક્યાં કમ હતી? આજે પણ પોતે રૂપ તો જાળવી રાખ્યું છે. હા તેની સંભાળ લેવાતી નથી. તેનું રૂપ જ અર્પિતાને વારસામાં મળ્યું છે. સોમલાલ તો તેના રૂપ પાછળ પાગલ હતો. એનું જ તો કારણ ત્રણ બાળકો હતા. જો પોતે થોડો સંયમ ના રાખ્યો હોત તો ન જાણે એણે કેટલા બાળકો થવા દીધા હોત! સોમલાલ ઘણી વખત ખેતરે ટિફીન લઇ જવાનું ટાળતો અને બપોરે આરામ કરવાના બહાને આવી બાળકો સ્કૂલ ગયા હોય એટલે વર્ષાની કાયા સાથે રમતો. વર્ષાને પણ મજા આવતી. એ જ તો ઘણી વખત જાણીબૂઝીને રસોઇ જલદી ના બનાવતી અને બપોરે જમવા આવવાનું સોમલાલને બહાનું આપતી હતી!

સોમલાલ વર્ષોથી બાપદાદાની જમીન ખેડીને ચાર જણનું ભરણપોષણ મુશ્કેલીથી કરતો હતો. તેનો ભાઇ હરેશ મહેનતુ હતો. પણ પિતાએ ઘરમાં સંપ જળવાઇ રહે એટલે મરતા પહેલાં બંને ભાઇને સરખા ભાગે જમીન વહેંચી આપી હતી. હરેશને ત્યાં કોઇ સંતાન ન હતું અને પત્ની સતત માંદી રહેતી હતી. તેનો નિભાવ ખેતીમાં સારી રીતે થઇ જતો હતો. પણ પત્નીને અજાણ્યો રોગ ભરખી ગયા પછી તે એકલો જ ખાનાર હતો એટલે ક્યારેક તે સોમલાલને મદદ પણ કરતો હતો.

સોમલાલને ગામના વિદેશ ગયેલા રતિલાલે આવીને ત્યાં મજૂરી માટે માણસની જરૂર હોવાની અને સારી કમાણી હોવાની વાત કરી એ પછી ત્યાં જવાનું મન તેને થઇ રહ્યું હતું. વર્ષા અને ત્રણ બાળકોને છોડીને જતાં તે ખચકાતો હતો. પરંતુ કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ રહ્યો અને જ્યારે માથા પર દેવું વધી ગયું ત્યારે તેણે વિદેશ જવાનો નિર્ણય લઇ લીધો. વર્ષાને પહેલાં તો ગમ્યું ન હતું. પણ માથા પર ચઢી રહેલું દેવું અને ત્રણ સંતાનોને ઉછેરવાની જવાબદારીને કારણે તેણે સોમલાલને વિદેશ જવા મંજુરી આપી દીધી.

એક જ વર્ષમાં સોમલાલે ત્યાં કમાઇને બધું દેવું ભરપાઇ કરી દીધું. તેથી વર્ષાનો માથા પરનો એક ભાર ઊતરી ગયો. સોમલાલે એક વર્ષ પછી જ્યારે પૈસા મોકલવાનું બંધ કરી દીધું અને પાછા આવવા બાબતે વાયદા શરૂ કર્યા એટલે તેના દિલમાં ફડક પેઠી. પછી તો સોમલાલ સાથેનો સંપર્ક જ તૂટી ગયો.

એક વખત રતિલાલ પાછો આવ્યો ત્યારે તેને પૂછ્યું ત્યારે તેણે પણ કહ્યું કે તે મળતો નથી. પણ જ્યારે સોમલાલે ત્યાં કોઇ બાઇ સાથે ઘર માંડી લીધું હોવાની શંકા વ્યક્ત કરી ત્યારે વર્ષા પર વીજળી પડી. તેણે હવે ખેતીમાં જવા માંડ્યું. સોમલાલ જેટલી તે મહેનત કરી શકતી ન હતી. પણ ત્રણ બાળકોનું ભરણપોષણ થઇ જતું હતું. કેટલાય મહિનાઓથી સોમલાલ ભૂલાઇ રહ્યો હતો. તે હવે સોમલાલના પરત આવવાની આશા છોડી ચૂકી હતી. તે પોતાની કાયાને જોઇ રહી. ત્રણ-ત્રણ બાળકોની જવાબદારીએ તેને થોડી કૃશ કરી દીધી છે. તે કંઇક વિચારીને મનોમન મલકાઇ. આજે તેનો મનમયુર નાચી રહ્યો હતો. તેને ઘરે પહોંચવાની ઉતાવળ વધી હતી.

***

અર્પિતા રચના વિશે વિચારતી પડી રહી હતી. રચના પોતાને હરીફ કેમ માની રહી હતી એ સમજાતું ન હતું. પોતે અહીં આવી એ રચનાને ગમ્યું લાગતું નથી. તે સાંજે કઇ વાત કરશે? તે વધારે વિચાર કરે એ પહેલાં દરવાજો ખખડ્યો.

તેને પહેલાં તો થયું કે રચના તો નહીં હોય? તે બેડ પરથી ફલાંગ મારીને દરવાજા પાસે પહોંચી ગઇ અને તરત દરવાજો ખોલી નાખ્યો. સામે વીણા ઊભી હતી. "મેડમ તમને હમણાં જ બોલાવે છે." કહીને તે પોતાના કામે વળગી ગઇ.

અર્પિતાએ કપડાં અને વાળ વ્યવસ્થિત કર્યા. રૂમને આગળો માર્યો અને નીચે ઊતરી.

બહારના હોલમાં રાજીબહેન લાલ રંગની સાટીનની શોર્ટ નાઇટી પહેરીને બેઠા હતા. તેમનું રૂપ ખીલેલું હતું. અર્પિતાને થોડી નવાઇ લાગી. તે કોઇ કોલેજીયન યુવતીને જોઇ રહી હોય એવું લાગ્યું.

અર્પિતાને આવતી જોઇ તેમણે દૂરથી જ કહ્યું:"આવ અર્પિતા..."

અર્પિતા તેમની સામેની ખુરશીમાં બેસી ગઇ. તે બોલ્યા વગર ના રહી શકી. પણ 'સેક્સી' શબ્દને ગળી જઇ બોલી:"મેમ, તમે ગોર્જિયસ લાગો છો."

"થેન્કયુ. તું પણ આવા રંગીન વસ્ત્રોમાં ખીલી ઉઠીશ. મેં એટલા માટે જ તને બોલાવી છે. તારા વસ્ત્રો આવી ગયા છે." કહીને તેમણે ત્રણ પ્લાસ્ટીકની બેગ તેની સામે ધરી.

અર્પિતા પહેલાં તો ખચકાઇ. શહેરના મોટા સ્ટોર્સના કપડાં હોવાનો તેને ખ્યાલ આવી ગયો. મનોમન બોલી રહી. "કેટલા દિલદાર છે રાજીબહેન."

અર્પિતાના સંકોચને પામી ગયેલા રાજીબહેને હસીને કહ્યું:"તું તારે લઇ લે, તારી બહેન જ આપી રહી છે. એમાં કોલેજના અને ઘરનાં બંને કપડાં છે."

અર્પિતાએ ખચકાતાં કપડાં લીધા અને બોલી:"મેડમ, તમે બહુ ખર્ચ કરો છો."

"અરે, તું પહેર તો ખરી! તારી સુંદરતાથી આ કપડાની કિંમત વધી જશે!" રાજીબહેને હસીને કહ્યું.

અર્પિતા કપડાંની થેલી લઇને પોતાની રૂમ પર જવા માટે ઊભી થતાં બોલી:"હું ટ્રાય કરી લઉં છું."

"અરે! ઉપર ક્યાં જાય છે! મારા બાથરૂમમાં બદલી લે! વારાફરતી પહેરીને બતાવ કે કયા કયા ડ્રેસ વધારે સારા લાગે છે. અને જો, કાલે સવારે મારી બ્યુટીપાર્લરવાળીને બોલાવી છે. તને ફેસિયલ, બોડીક્લીન બધું જ કરી આપશે. મારી વિદ્યાર્થીનીનો કોલેજમાં વટ પડવો જોઇએ! અને સાંભળ બાથરૂમમાં નહાઇ પણ લેજે. આજનો થાક ઊતરી જશે અને તાજગી અનુભવીશ...."

રાજીબહેનના ઉપકારના ભાર નીચે દબાઇ રહેલી અર્પિતાથી ના પાડી શકાય એમ ન હતી. રાજીબહેને તેને બાથરૂમ બતાવ્યો.

અંકિતા અંદર ગઇ તો જાણે મોટો રૂમ હતો. આલીશાન રીતે બાથરૂમ સજાવ્યો હતો. લાઇટનો ઝગમગાટ આંજી દે એવો હતો. ચારે તરફ આદમકદ અરીસા હતા. તેણે બેગમાંથી વસ્ત્રો બહાર કાઢ્યા. તેણે ક્યારેય ન જોયા હોય એવા કપડાં હતા. તેને ખ્યાલ ના આવ્યો એટલે તેના પર વાંચ્યું તો 'કેજ્યુઅલ સ્લીવલેસ બ્લેક ટોપ' લખેલું હતું અને સાથે ટૂંકી ચડ્ડી જેવું જીન્સનું શોર્ટ્સ હતું. તેને આટલા ટૂંકા અને ખુલ્લા કપડાં પહેરતાં શરમ આવતી હતી. પછી અંદર જોયું તો નોન પેડેડ ક્પ્સ બ્રા અને પેન્ટી હતા. તેને સમજાતું ન હતું કે આંતરવસ્ત્રો લાવવાની શું જરૂર હતી. તેણે ન્હાવા માટે પોતાના પહેરેલાં કપડાં એક પછી એક ઉતારવાનું શરૂ કર્યું. તેના શરીર પર એકપણ કપડું ના રહ્યું. ત્યારે નિર્વસ્ત્ર અર્પિતાની નજર અરીસા પર પડી અને તે ચમકી ગઇ!

નિર્વસ્ત્ર અર્પિતા શું જોઇને ચમકી ગઇ? એ જાણવા હવે પછીનું પ્રકરણ અચૂક વાંચશો....