રેડલાઇટ બંગલો
પ્રકરણ-૨
રાકેશ ઠક્કર
પ્રથમ પ્રકરણમાં આપે વાંચ્યું....
રૂપવતી અર્પિતા ખુશ હતી. તેને શહેરની જાણીતી કોલેજમાં એડમિશન મળી ગયું હતું. ટ્રસ્ટી મેડમ રાજીબહેનની ભલામણથી તેને સરળતાથી પ્રવેશ મળી ગયો હતો. અર્પિતાના પરિવારની ગરીબી વિશે જાણીને રાજીબહેને તેની ફી માફ કરાવી દીધી હતી. અર્પિતાની માતા વર્ષાબેન ક્યારે અર્પિતા કોલેજમાં આવે અને શહેરમાં આવી જાય તેની રાહ જોતા હતા. ગામમાં તેના માટે જોખમ હતું. સોળ વર્ષે અર્પિતા કળીમાંથી ફૂલ બની રહી હતી. તેનું યૌવન કપડાંમાં સમાતું ન હતું. તેના ફાટફાટ થતા યૌવનને જોઇને ઘણાની આંખમાં સાપોલિયા રમતા હતા. પણ એ તો વિધુર દિયર હરેશભાઇ એવાને નાગ બની ડંખે એમ હતા એટલે કોઇએ અર્પિતા પર હાથ નાખવાની હિંમત કરી ન હતી. હવે રાજીબહેન તેના રહેવાની વ્યવસ્થા પણ કરી રહ્યા હતા. રાજીબહેને અર્પિતાને રહેવા માટે રેડલાઇટની જગ્યા કહી એ સાંભળી અર્પિતા ચોંકી ગઇ હતી.... હવે આગળ વાંચો.
***
અર્પિતા અને તેની માતા કોલેજના ટ્રસ્ટી મેડમ રાજીબહેન સાથે બેસીને રહેવાની જગ્યાની વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે રેડલાઇટમાં રહેવાની વ્યવસ્થાનું કહ્યું એટલે અર્પિતાનું દિલ જોરથી ધડકવા લાગ્યું. રાજીબહેન તેને સાવ ગરીબ માનીને બદનામ વસ્તીમાં રહેવાનું ગોઠવી રહ્યા હોય એવું લાગ્યું. તેના ચહેરા પર ડરને લીંપાયેલો જોઇ વર્ષાબેન પણ ગભરાઇને આંખના ઇશારાથી તેને પૂછવા લાગ્યા:"અંગ્રેજીમાં શું કહે છે બેન?" અર્પિતાએ માના કાન પાસે મોં લઇ જઇને કહ્યું કે તેઓ ધંધાદારી સ્ત્રીઓ રહે છે એવા રેડલાઇટ એરિયામાં રહેવાનું ગોઠવી રહ્યા છે. કદાચ કોઇ સંસ્થા એમ કરતી હશે...."
અર્પિતાની વાત સાંભળી વર્ષાબેન થોડા નારાજ થઇને સંયમિત સ્વરે બોલ્યા:"બેન, તમારી પાસે બીજી કોઇ જગ્યા જ નથી?"
"તમે મારી વાત સાંભળીને આમ ગભરાઇ કેમ ગયા છો?"રાજીબહેનને બંનેના વર્તનથી નવાઇ લાગી રહી હતી.
અર્પિતાએ ખુલાસો કરતાં કહી જ દીધું:"મેડમ, રેડલાઇટ એરિયામાં રહેવું યોગ્ય નહીં ગણાય ને?"
"ઓ...હો! તમારી ગેરસમજ થાય છે. હું કોઇ રેડલાઇટ એરિયાની વાત કરતી નથી. મારા "રેડલાઇટ બંગલા"માં રહેવાની વાત કરું છું."
રાજીબહેનની વાત સાંભળીને તેમની વાતનું ખોટું અર્થઘટન કરવા બદલ અર્પિતા ભોંઠી પડી ગઇ. તેણે તરત "સોરી" કહ્યું.
રાજીબહેને બંનેને સમજાવતાં કહ્યું:"મારા બંગલા ઉપર લાલ સિગ્નલ લગાવ્યો છે. ત્યાં તમારી દીકરી એકદમ સુરક્ષિત રહેશે. મારા બંગલામાં બહારના કોઇ પુરુષને પ્રવેશ મળતો નથી. અને તેના પરનું લાલ સિગ્નલ ચોવીસ કલાક ચાલુ રહીને પુરુષોને ચેતવણી આપે છે. ત્યાં રહેતી છોકરીઓ સલામત રહે છે. મારો બંગલો "રેડલાઇટ બંગલા" તરીકે આખા શહેરમાં જાણીતો છે. ત્યાં કોઇ પુરુષને પ્રવેશ નથી."
"હાશ! તમે તો મારી બધી જ ચિંતા દૂર કરી દીધી. અમારા ગામ કરતાં પણ તે અહીં વધારે સલામત રહેશે."
વર્ષાબેનને અર્પિતાના મબલખ રૂપને લીધે તેના શિયળની ચિંતા સતત સતાવતી રહેતી હતી. આસપાસના જમીનદારોના છોકરાઓ તો અત્યારથી જ તેના રૂપના ઘેલા થયા હતા. અને લગ્નનું માંગુ નાખી રહ્યા હતા. અને રાહ જોઇને ઉંમરની રીતે અર્પિતા પુખ્ત થાય પછી લગ્ન કરવા તૈયાર હતા. પણ વર્ષાબેન તેને આગળ ભણાવીને પરિવારનું ભવિષ્ય સુધારવા માગતા હતા. એટલે બધાને ના પાડી ચૂક્યા હતા. વર્ષાબેનની ના ઘણાને ખૂંચી પણ હતી.
રાજીબહેને બંનેને પોતાની સાથે કારમાં આવીને તેમના બંગલા પરની રૂમ જોઇ લેવા કહ્યું.
બંને રાજીબહેન સાથે કારમાં બેસી ગયા.
રાજીબહેનનો બંગલો શહેરના છેવાડે હતો. શહેરની સરહદ પરના એક ગામમાં તેમનો બંગલો હતો. પણ શહેરની અડોઅડ જ તેમની સોસાયટી હતી એટલે શહેરમાં જ રહેતા હોય એવું લાગતું હતું. અર્પિતાને તેમનું ઘર કોલેજથી થોડું દૂર લાગ્યું. પણ વર્ષાબેનને એ વાત જ ગમી કે આ વિસ્તારમાં મોટા લોકો રહેતા હોય એટલે ટપોરી લોકોની ચિંતા નહીં. અર્પિતાને થયું કે ઘર દૂર હોવાથી કોલેજ જવા-આવવા વાહન જલદી મળી રહેશે નહીં અને તેનો ખર્ચ પણ વધશે. તેની આ શંકાનું સમાધાન પણ રાજીબહેને કરી દીધું. તેમણે કહ્યું કે તેમના બંગલા પર રહેતી છોકરી તેમની કારમાં જ કોલેજ આવતી- જતી હોવાથી અર્પિતાને પણ સાથે લઇ લેશે.
વર્ષાબેનને લાગ્યું કે રાજીબહેન તેમના પર ઘણા ઉપકાર કરી રહ્યા છે. આજના જમાનામાં આવા નિસ્વાર્થ અને સેવાભાવી લોકો દીવો લઇને શોધવા જઇએ તો પણ મળે નહીં.
તેમની કાર રેડલાઇટ બંગલા પર પહોંચી ત્યારે દરવાજો બંધ હતો. રાજીબહેને ચાવી સાથેના રીમોટથી ગેટ ખોલીને કારને અંદર લીધી. વર્ષાબેનને ખ્યાલ આવી ગયો કે રાજીબહેનની પરવાનગી વગર કોઇ અંદર આવી શકે નહીં અને જઇ શકે નહીં. બંગલાનું નિર્માણ કલાકારીગરીથી કરવામાં આવ્યું હતું. તેમાં ભોંયતળિયે રાજીબહેન રહેતા હતા અને પહેલા માળે બનાવેલી વન રૂમ- કિચનની રૂમોમાં છોકરીઓ રહેતી હતી. બંગલાની પાણીની ટાંકી ઉપર દિવસે પણ જોઇ શકાય એવો લાલ પ્રકાશ ફેંકતું ગોળ આકારનું લાલ સિગ્નલ જોઇને વર્ષાબેનને દિલમાં રાહતનો અનુભવ થયો. આસપાસના બંગલાઓની ભવ્યતા પરથી વર્ષાબેનને ખ્યાલ આવી ગયો કે બધી મોટી નોટ જ રહેતી હશે. ઘણા બંગલાના ગેટ પર કૂતરાઓ પહેરો ભરતા હતા. રાજીબહેનનું ઘર તો તેમના હાથમાં જ સલામત હતું એનો તેમને ખ્યાલ આવી ગયો હતો. રાજીબહેન પહોંચ્યા ત્યારે કામવાળી બાઇ કામ પડતું મૂકી દોડી આવી અને તેમના હાથમાંનું પાકીટ લઇ આગળ ચાલવા લાગી. રાજીબહેને તેને સંબોધન કરી કહ્યું:"વીણા, આ નવી છોકરીને ત્રણ નંબરનો રૂમ બતાવી દેજે..." પછી વર્ષાબેન તરફ ફરીને બોલ્યા:"બેન, તમે પણ જોઇ લો..."
વીણા બંનેને ઇશારો કરીને બંગલાની બહારના દાદર પાસે લઇ આવી. દાદર ચઢીને ત્રણેય ઉપર પહોંચ્યા.
વીણા બોલકણી હતી. "બેન, તમે નસીબદાર છો. બહુ ઓછાને આવી સુવિધા મળે છે. બે રૂમ તો હજુ ખાલી જ છે. આ તમારી બાજુમાં રચના રહે છે. એ બીજા વર્ષમાં છે. ગયા વર્ષે જ આવી છે. તમને એની કંપની મળશે કે નહીં કે ગમશે કે નહીં એ હું કહી શકતી નથી...."
"કેમ?" અર્પિતાએ નવાઇથી પૂછ્યું:
"શું કહું? થોડી અતડી છે. કોઇ સાથે બહુ વાત કરતી નથી. પોતાની જાતને બહુ "એ" માને છે. એ તો હવે અભિમાન તૂટશે ત્યારે ખબર પડશે. હા, રાજીબહેનનો હુકમ માને છે. એમનું કહેવાનું ટાળતી નથી." બટકબોલી વીણા દરવાજો ખોલતાં બોલી.
વીણાએ ત્રણ નંબરની રૂમ ખોલી આપી. વર્ષાબેનને ઘરે બપોરની બસ પકડવાની હતી એટલે ઝટપટ રૂમ પર નજર નાખી લીધી. બેસવાની- સૂવાની અને રસોઇની તમામ સાધનો સાથે સુવિધા જોઇને મનોમન ખુશ થયા. "આ તો મારા ઘર કરતા પણ વધારે સુવિધાયુક્ત છે."
તેમણે ઘરનું અવલોકન કર્યા પછી અર્પિતાને કહ્યું:"જો, રાજીબહેને તને પ્રવેશના ફોર્મ માટે બે દિવસ રોકાવા કહ્યું છે. અને કપડાં પણ એ લાવી આપવાના છે. એટલે હવે લગીરેક પણ મને તારી ચિંતા નથી. મારે બસ પકડવા નીકળવું પડશે. નાનકો અને નાનકી મારી રાહ જોતા હશે. હરેશભાઇ આમ તો સંભાળ લેશે. પણ જેટલી જલદી પહોંચું એટલું સારું. એમને ઉપાધિ ઓછી. હા, તું બે દિવસ પછી આવી જજે. અને અઠવાડિયા પછી કોલેજ શરૂ થાય એટલે પાછી અહીં આવી જજે."
અર્પિતાએ માતાની વાત સ્વીકારી અને તેમને ચરણસ્પર્શ કર્યા.
વર્ષાબેનને બસસ્ટેશન સુધી મૂકવા રાજીબહેન કાર મોકલવાના હતા એટલે રાહત હતી.
વર્ષાબેન ગયા એટલે વીણા પણ તેને આરામ કરવાનું કહી દાદર ઉતરી ગઇ.
અર્પિતા એકલી પડી એટલે બાજુની રૂમ પર નજર નાખી. બહારથી તાળું હતું એટલે રચના અંદર હોવી જોઇએ એવું અનુમાન કર્યું. તેની સાથે પરિચય કરવાનું તેને મન થયું. પણ બીજી જ ઘડીએ વીણાની વાતનું સ્મરણ થયું અને તે અટકી ગઇ. પછી વળી થયું કે મારા જેવી સખી મળશે તો એ જરૂર સારી રીતે વાત કરશે. સરખી ઉંમરની છોકરીઓ એકબીજા સાથે જલદી હળીભળી જાય છે. તેને કંપની મળી રહેશે.
તેની સાથે વાત કરવા અર્પિતાએ દરવાજો ખખડાવ્યો. એક-બે વખત ખખડાવ્યા પછી પણ દરવાજો ખૂલ્યો નહીં. તેણે સહેજ જોરથી ખખડાવી છેલ્લો પ્રયત્ન કર્યો.
અને દરવાજો સહેજ ખૂલ્યો. ઊંઘરેટી આંખે રચનાએ દરવાજો જરાક ખોલ્યો અને અર્પિતા પર ઉડતી નજર નાખી. પહેલી નજરમાં અર્પિતાને જોઇ તેની આંખમાં કંઇક સળગ્યું હોય એવી ચમક દેખાઇ. તેણે ઝુલ્ફો હટાવી નજરથી જ પૂછ્યું:"શું છે?"
અર્પિતાએ તેના શરીર પર નજર નાખી. રચના સાવ ટૂંકા કપડાંમાં હતી. તેના ઉપરના ભરાવદાર અંગ દેખાય એવા ટૂંકા કપડાં હતા. પગની પીંડીઓ દેખાય એટલું ટૂંકું શોર્ટસ હતું. સૌંદર્યમૂર્તિ જેવી રચના તેના જવાબની રાહ જોતી ઊભી હતી.
"હું અર્પિતા, તમારી બાજુમાં આજથી આવી છું. તમે રચનાને...?" અર્પિતાએ ઓળખાણ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો.
"હમ્મ...મારી કોમ્પીટીટર બનીને આવી છે...ભાગ પડાવીશ એમને?" બોલી લુખ્ખું હસ્યા પછી રચનાએ આગળ કહ્યું:"અત્યારે આરામમાં છું. સાંજે વાત કરીશું...." અને ધડામ દઇને દરવાજો બંધ કરી દીધો.
અર્પિતાને નવાઇ લાગી. રચનાની વાત તેને સમજાતી ન હતી. એ તો કોલેજના બીજા વર્ષમાં હતી. તો પછી હું તેની સ્પર્ધક કેવી રીતે થઇ? અને હું તેના ઘરમાં ક્યાં ભાગ પડાવવા આવી છું. મારા આવવાથી રાજીબહેનનો તેના માટેનો પ્રેમ ઓછો થઇ જશે એનો ડર હશે તેને?" અર્પિતાને અનેક વિચાર આવી ગયા. હવે તે સાંજ પડવાની રાહ જોવા લાગી. અર્પિતાનું મન કહેતું હતું કે તે કંઇક રહસ્યમય રીતે વાત કરી રહી હતી. તેના શબ્દોનો શું અર્થ નીકળતો હશે? અર્પિતાએ બેડ પર ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ બંધ આંખે રચના જ દેખાતી હતી.
અર્પિતાની સામે રચના કયું રહસ્ય ખોલશે? એ જાણવા હવે પછીનું પ્રકરણ અચૂક વાંચશો....