રેડલાઇટ બંગલો ૨૯ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રેડલાઇટ બંગલો ૨૯

રેડલાઇટ બંગલો

રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૯

રાજીબહેને અર્પિતા અને રચનાને બે દિવસ ફરવા જવાનું કહ્યું એ પછી અર્પિતાએ પોતાના ગામ જવાનું નક્કી કર્યું હતું. તેને રાજીબહેનની ફરવા મોકલવાની વાતથી નવાઇ લાગી રહી હતી. કોલેજક્વીન સ્પર્ધા માટે રાજીબહેન મહિનાથી તૈયારી કરાવી રહ્યા હતા. તેમાં તેમની કોઇ છોકરી વિજેતા બની ના હતી. તેમને ખર્ચ માથે પડ્યો હતો. અને ભવિષ્યમાં લાભ વધવાનો ન હતો. આ વાત તેમના માટે દુ:ખની હતી. છતાં રાજીબહેન તેમને બે દિવસ પોતાના ખર્ચે ફરવા મોકલી રહ્યા હતા. બંને પર ગુસ્સો કર્યો ન હતો અને પ્રેમપૂર્વક મોકલી રહ્યા હતા એનું કોઇ રહસ્ય જરૂર હશે. અર્પિતાને રાજીબહેનની આ કોઇ ચાલ લાગતી હતી. પણ કંઇ સમજાતું ન હતું. તેણે કંઇક વિચારીને વીણાને બોલાવી. અને કહ્યું કે તે અને રચના બે દિવસ પછી ગામ જઇ રહ્યા છે. અને એ દરમ્યાન ઘરની બરાબર સફાઇ કરી દેવાની છે. અર્પિતાએ તેને ઇલેક્ટ્રીક વર્ક અને પ્લમ્બીંગના કામ પણ કરાવવાની જરૂર હોય તો રાજીબહેનને કહેવાની સૂચના આપી.

કોલેજક્વીન સ્પર્ધામાં હાર થયા પછી રચના નિરાશ હતી. સાંજે તે અર્પિતાની રૂમ પર આવી ત્યારે તેના ચહેરા પર તેજ ન હતું.

"અલી, તું તો કરણ જોહરની ફિલ્મ હાથમાંથી જતી રહી હોય અને ભાંગી પડી હોય એવું મોઢું લઇ ફરે છે." અર્પિતાએ રચનાના ચહેરા પર ખુશી લાવવા કહ્યું.

"મને તો બહુ અફસોસ થાય છે કે રાજીબહેનને આપણે સારું પરિણામ આપી શક્યા નહીં."

"એમની બહુ ચિંતા નહીં કરવાની. આપણે થાય એટલો પ્રયત્ન કર્યો. માની લે કે તું અથવા હું કોલેજક્વીન સ્પર્ધા જીત્યા હોત તો કોઇ ફિલ્મ કે ટીવી સિરિયલ મળવાની હતી? આપણો ગ્રાહકો સાચવવાનો સિલસિલો જ ચાલુ રહેવાનો હતો ને? અને એ તો ચાલશે જ ને? કોઇ મોટો ફરક પડવાનો છે? આપણે તો ગ્રાહકો માટે રાતની રાણી જ બનવાનું છે ને?"

અર્પિતાના સવાલમાં જ જવાબ હતા એ રચના સમજતી હતી. "તારી વાત તો સાચી જ છે. મને તો હવે લાગે છે કે આપણે ના જીત્યા એ એક રીતે આપણા લાભમાં જ છે."

"એ કેવી રીતે?"

"આપણું કામ વધશે નહીં. આપણા પર કોઇ લેબલ તો લાગ્યું જ નથી."

"બસ. તો પછી મોજ કરને! તેં રાજીબહેનને કહી દીધું છે ને કે અમે અર્પિતાના ગામ જવાના છે?"

"હા, વાત થઇ ગઇ. એમને એ વાતથી કોઇ મતલબ ના લાગ્યો કે આપણે ક્યાં જઇએ છીએ..."

એ સાંભળી અર્પિતાના મગજમાં ફરી ઝબકારો થયો.

"રચના, કાલે તો હું કોલેજ આવી શકીશ નહીં. પરમ દિવસે પગમાં રાહત થશે એટલે આવીશ. અને પછીના દિવસે આપણે વહેલી સવારે ગામ જવા નીકળી જઇશું. તું કપડાંની બેગ તૈયાર કરી લેજે."

એક દિવસ પછી અર્પિતા ધીમી ચાલથી ચાલવાના અભિનય સાથે કોલેજ ગઇ. ક્લાસમાં જતા પહેલાં અર્પિતા પ્રિંસિપલ રવિકુમારની ઓફિસમાં ગઇ.

અર્પિતાને જોઇ રવિકુમાર ખુરશી પરથી ઊભા થઇ ગયા. "આવ અર્પિતા, હવે કેવું છે?"

"તમારી સામે છું સાહેબ!" અર્પિતા મુસ્કુરાઇ.

"ખરું થઇ ગયું નહીં. તેં સારી તૈયારી કરી હતી. તારો નંબર પાકો હતો. હું તો માનું છું કે..." બોલતાં અટકીને અર્પિતાના ઉભાર પરથી આખા કમનીય શરીર પર રવિકુમારે નજર નાખી. અને આગળ બોલ્યા:"તું બધી લાયકાત ધરાવતી હતી. આવી હોત તો તું જ વિજેતા બની હોત."

અર્પિતાને એ સમજતા વાર ના લાગી કે રવિકુમારનો ઇશારો તેના સેક્સી ફિગર તરફ હતો.

"સર, તમે પણ!" કહી અર્પિતા પોતાના ગુલાબી હોઠ પર જીભ ફેરવી ખોટું હસી.

"ખેર. હવે આવતા વર્ષે વાત."

"સર, હું તમારો આભાર માનવા આવી છું. તમે બહુ મહેનત કરી હતી અને સમય ફાળવ્યો હતો. મેં તમારી મહેનત પર પાણી ફેરવી દીધું. સોરી!"

અર્પિતાની આકર્ષક અદાઓથી ઘાયલ થયેલા રવિકુમાર બોલ્યા:"ઠીક છે હવે. જે થવાનું હતું એ થઇ ગયું. પણ તું મને મળતી રહેજે. એ માટે કોઇ કારણ ના શોધતી....!"

"સર! તમારી મહેનતનું ફળ તો તમને મળવું જ જોઇશે. હું કંઇક ગોઠવીને તમને ખુશ કરી દઇશ." કહી અર્પિતાએ આંખ મારી.

રવિકુમાર તેના ઇશારાથી પાણી પાણી થઇ ગયા.

અર્પિતા રવિકુમારને સપના જોતી મૂકીને ક્લાસમાં જતી રહી.

રીસેસમાં તે વોશરૂમમાં જઇ રહી હતી ત્યારે તેની પાછળ એક છોકરી ઘૂસી ગઇ. અને દરવાજો બંધ કરી દીધો. અર્પિતાએ ચોંકીને પાછળ જોયું તો મીના ઊભી હતી.

"અરે મીના! શું વાત છે?" અર્પિતાને તેના વર્તનથી નવાઇ લાગી.

"આપણી વાત થઇ હતી ને કે કોલેજક્વીન સ્પર્ધા પછી આ ધંધામાંથી છૂટવાનો રસ્તો શોધવાનો છે. જલદી કહે શું કરીએ.."

"મીના, તું ઉતાવળ ના કર. આપણે કોઇ રસ્તો જરૂર શોધીશું.

"જો હવે સમય ઓછો છે. અમારો ધંધો ફરી શરૂ થઇ ગયો છે. દરરોજ કોઇ નવા પુરુષને સંતોષ આપવાનું હવે ગમતું નથી. આ ધંધામાં કોઇ લાઇફ નથી. જો ગામમાં કોઇને ખબર પડી જશે તો અમારા લગ્ન પણ નહીં થાય. અને જો કોઇ રોગના સપાટામાં આવી ગયા તો લાઇફ શરૂ થતા પહેલાં જ પૂરી થઇ જશે."

"તારી વાત સાચી છે. પણ તમે મારા પર આટલી મીટ માંડીને કેમ બેઠા છો?"

"અમે જાણીએ છીએ કે તું રાજીબહેન અને પ્રિંસિપલની નજીક છે અને તેમને સમજાવી શકે છે."

"જો, એ લોકોને સમજાવી શકાતા હોત તો હું પણ આ ધંધામાં ના હોત. હું પ્રયત્ન કરીશ. તું મારા સંદેશાની રાહ જોજે."

"પણ જલદી કંઇક કરજે..." કહી મીના ઝટપટ દરવાજો ખોલી ફરી આડો કરી જતી રહી.

અર્પિતાને મીનાના અવાજમાં કોઇ ડર ડોકાતો લાગ્યો. અર્પિતાને થયું કે હવે જલદી કંઇક કરવું પડશે.

કોલેજથી છૂટીને અર્પિતા અને રચના બજારમાં ખરીદી કરવા ગયા. અર્પિતાએ મા અને ભાઇ-બહેન માટે કપડાં સાથે બીજી વસ્તુઓ લીધી.

ખરીદી કરીને બંને રેડલાઇટ બંગલો પર પાછી ફરી ત્યારે રાજીબહેન ઘરે જ હતા. બંને એમને મળવા પહોંચી.

"મેમ, અમે કાલે સવારે નીકળીશું. વહેલી બસ છે."

"હું કાર મોકલું છું..."

"ના મેમ, અમે જતી રહીશું. કારમાં જઇશું તો ગામવાળાને શંકા જશે. અમને કાર કેવી રીતે પોસાય છે એવું વિચારશે. અમને બસ ડેપો સુધી મૂકવા કાર મોકલજો."

"ઠીક છે. પણ બે દિવસમાં આવી જજો. હવે તમારી નોકરી પાછી શરૂ થશે...તારી માને મારી યાદ આપજે." રાજેબહેને તેમને ઇશારામાં કહી દીધું.

"જી મેમ." કહી બંને પોતાના રૂમ પર આવી.

બંને ઉપર ગઇ એ પછી રાજીબહેને પોતાના બેડરૂમમાં જઇ કોઇને ફોન કરી કાલે આવી જવાનું કહ્યું અને અર્પિતા વિશે વિચારવા લાગ્યા.

આ છોકરીને મેં તેનું રૂપ જોઇને પસંદ કરી હતી. આજ સુધી આવેલી છોકરીઓમાં અર્પિતા રૂપનો કટકો છે. તેને જોઇને ભલભલા પુરુષોની રક્તવાહીનીઓમાં રક્તપ્રવાહની ગતિ વધી જાય એમ છે. કોઇને પણ ગમી જાય એવું કાતિલ રૂપ છે. જેની પાસે મોકલું છું એ દરેક ગ્રાહકની ફીડબેક સારી જ આવી છે. મારી ગુડવીલ વધી છે. પણ અર્પિતાથી જે આર્થિક લાભ થવો જોઇએ એ થઇ રહ્યો નથી. એની પાછળ ખર્ચ ઘણો કરું છું. એ આવી ત્યારથી જ મારી ઇચ્છા વિરુધ્ધ બધું થઇ રહ્યું છે. આ યોગાનુયોગ છે કે અર્પિતા જાણીબૂઝીને કરી રહી છે? તે વર્જીન હતી. પણ ગામ જઇને આવી અને વર્જીન ના રહી. એને ખુદને પણ એ વાતની ખબર નહીં રહી હોય? મારા ગેસ્ટહાઉસમાં રેડ પડાવવા એણે જ ફોન કર્યો હશે? પોલીસે આપેલી માહિતીમાં તો કોલેજની કોઇ છોકરીનો જ અવાજ હોવાનું કહેવાયું હતું. જો એ ફોનનું ટેપીંગ થયું હોત તો સત્ય સામે આવી જાત. કોલેજથી થોડે દૂર આવેલા બૂથમાંથી જ ફોન થયો હતો. તેની સાથે બીજી છોકરીઓ પર વોચ ગોઠવી તો પણ કોઇ માહિતી મળી નથી. તેને પૂછ્યું ત્યારે રવિકુમાર સાથે સ્પર્ધાની તૈયારી કરવા પિરિયડ છોડ્યા હોવાનું કહ્યું હતું. પણ તે આટલું મોટું કાવતરું કરી શકે? રચના તો પહેલાંથી જ ભોળી છે. તેને અર્પિતા વિશે એક-બે વખત પૂછ્યું ત્યારે સારું જ કહ્યું હતું. તો કોણ હોય શકે? સમજાતું નથી. એ તો સારું થયું કે ડીએસપી ઓફિસમાં મારો માણસ હતો. જો ડીએસપીને સીધો ફોન પહોંચી ગયો હોત તો રેડમાં ધંધો પકડાઇ ગયો હોત. એ પોલીસવાળાનું મોં બંધ રાખવા કેટલા બધા રૂપિયા ઠૂંસવા પડ્યા. અને હવે આ કોલેજક્વીન સ્પર્ધામાં અર્પિતા ભાગ ના લઇ શકી કે તેણે જાણીજોઇને કાચ પાડી દીધો? કોઇ આ રીતે તો પોતાની જાતને નુકસાન ના કરાવે ને? અર્પિતા રહસ્યમય લાગી રહી છે. તેના પર નજર રાખવી જ પડશે. અર્પિતા કાલે ગામ જાય એટલે કામ કરી દેવું પડશે. પછી તક મળશે નહીં. તેના પર શંકા ઊભી થઇ છે તો તેનું નિવારણ લાવવું જ પડશે.

***

વિનયને પોતાના ખેતરની કામગીરી સોંપવાની વાત કર્યા પછી બીજા જ દિવસે વિનય જાતે જ તેમની પાસે આવ્યો એટલે હરેશભાઇ મૂછમાં મલકાયા. અર્પિતાની વાત કામ કરી ગઇ લાગે છે!

"આવ વિનય!"

"ભાઇ, હું તમારા ખેતરની સંભાળ લઇશ. બાપાએ હા પાડી છે."

"સરસ. તમારા જેવા યુવાનો છે ત્યાં સુધી ખેતીઉદ્યોગ તો ચાલતો રહેશે."

"ગામડામાં શહેરી પવન વાયો નથી ત્યાં સુધી વાંધો નહીં આવે."

"અને સાંભળ..." હરેશભાઇએ તેને નજીક આવવાનો ઇશારો કરી કહ્યું:"મારા ખેતર પર કોઇનો ડોળો લાગે છે. મને શંકા છે કે કોઇએ તેમાં આગ લગાવી હતી. એની પણ તું માહિતી મેળવી આપજે..."

"હા, હું ખાનગીમાં તપાસ કરીશ,"

"શાબાશ!" હરેશભાઇ ખુશ થઇ ગયા.

વિનય હરેશભાઇને મળીને બહાર નીકળ્યો ત્યારે તેને અર્પિતાના જ વિચાર આવી રહ્યા હતા. અર્પિતાને તે ચાહવા લાગ્યો હતો. તેની સાથે તે સ્કૂલમાં ભણતો હતો ત્યારે પસંદ કરતો હતો. અને તેનો એક વખત સહવાસ થયા પછી તેને પામવાની ઇચ્છા વધી રહી હતી. અર્પિતાએ તેનું સર્વસ્વ સોંપી દીધા પછી તેની ઘણી રાતો યાદમાં વીતતી હતી. અર્પિતાનો ચહેરો અને તેનો સંગ તેને યાદ આવ્યા કરતા હતા. હરેશભાઇના ખેતીના કામમાં તેને રસ પડ્યો ન હતો. પણ અર્પિતા માટે તે તૈયાર થયો હતો. અને આ વખતે અર્પિતા મળે ત્યારે લગ્નની વાત કરવાનો હતો. હરેશભાઇએ જ્યારે અર્પિતા સાથે લગ્નની વાત કરી ત્યારે તેને લાગ્યું હતું કે સપનું સાકાર થવામાં હવે વાંધો નહીં આવે. પણ વિનયને ખબર ન હતી કે અર્પિતાને કારણે હરેશભાઇનું ખેતીનું કામ રાખીને તે કેવા ચક્રવ્યુહમાં ફસાઇ જવાનો હતો.

***

શું અર્પિતા વિનય સાથે લગ્ન કરવા તૈયાર થશે? રચના અને અર્પિતાને બે દિવસ બહાર મોકલવા પાછળ રાજીબહેનનો ઇરાદો શું હતો? અર્પિતાને રાજીબહેનના ઇરાદાની જાણ થશે? હરેશભાઇને કારણે વિનય કેવી રીતે ફસાઇ જશે? એ બધું જ જાણવા હવે પછીના રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.

રેટ કરો અને રિવ્યુ આપો

Bharat Maghodia

Bharat Maghodia 1 માસ પહેલા

Hims

Hims 6 માસ પહેલા

Nimish Thakar

Nimish Thakar માતૃભારતી ચકાસાયેલ 3 વર્ષ પહેલા

kiran shah

kiran shah 2 વર્ષ પહેલા

Hemal nisar

Hemal nisar 2 વર્ષ પહેલા