Redlite Bunglow - 10 books and stories free download online pdf in Gujarati

રેડલાઇટ બંગલો ૧૦

રેડલાઇટ બંગલો

રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૦

અર્પિતાએ રેડલાઇટ બંગલા પર આવીને પોતાની ભાવિ યોજના પર વિચારવાનું કામ શરૂ કરી દીધું હતું. તેનું કુંવારાપણું અકબંધ હતું. પણ ઓપરેશનની જરૂર ન હોવાની વાત રાજીબહેને કર્યા પછી અર્પિતાને ધનુરના ઇંજેશનની નવાઇ લાગી હતી. આ અને બીજી બાબતો વિશે પણ રચના પાસેથી માહિતી મેળવવાનું જરૂરી હતું. રાજીબહેનને માત આપવાનું સરળ ન હતું. બાઇ જમાનાની ખાધેલ હતી અને પહોંચ ધરાવતી હતી એટલે બહુ સાવચેતીથી પગલા ભરવાના હતા. રાજીબહેને પહેલા જ દિવસે ચાલાકીઓ કરીને અર્પિતાને પોતાના વશમાં કરી લેવાનું કાવતરું સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. તેના સેકસી અંદાજમાં ફોટા પાડી લીધા હતા અને નગ્ન સ્થિતિમાં વીડિયો ઉતારી લીધો હતો. એટલે ડગલે ને પગલે તે સુરંગ બીછાવતી બાઇ હતી. રચનાએ તેને ઇશારો પણ કર્યો હતો કે અગાઉ કેટલીક છોકરીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. પરંતુ અર્પિતા એવું કરવા માગતી હતી કે રાજીબહેનનો જીવ તાળવે ચોંટેલો રહે. કોઇ અચાનક પાછળથી માથા પર વાર કરે અને આંખે અંધારા આવી જાય એવા વાર કરવા માગતી હતી. વળી ખબર પણ ના પડે કે કોણે વાર કર્યો હતો.

તેણે વધુ સમય બગાડ્યા વગર રચનાને બોલાવી. અને કહ્યું:"રચના, હું ચાર દિવસ ગામ જઇ રહી છું. આપણે પછી મળીશું."

"અર્પિતા, તું કોલેજ માટે તારી તૈયારી કરીને આવી જા પછી આપણે કોલેજમાં મજા કરીશું. અને હા તારી ડોક્ટરી તપાસનો રીપોર્ટ શું આવ્યો? એ તો તું કહેતી જ નથી ને!"

"હું હજુ કાચી કુંવારી છું! ડોક્ટરે કોઇ ઓપરેશનની જરૂર ન હોવાનું કહ્યું હતું. પણ એ વાતની નવાઇ લાગી કે મને ક્યાંય ક્યારેય વાગ્યું ન હતું છતાં ધનુરનું ઇંજેકશન કેમ આપ્યું હશે?"

"ગાંડી એ ધનુરનું નહીં કોન્ટ્રાસેપ્ટીવ ઇંજેકશન હતું. જેના કારણે તારી સાથે કોઇ પુરુષનો પ્રોટેક્શન વગર સંબંધ થાય તો પણ ત્રણ માસ સુધી બાળક રહેવાની શક્યતા ભાગ્યે જ રહે છે. રાજીબહેન બહુ લાંબું વિચારે છે! અને એમાં આપણી સલામતિ હોય છે." રચનાએ ઇંજેકશનનું રહસ્ય ખોલ્યું.

એ જાણીને અર્પિતાને આંચકો લાગવાને બદલે ખુશી થઇ. પણ એ તેણે રચનાથી છુપાવી. રાજીબહેનને પહેલી માત આપવા માટે પોતાની યોજનાને પાર પાડવા આ બાબત ઉપયોગી સાબિત થાય એમ હતી. તેને થયું કે રાજીબહેન તેનું કામ સરળ બનાવી રહ્યા છે.

"તું તો આ ક્ષેત્રમાં સેક્સ બોમ્બ સાબિત થવાની છે. રાજીબહેનને પોતાના વીઆઇપી ગ્રાહકને આપવા જે જોઇએ એ બધું જ તારામાં કુદરતી રીતે છે." રચના ઉત્સાહથી બોલી.

"રાજીબહેનને ખબર નથી કે હું એવો બોમ્બ બનીશ કે ફૂટ્યા પછી પણ અવાજ નહીં આવે" એમ મનમાં બોલી તેણે બીજી માહિતી મેળવવા પૂછ્યું."ચાલ હવે મારા વખાણ બંધ કર. અને તું કહેતી હતી કે રાજીબહેન આ ધંધામાં ગ્રાહકોને છેતરે છે એ શું?"

"બીજી રીતમાં તો છોકરીઓને વધુ સુંદર બનાવવા પ્લાસ્ટીક સર્જરી કરાવે છે... હવે બધું જ અત્યારે જાણવાની શું ઉતાવળ છે? ચાર દિવસ પછી આપણે એક જ મંઝિલના પ્રવાસી છે. એની પછી વાત કરીશું. તું ક્યારે નીકળવાની છે એ કહે?" રચનાએ વાતને જલદી પૂરી કરી દીધી.

"આજે સાંજની બસમાં નીકળીશ. રાજીબહેન સાથે વાત થઇ ગઇ છે."

અર્પિતાએ કહ્યું એટલે રચના ઊભી થઇ અને "ચાલ ત્યારે જલદી મળીશું" કહી તેના રૂમ પર ગઇ.

અર્પિતાએ નક્કી કર્યું કે એ પણ રાજીબહેનને એવી છેતરશે કે ખબર જ નહીં પડે.

અર્પિતાએ બપોરે આરામ કર્યો અને સાંજે બસસ્ટેન્ડ પર પહોંચી ગઇ.

બસ સમયસર હતી. તે બસમાં બેસીને પણ પોતાની યોજના પર જ વિચારતી રહી.

અર્પિતા ઘરે પહોંચી ત્યારે મા અને બંને ભાઇ-બહેન તેને જોઇને ખુશ થઇ ભેટી પડ્યા. આ ચાર દિવસમાં તેણે માને મદદ કરીને ઘર વ્યવસ્થિત કરવાનું હતું અને નાના ભાઇ-બહેન સાથે વધુ સમય ગાળવાનો હતો.

અર્પિતાએ જોયું કે મા છેલ્લાં થોડાં વર્ષો કરતાં વધુ ખુશ દેખાતી હતી. મોં પર જાણે યુવાનીની લાલી આવી ગઇ હતી. તેના બોલવામાં હવે અનેરો ઉત્સાહ હતો અને શરીરની ઉર્જા પણ જાણે વધી ગઇ હતી. અર્પિતાને એ સમજતાં વાર ના લાગી કે હરેશકાકાના સંગની જ આ અસર હતી. માના અંગેઅંગમાં સ્ફૂર્તિ દેખાતી હતી. કદાચ તે વધુ સુંદર દેખાતી હતી. પોતાના શરીરનું ધ્યાન રાખતી થઇ હતી. અર્પિતાને હજુ સમજાતું ન હતું કે માનું આ પગલું યોગ્ય હતું કે નહીં. એમ પણ થતું કે પુરુષ તો ગમે ત્યાં મોઢું મારી લેતો હોય છે. સ્ત્રી માટે એ સરળ હોતું નથી. તે સમાજના નિયમોથી બંધાયેલી હોય છે. બધા નિયમો એણે જ પાળવાના હોય છે. અને યોગ્ય-અયોગ્ય વિચારવાનું હોય છે.

"બેટા, શું વિચારમાં પડી ગઇ? આવી ત્યારથી ગૂમસૂમ જેવી છે. અમારી ચિંતા ના કરતી. તું તારા ભણવા પર ત્યાં ધ્યાન આપજે." વર્ષાબેન બોલ્યા ત્યારે અર્પિતા વિચારોમાંથી બહાર આવી.

"મા, હવે બહુ ઓછું મળાશે. તું તારી અને આ બંનેની સંભાળ લેજે. મારાથી લાંબી રજાઓ સિવાય આવી શકાશે નહીં." અર્પિતાએ પોતાની લાગણી વ્યક્ત કરી દીધી.

"તું અમારી બાબતે બેફિકર રહેજે. તારા કાકા પણ છે જ ને. કોઇ તકલીફ પડવા દેશે નહીં." વર્ષાબેને તેને ધરપત આપી.

રાત્રે ચારેય જણ જમીને જલદી સૂઇ ગયા. બીજા દિવસે ઘણા કામ પૂરા કરવાના હતા.

બીજા દિવસે ખેતીનું કામ અને ઘરની સાફસફાઇમાં અર્પિતા અને વર્ષાબેન વ્યસ્ત રહ્યા. રાત્રે જમીને અર્પિતાએ કહ્યું:"મા, હવે હું ગામમાં ત્રણ દિવસ જ છું. મારી બહેનપણી પ્રેમાને મળવાનો પછી સમય નહીં મળે. હું એના ઘરે જઇ આવું. જો મોડું થશે તો રોકાઇ જઇશ નહીંતર ઘરે આવીશ."

"બેટા, સવારે જ જજે ને. રાત્રે ક્યાં એકલી આવીશ?" વર્ષાબેનને ચિંતા થઇ. તેમને ખબર હતી કે અર્પિતાની પાછળ ગામના કેટલાય યુવાનો પાગલ હતા. કોઇ રાત્રે લાભ લઇ લે એવું જોખમ ના લેવું.

"મા, તું નકામી ચિંતા કરે છે. જો આ ડાંગ લઇ જઉં છું. કોઇ હાથ નાખવાની કોશિષ કરશે તો માથામાં એવી ફટકારીશ કે મગજમાં ક્યારેય મારા માટે વિચાર આવશે નહીં. તું જ કહેને દિવસે ક્યાં મને કે પ્રેમાને સમય મળવાનો હતો?" અર્પિતાએ હાથમાં ડાંગ ઉપાડી કહ્યું.

વર્ષાબેન ચિંતા કરતા રહ્યા અને અર્પિતા પ્રેમાના ઘરે જવા નીકળી ગઇ.

અર્પિતાને જોઇ પ્રેમા નવાઇ પામી. પ્રેમા જમીને ઊંઘવાની તૈયારી જ કરી રહી હતી. તે અર્પિતાને લઇ ઘર પાછળ ઢાળેલા ખાટલા પાસે ગઇ અને બોલી:"આજે હવે અહીં જ રોકાઇ જજે."

"વિચાર તો એવો જ છે. ઊંઘ ના આવે ત્યાં સુધી વાત કરીશું. અને તો પણ ઊંઘ ના આવે તો હું જતી રહીશ." અર્પિતાએ પોતાના રાતના આયોજનને ધ્યાનમાં રાખીને કહ્યું.

પ્રેમાએ તેના લગ્ન નક્કી થઇ ગયા તેની વાત કરી ત્યારે અર્પિતાને નવાઇ લાગી. પ્રેમા દેખાવમાં સામાન્ય હતી. એટલે ગામના એક સામાન્ય દેખાવના યુવાન મુકુંદ સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગઇ હતી.

"પણ તું તો હજુ સત્તરની છે. એક વર્ષ રાહ જોવી પડશે ને?" અર્પિતાએ તેને પૂછયું.

"હા, લગ્ન માટે તો રાહ જોવી જ પડશે ને. પણ મુકુંદ બીજી બાબતે રાહ જોવા તૈયાર નથી! હું તો ના પાડું છું પણ એની જીદ સામે કેટલો સમય ટકી શકીશ એ ખબર નથી. આ જોબન જ એવું હિલોળે ચઢાવે છે કે વાત ના પૂછ! એ બધું છોડ તારું ભણવાનું ક્યારથી ચાલુ થશે? તું તો ફાવી ગઇ."

"પ્રેમા, બે દિવસ પછી હું શહેરમાં જઇશ. મારે ભણીને આખા ઘરનો ભાર ઉપાડવાનો છે. તું કેમ કોલેજ નથી કરવાની?"

" મારા બાપાને મારી બહુ ચિંતા છે. વહેલી વિદાય કરીને ભાર ઉતારવા માગે છે. મારા બાપાએ કોલેજની તો ચોખ્ખી ના પાડી દીધી. કહે છે કે શહેરમાં જઇને છોકરીઓ બગડી જાય છે. સ્વચ્છંદી થઇ જાય છે. સમાજના કોઇ નિયમો પાળતી નથી. એટલે બારમું કર્યા પછી ઘર માંડીને શાંતિથી ગામમાં જીવવાનું. અને હું ભણવામાં તારા જેટલી હોંશિયાર પણ ક્યાં હતી. આટલા ટકામાં કોઇ કોલેજ મને ના લે. અને હવે તો લગ્ન પણ નક્કી થઇ ગયા છે! મજા જ કરવાની છે!" પ્રેમા પોતાની સ્થિતિમાં ખુશ હતી.

અર્પિતા મોડી રાત સુધી પ્રેમા સાથે અલક-મલકની વાતો કરતી રહી. પ્રેમાને હવે ઊંઘ આવી રહી હતી. તે વારેવારે બગાસાં ખાતી હતી. અને સૂઇ જવાનું કહેતી હતી. પણ અર્પિતા ઊંઘ આવતી ન હોવાનું જ કહ્યા કરતી હતી. ઘડિયાળમાં બારના ટકોરા પડયા એટલે અર્પિતા બોલી:"પ્રેમા, મને તો અહીં ઊંઘ આવતી નથી. હું ઘરે જઉં છું."

પ્રેમા કહે:"અલી, આટલી રાત્રે ક્યાં એકલી જવાની? હું બાપાને કહું છું તને મૂકી જશે..."

"બાપાને હેરાન કરવાની જરૂર નથી. તું ચિંતા ના કર. આ ડાંગ સાથે જ લાવી છું." અર્પિતાએ કહ્યું અને ડાંગ હાથમાં લઇ જવા લાગી. પ્રેમા ડરથી તેને ના પાડતી રહી પણ અર્પિતાએ તેનું માન્યું નહીં.

અર્પિતા બહાર નીકળી ત્યારે ચાંદની સિવાય કોઇ અજવાળું ન હતું. બધાંનાં ઘરની લાઇટો બંધ હતી. કાચો રસ્તો સૂમસામ હતો. તેણે પગલાં માંડવાનું શરૂ કર્યું. તેના ડગ ઘર તરફ જતા ન હતા. તે મુખ્ય રોડ પર થોડું ચાલીને ખેતરોની એક કેડી તરફ વળી ગઇ. તે આમતેમ નજર નાખતી આગળ વધી રહી હતી. તેણે દૂરથી એક ખેતરમાં મોટા વૃક્ષ નીચે ખાટલો ઢાળેલો જોયો. અને તેના પર કોઇ સૂતું હતું. તેના ચહેરા પર આનંદ ફેલાયો. તેને થયું કે આજનો ધક્કો ફોગટ નહીં જાય.

અર્પિતા અડધી રાતે કોની પાસે અને શું કામ માટે આવી હતી? એ જાણવા હવે પછીનું પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED